સંજય દ્રષ્ટિ - કાળઝાળ ઉનાળો Sanjay Pithadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંજય દ્રષ્ટિ - કાળઝાળ ઉનાળો

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

sanjayrpithadia@gmail.com

કાળઝાળ ઉનાળો

રે આવ્યો કાળ ઉનાળો

અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.

રે આવ્યો….

એના શ્વાસે શ્વાસે સળગે

ધરતી કેરી કાયા;

એને પગલે પગલે ઢળતા

પ્રલય તણા પડછાયા.

ભરતો ભૈરવ ફાળો.

રે આવ્યો….

એના સૂકા હોઠ પલકમાં

સાત સમુન્દર પીતા

એની આંખો સગળે જાણે

સળગે સ્મશાન ચિતા.

સળગે વનતરુડાળો

રે આવ્યો…..

કોપ વરસતો કાળો

રે આવ્યો કાળ ઉનાળો.

‘જયંત પાઠક’ની આ કવિતા ગ્રીષ્મના મધ્યાહ્‍નને પોંખે છે. કાળઝાળ ગરમીને વર્ણવે છે. ધોમધખતા તાપને કારણે ધરતીના રોમેરોમમાં ઊઠતી અગનઝાળને વખોડે છે. મને યાદ છે કે સ્કૂલમાં વાર્ષિક પરીક્ષામાં ‘બળબળતો બપોર’ કે ‘ગ્રીષ્મનો મધ્યાહ્‍ન’ એવા વિષયો પર નિબંધ લખવાનો આવતો. અને સાથે યાદ આવે છે નીચે આપેલી ઉમાશંકર જોશીની એ બે પંક્તિઓ, જેનાથી કાયમ ઉનાળાના નિબંધની શરૂઆત થતી.

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;

વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.

ઈજિપ્તમાં સૂર્યપૂજા થાય છે, જો કે આપણા દેશમાં પણ સૂરજને ‘સૂર્યદેવ’ જ ગણવામાં આવે છે. એક કારણ એવું પણ હોય કે બીજા દેવતાઓનો પ્રકોપ તો અદ્રશ્ય હોય પણ સૂર્યદેવનો પ્રકોપ હાજરાહજૂર સાક્ષાત અનુભવી શકાય છે. ભરબપોરે ચામડીને ચટાકા આપતો તડકો અને એ જ તાપથી તપેલી હવા ‘લૂ’ બની જાય ત્યારે ભલભલા ત્રાહિમામ પોકારી ઊઠે. આ એક એવી સીઝન છે જેમાં બાળપણમાં ચિત્રકામ કરતી વખતે બે ડુંગરોની વચ્ચે ‘સૂરજદાદા’ દોરેલા એ ચિત્રને બદલે ગલીનાં ગુંડા ‘દાદા’ જેવા લાગે છે. સુરેશ જોશીએ એક કવિતામાં ઉનાળાનું કેવું વર્ણન કર્યું છેઃ ગ્લાસમાં નગ્ન શીતળ જળની જેમ પોતાનામાં જ સમાહિત થઈને પડ્યા રહેવાનું મન થાય છે....કશોક એવો અગ્નિ પ્રગટ્યો છે, જે લોખંડને સુદ્ધાં પારદર્શક બનાવી દે છે...બદામડી એના પાંદડાની આડશે સૂર્યને ઢાળી રહી છે....ટાંકામાંનું મીઠું જળ કાણામાંથી પ્રવેશી ગયેલા પ્રકાશના સાપોલિયાનાં રમત સંતાઈને જોયા કરે છે...ધૂળ કજળી ગયેલા સમયની રાખ જેવી દઝાડે છે. સૂમસામ રસ્તાઓ કોઈ અભાગિયાના હાથની રેખાઓ જેવા પડ્યા છે...કદાચ પણ હડકાયા કૂતરા જેવું ‘પાણી પાણી’ કરતું દોડ્યા કરે છે. મધ્યાહ્‍ન સાંય સાંય કરતી શિરાઓમાં પડઘા પાડે છે..શરીરે પરસેવો વળે ત્યારે મને લાગે છે, મારું શરીર મૃગજળમાં તરી રહ્યું છે. ઓરડીનો પંખો પક્ષપલટો કરીને હવે બપોરે તો ગરમ હવાનો જ પ્રચાર કરે છે...બપોરના કલાકો ગરમીમાં પાતળા પડીને લંબાઈ જાય છે, આથી જ સાંજે એને સંકેલી લેવામાં આટલો બધો સમય જાય છે...રાત્રે આવવાનું ચૂકી ગયેલી નિદ્રા એકાએક બપોરે આવી ચડે છે, પણ એના ભારથી યે પોપચાં બીડાતા નથી...આટલા બધા પ્રકાશના ઘોંઘાટ વચ્ચે કોણ એકાંત પામી શકે? આ બધી ક્ષણો તપાવેલી સોયની જેમ શરીરે સૂર્યમહિમાના છુંદણા આલેખે છે! ઉનાળા વિષે દલપતરામે પણ બહુ સરસ પંક્તિઓ લખી છે :

ઉનાળે ઊંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય;

પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણતોલ.

ઉનાળાનું આનાથી સારું વર્ણન શું હોઈ શકે? પાણીની અછત, વસંતનો વૈભવ, કોયલના સૂર અને વધેલું તાપમાન; માત્ર ચાર પંક્તિઓમાં જાણે આખે આખો ઉનાળો!! બપોરનું સામ્રાજ્ય અને સલ્તનતનો મિજાજ કંઈ ઔર જ હોય છે. નીરવતાને ચીરીને તીખા તડકાઓ દમામભેર ઊભા હોય છે. સમગ્ર સૃષ્ટિ પર તડકાનાં તીર તૂટી પડે છે. ભાગદોડ કરતું નગર શાંતિના શ્વાસ લે છે. સવારમાં ભાગદોડ કરતું નગર અચાનક સાઇલન્ટ મોડ પર મુકાઈ જાય છે. કર્મચારીઓ પર પણ અલસતાની આલમ છવાઈ જાય છે. બૌદ્ધની ગુફા જેવો શાતાનો અનુભવ આવી બપોરમાં થાય છે. રસ્તાઓ થંભી જાય છે અને મંજિલ અટકી જાય છે. ગામડામાં તો રીતસરનો પરીક્ષા ખંડ જેવો સોપો પડી જાય છે.

માણસની મૂળભૂત જરૂરિયાતો - રોટી, કપડાં ઔર મકાન - એની સાથે એ.સી. પણ બેસાડી દેવું જોઈએ. પતરાનાં વાહનો, ફૂટપાથની બજારો, બપોરની મજૂરી અને ગરમીની ગુલામી! હીટને બીટ કરવા માટેનાં યંત્રો ઉર્ફે એરકંડિશન આવ્યાં, પણ કંઈ બધા લોકો એને વસાવી ન શકે (અને વસાવે તો પણ એના બિલ ભરવાના ધાંધિયાં થાય) એટલે લોકો બીજા દેસી નુસ્ખાઓ અપનાવે છે. ઘણા લોકો રૂમમાં ઠંડું પાણી ઢોળીને રૂમને ઠંડો રાખવાનો પ્રયાસ કરે છે તો ઘણા પાણીથી નીતરતી ખસની ટટ્ટીઓ બારી-દરવાજે-બાલ્કનીમાં લગાવે છે. ઘણાં પુરુષો તો ઘરે હોય ત્યારે શરીરના કમરની ઉપરના ભાગમાં કાં તો કાણાંવાળી ગંજી પહેરે છે કાં તો કંઈ જ પહેરતાં નથી.

ચોમાસું અને ઉનાળો બેવ ઋતુમાં એક સમાનતા શું, ખબર છે? પાણી! ફરક એટલો કે ચોમાસામાં કુદરતી રીતે પાણી ઉત્પન્ન થાય અને ઉનાળામાં મહેનતી (અને કોઈ વાર બિન-મહેનતી) રીતે પાણીનું નિર્માણ થાય. ફરક એટલો જ કે ઉનાળામાં ઉત્પન્ન થયેલા પાણીમાં ‘નમક કી માત્રા’ થોડી જ્યાદા હોય એટલે કે ખારાશ! અને આ ઉનાળાનું પાણી એટલે પરસેવો, પ્રસ્વેદ, પસીનો!

આપણને જ્યારથી પૃથ્વી પર વૃક્ષો નડવા માંડ્યા છે, ત્યારથી ઉનાળાનું ડ્યુરેશન લંબાવા માંડ્યું છે. એ જ્યારે આવે છે ત્યારે ‘આકરે પાણી’એ જ આવે છે. અને એટલે જ ઉનાળાના કકળાટથી ત્રાસીને ઈશ્વરે આપણને કેરી નામનું ફળ ગિફ્ટમાં આપ્યું છે. આ એ જ સિઝન છે જેને ‘સિઝન-એ-આમ’ તરીકે પણ ઓળખાય છે. કેરી એ ફળોનો રાજા છે એમાં કોઈ બે મત ના હોય. કેરી ચીજ હી ઐસી હૈ જનાબ! આજકાલ દરેક શહેરમાં કેરીના ઢગલા ખડકાયા છે, પણ ભાવ એટલા આસમાને છે કે આ ફળોના રાજાને ખાવા આપણે પણ ખરેખર રાજાશાહીમાં જીવતા હોય તો જ હિમ્મત કરાય. મિર્ઝા ગાલિબ કેરીપ્રેમી હતાં. તેમના એક મિત્રને કેરી બિલકુલ ન ભાવે એટલે એક દિવસ ગાલિબને ટોણો મારીને કહ્યું, ‘ગાલિબસાહેબ, કેરી તો ગધેડાઓ પણ ખાતા નથી. તમે શું આખો દિવસ કેરી ચૂસાચૂસ કર્યા કરો છો?’ આ સાંભળીને ગાલિબે બહુ જ શાંતુપૂર્વક જવાબ આપ્યો, ‘સાચી વાત છે. ગધેડાઓ જ કેરી ખાતા નથી.’ ઉમાશંકર જોશીએ ‘એક ચુસાયેલા ગોટલા’ ઉપર સરસ કવિતા લખી છે. હાસ્યલેખક બકુલ ત્રિપાઠીએ ‘છાલ, છોતરાં અને ગોટલા’ નામના શીર્ષક હેઠળ એક રમૂજી લેખ લખ્યો છે. કેરી પ્રત્યેનો આપણો પ્રેમ લગભગ ‘દિવાનગી’ની હદ્દ સુધીનો છે. એવા ભાગ્યેજ કોઈ હશે જે કેરીના ‘ફેન’ ન હોય. (એટલે ચાહક. પંખો નહીં! અલ્યા કોઈ પંખો ચાલુ કરો હવે!). આપણે કેરીને લગભગ બધા જ સ્વરૂપે માણીએ છીએ. કેરી કાચી હોય ત્યારે આપણે કચૂંબર અને ખાટા-ગળ્યા અથાણા બનાવીએ છીએ, પાકી કેરીનું વિશ્વ તો ગજબનું છે. કેરી ખવાય જાય પછી એના ગોટલાને સૂકવીને આપણે ત્યાં કાતરી-સોપારી પણ બનાવાય છે. કેરીની સૌથી વધુ જે પ્રમાણમાં લહેજત માણવામાં આવે છે - એ છે રસ-સ્વરૂપે! કેરીને ઘોળીને, ડીંટિયું તોડીને ચૂસવાની પણ એક અલગ મજા છે.

ગરમીની ભઠ્ઠી બરાબર જામે છે અત્યારે જેનો દૌર-એ-દમામ સરેઆમ ચાલુ છે, એવી તડતડતી ઊનાળુ ગરમીને લીધે અકળામણ તો થાય જ! ઉનાળો કેરી લાવે છે, વેકેશન લાવે છે, ટ્રાવેલની સીઝન લાવે છે, પરસેવાની બદબૂ લાવે છે, ડિઓડ્રન્ટની ઋતુ લાવે છે પણ એ દરેક સાથે એક આશા પણ લાવે છે કે આ ગરમીની સામેની પાળે ક્યાંક વરસાદની આહ્‍લાદક ઋતુનો પિંડ પણ બંધાઈ રહે છે.

વિશ યુ અ વેરી હેપ્પી સમર!

પડઘોઃ

કેમી ચીઝનીનું એક ફેમસ વનલાઈનર છે - ઈટ્સ એ સ્માઈલ, ઈટ્સ એ કિસ, ઈટ્સ એ સિપ ઓફ વાઈન...ઈટ્સ સમરટાઈમ!