Devo Ki Duniya Jagdish U. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Devo Ki Duniya

(સાહિત્યકાર શ્રી ઉમિયાશંકર ઠાકરની લિખિત)

દેવોની દુનિયા

સંપાદકીય

બાળકો તમારું ધ્યાન કંઇક અંશે દેવો તરફ દોરાય અને ધાર્મિકતાના સંસ્કારબળનું યત્કિંચિત પણ સિંચન થાય તે હેતુથી. આ દેવોની દુનિયાની વાતો પુસ્તકરૂપે પ્રકટ થઇ રહી છે. આ તો વર્ષોપૂર્વે “બાલમિત્ર” સામયિકમાં છપાઇ ગયેલી છે.

અત્યારે ધાર્મિક સંસ્કારની, સાત્વિકતા, વિનય, વિવેક, કર્તવ્ય પરાયણના, નિયમિતતા, સેવા અને સહકાર વગેરે વિના સિદ્ધિ નથી. આ બધું ધર્મના સંસ્કાર વિના ઓછું સંભવે છે. આપણા દેવો સંબંધોનો ટૂંકો પરિચય દરેકે જાણવો ખૂબ જ જરૂરી છે.

તમારે જ આ બાબત જરૂરી છે એમ નથી. મોટેરાંઓ પણ આ બાબતમાં જાણકાર નથી. તેમને પણ આમાંથી ઘણું જાણવાનું મળશે.

આ પહેલાં બાલ ગ્રંથાવલિ અંતર્ગત આણંદ શહેરના જૂની પેઢીના ખ્યાત કવિ, લેખક અને બાળસાહિત્યકાર ઉમિયાશંકર ઠાકરના પાંચ ભાગમાં બાલ કાવ્ય સંગ્રહો સન ૨૦૦૭માં પ્રગટ થયાં છે. આ પુસ્તિકાના પ્રકાશન સાથે તેઓના આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી બાલ નાટિકાઓ, બાલ સંવાદો અને બાલવાર્તાલાપો પણ પ્રગટ થઇ રહ્યા છે. તે પણ તમે જરૂર વાંચજો સાથે આ “દેવોની દુનિયા” વાંચી, આનંદો અને જીવનને ઉત્તરોત્તર ઉચ્ચતમ બનાવીને જીવનને ઉજમાળું કરી રહો એ જ એક માત્ર ઇચ્છા.

જગદીશ ઉ. ઠાકર

૩૩, કૃષ્ણ હા.સોસાયટી

૨૨ગામ વિદ્યાલય પાછળ

વલ્લભ વિદ્યાનગર

પીન. ૩૮૮ ૧૨૦

ફોન.નં.- (૦૨૬૯૨) ૨૩૪૮૩૩

સાહિત્ય સર્જન

૧. ગંગતરંગ (કાવ્ય સંગ્રહ)

૨. શ્રદ્ધાંજલિ (સ્વ.પૂ.પિતાશ્રીને)

૩. પુષ્પાંજલિ (શ્લોકો, પ્રાર્થનાઓ)

૪. અધ્યાંજલિ (ભક્તિ કાવ્ય ગીતો)

૫. સ્નેહાંજલિ (ચિંતન ભાવનાત્મક લેખો)

૬. શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ સંસ્થા પરિચય

૭. ગાયત્રી ગીત સાગર (ભજન કિર્તનો)

૮. સ્મરણાંજલિકા (નિત્યપાઠ)

૯. લઘુકથા સંગ્રહ મૌન

૧૦. વાર્તા સંગ્રહ કલ્પના મૂર્તિ

૧૧. ચારિત્ર્ય મહિમા

અનુક્રમણિકા

૧. શ્રી બ્રહ્માજી

૨. શ્રી વિષ્ણુ ભગવાન

૩. શ્રી શંકર ભગવાન

૪. દેવોના રાજા ઇદ્રદેવ

૫. વિઘ્નાશક દેવ ગણપતિ

૬. શ્રી સૂર્યનારાયણ

૭. શ્રી અગ્નિનારાયણ

૮. ગુરુ દત્તાત્રેય

૯. ધનનો દેવ કુબેર

૧૦ પવન દેવ

૧૧ યમદેવ

૧૨ પાણીના દેવ વરુણ દેવ

૧૩ નારદ

૧૪ સોમદેવ કે ચંદ્રદેવ

૧ : શ્રી બ્રહ્માજી

શ્રી બ્રહ્માજીએ જગતને ઉત્પન્ન કરનારા દેવ કહેવાય છે. વેદમાં તેમને પ્રજાપતિ કહે છે. દેવો અને મનુષ્યોના પણ તે પિતા કહેવાય છે. કેટલાક વળી તેમને શ્રીવિષ્ણુ ભગવાનના નાભિકમળમાંથી (દૂંટીમાંથી) ઉત્પન્ન થયાનું પણ કહે છે.

બ્રહ્માજી તો બહુ ભલા છે. કોઇ સીદો અને સરળ હોય છે. તો તેને આપણે કહીએ છીએ ને કે કેવો ‘ભોળો બ્રહ્મા જેવો છે!’

બ્રહ્માજીને પહેલાં તો પાંચ માથાં હતાં. પણ એક વખત બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણેયમાં મોટું કોણ એ પ્રશ્ન આવી પડ્યો. ત્યાં તો બ્રહ્માજી કહે, “હું મોટો.”

શ્રી વિષ્ણુ ભગવાન તો કાંઇ બોલ્યા નહિં, પણ મહાદેવજી એ સાંભળીને ચિડાઇ ગયા. એમનો ક્રોધ તો માય નહિ. આંખો તો લાલચોળ થઇ ગઇ. એમણે ભૈરવનું ભયંકર રૂપ ધારણ કર્યું. બ્રહ્માજીનું જે મોંઢુ બોલ્યું હતું, તેને તરત જ તેમણે ડાબા હાથના અંગૂઠા વડે ધડથી જુદું કરી નાખ્યું. ત્યારથી બ્રહ્માજી ચાર માથાંવાળાં થઇ ગયા.

બ્રહ્માજી ધોળું વસ્ત્ર પહેરે છે ને કીમતી ધોળો ઉપરણો ઓઢે છે. ઝગઝગતો રત્નજડિત મુગટ તો એમને માથે ઝબકારા મારે છે. એક હાથમાં તે દંડ (સુંદર લાકડી) અને બીજા હાથમાં ભિક્ષાપાત્ર રાખે છે. તે મઝાના ધોળા હંસ ઉપર સ્વારી કરે છે. જ્યાં જવું હોય ત્યાં એ હંસ તૈયાર.

પ્રથમ તો બધું આકાશ જેવું ખાલી ખાલી જ હતું. પછી બ્રહ્માજીએ જળ અને પ્રકાશ પેદા કર્યાં. જળમાં તે વરાહ (ભૂંડ) રૂપે પેઠા અને પૃથ્વીને પોતાના દાંત ઉપર ઊંચી કરીને પછી આખું જગત પેદા કર્યું, એવું કહેવાય છે.

તેમણે તેમની આંખમાંથી સૂર્ય અને મનમાંથી ચંદ્ર પેદા કર્યા. શરીરના બાકીના ભાગોમાંથી પ્રાણીઓ, વનસ્પતિ વગેરે વિવિધ પ્રકારની રચના કરી.

કહેવાય છે કે એક વખત તે જૂઠું બોલી ગયા હતા. તે વખતથી તેમની પૂજા કરવાની બંધ થઇ ગઇ છે. આખાય હિંદમાં તેમની પૂજા ફક્ત બે જ જગ્યાએ થાય છે. એક રાજપૂતાનામાં પુષ્કર સરોવર પાસેના મંદિરમાં, અને બીજું આબુ પર્વતની પાસે ઇડર આગળ. છતાં બ્રાહ્મણો તો પોતાની દરરોજની સંધ્યામાં તેમનું વર્ણન હજુય કરે છે.

બ્રહ્માજીની ઉમર કેટલા વર્ષની છે. એ જાણવા જેવું છે. આપણાં ૪૩,૨૦,૦૦૦ વર્ષ તે બ્રહ્માજીનું ૧ વર્ષ. એવાં એવાં ૧૦૦ વર્ષ જેટલું તેમનું આયુષ્ય!

કેવા જબરા બ્રહ્માજી!

અનુક્રમણિકા

૨ : શ્રી વિષ્ણુ ભગવાન

વિષ્ણુ ભગવાન બહુ જ રૂપાળા છે. એમના તેજનો તો પાર નથી. રૂપ રૂપનો ભંડાર ને તેજનો અંબાર. સદાય હસમુખા ને આનંદી.

કહે છે કે એ વૈકુંઠમાં રહે છે. બહુ મઝાનું એ સ્થળ છે. પુષ્કળ આનંદ મળે એવું એ સ્થળ છે. હીરા, માણેક, મોતી, ઝવેરાતનો તો ત્યાં પાર નથી. લક્ષ્મીજીનો જ ત્યાં વાસો છે. આનંદ ને મઝા સિવાય તો ત્યાં બીજી વાત જ નથી. સૌ કોઇનું પોષણ ને રક્ષણ કરનાર એ દેવ ગણાય છે.

આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે કે વિષ્ણુભગવાનને ચાર હાથ છે. એ દરેક હાથમાં અકકેકી વસ્તુ છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ (કમળ). એ પીળું પીતાંબર પહેરે છે. માથે મઝાનો કીમતી મુગટ મૂકે છે. હાથે ને ગળે તો ઘરેણાંનો પાર નહિ. એ ખભે ખેસ નાખે છે ને કેડે કટિમેખલા (રત્નજડિત કંદોરો) પહેરે છે.

એ ગરુડ ઉપર સવારી કરે છે. જ્યાં જવું હોય ત્યાં ગરુડ તૈયાર. ગરુડ ઉપર એ બેઠા કે ગરુડ ઊડ્યું જ છે. જરી વારમાં તો એ એમને જ્યાં જવું હોય ત્યાં લેઇ જાય; એટલી બધી એની ઝડપ. અત્યારનાં એરોપ્લેનથીય સરસ.

