Kalpana Murti Jagdish U. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kalpana Murti

કલ્પના મૂર્તિ

લેખક

જગદીશ ઉ. ઠાકર

એમ. એમ. સાહિત્ય પ્રકાશન, આણંદ

અર્પણ

જેઓ અમારી પ્રત્યે વર્ષોથી ઉષ્માળી - ભીની કૌટુંબિક લાગણી - ભાવના સાથે પ્રેમ - સ્નેહનું ઝરણું, અવિરત વહાવી રહ્યા છે, કે અમેરિકાના (ફ્લોરિડા)

શ્રી અરવિંદભાઇ એ પટેલ, સૌ. બીના બહેન અને ચિ. કપિલ

નિવેદન

મારી લેખનયાત્રા સન ૧૯૬૨માં ચાર પાંચ માસ માટે મારી પત્ની પિયર ગયેલ ત્યારે એકલતા તથા વિરહ વ્યાકુળતામાંથી બહાર આવવા ગદ્ય પદ્યમાં ‘‘વિરહ, પ્રણય, મિલન’’ વગેરે પ્રકારના કાવ્યોની રચના કરી હળવાશ અનુભવતો હતો.

સન ૧૯૮૧માં મારો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ગંગતરંગ’ કે જે જુની પેઢીના ખેડા જિલ્લાના ખ્યાત બાળસાહિત્યકાર, કવિ, લેખક સ્વ.પૂ. પિતાશ્રી ઉમિયાશંકર ઠાકરની ૭૫મી જન્મ તારીખે તેઓને સાહિત્યિક અર્ધાંજલિ અર્પતો પ્રકટ કર્યો હતો. તેનું સંપાદન સ્વ.પૂ.પિતાશ્રીએ કરેલ ત્યારે અંતર આનંદોલ્લાસથી તરબોળ થયેલ અને સાહિત્યિક રીતે બહુ પ્રોત્સાહક બનેલ. કાવ્યોનો બીજો સંગ્રહ પ્રગટ કરી શકાયો નથી. તેનો રંજ તો છે જ. મારું સાહિત્ય ૧૯૮૩થી વિવિધ સામયિકો/ સાપ્તાહિકોમાં પ્રકાશિત થતું ગયું તે છેક આજ દિન સુધી.

આ પુસ્તકની વાર્તાઓ સન૧૯૮૪,૧૯૮૬,૧૯૮૮ અને ત્યાર પછી સન ૨૦૦૮ ને ૨૦૦૯માં ક્રમશઃ છપાતી રહી. વચ્ચે લાંબો ગાળો એટલે આવ્યો કે મુંબઇથી પ્રકાશિત થતા ‘‘સ્વબળ’’ માસિકમાં લાગલગાટ વીસ વરસથી મારી કોલમ ‘‘મહિલા જગત’’ પ્રગટ થતી સાથે ‘‘વિદ્યાર્થી જગત’’ ચરિત્ર મહિમાં લેખ, પ્રેરણાત્મક અધ્યાત્મક લેખ, ફીટનેસ, બ્યુટી ટ્રીટમેન્ટ, ફેશન, સોંદર્ય નુસખા’’ વગેરે સાહિત્ય પ્રગટતું રહેલ છે. સાથોસાથ પાટણથી પ્રગટ થતા ‘‘હમસફર’’ સાપ્તાહિકમાં મારી કોલમ ‘‘રોજિંદું ધર્માચરણ’’ અને ઇત્તર સાહિત્ય પણ વર્ષો સુધી પ્રકાશિત થયેલ. બીજી બાજુ ‘‘લઘુકથાઓ’’ પણ વિવિધ માસિકો/સાપ્તાહિકોમાં છપાતી ગઇ, તેના પરિપાક રૂપે ‘‘મૌન’’ લઘુકથા સંગ્રહ સન ૨૦૦૫માં છપાયો. બીજો લઘુકથાસંગ્રહ ટુંકમાં પ્રકાશિત થશે.

બહુ ઓછી વાર્તાઓ સરળ ભાષા શૈલીમાં જે કલ્પના વિચારો સ્ફુર્યા તે વાર્તાઓમાં વણાયા છે. વાર્તાઓ ઉચ્ચ કક્ષામાં લખાઇ છે કે કેમ? તે તો સર્જક, વાચક અને વિવેચકો વાંચી, પોતાનો પ્રતિભાવ મોકલશે ત્યારે ખબર પડે, પણ વાર્તાઓના સર્જનથી મને આત્માનંદ ને સંતોષ જરૂર થયો છે.

આભાર : આ વાર્તાઓ રઘુનંદન, પ્રખર પ્રતિષ્ઠાત, ખેડા વર્તમાન, આગેકદમ, વિશ્રામ વગેરે સામયિકો/સાપ્તાહિકોના તંત્રી/સંપાદકોએ છાપી.

એમ.એમ.સાહિત્ય પ્રકાશનના શ્રી યાકુબભાઇ મલેકે આ વાર્તા સંગ્રહ સહર્ષથી પ્રકાશિત કર્યો. સાથે શ્રી મણિભાઇ પ્રજાપતિના સહકાર બદલ.

તા. ૧૩.૪૦૨૦૦૯

ધોરી ફળિયું, નાનું અડધ,

આણંદ - ૩૮૮ ૦૦૧

જગદીશ ઉ. ઠાકર

અનુક્રમણિકા

૧. ઝાંઝવાના જળ

૨. સાચી કમાઇ

૩. પ્રાયશ્ચિત

૪. સ્વાભાવિકતાનો સ્વીકાર

૫. સ્નેહ લગ્ન

૬. અભિશાપ

૭. ઝમક

૮. તૃષ્ણા ત્યાગ

૯. અંતરનો અવાજ

૧૦. સમસ્યા

૧૧. સ્ત્રી ચરિત્ર

૧૨. ભગ્ન હૈયા

૧૩. બુઝાતો ચિરાગ

૧૪. પત્તાનો મહેલ

૧૫. કલ્પના મૂર્તિ

૧ : ઝાંઝવાના જળ

એ ઢળતી સુનહળી સંધ્યાએ ...

ફ્લેટ નિસર્ગના સુશોભિત બેઠક ખંડમાં ગોઠવેલા કલાત્મક અરિસામાં એક પ્રતિબિંબ આકાર ધારણ કરતું હતું. બે આશાળી આંખો પોતાના ઘાટિલા સુરેખ ગૌરવર્ણ ચહેરા પરથી એક ઝંઝાવાતી મોજાની જેમ ફરી વળી. એ ફરી ફરી નિહાળતી હતી, ત્યાંજ જેમ શાંત નીરમાં પથ્થર પડતાં વલયો રચાય તેમ અરિસાનું પ્રતિબિંબ પલકમાં હળી ઉઠ્યું. વિચાર વાવઝોડું ઘુમરાતા એનું શાંત મન બેચેન બની ઊઠ્યું. એ હતી આકાંક્ષા. પુત્રી અંકિતા આજે બી.એ.બી.એડ. થઇ હતી, અને લગ્ન કરવાની વય સુધી પહોંચી હતી. તે વાતે આકાંક્ષાનું મન પોતાનું પ્રતિબિંબ જોતાં શરમ અનુભવતું પરેશાન થઇ ઉઠ્યું, અને એને લઇને તેના વિશાળ વાદળી વિહોણા સ્વચ્છ આકાશ જેવા કપોલ પ્રદેશ પર ઉઠેલ પ્રસ્વેદબિંદુઓ ઝાકળની જેમ શોભી રહ્યા હતા.

અંકિતા માટે પોતાના સિવાય લાયક મુરતિયો શોધનાર કોઇ હતું નહિ. વિચારતી કે આજે પરિક્રમ હોત તો તેને કોઇ ચિંતા ન હોતી. પરિક્રમ એક ધનાઢ્ય પિતાનો એકલ પુત્ર હતો. પણ સ્વચ્છંદ ન હતો. બાળપણથી સંસ્કારનું સિંચન થયેલ. યોગાભ્યાસી, સુદ્રઢ એકવડો દેહ કોઇને પણ ગમી જાય તેવો હતો; હૃદયથી વીર, હિંમતવાળો, ક્ષમાવાન, દયાળું તથા ગર્વહીન હતો. સદાય હસમુખો ચહેરો, પોતે ડોક્ટર હતો. છતાં નમ્રતાવાળો હોસ્પીટલ સ્ટાફ તેને અત્યંત ચાહત અમીર ગરીબ જોયા વગર દવા કરતો. કોઇ પણ સમયે દર્દીની સેવા માટે તત્પર, ગરીબ દર્દીની સારવાર મફત કરતો અને મદદ પણ આવા દેદીપ્યમાન ચહેરા પર માનવતા ઝળહળતી.

આકાંક્ષાના પિતા શ્રીપતરામ મુનીમજી હોવાથી પરિક્રમ, પિતા શ્રીમંતરાયના કામ અંગે તેમને ઘેર આવેલો આકાંક્ષાના મેઘ ધનુષી મંદ હાસ્યના આવકારથી પરિક્રમનું હૃદય પ્રથમ નજરે જ ભીંજાઇ ગયું. બન્નેની ઔપચારિક વાતચીતમાંથી પ્રેમપુષ્પ પાંગરી લગ્નમાં પરિણમ્યું. બિલકુલ સાદગીથી કોર્ટે જઇ લગ્ન રજીસ્ટર કરાવ્યા.

શ્રીમંતરાયમાં ધંધાકીય કાબેલીયત હતી. વિલાસીતા સાથે માન, આબરૂને દોલતની ગર્વિષ્ઠતા તેમની ઉંચી રહેતી ગરદનથી જણાઇ આવતી કોની સાથે કેવી રીતે વાતચીત કરવી તેમાં તેઓ પાવરધા બનેલા માનતા. તેઓ વિધુર હતા. આકાંક્ષાના સુરેખ લાવણ્યથી મુગ્ધ બનેલા શ્રીપતરાયને કેબીનમાં બોલાવી વાત છેડી કે ‘‘આકાંક્ષાને મારે પુત્રવધુ બનાવવી છે, મારો એકનો એક પુત્ર ભવિષ્યમાં ફેક્ટરીનો માલિક બનશે. ધન દોલત નોકર - ચાકર, ગાડી ફરતી હશે. તમારી દીકરી નર્યું સુખ જ સુખ મળશે મારી વાત માની આકાંક્ષાનું વેવિશાળ પરિક્રમ સાથે કરો.’’

મુનીમજી શ્રીપતરાય લાંચ - રુશ્વતથી દૂર રહેતા હતા. શુદ્ધ, નિતિવાનને સત્ય વક્તા હતા, તે માનતા કે પરિશ્રમી કમાયેલું ધન જ સાચું છે, ને સાચા રસ્તે વપરાય છે. પિતાની ધન દોલતથી છકી જઇ સ્વચ્છંદી મનસ્વીને નાલાયક પુત્ર ન બને તેની શી ખાતરી? નિર્ણય કરી શ્રીપતરાયે ના ભણી દીધી. શ્રીમંતરાયનાં ગર્વને હાનિ પહોંચતી લાગવાથી તત્કાલિન શ્રીપતરાયને નોકરીમાંથી છૂટા કર્યા અને ધમકી આપતાં કહ્યું કે ‘‘હું જોઇ લઇશ.’’ બન્ને બ્રાહ્મણ કુળનાં હતાં, પણ બન્નેમાં આસમાન જમીનનો તફાવત હતો.

આકાંક્ષાએ સઘળી હકિકત જાણી ત્યારે ઘણું દુઃખ થયું. તે પિતા સમાન અડગને નિશ્ચલ હતી. પોતાના પ્રેમનું બલિદાન આપીને પણ પરિક્રમ સાથેનો સંબંધ તોડી નાખવા વિચાર્યું. ‘‘ભલે જીંદગીભર તધઘાટ ને વેદનાભર્યું એકલવાયું જીવન ગુજારીશ પણ આવી રીતે તો લગ્ન નહિં જ કરૂં.’’

આકાંક્ષાના ટૂંકી પણ સ્પસ્ટ લખેલી ચીઠી વાંચી પરિક્રમને પારાવાર દુઃખ થયું તે તેને છોડવાને હરગીજ તૈયાર ન હતો. સંસ્કારી, ભણેલો-ગણેલો હાવાથી પિતાનું ઘર તજી આખરે બંનેએ લગ્ન કરી લીધા.

સરકારે એક ગામડાની ગ્રામ પંચાયત હોસ્પીટલમાં પરિક્રમને ડોક્ટર તરીકે નિમ્યો. ઉછેર શહેરનો હોવા છતાં ગ્રામ્ય પ્રજાની સેવા કરવાની હૈયામાં તમન્ના હતી. તેથી ઘણો આનંદ થયો. આકાંક્ષાને તેજ ગામની શાળામાં શિક્ષિકાની નોકરી મળી. આમ બન્નેનું સ્વપ્ન સાકાર થતાં એકબીજાના આનંદના મોજાના થપાટો સાથે ઉષ્માભર્યું જીવન જીવતા. પોતાના હોદ્દા પ્રમાણે રહેવા માટે બન્નેનો પગાર ઓછો પડતો જો કે કરકસરિયા તો હતાં. પણ ઘરવખરીની એકે એક ચીજ વસ્તું વસાવવી પડી હતી. સ્કુટર પણ ખરીદી લઇ આકાંક્ષાની દૂર પડતી શાળાની અગવડ દૂર કરી.

એક ઢળતી સંધ્યાએ નદી કિનારે પરિક્રમના ખોળામાં આકાંક્ષાએ માથુ મૂક્યું હતું. તેને હસાવવા પરિક્રમે ઘણો પ્રયત્ન કર્યો પણ આનંદની એક પણ લહર ચહેરા પર ફરફરી નહીં. તેના દિલમાં દાવાનળ ભડકે બળતો હતો. પાંચ વર્ષના વહાણાં વાયા પણ આકાંક્ષાને ખોળો ખાલી હતો. પરિક્રમ સાંત્વન આપી કહેતો ‘‘આકાંક્ષા, હજુ ક્યાં આપણી ઉંમર વહી ગઇ છે. હજુ ખેલવા રમવાની તો ઉંમર છે. આપો આપ કુટુંબનિયોજન જેવું થઇ ગયું છે. પ્રભુની કૃપાથી જરૂર ભાગ્યશાળી બનશું અને પુત્ર પુત્રી બે જ બાળકો હશે બે બાળકો હોય તે યોગ્ય જ છે. જેથી તેમની સાર સંભાળ રાખી સારું ભણાવી ગણાવી બાળકોનું જીવન ઉન્નત બનાવી શકીએ.’’

એક નિરવ અંધારી રાતે આકાંક્ષાને મીસ કેરેજ થઇ ગયું. પરિક્રમે ઘણી કોશીશ કરી પણ ગામની હોસ્પીટલમાં યોગ્ય સાધન તેમજ દવાને અભાવે બાળકને બચાવી શક્યો નહિ, તેથી તેને અફસોસ ઘણો થયો કે, ‘‘આતો માત્ર મારા બાળકની જીંદગી ગઇ પણ સારવાર અર્થે આવતી સ્ત્રીઓનું શું?’’ તે બાળક પુત્ર હતો, તેથી આકાંક્ષા ઘણી દુઃખી થઇ પણ બીજા વર્ષે કુદરતે તેના પર મહેર કરી એક પુત્રી આપી. નાનો ઘરસંસાર બાળકના કિલકિલાટથી મધમધી ઊઠ્યો. બાળકનું રૂદન અને તેના કાલા-ઘેલા ચાળાથી બન્ને ખૂબ ખુશ થતાં.

એક દિવસ હાર્ટએટેકથી પરિક્રમનું અચાનક અવશાન થયું શોકની ગહરી કાલિમા ઘણા દિવસો સુધી ઘરમાં છાઇ રહી, કુદરત જ્યારે પોતાનો પંજો વીંઝે છે. ત્યારે ક્રુર રીતે માણસને ઝપટમાં લે છે. માણસ લાચાર રીતે તેને નિહાળી રહે છે. અનુત્તર એવી આકાંક્ષાએ ગ્લાનિ, એ કમનસીબીમાં માનસિક અને શારીરિક રાતે ભાંગી પડી હતી. પણ પુત્રી અંકિતાની જવાબદારી નિભાવવાની હતી. તેને ભણાવી ગણાવીને પરણાવવાની હતી. તેથી હિંમત રાખી ઉદાસીના વાદળને હટાવીને કટીબદ્ધ બની. આમેય જીવનનો સહારો અંકિતા હતી. આકાંક્ષા માતા પિતા એમ બેવડો પ્રેમ અદા કરતી. તેને ખૂબ જ વહાલ કરતી. સાંજે શાળાએથી આવી રસોઇપાણીથી પરવારી નાની અંકિતાને ભણાવતી. કાળના પ્રવાહ સાથે અંકિતા મોટી થતી ગઇ.

વર્ષાભીની એક સંધ્યાએ નિશાળેથી સ્કુટર પર મા દીકરી આવતા હતા, અને સામેથી પૂર ઝડપે આવતી મોટર રસ્તો ઓળંગતી ગાયને બચાવતાં સ્કુટર સાથે અથડાઇ પડી. તેમાં આકાંક્ષાને સહેજસાજ વાગ્યું પણ અંકિતા ઘવાઇ માથામાંથી લોહી વહી જવાથી બેભાન અંકિતાને તાબડતોબ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી ડોક્ટરે કહ્યું કે તેને લોહી આપવું પડશે અને તેના ગ્રુપનું લોહી હોસ્પીટલમાં નથી, આકાંક્ષાએ પોતાના લોહીનો ટેસ્ટ કરાવ્યો પણ તેના ગ્રુપનું લોહી ન હતું. તાત્કાલિક લોહી આપવું પડે તેમ હોવાથી આકાંક્ષા મૂંઝાઇ ગઇ, પણ હિંમત હારી નહીં. હોસ્પીટલમાં કામ કરતાં એક હરિજનનું લોહી કામ આવ્યું. આકાંક્ષાએ તેને પૈસા આપવા માંડ્યા પણ તે ન લેતાં એટલું જ બોલ્યો, કે ‘‘આજે મેં એક ધર્મનું કામ કર્યું એક હરિજનનું લોહી બ્રાહ્મણ બાળાને જીવતદાન દઇ શક્યું તે જ મારા માટે આનંદની અને સંતોષની વાત છે.’’

અંકિતાને પરણાવવાની ચિંતાએ તે પોતાના ફ્લેટ નિસર્ગમાં આંટા મારતી બેચેન હતી. વિચારતાં તેને પેલો હરિજન યાદ આવી ગયો તે જેણે થોડાં વર્ષો પહેલાં અંકિતાને ચેતનવંતી બનાવી હતી. આકાંક્ષા અવાર નવાર સામે મળતા હરિજનની ખબર અંતર પૂછતી. તેને એક પુત્ર હતો તેનું નામ પરિશ્રમ કે જે બી.એ.થઇ એક સરકારી ઓફિસમાં કામ કરતો હતો તેની સાથે અંકિતાનું સાદાઇથી હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરાવી સવારથી ઉઠતાં તે રાતે સૂતાં સુધીની ઘર વખરી ભેટમાં આપી ભારે હૈયે વિદાય કરી ઋણ મુક્ત બની.

સ્ત્રીનું શિરછત્ર જવાથી સમાજ તેની ટીકા ટીપ્પણ કરતો રહે છે. અને વધારામાં પુત્રીને હરિજન સાથે પરણાવી તેથી વળી સમાજની ટીકાનો વધુ ભોગ બની. બીજી બાજુ જીવનની એકલતા ડંખ દેતી તેથી તેને જીવવું અસહ્ય થઇ પડ્યું. ઘણીવાર વિચારના વમળમાં અટવાતી પણ સભાનપણે રહી મનુષ્યની કિંમતી જીંદગી હસ્તે મુખે પૂરી કરવામાં માનતી અને જીવતી.

શાળાના જર્જરીત મકાનને મરામત કરાવવા કોણ દાન આપે તેવી આચાર્યશ્રીની ચિંતાને આકાંક્ષાએ પોતાનું સર્વસ્વ આપી હલ કરી. થોડા જ વખતમાં સગવડતાવાળા ગ્રંથાલય સાથેનું સુંદર મકાન શાળા માટે તૈયાર થઇ ગયું. શાળાના ટ્રસ્ટે આકાંક્ષાના ભવ્ય બલિદાનનું ગૌરવ જાળવવા તેનું નામ શાળાના નામ સાથે જોડી એક ગરીબ વિદ્યાર્થીના પિતા પાસે ઉદ્‌ઘાટન વિધિ પતાવી સમાજમાં રહેલ ઉંચ નીચ, અમીર ગરીબના બંધનને તોડ્યું. સાથે સાથે આકાંક્ષા નોકરીમાંથી નિવૃત પણ થતી હતી.

ખુશીનો અને વિદાયનો એમ બેવડો ઉત્સવ ઉજવાઇ રહ્યો હતો. ત્યારે આકાંક્ષાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. તેના હૈયાના આનંદની કોઇ સીમા ન હતી છતાં તેનું પ્યાસુ મન ઉદાસીને સહારો શોધતા અંતર આકાશના ગહેરા ઊંડાણમાં ગરકાવ થએલ અંતરનો પ્રતિભાવ તેના સૂક્કા ફિક્કા રેખાંકિત ધીમેથી ફફડતા હોઠતા નીતરતા કારુણ્યમાં ભળાતો હતો.

અનુક્રમણિકા

૨ : સાચી કમાઇ

‘ધુમ્રપાન એ તંદુરસ્તીને હાનિકર્તા છે.’ તેવું ડોક્ટરો જાણતા હોવા છતાં તેનું ઉલ્લંઘન કરતા હોય છે. જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવા છતાં પણ ક્યારેક મનના ગુલામ બનતા હોય છે. મન પરનો સંયમ ગુમાવી બે ઘડી મોજ મજા માણવા ડોક્ટરો સિગારેટનો આશ્રય લેતા હોય છે.

એક બપોરે દર્દીઓ ન હોવાથી ધીમે ધીમે ફરતા પંખાની આહલાદક હવા નીચે પોતાના ક્લિનિકમાં ડૉ. વિરાગી સીગારેટની ધીમે ધીમે ચૂસકી લેતો ધુમ્રના વલયો રચતો શૂન્ય મને રિવોલ્વીંગ ચેરમાં આમ તેમ ઘુમતો બેઠો હતો. અનાયાસે વિરાગીની નજર ક્લિનિકના પગથિયાં ચઢતી એક સ્વરૂપવાન યુવતી પર પડી. ઘડીભર તેના શૂન્ય મનમાં વિચાર તરંગાવલિ ઊઠી અને શમી ગઇ. તંદુરસ્તી સાથે રૂપરંગનો સુંદર સમન્વય થયેલ હોવાથી તે યુવતીને એક નજરમાં નિહાળવાનું મન થાય તેવી સપ્રમાણ દેહયષ્ઠિ હતી. સાથે તેની અલ્લડતા, જાજરમાનતા રૂપગર્વિતાથી ઓપતી યુવતીની પ્રત્યેક હલન ચલન, મુખના ભાવ, મોહક મર્માળું સ્મિત, વેધક નજર સાથે શરીરના ઉત્તેજક ડોલનથી કોઇ પણ વ્યક્તિને મહાત કરવાની કે આકર્ષવાની ક્ષમતા ધરાવવી હતી ને રાગી હતી. તેને નિહાળવા જરૂર પુરુષનું મન લોભાઇ ઉઠે. વિરાગી ભલે ડોક્ટર રહ્યો પણ તે એક માનવી હતો. તેના મનમાં ઘણી ઇચ્છાઓનો ભંડાર ભરેલો હતો. તેને લૂંટવાનો જ બાકી હતો. પ્રત્યેક જાગેલી ઇચ્છાઓ તાત્કાલિક ફળતી નથી. તે ઇચ્છાઓ પોષવા પુરુષાર્થ કરવો પડે છે. અને સમય આવે તે આપોઆપ પોષાઇ ફળતી હોય છે. ડૉ. વિરાગી ખુશ થતો આવતી રાગીને આતુરતાથી પ્રશ્નાર્થ મને નિહાળી રહ્યો.

મંઝુલ સ્વરે બોલી ‘ડૉ. સાહેબ, આપ મારા ઘરે આવી શકશો? મારી મા ખૂબ જ બિમાર છે. આપની જે કાંઇ ફી હશે તે ચૂકવીશ.’ આવી સુંદર યુવતીનો પરિચય કેળવવો કયો પુરુષ ના પાડે? એક જ નજરમાં તે યુવતી વિરાગીના મનના આયનામાં પ્રતિબિંબાઇ ગઇ. ઘણી વ્યક્તિઓ એકબીજાનો પરિચય કરે છે પણ ડોક્ટરો બીજી વ્યક્તિઓ કરતાં જુદા જ વ્યક્તિત્વ તેમજ કામધંધાના હોવાથી કોઇપણ વ્યક્તિનો પરિચય સહેજમાં કેળવી શકે છે. વિરાગીના મુખેથી એકદમ હા નીકળી ગઇ, ચાલો ‘તમારી સાથે આવવા તૈયાર છું.’ સ્ટેથોસ્કોપ સાથે પોતાની બેગ તૈયાર કરી ક્લિનિકનાં પગથિયાં બન્ને સાથે ઉતર્યા.

પોતાની કારમાં ડ્રાઇવીંગની જગ્યાએ વિરાગીએ બેઠક લીધી. બાજુનું બારણું ખોલી રાગીએ વિરાગીની ખૂબ જ નિકટ બેઠક લીધી. પ્રસાધન કર્યું હોવાથી પરફ્યુમની માદક સુવાસ વિરાગીના નાક, દિમાગ અને દિલને સ્પર્શી ગઇ. તેના સૌન્દર્ય પર મુગ્ધ હતો જ. કાર ચલાવતાં ક્યારેક નજર નાખી લેતો. મૌન જ થઇ ગયો હતો. પોતાનું ઘર આવતા કાર અહીંજ રોકજો. રાગીનો મધુર અવાજ વિરાગીના કાનમાં ગૂંજતાં શૂન્યમનસ્કપણે એકદમ આંચકા સાથે કાર થોભાવતા રાગીનો હળવો સ્પર્શ થતાં વિરાગી રોમાંચી ઊઠ્યો. તેણે મનોમન મક્કી કર્યું જો આ યુવતી સાથે પરિચય વધે તો પછી જરૂર તેની સાથે લગ્ન કરું. કોણ છે? કોની છોકરી છે? શું કરે છે? વગેરેની પડપૂછમાં તે પડવા માગતો ન હતો. ભણતરની સાથે વિચારસરણીમાં જરૂર ફેર પડે જ. તે નાતજાતમાં માનતો ન હતો. આધુનિક વિચારસરણી ધરાવતો પણ સાથે સંસ્કારિતા તો ખરી જ.

ડૉ. વિરાગીએ દર્દીને સારી રીતે તપાસી ઇંજેક્શન વગેરે આપી. દવાનું પ્રીસ્ક્રીપશન લખી રાગીને આપ્યું. બજારમાંથી દવાઓ લાવવાનું તેમ જ દર્દીની સારી સંભાળ રાખવાની સલાહ સૂચન આપી દર્દીની તબિયત જરૂર સુધરી જશે તેવા આશ્વાસનના બે મીઠા બોલ બોલી બેગ બંધ કરી જવાની તૈયારી કરતો હતો ત્યાં જ તેની નજર દિવાલ પર લટકતી બે ત્રણ તસ્વીરો પર પડી. દર્દી જે કમરામાં હતી તે ઠીક ઠીક રાચ રચીલાથી સજાવેલો લાગ્યો. જગ્યાને અભાવે દર્દીને તે કમરામાં રાખવામાં આવી હતી. તે કમરાની સરફેસ પર લાલ કારપેટ બિછાવેલી હતા તેથી કમરાની ભવ્યતામાં વધારો થતો હતો. વિરાગીની નજર પાછી ફરી ફરીને તસ્વીરો પર પડતી હતી ને આશ્ચર્યમાં ગરકાવ બની જતો. સારા કુટુંબની યુવતીના મકાનમાં આવી અર્ધનગ્ન સ્ત્રીની તસ્વીરો ક્યાંથી કે જે અંગભંગી અંગડાઇમાં પુરુષ કામાવેશમાં આવ્યા વગર રહે જ નહિ. ઘડીભર તસ્વીરો નિહાળ્યા પછી યુવતીને પ્રશ્ન કર્યો તમારા માતા પિતા, ભાઇ બહેન વગેરે શું કરે છે? તેઓ અત્યારે ક્યાં છે વગેરે પ્રશ્નોના ઝડી વરસતાં રાગી ઘડીભર ચૂપ રહી. શું બોલવું તેની મનમાં ગડભાંજ થતી આખરે સત્ય બોલવાનો નિશ્ચય કરી કહ્યું, ‘હું આ શહેરની આગળ પડતી વેશ્યાઓમાંની એક છું અને વેશ્યાનો ધંધો કરું છું શું કરું, નાનપણમાં મારા પિતા તેમ જ એક ભાઇ હતો તે ગરીબાઇને લીધે સારી સારવાર ન થતાં ગુજરી જવાથી મારી માને મારા સિવાય બીજો કોઇ સહારો ન હતો. તે વખતે હું ઘણી નાની હતી મારી માએ લોકનાં કામો કરી, તન તોડી, પૈસા રળી મને મોટી કરી, ભણાવી ગણાવી. નોકરી આપવા લોકો મારા કદમ ચૂમતા પણ એક પુરુષનો એવો શિકાર બની, જેનાથી ના છૂટકે વેશ્યા જીવન ગુજારવું પડે છે! રાગીએ વક્તવ્ય પૂરું કરી પર્સ ખોલી ધાર્યાં કરતાં વધારે ફીના પૈસા આપવા ડૉ. વિરાગી સામે હાથ લંબાવ્યો. વેશ્યા શબ્દ વિરાગીના કાને પડતાં જ તે કાળઝાળ થઇ તમતમી ઊઠ્યો. વિરાગી સંસ્કારમાં પલ્યો હોવાથી તેનો માંહ્યલો જાગ્રત થતાં ખૂબ જ સ્વાભાવિક રીતે પૈસા લેવા ધરાર ના પાડી તેની જે ફી થતી તેનાથી તે પૈસા વધારે આપતી હોવાથી અને તે પણ અનીતિની કમાઇ હોવાથી ‘મને આ પૈસા ન ખપે!’

પૈસાની નોટો હાથમાં રાખી રાગી બોલી. ‘ડોક્ટર સાહેબ નોટો તો સુંદર છે. તેના પર ડાઘ, ખરાબી કે ફાટેલી નથી. તેના પર નીતિ અનીતિનું ક્યાંય લખાણ છે? આવો ભેદભાવ શા માટે? ભેદભાવ તો આપણા સમાજે પાડ્યો છે. તમે ડોક્ટર થયા તેથી તમે શરીરની અંદરની અને બહારની ખરાબીને દવાદારૂ, મલમપટા કરી, દુઃખ, દર્દ, યાતનામાં પીડાતા માનવીની સારવાર કરી કમાઇ કરો છો. હું વેશ્યા બની, તરસતા પામર માનવીને મારું ફુલ ગુલાબી બદન સોંપી, બે ઘડી ખુશ કરવા, વેચાઇ, કમાઇ કરું છું. જેવો જેનો ધંધો તેવી તેની કમાઇ.

ડૉ. વિરાગી ખૂબ જ સ્વસ્થ અને આત્માના અવાજ પ્રમાણે રાગીને સમજાવે છે. લક્ષ્મી તો ચંચળ છે તે એક ઘેર રહેતી જ નથી. તે તો ફરતી ફરે છે. આજે તારી પાસે છે તે જ પૈસા કાલે બીજાની પાસે એક યા બીજી રીતે તેની લેવડ દેવડ થતી જ રહે છે. પણ તેમાં જેણે ખરો પરસેવો પાડી મહેનત મજૂરી કરી પૈસા મેળવ્યા હશે તે સાચી કમાઇ કે જે નીતિની કમાણી કરી કહેવાય તે કમાઇથી પોતે પોતાના કુટુંબ કબીલા સાથે સુખી થઇ સંતોષથી અને આનંદથી જીવન પસાર કરે છે પણ એ જ પૈસો કોઇ તારા જેવી વેશ્યાને આપે છે અગર તો પૈસાને કોઇ ચોરી લે છે ત્યારે તે અનીતિની કમાણી બની જાય છે. તે લક્ષ્મી શાશ્વત રહેતી નથી તે ક્યાકને ક્યાંક વપરાઇ જાય છે અને અંતે તેનું જીવન ખૂબ જ દુઃખમય બની જાય છે ત્યારે તેને જીવવું મુશ્કેલ બને છે. અનીતિના પૈસામાં આનંદ પ્રમોદ રંગ રાગને ભોગ વિલાસ જ હોય છે. જેવું ધન એવું અન્ન અને અન્ન તેવું મન બને છે. તે જ પૈસા જેના હાથમાં જાય તે પૈસાના પ્રભાવથી તે વ્યક્તિ જરૂર મુશ્કેલીમાં મુકાઇ હેરાન પરેશાન થઇ જાય છે. જ્યારે નીતિની કમાણી ઝગમગતી, ચમકતી હોય છે. જેનો ચમકાટ વર્ષો સુધી ઝબકતો રહે. વચમાં અટક્યા વગર ડૉ. વિરાગી કડકડાટ બોલી ગયો. એના એકેએક શબ્દમાં ધર્મ, નીતિ ને ઉમદા નિષ્ઠા નીતરતી હતી. ‘જ્યારે તારી સાચી કમાઇના પૈસા મેળવે ત્યારે મને આપજે’ કહેતા ડૉ. વિરાગી, રાગીનું ઘર ઝડપથી છોડી પોતાના ક્લિનિકમાં આવ્યો. તેનું મન વિચારના વમળમાં ઘુમરાવે ચડ્યું. કેટલી સુંદર અને નમણી યુવતીને આવો ધંધો કરવો પડે છે તે વાત પર તેને દયા આવી. તેના પ્રત્યે હમદર્દી જાગી પણ તેને સીધે સસ્તે ચઢાવવા લાચાર હતો. એકવાર રાગી પર નફરત તો આવી ગઇ પણ મન મનાવી પોતાના કામમાં પરોવાયો.

પાપ કમાઇ લેવાની વિરાગીએ ના પાડતા રાગીએ એક સખત આંચકો અનુભવ્યો કે જે તેના જીવનમાં એક એવો પહેલો પુરુષ પ્રવેશ પામતો હતો. ડૉ. વિરાગીનું આછું પાતળું ધર્મ, કર્મ, તત્વજ્ઞાન તેના હૃદયમાં ઉંડે સુધી ઉતરી ગયું. વિરાગીના ઉંચા વિચારોને વાગોળતી ઘણા મનોમંથનને અંતે ઉભી થઇ બજારમાંથી દવા લાવી માની સારવારમાં પરોવાઇ ગઇ માએ આજદિન સુધી પોતાનું તનતોડી કાળી મજૂરી કરી સ્વમાનભેર સાચી કમાણી કરી પોતાને મોટી કરી, ભણાવી ગણાવી હતી તેનું તેને ચોક્કસ રીતે ભાન થયું પણ તે લાચાર હતી. સમાજમાં સ્વરૂપવાન યુવતીને કયું કામ મળે કે જેનાથી સાચી કમાણી થઇ શકે? સુદ્રઢ બાંધાનો, તેજસ્વી આંખોવાળો, ચમકતા વાળ વાળો અને નોખા વ્યક્તિત્વથી શોભતો વિરાગી તેના દિલમાં વસી ગયો. પણ પોતે એક વેશ્યા હતી તે ખ્યાલે ઘૂમરાતા વિચારને તિલાંજલી આપી સાચી કમાણી કરવાના ધંધાના વિચારમાં પડી સામેથી પોતે શા માટે ડૉ. વિરાગી પાસે નોકરી માટે ન જાય? મનમાં પ્રશ્નાર્થ ઉભો થઇ રહ્યો.

થોડા દિવસ પછી માને હવે સારૂં છે તેવા બહાને ડૉ. વિરાગીના ક્લિનિકે પહોંચી. ડૉ. વિરાગીને એમ કે તે ફરી તેની માની સારવાર અર્થે આવી છે. તેથી તેના ઘેર જવાની ના પાડતા કહ્યું કે દર્દીને અહીં લઇ આવ. હું અહીં જ તપાસીને યોગ્ય દવા આપીશ. પણ રાગીએ ખુલાસો કરતાં કહ્યું કે ‘હું મારી માની સારવાર અર્થે આપને લેવા આવી નથી. માને હવે સારૂં છે. પણ જો આપ ક્યાંક નોકરી મેળવી આપે તો સાચી કમાણીએ જીવન નિભાવવું છે. અગર જો આપના ક્લિનિકમાં કોઇપણ કામ અર્થે મને રાખી સહારો કરો હું તે કરવા તૈયાર છું. વૈશ્યાનો ધંધો છોડીને સાચા દિલથી વિચારી આપની પાસે આવી છું, નિરાશ ન કરતા.’

એક સ્ત્રીના હૃદયનું સાચા પશ્ચાતાપથી પરિવર્તન થતું હોય તો પોતે શા માટે તરછોડે? થોડોક ભોગ આપીને જીવનનો સાચો રાહ ચીંધવામાં તેને શાણપણ લાગ્યું. રાગીનું સમગ્ર નર્કતા ભરેલ જીવન કેમ સ્વર્ગમય ન બનાવી શકાય? તેના ક્લિનિકમાં કોઇ એવા કામ માટે માણસની જરૂર પડે તેમ ન હતી. છતાં ડૉ. વિરાગીએ રાગીને પોતાના ક્લિનિકમાં રાખી લીધી. એક ધર્મનું કામ પોતે કર્યું હોવાથી વિરાગીને આત્મસંતોષ થયો. રાગીના પહેલા પગારની સાચી કમાઇમાંથી પોતાની ફીના પૈસા લઇ રાગી, વિરાગી બન્ને ગૌરવ અનુભવતાં આનંદમાં ગરકાવ થઇ ગયા.

સાચી નિષ્ઠા, ધગશ અને ઉત્સાહને લઇને રાગી દવાખાનાનું દરેક કામ શીખી ગઇ. પછી તો તેણે નર્સનો કોર્ષ કરી સાચી નર્સ બની, ડૉ. વિરાગીના ક્લિનિકમાં દયા અને મમતાની દેવી બની દર્દીઓના દુઃખમાં સહાય કરતી હરવા ફરવા લાગી. ક્લિનિકના અનેક કામો અંગે બન્ને ને નિત્ય નિકટ આવવાનું થતું અને એ નિકટતાથી બન્ને મરજીવા થઇ પ્રેમના મોતી વિણવા ડૂબકી મારવા લાગ્યા. એક દિવસ વિશાળ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં ખૂબ જ સાદગીથી લગ્ન ગ્રંથીથી જોડાયા. બન્નેની મહેચ્છાઓ પાર પડતાં તેમના આનંદ અવધિની માઝા માતી ન્હોતી. સમારંભમાં આવેલ વ્યક્તિોઓ સમાજમાં દાખલો બેસાડે તેવા નાતજાતના બંધનને તોડતા લગ્નને બીરદાવતા છુટા પડી પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા.

અનુક્રમણિકા

૩ : પ્રાયશ્ચિત

ચકલીનું નાનું સરીખડું બચ્ચું ઝાડની નાની ડાળખીએ બેસીને આનંદ કલશોર ચીં ચીં કરી, કરી રહ્યું છે. આછા ઝુલણની મજા માણી રહ્યું છે. ચકલી વારંવાર ચાંચમાં ચણ લાવી બચ્ચાને ખવડાવી રહી છે. બચ્ચું ખુશખુશાલ બની ઝૂલી રહ્યું છે. તેને કોઇ ચિંતા કે ફિકર નથી. બચ્ચું મોટું થતાં માં તો ઉડી જશે. ચકલીને બચ્ચાં પાસેથી કંઇ મેળવવાની અપેક્ષા હોતી નથી છતાં વહાલથી તેની સાર સંભાળ લેતી રહેતી હોય છે.

દુનિયાનું કોઇ પણ પ્રાણી પોતાના બચ્ચાંને વહાલ કરતાં તેની પ્રગતિની ચિંતા હંમેશ કરતું હોય છે. પોતે ભૂખે રહીને પણ બચ્ચાંનું ભરણ પોષણ કરતા રહે છે. તેની પ્રગતિ માટે મા બાપ બધું કરી છૂટવા પ્રયત્ન કરતા હોય છે. બાળકની કાલી ઘેલી, બોલી ચાલીથી, મા બાપના હૈયા અપાર આનંદની છોળથી ઝુમી ઉઠતાં હોય છે. દુનિયાનો સર્વોત્તમ આનંદ પોતાના બચ્ચાને સુખી જોઇ મા બાપ પામતાં હોય છે અને સાથે અપેક્ષા પણ રાખતાં હોય છે કે તેઓ મોટા થઇને પોતાની સેવા ચાકરી કરશે.

ચકલી પોતાના બચ્ચાને કેવું મીઠું વહાલ કરતી આનંદ પામતી ફરક ફરક ઉડી રહી છે. તે દ્રશ્ય નિહાળતાં શિશિરના કૂણા હૈયામાંથી નિસાસો, ઉચ્છવાસ દ્વારા વારંવાર બહાર નીકળી પડતો રહે છે. દ્રશ્ય વારંવાર નિહાળતો રહે છે. ઉની ઉની આહ નીકળતી રહે છે. વિચારના વલયમાં અટવાતો રહે છે. પોતાના નિર્દોષ બાળકોની યાદ આવી ગઇ. કેવી સુંદર અને વહાલ ઉપજે તેવી કાલી કાલી, મીઠી મીઠી બોલી બોલતાં, તે સાંભળવાનું મન થાય તે બધું, ચિત્રપટની માફક તાદ્રશ્ય થઇ ઉઠે છે પણ તે આજે લાચાર છે. પાંગળો છે. બાળકો સાથે હસી, ખેલી, કૂદી, આનંદી શકે તેમ નથી. હૈયાના અકથ્ય ઉમળકાને વ્યક્ત કરવા બાળકને વહાલથી ચૂમી ભરવા કે તેમને માથે, ડીલે વહાલથી હાથ ફેરવી સંતોષ સાથે સુખાનંદ મેળવી શકે તેમ નથી. તે વાતે શિશિરના હૈયામાં ભભૂકતો લાવા ખદખદતો રહેતો. તે વિચારતો કે ક્યા પાપની સજા ભોગવી રહ્યો છે. આ જન્મારામાં કોઇ એવું પોતાને હાથે પાપ થયું હોય તેવું સાંભરતું ન હતું તો પછી આ દશા શાથી? આ દશા કરતાં કોઇ ગુનો કરી જેલમાં સબડવું સારું. સ્વજન હોવા છતાં તે પરાયો બન્યો હતો. જીંદગી મારે આમ જ વિતાવવી રહી? મનોમંથનના વલણોમાં વલોવાઇ જતો હતો. હા, તેના અંતરમાં ઇશ્વર પ્રત્યે કંઇક આસ્થા, શ્રદ્ધાનો દીપક ટમટમી રહ્યો હતો. તે વિચારતો કે આ મંદિર, આ ધર્મશાળા ન હોત તો હું ક્યાં જાત? ઇશ્વર મને જરૂર સહાય કરશે. મંદિરના પગથિયાં નીચે બીજા ભીખ માગનારાઓથી જરા દૂર બેસતો. મંદિરમાં આવતા જતાં ધર્મનિષ્ઠ માણસો દાન દક્ષિણા દેતા તેમાંથી તે પોતાનો ગુજારો કરતો. શિશિરને રક્તપિત્ત થયો હતો. શહેરની હોસ્પીટલમાં તે વારંવાર સારવાર અર્થે જતો. તેના હાથ પગના અડધા ઉપરના પંજા સાવ સડીને કહોવાઇ ગયા હતા. તેમાંથી દુર્ગંધવાળી રસી નીકળતી. હોસ્પીટલમાં તે આવતો. સારવાર લેતો પણ રોગ યારી આપતો નહિ. હાથ પગના ખરી પડેલા પંજા પર કપડાના ગંદા ગાભા વીંટળાયેલા રાખતો. ક્યારેક તે મહિનાઓ સુધી હોસ્પીટલમાં સારવાર અર્થે રહેતો. પણ નવાનવા આવતા દર્દીઓની ભયાનક ચીસોથી તે ભાંગી પડતો તેમના ખવાતા હાથ પગના જખમમાં ખદખદતા કીડા, લોહી, પરૂ અને મૂંગી વેદના પ્રગટાવતાં આંસું ... !!! તેનાથી સહન થતું નહિ તે મૃત્યુંની પ્રતિક્ષા કરતો. મારા છેલ્લા દિવસો શાંતિથી સુખમય કેવી રીતે વિતશે. કોઇનો સ્નેહ સ્પર્શ પામવાનો અને કોઇને સ્પર્શ કરવાનું નહિ! કેવું વિચિત્ર!!!

આ સંજોગોમાં માનવી શું ન વિચારે ? તે વિચારતો કે જિંદગીભર સાથે રહેવા અગ્નિદેવની સાક્ષીએ વચનબદ્ધ થયેલ શ્યામલીએ છેહ દીધો. કાચા તંતુની માફક સ્નેહના રેશમ દોરીને કાપી નાખી. જીંદગીના લીલીછમ વનરાજીને વેરાન, સુકી અને એકલવાયી બનાવી દીધી.

સાંજે શિશિર બેંકમાંથી છૂટીને ઘેર આવતો ત્યારે શ્યામલી સ્નેહસુગંધની ફોરમ કેવી ચોમેર વરસાવતી અને જીંદગી માણવાની અને જીવવાની કેવી ખુશી ઉપજતી. બાળકો કેવું મીઠું વહાસ વરસાવતાં તેમના ક્લક્લાટથી આનંદની રજકણો વેરાઇ જતી. બાળકોને કેવા વહાલથી હાથ ફેરવતો હતો. એક દિવસ શિશિર વહાલથી હાથ ફેરવતો હતો. અચાનક શ્યામલીની નજર શિશિરના ટેરવાં પર ગઇ તેમાંથી સહેજ સહેજ પાણી ઝમતું હતું. શ્યામલીએ હાથ હાથમાં લીધા અને સહેજ દબાવી જોયા શિશિર ચીસ પાડી ઊઠ્યો; બંન્ને ડોક્ટર પાસે ગયાં. ડોક્ટરે અભિપ્રાય આપ્યો આ રક્તપિત્ત રોગની શરૂઆત છે; દવા બરાબર કરાવશો તો જરૂર મટી જશે. કાળજી રાખશો નહિ તો આંગળાં ખરી જશે અને થયું પણ એમ જ તેની બેકાળજીથી રોગ વધી ગયો અને આખરે શિશિરને બેંકની નોકરી છોડવી પડી. તેની આવક બંધ ન થાય તે માટે બેંકના મેનેજર શ્વેતાંગે શિશિરની પત્ની શ્યામલીને બેંકમાં કારકુનની જગ્યાએ રાખી લીધી.

રોગને કાબુમાં લેવા, સારવાર અર્થે શિશિરને હોસ્પીટલમાં જ રહેવાની ફરજ પડી. દિવસ મહિના વિતતા ગયા. શરૂમાં શ્યામલી શિશિરની પૂરેપૂરી કાળજી રાખતી પણ પછી કોઇક જ વખતે તેની ખબર કાઢવા આવતી સલાહ સૂચન કરતી કે હવે તને સંપૂર્ણ મટી જશે ત્યારે જ ઘેર લઇ જઇશ. હું નોકરી પર હોઉં બાળકો નિશાળે હોય તેથી ઘેર તારી બરાબર સારવાર થાય નહિ. શ્યામલીના સ્નેહમાં શિશિરને ઉણપ લાગતી. ઉષ્માળી લાગણીને સ્થાને તિરસ્કૃતભર્યું વર્તન લાગતું. ક્યારેક શિશિર શ્યામલીને કહેતો બાળકોને કેમ લાવતી નથી? બાળકોને મળે ઘણો વખત થયો. શું કરે છે? બરાબર ભણે છે કે નહિ? શ્યામલી છાસીયું કરીને કહેતી તારે શું કામ છે બાળકોનું? તું તારું સંભાળને ! હું ચિંતા કરવાવાળી બેઠી છું. તારો રોગ ચેપી છે એકવાર બાળકોને અહીં લાવું તો તેઓ તમને જોવા મળવા વારંવાર આવવાની જીદ લે, ન કરે નારાયણ ને રોગ બાળકોને લાગુ પડે તો ના ... બાબા ... ના ... બાળકોને તો લવાય જ નહિં...! શ્યામલીના લાગણીવિહિન અને ધૃણાયુક્ત વર્તનથી શિશિરને આઘાત લાગતો. ચૂપચાપ બિચારો સાંભળી એક લાંબો નિસાસો નાખી રહેતો.

રોગ વ્યક્તિને ખરેખર અસહાય અવસ્થામાં ધકેલી દે છે, મુકી દે છે. ક્યારેક રોગની સારવાર અર્થે કાબૂ બહારના ખર્ચથી ઘરની જવાબદારી વ્યક્તિ ચિડાતી, રોશે ભરાતી હોય છે તેને કાબૂમાં લેવા અનેક રીતે પ્રયત્ન કરતી સાથે સાથે સ્વજનના ઉદ્ધતાઇભર્યા વર્તન અને વર્તાવ રોગી સાથે કરવામાં આવતાં હોય છે. રોગી પ્રત્યે બેદરકારી રાખતા હોય છે ત્યારે રોગી જીંદગીથી ત્રાસી જાય છે. જીવન નિરસ કસ વગરનું બની જાય છે. જીંદગી પ્રત્યે ઉદાસી આવી જાય છે. જીવન ઝેર સમાન લાગે છે. ત્યારે જ માનવીનું જીવન કસોટીને એરણે ચઢે છે. રોગી માનવીને વિનય અને વિવેકથી કુટુંબીજનો સાથે વર્તવાની ફરજ પડે છે.

એક દિવસ શ્યામલી બેંકના મેનેજર શ્વેતાંગને લઇ શિશિરની ખબર જોવા આવી. સામાન્ય ખબર અંતર વાતચીત કરી શ્યામલી તરત ચાલી ગઇ. તેઓના વર્તન પરથી શિશિરને લાગ્યું કે જરૂર શ્યામલી શ્વેતાંગને ચાહે છે તેના તરફ ઢળી ગઇ છે તેથી જ આજે આમ બન્યું. તેઓ ક્યાંક હોટેલમાં નાસ્તા પણ કરવા ચાલ્યા ગયા હશે. શાંત જળમાં કાંકરી પડે ને જળ કેવું ડહોળાઇ જાય તેમ શિશિરનું જીવનજળ ડહોળાઇ ગયું લાગ્યું. શ્વેતાંગે તેની જીંદગી છિન્ન-ભિન્ન કરી નાખી. શ્વેતાંગ તો બે બાળકોનો પિતા છે. શ્યામલીને ખૂંચવી લઇ મારા સંસારમાં આગ આંપી. મારી સ્નેહાળ પત્ની શ્યામલીને ભરમાળી ગયો. શ્યામલી પણ કેવી ભરમાઇ ગઇ તેની દુરજનો તેને ભાન ન રહ્યું કેવી બેવફા પત્ની ! ક્યારેક શિશિર જીવનના પ્રસંગો ભૂલવા પ્રયત્ન કરતો પણ સ્પ્રીંગની માફક ઉછળીને સ્મરણપટ પર પ્રશ્નાર્થ થઇ ખડા થતા.

હોસ્પિટલને કાંઇ પણ જાણ કર્યા વગર શિશિર ચાલી નીકળ્યો. એક ઇશ્વરના આશરે શહેરથી એક દૂર મંદિર હતું. લૂલાં બોબડા બેરાં બોબડા ભિખારીઓને રહેવા માટે એક ધર્માત્માએ મંદિરની બાજુમાં થોડે દૂર એક ધર્મશાળા જેવું બાંધ્યું હતું. દિવસભરની રખડપટ્ટા કરી ભીખ માગી, ગરીબ ગુરખાંઓ ત્યાં આવી જીવન જીવવાનો શ્વાસ લેતા. વિસામો કરતા. તેઓમાં શિશિર પણ હતો. શિશિર ગરીબ ગુરખાને દુઃખ દર્દમાં, યાતના પીડામાં કેવી ધીરજથી જીવન ગુજારવું તેની સલાહ સૂચન આપતો. આપણી વેદના, પીડા, આક્રોશતા ભલે અભિષાપ હોય પણ જેમાં જરૂર તેનો કાંઇક સંકેત હશે જ. તેથી જીવન જીવવાની હામ કેળવવી જોઇએ.

ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આકાશ ચોમેર કાળાંડીબાંગ વાદળોથી ઘેરાયેલું છે. વીજળીના તેજ લીસોટા ચમકારા મારી રહ્યા છે. રાત્રી વહી રહી છે ત્યાં ધર્મશાળામાં માત્ર શિશિર જ વિચાર ઝંઝાવાતના ઝોલે ચડે છે... નાના શાલિનને શરદી તો નહીં થઇ ગઇ હોય ને? હાય ! હું કેવો કમનસીબ! કે બાપ બન્યો છતાં બાળકોને પ્યાર કેવો?હું જ્યારે ઓફિસે જતો ત્યારે શાલિન કેવો જીદે ભરાતો. તે કહેતો પપ્પા મને પણ ઓફિસે લઇ જાવ ને. ત્યારે તેને હું કાલાવાલા કરતો. જો બેટા ત્યાં તારાથી ન અવાય મોટા સાહેબ છે ને તે વઢે, ત્યાં તો મોટા મોટા સાહેબો છે. તું તો નાનો છે. તારે તો નિશાળે જવાનું ત્યાં તને નાસ્તો, રમકડાં મળશે. નિસરણીએ લપસણી ખાવાની મળશે. નિશાળમાં ખૂબ મજા પડે. તારા માટે ચોકલેટ લાવીશ. આપણે કામ કરીએ તો પૈસા મળે. પૈસાથી ચોકલેટ આવે અને ચોકલેટ મારા બેટાને ખૂબ ભાવે ખરું ને? મારો બેટો બહું ડાહ્યો છે તેને માંડ સમજાવી, પટાવી ઓફિસે જતો. શાલિન માંદો પડતો ત્યારે પોતે કેવો ખડા પગે રાત દિવસ સારવાર કરતો. કેવો વહાલો લાગે તેવો છે. કોમળ લાગણીની વર્ષોથી સ્મરણો ભીંજાતા રહે છે. તેને મનુષ્ય ક્યારેક વાગોળતો રહે છે. નાના બાળકના સાન્નિધ્યમાં માનવી પોતાની માટાઇ પળ બે પળ વિસરી જઇ આનંદ સમાધિમાં ગરકાવ થઇ જાય છે. શ્યામલી જાણે તેની સન્મુખ ઉભી ન હોય તેમ શિશિર તેને પૂછે છે, ‘શ્યામલી, શાલિન ક્યાં છે. તેને લાવી નહિ, તું એકલી કેમ આવી બોલ ને? મૂંગી કેમ છે? હોઠ ફફડાવ્યા વગર શિશિર લળી ઉઠે છે. સ્વપ્નની સફરે નિકળી પડ્યો હોય છે. એનું મન ગમના ઘૂંટડા પચાવતું રહે છે. દિવસે દિવસે કમજોર બનતો જાય છે. બિમારીમાં અને આઘાત પ્રત્યાઘાતોના સ્મરણમાં ક્યારેક તેનું હૈયું ધબકતું બંધ થઇ ગયું હોય તેમ લાગે છે. તેને ચેન પડતું નહિ, અકળાતો મૂંઝાતો, તેને જીંદગી જીવવાની વિમાસણ વધતી જતી.

ઓફિસેથી છૂટતાં શ્યામલીએ શ્વેતાંગને આવતી કાલે પિક્ચરના પ્રોગામની વાત કરી. ‘તું કહે અને હું ના પાડું ખરો શ્યામલી ! તારી સાથે ખૂબ મજા આવે છે. ચોક્કસ પિક્ચર પ્રોગ્રામ કરો. પ્રોમીસ આપું છું. શ્વેતાંગ બોલ્યો. બંને અવાર નવાર પ્રોગ્રામ ઘડતા અને હસી ખૂશી, મોજ મજા માણતા. બીજે દિવસે ઓફિસે આવતાં શ્યામલી પિક્ચરની બે ટિકિટ બુક કરાવતી આવી. ઓફિસેથી બન્ને વહેલાં છૂટ્યાં. શ્યામલી લળી. આજે પિક્ચરમાં કેવી મજા આવશે! ‘શ્યામલી મારે આજે ખાસ કામ હેવાથી હું તારી સાથે આવી શકું તેમ નથી સોરી! ના શ્વેતાંગ મેં કેવી હોંશ અને ઉમંગથી પ્રોગ્રામ ઘડ્યો છે. કાલે તેં ખુશીથી હા પાડી હતી ને આજે શું થઇ ગયું? ખૂબ રકજકને અંતે શ્વેતાંગને કહેવું પડ્યું ‘આજે મારી પત્નીએ પણ પિક્ચરનો પ્રોગ્રામ ઘડ્યો છે તે સીધી થીએટર પર જશે.મને અહીંથી ત્યાં સીધા જવાનું કહ્યું છે. તેને નારાજ કરાય તેમ નથી. આપણે ફરી કાલે જઇશું,’ ‘શ્વેતાંગ તેં મારા પ્રેમની આટલી જ કિંમત આંકી, શિશિરને છોડી તને ખરા હૃદયથી ચાહું છું.’ ‘ના...ના... શ્યામલી એવું નથી હું તને ખૂબ પ્રેમ કરું છું. પણ આજે મારી પત્ની સાથે ન જાઉં તો તે નારાજ થાય અને નાહકનો ઘરમાં ઝઘડો ઊભો થાય, મને માફ કરી દે શ્યામલી.’ કહેતો શ્વેતાંગ રીક્ષા પકડી ચાલતો થયો આ બનાવે શ્યામલીને ખૂબ લાગી આવ્યું. તે બબડવા માંડી પરાયો પુરુષ કદી પોતાનો થયો છે ખરો? પોતાને પતિ જ વફાદાર રહી શકે છે ભલે ગમે તેવો હોય. પરણેલો પુરૂષ બીજી સ્ત્રીને પ્રેમ કરવાનું માત્ર નાટક કરે છે. તેઓને અમન ચમન અને ભોગ વિલાસ માણવા હોય છે તે માટે જ તે અધિરા હોય છે ને પ્રયત્ન કરતા રહે છે વાસ્તવમાં પ્રેમના માત્ર બણગાં જ ફૂંકતા હોય છે. હવે શ્યામલીને પ્રેમના તત્વજ્ઞાનમાં કંઇક સમજ આવી અને શિશિર સાથેના મીઠા સંસ્મરણો આળસ મરડી બેઠા થયા ...!!! શિશિર કેવો સાલસ, માયાળુ, લાગણીશીલ અને વફાદાર પુરૂષ, કેવો શાંત અને સહિષ્ણુતા, પ્રેમની પ્રસન્નતાને મહેંકાવતો ... ! પણ તે હવે હોસ્પિટલમાં નથી તે ક્યાં ગયો? તેની કેવી રીતે ભાળ કાઢવી? તેને ક્યાં શોધવો? કેવો મહાન ત્યાગી, પોતાના પ્રેમની કુરબાની આપી પોતે કેવો ભટકતો ફરતો હશે. શિશિરને પોતાના શ્વેતાંગ સાથેના સંબંધની જાણ થઇ હશે અને વચ્ચેથી ખસી જવા ક્યાંક ચાલી નીકળ્યો. હાય ! હાય ! તેને ક્યાં ગોતીશ? તે શું કરતો હશે? તેના હાલ હવાલ કેવા હશેં? તેના હાથ પગ તો ખવાઇ ગયા છે. બિચારો ક્યાં અથડાતો, કુટાતો હશે? કે પછી આ સ્વાર્થી દુનિયા છોડી ચાલી નીકળ્યો હશે. તેવી અમંગળ શંકાથી શ્યામલી ખરેખર ભાંગી ગઇ. શ્યામલીને વાસ્તવિક જીવન જીવવાનું અને બાળકોને બરાબર ભણાવી, સંસ્કારીક બનાવવાની મોટી જવાબદારી સાથે ફરજનું ભાન થયું.

મેં શિશિર સાથે કદમ મિલાવી ચાલવાની કોશિશ કરી હોત તો આમ બન્નેના જીવતર ચણતર અકારણ, અકાળે તૂટી પડ્યા ન હોત! હવે શ્યામલીને શિશિર વગરનું જીવન ખારું લાગ્યું. એકલવાયું જીવન કેમ જીવાશે? માથે બાળકોની મોટી જવાબદારી છે. આ જીવન બોજ કેમ સહ્યો જશે? તે અકથ્ય મુંઝવણ અનુભવવા લાગી.

દાંપત્ય, નિકટનું સ્વજન, મિત્ર, પરિવાર આ બધું મુશ્કેલીભરી પરિસ્થિતિમાં જ મદદરૂપ થાય છે અને ત્યારે જ વ્યક્તિને એની ખરી કિંમત માલૂમ પડે છે. એકતા, પરસ્પરની હૂફ અને લાગણીવિહિન જીવનમાં અધીરપ જ અનુભવાય છે. પતિ પત્નીને નિકટતાની લાગણીનો અહેસાસ મહેસૂસ થાય છે. શ્યામલીના મનમાં જ દેહિક આકર્ષણ હતું તે લુપ્ત થઇ ગયું હવે જીવન જીવવું કેમ? તેની માનસિક પ્રક્રિયા શરૂ થઇ. હવે શ્યામલી ખરો પશ્ચાતાપ કરવા લાગી.

નાનો શાલિન માંદો પડ્યો હશે ને સારા થવાની માનતા રાખી હશે. તે પૂરી કરવા શ્યામલી મંદિર આવી ને પાછી વળતાં મંદિરના પગથિયાં નીચે બેઠેલા ભિખારીઓને દાન આપતી ચાલતી હતી તેમાં એક રક્તપિત્તીયાને ભાળ્યો દાઢી વાળ વધી ગએલ, આંખો ઉંડી ઉતરી ગયેલ, તેનાં મેલાં ઘેલાં લઘર વઘર ગંધાતા કપડામાં તેને દીઠો. તે રક્તપિત્તીયાના મુખ પર શિશિરના મુખની ભાવ રેખાઓ નિહાળી શ્યામલી ઘડીભર અવાક બની ગઇ! આ બાજુ શ્યામલી જ એવો અણસાર શિશિરને આવ્યો પણ તે ચૂપ જ રહ્યો. શિશિરની દયાર્દ્રતા સાથે અસહાયતામાં, દુઃખ, દર્દ ને પીડા, વેદનામાં વલવલતો નિહાળી શ્યામલીમાં માનવતા સાથે સ્નેહની સરવાણી ફૂટી, કુણી લાગણીનું ઝરણું વહેતું થયું. શિશિરનું દુઃખ, દર્દ, વેદના, અસહાય પરિસ્થિતિ શ્યામલીથી જોવાઇ નહીં. શિશિર મારો પતિ છે તેને આ સ્થિતિમાં છોડી શકાય જ નહિ. કેવો કૃષ અને નિસ્તેજ બની ગયો છે. શિશિરની સ્થિતિએ શ્યામલીના કૂણા હૈયામાંથી લાગણી આંસુઓ દ્વારા પ્રગટ થઇ. શ્યામલીએ પાકો નિર્ણય કર્યો. ગમે તેમ કરી શિશિરને મનાવી ઘેર લઇ જવો મારી મોટી ભૂલ ...!!! માયાના જૂઠાં આવરણમાં આવી હું મારા કર્તવ્યથી ચ્યૂત થઇ ગઇ હતી. ભૂતકાળમાં થએલ ભૂલનું હું પ્રાયશ્ચિત કરીશ શિશિરની તન મન ધનથી, હૈયાના ઉમળકાથી સેવા કરી જીવન ધન્ય બનાવીશ.

અનુક્રમણિકા

૪ : સ્વાભાવિકતાનો સ્વીકાર

આ આકાશવાણી અમદાવાદ વડોદરા છે, ગીત અને ગઝલની મહેફીલમાં રાગીણી તેની ગઝલ રજુ કરે છે. રેડીઓ પરથી એનાઉસમેન્ટ થયું. રોમેશ આરામ ખુરશીમાં પોતાનો દેહ લંબાવી રેડીઓ પ્રોગ્રામ સાંભળતો હતો. રાગીણીની ગઝલ પેશ થતી સાંભળી, તે મુડમાં આવી ગયો. આનંદ વ્યક્ત કરવા ધીમી ધીમી સીટી બજાવી રહ્યો અને પછી આંખ મીંચી ગઝલ સાંભળતો આનંદમસ્તી માણવા લાગ્યો. ખૂબ સરસ રસીલું ગળું તેવામાં સંગીતની સૂઝ અને કલાકારની પ્રતિભા તેની ગઝલો સાંભળવાથી સહેજે લાગે. ગઝલના સ્વરો તેના ખુલ્લા ગળામાંથી અને સભર હૈયામાંથી પ્રગટતાં વહેતા હતા. તે સંગીતના વહેતા પ્રવાહને પોતાના કાનમાં એકચિત્તે રોમેશ ઝીલતો અને આનંદના દરિયામાં તરતો રહ્યો. ગઝલ પૂરી થઇ પણ તે તો મસ્તીમાં જ ડૂબી રહ્યો હતો પણ રેડીઓમાં ઘોંઘાટ ભર્યા વાતાવરણનો અવાજ કાને પડતાં જ ચમક્યો. આનંદ સમાધિમાંથી જાગ્યો, રાગીણી, રોમેશની પ્રિય ગાયકી હતી, રોમેશ તેના કંઠ પર વારી ગયો હતો. તેને મળવા ઘણા પ્રયત્ન કર્યા હતા પણ તેને હજુ સુધી મળી શક્યો ન હતો.

રેડીઓ પર જ્યારથી રાગીણીની ગઝલ સાંભળી ત્યારથી તે તેનામાં પાગલ બની ગયો હતો. તેને મળવું હતું પણ શી રીતે મળે? વિચાર આવતાં તેણે રેડિયો પરથી તેનું સરનામું મંગાવી રોમેશે ટુકો પણ ભાવવિભોર પત્ર રાગીણીને તેના ગઝલની પ્રસંશા કરતો લખ્યો. રાગીણીનો આભાર વ્યક્ત કરતો પ્રત્યુત્તર રોમેશને મળ્યો. બસ પછી તો બન્ને એકબીજાના પ્રેમના મહાસાગરમાં આનંદ માણવા ડૂબકી મારવા લાગ્યા. રોમેશ તેના પત્રમાં ઘણીવાર મળવાની માગણી કરતો પણ રાગીણી એક યા બીજા બહાને તે ટાળતી રહેતી. રોમેશના પત્રોથી તે પોતાનો આનંદ ને ઉત્સાહને જારી રાખી રહી હતી. તેનું મન ક્યારેક રોમેશને મળવા તડપી ઉઠતું પણ લાચારીથી સમસમી રહી મન મનાવતી.

ખોડને કારણે સારી ગાયિકા બનતાં રાગીણીએ ઘણી મુશ્કેલી વેઠી હતી. તે એક સાવ સામાન્ય મધ્યમ કુટુંબની હતી. તેને લાગતું કે તે સારું ગાઇ શકે છે અને સારી ગાયિકા બનવું છે તેનું શરીર સૌષ્ઠવ ખૂબ તંદુરસ્ત અને સુંદર હતું પણ એનો ચહેરો એના માટે અડચણ રૂપ થઇ પડ્યો હતો. બે દાંત આગળ નીકળી આવ્યા હતા. તે જ્યારે કોલેજના પ્રોગ્રામમાં ગાતી ત્યારે તેને શરમ આવતી. પોતાના દાંત છુપાવવા વારંવાર રૂમાલ આડો ધરતી અને તેથી ખૂબ ઓછા હોઠ ઉઘાડીને ગીત ગાતી. પણ ગીતના સ્વરો બરાબર બહાર ન આવતાં ક્યારેક છોકરાઓ તેની હાંસી ઉડાવતા. અને કહેતાં કે ગાતા તો આવડતું નથી ને રેડિયો સીંગર બનવું છે. આવા વાકબાણોથી તે નિરાશ થતી અને ગાવાનું છોડી દેવા વિચારતી કોલેજમાં નવા આવેલ પ્રોફેસર રજનીશે તેના ગીત સાંભળેલ પણ હજુ લય અને હલકથી ગાતી નહતી તેથી એક દિવસ રાગીણીને પોતાની બેઠકરૂમમાં બોલાવી કહ્યું ‘‘રાગીણી હું જાણું છું કે તારે સારી ગાયિકા બનવું છે પણ ચહેરો ખરાબ દેખાવાની બીકે અને શરમથી તું ક્યારેક રૂમાલથી તે ઢાંકવા પ્રયત્ન કરે છે તે વ્યર્થ છે. તેને હટાવી દે. સારામાં સારું ગીત ગાવા માટે તારા હોઠને બરાબર ઉઘડવા દે ગીતના સ્વરને સહજ રીતે વહેવા દે. તારે તો તારા કંઠની મધુરતા હલક્તા, લયતા, સભર હૈયાના ભાવને જ રજુ કરવાના છે. તો જ તું સારું ગાઇ શકીશ અને લોક ચાહના મેળવી શકીશ. મારી શીખ છે કે કોઇ પણ કામ માટે આપણે જેવા છીએ એવા જ દેખાવા પ્રયત્ન કરવો. કોઇનું આંધળું અનુકરણ કરવું નહિ સાહજિક જે વ્યવહાર થતો હોય તે જ કરવો અસ્વભાવિક ક્યારેય ન બનવું, જો તું આટલું હૈયામાં ઉતારીશ તો જીવનમાં ક્યારેય પાછળ પડીશ નહી. કોઇ પણ કામ તારા માટે સહજ બની જશે. એટલું યાદ રાખજે કે અસ્વભાવિકતા એ નર્યું છળ છે, બનાવટ છે. દુનિયા તેને ક્યારેય સ્વીકારી કે પસંદ કરી શકી નથી. તારામાં જે શક્તિ પડી છે તેને ઓળખ, એને પ્રયત્ન કરીને જગાડ, સહજતાથી વહેવા દે આવતી કાલે સારી ગાયિકા તરીકેની તારી બોલબાલા હશે.’’

રાગીણી, પ્રો. રજનીશના જ્ઞાન ઉપદેશને વારંવાર વાગોળતી રહેતી અને તે પ્રમાણે કરવા પ્રયત્ન કરતી ધીમે ધીમે કોલેજમાંથી તે રેડિયો પર ગાવા જતી. આજે તે ખૂબ સુંદર ગાયિકા તરીકે ખ્યાતિ મેળવી, પોતાનું ને માનું પોષણ કરતી શાંતિથી જીવન વ્યતિત કરતી હતી. પણ રોમેશના પત્રોએ તેના જીવનમાં હલચલ મચાવી દીધી. શાંત જીવન- નીર હેલારે ચઢ્યા.

રોમેશે લખ્યું હતું કે જો તું મને મળવાનો સમય અને સ્થળ નહિ આપે તે આ મારો છેલ્લો પત્ર સમજી તું ક્યારેય મને પત્ર કે મળવા કોશીશ કરતી નહિ. રોમેશના આ પત્રથી રાગીણીને લાગતું તે મારા પ્રેમમાં કેટલો પાગલ છે અને તે છેક છેલ્લે પાટલે બેસી ગયો તો? રાગીણીને દહેશત લાગતી કે તે તો મારા કંઠ ઉપર ઓળઘોળ છે મારા રૂપ પર થોડો આશીક છે તે મારા રૂપને નિહાળી મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે ખરો ? નહિ તો મારે જીવનભર તેના પ્રેમમાં તડપવું પડશે. તે વિચારતી શું શરીર સુખ જ માણસને જીવતો રાખી રહ્યું છે? બે આત્માનું મિલન શું એ સાચું મિલન નથી પણ જીવનનું નગ્ન સત્ય તો જુદુ જ છે. સમાજ તો થોડાક માણસોની હાજરીમાં બે શરીરના બંધનને જ સ્વીકારે છે. શું મારું આયખું રોમેશ વગર પુરૂ નહિ કરી શકું? શું રોમેશનું સ્થુળપણું મારા જીવનમાં આવશ્યક છે? તેના પત્રોથી જીવન વ્યતિત નહિ થાય. આવા તેના અધકચરા જ્ઞાનથી તે મનમાં વારંવાર મુંઝાતી રહેતી. મારા કદરૂપા ચહેરાનું સત્ય મારે રોમેશથી ક્યાં સુધી છુપાવવું વગેરે પ્રશ્નોની ઝડી મન ધરતી પર વરસી પડતી.

પોતે જેવી છે તેવી જ હવે રોમેશને મળવા માગતી હતી પુરુષાર્થ કરવો રહ્યો. સફળતા પ્રભુના હાથે, મનમાં આમ વિચારી પાકો નિર્ણય કરી રોમેશને મળવાનો પત્ર લખી દીધો. ધાર્યા કરતાં તે અડધો કલાક બાગમાં વહેલી આવી હતી. ચહેરાને સાડીથી ઢાંકી દીધો જેમ લાજ કાઢતા હોય તેમ જેથી કરી રોમેશ મારા મુખનું પ્રથમ દર્શન કરે નહિ, નહિ તો બાજી હાથથી ખોઇ બસીશ. પત્રમાં સમય અને સ્થળ દર્શાવ્યા મુજબ રોમેશના મનમાં એક અકથ્ય આનંદ લહરી ફરફરી ગઇ. દોડતો તે રાગીણી પાસે આવ્યો. શું બોલવું તે ભૂલી ગયો. ઘણા સમયના વિરહ પછી આજે તેના પ્રિય પાત્રને પ્રથમવાર મળતો હતો. તેથી મૂક જ બની ગયો. થોડો સમય પસાર થયા પછી ભાનમાં આવ્યો બોલવા પ્રયત્ન કર્યો. ક્ષેમકુશળના સામાચારથી વાતની શરૂઆત થઇ. કુટુંબ-કબીલામાં શું છે વગેરે, વગેરે પણ રોમેશ રાગીણીનું મુખ દર્શન કરવા તલપાપડ હતો. રાગીણી આ ઘૂંઘટ તો હટાવી દે શા માટે અડચણ રૂપ બને છે તે વિચારતો કે જેવો મધુર કંઠ છે તેવું તેને રૂપ તો હશે જ રાગીણીની તંદુરસ્તી સારી લાગી તેથી રાગીણીના મુખ દર્શન માટે તે વધુને વધુ આતુર અને અધિરાઇ ઉઠ્યો. રાગીણી ઘૂંઘટ તો ઉઠાવી લે મને ધરાઇને તને ધરાઇને નિહાળી લેવા દે કે કેવી મારા હૈયાની રાણી મારા મનની મયૂરી, કોકીલ કામણગારી છે. રાગીણી હવે રોમેશને બાંધવા ઇચ્છતી હતી. તે બોલી રોમેશ હું ઘૂંઘટ તો લઇ લઉં છું પણ મારા પ્રશ્નના ઉત્તર આપ્યા પછી. બોલ તું મને સાચા હૃદયથી પ્રેમ કરે છે, મને કે મારા કંઠને કરે છે કે જેનાથી તું મારામાં પાગલ બન્યો છે. ધાર કે મારે ચહેરો વિકૃત છે, સુરેખ નથી નજર પડતાં મોં મચકોડીશ તો નહિ ને? હવે તું મને વધુ તડપાવ નહિ તું મારી સાથે આમ ખોટી વાતો કરી વખત ના બગાડ મને દર્શન કરાવ, પ્લીઝ રાગીણી ... પ્લીઝ ...

વ્યક્તિના મુખ દર્શન પરથી, તેના સ્વભાવ સાથે તેના પ્રત્યેનો ભાવ કે ગમો અણગમાનું એક ચિત્ર સામેની વ્યક્તિની હૈયામાં દોરાય છે. અને તે રાતે તેની સાથે દુન્યવી વ્યવહાર થતો હોય છે. મનુષ્યને સુંદરતા જ ગમે છે. પોતે ભલે અસુંદર હોય પણ સુંદર વસ્તુ મેળવવા જ પ્રયત્ન કરતા હોય છે. કુદરતનો નિયમ છે તે કોઇ સુંદર મનગમતી ચીજ વસ્તું મેળવવા કંઇક ત્યાગ, ભોગ આપવો પડે છે પણ આજના પિપાસા પીડિત મનુષ્ય સઘળુ મેળવવા જ ઇપ્તિસા છે પણ તેની કિંમત મૂલ ચૂકવવા માટે તૈયાર નથી એમાંથી એવા કોક જ વીરલ મનુષ્ય મળી આવે છે.

રાગીણી બોલી ઘૂંઘટ તો ઉઠાઉ પણ તે ઢંકાયેલ મુખને તારા હૈયા સાથે જડી દઇશ કે તરછોડીશ ! રાગીણી જ્યારથી તારી ગઝલો સાંભળતો આવ્યો છું ત્યારથી તને પામવા, તને દેખવા બેચેન છું એવું શું છે કે ઘૂંઘટ ઉઠાવવાની આનાકાની કરે છે. તારા માટે તો હું મારો જાન દેવા તૈયાર છું. તને કોઇપણ હાલતમાં સ્વીકારવા તૈયાર છું. પ્રેમમાં પડેલાઓ ક્યારેક નગ્ન સત્ય સ્વીકારતા હોય છે. પ્રેમીઓને તેમની દરેક વસ્તુ પ્રિય અને સુંદર જ લાગતી હોય છે. કોક જ એવા બેવફા નીવડતા હોય છે સાચા પ્રેમી વફાદારી નિભાવતા હોય છે. રાગીણી મને ક્યાં સુધી તડપાવીશ હવે તો ખોલ. રાગીણીને રોમેશની વાત હૃદયમાં સ્પર્શી ગઇ. હવે રોમેશની ધીરજ નથી. બહું તડપાવવો તે ઠીક નહી તેથી આખરે તેણે ઘૂંઘટ ખોલી દીધો. રાગીણીનો ચહેરો નીહાળતાં જ તે થોડો પાછો હટી ગયો. શું આ સુંદર ગઝલ ગાતી રાગીણી છે? આવા સુંદર કંઠવાળીનો આવો કદરૂપો ચહેરો હશે. ઇશ્વરનો પણ કેવો ન્યાય છે બધી બાજુથી રૂપે ગુણે છે પણ એક ચહેરાની બદસૂરતથી રાગીણીની સુંદરતાને કેવી હણી કાઢી છે જો માનવીને સર્વ ગુણ સંપન્ન બનાવ્યો હોત તો પછી તે ક્યારેય ઇશ્વરને યાદ કરત? તેથી જ ઇશ્વર ક્યારેક માનવીમાં થોડી ખોડ ખાંપણ રાખે છે, નહી તો માનવી અભિમાનમાં આસમાને પહોંચી ગયો હોત પણ સત્યતાથી પર ઇશ્વર નિમિત્ત નથી જ હોતું આછા પાતળા તત્વજ્ઞાનના વિચાર વમળમાં અટવાયેલ રોમેશ ઘડીભર સ્તબ્ધ બગની ગયો, પણ પ્રિય વસ્તુની સર્વ વસ્તુ પ્રિય જ હોય અને લાગે. રોમેશે, પણ રાગીણીના ચહેરાની વાસ્તવિક્તાનો સ્વીકાર કરી તેના અધ ખુલ્લા ઘૂંઘટમાં પોતાનો ચહેરો છૂપાવી દીધો. બાગમાં લેહરાતી ખુશમિજાજી ઠંડી લહેરાતી માદક હવા બન્નેના હૈયાઓને વધુ ને વધુ સ્પર્શી આનંદ ઉર્મિઓને વાચાઆપતી હતી. બંને એકબીજાના હૂંફાળા રોમાંચિત સ્પર્શમાં વધુ ને વધુ રોમાંચી ક્યાંય સુધી લયલીનતામાં સ્પંદીત થતા રહ્યાં.

અનુક્રમણિકા

૫ : સ્નેહ લગ્ન

અવિનાશભાઇ પેલા અરુણના શા સમાચાર છે? ખબર નથી ક્યાં ચાલ્યો ગયો છે? ગુજરાતના અનામત આંદોલનનું શું થયું પછી? કેમ તમને ખબર નથી? સરકાર અને આંદોલનકારો વચ્ચે સમાધાન સધાઇ ગયું. ધાંધલ ધમાલ બંધ થઇ ગઇ. અજંપાભરી પરિસ્થિતિ બદલાઇ ગઇ, શાંતિનું વાતાવરણ છવાઇ ગયું. નિશાળો ઉઘડી ગઇ. પરિક્ષાઓ લેવાઇ ગઇ.

જ્યારે અનામત આંદોલન પૂરજોશમાં ચાલતું હતું ત્યારે ખબર નહિ શું થયું કે કોમ કોમ ને જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે મતભેદ પડતાં કે કોઇ કારણસર કોમી હુલ્લડો ફાટી નિકળ્યાં. મારા મારી, કાપાકાપી, ધાડ, લૂંટ, કતલ ને આગ ચાંપવાના બનાવો વગેરેથી હિન્દુ-મુસ્લીમને અન્ય જાતિઓમાં ભય વ્યાપી ગયો. લોકો ઘર ખાલી કરી કે વેચી પોતાના સ્વજનોને ત્યાં ચાલ્યા ગયા. કેટલાક પોતાના જ્ઞાતિના મહોલ્લામાં ચાલ્યા ગયા. કેટલાયે કુટુંબોનો નાશ થયો.

પ્રો. અવિનાશ ઘરમાં છાપુ વાંચતો હતો ત્યાં આદમે આવીને સલામ કરી કેમ ભાઇ શું કામે આવ્યા છો? માસ્તર સાહેબ કામ ખૂબ મુશ્કેલ છે. પણ શું કામ છે તે તો કહો, પ્રયત્ન કરી જોઇએ. સાહેબ ભલાઇનું કામ છે. જુઓ સાહેબ, અહીં મુસલમાન વાડામાં એક બાઇને મુસલમાન ભાઇ ઉપાડી લાવ્યો છે. હલકી કોમની બાઇ છે. પેલો પોતાના તાબે થવા બાઇને મારઝૂડ કરે છે પણ બાઇ તાબે થતી નથી. તેની કાકલૂદીઓથી મારું દિલ પીગળી ગયું. મારા દિલમાં માનવતાનું ઝરણું ફૂટ્યું. સાહેબ હું પણ મુસલમાન છું. બાઇની હૃદયદ્રાવક ચીસો મારાથી સાંભળી જાતી નથી તેથી તે બાઇને છોડાવવા આપની પાસે આવ્યો છું. તું મને ફસાવવા તો આવ્યો નથી ને? મેં તમારા કોમના ગુંડાઓથી બે ચાર કુટુંબો બચાવ્યાં છે તેથી તેનો બદલો લેવા તો નથી આવ્યો ને? કોઇએ મોકલ્યો તો નથી ને? ખુદા કસમ? સાચો મુસલમાન ક્યારેય ખુદા કસમ ખાતો નથી ને ખાય છે ત્યારે સત્ય ખાતર પોતાનો જાન પણ આપી દે છે. સાહેબ મારા પર ભરોસો રાખો. પણ તમે મુસલમાન થઇને તમે તમારા જ્ઞાતિભાઇને દગો દો છો તેનું શું? સાહેબ હું મુસલમાન જરૂર છું પણ પહેલો ઇન્સાન છું. ઇન્સાનિયત વિનાનો મઝહબ એ મઝહબ નથી. શું હિન્દુ કે શું મુસલમાન? શું શીખ કે શું ખ્રિસ્તી ? જ્યારે મનુષ્ય ઇન્સાન શું છે. તે સત્ય સમજશે ત્યારેજ દુનિયાના આ કોમી રમખાણો બંધ થશે. ધર્મ હિંસા આચરવાનું કે કરવાનું કહેતો નથી. મઝહબમાં ચોરી, લૂંટફાટ ને ખૂનામરકીને સ્થાન નથી. ઇન્સાન ઇન્સાનને ગણે નહિ તેને લૂટે, મારે ત્યાં સુધી ઇન્સાન બનતો નથી તે પશુ સમાન જ છે. ભાઇ તમે તો ખૂબ સમજદાર છો. તમારા જેવા ઇન્સાનો હોય તો દુનિયામાં દુઃખ દર્દ, ઝઘડા ટંટા રહેજ નહિ. ઇર્ષા વેર ઝેરને સ્થાને કેવું ભાઇચારાનું પ્રેમાળ વાતાવરણ સર્જાય. આપણે બીજી વાતે ચઢી ગયા. મને ખબર પડી કે આપ સાહેબ, આવા બનાવોમાં ખૂબ રસ ધરાવી કામ કરો છો, તેથી જ હું તમને કહેવા આવ્યો છું હાં, તો હવે આદમભાઇ માંડીને વાત કરો. પેલા ભાઇ જે બાઇને ઉઠાવીને ગયા છે તે ભાઇની શી વિગત છે?

‘અબ્દુલ્લા’ તેનું નામ છે. વગેરે હકીકત અવિનાશે આદમ પાસેથી જાણી લીધી.

આદમે કહ્યું. હવે તમે ઢીલ કરશો નહિ. આદમભાઇ તમે બેફિકર રહો. તમારા જેવાનો સાથ સહકારને હૂંફે હું તરત જ આવું છું.

અવિનાશ દશબાર માણસોને લઇને ગયો. લાઠી, દોરડાં અને ધમકી બતાવવા માટે બે એક છરા પણ સાથમાં લીધા. અવિનાશે બધાને સમજાવી દીધું. જુઓ ભાઇ આપણે હથિયાર વાપરવાનાં નથી ડર બેસાડવા જ લીધાં છે. જેથી આપણા કામમાં સરળતા આવે નિયત સ્થળે પહોંચી ગયા. એક ઓરડીમાં અઢારેક વર્ષની યુવતીને જોઇ. સુંદર, નમણી અને ઘાટીલું શરીર પણ ડરની મારી ધ્રુજતી હતી, બેબાકળી બની ગઇ હતી. તે રડતી હતી. પેલો અબ્દુલ્લો તેને ધમકાવતો હતો. બોલ મારા તાબે થવું છે કે નહિ? કે પછી આ કોરડો વીંઝું. યુવતીએ જવાબ ન આપ્યો, બોલતી નથી.

મારે હવે તને પરાણે મારે તાબે કરવી પડશે, અહીં તારું કોઇ સગું નથી કે મારા હાથમાંથી તને બચાવી શકે. છેલ્લીવાર કહું છું માની જા નહિ તો ...!

અવિનાશે તરત જ તેના સાથીઓને ઇશારો કર્યો. તે બૂમ પાડવા જતો હતો ત્યાંજ એક સાથીદારે અબ્દુલ્લાના મોઢામાં ડૂચો મારી દીધો ને દોરડાંથી મૂસકેદાટ બાંધી દીધો. ચાલ બહેન તું હવે છુટ્ટી છે. તારે ક્યાં જવું છે ત્યાં તને મૂકી આવીએ. તું કોઇની અમાનત છે. મારે તને યોગ્ય સ્થળે પહોંચાડવી રહી. તારું નામ ઠેકાણું શું છે?

મારું નામ આરતી છે. હું પછાત કોમની છું ને ગરીબ વિધવા છું. મારા કુટુંબ સાથે મારા પતિ કોમી રમખાણમાં માર્યા ગયા. મારું કોઇ સગું વહાલું રહ્યું નથી. હું નિરાધાર અને અસહાય સ્થિતિમાં છું ... અવિનાશે સાંત્વન દેતાં કહ્યું : અમે છીએ. હવે તું કોઇની અમાનત નથી. તું સ્વતંત્ર છે તું કહે ત્યાં તને પહોંચાડી દઇએ. પણ હવે હું ક્યાં જાઉં? આરતીએ કહ્યું મારા ઘરબારને તોફાનીઓએ આગ ચાંપી તારાજ બનાવી દીધાં. અમે લૂંટાઇ ગયા. બરબાદ થઇ ગયા. ગભરાઇશ નહિ, ચાલ બહેન, મારે ઘેર. પણ ભાઇ તમારા ઘરવાળા મને પછાત જ્ઞાતિવાળીને રાખશે? અવિનાશે કહ્યું જો આરતી મારા માતા પિતા, પત્ની, બાળકો અને બધા નવા જમાનાને અનુસરી ચાલીએ છીએ. અમારું કુટુંબ ચુસ્ત વણિક ધર્મવાળું છે પણ અમે માનવતાને વિસારી દીધી નથી. માણસ નાતજાતથી ઓળખાતો નથી. સંસ્કાર, ચારિત્ર્ય, ગુણ અને સેવા ધર્મથી માણસની સમાજમાં ગણના થાય છે. પૂજાય છે. અવિનાશ દુઃખી અને લાચાર આરતીને પોતાના ઘરે લઇ આવ્યો . તે સુખ, શાંતિપૂર્વક રહેવા લાગી.

એક દિવસ અવિનાશે આરતીને પૂછ્યું, તું વિધવા તો છે જ બોલ તારે બીજા લગ્ન કરવાં છે.

બીજી જ્ઞાતિનો યુવક મને અપનાવે ખરો? તું હા પાડે એટલી વાર. તારા જેવી સુંદર રૂપવતીને કોઇ ને કોઇ પરણવા તૈયાર થશે. ભલે તું નીચા કુળની રહી પણ તારા ગોરા વાન અને તંદુરસ્ત શરીર સૌષ્ઠવથી તું ઉજળી વર્ણની જ લાગે છે. સમજાવટને અંતે આરતીએ લગ્ન કરવાની હા પાડી. અવિનાશે છાપામાં જાહેરાત આપી. જવાબમાં ઘણા પત્રો આવ્યા. તેમાં વિધુર પોતાના બાળકોની તેમજ પોતાની સંભાળ માટે લગ્ન કરવા તૈયાર છે. કોઇ વૃદ્ધને ફરી પરણવાના કોડ જાગ્યા છે. બેકાર યુવકોના લગ્ન કરવાના પત્રો પણ હતા. સૌંદર્યવતી આરતી સાથે ઘણા યુવકો મૈત્રી કરારો કરવા તૈયાર છે. પત્રો પરથી આજના મનુષ્યના વિલાસી માનસનું પ્રદર્શન નિહાળી અવિનાશને સમાજ પ્રત્યે ધ્રુણા ઉત્પન્ન થઇ. આજનો સમાજ કેટલો પાંગળો અને અધમ કક્ષાએ જઇ રહ્યો છે. છેવટે એક બ્રાહ્મણ યુવક નામે અરુણનો પત્ર આવ્યો. સારા કુટુંબ કબીલા વાળો, સારી શૈક્ષણિક લાયકાત ધરાવતો હતો અને કોલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરતો ભાવનાશીલ, સુશીલ, સમજું અને સુંદર હતો. તેણે પત્રમાં લખ્યું હતું કે પછાતજાતિની વિધવા યુવતીને તમો રાક્ષસના પંજામાંથી છેડાવી છે તેની સાથે લગ્ન કરવા હું તૈયાર છું. ફોટો મોકલશો. આરતીનો ફોટો મળતાં જ અરુણ અવિનાશને ઘેર આવ્યો. કોલબેલ રણકતાં જ આરતીએ બારણું ઉઘાડ્યું, જોયું તો સામે સશક્ત દેખાવડો યુવક તે શરમાઇ નીચું જોઇ ગઇ. અરુણે પ્રશ્ન કર્યો આરતી આપ જ છો ને? ઢળેલા વદને હા પાડી. કળી સમી કોમળ, નાજુક અને આરતીના રૂપ નીતરતા લાવણ્યે અરુણ પ્રથમ નજરે ઘવાયો!

આવોને- અરુણ વિચારતંદ્રામાંથી જાગ્યો. અરુણને બેસાડી આરતી અવિનાશને બોલાવવા અંદર ચાલી. વાતચીત પરથી અવિનાશને અરુણ સારો યુવક લાગ્યો. અરુણને કહ્યું, તમો પાછળથી આરતીને છેહ તો નહિ દો ને? તેને તરછોડશો તો નહિ ને? અવિનાશભાઇ એક પછાત અને વિધવા યુવતીના ઉદ્ધાર કરવાનું મને સદ્‌ભાગ્ય સાંપડ્યું હોય અને કોઇ બેવસ, લાચાર ને ગરીબ યુવતીના જીવનનો અરુણોદય થતો હોય તો હું ગમે તે સ્થિતિ સહન કરવા તૈયાર છું.

અરુણ અને આરતીનાં લગ્ન સાદાઇથી થઇ ગયા. આરતીના માતા પિતા તરીકે અવિનાશે સ્થાન શોભાવતી કન્યાદાન દીધું. આશીર્વાદ આપી સ્નેહભીની લાગણી સભર સજળ નયને વિદાય આપી. અરુણ અને આરતી ઘરે આવ્યાં. સર્વે સાથીજનો તેમજ અડોસ પડોશીઓ આરતીના દેહ સૌંદર્યથી આકર્ષિત થઇ વાહ ! વાહ ! ના ઉદ્‌ગાર સાથે અરુણને વધાઇ આપવા લાગ્યા કે તેં વહુની પસંદગી ખૂબ સુંદર કરી છે. આ ... હા...શું પૂતળી જેવી વહુ લઇ આવ્યો છે. સર્વે ખુશ થઇ ઉઠ્યા. પત્નીના વખાણ સાંભળી અરુણના મનમાં આનંદની સીમા માતી નહોતી. ખરે ખર પોતાને ભાગ્યશાળી માનતો હતો કે આરતી જેવી સુંદર પત્ના પામ્યો. સમાજ પ્રથમ નજરે જ વહુ વરના ચારિત્ર, સંસ્કાર ગુણો જાણ્યા સિવાય માત્ર દેહ સૌંદર્યથી જ અભિપ્રાય આપી દે છે જે ખરેખરું સાચું મૂલ્યાંકન નથી હોતું એ તો અનુભવે જ ખબર પડે.

આજે તેઓની મધુરજની હતી. અરુણને તાલાવેલી થતી હતી કે ક્યારે રાત પડે અને આરતી પાસે પહોંચી જાઉં અને તેના રસ રંગનીતરતા રૂપ લાવણ્યમાં છબછબીયાં કરું. આરતીમાં મુગ્ધ એવા અરુણનો વખત ખૂટતો ન હતો. અકળાઇ ઉઠતો પણ કરે શું? ગમગીન સૂરજ ઉષા સુંદરીને પામવા ડુંગરની ઓલીમેર ઝડપથી ઉતરી ગયો. કિલકિલાટ કરતાં પંખીઓ પોતાના માળામાં ભરાઇ જવા લાગ્યાં. સંધ્યાદેવીએ પોતાનો શ્યામલ પાલવ ધરતી ઉપર બિછાવી દીધો. સ્ટ્રીટ લાઇટો ઝળહળી ઊઠી. રાત ધીમે ધીમે જામતી જતી હતા. ઘરના માણસો સૂવાની વ્યવસ્થા કરવા લાગ્યા. અરુણે પોતાની હૃદયેશ્વરીને સત્કારવા રંગબેરંગી પુષ્પોની જાજમ પાથરી દીધી. આખો રૂમ મોગરા અત્તરની ખૂશ્બુએ મઘમઘી ઊઠ્યો. પુષ્પની મખમલી સુવાળી પાંદળીઓ પર ગોર અને ગુલાબી આરતીના પગની પાનીઓ ધીમા નેપુરના ઠમકે પડવા લાગી. અરુણ મંત્રમુગ્ધ થઇ આરતીને જાણે કાલિદાસની યક્ષકાંતા મલમતી ચાલે આવતી ન હોય તેમ નિહાળી રહ્યો. બન્નેના હૃદયમાં કોઇ અકથ્ય ઊર્મિઓ, સાગરના વમળ જેમ ઘુમરાવા લાગી. અરુણ આરતીના હિલોરા લેતા રૂપાકાશમાં વિહરવા લાગ્યો...! તેના અંગે અંગમાંથી રસ યૌવન ડોકિયાં કરતું હતું! અર્ધ વિકસિત ચંપાકળીમાંથી જે મત્ત ફોરમ આવે તેવી દેહલતામાંથી સુગંધ ફોરતી હતી. શ્રુંગાર રસની કવિતા સમું ટપકતું તેનું રસ સૌંદર્ય! ગુલાબની કળી સમું લાલિત્યભર્યું મુખારવિન્દ! નીલપદ્મની પાંખડી સમા તેના નયનો! તેની વાણી એટલે ચાંદનીમાં સિતારનો મંજુલ રણકાર! કુસુમ કળી સમી નાજૂક કુરાંગલિઓ! અણખૂલ્યા પોયણા સમાન તેનું મૃદુ હૈયું! વર્ષા ઋતુની મદમસ્ત વાદળી જેવી રસમસ્તી! કાદવમાંથી કમળ ન નીપજ્યું હોય તેમ કલામય આરતીના દેહે હિંડોલને નિરખતો, રસ સૌદર્યના રસ ઘૂંટડા ભરતા અરુણને આરતીએ ઢંઢોળ્યો ત્યારે તે ભાવ સમાધિમાંથી જાગૃત થયો. આ રીતે પોતાને નિરખતાં અરુણને જોઇ શરમની મારી આરતી ક્યારનીય નીચા વદને ઊભી રહી હતી. તેને પોતાના પહેલા લગ્નની પહેલી રાત યાદ આવી ગઇ...!

જર્જરીત ખોરડું તેમાં ઝોળી થઇ ગયેલ ખાટલો એક બાજુ પડ્યો હતો તેના પર ગંધાતા ગાભાવાળી ગોદડી પર ગળા લગી દારૂ ઢીંચીને બેઠેલ એલફેલ બકતો અજીતસિંહ ! અને ક્યાં આ ઉષ્માળો અને પ્રેમાળ અરુણનો ઉમંગભર્યો આવકાર...! આરતીને ધીમેથી પલંગ પર બેસાડી. બેસાડતાં થયેલ મૃદુસ્પર્શે બન્નેની અણુ ચેતનામાં પ્રેમ સુખ લહર વીજળી વેગે દોડી ગઇ. તેણે ધીમેથી આરતીનો લજ્જા ઘુંઘટ ઉંચક્યો..! ચંદ્રની મંદ ફોરતી ચાંદની સમાન ટમકતું મુખડું ! અરુણ મનોમન લવી ઊઠ્યો આ...હા...શું યૌવન અને સૌંદર્યનો સુભગ સંગમ...!

બન્નેનો ઘર સંસાર આનંદ અને હસી ખુશીથી ચાલવા લાગ્યો. અરુણને માત્ર એક વાતનો ખટકો હતો કે આરતી અભણ હતી. રીત ભાત ને બીજી સંસ્કારિકતા ઓછી હતી. પોતાના મિત્રોની પત્નીઓ શૈક્ષણિક લાયકાતવાળી આધુનિક હતી. તેઓ એકબીજાને ઘેર હળવા મળવા જતી. જ્યારે અરુણ એકમાત્ર અભણ પત્નીવાળો હતો તેથી તેને સંકોચ થતો. આરતીને અપનાવી છે તો જાણવી. તેને હું બધી રીતે યોગ્ય બનાવીશ. પોતાના સમાજમાં આરતીને ખડી કરીશ અને મિત્ર પત્નીઓની બરોબરી આરતીને કરી દેખાડીશ વિચારધારા ચાલતી હતી. ચાલ તૈયાર થઇ જા આરતી આજે મારા મિત્ર અનિકેતનને ત્યાં જવાનું છે. ચા પાણીનું આમંત્રણ આપ્યું છે. ના મને ફાવે નહિ. તમારી દુનિયા અલગ છે. હું રહી અભણ ગામડાની મને વાતચીત કરતાં, વર્તતાં એવી સભ્યતા આવડે નહિ. હું ભોંઠી પડું. અરે હું તને શીખવીશ. ધીરે ધીરે શીખાય. ના બાબા ના...મને એવું આવડે નહિ. આજના સંસ્કારિક અને ફેશનેબલ સમાજમાં આપણે હળતા મળતા રહેવું જોઇએ. ઓળખાણ પિછાણ થાય જાણવા, જોવાનું ને માણવાનું મળે. હું તને ભણાવીશ, લખતાં વાંચતાં શીખવીશ પછી છે કાંઇ? મને ભણવાગણવાની માથાકૂટ લાગે છે આ બધું મને ફાવે નહિ. મને તો કંટાળો આવે. હું જે છું તેજ બરાબર છું. અરુણ, આરતીને રોજ સમજાવવા પ્રયત્ન કરતો તેમ આરતી વધુ ને વધુ મનમાં ગૂંચવાતી, ધુંધવાતી! બપોરના સમયે ભેગા થતાં બૈરા સાથે ગામ ગપાટા કાન કૂસિયાં ને કૂથલી કરવા ઉઠવા બેસવાનું આરતીનું અરુણે બંધ કરી દીધું અને લખવા, વાંચવા ને શીખવાનું કહ્યું. આથી આરતીને માઠું લાગ્યું. જો આરતી આપણે સાવ ગમાર રહીએ તો સમાજમાં આપણું સ્થાન કેટલું? પણ મારે ક્યાં સમાજમાં જવું છે? અરે તું સમજતી કેમ નથી? આમ રોજની કચકચથી બન્ને વચ્ચે બોલાચાલી થતી રહેતી. અરુણને એમ કે ધીરજથી કામ લઇશ તો જરૂર આરતી ભણતી ગણતી થશે પણ આરતીને સાંસ્કારિક બનાવવાની, કેળવવાની ને સુધારવાની અરુણની આશા ઝાંઝવાના જળ સમાન પૂરવાર થઇ..!

સવારે અરુણે આરતીને બે ચાર હાંક મારી પણ કોઇ જવાબ ન મળતાં ઘરમાં બધે તપાસ કરી તો માલુમ પડ્યું કે આરતી ઘરમાં નથી. ક્યાં ગઇ હશે? ઘરના સર્વેએ આખા શહેરમાં શોધખોળ કરી જોઇ પણ આરતીનો પત્તો લાગ્યો નહિ શું આરતી ભાગી ગઇ હશે? દિવસો પર દિવસો વીતતા ચાલ્યા પણ આરતીની કોઇ ભાળ મળી નહિ. માંહેમાંહે લોકો લાતો કરતા કે હલકી વર્ણની રહી તે કદી ઘર કરીને રહે ખરી? મૂઇ કેવી રૂપાળી હતી. એના કોઇ હણીજાને લઇને ભાગી ગઇ હશે ! રામ, રામ કરો મારી બઇ શું કળજગ આવ્યો છે?

અરુણ આરતીને પ્રાણથી પણ અધિક ચાહતો હતો. બનાવથી તે ગૂમસૂમ થઇ ગયો. સ્નેહ સરોવરમાં જે રોજ સ્નેહજળથી સ્નાન કરતો તે જળ વિના માછલાની જેમ તરફડતો તેનું મન આરતીને મળવા તડપી ઉઠતું. શું મારા જીવન વસંતનો મોરમુગટ આમ અણધાર્યો લૂંટાઇ જશે? ક્યાં ચાલી ગઇ હશે ? જ્યાં પ્રેમરસની છોળો ઊડતી હતી ત્યાં આજે કરુણ વેદના ટપકે છે! રસિકતાને સ્થાને શૂષ્કતા ઊભરાવા લાગી. વિરહાગ્નિમાં એનું કુસુમિત હૈયું પ્રજળવા લાગ્યું. અરુણ શૂન્યમનસ્ક રહેવા લાગ્યો. એના હૈયે તો બસ આરતીની રટણા જ હતી તે બબડતો આરતીએ મને દગો દીધો. છેહ દીધો. મને તરછોડી દીધો. અરુણની આંખમાંથી અશ્રુધારા વહેતી રહેતી. આરતીની યાદો તેના રોમરોમમાં કાંટાની માફક ઘોંચાતી, પોયણીને ચાંદની વગર ગમે કે?

જીવન જીવવા માટે સ્ત્રી પુરુષે એકબીજાના પૂરક બનવું પડે છે. સ્નેહ તાંતણે બંધાઇ અન્યોના સુખ દુઃખમાં સાથ સહકાર અને સહારો આપવો પડે છે તો જ મનુષ્ય પોતાનું જીવન સુખી સંતોષી ને શાંતિપૂર્ણ જીવી શકે. રથના બે પૈડામાંથી એક પૈડું કામ આપે નહિ તો રથ ચાલે નહિ.

અરુણનું સંસાર નાવડું અધવચ્ચે ડૂબવા લાગ્યું. અરુણ વિચારોમાં ખોવાયેલો રહેતો. બબડતો મેં તેના ઉદ્ધાર માટે મારા સર્વસ્વનો ભોગ આપ્યો. મારી આશાઓનો કચ્ચરઘાણ વાળી દીધો. વ્યવસ્થિત ગોઠવેલ સોણલાંનો માળો વિખરાઇ ગયો. એ ચાલી ગઇ ત્યારથી મારું જીવન સૂનું સૂનું, ખાલી ખાલી થઇ ગયું. મારા અરમાનોમાં આગ લગાડી. મારી આંખોના રંગબેરંગી સ્વપ્નોને ખંડેરમાં ફેરવી મને તેમાં બાથોડીયાં ભરતો કરી દીધો. મને આવો બદલો આપ્યો. ના ના... મારી આરતી એવું કરે જ નહિ. આમ અરુણ આરતીના પ્રેમમાં પાગલ થઇ આરતી ... આરતી...નો પાકાર પાડતો ક્યાં ગયો તેની કોઇને ખબર નથી!

સ્નેહભગ્ન ... અરુણ ...!!!

અનુક્રમણિકા

૬ : અભિશાપ

નવરાત્રી એટલે શુભપર્વ, મહાશક્તિની ઉપાસના, આરાધના આદ્યશક્તિને ભક્તિભાવે ભજી, દૂષણો સામે લડવા શક્તિ પ્રાપ્ત કરવાના દિવસો. નવરાત્રિ પર્વ એટલે ગરબે ઘૂમતી ગરવી ગુજરાતનો રસોલ્લાસ, દાંડિયારાસની રમઝટ, ગુજરાતણ હિલ્લોળા લેતી. શબ્દ સૂરના તાલે ઊઠળતી, કુદતી જાણે યૌવનનો મહાસાગર ઉમટતો. આનંદ મંગળનો રસરંગભર્યો મહોત્સવ. માનાં છેલ્લાં નોરતાનાં સુપ્રભાતે માનાં મંદિરીએ આરતી ઝાલર બજવા સાથે બેઠાં, રૂદને મારું આ સંસારમાં અવતરવું. એ કુટુંબીઓને અશુભ સમાચાર થઇ પડ્યા ને મુખમાંથી કંઇ કેટલાંય મેણાં ટોણાંનો વરસાદ વરસી પડ્યો. ઘરમાં આનંદ મંગલની હેલીને બદલે સૂનકારભર્યું વાતાવરણ...! મારી દાદીમાંનાં નાકનું ટેરવું ફુંગરાયેલું. ઉપેક્ષાવૃત્તિ સાથે ઉષ્માવિહીન, મારા પ્રત્યેનું લાગણીહીન લાલન પાલન મારી માનસિક ને શારીરિક પ્રગતિનું રૂંધામણ મારી સ્વતંત્રતા છીનવી લીધી. ઘરમાં મારા અસ્તિત્વની ગણના થતી નહીં. મારી આશા અરમાનોના શબ મારા મનોખંડેરમાં રઝળતાં રહેતાં. મૌન લાચારતાથી નિહાળી રહેતી. કેમ કે હું સમજણી થઇ ગઇ હતી. મારે માથે કામનો ઢસરડો નાખવામાં આવ્યો હતો. ઘરની દરે વ્યક્તિ મારા પર જોહુકમી ચલાવતી. હું મૂંગી મંતર સહન કરતી.

સમયમાં વહેણ સાથે મારા શારીરિક અંગ ઉપાંગો કમળની જેમ ખીલતાં વિકસતાં ગયાં મારાં જોબનનો સુપ્ત સમંદર સળકવા લાગ્યો. આંબા મોરની માફક મારું યૌવનશ્રી સોળે કળાએ લૂમી ઝૂમી ઊઠ્યું. ઉરઉભાર થરકવા લાગ્યો. ઘરનાં વાતાવરણથી હું તંગ ને વાજ આવી ગઇ હતી. તેમાંથી છૂટવા મથતી. કોઇની પ્રીત પામવાની મધુર મનીષા મનમાં જાગતી ગઇ...! મારા યૌવનનો દરિયો હેલે ચડ્યો. મન વિવશ બન્યું. મોજાં તરંગાતાં ગયાં. તેનાં મીઠા હાસ્યે હું તેના તરફ ખેંચાતી ગઇ. તેની મદહોશ બાહોમાં સમાવા તલપાપડ થઇ ઊઠી...! હું એક ડગલું આગળ વધી. તેના મોહક માદક આંખોના ઇશારે, મારું ઉર ધડકી ઊઠ્યું. હું તેની બાથમાં સમાવા દોડી...! ત્યાં જ બૂમ પડી... અલી...એ...ઇ...ય હવે ક્યાં સુધી ઘોરવાનું છે? દૂધ લઇ આવ...!

ગુણ પ્રસંગ પડે ત્યારે પરખાય પણ રૂપ થોડું છાનું રહે છે? કે રાખી શકાય? મારા નિરખતા રૂપલાવણ્ય પાછળ ગામના છેલ બટાઉ યુવાનો પાગલ બની, મારા ઉભરાતા યૌવન સાથે ફાગ ખેલવા તલપાપડ હતા. મારા પૂર્ણ ખીલેલા પુષ્પ યૌવનની સુગંધને પામવા કંઇ કેટલીય લાલચો આપી મને ફસાવવા પ્રયત્ન કરતા. તેમના નશાભરી વિલાસીને વાસનાભૂખી આંખો મારાથી સહન થતી નહીં. તેમના ચેન ચાળાથી તંગ આવી ગઇ હતી. બીજી બાજુ ઘરનાં કામકાજના બોજામાંથી ક્યારે મુક્તિ પામી, મુક્ત ગગનમાં વિહરીશ...! તેમ વિચારતી...ને ત્યાં જ મારી ભાવિ સાથે રમત રમાઇ. એમાં નથી ન્યાય કે નીતિ...! સંતાનનું અઘટિત કરવાનો મા બાપનો કોઇ અધિકાર નથી. પણ ટોપલો દહેજ આપતાં કમર ન તૂટી પડે, તે માટે તેઓએ મારાં લગ્ન એક બીજવર સાથે કરી દીધાં. મારો સોદો થયો...! મા બાપે સોદામાં જોઇતા પૈસા પડાવી લીધા અને જિંદગીની નિશ્ચિંતતા અનુભવી. મારા સેવેલ મધુર સોણલાં... સુંદર, સુશીલ ને શિક્ષિત પતિ પામી આ દોજખમાંથી મારો છૂટકારો થશે અને મધુ સુખાનંદ પામીશ ! મારી ઇચ્છાઓ, આકાંક્ષાઓ પત્તાંના મહેલની માફક કડડભૂસ કરતી તૂટી પડી...!

તે રોજ રાતે દારૂના નશામાં ચકચૂર થઇ, એલફેલ બોલતો મારા યૌવન સાથે ગમે તેમ અડપલાં કરવા આવતો, હું તેને ખાળવા પ્રયત્ન કરતી. તે વધુ બળવતર બની મને મારતો, ઝૂડતો ને વીંખી પીંખી નાખતો...! છેવટે થાકી નશામાં પોઢી જતો. હું બળતી મન મનાવતી. પણ મનમાં આક્રોશ ઉઠતો...પુરુષને માત્ર મોજ જોઇએ છે, તેને જવાબદારીનું ભાન રહેતું નથી. સ્ત્રી એટલે રમવાનું રૂપકડું રમકડું...! તેને માટે સ્ત્રીઓનો પણ હિસ્સો હશે. પુરુષ માને છે તે સ્ત્રી ઊર્મિલને બુદ્ધિહીન પ્રાણી છે. સ્ત્રી એટલે માત્ર જાતીયવૃત્તિ સંતોષવાનું સાધન કે જ્યારે પુરુષ ઇચ્છે ત્યારે ભોગવી શકે. તે તો નિત નવા ફૂલે ભમતો ભ્રમર...! ભાગ્યમાં જે લખ્યું તે ખરું ... તેમ મન મનાવી, મારા પતિની આંખમાં નિર્મળતા જોવા, ને એના શુદ્ધતમ અંતરમાં પ્રતિબિંબિત થવાની મારી ખેવના ઝાકળબિંદૂની માફક લુપ્ત થઇ ગઇ. હું ઇચ્છતી કે જીવનમાં ઊર્મિને ભાવનાની ભરતી આવે, પણ હાય...રે... ભાવના વિહોણું, રસહીન શૂષ્ક જીવન...! હા...અનેક કષ્ટો વેઠી હું ઘડાતી ગઇ. પરિસ્થિતિનો સામનો કરવાની મારામાં હિંમત આવતી ગઇ.

એક દિવસ પીઠેથી નશામાં ચૂર આવતા મારા પતિને ખટારાએ અડફેટે લીધા...! મારી ચૂડીઓ નંદવાઇ...! મારા નામ આગળ અશુભ...ગં.સ્વ. લાગી ગયું. પતિની ઉત્તરક્રિયા માટે ભેગી થયેલ સ્ત્રીઓના મુખમાંથી કંઇક શબ્દો વહેતા... મૂઇ છપ્પરપગી, જીવતા ધણીને ભરખી ગઇ...! સમાજના રીતરિવાજ મુજબ ઘરનો એકાંત ખૂણો પામવાનું કહેવામાં આવ્યું. મેં અઢળક આંસું સાર્યાં. જેવું મારું ફૂટેલું નશીબ...! વ્યથિત, વલવલતું ને લાચારીભર્યું અસહાય જીવન...!

મારા પતિના મરણ પછી ગામના કહેવાતા આગેવાનો આશ્વાસન આપવાના બહાને ઘરે આવતા ને મારા ભીના, ભીના નિરખતા, નિતરતા રૂપ અમીને પીતા. એ દંભીકો પોતાનો વ્યભિચાર સંતોષવા મારા પ્રત્યે ઉપર છલ્લી લાગણી સહાનુભૂતિ દર્શાવતા ને જોઇતા કરતા પૈસા લઇ જવા કહેતા. એવા એ સમાજના મોભેદાર ને આબરૂદાર માણસોની આંખોમાં હું નર્યો વિલાસી વાસનાનો દારૂ છલકાતો ભાળતી. એ નશાયુક્ત, કામુક ને ખંધાઇભરી નજરો મને દઝાડી જતી...!

સમાજની મારી પ્રત્યેની વારંવાર આંગળી ચીંધણથી વધતા જતા મારા હૈયા ભારને તમારી સમક્ષ ઠાલવી હૈયું હળવું કરવા પ્રયત્ન કરું છું. આપણું સામાજિક માળખું ગુના વગર વ્યક્તિને બદનામ કરતું અન્યાયપૂર્ણને શોષણ પર ક્યાં સુધી આધારિત રહેશે? વિધવા થવું એ શું ગુનો છે? વિધુર પુરુષને સમાજ કેમ કશી આંગળી ચીંધતો નથી. તેને બીજી સ્ત્રી કરતાં રોકતો નથી. ખુશી આનંદ મનાવે છે જ્યારે વિધવા સ્ત્રા બીજો પુરુષ તો શું પણ પર પુરુષ પ્રત્યે દ્રષ્ટિ કે વાતચીત કરવી એ સ્ત્રી માટે ગુનો છે પાપ છે. સમાજના કેવા એકતરફી ક્રુર, મનસ્વી, જુના રીતરિવાજો સમાજ ઉપરથી આધુનિક પણ આતરિક વિચાર શરણી જૂની, જડ, પરંપરાગત ને ખોખલી રહેલી છે. જગતના લોકો જેને પાપ માને છે તેવું પાપ મારાથી થઇ ગયું. અત્યારે જે મારી દીકરી છે તે મારા ધણીથી પેદા થયેલ નથી પણ મારા ઉચ્ચ ને ઉત્કટ પ્રેમની એકમાત્ર સહારારૂપ નિશાની અને એક અજનબી યુવાનનું સંતાન છે. હું સંજોગોનો શિકાર બની જવાબદારીમાંથી ખસવાની વાત નથી કરતી...મેં કિશોરાવસ્થામાં સ્વર્નો ઘડ્યાં હતાં. સ્નેહસભર દાંપત્ય જીવન. પ્રેમાળ પતિની ઉષ્માળી, હૂંફ અને નાના બાળકથી આનંદ કિલ્લોલથી લહેરાતું ઘરનું મઘમઘતું વાતાવરણ...! તેણે લગ્ન કર્યાં હતાં પણ હું નામની પત્ની હતી. તે નિર્બળને વ્યસની પતિને પનારે પડી હતી. તે થોડો સમાજમાં પૈસે ટકે આબરૂદાર તેથી પહેલી પત્ની ભાગી જવાથી સમાજમાં માન મોભો જાળવવા માટે તેણે પૈસા આપી મારી સાથે બીજીવારનાં લગ્ન કર્યાં હતાં. તેમનામાં મર્દાનગીનો છાંટોય ન હતો.

વિધવા બન્યાના થોડા વખતમાં જ એક યૌવનથી થનગનતો પૌરુષત્વભર્યો મર્દ નોકરીમાં બઢતી થતાં મારી બાજુના મકાનમાં રહેવા આવ્યો. મારા ઘાટીલા શરીર સૌષ્ઠવ ને નિતરતા ભીના લાવણ્યભર્યાં છલકતા રૂપથી તે અંજાયો. અમે બન્ને એકબીજાને આકર્ષણરૂપ બન્યાં. એ સુંદર, સશક્ત ને સોહામણા યુવાનને દેખતાં મારી ભરપૂર બદને જોશભરી યુવાનીએ ઉન્મત એવી મારાથી સંયમની પાળ તૂટી ગઇ. એ યુવાનની સ્નેહાળ ઉષ્માળી બાહોમાં સમાઇ ગઇ. પ્રેમનો ઘૂંટેલ, અમીયલ, કુસુંબલ અમે ધરાઇ, ધરાઇ પીધો ને ક્યાંય સુધી અમે આનંદ સમાધિમાં લયલીન રહ્યાં. ને જુવાનીના જોશમાં હું આંધળકીયું કરી બેઠી. યુવાન તો ફરી બદલી થતાં ચાલ્યો ગયો. હું નથી તેનું નામ, ઠામ, ઠેકાણું જાણતી. માત્ર અમારા પળના પ્રેમનું પ્રતીક એ આ મારી અઢાર વર્ષની દીકરી.

બાળક રહ્યા જાણ થતાં મારા હોશ કોશ ઊડી ગયા પણ સાથે માતૃત્વનો અકથ્ય મહાનંદ હૈયામાં સમાતો ન હતો. તે અનુપમ આનંદ માટે મારે સમાજની નિંદા, ધૃણા, તિરસ્કાર ને મેણાં ટોણાં સહન કર્યે જ છૂટકો. સમાજનો ડર મનમાંથી કાઢી હિંમતથી ગર્ભપાત કરાવ્યા સિવાય મેં સુંદર દીકરીને જન્મ આપ્યો. દર દાગીના વેચી દીકરી ને ભણાવી ગણાવીને મોટી કરી. આજે દુઃખના ઢગ નીચે દબાયેલ છે મારી એક જ ભૂલને કારણે એ યુવાન દીકરીને પાસે બેસાડી મેં તેને મારી સઘળી હકીકત જણાવી. એને તેના અંધકારભર્યા જીવનમાં ઉજાસ, ઉલ્લાસ લાવવા તેના જીવનમાંથી દૂર ચાલ્યા જવાની વાત કરી. પણ એ મારી દીકરીએ સ્ત્રી સહજ ભીની લાગણીથી મારી વાતને પાછી ઠેલી. તેણે મારો કોઇ તિરસ્કાર ધૃણા કરી નહી. સમાજને બતાવી દેવા તૈયાર થઈ. હું પણ પશ્ચાતાપમાં શેકાવા લાગી. મારી એક જ ભૂલને લઇને ઉગતી કળીનું જીવન કરમાતું ભાળ્યું. તેનો જીવનવિકાસ અટકતો લાગ્યો. જ્ઞાતિના યુવાનોને મારી દીકરી ગમતી. મારી જ પ્રતિકૃતિ જોઇ લો મારાથી રૂપમાં પણ ચઢિયાતી ને ભણેલી; પણ વગોવાઇ ગયેલ માની દીકરીને ઘરમાં કેમ લવાય? લોકો આંગળી ચીંધે! માએ તો બેઉ કુળ બોળ્યા પણ તેની દીકરી કેવી નીકળે તેની શી ખાતરી! નામ વગરના બાપની. મારી દીકરીનો હાથ ઝાલવા કંઇક યુવાનો તૈયાર થતા પણ સમાજની આંગળી ચીંધણ ને કાન ભંભેરણીથી પાછા પડતા. બાકી મારી દીકરીમાં મેં મારી જાત નીચોવી સંસ્કારનું અમી સિંચન કર્યું. તેને કેળવી. તે સરસ મજાનું ઘર સજાવી જાણે છે. તે સ્ફટિક સમાન નિર્મળ, નિસ્પાપ ખીલતા પુષ્પને સમાજ આમ અકાળે મૂરઝાવી નાખશે? સમાજ આવી ક્રુર સજા કેમ કરતો હશે? શું સ્ત્રીની જીંદગી એક અભિશાપ છે?

મા દીકરી માટે સોનેરી દિવસ ઉગ્યો ખરો. મારી દીકરીની અનુપમ સુંદરતા...! જાણે સંગેમરમરના પથ્થરમાંથી કોઇ શિલ્પીએ સુરેખ કૃતિ જાણે કંડારી ન હોય! એવું ધવલ, સૌમ્ય, સુંદર, નિર્દોષ, નિસ્પન્ન લહેરાતું રૂપ! એક પર જ્ઞાતિનો ઠરેલ, પ્રેમાળ ને આનંદી યુવક મારી દીકરીનો હાથ ઝાલવા તૈયાર થયો. મને મારી દીકરીને પરણાવવાની અનેરી હોંશ અભિપ્સા પૂરી થઇ. અમારા બન્નેના જીવનમાં ન અનુભવી શકાય તેવી સુંદર બહાર લહેરાઇ ઉઠી...! હું નિશ્ચિંત બની. જીવનમાં પુરુષ જાતિના ઘણા કડવા અનુભવો થયા છે. છતાં જીવનની મધુરતા માણવાને જીવન જીવવા માટે સ્ત્રી પુરુષ બન્નેની આવશ્કતા છે. જિંદગીની પ્રત્યેક અવસ્થાએ સ્ત્રી પુરુષને એકબીજાની હૂફાળી જરૂર પડે છે. શુષ્ક જીવન જીવવું તે શું જીવન કહેવાય? તેથી જ મેં નિર્મળ, નિખાલસને દેખાવડા યુવકના હાથમાં આત્મ વિશ્વાસથી મારી દીકરીનું જીવન નાવ સોંપ્યું. પુરુષમાં હિંસક પાશવતા પ્રસરેલી છે પણ તે પશુ થોડો છે! હા...તેનામાં ઉદાત્તભાવના સાથે સુંદર ગુણ પણ રહેલા છે. સમાજ વ્યભિચારી, અત્યાચારી કે પાપી નથી. પણ માણસ વિવેકહીન બની સ્ત્રીઓ ઉપર અત્યાચાર, અનાચાર, બળાત્કાર ગુજારી બેસે છે. સમાજ તેવી વ્યક્તિઓને દંડ કેમ દેતો નથી? શું માનવીના કૂણાં હૈયામાંથી સ્ત્રી પ્રત્યે કારુણ્યતા, સહૃદયતા, પ્રેમાળતા ને માનવતા ચાલ્યાં ગયાં છે?

અનુક્રમણિકા

૭ : ઝમકું

ઝમકુંના રૂપનો ઝબકારો વીજળી જેવો હતો. ઘણી આંખો તે ઝબકારાથી અંજાઇ હતી. એ રૂપભર્યા યૌવનના લહેરાતા સાગરમાં ઘણા યુવાનો પ્રેમ સફર ખેડવા તૈયાર થતા પણ ઝમકુંનો મિજાજ, તાપ કરતાં પણ વધુ તેજ હતો. તેને જિરવવા કોઇ મરદમાં હામ ન હતી. તેની ફળીમાં તેજ એક એવા રૂપનો કટકો ચીંથરે વીંટળાયેલ પડ્યો હતો. દારૂની લતે ચઢી ગયેલ ગરીબ બાપ રવલો આખો દિવસ ઘરમાં જ પડ્યો રહેતો. બે દાડીયું કમાવવાની ત્રેવડ જ ન્હોતી. ઝમકું દાડીએ જતી ને બે પૈસા રળી લાવતી. તેમાં બે જણનું નભતું. દારૂ પીવાના પૈસા પણ ઝમકું પાસેથી રવલો કઢાવતો શીશો પેટમાં ઠાલવી, લથડિયાં ખાતો, બકતો ઝૂંપડીએ આવતો. રોજના આ નાટકથી ઝમકું ગળા સુધી આવી ગઇ હતી. પણ બાપ તરફથી કુણી લાગણીના પ્રવાહમાં તણાઇ, બાપના બેહૂદા વર્તનને સહન કરી જીનવ ગુજારતી. સુવાવડમાં રવલીની દવા સરખી ન થતાં ઝમકુંને જન્મ આપી તે પરલોક સિધાવી ગઇ હતી. રવલી પણ બેહદ રૂપાળીને સુંદર હતી. અરે રૂપનો ચટકો હતી. રવલો, રવલીને ખૂબ ચાહતો હતો. તે તેના રૂપમાં પાગલ હતો. રવલો તેના રૂપના નશામાં જ રહેતો. એવી એ ખૂબસુરત રવલીને પરણ્યો ત્યારે તેના રોમે રોમ આનંદની શરણાઇઓ ગુંજી ઉઠી હતી. એવી એ રૂપથી છલકાતી હતી. સુડોળ, પુષ્ટ, રેશમી મખમલી કાયા, તેની અણિયાળી સુંદર ભાવવિભોર આંખો, નિતંબ સુધી તેના લહેરાતા શ્યામ મુલાયમ વાળ, લાલ ચટક હોઠ, જાણે લીપસ્ટીકનો લસરકો ન કર્યો હોય. શર્મિલું સ્મિત, આવી નખશિખ સૌંદર્ય સ્મ્રાજ્ઞી રવલીને રવલો ખૂબ મોજ મજા કરતા, આનંદ માણતા, રવલી ચાલી જવાથી રવલો એકાંકી બન્યો. એકલતાના ડંખ ન જિરવાતાં તેના વિરહમાં યાતનાનું દુઃખ દર્દ ભૂલવા નશો કરતો અને સૂન મૂન પડી રહેતો. રવલી હતી ત્યારે તે ઘણો સુખી હતો. ભાગે ખેતર ખેડતો અને જે નીપજ આવે તેમાં બન્ને મજાથી જીવતાં. મહેનતું અને આચાર વિચારવાળો હતો. પણ રવલી જતાં તેનું જીવન ખારું થઇ ગયું. તે ભૂલવા નશો કરતો નશા માટે ઝમકું પાસેથી પૈસા કઢાવી નશો કરતો. નશા માટે ઝમકું પાસેથી પૈસા કઢાવતો. ઝમકું ન આપે તો ઝમકું ને મારપીટ કરીને પણ પૈસા કઢાવી નશો કરતો. દારૂનો નશો ઉતરી જતાં ઝમકું ને મનાવતો. ‘બેટી મને માફ કરજે, નશામાં તને શું નું શું કરી નાખું છું. તારા સમ આજથી દારૂને અડકે એ બીજા. પણ દારૂને ભાળતાં જ બધા સમ ભૂલી જતો. રવલીના વિરહમાં પાગલ જેવો બની ગયો હતો અને ખરાબ સોબતમાં તેની દાનત બદલાઇ ગઇ. દારૂના પૈસા ઝમકું પાસે ન હોય ત્યારે તે ઝમકું ને પોતાનું શરીર વેચવા કહેતો પણ ઝમકુંના આકરા તાપમાં બરફ પીગળે તેમ રવલો નરમઘેશ થઇ જતો. રવલાનું દયામણું મોં જોતી ત્યારે ઝમકુંને દયા આવતી. તે જાણતી હતી કે રવલો મારી માના પ્યારમાં ગળાડૂબ હતો તેથી તેના અંતરની પ્યાસ બુઝાવવા ઝમકું ખૂણે ખાંચરેથી પૈસા કાઢી આપતી. ‘મારી બેટી કેવી ડાહ્યી છે’ પૈસા મળતાં રવલો પ્યારથી બબડતો.

ઝવરા સાથે ઝમકુંનું ચોકઠું ગોઠવી દીધું. ઝવરો ખાધે પીધે સુખી હતો. બે પૈસા ભેગા કર્યા હતા નાનું એવું ગામમાં પાકું ખોરડું બાંધી થોડી આબરૂ રાખી હતી. તેના માબાપ થોડા વખત પહેલાં ગુજરી ગયા હતાં. તેનામાં રૂપનો છાંટોય ન હતો, પણ પૈસાવાળો હોવાથી ગરીબ રવલાને પૈસાની લાલચમાં છોડી ઝમકુંનું ગોઠવી દીધું હતું. તેના બદલામાં તેને બે ચાર હજાર મળ્યાં પણ હતા. ઝમકું પણ સમજીને પરણી ગઇ હતી. ઝમકુંની ફાટતી બળુકી જુવાનીને મૂઠી હાડકાનો બનેલો ઝવરો ક્યાંથી પુંગી શકે. સોહાગની પહેલી રાતે જ ઝમકુંને ખાતરી થઇ ગઇ હતી કે ઝવરામાં રામ નથી. પણ ધરમમાં આસ્થા હતી. કાલે સારું થશે. એક ભવમાં બે ભવ કરવાનું પાપ મારે કરવું નથી. શરીર સુખમાં શું બળ્યું છે તે, સમજી પ્રભુને જીવન સોંપી દીધું. જોકે પોતાની જુવાની વેચીને મોજ મજા માણી શકે તેમ હતી. પણ સમજું ઝમકું એ તેમ કરેલ નહિ. પોતાના ભાગ્યમાં સુખ નહીં લખાયું હોય તેમ માની તેનો અફસોસ કરવો છોડી દીધો.

ઝવરાના ભાઇબંધો ઝમકુંના નિતરતા નિર્મલ રૂપને પીવા, માણવા, અવારનવાર આવતા થોડી ઠઠ્ઠા મશ્કરી પણ કરતા. ઝમકું નિર્દોષને નિષ્કપટ અને સરલ ભાવથી તેઓની સાથે વર્તતી. તેને એવી ગંધ પણ ન આવતી કે તેઓ આવી ઠઠ્ઠા મશ્કરી કેમ કરે છે. ભાઇબંધો છે તે ભાભીની મશ્કરી કરે પણ ખરા એમ તે માનતી, આમ દોસ્તદારોની રોજની અવરજવર ચાલું થઇ ગઇ. પછી તો ધીમે ધીમે ઝવરાને સંગનો રંગ લાગ્યો. દારૂનો નશો કરવા લાગ્યો. રાત પડતાં મહેફિલનો ગુલાબી રંગ ઘરમાં જ નિખરવા લાગ્યો. ઘરનું વાતાવરણ અને દિવાલોમાં નવું ચેતન આવતું. હા હા અને હી હીનું અટ્ટહાસ્ય ગૂંજી ઉઠતું. બસ એક મુજરાની કમી રહેતી. આવા વાતાવરણનો સ્પર્શ ઝમકુંને દઝાડી જતો. તેનું અંતરમન ચિત્કારી ઉઠતું. દુઃખ, દર્દ થતું પણ લાચાર હતી. તેની આંખોમાં લહેરાતા સાગરના મોજામાં ઓટ આવતી તૃપ્ત ધરા પર પડેલ જલ બિંદું ધરામાં શોષાઇને ઘરા તૃપ્ત જ રહે તેમ ઝમકુંના હૈયામાં ઘૂંટાતો અમીયલ આનંદ અંદર જ શોષાઇ જતો અને ઘેરા નિસાસાની દર્દ ભરી આહ નિકળી પડતી.

સૂરજ ઓલીમેર ધીરે ધીરે ડગ ભરી રહ્યો હતો. સંધ્યાના ઉજાસની લાલિમા ઝાંખી થતી જતી હતી. મંદિરની સંધ્યા આરતીની ઝાલર બજી રહી હતી. અંધારા અવનિને ઘેરતા જતા હતા. એવે સમયે મિત્ર માધો ઝવરાને ત્યાં બેસવા આવ્યો. ઝવરો કામ અંગે બહાર ગયો હતો. આવો લાગ શોધતો માધો મનમાં મલકાતો ખુશ હતો કે ઝમકું સાથે આજે એકાંતમાં ઘડી બે ઘડી મોજ માણવા મળશે. ઝમકુંના ભોળા હૈયાની નિર્દોષતા, નિખાલસતા અને રેલાતા શરમના શેરડાથી મીઠી મીઠી લાજે લજવાતી ઝમકુંના વ્યવહારે માધો એમ જ માનતો કે ઝમકુનું કુણું હૈયું મારા તરફ ઢળ્યું છે. આ પહેલાં ઠીક વાત કરવાનો મોકો મળતો નહીં. આજે ઠીક સમો ભાળી માઘો હરખાતો હતો. ઝમકું સાંજનું વાળું બનાવવામાં ગૂંથાઇ હતી. ઝમકુંએ માધાને આવકાર્યો. સામાન્ય વાતચીત થઇ પણ માધાને તો પ્રેમની બે રસઝરતી, મીઠી વાત કરવી હતી. ને ક્યારનોય અકળાતો પણ ઝમકું કોઇ વાત છેડતી નહિ. આડી તેડી વાતચીતમાં સમય જતો ભાળી માધાએ સીધું જ ઝમકુંનું કાંડું પકડી પોતાની પાસે ખેંચી,‘વ્હાલી તારા પર તો કેઇ દહાડાનો ઓળઘોળ થયો છું. મારા હૈયાની રાણી નમાલા ઝવરામાં તે શું બળ્યું છે તે તું બેઠી રહી છે, હાલ મારી હારે તને શેર દેખાડીશ, સિનેમા બતાવીશ, લોજમાં જમાડીશ, ટેશ રહી જશે. મોજ મજા કરીશું’. કહેતોકને તેને બથભરી, એકદમ તો ઝમકું ડઘાઇ ગઇ. છુટવાનો પ્રયત્ન કરતી બોલી, ‘હરામજાદા, નીચ, નીકળ મારા ઘરમાંથી. ઝવરાને આવવા દે તને પોશરો ન કરાવું તો મારું નામ ઝમકું નહિં. કહેતાંક એક તમાચો માધાને મારી દીધો ગાલના ચમરાટે માધો વિફર્યો. એક જ ઝાટકે ધમકુંના વાંસાથી બ્લાઉઝનો ચીરો બોલાવી દીધો. ઝમકુંના ગોરા, લીસા માખણીઆ બદનનું ભર્યું ભર્યું નિતરતું રૂપ નિહાળી માધાની લોલુપતા ઓર વધી ગઇ. તેનું આકુળ વ્યાકુળ મન ઝમકુંના દેહને ભોગવવા તડપી ઊઠ્યું. માધો છૂટેલ ઝમકુંને ફરી પકડવા પ્રયત્ન કરે તે પહેલાં તો વિફરેલી ઝમકુંએ કુહાડી હાથમાં લઇ ઉપરા ઉપરી ઘા માધાને ઝીકી દીધા. માઘો લોહી લુહાણ થઇ ઢળી પડ્યો. લોહીની નદી વહેવા માંડી. લોહીનો લાલ રંગ ભાળતાં જ ઝમકું ગભરાઇ મૂંઢ જેવી બની ગઇ. પોતાના હાથે હત્યા થઇ જાણી, પારેવા જેવા ભોળા હૈયાનો ફફડાટ ઓર વધી ગયો. ત્યાં જ દારૂ ઢીચેલ ઝવરો ઘરમાં દાખલ થયો. થોડી લડખડાતી ચાલમાં લોહીના રેલામાં પગ લપસ્યો. કપડાં, હાથ પગ લોહીથી ખરડાઇ ગયું. માધાને લોહીમાં તરબોળ ભાળી, ઝવરો લવ્યો, ‘ઝમકું તેં આ શું કર્યું, તને જેલ થશે, સજા થશે, પણ ઝવરા આમાં મારો કોઇ વાંક નો’તો. માધાએ મારી આબરૂ પર હાથ નાંખ્યો અને મારાથી ન કરવાનું થઇ ગયું. ઝવરાને ટુંકમાં બધો ખ્યાલ આવી ગયો. ઝમકું તને જેલ થશે તો શું કરીશ? તને ત્યાં ગમશે? કેટલાય ભૂખ્યા ડાંસની આંખો તારા તરફ મંડાશે? તને વીંખી પીંખી નાંખશે, તને પામવા ગમે તે કરશે, માટે લાવ કુહાડી મારા હાથમાં, ઝવરાએ ટુંકમાં ઝમકુંને બધું બરાબર સમજાવી દીધું. કુહાડી લઇ ઝવરો સીધો પોલિસ સ્ટેશન દોડી ગયો. ત્યાં પહોંચીને વિગત કહી કે હું મારા ઘરમાં દાખલ થતો હતો ને માધો ઝમકુંની આબરૂ લેવા પ્રયત્ન કરતો હતો ગુસ્સામાં મારા હાથમાં કુહાડી આવી ગઇ ને મેં માધા પર ઝીંકી દીધી. ને માધાને ઝાટકી નાખ્યો. પોલિસ કેસ થયો. ઝવરાને જન્મટીપની સજા થઇ. ને ઝમકુંને માથે આભ તુંટી પડ્યું. એકલું શે જીવાશે? સમાજ મને એકલીને જીવવા દેશે ખરો? અને તેમાંય પુરુષ જાત...! હું ક્યાંયનીય નહીં રહું? હું શું કરું?

વિચાર વમળમાં અટવાયેલી, માર્ગ કાઢી, અંતે ઝમકું પોતાના બાપને ત્યાં આવી ગઇ. રવલાને તો જોઇતું હતું ને વૈદે કહ્યું. તેને હવે દારૂના પૈસા મળતા રહેશે. રાજીનો રેડ થઇ ગયો. દિવસો વીતતા ગયા તેમ ઝમકું પાસે જે પૈસા હતા, તે ખલાસ થઇ શરીર પરના બચેલ દાગીના પણ ખાધા ખોરાકી અને ઝવરાના દારૂમાં ચાલી ગયા. ઝમકુંને હવે સમજાયું કે હું બરબાદ થઇ ગઇ એક ચૂલામાંથી છૂટી બીજા ચૂલમાં ફસાઇ. ખેતરમાં દાડીએ જઇ બે પૈસા રળી લાવતી ને ગુજરાન ચાલતું. ઘણીવાર ઝમકું વિચાર વંટોળમાં ક્યાંની ક્યાં ચાલી જતી... મારા લીધે ભોળો અને પ્રેમાળ ઝવરો જેલ ભેગો થયો. દારૂએ જ દાટ વાળ્યો... ઝમકું એકલી પડતાં જ સૂનમૂન જેવી થઇ જતી. ઝવરાને વિચારે ચઢી જતી. ‘નિર્દોષ ઝવરો જેલમાં અધમુવો થઇ જશે, અરેરે હાય! મેં આ શું કર્યું! મેં તેને કેટલો દુઃખી કર્યો. બાજી હાથમાં ન હતી, લાચાર હતી, પશ્ચાતાપ ઘણો કરતી. પ્રભુને પ્રાર્થના કરતી કે હે પ્રભુ તેને વહેલી તકે સજામાંથી મુક્ત કરજે. આર્દ્રતામાં આંખમાંથી નિર્મળનીર નીકળી પડતાં. ઝવરાની સારી ચાલચલગતથી એને જેલમાં સારી કામગીરી કરવા બદલ તેની સજામાં ઘટાડો થયો. જનમટીપને બદલે ૧૦ વર્ષની જેલ ભોગવવી પડશે. આ સાંભળતાં જ ઝમકુંની આનંદ ખુશી માતી ન હતી. પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી ખરી! ઝમકુંને બાકીનો સમય કેવી રીતે કાઢવો તે જ ચિંતા હતી. ઝવરાના વિરહમાં તે સુકાતી ગઇ. ચહેરાનું નૂર તેજ ઝાંખું પડતું ચાલ્યું. દુઃખ, દર્દ, પીડા, પ્યાસ, તડપન અને અસહ્ય એકલવાયી જીંદગી ને બાપનો ત્રાસ...!

ઝવરાના ખોરડે એકલું રહેવાય તેમ ન હતું. તેની જીંદગી બરબાદ કરવા ઘણા ટાંપીને બેઠા હતા. તે સમજું હતી. પોતાનું ચારિત્ર્ય અને સ્ત્રીત્વ લૂંટાતું બચાવ્યું હતું. મારો બાપ ન હોત તો હું ક્યારનીય ન રહેત. પણ જે બચ્યું તે જ તેને મન ઘણું હતું. મારા ઝવરાની અનામત છું તે જ્યારે જેલમાંથી છુટીને આવે ત્યારે હું શું મોંઢુ બતાવત. મારા શુદ્ધ ચારિત્ર્યની સામે સાગર સમાન દુઃખ, યાતનાની કંઇ વિશાત નથી એમ હૈયાધારણ રાખતી. ભલે ઝવરો નામર્દ છે, નમાલો છે, પણ પોતાનો ધણી તો છે તેને વિશ્વાસઘાત કરવા તેનું મન ના પાડતું હતું. જીંદગીની બાકીની ક્ષણો, સમય, સુખ દુઃખ, આનંદ, પીડા તેની સાથે જ ગુજારવાનું તો છે ને. ભલેને શરીરભૂખ ન સંતોષાય. પણ નિર્મળ, પવિત્ર અને શુદ્ધ ચારિત્ર્ય હોવું જ જોઇએ તે જ ભારતીય નારીનો ધર્મ છે. ધર્મ પ્રત્યેની આસ્થાથી એમ માનતી ને દિવસો પસાર કરતી. જો કે આટલા લાંબા ગાળાના વિયોગ, વિરહ, તડપનમાં શરીરની લોલુપતા નષ્ટ થઇ ગઇ હતી અને વધુ ધર્મ તરફ વળી હતી. પશ્ચાતાપમાં અંતરને બાળી, શરીરે કષ્ટ વેઠી શુદ્ધ કંચન બની હતી.

જેલના દરવાજાની કિચૂડ કિચૂડ થતી લોખંડની બારી ખૂલી. ઝવરાએ ધીમેથી માથું નીચું નમાવી દશ વર્ષ પછી ખુલ્લી ને મુક્ત હવામાં ડગ ભરવા બારી બહાર પગ મૂક્યો. આંખ ઉંચી થતાં સામે... આરસમાંથી કંડારેલ સૌમ્ય મૂર્તી ! શૂષ્ક અને એકવડી રેખાઓમાં ઢાળેલ નીચી નમણી આંખોવાળી ઝમકુંને ભાળી. બન્ને ગદ્‌ગદ્‌ થઇ ગયાં! પોતાના ખોરડે આવ્યાં. જેલના દશ વર્ષના કારાવાસથી ઝવરામાં ઘણો ફેરફાર થયો હતો. જેલની ક્મરતોડ કામગીરીથી ઝવરામાં નવું જોમ, જોશ ને પૌરુષત્વ આવ્યું હતું. જેલના અસભ્ય તોછડાઇભર્યા વર્તને તેનામાં ઘણા સદ્‌ગુણ ખીલ્યા હતા. ઘણું જાણવાનું, શીખવાનું ને જીવવાનું મળ્યું હતું. તેના માનસમાં ધરમૂળથી ફેરફાર થયો હતો. ઝમકું, ઝવરાના પગે પડી. નિર્મળ છલકાતી આંખો નીરથી ઝવરાના પગ પખાળતી માફી માગવા લાગી...ઝવરા તું તો મારો દેવ છે...! સાચી ગુનેગાર તો હું હતી, પણ તેં મારો ગુનો કબુલી જેલવાસ ભોગવ્યો. અરેરે મેં કેવડો મોટો ગુનો કર્યો. ઝવરાના સજ્જન દિલમાં ઝમકું પ્રત્યે સ્નેહની સરવાણી ફુટી તેનું મન પોકારી ઊઠ્યું. ઝમકુંએ કેવો મોટો ત્યાગ, તપસ્યા કરી જીવનનો ભોગ આપ્યો. તેણે શુદ્ધ ચારિત્ર્ય સાથે સત્ય, નિખાલસતા, ભોળપણ, દુઃખ, દર્દ, પીડા, વિરહ તડપનની અસહ્ય યાતના ભોગવી પશ્ચાતાપમાં જીંદગી ગુજારી નાખી, કેવી હાલત બનાવી દીધી છે.

ઝમકુંને ઉષ્માથી બાવડેથી ઝાલી ઊભી કરી, સ્નેહ સભર છાતીએ ચાંપી દીધી. બે હૈયાના હુંફાળા સ્પર્શે અલૌકિક આનંદ પ્રસન્નતાના ઝરણ ખલખલ વહેતા માંડ્યાં. પૌરુષી ઝવરાનું જોમ ઉછળી આવ્યું. લાગણીઓ આળસ મરડી બેઠી થઇ. બન્નેના અતૃપ્ત, તડપતાં હૈયાં ક્યાંય સુધી એકબીજાના આલિંગનમાં ભીસાતાં રહ્યાં. પોતાનો ગુનો કબુલતા ઉષ્માળા સ્નેહ સ્પર્શનું અકથ્ય ને અલૌકિક સુખ માણતાં રહ્યાં. લગ્નબાદ ઘણાં વર્ષો પછી બે શુદ્ધ આત્માઓનું સાચું, મિલન થયું. અવિસ્મરણિય આનંદની અનુભૂતિ માણી, તૃપ્તિનો ઓડકાર લઇ નવેસરથી જીંદગીની મંજિલે બન્નેએ વિશ્વાસ અને શ્રદ્ધાથી ડગ માંડ્યા.

એક વર્ષમાં ઝવરો છોકરાનું ઘોડિયું હિંચોળતો, પોતે બાપ બન્યો તેના આનંદમાં ડૂબકાં ખાતો અગમમાં ખોવાઇ ગયો હતો...! ઝમકું કિલ્લોલતી, આનંદતી, પોતે મા બની તેની હૈયા હોંશમાં ઓળઘોળાયેલી રંગીન સ્વપ્નની દુનિયામાં સરી ગઇ હતી...!!

અનુક્રમણિકા

૮ : તૃષ્ણા ત્યાગ

તપને તેના નામ પ્રમાણે જીવનના અનેક સંઘર્ષો વેઠીને સદ્‌ગુણોનો ખજાનો ભેગો કર્યો હતો. તે એક ગરીબ કુટંબમાં જન્મ્યો હતો. ગરીબીમાં જીવન પસાર કર્યું હતું. તેથી તે જીવનની અનેક ઝંઝાવાતો સામે અડીખમ ઉભો રહેતા શીખ્યો હતો. નાનેથી મોટા થતા અને ભણતાં તે અનેક મુશ્ક્લીઓ માંથી પાર ઉતર્યો હતો તે જ્યારથી સમજણો થઇ ઘડાતો ગયો ત્યારથી તે કદી કાલની ચિંતા કરતો નહી, તે માનતો કે ભૂતકાળની કાળી ડિબાંગ મુશ્કેલીઓનો સામનો કરી શક્યો છું તો આજે કેમ ન કરી શકું? આ વિચારધારાએ તે એક ફેક્ટરીનો મેનેજર બન્યો હતો. સમયના મોજાની થપાટોથી તેના સોહામણા મુખ પર કરચલીઓની કળાઓ ઉઠી આવી હતી. સમયની સાથે ઉંમર પણ પોતાની ચાડી ખાઇ તપનના કૃષકાયની તાસીર સમાજને બતાવી હતી કે જે શરીરે અને સંકટો વેઠી, અનેકોને કામધંધે વળગાડ્યા હતા. અનેકોને સીધે રસ્તે દોર્યા હતા. તેવા છ ફુટનો વિશાળ છાતી વાળો, સિંહ સમાન પાતળી કેડ વાળો, વાંકડીયા ઝુલ્ફાવાળો અત્યારે એક જ નજરમાં આંખમાં વસે તેવો તપન અન્યમન્સ્ક પણે ભૂતકાળની એવી અનેક વાતોને વાગોળતો તૃષ્ણાના વિચારમાં ખોવાયેલો પોતાની ચેમ્બરમાં બેઠો હતો. એકલવાયી જીંદગીમાં ઉત્સાહની ઓટ આવી હતી. તેણે અનેક દુઃખના મહાસાગરો ઓળંગી સુખના આકાશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં તેની માન આબરૂ હતી, પણ એકલવાયી જીંદગીમાં તેના હસી ખુશી વરાળની માફક ઉડી જતી.

સમાજના ચારે ખુણેથી તે ફેંકાઇ ગયેલો હતો પણ હિંમતથી તેણે તેની શક્તિ બહારનું કામ કરીને રણક્ષેત્ર સમાન જીવનને પસાર કરેલ. નાનપણમાં તે રેલ્વે સ્ટેશને મજૂરી કરતો. ઉંમરમાં નાનો તેથી જોઇએ તેવી મજુરી મળતી નહિ. પણ કોઇના દિલમાં દયા વસતી તો ક્યારેક વધારે મજુરી મળતી, કદી તે પોતાની સાચી સ્થિતિથી સામેની વ્યક્તિને વિશ્વાસમાં લેતો તો તે વધારે મજુરી મેળવતો. આ થોડી આજીવિકા પર ઘરડી મા અને પોતાના જીવનનો ગુજારો કરી ખંત અને ધગશથી ભણતો તે અનેક જાતની મજુરી કે કામ મળતું તે કરતો. છાપુ પણ વેચતો. હોટલમાં કપ રકાબી ધોતો પણ હસતે મુખે નાનમ લાવ્યા સિવાય. તેને શ્રદ્ધા ને વિશ્વાસ હતો કે મારા વેરાયેલા સપના ભુકો થએલી આશાઓ, અહીં તહીં પડેલ ભગ્ન પ્રેમના ટુકડાઓને જરૂર એક દિવસ એકત્ર કરી દુનિયામાં સ્વમાન ભેર જીવતો હોઇશ ગરીબીને લઇને ક્યારેક તે ડગી જતો પણ ઘરડી મા તેના વાંસે કંપતો હાથ ફેરવી તેને બે શિખામણ દેતી ‘બેટા સચ્ચાઇને હિંમત ક્યારેય ગુમાવતો નહિ. સચ્ચાઇ જ તને એક દિવસ મોટો માણસ બનાવશે. હિંમતથી તારા જીવનમાં જીવવાની હામ રહેશે, દુઃખ પર આંસુ સારતો નહિ. અન્ય સુખી લોકોને જોઇને ઇર્ષા કરતો નહિ,’ ઘરડી મા કહેતી ‘જેની આંખ આંસુઓની સરિતાથી ધોવાઇ સ્વચ્છ બની હશે તે જ માનવી આ દુનિયામાં સુખી, સંતોષી ને સમાજમાં પ્રીતિપાત્ર બનશે.’

આજે તપન એવો જ સુખી, સંતોષી ને પ્રીતિપાત્ર હતો. ફેક્ટરીમાં ઘણા મજુરોને શિખામણ દઇ, શીખવતો ને જીવનના સાચા રાહ પર લાવતો તે કદીક કોઇ દુઃખીને પૈસાથી અને તનથી મદદ કરતો. આશ્વાસન આપતો દવાદારુ કરતો પણ નિઃશ્વાર્થ ભાવે પોતે દરેક રીતે ઘસાઇને ફેક્ટરીના માણસને પોતાના સ્વજન ગણી સેવા કરતો અને કેમ તેઓ સુખી થાય તે જોતો. ફેક્ટરીના મજુરોના રહેઠાણ માટે શેઠીયાઓને સમજાવી પાકા મકાનની વ્યવસ્થા કરેલી તેમના બાળકોના ભણતર માટે શાળાનો બંદોબસ્ત કરી અનેક ગરીબ અનાથ બાળકોના જીવન સુધારવા પ્રયત્નશીલ રહેતો.

તપને સામાન્ય જીવન શરૂ કરી જીવન દર્શનની ગહનતા શોધવા અનેક પ્રયત્ન કરેલ તે માનતો કે જીવન એ પાઠશાળા છે તે ભૂતકાળને ભુલી જતો વર્તમાનને મહત્વ આપી જીવતો ને ભાવિ માટે વિચારતો પણ કોઇ બાબતનીે ચિંતા કરી સંકટ વહોરતો નહિ. ભવિષ્યની ચિંતા જ માણસને પાંગળો અને ડરપોક બનાવી મૂકે છે. જીવનના અનેક અનુભવો માંથી તે શીખેલો કે સમય આવતાં તેની સામે લડવાની બુદ્ધિ ને શક્તિ આપોઆપ આવી જતી હોય છે. નાની તકલીફો કે તુચ્છ વિષમતાને ગણકાર તો નહિ. પોતે જ શેઠ અને પોતે જ નોકર સમજી જીવન વિતાવશો તો ક્યારેય દુઃખી થવાશે નહીં. તે સનાતન સત્ય સમજતો. ક્યારેક ફેક્ટરીનો મજુર ભૂલ કરે તો પણ મનમાં લાવતો નહિ. ઉપરથી તેના પર ઉપકાર કરતો ને લોકચાહના મેળવતો.

માનવીનું જીવન ક્યાં સુધી એકાંકી રહે સહારા વગર મોભ પણ ટકી શકે નહિ તો માનવી શી વસ્તુ છે? તપન એકલવાયી જીંદગીથી કંટાળી ગયો. ક્યારેક ભૂતકાળમાં ડોકિયું કરતો અને ઉદાશી વહોરતો. કોલેજકાળ દરમ્યાન તપન એક ધનાઢ્ય યુવતીના પરિચયમાં આવતા પ્રેમ શું છે? ત્યારે જ તેની સમજમાં આવ્યું હતું કે પ્રેમ એ શક્તિ છે કે પાનખરથી ઉભરાયેલ જીવનની શુષ્કતાને ખસેડી સદાબહારની મધુરતાને ખીલવે છે. તપન ભણવામાં હોંશિયાર તેથી તેની નોટશ અવાર નવાર તૃષ્ણા લઇ જતી. તેમાંથી ધીમે ધીમે પ્રેમની કળી ફુટી પુષ્પમાં પરિણમી. તેઓ બાગમાં મળતાં અનેક વાતો કરતાં. ખુલ્લે મને હસી ખુશી, નિર્દોષ આનંદ લુટતો. તૃષ્ણા પોતાની કારમાં ક્યારેક કોલેજથી તેના ઘર સુધી લઇ જતી ઠઠ્ઠા મશ્કરી કરતા અને યુવાનીના મોહક મીઠા થનગનાટને અનુભવતા બન્નેએ કોલેજ અભ્યાસ પુરો કર્યો.

અભ્યાસ પુરો કર્યા પછી નોકરી માટે તપન અનેક જગ્યાએ ફર્યો. ઘણી જગ્યાએથી જાકારો મળ્યો પણ તે હિંમત હાર્યો નહિ. પ્રયત્ન ચાલુ રાખ્યો અને એક દિવસે તે એક ફેક્ટરીનો મેનેજર બન્યો. તપન તૃષ્ણાને ભુલ્યો નહોતો. અવાર નવાર મળતાં ને પ્રેમાનંદ માણતા તેમાં અચાનક ઓટ આવી. તૃષ્ણા અને તપનના સુવાળા સ્નેહ સંબંધથી વાકેફ તૃષ્ણાના પિતા દીકરી માટે સારા મુરતીયાની શોધમાં જ રહેતા હતા. ગરીબ ઘરના દીકરાને પોતાની પુત્રી પરણાવવા હરગીઝ તૈયાર નહોતા. પણ દીકરીને પિતા માની જશે તેવી આશા હતી તે ઠગારી નીવડી દીકરીની કાકલુદીઓને ઠોકર મારી પિતા શ્રીધરરાયે ફોરેન રિટર્ન ધનાઢ્ય પિતાના પુત્ર તિમિર સાથે લગ્ન કરી દીધા. તપન તૃષ્ણાના પ્રકાશમય જીવનમાં ગાઢ તિમિરતા છવાઇ ગઇ.

તપનના જીવન સાગરમાં પ્રેમાનંદ ભરતી ઉછાળા મારતી હતી ત્યાં વિલોપનની કારમી ઓટ આવી ચઢી. શ્રીમંતોની આ દંડ નિતી તપનથી સહી ગઇ નહિ તે સામે તપનનું કંઇ ચાલે તેમ ન હતું.

અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ વર્ષોથી ખોદાઇ આવી છે, અને ખોદાતી રહેશે. જ્યાં સમાજની આધાર શીલામાં અમીર ગરીબ વચ્ચેના સંબંધનો તફાવત રહેલો છે. ત્યાં તપન બિચારો એકલો શું કરી શકે? લાચારીના નકાબને મુખ પર ઓઢવો પડ્યો. જીંદગીની મુશ્કેલ પગથાર ચડતો હતો ત્યાં આ બનાવે તપનને લગભગ ભાંગી પાડ્યો. તે હાંફી ગયો લાગતો. જીવવાનો રસ સુકાઇ જતો લાગ્યો. પણ જે અનેક મુશ્કેલીઓ પાર કરી આજ જે સિદ્ધિ હાસલ કરી હતી. તે ખોવા માંગતો ન હતો. ફરી હિંમત એકઠી કરી જીવનના રાહે ડગ માંડવા પ્રયત્ન કરી રહ્યો. તપન માનતો કે સુખ ક્યારેય શાશ્વત રહ્યું નથી. સુખ દુઃખની ઘરમાળ જીવનમાં ભરતી ઓટ માફક આવતી જતી હોય છે. અત્યારે જે જીવન છે તેમાં જ સંતોષ માની આગળ કેમ ન વધવું? બીજાની આશા રાખી ત્યારે તેને નિરાશ થવું પડ્યું. આશા ક્યારેક બેવફા પણ નીવડે છે. તેથી તપનને ક્ષુબ્ધ અને દુઃખી નહિ થઇ જવા જેવા જેટલી સમતા કેળવી તેનું તત્વજ્ઞાન કહેતું ‘કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં રડી આંસુ સારવા નહિ પણ તે સ્થિતિને હળવાશથી લઇ તેના પર હસતાં રહેવાથી આપોઆપ દુઃખની માત્રા ઘટતી જશે.’

પ્રેમમાં ભગ્નાશા આવ્યા પછી થોડાક દિવસોમાં ઘરડી મા એ તપનનો સહારો છોડી કાયમી વિદાય લીધી વહાલસોયી માં ચાલી જતાં કોને દુઃખ ન થાય? જીવનનું સઘળું દુઃખ જાણે તેના માથા પર આવી પડ્યું હોય તેમ અનુભવવા લાગ્યો. પણ જેનું જીવન જ દુઃખના આવરણમાં હતું તેનું શું? એક વધુ દુઃખને અનેક સ્વજનની જેમ આવકારી લીધું. આવતા દુઃખોને તમે ઓળખશો તો તમારૂ જીવન અને તમારી દુનિયાના પાસાને ખુબ જ સારી રીતે સમજી શકી જીવન જીવવાની જડી બુટી હાથવગી કરી શકશો તો એવાં દુઃખો ભાગ્યે જ નડતર રૂપ બનશે. આ સનાતન સત્ય જીવનમાં સ્વીકારશો તો જીવન ધન્ય બની જશે તેવું તપનને પણ અનુભવની એરણ પર ઘડીને જીવનમાં ઉતાર્યું હતું. છતાં દિલમાં અપાર વેદના હતી. પ્રેમમાં મળેલ નિષ્ફળતાને બીજી બાજુ માના મૃત્યુંનું અકથ્ય દુઃખ મમતાનો સ્નેહ ગુમાવ્યો હતો. આથી જીવન જીવવાનો રસાળ રસઝરો ખુટતો લાગ્યો. તે મનને મનાવતો ને મનની વિશાળતાને વિસ્તારતો રહ્યો.‘વસુધૈવ કુટુંમ્બ’ની ભાવનાને હૈયામાં જલતી રાખી રહ્યો. હવે તે એકલો ન હતો અનેક સ્વજન હતા. એક વિશાળ પરિવારનો મુખ્ય સુજ્ઞધાર બન્યો હતો. પોતાની ચેમ્બરમાં નિરાશા અને હતોત્સાહમાં અટવાતો હતો પણ જીવન જીવવાનું સાચું તત્વજ્ઞાન હાથ લાગતાં કરચલીવાળા મુખ પર ખુશી હતી, સંતોષ હતો અને હૈયામાં અનેરો આનંદ ઉભરાતો હતો અને માનવતાનો પૂજારી બની પૂજાવા લાગ્યો હતો.

અનુક્રમણિકા

૯ : અંતરનો અવાજ

પોલિસ સબ ઇન્સ્પેક્ટર આલમઝેબને અઝરાબીબીએ પૂછ્યું, ‘‘ક્યાં સવારી ઉપડી?’’ ‘‘આંદોલનકારો મોટું સરઘસ કાઢવાના છે તેના બંદોબસ્ત માટે જવાનું છે.’’ અંતિમવાદીઓ અને ત્રાસવાદીઓને પકડવા, દાણચોરોને ડામવા, સમાજતત્વો વિરોધીને જેર કરવા વગેરે તમારા ઝપાટાથી, ધાકથી લોકો તમારી જલ્લાદમાં ગણનાં કરે છે. હું બજારમાં શાકભાજી લેવા નીકળું છું ત્યારે લોકો કુતુહલપૂર્વક મને નિહાળે છે, આડોશીપાડોશી ખાસ બોલતા નથી. તમારી ગેરહાજરીમાં એફલી ઘરમાં ગોંદાઇ : હું છું. હવે તંગ થઇ ગઇ છું આ બધું છોડી, સારી છાપ પાડવા પ્રયત્ન કરો. દયાળું બનો, પ્રેમથી વર્તો જા...જા...એ કંઇ આપવાથી ન બને હું કોણ પેલાં... સબ... ઇન્સ્પેક્ટર....!

શહેરનું વાતાવરણ ભારે તંગદિલી વાળું થઇ ગયું હતું. રસ્તા સૂમસામ, સર્વત્ર ભય આમ શાંતિ, તોયે લોકોને એકઠાં થવામાં રસ પડતો, મઝા આવતી. કંઇક કરી બતાવવાની ઉમેદથી યુવાનો જાણે ન ચડ્યા હોય? ઠેર ઠેર બંદૂક ના ટોળા ધારી પોલીસનો કાફલો હતો.

સરકારની બંધી હોવા છતાં અખિલેશની આગેવાનીમાં સરઘસ નીકળ્યું. તોફાન ન થાય તે માટે પોલીસ ટુકડી સાથે આલમઝેબ આવી પહોંચ્યો. તેણે સરઘસને વિખેરી નાખવા તેમજ પાછું જવા માટે એનાઉન્સ કર્યું. આગળ આવી અખિલેશે કહ્યું ‘‘તમે અમને અટકાવો છો તે કરતાં અમારી માંગણીઓ વ્યાજબી છે. અમે કોઇ અણછાજતું વર્તન કે તોફાન કરીશુ નહિ.’’ ‘સરઘસ અહીંથી આગળ જવાનો હુકમ નથી. તમારે પાછા જવું પડશે,’ અક્કડતાથી આલમઝેબે કહ્યું. અખિલેશે નીડરતાથી જવાબમાં કહ્યું, ‘‘હથિયાર અને સત્તાના જોરે અમને રોકી શકો છો, પણ અમે પાછા ફરવા આવ્યા નથી.’’

આલમઝેબ વિમાસણમાં મુકાયો, વિચાર કરે ત્યાં જ ડી.એસ.પી. સાહેબની જીપ આવી. હવે વધારે થોભાય તેમ હતું નહીં. ડી.એસ.પી. સાહેબને પોતાનું કામ બતાવવાનો મોકો હાથથી જવા દેવો હતો નહિ તેથી લાઠી ચાર્જનો ઓર્ડર આપી દીધો. પોલીસ કુમક સરઘસ પર તુટી પડી,આલમઝેબે પણ પોતાનો જમાવવા અને કડપ જામવાને બતાવવા અખિલેશ પર લાઠીનો વરસાદ વરસાવ્યો. તે ઢળી પડ્યો. ઘણા લોકો ઘવાયા નાશ ભાગ શરૂ થઇ ગઇ. અખિલેશને તાત્કાલિક દવાખાને ખસેડાયો માથામાં સખત ફટકા વાગવાથી ડોક્ટરે મરણ પામેલ જાહેર કર્યો.

અખિલેશની સ્મશાનયાત્રા નીકળી જેણે જેણે વાત સાંભળી તેઓ જોડાવા લાગ્યા અને સ્મશાનયાત્રા સાથે ચાલતા આલમઝેબ પર ફિટકાર વરસાવવા લાગ્યા. ક્રુર અને ઘાતકી જલ્લાદ છે. તેવા વાગ્બાણો સાંભળતાં પો.સ.ઇ. આલમઝેબ અસ્વસ્થ થઇ ઉઠ્યો પોતાના આ કામને લોકો નીચ, કૃત્યમાં ખપાવવા લાગ્યા અને તેમાંય અખિલેશની પત્નીનું, કઠણ કાળજાને કંપાવે પીગળાવે તેવું કરૂણ હૈયાફાટ આક્રંદ...!

કરડા આલમઝેબના કાડમીંઢ દિલમાં દયાનું ઝરણું ઝરતું થયું એ લાગણીભીના અંતરમાંથી અગાધ કરુણાનો ધોધ વછુટ્યો. કરુણાશીલ હૈયું સહાનુભુતિનો સાગર છલકાવી શકે છે. તેનાથી પ્રેમ અને સત્યની પવિત્ર ધારા વહેતાં જ ... લોકોને ભડકાવતા લાગતા આગેવાન અખિલેશની કાયમી વિદાયે સરકારે તેને પ્રમોશન આર્ડર મોકલી આપ્યો. છતાં પોતે પોતાના સ્વાર્થને પોષવા એક ઉગતા યુવાનની હત્યા...! બીજી બાજુ એક નિર્દોષ નારીનું શિરછત્ર ઝુંટવી લીધું તે પાપ...! તેનો માંહ્યલો જાગૃત થઇ ઉઠ્યો. અંતરના અવાજે તે સજળ ભાવાંજલિ અર્પવા સરકારને પ્રમોશન ઓર્ડર સાથે પોતાનું રાજીનામું મોકલી આપ્યું...!!!

અનુક્રમણિકા

૧૦ : સમસ્યા

આશીર્વાદ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન હોવાથી ડૉ. માનવ અને હોસ્પિટલની મુખ્ય પરિચારિકા સમસ્યા અનેક કામોની ધમાલમાં રચ્યાપચ્યા હતાં. તેમના મુખ પર અનેરા આનંદસાગરની લહર ફરફરી રહી હતી. હૈયામાં ખુશીની ભરતી ઉછાળા મારતી હતી.

કળિયુગમાં વધતા જતા દર્દ, રોગોથી પીડાતા દર્દીઓની આક્રોશતા, તેમની તડપન, તેમના આંસુઓ દ્વારા ટપકતી તેમની દારૂણ વ્યથા, માનવીના મનને ભાંગી, કેવી હચમચાવી મૂકતી હોય છે. ટી.બી., કેન્સર, હાર્ટએટેક, બ્રેઇન ટ્યુમર અને બ્લડ કેન્સરથી હતાશ થયેલા, જીવન હારી ગયેલા માનવીને આ હોસ્પિટલ જરૂર બેઠા કરી શકશે, નવજીવન બક્ષી જીવન જીવવાની હામ અને આશા આપી શકશે. અસાધ્ય એવા રોગોમાં રાહત જરૂર આપશે. ગરીબ દર્દીને ફીમાં રાહત આપી, તેમના દુખ-દર્દ મીટાવી સાથ-સમા થઇ અંતરની દુવા દેતા, હસતા મુખે ઘેર જશે એવા સુંદર વિચારથી ડૉ. માનવની ખુશીનો અને આત્મસંતોષનો પાર નહોતો.

માનવ જ્યારે નાનો હતો ત્યારે તેના દાદીમાને કેન્સર થએલ. દાદીમાના અથાગ પ્રેમથી માનવનું બાળપણ ગુજરતું. દાદી મા તેને અનેક દેશ-વિદેશની, રામાયણ-મહાભારતની વાતો કહેતા. માનવ હોંશે હોંશે સાંભળતો. તેને મજા પડતી. દાદીમા રોગથી પીડાતા ત્યારે માનવને વાતો સાંભળવા મળતી નહિ તે આતુરતાથી દાદીમાને પૂછતો ‘હેં મા! દવા કરવા છતાં રોગ કેમ મટતો નથી? તમને ઘણું થાય છે, તમને હાથ ફેરવું.’ તેની લાગણી અને કાલી ભાષાથી દાદીમાનું હૈયું દ્રવી ને પીગળી જતું. ક્યારેક આંસુ પણ આવી જતા ત્યારે માનવ પણ રોઇ લેતો. દાદીમા કહેતા, ‘બેટા! મને મટી જશે, હું તદ્દન સારી થઇ જઇશ ને ત્યારે ખૂબ સરસ વાતો કહીશ.’ તેવું આશ્વાસન આપતા. પણ કેન્સર એવો અસાધ્ય રોગ બધું જ કેન્સલ કરે છે. અને એક દિવસે દાદીમા દુનિયા છોડી ચાલી જાય છે ત્યારે માનવને ઘણું દુઃખ થાય છે. બસ ત્યારથી જ માનવે મનમાં ગાંઠ વાળી કે હું ભણીને ડૉક્ટર થઇ, લોકોના દર્દ મીટાવીશ, તેની ધગશ, તેનો ઉત્સાહ; તેની હિંમતથી આજે તે ડૉક્ટર બન્યો હતો. અને તેમાંય આજે આશીર્વાદ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન થતું હોવાથી વર્ષો પહેલાં રચેલ સ્વપ્ન સાકાર થઇ નક્કર આકાર ધારણ કરતું હોવાથી અને સેવાનો મહાન ભેખ જિંદગી પર્યન્ત ધારણ કરવાનો હોવાથી તેના આનંદની કોઇ સીમા નહોતી.

રોગથી પીડાતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થતાં તેમને વિશ્વાસ, આશા બંધાય છે કે હવે મારું દુઃખ-દર્દ જરૂર મટશે. હું સાજો- સમો થઇ ઘેર જઇશ. ડૉક્ટરને નિહાળતાં જ દર્દીનું દુઃખ ઓછું થવા માંડે છે. સમાજમાં ડૉક્ટરનું વ્યક્તિત્વ જ એવું નિરાળું છે અને તેમાંય ડૉક્ટરના નિખાલસભર્યા સ્નેહસભર માયાળું વર્તનથી દર્દીને આશા બેસે છે. અહીં સારવાર લેવાથી જરૂર દર્દ મટશે જો દર્દી દૃઢ વિશ્વાસ અને શ્રદ્ધા રાખે તો જરૂર તેમના દર્દમાં રાહત થઇ દુઃખ-દર્દ-વ્યથા ઓછા થાય તેમાં શંકા નથી હા તેવું દ્રઢ મનોબળ માનવીને કેળવેલું હોવું જોઇએ પછી ભલે અસાધ્ય દર્દ લાગું કેમ પડેલું ન હોય?

ડૉ. માનવ અને મુખ્ય પરિચારિકા સમસ્યા હોસ્પિટલના રોજિંદા જીવનમાં ગૂંથાઇ જતાં. તન-મન અને ધનથી લોકસેવા કરતા. તેઓનું અનોખું વ્યક્તિત્વ તેમજ માયાળું સ્વભાવથી દર્દીઓ પણ દુઃખ- દર્દમાં આનંદ-ખુશી અનુભવતાં. તેઓને સ્વજન જેવા લાગતા ડૉક્ટર દંપતિએ ક્યારેક દર્દીઓને પારકા માન્યા ન હોતા. પોતાના કુટુંબની જ વ્યક્તિની જે રીતે સારવાર થાય તે રીતે તેઓ હોંશથી અને ધગશથી કામ કરતા. દર્દીના દુઃખ-દર્દમાં કેમ રાહત થાય તે વિચારમાં સતત પ્રયત્નશીલ રહી લોક-સેવા કરી જીવન ધન્ય-માનતા જીવનનો સાચો આનંદ માણતા અને સંતોષથી જીવન પસાર કરતા.

માનવી ભલે ગમે તેટલો મોટો હોય કે નાનો ગરીબ હોય કે શ્રીમંત પણ સંતાનસુખ ન હોય તો જીવન કાંઇ નથી, જીવન અધૂરૂ છે, જીવવું નકામું છે. સંસારમાં સંતાન-સુખ સાચું છે. ધન-દોલત, ઘોડા-ગાડી, બંગલા-નોકર-ચાકર હોય પણ તેને શું કરવાનું? માનવીની મોટામાં મોટી આશા-આકાંક્ષા, સુખ અને સંતોષ તે સંતાન જ છે. તેને માટે માનવી આકાશ-પાતાળ એક કરતો હોય છે.

ડૉ. માનવ અને સમસ્યા સાથે ભણતા હતા અને લાંબા સહવાસથી પ્રેમનો છોડ પાંગર્યો, કળી ફૂટી અને પુષ્પ ખીલી મહેંકી ઊઠ્યું. આમેય બન્નેનું કાર્યક્ષેત્ર એક જ હતું. એકમેકને મદદ કરતા થવાશે. ધંધો સારો ચાલશે ને જીવન સુખ-શાંતિ ને સંતોષમાં વ્યતિત થશે તે આશાથી બન્નેએ લગ્ન કર્યું હતું. યુવાનીના થન-ગનાટમાં ખેલતાં, કરતાં ને મજા લૂંટતાં જીવનના થોડા વર્ષો બન્નેએ પસાર કર્યા તેમાં કોઇને બાળકનો ખ્યાલ ના આવ્યો પણ હોસ્પિટલમાં એક નાના બાળકનો કેસ આવ્યો, તેની કીડની કામ કરતી ન હતી. તેની સારવાર થવા માંડી. બાળક સુંદર હતું. કોઇને પણ ગમી જાય અને તેને વહાલ કરવાનું મન થાય તેવું હતું. મુખ્ય પરિચારિકા સમસ્યાની દેખરેખ નીચે તેની સારવાર થવા માંડી પણ થોડા દિવસમાં તેનું મૃત્યું થયું તે આઘાતે બાળકના માતાપિતાનું કરુણ કલ્પાંત સમસ્યાથી જોયું ગયું નહિ.

હવે સમસ્યાને બાળકની માતા બનવાની ભૂખ ઉઘડી. એક કિલ્લોલતા બાળકનું આગમન ઘરમાં થવું જ જોઇએ. પણ કેમ થતું નથી? ડૉ. માનવ આગળ સમસ્યાએ બાળકની માતા બનવાની વાત છેડી. માનવે ખાત્રી આપી હતી કે સમસ્યાએ બાળકની માતા બનવા લાયક છે કે કેમ? પોતાનામાં ખાત્રીપણું છે કે કેમ? માનવે દાક્તરી રિપોર્ટ કરાવ્યો પોતે સંપૂર્ણ પુરૂષ છે અને બાળકનો પિતા બનવાની ક્ષમતા ધરાવે છે તેવું તે રિપોર્ટ પરથી માનવને માલૂમ પડ્યું હતું અને સમસ્યા ખામી યુક્ત હોવાથી, સમસ્યાની વાત હસી કાઢી, બહાના બનાવતો અને કહેતો કે ‘‘બાળકની શી જરૂર છે હજુ ક્યાં આપણે વૃદ્ધ થઇ ગયા છીએ હજુ તો પ્રેમ કરવાની ઉંમર છે. તારો પ્રેમ તાજા પુષ્પ જેમ મઘમઘી રહ્યો છે! આપણે શું મસ્તીથી જીવન જીવતા નથી?’’ માનવની ઉડાઉ વાતોથી સમસ્યાને શંકા ગઇ કે નક્કી કંઇક બાબત છે. વિચારને અંતે તેણીએ દાક્તરી તપાસ કરાવી અને જાણ્યું કે તે ક્યારેય માતા બની શકશે નહિ. આ વાત જાણતાં તેનું માતૃત્વ વધુ પોકારી ઊઠ્યું! ગમે તેમ થાય પણ હું માતા જરૂર બનીશ, મારે બાળક તો જોઇએ. માનવ સમસ્યાને ક્યારેક સમજાવતો કે આ હોસ્પિટલમાં જે કોઇ વ્યક્તિ કે બાળક આવે છે તે આપણા સ્વજનો છે. તું તેઓને સાચા હૃદયથી પ્રેમ કર. તને જરૂર તેમાં તારા જ બાળકનો પ્રેમ મળશે. શું આપણું જ બાળક હોવું જરૂરી છે? દરેક માનવી જીવનમાં તેમની આશાઓ, સ્વપ્નો કે તેમના અરમાનો પ્રમાણે બધું પામી કે મેળવી શકતો નથી. અગર જો માનવી તે પ્રમાણે પામી શકતો હોત તો આજે જે પ્રભુ પ્રત્યે આસ્થા છે શ્રદ્ધા-વિશ્વાસ અને તેના પ્રત્યેની ઉચ્ચ ભાવના જીવનમાં રહેલી છે. તે ભૂલાઇ ગઇ હોત અને માનવી ક્યાંનો ક્યાં પહોંચી અધોગતિની ખીણમાં ડૂબકાં ખાતો હોત આજે જે કંઇ આપણે પામી શક્યા છે તેમાં જ સંતોષ આનંદ માણી પ્રભુનો પાડ માન કે આપણે આજે જીવનની મંઝિલ સુખ-ચેનથી કાપી રહ્યા છીએ. સમાજમાં આપણી માન-આબરૂ ચારેબાજુ ફેલાયેલી છે તેજ જીવનકર્મની ખરી પ્રગતિ છે અને તેમાં જ જીવવું જોઇએ તો જ જીવ્યું પરમાણ થશે. જીવન ધન્ય બનશે.

ત્યાં એક દીવસ સમસ્યાની બહેનપણીનો ફોન આવ્યો. ફોનમાં કહેતી હતી ‘‘સમસ્યા એક સુંદર સમાચાર છે બોલ હું કહું તે પ્રમાણે કરીશ તો ધન્ય બની જઇશ. એક ત્રણ-ચાર વર્ષનું સુંદર પણ અનાથ બાળક મારી પાસે આવ્યું છે તેને પ્રેમાણ કુટુંબની જરૂર છે. મારા જાણીતા કુટુંબોમાં તારા સિવાય અત્યારે કોઇ નથી બોલ તેને રાખીશ? તેને પાળીશ, પોષીશ?’’

સમસ્યા ઘડીભર તો અવાક બની ગઇ. પોતાની વધતી જતી ઉંમર પતિ સાથે હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીની કામગીરીમાં કેવી રીતે સાચવી શકશે? મારે બાળક તો નથી અને બાળક તો જોઇએ છીએ... દ્વિઘામાં અટવાતી ફોનમાં બોલી નાખ્યું ‘‘જરૂર રાખીશ. તેને મારા પેટના દિકાર જેમ રાખીશ. સાર-સંભાળ હું પોતે રાખીશ. તેને મોટો કરીશ. પ્રેમથી વંચિત બાળકને પ્રેમ આપીશ. હૂંફ આપીશ.’’ ત્યાર પછી સમસ્યાએ ચારેક અનાથ બાળકોને પોતાને ત્યાં આશ્રય આપ્યો. ડૉ. માનવ અને સમસ્યાએ હોસ્પિટલમાં અને ઘરની મૂશ્કેલ પરિસ્થિતિમાં અનાથ બાળકોને અપનાવી માતા-પિતા જેવું વાત્સલ્ય અને કુટુંબનું ભર્યું ભર્યું સંસ્કારી વાતાવરણ ઉભું કરી તેઓનું ઘડતર કરતા ગયા.

છૂટા-છેડા લીધેલ મા-બાપનું બાળક, મા કે બાપ ન હોવાથી અનાથ બનેલ બાળક, સાવકા માતા-પિતાનો ત્રાસ વેઠતું બાળકનું આશ્રયસ્થાન ડૉ. માનવ અને સમસ્યાનું ઘર બન્યું જુદી જુદી ભૂમિકાવાળા બાળકોને મોટા કરવા અને તેમનું ઘડતર કરવું મુશ્કેલ કામ તો હતું પણ માનવ અને સમસ્યાએ માતૃ-પિતૃ પ્રેમ વરસાવી, કૌટુંબિક ભાવના ખીલવી, સાથ-સહકારના વિવિધ પાઠ શીખવી, સમાજથી વિખૂટા પડેલ બાળકોને સામાજિક દૂષણ અને પ્રવૃત્તિમાં સામેલ થતા બચાવી, ચારિત્ર્યશીલ બનાવી, તેઓએ બાળકોના જીવનમાં સદગુણો ખીલવી, ઉપયોગી જીવન જીવવાની તાલીમ આપતા, ત્યાં બાળકોની અનેક સમસ્યાઓને સુલઝાવતા જીવનની સાચી ધન્યતા અનુભવવા લાગ્યા.

માનવીનું જીવન પણ અનેક સમસ્યાથી ઉદભવતું, રહસ્યમય રહેલ છે. ક્યારેક માનવીનું ધારેલું બનતું નથી અને વળી બીજું કંઇક જુદું જ નિર્માણ થઇ, માનવી સામે પ્રશ્નાર્થ થઇ શું ખડું થતું નથી?

અનુક્રમણિકા

૧૧ : સ્ત્રી-ચરિત્ર

દિલ્હી સ્ટેશનથી ઉપડેલો ફ્રન્ટિયર મેલ ધસમસતો આગળ ધપતો જતો હતો. જાણે કોઇ વિહવળ પ્રિયતમ પોતાની પ્રિયાને મળવાને આતુરપૂર્વક શૂન્ય મને દોડ્યો જતો, રસ્તામાં શું પસાર થયું, કયું સ્ટેશન આવે ને જાય તેની ખબર રાખ્યા વગર તેનું એકમાત્ર લક્ષ્ય સ્થાન તો ભારતની મોહમયી નગરી મુંબઇએ પહોંચવાનું હતું.

શિયાળાની ઋતુ હોઇ, વાતાવરણમાં ઠંડીનું ઠીક ઠીક પ્રમાણ હતું. ફર્સ્ટ ક્લાસનો ડબો એ ડબામાં એક સોહામણો યુવાન મુસાફરી કરે. લાંબી મુસાફરીથી કંટાળેલો હોય એવો એ લાગતો હતો. એણે મીલીટરી ઓવરકોટ પહેર્યો હતો. માથે ગરમ ટોપી અને મફલર ગળે વીંટાળેલું, પગમાં ગરમ મોજાં ઉપર હોલ-બૂટ પહેરેલો લાંબા પગ કરી, આરામ કરતો હતો. બારી-બારણાં બંધ હતાં. સામાન વ્યવસ્થિત ગોઠવેલો હતો.

રાતના સમયે સૂરત સ્ટેશને મેલ ઉભો રહ્યો. એક રૂપસુંદરી યુવતી ફર્સ્ટ ક્લાસ ડબાની શોધમાં ફરતી ફરતી જ્યાં પેલો ફૂટડો યુવાન હતો. તે ડબામાં ચઢી. પોતાની સીટ પર બેઠક લઇ, નાનકડી બેગમાંથી મેગેઝીન વાંચવા માટે કાઢ્યું. આધુનિક ને ફેશનપરસ્ત એ સ્ત્રીને જાણે મુસાફરીનો સારો એવો પરિચય હોય તેમ ઘડાયેલી લાગતી હતી. સામેની બર્થ પર એક જ નવજુવાન મુસાફર હતો તેથી તે રાજીના રેડ થઇ ગઇ. સારી કંપની મળશે અને વખત પસાર થઇ જશે તેનો આનંદ તેના સુરેખ ચહેરા પર વર્તાતો હતો.

બે ટકોરા પડ્યા, ગાર્ડની સીટી વાગતાં તે લીલો વાવટો ફરકતાં ડબાના બારણાં ધડાડધ બંધ થવાલાગ્યાં ને મેલે પોતાની ધીમી ગતિમાંથી વેગ પકડતાં દોડ શરૂ કરી. ધીમે ધીમે મેલમાં જાણે વધુ ચેતન આવવા લાગ્યું.

સામેની બર્થ પર બેઠેલ યુવતી, ગૌરવર્ણી અને નાજુક હતી. છતાં માંસલ અંગોથી શોભતી હતી. ઘરેથી સજ્જ થઇને આવી હતી. છતાં વધારે પોતાના રૂપને નિખાર લાવવા પ્રયત્નો કરી, અન્યને આકર્ષવા ઇચ્છતી હોય તેમ લાગતું હતું.

યુવતી સાથે પ્રવાસ કરી રહેલ મુસાફર શાન્ત હતો એ એના ખયાલોમાં મગ્ન હતો. પેલી કામિની તે પુરૂષ સાથે વાતચિત કરવા તલપાપડ થતી કોઇ માર્ગ શોધી રહી હતી. પણ તે યુવાન મુસાફર યોગીની અદામાં પોતાની મસ્તીમાં જ લીન હતો. થોડા વખતનામૌન પછી, ઘનઘોર વાદળોથી ઘેરાયેલા વાતાવરણમાં કોઇ કોયલડીનો મીઠો ટહુકો ગાજી રહે તેમ આછા ઘેરા વાદળી રંગના સાબુમાંથી માદક ટહૂકો નીકળ્યો ‘‘મિસ્ટર શું આપનું નામ? ક્યાં જવું છે?’’ પણ તે યુવાને કંઇ જ સાંભળ્યું ન હોય તેમ અનુત્તર રહ્યો. એટલે પછી પેલી કોયલડી શાંત રહે ખરી? યુવતીએ ફરીથી પૂછ્યું ‘‘આપે મેં તમને કહ્યું તે સાંભળ્યું નહીં, આપને ક્યાં જવું છે? ક્યાંથી આવો છો? ‘‘હેં, શું આપે મને કશું પૂછ્યું?’’ યુવાન જાણે ઊંડા વિચારમાં હોય તે રીતે સામો પ્રશ્ન કર્યો. ‘‘જી, હા... આપને! આપણા બે સિવાય ડબામાં ત્રીજું કોઇ છે ખરું?’’ ‘‘મારે મુંબઇ જવું છે.’’ યુવાને ટૂંકાક્ષરી વાતમાં પતાવ્યું. ‘‘તમને ઊંઘ આવે છે?’’ પેલી સુંદરીએ પૂછ્યું. ‘‘હા...હા... એવું જ કંઇક.’’ ‘‘તમને વાતચીત કરવાનું મન થતું નથી. અને તેય પાછી એક સુંદર ને યુવાન યુવતી સાથે?’’ ‘‘પરસ્ત્રી સાથે કારણ વગર વાત કરવી એ સજ્જનને શોભે નહીં, હું દિલ્હી થી આવું છું એટલે થાકેલો તો ખરો?’’

‘‘ઓહ.. એમાં શું? વાતો કરવાથી થાક ઉતરી જાય અને સમય પસાર થતાં કંટાળો આવે નહીં. વાતચીતથી નવું કંઇક જાણવાનું મળે, કોઇ પ્રશ્નની ચિંતા સતાવતી હોય તો ઉકેલ જડે. નવી દોસ્તી બંધાય, નવા સહવાસથી આનંદ થાય. નવી નવી ઓળખાણથી તો અલભ્ય લાભ પણ થાય. આપને ખબર હશે કે ઓળખાણ તો કીંમતી ખાણ છે.’’ એક વિદૂષીને છાજતી છટાથી પોતાનું રસભર્યું વાક્ચાતુર્ય દર્શાવતાં પોતાની સાથેના યુવાનને મગગમતી કંપની મળતાં હળવાશ અનુભવાય એ હેતથી સ્ત્રી-ચરિત્ર અજમાવવા માંડ્યું.

‘‘કોઇપણ અજાણી સ્ત્રી સાથે વાત કરવામાં મને રસ નથી.’’ પણ પેલી માનુની એને મનાવ્યા સિવાય ક્યાં છોડે એમ હતી? એ કહે ‘‘દેખાઓ છો તો અપટુડેટ, સ્માર્ટ, હેન્ડસમ. સુધરેલા જેવા છતાંય આમ જૂનવાણી વિચારના અને સનાતની જેવા કેમ લાગો છો? શું તમે કોલેજનો અભ્યાસ કર્યો નથી? કર્યો હોય તો જરૂર ગર્લફ્રેન્ડ બનાવી હોય જ. અને કંઇ કેટલી મોજ-મસ્તી, આનંદ માણ્યો હશે?’’

‘‘જુઓ હું આધુનિક વિચારસરણી વાળો હોઉં કે કોલેજનો અભ્યાસ કર્યો હોય આ બાબતોને શું લાગે વળગે છે? સુધરેલા કે જૂનવાણીની આ બાબત જ નથી!’’ યુવાનને બોલવું ન હોતું છતાં જવાબ આપ્યા વિના છૂટકો જ ક્યાં હતો.

‘‘એટલે શું આપ સ્ત્રી સાથે વાત કરવામાં નાનપ અનુભવો છો? સ્ત્રીઓથી તો આ દુનિયા રચાઇ છે. માણસનો સંસાર ઉજળો છે. પુરૂષ જીવતો રહી શક્યો છે. સ્ત્રી ના હોત તો પુરૂષને સાથ-સથવારો કોનો? સ્ત્રી જ પુરૂષને હૂંફ દઇ શકે છે.’’

યુવતીને વળતો જવાબ આપતાં યુવાન કહે છે ‘‘હું બધું ય સમજું છું એકલી સ્ત્રી કે એકલો પુરૂષ કાંઇ જ કરી શકતો નથી. એ સંસાર રથના બે પૈડા છે. દામ્પત્ય-જીવન તો જ મધુરું બની રહે.

‘‘સ્ત્રી ન હોય તો ઘરની કેવી દશા થઇ રહે? સ્ત્રી, પુરૂષથી કંઇક વિશેષ છે એ તો ખરું ને?’’ પેલી મુગ્ધાએ વાર્તાલાપ આગળ ધપાવવા માંડ્યો.

‘‘શું ખરું ને શું ખોટું, સારાસારનો નિર્ણય તો ક્યારનોય થઇ ગયેલો છે. સૌ સૌની શક્તિ-ગજા પ્રમાણે ચાલે છે. પણ અહીં વિવાદને સ્થાન જ ક્યાં છે?’’

‘‘વિવાદની વાત જ નથી. સત્ય તારવવાની વાત છે. સ્ત્રી વિના પુરૂષ હાંફળો, ફાંફળો, બાધા માફક બની શું રહેતો નથી? યુવાનીની અંગડાઇ લેતી મદ મસ્ત રૂપ-સૌંદર્યથી સભર યુવતીઓ પાછળ શું યુવાનો ઘેલા બની નથી જતા? પાગલ શી દશા થઇ રહે છે. કોલેજ યુવતીઓ પાછળ કોલેજીયનો બેફામ પૈસા ઉડાવી શું નથી રહેતા?’’ સ્ત્રીનું મહત્વ દર્શાવતા યુવતીના નયનોમાં અત્યારે કંઇ ઓર ખુમારી આવી ગઇ હતી. કાજળથી અંજાએલાં એ ચક્ષુઓમાં વિદ્યુતપ્રકાશની ઓર ચમક આવી રહી લાગતી હતી. યુવાનને મહાત કરવાના પ્રયત્નો કરી રહી હતી.

‘‘સ્ત્રીની પાછળ પુરૂષ કે પુરૂષની પાછળ સ્ત્રી એ જ એક કોયડો છે, બીજ પહેલું કે વૃક્ષ પહેલું? એ જેમ અણઉકેલ્યો કોયડો છે.’’ તેમ યુવાને પાસું બદલતાં સહસાં કહ્યું.

‘‘સ્ત્રી કેટલી બધી નમણી ને નાજુક જાણે લજામણીનો છોડ! કવિઓએ અને સાહિત્યકારોએ એની કમનીય પાતળી દેહલતાના રૂપ- સૌંદર્ય, લાગણ્યનાં ભારોભાર વખાણ કરેલાં છે. તે આપની જાણ બહાર તો નહિ જ હોય? સ્ત્રીના રૂપ પાછળ ઋષિ વિશ્વામિત્ર પણ ચળી ગયા હતા. મત્સ્યગંધા આગળ તપસ્વી મુનિનું મન ડગી ગયું હતું. ભીલડીને જોઇને ભગવાન શંકરેય નૃત્ય કરવા લાગ્યા હતા! પછી સ્ત્રીનું સ્થાન અગ્રપદે ખરું કે નહિ?’’ વાતને લંબાવતાં, નયન નચાવતાં, મુખકમળનું માદક હાસ્ય વેરતાં, એ ચારું મુખી બોલી.

‘‘પુરૂષ કે સ્ત્રીનાં રૂપ-ગુણના વખાણ કર્યેુ કંઇ વળતું નથી. સ્ત્રીને જરા ઉંચું સ્થાન આપી મનાવવાને માટેનો એ પેંતરો શું ન હોય? બાકી પશુઓમાં સિંહ સુંદર કે સિંહણ? પક્ષીઓમાં મોર સુંદર કે ઢેલ? કૂકડો સુંદરકે કૂકડી? એમ મનુષ્યોમાં પુરૂષ સુંદર કે સ્ત્રી? સ્ત્રી જો નખશીખ સર્વાંગ સુંદર હોય તો પછી તેને લાલી-લિપસ્ટિક, પફ-પાવડર, આધુનિક વસ્ત્ર ધારણ કરવા કે અલંકારોથી વિભૂષિત થવાની શી જરૂર છે?’’ યુવાને પેલી યાત્રી યુવતી આગળ સચોટપણે દાખલા રજૂ કર્યા. ‘‘પણ પુરૂષો સ્ત્રીઓ પાછળ ગાંડા-પાગલ, દિવાના બને છે એ વાત શું ખોટી છે? ના દીપ-પ્રકાશયત્‌ સ્પષ્ટ છે.’’

‘‘કદાચ માની લો કે એવું હોય પણ એ મોહનાં, આકર્ષણનાં પરિણામ શું સૂચવે છે? ઇન્દ્રવરણા દેખાવમાં સુંદર, માટે કાંઇ સર્વાંગ સુંદર થઇ ગયું ગણાય? એને ફોડતાં અંદરથી તો કાળા ધૂમાડા જ નીકળે! અરે આપણો જ દાખલો લ્યોને તમે સ્ત્રી છો, હું પુરૂષ છું. સુંદર મજાનું એકાંત, છતાં તમને લાગે છે કે હું તમારા રૂપ-સૌંદર્યને લસતા લાવણ્યથી આકર્ષાયો છું? નહિ જ. હું તો શાન્તિથી સૂતો હતો, તમે વાતચીતનો દોર લંબાવતાં સ્ત્રીના આકર્ષણની પહેલ કરી હતી. જવાબ સ્પષ્ટ જ છે એમ હવે શું નથી લાગતું?’’ યુવાનો છેવટે બ્રહ્માસ્ત્રથી સચોટતા પૂર્વક જવાબ આપ્યો. મદભર્યું મધુર સ્ત્રીનું ભાષણ કંઇક અટક્યું. તાદૃશ્ય ઉદાહરણ સાંભળીને એ યુવતી ડઘાઇ ગઇ. એણે સ્ત્રી ચરિત્રનો મજબૂત પાસો અજમાવવાનો અંતર, સાથે નિશ્ચય કર્યો.

ચાલતા મેલના ઘોંઘાટમાં છતાં શાન્ત વાતાવરણની થોડી શાન્તિ પછી ડબામાં ચેતન આવ્યું. પેલી સુંદરી ઉભી થઇ. બેગ લઇ, બાથરૂમમાં ગઇ. કેશને સવાર્યા, ફરી લાલી, લિપસ્ટીક, પફ-પાવડર અને સ્પે છાંટી પોતાના ચીમળાઇ ગયેલ રૂપમાં તાજગી લાવી. ચુસ્ત સલવાર - કુર્તા પરિધાન કરી ડબામાં પ્રવેશ કર્યો. ઠંડી હતી. પણ એ ઉષ્માસભર યુવતીને ઠંડીની પરવાહ ન હતી. એનો ડબામાં પ્રવેશ થતાં જ સ્પ્રેની ખુશબુદાર મહેંક ડબામાં ચોમેર પ્રસરી રહી! તે લલના પોતાની બેઠકે એવી રીતે બેઠી કે તેની તંગ સલવારમાંથી ઘાટીલા નિતંબ અને ઢીલા - ઢાલા બારીક કુર્તામાં ગીરિભૃગો શા ઉન્નત ઉર પ્રદેશ પર કાળારંગની બ્રાના દર્શન માત્રથી કોઇપણ પુરૂષનું મન કામુક બની રહે. તેના માંસલ પુષ્ટ ઉર પ્રદેશને ઠંડીથી બચવા માટે દુપટ્ટાનું આવરણ રાખવાની ચિંતા તેને ન હતી.

યુવાન કોઇવાર સૌંદર્યરાજ્ઞી પર દૃષ્ટિ ફેંકતો તો બીજી જ પળે તે કંઇક વિચારમાં પડી જતો. તીરછી નજરે એ મૃગનેણી ને યુવાન તરફ વારંવાર જોયા કરતી તે મત્સ્ય જેવી ચંચલ આંખડીઓમાં સાપોલિયા સાવળતાં રહેતાં. યુવાનનો મનોભાવ જાણવા પ્રયત્નશીલ રહેતી. પણ...? તે ઉભી થઇ સલવાર-કુર્તાને ઠીકઠાક કરી, બેઠક લીધી. તેણીએ જે સલવારકુર્તો પહેર્યા હતાં. તેના પર કલાત્મક સુંદર ડીઝાઇનની ગૂંથણી કરી હતી. શું તે કંઇક આકર્ષણમાં નવલો ઉમેરો કરી શકે તેવો તેનો હેતુ શું હશે? શું કલા એટલે આકર્ષણ કે મોહ? ના... ના... કલા તો દૈવી છે. દુનિયાને નિર્મળતા દેનારી છે. સાધના પથમાં સહાયકરનારી સહચરી છે. આત્મામાં પ્રાણ રેડનારી પરી છે. હૈયાનું સામું ર્ઉીયન કરાવતી સાત્ત્વિક ભાવભરી અલૌકિક અપ્સરા છે. તો પછી એને માટે જવાબદાર કોણ? તેનો ભોક્તા.

પોતાનો કોઇપણ કીમીયો કામચાલ ન બનતાં રૂપ-યૌવના નયન નચાવતી વિચારતી તે હેન્ડસમ તરફ જોવા લાગી. ‘‘બહુ નિરીક્ષણ કર્યું, નહિ વારું? સૌંદર્ય લાધ્યું? કે પછી નિઃરસતારૂપી નારીની સાથે પાનાં પડ્યાં છે?’’ હવે જરા રૂઆબમાં આવીને રામાયણનો નવો અધ્યાય શરૂ કરવાની ઇચ્છાથી કામિનીએ મીઠો પ્રશ્ન કર્યો.

‘‘નિઃરસતાને પરણે એ બીજા પરણીનેય તેને નિભાવી લે એ પણ બીજા મારે તેની સાથે કાંઇ નિસ્બત નથી.’’

‘‘ઓહ! એમ વાત છે? તો પછી આપના મનોરાજ્યમાં અગ્રણીપદે કોણ બિરાજે છે? હૈયાની લેવડ-દેવડ થઇ છે, કે હૈયું ગુમાવ્યું છે?’’ એણે વાતને આગળ ઝોક આપ્યો.

‘‘એવી અંતરની છૂપી વાતને પૂછવાનો કે જાણવાનો અધિકાર કોને હોય તે જાણો છો? તમને એવું પૂછવાનો કંઇ હક ખરો?’’ હવે પુરૂષે પુરષપણું દાખવતાં પૂછ્યું.

‘‘હક તો ખરો. આટલો સહવાસ થયો. મુસાફરીમાં સ્ત્રી મિત્ર કે પુરૂષમિત્ર બને છે. તેમ એક થોડા વખતના સ્ત્રીમિત્ર તરીકે તમારી નિકટવર્તી સહગામી તરીકે દુઃખ વિભાજનની ઇચ્છાથી હક માની લઉં છું.’’

‘‘એવો હક આપવાને હું ટેવાયેલો નથી. પછી લેવડ-દેવડ કે પ્રવાસના સહવાસનો પ્રશ્ન જ રહેતો નથી. સમય પસાર કરવા અર્થે તમે વાતચીત શરૂ કરી હતી, તમે સ્ત્રી - પુરૂષના હકના કે સ્ત્રીના રૂપ-સૌંદર્યના કે સ્ત્રીની જરૂરીયાત અંગે જે પ્રશ્નો ઉઠાવ્યા. તેનો માત્ર ઉત્તર આપવાનો જ મારો આશય હતો. પુરૂષ અને સ્ત્રી બંન્ને સંસાર-જીવનમાં એક બીજાના પૂરક છે. તો જ સુખી અને સમૃદ્ધ દાંપત્યજીવન બની રહે.’’

સ્ટેશનો આવતા ને ગયા તેનું બન્નેમાંથી કોઇને ભાન ન રહ્યું. યુવતીએ બારી બહાર નજર કરતાં ખબર પડી કે હવે મુંબઇ આવવાને વાર નથી.

ખૂબસુરત યુવતીને પોતાનું ઘોર અપમાન થતું લાગતું હતું. બધા પાસા નિષ્ફળ ગયા હતા. અચાનક એ ધનવાંચ્છું લલનાએ એક નવો પાસો ફેંક્યો. ‘‘આપ તો સંસ્કારિક ને શરીફ માણસ લાગો છો. ભણ્યા - ગણ્યા હો તેવી તમારી બુદ્ધિમત્તા છે. શું આપ કોઇ કંપનીમાં ઓફિસર છો? જુઓ સાહેબ! મુંબઇ આવી રહ્યું છે. મને હમણાં જ ખબર પડી કે મારું પાકીટ ગૂમ થયું લાગે છે. મારી મા મુંબઇની હોસ્પિટલમાં માંદગીને બિછાને પડી છે. તેની દવા-દારૂના પૈસાની વ્યવસ્થા હું કરી શકું તેમ નથી. આપને વિનંતી કે રૂપિયા પાંચસોની જરૂર છે. આપશો તો આભારી થઇશ, તમારું સરનામું આપશો તો તમને વ્યવસ્થા કરી પહોંચતા કરીશ.’’

‘‘ધીરેલા પૈસા માગો છો? ઉછીના માગો છો કે દાનમાં માગો છો?’’ યુવાને સાહજીકવૃત્તિથી મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો.

‘‘એમાંથી એકેય રીતે નહિ! મિત્ર તરીકે મદદ માંગું છું. તે તમારે આપવી જ પડશે’’ સુંદરી હવે રણચંડીના રૂપમાં આવતી હોય એમ લાગતું હતું.

‘‘અને હું ન આપું તો?’’

‘‘તો હવે સાવધાન, મુંબઇ સ્ટેશન આવી રહ્યું છે. તમારો ભવાડો થશે. બદનામ થઇ રહેશો. ભલભલા શેરખાંએ આ નારી આગળ નમતું મૂક્યું છે. તમે ડાહ્યા થઇને સીધી રીતે માની જાવ. પાંચસો માગું છું. વધારે નહિ. પછીથી યાદ કરશો! આમ એ ડ્‌સીલી નાગણે ઉપરાઉપરી શબ્દો ઉચ્ચાર્યા.

કૉલેજના ભણતરનો ને વિદુષીપણાનો કેવો દુરૂપયોગ? પુરૂષને છલવાનો આ કેવો અખતરો? ડબાની એકલતાની આ કેવી રામાયણ?

‘‘તારે જે કરવું હોય તે તું કરી શકે છે. હું તારાથી ડરી જાઉં તેવો નથી. નિર્ભય છું, નમાલો નથી. પુરૂષ છું, પવાયો નથી.’’

એટલામાં મેલની ઝડપ કંઇક ધીમી પડી. મુંબઇ સ્ટેશન આવ્યાની એ આગાહી હતી. ‘‘હજુ કહું છું માની જાઓ. ફક્ત પાંચસો’’

‘‘તું કોઇ લે ભાગુ સ્ત્રી લાગે છે. જા... જા... તારાથી થાય તે કરી લે સા... લી.... કમજાત’’ યુવાને ધૃણાથી કહ્યું.

‘‘લો, ત્યારે’’ એમ કહીને એણે વાળ વેર-વિખેર કરી નાખ્યા. લલાટનો ચાંદલો ખસેડી નાખ્યો, બે - ત્રણ બંગડીઓ પોતાના હાથ પછાડીને તોડી નાખી, તેના ઉન્નત ઉરોજ આગળના કુર્તાનો ભાગ ફાડી નાખ્યો. નિર્લજ્જ થઇને, બેબાકળી, ગાંડી બાઇની માફક એ બૂમો પાડવા લાગી, ‘‘બચાવો, બચાવો, દોડો, આ યુવાન મારી એકલતાનો લાભ લઇને, મારી લાજ લૂંટે છે. મારા પર બળાત્કાર ગુજારવા પ્રયત્ન કરે છે.’’

પેલો યુવાન આ બાઇનું નાટક નિહાળી ડઘાઇ જ ગયો. વિચારમાં પડી ગયો. એ પોતાની જગ્યાએથી જરાય ડગ્યો નહિ કે કશું બોલ્યો નહિ.

સ્ટેશને મેલ ઉભો રહ્યો. ઇકરાણ-બૂમરાણ સાંભળીને ઉતારુંઓ અને પોટરો ભેગા થઇ ગયા. ટોળું જોઇને કોઇ ઘટના બની છે જાણી રેલ્વેની પોલીસ આવી. સુંદરીનો ઝઘડો જોઇને ફોજદારે ય આવી પહોંચ્યા. ‘‘શું થયું, આ યુવતી કેમ બૂમો પાડે છે?’’ ફોજદારે પૂછ્યું.

‘‘જુઓ ફોજદાર સાહેબ! આ ગૂંડા જેવો મવાલી, ડબામાં હું એકલી જાણી, મારી લાજ લૂંટવાનો એણે પ્રયત્ન કર્યો છે. જુઓને મારા શા હાલ બનાવી દીધા છે. અબળાનો કેટલો સામનો હોય? મારા કપડાં પણ ફાડી કાઢ્યા છે. મને છોડાવો, મદદ કરો, એને શિક્ષા કરો લોકઅપમાં પૂરી, ફરી કોઇની લાજ ન લૂંટે તેથી તેને ખોખરો કરો મને ન્યાય આપો.’’ ડૂસકાં ભરતાં ને આંસુ વહાવતાં એણે સ્ત્રી-ચરિત્રની પરાકાષ્ટા દર્શાવી.

‘‘એ...ઇ...ય... કોણ છે? આ તેં શું કર્યું? ઉતર નીચે, શરમ નથી. આવતી, એકલી સ્ત્રીની લાજ લૂંટતાં, પકડો એને હાથકડી પહેરાવી નીચે ઉતારો.’’ ફોજદારે હૂકમ છોડ્યો.

‘‘ફોજદાર સાહેબ! પહેલા મારી વાત સાંભળો તો ખરા? એ સ્ત્રીને પૂછો તો ખરા કે મેં એનો કેવી રીતે લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો છે.’’ પેલા યુવાને બુદ્ધિપૂર્વકનો પ્રશ્ન કર્યો.

‘‘બોલ બહેન, આ માણસે શું કર્યું?’’

‘‘સાહેબ, એ અચાનક ઉઠ્યો, મારી છાતી પર હાથ નાખવાની કોશીશ કરતાં, જુઓ આ મારો કુર્તો ફાડી નાખ્યો, મને વીંખી નાખી. એ તો સારું થયું મેં બુમો પાડી અને સ્ટેશન આવી ગયું. બધા ભેગા થઇ ગયા, નહિ તો મારી શી દશા થાત? હું ક્યાંયની ય ન રહેત.’’

‘‘ફોજદાર સાહેબ- એ બાઇ તદ્દન જુઠું બોલે છે. મેં એવું કાંઇ જ અજુગતું કર્યું નથી.’’

‘‘પણ, ભાઇ સાહેબ, આ સ્ત્રીની દશા-સ્થિતિ જ કહી આપે છે કે તમે બળાત્કાર કરવાની કોશીશ કરી છે. આનાથી વળી બીજો કયો સધ્ધર પુરાવો જોઇએ છીએ. અપટુડેટ માણસો જ આવા ધંધા કરે. ચાલો નીચે ઉતરો.’’ ફોજદારે હુકમ છોડ્યો.

પાસે આવતા પોલીસોને એ યુવાને પડકાર્યા. ખબરદાર કોઇ પાસે આવ્યા તો? ગુનો પુરવાર થયા સિવાય, પાકી તપાસ કર્યા સિવાય, પ્રજાની સાથે બેહુદુ વર્તન કરવું શોભતું નથી. છે કોઇ આ બનાવને નજરે નિહાળનાર? આ બાઇને પૈસા જોઇતા હતા, મેંય આપવાની ના પાડી તેથી તેણે આવું ગેરવર્તન કર્યું. તમને એ બાઇના બોલ પર વિશ્વાસ કેમ બેસે છે? જુઓ સાહેબ! હું સજ્જન ને સંસ્કારિક ભદ્ર પુરૂષ છું. સોલિડ પુરાવા વગર કોઇપણ વ્યક્તિનું સહસા અપમાન કરવાનો આપને શો અધિકાર છે? પેલા યુવાને પોતાને છાજે તે રીતે રજુઆત કરી.

લોકોનું ટોળું જામતું હતું. તમાસાને કોઇ તેડું હોય? એના જેવી વાત છે. અને વળી સુંદર સ્ત્રીનો મામલો એટલે લોકો ભેગા ન થતા હોય તો પણ કુતુહલવસ એકઠા થાય.

ફોજદાર સાહેબ જરા ગૂંચવાયા. એ ધીમેથી કહે ‘‘ભાઇ, વાત બધીય સાચી, અમારે તો કાયદેસર બધું કરવું પડે. બોલો તમારો પક્ષ મજબૂત કરવાનો કોઇ છેલ્લો પૂરાવો છે? હોય તો જણાવો. એટલે નિકાલ આવે.’’

‘‘ભારત - પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. તેમાં હું એક કંપનીનો કમાન્ડર હતો. પાકિસ્તાન લશ્કરે પચાવી પાડેલ ભારતનો ઘણો પ્રદેશ અમે કબજે કરી શક્યા છીએ. પણ પહાડ ઉપર ઉંચાઇએ આવેલ આપણી ચોકી પર કબજો કરવા અમે આગળ વધી રહ્યા હતા. હું આગળ રહી, મારા સૈનિકોને દોરતો ઉપર જઇ રહ્યો હતો. બધે ગાઢ અંધકાર છવાયેલ હતો. હું આગળને આગળ વધતો રહ્યો. એટલામાં અચાનક હું બેધ્યાન, મારા પર દુશ્મનોએ ગોળીઓનો વરસાદ વરસાવ્યો. હું ઘવાયો. ઇશ્વરેચ્છાએ હું બચી ગયો પણ જુઓ.’’ યુવાને પહેરેલ ઓવરકોટ કાઢી નાખતાં જ ફોજદાર અને બીજા પોલીસો સાથે લોકો પણ તેના હાલ નિહાળી હેબતાઇ ગયા...?

ફોજદારે તરત જ એ યુવાનને સેલ્યુટ મારી. અને કહેવા લાગ્યા આપણા દેશને ખાતર કુરબાન થનાર, જાન આપનાર, આપશ્રીએ હાથ ગુમાવી જીંદગી જીવવી કઠીન થનારની કામગીરી પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ. અમે તમને તસ્દી આપી તે બદલ માફ કરશો.

ફોજદારે હૂકમ કર્યો ‘‘ધોરપડે કહાં ગઇ ઓ સાલી. પકડ લો. ઇનકો. યે સાલી ધંધેવાલી હૈ. કંઇ લોગો કો હેરાન-પરેશાન કીયા હોગા. સાલીકો લોક અપમેં બીઠા દો. બોલીયે સાહબ આપકો ઇસ બાઇને બહુત હેરાન કીયા. આપ રીપોર્ટ કર્જ કીજીએ. કુલટાકો સજા હોગી તો આપને આપ ઠીક હો જાયેગી.’’

‘‘નહીં સાબ હમ તો અપને ‘‘ભારત-મા’’ કી રક્ષા કરનેવાલા, સાથ મા, બહન, બેટીઓંકી ભી રક્ષા કરના હમારા ધર્મ એવમ્‌ ફરજ ભી હૈ. યે તો ધંધેવાલી હૈ વો કભી નહીં સુધરેગી. જાને દો...!

અનુક્રમણિકા

૧૨ : ભગ્ન હૈયાં

તે પીંછીના બે ચાર લસરકા કાગળ પર મારી રહેતાં, સૌંદર્યથી ઉભરાતી એક રસમૂર્તિ ખડી થઇ રહેતી. પ્રાણ પૂરવાનો જ બાકી રહેતો. તેના સ્ત્રી ચિત્રોમાં સૌંદર્ય અને આકર્ષણથી ભલભલા ચિત્રરસિકો મોમાં આંગળા નાંખી જતા.

ચિત્રસેન કોલેજમાં ભણતો હતો ત્યારે કેટલીય કોલેજ યુવતીઓની નોટ્‌સ લાવતો અને યુવતીઓ હોંશે હોંશે તે ફૂટડા યુવાનને આપતી. જ્યાં યૌવનને અને સૌંદર્ય હોય ત્યાં આકર્ષણ એની મેળે આવતું હોય છે. રસના પુંજ સમ ચિત્રસેન સાથે દોસ્તી બાંધવા યુવતીઓ પ્રયત્ન કરતી. ચિત્રસેન જ્યારે જે તે યુવતીને નોટ્‌સ આપતો ત્યારે તે નોટ્‌સમાં તે યુવતીનો સ્કેચ જરૂર દોરતો. યુવતીઓ તે નિહાળી, તેને દિલ દઇ બેસતી. પણ ચિત્રસેનને કોઇ યૌવના પસંદ પડતી નહિ.

