સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૪. Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૪.

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : નવલકથા

પ્રકરણ : 4

આજે અજય અને અંજલીના ઘરે હવન રાખવામાં આવ્યો હતો. બધા મહેમાનો સાંજે જ આવી ગયા હતા. અદિતીની તબિયત બે ત્રણ દિવસથી ખુબ જ ખરાબ હતી. તેને વાયરલ ઇન્ફેકશનના કારણે ન્યુમોનિયાની અસર થઇ ગઇ હતી. ઓફિસમાં માંડ આજે ત્રણ મહિના બાદ રજા મળી હતી આથી અદિતીની તબિયત ખરાબ હોવા છતાંય હવન રાખવો પડયો હતો. રાજકોટ અને સુરતના બધા મિત્રો પહોંચી ગયા હતા. જમવા માટે ખાસ કેટરર્સની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેથી કોઇ કામ કાજની ચિંતા ન હતી. અદિતીની તબિયત ખુબ જ ખરાબ હતી તે સંપુર્ણ બેડ રેસ્ટ પર હતી. આથી તે ઉપરના રૂમમાં આરામ કરતી હતી. સમીરભાઇ અને તેમના પત્ની વર્ષા બહેન ખુબ જ મદદ કરતા હતા.આદિત્ય, આર્યા અને અપુર્વા બધા મહેમાનોની આગતા સ્વાગતામાં હતા. નક્કી થયેલા મુહુર્તમાં હવનવિધી શરૂ કરવામાં આવી. હવન ખુબ શાંતિથી પુર્ણ થયો. હવન બાદ બધા મહેમાનો હોલમાં જમી રહ્યા હતા ત્યારે અંજલી ઉપર જઇ અદિતીની ખબર અંતર જાણી આવી અને સાથે સાથે અદિતીને થોડુ હળવુ લંચ પણ તે જમાડી આવી. જમ્યા બાદ બધા મહેમાનો ધીરે ધીરે પોતપોતાના ઘરે જતા હતા ત્યારે તેમને વિદાય આપવા અજયે અંજલીને નીચે બોલાવી લીધી. બધા પોતાને ઘરે જતા રહ્યા. સમીરભાઇ અને વર્ષાબહેન સાંજ સુધી અજય અને અંજલીની હેલ્પ માટે રોકાયા અને રાત્રે ડિનર લઇ તેઓ પણ ઘર જવા નીકળ્યા.

સાંજે અદિતી ઉઠી ત્યારે અજયભાઇ તેને ચેક અપ માટે લઇ ગયા. ડોક્ટરે તેની હાલત તપાસી દવાઓ ચેન્જ કરી દીધી અને કોઇ જાતનુ ટેન્શન અદિતીને ન થાય તેવી સલાહ આપી. અદિતીની તબિયત પણ ત્રણ ચાર દિવસમાં સારી થઇ ગઇ. હવે તે ફરીથી શાળાએ જવા લાગી.

હવનવિધિ પુરી થઇ ગઇ એટલે અજય અને અંજલિના મનમાં એક શાંતિ વળી ગઇ કે તેમના ઘરને પવિત્ર કરી દીધુ છે. તેઓ ભણેલા હતા છતાંય હવનમાં માનતા હતા. કહેવાય છે કે હવનથી વાતાવરણની શુધ્ધિ થઇ જાય છે. હવે અંજલિ અને અદિતિની થયુ કે તેઓને થતા ચિત્ર વિચિત્ર અનુભવો હવે નહી થાય.

******************

ઇન્સપેકટર ગિરધારીલાલ ખુબ જ હોંશિયાર અને બાહોશ પોલીસ ઓફિસર હતા. તે કેસને સોલ્વ ના કરી લે ત્યાં સુધી તેને શાંતિ વળતી ન હતી. તેને પોતાની કારકિર્દીમાં અનેક ખુન અને બીજા અનેક ગુનાહિત કેસો સફળતાપુર્વક ઉકેલ્યા હતા. તેને આવા ચેલંજિગ કામ કરવામાં ખુબ જ મજા પડતી હતી.

