એકબીજાને ગમીએ Sanjay Pithadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

એકબીજાને ગમીએ

Sanjay Pithadia

sanjayrpithadia@gmail.com

લવલી લવ મેરેજ

આપણા વડવાઓના વખતમાં પુત્ર કે પુત્રી અવતરે ત્યાંજ એમનાં વેવિશાળ થઈ જતાં. ઘણા પરિવારોમાં તો જન્મ પહેલાં જ એવું એડવાન્સ બુકીંગ થઈ જતું કે તમારે ત્યાં દીકરી જન્મે અને અમારે ત્યાં દીકરો જન્મે (કે એથી ઊલટું) તો બંનેને પરણાવીને આપણે વેવાઈ બનીશું. પછી એવો સમય આવ્યો કે છોકરો-છોકરી એકબીજાને જોયાં કે મળ્યાં વગર જ, માબાપની મરજી પ્રમાણે પરણવા લાગ્યાં. મહાત્મા ગાંધી કસ્તુરબાને લગ્ન અગાઉ જોયા વગર જ પરણ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી જ્ઞાતિઓના પ્રમુખો અને સભ્યો ‘યુવક-યુવતી મેળાવડો’ ગોઠવતાં હોય છે જેમાં જે-તે જ્ઞાતિના ફ્રેશ, હાઈ-ક્લાસ, ગરમા-ગરમ, સેકન્ડ હેન્ડ કે લેટ-લતીફ સેમ્પલો એકબીજાને જુએ, મળે, વાતો કરે અને પસંદગી થાય તો પછી પરિવારજનો આગળ વધે. ક્યારેક એવું પણ બને કે યુવક-યુવતીઓને એમ થાય કે આપણી જ્ઞાતિ તો મણિબહેનો અને બાઘાભાઈઓથી જ ભરેલી છે ત્યારે મેરેજબ્યુરોનો સહારો લેવામાં આવે છે. જોકે દરેક જ્ઞાતિમાં એક-બે એવા નમૂનાઓ હોય જ કે જે પોતાને હાલતા-ચાલતા મેરેજ-બ્યુરો જ સમજતાં હોય અને ગમે ત્યાં ગમે તેનું પપલુ ફીટ કરાવવા ફાંફાં મારતા જોવા મળે છે. આથી એક શેર ચઢે એવી વાત એ છે કે આપણે ત્યાં ગામડામાં જે રીતે પશુબજાર ભરાય છે, પશુમેળા થાય છે એ રીતે, બસ એ જ રીતે બિહારના મિથિલા વિસ્તારમાં પરપૂર્વથી ‘દુલ્હા-બજાર’ ભરાય છે. પરણવાની ઈચ્છા ધરાવતા છોકરાનાં મા-બાપ દીકરાને વરરાજાના વાઘા પહેરાવીને હજારોની સંખ્યામાં એક નિયત સ્થળે ભેગાં થાય છે. દીકરીઓના મા-બાપ આ બજારમાં લટાર મારે અને દરેક દુલ્હાને તપાસે-પારખે અને પછી આગળ વાત વધારે.

આ રીતે વિધવિધ જાતના લગ્નપ્રકારો વચ્ચે એક ખૂબ જ પ્રચલિત પ્રકાર છે - લવમેરેજ, પ્રેમલગ્ન! લવમેરેજની વ્યાખ્યા આપવી પડે એવો આજનો જમાનો નથી. ઘેર ઘેર માટીના ચૂલાની જેમ કુટુંબે કુટુંબે લવમેરેજના દાખલાઓ જોવા મળતા હોય છે.

