Baal Vartalap Jagdish U. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Baal Vartalap

(સાહિત્યકાર શ્રી ઉમિયાશંકર ઠાકરનો

આકાશવાણી પર આપેલો વાર્તાલાપ)

બાલ વાર્તાલાપ

લેખકનો પરિચય

જગદીશ ઉ. ઠાકર (સ્.છ)

જ.તા. ૨૭ - ૧ - ૧૯૪૧

કવિ, લેખક, લઘુકથાકાર

સાહિત્ય સર્જન

૧. ગંગતરંગ (કાવ્ય સંગ્રહ)

૨. શ્રદ્ધાંજલિ (સ્વ.પૂ.પિતાશ્રીને)

૩. પુષ્પાંજલિ (શ્લોકો, પ્રાર્થનાઓ)

૪. અધ્યાંજલિ (ભક્તિ કાવ્ય ગીતો)

૫. સ્નેહાંજલિ (ચિંતન ભાવનાત્મક લેખો)

૬. શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ સંસ્થા પરિચય

૭. ગાયત્રી ગીત સાગર (ભજન કિર્તનો)

૮. સ્મરણાંજલિકા (નિત્યપાઠ)

૯. લઘુકથા સંગ્રહ મૌન

૧૦. વાર્તા સંગ્રહ કલ્પના મૂર્તિ

૧૧. ચારિત્ર્ય મહિમા

બાલ સાહિત્ય ગ્રંથાવલિ અંતર્ગત

• બાળકાવ્ય સંગ્રહ •

૧. મધનાં ટીપાં

૨. ઉડતા ફુગ્ગા

૩. મોરનાં પીંછાં

૪. વાદલડી સાથે વાતલડી

૫. ગરવાં ગીત

૬. બાળ નાટિકાઓ

૭. બાળ સંવાદ

૮. બાળ વાર્તાલાપ

૯. દેવોની દુનિયા

અનુક્રમણિકા

૧. માતૃ પિતૃ ભક્ત ૧

૨. સારા ગુણો કેળવીએ ૪

૩. સંપ સહકારનું ફળ ૮

૪. દેશને દઇ દો દૈવી દાન ૧૩

૫. ભીલ ભંગીના (હરિજન) સેવક ૨૧

૬. દિવ્યતાપૂર્ણ દયાની દેવી ૨૪

૭. દેશ પ્રેમી દાક્તર ૨૮

૮. પાંડવ કૌરવની પરીક્ષા ૩૨

૯. બાળવીર રમેશ ૩૫

૧૦ સમરાંગણમાં સ્વાર્પણ ૩૯

૧ : માતૃ પિતૃ ભક્ત

જાપાન દેશની આ વાત છે. ઘણાં વર્ષોની આ ગાથા છે.

કુદરતની અકળ લીલાનો આ પરચો છે. ભગવાનની કરામતનો આ

કિસ્સો છે. તમારા જેવાં જ બાળકોની આ સાચી કથા. ચાલો ત્યારે

સાંભળો.

ધીમો પવન વાતો હતો. સવાર થતું હતું. આછું આછું

અજવાળું થયું હતું. આકાશમાં કંઇક વાદળો છવાયેલાં હતાં. બધું

વાતાવરણ શાન્તિમય હતું. ત્યાં અચાનક મોટો ધડાકો થયો. ‘ધૂમ

ધડાક’ બીજો ને ત્રીજો ધડાકો થયો. આકાશમાં કંઇક ઉછળવા લાગ્યું.

એની સાથે ધૂમાડાના ગોટાય નીકળવા લાગ્યા. ત્યાં તો ધડાધડ ને

ઊડાઊડ ચાલ્યું!

આમ કેમ એટલામાં આ શું થઇ ગયું? અરે! આ તો

જ્વાળામુખી પહાડ ફાટ્યો છે! હેં એ જ્વાળામુખી વળી શું? એ તો

જમીનમાંની ગરમીથી જમીનમાં તરડ પડે ને જમીનમાં તરડ પડે ને

જમીન ફાટે ને એમાંથી ધગધગતી વસ્તુઓ લાવારસ નીકળે. એને

જ્વાળામુખી કહેવાય. જાપાનમાં અને બીજા અનેક જ્વાળામુખીવાળા

દેશોમાં એવું ઘણી વખત થાય છે. ને લોકો પરેશાન થઇ જાય છે.

ત્યાં ત લાલ લાલ ગોટા નીકળ્યા. ધોળા ધોળા લોચા પણ

નીકળ્યાં. કાળા કાળા કોલસા ને કહેવાનો પાર નહિં એવું ઊંચે ઊંચે

ઉછળવા લાગ્યું. હવે તો બળતી બળતી ધાતુઓ નીકળી. સિંદૂરરંગી

સોનું નીકળ્યું. લાલ લાલ તાંબું ને અંગારા જેવું લોઢું પણ નીકળ્યું.

લાલચોળ નાના મોટા પથરા પણ ઉડ્યા. કંઇ પાર વિનાની ચીજો

નીકળવા લાગી.

આ બધાનો મોટો એવો પ્રવાહ ચાલ્યો. ગરમાગરમ રેલો

ચાલ્યો. બળતો ને બાળતો એ રેલો ચાલ્યો. એનાથી તો જમીનેય બળે

ને ધરો પણ બળે. ઝાડેય બળે ને છોડવાઓ પણ બળે.પશુ બળે ને

પંખી. એ રેલાની હડફટે આવ્યું તે બધુંય બળે. ગામ આખું જાગી ઉઠ્યું.

બધેય હોહા થઇ રહી. બૂમ બરાડાય પડવા લાગ્યા. નાસમનાસને

ભાગમભાગ થઇ રહી. કેટલાક લોકો ઘરવખરીની જરૂરી વસ્તુઓ

લઇને ભાગ્યા. અનાજ, સોનું, રૂપું, ને ચાંદી જેટલું હાથમાં પકડાય તે

લઇને નાઠા.

એ ગામમાં બે છોકરા રહેતા હતા. રૂપાળા ને સુંદર છોકરા.

ગુણવાન ને ધર્મવાનેય એ ખરા. જાણે રામ લક્ષ્મણની દૈવી જોડી. એ

કહે ધન દોલત તો આવી મળશે. મહેનત મજૂરી કરીને કમાઇ રહેવાશે.

એ કંઇ કામની નહિં. ચાલોને આપણે, આપણા માબાપને લઇને જ

નાસી છૂટીએ! એમણે આપણા માટે ઘણું દુઃખ વેઠ્યું છે. નાનેથી મોટા

કર્યા છે. એ બિચારાં ઘરડાં ને શક્તિહીન છે. એમનાથી નાસી શકાશે

નહિં. એટલે એ તો ધગધગતા રેલામાં બળી મરે ને? આપણું ધન એ જ

છે. એમને મદદ કરવી એ જ આપણી સાચી ફરજ અને ધર્મ છે.

બંન્ને ભાઇઓ સાબદા થયા, ભય ને બીકને છોડી, જીવવાની

પરવા મૂકી, દે દરિયામાં દોટ રખવાળો રામ છે. એમ કહી, તેઓ

તૈયાર થયા. તેઓએ પૂરાં કપડાં પહેરેલાં નહિ. ખાલી ર્ચીીને પહેરણ

પહેરેલું પગમાં તો ફાટ્યાં તૂટ્યાં પગરખાં ય ન મળે. બે ભાઇઓમાંથી

એકે માને ખાંધે લીધી. બીજાએ બાપને ખાંધે લઇ ચાલવા માંડ્યાં.

પણ આ શું ભગવાને એમની ભાવના જોઇ. ભક્તિ જોઇ.

જ્યાં બંન્ને ભાઇઓના પગ પડે ત્યાં તો ધરતી ઠંડી હતી! ઊના ઊના

પથરાય ન મળે! બળબળતી ધાતુય ન મળે! અરે! ત્યાં તો ધાતુઓનો

રસનો રેલોય બંધ થઇ ગયો હતો. ભગવાને પ્રહલાદને ધગધગતે

થાંભલેથી કેવો બચાવ્યો હતો! એના જેવું જ અહીં થયું! વાહ! ભગવાન

વાહ! ભક્તનું રખવાળું કરે છે તે આનું નામ.

પછીથી તો બન્ને બાળકો પોતાના મા બાપને લઇને ત્યાંથી સહી

સલામત નીકળી ગયા. અને એક સલામત જગ્યાએ વિસામો લેવા

ઊભા રહ્યા. બંન્નેય રાજી રાજી થઇ ગયા. એમને હૈયે સલામત છીએ

એવી ટાઢક વળી. ત્યાં તો જે બચી ગયા હતા તેઓ સર્વે ભેગા થઇ

ગયા. સૌ એકબીજાની સામે આશ્ચર્યથી નિહાળી રહ્યા! સૌના અચંબાનો

પાર ન રહ્યો સૌ કહેવા લાગ્યા ‘વાહ, વાહ, ધન્ય છે! પુત્ર હોય તો

આવા હજો.’ કેવા પ્રેમીપુત્રો? કેવા માતૃ પિતૃ ભક્ત!’

આજેય એ જગ્યા પવિત્ર મનાય છે. એ જગ્યા ‘ધર્મક્ષેત્ર’ ના

નામથી આજેય જાણીતી છે.

બાળકો! આવા કપરા સમયે તમે શું કરો?

૨ : સારા ગુણો કેળવીએ

વ્હાલા બાળકો!

આજે આપણે સારા ગુણોને કેળવવાનો વિચાર કરીએ. સારા

ગુણોથી સૌનું ભલું થાય છે. સારા ગુણો જ આપણો શણગાર છે. સારા

ગુણોથી જ શાન્તિ મળે છે. સારા ગુણોવાળાને સૌ કોઇ ચાહીને બોલાવે

છે. સારા ગુણોવાળાને સૌ મદદ કરે છે.

આપણે ત્યાં કોઇ આવે છે ત્યારે તમારા માતા પિતા તેમને

કહે છે કે ‘જો ભાઇ, આ તારા કાકા આવ્યા છે. એમને તું પગે લાગ.’

તમે તેમને બે હાથ જોડીને વંદન કરો છો ત્યારે એ આવનાર વડિલો

કેવાં ખુશ થાય છે? કેવાં આનંદ વ્યક્ત કરતાં હસે છે? વળી તેમને તમે

બેસવાનો શિષ્ટાચાર કરો છો. ત્યારે તો કંઇ કહેવાની વાત જ નહિ ને?

આ ગુણને નમ્રતા, કે વિનય વિવેક કહેવાય.

તમારાં માતા પિતાએ તમને કંઇક મિઠાઇ કે ખાવાની વસ્તુ આપી

હોય, અને તમારી પાસે કોઇ બાળક આવે ત્યારે તમારાં વડીલો કહે, કે

‘આ ભાઇને કે બહેનને એમાંથી થોડુંક આપ.’ તે વખતે તમે તેમને થોડુંક

આપો છો ત્યારે તમારા વડીલો કેટલાં ખુશખુશાલ થાય છે. અને જેને

તમે આપો છો તે કેવું હળીમળી જાય છે. તમો આનંદમાં ને ગેલમાં આવી

જાઓ છો. આ ગુણને દયા, સમાનતા, ઉદારતા કે માનવતા કહી શકાય.

‘ભાઇલા, જરા અહીં આવતો? ઓ રશ્મિ આમ આવ તો?’

એમ કહીને તમને તમારા નામથી બોલાવે અને તે જે કહે તે કામ હાંસથી

કરો છો. ત્યારે તે બોલાવનાર કેટલાં ખુશ થાય છે? તે તમને શાબાશી

આપતાં કેવાં થાબડે છે?! એ થાબડતાં ત્યારે તમો પણ આનંદ અનુભવો

છો. આ ગુણને આપણે સેવાનો ગુણ કહીએ.

તમે ઘેરથી તમારું શાળાનું લેશન કરીને શાળામાં જાઓ છો.

ત્યારે તમારા ગુરુજી દરેકે લેશન કર્યું છે કે નહિ તેની તપાસ કરે છે.

જેઓએ નિયમિત લેશન કર્યું હશે ગુરુને આનંદ સંતોષ થાય છે. અને

જેઓ લેશન કરી જતા નથી. તેઓને ગુરુજી ઠપકો કે શિક્ષા કરે છે.

ત્યારે ગુરુજીને તે બાળક પ્રત્યે તેમના દિલમાં રંજ થાય છે. મનમાં તે

બાળક પ્રત્યેના ભાવમાં ઓટ આવે છે. ને નાખુશ થાય છે. જો કે બહુ

થોડા બાળકો જ એવા હોય છે. પણ જે બાળકો રોજનું રોજ લેશન કરી

જતા હોય છે. ત્યારે ગુરુજીને પોતે બાળકોને સારો અભ્યાસ કરાવ્યોનો

આનંદ થાય છે અને તેવા બાળકો પરીક્ષામાં સારા માર્કસે પાસ થવાની

આશા બંધાય છે. આ ગુણને નિયમિતતાનો ગુણ કહેવાય છે.