શાસ્ત્રો કહે છે કે કેટલીક વખત એ મહાસાગરમાં રહે છે; તેથી તેમને નારાયણ પણ કહે છે. (નાર - જળ + અયન - જનાર). ત્યાં એક મોટો નાગ છે. એ નાગના ઉપર એ મઝાથી સૂઇ જાય છે. નાગ પોતાની ફેણ ઊંચી કરીને એમને છત્ર ધરે છે. લક્ષ્મીજીય એમની સાથે ત્યાં સેવામાં ખરાં જ. કેટલા બધા પ્રતાપી.

વષ્ણુને પૂજનારાઓ તેમનું ધર્મચિહ્ન ેં જેવું કરે છે. જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધી જાય છે. અને લોકો અતિશય દુઃખમાં આવી પડે છે. ત્યારે એ જન્મ લે છે. આવા એમણે મુખ્ય દસ અવતાર (જન્મ) લીધા છે.

ઋષિ મુનિઓએ તેમને સૌથી મોટા ગણાય છે. તેની રમૂજી વાર્તા હવે પછી આપીશું.

ઋગ્વેદમાં વિષ્ણુ ભગવાનને સૂર્ય ગણ્યા છે.

કહે છે કે કેટલાય ભક્તોને એમણે દર્શન દીધેલાં. કેટલાયનાં દુઃખો એમણે દૂર કરેલાં. અરે, એમણે તો ધાર્યાં કામ કરેલાં. એ અતિશય શક્તિવાળા કહેવાય છે.

એ બહુ દયાળુ છે. આપણે એકચિત્તે, સાચા મનથી જો જરાક એમને યાદ કરીએ તો એ આપણી પ્રાર્થના સાંભળે છે. તેથી જ એમને સૌ કોઇ અંતર્યામી ને દયાનિધિ કહે છે.

તમે મોટા થાવ ત્યારે એમના સંબંધે ઘણું ઘણું વાંચજો ને બરાબર સમજજો. આમ સામાન્ય રીતે તો એમનાં કામ સમજી શકાય એમ નથી.

અનુક્રમણિકા

૩ : શ્રી શંકર ભગવાન

આપણા મુખ્ય દેવોમાં ત્રીજા શ્રીશંકર ભગવાન મહાદેવજી આવે છે. મહાદેવ તે મહાદેવ જ છે. એમને કલ્યાણ કરનાર દેવ પણ કહેવાય છે.

કૈલાય પર્વત ઉપર એ રહે છે. હિમાલયની પુત્રી પાર્વતીએ એમનું સ્થાન શોભાવ્યું છે.

આખે શરીરે એ ભસ્મ રાખોડી ચોળે છે. શાથી એ રાખોડી ચોળતા હશે, તે તમે કહેશો? ભસ્મમાં ગરમી આપવાનો ગુણ છે. અને તેમને વસ્ત્ર અલંકાર ગમતાં નથી. તેથી બસ એ ભસ્મ જ ચોળે છે. કેડે વાઘનું ચામડું વિંટાળે છે. હાથે, ગળે ને માથે તો એ નાગદેવને રાખે છે. માથે એ મોટી એવી જટા રાખે છે, ને જટામાં પવિત્ર ગંગાજીને રાખે છે. ભાલે કપાળમાં બીજનો ચંદ્ર છે. ને ચંદ્રના જેવું તો એમનું તેજ છે. સાપનું તો એ જનોઇ પહેરે છે. ને કાનમાં ધંતૂરાનાં ફૂલ ખોસે છે. એક હાથમાં તે મોટું ત્રિશૂળ રાખે છે. અને બીજા હાથમાં ડાખલું રાખે છે. રૂદ્રાક્ષની માળાઓ તેમના ગળામાં અને હાથે શોભી રહે છે.

બીકને તો એ ધોળીને પી ગયા છે. કેટલાક કહે છે કે મસાણમાં બહુ બીક લાગે, પણ એ વાત જ ખોટી છે. એ તો બસ મસાણની રાખોડમાં જ રહે છે ને તપ કર્યાં જ કરે છે, કેવા બહાદુર!

જે કોઇને તાબે ન થાય તે એમને તાબે છે. છતાંય ભક્તોનાં દુઃખ દૂર કરવામાં એ જ્યારે જુઓ ત્યારે તૈયાર. એ સ્હેજમાં રીઝે એવા દેવ છે.

પહેલાં દેવો અને દાનવોએ સમુદ્રને વલોવ્યો હતો. અને તેમાંથી ચૌદ રત્નો કાઢ્યાં હતાં : લક્ષ્મી, કૌસ્તુભ મણિ, પારિજાતક, દારૂ, દેવોના વૈદ્ય, ચંદ્રમા, કામદૂધા ગાય, ઐરાવત હાથી, રંભા, ઉચ્ચૈઃશ્રવા નામનો ઘોડો, અમૃત, સારંગ ધનુષ, પાંચજન્ય શંખ અને ઝેર.

તેમાંના ઝેરને લેવાને કોઇ તૈયાર ન થયું. શંકર ભગવાનને તો કંઇ ડર જ ન હતો. એ તો ઝેર ગટગટાવી ગયા. પણ એટલું બન્યું કે એમનું ગળું ભૂરા રંગનું થઇ ગયું. તેથી આજેય તેમને “નીલકંઠ” કહે છે. એ ઝેરની ગરમી ખૂબ વધી પડી; તેથી ઠંડક કરવાને ભાંગ પીવા લાગ્યા, ને એમને માથે જળની ધારા થવા લાગી.

ભાંગને લીધે એ સદાય સમાધિમાં રહે છે. આથી તેમના ભક્તો તેમને ઘંટાનાદ, નોબતોના નાદ અને શંખતૂરીના નાદોથી જગાડીને પૂજા કરે છે.

કહે છે કે સૃષ્ટિનો નાશ કરવાનું કામ એમનું છે. એમના કપાળ વચ્ચે એમને એક ત્રીજી આંખ છે. તેથી તેમને ત્રિલોચન પણ કહે છે. એ આંખ ઉઘાડીને એમણે બધી ખરાબ બાબતોને બાળી દીધી હતી. ને ભલભલાને વશ કર્યા હતા. કાર્તિકેય અને ગણપતિ એમના પુત્રો છે. નંદી (આખલા) ઉપર એ સવારી કરે છે.

એમની તો ખૂબ રમૂજી વાતો છે. કોઇકવાર એ કહીશું.

અનુક્રમણિકા

૪ : દેવોના રાજા ઇંદ્રદેવ

ઇંદ્રદેવનું નામ તો તમે સાંભળ્યું હશે. પણ એમના સંબંધે તમે બહુ જાણતાં નહિ હો. આજે આપણે એમની જ થોડી વાતો કરીએ. ઇંદ્રદેવ બહુ રૂપાળા છે. એ દેવોના રાજા કહેવાય છે. એમનું આસન (ઇંદ્રાસન) બહુ પ્રભાવસાળી અને કીમતી ગણાય છે. સ્વર્ગની નગરી અમરાપુરીમાં એ રહે છે.

અમરાપુરીનું તો આપણાથી વર્ણન જ ન થઇ શકે એવું એ શહેર છે. કેટલા બધા ત્યાં સુંદર સુંદર બાગ બગીચા છે. મંદાર, પારિજાતક, સંતાન, કલ્પવૃક્ષ અને હરિચંદન જેવાં તો ત્યાં એકએકથી ચઢિયાતાં ઝાડ છે. એ ઝાડ તો સુંદર મઝાનાં ફૂલ ફળ આપે ને ધારી ઇચ્છા પૂરી પાડે એવાં છે. અત્તરના ફુવારા તો ત્યાં ઊડતા જ હોય. હીરા મોતીના સાથિયા ય ત્યાં પૂરેલા નજરે પડે. મલકતા પવનદેવ તો હાજર જ હોય. પછી ત્યાં શું બાકી રહે? આપણે આપણા જીવનમાં સારાં કામ કરીએ તો તેનો લાભ લેઇ શકીએ એવું શાસ્ત્રો કહે છે.

સમુદ્ર મંથન કરતાં ચૌદ રત્નો નીકળેલાં તે તો તમે જાણો છો. તેમાંથી ઐરાવત નામનો ધોળો હાથી એ એમનું વાહન છે. કહે છે કે હાથીને સાત સૂંઢો છે. અધધધ એટલી બધી સૂંઢો! અને સાથે સાથે એ હાથી બહુ સુંદર રીતે ચિતરેલો અને કીમતી શણગારોથી શણગારેલો હોય છે. માતલિ નામનો મહાવત જ્યારે એને હાંકે છે, ત્યારે તો ઇંદ્રરાજાની સ્વારી ખરેખરી શોભી રહે છે.

ઇંદ્રદેવની રાણીનું નામ ઇંદ્રાણી છે. એય એ હાથી ઉપર ઇંદ્રરાજાની સાથે બેસે છે. એમના પુત્રનું નામ જયંત છે. સંસ્કૃતમાં ઇંદુને વરસાદનાં ફોરાં કહે છે. કેટલાક સોમરસનાં ટીપાં પણ કહે છે. એનો આપનાર તે ઇંદ્ર.

ઇંદ્રના ઉપકાર તો આપણી ઉપર ઘણા છે. કેટલાક દાનવો વરસાદને બાંધી લેતા ત્યારે એ તેમની સાથે જબરી લડાઇ કરતા ને વરસાદ વરસાવતા. આથી કરીને એમને મેઘ ના દેવ પણ કહે છે. વરસાદ ન પડે તો આપણું શું થાય? તે તો તમે જાણો જ છો ને? કેવા દયાળું એ દેવ?

એમની પાસે એ વજ્રા નામનું હથિયાર રાખે છે. દધિચી નામના મુનિએ પોતાનો દેહ ત્યાગીને દેવોના ભલાને માટે પોતાનાં હાડકાં આપ્યાં હતાં. એ હાડકાંમાંથી દેવોએ વજ્ર બનાવ્યું હતું. એ વજ્રથી તો એમણે વૃત્ર નામના દાનવને જીત્યો હતો. કેવું જબ્બર એ હથિયાર હશે?

કહેવાય છે કે દરેક દૈવી ૧૦૦-૧૦૦ વર્ષે ઇંદ્રરાજાને પોતાની પદવીને માટે ચિન્તા જેવું થાય છે. કારણ એટલું જ છે કે જે કોઇ રાજા ૧૦૦ અશ્વમેઘ યજ્ઞ કરે તેને ઇંદ્રની પદવી મળે.

એમનું રાજ્ય પૂર્વ દિશામાં. વાવાઝોડાં અને કુદરતનાં તત્ત્વો એમને તાબે છે. શાસ્ત્રો કહે છે કે મેરું નામનો એક સોનાનો પર્વત છે. તેના ઉપર સુંદર મઝાનાં વાજીંત્રો છે. તે બધાં વાજીંત્રોની વ્યવસ્થાય એમને તાબે છે.

કેટલાક ઇંદ્રને ચાર હાથ હોવાનું કહે છે. તેમાંના એક હાથમાં તે વજ્ર અને બીજામાં શંખ રાખે છે. બાકીના હાથમાં ધનુષ્ય બાણ અને પાશ(બાંધવાનું હથિયાર) રાખે છે.

ઇંદ્રદેવને સોમરસ પીવાનું ખૂબ ગમે છે. તેમનો દરબાર ભરાય છે. ત્યારે સ્થળ જોવા જેવું થઇ જાય છે. બહુ સુંદર રીતે તેને શણગારે છે. કેટલીય અપ્સરાઓ ત્યાં મઝાનો નાચ કરે છે, સુંદર વાજીંત્રો વાગે છે. ને આનંદ આનંદ થઇ રહે છે.

એક વખત ઇંદ્રદેવના મહેલમાં આવી જ સભા ભરાઇને બેઠી હતી. ઇંદ્રનો પુત્ર ગંધર્વસેન પણ ત્યાં બેઠો હતો. અપ્સરાઓ સુંદર મઝાનો નાચ કરતી હતી. ત્યાં તો ગંધર્વસેનની ઇચ્છા એક અપ્સરાને પરણવાની થઇ. ઇંદ્રદેવથી આ સહ્યું ન ગયું.એમણે પુત્રને શાપ આપ્યો, “જા પૃથ્વી ઉપર તું ગધેડો થઇને અવતર.” એની વાત તો બહુ લાંબી છે. કોઇ વાર એ કહીશું.

કેટલાકે ઇન્દ્રદેવનું રહેઠાણ આકાશમાં કલ્પેલું છે. અને આકાશ ઉપર તો કેટલાંય વાદળાં ફરી વળે છે. તે વાદળાં ચાઠાં જેવાં દેખાય છે. આથી કેટલાક કહે છે કે ઇંદ્રદેવના શરીરે તો ચાઠાંય છે.

પણ એટલું ખરું. ઇંદ્ર દેવનો દરબાર વખણાય છે.

અનુક્રમણિકા

૫ : વિઘ્નનાશક દેવ ગણપતિ

શ્રીશંકર ભગવાનના પુત્ર તે ગણપતિ. કેટલાક એમને ગણેશ પણ કહે છે. (ગણ + ઇશ = ગણેશ). ગણ-ભૂત, ભૈરવ વગેરે વિકરાળ રૂપોવાળી જાતિના, ઇશ - પતિ.

એક વખત શંકર ભગવાન તપ કરવા ગયા. તે વખતે પાર્વતીજીએ એક સુંદર પૂતળું બનાવીને તેને સજીવન બનાવી દીધું. શંકર ભગવાનને આ વાતની ખબર પડી. એ તો ધૂંઆપૂંઆ થઇ ગયા, ને ક્રોધે ભરાયા. ઉતાવળમાં ને ઉતાવળમાં એમણે ગણપતિનું માથું ઉડાવીને ક્યાંય ફેંકી દીધું.

પાર્વતીજીથી આ જોયું ન ગયું. એમના દુઃખનો પાર ન રહ્યો. છેવટે શંકર ભગવાને એક ગણને બોલાવ્યો ને કહ્યું, “જા, રસ્તામાં તને જે પહેલું મળે તેનું માથું જલદી લઇ આવ.” બિચારો ગણ તો ચિઠ્ઠીનો ચાકર, ને અક્કલનો ઓથમીર. રસ્તામાં એને એક હાથી મળ્યો. એણે તો વહેલે વહેલે હાથીનું માથું ઉતારી લીધું. ને દોડતો આવી પહોંચ્યો.

સૌએ માથું જોઇને નવાઇ પામ્યાં. હવે જો બીજા માથાની શોધમાં જાય તો વખત ઘણો જાય ને કામ થાય નહિં. એટલે શંકર ભગવાને તો પેલા ગણપતિના ધડ ઉપર હાથીનું માથું બરાબર ગોઠવીને મૂકી દીધું. ને પછી પોતાની વિદ્યાશક્તિના બળથી એને જીવતો બનાવી દીધો. ત્યારથી એ ગજાનન કહેવાયા.

પણ પાર્વતી માતાનું મન કાંઇ એમ માને કે? છેવટે શ્રીશંકર ભગવાને ગણપતિને વરદાન આપ્યું, કે “સૌ શુભ કાર્યમાં પ્રથમ એનું જ સ્મરણ થશે. સૌ કોઇ એને મુખ્ય દેવ માનશે.”

ગણપતિનું સ્વરૂપ બહુ અલમસ્ત છે. એ ખૂબ જાડા છે, ને જરા ઠીંગણા છે. પહોળી પાટલીવાળું એ સુંદર ધોતિયું પહેરે છે, ને તેના ઉપર કીંમતી કંદોરો પહેરે છે. ખભે ખેસ નાખે છે, ને માથે મઝાનો મુગટ મૂકે છે. એમને ચાર હાથ છે. ચારેય હાથે એ પહોંચીઓ, બાજુબંધ ને કડાં વગેરે ઘરેણાં પહેરે છે. ડાબી ખાંધે એ સુંદર જનોઇ રાખે છે. ગળામાં કેટલીય માળાઓ અને પગે તોડાયએ પહેરે છે. એમને ઘરેણાંરૂપી થાપણ રાખવાનો બહુ શોખ છે.

એમને ગોળ ને ઘી ખૂબ ભાવે છે. તેથી એક હાથમાં એ લાડુનું વાસણ રાખે છે. બીજામાં અંકુશ, ત્રીજામાં પાશ ને ચોથા હાથમાં ગદા રાખે છે.

એમને લાલ રંગ ખૂબ ગમે છે. એમનાં બધાં કપડાં લાલ રંગના. એમની પૂજાય લાલ ફૂલ અને સિંદૂર કંકુથી થાય. એમનું શરીરેય લાલલાલઘૂમ. કેવું અજબ!

એ એક મોટા ઊંદરડા ઉપર સ્વારી કરે છે. એમનું હાથીના જેવું ડોકું, અને ઊંદરડાનું વાહન એ ખરેખર સૂચકચિહ્ન રૂપે છે. હાથીનું માથું ડહાપણ અને દુરંદેશીપણું સૂચવે છે. ઊંદરડો એ ધૈર્યનો સૂચક છે. અને આપણને એ ગુણોની જરૂર છે. કેમ ખરું ને?

પણ એક વાત તો રહી જ જાય છે. હાથીને તો બે દાંત છે, પણ ગણપતિને તો એક જ દાંત છે! એની એક વાત છે.

શ્રીશંકર ભગવાનના પ્રિય શિષ્ય પરશુરામ હતા. તેઓ પોતાના ગુરુને મળવાને માટે કૈલાસે ગયા. પણ જ્યાં એ શિવ ભગવાનના મહેલમાં પેસવા જાય ત્યાં તો એમને ગણપતિએ રોક્યા. કારણ શિવજી સૂતા હતા ને પિતાની રક્ષાનું કામ ગણપતિ કરતા હતા.

પણ પરશુરામ એમ કાંઇ ઝાલ્યા રહે? કેટલે દૂરથી એ ગુરુનાં દર્શન કરવા આવ્યા હતા; એટલે એમણે અંદર જવાની હઠ લીધી. બંન્ને વચ્ચે ખરેખરી લડાઇ થઇ. છેવટે પરશુરામે પોતાની ફરશી ઉગામી. એ ફરશી તો શિવ ભગવાને પરશુરામને આપી હતી. પોતાના જ પિતાએ આપેલા એ હથિયારનું અપમાન ન થાય એટલા માટે તરત જ ગણપતિએ વિવેકપૂર્ણ પોતાનો એક દાંત આડો ધરી દીધો. પછી શું કહેવું? તડાક દેઇને દાંત કપાઇ ગયો. ને એમનું નામ એકદંત પડ્યું.

એમનીપાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. રિદ્ધિ એટલે દોલત કીમતી વસ્તુઓ અને સિદ્ધિ એટલે અમુક જાતની ખાસ શક્તિઓ. બહુ જબરા એ દેવ.

સર્વ શુભ કાર્યમાં એમને પ્રથમ નમસ્કાર થાય છે. શ્રી ગણપતિ ન્મ એવું તો તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે. ઘરમાં પેસતાં બારણા ઉપર લાકડામાં પણ એમની કોતરેલા તમે જોશો. કેવું ઊંચું સ્થાન?

દક્ષિણમાં તો એ ખાસ મોટા દેવ મનાય છે. ને પૂજાય છે. ગણેશ ચોથનો તો ત્યાં મોટો ઉત્સવ મનાય છે.

