Featured Books
શ્રેણી
શેયર કરો

અંકઃ ૧૪ નાની – નિનિ બાળકને શું આપશો પ્રોત્સાહન કે પ્રલોભન!

અંકઃ ૧૪ જૂન, ૨૦૧૬.

હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..


બાલ્યાવસ્થા કહો કે શૈશવકાળ જીવનનો સૌથી સુવર્ણ સમય હતો એવું યૌવન અને વૃદ્ધાવસ્થામાં ભાસ થાય છે. કાર્ટૂન હોય કે બાળવાર્તાઓ વાંચવાનું તો મોટાં થઈને પણ ગમે જ. હેલ્લો સખીરી અંકઃ ૧૪માં આ બચપનની યાદોને જરા વાગોળીએ અને બાળવાર્તા વિશેષાંક માણીએ.

હપ્તાનાં સાત દિવસો દરમિયાન સાત લેખ અને વાર્તા એકેક દિવસે પ્રકટ કરીશું. જાણે કે ઓન્લાઈન મેગેઝીનનું જુદજુદું પ્રકરણ દરરોજ આપ વાંચી શકશો.

હેલ્લો સખીરીમાં લેખ અને અભિપ્રાય મોકલવા આપનાં ઈમેલ્સ આવકાર્ય!

fmales.gmail@gmail.com


નાની – નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
kunjkalrav@gmail.com

બળકને શું આપશો પ્રોત્સાહન કે પ્રલોભન!

ઢળતી સાંજની ઓટલા પરિષદમાં આમેય બપોરની ભાપ પ્રસરેલી જ હોય. એવામાં જો મહિલામંડળની ટોળકી વચ્ચે કોઈ ગરમાગરમ વિષય પર ચર્ચા શરૂ થઈ જાય તો વાતાવરણામાં ઔર ગરમાવો આવી જાય. આજે માહોલ જરા વધુ ઊનો હતો. નાનીબા ઓટલા પરિષદનાં અધક્ષ સ્થાને બેઠાં હોય અને બાકીનાં અડોસપડોશનાં બહેનો કોઈ હકૂમતી પક્ષની કાર્યકર્તા હોય એમ એક પછી એક પોતાની વાતનો મુદ્દો મૂકતાં હતાં.

એક બહેનઃ શું કરૂં બા, છોકરાંઓ તો ગણકારતાં જ નથી મને તો. આખો દિવસ મમ્મી ઘરમાં હોય એટલે મમ્મી સસ્તી લાગે અને પપ્પા બધું નવુંનવું લાવી આપે એટલે એમને એમનાં બાપા જ વહાલા લાગે અને સાંભળે પણ એમનું જ! હું તો જાણો ચોવીસ કલાકની ઘરઘાટી!

સંધ્યા ટાંણે સભા બરખાસ્ત થઈ ત્યાં સુધીમાં તો કેટલીય માઓની ફરીયાદોની કચેરી ભરાઈ હતી. એમની વાતોમાં એક બાબત આંખે વલગીને આવે એવી હતી કે માતાપિતા એમનાં બાળકોને લાડ કરવા જતાં વિવિધ ચીઝવસ્તુઓનું પ્રલોભન આપીને કામ કઢાવતાં થઈ ગયાં છે. આવા જ બધા વિચારોમાં ઘેરાયેલ નાનીબા જમીને પરીવારમાં સહુ સાથે ટીવી જોઈ રહ્યાં હતાં. જાહેરખબરોની અડફેટમાં આવીને નિનિએ ઓચિંતું ટીવીનો અવાજ ધીમો કર્યો અને મોટેથી એની મમ્મીને કહ્યું.

નિનિઃ મમ્મી…. મને મારા નેક્ટ બર્થડે પર આ કેટરીનાએ પહેર્યો છેને આ સાબુની જાહેરાતમાં એવો સિંડ્રેલા સ્ટાઈલનો ફ્રોક લેવો!

સૌ કોઈ નિનિ તરફ તાકવા લાગ્યાં. કોઈ કંઈ જ બોલ્યું નહીં. જાહેરખબરો હજુ ચાલતી હતી અને ટી.વી મ્યુટ જ દોડી રહ્યું હતું. નિનિનાં પપ્પા એની પડખે બેઠા અને હાથમાંથી રીમોટ લીધું. એમણે એમની લાડકવાયીને વાયદો કર્યો કે વાર્ષિક પરિક્ષાનાં પરિણામમાં એંસી ટકાથી વધુ મેળવશે તો એવો ફ્રોક પાક્કો! કિકિયારીઓ સાથે નિનિ એનાં પિતાને વળગી પડી. નિનિનાં મમ્મીએ પણ આનંદ વ્યક્ત કર્યો અને ફરી એમની ટેલવિઝનની દુનિયાનાં વિઝનમાં સૌ પરોવાયાં. એ સમયે નાનીબાએ ખાસ પ્રતિસાદ નહોતો આપ્યો. એમણે વખત આવે વાત કરવાનું જ યોગ્ય સમજ્યું.

વખત ગયે બધાં તો એ ફ્રોકની વાત વિસરી જ ગયાં. પણ નિનિબેન થોડાં ભૂલે? પરિણામ આવ્યું અને એ પણ પૂરેપૂરા એંસી ટકા! શાળાએથી પરિણામ પત્રક લઈને ઘરમાં આવતેવેંત મમ્મી – પપ્પાને કહેવા લાગી.

નિનિઃ જોયું? લાવીને મસ્ત રીઝલ્ટ! તો લાવો મારૂ ગિફ્ટ….
નિનિનાં મમ્મીઃ બોલ નિનિ શું જોઈએ ગિફ્ટમાં?
નિનિઃ એ ન ચાલે મમ્મી, તમે કેમ ભૂલી ગયાં? મને પેલું સિંડ્રેલા જેવું ફ્રોક અપાવવાનાં હતાં ને..
નિનિનાં પપ્પાઃ અરે હા, એ તો મારી ઢીંગલી માટે હવે લેવું જ પડશે.

ઉજવણીનો મોકો હતો એટલે નાનીબાએ પણ આનાકાની ન કરી. પણ જમાઈનાં ગયા પછી રસોડાંમાં નિનિનાં મમ્મી પુરી બનાવતાં હતાં અને ખીર માટેનાં ભાત ઓસાવતી વખતે નાનીબા બોલ્યાં.

નાનીબાઃ જો છોકરી, જમાઈ દેખતાં મે વચ્ચે પડીને બોલવું યોગ્ય ન સમજ્યું. પણ તારી છોરીને બહુ લાડ કરીને ફટાવતી નહિં.
નિનિનાં મમ્મીઃ બા, કયાં એ કંઈ રોજ માંગણી કરે છે અને પરીક્ષાનાં પરીણામનાં બહાને આમ કોઈ સરસ વસ્તુ લઈ આપીએ એમાં ખોટું શું?
નાનીબાઃ વસ્તુ લાખની લઈ દ્યોને, પણ એ પ્રોત્સાહન રૂપે હોવી જોઈએ. લાલચ નહીં કે ફલાણું કામ પતાવ તો પેલું અપાવશું ને ઢીંકણાંમાં નંબર આવ્યો પેલું લઈ આપશું. નાનાં બાળકોને દૂરથી એ રીખી રીખીને આવે તરત એ માટે આપણે ચાવી, ચોકલેટ કે હવે ચમકતા મોબાઈલ બતાવીને લલચાવીએ છીએ. આવાં જુદજુદાં લલચાવનાર બાબતો બાળકનાં કુમળા મન પર એમ જ છાપ પાડે છે કે એવી માનસિક અસર ઘર કરે કે અમને ગમે તે ભોગે જીદ્દ કરશું કે રોક્કળ કરીશું તો અમારી વાત માન્ય રહેશે.
નિનિનાં મમ્મીઃ હ્મ્મ.. સરકારી ખાતાઓમાં લાંચરિશ્વતની બધાને આમ જ ટેવ પડી ગઈ હશે. હેં ને? એક રીતે જોવા જઈએ તો તમારી વાત સાચી છે બા.

ખીર માટેનાં દૂધને ઉકાળવાની સોડમ નિનિને આવતાં એ રસોડાં સુધી પહોંચી ગઈ. એણે નાનીબા અને મમ્મીની વાતો સાંભળી.

નિનિઃ તો…. નહીં લઈ આપો મને ફ્રોક?

નિનિ રડમસ ચહેરે ખીરનાં તપેલાં પાસે ઊભી રહી.

નાનીબાઃ કેમ નહીં? તારા બર્થડેની પાર્ટીમાં એવું જ, અરે એનાંથીય મસ્ત ફ્રોક લેશું.
નિનિઃ તો? તમે ને મમ્મી શું વાતો કરતાં હતાં?

નાનીબાએ ફોડ પાડ્યો કે ભેંટમાં ચીઝવસ્તુઓ લઈ આપવાની ના ન હોય પરંતુ એ ભેંટ બિનશરતી હોવી જોઈએ. લાલચમાં આવીને તે મહેનત કરી હોય અને એનું યોગ્ય પરિણામ ન મળ્યું હોત તો તને વધુ દુઃખ લાગત. વળી, બાળક જેની માંગણી કરે છે એની એને કેટલી જરૂરિયાત છે, એનાં માટે એની એ ફમાઈશ કેટલી વ્યાજબી છે એ પણ માતાપિતાએ નક્કી કરવું રહ્યું. પ્રલોભન નહિં, પ્રયોજન હોવું જોઈએ.

નિનિઃ હ્મ્મ્મ….. તો હવે શું નક્કી કર્યું? ક્યારે જાવું છે શોપિંગ કરવા?
નાનીબાઃ ખીરપુરી જમીને!

નિનિ નાનીબાને વળગી પડી.
નિનિનાં મમ્મીઃ બા જો તો, ચોખા ચડી ગયા, તો કઢીયલ દૂધ ઉમેરી દઉં?
નાનીબાઃ હા, પછી માંય કેસરનાં તાતણાં ને નિનિનાં ફેવરીટ કાજુબદામની કતરણ પણ નાખજે જરા.

જમી પરવાનીને વામકુક્ષી કરીને બા રાબેતા મુજબ ઓટલા પરિષદમાં મોભી થઈને ગોઠવાયા. એજ હૈયા વરાળ ઠાલવતી મહિલામંડળની વાતો શરૂ થઈ.

એક બહેનઃ બા, તમારા દીકરા એ તો બાબલાને સ્લેટ જેવડું ટેબલેટ લઈ આલ્યું! ઈ બાપડો નસીબદાર વળી ઓગણસાઠ ટકાય લાવ્યો હોત તો ના પાડી દેત, પૂરેપૂરા સિત્તેર લાવ્યો!

નિનિ એની બહેનપણો સાથે બહાર પાણીકા રમતી હતી તે એણેય પરિષદમાં ઝંપલાવ્યું.
નિનિઃ મારૂંય નસીબ જોર કરી ગ્યું હો… આંન્ટી, પૂરેપુરા એંસી આવ્યા! હવે નાનીબા ગિફ્ટ લઈ આપશે!

નિનિએ નાનીબાને હાઈફાઈ તાળી આપીને ફરી રમવા દોડી ગઈ અને નાનીબાએ એમનું બાળકોને લાંચ કે લાલચ અપાય? એ વિશે પ્રવચન ચાલુ કર્યું.