બિમ્બીસાર Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બિમ્બીસાર

બિમ્બીસાર (ભારતના મહાન રાજાઓ)

આપણે જોઈ ગયા કે બૃહદ્રથ અને જરાસંધ થી શરુ થયેલ મગધના રાજવંશની આણ પ્રદ્યોત રાજવંશ આવતાં સમાપ્ત થઈ પણ તે વંશનું રાજ અવંતિ ઉપર ચાલુ હતું અને મગધ ઉપર હર્યંક વંશનું રાજ ચાલું થઈ ગયું હતું. ઇસાની પહેલા છઠ્ઠી સદીના મધ્યભાગમાં રાજગૃહને રાજધાની બનાવી રાજા ભટ્ટીય હર્યક વંશના સ્થાપક બન્યા પણ એમનો પુત્ર રાજા બિમ્બીસાર વધુ પ્રસિદ્ધિ પામ્યો હતો. રાજા બિમ્બીસાર ૧૫ વર્ષે રાજગાદી પર બેસી ચૂકયો હતો. બિમ્બીસારનાં પિતાનું નામ પુરાણો પ્રમાણે હેમજીત અથવા ક્ષેમજીત હતું. તો તિબેટીયન સાહિત્ય પ્રમાણે એનું નામ મહાપદ્મ હતું.

રાજા બિમ્બીસારે જુદા જુદા રાજાઓની કુંવરીઓ સાથે લગ્ન કરી એના રાજ્યની સરહદો વધારી અને સુરક્ષિત કરેલી. જૈન શાસ્ત્રો પ્રમાણે રાજગૃહનાં રાજા શ્રેણિક તરીકે પ્રખ્યાત છે. તે ભગવાન મહાવીરનો સમકાલીન અને શિષ્ય હતો. જૈન શાસ્ત્રો પ્રમાણે તે આગલા જન્મમાં કૃષ્ણના ભાઈ બલદેવ હતા અને ભગવાન મહાવીર પછી નવી અવધિમાં બિમ્બીસારનો આત્મા પહેલી તીર્થંકર બનશે.

તે સમયની કથા પ્રમાણે વૈશાલીના રાજા ચેતકને ચેલના નામની ખૂબ સુંદર પુત્રી હતી. ભરત નામના ચિત્રકારે રાજકુંવરી ચેલનાનું એક ચિત્ર બનાવ્યું અને રાજા શ્રેણિક એટલે બિમ્બીસારને બતાવ્યું. રાજા શ્રેણિક ચિત્ર જોઇને જ રાજકુંવરીનાં પ્રેમમાં પડી ગયો. તો કુંવરી ચેલના પણ એક દિવસ નગરી રાજગૃહમાં આવી અને રાજાને જોયોતો એ પણ રાજાના પ્રેમમાં પડી અને બંનેના શીઘ્ર લગ્ન પણ થઈ ગયા. પ્રશ્ન એ હતો કે રાણી ચેલના જૈન હતી અને રાજા બૌદ્ધ ધર્મથી પ્રભાવિત હતો. આમ તો રાજા મોટું હૃદય ધરાવતો હતો એટલે રાણીના જૈન હોવા વિષે ઉદાર હતો પણ મનમાં એને સંતોષ નહોતો. અહિંસાની જૈન ફિલસૂફી એની સમજમાં અને માનવામાં નહોતી આવતી. તો રાણી આનાથી દુઃખી રહેતી.

એક દિવસ રાજા આખેટ પર ગયો ત્યાં એણે કોઈ જૈન સાધુને ઊંડા ધ્યાનમાં મગ્ન બેઠેલાં જોયા. રાજાએ એમના ઉપર પોતાના શિકારી કૂતરા છોડી મૂક્યા. પણ સાધુને કોઈ અસર થઈ નહિ ઉલટાના સાધુની શાંતિ જોઈ કૂતરા પોતે શાંત થઈ બેસી ગયા. રાજા ગુસ્સે થયો. એણે સાધુ ઉપર બાણ વર્ષા કરી પણ બાણ પોતે સાધુને ટાળી ઈજા કર્યા વગર બાજુમાં થઇ જતાં રહેતાં હતાં. રાજા વધુ ગુસ્સે થયો ને એક મરેલો સાપ સાધુને ગળે વીંટાળી પોતાના મહેલ તરફ રવાના થયો. મહેલમાં આવી તેણે રાણીને આખો પ્રસંગ કહ્યો. રાણી ખુબ દુઃખી થઈ અને રાજાને યેનકેન પ્રકારે સમજાવી પેલા જૈન સાધુ યમધર પાસે લઈ આવી. હવે મરેલો સાપ ગળા પર વીંટળાયેલો હોવાથી એને ખાવા પુષ્કળ કીડીઓ આવી ચૂકી હતી અને સાધુના શરીર પર ડંખ મારતી ફરી રહી હતી. પણ સાધુ ઉપર એની કોઈ અસર નહોતી. એ સ્થિતપ્રજ્ઞ ધ્યાનમાં ડૂબેલા જ હતા. રાણીએ સાપ દૂર કર્યો, કીડીઓ દૂર કરી અને સાધુના ઘાવ પર ચંદન લેપ કર્યો. સાધુની સહનશક્તિ જોઈ રાજા ખુબ પ્રભાવિત થયો. થોડા સમય પછી સાધુની આંખ ખુલી એણે દુઃખ દેનાર અને મદદ કરનાર વચ્ચે કોઈ ભેદ રાખ્યા વગર બંનેને આશીર્વાદ આપ્યા. રાજા ત્યાર પછી ભગવાન મહાવીરનો પરમ ભક્ત બની ગયો.