તેણે સૌ પ્રથમ પોતાના બે હવાલદારને કાન્તિલાલ અને મંદાકિનીદેવી પાછળ ગોઠવી દીધા અને અશ્વિન પુરોહિત વિશેની પુરી તપાસ કરવા લાગી ગયા. તેને પુરતી તપાસ કરીને અશ્વિન પુરોહિતની ફાઇલ બનાવી કે અશ્વિન પુરોહિત મુળ સુરત પાસેના વેજલપુર ગામના વતની હતા. તેને પોતાનો અભ્યાસ સુરતમાં જ પુર્ણ કર્યો અને અભ્યાસ બાદ તેને એક હોટેલમાં મેનેજર તરીકે કામ ચાલુ કર્યુ અને પોતાના સાર્પ માઇન્ડ દ્વારા હોટેલ બિઝનેશના તાણા વાણા શીખી લીધા અને પોતાના ખાસ મિત્ર કાંતિલાલ સાથે મળીને હોટેલનો બિઝનેશ શરૂ કરી દીધો. એક માંથી આજે ત્રણ હોટેલો તેઓના નામે હતી. કોલેજની પ્રેમિકા પ્રતિભા સાથે તેમને લગ્ન કર્યા હતા. ચાર મહિનામાં જ ગર્ભવતી પ્રતિભા સાથે મનમેળ ન થતા છુટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ પ્રતિભાએ પણ પુ:ન લગ્ન કરી લીધા અને અશ્વિન પુરોહિતે પણ મંદાકિની દેવી સાથે બીજા લગ્ન કરી લીધા. મંદાકિનીદેવી સાથે લગ્નથી તેઓને કોઇ સંતાન ન હતુ. આથી મનમાં એક ખોટ હતી. અશ્વિન પુરોહિત બાહોશ અને હોશિયાર વ્યકિત હતો આથી હોટેલની આડમાં ઘણા બીજા ગેરકાયદેસર ધંધા પણ ચલાવતો હતો આથી તે થોડા જ સમયમાં અઢળક સંપત્તિનો માલિક બની ગયો અને કાંતિલાલ તેનાથી પાછળ રહી ગયો હતો આથી પૈસાની લાલચે તેણે મંદાકિનીદેવીની ફસાવી હતી પરંતુ કાબેલ અશ્વિન પુરોહિતે કાંતિલાલના હાથમાં કાંઇ આવવા દીધુ ન હતુ. તે હાથ ઘસતો રહી ગયો. બે લગ્નજીવનની નિષ્ફળતા બાદ અશ્વિન પુરોહિતે હવે જીવનભર એકલુ રહેવાનુ નક્કી કરી લીધુ હતુ.

ઇન્સપેકટર ગિરધારીલાલે બધા પાસા તપાસી લીધા. અશ્વિન પુરોહિત સાથે કોઇ કાંઇ મોટી દુશ્મની ન હતી કે વાત ખુન સુધી પહોંચી જાય વળી જે રીતે ક્રુરતાપુર્વક તે ખુન કરવામાં આવ્યુ હતુ તે જોતા કોઇ સામાન્ય વ્યકિતનુ કામ લાગતુ ન હતુ. અંત્યત ઝનુન પુર્વક માંસના લોચા ખેચી ના કાઢવામાં આવ્યા હતા. ખુનીના દિલમાં ખુબ જ ખુન્નસ ભરેલુ હતુ.

કોઇ આ રીતે ખુન્નસ પુર્વક હત્યા કેમ કરી શકે તે ગિરધારીલાલને સમજ પડતી ન હતી. તેને પ્રતિભા અને તેના પતિ શ્રી કમલેશ દવેની પણ પુછપરછ કરી પરંતુ છુટાછેડા બાદ તેમનો અશ્વિન પુરોહિત સાથે તેમને કોઇ સંબંધ ન હતો અને અશ્વિન પુરોહિતે છુટાછેડા વખતે જ ચાર કરોડ રૂપિયા પ્રતિભાને આપ્યા હતા પોતાના સંતાનના ઉછેર માટે વળી કમલેશ દવેને પણ પ્લાસ્ટિકના દાણાની ફેકટરી હતી તેથી તેને પૈસાની ખાસ જરૂરિયાત ન હતી.

કોઇ પાસે મોટુ કારણ દેખાતુ ન હતુ ખુન માટે. વળી આવડુ ખુન્નસ હોય તેવુ કાંઇ દેખાતુ નહોતુ તો પછી ખુન થયુ તો કોણે કર્યુ અને એવુ તે ક્યુ કારણ હતુ આ ખુન પાછળ કે જેના લીધે આટલુ ક્રુર મોત મળ્યુ અશ્વિન પુરોહિતને ???