તેને તો સામેના ફ્લેટમાં રહેતી એક કજરાળી આંખોવાળી રૂપ સૌંદર્યમંડિત યુવતીના અદમ્ય આકર્ષણે બેચેન બનાવી દીધો હતો. પ્રેમ તો આબાલવૃદ્ધ સૌ કરવા માંગે છે. જ્યારે હૃદયમાં પ્રેમના બીજ અંકુરિત થાય છે ત્યારે મનગમતી વ્યક્તિ હરપળ પોતાની સમક્ષ રહે, બસ તેનું સાનિદ્ધ પામી રહે તેમ ઇચ્છતા હોય છે.

રૂપ સૌંદર્યથી એક એકથી ચઢિયાતી રૂપયૌવનાઓમાં જે ન હતું તે પેલી સુંદરીમાં હતું. વર્ષાના ફોરાંની પલ્લવિત થયેલી અર્ધ વિકસીત મોગરાની કળીમાંથી જે ફોરમ ફોરતી તેવી મધુર સુગંધ પેલી યુવતીના દેહમાંથી ફોરી રહેતી. જાણે ચિત્રિત અંગો કરતાં પણ વધુ તેના દેહના કમનીય અંગોમાંથી લસતું યૌવન ડોકિયું કરતું. તેના દેહના દરેક વળાંકમાં ચિત્રસેનને કલાના દર્શન થતા. જાણે એ કલાથી ઓપતી ન હોય? સૌથી વધારે માધુર્ય તો તેની કુસુમ સમી કરાંગુલિઓમાં હતું. તે વીણા વગાડતી ત્યારે પ્રકૃતિ પણ નિઃશબ્દ બની તેનું મધુરું વાદન સાંભળતી ન હોય! વાતાવરણ પણ મધુમય બની રહેતું. બસ સાંભળ્યા કરીએ અને રસાનંદના ઘૂંટ ગટગટાવતા રહીએ. ચિત્રસેન એ કલાત્મક દેયષ્ઠીને એકીટશે નિરખી રહેતો. બારીમાંથી ચિત્રાંગદા પોતાના નયનશર ફેંકી ચિત્રસેનને ઘાયલ કરી રહેતી, ત્યારે તે સ્તબ્ધ બની જતો અને આ બાજુ ચિત્રાંગદા પણ તે યૌવનસભર યુવાનના દેહસૌદર્યને પી રહેતી. તે યુવતી તેને પ્રેમ કરવા લાગી હતી.

એક દિવસ ચિત્રસેન ચિત્રમાં પોતાના હૈયાના રસરૂપી રંગ પૂરતો હતો ત્યારે વાયુલહરીએ વીણા સૂર ચિત્રસેનના કર્ણ પટે અથડાયા. ચિત્રમાં રંગ પૂરતો અટકી, મધુર સુર સાંભળવા ધ્યાનસ્થ બન્યો. ચક્ષુ સમક્ષ ચિત્રાંગદાની રસીલી ને મોહક છબિ ખડી થઇ. તે ચિત્રાંગદાના ફ્લેટના દરવાજે આવી ઊભો. ચિત્રસેનને જોઇ તેની કરાંગલીઓ તાર પર થંભી ગઇ અને તેની હૃદય મંજરી મ્હોરી ઊઠી. તેના હૈયાના તાર ઝણઝણી રહ્યા. પરવાળા શા ગુલાબી અધરથી આછું સ્મિત વેરી, ચિત્રસેનને આવકાર્યો. આમંત્રણથી ચિત્રસેન ખુશખુશાલ બની, ચિત્રાંગદાના નખશીખ રૂપ લાવણ્યમાં મુગ્ધ બની રહ્યો.

‘‘શું જોઇ રહ્યા છો?’’ મધુકરની જેમ ચિત્રાંગદાના સૌંદર્યપંકજમાં લીન ચિત્રસેનને, વીણા અળગી કરી, ચિત્રાંગદાએ સવાલ કર્યો.

‘‘મા...શા...લ્લા...ચિત્રાંગદા! તમે તો ગજબની વીણા છેડો છો. મારું મન અંતર હૃદય હલબલાવી દીધું. એ મધુર સંગીતે મને તમારી પાસે ખેંચી લીધો.’’ એમ બોલી તે ચિત્રાંગદાની સમીપે બેઠો.

‘‘તમારા ચિત્રો આગળ તો મારું વીણા સંગીત ફિક્કું જ લાગે. તમારા ચિત્રો તો...બસ પ્રાણ પૂરવાના જ બાકી...?’’

‘‘તમારા વીણા સંગીત કરતાં, રૂપસૌંદર્યથી ઓપતો તમારા દેહ સૌષ્ઠવમાં વધારે માધુર્ય છે ચિત્રાંગદા!’’

‘‘તમે પુરુષોને તો સ્ત્રીના રૂપની પ્રશંસા કરવાની, તેને પામવાની અને ભોગવવાની ખરાબ ટેવ પડી હોય છે. કેમકે પુરૂષો ભ્રમરવૃત્તિના હોય છે. સ્ત્રીને જોઇ નથી કે લાળ પાડવા માંડો છો. પુરૂષો સ્ત્રી રૂપ પાછળ પાગલ બનતા હોય છે અને પછી લવરી!’’ હાથનો લહેકો કરી ચિત્રાંગદાએ જવાબ આપ્યો.

‘‘જુઓ, પ્રભુએ માનવીઓમાં સ્ત્રીના દેહને ઘડવામાં ખૂબ વિચાર કર્યો હશે. પૃથ્વી પર સ્ત્રીને ઘડીને પ્રભુએ હાથ ધોઇ નાંખ્યા છે. પુરૂષો ભ્રમરવૃત્તિના હોતા નથી. હું તમારા રૂપનો સાચો પ્રેમી છું. હા, તમારી વીણા સંગીતે પ્રભાવિત જરૂર થયો છું પણ જ્યારથી તમને નિહાળ્યા ત્યારથી તમે મારું મન મોહી લીધું છે. તમે તો સુંદરતાની મૂર્તી છો?’’

‘‘શું તમે સુંદર નથી? તમને ઘડવા માટે પ્રભુએ સુંદર મૂર્તિની કલ્પના જરૂર કરી હશે. તમે એક અચ્છા ચિત્રકાર શું નથી? રામ અને કૃષ્ણના રૂપ સૌંદર્યથી વધુ સુંદર તો કોઇ હોઇ જ ન શકે પણ તેમના જેવા રૂપાળા ને મનમોહક જરૂર છો. કોઇનેૈ પણ ગમી જાવ. મારા અંતરમાં તમારી એક શિલ્પમૂર્તીની છબી અંકાઇ ગઇ છે ને તમને દિલ દઇને બેઠી છું.’’

‘‘વાહ...વાહ...બહુ વખાણ કરશો નહિ. તમે વીણા વગાડવાની છોડી પાછા કવીયત્રિ ન બની જતાં? નહિં તો તમારી વગર વીણા ખૂણામાં પડી પડી ઝૂર્યા કરશે.’’

‘‘હવે સંવાદ બંધ કરશો? તમારું ચિત્ર ‘ગુજરાત’ના દિપોત્સવી અંકમાં પ્રગટ થયું છે તે જોઇ હું તો ચિત્રવત્‌ બની ગઇ હતી. શું ચિત્રો દોરો છો? ચિત્રમાંની રંગપૂરણી પણ દાદ માગી લે છે, અભિનંદન...!’’

‘‘શું વાત કરો છો? મારું ચિત્ર?’’ આશ્ચર્ય વ્યક્ત કરતા ચિત્રસેન બોલ્યો.

‘‘જાણે તમે જાણતા જ ન હોય તેમ...’’ આંખ પરની ભૃકુટી ચઢાવી ચિત્રાંગદા બોલી. તે ભૃકુટી ભાવભંગીથી વધુ સુંદર વાગતી ચિત્રાંગદાના વદનકમળને જોઇ ચિત્રસેન તેને ચિત્રમાં ઉતારવા વિચારી રહ્યો.

‘‘શું વિચારો છો? શું તમે મને ચિત્ર દોરતાં ન શીખવાડો?’’

‘‘ચિત્રો દોરવાનું વિચારવા કરતાં વીણા વગાડવામાં વિશારદ બનો. તમારી પુષ્પની દાંડી સમી કરાંગુલીઓ કેવી વીણાના તાર પર ફરી રહે છો. એ નાજુક કરાંગુલિઓ ચૂમવાનું મન થઇ ઊઠે છે.’’

‘‘તમારી આંગળીઓ પણ ક્યાં કમ છે? તે દ્વારા તો એક કરતાં એક ચઢિયાતા ચિત્રો દોરતા જ જાવ છો ને? તમારી જેમ મને પણ તમારી આંગળિયો ચૂમવાનું...’’ અને બન્ને એકબીજાની આંગળીઓમાં આંગળીયો પરોવી, એકબીજાને ચૂંબનોથી નવડાવી, પ્રેમનો એકરાર કર્યો. બન્ને આત્મા એક થઇ મધુરા રોમાંચની અનુભૂતિ કરી રહ્યા, પ્રેમ સમાધિમાં ડૂબી રહ્યાં. છૂટવાનું મન થતું ન હતું પણ...’’

‘‘કોણ આવ્યું હતું?’’

‘‘મમા, સામે ફ્લેટમાં ચિત્રકાર રહે છે. સુંદર ચિત્રો દોરે છે. તે જોવા ગઇ હતી. એનું ચિત્ર ‘ગુજરાત’માં છપાયું છે તે બતાવવા બોલાવી આવી હતી.’’

‘‘જો ચિત્રા, એવા પર પ્રાન્તના અને પર જ્ઞાતિના માણસ સાથે બહુ હળવું ભળવું નહિ. ક્યારે તેઓ તેમની પ્રેમની જાળમાં ભોળવીને લઇ જઇ વેચી દે અને તું આખો જન્મારો દોઝખભરી જીંદગી ભોગવી રહે. એકવાર આપણે બદનામ થઇ જઇએ પછી જ્ઞાતિ તો ખરી જ, પણ સમાજ પણ આપણી પર આંગળી ચીંધી રહે. થૂ...થૂ...થઇ જઇએ. કોઇ આપણો હાથ ઝાલવા તૈયાર થાય નહિ. આબરુ જાય તે જુદી. આપણી નાતમાં યુવાનોની ક્યાં ખોટ છે? તે તારે ત્યાં જવું પડે?’’

‘‘પણ મમા, તે એવો માણસ નથી. દિલનો સાફ છે. પ્રેમાળ છે. ભણેલો ગણેલો છો. કોઇ વ્યસન નથી. સારા વિચારો ધરાવતો ઉમદા છે.’’

‘‘મેં તને ત્યાં હવેથી જવાની ના પાડી છે ને? ના...એટલે ના... શું સમજી?’’ ને ચિત્રા છણકો કરતી ઘરકામમાં લાગી ગઇ.

ચિત્રસેનને બારણે ટકોરા પડ્યા ને વિચારી રહ્યો, ‘‘ ચિત્રાંગદા તો?’’ બારણું ઉઘાડ્યું ... ‘‘તમે...?’’

‘‘હા...હું...જ્યારથી તમારા ચિત્રો જોતી આવી છું ત્યારથી બીજા દોરાતા જતાં ચિત્રો જોવાનું મન થઇ આવે છે.’’

‘‘હો...હો...આવોને. બેસો. નવાં દોરેલાં ચિત્રો ચિત્રાંગદા સમક્ષ મૂક્યાં. એક પછી એક ચિત્રો જોતી ગઇ અને મુખમાંથી ‘‘વાહ’’ ઉદ્‌ગાર સરી પડેયા.

ત્યાં અચાનક નવા ચિત્રનું સર્જન કરતા ચિત્રસેન પર નજર પડી. થોડીક જ રેખાઓમાં પોતાનો આબેહુબ સ્કેચ જોઇ ચિત્રાંગદા સ્તબ્ધ થઇ ગઇ.

‘‘તમે તો ખરા ચોર નીકળ્યાં...મારું ચિત્ર ચોરીછૂપીથી દોર્યું પણ તે ચિત્રમાં ઘણો ફેર છે...’’

‘‘શું કહ્યું?’’

‘‘તે ચિત્ર જડવત્‌ છે. જ્યારે તમારી સન્મુખ બેઠેલી ચિત્રાંગદા જીવતી જાગતી ચેતનવંતી છે. તે ચિત્ર મારા સ્મૃતિવત્‌ રહેશે. જ્યારે હું...તમને જોવા આંખો, મન, અંતર, લાગણી ને સ્પર્શ છે.

‘‘હા, એ ખરું! જ્યાં સુધી આપણા લગ્ન ન થાય ત્યાં સુધી, તે ચિત્રના દર્શન કરતો રહીશ ને હૈયાને સંતોષી રહીશ. ચિત્રાંગદા, તું તો મારી જીવન સંગિની છે, હૃદય સમ્રાજ્ઞી છે!’’

સાંભળતા જ ચિત્રાંગદાનો ચહેરો તાજા ગુલાબ શો ખીલી, પ્રેમ સ્મિતના ફુવારાથી મઢાઇ ગયો. બન્નેના હૃદયમાં રસોર્મિનું રસ ઝરણું વહી રહ્યું. પછી તો અવાર નવાર પ્રેમગોષ્ઠી કરવા શહેરના કોઇ બગીચાના ખૂણામાં કે હોટલના ટેબલ પર કોફીના ઘૂંટની ચૂસકી લેતા મજાકમસ્તી ને પ્રેમાલાપોમાં ગૂંથાઇ બે ઘડી દુનિયાથી અલિપ્ત બની પ્રેમ ભાવ સમાધિમાં ગરકાવ થઈ જતાં.

‘‘સામેના ફ્લેટમાં પેલા પુરૂષને ઇશારા કરતી ચિત્રાંગદાને તેની મમ્મી જોઇ ગઇ. મનમાં ગાંઠ વાળી, જેમ બને તેમ જલ્દી ચિત્રાના લગ્ન લેવાનો પાકો મનસૂબો ઘડ્યો.

ચિત્રસેનને શૂન્યમનસ્કપણે ઉદાસ ઊભેલો જોઇ ચિત્રાંગદાને ફાળ પડી. સૌંદર્યના અવતાર સમા ચિત્રસેનના વાળમાં મૃદુ અંગુલીસ્પર્શ થતાં જ... બંન્ને એકબીજાને વળગી પડ્યા. જાણે જનમ જનમના સાથી. ચિત્રાંગદાએ ફોડ પાડ્યો કે પોતાના લગ્ન જ્ઞાતિના યુવક સાથે જલદી થઇ જશે અને તે ચિત્રસેનને છાતીએ મસ્તક મૂકી અશ્રુ સારતાં લવી રહી, ‘‘હું તમારી જ છું. તમારા હૃદય ચિત્રમાં રંગ પૂરવા તે સર્જનહારે મને સરજી છે. મારા હૈયામાં તમે પ્રેમરંગ પૂર્યા અને તમારા હૈયામાં હું રંગ ન પૂરું એવા સ્વાર્થી તો નથી જ મારા પ્રિયતમ...!’’ બોલી ચિત્રસેનની છાતીમાં મોં છુપાવી રહી અને ચિત્રસેન તે રૂપસુંદરીના ચહેરા પર અને કેશકલાપ પર હળવે હળવે હાથ ફેરવતો સાંત્વના દઇ બોલી રહ્યો. ‘‘તું તો મારી કલાની અધિષ્ઠાત્રી છું, હૃદયેશ્વરી છું...!’’

ચિત્રાંગદાની મમ્મીએ આસપાસ એવી હવા ફેલાવી કે ચિત્રસેનને શાંતિથી તેની કલાસાધના કરવાના હેતુથી તે ફ્લેટ છોડી બીજે રહેવા જવું પડ્યું.

શહેરમાં કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવતાં કલાકારોને ચિત્રો મોકલવા નિમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં. ચિત્રસેન ઊંડા વિચારમાં ગરકાવ થઇ રહ્યો. ‘‘કેવું અને કયા વિષય પર ચિત્ર દોરવું?’’ અંતે ચિત્ર દોરવાનું નક્કી કરી લીધું. એ હતાશ પ્રેમીને દૂર સુદુર આભના અતલ ઊંડાણમાં ચાલી જતી પ્રિયતમાની છબી દેખાઇ રહી. યૌવનશ્રીથી લસતી પણ નિસ્તેજ યૌવના પોતાની વીણાને ઉત્તુંગ વક્ષસ્થળ પર ટેકવી જાણે પ્રેમભંગ થઇ ન હોય તેમ હતપ્રભ બની, વીણા દ્વારા છેલ્લું વિરહગાન અંગૂલીઓ દ્વારા છેડતી, છેડતી વીણાતાર તોડીને નિદ્રાધીન થઇ ગઇ હતી. તેની અંગૂલિઓમાંથી રક્તની ધારી વહેતી હતી. તેના છુટા કેશરાશિ અનિલ લહરી ફરફરતા રૂપસૌંદર્યમંડિત ચહેરા પર વેરવિખેર છવાયા હતા. અને તેમાથી બીજના ચંદ્ર સમુ ચમકતું મુખ અશ્રુઓથી ખરડાયેલું ભાસતું હતું. ચિત્રોમાંના રંગો જાણે હૈયાના રક્ત રંગમાં પીંછી બોળી, ચિત્રિત ન કર્યા હોય તેવું કરુણ રસથી ઓપતું હતું.

પ્રદર્શનમાં આવેલ ચિત્રોમાં ચિત્રસેનના ચિત્રને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. ચિત્રાંગદા પણ ચિત્ર પ્રદર્શન જોવા આવી હતી. આ સમાચાર જાણી ખુશીની મારી જાણે પાગલ ન બની ગઇ હોય? તે ચિત્રસેનને મળવા તલપાપડ બની. તે પ્રદર્શનના સંચાલકને મળી. ચિત્રસેન વિશે માહિતી માગતા જાણવા મળ્યું કે તેણે પ્રદર્શનમાં રજુ કરવા ચિત્રના ખૂણે નામ જરૂર લખ્યું છે, પણ સરનામું નથી. તેથી ખૂબ નિરાશ બની હતાશા સાથે તે આર્ટ ગેલેરીના પગથિયાં ઉતરી રહી...!

અનુક્રમણિકા

૧૩ : બુઝાતો ચિરાગ

ટાઉન હોલ, કવિ, લેખકો, સાહિત્યકારો અને રસિકજનોથી ખીચોખીચ ભરાઇ ગયો હતો. તેઓ માંહોમાંહે વાતો કરતા હતા. ‘‘કમલની નવલકથા ‘ઉગતું પ્રભાત’ તેની બીજી નવલકથાઓ કરતાં વધુ વેચાશે અને બહોળો વાચક વર્ગ ઊભો કરી રહેશે. જુઓને દર રવિવારે ‘સમાચાર’ની રવિ પૂર્તીમાં તેની નવલકથાના પ્રકરણો પ્રગટ થતા રહે છે.’ લોકો પોતાની ઉત્કંઠા તે વાચી સંતોષે છે. નવલકથાનો વિમોચન કાર્યક્રમ પતી જતાં તેને પ્રાપ્ત કરવા આવેલ રસિકો ઉમટી પડ્યા હતા, કારણ કે નવલકથામાં માનવ જીવનના તાણાવાણાને ઉજાગર કરતા, ખૂબ જ રસવંતી, હૃદયસ્પર્શીને ભાવવાહી વાતો ગૂંથી લેવામાં આવી હતી. વાંચનારને નવલકથાના પાત્રો જાણે પોતાની સાથે વાતો કરતાં ન હોય? તેનો અંત પણ હૃદયને આંચકો આપી જતો.

‘‘કમલ, તારી નવલકથા લોક પ્રિય થઇને રહેશે, તે મેળવવા ટાઉન હોલમાં કેટલી પડાપડી થતી હતી! બીજી આવૃત્તિ જલદી પ્રકાશિત કરવી પડશે. ભાઇ, તું તો શહેરનો નામી કલાકાર!’’

‘‘તું પણ ક્યાં લોકપ્રિય નથી? કેતન, તારો કાવ્યસંગ્રહ ‘શિલાલોખ’ જરૂર પ્રસિદ્ધિ પામશે. તેં સંગ્રહનું વિમોચન કરાવ્યું હોત તો વધુ પ્રચાર પ્રસાર થાત. પણ તારી આર્થિક પરિસ્થિતિ...? છતાં સંગ્રહ વધુ વેચાય અને વંચાય તેવો પ્રયત્ન કરીશ. આખરે તું મારો મિત્ર તો ખરો ને?’’ પછી તો તેના કાવ્યસંગ્રહો પ્રગટ થતા ગયા અને વેચાતા ગયા. તે આર્થિક રીતે થોડો સદ્ધર થઇ શક્યો.

‘‘તમો બે મળો એટલે બસ વાતો અને કાવ્યોની જ વાતો. તમો અન્ય સર્જકોને પાછળ પાડી દેશો. આખી દુનિયામાં ડંકો વગાડી રહેશો કે શું?’’ ક્યારેક કેતકી બન્નેની મજાક મશ્કરી કરી વાતાવરણમાં ચેતન લાવી દેતી.

‘‘કેતન, તારો પેલો કાવ્યસંગ્રહ વાંચવા આપજે ને... તારી કવિતા લોકોને મુગ્ધ કરવા સક્ષમ છે. શૃંગારરસની કવિતાઓ એટલે આકાશમાંથી રસઝરતી અમીધારા! તારી કરુણાથી ઉભરાતી કવિતા એટલે શ્રાવણ ભાદરવાના વરસાદના ફોરાં! વીરરસની કવિતાના વાચને તો શરીરના રોમ રોમ ખડાં કરી, શરીરમાં શૂરાતન ચઢી જાય તેવું, શરીરમાં ગરમ લોહી ઉછાળા મારે.’’ પડોશમાં રહેતી કેતકીને કેતનના સંગ્રહો ખૂબ ગમતા.

કેતનને અમદાવાદમાં આવ્યે એકાદ વર્ષ થઇ ગયું હતું. હાલ તે એકલો હતો. કામ ધંધો શોધવા છતાં નિરાશા સાંપડી હતી. તેથી કાવ્યસંગ્રહો વેચી ગુજરાન ચલાવતો. કેતન અને કમલ એક જ બ્લોકમાં સામસામેના ફ્લેટમાં રહેતા હતા. તેથી રોજ સાંજે ભેગા બેસી, ચાની ચૂસકી લેતાં લેતાં ગપ્પાં હાંકતા.

કેતકી મોટા ખાનદાન ઘરની દીકરી હતી. એની પુષ્પ પાંખડી સમી આંખો સાથે આંખો મેળવવા કોલેજીયનો તલસી રહેતા. તેની સુડોળ અને કમનીય કાયા પર યૌવન મહોરતું હતું. તેણે બંસરી પર અદ્‌ભૂત કાબુ મેળવ્યો હતો. તે જ્યારે બંસરી બજાવતી ત્યારે જાણે સાક્ષાત્‌ સંગીતની દેવી પગે ઝાંઝર બાંધી નૃત્ય ન કરતી હોય? વાતાવરણ સંગીતમય બની રહેતું. ઘણી વખત કેતન એની બંસીના સૂરો સાંભળતો ત્યારે કાવ્ય લખતો અટકી જઇ સૂરમાં સૂર મેળવી ધ્યાનસ્થ થઇ જતો. તે સૂરમાં જ ખોવાયેલા રહેવાનું મન થઇ રહેતું. લયલીન...તદાકાર...!

કમલ અને કેતકીના પિતા, બંને સારા મિત્રો હતા. બંનેના સંતાનો લગ્ન ગ્રંથિથી જોડાય એમ ઇચ્છતા હતા. કમલ, શરીરે સુદ્રઢ ને રૂપ સૌંદર્યથી કોઇને પણ આંજી નાખે તેવો હતો. છતાં કેતકીના મનમાં તે વસી શક્યો ન હતો. તે તો મુગ્ધ બની હતી કેતનની કવિતા પર...! કેતનના કરુણરસની કાવ્ય કંડિકાઓ કોઇપણની આંખોમાંથી અશ્રુધાર વહાવી શકતી. તેના ગીત કાવ્યો રસતરબોળ કરી દેતા!

‘‘કેતન, કેતકી તારી સાથે સાત પગલાં માંડવા તૈયાર છે. તું તેની સાથે લગ્ન કરવા તૈયાર છે?’’ એક દિવસ કમલે કેતનને કહ્યું.

આશ્ચર્યથી કેતને જવાબ આપ્યો. ‘‘જા...જા...મારી મજાક શા માટે કરે છે? ક્યાં તે પૈસાવાળાની પુત્રી અને ક્યાં હું ખાખી બંગાળી? તેના હાથની માંગણી કરું તો હું મૂરખ ગણાઉં.’’

‘‘દોસ્ત, તું જ પરણી જા ને? તમારા બંનેના મા બાપની પણ ઇચ્છા છે. પછી શી મુશ્કેલી? તે ખૂબ સુંદર અને સુશીલ છે. કોઇને પણ ગમી જાય.’’

‘‘ના...ના...મિત્ર. કેતકી મને ગમે છે. તેને પ્રેમ કરું છું. પણ તે મને પસંદ કરતી નથી. તે તો તને મન દઇ ચૂકી છે.’’ કમલે પ્રત્યુત્તર આપ્યો.

કેતન જાણતો હતો કે કેતકી તેને પ્રેમ કરે છે. કેતકીએ કેતનના પ્રગટ અપ્રગટ બધા કાવ્યસંગ્રહો વાંચ્યા હતા. માણ્યા હતા. અને તેમાં જ વિહરતી હતી. ક્યારેક ઘરમાં કામ કરતા તેના ગીત કાવ્યો મધુરતાથી ગાતી હતી. અને કેતનની આંખમાં આંખ પરોવવા મથતી હતી. ક્યારેક બારણે ઊભી, જતા કેતનને મોહક સ્મિત દઇ દેતી. વાતો વાતોમાં કેતન સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરતી પણ કેતન સિફ્તથી વાતને ટાળી દેતો. હસવામાં કાઢી નાખતો.

કેતન, કેતકી સાથે લગ્ન કરી, કમલનો મિત્રદ્રોહ કરવા માગતો ન હતો. કમલના દૂધ જેવા હૈયામાં કાળો ડાઘ પડ્યો ન હતો. તેમની બંનેની મૈત્રી એવીને એવી જ કાયમ રહી હતી. તેમના હૈયામાં ઇર્ષાને ક્યાંય સ્થાન ન હતું.

‘‘કેતન, શું કમલની ભાળ કે પત્તો મળ્યો?’’ બારણામાં ઊભી કેતકીએ પૂછ્યું.

‘‘ના કેતકી. આખું શહેર ખૂંદી વળ્યો, પણ હજુ સુધી પત્તો મળ્યો નથી.’’

‘‘તો પછી હવે?’’

‘‘કાલે ફરી ખોળવા નીકળીશ. શોધીને તો રહીશ જ.’’ બીજે દિવસે કેતન કમલને ખોળતો ખોળતો શહેરના છેક છેવાડે પહોંચ્યો. રઝડપાટથી થાકીને લોથ પોથ થઇ ગયો હતો. તેથી થોડો પોરો ખાવા એક ચાની લારીએ જઇ, બાંકડા પર બેઠો. કડક મીઠી ચાનો ઓર્ડર આપ્યો. બીજા બાંકડા પર બેઠેલા ઘરાકો અદરો અંદર સ્કુટર અને ખટારાના ભયંકર અકસ્માતની વાત કરતા હતા.

‘‘પેલો દૂર ફેંકાઇ ગયેલો યુવાન બચી ગયો કે નહિ?’’

‘‘એ તો ખબર નથી. પણ એની ઓળખ થઇ છે. સ્કુટરનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પણ થેલીમાંથી ચોપડીઓ વેરણ છેરણ પડી હતી. તેના પરથી ખબર પડી કે તે શહેરનો પ્રખ્યાત નવલકથાકાર કમલ છે.’’

કેતનના કાને ‘કમલ’ શબ્દો અથડાતા તે વાતો કરતા ભાઇઓને પૂછવા લાગ્યો. ખબર પડી કે તેને સારવાર માટે સીટી હોસ્પીટલમાં લઇ ગયા છે. કેતન, મોંએ માંડેલો ચાનો કપ ફેંકી હોસ્પિટલ દોડી ગયો અને કમલનો રૂમ શોધી કાઢ્યો.

આખા શરીરે પાટા પીંડી કરેલ માણસને ઓળખવો તે મુશ્કેલ હતો. તે દુઃખથી કણસતો હતો. કેતનના આખા શરીરે ધ્રુજારી આવી ગઇ. છતાં હિંમત કરી, તેના કાન પાસે મોં લઇ જઇ, ધીમેથી બોલ્યો, ‘‘કમલ.’’

મહામહેનતે અધખુલ્લી આંખોથી જોઇને ધીમા સ્વરે ‘‘કોણ કેતન?’’ શબ્દો નીકળ્યા.

‘‘હા, મારા મિત્ર. આ બધું કેવી રીતે બની ગયું? તેં ઘરે પણ જણાવ્યું નહીં?’’

‘‘બનવાકાળ. બીજું શું? મારા હોશ જ...? ત્રૂટક સ્વરે કમલ બોલ્યો.

કેતને ફોન કરી તેના ઘરના બધાને સમાચાર આપ્યા અને થોડી વારમાં તો બધા આવી પહોંચ્યા. કેતકી પણ આવી ગઇ.

‘‘કમલ આટલા દિવસ ક્યાં હતાં? તમે તો આખા શરીરે ઘવાયા છો? આ ચહેરા પરના ઘા...કેવા કદરૂપા બની ગયા છો?’’ કેતકીએ ગભરાતા કહ્યું.

કમલની હાલત બગડતી ચાલી. બીજે દિવસે બધાની હાજરીમાં કમલે કેતનને પાસે બોલાવી અટકતા અટકતા કહ્યું, ‘‘કેતન, મારી અંતિમ ઇચ્છા પૂરી કરજે. કેતકી સાથે લગ્ન કરી લેજે.’’

‘‘શાની અંતિમ ઇચ્છા, હજુ તો ઘણી નવલકથાઓ લખવાની છે...’’ કેતને કહ્યું, પણ કમલ ‘‘કોમા’’માં જતો રહ્યો હતો. દાક્તરોએ ખૂબ પ્રયત્ન કર્યા, પણ કમલ બચી શક્યો નહિ.

કેતન અને કેતકી લગ્નગ્રંથીથી જોડાયા. ગમતું પાત્ર મળ્યાનો આનંદ તો હતો. પણ કમલને ગુમાવ્યાનું દુઃખ તેઓ ભૂલતા ન હતા. થોડા દિવસ પછી કેતને કમલને ભાવાંજલિ આપતું એક કાવ્ય ‘બૂઝાતો ચિરાગ’ લખ્યું તેમાં તેણે તેના હૃદયની વ્યથાને શબ્દદેહ આપ્યો. કાવ્ય પ્રસિદ્ધ થયું ત્યારે બધા વાચકોના દિલમાંથી ઉદ્‌ગાર સરી પડ્યા, ‘કેવી ઉત્તમ અને ઉમદા મિત્રાચારી...!’

કેતનનું આ છેલ્લું કાવ્ય હતું...!

અનુક્રમણિકા

૧૪ : પત્તાનો મહેલ

સુરમ્યા નવીનવી લેક્ચરર તરીકે સીટી કોલેજમાં નિમણુંક પામી હતી. ગુજરાતી સાહિત્યમાં એમ.એ થઇ હતી એથી સાહિત્યની શોખીન. લેક્ચર કેવી રીતે તૈયાર કરવું, વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવા, કેમ વર્તવું વગેરે કોલેજમાં સીનિયર એવા હિન્દી ભાષાના લેક્ચરર સૌમ્ય પાસે સ્ટાફ રૂમમાં એક ખૂણામાં બેસી શીખતી રહેતી. સૌમ્ય તેને પૂરેપૂરી મદદ કરતો. તે ભાવુક ને લાગણીશીલ હતો. કોઇને પણ મદદરૂપ બની રહેતો.

ક્યારેક કોલેજ સમય પૂરો થતાં, સાથે બહાર નીકળતાં, તો ક્યારેક શરૂ થવાને સમયે તેઓ કોલેજમાં સાથે પ્રવેશતાં ત્યારે અન્ય પ્રધ્યાપકો પ્રધ્યાપિકાઓ માંહોમાંહે તેઓની અદેખાઇ કરી, તેઓ વિશે જાતજાતની વાતો કરતા રહેતા, ‘ક્યાં પૈસાદારની રૂપ સૌંદર્યથી ઓપતી શુભ્રાંગના શી સુરમ્યા અને ક્યાં ઓલીયો મવાલી જેવો લઘર વઘર પહેરવેશવાળો ગરીબ સૌમ્ય.’ તેઓ સાથે ફરે એ કોઇને ગમે ખરું?

સુરમ્યાનું યૌવન અંગેઅંગમાં અંગડાતું આરસપહાણમાંથી કોતરેલી રસમૂર્તિ...! મદહોશી નયન...! રૂપનો પટારો...! ઉન્નત ઉરોજ...! લખલખતા સૌંદર્યસમી સુરમ્યાને જોઇને ઘણા પ્રધ્યાપકોની આંખો, દિલ, અંગ અંગ બધું જ નાચવા ને પામવા લાગી જતું. ઘણાએ પ્રયત્ન પણ કરી જોયા હતા પણ નિષ્ફળતા મળતાં, સુરમ્યા અને સૌમ્યની જોડીને લૈલા મજનુનું ઉપનામ આપ્યું હતું. સૌમ્યને બધાં તરંગી કહેતા. તે રસિક હતો તેથી કંઇક ને કંઇક તરંગમાં મહાલતો રહેતો તેથી તેને કવિ તરીકે ઓળખતા. કવિતા લખતો હતો. તેની કવિતામાં કલ્પનાના રંગ ભળતા. તરંગોની તરંગાવલીથી સૃષ્ટિ સર્જી રહેતો. અલંકારિક શબ્દોની ગોઠવણી સરસ રીતે થઇ રહેતી. કાવ્યમાં મધુરતા, પ્રણય, શૃંગાર, પ્રકૃતિ અને લય નજરે પડતા તેથી કવિતા કોઇને પણ વાંચવી ગમે. તેનાથી વધુ તો કોલેજના રસોત્સવમાં સંગીત પીરસી રહેતો. તે બંસરીના સૂર છેડતો ત્યારે વાતાવરણમાં નોખી મોહકતા પ્રસરી જતી. સૂરાવલી સાંભળતા લયલીન બની જવાતું.

ભલે તેનું નામ સૌમ્ય હતું પણ તેનો ચહેરો કુરૂપો હતો. રૂપરંગ વગરના સુરમ્યામાં કવિત્વ અને સંગીતનો સુંદર સમન્વય હતો. તેની હલકદાર ગાયકી ને મધુર મોરલીના સૂર કોઇને પણ આકર્ષી રહેતા અને તેથી જ સુરમ્યામાં સૌમ્ય પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો હતો. પછી તો ધીમે ધીમે પ્રેમમાં પરિણમ્યો.

એક દિવસ સૌમ્ય કોલેજમાં રઘવાયો રઘવાયો પોતાનો પિરિયડ લેવા કોલેજમાં પ્રવેશી રહ્યો હતો ત્યાં સામેથી કોલેજનો છેલબટાઉ સુરેશ પોતાની બાઇક પર ઉતાવળો કોલેજમાં દાખલ થતાં સૌમ્ય સાથે અથડાઇ પડ્યો. સૌમ્યને પગે ઘસરકો થયો. મૂઢ માર વાગવાથી બેસી પડ્યો. આ દ્રશ્ય સુરમ્યાએ દૂરથી જોયું અને તે પણ વિહ્વળ બની દોડતી સૌમ્ય પાસે દોડી આવી. તેને સહારો આપી પોતાની કારમાં દવાખાને લઇ જઇ પાટાપીંડી કરાવી. આ બનાવથી કોલેજમાં તેઓ બંને વધુ ચર્ચાનો વિષય બન્યા. ‘‘જોયું ને? લૈલાને મજનું માટે કેટલી પ્રેમભીની લાગણી છે?’’, ‘‘કેવી તે તેને દવાખાને લઇ ગઇ?’’, ‘‘ભાઇ, જ્યાં કામદેવ ત્યાં રતિ તો હોય જ ને?’’ એવા ગણગણાટ કોલેજમાં થઇ રહ્યા.

થોડા દિવસ સુરમ્યા રોજ સૌમ્યની ખબર અંતર કાઢતી. કોલેજની આડી તેડી વાતો થતી. તેમાં પ્રેમ દોસ્તી ગાઢ બનતી ગઇ.

‘‘ચાલ, સૌમ્ય, તું ઘણા દિવસથી બહાર ગયો નથી તેથી હવાફેર માટે કાંકરિયા તળાવે આંટો મારી આવીએ.’’ એક દિવસ સુરમ્યાએ કહ્યું.

કાંકરિયાની પાળે બેસી કાંકરો પાણીમાં નાંખતા સુરમ્યાએ કહ્યું, ‘‘કોલેજમાં આપણા બે વિશે ગમે તેવી વાતો થતી રહે છે, નહિ?’’

‘‘એક મજનું જેવા લોફર જોડે એક સૌંદર્યમંડિત સ્ત્રી ફરે એટલે કોઇને પણ ઇર્ષા આવે...’’ સૌમ્યે હસીને ઉત્તર આપ્યો.

‘‘તેમાં શું? તમે મજનું જેવા લાગો છો તેથી જ તો તમે મને વધુ ગમો છો.’’ કહેતા સુરમ્યા પ્રેમનો એકરાર કરી રહી. પણ પછી તે શરમાઇ ગઇ.

‘‘તું તો સાચે જ ધવલ અને શીતલ ચાંદનીમાં પોયણી સમી ખીલી રહી છે.’’ સુરમ્યાના તળાવમાંના જળપ્રતિબિંબીત સુંદર વદનકમળ તરફ આંગળી ચીંધી સૌમ્ય બોલ્યો .

‘‘શું ચાંદની પોયણા વગર રહી શકે ખરી?’’ સુરમ્યાએ શરમાતા શરમાતા ઉત્તર વાળ્યો.

‘‘તું તો મારા જીવનનું અણમોલ મોતી છે. તું મારા અણું અણુંમાં વ્યાપ્ત છે. મારા જીવનનો લય, તાલ ને સ્વર તું જ છે! તારા વગર હવે...’’ કહેતા સૌમ્યે, સુરમ્યાને બંને બાજુ બંધથી પોતાની હથેળીમાં જકડી લીધી.

‘‘સૌમ્ય, સ્પર્શમાં પ્રેમ નથી. પ્રેમ તો હૈયામાં ઊંડાણમાં હોય છે, જ્યાં એકબીજા પ્રત્યે ચાહત ઊઠતી હોય છે.’’ સુરમ્યા સૌમ્યનો હાથ ખસેડતાં બોલી.

સૌમ્ય ભોંઠો પડતા લવી રહ્યો, ‘‘સુરમ્યા, સ્પર્શમાં તો સુખનો સાગર છલકાતો હોય છે. નદી કેવી ધસમસતી, છટપટાતી સાગરની છાતીમાં લપાઇ જાય છે.’’

‘‘હું માનવા તૈયાર નથી. હા, એ ખરું કે હું તને હૃદયથી ચાહું છું. શારીરિક સ્પર્શમાં પ્રેમ હોતો નથી. તે તો વાસનામય હોય છે. જરાક જેટલી શારીરિક સ્પર્શની છેડછાડ લાંબુ સ્વરૂપ ધારણ કરે અને અંતે પાપ કરી બેસે. લગ્ન પછી જ સ્પર્શ સુખ માણી શકાય. તે પહેલાં તો નહિ જ.’’ સુરમ્યાએ નાનકડું ભાષણ આપી દીધું. જોકે બંને ત્યાર પછી મળતાં રહેતાં, પણ સ્પર્શની માંગણી ઇચ્છા ક્યારે ય સૌમ્યે કરી ન હતી.

ઉનાળાની રજાઓમાં સૌમ્ય પોતાના ગામડે આવ્યો. ઘરના બધાએ નક્કી કર્યું હતું કે ઉનાળામાં સૌમ્યને પરણાવી, વહુને ઘરમાં લાવવી. તેમાં તેની મા તો જીદ લઇને બેઠી હતી કે એણે નક્કી કરેલી છોકરીને ઘરમાં વહુ તરીકે લાવવી. પણ સૌમ્યને તો સુરમ્યા જેવી ભણેલી ગણેલી ને રૂપાળી સાથે પ્રેમ થઇ ગયો હતો. તેથી સુરમ્યા સાથે લગ્ન કરવાની હઠ પકડી હતી. ઘરનાં સૌએ સમજાવ્યો કે પૈસાદારની, શહેરની, ભણેલી સ્ત્રીને ગામડામાં કોઇ પણ રીતે ફાવે નહિ. ઘરકામ કરતાં આવડે નહિ તેથી પછી ઘરનું કામ માએ જ કરવું પડે, અથવા તો તારે ઘરજમાઇ થઇ છોકરીને ઘરે રહેવું પડે. તે પણ અમને મંજૂર નથી. આખરે નમતું જોખી માએ પસંદ કરેલ છોકરી સાથે સૌમ્યે લગ્ન કરી લીધા.

ઘરમાં આનંદનું વાતાવરણ છવાઇ ગયું. સૌના મોંએ છોકરી રૂપાળી છે તેવા વખાણ થતાં સાંભળવા મળતા.

સરોજ, સૌમ્યની પત્ની, રૂપે રંગે કંઇ ખોટી ન હતી. ભલેને ગામડાની રહી છતાં રૂપરાશિ ઉર્વશી સમાન! તેની દેહયષ્ટિ કુસુમની કમનીયતાથી જાણે સભર. તેના દેદિપ્યમાન મુખકમળની પ્રગટતી આભામાંથી જાણે પુષ્પનો મહેંકતો પરિમલ! તેની અમીમય આંખડીમાંથી નિસર્ગની ભીની ભીની નિર્ઝરતી નિર્મળતા જાણે નીતરતી ના હોય! મયૂર શો ટહુકાર, ઢેલ શી લચકતી ચાલ...! ગામડાની એટલે વધુ ભણેલી નહિ. બાકી બોલવે ચાલવે ને ઘરકામમાં એક્કો! સૌમ્યને સરોજ ગમી ગઇ. સરોજ સરળ સ્વભાવની, હસમુખી અને શીતળ ચાંદની સમી. ઘરમાં પગ મુકતાં જ બધાને પસંદ પડી ગઇ. સૌમ્યની મા તો રૂપ ગુણના વખાણ કરતાં થાકતી જ નહિ. ‘‘વહુ બેટા, મારા માટે ુપાણી લાવજો. તમારા બાપાને આમ ફાવશે ને તેમ ફાવશે નહિ, તેથી જરા દરકાર રાખજો. માથે ઓઢવાનું ભૂલતાં નહિ, દરેકની માન મર્યાદા, લજ્જા રાખતા શીખજો...’’ ને શાંતિથી ‘‘જી,જી...કરતી વહુને જોઇ માનું મુખ મલકાઇ જતું.

ગામડાના ઘરમાં સગવડ તો ક્યાંથી હોય? પણ સરોજે ઘરને વ્યવસ્થિત કરી દીધું. સૌમ્ય માટે ઊઠવા બેસવા અલગ કમરામાં સગવડ કરી. સૌમ્ય મૂડમાં હોય ત્યારે કવિતા લખવા બેસતો, ત્યારે નવરાશે સરોજ પણ બેસતી અને સૌમ્યની કવિતા વાંચતી. સૌમ્યની ખૂબ સરભરા ને સંભાળ રાખતી. મજાક મસ્તી કરી સૌમ્યને હલાવી દેતી. ક્યારેક સૌમ્ય મધરાતે કાવ્ય લખતો ત્યારે મધુ છણકો કરી કહેતી, ‘‘રાતનો એક થવા આવ્યો છે. સવારે ખુશનુમા વાતાવરણમાં લખજો, સારા વિચારો આવે. હવે સુઇ જાવ.’’ આવા મજાકિયા ને સરળ સ્વભાવની સરોજ સૌમ્યને ગમતી જતી હતી. એના આત્મિય સ્નેહ સંગાથ સૌમ્યના અંતર ઝરણાં છલછલી રહેતાં ને ધીમે ધીમે સુરમ્યાને વીસરતો જતો હતો.

એક દિવસ પેપરમાં નજીકના શહેરની કોલેજમાં હિન્દીના વ્યાખ્યાતા જોઇતા હતા તેના પર દ્રષ્ટિ ગઇ અને ત્યાં તેને નોકરી મળી ગઇ. તે હાશ અનુભવવા લાગ્યો કેમ કે હવે સુરમ્યાના સાનિધ્યથી દૂર તો રહેવાશે. આમ અનેક પ્રશ્નોનો અંત આવી જતો હતો. અનેક વખત પ્રયત્ન કરવા છતાં તે સુરમ્યાને આ બધું જણાવી શક્યો નહિ.

‘‘પપ્પા, આજે તો અમને વહેલા વહેલા છોડી દીધા...’’ કાલું કાલું બોલતી પાંચ વરસની શૈલી, સૌમ્ય પાસે આવી. ‘‘કેમ?’’ શૈલીને માંથે હાથ ફેરવતા સૌમ્યે પૂછ્યું.

‘‘છે...ને...તે... સાહેબ નિશાળમાં આવ્યા જ નહિ. પપ્પા, મમ્મીને સારું થઇ જશે ને?’’ કૃશ કાયા અને ઉતરી ગયેલી નિસ્તેજ આંખો ઉઘાડી, શૈલી સામે જોઇ સરોજ ફિક્કું હસી.

‘‘હા, હા, કાલે સવારે આપણે તારી મમ્મીને શહેરના સારા ડોક્ટરની સારવાર માટે લઇ જઇશું...’’

જે દવાખાનામાં સરોજની અન્નનળીના કેન્સરની સારવાર ચાલુ કરી હતી, ત્યાં જ સુરમ્યા પોતાની મમ્મીને ચેક અપ કરાવવા લાવી હતી. ડોક્ટરની કેબિનમાં સુરમ્યાને સૌમ્યનો ભેટો થયો. સુરમ્યાએ પૂછ્યું, ‘‘આટલા વરસો ક્યા હતાં?’’ સૌમ્યે ‘અથ’ થી ‘ઇતિ’ સુધીની બધી વાત કરી અને તેની માફી માંગી.

પછી તો સુરમ્યા સરોજની ખબર પૂછવા ક્યારેક કોલેજ જતાં પહેલાં, કે કોલેજ છૂટ્યા પછી આવતી. સરોજ અને શૈલીને સૌમ્યે સુરમ્યાનો પરિચય કરાવ્યો હતો. શૈલી સુરમ્યા સાથે હળી ગઇ હતી. ક્યારેક તે શૈલીને પોતાના ઘરે લઇ જતી. શૈલીને તો ખૂબ મઝા પડતી.

‘‘જુઓને, શૈલીએ કેવી મઝાની આકૃતિ દોરી છે.’’

‘‘તેણે તો આડાઅવડા લીટા દોર્યા છે. કશું સ્પષ્ટ નથી. લાવ, હું બરાબર દોરી આપું.’’ કહી સુરમ્યાએ લીટાઓને જોડીને ઘર જેવું કંઇક દોરી આપ્યું. સૌમ્ય આછું સ્મિત વેરી રહ્યો.

‘‘આ પત્તા જોડી ઘર બનાવતા આવડશે?’’

‘‘પપ્પા, ગોઠવું છું ને પડી જાય છે...’’ ત્યાં સુરમ્યા બોલી ઉઠી. ‘‘લાવ પત્તાં જોડી સરસ મજાનો મહેલ બનાવી દઉં.’’ તે નિહાળી શૈલી નાચી ઉઠી, બોલી રહી, ‘‘પપ્પા, સુરમ્યા આન્ટીએ કેવો સરસ મહેલ બનાવ્યો છે.’’

થોડા દિવસની સારવારથી સરોજના ચહેરા પર નૂર ચમકી રહ્યું. તેનો એક હાથ પાસે બેઠેલ સૌમ્યના ખભે મૂકી બોલી, ‘‘પત્તાંના મહેલ જરાક હવાના હડદોલાથી કેવા ધરાશાયી બની જાય છે? આપણો મહેલ તૂટી તો નહિ જાય ને?’’

‘‘ સરોજ, આડા અવળા વિચાર છોડી દે.’’ લાગણીવશ સૌમ્ય બોલી ઉઠ્યો.

‘‘ના, ના, તમે એ પત્તાંઓને એકઠા કરી, ફરી મહેલ બાંધશો ને?’’

‘‘હા, તને સારું થઇ જાય એટલે...? ને સરોજનો નિષ્ચેષ્ઠ હાથ સૌમ્યના ખોળામાં પડી રહ્યો...!

સૌમ્યનો સંસાર અધવચ્ચે ભાંગી પડ્યો. તે ઘણો ગંભીર ને હતાશ બની રહ્યો. સુરમ્યા, સૌમ્યની ખબર કાઢવા આવતી. તેને લાગતું તે નક્કી સૌમ્ય, સરોજના મૃત્યુંથી પાગલ તો નહિ બની જાય ને? તેથી સુરમ્યા, સૌમ્યને બહાર ફરવા લઇ જતી. આડી તેડી ને કોલેજની વાતો કરી તેનું મન હળવું કરવા પ્રયત્ન કરતી.

સૌમ્ય, આજે એકલો બાગમાં જઇ, ઝાડના થડને અઢેલીને સરોજ પર કાવ્યનું સર્જન કરતો. કાવ્યનું શિર્ષક કરૂણાંતિકા રાખ્યું હતું. ત્યાં અચાનક સુરમ્યા પણ આવી ચઢી. તે ગણગણવા મંડી, ‘‘હું ઝંખું છું. એની પ્રેમ ધારા મારી રગરગમાં રસાળતાથી પ્રગટી રહે. એની કોમળ અનુકંપા અંતરમાં વરસી રહે. જેથી હરેક ઉગતી સવારે નવજીવન પામી રહું. હરેક ઉગતી સંધ્યા મારા અંધારાભર્યા નીરસ હૈયામાં આશાઓની જ્યોતિ જગાવે. ને જીંદગી હંમેશાં મઘમઘતી રહે. આનંદોત્સવનો મહાઉત્સવ ઉજવાતો રહે!’’

ને સુરમ્યા, સૌમ્યની છાતી પર ઢળી પડતા બોલી, ‘‘મને શૈલીની મમ્મી ન બનવા દો?’’સૌમ્યે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ‘‘શૈલીની મમા...!’’

‘‘હા, કેમ તે મારી દીકરી ન બની શકે? હું તને જેટલો પ્રેમ કરું છું તેટલો શૈલીને...’’

‘‘પણ તારાથી શૈલીની મા ન બનાય...’’ બોલતાં બોલતાં સૌમ્યની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી.

‘સરોજે આ ઘરને સુખ અને આનંદથી છલછલતું બનાવવા, અને દરેકના મન જીતવા દરેકને ખુશ રાખવા કેટલો બધો પ્રયત્ન કર્યો છે અને મને તેના પ્રેમપાસમાં જકડી રાખવા શું નથી કર્યું? પાનખરમાં વસંતના લૂમતા ઝૂમતા ફૂલડાં ખીલાવી, મારા જીવનને નંદનવન સમુ બનાવ્યું છે તે શું હું ભૂલી જાઉં? હા, એ ખરું છે કે શૈલી, સુરમ્યા સાથે ખૂબ હળીમળી ગઇ છે. શૈલીની દેખભાળ સાથે ઘડતર અને સંસ્કાર જરૂર આપી રહેશે. માની મમતા દઇ, માતાની ફરજ જરૂર નિભાવશે...’’ ને સૌમ્યે, સુરમ્યાના ભાલે ચુંબન દઇ દીધું. સુરમ્યા અદમ્ય રીતે સૌમ્યને ભેટી રહી.

અનુક્રમણિકા

૧૫ : કલ્પના મૂર્તિ

નવલ નવલકથાનો રસિયો હતો. માનવી શ્વાસ લીધા વિના રહે, તો એ નવલ વાંચ્યા વિના રહે. જુદા જુદા લેખકોની નવલકથાઓનાં કબાટો ઘરમાં ભરાયેલા રહેતાં. બજારમાં પ્રકાશકને ત્યાં નવી નવલકથા આવતાં જ તે વેચાતી લઇ વાંચી જતો. ખરે જ જાણે નવલકથાનો કીડો ન હોય...? એટલે બધો એ રસિક અને રસિયો!

એનામાં કલ્પનાશક્તિ હતી, અનેરી ઝંખનાઓ હતી, અવનવા અરમાન ને આશા હતા. પણ એ બધું હતું વાંચન કલ્પનાની સૌંદર્યઝરતી કલ્પનામૂર્તિમાં રાચવાનું સોણલું...! નવલ વિચારતો... તિલોત્તમા, રંભા, મેનકા, ઉર્વશી વગેરે તો નૃત્ય પારંગત ને સૌંદર્યમંડિત દેવનર્તિકાઓ. એ અપ્સરા તો અમરાપુરીમાં જ સંગેમરમરની મૂર્તીઓની અંગભંગી ને નૃત્યમાં રત કલ્પી શકાય. એટલે તેમનો વિચાર કરવો તો હિતાવહ નથી. પણ એવી કોઇ પત્ની મળી જાય તો આનંદવિહાર થઇ શકે.

રામચંદ્ર ઠાકુરની ‘આમ્રપાલી’ એ ભગવાન બુદ્ધના વખતની કહેવાય. એ તો લિચ્છવીઓની સર્વભોગ્ય મિલકત કહેવાય. એવી નૃત્યવિશારદ સાથે હસ્તમેળાપ થાય તો તો સારું છે. પણ એમાં ય બંધનને પુરે પુરો અવકાશ રહે છે. માટે એવી રસસુંદરી ગૃહિણી બને તેય પોષાય નહિ.

ગોવર્ધનરામની કુમુદ અને નિશા, નિશાનાથને જોઇને કેવી આનંદમાં તરબોળ બની પ્રફુલ્લિત થાય છે. મને તેવી જ કુમુદિની મળે તો સોનામાં સુગંધ ભળે.

આ પેલો કાક, મુનશીની મંજરીને મૂકવાને માટે, મંજરી સાથે સાંઢળી ઉપર ગોટપોટ, મંજરીનો સુવાળો રેશમ શો સ્પર્શ પામતો બેસીને સૌરાષ્ટ્ર ગયો, તેના કરતાં મને જ મંજરીને મુકી આવવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું હોત તો મંજરીના વિધવિધ સ્વરૂપ દર્શનનો, તેની ચમકદાર આંખોની ખુમારીનો, તેના રૂપેરી ઘંટડી જેવા મંજુલ, સુમધુર ને સુકોમળ, મીઠી કોયલડીના મધુર રવનો તેની સાથે મીઠડી ગોઠડી ને વાર્તાલાપ કરવાનો અને એની હજુરમાં રહીને તેનો પડ્યો બોલ ઝીલવાનો અને અંતે કદાચ એ થાકીને કંટાળે તો તેના સુકોમળ રેશમ શા દેહસ્પર્શનો કેવો લાભ મને મળત...! પણ ના, મંજરી તો પરાયી સ્ત્રી, ચાલ જીવડા, તેનો વિચાર કરવો વૃથા છે. જો કે સહચરી એવી મળે તો ભાગ્ય ખુલી જાય. અરે આઠે પહોર તેના રસ સૌંદર્યમાં ડૂબી તરબોળ થઇ જીવતર ધન્ય બનાવી રહું!

રમણલાલની ‘કોકિલા’ની વાણી તો વસંતમાં આંબા ડાળે બેસી મીઠડું કૂંજન કરતી કોયલડીને શરમાવે. એવી કોકિલકંઠી કોમલાંગી અર્ધાંગીની મળે તોય ઠીક. ના, ના, એવા એકલક્ષી ગુણવાળી પત્ની કાંઇ સમગ્ર જીવનની સંગિની ઓછી જ બની શકે?

હા, ધૂમકેતુની ‘ચોલા’ મનમોહક, રસરંજક ખરી, પણ સાથે સાથે જરા આખા બોલી ય ખરી. ઝનૂનમાં આવી જાય તો એ મને એનાં ચરમકમળ પાસે ય બેસાડી દે એવી.ના,ના, મારે મારી પૂજા કરે, હૃદય મંદિરના આરાધ્યદેવ ગણીને હૈયે સ્થાપે એવી, હાથમાં હાથ મિલાવીને લટકાળી ચાલે એવી, નવીન ઢબછબની છેલછબિલી કે જે મારા હૃદય સિંહાસન પર સ્થાન લે એવી હૃદયસામ્રાજ્ઞી જોઇએ.

આમ તે પાછો રૂપેરી પડદાનો ય શોખીન હતો. પડદે ચમકતી અવનવી અને અલબેલી, નવા રૂપરંગોથી ઓપતી નવી નવી, નટખટ તારિકાઓનાં નખરાંમાં ગૂમ થઇ જતો. બસ તે તો સ્વપ્નની દુનિયામાં મહાલતો રહેતો.

નિરૂપા રોય અને બીના રોય તો આદર્શ છતાં ઘરરખ્ખું ગૃહિણીઓ જેવી. ‘શકુન્તલાની’ જયશ્રી જેવી મળે તો ઠીક. પણ કાંઇક દુષ્યંત જેવું થઇ જાય તો વળી પાછી પીડા! નરગીસ ને સુરૈયાની ટાપટીપ જબરી. એમની તુમાખીય ભારે. એવી મળી જાય ને કોઇ દિવસ એની સાથે ખટપટ થઇ જાય તો જીવન ખતમ. શ્યામા અને મધુબાલા જેવી મળી જાય તો જીવનમાં કંઇક ચમકારો કરી જાય એટલું જ. બાકી તો તેવી નારી સાથે જીવન કેવું જાય તે તો અનુભવે ખબર પડે.

નીના, નસીમ અને નિમ્મી તો શરમાળ છોકરીઓ જેવી. એમના જેવી ઘરવાળી સાથે તો વખત જ કેમ ગાળવો તેનો ય વિચાર તો કરવો પડે! કુલદીપ કૌર ને કામિની કૌશલ તો આંખને ઇશારે નચાવે એવી. મારે તો હું નચાવું ને અમે સાથે નાચીએ, છતાં પડખે રહે અવી નમણી રમણી જોઇએ. મીના, રેહાના ને ગીતાબાલી તો ભારે નટખટ. એમના જેવી સહચરી મળી જાય તો સમય આનંદમાં જાય ખરો, પણ એ હૃદયેશ્વરા બની શકે ખરી? એકલા રૂપ અને ચમકારાથી જીવન સરળ બને ખરું?

અરે, આજની અભિનેત્રીઓની તો વાત જ ન્યારી. કેટકેટલાં જોડે લફરાં કરતી. પેલી બિપાશા જ્હોન જોડે, કેટરીના સલમાન સાથે, કરિના સૈફ સાથે. ફરંદીઓ નહિ તો? તેઓને લાજ શરમ નડે નહિ. એક તો સાગના સોટા જેવી, નખરાં કરવાવાળી, જૂજ વસ્ત્રો પહેરી નગ્નતાનું પ્રદર્શન કરતી. કોઇ જોતું તો નથી ને તેની તકેદારી રાખી તેમને જોવાનું ગમે, પણ પત્ની તરીકે? ના, ના, સમાજમાં હાંસીપાત્ર બનાય તે જુદું. આ બધી કલ્પનાઓની એક રસમૂર્તિ સમોવડી કોઇ અબલા પ્રબલા મળી જાય તો જીવન ધન્ય બની રહે.

આમ વિધવિધ પ્રકારનો સ્વૈરવિહાર કરવામાં એનો સમય જતો. જો એને સ્વૈરવિહાર કરવો હોય તો ‘દ્વિરેફ’ નો ‘સ્વૈરવિહાર’ વાંચવો શું ખોટો? એમની વાતોમાંથી મસ્તીનો ખોરાક મળી રહે. પણ એને સાથે... હાસ્યની ગલીપચી પણ જોઇતી હશે. ફક્ત સુંદરીનું કે હસમુખીઓનું હાસ્ય કે નૃત્ય જોઇને આનંદ આવે એમ હું માનતો નથી.

હું નવલને કહેતો રહેતો, ‘‘ભાઇ, આવું એકતરફી ગાંડપણ કરવાથી શો ફાયદો? હાસ્યમાં કે આનંદમાં જ રાચવું હોય તો ‘ઓલિયા જોશી’ જ્યોતિન્દ્ર દવે, મસ્તફકીર કે શયદા વગેરેનું શરણ લેવું જોઇએ.

રાત્રે ઊંઘમાં ય નવલના સ્વપ્નપટે વાચનમાંની રૂપસુંદરીઓ તરવરતી. એ એની જ ઝંખના કરતો. ઊંઘમાં લવરીએ ચઢતો ને ભાષણો આપતો. એ ખૂબ જ બેચેન રહેતો. આ જોઇને કુટુંબીજનોને ય ચિંતા રહેતી. પણ હવે આનો રસ્તો શો?

‘‘ભાઇ, ભાઇ, તમારો વિવાહ કરી નાંખ્યો.’’ હસતી ને ગેલ કરતી નવલની નાની બહેને ચપટી વગાડતા કહ્યું.

‘‘હેં ! મારો વિવાહ? મને પૂછ્યા વિના થાય જ નહિ. એવા વિવાહમાં હું માનતો નથી. મેં છોકરીને જોઇ નથી ને વિવાહ...?’’

‘‘હા, હા, ભાઇ. હું સાચું કહું છું. થોડી વાર પછી જાણશો. કંસાર ખાશો ત્યારે ખબર પડશે.’’

‘‘હું ય જોઉં છું કે એ કેમ થાય છે? તું તારે જા. ચિંતા ના કર.’’

‘‘ભાઇ, એવું કેમ બોલો છો? તમારે પરણવું ન હોય, પણ મારે તો ભાભી જોઇએ ને? જુઓને પેલી આનંદીભાભી, સરલા વગેરે કેવા કિલ્લોલ કરે છે? એવી ભાભી હોય તો મજા પડે.’’

‘‘જાય છે કે નહિ?’’

‘‘ભાઇ, આજે મારી ભાભી આવશે, કુંવારે માંડવે જમવા. કેવી મજાની એ ભાભી! મને તો આવતાંના સાથે જ ભેટી પડશે.’’ આંગળીઓના પહોંચા વડે ઓવારણા લેતા હેતથી બહેને ભાઇને સાવધ કર્યો.

‘‘ક્યાં છે? ક્યાં છે તારી ભાભી? નવલ પોતાની થનારી પત્નીને જોવા આતુર બન્યો.

‘‘અહીં બારીએ આવોને. જુઓ પેલા બે જણમાં, કેસરી સાડીવાળી, લાજ કાઢીને આવે છે એ જ મારી ભાભી.’’ બહેને આનંદ વ્યક્ત કરતાં ભાઇનું પહેરણ ખેંચીને લાંબો હાથ કરતાં બતાવ્યું.

‘‘પેલી દોઢ હાથની લાજ કાઢીને આવે છે તે? આવી અઢારમી સદીની તારી ભાભી? હાવ ગામડાનું રોંચું!’’ નવલે અણગમો દર્શાવ્યો.

‘‘ન્યાતના રિવાજ પ્રમાણે લાજ તો કાઢવી જ જોઇએ ને? પહેલી વાર સાસરે આવે ત્યારે બધાની જેમ લાજ મર્યાદા તો રાખવી જ જોઇએ ને? પછી લાજ કઢાવવી, ન કઢાવવી એ તો તમારી હાથની વાત છે.’’

‘‘પણ મને આ ઠીક લાગતું નથી. આ સંઘ કાશીએ કેવી રીતે જશે? તે જ મને તો સમજાતું નથી. ક્યાં મારી કલ્પના મૂર્તિઓ ને ક્યાં આ ગામડિયું રોઝ?’’ ભાઇની મનોવ્યથાનો પાર નહોતો.

‘સમય વર્તે સાવધાન’ થયું. નવલાને પ્રભુતામાં પગલાં પરાણે માંડવા પડ્યા. એમાં ન હતી અંતરની ઉષ્મા, આનંદ, ખુશી કે તરવરાટ! ક્યાં એની સ્વપ્ન સુંદરીઓ ને ક્યાં આ સામાજિક લગ્નની ધૂંસરી? નથી જોયું પત્નીનું મુખ કે નથી કર્યો તેની સાથે કાંઇ વાર્તાલાપ!

મધુરજની કેવી જશે એના ઊંડા વિચાર વમળમાં, શયનખંડની શૂન્યતામાં એ એની કલ્પના મૂર્તિઓને યાદ કરી રહ્યો હતો. ત્યાં બહેને બારણામાંથી ધીમેથી ભાભીને ખંડમાં ધક્કો માર્યો ને એ હસતી કૂદતી સીડી ઊતરી ગઇ.

નવા વસ્ત્રાલંકાર સજેલી એ મુગ્ધા કહો કે કિશોરી, દાંતમાં છેડો ઘાલીને મંદગતિએ આવી ને પ્રીતમની પાસે એ શરમાતી છૂપાતી બેસી ગઇ. એનામાં અત્યારે ગુર્જર કન્યાને છાજે એવું ગાંભીર્ય અને લજ્જા હતાં. પિયેર છોડ્યાનું કારુણ્ય હતું ને સાસરીમાં પ્રવેશ્યાનો ક્ષોભ હતો. નવલની ઇચ્છા તો અત્યારે થનગનાટભરી ને ખુલ્લે માથે છૂટી વેણીમાં ફૂલ ખોસેલી, અર્ધાંગીનીને જોવાની હતી, પણ...

પાંચ મિનિટ થઇ, સાત મિનિટ, દશ મિનિટ...થવા છતાં કઇ બોલતું કે ચાલતું નથી. છેવટે નવલે મૌન તોડ્યું, ‘‘બોબડી છે કે તોતડી? અબોલા લેવા હતા તો અહીં શું જખ મારવા આવી?’’ એમ કહીને નવલે માથેથી સાડીનું આચ્છાદન દૂર કર્યું, જાણે ચંદ્ર ઉપરથી કાળી વાદળી ખસી જાય તેમ.

‘‘અરેરે આ શું? મોં ઉપર આટલા બધાં ચાઠાં ને ચકામા? ચંદ્રના ચાંઠા તો સહન થાય એવા હોય છે. આ તો...સુંદર ચહેરાને બદલે?’’

‘‘એમાં હું શું કરું? પ્રભુએ મને જેવી ઘડી છે તેવી તમને પરણીને આવી છું.’’

‘‘કાંઇ ભણી છે? કોઇ સાહિત્ય કે નવલકથાઓ વાંચી છે?’’

‘‘ના, ભણી તો બહુ નથી. પણ વ્રતકથાઓ વાંચી શકું છું...’’

‘‘મારે તારી વ્રત કથા, ધર્મ કથા કે કર્મ કથાનું કામ નથી. તેં કઇ ચોપડીઓ વાંચી છે?’’

‘‘હા, નીતિધર્મ, સાચી પત્ની, ગૃહિણી, પાકશાસ્ત્ર, બાલ ઉછેર વગેરે.’’

‘‘સંગીત,નૃત્ય, ચિત્રકલા વગેરે કંઇ જાણે છે કે?’

‘‘ના રે. એવું તે મને ગામડામાં કોણ શીખવે? કહેશો તો અહીં શીખીશ.’’

‘‘તું તારી સાથે કાંઇ નવીન ચીજ વસ્તુ લાવી છે?’’

‘‘મારી સાથે તો બીજું શું લાવું? થોડાક કપડાં ને ઘરના સંસ્કાર જ સ્તો.’’

‘‘એ સંસ્કાર બંસ્કાર તો સમજ્યા. આવું હતું તો મીરાબાઇ બનવું હતું ને! ક્યાં મારા ભાવ પ્રધાન ર્ઉીયનો ને ક્યાં તું? મારું જીવન ધૂળધાણી થઇ જશે. તું તારું હવે ફોડી લેજે.’’

અત્યાર સુધી નયનાએ ધૈર્ય ધર્યું હતું પણ હવે તેના હૃદયના ટૂૂકડે ટૂકડા થઇ ગયા. એનું અહીં કોણ? એના આશા ને કોડભર્યા નયનોમાંથી અશ્રુઓ સરી રહ્યા!

નવલને પણ પોતાના અરમાનો ને આશાઓ વેરણ છેરણ થઇ ગયેલી લાગી. દિવસો ને રાત્રિઓ વિચારોમાં પસાર કરતો. જીવનમાં રસ કે આનંદ ક્યાં? નહોતું એમાં જીવન સંગીત, પંખી શો કિલ્લોલ, સુખ શાંતિ કે સંતોષ. નવલકથાના વાચને કલ્પનાભૂસું ભરાયું હતું તે તેને સતાવતું હતું. દુઃખ, દર્દ ને વ્યથા! હવે એની કલ્પનાનો ઘોડો ઢીલોઢસ થઇ ગયો હતો.જીવનમાં ઉદાસી ને હતાશા છવાઇ ગઇ હતી. વિચારોમાં ભ્રમિત થઇ, માંદગીમાં સપડાઇ ગયો હતો. એક દિવસ ગળફામાં લોહી આવતાં ડોક્ટર પાસે તપાસ કરાવી તો ટી.બી. હોવાનું માલુમ પડ્યું. ઘરના સૌ સાથે નયના પણ હેબતાઇ ગઇ. નયનાએ નક્કી કરી લીધું. મા બાપે આપેલા સંસ્કારે નયના, નવલની સેવા ચાકરીમાં લાગી ગઇ, ટી.બી.ના હાઉ કે ચેપની પરવા કર્યા વિના. ખડે પગે તે સેવા ચાકરી કરતી રહી. આ સેવા ચાકરી દરમ્યાન જ નયનાનું ખરું રૂપ નવલને દેખાયું.

થોડા દિવલ પછી નવલને ડોક્ટરે તપાસ્યા. એ કહે, ‘‘ ખૂબ ઝડપી સુધારો થયો છે. થોડા દિવસમાં સંપૂર્ણપણે સાજા થઇ જશો.’’ અને બીજી તપાસને અંતે તો તેને દવા પણ છોડાવી દીધી.

સ્વસ્થ થઇ ગયા પછી નવલે માને પૂછ્યું, ‘‘મા, તારી વહુ કેમ દેખાતી નથી?’’

‘‘ક્યાંથી દેખાય એ બિચારી! આજે પૂરા વીસ દિવસથી એને નકોરડા ઉપવાસ થયા છે. એણે તું સારો થાય તે માટે પૂરા એકવીસ દિવસ નકોરડા ઉપવાસ અને પ્રાર્થનાની બાધા લીધી છે. મને તો એ ઘરની રોશની જ લાગે છે. તારે લીધે તો એ નયનાવહુ દશ દિવસથી પથારીવશ છે. એણે તને સાજો કરવા એની જાતની પરવા કરી નથી’’ માએ રડતું હૈયું પુત્ર સમક્ષ ઠાલવ્યું.

નવલની આંખો સમક્ષની એની કલ્પનામૂર્તિઓ અદ્રશ્ય થઇ ગઇ અને એના બદલે તરવરી રહ્યું એની સેવા કરતી પત્નીનું રૂપ! એ દોડ્યો અને પથારીમાં કૃશઃકાયા બનીને પડેલી નયનાને ભેટી પડ્યો. તેની આંખોમાંથી વહેતી અશ્રુધારા નયનાના ગાલ પર પડી તેને સ્નેહથી ભીંજવી રહી!