સન્નાટાનુ રહસ્ય - ૧૩ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

સન્નાટાનુ રહસ્ય - ૧૩

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 13

( અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે કોઇ સિરિયલ કિલિરે ખુબ જ ઘાતકી રીતે ચાર ખુન કરી નાખ્યા અને મુંબઇની એમ.ડી.એમ ડિટેકટીવ કંપનીનો વિખ્યાત જાસુસ મેહુલ તેની તપાસ કરે છે પરંતુ આજ સુધી તેને કોઇ સફળતા મળી નથી.) મેહુલે હવે જલ્દીથી કામ પાર પાડવાનુ હતુ. સિરિયલ કિલિંગમાં આ ચોથી ઘટના ઘટી ગઇ હતી. હજુ તો તેને માંડ પહેલા અને બીજા ખુન વચ્ચે થોડુ કનેકશન મળ્યુ હતુ. ત્યાં ત્રીજુ ખુન અને થોડા જ દિવસમાં ચોથુ ખુન થયુ. ખુનીએ આ ચાર લોકોને જ શા માટે પસંદ કર્યા એ તાળો મળી જાય તો ખુનનુ કારણ પણ મળી જાય તેમ હતુ પણ કોઇ રીતે આ ચારેય વચ્ચે કનેક્શન મળતુ ન હતુ. અને ન તો ગુનેગારના ઇરાદા વિશે કાંઇ ખબર પડતી હતી.

એકવાર ખુનનુ કારણ મળી જાય તો આગામી હત્યાઓ પણ રોકી શકાય તેમ હતી. મેહુલે સુરજ સિંઘના બધા સગા-સંબંધીઓને આડોશી પાડોશી સાથે પુરતી વાતચીત કરી લીધી. કોઇએ પણ ખુનીને આવતા જતા જોયો ન હતો કે કોઇ શકમંદને સુરજ સિંઘના બંગલાની આસપાસ જોયુ ન હતુ. વરાછા વિસ્તાર ભરચક એરિયો હતો. ધોળા દિવસે ત્યાં આવન જાવન સતત ચાલુ જ રહે. આવા વિસ્તારમાં કોઇએ કાંઇ પણ જોયુ સંભાળ્યુ ન હતુ. તે વાત જરાય મગજમાં બેસતી જ ન હતી.

આદિત્ય નીચે આવ્યો એટલે તે મેહુલ ને મળ્યો. મેહુલને અને ઇન્સ્પેક્ટર કાદરને પોતાની ઓળખ આપી.

“મિસ્ટર આદિત્ય હવે કાજલની તબિયત કેમ છે? મારે થોડી વાતચીત કરવી છે તેની સાથે.” મેહુલે પુછ્યુ. “સર ડોક્ટરની દવાને કારણે તેને ઉંઘ આવી ગઇ છે.”

“ઓ.કે. નો પ્રોબ્લેમ. તેને આરામ કરવા દો.” મેહુલે કહ્યુ. આદિત્યએ પોતાના ઘરે ફોન કરી દીધો અને તેના ફાધરને બધી વાત કરી અને પોતે કાજલને ઘરે રોકાયો છે એ માહિતી આપી દીધી.

પોસ્ટમોર્ટમ બાદ સુરજ સિંઘના બોડીને ઘરે લાવવામાં આવ્યુ અને અંતિમ ક્રિયા માટે તૈયારી થવા લાગી. આદિત્ય કાજલને જગાવવા માંગતો ન હતો પણ હરૂકાકાની સલાહથી અંતિમ દર્શન માટે તેણે કાજલને જગાડી અને નીચે લઇ આવ્યો. કાજલ ચોધાર આંસુએ રડવા લાગી પણ મૃત્યુ એ આપણા હાથની વાત નથી. ભગવાનની ઇચ્છા પાસે આપણું કાંઇ ન ચાલે તેમ આદિત્ય અને હરૂકાકા કાજલને સાંત્વના આપતા રહ્યા.

