Darna Mana Hai - 21 books and stories free download online pdf in Gujarati

DMH-21 રાજસ્થાનનું ભૂતિયા ગામઃ કુલધરા

ડરના મના હૈ

રાજસ્થાનનું ભૂતિયા ગામઃ કુલધરા

લેખક

મયૂર પટેલ.

ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


રાજસ્થાનનું ભૂતિયા ગામઃ કુલધરા

રાજસ્થાનમાં આવેલું ‘ભાણગઢ’ ત્યાં થતી ભૂતિયા પ્રવૃત્તિઓ અને તેના રહસ્યમય ઈતિહાસ માટે વિશ્વભરમાં જાણીતું છે. એ જ રાજસ્થાનમાં એક બીજું ગામ પણ આવેલું છે જેની આસપાસ વીંટળાયેલા રહસ્યને ૨૦૦ વર્ષો બાદ પણ કોઈ ઉકેલી શક્યું નથી. એ ગામ એટલે રાજસ્થાનના બહુ જાણીતા પ્રવાસન સ્થળ જેસલમેરની નજીક આવેલું ‘કુલધરા’.

રણપ્રદેશમાં આવેલું આ ગામ છેલ્લી બે સદીથી સન્નાટો ઓઢીને સૂતું છે અને ‘ડેઝર્ટેડ ઘોસ્ટ વિલેજ’ તરીકે મશહૂર થયું છે. કુલધરાની જમીન ખેતી અને પશુપાલન માટે અત્યંત ફળદ્રુપ હોવા છતાં અહીં કોઈ વસતિ નથી! રાજસ્થાન જેવી મરૂભૂમિમાં કુલધરાની ધરતી જણસ ગણાય, છતાં અહીં કોઈ માનવ વસાહત નથી. કુલધરાની ધરતીના પેટાળમાં બહુમૂલ્ય ખનીજોનો મબલખ જથ્થો ભર્યો પડયો હોવા છતાં ભારત સરકારે કે રાજસ્થાન સરકારે પણ અહીં ક્યારેય ઉત્ખનન ઉદ્યોગ સ્થાપવાની હિંમત નથી કરી. કેમ? એનો જવાબ જાણવા માટે ૨૦૦ વર્ષ અગાઉના ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે.

કુલધરાનો ઈતિહાસઃ

કુલધરા ગામની સ્થાપના છેક ઈ.સ. ૧૨૯૭માં કરવામાં આવી હતી. અહીંની ધરતીની સમૃઘ્ધિને ધ્યાનમાં રાખીને જ પાલીવાલ બ્રાહ્‌મણ દ્વારા આ ગામ બનાવવામાં આવ્યું હતું. કુલધરાવાસીઓને જમીનના પેટાળમાં રહેલા ખનીજો અને અહીંની માટીના બંધારણ વિશે બહોળું જ્ઞાન હતું તેથી તેઓ ઓછા પાણી વડે પણ ભરપૂર ખેત પેદાશો લેતા હતા. રાજસ્થાનના અન્ય ગામોની સરખામણીમાં આ ગામ અત્યંત ધનાઢ્‌ય હતું. કુલધરાના રહેવાસીઓની સમૃઘ્ધિ જોઈને તેની આસપાસના વિસ્તારમાં અન્ય ગામો પણ વસવા લાગ્યા અને ગણતરીના વર્ષોમાં તો આ વિસ્તાર રાજસ્થાનના સમગ્ર રેગિસ્તાનમાં વિખ્યાત થઈ ગયો. સદીઓ સુધી કુલધરા અને એની આસપાસનો વિસ્તાર સમૃઘ્ધિમાં આળોટતો રહ્યો.

આવા આ રોનકદાર કુલધરા ગામને ન જાણે કોની નજર લાગી ગઈ કે, અચાનક જ એક દિવસ એ આખું ગામ ખાલી થઈ ગયું. ફક્ત કુલધરા જ નહીં તેની આસપાસના બીજા ૮૩ ગામડાના રહેવાસીઓ પણ રાતોરાત ક્યાંક અદૃશ્ય થઈ ગયા! સામૂહિક સ્થળાંતરની એ ઘટનાનું વર્ષ હતું ૧૮૨૫ અને એ અનહોની માટે નિમિત્ત બની હતી એક વગદાર માણસની વાસના!

વાત એમ બની હતી કે એ વિસ્તારના રાજાના મનસ્વી સ્વભાવના એક પ્રધાન કુલધરાની મુલાકાતે આવ્યો હતો. નામ એમનું સલીમ સિંહ. કુલધરાની સમૃઘ્ધિ નિહાળતી વેળાએ તેની નજર એક સુંદર યુવતી પર પડી અને તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. તેણે છોકરી સમક્ષ લગ્નપ્રસ્તાવ મૂક્યો, પણ છોકરીને તે પસંદ ન હોવાથી એણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. પ્રેમ(સાચુ કહો તો વાસના)માં અંધ બનેલા સલીમ સિંહનો અહંકાર એક અદની છોકરીની ‘ના’ સાંભળીને ઘવાયો અને તેણે પોતાની વગનો દુરૂપયોગ કરવા માંડયો. તેણે છોકરીની ઘરના લોકોને ધમકીઓ આપવા માંડી, પણ એય કામ ન આવ્યું ત્યારે તેણે કુલધરાના રહેવાસીઓ પર આકરા કરવેરા નાંખી તેમની સમૃઘ્ધિ છીનવી લેવાનો ડર બતાવ્યો. સલીમ સિંહની આવી નાલાયકી સામે ઝુકી જઈ, એક ભોળી છોકરી એ હવસખોરને હવાલે કરી દેવાને બદલે કુલધરાની પંચાયત એ નિર્ણય પર આવી કે, ભલે તેમણે ગામ છોડીને અન્યત્ર જતાં રહેવું પડે, પણ તેઓ સલીમ સિંહની અન્યાયી માગણી સામે નમતું નહીં જ જોખે. ગામના મોવડીઓના નિર્ણયને માથે ચડાવી કુલધરાના તમામ રહેવાસીઓ એક રાતે ચૂપચાપ ગામ છોડીને અદૃશ્ય થઈ ગયા! તેમને માટે ‘સ્થળાંતર કરી ગયા’ ને બદલે ‘અદૃશ્ય થઈ ગયા’ એવો શબ્દ પ્રયોગ એટલા માટે કર્યો છે કેમકે, કુલધરા છોડીને તેઓ ક્યાં ગયા એનો કોઈને ક્યારેય પત્તો લાગવાનો નહોતો! ગામનો એક પણ રહેવાસી કુલધરા છોડીને ગયા પછી બીજે ક્યાંય દેખાયો નહોતો! જાણે કે તમામ કુલધરાવાસીઓ એકીસાથે હવામાં ઓગળી ગયા હતા!

પોતાના રળિયામણા ગામને કમને છોડી જતા કુલધરાવાસીઓ જતાં જતાં કંઈક એવું કરી ગયાં કે જેને લીધે એ ગામનું જ નહીં બલકે એ સમગ્ર વિસ્તારનું ભવિષ્ય હંમેશ માટે ચોપટ થઈ જવાનું હતું. ખેતી અને ખનિજ તત્વો વિશે બહોળું જ્ઞાન ધરાવતા કુલધરાના લોકો તંત્ર-મંત્ર અને અગોચર શક્તિઓ વિશે પણ ખાસ્સી જાણકારી ધરાવતા હતા. કુલધરા છોડીને જતાં પહેલા તેઓ કંઈક રહસ્યમય પૂજાવિધિઓ કરીને ગામમાં કાળી શક્તિઓ છોડતા ગયા. આ એવી શક્તિઓ હતી જે કોઈનેય એ ગામમાં વસવાટ કરવા દેવાની નહોતી!

એ રહસ્યમય શક્તિઓ ફક્ત કુલધરાની હદ સુધી જ સિમિત ના રહેતા આસપાસના વિસ્તારમાં પણ ફરી વળી. કુલધરાની આસપાસ વસેલા ગામડાઓમાં લોકો કમોતે મરવા માંડયા, તેમની ફસલ બરબાદ થવા લાગી, તેમના ઢોર-ઢાંખર રહસ્યમય બિમારીઓનો ભોગ બનવા લાગ્યા. જાણે કે સમગ્ર વિસ્તાર પર કોઈ શ્રાપ ઊતરી આવ્યો હતો. આ સ્થિતિ લાંબો સમય ન જીરવાતા ધીમેધીમે કરીને કુલધરા વિસ્તારના ૮૩ ગામના રહેવાસીઓ અન્યત્ર સ્થળાંતર કરી ગયા.

ત્યારથી લઈને આજ સુધી, કોઈપણ માણસ કુલધરા વસવા જાય છે તો તેને એવા એવા ભયાનક અનુભવો થાય છે કે તેણે એ ગામ છોડીને જતા જ રહેવું પડે છે. કુલધરામાં ઘરો અને ઘરવખરી જેમની તેમ છોડી જવાઈ હોવાથી અનેક જાતિસમૂહોએ આ ગામમાં વસવાટ કરવાની કોશિશ કરી જોઈ, એકથી વધુ વખત તો રાજ્યના વહીવટદારોએ પણ ગામમાં અન્ય લોકોને વસાવવાની જહેમત કરી જોઈ, પણ અહીં વસવા આવતા લોકોને કંઈક એવા અનુભવો થતાં કે, તેઓ ઝાઝુ ટકી ન શકતા. તેમણે ફરજિયાતપણે કુલધરા ખાલી કરી જવું પડતું. એવું તો શું બનતું હતું આ ગામમાં..?

એ ચાર ભૂતિયા સ્થળોઃ

કુલધરામાં સ્થળો એવા છે જ્યાં અનેક લોકોને કોઈ આત્માનો વાસ હોવાનો કે કોઈ પારલૌકિક શક્તિઓ હોવાનો અહેસાસ અનેક વાર થયો છે. એક સ્થળ છે એક અવાવરૂ મંદિર. આ મંદિર ખાલી છે. અહીં કોઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી નથી. કહેવાય છે કે આ મંદિરમાં સૂર્યાસ્ત પછી અજીબ પ્રકારની ચહલપહલ મચી જાય છે. ક્યારેક મંદિરમાંથી અનેક લોકો એકસાથે બોલતા હોય એવા અવાજો સંભળાવા લાગે છે તો ક્યારેક મંદિરમાંથી રહસ્યમય પ્રકાશ રેલાવા લાગે છે. લોકોની માન્યતા એવી છે કે, કુલધરાવાસીઓ જે મેલી શક્તિઓ પોતાની પાછળ છોડી ગયા હતા એ જ શક્તિઓનો આ મંદિરમાં વાસ છે.

બીજું સ્થળ છે એક વાવ. પાણી ભરેલી આ વાવની મુલાકાતે દિવસે પણ જઈએ તો ડરી જવાય એવો અહીંનો માહોલ છે. ખરબચડા પગથિયાં, ચોપાસ ફેલાયેલો સન્નાટો, લીલ જામેલું ઊંડું પાણી અને હવામાં ઘુમરાતો ભેદી ઉકળાટ. આ સ્થળે કંઈક એવી ગમગીની પ્રવર્તે છે કે તમે અહીં જાવ તો ગભરામણ થવા લાગે. કહેવાય છે કે દિવસ દરમિયાન સ્થિર રહેતા વાવના પાણી રાત પડયે જીવતા થઈ ઊઠે છે. અંધારૂં ઘેરાતા જ જાણે ઘમ્મરવલોણું ઊઠયું હોય એમ આ વાવના પાણીમાં મોટ્ટું વમળ સર્જાય છે. કુલધરાવાસીઓના સામૂહિક સ્થળાંતર બાદ અહીં વસવાટ કરવા આવેલા લોકો પૈકી અનેકના ભોગ આ વાવે લીધા છે. સામાન્યતઃ પાણીમાં ડૂબીને મરેલા માણસનો મૃતદેહ વહેલો મોડો પાણીની સપાટી પર આવી જતો હોય છે, પણ આ વાવના ભૂતિયા પાણીમાં ગરક થયેલો માણસ ફરી ક્યારેય ઉપર નથી આવતો, એવી માન્યતા છે. આવી આ ભેદી વાવને કુલધરાની સૌથી ડરામણી જગ્યા ગણવામાં આવે છે.

આ બે સ્થળો ઉપરાંત કુલધરામાં બે રહેણાંક મકાન એવા આવેલા છે જ્યાં ભૂતાવળ થતી રહે છે. આ બંને ઘરોમાં બાળકો અને સ્ત્રીઓના પ્રેત દેખા દેતા હોવાની વાતો ચગી છે. આ બંને મકાનમાં એટલી બધી નેગેટિવ એનર્જી ભરી પડી છે કે, દિવસના અજવાળામાં પણ અહીં તમને બેચેની લાગે છે અને મકાનના અંધારિયા ખૂણાઓમાંથી કોઈ સતત તમારા પર નજર રાખી રહ્યું હોય એવો ભાસ થયા કરે છે.

કુલધરામાં પ્રેતના પરચાઃ

આમ તો આખું કુલધરા જ નકારાત્મક ઉર્જાથી ભર્યું પડયું છે અને મુલાકાતીઓને ગમગીની ફીલ કરાવતું રહે છે, પણ અહીં વર્ણવ્યા એ ચાર સ્થળો તો સૌથી વધુ ખોફનાક છે. ભૂત-પ્રેતના અસ્તિત્વ વિશે સંશોધન કરતી ઘણી સંસ્થાઓએ આ ચાર સ્થળોએ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેશન કર્યું છે અને તેઓ ચિત્રવિચિત્ર અનુભવોના સાક્ષી બન્યા છે. પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર્સ પોતાના અત્યાધુનિક સાધન સરંજામ સાથે ઈન્વેસ્ટિગેશન કરવા માટે કુલધરા જાય તો છે પણ અગમ્ય કારણોસર તેમના સાધનો કામ કરતા બંધ થઈ જાય છે અને તેઓ સંતોષકારક રીતે પોતાનું ઈન્વેસ્ટિગેશન હાથ ધરી શકતા નથી.