બૌદ્ધ શાસ્ત્રો પ્રમાણે રાજા બિમ્બીસાર આખી જીંદગી ભગવાન બુદ્ધનો શિષ્ય રહ્યો હતો અને બૌદ્ધ રીતે જ્ઞાન પણ પામ્યો હતો. બર્મિઝ ચિત્રકલા મુજબ રાજા બિમ્બીસાર પોતાનું રાજ્ય ભગવાન બુદ્ધને અર્પણ કરે છે તેવા ચિત્રો પણ મળે છે. બિમ્બીસાર જુદાજુદા રાજાઓની કુંવરીઓ સાથે લગ્નો કરી પોતાની સ્થિતિ મજબૂત કરતો હતો. તેની પહેલી પત્ની કોશલાદેવી કોશલના મહારાજા મહાકોશલની કુંવરી હતી, જે પ્રખ્યાત પ્રસેનજીતની બહેન હતી. આ કુંવરી દહેજમાં કાશી નગરી લઈને આવી હતી. બિમ્બીસારની બીજી રાણી ચેલ્લના વૈશાલીની લિચ્છવી રાજકુંવરી હતી જે મહાવીરના કાકાની દીકરી હતી. બિમ્બીસારની ત્રીજી રાણી ક્ષેમા પંજાબના મદ્ર વંશની કુંવરી હતી.

કથા કહે છે બિમ્બીસારને એના દીકરા અજાતશત્રુએ કેદ કરી રાજ કબજે કરેલું. રાજાનું મસ્તક ધડથી દૂર કરવાનો હુકમ દીકરો અજાતશત્રુ આપી ચૂક્યો હતો. પછી એને ભાન થયું કે બહુ ખોટું કરી રહ્યો છે ત્યારે તે રોકવા ગયો પણ બહુ મોડું થઈ ગયું હતું. આમ એક મહાન રાજાનો અંત એના દીકરાના હાથે જ આવ્યો.

અજાતશત્રુ પણ બુદ્ધ મહાવીરનો સમકાલીન હતો. તેના સમયમાં તેનું રાજ્ય ખુબ વિસ્તાર પામેલું. એણે વજ્જીઓ અને લીચ્છવીઓ સામે ભયંકર યુદ્ધો કરી લોકશાહી વૈશાલીનો નાશ કરી નાખ્યો હતો. આમ્રપાલી વૈશાલીની નગરવધુ હતી અને તે એના પ્રેમમાં પડેલો હતો. સુનીલદત્ત અને વૈજયંતીમાલાની આમ્રપાલી ફિલ્મ જોઈ હશે મિત્રોએ.. અજાતશત્રુએ કાશી, કોશલ અને બીજા અનેક નાના રાજ્યો જીતી લીધાં હતાં. તે સમયે મગધ ઉત્તર ભારતનું સૌથી વધુ શક્તિશાળી રાજ્ય હતું. અજાતશત્રુ કુનીકા વૈદેહીનો પુત્ર તરીકે જાણીતો હતો. જૈનોના આગમ અને બૌદ્ધોના ત્રિપિટકમાં એનું નામ છે. જૈન ગ્રંથો પ્રમાણે એની માતા ચેલના છે તો બૌદ્ધ ગ્રંથો પ્રમાણે એની માતા કોશલાદેવી છે.

જૈન કથા પ્રમાણે અજાતશત્રુની માતા રાણી ચેલના ગર્ભવતી હતી ત્યારે એને રાજા બિમ્બીસારનું હ્રદય શેકીને ખાવાની અને દારુ પીવાની તીવ્ર ઈચ્છા જાગેલી. વિચારો એક જૈન અને મહાવીરની ભક્ત સ્ત્રીને કેવી ઈચ્છા જાગેલી? તે સમયે રાજા બિમ્બીસાર અને એની બીજી રાણી નંદાના વિચક્ષણ પુત્ર અભયકુમારે હ્રદય આકારનું કોઈ જંગલી ફળ શેકીને રાણી ચેલનાને ખાવા આપી દીધું. પછી રાણી આવા રાક્ષસી વિચારો આવવાથી ખૂબ શરમજનક અનુભવવા લાગી. એને થયું આ બાળક જન્મીને કુટુંબનો નાશ કરશે. એટલે એનો જન્મ થયોને તરત મહેલ બહાર કચરામાં ફેંકાવી દીધો. પણ રાજા બિમ્બીસારને ખબર પડતા તરત તે પાછો લઈ આવ્યો પણ તે દરમ્યાન કુકડાએ એની ટચલી આંગળી કોરી ખાધેલી અને એમાંથી લોહી ટપકતું હતું. એક બાપનું હ્રદય જુઓ લોહી બંધ નાં થાય ત્યાં સુધી રાજાએ તે આંગળી મોમાં મૂકી રાખી. આજે પણ આપણે આંગળીએ કશું વાગે તો એને પહેલા મોમાં મૂકી દઈએ છીએ. ખેર ઘવાયેલી આંગળીને લીધે એનું નામ કુનીકા પડેલું. બૌદ્ધ કથા પણ આવી સરખી જ છે એમાં ખાલી રાણી ચેલનાને બદલે રાણી કોશલા છે. અને રાણીને રાજાનું હૃદય નહિ પણ રાજા બિમ્બીસારનાં હાથનું લોહી પીવાનું મન થયેલું. અને રાજા બિમ્બીસારે પાકેલી આંગળી મોમાં લઈ એને રાહત આપેલી અને એનું પરુ સુદ્ધાં ગળી ગયેલા.

જૈન કથા પ્રમાણે રાજા બિમ્બીસારે આપઘાત કરેલો પણ બૌદ્ધ કથા પ્રમાણે એમની દર્દનાક હત્યા થયેલી, તે પણ એમના વહાલસોયા પુત્રના હુકમથી. જૈન વાર્તા પ્રમાણે અજાતશત્રુ એના તાજા જન્મેલા પુત્રને ખોળામાં લઇ જમવા બેઠો હતો. એનો પુત્ર થાળીમાં મૂતરી ગયો, પણ પુત્રપ્રેમ વશ થઈ એણે થાળી બદલી નહિ અને પુત્રનું મૂત્ર કિંમતી વસ્ત્ર વડે લુછી નાખ્યું. આ જોઈ અજાતશત્રુની માતાએ જુનો પ્રસંગ વર્ણવ્યો કે તેના પિતા બિમ્બીસારે પણ ઘવાયેલી પરુયુક્ત આંગળી મોઢામાં લઈને રાહત આપેલી. અજાતશત્રુનું હૃદય પીગળી ગયું. અને હાથમાં કુહાડી લઇ કેદ રાજા બિમ્બીસારની ઝંઝીરો કાપવા ચાલ્યો પણ બિમ્બીસારને લાગ્યું કે પુત્ર નિર્દય છે મને મારવા જ આવી રહ્યો છે તો એના હાથે મરવાને બદલે પોતાની વીંટીમાં રાખેલું કાલકૂટ ઝેર ચૂસી લીધું અને મૃત્યુ મેળવી લીધું અને તે સમયે આંખો બંધ રાખી બોલ્યા હતા “ કેવલી પન્ન્તો ધમ્મ્મ શરણં પવજ્યામી”.

બૌદ્ધ કથા પ્રમાણે પિતાને હથિયાર વડે મરાય નહિ તેવીં માન્યતાને લીધે અજાતશત્રુ રાજા બિમ્બીસારને ભૂખે મારી નાખવા માંગતો હતો. એટલે કેદ પિતાને કોઈ ખાવાનું આપવામાં આવતું નહિ. રાણી કોશાલાદેવી એક જ ખાલી મળવા જઈ શકતા. તે સંતાડીને થોડું થોડું ખાવાનું લઈ જતા. પણ ચોકીદારના હાથે પકડાઈ જતા તે પોતાના વાળમાં સંતાડીને લઇ જવા માંડયા. તેમાં પણ પકડાઈ ગયા તો પગરખામાં લઈ જતા, તેમાં પણ પકડાઈ ગયા તો પોતાના શરીર પર મધના ચાર ચાર લેપ લગાવીને જતા અને તે મધ ચાટી રાજા ક્ષુધા તૃપ્તિ કરતા. પણ એમાં ય પકડાઈ જતાં રાણીનું રાજાને મળવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું. રાજા મારતો નહોતો તો અજાતશત્રુએ હજામને એમના પગ કાપી ગરમ તેલ રેડવાનો હુકમ કર્યો, છેવટે રાજા મૃત્યુ પામ્યા. આવી વિવિધ કથાઓ હોવા છતાં એક તારણ નીકળે છે કે રાજા બિમ્બીસારને એના પુત્ર અજાતશત્રુએ જ મારી નાખેલો.

બૌદ્ધ કથા પ્રમાણે અજાતશત્રુનાં પુત્ર ઉદયભદ્રે જ એના પિતાની રાજ્ય માટે હત્યા કરેલી. જે હોય તે અજાતશત્રુના સમયમાં લગભગ આખાય ઉત્તર ભારત ઉપર એનું રાજ હતું. જૈન અને બૌદ્ધ બંને સંપ્રદાયો એને પોતાનો અનુયાયી સમજતા હતા. ભગવાન મહાવીર સાથેના એના સંવાદો નોંધાયેલા છે. એવું પણ બની શકે કે તેણે બૌદ્ધ અને જૈન બંને સંપ્રદાયોને રાજકીય આશરો આપ્યો હોય. પણ બંને સંપ્રદાયો સાથે મહાવીર અને બુદ્ધ સાથે એના સારા સંબંધો હતા તે નક્કી.