એ ભલું કરનારા દેવ ગણાય છે. એમનું ચિહ્ન આપણે ષ્ઠ (સાથિયા)થી બતાવીએ છીએ. કંકુનો સાથિયો ચીતર્યો એટલે ગણપતિ થઇ ગયા. ગોળ ગટ એ દેવ છે. એમને ચાલતા જોઇએ તો ખૂબ મઝા આવે.

અનુક્રમણિકા

૬ : શ્રી સૂર્યનારાયણ

સૂર્યનારાયણ એ વિષ્ણુ ભગવાનનું બીજું રૂપ છે. એ રોજ પૂર્વ દિશામાં ઊગે છે. એ ન હોય તો આપણાં બધાંનાં જીવન ન હોય, આપણામાં શક્તિ ન હોય. એ ન હોય તો અનાજ પાકે નહિ, ને અજવાળુંય મળે નહિ.

શાસ્ત્રકારોએ એમનાં બે નામ રાખ્યાં છે. એક નામ સવારમાં દેખાય ત્યારે સૂર્ય અને બીજાનું નામ રાત્રે ન દેખાય ત્યારે સવિતૃ. આપણા લોકોએ એમને માટે કંઇક જુદી જ કલ્પના કરી છે. એમને સોનાની આંખો છે, સોનાના હાથ છે, ને સોનાની જીભ છે. ધોળા પગવાળી લાલ રંગની સાત ઘોડીઓ જોડેલા રથમાં એ બેસે છે. એ સાત ઘોડીઓ તે સાત રંગ (રાતો, નારંગી, પીળો, લીલો, વાદળી, ભાગો જાંબુડો અને ધોળો)નું તેમનું તેજ જ હશે.

એ લાલ કપડાં પહેરે છે. એ સદાય રાજકુમારના જેવા રૂપમાં રહે છે. ત્રણ પૈડાંના રથમાં એ બેસે છે.

એમની દીકરી બહુ રૂપાળી છે. એનું નામ ઉષા. એમની એક સ્ત્રીનું નામ સંજ્ઞા, અને બીજીનું નામ છાયા છે. એ અદિતિના પુત્ર છે કે વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર, શંકર ભગવાનનું ત્રિશૂળ, અને કાર્તિકેયની શક્તિએ ત્રણે હથિયાર એમના તેજમાંથી બનેલાં છે.

દેવોએ પણ સૂર્યનું મહત્ત્વ ગાયું છે ને એમનું પૂજન અર્ચન કર્યું છે.

ગાયત્રી મંત્ર એ સૂર્યનો મંત્ર છે. એ મંત્રમાં અતિશય બળ રહેલુંછે. એ મંત્ર આ રહ્યોર્ ંદ્બ મ્રેિ મ્રેદૃટ્ઠર જીદૃટ્ઠર ્‌ટ્ઠં જીટ્ઠદૃૈેંિ ફટ્ઠિીહઅટ્ઠદ્બ મ્રટ્ઠર્ખ્તિ ડ્ઢીદૃટ્ઠજઅટ્ઠ ડ્ઢરૈદ્બટ્ઠરૈ ડ્ઢરૈર્અ ર્રૂહટ્ઠર ઁટ્ઠિષ્ઠર્રઙ્ઘટ્ઠઅટ્ઠં એનો ભાવાર્થ નીચે પ્રમાણે છેઃ ત્રણેયલોકમાં મેળવવા જેવું આપનું કીર્તિવાળું તેજ, તેનું અમે ધ્યાન ધરીએ છીએ.હે સવિતૃદેવ, અમારી બુદ્ધિમાં અપૂર્વ બળ અને પ્રકાશ પૂરો.

સૂર્યદેવનું માહાત્મ્ય રવિવારે ઘણું ગણાય છે. કેટલાક તોસૂર્યદેવને રીઝવવાને માટે રવિવારે ધોળી વસ્તુઓ જ ખાય છે. કેટલાકલોકો તે દિવસે મીઠું ખાતા નથી. કેટલાક તે દિવસે દૂધ વેચતા નથી.પણ એ દૂધથી ચોખાનો લોટ બાંધીને તેની રોટલી બનાવીને બ્રાહ્મણોનેતેનું દાન કરે છે.

સૂર્યને પૂજનારાઓનો એક નિંબાર્ક નામનો પંથ પણ છે. તેઓલીમડાના ઝાડ નીચે રહીને સૂર્યની પૂજા કરે છે.

અયોધ્યાના દિલીપ, દશરથ, રામ વગેરે સૂર્યવંશી રાજાઓસૂર્યમાંથી જ ઊતરી આવેલા એમ મનાય છે. અત્યારે ઉદેપુરના રાણાઓએ સૂર્યવંશના જ ગણાય છે. અને સૂર્યની પૂજાને ખાસ મહત્ત્વ આપેછે. ત્યાંનો મુખ્ય દરવાજો, રાજમહેલનો મુખ્ય ખંડ, રાજછત્ર વગેરેસૂર્યનારાયણની જ આકૃતિનાં છે. બાદશાહ અકબર પણ સૂર્યને પૂજતોહતો. તેણે તો સૂર્યનાં હજાર નામ એકઠાં કરાવ્યાં હતાં. આદિત્ય,ભાસ્કર, ભાનુ, રવિ, સૂર્ય, દિવાકર વગેરે એમનાં નામ છે. ખરેખર,સૂર્યદેવ તે સૂર્યદેવ જ છે.

અનુક્રમણિકા

૭ : શ્રી અગ્નિનારાયણ

અગ્નિનાં ત્રણ રૂપ છે. પૃથ્વી ઉપર અગ્નિરૂપે, આકાશમાં વીજળી રૂપે, અને સૂર્યમાં ઉષ્ણતા અને પ્રકાશ રૂપે તે રહે છે.

આ દુનિયાના માણસોને સ્વર્ગના દેવોને તૃપ્ત કરવાને માટે, પિતૃઓનું દેવું ચૂકવવાને માટે, અને હવાના વાતાવરણને શુદ્ધ બનાવીને વરસાદ વરસાવવાને માટે અગ્નિ જ એક સાચું સાધન છે.

અરણીમાંથી પહેલાં અગ્નિ પ્રકટાવવામાં આવતો હતો. કેટલાક સાચા બ્રાહ્મણો મંત્રબળથી પણ અગ્નિને પ્રકટાવતા હતા. કેટલાક લોકો અરણીના લાકડાને ઘસીને આજેય શુદ્ધ અગ્નિ પ્રકટાવે છે.

અગ્નિનારાયણનું મૂળ સ્વરૂપ આપણને વિચારમાં મૂકી દે એવું છે. અગ્નિદેવને બે મુખ છે. તેમની આંખો રતાશ પડતા બદામી રંગની છે. તેમને સાત હાથ છે, અને ત્રણ પગ છે. શરીરે તે જાડા છે. તેમની ભ્રમરો લાંબી છે. અને માથાના વાળ પણ લાંબા છે. ઘેટું તેમનું વાહન છે. ઘી હોમવાના બે શરવા અને બે દંડ તેમનાં હથિયાર છે. બે હાથમાં તે બે સુંદર વાસણો રાખે છે. એક હાથમાં સરસ પંખો રાખે છે.

સૂર્યનારાયણના રથની સપ્તમુખી ઘોડીની પેઠે અગ્નિદેવના સાત હાથ તે તેમની જ્વાળાઓના સાત રંગ હશે. ત્રણ પગ તેં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં જઇ શકે છે તેના સૂચક રૂપે હશે. સૂર્યના અને પૃથ્વી ઉપરના અગ્નિરૂપી બે મુખ અને તેમાંથી નીકળતી જ્વાળાઓ તે તેમની કાંટાવાળી જીભો સૂચવે છે.

ત્રણ અને સાતની ગુણતરી તો હિંદુ, મુસલમાન, યહૂદી અને ખ્રિસ્તી વગેરેમાં બહુ પવિત્ર અને માનીતી ગણાય છે.

અગ્નિદેવની સ્ત્રીનું નામ સ્વાહા છે. કોઇ પણ મંત્ર બોલીને તમે અગ્નિમાં આહુતિ (કોઇ પણ વસ્તુ હોમવી તે) આપો તો તે ગ્રહણ કરતાં નથી. પણ મંત્રને છેડે જ્યારે તમે સ્વાહા બોલો ત્યારે જ તે હોમેલું ગ્રહણ કરે છે. આથી જ યજ્ઞ કરતી વખતે બ્રાહ્મણો મંત્રને છેડે સ્વાહા બોલે છે. કોઇ જગ્યાએ યજ્ઞ થતો હોય ત્યાં જઇને સાંભળી જોજો; તરત જ સમજાશે.

અગ્નિદેવને ઘી બહુ ભાવે છે. ઘી મળતાં જ વધારે ઘી મેળવવાને માટે એમની જ્વાળાઓને એ બહુ જ મોટું રૂપ આપી દે છે. આપણામાં કહેવત છે ને કે ‘બળતામાં ઘી હોમ્યું.’ એટલે કે મૂળે તો એકબીજાને કંઇક જામેલું હોય અને તેમાં વળી કોઇ ટાપસી પૂરાવે, એટલે તેમની વચ્ચે વધારે જામે.

કેટલાક લોકો વાત વાતમાં કહે છે કે દેવોનાં બે મુખ છેઃ બ્રાહ્મણ અને અગ્નિ. કારણ એ છે કે બ્રાહ્મણ અને અગ્નિને આપેલું દેવને જ પહોંચી જાય છે.

અનુક્રમણિકા

૮ : ગુરુ દત્તાત્રેય

દત્તાત્રેય એ વિષ્ણુ ભગવાનના એક અવતાર રૂપ ગણાય છે. એમને ત્રણ માથાં ને ૬ હાથ છે. તે તેમના હાથમાં તુંબીપાત્ર, ત્રિશૂળ, ડમરુ, શંખ, ગદા અને રુદ્રાક્ષની માળા રાખે છે. વળી ગળામાં રુદ્રાક્ષની માળાઓ, ડાબે ખભે જનોઇ ને ઝોળી, અને કેડે મુંજનો કંદોરો ને લંગોટ રાખે છે. હાથે પણ તે રુદ્રાક્ષનાં બેરખાં પહેરે છે.

