નિષ્ટિ - ૨૮ - આંસુનાં તોરણ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૨૮ - આંસુનાં તોરણ

નિષ્ટિ

૨૮. આંસુનાં તોરણ

કોલેજના સાતમા સેમિસ્ટરની પરીક્ષા એક અઠવાડિયા પછી ચાલુ થઇ રહી હતી. નિશીથનું રીડીંગ વેકેશન ચાલી રહ્યું હતું. સવારે વહેલો ઊઠી નાહી ધોઈને એ વાંચવા માટે બેસી ગયો હતો. જમવાનો સમય થતાં ઘરનાં ત્રણેય સભ્યો ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયાં.. થાળીમાં ભોજન પીરસતાં સમયે ગીતાબહેને વાત શરુ કરી..

‘સાંભળો છો? હવે અઠવાડિયા પછી નિશીથની પરીક્ષાઓ શરુ થાય છે. એ પૂરી થયે એને વેકેશન શરુ થશે... એ રજાઓ દરમ્યાન આપણે સુરત જવાનું ગોઠવીએ તો?’

‘હા... એ તો આપણો પ્રોગ્રામ ફિકસ જ છે ને?’

‘હા... પણ હવે એ દિવસો નજીક આવી ગયા છે તો આપણે તારીખ નક્કી કરીને એ લોકોને જણાવી દેવું જોઈએ..’

‘હા.. એ સાચી વાત છે તારી..’ ગુણવંતભાઈએ સંમતિમાં ડોકું હલાવ્યું..

‘મારી માસીની દીકરી સુરત જ રહે છે.. એ ક્યારનું ય સુરત એના ઘેર બે-ચાર દિવસ રોકવા માટે આગ્રહ કર્યા કરે છે.. તો આપણે એ પ્રમાણેનો જ પ્રોગ્રામ બનાવીએ..’

‘એ બરાબર રહેશે..’

અને આમ નિશીથનો સુરત જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો... પરીક્ષા પણ પૂરી થઇ ગઈ અને એના બીજા દિવસે ગુણવંતભાઈ, ગીતાબહેન, નિશીથ અને ક્રિષા સુરત જવા માટે રવાના થઇ ગયા.. ટ્રેનમાં ચારેય જણાંએ ખૂબ વાતો કરી. ખાસ કરીને ગીતાબહેને ક્રિષા જોડેથી એનાં સગાંસંબંધીઓ વિષે જાણવાનો પ્રયત્ન કર્યો. આખરે ટ્રેન સુરત આવી પહોચી. ગીતાબહેનની માસીની દીકરીનો દીકરો કાર લઈને રીસીવ કરવા આવ્યો હતો એટલે સ્ટેશન બહાર નીકળીને અટવાવાનો પ્રશ્ન નહોતો.

‘સંદીપ, અમારે ક્રિષાના ઘરે જ જમવાનું છે અત્યારે... એટલે તું ક્રિષા કહે એ પ્રમાણે એના ઘરે અમને ડ્રોપ કરી દે..’ ગીતા બહેને પોતાના ભાણીયાને ક્રિષાનો ઔપચારિક પરિચય આપ્યા પછી ફરમાન કર્યું..

ક્રિષાના મમ્મી અને પપ્પા મહેમાનોના સ્વાગતની તૈયારી કરી રહ્યાં હતાં. મૃદુલાબહેન સુમનભાઈને એક પછી એક વાનગી ચખાડી અભિપ્રાય માગી રહ્યાં હતાં...

‘આજ તુમને જો કિયા હૈ ઇસ કે લિયે મૈ તુમ કો સજા દુંગા..’ ક્રિષાના પપ્પા આગવા અંદાજમાં બોલી રહ્યા હતા... તો મૃદુલાબહેન ટેન્શનમાં આવી જઈ બોલવા લાગ્યાં..

‘અરે સરખું બોલોને? એ લોકો પહેલી વાર આવી રહ્યાં છે.. ખબર છે ને.. પેલું શું કહેવાય છે? હા.... ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઇમ્પ્રેશન.. હજુ એ લોકોને આવતાં પંદર વીસ મિનીટ લાગશે.. જમવાના સમયને તો હજુ દોઢ બે કલાક બાકી છે... જો બધું બરાબર ના બન્યું હોય તો બહાર હોટલમાં જમવાનો પ્રોગ્રામ બનાવી લઈએ.. જે હોય તે તમે સીધું બોલોને?’

‘સીધા હી તો બોલ રહ હું!!! તુમને ખાના ઇતના સ્વાદિષ્ટ બનાયા હૈ કી ઇસકે લિયે મૈ તુમકો સજા દુંગા...તુમ્હારી મનપસંદ સાડી સે....’

‘ઓહ... તમે ય શું? સાવ એના જેવા છો... મને તો ટેન્શનમાં પરસેવો પરસેવો થઇ ગયો..’

નિશીથ એન્ડ કંપની મેજબાનોની અપેક્ષા કરતાં વહેલી આવી પહોચી હતી અને એમણે બંને વચ્ચેનો ખૂબસૂરત સંવાદ પણ સાંભળ્યો..

‘આહ શું પ્રેમાળ યુગલ છે? આપણું સ્વાગત તો ધમાકેદાર થયું હો!!!’ ગુણવંતભાઈ હસતાં હસતાં બોલ્યા. ક્રિષા શરમાઈને નીચું જોઈ ગઈ.

ક્રિષાએ ડોરબેલ દબાવી ને થોડી ક્ષણોમાં એના પપ્પા દરવાજા પર પ્રગટ થયા...

‘ઓહોહોહો... આવો આવો ગુણવંતભાઈ... ગીતાબેન.. નિશીથબેટા... આવો..’

વડીલોએ એકબીજાને હાથ જોડી નમસ્કાર કરી અભિવાદન આપ્યું-ઝીલ્યું તો નિશીથ અને ક્રિષાએ સૌના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. ક્રિષાના પપ્પાને અણસાર આવી ગયેલો કે મહેમાનોએ એમના રોમેન્ટિક સંવાદનો રસાસ્વાદ માણ્યો જ હશે જેને લઈને તેઓ છોભીલા પડી ગયા હતા એ તેમના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ આવતું હતું.

બપોરના ભોજન પછી બે એક કલાક આરામ કાર્ય બાદ ગુણવંતભાઈ અને ગીતાબહેને વિદાય લીધી તો નિશીથ અને ક્રિષા પણ સુરતની સેર કરવા નીકળી પડ્યાં. નિશીથ માટે સુરત અજાણ્યું શહેર હતું એટલે બાગડોર ક્રિષાના હાથમાં હતી. સૌપ્રથમ તો બંને જણા અઠવા લાઈન્સ પર આવેલ ચોપાટી પર પહોચ્યા... નદી કિનારે આવેલ સુંદર મજાના બગીચામાં એક લટાર મારી બંને એક બાંકડે બેઠાં અને વાતોએ વળગ્યાં..

‘નિશીથ તું આટલો સ્પેશીયલ કેમ છે?’ ક્રિષાએ શરુ કર્યું...

‘હું તો જમીન સાથે જોડાયેલ અને બિલકુલ સામાન્ય છું.. નથીંગ સ્પેશ્યલ..’

‘તું ડાઉન ટુ અર્થ છે એ વાત તો સો ટકા સાચી... પણ તું સ્પેશીયલ તો છે જ’

‘એ તો આપણા બંનેના સંબંધોના લીધે તને એવું લાગી રહ્યું છે..’

‘હું આપણા સંબંધોની વાત બાજુ પર રાખીને વિચારું તો પણ એવું જ લાગે છે..’

‘હું તો એકદમ સીધોસાદો માણસ છું.. કદાચ એવું બની શકે કે એ વાત જ સ્પેશીયલ બનાવતી હોય... કારણ કે દુનિયામાં મોટાભાગે લોકો સ્પેશીયલ બનવાની લ્હાયમાં સાધારણ બનીને રહી જતા હોય છે. આપણે હંમેશાં સિમ્પલી લક્ષ્યનો પીછો કરતા રહીએ તો સ્પેશીયલ બનવા માટે સ્પેશીયલ પ્રયત્ન ના કરવો પડે..’

બંને વાતોમાં મશગૂલ હતાં ત્યારે કેટલાક ગંદાં અને ફાટેલાં કપડાં પહેરેલ છોકરાઓનું ટોળું એમની ફરતે ગોઠવાઈ ગયું અને હાથ ફેલાવીને પૈસાની માગણી કરી રહ્યું હતું. સામાન્ય રીતે જરૂરિયાતમંદ લોકો માટે દયાભાવ દાખવતા નિશીથને છોકરાઓની આ રીત એક પ્રકારે બ્લેક્મેઇલીંગ જેવી લાગી એટલે એણે પૈસા આપવાની ધરાર ના પાડી દીધી.. ક્રિષા પર્સ કાઢવા જતી હતી તો એને પણ અટકાવી.

‘નિશીથ.. શું વાંધો છે તને?’

‘બસ એમ જ’

‘અરે આજે છાપામાં પંચાંગમાં તારી રાશી માટે લખ્યું છે કે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી મોટો લાભ મળશે..’

‘એ જે હોય તે.. આમને તો નહિ જ આપું..’

આખરે નિશીથ ટસ નો મસ ના થતા ટોળું ત્યાંથી વિખેરાઈ ગયું.. ક્રિષા અને નિશીથ ત્યારબાદ બ્રીજ ઉપર ગયાં અને બે ત્રણ કલાક સુધી વાતો કરતાં રહ્યાં... ઘેર પાછા ફરતી વખતે નિશીથ બોલ્યો..

‘લે.. તું તો કહેતી હતી ને કે આજે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી મને મોટો લાભ મળશે.. મેં આજે એવું કશું નથી કર્યું છતાં આજનો દિવસ મારા માટે બહુ લાભદાયક રહ્યો..’

‘રહેવા દે રહેવા દે..... આપણે ચોપાટી બહાર જ્યાં આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા રહ્યા હતાં ત્યાં લારીવાળા જોડે પૂરા છૂટ્ટા પૈસા ના હોવાથી એણે આપવાના થતા હતા એના કરતાં ઓછા પૈસા આપ્યા તો તે ગુસ્સામાં ફેકી દીધા તો એક ભિખારીએ એ પૈસા ઊઠાવી લીધા અને તને આશીર્વચન પણ આપ્યા પણ તું ગુસ્સામાં હતો એટલે તારું ધ્યાન નહોતું ગયું.. પણ એક વાત પૂછું.. આમ તો તું એકદમ શાંત સ્વભાવનો છે તો આટલો બધો ગુસ્સો?’

‘જ્યાં મજબૂરી હોય ત્યાં હું દસની જગ્યાએ સો રૂપિયા પણ આપી દઉં પણ કોઈ બેઈમાની કરતુ હોય એવું લાગે તો મારાથી સહન ના થાય..’

‘યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ.. નીશું.. પ્રાઉડ ઓફ યુ..’

સુરતના બે-ત્રણ દિવસના રોકાણ દરમ્યાન બંને જણા ખૂબ હર્યા ફર્યા અને મોજ કરી... આઠમું સેમેસ્ટર શરુ થયું પછી બંને જણાએ અભ્યાસમાં ઓર જોર લગાવ્યું... અંતે બંનેનું એન્જીનીયરીંગ સારી રીતે પૂર્ણ થઇ ગયું. નિશીથને એક સારી કંપનીમાં મેઇન્ટેનન્સ ડીપાર્ટમેન્ટમાં જોબ પણ લાગી ગઈ... ક્રિષાના પણ જોબ માટે પ્રયત્નો ચાલું હતા. છેવટે એને પણ સુરતમાં સરસ જોબ મળી ગઈ. નિશીથે અમદાવાદની કંપનીમાં લગભગ ત્રણ વર્ષ પસાર થઇ ગયાં હતાં. ૨૦૦૬ની સાલની ચોમાસાની ઋતુ હતી. નિશીથે હજુ ઓફિસમાં કોઈને તેના અને ક્રિષા વચ્ચેના સંબંધો વિષે કંઈ પણ જણાવ્યું નહોતું. આગામી રવિવારે સુરતમાં વેવીશાળનો પ્રસંગ નિર્ધારિત કરવામાં આવ્યો હતો.. નિશીથે નક્કી કર્યુ હતું કે એકવાર ઓફિશિયલી એન્ગેજમેન્ટ થઇ જાય પછી તે બધાને જણાવશે. હવે તો ક્રિષા અને નિશીથ બંને જોડે મોબાઈલ ફોન પણ હતો એટલે બંનેને વાત કરવામાં વધુ સરળતા રહેતી. ખાસ કરીને લંચ અવર્સમાં બંને કાંતો ફોન પર વાતોએ વળગતાં નહિ તો પછી એસએમએસ ચેટીંગ કરતાં. આવી જ એક બપોરે તેઓ વાત કરી રહ્યાં હતાં.

‘આજે તો જોરદાર વરસાદ વરસી રહ્યો છે..’ ક્રિષા બોલી..

‘અહી અમદાવાદમાં પણ ત્રણ ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે પણ ધીમી ધારે..’

‘અમદાવાદમાં વરસાદ પણ કરકસરીઓ હોય ને?’

‘હા એ સાચું..’

‘તું રવિવારે અહી આવવાનો છે એ દિવસે પણ આવો વરસાદ હશે તો આપણે બાઈક પર રખડપટ્ટી કરવા નીકળી પડીશું..’

‘હા ખૂબ મજા આવશે... પણ એક મિનીટ? તારા ઘરે ક્યાં બાઈક છે? તારા ઘરે તો સ્કૂટર અને મોપેડ જ છે ને?’

‘હા પણ મારા કઝીન જોડે બાઈક છે ને? એણે સામેથી મને કહ્યું છે કે દીદી... રવિવારે જીજુ આવે તો તમે ફરવા માટે બાઈક લઇ જજો..’

‘ઓહ... એમ વાત છે.. તો તો મજા આવશે.. પણ એક વાત કહું... તું વરસાદમાં બાઈક પર ફરવાની મજા લેવાનાં બહુ સપનાં ના જોયા કર..’

‘કેમ?’

‘અરે કેમ શું? જો આપણા સપનાંને કોઈની નજર લાગી જશે તો એ દિવસે જ વરસાદ નહિ આવે.. તું મારા પર અનરાધાર વરસતી હોઈશ પણ વરસાદ થંભી ગયો હશે’

‘હા એ ખરું.. ઓકે થોડી ખરીદી કરવા બજારમાં જવાનું છે.. ફોન મૂકું..’

‘ઓકે... બાય... ટેક કેર,,’

‘બાય’

ફોન પર વાત પૂરી કરીને નિશીથ કામે વળગ્યો.. સાંજે ઘેર પરત ફર્યો તો ટીવી પર ન્યુઝ ચાલી રહ્યા હતાં. સમાચાર સુરતના હતા. ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે તાપી નદી પરના ડેમના બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. સુરત શહેરના નદી કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. મકાનોની છત ઉપરથી પાણી વહી રહ્યું હતું તો બિલ્ડીંગોમાં પણ બેથી ત્રણ માળ સુધી પાણી હતું... નુકશાન એટલું હતું કે જેનો અંદાજ બાંધવો મુશ્કેલ હતો.

‘નિશીથ બેટા, તારી ક્રિષા જોડે કંઈ વાત થઇ? મારી જોડે એમના ઘરનો લેન્ડ લાઈન નંબર છે એના પર ઘણો ટ્રાય કર્યો પણ ફોન લાગતો જ નથી. તું ક્રિષાના મોબાઈલ પર ટ્રાય કરી જો ને જરા?’ નિશીથે ઘરમાં પગ મૂક્યો ને તરત જ ગુણવંતભાઈ બોલ્યા.

નિશીથે ગભરાટમાં ક્રિષાનો મોબાઈલ નંબર જોડ્યો પણ નિષ્ફળતા હાથ લાગી. નિશીથના કપાળે પરસેવો વહી રહ્યો હતો. ગુણવંતભાઈએ એના ખભે હાથ મૂકીને ધરપત રાખવા જણાવ્યું...

‘અરે તું ખોટી ચિંતા ના કરીશ..ત્યાં અત્યારે એવા સંજોગો છે એટલે લાઈટ અને ફોનના પ્રોબ્લેમ્સ હશે.. એમનું ઘર ક્યાં નદીથી નજીક છે... એ લોકો બિલકુલ સલામત જ હશે.. આપણે બે દિવસ પછી ત્યાં જવાનું જ છે ને? ચલ તું ખાઈ લે અને શાંતિથી સૂઈ જા...’

ગુણવંતભાઈ નિશીથને સમજાવી રહ્યા હતાં પણ એમના કપાળ પર પણ ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી...

નિશીથ ના તો વ્યવસ્થિત રીતે જમી શક્યો કે ના એને ઊંઘ આવી... પલંગમાં આમથી તેમ પડખાં ફેરવતો રહ્યો. ગુણવંતભાઈ પણ રાતભર ડ્રોઈંગરૂમમાં આંટા મારી રહ્યા હતો તો ગીતાબેનની ચિંતાનો પણ પાર નહોતો. વહેલી સવારે ફોનની રીંગ વાગી. નિશીથ સહીત સૌની ચિંતામાં ઊછાળો આવ્યો. ગુણવંતભાઈએ ફોન રીસીવ કર્યો. એમણે ફોન પર એકાક્ષરી ઉત્તરો જ આપ્યા. એમણે ફોન મૂક્યો ને તરત નિશીથ અને ગીતાબહેન ચિંતાતુર વદને ઇશારાથી જ ફોન પર શું વાત થઇ એ અંગે પૂછવા લાગ્યા..

અડધા કલાકની અંદર ત્રણેય જણ અમદાવાદ-વડોદરા એક્ષ્પ્રેસ હાઈવે પર હતા. કાર ડ્રાઈવ કરવા ગુણવંતભાઈએ ડ્રાઈવર બોલાવી લીધો હતો... કાર હવે વડોદરા પાર કરી ચૂકી હતી..કોઈ એકબીજા જોડે વાત કરવાની સ્થિતિમાં નહોતું... ભારે વરસાદને લઈને ટ્રાફિક જામ હતો.. સામાન્ય રીતે ચારેક કલાકમાં સુરત પહોચી શકાતું હતું જે માટે આજે આઠ કલાકથી પણ વધુ સમય લાગ્યો જે નાજુક પરિસ્થિતિના લીધે આઠ ભાવ સમાન લાગી રહ્યો. સામાન્ય રીતે ડ્રાઈવિંગ સીટ પર બિરાજતો નિશીથ પાછળની સીટ પર બેઠો હતો અને તેની બંને બાજુ તેનાં મમ્મી પપ્પા... નિશીથ અત્યંત શોક્ગ્રસ્ત હતો.. અહિથી આગળનું જીવન જાણે અંધકારમય લાગી રહ્યું હતું..

ક્રિષાના ઘરના દરવાજેથી ડ્રોઈંગ રૂમનું અંતર જોજનો સમું લાગી રહ્યું હતું.... પગ એટલા ભારે લાગી રહ્યા હતા કે કારની બહાર નીકળીને બે ચાર ડગલાં ભરતાં જ નિશીથ ફસડાઈ પડ્યો... ક્રિષાના કઝીને દોડી આવીને નિશીથને ટેકો આપ્યો... નિશીથ માંડ ડ્રોઈંગરૂમ સુધી ઢસડાતો રહ્યો. વરસાદ હજુ અનરાધાર વરસી રહ્યો હતો... એને ના તો કોઈની નજર લાગી કે ના તો એ થંભી ગયો હતો. બસ કંઈ થંભી ગયું હોય તો બાવીસ બાવીસ વર્ષથી અવિરત ચાલી રહેલ કોઈની શ્વાસોચ્છવાસની પ્રક્રિયા જેણે નિશીથના દિલની ધડકનોને પણ છિન્નભિન્ન કરી નાખી હતી..

બજારમાંથી ખરીદી કરીને આવ્યા પછી ક્રિષા એની ખાસ બહેનપણીના ઘરે ગઈ હતી. એના મમ્મીએ તો ના જ પડી હતી પણ ક્રિષાને વરસતા વરસાદમાં ભીંજાવાનો ખૂબ શોખ...... શોખ નહિ વળગણ હતું.. અને એ હંમેશાં એ માટે બહાના જ શોધતી રહેતી. ક્રિષાની બહેનપણી કાવ્યાના ઘરથી તાપી નદીનો કિનારો માંડ પોણો કિલોમીટર દૂર હતો.. એ ત્યાં હતી એ દરમ્યાન જ તાપી નદીના ડેમ પરના બધા ડેમ ખોલી નાખવામાં આવ્યા હોવાથી તાપી ગાંડીતૂર બની હતી.. કાવ્યાનું ઘર ચાર માળના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત હતું. ઘડીક વારમાં તો ઘરમાં કેડસમું પાણી ફરી વળ્યું.... યુદ્ધના ધોરણે ઘરનો કીમતી સામાન ઉપરના માળે ખસેડવાનું ઠેરવવામાં આવ્યું.. ઘરના બાકીના સભ્યો તો ઉપલા માળે પહોચવામાં સફળ થયા પણ ક્રિષા અને કાવ્યા તાપ્તીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયાં અને થોડા આગળ સુધી તણાઈને એક મીનીબસના છાપરા પરના કેરિયરમાં ફસાઈ ગયાં. વાતાવરણમાં એટલી ચીસાચીસ હતી કે ભલભલાનું કાળજું કંપાવી જાય... લાખ પ્રયત્નો છતાં કોઈ એમને બચાવવામાં સફળ ના થઇ શક્યું..

ફર્શ પર પડેલ ક્રિષાના અચેત દેહે ત્યાં ઉપસ્થિત સેંકડો સ્વજનોના ચહેરાઓને નિસ્તેજ કરી દીધો હતો. જે ઘટના ઘટી હતી તે કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. ક્રિષાના મમ્મી પપ્પાની સ્થિતિ તો તદ્દન અકલ્પનીય હતી. તો નિશીથ માણસ મટીને મીણ બની ગયો હતો.. સ્વજનોની સાંત્વનાના સહરાની હૂંફે એ મીણ ઓગળીને લાગણીઓ રૂપે વહેવા લાગ્યું અને નિશીથ બોલી ઊઠ્યો...

‘લડી લઈશું દુનિયાભરથી .. કહ્યું હતું...

શા કાજે ભાગ્યા તમે તો રણ છોડીને...

મલકી રહ્યા છો આમ શાને એ તો કહો...

આંખે અમારી આંસુઓના તોરણ છોડીને???!!!!’

ક્રમશ:.......