English is a very funny language books and stories free download online pdf in Gujarati

ઈંગ્લીશ ઈઝ એ વેરી ફન્ની લેંગ્વેજ!

ઈંગ્લીશ ઈઝ એ વેરી ફન્ની લેંગ્વેજ!

શ્રી શ્રી ૧૦૦૮ બચ્ચનબાબાએ સન ૧૯૮૨માં કહેલું: “ઐસી ઈંગ્લીશ આવે કે આઈ કેન લીવ અંગ્રેજ બિહાઈન્ડ. યુ સી સર, આઈ કેન ટૉક ઈંગ્લીશ, આઈ કેન વૉક ઈંગ્લીશ, આઈ કેન લાફ ઈંગ્લીશ બીકોઝ ઈંગ્લીશ ઈઝ એ વેરી ફન્ની લેંગ્વેજ!” જી હાં, વાચકમિત્રો! અંગ્રેજી ભાષાનો પોતાનો એક આગવો વૈભવ છે પણ એમાં કેટલાક ગૂંચવનારા અને રમૂજી ઉદાહરણો પણ છે. સ્કૂલકાળથી જ આપણે ગુજરાતી મિડીયમવાળાઓને અંગ્રેજી શબ્દોના એકવચન-બહુવચનમાં પન્નો ટૂંકો પડે છે. જેમ કે એક બાળક હોય તો ચાઈલ્ડ (Child) કહેવાય પણ એક કરતા વધારે હોય તો ચિલ્ડ્રેન (Children). એક ખોખું હોય તો બોક્સ (Box) કહેવાય પણ વધુ હોય તો બોક્સેસ (Boxes). સામે પક્ષે એક બળદ હોય તો ઑક્સ (Ox) કહેવાય અને વધુ હોય તો ઓક્સન (Oxen)! આ તે કેવો પક્ષ પાત? એક ઉંદરડો હોય તો માઉસ (Mouse) કહેવાય અને વધુ હોય તો માઈસ (Mice) - એક જીવનસાથીને સ્પાઉસ (Spouse) કહેવાય પણ એક કરતા વધારે હોય તો સ્પાઈસ (Spice) ન કહેવાય! અદમ ટંકારવી સાહેબની એક હઝલ (હાસ્ય ગઝલ) છેઃ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ, હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો, ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો, બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી, ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ, ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

આવી રૂડી-રૂપાળી આપણી માસી-ભાષામાં રોજ લાખો નવા શબ્દો બને છે, કોઈ સચવાય છે, કોઈ ભૂલાઈ જાય છે. અત્રે પ્રસ્તુત છે આવાં જ અટપટાં દ્રષ્ટાંતોઃ

આપણે જાણીએ છીએ કે કોઈનો જાતીય તોડ ન થયો હોય તો એને અંગ્રેજીમાં વર્જિન કહેવાય. જુવાનીમાં ખૂન ગરમ હોય, રખે ને ભૂલ થઈ જાય અને એ તોડ થઈ જાય તો? તો શું? માણસ માત્ર ભૂલને પાત્ર! તોડ થયા પછી થોડાં દિવસ ગાડું ચાલે અને પછી બંનેનું ફટકે એટલે ફરી વર્જિન થઈ જવા પુનઃ બ્રહ્મચર્ય તરફ દોટ મૂકે - આને કહેવાય ‘સેકન્ડરી વર્જિનિટી’. એકબીજા સાથે હરવા-ફરવામાં અને ડેઈટ કરવામાં પણ નવા શબ્દો ઊગી નીકળ્યા છે. ધારો કે કોઈ પાત્ર રાજધાની ટ્રેનની જેમ ફટાફટ એક અઠવાડિયામાં પંદરેક જણ સાથે ડેઈટ કરે તો એને માટે શબ્દ છે - હાઈપર ડેઈટ! ઘણાં હુતો-હુતી એવા હોય કે તેઓ સાથે પુસ્તકો વાંચે, સાથે લેક્ચરો અને વ્યાખ્યાનો સાંભળવા જાય, સાંસ્કૃતિક સમારંભોમાં હારોહાર કૂદકા મારે - ટૂંકમાં ઈન્ટેલિજેન્ટ ડેટીંગ કરે એને ‘ઈન્ટેલિડેટીંગ’ (Intellidating) એવું નામ અપાયું છે. શ્રીમદ ભગવદ્ગીતાના ૧૦મા અધ્યાયમાં લખેલું છેઃ कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा। કીર્તિ, શ્રી, વાક્, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા - આ સાત ફક્ત નામો નથી, સ્ત્રીઓના વિશેષણો છે. એમાં ધૃતિ એટલે બુદ્ધિ! સ્ત્રીને ઈન્ટેલીજેન્સ પણ ગમે છે. બે ઉદાહરણોઃ આર્થર મિલરની પત્ની મેરિલિન મનરો અને ડૉ. શ્રીરામ નેનેની પત્ની માધુરી દિક્ષીત! આ બંને સ્ત્રીઓનો હોલિવુડ-બોલિવુડમાં ભારે દબદબો હતો. એમને જોઈએ એ હીરો કે ઉદ્યોગપતિ સાથે પરણી શકત પણ એમણે પોતાની પસંદગીનો કળશ બુદ્ધિ પર ઢોળ્યો. કોઈ પુરુષ કે સ્ત્રી ‘ઈન્ટેલિજેન્ટ’ લોકો તરફ કામાંધ બનીને આકર્ષાય એને ‘સેપિઓસેક્સુઅલ’ (Sapiosexual) કહેવાય છે. સેપિઅંટ એટલે હોશિયાર!

ફિલ્મ ‘લવ આજ કલ’ જોઈ હતી? એમાં જય (સૈફ) અને મીરા (દિપિકા) બંનેને જામતું ન હોવાથી પોતાના સંબંધને આગળ વધારવા નથી માંગતાં અને સંબંધ તોડતી વખતે એક પાર્ટીનું આયોજન કરે છે. સેમ-ટુ-સેમ! જો બે પાત્રો લગ્ન કરે, લગ્ન પછી તન-મેળાપ થાય પણ મન-મેળાપ ન થાય અને બંને પોતાની મરજીથી છૂટાછેડા લે, ના કોઈ તકરાર, ના પ્રોપર્ટીના લફડા - આવા સમયે બંને પક્ષના લોકો મળીને એક પાર્ટીનું આયોજન કરે એને કહેવાય ‘અનવેડીંગ સેરેમની’ - બેયને ભલે સાથે ન જામે પણ માણસ તરીકે બેવ સોનાના માણસો છે, એ વાતનું સેલીબ્રેશન! કોઈ વાર પતિદેવ વાયગ્રા ખાઈને ધમપછાડા કરે, પારકી સ્ત્રીઓને છંછેડે. પતિની આવી રાસલીલાથી સાબિત થાય કે ‘ઉસકા કેરેક્ટર ઢીલા હૈ’ અને એ કારણે જો છૂટાછેડા થાય તો એને કહેવાય ‘વાયગ્રા ડિવોર્સ’. છૂટાછેડા થાય પછી વરરાજા પોતાની સાસુને ‘મધર-આઉટ-લો’ કહે અને મહિલાઓ પોતાના પૂર્વપતિને ‘વોઝબન્ડ’ (વોઝ + હસબન્ડ) કહે. લગ્નની વાત નીકળી છે તો એક વાત નોંધનીય છે કે લગ્નના ફાયદા લગ્ન કર્યા વગર પણ પામી શકાય છે. કોઈ કપલ લગ્ન કર્યા હોય એ રીતે જ સાથે રહે, સાથે જમે, સાથે સહવાસ માણે તો એને ‘મેરેજ લાઈટ’ કહેવાય છે. ઘણી વાર એવું પણ બને કે બે પાત્રો (સ્ત્રી-પુરુષ અથવા પુરુષ-પુરુષ અથવા સ્ત્રી-સ્ત્રી) એકબીજા પ્રત્યે પ્રેમ ન હોય છતાં સાથે રહે એ પણ પોતપોતાના નિજી ફાયદા માટે તો એને કહેવાય ‘ફ્રેન્ડઝ વીથ બેનિફિટ’. ઘણાં યુગલો એવા હોય જે લગ્નગ્રંથીથી જોડાયેલાં હોય પણ અંદરખાને એકબીજા પ્રત્યે પ્રેમ કે સદ્‍ભાવ ન હોય. ‘લોગ ક્યા કહેંગે’ એવા ડરથી બંને જણ આ ભાર જીવનભર ખેંચી કાઢે, ના તો સાથે ખુશ રહે, ના સાથે મજા કરે પણ એક જ ઘરમાં રહે - આવા કપલને ‘લિવિંગ અપાર્ટ ટુગેધર’ એવું કહેવાય છે. ‘ટુ સ્ટેટ્સ’ ફિલ્મમાં હિરોના મા-બાપ રહે છે એમ જ! નવા પરણેલાં યુગલને ‘ન્યુલીવેડ્ઝ’ કહેવાય એ આપણને ખબર છે પણ વિધુર બુઢ્ઢા કાકાને સામે વાળા વિધવા માસી સાથે પ્રેમ થઈ જાય અને બેય લગ્નના મંડાણ કરે એને કહેવાય ‘એલ્ડરવેડ્ઝ’! ‘લગે રહો મુન્નાભાઈ’માં પેલા પારસી કાકા પોતાની બચપનની પ્રેમિકા ટીના સાથે કરે છે ને એવું કાંઈક! લગ્ન થઈ ગ્યા એટલે હનીમૂનની વાત લઈએ. કોઈવાર લગ્ન કરનાર વર-વધૂને પૂર્વના લગ્નોથી થયેલાં સંતાનો હોય, અને એ બધાં સાથે સહકુટુંબ હનીમૂન ઉજવવા જાય તો એને ‘ફેમિલીમૂન’ કહેવાય. બીજી તરફ લગ્ન થઈ જાય પણ બંને પોતપોતાની મરજી પ્રમાણે પેલી ‘ક્વીન’ની કંગના નીકળી પડે એમ રજા માણવા નીકળી પડે એને કહેવાય ‘યુનીમૂન’. કોઈ વાર એકાદું કપલ પોતાના હનીમૂન માટે કોઈ હવાખાવાના સ્થળે જાય પણ સાથે જ ત્યાં કોઈ બીજાના લગ્નમાં પણ હાજરી આપી આવે તો એને કહેવાય ‘વેડિંગમૂન’. યુગલને અંગેજીમાં કપલ કહેવાય. પણ કપલમાં કોઈ ત્રીજું આવી જાય તો ‘થ્રપલ’ કહેવાય (થ્રી + કપલ).