એમનામાં બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ એ ત્રણેય દેવોની શક્તિ એકઠી થએલી છે. એમની વાત બહુ રમૂજી છે. તે આપણે આગળ જોઇશું.

પોતે દેવ હોવા છતાંય બીજાનામાં જે કાંઇ સારું દેખે તેને તે પોતે સ્વીકારે ને સામાને પોતાના ગુરુ તરીકે માને. આવા તો તેમણે ચોવીસ ગુરુ માન્યા હતા. આથી એ ગુરુ દત્તાત્રેય પણ કહેવાય છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયાં, મધમાખી, હાથી, મધ લેનાર પારધી, હરણ, માછલી, પિંગલા નામની ગણિકા, ટીંટોડી, બાળક, છોકરી, બાણ ને ઘડનાર, સાંબેલાવાળી, કરોળિયો અને ભમરી આ ચોવીસની પાસેથી તેમણે સદ્‌ગુણો લીધા હતા ને તેમને ગુરુ તરીકે માન્યા હતા. તમે ય એ સદ્‌ગુણોને શોધવા પ્રયત્ન કરો તો? “શ્રીમદ્‌ ભાગવત”નામના પુસ્તકમાં એ બધું છે.

નારદ મુનિને ચટકાં કરવાં બહુ ગમે. એક દિવસ અત્રિઋષિના આશ્રમે તે ગયા. અત્રિઋષિનાં સતી સ્ત્રી અનસૂયાએ તેમને આવકાર આપ્યો. બેસવાને મૃગચર્મ પાથર્યું. વનમાંથી વીણી આણેલાં ફળ ફળાદિ તેમની આગળ મૂક્યાં. પાસે વહેતી નદીનું નિર્મળ પાણી ભરેલું તુંબડુંય મૂક્યું.

નારદમુનિને આથી સંતોષ થયો. પછી તો આશિષ દેઇને તે આગળ ચાલ્યા. લક્ષ્મીજી, પાર્વતીજી અને સાવિત્રીજી ત્રણેય દેવીઓ સખીઓ લતામંડપ નીચે બેઠી હતી. વાતાવરણ પવિત્ર ને શાન્ત હતું. સામે આમતેમ હરણાં ઠેકતાં હતાં. મંદ મંદ પવન વાતો હતો, ને ઠંડી મીઠી વાતો ચાલતી હતી.

ત્યાં તો “ભજ મન નારાયણ નારાયણ નારાયણ” કરતા કરતા ને તંબૂરો બજાવતા બજાવતા નારદમુનિ આવ્યા. ત્રણેય દેવીઓએ તેમનો સત્કાર કર્યો. પણ મુનિને તો આજે જરા ચટકું કરવું હતું, તેથી એ જરા નિરાશ મુખે બેઠા.

દેવીઓએ નારદજીને નિરાશાનું કારણ પૂછ્યું. છેવટે આનાકાની કરતાં નારદમુનિ બોલ્યા, “દેવીઓ, તમારે દુઃખે જ હું દુઃખી છું. અત્રિમુનિનાં સ્ત્રી અનસૂયા ખરાં સતી સ્ત્રી છે. એમણે તો બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ ત્રણેયનાં નાનકડાં પૂતળાં કરીને બાંધી રાખ્યાં છે. મારે તો આમાં કાંઇ નથી. હવે તો બહુ વાર થઇ. લ્યો, બેસો ત્યારે : નારાયણ નારાયણ” આમ કહીને નારદમુનિ તો ચાલ્યા ગયા.

ત્રણેય દેવીઓએ અનસૂયાનું પારખું જોવાને માટે પોતપોતાના પતિઓને અનસૂયાને આશ્રમે મોકલવાનું નક્કી કર્યું. ને બધાં વિખૂટાં પડ્યાં.

દરેકે પોતપોતાના પતિને આ વાત જણાવી. સ્ત્રીઓના અતિશય આગ્રહને લીધે ને અનસૂયાનું પારખું જોવાને માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ત્રણેય સતી અનસૂયાને આશ્રમે જવા નીકળ્યા. રસ્તામાં ત્રણેય ભેગા થયા. છેવટે અનસૂયાને આશ્રમે જઇને એમણે ગુપ્તવેશે ભિક્ષા માગી.

પણ અનસૂયા તો મહાસતી, સાધ્વી ને પવિત્ર બાઇ હતાં. એ ત્રણેયનો વિચાર એ સમજી ગયાં. એમણે પોતાના વિચારબળ ને પવિત્રતાના બળથી એ ત્રણેયને નાના નાના બાળક બનાવી દીધા. પછી તો આશ્રમની પાસેના ઝાડે વલ્કલની ઝોળી બાંધી, ત્રણેયને એમાં સૂવાડ્યા, ને પછી હેતથી ઝીણે રાગ એ સતી સ્ત્રી હાલરડાં ગાવા લાગ્યા. ત્રણેય દેવ તો ઝોળીમાં ખડખડ હસે.

હવે નારદમુનિ કેમ બેસી રહે? એમણે આ વાત દેવી લક્ષ્મી, પાર્વતી ને સાવિત્રીને કહી.

ત્રણેય દેવીઓ અત્રિમુનિને આશ્રમે દોડતી આવી. એમનો ગર્વ વળી ગયો. ત્રણેય દેવીઓ સતી અનુસૂયાને પગે પડી. એમણે ખોળા પાથરીને પોતપોતાના પતિઓની માંગણી કરી.

પણ સતી તો ખરેખરાં સતી હતાં. એમણે દેવીઓને તેમના પતિઓ આવ્યા હતા તેવા રૂપે સોંપ્યા. દેવીઓ ખુશી થઇ.

પછી તો બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવે સતી અનસૂયાને ખરેરૂપે દર્શન દીધાં, ને વરદાન માગવાને કહ્યું.

આવી સતી સ્ત્રીને તે વળી ખોટ હોય? પણ તેમણે નમન કરીને કહ્યું, “દેવ! આપની કૃપાથી મારે કશાયની ઊણપ નથી. પણ તમે ત્રણેય મારે ત્યાં જન્મ લો ને મને તમારી સેવાનો લાભ આપો એવી મારી ઇચ્છા છે.”

દેવોએ કહ્યું -“તથાસ્તુ!”

એ ત્રણેય દેવોએ સતી અનસૂયાને ત્યાં એકરૂપે જન્મ લીધો તે આપણા ગુરુ દત્તાત્રેય.

આજેય એમનો જયન્તીનો ઉત્સવ માગશર માસની પૂનમને દિવસે ધામધૂમથી ઊજવાય છે.

અનુક્રમણિકા

૯ : ધનનો દેવ કુબેર

આપણે માનીએ છીએ કે બધા દેવો સુંદર હશે, ને પહેલેથી જ દેવો થઇ ગયા હશે. પણ ખરું જોતાં એવું નથી.

આ કુબેરદેવ રાવણનો સાવકો ભાઇ થાય. એણે એક વખત લંકા જીતી લીધી હતી. તો પણ પોતાના બળવાન ભાઇ રાવણને તે પાછી આપી દેવી પડી હતી. અરે, રાવણે તો એને કબજે કરીને પોતાના ખજાનાને સાચવનાર નોકર બનાવ્યો હતો.

પણ કુબેર કાંઇ એમ ઝંપે એવો ન હતો. એણે તો બ્રહ્માજીનું ખૂબ તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, ને વરદાન આપ્યું, કે “તું ધનનો અધિપતિ દેવ થઇશ. જગતના ચાર મોટા પાલક દેવોમાંનો તું એક થઇશ.”

આમ એ મનુષ્યમાંથી દેવ બન્યા. જે માણસ તપ કરે ને સારાં કામ કરે તને દેવ જ કહેવાય.

રોમન લોકોમાં પ્લૂટો નામનો દેવ છે. એના જેવા જ આ કુબેરદેવ. દ્રવ્ય ને સૂવર્ણના અધિપતિ દેવ છે.

કુબેરદેવની આજુબાજુ યક્ષો વિંટળાએલા રહે છે. તે બધાય સોનેરી વસ્ત્રો પહેરે છે, પીળા ઘોડા પર બેસે છે. સુવર્ણદંડ ને સોનાની સુંદર ઢાલો હાથમાં રાખે છે.

આ દેવ ઉત્તર દિશાનું રક્ષણ કરનારા દેવ ગણાય છે. જે માણસો ખૂબ જ ધન મેળવવાની ઇચ્છા કરતાં કરતાં મરણ પામે છે તે બધાં બીજે જન્મે યક્ષો થાય છે એમ કહેવાય છે. અને કુબેરના વંશજો તે યક્ષો જ છે.

ધન મેળવતાં કોઇ માણસ ગુનેગાર થાય છે તો તેને કુબેરની સ્ત્રી શક્તિ શિક્ષા કરે છે. અને પછી યજ્ઞમાં ઘી વગેરે હોમીને તે માણસ તેના ગુનાનું નિવારણ કરી શકે છે.

આમ તો કુબેરનો અર્થ બેડોળ શરીર એવો થાય છે. તેથી કરીને કુબેરનું મંદિર જ નથી. જોકે નર્મદા નદીને પવિત્ર કિનારે કુબેર ભંડારીનું એક જ મંદિર જાણ્યામાં છે.

કેટલાક લોકો તો તેમની પૂજાય કરતા નથી. છતાં ય જેમને ધન મેળવવાની ઇચ્છા હોય છે તેવા હિંદુઓ લક્ષ્મીદેવીની કે ગણપતિની પૂજા કરે છે ને ધન મેળવે છે.

પણ એટલું ખરું, કુબેર માણસમાંથી દેવ બન્યા, ને અઢળક દ્રવ્ય સોનું, જવાહીર વગેરેના અધિપતિ થયા.

અનુક્રમણિકા

૧૦ : પવનદેવ

પવનને પણ આપણા લોકો દેવ તરીકે માને છે. કારણ કે તેમની ઘણી જ જરૂર પડે છે. પવન ન હોય તો તો ઉકળાટ ઉકળાટ થઇ રહે. તાજી હવા ય ન મળે. સુગંધીય ન મળે. કોઇ જીવી જ ન શકે ને! અરે, એ બધી વાત તો બાજુએ રહી; પણ વરસાદનાં વાદળાંને એક જગ્યાએથી બીજી જગ્યાએ એમના વિના કોણ ખેંચીને લઇ જાય?

એ પવનદેવ જ વરસાદને ખેંચી લાવે છે. આથી કરીને પવનદેવને ઇંદ્રદેવના મદદગાર દેવ તરીકે ગણવામાં આવે છે. ખરેખર, એ દેવ સૌનું પોષણ કરનાર દેવ છે.

પવનને રુદ્રના પુત્ર કહેવામાં આવે છે. ઋગ્વેદમાં તેમની સંખ્યા ૧૮૦ જેટલી છે.

પુરાણોમાં ૪૯ જાતના પવનદેવ વર્ણવેલા છે.

આકાશમાં એ ભયંકર ગર્જનાઓ કરે છે, કેટલાક એમને તોફાનના દેવ તરીકે પણ ઓળખે છે.

એ દેવનાં નામ ઘણાં છે. અનિલ, મરુતા, માતરિશ્વા, વાયુ વગેરે એમનાં જ નામ છે.

તેઓ સિંહની પેઠે ગર્જના કરે છે. એમને એક જગ્યાએ બેસી રહેવાનું ગમતું જ નથી. બસ, લોકોના કલ્યાણને અર્થે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યા જ કરે છે. પણ એટલું ખરું, એ તોફાને ચઢે ત્યારે કોઇનાય નહિ. કોઇ પણ દેવ એમનું તોફાન શમાવી જ ન શકે, એવા એ જબરા દેવ છે!

ભલભલા પર્વતોને ને મોટાં મોટાં મકાનોને ય એ હતાં ન હતાં કરી મૂકે. પાણીને એ ક્યાંય ખેંચી જાય. બિચારાં ઝાડવાંનો તો એમના આગળ કશો હિસાબ જ નહિ. રેતીના રણમાં તો ઢગલે ઢગલા રેતીને એ ક્યાંની ક્યાં ઉડાડી મૂકે છે. ને ખાડાની જગ્યાએ ટેકરા ને ટેકરાની જગ્યાએ ખાડા કરી મૂકે છે. એટલા બધા એ શક્તિવાળા છે.

એ દેવ રંગે ચળકતા રતાશ પડતા રંગના છે. અગ્નિની જ્વાળા જેવા એ પ્રકાશે છે. તેમના રથે રાતા ઘોડા જોડેલા છે. હાથમાં તે ભાલા રાખે છે. એ ભાલા વીજળી જેવા ચળકતા હોય છે.

એમની ચાલ બહુ જ ઝડપ વાળી છે. સહેજ વારમાં તો એ ક્યાંના ક્યાંય નીકળી જાય; એટલી બધી એમની ઝડપ. જ્યાં જુઓ ત્યાં એ ખરા જ.

એમની આટલી બધી અપાર શક્તિ જોઇને લોકો એમને દેવ તરીકે માને છે. વીર હનુમાન ને ભીમસેન એમના જેવી ઝડપી ગતિવાળા હોવાથી એમના પુત્રો મનાય છે.

અનુક્રમણિકા

૧૧ : યમદેવ

યમદેવ એ સર્વ પ્રાણીઓએ કરેલાં કૃત્યોના અદલ ન્યાય કરનાર દેવ ગણાય છે. એમને તો ધર્મરાજા ય કહે છે.

યમદેવ દક્ષિણ દિશાનું રક્ષણ કરનાર દેવ છે.

એ લાલ રંગનાં સુંદર વસ્ત્રો પહેરે છે. માથે મઝાનો મુગટ પહેરે છે. એમના શરીરનો રંગ કાળો છે. પણ એ પ્રકાશવાળા દેખાય છે. એમની આંખો બહુ તેજસ્વી હોય છે. એ એક હાથમાં પાશ રાખે છે, ને શણગારેલા પાડા ઉપર એ બેસે છે.

દુનિયાના બધાય લોક જો તેમને મન ફાવે તેવી રીતે વર્તે તો પછી દુનિયાનો વહેવાર કેવી રીતે ચાલે? આથી સારાં ખોટાં કામનો ન્યાય કરનાર દેવ હોય એ ઇચ્છવા જોગ છે, ને એ દેવની બીકથી સારાં કામ થાય તોય સારું.

તેમનું દફ્તર સાચવનાર તરીકે તેમની પાસે ચિત્રગુપ્ત નામનો અધિકારી રહે છે. એ અધિકારી સર્વ કોઇની નોંધ એના અગ્ર સધાની નામના ચોપડામાં કરે છે. ચંડ અને કાળપુરુષ નામના બે નોકરો અને વૈધ્યટ નામનો ચોકીદાર પણ ત્યાં હોય છે.

યમદેવ પોતાનો દરબાર ભરીને બેસે છે. અને મરનારને યમદૂતો તેમના દરબારમાં હાજર કરે છે. યમદૂતો પૃથ્વીલોકમાં આવે છે, તેની ખબર કૂતરાંને પડે છે એમ કહેવાય છે. પૃથ્વીલોકમાંથી યમના દરબારમાં જતાં ૪ કલાક ને ૪૦ મિનિટ લાગે છે. ત્યાર પછી યમદેવ તેનો ન્યાય કરે છે ને નવો અવતાર આપે છે.

સારાં કામ કરનારને એ સ્વર્ગ આપે છે. સ્વર્ગ પાંચ જાતનાં છે. (૧) ઇંદ્રલોક, (૨) શિવલોક-કૈલાસ, (૩) વૈકુંઠ, (૪) ગોલોક, અને (૫)બ્રહ્મલોક. ખરાબ કામ કરનારને એ નરકમાં નાખે છે. મનુસ્મૃતિ નામના આપણા ધર્મશાસ્ત્રમાં ૨૧ જાતનાં નરક લખેલાં છે. નરક એટલે ખોટી જગ્યા, અંધારી જગ્યા. આપણે સારાં જ કામ કરીએ તો?

બેસતા વર્ષને બીજે દિવસે જે બીજ આવે છે. તેને યમદ્વિતીયા કહેવાય છે. તે દિવસે યમદેવ બેનને ત્યાં જમવા ગયા હતા. ભાઇબેનનું હેત કેવું હશે?

અરે! એ યમદેવ તો બહુ ભલા છે. એમની એક વાર્તા મહાભારતમાં છે. આપણે એ વાર્તા ટૂંકમાં જોઇએ.

અશ્વપતિ નામનો એક રાજા હતો. એને એક કુંવરી. એનું નામ સાવિત્રી. સાવિત્રીનો વિચાર સત્યવાન નામના એક ઋષિકુમારને પરણવાનો હતો.

પણ એ રાજાને ત્યાં એક ભવિષ્ય જાણનાર મુનિરાજ રહેતા હતા. એ જાણતા હતા કે સત્યવાનનું આયુષ્ય ફક્ત એક જ વર્ષનું બાકી છે. એટલે એ સાવિત્રીને પરણાવવાનું ના કહે.

સાવિત્રી તો છેવટે પરણી. સત્યવાન ને સાવિત્રી તો હવે માતાપિતા સાસુસસરાની સેવા કરે છે ને મઝા કરે છે. એમ કરતાં વર્ષ પૂરું થવા આવ્યું.

છેલ્લો દિવસ આવ્યો. સાવિત્રી તો એ બધું જાણતી હતી. બંન્નેય આજે જંગલમાં યજ્ઞ માટે લાકડાં કાપવા લાગ્યાં હતાં.

અચાનક સત્યવાનને મૂર્છા આવી. સાવિત્રી પાસે જ હતી. એણે સત્યવાનને પોતાના હાથ ઉપર લેઇ લીધો. પોતાના ખોળામાં સૂવાડ્યો. સામે જુએ તો પાડા ઉપર યમરાજા બેઠેલા ને સત્યવાન ઉપર પાશ નાખેલો.

સાવિત્રી તો યમદેવને ભાવથી નમન કરવા લાગી.

પણ યમ તે યમ. એ તો સત્યવાનના આત્માને લેઇને દક્ષિણ દેશ તરફ ચાલ્યા.

સાવિત્રીય યમદેવની પાછળ પાછળ ચાલવા લાગી. યમદેવ થોડું ચાલે ને ઊભા રહે. સાવિત્રીને સમજાવે ને વળી આગળ ચાલે.

છેવટે યમદેવ એની પતિભક્તિથી ખુશી થાય ને એને ખાસ વરદાન માગવાને કહ્યું.

હવે સાવિત્રી ચૂકે એમ ન હતી. એણે તો પોતાના સસરા આંધળા હતા તે દેખતા થાય એમ લાગ્યું.

યમદેવે કહ્યું - “તથાસ્તુ.”

પછી એ આગળ ચાલ્યા. સાવિત્રીય પાછળ ચાલવા લાગી. છેવટે યમદેવે સાવિત્રીને બીજું વરદાન માગવાને કહ્યું.

સાવિત્રીએ આ વખતે માગ્યું, “દેવ, આપે અદલ ઇન્સાફ આપ્યો છે, પણ મારા પતિને જીવતદાન આપો. એમના સિવાય મારાથી જીવી શકાશે નહિ. સ્વર્ગેય એમની આગળ મારે તુચ્છ છે. નકામું છે. આટલી કૃપા કરો.”