ઘરમાંની કોઇ ચીજ વસ્તુ જડતી નથી અને તમે તેને શોધી

આપો છો. ત્યારે તમને કેવા સરસ શબ્દો માતા પિતા તરફથી સાંભળવા

મળે છે? આવા ગુણને કર્તવ્યપાલન કે સમયપાલન પણ કહે છે.

તમારા વડીલોની મૂંઝવણ વખતે જેવું હોય તેવું સાચું જ કહો

છો. ત્યારે તે બધે આનંદ આનંદ અને શાન્તિ જ થઇ જાય છે. એવો એ

સત્યનો સરસ ગુણ છે. મહાત્મા ગાંધીજી તો સત્યના સેવક હતા. સત્ય

જ ઇશ્વર છે એવું એ માનતા હતા. અને સાચે સાચું કહેતા હતા. તેથી

આજે આપણે તેમને મહાત્માજી કહીએ છીએ. એ જ આપણા રાષ્ટ્રના

પિતા! સાચું બોલવાથી એ કેટલા બધા મહાન પુરુષ ગણાયા. આવા

સારા ગુણોને કેળવાથી આપણને સુખ, આનંદ, શાન્તિ, માણસાઇ વગેરે

મળે છે. ખુશખુશાલ જીવન જીવાય છે. એથી સ્વાસ્થ્ય પણ સારું રહે

છે. તમને અને બીજાને લાભ થાય છે. બાળપણમાં તમને સારા સંસ્કારને

સાચી નીતિ રીતિ મળે છે તે સાચું જીવન જીવવાની ચાવી છે.

નરસિંહ મહેતાએ ભગવાનની સાચી ભક્તિ કરી તો તેમના

પિતાનું શ્રાદ્ધ કુંવરબાઇનું માંમેરું, શામળશાનો વિવાહ વગેરે કામ

ભગવાન દ્વારા સરળ થઇ ગયા.

નામદેવે પ્રેમથી પ્રભુને દૂધ ધરાવવાનો નિયમ પ્રયત્ન કર્યો તો

ભગવાન પોતે ચપચપ દૂધ પીતા! કેવી શ્રદ્ધા હશે એ બાળકને?

પ્રહ્‌લાદના ટેકથી ભગવાને પ્હાડ ઉપરથી પડતાં, હોળીકાના

તાપથી બળતા, ધગધગતા થાંભલાથી તેનું કેવું રક્ષણ કર્યું? કેટલી બધી

શ્રદ્ધા અને ભક્તિ? એ ટેક, શ્રદ્ધા, ભક્તિ, નીડરતા એ બધાય સારા

સારા ગુણો જ છે.

પાંડવો સત્યાવાદી હતા. સાચા રસ્તે જનારા અને કામ કરનારા

હતા તેથી શ્રી કૃષ્ણ ભગવાને એમને જીવનભર કેવો સરસ સાથ સથવારો

ને સહકાર આપ્યો. અને તેઓનું રક્ષણ કર્યું.

આપણાથી આપણા દેશને કેમ ભૂલાય? જે દેશમાં હવા,

પાણી, ખોરાક, વગેરેથી આપણને પોષણ મળ્યું. તે દેશ માટે વખત

આવ્યે ન્યોચ્છાવર થઇ જવામાં ગૌરવ છે. એને તો દેશ પ્રેમ કહેવાય.

આને સાચી દેશ ભક્તિ કહેવાય.

માનવ સર્વે બાળ પ્રભુના, સમજી સાથ દીએ હળશે,

દેશ પ્રેમથી જીવન જીવતાં, માનવતા મોંઘી મળશે.

આપણા હાથ મેલા હોય, તેથી મોંમાં આંગળાં ના નંખાય.

દાંત વડે નખને ન કરડાય, શરીર અને કપડાંની ચોખ્ખાઇ રાખવી

જોઇએ. આ ખોરાક ચાવી, ચાવીને, ધીરેથી, શાન્તિથી ખાવો જોઇએ.

ગમે તે જગ્યાએ ન ધૂંકાય આ બધા સારા ગુણો જ છે.

આપણે સારા ગુણો કેળવીએ તો આપણું બાળપણ આનંદમય

અને સુખી થઇ જાય. જેનું બાળપણ સુધરે તે મોટો થાય ત્યારે તેના

જીવનમાં વિકાસ પ્રગતિ સાધવામાં તેને ખૂબ જ સરળતા થઇ જાય છે.

કુટુંબનાં માણસોની પાડોશીઓની અને જેને જેને એ મળે તે બધાંયની તે

ભલી લાગણી મેળવે છે. એ રીતે તેનું આખું જીવન કેવું મઝાનું, સરળતાથી

ભર્યું, આનંદમય બની જાય છે. સારા ગુણો અપનાવી રહેવાથી પોતાનું

તથા બીજા અનેકોનું ભલું કલ્યાણ થાય છે. સૌને તેવા બાળકો ગમે છે.

અને ખુશી ઉપજી રહે છે.

૩ : સંપ સહકારનું ફળ

સાગરને કિનારે એક ટીંટોડી આવે. તેની સાથે ટીંટોડોય આવે.

બંન્ને મઝાનાં લાગે. ખભે લાલ રંગ, ચાંચ આગળ થોભિયા. શરીરે

છીંકણીઆ રંગના પીંછા. માથું, ગળું અને છાતી કાળા રંગનાં. આંખો

ઉપર લાલ લાલ લાખાં. નીચે ધોળા રંગની પીંછાની રૂંવાંટી. કાબર ને

હોલા જેવડાં, પણ એમના પગ જરા લાંબા, એટલે આપણી વેંત જેટલાં

ઊંચા લાગે. બંન્નેને રમાડવાનું મન થાય એવાં સરસ ટીંટોડાં પંખી.

એ ‘ટીં...ટીં...ટીં...ટ્રીટ...ટીંટીંટી...ટ્રીટ...બોલે, પૂંછડી હલાવે

ને ડોકને નમાવતાં રોફમાં ચાલે. જાણે રાજાના સિપાઇ પેરો ના ભરતાં

હોય એવું લાગે. એ ત્યાં પવનની મોજ માણે ચારો ચણે ને ઊડી જાય.’

એક દિવસ પવન સૂસવાટા મારતો હતો. સાગરનાં મોજાં

ઉછળતાં હતા. તાપ પડતો હતો. ત્યાં ટીંટોડી કહે, એ...ય...આપણે

માળો તો બનાવ્યો નથી ને મારે ઇંડા મૂકવાં છે, શું કરીશું? ટીંટોડો કહે,

ઓહો માળો કરતાં કેટલી વાર? જો પેલો કિનારાવાળો ખાડો આજુબાજુ

પથરાય પડ્યા છે. આ દશબાર સળેકડાં આડાં ઊભાં મૂકી દઇએ

એટલે માળો તૈયાર ઇંડા ત્યાં જ મૂકે. એમ કરતાં ટીંટોડીએ ત્યાં ચાર

ઇંડા મૂક્યાં. ઇંડાં લંબગોળ પણ એક છેડે એ અણીદાર રંગ એનો

કાળાશ પડતો ભૂખરો, પણ એકંદરે બદામી રંગ જેવું લાગે.

હવે તો ટીંટોડીને ટીંટોડો બન્નેય વારાફરતી ઇંડાં સેવે. જે થાકે

એ આમ તેમ ઝાડી ઝાડવાંમાં થઇ આવે. ખેડૂત ખેડતો હોય ત્યાંથી

જીવડાં નીકળે તે ખાય ને પાછાં ઇંડાં સેવવા આવે. એમ કરતાં અમાસનો

દિવસ આવ્યો. સાગરનાં પાણી ઉંચે ચઢવા લાગ્યા. ઠેઠ કિનારા સુધી

પાણીની છોળો આવવા લાગી. અરે, પેલી ટીંટોડીનાં ઇંડાં સુધી એ

પાણી પહોંચ્યું. ને સાગરના પાણીમાં ઇંડાં ખેંચાઇ ગયાં!

ટીંટોડી ટટળવા લાગી. ટીં...ટીં...ટીં...કરવા લાગી. પછી

એ ખૂબ ખીજવાઇ ગઇ એણે સાગરને કંઇનું કંઇ કહી નાખ્યું. એટલામાં

ટીંટોડો આવ્યો. બિચારી ડીંટોડી એને જોઇને રડી પડી. એ કહે અલ્યા,

ટીંટોડા, આ સાગરની આપણે દોસ્તી કરી, પણ એણે આપણી શરમેય

ના રાખી. આપણા વહાલાં ચાર ઇંડાંને અને માળાને પાણીમાં તાણી

ગયો. હવે શું કરીશું? ટીંટોડો જરા વિચારમાં પડી ગયો, પણ એ કહે,

એમાં શું? આપણે સાગરને કહીએ. એ આપણાં ઇંડાં પાછાં આપી દે.’

બંન્નેએ સાગર તરફ નજર કરી. ટીંટોડી કહે, ‘ભઇલા સાગર,

મારો ભાઇ આવું તે થતું હશે? મારાં ઇંડા તું શા માટે લઇ ગયો? તારે

શાની ખોટ છે? તું તો રત્નાકર કહેવાય - તું તો રત્નોની ખાણ પછી

મારાં ઇંડાંથી તને વધારે શું મળવાનું છે? ભઇલા, આપી દે. અમારાં

ઇંડાં, એમાં જ આપણી દોસ્તી શોભો અમે તો અહીં તારે આશરે જ

આવીએ છીએ ને?’ પણ સાગર એમ સાંભળે ખરો કે? બન્નેએ ગળગળાં

થઇને, રડતાં રડતાં, આંસુ પાડીને કહ્યું - ‘સાગર અમારાં ઇંડાં દે.’

શાને અમારા નિશાશાં લે,

સાગર અમારાં ઇંડાં દે.

પણ એનું નામ કાંઇ નહિ, સાગરે ઇંડાં ના આપ્યાં તે ના જ

આપ્યાં.

હવે ટીંટોડો ખિજાયો. એ કહે, ‘‘સાગર, તારું આટલું બધું

અભિમાન? અમે નાના રહ્યાં તેથી તું અમને સતાવે છે? પણ તું ય હવે

જોઇ લેજે. અમારાં બાવડાંમાંય બળ છે. અમે કાંઇ એકલાં નથી.

અમારો પરિવાર જબરો ને મોટો છે.’’ એમ કહીને બંન્નેએ ટીંટીંટીં ટ્રટ

ટીં ટીં ટીં ટ્રટના અવાજ કરવા માંડ્યા, એ સાંભળીને બીજાં ટીંટોડાં

આવ્યાં. સાથે એમના મિત્રો પણ આવ્યા. એ બધા કહે, ભલા તમે કેમ

રડો છો? અમારાથી તમારું દુઃખ જોવાતું નથી. બોલો શી વાત છે?

ટીંટોડી અચકાતાં અચકાતાં બોલી, ‘આ સાગર ગોઝારો છે. એ

અમારાં ચાર ઇંડાં લઇ ગયો છે. ટીંટોડો- અમે એને ખૂબ વિનય વિવેકથી

કહ્યું, પણ તે ઇંડાં પાછાં આપતો જ નથી.’ આ તો આજે અમારાં ઇંડાં લઇ

ગયો તો કાલે તમારા ઉપર એવું દુઃખ આવી પડે ત્યારે શું કરશો? બોલો શું

કરીશું? આપણે સાગરની આ ટેવને ભૂલાવી દેવી જ જોઇએને?

બીજાં પંખી કહે, ‘વાત ખરી છે. આપણે સાગરને બરાબર

ખબર પાડી દેવી જ જોઇએ. કહેવત છે ને કે, ‘હિંમતે મર્દા, મદદે ખુદા’

એ સાગરને આપણે સંપ અને સંધબળથી હંફાવીએ. ચાંચોમાં પાણી

ભરી ભરીને આ સાગરને ઉલેચી જ નાખીએ, એટલે નીચેથી આપણાં

ઇંડાં મળી જશે, બોલો છે ને બરાબર?’

સૌએ હા કહી, ત્યાં તો સાગરનું પાણી ઉલેચવાનું કામ ચાલ્યું.

એમ કરતાં ૨૫,૫૦,૧૦૦,૨૦૦,૫૦૦ પંખીઓ એકઠાં થઇ ગયા.

સૌએ ચાંચમાં સાગરનું પાણી ભરવા માંડ્યું અને પાસેના ખાડામાં તે

ઠાલવવા માંડ્યું. પછીથી તો પંખીઓનાં મિત્ર જેવાં પશુઓ ને પ્રાણીઓથી

સાગરને ઉલેચવામાં કામે લાગ્યાં. અધધધ...કેટલાં બધાં સ્વાશ્રયી

પંખી,પશુને, પ્રાણી?

આ જોઇને તો ઘોડાં ને ગધેડાં, હાથીને ઉંટ, વાઘ ને વરૂ, શિયાળ

ને શાબર, શાહૂડી ને સિંહ બધાંય ભેદભાવ ભૂલીને આવ્યાં. સંધબળથી

પાણી ઉલેચવાનું કામ, ધમધોકાર રીતે ચાલવા માંડ્યું! એટલામાં

આકાશ માર્ગે ગરુડજી જાય. ગરુડ ઉપર શ્રી વિષ્ણુભગવાન અને

લક્ષ્મીજી બેઠેલાં. એમણે આ દૃશ્ય જોયું. એ કહે, અલ્યા ગરુડ, આ

સાગરને કિનારે શાનો મેળો જામ્યો છે? જો તો ખરો, શું છે?

ગરુડજીએ પાંખો ઢીલી કરી, એ નીચે આવવા લાગ્યો. એટલે

પેલો ટીંટોડો તુરત જ ગરુડજીની બાજુએ ગયો. એ કહે, મોટા, સારું

થયું કે તમે આવ્યા! કેમ, શું છે? તમે બધાં આ શું કરો છો? ગરુડે

પૂછ્યું. ટીંટોડો કહે, ‘આ જુઓને ગરુડજી! સાગરને અભિમાન આવી

ગયું છે. એ અમારા ઇંડાંને પાણીમાં તાણી ગયો છે. અમે એને ખૂબ

વિનવણી કરી, પણ એ ઇંડાં પાછો આપતો નથી. તેથી અમે બધાંએ

નિશ્ચય કર્યો છે કે સાગરનું પાણી સંગબળથી ઉંલેચી નાખીએ, એટલે

ઇંડા એની મેળે મળી જ જશે.’ અમારે તમારીય ઓથ, સારું થયું તે

તમે આવ્યા. ચાલો અમને મદદ કરો.’

ગરુડજી જરા વિચારમાં પડી ગયા. એ તો સમજું ને શાણું

પંખી. એ કહે, ‘‘બરાબર છે. ચાલો હું પણ તમારી સાથે જ છું.’’ એમ

કહીને ડોક ઊંચી કરીને એ વિષ્ણુ ભગવાનને કહે, પ્રભુ સાંભળ્યું. ને

આ ટીંટોડાનું કહેવું? મારે એને મદદ કરવી જ જોઇએ. આ તો શ્રમયજ્ઞ

છે. મારાં ભાઇ ભાંડુનો શ્રમયજ્ઞ છે. સ્વાશ્રયથી શું ના થાય? જાત

મહેનતથી બધાં જ કામ થઇ જાય. બોલો આપની શી આજ્ઞા છે?’’

શ્રી વિષ્ણુભગવાન ગરુડજીની વાણી સાંભળીને ને એની ભાવના

જોઇને ખુશ ખુશ થઇ ગયા. એ કહે ‘‘બરાબર છે. શ્રમયજ્ઞ કરવો જ

જોઇએ. એકબીજાના સહકારથી મહાન કાર્યો થાય. પણ જરા થોભીએ.

હું સાગરને બોલાવું છું. એની સાથે છેલ્લી વાતચીત કરી લઉં.’’ એમ

કહેતાં આશ્વાસન આપીને ભગવાને સાગરને બોલાવ્યો. સાગર આવ્યો,

નમન કરીને કહે, ‘‘ભગવાન! મને કેમ બોલાવ્યો? આપની શી સેવા

કરું.’’ શ્રી વિષ્ણુ કહે, ‘આ ટીંટોડીનો સ્વાશ્રય અને શ્રમયજ્ઞ જોયાં?

બોલ હવે તારે શું કરવું છે?’

સાગર કહે, ‘મહારાજ, મેં જાણી જોઇને એનાં ઇંડાં નથી લીધાં.

એ તો પાણીનાં મોજાંની ભરતી વખતે કિનારેથી એમાનાં ઇંડાં મારામાં

તણાઇ આવ્યા હશે. આજે પૂનમ છે ને? આજે મારાં મોજાં કિનારા

તરફ ઢાળું છું.’ સાગરમાં ભરતી આવી, પાણી સાથે માળામાં તરતાં

ઇંડાં કિનારે આવ્યાં.’ સાગરે સૌને વંદન કર્યા.

પંખી, પશુ, પ્રાણીઓ સૌ આ જોઇ જ રહ્યાં. સૌને સંઘબળ

અને સ્વાશ્રયનું બળ સમજાયું. બધાં ખુશખુશાલ, અને આનંદના

સાગરમાં હિલ્લોળા લેતાં રહ્યાં.

ટીંટોડાંએ સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો. સૌ સૌને રહેઠાણે

જવાને જવા લાગ્યા.

વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી, ગરુડ ઉપર આકાશમાં ઊડતાં

ઊડતાં વૈકુંઠલોકમાં પહોંચી ગયા.

સૌના અડગ નિશ્ચયે, જાતમહેનતને અને સંઘબળના શ્રમયજ્ઞે

સંપ સહકારથી કેવું મઝાનું મહાભારત કામ કર્યું!

૪ : દેશને દઇ દો દૈવી દાન

બોલ - શ્રી લક્ષ્મીનારાયણદેવકી જય.

શ્રી દરિદ્રનારાયણદેવકી જય.

શ્રી ભારતમાતાકી જય.

હર...હર...હર...મહાદેવ!

અનુષ્ટુપ :-

નમું વિઘ્નહરા દેવ, ગુરુદેવ નમું નમું,

ભારતીમાતને વંદુ, ભૂમાતાને નમું નમું.

ભારતમાતાનાં લાડીલાં માનવતનુઓ.

આજની કથાના પૂર્વરંગમાં આપણે ઋણ એટલે દેવા સંબંધે

જોઇએ. મનુષ્યે ત્રણ ઋણ ચૂકવવાનાં છે. પહેલું દેશઋણ, બીજું પિતૃઋણ

અને ત્રીજું દેવઋણ. આ ત્રણેય ઋણમાં દેશઋણ ચૂકવવું એ અનિવાર્ય

અને પ્રથમ ધર્મ બને છે.

આ દેશની હવા, વિવિધ જળ ક્ષેત્રોનાં પાણી અને એજ ભૂમિમાં

પાકેલા અન્નથી સર્વ કોઇનાં શરીર ટકી રહ્યાં છે. પેલી કહેવત છે કે

‘ટકાની તોલડી તેરવાનાં માગે.’ એ મુજબ આપણને જીવનમાં વિવિધ

ચીજોની જરૂર પડે છે. અને એ બધી ચીજો આપણને સમાજનાં વિવિધ

અંગો પૂરાં પાડે છે. એમાં ખેડૂતથી માંડીને વણકર, સુથાર, લુહાર,

સઇ, સોની, મોચી, ઘાંચી, શિક્ષક, લેખક, રક્ષક મતલબ કે બ્રાહ્મણ,

ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વગેરેનો અમોલો ફાળો છે. સૃષ્ટિના મંડાણથી

આજ સુધીમાં અવનવી અસંખ્ય શોધો થઇ છે. એ સર્વ શોધો કરનાર

આપણા શોધકોના પણ આપણે ઋણી છીએ. આમ આપણા ઉપર

સમસ્ત રાષ્ટ્રની વિવિધ વ્યક્તિઓનું ઋણ છે. એ પણ નિર્વિવાદ છે. એ

ઋણને ફેડવાને અમોલો અવસર આપણા સ્વતંત્ર ભારતને આંગણે

આવી ઊભો છે.

કોઇક સંતે કહ્યું છે કે -

‘‘જનની જણ તો ભક્તજન,

કાં દાતા કાં શૂર,

નહીંતો રહેજે વાંઝણી,

મત ગુમાવે નૂર.’’

આ આદર્શ વાણી પણ આપણને ભક્તિ, દાન અને શૂરાતનના

વિવિધ પથ દર્શાવે છે. એ ત્રણેય કાર્ય મહત્વનાં છે. પ્રથમ ભક્તિ તત્વ

એ ભગવાનની ભક્તિની સાથે દેશભક્તિનું પણ સૂચન કરે છે. દેશને

ઉન્નતને આબાદ બનાવવાને માટે સંપ અને સેવાથી કાર્ય કરવું એ

દેશભક્તિ છે.

દાનનાય વિવિધ પ્રકાર છે. અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન,

વાણીદાન, ભૂમિદાન, શ્રમદાન વગેરે અને શૂરાતનની પણ દેશના રક્ષણને

માટે જરૂર છે. પીડિતોના રક્ષણને અર્થે પણ તેની જરૂર છે. પહેલાંના

સૈનિકો દેશને માટે પ્રાણની પણ પરવા કરતા ન હતા. આજેય ભારત

દેશના રક્ષણનો પ્રશ્ન ઊભો જ છે. આથી યુવાનો અને સશક્તોએ રાજ

સૈન્ય ભૂમિદળ વાયુદળ તેમજ નૌકાદળમાં ભરતી થઇનેય પણ પોતાની

ફરજ બજાવવી એ રાષ્ટ્રનું કાર્ય છે. રાષ્ટ્રની સેવા છે, ભારતની ભક્તિ છે.

સંત વિનોબાજી આપણને ઉપરનાં ભૂમિદાન અને શ્રમદાન

તથા ગ્રામદાનનો સંદેશ આપી રહ્યા છે. એનો મહિમા દર્શાવતી પંક્તિઓ

સાંભળો ત્યારે -

દાનમય જીવન જીવીને

રાષ્ટ્રના ઋણને ચૂકવી દે (ટેક)

ભૂમિકેરું દાન દઇને, બલિરાય તનુ દે,

વિષ્ણુદેવને પાસે રાખી, અમર સુખને લે. દાનમય

આવા ભૂમિનું દાન દેનારા પ્રતાપી બલિરાજાની પવિત્ર

ભૂમિદાનની કથા સાંભળો.

બલિનામનો એક પ્રતાપી રાજા હતો. નવ્વાણું યજ્ઞો એણે કર્યા

હતા. સોમા યજ્ઞની ક્રિયા ચાલતી હતી. જો બલિરાજા સો યજ્ઞો પૂરા કરે

તો ઇન્દ્રનું ઇન્દ્રાસન અને ઇન્દ્રપદ બલિરાજાને મળે અને ઇન્દ્ર બિચારો

બાપડો થઇ જાય. આથી ઇન્દ્રદેવે સર્વ દેવોને એકત્ર કર્યા ને પોતાની

વાત રજૂ કરી.

એક દેવ કહે, ‘રાજન! આપની વાત સાચી છે. આમાં અમે

સર્વ શું કરી શકીએ. પણ શ્રી વિષ્ણભગવાન દયાળુ અને પરાક્રમી છે.

આપણે એમની પાસે જઇએ. એ જરૂર આપણું દુઃખ ટાળશે!’

‘હા...હા! વાત સાચી છે. ચાલો આપણે દેવાધિદેવ

વિષ્ણુભગવાન પાસે.’ સર્વ દેવોએ સાથ પુરાવ્યો.

આગળ ઇંદ્ર દેવ ને પાછળ દેવોનું દળ ચાલ્યું જાય છે. પ્રત્યેકના

હૈયામાં અવનવા વિચારો ધોળાયા કરે છે. એમ કરતાં સર્વ વૈકુંઠ ધામમાં

આવી શ્રી વિષ્ણુભગવાનને સર્વેએ સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. પછી

ઇંદ્રદેવ કહે, ‘દેવાધિદેવ, આપને શરણે આવ્યો છું. બલિરાજાએ

પૃથ્વીલોકમાં સોમો યજ્ઞ શરૂ કરી દીધો છે. એના યજ્ઞથી મારું ઇન્દ્રાસન

ડોલી ઊઠ્યું છે. આપ શરણે રાખો ને દયા કરી કષ્ટમાં સહાય કરો.

આપથી તો કંઇ પણ અજાણ્યું નથી દેવ!’

‘ઇંદ્ર એમાં તું ગભરાય છે શું? બલિરાજાના યજ્ઞો જ યજ્ઞની

મહત્તા દર્શાવે છે. યજ્ઞનું બળ અલૌકિક છે. એનું કાર્ય પ્રશંસનીય છે.

એટલે એને એનો બદલો તો મળવો જ જોઇએ. છતાંય તારી વિનંતીને

પણ મારાથી અવગણી શકાતી નથી. બલિરાજાનીય ચકાસણી કરવાનો

આ સારો મોકો છે. જા, તારું ઇંદ્રાસન અને તારી પદવી અચળ રહેશે.’

વિષ્ણુભગવાને કહ્યું. પછીથી તો વિષ્ણુભગવાને વામનનું રૂપ લીધું. કેવું

હતું એ રૂપ?

વિષ્ણુ વામનનું રૂપ લે,

ધીમી ગતિએ એ ચાલે (ટેક)

એક હાથમાં કમંડળુ ને છત્રી બીજે હાથે,

લંગોટીને ઉપવસ્ત્રને ભસ્મતનુએ માથે.

વિષ્ણુ વામનનું રૂપ લે, ધીમી ગતિએ ચાલે.

આમ ગટરમટર ચાલતા ચાલતા એ ઠીંગુજી, બલિરાજાને

યજ્ઞદ્વારે આવી પહોંચ્યા. ‘ભિક્ષાદેહી’ કહીને એ ઊભા રહ્યા.

દ્વારપાળે તેમનો સત્કાર કર્યો ને વામનદેવને એ બલિરાજા

પાસે યજ્ઞસ્થાનમાં લેઇ ગયો. બલિરાજા વિવેકીને શાણા હતા. એણે

વામનદેવનું વિધિપૂર્વક પૂજન કર્યું પછી આસન આપ્યું ને પૂછ્યું ‘દેવ

કહો આપની શી આજ્ઞા છે? આપ શું ઇચ્છો છો?’

‘બલિરાજા તારો જય હો. તારા યજ્ઞકાર્યથી હું પ્રસન્ન થયો છું.

જો તું મને સાચા દિલથી માગવાનું કહેતો હોય તો લે જળની અંજલિ ને

કર પ્રતિજ્ઞા’ વામનદેવે કહ્યું.

બલિરાજા - દેવ, હું પ્રતિજ્ઞાને માટે તૈયાર છું. ગુરુદેવ લાવો

જળની ઝારી ને આ ભૂદેવની ઇચ્છાને સંતોષવા કંઇક પ્રયત્ન કરું.

ગુરુ શુક્રાચાર્યને આમાં કંઇક ભેદ ભાસ્યો. એ કહે, ‘બેટા

બલિ, ઉતાવળની કાંઇ જ જરૂર નથી. હજી દાનકાળની થોડી વાર છે.

જરા થોભવામાં શો વાંધો છે? હું બહાર જઇને આવું છું.’

બલિરાજા - દાન દેવામાં વળી ઢીલ શી? સુપાત્રે દાન તો

તરત જ દેવું ઘટે. ચાલો હું મારે હાથે જ જળઝારી લઉં છું. પછી

બલિરાજાએ ડાબા હાથમાં ઝારી લીધી. ઝારીમાંથી જમણા હાથમાં

જળ લેવાને માટે એમણે ઝારીનું નાળચું નમાવ્યું પણ ઝારીમાંથી પાણીનું

ટીંપું ય ન પડ્યું! ફરીથી નમાવ્યું, પણ પાણી ન પડ્યું તે ન જ પડ્યું.

વામનદેવ કુશળ હતા. નીચા નમીને એમણે પાટલા ઉપરથી

દર્ભની સળી લીધી. નાળચામાં એને પરોવીને પછીથી બહાર કાઢી. સળીને

છેડે રાતું લોહી જેવું દેખાયું ને નાળચું નમાવતાં તેમાંથી બરિરાજાના ખોબામાં

પાણીની ધારા પડી, બલિરાજાએ પ્રતિજ્ઞા લઇ કહ્યું -

માગો માગો, મુજ દેવ

માગો માગો મુજ દેવ!

પરમાત્માને સાક્ષી રાખી

કરું પ્રતિજ્ઞા દેવ (ટેક)

આપું, આપુ, મૂજ દેવ,

જે માગો તે હું તતખેવ

યથાશક્તિ હું નમ્રપણે કહું,

માગો મારા દેવ ... માગો...

બલિરાજાનો ભાવ જોઇને વામનદેવ પ્રસન્ન થયા એ કહે,

‘રાજન, મારે ફક્ત સાડા ત્રણ પગલાં જમીન જોઇએ છીએ.’

‘હા, દેવ, માપી લો, આપનાં પગલાંથી.’ ત્યાં તો બલિરાજાના

ગુરુ આવીને ઊભા રહ્યા. પણ એમની એક આંખ ન હતી!

અચાનક ત્યાં વામનનું વિરાટરૂપ થયું. ઠેઠ જમીનથી તે આકાશ

સુધીનું વિશાળ હાથને વિશાળ પગવાળાએ ભૂદેવ થઇ ગયા! ત્રણ

પગલાંમાં તો એમણે આખી પૃથ્વી માપી લીધી.

વિરાટ - રાજન્‌, હવે અડધું પગલું ક્યાં મૂકું?

બલિરાજા પણ શાસ્ત્રવેત્તા હતો. છાતીવાળો ને પ્રતિજ્ઞાનું પાલન

કરનારો એ કહે, દેવ આ શરીરમાં શિર એ ભૂમિ તુલ્ય છે. માપી લ્યો

એને. તુરત જ એ વિરાટરૂપે બલિને શિરે પગ મૂક્યો ને બલિને પાતાળમાં

ચોંપ્યો. ત્યારથી ‘સબ ભૂમિ ગોપાલકી’ કહેવાયું.

આકાશમાંથી દેવલોકોએ આ જોયું. બલિરાજની શ્રદ્ધાને

ભૂમિદાનની વૃત્તિ જોઇને સૌ પ્રસન્ન થયા. એમણે પુષ્પવૃષ્ટિ કરી.

પછીથી તો વામનદેવે પોતાનું અસલી રૂપ ધારણ કર્યું. શંખ,

ચક્ર, ગદા અને પદ્મથી શોભતા ચતુર્ભુજ એ થઇ ગયા. એ કહે,

‘બલિરાજા, હું તારા ઉપર પ્રસન્ને થયો છું. માગ, માગ, માગે તે આપું!’

બલિ - જ્યાં જ્યાં મારી પાસે દેવાધિદેવ સાક્ષાત્‌ વિષ્ણભગવાન

હોય ત્યાં પછી મારે શું માગવાનું બાકી હોય? દેવ, ભૂમિદાનનો મહિમા

સૌ સમજે ને તે પ્રમાણે વર્તે એવું બળ સૌને આપજો.

‘એ તો થશે જ. પણ તું બીજું કાંઇક માગ.’ ભગવાન બોલ્યા.

‘દેવ, આપની આજ્ઞા છે. તો મારી નમ્ર વિનંતી છે કે હવે મારાથી

આપનાં સિવાય ઘડી પણ રહી શકાશે નહિં. હું તો સદાય આપને ચરણે ને

શરણે જ હવે રહેવા માંગું છું. મારી પાસે જ રહો, એટલી જ ઇચ્છા.’

વિષ્ણુભગવાન - બલિરાજ, તારા ભૂમિદાનનો મહિમા

કલિયુગમાં ખૂબ જ ગવાશે. અમર રહો એ મહિમા અને તું. તને સૌ

કોઇ યાદ કરશે. મારે જગતના વહનનું કાર્ય હોવાથી હું બારેય માસ તો

તારી સાથે નહિ રહી શકું, પણ તને મારા હૃદયમાં તો રાખીશ જ અને

ચોમાસાના ચાર માસ હું તારી સાથે પાતાળમાં વાસો કરીશ. જા મારું

વચન છે. આજથી તું પાતાળપતિ.

આમ બલિરાજા ભૂમિદાનથી જન્મ મરણના ફેરામાંથી ટળી

ગયો, ને અમર થઇ ગયો.

તેમના ગુરુએ ભૂમિદાનમાં અડચણ નાખવાનો વિચાર કર્યો

હતો. તેથી પેલી જળઝારીના નાળચામાં એ મચ્છર રૂપે થઇને પેઠા હતા.

તે વખતે દર્ભની સળી તેમની આંખમાં વાગવાથી તે કાણા થઇ ગયા. અને

ત્યારથી તે શુક્રાચાર્ય (એક આંખે કાણા) કહેવાયા. ખરેખર ભૂમિદાન

યજ્ઞમાં અડચણ રૂપ થવું એ પાપ છે.

દાન ધર્મ છે જગે અનેરો, લૂંટો જીવન લ્હાણ,

શ્રદ્ધા ભક્તિથી સૌમાં જાણો ઇશ્વરનાં રહેઠાણ,

દેશને દઇ દો દૈવી દાન...૧

રસકસથી ભરપૂર અમારો દેશ આ હિંદુસ્તાન,

ભૂમિ હીનોને ભૂમિ દઇને, દો આબાદી દાન

દેશને દઇ દો દૈવી દાન...૨

એવા ભૂમિદાનથી લાખોને ધંધો ને રોજી મળતાં પોષણ મળશે

ને ભારત શ્રમયજ્ઞને પંથે પળતાં આબાદ થશે.

આપણાં શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં વાવ, તળાવ, કૂવા, ચોતરાને

ધર્મશાળાઓ વગેરે બાંધ્યાના દાખલા મોજુદ છે. સર્વ કોઇએ પોતાનાથી

બનતું શ્રમદાન એમાં કરેલું. તેજ પ્રમાણે આજેય કૂવા, ધર્મશાળા, પ્લેટફોર્મ

કે વૃક્ષારોપણ જેવા સાર્વજનિક કાર્યોમાં શ્રમદાનનો પ્રવાહ વહેવડાવીને

ભારતને આબાદ બનાવવામાં સુંદર ફાળો આપી શકાય. શ્રમદાનથી તો

ચીનના લોકોએ આખી દુનિયામાં નામના મેળવી છે. કહેવાય છે કે

રાતોરાત વિશાળ અને અજાયબી પમાડે તેવી ભવ્ય ભીંત, જેના ઉપર

સાતઘોડા તો એક સાથે દોડી શકે એટલી જાડી એ ભીંત એમણે બનાવી

દીધી હતી. જે આજેય સાક્ષીરૂપ છે. તેથી જ કહેવાય છે કે -

સંપ થકી શ્રમદાન થયા તે,

જગમાં દીસે ભારી,

રસકસ ધંધા માંહે ભળતાં,

દેશ તણી આબાદ.

હરે રે રામ રામ રામા રે,

રામ રામ રામા.

અંતમાં - (મુખથી કૃષ્ણ નામ જપી લે...લય)

દાનમય જીવન જીવીને-

રાષ્ટ્રના ઋણને ચૂકવી દે (ટેક)

ભૂમિકેરું દાન દઇને, બલિરાય તનુ દે,

વિષ્ણુ દેવને પાસે રાખી અમર સુખને લે....દાનમય...

શું લાવ્યો? શું સાથે લઇને જાશે પ્રાણી કહે?

શ્રમદાન ને રાષ્ટ્રકાર્યમાં

જીવન સાર તું લહે....દાનમય.

બોલો રણછોડરાયકી જય, ભારતમાતાકી જય, વંદેમાતરમ્‌ !

૫ : ભીલ ભંગીના સેવક

‘‘સોટી વાગે ચમચમ

ને વિદ્યા આવે ઘમઘમ.’’

આ કહેવતનો ભોગ કેટલાય વિદ્યાર્થીઓ થયા હશે. કેટલાય

તરીય ગયા હશે ને કેટલાક મહાન પણ થયા હશે. એક વિદ્યાર્થી હતો.

તમારા જેવડો જ બાળક. નાનકડો એ બાળક. ભાવનગરમાં એ

જન્મેલો. તા. ૨૯-૧૧-૧૮૬૯ ને દિવસે. એ બાળક આમ તો નાનો

હતો પણ તમારામાંના કેટલાકની પેઠે એ ચાલાક બહુ. આપણા

રાષ્ટ્રપિતા ગાંધીજીથી એ એક માસ અને સત્તાવીશ દિવસે નાનો. ઘણો

હોશિંયાર ને ભારે કાળજીવાળો એ બાળક. સ્વમાનવાળો ય એ ખરો.

કોઇનો ખોટો ઠપકો કે ગેરઇન્સાફ એનાથી સહ્યાં ના જાય.

વર્ગમાં મહેતાજીએ એક વખત સોટી ચલાવેલી. મહેતાજી

ખૂબ ખિજવાએલા. આપણા સ્વમાની વિદ્યાર્થી ઉપર પણ એ સોટી

આવી. એનું સ્વમાન ઘવાયું. એને ઘણું દુઃખ થયું. તરત જ એકી જવાની

રજા લઇને એ વર્ગમાંથી ઉપડ્યો. એ તો ગયો ઘેર. પોતે નિર્ણય પણ

કર્યો કે ગમે તેમ થાય, પણ હવે એ નિશાળે તો ન જ જવું. અને ખરે જ

પછીથી તે નિશાળમાં એ ગયો જ નથી! પછીથી ભાવનગરની દરબારી

શાળામાં એણે અભ્યાસ કર્યો. છેવટે એ મેટ્રિક થયો.

આ વિદ્યાર્થીનું નામ જાણો છો? એમનું નામ અમૃતલાલ

લુહાણા ભાટિયા વિઠ્ઠલદાસ ઠક્કરનો ને માતા મૂળી બાઇનો એ દીકરો.

આખું ગુજરાત અને ભારત એમને ‘ઠક્કર બાપા’ કહેતા ખુદ ગાંધીબાપુ

પણ એમને ઠક્કર બાપા જ કહેતા.

હવે મેટ્રિક થયા પછી કંઇક કામ ધંધો તો કરવો જ જોઇએ ને.

છેવટે ઇંજનેરી કામને અંગે એમને પૂના જવાનું થયું. પણ તે પહેલાં

તેમની ઇચ્છા ન હોવા છતાંય માતા એ પોતે મરી જવાની ધમકી આપીને

તેમને પરણાવ્યા. એમની મહેનતેય જબરી. પૂનામાં ઇંજનેરી કામમાં

એ પહેલે નંબરે પાસ થયા. આથી એમનો માન મરતબો વધ્યો અને

લાઠી તેમજ સાંગલીમાં એ ઇંજનેર તરીકે કામ કરવા લાગ્યા. પછીથી

એ મુંબઇમાં ‘રોડ સુપ્રિન્ટેન્ડેન્ટના મોટા અધિકાર ઉપર આવ્યા. પણ

શરૂઆતથી જ એ ભાવના શાળી અને પ્રેમાળ અંતઃકરણના હોવાથી

ભંગીઓ અને મજૂરોથી માંડીને બીજા બધા અમલદારોનાં મન એમણે

ત્યાં જીતી લીધાં હતાં.’

ઠક્કર બાપાને એક દીકરો હતો એનું નામ ચિમન. ચિમન

એમને બહુ વહાલો, અચાનક ભાવનગરથી ખબર આવ્યા. દીકરો બહુ

માંદો છે. તરત જ ભાવનગર ગયા. દીકરાને મળ્યા. દીકરો ફક્ત બાપા

એટલું જ બોલી શક્યો. એ એના છેલ્લા શબ્દો હતા.

જીવ જેવો એ વહાલો દીકરો મરી જવાથી એમને ઘણું દુઃખ

થયું. આ બનાવથી એમણે એમના જીવનનું ધ્યેય બદલ્યું. પછીથી

તેઓએ સેવાનાં કાર્યો કરવાનું કાર્ય સ્વીકાર્યું. કેટલાય કામદારોએ આથી

તેમનો સહવાસ ગુમાવ્યો, તેથી એ સૌ ખૂબ જ નારાજ થયા હતા.

પૂનામાં એક સેવાભાવી સંસ્થા, એનું નામ ‘હિન્દુ સેવક

સમાજ!’ એ મંડળમાં ઘણા મોટા મોટા માણસો ભળ્યા છે. મોટા

પગારની પહવાહ નહિ કરતાં, જરૂર પૂરતો પગાર લેઇને જ એ સૌ

સેવાનાં કામ કરતાં. દેશસેવક ગોપાલ કૃષ્ણ ગોખલેએ એ સંસ્થાની

સ્થાપના કરેલી. આપણા શ્રી અમૃતલાલ ઠક્કર, ઠક્કર બાપા રૂા.૩૫૦

નો પગાર છોડીને એમાં જોડાયા. પછીથી એ ખૂબ જ સાદા બની ગયા.

સાદગી અપનાવી.

ભીલો અને ભંગીઓની (હરિજનો) સેવા કરવાનું કામ તેણે

સ્વીકાર્યું. પંચમહાલ જિલ્લાના વીરખેડા ગામમાં એમણે થાણું નાખ્યું.

દાહોદથી એ ગામ આઠેકમાઇલ ઉપર આવેલું છે. એમની સેવાથી

હરકોઇના મન એમણે જીતી લીધાં. એ લોકો એમને ઠક્કર બાપાના

વહાલસોયા નામથી બોલાવતા. પછીથી તો એ સાચા સેવકની કદર

આખા હિંદે ઠક્કર બાપા ના નામે તેમને સંબોધીને કરી.

સિંધમાં અને ગુજરાતમાં ઇ.સ.૧૯૨૭માં રેલસંકટ આવ્યું

તે વખતે એમણે આણંદમાં ‘ચરોતર એજ્યુકેશન સોસાયટી’માં પોતાનું

થાણું રાખ્યું. ને રાહત આપવાનું સુંદર કાર્ય કર્યું. ગાંધી બાપુએ એમને

વૃદ્ધાવસ્થાને લીધે અને કામનો બોજો ઘટાડવાને માટે આરામ લેવાનું

કહ્યું. ત્યારે ઠક્કર બાપાએ કહ્યું કે ‘આ ગરીબ દેશમાં આટલું બધું કામ

કરવાનું પડ્યું છે અને મારાથી કેમ બેસી રહેવાય? ઠક્કરબાપા આપણી

વચ્ચે અત્યારે નથી, પણ એમની વ્યવસ્થા અને નિયમિતતા આપણને

યાદ આવ્યા સિવાય રહેતી નથી. રસ્તે ચાલતાં કે કોઇ મકાનની

ઓસરીમાં જતાં પગરખાં (ચંપલ, જોડા, બૂટ વગેરે) જેવી નજીવી

વસ્તુઓને પણ તે બરાબર ગોઠવ્યા પછી જ આગળ વધે. આ બાબત

તો મેં મારી સગી આંખોએ જોઇ છે.

આવા દેશ સેવકોથી ભારતા ઉજળો છે. ને ઉજળો રહેશે.

પ્રભુ એવા દેશ સેવકો ભારતને આપે અને આઝાદ ભારતને આબાદ

બનાવે. દુનિયામાં ભારતનો ડંકો વગાડે, ગૌરવથી મસ્તક હિમાલય

સમ ઊંચું રાખી શકીએ તેવી અંતઃકરણની ઇચ્છાઓ રાખીએ.

આપણે આવા દેશ ભક્તો, દેશ સેવકોના સદ્‌ગુણોનું અનુકરણ

કરીને આપણે આપણું સુસંસ્કારોથી જીવન ઘડતર કરીએ તો કેવું?

૬ : દિવ્યતાપૂર્ણ દયાની દેવી

સૃષ્ટિના ઉત્પત્તિકાળથી મમત્વ અને લોભવૃત્તિ ચાલ્યાં આવે

છે. લોભથી કુસંપ જન્મે છે. કુસંપથી વેર ઝેર ઉત્પન્ન થાય છે. અને વેર

ઝેરથી અશાન્તિનાં મૂળ નંખાતાં, છેવટે વિનાશ થાય છે.

પાંડવ કૌરવોની આ વાર્તા સચોટતાપૂર્વકની સાક્ષી પૂરે છે.

ભાઇઓને, દુર્યોધને સમજીનેય રાજ્યમાંથી થોડોક ભાગ પણ જો

શ્રીકૃષ્ણચંદ્રની વિષ્ટિ અનુસાર આપ્યો હોત તો શું મહાભારતનું યુદ્ધ

સર્જાત? ના પણ અનાદિકાળથી, વિવિધ પ્રકારની સમસ્યાઓની પેઠે

આ મહાભારતના યુદ્ધનું પણ નિર્માણ થયું હશે, તેને કોણ મિથ્યા કરે?

અરે યુદ્ધના એ મંડાણને લીધે તો શ્રીમદ્‌ ભાગવદ્‌ ગીતા જેવા આધ્યાત્મ

વિદ્યાર્થી તેમજ તત્વજ્ઞાનથી ભરપૂર એવો અજોડ ગ્રન્થ ભારતને, અરે,

સારાય વિશ્વને સાંપડ્યો.

એમાંના ઘણા પ્રસંગો માનવજીવનના ઘડતરમાં સર્વોચ્ચ

કક્ષાનો ફાળો આપે એવા છે. એમાંનો એકાદ પ્રસંગ આપણે જોઇએ.

દુર્યોધનને અવળી મતિ સૂઝી હતી. એને ગમે તે ભોગે પાંડવોનો

વિનાશ કરવો હતો. એમની હયાતિને નષ્ટ કરવી હતી. પોતાના અહંને

પોષીને મહાન રાજવી થવું હતું! છેવટે મહારથિ દુર્યોધન, દ્રોણપુત્ર

અશ્વત્થામાને કરગરી પડ્યો. પિતાના મૃત્યુનો કારી ઘા અશ્વત્થામાને

લાગ્યો હતો જ, અને પાંડવો તરફ તો એનો ક્રોધ ભભૂકી ઊઠ્યો હતો.

દુર્યોધનના કહેવાથી અશ્વત્થામાએ પાંડવોનો નાશ કરવાનું બીડુ ઝડપ્યું.

ક્રોધ અને ઇર્ષા શું નથી કરતી? વેરતો કાળીનાગ, સાત્ત્વિકતાને

પણ હઠાવી દે છે. અશ્વત્થામાનું પણ એવું જ બન્યુ.ં છેવટે એય વિદ્વાન

છતાં તો માનવ જ હતા ને? બ્રાહ્મણનો ક્રોધ જ્યારે ભભૂકી ઊઠે છે,

ત્યારે એ કાળાગ્નિ બની જાય છે. દુર્વાસા મુનિનું તો એવું જ્વલંત દૃષ્ટાંત

ક્યાં કોઇથી અજાણ્યું છે?

કાજળઘેરી રાત્રિમાં જગ જંપ્યું છે. તારલાઓ ટમટમી રહ્યા

છે. જાણે દેવ લોકોની આંખો કંઇ અદ્‌ભૂત ના નિહાળી રહી હોય!

સર્વત્ર શાન્તિ છે. સર્વ કોઇ નિદ્રાદેવીને ખોળે પોઢ્યાં છે. અવનવાં

સોણલાંની મીઠી મઝા અને એનો ક્ષણિક આનંદ ભોગવી રહ્યાં છે.

નિશાચરોનો અમોલો અને ઇચ્છિત પામવાનો રસભર્યો કાળ છે.

રાવટીઓ અને તંબુઓના પહેરેગીરો પણ ઝોકાં ખાતા ઢળી પડ્યા છે.

મહાસતી દ્રોપદીનાં તંબૂમાં શાન્તિ છે. સૌ કોઇ ઘસઘસાટ

ઊંઘે છે. ત્યાં લપાતો છૂપાતો, ભયભર્યે બિલ્લી પગે ચાલતો દ્રોણપુત્ર

અશ્વત્થામા, આમ તેમ તકેદારીથી જોતો, મુખને સંતાડતો, સજાગતાથી

એ તંબૂમાં પ્રવેશ્યો. તંબૂમાં પાંચ જણ સૂતા હતા. એમની આંખો

મીંચાયેલી હતી. નિર્ભયતા અને મુખ પરની તેજસ્વી તો જેવી ને તેવી

જ ઝળહળતી હતી. ક્રોધમાં ને મદમાં અંધ બનેલો આદમી મગજનું

સ્થૈર્ય ગૂમાવે છે. અશ્વત્થામાનું પણ એવું જ હતું. રજ્જુમાં સર્પનો ભાસ

થાય છે. તે જ પ્રમાણે અશ્વત્થામાએ એ ઊંઘતા પાંચેય પાંડવો છે.

એમ માનીને, સાત્ત્વિકતાને હઠાવીને, રાજસી તેમજ તામસીવૃત્તિનો

અતિરેક થતાં વૈરાગ્નિથી પ્રેરાઇને, એ પાંચેયનાં માથાંને ધડથી જુદાં

કરી દીધાં! પણ તે પાંડવો ન હતા. પાંડવોના પાંચ પુત્રો હતા.

જો કે આ કાર્ય કરવામાં વિધિનો સંપૂર્ણ ઇરાદો હતો. શ્રીકૃષ્ણ

ભગવાનનો પણ એવો વિચાર હતો, કારણ કે પાંડવોના એ પાંચેય પુત્રો

દૈત્યાંશી હતા, તેથી તપસ્વી અને જ્ઞાની એવા બ્રાહ્મણ દેવતા અશ્વત્થામાને

હાથે એ પાંચેય પુત્રોનો નાશ કરાવીને મોક્ષ અપાવ્યો હતો.

એ પાંચેયનાં માથાંના કેશને પકડીને બહાર નીકળતાં જ દ્રોપદી

જાગી ઊઠી. બીજા પણ જાગી ગયા. બરાબર જોતાં પોતના પુત્રોનાં જ

માથાં હતા. અને ધડ પડેલાં જોઇને એ વીરમાતાએ પારાવાર આક્રંદ કરવા

માંડ્યું. ત્યાં જામેલું લોહીનું ખાબડું એમનાથી શેં જોયું જાય.

ચોકીદારો જાગી ગયા. એ દોડ્યા. એમએ ભયભીતપણે દોડતા

અશ્વત્થામાને પકડ્યા. ગાંડીવ ધારી વીર અર્જુન જાગી ગયો. દ્રોપદીનું

આક્રંદ અર્જુનથીય જોયું ના ગયું. અર્જુન તો વીર હતો. આવું જોઇને ક્યા

રાજપૂતનું લોહી ના ઉકળે! દ્રોપદીને શાન્ત્વન આપવાને, રથમાં બેસીને એ

તરત જ પોતાનું ગાંડીવ ધનુષ્ય લેઇને, તંબુને બહારને માર્ગે ગર્જના કરતો

નીકળી પડ્યો. રક્ષકોએ અશ્વત્થામાને હાથમાં માથાં પકડેલ સાથે પકડ્યો.

એમણે એ ઘાતકી અશ્વત્થામાને અર્જુને હવાલે કરી દીધો.

અર્જુનનો ક્રોધ તો માતો ન હતો. એની આંખો લાલચોળ અંગારા

જેવી બિહામણી થઇ ગઇ હતી. એમણે એ ક્રૂર અશ્વત્થામાને દોરડે બાંધ્યો

અને એ દોરડાને રથની પાછળ બાંધીને દ્રોપદીને પાસે લાવ્યાં. પણ દ્રૌપદી

તો આર્ય સન્નારી હતી. સતી સાધ્વી સ્ત્રી હતી. અનુપમ રાજરાણી હતી.

સમયને ઓળખનારી હતી. ઔદાર્યની મૂર્તિ. દયા અને ક્ષમાની મૂર્તિ

સમોવડી હતી. ભારતની સર્વોચ્ચ અબળા નહિ પણ પ્રબળાનું સૌમ્ય સ્વરૂપ

હતી સમયે સમયે કેમ વર્તવું તે તે જાણતી હતી. પૂરેપૂરી સમયસૂચક

રમણી હતી. વીરાંગનાને શોભે એવો ક્ષમાનો ગુણ, સાત્ત્વિકતાનું રૂપ લઇને,

એની સમક્ષ ખડો થયો હતો.

અશ્વત્થામાનું દુઃખપૂર્ણ ને દયા ઉપજાવે એવું મુખ જોઇને એ

પોતાનું દુઃખ ભૂલી ગઇ, બ્રાહ્મણ પુત્ર, ગુરુપુત્ર, પંડિત, વિદ્વાન અને પૂજ્ય

એવા અશ્વત્થામાને જોતાંની સાથે જ એ વીર નારી દ્રૌપદીએ વંદન કર્યું.

એનામાંનો આ સાત્ત્વિક્તાનો ગુણ આગળ આવ્યો. એ ક્ષત્રાણી બ્રાહાણનું

રક્ષણ કરવાનો, બચાવવાનો પોતાનો ધર્મ યાદ આવ્યો. એ દયાની દેવીને

વિચાર આવ્યો, વેરથી વેર શમે નહિ એવું એનું હૈયું કહેવા લાગ્યું.

તરત જ દ્રૌપદીએ વીર અર્જુનને બે હાથ જોડી, કહેવા લાગી.

‘આર્ય પુત્ર, કુરુશ્રેષ્ઠ અર્જુનજી! અશ્વત્થામાને માફ કરો. ગમે તેટલું

તોય એ ગુરુપુત્ર છે. બ્રાહ્મણપુત્ર છે. લોભમાં, વેરમાં, અને ગર્વમાં

અશ્વત્થામા, દુર્યોધનના ચઢાવવાથી આવું કાળું કામ કરી ગયા. હવે

થયું તે થવાનું નથી. હવે એમને પોતાના કાળા કામનો પશ્ચાતાપ થાય

છે. તેમની માતા ગૌતમીને તેમના પુત્રની આવી દશા જાણીને ખૂબ જ

દુઃખ થશે. પૂજ્ય વડીલ શ્રી દ્રોણગુરુના મૃત્યુથી માતા ગૌતમી વિધવા

થયાં છે. એમના હૃદયમાં પતિના વિયોગથી હૈયું આક્રંદી રહ્યું છે. એમને

શાન્તિ નહિ હોય, ત્યાં આપણે બળતી માતાને શાને વધારે બાળી ને

દુઃખી કરવાં?’

‘તમે ગુરુપુત્રને જીવતો છોડી દો. એમણે આવેશમાં ને ગર્વમાં

અંધ બની ઉતાવળિયું અધમ પગલું ભર્યું તેથી ક્ષમા યોગ્ય નથી. તેને

શિક્ષા તો કરો જ.’

છેવટે અશ્વત્થામાને પોતાના શિરની ખોપડીનો ઉપરનો ભાગ

ગુમાવવો પડ્યો!

દયા અને ક્ષમાની એ કેવી મૂર્તિ! કેવા ઉત્તમ સંસ્કારની એ

જનની? ભારતવર્ષનું આ સંસ્કાર ધન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ભારતની

બોલબાલા છે! વંદન હો! એ દયાની દેવી ને દિવ્યતાની મૂર્તિને!

આપણી શેરીઓમાં, ને ગલીઓમાં સ્ત્રીઓ, પુરુષો અને

બાળકોના આવા કેટલાય મોરચા બનાવો બનતા હશે? તેવે સમયે આવો

દાખલો દૃષ્ટિ સમક્ષ રખાય તો? પડોશી ધર્મ સમજાય તો? દયા અને

ક્ષમાનો આશ્રય લેવાય તો?!

૭ : દેશપ્રેમી દાક્તર

ભારત આપણો દેશ. એની રાજધાની દિલ્હી. દિલ્હી તો મોટું

શહેર. એ શહેરનો બીજો જોટો ન મળે એવું એ નગર. પહેલાં વખતનું તે

મહિમાવંતુ નગર. પાંડવ કૌરવોના વખતમાં પણ એની ભારે જાહોજલાલી.

હવે આપણી વાત ઉપર આવીએ. લગભગ ત્રણસો વર્ષ

પહેલાંની આ વાત છે. તે વખતે મોગલ બાદશાહોનું રાજ ચાલે. એનો

સૌથી પહેલો મોગલ બાદશાહ બાબર હતો. ત્યાર પછી તો હુમાયુ ને

અકબર જહાંગીર ને શાહજહાં એમ ઘણા બાદશાહો થઇ ગયા. એ

સૌએ ભારતને પોતાનો દેશ માન્યો. એ અહીંયા જ રહ્યા અને બાદશાહ

શાહજહાંએ તો ભપકાદાર મોટા અને એક સુંદર અને જગમશહૂર

કૃતિ તાજમહેલ. પોતાની બેગમ મુમતાજની યાદગીરીમાં તે બંધાવ્યો.

જે દુનિયામાં જાણીતો છે. હજારો પરદેશીઓ અને લાખો લોકો એ

બેનમૂન ઇમારતને જોઇને ભારે નવાઇ પામે છે.

એમ કરતાં ફારુખશિયર નામનો બાદશાહ છેવટના વખતમાં

ગાદીએ આવ્યો. ફારુખશિયર ફાંકડો બાદશાહ હતો. સમજુ અને ઉદાર

એને સર્વ વાતે સુખ સાહ્યબી હતી. પણ એના શરીરમાં એક એવું ગુપ્ત દર્દ

હતું કે તેને બિચારાને ચેન જ ના પડે. એ તો દીવા જેવું ચોખ્ખું છે કે ‘‘શરીરે

સુખી તો સુખી સર્વ વાતે’’ બાકી બધું નકામું કેમ ખરું ને? ‘‘હાસ્તો.’’

આ તો બાદશાહની માંદગી, કોઇ સામાન્ય માણસની માંદગી

નહિં! અને તેની દવા કરવાને તો એક કહેતાં એક્યાશી જણા તૈયાર

થાય. અને આમાં બન્યું પણ એવું જ. દેશના કેટલાય વૈદોએ નાડી

તપાસીને દવા કરી. બાપુ, પીત્ત અને કફના વધારાને અંગે જુદી જુદી

જાતના દવાનાં પડીકા આપ્યાં. કેટલીય જાતની ગોળીઓ આપી. કંઇ

કંઇ જાતની ચરી પાળવાની ય કહી. કંઇ કંઇ જાતનાં મૂળિયાંને જંગલની

જડીબુટ્ટીઓ ધસી ધસીને પીવરાવી, પણ બાદશાહનો રોગ ના મટ્યો તે

ના જ મટ્યો!

કેટલાક હકીમોએ તેમની દવાઓ અને કિમિયા અજમાવ્યા,

પણ બાદશાહનું દર્દ ઓછું ના થયું. બલ્ખ બુખારીથી હકીમો આવ્યા

પણ એ બધાના હાથ હેઠા પડ્યા. કેટલાય ભૂવાઓએ મંત્ર, તંત્રને

વિદ્યાઓ અજમાવી પણ એ હઠીલું દર્દ મટે જ નહિ! કેટલાય

જ્યોતિષિઓએ વારાફરતી પ્રશ્નો મૂકીમૂકીને જોયું. પીડાકારી

પાપગ્રહોની શાન્તિને માટે જપી જપાદિ કર્યાં. પણ કાંઇ કારગત ના

થયું, સૌ કોઇને બાદશાહને માટે માન ને લાગણી હતા. તેથી સૌ કોઇ

પોતાનાથી થાય એટલું બધું જ કરી છૂટ્યાં. કોઇએ કશી વાતની ખામી

ના રાખી. બધાય ઉપાયો અજમાવી જોયા પણ દર્દ ના મટ્યું તે ના

મટ્યું.

એમ કરતાં પાક પરવરદિગારે ખુદાએ એ બાદશાહની બંદગી

સાંભળી. આપણા પશ્ચિમ કિનારાના મુંબઇ બંદરે ઇંગ્લેન્ડથી એક ગોરો દાક્તર

આવ્યો. ત્યાંથી એ દાક્તર સીધો દિલ્હી પહોંચ્યો. આ ગોરો દાક્તર દર્દ રોગનો

પારખુ હતો. જોઇતી દવાનો જાણકાર હતો. જરૂર પડે તો વાઢ કાપ કરીને પણ

દર્દીનું દર્દ મટાડે, તેવો અનુભવી દાક્તર હતો. બાહોશ અને ઠરેલ હતો. બાદશાહ

ફારુખશિયરની પાસે એ દાક્તર ગયો. દર્દીને તપાસ્યો ને રોગ પારખ્યા પછી

પોતે બાદશાહની સારવાર શરૂ કરી. શરીરમાં ગાંઠો જેવો ભાગ હતો. તે એણે

કાપી નાખ્યો. એણે એ ભાગને એવી રીતે કાપ્યો કે દર્દીને જરાય ખબર ન પડી.

દાક્તરે થોડા દિવસ બાદશાહને પાટા પિંડી કર્યા. બાદશાહનું

દર્દ જતું રહ્યું! બાદશાહ સાજો નરવો થઇ ગયો. દાક્તરની વાઢ કાપની

વિદ્યા ઉપર અને દવા વગેરે સૂઝની સારવાર જોઇને બાદશાહ સારો

નરવો થતાં ખૂબ ખુશ થયો.

છેવટે એ ગોરા દાક્તરે પોતાને દેશ પાછા ફરવાની રજા માગી.

બાદશાહ કહે, ‘એમ તે કાંઇ જવાય કે? તમારું તો બહુમાન

કરવું જોઇએ. જે વૈદો ને જંતર મંતર વાળા કાંઇ ના કરી શક્યા તેના

કરતાં સુંદર મહાભારત જેવું કામ કર્યું છે. થોડુંક રોકાય જાવ.’ પછીથી

બાદશાહે દાક્તરનું બહુમાન કરવાને માટેની ખુશાલીમાં દિલ્હીમાં ખાસ

દરબાર ભર્યો. અધધધ શું શું થશે તે જોવાની ને સાંભળવાની આતુરતા

હતી. વળી આ તો બાદશાહનો દરબાર, એમાં કંઇ કંઇ અવનવું જોવાનું

ને જાણવાનું મળે. દરબારને તો ચતુરાઇનું ધામ ગણ્યું છે.

ચારેય બાજુએ મોટા મોટા જરિયાની તંબુઓ તાણેલા. વચ્ચે

ખુલ્લી જગ્યા. એમાં કેટલાય ઘોડા ને હાથી. ઊંટ ને કેટલાય પ્રાણીઓના

જુદી જુદી જાતના ખેલ થયા. સરકસના ખેલથીય આ તો જુદી જાતના

ને અવનવી ભાતના ખેલ મરદાનગીના ખેલ, તીરકામઠાના

નિશાનબાજીના ખેલ પહેલવાનોની કુસ્તીના, જાદુના નવાઇ પમાડે તેવા

સાથે નાચગાનનો તો પાર નહિ. વિવિધ જાતનાં વાજિંત્રો અવનવા તાલથી

વાગે. જોનારને સાંભળનારનાં માથાં એ લયતાલમાં હાલ્યા જ કરે,

એવી મઝાની રંગત આ દરબારમાં આવી ગઇ હતી.

પછી બાદશાહે ગરીબોને ખેરાત (દાન) કર્યું. ગોરા દાક્તરના

ખૂબ વખાણ કર્યા. દાક્તરે બાદશાહની જે સેવા ચાકરી ને માટે દાક્તરને

કંઇક ભેટ સોગાત અથવા દાક્તરને જે કંઇ જોઇએ તે માગવા કહ્યું.

દાક્તર કહે, ‘હે નામદાર, બાદશાહ, હું શું માગું? ખુદાની મારા પર

મહેર છે. આપ જાણો છો કે હું સાત સમુંદરની પેલે પારથી ઇંગ્લેન્ડથી

આવ્યો છું. મારા કેટલાક દેશબંધુઓ પણ અહીં આવ્યા છે. અમારે

આપના દેશમાં વેપાર કરવો છે. અમને આ દેશના લોકો સાથે ભળી

જવું છે. બધી રીતે વેપાર કરવાનું છૂટછાટ ભર્યું. વચન આપો. કોઇ

પણ કોઇ રીતે રોક ટોક ન કરે. દાણ કે વેરો કશું જ ના લેવાય. આટલું

કરો તો ઘણું બધું આપ્યું માનીશ.’ બાદશાહ કહે, ‘‘આ તો તમે તમારા

દેશબંધુઓને માટે માગ્યું. હું તે તો તમને આપીશ. પણ તમારા માટે

તમે કાંઇક તો માગો જ માગો.’’ દાક્તર કહે, ‘‘મારો દેશ અને મારા

દેશવાસીઓમાં હું આવી જ ગયો ને? લેખિત વચન આપો. એટલે મને

બધું જ મળી ગયું. મારે બીજુ કાંઇ જોઇતું નથી.’’

આ સાંભળીને બાદશાહ અને દરબારીઓ ખૂબ જ નવાઇ

પામ્યા. સૌ વિચારમાં પડી ગયા. તો કોઇ બોલી ઉઠ્યું - ‘વાહ,ભાઇ,

વાહ! આ દાક્તર ખરો? કેવો દેશ પ્રેમી! તો કોઇ કહે - ‘દાક્તરનો

કેવો ત્યાગ અને કેવી ઉદાત્ત ભાવના?’

છેવટે બાદશાહે લેખિત ફરમાનથી એ ગોરા દાક્તરના દેશ

બંધુઓને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી. ત્યારથી અંગ્રેજોએ

આપણા હિંદમાં વેપાર શરૂ કર્યો. એમને ફાવટ આવી ગઇ અને આબાદી

થઇ.

કેવો દેશપ્રેમી દાક્તર?

૮ : પાંડવ કૌરવની પરીક્ષા

પાંડવ કૌરવનું નામ તો તમે સાંભળ્યું હશે. તેઓ તમારા જેવડા

નાના બાળ હતા. ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં રાજા મહારાજાઓની

યુદ્ધ વિદ્યા શીખવા ત્યાં રહેતા.

દ્રોણગુરુ એ સૌને ધનુર્વિદ્યા પૂરા હેત ભાવતી, સમજાવીને

શીખવતા. પણ વિદ્યા શીખવી કાંઇ સહેલી છે? એ તો ધ્યાન દઇને

ભણે શીખે તેની જ વિદ્યા. એ ધનુર્વિદ્યામાં મંત્રબળ કામ કરતું હોય છે.

વરૂણાસ્ત્ર પાણીના દેવ વરુણના મંત્રથી કામ થતું. અગણિતાસ્ત્રથી એકનાં

અનેક બાણની વર્ષા દુશ્મનો પર વરસાવી શકાય. વજ્રાસ્ત્ર કાચી પોચી

વસ્તુને પણ વજ્ર જેવી મજબૂત બનાવી દેતું હતું. નાગપાશના મંત્રથી

અનેક નાગો એ અસ્ત્રમાંથી નીકળી દુશ્મનની આજુબાજુ વીંટળાઇ જતા.

આગ્નેયાસ્ત્રના મંત્રથી અગ્નિદેવ પ્રકટ થતા અને જ્યાં આ બાણ વર્ષા

થતી ત્યાં તે સ્થળને બાળીને ભસ્મ કરી દેતું. એમ અનેક મંત્રો દ્વારા

યુદ્ધમાં અસ્ત્રનો પ્રયોગ થયો. અને લડાઇ લડાતી.

ગુરુદ્રોણ બધાંય શિષ્યોને આ મંત્રો અને તેનાં અસ્ત્રો ચલાવતાં

શીખવાતા હતા. દુર્યોધન એમાં સૌથી મોટો હતો. પણ અહંકારી હોવાથી

આવી વિદ્યામાં ઝાઝું, ધ્યાન આપતો નહિ. એ માનતો કે, હું મોટો છું.

એટલે રાજગાદી તો મને જ મળવાની છે ને? પછી શી આ બધી ઝંઝટ!

ભીમસેન હતો તો બહાદુર પણ એને આવી બધી મંત્રોની

ઝીણવટની ને ચોક્સાઇની પડી ન હતી. એ તો કહેતો, ગુરુજી, આ

ધનુષ તો હલકું ફૂલ મને એ ઝાલતાં જ ન ફાવે ને! આપણે તો વજનદાર

ગદા લઇને ધૂમવાનું હોય. એટલે ગદાયુદ્ધ શીખવો.

પણ અર્જુન શાણો હતો સાથે ચતુર અને શાન્ત પ્રકૃત્તિનો.

બુદ્ધિશાળી અને હોશિયાર પણ હતો. તે ધનુર્વિદ્યા શીખવામાં ખૂબ જ

ચીવટ અને ધ્યાન રાખતો હતો. પછીથી તો એ એવું શીખ્યો કે એનું

એક પણ બાણ (શસ્ત્ર) ખાલી જાય જ નહિં. ધનુર્વિદ્યામાં એ પ્રવિણ

બની ગયો હતો.

સમય પસાર થતો ગયો, વિદ્યા શીખતા ગયા. વર્ષ વીતતાં

દ્રોણગુરુએ પોતાના શિષ્યોની પરીક્ષા લેવાને માટેનો દિવસ નક્કી કર્યો.

રાજનગરમાં દાંડી પીટીને સર્વેને સ્થાન સમયની જાણ કરી. રાજધાની

હસ્તિનાપુરના પાદરે વિશાળ મેદાનમાં માનવમેદની ભેગી થઇ.

ધૃતરાષ્ટ્રને ભીષ્મપિતામહ, શકુનિ ને સર્વ કર્મચારીઓ, નાનાં ને મોટાં,

સ્ત્રીઓ અને પુરુષો સૌ કોઇ ત્યાં એકઠાં થયાં. મેદાનની વચ્ચે એક

ધીરગંભીર વડલો હતો.

દ્રોણગુરુ આવ્યા. સૌએ ઊભા થઇ એમને વંદન કરતાં આવકાર

આપ્યો. એમણે માટીનો એક કાચો ઘડો મંગાવ્યો. દ્રોણગુરુ કહે કૌરવો ને

પાંડવો! તથા સર્વ પ્રજાજનો સાંભળો, શિષ્યોને ઉદ્દેશીને કહે છે. તમારે

એક જ બાણે આ આખાય વડના એકેએક પાન વીંધી નાખવાના છે. આ

કાચા ઘડાને એ જ બાણથી પાણીથી ભરી આપવાનો છે. જરાક વિચારપૂર્વક

અસ્ત્ર ચલાવશો તો આ કામ સાવ સહેલું છે. વિદ્યા યાદ કરશો.

સૌ શિષ્યો સાંભળીને વિચારમાં પડ્યા. જોવા આવેલ

નગરજનો પણ વિચારતા થઇ ગયા કે આ કેવી રીતે પાર પડશે?

દુર્યોધન કહે, ‘ગુરુજી, આવું તો તમે ક્યારેય શીખવ્યું નથી.

એક બાણથી એક જ વસ્તુને વીંધાય અને કદાચ ખાલી પણ જાય ગાંડા

તો નથી થયા ને?’

ભીમ કહે, તમે કહો છો એવું થતું હશે ગુરુજી, પણ એમાં

બાણની મને તો જરૂર લાગતી નથી. કહો તો, હું આખો વડલો ઊંચકીને

પાને પાને જુદાં કરી આપું!

બાકીના શિષ્યો કહે, ગુરુજીએ આવું તો વળી ક્યારે શીખવ્યું

છે? આજે ગુરુજીનું મગજ કંઇ ઠેકાણે લાગતું નથી.

આવું બધું સાંભળતાં જ ગુરુજી ચિંતામાં પડી ગયા. એ

વિચારવા લાગ્યા ‘અરરર! હું આ શું સાંભળું છું. આ તો મારી આબરૂ

જવા બેઠી! મારી આટઆટલી મહેનત પર પાણી ફરી વળશે.’ તેમ

બોલતાં તો ગુરુજી આકુળ વ્યાકુળ થઇ આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા.

અર્જુનથી આ કેમ જોવાય? એ તરત ગુરુજી પાસે ગયો. પ્રણામ

કરીને કહે, ગુરુજી, હું બાણ વડે પાને પાનને વીંધીશ. ને એ ઘડાનેય

પાણીથી ભરીશ. આજ્ઞા આપો, આપના આશીર્વાદથી એ બધુંય સરળ

થઇ જશે.

દ્રોણગુરુ આ સાંભળીને રાજી થયા. અર્જુનને મસ્તકે હસ્ત મૂકી,

આશીર્વાદ આપ્યા ને બોલ્યા, ‘જા બેટા! કામ કરજે ને નામ રાખજે.’

પછીથી તો અર્જુને ધનુષ ઉપર પણછ ચઢાવી બાણ ખેંચી,

વહેતું મૂક્યું. મંત્ર ભણેલું બાણ ચાલ્યું. સૌ જોઇ જ રહ્યા. ઘડાને લઇને

તીર વડલાની ટોચે ગયું. ડાળાંના ગાળામાં એ ઘડો ગોઠવાઇ ગયો.

અને એમાંથી પાણી ઉભરાવા લાગ્યું. વડલા નીચે તો વૃષ્ટિ થઇ. સૌ

કોઇ, ‘શાબાશ, શાબાશ!’ બોલવા લાગ્યા. પછી પેલા બાણનાં બે બાણ

થયાં. ચાર ને આઠ, સોળ અને બત્રીસ એમ અસંખ્ય બાણ થયાં! બાણ

પાને પાને ફરવા લાગ્યાં. જાણે મધમાખીઓ વડલામાં ભમી રહી ના

હોય! એ બાણોએ મોટાં, નાનાં, લીલાં, પીળાં ને બરછટ બધાંય પાનને

વીંધી નાખ્યાં. વડલો તે સાવ બાંડો થઇ ગયો. પછીથી એ બાણ જેમ

વધ્યાં હતાં તેમ ઘટવા લાગ્યાં. છેવટે એ એક બાણ થઇ ગયું ને પાણીવાડા

ઘડાને લઇને એ તીર પાછું આવ્યું. અર્જુને બાણ ઉપરથી ઘડાને ઊંચકી

લીધો. નમન કરતું એ બાણ ભાથામાં આવી ગયું!

ગુરુ દ્રૌણના આનંદનો પાર મહાતો ન હતો. સર્વ જનોના મુખ

હર્ષનાદોથી ગાજવા લાગ્યાં. ગુરુ એ પ્રિય શિષ્ય અર્જુન ઉપર એ ઘડાના

પાણીથી, મંત્રોથી અભિષેક કર્યો, પીઠ થાબડી આશીર્વાદ આપ્યા.

સૌના મુખમાંથી એક જ બાબત નીકળતી હતી, ‘ધન્ય ગુરુ!

ધન્ય શિષ્ય! ધન્ય ધનુર્વિદ્યા!’

૯ : બાળવીર રમેશ

માલિની :

ગડુડુડુ ગડ ગાજ્યો, મેઘ આકાશમાંહે,

સરરર સર સર્કે, વીજળી સર્પ પેઠે,

હુડુડુડુ કરતો એ, છે અનિલો વહંતો,

ધડડડ ધડ ફોરાં, અંધકારે પડંતાં...(૪)

અનુષ્ટુપ

પાણી પાણી સહુ દિસે, વહંતુ પૂર જોસમાં,

નદી નાળાં મૂકી માઝા, તાણતાં વૃક્ષ નિજમાં,

પશું પ્રાણીય લે સાથે, પ્રચંડ પૂર એ ધણાં,

રસ્તા, નાળાં, તહીં તોડે, તોડે તીરો નદી

ત્ ા ણ ા ં . . . . ( ૮ )

વસંતતિલકા

ધીમા પડે અનિલ, શાન્ત તમિસ્ત્ર જામી,

કૈં વાદળી રખડતી પ્રિય પ્રાણ શોધે,

તારાગણો ઝબકતાં પ્રભુ આંખ પેઠે,

વ્યાપી અમોલી મદમસ્તી અહ! સુહાસી...(૧૨)

અનુષ્ટુપ

ગામ નાનું નથી શાળા, બીજે ગામ નિશાળ છે.

બાલુડાં ભણવા જાયે, પ્રાતઃકાળે બીજે દિને...(૧૪)

સવૈયા

બાળવીર એ રમેશ ધારે, મોડો પડિયો છું આજે,

દડબડ દોટે દફ્તર લેઇને એ સીધે રસ્તે,

છુક છુક કરતી ધમધમ ચાલે ગાડી આવે ગોટા ભરી,

અવાજ સૂણતાં એગમ જોતાં ફાળ પડી હૈયે નક્કી...(૧૮)

અનુષ્ટુપ

તૂટ્યા તા રેલના પાટા, નાળું તૂટ્યું હતી નહીં,

પડ્યું તું ગાબડું મોટું, રસ્તો રક્ષિત છે નહીં...(૨૦)

સવૈયા

રમેશ જોઇ મન વિચારે, કરવું શું મારે હવે?

રોકાઉં કે બૂમો પાડું? નિશાળનું મોડું થશે.

હતી હૃદયમાં ચિંતા એક જ ગુરુજી કૈં ઠપકો દેશે,

ના,ના, ગાડી રોકું નહિ તો ભોગઘણા જનના લેશે...(૨૪)

અનુષ્ટુપ

રાતી લીલી ધરે ઝંડી, સાંધા’ળો યાદ આવિયો.

વિવેક બુદ્ધિથી એણે, તોડ તર્તજ કાઢિયો...(૨૬)

ઉપજાતિ

નાળું તૂટ્યાથીય અગ્રે વધ્યો એ,

બે પાટ વચ્ચે વળતો ગયો એ,

શ્રદ્ધા અને હિમ્મત શસ્ત્ર ધારી,

હૈયે સ્મર્યા બાળવીરે મુરારી...(૩૦)

અનુષ્ટુપ

બાળકો છે પ્રભુ કેરાં, સંદેશવાહકો રૂડાં,

પ્રેમની દિવ્ય મૂર્તિઓ, અ ભેદ ભાવથી ભર્યા...(૩૨)

હરિગીત

દફ્તર તણો કકડો હતો, રાતો મઝાના રંગનો,

પુસ્તક મૂક્યાં ભોંયે ઝડપથી મંત્ર સાથ અભય તણો,

કકડા તણા બે છેડલા બે હાથથી પકડ્યા શિરે,

માની તહીં એ લાલઝંડી ધરી ધીરજ રાખીને...(૩૬)

અનુષ્ટુપ

હલાવે લાલ ઝંડીને, મુખેથી બૂમ પાડતો,

ઊભા રહોને ઊભો ત્યાં હે, ગાડીને ત્યાંહી રોકજો...(૩૮)

તોટક

ઘસમસતી ગાડીય આવી રહી,

એન્જિન ડ્રાઇવરની દૃષ્ટિ પડી,

લઇ લાલ આ ઝંડીને કોણ ઊભું!

નજરે શિશુ નમણું જ દેખાયું...(૪૨)

અનુષ્ટુપ

સીટી એક, બીજી વાગી, તોયે બાળક નાખસે,

નિશ્ચે કાંઇ ખરું ખોટું, થયું છે માર્ગની પરે...(૪૪)

સવૈયા

ઝટપટ દાબી કળ એન્જિનની ખટખટાક ત્યાં કીધું છે,

સૂર સુસવાટે સીટી દઇને, હાંફતી ગાડી ઊભી છે

ઉતારુઓ વિચારે આ શું! ગાડી અટકી અહિંયા કેમ?

બારી બારણિયે ડોકાઇ, ત્રાંસી નજરે જુએ છેય...(૪૮)

અનુષ્ટુપ

દોડતો ડ્રાઇવર આવ્યો, રાયવર જેમ રોફમાં,

ગાર્ડને લોકનું ટોળું, હતું મસ્તીની કેફમાં...(૫૦)

મંદાક્રાન્તા

‘શાને ભાઇ, પથ પર અહીં, ગાડીને રોકતો તું?

શું છે તારે, જીવન તજવું, આપઘાતે ઊભો શું?

ત્યાં એ જુએ નજદીક મહીં, તૂટલું નાળું મોટું,

પાટા કેરું નહિ કંઇ દીસે, માર્ગમાંહી ઠિકાણું!...(૫૪)

અનુષ્ટુપ

મૌનવાણી કરે કામ, આફતે અદકું અતિ,

આંખડીને ઇશારે યે, ઠેકાણે આવતી મતિ...(૫૬)

હરિગીત

કંઇ માનવોની મેદની આ દૃશ્યને નીરખી રહી,

સૌના હૃદયમાં એક વાણી ધન્ય, ધન્ય ગુંજી રહી,

‘‘શાબાશ, વીરા!’’ સૌ કહે, તું જીવનદાતા અમ ખરે,

બે હાથથી કો’ ઊંચકીને વ્હાલથી હા! બચી કરે...(૬૦)

અનુષ્ટુપ

નિશાળેય હતી પાસે, જાણ્યું તે સર્વ આવિયું,

ગુરુજીને હૃદે હેત, ભેટતાં વ્હાલ આવિયું,

કમુ, શાન્તિ, મનુ, ભીખુ, જયા, જ્યોતિ સુરેશને,

હૃદયે વ્હાલ છે વ્યાપ્યું, ભેટતાં એ રમેશને...(૬૪)

ઉપજાતિ

ઇનામનો થોક તહીં જ થાય,

કાં સર્વનો જન્મ નવો ગણાય,

કીર્તિભરી વાણી સહુ વદે છે.

રમેશ હૈયે પ્રભુને ભજે છે...(૬૮)

અનુષ્ટુપ

સેવાથી માનવી રીઝે, પ્રભુયે રીઝતો ખરે,

ભાગ્યદેવી રીઝે તેને, ધન્ય જીવનને કરે,

માનવોની કરી સેવા, રમેશ નગ્રને ગમ્યો,

કુળને તારતો અન્તે દેશ સેવક થૈ રહ્યો...(૭૨)

૧૦ : સમરાંગણમાં સ્વાર્પણ

ગૌરવવંતો ગઢ ચિતોડનો, ગૌરવી એની ગાથા,

માતૃભૂમિના રક્ષણ કાજે, કૈંક વીરોનાં માથાં -

અર્પાયાં લડતાં લડતાં,

નહિ કો’થી પાછા પડતાં.

મોગલ સેના સાગર સામે, રજપૂત સરિતા પૂર,

શૂરાતન ને સ્વદેશ ભક્તિ થકી દાખવે નૂરઃ

લીલાં શિર કૈં હોમાયાં !

નયનથી મોતી વિખેરાયાં!

સેનાપતિ યુવાન થનગને, જયમલ જંગ રસી લો,

મુગલ ગોળીથી ધવાઇ ઢળિયો, રણમાં, હસતો હઠીલોઃ

સપૂત એ પામ્યો વીર ગતિ,

સેના ગભરાતી જ જરી.

કિશોર તેજસ્વી નિજ ઘરમાં, યુદ્ધ સજાવટ કરતો,

બખ્તર, ટોપ, કવચ ને ભાલો, અસિકસીને ધરતો ;

ફૂલડું પરિમલવંતું એ,

માતને અર્પણ થાવા ચહે.

વિજય તિલક પત્નીએ કીધું, બ્હેની હેત જ દાખે,

ઉર આશિષો માએ દીધી, ચઢીઓ અશ્વર પરે એ;

લગામ નિજ હાથે લઇ લીધી,

અશ્વને એડી દઇ દીધી!

સમરાંગણની સ્થિતિ જોઇને, વીરમાં વીરત્વ વ્યાપ્યું,

સરદારી લઇ લઢવા લાગ્યો, સૌમાં શૂરત્વ આવ્યું;

મોગલ સાથે સર્વ લઢે,

રાજપૂત પાછા કેમ પડે?

છૂટે ગોળીઓ, ગોફણ, ભાલા, પથ્થર કૈંક વડેરા,

ચમકે તલવારો ખૂન તરસી, શોરબકોર ઘણેરાઃ

લઢાઇ ખૂનખાર જામી,

કશી વાતે ન રહી ખામી.

કૈંક શિર, કર, ચરણ કપાયા, ભૂમિ ભયંકર ભાસે;

કૈંક સિપાઇ નિજ જીવ લઇને, ભયને ત્રાસે નાસે;

સરદારે વિરત્વને દાખ્યું,

માતનું નામ રણે રાખ્યું.

સનનન કરંતી છૂટી ગોળી, એ વીર પીઠે વાગી;

લોહી તણો ફુવારો વહેતાં, શરીર ચેતના ભાગી;

ઢળિયો ઢગલો થઇ વીર એ,

ખપિયો માતૃભૂમિ પર જે.

વીર પત્ની ત્યાં પુરુષ વેશમાં આવી’તી રણ રંગે!

જે હાથે ગોળી છોડી’તી, પહોંચી ત્યાં જ ઉમંગે -

ઝટકે એકકે કર કાપ્યો,

વેરનો બદલો હા, આપ્યો.

રજપૂત સેના થઇ સાબદી, વીરાંગનાને સૂરે,

કેસરિયા વીરયોદ્ધા લડતા, નવલે નવલે નૂરે -

શૂરાતન સ્વાર્પણને ધારે,

શૌર્ય હેલીને આ ટાણે.

સમય આવિયો કપરો કાળો, પાકિસ્તાનની સામે;

શાન્તિની ઇચ્છામાં રાચે, ભારત જગને ધામે,

છતાંયે રક્ષણ કરવાને-

મોરચે શૂર દાખવવાને.

અર્જુન કર્તવ્ય પથી બન્યો હા, કૃષ્ણ સખાને અવાજે,

ન્યાય, ટેક, ભૂ રક્ષણ કાજે, લડવું સૌને છાજે;

સૂત્ર સંસ્કૃતિવર્ધક સાચું,

વીરનું હૈયું જ્યાં નાચ્યું.

માતૃભૂમિ છે શ્રેષ્ઠ જ વિશ્વે, પુનિત મહિમાવંતી,

એ જ ભૂમિનાં વિવિધ દ્રવ્યથી, દેહ બધી બંધાતી;

અર્પણ માતૃભૂમિ કાજે,

કરવામાં ગૌરવ રાજે.

આવો, ધાન બચાવો હેતે, સિદ્ધિ સાધન કરવા,

એકટાણું શુભ સોમે કરીને, તનના દોષો હરવા,

સધાતાં મન કેરી શુદ્ધિ,

વહેશે હિંદ હિતે બુદ્ધિ.

માતૃભૂમિથી સુવર્ણ મોંઘું? ના, ના, કદિ બનેના.

શાને ના અર્પણ કરવું એ, યજ્ઞે દેશ રક્ષાના?

અર્પતાં હેમ હૃદય સરથી,

છલકશે દેશ સાગર વટથી.

દેવ અને દૈવી શક્તિના આશીર્વાદો ઉમટે,

રોમ રોમ આ શૌર્ય પર્વની ગંભીરતાં જો પ્રગટેઃ

સર્વે એકરૂપ થઇને,

રાચીએ નિજ બલી દઇને.

ઘર ઘર નર નર, નારી હૃદયમાં, દેશ ભાવના જાગી

સૌ રંગાઇ શૌર્ય રંગથી, બનતાં એક જ રાગી -

જગમાં વિજય વરે નિશ્ચે,

હિંદનો જય બોલો હર્ષે.