વેકેશન શબ્દ આપણને દરેકને ખબર છે પણ વેકેશન પરથી બીજા ઘણાં શબ્દો એવાં બન્યા છે જે આપણે જાણતા નથી. એક શબ્દ છે – ફેકેશન! રજા પર હોઈએ અને કોઈ રીસોર્ટના સ્વિમીંગપૂલમાં નાહીને આરામ કરતાં હોઈએ અને અચાનક બોસનો ફોન આવે. બોસના હુકમથી પછીનો આખો દિવસ ઓફિસના ઈ-મેઈલ વાંચવામાં અને પી.પી.ટી. કે એક્સેલ શીટ બનાવવામાં ગુજરી જાય તો એ વેકેશન નથી, ‘ફેકેશન’ છે. ઘણી વાર એવું બને કે પોતાના બૈરા અને છોકરાં-છૈયાંને ઘરે મૂકીને પુરુષો નીકળી પડે વેકેશન માણવા. કોઈ પાબંદી નહી, કોઈ રોકટોક નહી, જે ખાવું હોય તે ખાવ, જે પીવું હોય તે પીવો. આને કહેવાય ‘મેન્કેશન’ (મેન + વેકેશન). કોઈ વાર એવું પણ થાય કે લાંબા ગાળાની રજા ન મળે પણ સવારના પહોરમાં ઘરેથી નીકળીને આખો દિવસ કોઈ મજાના સ્થળે ગાળો અને સાંજે પાછા ઘરે આવી જાઓ - આવા ટચૂકડા વેકેશનને કહેવાય ‘ડેકેશન’ (ડે + વેકેશન)! શહેરમાં કામ કરતાં લોકોને પહેલેથી જ ગામડાનો ક્રેઝ હોય છે. પોતાના ગામમાં જઈને ખેતરમાં ઝાડવા નીચે ખાટલા પર આરામ કરવાની મજા જ કંઈક અનેરી હોય છે. આવી મજા લેતા લેતા જે વેકેશન મનાવાય એને કહેવાય ‘હેકેશન’ (હે + વેકેશન). હે (Hay) એટલે ઘાસ! કોઈ વાર એવું પણ થાય કે ઓફિસમાંથી રજા લીધી હોય પણ ક્યાંય જઈએ નહીં અને ઘરમાં પડ્યા પડ્યા ટી.વી. જોઈએ, ખાઈએ-પીઈએ અને આળસ મરડ્યા કરીએ - આને કહેવાય ‘સ્ટેકેશન’ (સ્ટે + વેકેશન).

આપણે ત્યાં રા.ગા. અને ન.મો. નામ ખૂબ જ પ્રચલિત છે. એ જ રીતે 'નોમો' પણ એક શબ્દ છે જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે ‘Not Mother’. સંજોગોવસાત, પોતાની કે પોતાના પતિદેવમાં રહેલી કોઈ ખામીને કારણે માતા ન બની શકનારી સ્ત્રીઓને ‘નોમો’ (NoMo) કહેવાય છે.

આપણે ત્યાં ‘બા રીટાયર્ડ થાય’ કાં તો ‘બા બાઉન્ડ્રી મારે’ પણ પશ્ચિમના દેશોમાં કોઈ ઘરડા દાદા (કે બા) રીટાયર્ડ થઈ જાય પછી પોતાના મકાનની કોઈ રૂમ કે થોડીક જગ્યા ભાડે આપે તો એને ગ્રાંડલોર્ડ (Grandlord) કહેવાય - ગ્રાન્ડપા + લેન્ડલોર્ડ!

સોશિયલ મિડીયાનો જમાનો છે એમાં ના નહીં, એટલે ટ્વીટર પર કે ફેસબુક પર લોકો ટ્વીટ કરે, પોસ્ટ કરે. પણ ઘણાં એવા હોય છે જે પોતાના વિચારો જ નહીં પણ દિવસભરની દિનચર્યા, પોતે ક્યાં છે - કોની સાથે છે - શું કરે છે એવું બધું જ લોકો સમક્ષ મુક્યા કરે તો એને ‘મીફોર્મર’ (Meformer) કહેવાય (મી + ઇન્ફોર્મર).

જમાના સાથે તાલબદ્ધ રહેવા લોકોને નોકરી પણ ઓનલાઈન જ મળે છે. ઓનલાઈન જ તમારો બાયોડેટા કંપનીને મોકલી દો, ઓનલાઈન ઈન્ટરવ્યુ પણ થાય અને સ્વીકાર-અસ્વીકાર પણ નેટ પર જ સમજાઈ જાય. આવા રીક્રુટમેન્ટને ‘ઈક્રુટમેન્ટ’ (E-cruitment) કહેવાય છે.

આપણે ‘એક હજાર’ને આંકડામાં લખીએ તો ૧,૦૦૦ એમ લખાય. ‘દસ હજાર’ને ૧૦,૦૦૦ અને ‘એક લાખ’ને ૧,૦૦,૦૦૦ એમ લખાય. એક હજાર, દસ હજાર અને એક લાખના આંકડાઓમાં શૂન્યની સંખ્યા સિવાય બીજો શું ફરક છે? અલ્પવિરામનો! એક લાખ લખીએ ત્યારે બે અલ્પવિરામ આવે. પશ્ચિમમાં એક શબ્દ છે - ટુ કોમાસ (Two Commas). જ્યારે માણસ પાસે પૈસો આવી જાય ત્યારે ત્યાં લોકો એમ કહે કે હવે એ ‘ટુ કોમા ગ્રુપ’વાળો થઈ ગયો છે.

ભલે ‘આપ’ પાર્ટીને અંદરખાને ઝઘડા થતા હોય અને કેજરીવાલ એ બધુ બેઠા બેઠા જોયા કરે પણ કેજરીવાલ એક એવાન્જીનિયર (Evangineer) કહેવાય. જેની પાસે ખૂબ જ ઉચ્ચ સ્તરની કુશળતા હોય અને ટેકનિકલી નિષ્ણાંત હોય એવો માણસ જો સમાજમાં કોઈ બદલાવ લાવવા માટે જંપલાવે તો એની માટે અંગ્રેજીમાં શબ્દ છે - એવાન્જીનિયર (Evangelist + Engineer).

સરહદ પર પોતાના દેશના રક્ષણ માટે દિવસ-રાત જે સૈનિકો અને જવાનો લડતા રહે છે એમના પરિવારમાં છોકરાંવને અને પત્નીને તેમની યાદ આવે અને કમી મહેસૂસ ન થાય એ માટે ઘરમાં એ જવાનનો મોટો ફોટો મઢીને દિવાલ ઉપર રાખવામાં આવે. આવા ફોટાને ‘ફ્લેટ ડેડી’ કહેવાય છે.

‘ઉન દિનોં’માં વપરાતા પૅડથી અને પછી બર્થ-કંટ્રોલની પિલથી મુક્ત થયેલી આજની નારીઓ ઈન્ટરનેટના ઘેઘૂર દરિયામાં નરવીરો જેટલી જ લહેરથી કામસામગ્રીની મહેફિલ માણે છે! જેનાં થકી જ આવા નવા સાહિત્યપ્રકારનો જન્મ થયો છે – મમ્મી પોર્ન! સુપરડુપર હિટ થયેલી નવલકથા ‘ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે’ પર ‘મમ્મી પોર્ન’નું લેબલ ચોંટાડી દેવામાં આવ્યું છે. ‘મમ્મી પોર્ન’ યાને કે બચ્ચાં પેદા કરીને ઠરીઠામ થઈ ગયેલી મધ્યમવર્ગની મધ્યવયસ્ક ગૃહિણીઓને દેશી-ઘીમાં બનેલા શીરાની જેમ ગળે ઉતરી જાય એવી ગરમા-ગરમ કથા.

ઘણી વખત ઓફિસમાં સાથે કામ કરતાં કરતાં મૈત્રીના ફણગા ફૂટે, સામસામે શુદ્ધ દેશી જોડાણ અનુભવાય તેવા પાત્રને ‘ઓફિસ સ્પાઉસ’ કહેવાય છે.

ફોન પર ચેટ કરતી વખતે કે એસ.એમ.એસ. કરતી વખતે સેક્સ વિશે વાતો કરીએ તો એને ‘સેક્સ્ટીંગ’ (Sexting) કહેવાય પણ સિગારેટ પીતી વખતે કોઈને એસ.એમ.એસ. કરીએ તો એને ‘સ્મેક્સ્ટીંગ’ (Smexting) કહેવાય છે.

બે સ્ત્રીઓ વચ્ચે સંબંધ હોય તો એને અંગ્રેજીમાં લેસ્બિયન કહેવાય. પણ વીતી ગયેલી જિંદગીમાં લેસ્બિયન રહી ચૂકેલી સ્ત્રીઓ જ્યારે નૈતિક સંબંધ બાંધવા માંડે ત્યારે એવી સ્ત્રીઓને ‘લેસ્બિયન’ નહીં પણ ‘હેસ્બિયન’ કહેવાય છે. હેસ્બિયન એટલે હેસ બીન લેસ્બિયન.

કોઈ બાઈમાણસ જે ઘરાક મળે તેની સાથે ઘેલું ગેલ કરે તેને વ્હોરિંગ કર્યું કહેવાય. એના પરથી ‘બડી વ્હોરિંગ’ શબ્દ પ્રચલિત થયો છે. જે વ્યક્તિ ફેસબુક પર આંખો મીંચીને પોતાનું ફ્રેન્ડલીસ્ટ વધારવા માટે જેને ને તેને 'ફ્રેન્ડ' બનાવ્યા કરે એ વ્યક્તિ ‘બડી વ્હોરિંગ’ કરે છે એવું કહેવાય.

તો વાચકમિત્રો, આવા તો કેટલાય પરપોટા રોજ બને છે, ઉછળે છે અને પછી ફૂટી જાય છે. તમને પણ આવા શબ્દો ખબર હોય તો મોકલો, અમે પણ મજા લઈએ...

છેલ્લે, મોબાઈલિયા કાળ માટે આ બે શબ્દો અંગ્રેજી ડિક્શનરીમાં ઉમેરવા જેવા ખરાં!

ટેક્સ્ટપેક્ટેશન (Textpectation) = ટેક્સ્ટ + એક્સપેક્ટેશન = કોઈને મેસેજ કર્યો હોય અને તેમના જવાબ આવવાની રાહ જોવામાં અનુભવાતી લાગણી

સેલફિશ (Cellfish) = આજુબાજુના લોકોને અવગણીને પોતે પોતાના સેલફોન પર જ વાતો કર્યા કરવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED