Prem - Shayari - Kavita 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - શાયરી - કવિતા - 4

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : પ્રેમ - શાયરી – કવિતા- 4

શબ્દો : 1574

સજેસ્ટેડ શ્રેણી : કવિતા

1.

સુંવાળું એવું આ મન થયું છે જરા આળું
કેમ કરીને ભરવું હવે જન્માંતરનું નાળું ?

મુલાયમ એવું એક તું બનાવ ઓશિકું
જેના પર આંખ મીંચી તારા સપનાને હું ભાળું

તેજ રહે તુજ પ્રેમનું મુજ આ જીવન પર
રૂક્ષ એવું આ જીવન જરી તો બની રહે સુંવાળું

ગમે ત્યાં રહે ભલે તું વાંધો નથી કશો જ મુજને
અરજ કરું એટલી જ કે આંખ મીંચુ ત્યાં તને ભાળું

ગમે તેટલું હો જીવન અકારું ને બની ગયું હો આળું
નહીં નીકળી શકાયે એમાંથી એ છે કરોળિયાનું જાળું

2.

ચારે બાજુએ જો ના હો ચોકી પહેરો જો
છાનપગો એવો બિલ્લી પગો એ શા કામનો ?

સંતાકૂકડીની રમત રમ્યાં નહીં કોઈ'દિ
તો બોલો ભલા થપ્પો કર્યોય વળી શા કામનો ?

હઠનો હો કે હો પ્રેમનો ન આગ્રહ કશા કામનો
લાગણી હો હૃદયે સાચી દેખાડો શા કામનો ?

કરી વિનંતી જીવી જોયું આ આયખું થયું પસાર
મમત જ હો જ્યાં પાંગળો ઈજારો શા કામનો ?

આજીજી મારી સાંભળ હૃદય તું છે સાક્ષી મુજ ભાવનો
ન જીક ઝીલી જાણે એ તો ઉધામો ય શા કામનો ?

3.

ઘણાં રે વર્ષે અમે મીંટો માંડ્યી ને
પછી તને નજરે દીઠાનો રે વ્હેમ ?

કોઈ આવીને જો જરીક ચૂંટી ખણેને
મને સાચાં ખોટાંનો નડે વ્હેમ..?

માન્યું નહીં હૃદય આજે કોઈ વાતેને
તને અમંગળ વર્તાયાનો વ્હેમ ?

હું રે પૂછું એક સવાલ તુજનેને
મને જવાબ ન મળ્યાનો વ્હેમ ?

વાત જો સમજાઈ હોય તને સાચેને
તને ગેરસમજનો થાય વ્હેમ ?

કેમે કરીને આજે કાઢી નાંખુ વ્હેમને
ન પૂછીશ જરા મને કે કેમ ?

4.

કંપનનાં પડઘાં પડઘાયછે કાનમાં
વાતોની વાતો સમજાઈ ગઈ સાનમાં

સમજાઈ ગયું છે એમ નહીં આભાસમાં
કે સમજીને પાછા આવી ગયાં ભાનમાં

ન રહેવું હવે કદીય કોઈ ખોટા આઘાતમાં
રહી ગઈ આ વાત હવે દરેકનાં ધ્યાનમાં

સાંભળ્યું'તુ રહેવું હંમેશ નિજ તાનમાં
નથી ભૂલી શકાયો પ્રેમ આપનાંજ માનમાં

શું કરું ન સાંપડ્યો તુજ હાથ મારા હાથમાં
ઈશ્વરને પંથે બસ જીવું છું નિજ તાનમાં

5.

વિનંતી તને બસ કરું છું આજ એક વાતની ઓ શામળા
તાંદૂલ ઝૂંટવી લીધાં ને દીધો મહેલ છે બધું મને બરોબર ધ્યાનમાં

મેં તો તને ભેટી મારું વિશ્વ સમેટી લીધું સઘળું એમાંજ
તારી ભાભીને મહેલ દઈ મને લાવી દીધો અંતઃધ્યાનમાં

મારું ન કીધું સાંભળી ગયો તું ને નાંખ્યો મને કેવા ૠણાનુબંધમાં
ભવોભવનો ભાર મારે માથે લઈ જીવવું કરજ ચૂકશે હવે કિયા જનમમાં ?

હવે જરીયે શરમ તને રહી હોયે જો બાકીતો રાખ મને કાયમ તારી સાથમાં
લેતી દેતી સિવાયનો નાતો બાંધી દે મને હૃદયે ધરજે તું શામળા

યાદ એટલું રાખજે જરી જણાઈશ કાયમ તું મારો શામળો
ને ગવાશે ગેરઘેર ભજનમાં નરસિંહ નાં સ્વામી છે શામળા

6.

વેદના જ્યારે મધુરી લાગે
શબ્દ સાથે પ્રીતલહેરી જાગે

તું મને ક્યારેક બહુ પ્યારી લાગે
ને તું જ ક્યારેક અળખામણી લાગે

નક્કી નથી કરી શકતો જાવું છે કયે મલક
રસ્તો તારા તરફનો મને એકલ પગદંડી લાગે

સમજી જો શકે તું આવીને સમજાવી જા જરા
તું જ મને પ્રશ્ન અને તું જ તેની ઉત્તરવહી લાગે

ન્યોચ્છાવર થવાને તૈયાર છુથ હાથ જો તું પકડે કદી
તારા તરફની જો હો ગતિ કાયમ મને ન્યારી લાગે

7.

દિલમાં તુજ ડંખનાં પગલાં ની છાપ છે અકબંધ છે
તને ચાહીને પામ્યો નફરત એ સઘળો તારો જ પ્રબંધ છે

નિશાની આપણ નેહની કેવી રીતે છુપાવવી હવે મારે
ઉગી નિકળ્યો નિજ કુખે બની પ્રેમ તારો ને મારો સંબંધ છે

રસ્તો સામે છે પથરાળ ને નહીં સહેલી જરીયે ડગર છે
મંઝિલનાં નામે વાગ્યું છે તાળું પ્રેમ રસ્તો થયો જ્યાં બંધ છે

પ્રેમ ન ફાવ્યો ને સદી ગઈ નફરત પ્રેમનો શિરસ્તો છે કેવો આ
લઈ ફરું છું સઘળો બોજ તુજ નફરતનો તે મારાં જ સ્કંધ છે

કેમ કરી સમજાવું તને દુષ્કર દુનિયાનું ઝેર છે આ પ્રેમ
અને એને પંથે જે ચાલે થઈ દેખતો ખરેખરો એ જ અંધ છે

8.

આજ તું નથી ની વાતે લાગણી મારી ઉભરી હશે
ને કોઈ ફિલ્મની પંક્તિએ જાત મારી છળી હશે

કોઈક પંક્તિનાં ગીત સંગે લાગણી મારી રડી હશે
સવારની સોનેરી કિરણે આંખ તુજ યાદે ઝળહળી હશે

કેમ કરીને પહોંચશે તુજ સુધી વહાવ મારાં મનનો
કે તારીય આંખ મારી યાદમાં જરીક તો ફરકી હશે ?

તું આવીશની રાહમાં નછર પગદંડીએ મારી જડી હશે
વાત મારાં ઈંતઝારની જો તારી લાગણીએ કળી હશે

મન મોઘમમાં રહીને વાત તેંય આજ સ્મરી હશે
ને મારી યાદે તારી જાત આજ સ્હેજ તો ટળવળી હશે

9.

મને હો તારી સમજણની પ્યાસ
અને તું મને બિસ્લેરીની બોટલ આપે..

મને હોય તારી સાથે ફરવાની ચાહ
અને તું ગાડીની ચાવી સાથે મને ડ્રાઈવર આપે

મને હોય તારો મીઠો આવકારો પસંદ
અને તું મને નવાનક્કોર ફ્લેટની ચાવી આપે

મને હોય તારી સાથે કીટલીની કોફી પસંદ
અને તું રૉયલ કેન્ડલ લાઈટ મને ડીનર આપે

કેવી રમત છે આપણી સંતાકુકડીની
મને હોય કે તું મને શોધવા આવી પહોંચીશ

અને ત્યાંજ તું મને થપ્પાનો નવો દાવ આપે...!!!

10.

ચાલને ભેરું આજે થોડુંક માણસ માણસ રમીએ
માણસ માણસ રમીને થોડાં લાગણીભીનાં થઈએ

માણસ માણસ રમતાં રમતાં થાક તને જો લાગે
અંદર અંદર પરસ્પરને સાચવી થોડું લઈએ

ફરી પાછાં કોઈ સરનામે ઓચિંતા પહોંચી જઈએ
આશ્વર્યની દુનિયામાં પાછાં થોડુંક ખોવાઈ જઈએ

ચાલ હવે આ વાત મૂક કે માણસ માણસ રમીએ
પરસ્પરનો મેળવી સહારો ફરી નવું નવું ઉછરીએ

એકબીજાનો હાથ પકડી સુંદર સફર ખેડી લઈએ
અંતર અંતર પ્રેમીએ અને અંતર અંતર મ્હોરીએ

11.

તું આવે તો ખુશ્બો બસ ચારેકોર ફેલાઈ જાય છે
મારી લાગણી પવન બની સઘળે વેરાઈ જાય છે

કેમ કરી સમજાવું તને ભીતરે શું ઝીલાય છે ?
અંતરની વાત નથી રે'તી છાની સૌથી કળાઈ જાય છે

પર્ણને જો અડે પવન એનો જીવ થરથરી જાય છે
તારા અંગુલિ સ્પર્શે મારી જાત રણઝણી જાય છે

પ્રેમમાં પડવાની વાતથી જ જો પતી જતું હોય તો
તૈયાર બેઠેલ આ હૃદય પળભરમાં વેરાઈ જાય છે

કહેવાતી સઘળી વાતો નામેબસ પ્રેમની જ હોય છે
તત્વ જો પડે સાચનું એમાં તો જાત ઢંઢોળી જાય છે

12.

સવારની એક લહેરખીએ અહેસાસ આપ્યો અસ્તિત્વનો
રહેશે શું તુજ વિના કાયમ શિરસ્તો વિધ્વસ્તનો ?

પરોઢ જો હોય તો આવે અજવાળા સૂરજ ઘોડલે
પડે સાંજ અને આપી જાયે રોજ વિષાદ એ અસ્તનો

નાનું જો બાળ જ હોત ન પરવા રહેત હારજીતની
લાગણી પીઢ થઈ પોકારે દ્વંદ આજે પરાસ્તનો

તું આવે અને સમય મારો પસાર થઈ જાયે સુવાંળપમાં
પણ તનેય પડી છે આદત ખોટી આપે ઉત્તર હંમેશ વ્યસ્તનો

તોય કહું છું આજે તને કરી માત્ર વિનંતી એટલી સખા
આવી જો જાયે તું હૈયે મોસમ બને ફરી મસ્તનો..!!!

13.

દિવસ આખો બસ એમ જ જીવાતું હોય છે
સાંજ આવી ઉમટે ને દિશા બદલાતી હોય છે

તું હશે અટવાયેલો તારા વ્યવહારોમાંભલે
તારા વિનાની સાંજમાં ઉદાસી વર્તાતી હોય છે

એમ તો સનમ તને શા સારુ દૂર જવા દઉં તને હવે ?
જિંદગી તારા નામનાં જ જ્યાં શ્વાસો ભરતી હોય છે

તું આવી છાય બે ઘડી તો છેડું હૃદયનાં તાર ને
તુજ વિનાની લાગણી એકલતાને દ્વાર ભટકતી હોય છે

વાત મારી લાગશે એક જેવી જ તને કાયમ સનમ
તું ન હોયે સાથે પરિસ્થિતિ એક જેવી જ થતી હોય છે

શક્ય બને અને જો તું આવી શકે ને મળ મને
એક મીરાં શ્યામ ઘેલી રોજ તરફડતી હોય છે

14.

મારી રગેરગમાં એવી રીતે તું ખીલી ઉઠ્યો આજ
રક્તમાં સઘળે ખુશ્બો બની મ્હેંકી ઉઠ્યો તું આજ

આવે તો બસ તને શ્વાસોમાં ભરી લઉં હું સનમ
વરસાદી ભીની માટી સમ મને ભીંજવી ગયો તું આજ

હોઠ પર તારું નામ આવતાં વદન શરમાઈ જાય છે
સગપણ બની મારી ચોપાસ મ્હોરી ઊઠ્યો તું આજ

તને વિસરવાની વાત આવે નહીં આપણ પ્રેમમાં
એક અવિરત ક્ષણ બની મને જીવાડી રહ્યો તું આજ

ઉદાસી પણ ફેરવાઈ જશે ઉત્સવમાં જો તું આવે
મૌનનો સરતાજ થઈ મારી હિંમત બન્યો તું આજ

15.

પિતાની છાતી ત્યારે ગજ ગજ ફૂલી હશે
જ્યારે જ્યારે મેં સફળતા ચૂમી હશે.....

આમ તો માતા પિતા જે ગણો બંને એક જ છે....
મુજને ખુશહાલ જોઈ આંખ ખુશીમાં ઝમી હશે...

જ્યારે પણ એક આંગળીએ ધીરેથી એમને સ્પર્શી હશે..
બેટા કહી ત્યારે હથેળી એમની મને પકડવા નમી હશે...

કેમ કરીને માપવો કે નેહ કોનો અગ્રિમતા પામશે...
કાલીઘેલી વાણી બાળકની હર માતપિતાને ગમી હશે..

બનવું માત પિતા એ ભલે ક્રમ હોય કુદરતનો
સંતાન આગમન પે'લાંની માત્ર એક જ એમની કમી હશે

16.

જોયો જોયો કાના આજ તારો મેં વટ
ને જોઈ લીધી છે આજ તારી એ હઢ

રાહ જોવડાવી મને તેં યમુનાને તટ
ને તું જ ન આવ્યો કરી પીછેહઠ ?

જીવન સાગરનો મારો થયો ટૂંકો રે પટ
નથી જીરવાતી મુજથી તારી પ્રેમહઠ...

હવે આવી જા ને ત્યજી દે ને કાન તારો વટ
ભૂલ મારી ગણજે માફ નહીં કરું કોઈ'દિ હવે સ્ત્રીહઠ...

મહીં માખણ ચોરી ખાધાં તે ન તોય સંચર્યો જુદો પથ
આવી જા ને ન કરીશ આવી હવે ફરી બાળહઠ

17.

પાંગરી તી પ્રીત આજ જમુનાને તીર...
કાન રાધા રમે રાસ આજ જમુનાને તીર...

કંદબની ડાળ ઝૂકી આજ જમુનાને તીર..
વાંસળીનાં સૂર વહ્યાં આજ જમુનાને તીર..

રમ્યાં ગેંડી દડો આજ જમુનાને તીર..
નાથ્યો કાળી નાગ આજ જમુનાને તીર...

ગોવાળિયા સૌ કરે યાદ આજ જમુનાને તીર
સૂના પડી ગ્યાં ગાયોનાં ધણ આજ જમુનાને તીર

કાન તારો પગ સ્પર્શ્યો આજ જમુનાને તીર..
હું ભીંજાઈ વૃંદાવન ને તું કાં મથુરાને તીર...?

18.

ખેંચે સતત તારી તરફ સાવ અકારણ
ભીંજવે મનને તરબતર તારું સ્મરણ

અગાધ ઈચ્છાઓ છે ન કોઈ મરણ
બે હૃદયની વચાળે છે ભીનું ઝરણ

થયું છે હવે દોહ્યલું આ જીવન જીરણ
કહું મનવા ઘડી તો બનીને રહે રાધારમણ

મનને મનાવવા ન રહ્યું કોઈ ભરણ
હૃદય કરે પ્રેમ ગાંડુ થઈ આમરણ

ફૂલ તને જે વ્હાલું શ્યામ જેમ પીળું કરણ
એમ જ મને તું જીવથી વ્હાલો નથી એનું મરણ

19.

ૠજુ એવા તારા હૃદયની સુંવાળપ મને ગમે છે..
તુજ સમક્ષ નરમ દિલની હર અરજ મને ગમે છે..

તો શું થયું તીક્ષ્ણ પ્રહારે તું દે નકારી મુજને...
તારી નરમ સ્વભાવની એ ગરમાહટ મને ગમે છે...

ગમવું ગમવું ને ગમવું તું મને ગમે તે કહેવુ મને ગમે છે
કારણ વગરનું નિષ્કામ એવું પ્રણયનું ખેંચાણ મને ગમે છે

રોઈ રોઈને પૂરું કર્યું તુજ વિણ એ જીવન મને ગમે છે
ને મરતાં મરતાં જીવી રહ્યો છું એ જીવન મને ગમે છે

સમજાવવા ચાહું છું હૃદયને એની અણસમજ મને ગમે છે
બાલકપનમાં ઈચ્છેલી તારા પ્રેમની હઠ મને ગમે છે

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED