samrat ashok books and stories free download online pdf in Gujarati

સમ્રાટ અશોક

સમ્રાટ અશોક (ભારતવર્ષના મહાન રાજાઓ)

દીવ્યવદાન નામનો એક સંસ્કૃતમાં ગ્રંથ છે તેમાં જુદી જુદી બૌદ્ધ સાધુઓએ લખેલી વાર્તાઓ છે. એમાં અશોકાવદાન નામનું એક પ્રકરણ પણ છે જે આખું મૌર્ય સામ્રાજ્યના મહાન સમ્રાટ અશોકનું જીવન ચરિત્ર જ છે. તેમાં આ મહાન રાજા બૌદ્ધ સમ્રાટ તરીકે રજુ થાય છે. ખેર અશોકે એની પાછલી જિંદગીમાં બુદ્ધ ધર્મનો ખુબ ફેલાવો કરેલો અનેક સ્તૂપ બાંધેલા તે ઐતિહાસિક હકીકત છે. આ ‘અશોકાવાદાન’નું ચીની પ્રવાસી ફા હિએન દ્વારા ચાઇનીઝ ભાષામાં અનુવાદ પણ થયેલો છે. Jean Przyluski દ્વારા ૧૯૨૩માં ફ્રેંચ ભાષામાં અને John S. Strong દ્વારા ૧૯૮૩માં અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે.

‘અશોકાવદાન’ પ્રમાણે આગલા જન્મમાં અશોક ભગવાન બુદ્ધને ખોરાક સમજી કૈક કચરા જેવું અર્પણ કરે છે. ભગવાન બુદ્ધ આગાહી કરે છે આ છોકરો બીજા જન્મમાં મહાન ચક્રવર્તી રાજા બનશે. અશોક મહાન ચંદ્રગુપ્તના પુત્ર બીન્દુસારનો પુત્ર હતો. પણ કદરૂપો હોવાથી બિન્દુસારને બહુ ગમતો નહિ. અશોકે એના ઓરમાન ભાઈઓને મારીને રાજગાદી કબજે કરેલી. તે એક ક્રૂર રાજા હતો એના ભયંકર ગુસ્સા માટે જાણીતો હતો. વાર્તા પ્રમાણે એણે ૫૦૦ મંત્રીઓને વફાદાર નહિ લાગતા મારી નાખેલા. એના હરમમાં અનેક રાણીઓ હતી એમાની કેટલીકને જીવતી બાળી નાખેલી તેવું પણ કહેવાય છે. એણે એક ટોર્ચર ચેમ્બર પણ બનાવેલી એનું નામ ‘પૃથ્વી પરનું નરક’ આપવામાં આવેલું. એને ‘અશોકનું નરક’ પણ કહેવાતું. કોઈ બૌદ્ધ કે જૈન ધર્મ ના પાળતો હોય તેવા આજીવકે બુદ્ધ મહાવીરના ચરણે પડ્યા હોય તેવું ચિત્ર બનાવ્યું હશે. આજીવક એટલે મખ્ખલી ગોશાલના નાસ્તિક લોકો. ચંદ્રગુપ્તના સમયમાં એમનો સુવર્ણકાળ હતો. દરેક પદાર્થ અણુનો બનેલો છે તેવી વૈશેષિક દર્શન વિચારધારામાં માનતા આજીવક બહુ બુદ્ધિશાળી મનાતાં. પણ હવે બુદ્ધ મહાવીરના ચરણે? કોઈ બૌદ્ધ સાધુએ ફરિયાદ કરી રાજા અશોકને. એ તો જીવથી ગયો પણ બીજા ૧૮,૦૦૦ આજીવકોને સૂળીએ ચડાવી દીધા. થોડા સમય પછી બીજા કોઈ જૈને આવું ચિત્ર ફરી બનાવ્યું તો અશોકે એના આખા કુટુંબ સહીત એના ઘરમાં જ સળગાવી દીધો. તો કોઈ નિર્ગ્રંથનું માથું કાપી લાવે તો એને સોનામહોર આપવાનું પણ ચાલુ કર્યું. એમાં કોઈએ એના ભાઈ વિતશોક ને જ મારી નાખ્યો સોનામહોરોની લાલચમાં.