યમદેવે કહ્યું, “તથાસ્તુ - તેમ થાઓ.” પાશવડે બાંધેલા સત્યવાનને એમણે જીવતો કર્યો.

સાવિત્રીના આનંદનો પાર ન રહ્યો. કેવા ભલા એ યમદેવ?

અનુક્રમણિકા

૧૨ : પાણીના દેવ વરુણદેવ

અદિતિ માતાને બાર પુત્રો. તેમાંના વરુણ પણ એક પુત્ર છે. વરુણ એ પાણીના દેવ ગણાય છે. કેટલાક એમને સમુદ્રના દેવ કહે છે. રોમન લોકો એ દેવને નેપ્ચ્યુન કહે છે. એ ગ્રહ દેવ પણ મનાય છે.

વરુણની આકૃતિ કંઇક વિચિત્ર કલ્પવામાં આવી છે. તેમનું સ્વરૂપ હરણના માથા જેવું છે. આગલા પગ પણ હરણના જેવા છે. પાછળનો ભાગ માછલાના શરીર જેવો છે. જળમાં રહેતું એક રાક્ષસી પ્રાણી એમનું વાહન છે. તેમના જમણા હાથમાં તે પાશ રાખે છે.

પુરાણોમાં તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે કલ્પેલું છે. તે સુંદર આકૃતિવાળા દેવ છે. આખે શરીરે તે ધોળાં વસ્ત્ર પહેરે છે. ઘોડા ઉપર એ બેસે છે. એક હાથમાં તે ધજા રાખે છે, અને બીજામાં તલવાર રાખે છે. ધજામાં માછલીનો આકાર હોય છે. તે માથે મઝાનો મુગટ મૂકે છે. તે દાઢીય રાખે છે. ઘરેણાં તો પહેરેલાં હોય જ. ઘોડાને પણ જુદી જુદી જાતનાં ઘરેણાંથી શણગારેલો રાખવામાં આવે છે.

તે પોતાની પાસે નાગની ફેણનું બનાવેલું આભોગ નામનું છત્ર રાખે છે. આ છત્રને લીધે તે પાણીમાં રહે છે, છતાંય પાણી તેમને અડકી શકતું નથી. કમળનું ફૂલ તો તમે જોયું હશે. તે પાણીમાં રહે છે, છતાંય પાણીથી તે ભીંજાતું નથી. એની પાંખડી ઉપર પાણી પડે તોય તેનાં ટીપાં મોતી જેવાં થઇને નીચે જ ઊતરી જાય છે!

વરુણદેવ રીઝે તો ધાર્યું કામ કરી આપે; પણ ખીજે તો બધુંય હતું ન હતું કરી મૂકે. બધાને એ પાણીમાં ડૂબાડી દે. એમ બને ત્યારે જળપ્રલય થયો એમ કહેવાય.

દુકાળના વખતમાં લોકો એમને યાદ કરે છે. માછી લોકો માછલાં પકડવાની જાળને પાણીમાં નાખતાં વરુણદેવનું નામ લે છે. કેટલાક એમને ભોગ પણ ધરાવે છે. પણ એક વાત છે. એમના અભિમાનને લીધે દેવોએ જ એમને શાપ આપ્યો છે. આથી કરીને દુનિયામાં એમની મૂર્તિ કે મંદિર જેવું કાંઇ નથી.

વરુણના જેવા જ એક બીજા પણ દેવ છે. એમનું નામ મિત્રદેવ. એ બંન્ને એક જ છે. એમ કેટલાક કહે છે. પણ એટલું ખરું, તેમની સ્તુતિ કરવાને માટેની ઋચાઓ, મંત્રો તો બંન્નેને માટે એક જ સરખા બોલાય છે. આથી ખાત્રી થાય છે કે મિત્ર એ વરુણનું બીજું નામ હશે.

અત્યારે તો દુનિયા ઉપર બધે વરુણદેવનું જ સ્વરૂપ દેખાય છે. કારણ પાણી વિના કોઇને ચાલે નહિં. ને દુનિયા ઉપર ત્રણ ભાગનું તો પાણી છે, ને ચોથા ભાગની જમીન છે.

કહો ત્યારે, જળ વરુણ દેવનું માહાત્મ્ય વધારે ખરું કે નહિ?

અનુક્રમણિકા

૧૩ : નારદ

નારદને દેવઋષિ કહેવામાં આવે છે. અને ખરેખર એ દેવઋષિ જ હતા. દેવર્ષિ નારદે અગણિત કાર્યો કર્યાં છે. તેથી જ એમને આપણે અત્યારેય દેવ તરીકે યાદ કરીએ છીએ.

પૂર્વ જન્મમાં એ દાસીપુત્ર હતા, એવું ભાગવતમાં લખાણ છે. ભગવાનની કૃપાથી નાનપણમાં જ એમને સંતોનો મેળાપ થઇ ગયો. એમના ગામમાં ચોમાસાના ચાર માસ સંતો રહેતા હતા. એ સંતોનો લાભ એમને મળ્યો. બિચાર રહ્યા ગરીબ. ખાવાનુંય ઠેકાણુ નહિં. એટલે પેલા સંતોનાં પતરાળાંમાં જે કાંઇ એઠું જૂઠ્ઠું વધેલું હોય તે એ ખાઇ જતા. કહે છે, કે ‘અન્ન તેવું મન.’ એ કહેવત પ્રમાણે એ સાચા સંત બન્યા. એમનાં બધાં પાપોનેય નાશ થઇ ગયો.

હવે એ ભક્ત બન્યા. એ પાંચ વર્ષના થયા ત્યારે એમનાં માતા મરણ પામ્યાં. છેવટે એ જંગલમાં ચાલી નીકળ્યા.

જંગલમાં એ એક ઝાડ નીચે આસન વાળીને બેઠા. ભગવાન સિવાય બીજા કશામાં એમનું ચિત્ત ન હતું. એ તો ફક્ત ભગવાનું જ ધ્યાન ધરતા. ખરેખર, એ તો ભગવાનમાં જ એક તાર થઇ ગયા. ભગવાને એમને સમાધિ દશામાં દર્શન દીધાં. એ તો ખુશી ખુશી થઇ ગયા. થોડીવારમાં ભગવાન તો ચાલ્યા ગયા. ને એમની આંખો ઊઘડી ગઇ.

એ તો ભગવાનને શોધવા લાગ્યા. પણ એમ ભગવાન ક્યાંથી મળે? એમના ગભરાટનો પાર ન રહ્યો. એ બિચારા તો તમારા કરતાંય નાના ૫-૬ વર્ષના; એટલે બીજું કરેય શું?

એટલામાં આકાશમાંથી અવાજ આવ્યો, “હે દાસીપુત્ર, તું ચિન્તા છોડી દે. આ જન્મમાં હવે તને ફરીથી મારાં દર્શન નહિ થાય. આ શરીરને જ્યારે તું છોડી દેઇશ ત્યારે તું મારો પાર્ષદ બની જઇશ.”

પછી તો એ આખો દિવસ બસ ભગવાનની જ ધૂન લગાવે. “નારાયણ, નારાયણ”નો એ જાપ જપે. લોકોનેય નારાયણનું નામ લેવાનો ને નીતિને રસ્તે ચાલવાનો એ બોધ આપે.

એમણે આખું જીવન લોકોના ભલાને માટે જ વીતાવ્યું. પછી એમણે દેહનો ત્યાગ કર્યો, ને નવો દેહ ધારણ કર્યો. એ હવે બ્રહ્માજીના પુત્ર કહેવાયા ને શ્રીવિષ્ણુ ભગવાનનાએ પાર્ષદ બન્યા. એ તો વિષ્ણુ ભગવાનના “મન” જેવા જ હતા.

નારદજીએ આખુંય જીવન બ્રહ્મચર્યવ્રત જ પાળેલું. ધ્રુવ, પ્રહ્‌લાદ જેવાં બાળકોનેય એમણે ભક્તિનો સાચો રસ્તો બતાવેલો. અંબરિષ જેવા રાજાનેય એમણે સાચા ભક્ત બનાવેલા ને ભગવાન મેળવવામાં મદદ કરેલી.

બીજાંના ભલાને માટે એ ત્રણે લોકમાં ફરતા. એક હાથમાં વીણા હોય ને બીજા હાથમાં કરતાલ હોય. બસ નારાયણ નું નામ લેતા, પોતાની સંગીતની ઘૂનમાંએ જ્યાં ત્યાં ફરતા. એમને સંગીતનું ઘણું સારું જ્ઞાન હતું. વીણા વગાડનાર તો એ જ. બીજા બધા એમના આગળ પાણી ભરે; એવી મધુરી એ વીણા બજાવે.

કેટલાક કહે છે કે એમને એકબીજા સાથે લડાઇ કરાવવાનો બહુ શોખ હતો. પણ એ વાત ઠીક નથી. બીજાના ભલાને માટે એના ઉદ્ધારને માટે જ માણસનું જે કાંઇ કામ અધૂરું હોય તે એ એ રીતે પુરું કરાવી દેતા ને તેનું કલ્યાણ કરાવતા. આમ એનો જન્મ મરણનો ફેરો ટળાવી દેતા.

કહેવાય છે કે એ એમની ચોટલીને ઊંચી ને ટટાર રાખતા હતા. એમ રાખીને એ લોકોને ઉપદેશ આપતા, કે “તમે સૌ બસ ઊંચું ઊંચું ધ્યેય રાખો, ઊંચે જવાની જ ઇચ્છા રાખો ને ઊંચાં ઊંચાં કામ કરો.”

દુઃખોને દૂર કરીને બધે આનંદનું જ વાતાવરણ ફેલાવવાનો એમનો હેતુ હતો. તેથી જ એ ઘડીકમાં અહીં તો ઘડીકમાં બીજે સ્થળે એમ સંગીતના મધુર સુરો પૂરતા ફર્યાં કરતા.

