અંક: ૧૪ બાળવાર્તા ભાભો ભરવાડ Hello Sakhiri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંક: ૧૪ બાળવાર્તા ભાભો ભરવાડ

અંકઃ ૧૪ જૂન, ૨૦૧૬.

હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..


બાલ્યાવસ્થા કહો કે શૈશવકાળ જીવનનો સૌથી સુવર્ણ સમય હતો એવું યૌવન અને વૃદ્ધાવસ્થામાં ભાસ થાય છે. કાર્ટૂન હોય કે બાળવાર્તાઓ વાંચવાનું તો મોટાં થઈને પણ ગમે જ. હેલ્લો સખીરી અંકઃ ૧૪માં આ બચપનની યાદોને જરા વાગોળીએ અને બાળવાર્તા વિશેષાંક માણીએ.

હપ્તાનાં સાત દિવસો દરમિયાન સાત લેખ અને વાર્તા એકેક દિવસે પ્રકટ કરીશું. જાણે કે ઓન્લાઈન મેગેઝીનનું જુદજુદું પ્રકરણ દરરોજ આપ વાંચી શકશો.

હેલ્લો સખીરીમાં લેખ અને અભિપ્રાય મોકલવા આપનાં ઈમેલ્સ આવકાર્ય!

fmales.gmail@gmail.com


બાળવાર્તા: પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
pallavimistry@yahoo.com

ભાભો ભરવાડ

એક હતો ભાભો ભરવાડ. ભરવાડ એટલે જે ઘેટા – બકરા ચરાવવાનું કામ કરે તે. ભરવાડનું કામ રોજ ઘરના વાડામાં રાખવામાં આવેલા ઘેટા – બકરાઓ ને ગામની સીમમાં એટલે કે ગામની બહાર આવેલા ઘાસના મેદાનમાં લઈ જઈને ઘાસ ચરાવવાનું. ભાભો પણ રોજ સાંજે ઘેટા – બકરાને ચરાવવા લઈ જાય.

ભાભો ખુબ જ મન દઈને પોતાનું કામ કરતો. ઘેટા – બકરાને ઘાસ ચરાવવાની સાથે એ તેમની ખુબ સંભાળ પણ રાખતો. એ પોતાની સાથે એક કડિયાળી ડાંગ એટલે કે એક મજબુત લાકડી પણ રાખતો. જેનાથી એ પોતાનું અને ઘેટા – બકરાનું જંગલી પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, દીપડો વગેરે થી રક્ષણ કરી શકે.

આ ડાંગ એને પશા પટેલે આપી હતી. ભાભો ગામના સરપંચ પશા પટેલને ત્યાં ઘેટા – બકરા ચરાવવાનું કામ કરતો હતો. ભાભાનો ઘણો સમય તો ઘેટા – બકરા ચરાવવામાં જ જતો રહેતો. બાકીના સમયે એ ભાઈબંધો સાથે રમતો અને અખાડામાં કસરત કરવા જતો.

ઘેટા – બકરા જ્યારે નિરાંતે ઘાસ ચરતા હોય ત્યારે ભાભો ઘાસના મેદાનમાં આવેલા એક ઘટાદાર વડના ઝાડને અઢેલીને બેસતો અને વાંસળી વગાડતો અને ઘેટા બકરાનું ધાન રાખતો. ભાભાને આ વાંસળી પશા પટેલના દિકરા જગદીશે આપી હતી. ભાભાને વાંસળી સરસ રીતે વગાડતા આવડતી હતી.

જગદીશ ગામની નિશાળમાં ભણવા જતો. બીજા બધા છોકરાઓને નિશાળમાં ભણવા જતાં જોઈને ભાભાને પણ નિશાળમાં ભણવા જવાનું ખુબ મન થતું. પણ ભાભો નિશાળે જાય તો એની ફીના પૈસા ક્યાંથી લાવે? એની ચોપડીઓ, યુનિફોર્મ, બુટ, દફ્તરના પૈસા ક્યાંથી લાવે? એટલે જગદીશ એને ક્યારેક પોતાની ચોપડી વાંચી સંભળાવતો.

ભાભો એના મા – બાપને અને એના મા – બાપ ભાભાને ખુબ વહાલા હતા. ભાભો જન્મ્યો ત્યારે મા – બાપે ભગવાનનો ખુબ ખુબ આભાર માન્યો. અને દીકરાનું નામ ભગવાન રાખ્યું. પણ ભગવાન નામ બધાને બહુ લાંબુ લાગતાં આજુ બાજુના બધા લોકો એને ભાભો કહીને બોલાવવા લાગ્યા. પછી તો એનું નામ ભાભો જ પડી ગયું.

ભાભાના મા – બાપ તો ભાભો પાંચ વર્ષનો હતો ત્યારે જ મરી ગયા હતા. મા – બાપ મરી ગયા એટલે ભાભો એકલો અને દુખી થઈ ગયો. પણ એના ઘરની બાજુમા રહેતા રમીબેન અને કિસન એને એના ઘરે લઈ ગયા. બન્ને જણે ભાભાને પોતાના દિકરાની જેમ રાખ્યો.

કિસન ગામના સરપંચ પશા પટેલના ઘરે નોકરી કરતો હતો. પશા પટેલને ખેતરમાં ખેતી કરવામાં મદદ કરતો એમના બળદોની સંભાળ રાખતો અને સાંજે ઘેટા બકરા ચરાવવા જતો. પછી તો ભાભો મોટો થયો એટલે આ ઘેટા –બકરા ચરાવવાનું કામ એણે સંભાળી લીધું અને ત્યારથી ભાભો, ભાભો ભરવાડના નામે જાણીતો થયો.

રમીબેન સરપંચ પશા પટેલના પત્ની કાંતા પટલાણીને ઘરકામમાં મદદ કરાવતાં. એમના વાડામાં રાખેલી ગાયોને નીરણ (ખાવાનું) આપવું, એને નવડાવવીને સાફ કરવી, સવાર – સાંજ ગાય દોહીને દૂધ ભેગું કરવું. પટલાણી રમીબેનને પૈસા ઉપરાંત અનાજ, ઘી, તેલ, દૂધ, છાશ, કપડાં અને ખાવાનું પણ આપતાં.

એકવાર ભાભો ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે દૂરના જંગલમાં થી દીપડો ધસી આવ્યો. પહેલા તો ભાભો ઘભરાયો, પણ પછી એને લાગ્યું કે પોતે દીપડાને ભગાડશે નહિ તો દીપડો ઘેટા બકરાને મારી નાખશે. એટલે હતી એટલી હિમ્મત ભેગી કરીને મોટેથી મદદ માટેની બુમો પાડતો ભાભો દીપડા તરફ કડીયાળી ડાંગ લઈને ધસી ગયો.

દીપડો પણ ભાભાનો પડકાર સાંભળીને ઘભરાઈને બે ચાર ડગલાં પાછળ હટ્યો. એટલી વારમાં આજુબાજુથી બીજા ખેડૂતો પણ ડાંગ લઈને આવી પહોચ્યા અને દીપડાને ભગાડ્યો. પશા પટેલે જ્યારે જાણ્યું કે ભાભાએ દીપડાને ભગાડ્યો ત્યારે એને શાબાશી અને ઇનામ આપ્યા.