સમ્રાટ અશોકનો સમયગાળો ઈસા પહેલાનો ૩૦૪ થી ૨૩૨ વચ્ચેનો ગણાય. હાલના તમિલનાડુ અને કેરલ સિવાય ઉત્તરમાં અફઘાનિસ્તાન સુધી અને ગુજરાત થી બંગાળ સુધી એનું રાજ હતું. એની રાજધાની પાટલીપુત્ર હાલના બિહારમાં હતી. એની બીજી બે પેટા રાજધાનીઓ ઉજ્જૈન અને તક્ષશિલા હતી. આશરે ઈસા પહેલા ૨૬૦માં હાલના ઓરિસ્સામાં આવલા કલિંગ ઉપર ચડાઈ કરી જે એના પૂર્વજો કદી જીતી શક્યા નહોતા. કલીન્ગના યુદ્ધમાં આશરે બે લાખ માણસો માર્યા ગયા હતા તેવું કહેવાય છે. ત્યાર પછી આ મહાન ક્રૂર રાજા કલિંગનાં યુદ્ધનો સર્વનાશ જોઈ દ્રવી ઉઠ્યો અને એણે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો.

અશોકનો અર્થ થાય શોક રહિત મતલબ painless, without sorrow. તે દેવાનામ્પ્રિયા અને પ્રિયદર્શી પણ કહેવાતો હતો. એની માતાનું નામ શુભદ્રાંગી અથવા જનપદ કલ્યાણી હતું. તેને બીજી માતાઓ વડે ઘણાબધા ભાઈઓ હતા. પણ એનું યુદ્ધ કૌશલ અજોડ હતું. તેને નાનપણથી જ સખત ટ્રેનિંગ આપવામાં આવેલી. તે એક નિર્ભય શિકારી હતો. કહેવાય છે એણે લાકડીથી એક સિંહને મારી નાખેલો. તે સમયે સિંહ આખા હિન્દુસ્તાનમાં હતા. તે એક ડરામણો યોદ્ધો અને ક્રૂર સેનાપતિ હતો. અવંતીમાં થયેલા તોફાનો દબાવી દેવા સમ્રાટ બિન્દુસારે એને મોકલ્યો હતો. બિન્દુસાર એના પુત્ર સુશીમને રાજગાદી સોપવા માંગતો હતો. પણ બિન્દુસારનાં મંત્રીઓ અશોકને ગાદી પર બેસાડવા માંગતા હતા. એમાં રાધાગુપ્ત નામના મંત્રીએ મહત્વનું કામ કરેલું. અશોકે રાજા બની રાધાગુપ્તને મુખ્ય અમાત્ય બનાવવાનું કામ કરેલું. ‘દીપવંશ’ અને ‘મહાવંશ’ ગ્રંથો પ્રમાણે અશોકે તેના ૯૯ ભાઈઓને મારી નાખેલા, ફક્ત એક વિતશોક નામના ભાઈને જીવતો રહેવા દીધેલો. આમ એના ક્રૂર સ્વભાવ પ્રમાણે એનું બીજું નામ ચંડઅશોક પણ હતું. રાજગાદી મળ્યા પછી એણે આઠ વર્ષ એનું રાજ્ય વિસ્તારવામાં કાઢ્યા હતા. હાલના આસામથી બલોચિસ્તાન સુધી અને ઉત્તરમાં અફઘાનીસ્તાનના પામીર નોટ થી દક્ષિણમાં કેરાલા અને તમિલનાડુ સિવાય બાકીનું તમામ હિન્દુસ્તાન એણે કબજે કરેલું. અશોકની જિંદગીનો પૂર્વાર્ધ લોહીયાળ રહ્યો છે. પણ કલિંગનાં યુદ્ધ પછી તે સાવ બદલાઈ ગયો હતો. સૌથી ક્રૂર રાજા સૌથી વધુ દયાળુ બની ગયો ને ભારતવર્ષના ઇતિહાસમાં મહાન રાજા બની ગયો. આજે ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ચાર સિંહ અને અશોક ચક્ર છે તે એની દેન છે. થાઈલેન્ડ અને શ્રી લંકા સુધી બૌદ્ધ ધર્મનો ફેલાવો એણે કર્યો.

બ્રિટીશ સામ્રાજ્યનાં શરૂઆતના દોરમાં અશોક સાવ ભુલાઈ ગયો હતો. જેમ્સ પ્રીન્સેપ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાઈરેક્ટર જનરલ જોહન હૂબર્ટ માર્શલ સર એલેક્ઝાન્ડર કુનીઘામ જેવા બ્રિટીશ આર્કીયોલોજીસ્ટ અને લશ્કરના એન્જીનીયર જેવા મહાનુભાવોએ અશોકના ઈતિહાસને પાછો ખોદી નાખ્યો. એમનો મુખ્ય રસ સારનાથ અને સાચીનાં સ્તુપોમાં હતો, એમને રસ હતો મહાબોધિ મંદિરમાં. બ્રિટીશ આર્કિયોલોજીસ્ટ મોર્ટીમેર વ્હીલરે તક્ષિલાનાં અશોકના ઐતિહાસિક પ્રમાણ ખોદી કાઢ્યા. અશોક વિષે જે પણ આજે જાણીએ છીએ તેમાં આ બ્રિટીશ મહાનુભવોનો બહુ મોટો ફાળો છે તો બીજો મહત્વનો ફાળો પાલી ભાષામાં લખાયેલા શ્રી લંકાના દીપવંશ અને મહાવંશ નો છે.

અશોકે ઠેર ઠેર અશોક સ્તંભ બનાવેલા હતા. આવા ૩૩ અશોક સ્તંભ મળ્યા છે. એમાં ઘણું બધું લખેલું છે જેતે સમયની ભાષામાં. મહાવંશ શ્રી લંકાના રાજાએ લખેલી પાલી ભાષામાં લખેલી કવિતા છે. જેમાં કલિંગનાં રાજા વિજય થી રાજા મહાસેન (543 BCE to 361 BCE) ના સમયગાળાનું વર્ણન છે. તો દીપવંશ શ્રી લંકાના ઇતિહાસનો સૌથી જુનો ઐતિહાસિક રિકોર્ડ છે. બૌદ્ધ, જૈન, બ્રાહ્મણ અને આજીવક તમામને પાછળથી સપોર્ટ કરતો પણ એનો મુખ્ય ધર્મ બૌદ્ધ બની ચૂક્યો હતો. વેદિક પશુબલિદાન ઉપર તેણે પ્રતિબંધ મૂકી દીધેલો. એણે અસંખ્ય સ્તૂપ, સંઘરામ, વિહાર, અને ચૈત્ય બનાવેલા હતા. એની એકની એક પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મના ફેલાવા માટે શ્રી લંકા મોકલી આપેલા. એણે પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ અને સ્થવિરોને દેશવિદેશ મોકલ્યા હતા. માધ્યમિક સ્થવીરને કાશ્મીર અને અફઘાનિસ્તાન મોકલ્યા હતા તો મહારક્ષિત સ્થવીરને સીરિયા, પર્શિયા, ઈરાન, ઈજીપ્ત, ગ્રીસ, ઇટલી અને તુર્કીમાં મોકલ્યા હતા. મસ્સીમ સ્થવીરને નેપાળ ભૂતાન ચીન અને મંગોલિયા મોકલ્યા હતા. સોહનઉત્તર સ્થવીરને કમ્બોડિયા, લાઓસ, બારમાં, થાઈલેન્ડ અને વિએતનામ મોકલ્યા હતા. મહાદ્ધમ રખ્ખીતા સ્થવીરને મહારાષ્ટ્રમાં અને મહારખ્ખિત સ્થવીરને દક્ષિણ ભારતમાં મોકલ્યા હતા. એણે બુદ્ધ સાધુઓને ગ્રંથો રચવા પણ ખુબ મદદ કરેલી.

અશોકનો મિલીટરી પાવર ખુબ મજબૂત હતો પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી તે દક્ષિણ ભારતના ચેરા, ચૌલા અને પાંડય રાજાઓ જોડે મૈત્રીપૂર્ણ રહ્યો. એણે ઠેર ઠેર ખુબ રોડ રસ્તાઓ, વાવો, કુવાઓ બનાવ્યા. પુષ્કળ વૃક્ષો પણ વવડાવ્યા. પશુઓના બલિદાન બંધ કરાવ્યા પણ સામાન્ય માંસાહાર પ્રત્યે એને કોઈ વિરોધ નહોતો. એણે માદા બકરીઓ, ઘેટાઓની કતલ પર પ્રતિબંધ મુકેલો. છ મહિનાના પશુબાળ ઉપર પણ પ્રતિબંધ હતો. ચાતુર્માસ વખતે પણ પશુઓની કતલ ઉપર પ્રતિબંધ મૂકેલો હતો. એણે એના હાથ નીચેના તમામ રાજાઓને પણ શિકાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધેલો હતો. એના રાજ્યમાં પશુઓ એક સામાન્ય નાગરિકની જેમ જીવી શકતા અને માનવો જેવા તમામ હક મળતા તો તેમના માટે સ્પેશલ દવાખાના હતા. આ દુનિયાના ઇતિહાસમાં કદાચ પહેલી અને છેલ્લીવાર બન્યું હશે.

૨૪ આરી વાળું અશોકચક્ર બીજું કાઈ નહિ ધર્મ ચક્ર હતું. જે આજે ભારતના રાષ્ટ્રધ્વજમાં છે.

સમ્રાટ અશોકના ઉલ્લેખ વિના ભારતનો ઇતિહાસ, ઇતિહાસ જ ના કહેવાય. ભારતવર્ષમાં અનેક અજોડ મહાન રાજાઓ થઈ ગયા પણ મહાન મૌર્ય ચંદ્રગુપ્ત અને તેના પૌત્ર મહાન અશોકની તોલે આવે એવા કોઈ થયા નથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED