Sardari Mijaj Sanjay Pithadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sardari Mijaj

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડિયા

sanjayrpithadia@gmail.com

સરદારી મિજાજ - નીડર જબાન અને વ્યંગની દુકાન

બળવાખોર વિદ્યાર્થી, બાહોશ બેરિસ્ટર, બળુકા વહીવટદાર, બેજોડ અનુયાયી, બુદ્ધિશાળી લડવૈયા, બેલેન્સ્ડ રાજકારણી અને બેદાગ નાયબ વડાપ્રધાન - આ બધા વિશેષણોનું એકમાત્ર નામ એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે કે ‘સરદાર’. મનોજ ખંડેરિયાનો શેર ‘બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.’ નું જીવતું-જાગતું ઉદાહરણ હતા પટેલ. આપણા ઈતિહાસના પૃષ્ઠોમાં સરદાર વિશે શું ભણાવાય છે? એ જ ને કે સરદારની બગલમાં બામલાઈ (મોટું ગુમડું) થયું ત્યારે તેમણે તેના પર લોખંડનો ધગધગતો સળિયો ચાંપીને ગુમડું ફોડી કાઢ્યું હતું. પણ આઝાદી માટે અંગ્રેજ શાસનનો સૂર્યાસ્ત લાવનાર અને આઝાદી પછી દેશી રજવાડાંનો પણ અસ્ત કરાવનાર ‘સરદાર’ વિશે ખૂબ બધું લખાયું છે. ગાંધીજીને ખબર હતી કે પટેલ શું છે અને નેહરુ શું છે. સરદારની તે ખુલ્લા ગળે પ્રશંસા કરતા. તેમણે કહ્યું છેઃ ‘સરદાર પટેલ મારી સાથે છે એને હું મારું અહોભાગ્ય સમજું છું. તેમણે મને જે પ્રેમથી નવાજ્યો છે તે જોઈ મને મારી માતાનું સ્મરણ થઈ આવે છે. તેમનામાં માતાના સદ્‍ગુણો છે એની મને જરાય માહિતી નહોતી...’ ઓક્ટોબર મહિનો ‘ગાંધી’થી શરૂ થઈને ‘સરદાર’ પર પૂરો થાય ત્યારે આવો જાણીયે સરદારના તીખાં રંગ અને કટાક્ષભર્યા વ્યંગને...