સુરજ સિંઘની અંતિમ ક્રિયામાં સગા વ્હાલાઓની સાથે ઇન્સ્પેક્ટર કાદર, મેહુલ અને આદિત્ય બધા ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ મેહુલે જોયુ કે કાજલ હોલમાં જ બેઠી હતી તેથી તે પુછપરછના ઇરાદાથી ત્યાં ગયો. કાજલની હાલત ખુબ જ ખરાબ હતી છતાંય પિતાના ખુનીને શોધવા માટે તે પુરતો સહયોગ આપતી હતી. તેને વાત કરતા કરતા જ વારંવાર રડવુ આવી રહ્યુ હતુ. તે બોલી જ શકતી ન હતી.

મેહુલને તેની હાલત જોઇ પોતાની જાત પર ખુબ જ ગુસ્સો આવતો હતો કે શા માટે પોતે હજુ ખુનીને સમજી શકતો ન હતો. તે હવે જલ્દી કાંઇ નહી કરી શકે તો આવા ઘણા પરિવારને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવશે. ગુનેગારનો આવેશ કે તેની ખરાબ માનસિકતાનુ પરિણામ સજ્જનોએ ખુબ જ પીડાદાયક રીતે ભોગવવુ પડે છે. આજે એક સનકી ગુનેગારને કારણે માસુમ કાજલે પોતાનુ સર્વસ્વ ગુમાવવુ પડયુ અને તે ઘાતકી તેની હસતી રમતી જીંદગીને ઉજાળી ગયો. કાજલની હાલત જોઇ મેહુલે પુછતાછ છોડી દીધી અને તે ઘટનાસ્થળેથી સીધો હોટેલ રૂમ પર જતો રહ્યો. ચોથા ખુન થવાથી મેહુલ ખુબ જ વિહવળ બની ગયો હતો. છ મહિનામાં આ ચોથુ ખુન થઇ ગયુ હતુ. હજી તેને કોઇ પણ જાતની સફળતા મળી ન હતી. મેહુલે હોટેલ પર ગયો ત્યાં તો ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો. કારમાંથી ઉતરીને હોટેલ લોબી સુધી પહોચ્યો ત્યાં તો આખો ભીંજાય ગયો. આમ તો તેને વરસાદ ખુબ જ ગમતો હતો. નવરાશના વખતે તે ખ્યાતિને લઇને વરસાદમાં નહાવા અને સ્પેશ્યલ મુંબઇના વડા પાઉ અને ભેળ ખાવા જતો. તેની પ્રિય ઋતુ હતી ચોમાસુ અને આજે મન મુકીને કુદરત વરસી રહી હતી. સવારથી બધે જ વરસાદ હતો. માટીની ભીની મહેંક ગમે તેને પાગલ કરી મુકે તેવો મસ્ત માહોલ હતો. પરંતુ મેહુલને આજે વરસાદ તરફ જરાય ધ્યાન ન હતુ. તે ભીનો થઇ ગયો તેનો તેને ગુસ્સો આવી રહ્યો હતો. મુબંઇમાં પણ વરસાદ હતો. આથી મેહુલ લોબીમાં ગયો ત્યાં ખ્યાતિનો કોલ આવ્યો. તેને ફોન ડિસ્કનેકટ કરી દીધો. ખ્યાતિ મેહુલને સારી રીતે ઓળખતી હતી અને તેને કેસની સિરિયસનેસ પણ ખબર હતી અને અત્યારે ન્યુઝમાં સુરજ સિંઘના ખુન વિશે પણ ખબર પડી ગઇ હતી. આથી મેહુલે ફોન કાપી નાખ્યો તેનો તેને ગુસ્સો ન આવ્યો. તેને વોટસ અપ પર મેસેજ કરી દીધા. મેહુલ સીધો રૂમમાં ગયો. ફટાફટ કપડાં ચેંજ કરી લીધા અને ટેબલ પર બેસીને ચારેય વ્યક્તિઓ જેની હત્યા થયેલી હતી તેમના નામ એક કાગળ પર લખ્યા.