તાજેતરમાં એક મરાઠી ફિલ્મ ખૂબ ગાજી. ફિલ્મનું નામ ‘સૈરાટ’. બે અમીર-ગરીબ (તથા સવર્ણ-દલિત પણ એવા) પ્રેમીઓ કુટુંબ સામે બંડ પોકારીને નાના ગામમાંથી ભાગી જાય છે. હૈદરાબાદની એક બદબૂદાર ઝૂંપડપટ્ટીમાં નવું જીવન શરૂ કરે છે, પછી કોર્ટમાં પરણી જાય છે. પોલિટિશિયન બાપ પોતાનું નાક કાપનારી છોકરીને ધિક્કારે છે. બાપને જ્યારે ખબર પડે છે કે દીકરી-જમાઈ ક્યાં રહે છે ત્યારે એ પોતાના દીકરાને મીઠાઈ, દાગીના, કપડાં વગેરે લઈને છોકરીને ત્યાં મોકલે છે. સાથે બીજા ત્રણ ઘરના કહેવાય એવા વિશ્ર્વાસુ માણસો પણ છે જેને છોકરી ઓળખે છે. છોકરીના પિતાએ મોકલેલા ચાર જણ આ નવદંપતીની હત્યા કરીને રફુચક્કર થઈ જાય છે.

એ પહેલા હજુ એક મરાઠી ફિલ્મ આવેલી – ‘ટાઈમપાસ’. ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ. એક છોકરો. નામ એનું ‘દગડુ પરબ’. જીવનમાં ફક્ત બે ને માને - એક સાઈબાબા અને એક એના આઈબાબા (એટલે મા-બાપ). ભણવામાં ઢબૂનો ઢ. સવારે ઘરે-ઘરે છાપા નાખવા જાય, બાકી આખો દિવસ આળાટોળા ને આશિર્વાદ. એક છોકરી. સભ્ય કુટુંબની દીકરી. નામ એનું ‘પ્રાજક્તા લેલે’. દેખાવે સાદી, પંજાબી ડ્રેસ પહેરે, બે ચોટલા વાળે, એક ચોટલા પર ફૂલ લગાડે. હળવેથી બોલે, શાંત રહે, મા-બાપની બધી વાત માને, નાચવાનું મન થાય તોયે ઈચ્છાઓને દબાવીને રાખે - આ બધાનું એક જ કારણ, પ્રાજક્તાના પપ્પા માધવરાવ લેલે. જૂનવાણી, ખડૂસ, સિધ્ધાંતવાદી ફાધર. બોલવાની ભાષા અને પહેરવાની ભૂષા તદ્દ્ન સ્વચ્છ, પણ પ્રેમ નામના શબ્દથી ચીડ. આમ ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ સમાન એક લડકા, એક લડકી. સાહજિક કુદરતી આકર્ષણ, ઓળખાણ, ખેંચાણ, નૈન મળ્યા, મન મળ્યા - પ્યાર તો હોના હી થા! તાજા ચોખ્ખા ઘીમાં ઝબોળેલી પૂરણપોળી પ્રાજક્તાને ડેરિંગબાજ દગડુ જેવા બોંબિલ-ફ્રાયનો રંગ ચઢી જાય છે. પછી વધુ મળવાનો, સાથે ફરવા જવાનો, લવ-લેટર લખવાનો સિલસિલો ચાલુ થાય છે અને વિલન પપ્પાને ખબર પડે એટલે બંને છૂટ્ટા પડી જાય છે.

ઘણી વાર આપણે આવું જોયું છે. અગાઉની હિન્દી ફિલ્મોમાં હીરો-હીરોઈન આપઘાત કરતાં, તો ક્યારેક હીરોને હીરોઈનનો બાપ ઠાર કરતો ને હીરોઈનની હત્યા હીરોનો બાપ કરતો. હજી બીજી કેટલી ફિલ્મોના નામ કહું જેમાં પ્રેમલગન સામે પરિવારજનો આડા આવે છે? મુગલ-એ-આઝમ? બૉબી? જબ વી મેટ? સાથિયા? ટુ સ્ટેટસ? એક દુજે કે લિયે? કયામત સે કયામત તક!