વાસ્તુપુજન બાદ અદિતીની તબિયત પણ હવે સારી રહેતી હતી. તે ફરીથી શાળાએ જવા લાગી. બારમુ ધોરણ પુરૂ થયા પછી હવે તે કોલેજમાં જવાની હતી. એના શરીર અને મગજનો હવે ખુબ સારો વિકાસ થઇ ચુક્યો હતો. તે ખુબ જ મોર્ડન અને આધુનિક,સ્વતંત્ર વિચારસરણી ધરાવતી હતી છતા પણ તે સંસ્કારી હતી. સુરત જેવા આધુનિક શહેરમાં રહેતી હોવા છતાંય પણ તે પોતાની અને તેના માતા-પિતાની મર્યાદાને ખુબ સારી રીતે સમજતી હતી.

બારમા ધોરણની પરીક્ષા પુરી થયા બાદ અદિતી હવે એકદમ ટેન્શન ફ્રી બની ચુકી હતી. તેને વિશ્વાસ હતો કે તે બહુ સારા માર્કસ સાથે બોર્ડની એક્ઝામ પાસ કરી જ લેશે. વેકેશનમાં ફ્રી બેસી રહેવા કરતા તેણે મનની શાંતિ અને એકાગ્રતા માટે સંગીત ક્લાસ પણ જોઇન કરી લીધા હતા.

હવન થયાને એક વીક પુરુ થવા આવ્યુ હતુ. હવન બાદ હવે પરિવારમાંથી કોઇને પણ વિચિત્ર અનુભવ થવા બંધ થઇ ગયા હતા. અજય અને અંજલીને પણ હવે મનમાં એક દ્રઢ વિશ્વાસ આવી ગયો હતો કે હવન બાદ આપણુ મકાન સુધ્ધ થઇ ગયુ છે. એક દિવસ વહેલી સવારે અંજલી કીચનમાં બ્રેકફાસ્ટ બનાવી રહી હતી ત્યાં બગીચામા તેને કોઇનો અવાજ આવ્યો કે તે બગીચામા જોવા માટે ગઇ ત્યાં તેને એક ૧૭-૧૮ વર્ષની છોકરીને જોઇ. આટલી વહેલી સવારે કોઇ તેના બગીચામા ટહેલી રહ્યુ છે તે જોઇ તે નવાઇ પામી. “હેલ્લો ,વ્હુ આર યુ?” “મારુ નામ જ્યોતી છે. હું અહી થોડે દૂર આવેલા મકાનમાં રહુ છું. મારે થોડા ફુલ જોઇતા હતા તે હું અહીથી નીકળી અને તમારા બગીચામા આટલા સુંદર ફુલ જોઇ મને થોડા લેવાની ઇચ્છા થઇ આવી. આટલી વહેલી સવારે કોઇ જાગ્યુ નહી હોય તે જાણી હું પુછ્યા વિના જ બગીચામા આવી ગઇ.” “ઇટસ ઓ.કે. બેટા.હું હેલ્પ કરું ફુલને ચુંટવામાં તારી? પછી આવ અંદર આવ ચા-પાણી બનાવું જ છું.”

“મમ્મી ઓ મમ્મી, ક્યાં છે તું? આ બધુ દુધ ઉભરાઇ ગયુ. જરા કીચનમા તો આવ.” આદિત્યએ બુમ મારી. “ઓહ માય ગોડ.હું તો ભુલી જ ગઇ કે હું દુધ ગરમ કરતુ છોડીને અહી આવી હતી.બેટા તારે જેટલા ફુલ જોઇએ તે આરામથી લઇ લે.” કહેતા તે અંદર દોડી ગઇ. “ઓહ આખુ પ્લેટફોર્મ ખરાબ થઇ ગયુ.બેટા આદિત્ય જરા બહાર ગાર્ડનમા જ્યોતી ફુલ ચુંટી રહી છે તેને અંદર તો બોલાવી લાવ. મે તેને ચા પીવાનુ કહીને દોડી જ આવી.” “કોણ જ્યોતી?” આદિત્યએ પુછ્યુ. “અરે તુ પ્રશ્ન પુછવાનુ રહેવા દે. એ બધુ હું તને પછી કહીશ પહેલા તેને બોલાવી તો લાવ.” થોડી જ વારમા આદિત્ય પાછો આવ્યો.”મમ્મી શું તુ પણ સવાર સવારમા જાગતી અવસ્થામા સપના જુવે છે? ગાર્ડનમા કોઇ નથી અને તું કારણ વિના મને ગાર્ડનમા ધકેલે છે. તને ખબર તો છે કે ત્યાં ગાર્ડનના પાછળના ભાગે બહુ વિચિત્ર ફીલીંગ્સ થાય છે. ત્યાં ખુબ ભેંકાર અને અજીબોગરીબ સન્નાટો મને ફીલ થાય છે.”