વિલક્ષણ સ્વભાવના, આખાબોલા અને તીવ્ર બુદ્ધિમત્તા ધરાવતા સરદાર કોઈનો અહમ્ કે બેદરકારી ચલાવી ન લેતાં. બ્રિટિશ મેજિસ્ટ્રેટ હોય કે મહારાજા, વાઈસરોય હોય કે રાજકીય નેતા, શબ્દોથી ઘૃણા અને હિંસાની આગ ઓકતો હૈદ્રાબાદનો કાસિમ રઝવી હોય કે અમૃતસરમાં ઉશ્કેરાયેલું શીખોનું સશસ્ત્ર ટોળું હોય, સરદારે સત્યને સ્પષ્ટ રીતે સુણાવી દેવામાં કચાશ નહોતી રાખી તે ઈતિહાસની હકીકત છે. ચં.ચી. મહેતાએ કહ્યું છે કે, ‘કૃષ્ણ-અર્જુનની જેમ ગાંધી-સરદાર જ્યાં હોય ત્યાં વિજય નિશ્ચિત હોય જ એ વાત બરાબર પણ કૃષ્ણ જેની પડખે હતા એ અર્જુનનેય વિષાદયોગ આવેલો. અમારા સરદારની સામે પાંચસો જેટલા રાજાઓ હતા અને અંગ્રેજોનું લશ્કરી બળ પણ હતું. છતાં સરદારનાં ગાત્રો ઢીલાં નહોતાં થયાં’. મૂળ સ્વભાવે જ અન્યાય થાય ત્યાં રોકડું પરખાવી દેવાનો પાક્કો પટેલ મિજાજ વલ્લભભાઈમાં હતો. મેટ્રિક પરીક્ષામાં વલ્લભભાઈએ સંસ્કૃત ન ફાવતાં ગુજરાતી રાખ્યું. ગુજરાતીના શિક્ષક છોટાલાલ નરભેરામ ભટ્ટે કટાક્ષ કર્યો, “સંસ્કૃત ન આવડે એમને ગુજરાતી ન આવડે, સમજ્યા?” વલ્લભભાઈએ ફટ દઈને મોં પર સંભળાવ્યું, “બધાં સંસ્કૃત ભણે તો તમે ગુજરાતી કોને ભણાવશો?”. શિક્ષકનું અભિમાન ઘવાયું એટલે છેલ્લી પાટલી પર ઊભા રહીને એકથી દસ સુધીનો પાડો બસ્સો વાર લખવાની સજા ફરમાવી. વલ્લભભાઈએ સજાનું પાલન ન કર્યું. બીજે દિવસે પૂછ્યું તો હસીને કહે, “બસ્સો પાડા તો લઈ આવેલો, પણ એક મારકણો નીકળ્યો એમાં બાકીના ભાગી ગયાં!” માસ્તરે ધમકાવી બીજે દિવસે લખવાનું કહ્યું તો એક કાગળ પર લખીને ગયા – ‘બસ્સો પાડા!’ માત્ર બે જ શબ્દો. હેડમાસ્તર સુધી વાત પહોંચતા વલ્લભભાઈએ એમને ય કહ્યું કે આટલા ઊંચા ક્લાસમાં કંઈ આવી એકડિયા બગડિયાની સજા હોય? વલ્લભભાઈ પટેલ લંડનમાં બેરિસ્ટર થવા માટે ગયા એ સમયે તેઓ જે મકાનમાં ભાડુઆત તરીકે રહેતા હતા, ત્યાં નીચેથી રોજ કરુણ ચીસો સંભળાતી હતી. આ ચીસો સાંભળી યુવાન વલ્લભભાઈનું હૈયું પારાવાર પીડા અનુભવતું હતું. એમણે અહીંની કામવાળી બહેનને બોલાવીને પૂછ્યું કે આવી ચીસો કોણ પાડે છે? તો કામવાળીએ કહ્યું કે નીચે એક અતિ ધનાઢ્ય સ્ત્રી રહે છે. એની પાસેથી પૈસા પડાવવાની કોશિશ કરવા માટે એને સાંકળથી બાંધીને એના સ્વજનો(?) માર મારે છે. માર અસહ્ય બનતાં એ સ્ત્રી વારંવાર ચીસો પાડે છે. આ સાંભળી વલ્લભભાઈને ભારોભાર દુઃખ થયું. દરમિયાનમાં ઘર બદલવાનું આવ્યું, પરંતુ એમણે પોલીસને આની જાણ કરી. જાતે જઈને લંડનની અદાલતમાં જુબાની આપી, એટલું જ નહીં પણ અંતે એ ધનવાન સ્ત્રીને આ યાતનામાંથી મુક્તિ પણ અપાવી.

સ્વરાજ્ય પછીની પહેલી કેબિનેટમાં રફી અહમદ કીડવાઈને લેવાની નેહરુની તીવ્ર ઈચ્છા હતી. સરદારે આનો વિરોધ કર્યો એટલે નેહરુએ બમણા જોરથી કીડવાઈને લેવાનો દુરાગ્રહ સેવ્યો, એટલે સરદારે કહ્યું કે ભલે, તો મારું રાજીનામું લઈ લો. આ પછી નેહરુએ નાછૂટકે પોતાનો આગ્રહ જતો કર્યો, પણ જે પ્રધાનમંડળ રચાયું એ અંગે તેમણે દુઃખ અને કચવાટથી જણાવ્યું કે ‘ધિસ કેબિનેટ ઈઝ એ પુઅર કમિટી’ (આ કમિટી ખૂબ જ દરિદ્ર લાગે છે). આના જવાબમાં સરદારે દાઢમાં કહ્યું કે હાસ્તો, કાળા ગોગલ્સ અને ખાસ પ્રકારનો સુરવાલ ને એવું બધું ન હોય તો તમને બધું ‘પુઅર’ જ લાગે ને?

પંચમહાલ જિલ્લાના દાહોદ-ઝાલોદ વિસ્તારમાં પાક નિષ્ફળ જતાં કારમા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. એ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસે પ્રજા વસતી હતી અને એને ભૂખે મરવાના દિવસો આવ્યા. આદિવાસીઓનો મુખ્ય ખોરાક મકાઈ હતો. બન્યું એવું કે દુષ્કાળને કારણે એક રૂપિયે મળતી મકાઈના બજારમાં અઢીથી ત્રણ રૂપિયા બોલાવા લાગ્યા. ત્રણ ગણી કિંમતે મકાઈ મેળવવાનું એમને માટે શક્ય નહોતું. સરદાર પટેલને જેવી આની જાણ થઈ તેવું એમણે જાહેર કર્યું કે આદિવાસીઓને એક રૂપિયે મણના ભાવે મકાઈ મળશે. આદિવાસીઓને એક રૂપિયે મણના ભાવે એ મકાઈ મળવા લાગી અને બાકીની ખોટ સરકારે ભોગવી. આ સમયે કોઈએ સરદારને સલાહ આપવાનો પ્રયત્ન કર્યો કે પહેલાં આટલા ઓછા ભાવે મકાઈ આપતા કેટલી ખોટ આવશે એનો અંદાજ મેળવીએ અને પછી જાહેરાત કરીએ. ત્યારે સરદારે સ્પષ્ટપણે કહ્યું – “આવો અંદાજ કઢાય ત્યાં સુધી માણસોને મરવા ન દેવાય. મકાઈ આપો, રાહતનું કામ એકદમ શરૂ કરો અને બેસીને પછી અંદાજ કાઢજો.”

૩૪ વર્ષે વિધુર થયેલા સરદારના પુત્ર ડાહ્યાભાઈ ૨૮ વર્ષે પત્નીને ગુમાવી બેઠા ત્યારે પિતાએ લખ્યું કે એકલા રહી શકાય તો ફરીથી આ જંજાળમાં પડવામાં સાર નથી. તમારી ઈચ્છા શું છે તે નક્કી કરવું રહ્યું. કોઠાસૂઝનો ભંડાર, હાજરજવાબી અને તર્કયુક્ત દલીલોમાં નિષ્ણાંત એવા સરદારે ૧૯૨૧માં ભરૂચમાં કહેલું કે ‘હિન્દુ મુસ્લિમ ઐક્ય એક કુમળા છોડ જેવું છે. આપણે તેનું લાંબા સમય સુધી ખૂબ જ કાળજીપૂર્વક જતન કરવું રહ્યું, કારણ કે આપણાં હ્રદય હજુ જોઈએ તેટલાં સાફ નથી.’ છેક ૧૯૪૮માં સરદાર બોલેલા કે, ‘કાશ્મીરની બાબતમાં હું કહું છું કે આજે જે જાતની લડાઈ ચાલી રહી છે તેના કરતાં ખુલ્લું યુદ્ધ કરવું ઠીક થઈ પડશે.’ સરદારની હયાતીમાં જે લોકો તેમને કટ્ટરવાદી હિન્દુમાં ખપાવીને તેમનો એકડો કાઢી નાખતા તે લોકો હવે કહે છે કે સરદાર પટેલ સેક્યુલર હતા. ગાંધીજી પર ગોડસેએ ત્રણ ગોળીઓ છોડી તેમની હત્યા કરી ત્યારે આવા સ્તબ્ધતાના વાતાવરણમાં સરદારે ફરમાવેલું કે તાતકાલિક જાહેર લરો કે દેશની અંદરના હિન્દુની ગોળીથી મહાત્મા ગાંધી વિંધાયા છે. કોઈ મુસ્લિમની ગોળીએ ગાંધીજીનો ભોગ લીધો એવી ખોટી અફવાય જો એ ક્ષણે ઊડી હોય તો કેટલો મોટો આતંક ફેલાઈ ગયો હોત!

આવા કડપવાળા સરદારની ગંભીરતા વચ્ચે પણ સદાય હાસ્ય વિલસતું હતું. વલ્લભભાઈ પાસે અમર્યાદિત, અસાધારણ અને અજોડ વિનોદવૃત્તિ હતી. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળતો. સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી ‘હરિજન’માં લખે છે, ‘મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગમ્મતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છૂપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા સાધુપણાને પણ છોડતા નથી.’ જાન્યુઆરી ૧૯૩૨થી મે, ૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. ‘મહાદેવભાઈની ડાયરી’માં નોંધ છેઃ ‘વલ્લભભાઈ જમી લીધા પછી બાપુના દાતણ કૂટવાનું કામ કરતાં. એક દિવસ દાતણ કૂટીને તૈયાર કર્યા પછી સરદાર બોલ્યા - ગણ્યાંગાંઠ્યા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે.’ વલ્લભભાઈને ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં ‘સોડા’ નાખવાનું કહે એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે સરદાર કહેઃ ‘સોડા નાખોની!’

ગાંધીબાપુ પર આવેલા પત્રોના જવાબો તે જાતે જ લખતા, ને કેટલીકવાર આવેલા પત્રોના વાચન વખતે વલ્લભભાઈ સાથે બેઠા હોય, તે બેઠા હોય એટલે ન હોય ત્યાંથી રમૂજ વચ્ચે ટપકી પડે. એક વાચકે ગાંધીબાપુને ખુલ્લો પત્ર લખ્યો કે એ મારું દુર્ભાગ્ય છે કે હું તમારા (બાપુના) સમયમાં જીવું છું. આ પત્ર સરદારને બતાવતાં બાપુએ કહ્યું: ‘આવા કાગળનો મારે શો જવાબ લખવો એ તમે મને જણાવો’. સરદાર બોલ્યા, ‘ઝેર પી લો...એવું એને લખી દો.’ તો વળી બાપુએ કહ્યું કે ‘એને બદલે હું તેને એવું લખું કે તમે બાપુને ઝેર પીવડાવી દો તો એ વધારે યોગ્ય નહીં લાગે?’. ત્યારે સરદાર પોતાની લાક્ષણિક અદામાં બોલ્યા – ‘ના, મને ડર છે કે એથી એનું કામ નહીં સરે....કેમ કે તમને ઝેર આપવાથી તમે ગુજરી જશો ને એ બદલ તેને મૃત્યુદંડની સજા થશે, અને તેને તમારી સાથે સાથે જ પુનર્જન્મ લેવો પડશે, ફરી પાછું તમારા યુગમાં જીવવું પડશે, એ કરતાં તો તે જાતે જ ઝેર પી લે એ બહેતર છે.’ બીજા એક પત્રલેખકે ગાંધીબાપુની સલાહ માગતા પૂછ્યું કે, તેની પત્ની દેખાવમાં કદરૂપી હોવાને કારણે તેને તે દીઠી ગમતી નથી, તો તેણે શું કરવું? વલ્લભભાઈએ બાપુને તરત જ કહી દીધું કે તેને લખી દો તું તારી આંખો ફોડી દે અને સુરદાસ થઈ જાય, ત્યાર પછી તું તારી સ્ત્રી સાથે સુખ અને આનંદથી રહી શકીશ. માર્ચ ૧૬૩૨માં યેરવડા જેલમાં ગાંધીજી અને સરદાર સાથે હતા, ત્યારે ગાંધીજીએ સરદારને પૂછ્યું ‘સ્વરાજ્યમાં તમે કયું ખાતું સંભાળશો?’ સરદારે કહ્યું, ‘સ્વરાજ્યમાં હું ચીપિયો અને તૂમડી લઈશ.’ ચીપિયો અને તૂમડી એ સંન્યાસીની ત્યાગની ઓળખના સંકેત છે. પોલીસખાતું જેમ અમુક તત્વોને તડીપાર કરે છે એ રીતે સરદારે પોતાનાં સ્વજનો માટે દિલ્હીમાં પ્રવેશબંધી ફરમાવેલી.

પડઘોઃ

યહી પ્રસિદ્ધ લોહ કા પુરુષ પ્રબલ, યહી પ્રસિદ્ધ શક્તિ કી શિલા અટલ

હિલા જિસે સકા કભી ન શત્રુ દલ, પટેલ પર દેશ કો ગુમાન હૈ...

સુબુદ્ધિ ઉચ્ચ શ્રૃંગ પર કિયે જગહ, રદય ગંભીર હૈ સમુદ્ર કી તરહ

કદમ છુએ હુએ જમીન કી સતહ, પટેલ દેશ કા નિગાહબાન હૈ...

હરેક પક્ષ કો પટેલ તૌલતા, હરેક ભેદ કો પટેલ ખૌલતા

દુરાવ યા છિપાવ સે ઉસે ગરજ? કઠોર નગ્ન સત્ય વહ બૌલતા

પટેલ હિંદ કી નીડર જબાન હૈ...

- હરિવંશરાય ‘બચ્ચન’