બેઉ પ્રેમીપંખીડા મનમેળથી તનમેળ સુધી પહોંચવા ‘પરણવા’નો સહારો લે! કોઈ લફરું કરવા કરતાં લગ્નની વાત કરવી - એ તો સામાજિક અને શુદ્ધ વાત કહેવાય. પણ સામાન્યતઃ આપણા સમાજમાં થાય છે એમ બંને પક્ષના માતા-પિતાનો ગરાસ લૂંટાતો હોય એમ નકારો ભણે! પવિત્ર ભારતભૂમિના કેટલાય અક્કલમઠ્ઠાઓ માટે પ્રેમલગ્ન કરવા એ પાપ છે પણ એ માટે કોઈ જુવાન જીવને મોતને ઘાટ ઉતારવા એ પાપ નથી! દુનિયાના દરેક ધર્મ કે દેશમાં પ્રેમને પરમાત્મા સુધી પહોંચવાનો સૌથી સરળ અને સાચો માર્ગ બતાવ્યો છે. પણ વાસ્તવિકતામાં પ્રેમનું નામ પડે કે નેવું ટકા વડીલો અને કેટલાક જનમઘરડા યુવાનો પણ ધિંગાણે ઉતરી જાય છે.

“આ લવમેરેજ પશ્ચિમની ભેટ છે, કાં? આપણા ભારતીય સમાજને અને સુસંસ્કૃત સંસ્કૃતિને શોભે નહી”, આવું કહેનારાઓના મોંમા તોપનું નાળચું લગાડીને ભડાકે દેવા જોઈએ. ભારતના કયા ભગવાને અરેન્જ્ડ મેરેજ કરેલા એ કહો જોઈએ? શિવથી શરૂઆત કરીએ, સૌ પહેલાં તો એમના બે લગ્ન - એક સતી સાથે અને બીજા પાર્વતી સાથે. પાર્વતીએ તો એકતરફી પ્રેમને મેરેજમાં ફેરવવા કામદેવને કુરબાન કરી શિવને જીતેલા! સીતા કે દમયંતી કે દ્રૌપદી - બધી જ રાજપુત્રીઓ સ્વયંવર કરીને, પિતાને નહીં પણ પોતાને ઈચ્છિત પતિને જાહેરમાં પસંદ કરતી. રુક્મિણીનું પણ કૃષ્ણએ હરણ કરેલું. ગીતાનો સાંભળનારો અર્જુન અપ્સરાથી આદિવાસી સુધીની કન્યાઓ સાથે પરણેલો. આજે ૨૧મી સદીમાં પણ ઓનરકિલિંગના નામે આપણા સમાજની બહેન-દીકરીને મારી નાખવાની ઘટના બને છે અને તે સામે સદીઓ પહેલાં કૃષ્ણ જેવા મહાપુરુષ પોતાની બહેન સુભદ્રાને (મોટાભાઈ બલરામની ઈચ્છા વિરુદ્ધ) તેના મનગમતા પુરુષ અને પોતાના મિત્ર એવા અર્જુન સાથે ભાગી જવામાં મદદ કરે છે. આપણે આ બધાની પૂજા કરવી છે પણ એમના આચરણ જેવું આપણા સંતાનો કરે તો ભૂકા બોલાવી દેવા છે.