અરે ત્યાં જ હતી એ છોકરી. તે ફુલો ચુંટવા આવી હતી. કદાચ તે નીકળી ગઇ હશે. અને આ બધુ સન્નાટો અને અજીબોગરીબ ફીલીંગ્સ એ તારા મનના વહેમ છે સમજ્યો? ચલ તારુ કામ કર.” અંજલીએ આદિત્યને હસતા હસતા કહ્યુ. રાત્રે બધા બાળકો સુઇ ગયા બાદ અંજલીએ અજયને બધી વાત કરી. તેણે એ પણ કહ્યુ કે “આ છોકરીને પહેલા ક્યારેય મે જોઇ નથી અને અચાનક આજે તે આપણા ગાર્ડનમા આવી ગઇ?”

“ હશે કોઇ પાડોશી ફુલ દેખીને લેવા આવી હશે.” “મને તો કાંઇક વિચિત્ર લાગ્યુ. પાછળ બગીચામાં બહુ જ અલગ ફિલ થાય છે. આદિત્ય અને અદિતિ પણ ઘણીવાર કહે છે.” “અરે યાર એવુ કાંઇ ન હોય. એ બધા મનનાં વહેમ છે તમને બધાને એવુ લાગે મને તો કયારેય એવુ લાગતુ નથી.” “રાત્રિના સન્નાટામાં ચીખોના અવાજો, વિચિત્ર વાસ અને કાંઇક અલગ જ ફીલ થાય છે. કાંઇ સમજાતુ જ નથી.” અંજલિએ કહ્યુ. “અંજલિ, તુ ક્યાં આવુ બધુ વિચારવા લાગી. આપણે રાજકોટમાં ગામમાં રહેતા હતા અને અહી ગામથી દુર સુનકાર વિસ્તાર છે એટલે એવુ લાગે. હવે છોડ એ વાતને અને આ વાતની ચર્ચા બાળકો સાથે ન કરતી. કારણ વિના તે બધા નવા નવા વિચારો મનમાં લઇ લેશે. અને એ છોકરી કોઇ આજુબાજુમા રહેતી હશે અને અહી ગાર્ડનની સુંદરતા જોઇ ટહેલવા આવી ગઇ હશે. હવે એ બધુ વિચારવાનુ છોડી દે અને આરામથી સુઇ જા.” અંજલી સુઇ તો ગઇ પણ તે છોકરી તેના મનમાં વસી ગઇ.તેણે કોઇ પણ સંજોગોમાં તે છોકરી વિશે તપાસ કરવાની મનમાં ગાંઠ વાળી લીધી.

ઇન્સપેકટર ગિરધારીલાલને કોઇ કડી મળતી ન હતી. તે બહુ ઉંડા વિચારમા હતા કે અશ્વિનનુ ખુન કર્યુ તો કોણે કર્યુ અને કેવી રીતે કર્યુ? ત્યાં હવાલદાર આવ્યો અને ઇન્સપેકટર ગીરધારીલાલને કહ્યુ ,

“સાહેબ........ઓ.......સાહેબ......” ગીરધારીલાલ એટલા ઉંડા વિચારમા હતા કે તેમને હવાલદારનો અવાજ પણ કાને ન પડ્યો એટલે ફરી હવાલદારે ગીરધારીલાલને બોલાવ્યા. “હમમમ...બોલ બોલ ભાવેશ, હું જરા વિચારમા હતો કે તારો અવાજ સાંભળ્યો નહી. બોલ શું કામ હતુ?” “સાહેબ અશ્વિન પુરોહિતનો નોકર તમને મળવા માંગે છે.પણ જો તમે કોઇ બીજા કામમાં બીઝી હોવ તો તેને થોડી વાર બાદ મોકલુ.” “ના......ના.....ના.... તેને અંદર મોકલ. હું તે અશ્વિન પુરોહિતના કેસ બાબતે જ વિચારમા હતો.” “સાહેબ અંદર આવુ?” નોકર ગોપીએ પુછ્યુ.“યસ યસ કમ ઇન ગોપી” ગીરીધારીલાલે કહ્યુ. “સાહેબ એક વાત કહેવાની હતી તમને. તે દિવસે તમે બધી પુછપરછ કરી ત્યારે આ વાત કહેવાની રહી ગઇ હતી તો હું આજે આવ્યો છુ.” ગોપીએ કહ્યુ. “હા બોલ શું વાત છે?” ગીરીધારીલાલે તેને કહ્યુ. “સાહેબ જે દિવસે અમારા સાહેબનું ખુન થયુ તેની આગલી રાત્રે જ કાંતિલાલ સાહેબ તેમને મળવા આવ્યા હતા. ઘણી વખત સુધી બન્ને વચ્ચે વાતચીતનો દોર ચાલુ રહ્યો.બે થી ત્રણ વખત હું તેમના રૂમમાં પણ ચા-પાણી અને નાસ્તો આપવા ગયો હતો. છેલ્લે જ્યારે ગયો ત્યારે બન્ને વચ્ચે બહુ ઉગ્રતાથી વાતો ચાલી રહી હતી.કાંતિલાલ સાહેબ બહુ ગુસ્સામા હતા.” “હમમમ.... શાબાસ.તું જ્યારે બે ત્રણ વખત અંદર ગયો ત્યારે તે કંઇ સાંભળ્યુ હતુ કે બન્ને વચ્ચે શું વાતચીત થતી હતી?” “સાહેબ બહુ સ્પષ્ટ તો નહી કારણ કે તે બન્ને વચ્ચે ગુજરાતીમા બહુ ઓછી વાતો થતી હતી અંગ્રેજી શબ્દો વધુ આવતા હતા અને હું રહ્યો અભણ માણસ કે બહુ અંગ્રેજી સમજુ નહી.પણ હા....સાહેબ છેલ્લે છેલ્લે કાંતિલાલ સાહેબ એમ કંઇક બોલ્યા કે સી યુ સીયુ એવુ કંઇક બોલતા બહુ ગુસ્સાથી જતા રહ્યા હતા.” “શાબાસ ગોપી શાબાસ. તે મને આ કેસને સોલ્વ કરવામા એક સાચી દિશા બતાવી છે.હવે તું જઇ શકે છે.” ઇન્સપેકટર ગીરીધારીલાલે ગોપીને શાબાશી આપતા કહ્યુ. “કાંતિલાલ હવે તું ગયો. તેમની ટીમ એ જ ઘડીએ કાંતિલાલની ઘરે પહોંચી ગઇ અને કાંતિલાલને પોલીસ સ્ટેશન લઇ આવી. “આવો કાંતિલાલ બેસો બેસો.” ઇન્સપેકટર ગીરધારીલાલે જરા ખંધુ હાસ્ય કરી તેમને આવકાર્યા. “બોલો ઇન્સપેકટર કેમ મને યાદ કર્યો તમે?” કાંતિલાલે તેના પડછંદ અવાજે સામે પ્રતિકાર આપ્યો. “કાંતિલાલ અશ્વિન પુરોહિતના ખુનની આગલી રાત્રે તમે તેને મળવા ગયા હતા અને તેની સાથે તમારી ઉગ્ર બોલાચાલી થઇ હતી,સાચુ ને?” ઇન્સપેકટર ગીરધારીલાલે ગંભીર થઇ પુછ્યુ. “હાસ્તો હું તેને મળવા ગયેલો અને અમારી વચ્ચે જરા બોલાચાલી થઇ હતી પણ તેનુ આ ખુન સાથે શું સબંધ છે?” કાંતિલાલે પણ ગંભીર મુદ્રામાં સામે પ્રશ્ન પુછ્યો. “સબંધ છે કાંતિલાલ સબંધ છે. મને શક નહી પણ વિશ્વાસ છે કે તમે જ આ ખુનમાં સામેલ છો.” “ક્યારેય નહી. હું એવો નથી કે નાની બોલાચાલીમાં અશ્વિનનું ખુન કરવા સુધી પહોંચી જઉ.સાહેબ તમારો વહેમ છે આ.”

“તો તમે બાબુ બાટલી નામના વ્યકિતને શું કામ માટે મળ્યા હતા? બાબુ બાટલી નામ સાંભળ્યુ હશે તમે? આ સુરતનો એક નામચીન ગુંડો જે પૈસા માટે કોઇ પણ કામ કરવા તૈયાર થઇ જાય છે.” “સાહેબ બાબુ બાટલીને હું બીજા કામ માટે મળ્યો હતો. અશ્વિનને મારવાની સુપારી આપવા માટે નહી.”

“મે એવુ તો ન હતુ પુછ્યુ કે અશ્વિનની સુપારી આપવા મળ્યા હતા કે નહી.જો તમે બાબુ બાટલીને સુપારી આપવા નહિ તો શા માટે મક્યા હતા?” ઇન્સપેકટર ગીરીધારીલાલે જરા ગુસ્સાથી પુછ્યુ. “હુ તો હુ તો...........” કાંતિલાલ થોથવાતા હતા ત્યા ઇન્સપેકટર ગીરધારીલાલે ચીસ પાડીને કહ્યુ,

“બસ કાંતિલાલ બસ. હવે લોચા વાળવાની જરૂર નથી. તમે અશ્વિન પુરોહિતને મારવાની પેરવીમાં હતા. તેના માટે જ તમે બાબુ બાટલીને અશ્વિન પુરોહીતને મારી નાખવા માટેની સુપારી આપી હતી. હવે તમારો ગુનો કબુલી લો. સબુત બધા તમારી વિરુધ્ધ જ છે.” “ઇન્સપેકટર મે અશ્વિનને મારી નાખવાની જસ્ટ ધમકી આપી હતી અને તે પણ તે જ્યારે મારી સાથે ઉધ્ધતાઇથી વર્ત્યો ત્યારે. તેણે મારી સાથે છલ કરી મારી એક હોટેલ પડાવી લીધી અને હવે તેની નજર મારા ફાર્મહાઉસ પર હતી.તમે સમજો છો એટલો સારો ન હતો અશ્વિન.સારૂ થયુ તેને કોઇએ મારી નાખ્યો નહી તો હું જ તેને કદાચ....” કહેતા કાંતિલાલ અટકી ગયા

“કાંતિલાલ આ સાબિત કરે છે કે આ ખુનમાં તમે પ્રત્યક્ષ નહી તો પરોક્ષ રીતે સામેલ છો જ. મારે તમને ગીરફ્તાર કરવા જ પડશે.યુ આર અન્ડર અરેસ્ટ મીસ્ટર કાંતિલાલ.” હવે કાંતિલાલને પણ સમજાઇ ગયુ હતુ કે તમામ આધાર પુરાવાઓ તેની વિરૂધ્ધ છે.એ સાચુ હતુ કે તેણે બાબુ બાટલીને અશ્વિન પુરોહિતની સુપારી આપી હતી પણ તે ખુન કરે એ પહેલા જ અશ્વિનનુ ખુન થઇ ગયુ હતુ.હવે બાબુ બાટલી મળે તો જ પોતે નિર્દોષ સાબીત થઇ શકે બાકી તો અશ્વિનના ખુનની સજા તેને મળવાની જ હતી.

કાંતિલાલને ઇન્સપેકટર ગીરધારીલાલે અરેસ્ટ કરી લોક અપમાં પુરી દીધા.તેને વિશ્વાસ આવી ગયો કે આ કેસ સોલ્વ થઇ ગયો.તે પોતાની આ બાહોશી પર ગર્વ અનુભવવા લાગ્યા. ટી.વી અને છાપામાં ફરીથી ગીરધારીલાલની વાહ વાહ થવા લાગી અને બધે જ તેની ચર્ચા થવા લાગી.

પણ સાચે જ ખુન કાંતિલાલે જ કરાવ્યુ હતુ? શું કોઇ વ્યકિત આ રીતે હેવાનીયતથી કોઇનું ખુન કરી શકે? શું સાચે જ કેસ સોલ્વ થઇ ગયો હતો કે ઇન્સપેકટર ગીરધારીલાલનો માત્ર આ ભ્રમ હતો???

જરા સાંભળો મારી વાત.

મિત્રો હોરર અને સસ્પેન્સ થ્રિલર વિષય પરનો આ મારો પ્રયાસ કેવો લાગ્યો દોસ્તો મને મારા મેઇલ આઇ.ડી.પર જરૂરથી જણાવજો. અને હા ખાસ વાત તમે મારી આવી હોરર સસ્પેન્સ થ્રિલર બુકની પેપર બેક કોપી મેળવવા માંગતા હોય તો મારો સંપર્ક જરૂરથી કરજો. આભાર