દેવર્ષિ નારદને બધાય વેદો ને શાસ્ત્રોનું સારું જ્ઞાન હતું. બધી બાબતોના એ જાણકાર હતા. સંગીત વિશારદ હોવાની સાથે એ કવિ પણ હતા. બૃહસ્પતિ જેવા મહાજ્ઞાનીની શંકાનું પણ એ સમાધાન કરતા. ભગવાનનો ભક્ત શું ન કરી શકે?

છેવટે એ અમર થઇ ગયા.

અનુક્રમણિકા

૧૪ : સોમદેવ કે ચંદ્રદેવ

પહેલાંના વખતમાં ઉત્તર હિંદના પ્રદેશમાં બોલનઘાટ અને તેની આજુબાજુના ભાગમાં એક વેલો થતો હતો. એ વેલાનાં પાન બહુ આછાં હતાં. તેનો રસ સ્વચ્છ અને ધોળો હતો. સ્વાદ કંઇક તીખો હતો.

કેટલાક આર્ય પ્રવાસીઓ ત્યાં થઇને જતા હતા. એ બિચારા થાકી ગયા હતા. તેમણે આ સોમવેલીનાં પાનનો રસ ચાખ્યો. એથી એમનો થાક ઊતરી ગયો, ને દુઃખ જતું રહ્યું. તેમનામાં અજબ આનંદ અને નવું બળ આવ્યું. તેમનામાં કોઇ દેવે પ્રવેશ કર્યો હોય એવું તેમને લાગ્યું. આથી આર્યો તેને સૌ ઔષધિનો રાજા અને દેવ ગણવા લાગ્યા. વેદમંત્રોમાં સોમદેવને રાત્રિના અધિપતિ ચંદ્રદેવ તરીકે પણ ગણવામાં આવે છે.

સોમદેવનાં વખાણ સાંભળીને દેવોને તેને મેળવવાની ઇચ્છા થઇ. બ્રહ્માજીનાં પત્ની ગાયત્રીએ એક પક્ષીનું રૂપ લેઇને તેને લાવવાને માટે પોતાનો વિચાર દર્શાવ્યો. પણ ગાંધર્વો તેમના રક્ષક હતા, તેમણે તેમને અટકાવ્યાં. પછી વાણીની દેવી સરસ્વતી એ કામ કરવાને માટે તૈયાર થયાં, ને સોમને દેવોની પાસે લેઇ ગયાં. કહેવાય છે કે દેવો એનો રસ પીને અમર બન્યા. આ વાત આપણા ધર્મપુસ્તક વેદમાં લખેલી છે.

ઋગ્વેદના નવમાં મંડળમાં તો સોમદેવનાં ઘણાં જ વખાણ કરેલાં છે. તેમાં ૧૧૪ સૂક્તો, મંત્રો તો સોમદેવની સ્તુતિને માટેનાં જ છે. પછી તેમણે તેની પૂજા કરવા માંડી.

તેમનામાં શોકનો અંત લાવવાનો, નવું બળ આપવાનો, ભવિષ્ય જાણવાની અદ્‌ભૂત શક્તિ આપવાનો, શરીરના સર્વ રોગોને દૂર કરવાનો, શાન્તિ આપવાનો ને અમરત્વ આપવાનો વગેરે ગુણ છે.

સોમદેવ ધોળા રંગના છે. એક ત્રણ પૈંડાનાં રથમાં બેસે છે. એ રથને ૧૦ ઘોડા જોતરેલા હોય છે. તે જમણે હાથ આશીર્વાદ આપે છે, ને ડાબા હાથમાં ડાંગ રાખે છે. બીજા ગ્રહોની પેઠે ગ્રહ ચંદ્ર તરીકે તેમની અત્યારે પૂજા થાય છે.

વખત જતાં દેવોએ સોમદેવને ચંદ્ર બનાવી દીધા. એ ચંદ્રદેવની તો ઘણી વાતો છે.

કહે છે કે એ દેવને ૩૩ સ્ત્રીઓ હતી. પણ રોહિણી નામની સ્ત્રી પ્રત્યે તેમને વધારે હેત હતું. બાકીની ૩૨ સ્ત્રીઓ તો પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમણે પોતાના પિતાને કહ્યું, કે “અમારા પતિ બધાં ઉપર સરખું હેત રાખતા નથી.”

આથી પ્રજાપતિએ તેમને શાપ આપ્યો, કે “જા, તું ક્ષયના રોગથી પીડાજે.” અત્યારેય આપણે અંધારિયાંમાં વદમાં તેમનો દિવસે દિવસે ક્ષય થતો ઘટતો જોઇએ છીએ.

એક દિવસ ગણપતિ પોતાના વાહન ઉંદર ઉપર બેસીને જતા હતા. જતાં જતાં ઉંદર ખાડામાં પડ્યો ને ગણપતિ ઉંદર ઉપરથી નીચે ગબડી પડ્યા. આ દેખાવ જોઇને ચંદ્રને હસવું આવ્યું. આથી ગણપતિને પોતાનું અપમાન થએલું લાગ્યું. તેથી તેમણે ચંદ્રને શાપ આપ્યો, કે “જા તારું કોઇ દર્શન જ નહિ કરે.”

બિચારા ચંદ્રે ગણપતિની માફી માગી, ત્યારે ગણપતિએ કહ્યું, “તારે ચોમાસામાં આ શાપ ખાસ ભોગવવો પડશે. પછીના દિવસોમાં તારું દર્શન થશે.” અને ખરે જ, ચોમાસામાં વાદળાંની પાછળ બિચારા ચંદ્રને છૂપાઇ જવું પડે છે.

કેટલાક કહે છે કે દેવોના આચાર્ય બૃહસ્પતિ હતા. તેમની સ્ત્રી તારા હતી. એ તારાનું ચંદ્રે હરણ કર્યું હતું. બૃહસ્પતિએ ચંદ્રને શિક્ષા કરવાનેમાટે પોતાના પગનો જોડો માર્યો. આથી ચંદ્રના ઉપર કાળો ડાઘો પડી ગયો. એ ડાઘો અત્યારે જોઇ શકાય છે.

કેટલાક કહે છે, કે “એ ડાઘો ખરો ડાઘો નથી, પણ એ તો ચંદ્રમાંનું સસલું છે.” તો કોઇ કહે છે, કે “એ તો હરણ છે” તો છોકરાં વળી કહે છે, કે “એ ચંદ્રમાં તો એક દાદીમા બેઠાં બેઠાં રેંટિયો કાંતે છે.”

ચંદ્રદેવની એક બીજી પણ વાત છે. એક વખત તે તેમની માનીતી સ્ત્રી રોહિણી સાથે ફરવા નીકળ્યા. શિવનાં પત્ની ગૌરીના વનમાં તે તેમની રજા સિવાય પેસી ગયાં. આથી ગૌરીને ખોટું લાગ્યું. શિવે તેમને શાપ આપ્યો, કે “જા, તું સ્ત્રી બની જા.”

ચંદ્ર તો બીચારો સ્ત્રી બની ગયો. આથી ઘણું દુઃખ થવા લાગ્યું. એ બિચારો શરમાઇ ગયો. તે તરત જ પશ્ચિમમાં જતો રહ્યો, ને પહાડમાં સંતાઇ ગયો. તે પાછળથી સોમગિરિ કહેવાયો. રોહિણીને આકાશમાં તેની જગ્યાએ મોકલી દીધી. ચંદ્રે એ પહાડમાં ઘણું તપ કરવા માંડ્યું. દુનિયામાં તો રાત્રે બધે અંધારું રહેવા લાગ્યું. પૃથ્વી ઉપરનાં ફળ નાશ પામ્યા, ને આખું વિશ્વ ભય ભરેલું ભાસવા લાગ્યું.

છેવટે બ્રહ્માજીને મોખરે રાખીને દેવો શિવની મદદ માગવા લાગ્યાં. શિવ ચંદ્ર પાસે ગયા ને ચંદ્રને કપાળ સાથે અડકાડ્યો કે તરત જ તે પુરુષ થઇ ગયો. પછી તો બધાંનું દુઃખ દૂર થયું ને શિવે તેને માથે ધારણ કર્યો. આથી શિવ ચંદ્રશેખર (ચંદ્ર જેનો મુગટ છે એવા) કહેવાય છે.

ચંદ્રની ખાસ પૂજા થતી નથી, પણ નવ ગ્રહમાંના એ એક દેવ ગણાય છે. બંગાળ ને બિહારમાં એ વધારે પૂજાય છે. ચંદ્ર એ અમૃતનાં કિરણ વર્ષાવનાર દેવ છે. ઝાકળવાળી રાત્રિના એ રાજા કહેવાય છે. સુગન્ધના રસથી એ ભરપૂર છે. એ શાન્તિ ફેલાવીને આનંદ મય વાતાવરણ બનાવી મૂકે છે. આથી ચાંદનીના દિવસોમાં એકઠાં કરેલાં મૂળિયાં ને ઔષધિઓ વધારે ગુણકારક હોય છે. ઘી, દૂધ કે પાણીમાં ચંદ્રનું પ્રતિબિમ્બ જોવાથી રોગની શાન્તિ થાય છે. એમ કહેવાય છે. ખાસ કરીને કોઢ જેવા રોગોમાં આથી ખાસ ફાયદો થાય છે. શરદ પૂનમની રાત્રિએ ચાંદનીમાં મૂકેલું દૂધ પીવાથી તો આંખોનું તેજ વધે છે.

બાળકો, તમે તો આ ચંદ્રદેવને ઓળખો છો ને? તમે તો એમને ચાંદારાણા ને ચાંદામામા કહો છો. ચાંદનીમાં ખૂબ ખૂબ રમો છો ને કૂદાકૂદ કરી આનંદ ગમ્મતેય કરો છો. તમારા તો એ ખરેખરા દોસ્ત છે, કેમ ખરું ને?