અને એવું કોણે કહ્યું કે પ્રેમલગન સફળ નથી થતાં? પ્રેમલગ્નોથી છલકાતું કુટુંબ એટલે સલમાનખાનના પિતા સલીમખાન ઍન્ડ ફૅમિલી. પુત્ર અરબાઝના લગ્ન મેંગ્લોરની ખ્રિસ્તી છોકરી મલાઈકા સાથે (જેમણે લગ્નના અઢારેક વર્ષ પછી પોતાના અંગત મતભેદને કારણે હાલમાં છૂટા થવાનો નિર્ણય લીધો છે), સોહેલના હિંદુ પંજાબી કુડી સીમા સાથે, પુત્રી અલ્વીરાના પંજાબી બ્રાહ્મણ અતુલ અગ્નિહોત્રી સાથે, દત્તક દીકરી અર્પિતાના બિઝનેસમેન આયુશ શર્મા સાથે. અને એવા વાવડ છે કે સલ્લુમિયાં પોતાની ફોરેનર સ્ત્રીમિત્ર લુલિયાને પરણવાના છે! સલીમ સાહેબ પોતે પત્નીઓ હેલન-સલમા અને સાથે પ્રેમભર્યું જીવનસંગીત માણી રહ્યાં છે. મારા પોતાના મામાના દીકરાએ સિંધી છોકરી સાથે, દીકરીએ ખોજા મુસ્લિમ છોકરા સાથે ૧૯ વર્ષ પહેલાં લગ્ન કરેલ છે અને આજે સુખી છે! લગ્નની સફળતા તો સપ્તપદીના સૂત્રોમાં છે. કયા પ્રકારે લગ્ન કર્યા એમાં નથી.

અને મૂળ ઈશ્યુ પ્રેમનો નથી. પ્રોબ્લેમ છે આપણી માનસિકતામાં. પેઢી દર પેઢી બંધિયાર મગજની મેથી મારનારા અક્કલના ઓથમીરોમાં. વાત કોઈ ચોક્ક્સ જ્ઞાતિ, રાજ્ય, કોમ કે નગરની પણ નથી - વાત છે જડસુ દિમાગની! પછી એ કોઈપણ માણસનો કેમ ન હોય! આપણે ત્યાં બે પ્રકારના વડીલો છે: એક જે સંતાનોના મુક્ત ઉછેરમાં માને છે પણ ખૂબ જ ઓછી સંખ્યામાં અને બીજા અણસમજુ જિદ્દી જે સંતાનોની સ્વતંત્ર પસંદગી કે પ્રેમને નફરત કરે છે પણ બહુમતીમાં. મૂળ તો ભારતીય માતા-પિતાઓ પોતાના બાળકને ‘મિલકત’ સમજે છે. એને ગમે એવું જ સંતાનોએ કરવું એવી ઘેલછા! ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ નામની એક રમૂજી ટી.વી. સિરીયલ આવતી. એમાં મનિષા નામની ગરીબ ઘરની છોકરીને પોતાનો દીકરો પરણે છે તો માતાને સારુ નથી લાગતું અને હંમેશા ‘હાઉ લૉઓર મિડલ ક્લાસ!’ એવું કહી કહીને મોનિષાને (હા, ‘મનિષા’ નામ એકદમ કોમન અને મિડલ ક્લાસ લાગે એટલે પોતાની વહુનું નામ પણ બદલાવીને ‘મોનિષા’ કરેલું) વારે વારે ટોકતી રહે છે.

લગ્ન એ માત્ર મંત્રો બોલીને અગ્નિકુંડની આસપાસ ચાર ફેરા ફરવાથી, કાગળ પર સહી કરવાથી, કે કબૂલ છે કહેવાથી બંધાઈ જતો કોઈ સંબંધ નથી. લગ્ન એ સાવ જુદા વાતાવરણમાંથી આવતા, આવ જુદી રીતે ઉછરેલા બે પાત્રોએ સાથે જીવવાની એક સુંદર સામાજિક વ્યવસ્થા છે. સારાં-નરસાની ખબર ન રહેતી હોય અને હાંઢિયા જેવા થાય તોયે નીતિ-નિયમમાં બાંધવા પડતા હોય એવા સંતાનો માટે માતા-પિતા જવાબદાર છે. ઉછેરમાં અને ઘડતરમાં ક્યાંક ચૂક કે ખોટ રહી ગઈ હશે. બાકી લવમેરેજમાં નુકસાન થાય તો એમનું પોતાનું જ થશે, બીજાનું નહીં! એ વાત સંતાનોને ખુદને સમજાવી જોઈએ. ભૂલ કરશે તો ભોગવશે ય ખરાં ને સફળ થશે તો ભાવના ભોજન સાથે જમશે ય ખરાં! પ્રેમલગ્ન વિરોધના કેસમાં લગભગ મામલો સંતાનના હિતનો ઓછો અને ઈગોનો વધુ હોય છે. ‘એવા ઘરની છોકરી અમારા ઘરની વહુ બની જ કેમ શકે?’ કે ‘આપણા ઘરની દીકરી એવા લોકોના ઘરમાં પરણાવી જ કેમ શકાય?’ - આ મેન મુદ્દો છે. અમને પૂછ્યાં વગર તમારાથી લગન થાય જ કેમ? કેટલાક સુધરેલા વડીલો કહેશે - અમારે પ્રેમલગ્નમાં કાંઈ જ વાંધો નથી. પણ પ્રેમ કરો તો અમને પૂછીને પ્રેમમાં પડજો....આપણી બરાબરી કરી શકે એવું સામેનું પાત્ર ગોતજો! વ્હોટ ધ હેલ?

ટુ સ્ટેટ્સ (બુક અને ફિલ્મ, બન્ને) તો હમણાં આવી પણ દાયકાઓ પહેલાં બાબાસાહેબ આંબેડકરે પોતાના એક લખાણમાં લખેલું કે ભારતીય સમાજમાંથી જો જ્ઞાતિવાદને ખતમ કરવો હોય તો લવમેરેજને પ્રોત્સાહન આપો. આ જ વિચારને લોકો સમક્ષ લાવવા ગુજરાતના પ્રખ્યાત કોલમિસ્ટ અને વ્યાખ્યાનકાર જય વસાવડાએ સન ૨૦૦૮માં ‘લીડ ઈન્ડિયા’ કોન્ટેસ્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પણ આપણી માનસિકતાને કારણે જૂજ મત મળવાથી તેઓ કોન્ટેસ્ટથી બહાર થઈ ગયાં.

અરેન્જ્ડ મેરેજમાં એક કે બે મિટીંગમાં છોકરા-છોકરીના માતા-પિતા નક્કી કરે કે આપણે અહિંયા જામશે, આ લોકો સારા છે. અહીં જ લગ્ન કરવા છે. પ્રોબ્લેમ અહીં જ ઊભો થાય છે. એક વાત કાજલ ઓઝા વૈદ્યએ પોતાના પુસ્તક ‘એકબીજાને ગમતાં રહીએ’માં લખી છેઃ અમેરિકાથી આવેલા એક છોકરાએ છવ્વીસ છોકરીઓ જોઈ નાખી પછી એક સુકન્યા પર પસંદગીની મહોર લગાવી. સુકન્યા પાસે ડિગ્રી હતી, ફિગર હતું. ગોરી-પાતળી છોકરી રસોઈકળામાં પણ નિપૂર્ણ હતી. ૧૫ દિવસ માટે આવેલા છોકરાએ લગ્ન કરી લીધાં, છોકરો અમેરિકા પાછો ચાલી ગયો. વિઝા પર છોકરી પણ તરત જ અમેરિકા પહોંચી ગઈ. અમેરિકા પહોંચતાની સાથે બંને જણા વચ્ચે ભયાનક ઝઘડાં શરૂ થઈ ગયા! કારણ? છોકરી પથારીમાં ઠંડીગાર હતી.

લગ્ન પહેલાં બંને જણાં એકબીજાની સાથે સમય ગાળી જ શક્યાં નહોતાં એથી એમને બંનેને ખબર જ નહોતી કે એમની જરૂરિયાતો શું છે! અમેરિકામાં જીવતા છોકરા માટે સેક્સ એ લગ્નનો અગત્યનો ભાગ હતો. તેને પત્ની રાંધે નહીં તો ચાલે, પણ પથારીમાં તૃપ્ત કરી નાખે એવી હોવી જોઈએ. જ્યારે છોકરીએ પથારીમાં પોતાનું શરીર પતિને સોંપી દેવાથી આગળ બીજું કશું જ કરવાનું જરૂરી નહોતું લાગતું. એને મન રસોડામાં વાસણો વચ્ચે જિંદગી જીવવી એક લગ્નની પરિપૂર્ણતા હતી. પછી થાય શું? બંને આખરે અલગ થઈ ગયા.

અરેન્જ્ડ મેરેજમાં જ્યારે છોકરા છોકરીની મિટીંગ ગોઠવવામાં આવે પછી પસંદ અને નાપસંદને લઈને પણ સવાલો ઊભા થાય છે. ‘ના કેમ ગમે? ફરી પાછી મિટીંગ ગોઠવો’ અથવા ‘આમા ગમવા જેવું શું છે? ના પાડી દેજો!’ મૂળ વાત છે કે છોકરા-છોકરીને પોતાને ઓળખવાનો, મળવાનો, જાણવાનો, સમજવાનો સમય જ મળતો નથી!

ઈન્ડિયન ટેનિસની સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાની પહેલી સગાઈ ચાઈલ્ડહૂડ મિત્ર મોહમ્મદ સોહરાબ સાથે નક્કી થયેલી અને પછી છએક મહિનામાં તૂટી પણ ગયેલી. સગાઈ તૂટ્યા પછી સાનિયાએ કહેલું: અમે ઘણાં વર્ષોથી મિત્રો હતાં, પરંતુ અમારે મનમેળ બેસતો ન હતો. અમારી જોડી જામે તેવી નથી. સગાઈ તોડી પછી સોહરાબના પિતા ઈમરાન મિર્ઝાએ કહ્યું કે, સોહરાબ અને સાનિયા અમારી પાસે આવ્યાં હતાં, એ બંની ખુશીથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અમારા બંનેના પરિવારના સુમેળાભર્યા સંબંધો પર કોઈ અસર નહીં થાય. આ વાતમાં કોઈ કડવાશ નથી. આખી ઘટનામાં મા-બાપે શીખવાનું છે કે તમે સંતાનને નક્કી કરવા દો કે એ લોકો સાથે રહી શકે એમ છે કે નહીં? એ બંનેની જોડી જામે છે કે નહીં? તમારા નિર્ણયો, વિચારસરણી અને પસંદ-નાપસંદ સંતાનો પર ઠોકી ના બેસાડો.

આજની યુવાપેઢી ક્લિયર અને ફોકસ્ડ છે. જબરજસ્તી કે ધરારીનો મતલબ નથી. આખી જિંદગી ભાર વેંઢારવા કરતાં પ્રેમથી બાય બાય કહેવું વધારે હિતાવહ અને ડહાપણ ભરેલું છે. લોકો અને સમાજને જે કહેવું હોય તે કહે પણ જીવવાનું આપણે છે, આ વાત નવી પેઢી બરાબર સમજે છે. આઝાદી અને પ્રાયવસી એ યંગસ્ટર્સને સૌથી વધુ ગમતા શબ્દો છે.

Love marriages around the world are simple:

Boy loves girl. Girl loves boy. They get married.

In India, there are a few more steps:

Boy loves girl. Girl loves boy.

Girl’s family has to love boy. Boy’s family has to love girl.

Girl’s family has to love boy’s family. Boy’s family has to love girl’s family.

Girl and boy still love each other. They get married.

આ લખાણ ભારતીય (પણ અંગ્રેજીમાં લખતા) લેખક ચેતન ભગતના પ્રસિદ્ધ પુસ્તક ‘ટુ સ્ટેટસ’ના પાછળના કવર પેજ પર લખેલું છે. કેવું સાચેસાચું લખેલું છે નહીં?