1 અશ્વિન પુરોહિત - હોટેલનો બિઝનેશ 2 રવિ યાદવ - મકાન દલાલ સાથે હ્યુમન ટ્રાફિકિંગ 3 કરણ જાની - બિલ્ડર 4 સુરજ સિંઘ - શેર દલાલ

પછી તે બધુ વિચારવા લાગ્યો. અને ચારેયને ખુનીએ શા માટે પસંદ કર્યા તે તાળો મેળવવા લાગ્યો. જે હોટેલમાંથી છોકરીઓની હેરાફેરી (હ્યુમન ટ્રાફિકિંગ) થતી હતી તે હોટેલ અશ્વીન પુરોહિતના નામે હતી. કરણ જાની જે વિસ્તારમાં બિલ્ડિંગ બનાવતો હતો તે વિસ્તાર અશ્વીન પુરોહિતના ઘરથી નજીક હતો. અને અશ્વીન પુરોહિતની હોટેલ “સરાયના” જેમાં હ્યુમન ટ્રાફિંકિગનુ રેકેટ પકડાયુ તેનુ કનસ્ટ્રકશન કરણ જાનીએ કર્યુ હતુ. ત્રણેય ખુન વચ્ચે હોટેલ “સરાયના” કોમન હતી. આથી તેણે હોટેલ પર જઇને તપાસ કરવાનુ નક્કી કર્યુ. સુધાંશુએ હોટેલ સરાયનાની ફાઇલ પણ મોકલાવી હતી. તે ફાઇલ તપાસવા લાગ્યો. હોટેલ સરાયના પાંચેક વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. મેહુલ બીજા પાસા વિચારવા લાગ્યો. તેઓ બધા મિત્રો હતા તેવુ કોઇએ કહ્યુ ન હતુ. બધાના વ્યવસાય અલગ અલગ હતા. અશ્વિન પુરોહિતના કેસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ગિરધારીલાલનુ કહેવુ હતુ કે તેને તેના જુના પાર્ટનર કાન્તિલાલે ખુન કર્યુ હતુ. રવિ યાદવના સાથીદારોનુ કહેવુ હતુ કે પેલી છોકરીએ તેનુ ખુન કર્યુ છે. કરણ જાનીનો કેસ તપાસતા તેમા એક વાત સામે હતી કે તે જે વિસ્તારમાં બિલ્ડિંગ બનાવતો હતો ત્યાંના કોર્પોરેટર સાથે તેને મોટો વાંધો હતો. તે તેનુ ખુન કરવા માંગતો હતો. સુરજ સિંઘ એક શેર દલાલ હતો અને શેર બજારમાં પુષ્કળ ધન મેળવ્યુ હતુ તેના પત્ની દસ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. બીજી તેની પાસે હજુ કોઇ ખાસ માહિતી ન હતી. તેને થયુ કે સુરજ સિઘ વિશે તેને વધારે માહિતી મેળવવી પડશે. બહાર પુરજોશથી વરસાદ પડી રહ્યો હતો. પરંતુ અત્યારે તેને ઝડપથી કામ પાર પાડવાનુ હતુ. તે ફટાફટ રેઇન કોટ પહેરીને હાથમાં કારની ચાવી ઝુલાવતો ફરીથી સુરજસિંઘના ઘર તરફ નીકળ્યો. સાંજના નવ વાગી ચુકયા હતા અને વરસાદના કારણે સાવ અંધારુ છવાવા લાગ્યુ હતુ. મેહુલ સુરજ સિંઘના ઘરે પહોચ્યો ત્યારે કાજલને દવા આપી સુવડાવી હતી અને આદિત્ય પણ તેની સાથે રોકાયો હતો. કામવાળી ગીતા અને રાજુ ઘરે હતા. તેને મેહુલે થોડી પુછતાછ કરી અને જાણી લીધુ કે સુરજ સિંઘને તેના પાડોશી અવિનાશ મહેતા સાથે ખુબ જ સારા સંબંધ હતા. મેહુલ તેઓના ઘરે ગયો પરંતુ તેને ખબર જ હતી કે તે હશે નહિ આથી તેની પત્ની સાથે થોડી વાત ચીત કરી લીધી. પરંતુ ખાસ કોઇ માહિતી ન મળી તે નીકળવા જતો હતો ત્યાં અવિનાશ મહેતાની બહેને કહ્યુ, “સર એક મિનિટ આઇ વોન્ટ ટુ સે સમથીંગ ટુ યુ.” “યસ બોલો” “સર સુરજ સિંઘની હત્યાની તમે તપાસ કરવા આવ્યા છો તો એક ખાસ ઇન્ફોરમેશન તમને આપવી છે કદાચ તમને ઉપયોગી બની શકે.” “હા બોલો જે માહિતી હોય તે કહો.” “સુરજ સિંઘને તેની પત્નીના અવસાન પછી જહાન્વી નામની એક 35 વર્ષીય પરિણિત મહિલા સાથે તેમનો અફેર હતો. તે મહિલા અમારા પાડોશમાં જ રહેતી હતી. સુરજ સિંઘ તેને ખુબ જ પ્રેમ કરતો હતો પરંતુ જહાન્વી તેની સાથે લગ્ન કરવા તૈયાર ન હતી. તે પોતાનો પરિવાર છોડવા તૈયાર ન હતી. સુરજ સિંઘ તેનાથી ખુબ જ નારાજ હતો અને આથી તેણીને હમેંશ માટે છોડી દીધી હતી. હવે તે પોતાની દીકરી સાથે એકલો જ રહેતો હતો. હવે તેણે પોતાનુ અનુકુલન સાધી લીધુ હતુ. પરંતુ જહાન્વીના પતિને આ સંબંધની જાણ થઇ ચુકી હતી અને તેણે સુરજ સિંઘને બે ત્રણ વાર મારી નાખવાની ધમકી પણ આપી હતી.” “હવે તે જહાન્વી કયાં રહે છે? આઇ મીન હજુ અહીં જ રહે છે?” “ના સર તે હવે અહીં નહી રહેતા. તેઓ કયાંય જતા રહ્યા છે. અહી અમને કોઇ પાડોશીને ખબર નથી કે તેઓ કયાં રહે છે.” “ઓ.કે. થેન્ક્યુ ફોર ઇન્ફોરમેશન.” એમ કહી મેહુલ સુરજ સિંઘના ઘરે ગયો અને તેના વિશે થોડી માહિતી અને તેના આઇ.ડી કાર્ડ લઇને આવ્યો. પછી સીધો હોટેલ પર જતો રહ્યો. હોટેલ પર આવ્યો ત્યારે રાત્રિના સાડા દસ વાગી ગયા હતા. પેટમાં ઉંદરડા દોડવા લાગ્યા હતા. વરસાદ હવે થોડો શાંત બન્યો હતો. વાતાવરણ ખુબ જ માદક હતુ. મેહુલને આજે કયાંય પણ ધ્યાન ન હતુ. તેણે ફટાફટ ડિનર માટે ઓર્ડર આપી દીધો. ફટાફટ ડિનર લઇને તે ફરીથી વિચારવા લાગ્યો. ખુનીએ એવા લોકો પસંદ કર્યા હતા જેના કોઇ ના કોઇ દુશ્મન હોય અને બધાની ઉંમર આધેડ હતી. બધા લોકોને એકબીજા સાથે ખાસ કનેકશન હોય તેવુ લાગ્યુ નહિ. મેહુલ કોમ્પ્યુટર લઇને ખુન થયેલા ચારેય વ્યકિતના પાન કાર્ડ નંબર લઇને તેઓની બધી ડિટેઇલ તપાસવા લાગ્યો. ગુનેગાર ખુબ જ શાતિર અને ચાલક હતો તેણે આજ દિવસ સુધી કોઇ સબુત કે નિશાની છોડયા ન હતા. તેની ફિંગર પ્રિન્ટ પણ કોઇ જગ્યાએ મળી ન હતી.

પહેલા ત્રણ ખુન તો રાત્રિના અંધકારમાં થયા હતા પરંતુ આ સુરજ સિંઘનુ ધોળા દહાડે ઘરમાં નોકર ચાકરની હાજરી સાથે ખુન થઇ ગયુ અને તે પણ કોઇ જાતની નિશાની છોડયા વિના. ગુનો કરવા માટે પણ એક પરફેકટ પ્લાનિંગની જરૂર પડે છે. ખુનની સ્ટાઇલ અને કાતિલની પરફેકટ પ્લાનિંગ જોઇ મેહુલને થયુ કે ખુનીએ ખુબ જ અભ્યાસ કરી વેલ મેનેજ્ડ પરફેકટ પ્લાન બનાવ્યો છે. જેને જોતા કાતિલને પકડવા માટે ખુબ જ સાવચેત રહી ઝીણી ઝીણી તપાસ કરવી પડશે. તેને સુરજ સિંઘનુ લેપટોપ અને ફાઇલ તપાસવા લાગ્યો. પરંતુ તેમા શેરબજારને લગતી જ વિગતો હતી. બીજી કોઇ ખાસ ઉપયોગી માહિતી ન મળી. તે આઁખો બંધ કરીને વિચાર કરવા લાગ્યો ત્યાં ફોનની રીંગ વાગી તેણે ફોન પીક અપ કર્યો વાપીથી પક્કાનો ફોન હતો,

“હા બોલ પક્કુડા કેમ યાદ કર્યો?” “ફૈઝલ નબીરની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પુછપરછ ચાલુ છે.” “શુ કાંઇ માહિતી મળી?” “અરે યાર સાંભળ તો ખરા વચમાં બોલ બોલ ના કર” “હા બોલ મારા બાપ” “હા દીકરા તો સાંભળ ફૈઝલ નબીર મુબંઇનો નામચીન ગુંડો છે અને કહેવાય છે કે તેના અંડ્રવર્લ્ડ સાથે ડાઇરેકટ કોન્ટેક છે. પરંતુ તેની ધરપકડ પછી તેણે કાંઇ ખાસ કબુલ કર્યુ નથી.” “તુ આખી રામાયણ રહેવા દે મુદ્દાની વાત પહેલા કર. કેસ ડિટેઇલ હુ પછી તપાસી લઇશ” “હા ફૈઝલ નબીરે કહ્યુ કે તે રવિ યાદવને મારવા માંગતો હતો પરંતુ તેના પહેલા કોઇએ તેનુ ખુન કરી નાખ્યુ. રવિની એક ગર્લ ફ્રેન્ડ પુનામાં રહે છે યાત્રી. તેણીએ રવિને મારવા આવુ છટકુ પહેલા રચ્યુ હતુ કારણ કે બંન્નેના બ્રેક અપ થઇ ગયો હતો.” “ઓ.કે તુ ત્યાં તપાસ કર બીજી કોઇ ખાસ ઉપયોગી માહિતી મળી હોય તો બોલ.” “ના ભાઇ બસ ફૈઝલની પુછતાછ ચાલુ જ છે.”

“ઓ.કે તમે તમારી રીતે આગળ વધો અને સિરિયલ કિલિંગને લગતી કોઇ પણ જરા સરખી માહિતી મળી તો મને તાત્કાલિક કહેજે.” “ઓ.કે શ્યોર”

************************************************ કાજલને તેના પિતા સિવાય તેનુ કોઇ આ દુનિયામાં ન હતુ. કાજલ તેના પિતાજીને ખુબ જ ચાહતી હતી. તેના વહાલા પિતાજીનુ એકાએક આવી રીતે ખુન થઇ જતા તે ઉંડા શોકમાં ગરકાવ થઇ ગઇ. માણસનુ મગજમાં અનેક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેના થકી મનુષ્યો હર્ષ, શોક, ઉદાસી, ગ્લાનિ જેવી અનેક લાગણીઓ અનુભવી શકે છે. તેમાં ઘણી વખત સ્ત્રાવની વધઘટને કારણે મનુષ્યો પોતાની લાગણીઓ પર કાબુ મેળવી શકતો નથી. જેનો કોઇ ઇલાજ શકય નથી. આવા સ્ત્રાવ આઘાતથી કે કોઇ બિમારીથી ઘટી કે વધી જાય છે અને તે આપણા શરીરમાં ફરીથી બેલેન્સ ન થઇ જાય ત્યાં સુધી માણસ ડિપ્રેસનમાં કે બીજી માનસિક બિમારીમાં જ રહે છે.

કાજલની પણ હાલત તેવી જ થવા લાગી હતી. અંતિમ સંસ્કાર બાદ પણ કાજલ તેના પિતાજીના મૃત્યુને સ્વીકારવા તૈયાર નહોતી. આથી આદિત્ય કાજલને પોતાના ઘરે લઇ ગયો. તેના માતા પિતા અજય અને અંજલિને બધી વાત કરી એટલે તેઓને પણ ખુબ જ દુ:ખ થયુ. આદિત્યે પોતાના પ્રેમસંબંધની પણ વાત કરી. અજય અને અંજલિને આવા પ્રસંગે કાંઇ વધારે બોલવાનુ યોગ્ય ન લાગ્યુ. હાલ તો તેને પોતાના ઘરે રાખવાની હા પાડી.

કાજલને આદિત્યના ઘરે વધારે નિરાશા લાગવા લાગી. તે ડિપ્રેશનના ઉંડા ગર્તામાં જવા લાગી. અજય અને અંજલિ તેને દીકરીને જેમ રાખતા હતા અને અપુર્વા, આર્યા અને અદિતી તેને સખીની જેમ વર્તાવ રાખતી હતી. આદિત્ય આખો દિવસ તેને સમજાવતો પરંતુ કાજલનુ દુ:ખ ઓછુ થતુ ન હતુ. તે રાત્રે ઉંઘમાંથી ઉઠી જઇને મોટે મોટેથી રડવા લાગતી તો કયારેક તેને ભુત અને આત્મા દેખાય છે એમ કહી ખુબ જ ઘભરાય જતી હતી.

**********************

મેહુલ હોટેલ સરાયનામાં તપાસ કરવા ગયો. હોટેલ ખુબ જ સુંદર હતી. તેનુ સ્ટ્રકચર લાજવાબ હતુ. ત્રણ માળની હોટેલમાં ઘણા રૂમ હતા અને અંડરગ્રાઉંડ પણ રૂમ હતા. બહાર સરસ મજાનો બગીચો હતો અને જયાં ફુવારા અને બાળકો માટે સુંદર ગાર્ડન બનાવેલો હતો. મેહુલે હોટેલની આજ સુધીની ડિટેઇલ અને સી.સી. કેમેરાની ફુટેજની તપાસ કરી ક્યાંય પણ સુરજ સિંઘ, કરણ જાની અને રવિ યાદવની ડિટેઇલ ન મળી. હોટેલ સરાયના પર આવીને મેહુલને ઘોર નિરાશા મળી. પોલીસે હોટેલ સીલ કરી હતી અને તે હ્યુમન ટ્રાફિકિંગની તપાસ કરતી હતી.

ઉપરના માળે ખુણામાં રહેલા બે રૂમમાં આવા કાળા કામ કરવામાં આવતા હતા. જે રૂમ સામાન્ય લોકોને એલોટ ન કરાતા. પોલીસને પણ આટલી જ સફળતા મળી હતી. મેહુલને હવે એવુ લાગ્યુ કે આમા કોઇ અંડરવર્લ્ડ ડોનનો પણ હાથ હોય શકે છે પોતાની ધારણા કરતા કેસ ઘણો પેચીદો બનતો જતો હતો.

શું કાજલ તેના પિતાજીના મૃત્યુના શોકમાંથી બહાર નીકળી શક્શે કે પછી ઊંડા શોકમાં વધુને વધુ ગરકાવ થતી જશે? આદિત્ય શું કરશે કાજલની આવી હાલતમાં? શું મેહુલને હોટેલ સરાયનામાંથી કોઇ ખાસ ક્લુ મળશે કે પછી ત્યાંથી પણ તેને માત્ર અને માત્ર નિરાશા હાથ લાગશે? હવે પછી કોણ ખુનીના ટારગેટમાં છે? શું હવે પછીના ખુનમાં ખુની કોઇ ભૂલ કરી દેશે??? જાણવા માટે વાંચતા રહો સન્નાટાનુ રહસ્ય અને આપના પ્રતિભાવ આપતા રહો.. થેન્ક્સ ફોર યોર સપોર્ટ. કીપ રીડીંગ ફ્રેન્ડસ.....

વધુ આવતા અંકે......