કુલધરામાં થતી ભૂતિયા હલચલ એટલી સ્ટ્રોંગ છે કે આપણા દેશની ‘આજ તક’ અને ‘ઝી ન્યૂઝ’ જેવી ટોચની ન્યૂઝ ચેનલ્સે પણ અહીં પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન આદર્યું છે. કુલધરાના રહસ્યમય ઈતિહાસ વિશે ડૉક્યુમેન્ટરી બનાવવા ગયેલી આ ચેનલોને પણ પોતાના કામમાં ખૂબ મુશ્કેલી નડી હતી કેમ કે, પેલા ચાર મુખ્ય ભૂતિયા સ્થળોએ એમના કેમેરા અને રેકોર્ડિંગ મશીન્શ કોઈપણ પ્રકારના દેખીતા કારણ વિના કામ કરતા બંધ થઈ જતા હતા. એક ચેનલના જનરેટરમાં આગ લાગી ગયેલી તો બીજીના ઇન્ફ્રારેડ કેમેરા ઠપ્પ થઈ ગયેલા.

જોકે આવી બધી તકલીફો બાદ પણ વિવિધ ઇન્વેસ્ટિગેશન ટીમ્સે જે કંઈ કાચીપાકી સાબિતીઓ મેળવી એ હેરતઅંગેજ ગણી શકાય એવી છે. ઓડિયો મીટરમાં રેકોર્ડ થયેલા ચિત્રવિચિત્ર અવાજો, મોશન સેન્સર્સે રેકોર્ડ કરેલી ગતિવિધિઓ, અમુક ચોક્ક્સ ખૂણાઓમાં તાપમાનમાં નોંધાયેલી ડરામેટિક વધઘટ... આ બધી જ સાબિતીઓ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે, કુલધરામાં ચોક્કસપણે કંઈક એવું છે જેનું કોઈ વૈજ્ઞાનિક સોલ્યુશન કે એક્સ્પ્લેનેશન મળી શકે એમ નથી.

કુલધરાનો રહસ્યમય ખજાનોઃ

કુલધરાની ધરતીમાં રહેલા કુદરતી ખજાના સમાન ખનીજો મેળવવા માટે ભારત સરકારે એકથી વધુ વખત અહીં ઉત્ખનનની કોશિશો કરી જોઈ છે, પણ ઉત્ખનનના કામ માટે આવેલા મજૂરોને રાતના સમયે અહીં એવીએવી ડરામણી ચીજો દેખાતી અને એવાએવા ખોફનાક અવાજો સંભળાતા કે તેઓ ઊભી પૂંછડીએ કુલધરામાંથી પલાયન થઈ જતા. સરકારને અહીંના ખનીજો તો હાથ ન લાગ્યા પણ એક સુવર્ણ ખજાનો ચોક્ક્સ મળ્યો હતો.

કુલધરાના એક મકાનના ભોંયરામાંથી અનાયાસે જ એક મોટો ખજાનો મળી આવ્યો હતો. જૂના જમાનાના સોનાના સિક્કા અને ઘરેણાં ભરેલા એ ચરૂની કિંમતી કરોડોમાં આંકી શકાય એટલી હતી. એ ખજાનો કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા કરાવી દેવામાં આવ્યો હતો. પણ સવાલ એ થાય કે, આટલો કિમતી ખજાનો શા માટે પાછળ છોડી જવાયો હતો? શું કુલધરાવાસીઓ માટે એ વધારાની જણસ હતો? જો એમ હોય, તો કુલધરાની આર્થિક સમૃઘ્ધિનો કુલ આંકડો કેટલો હશે એની તો કલ્પના પણ ના કરી શકાય!

છેલ્લા લગભગ ૨૦૦ વર્ષોથી માનવવિહોણા રહેલા કુલધરાનું રહસ્ય કદાચ હંમેશ માટે રહસ્ય જ રહેવાનું છે. ક્યારેક જેસલમેર ફરવા જાવ તો કુલધરાની મુલાકાતે જઈ શકાય, પણ યાદ રહે કે ત્યાં સૂર્યાસ્ત પછી રોકાવામાં જોખમ છે, કારણ કે દિવસ દરમિયાન ઉજ્જડ ભાસતું એ ગામ રાત પડયે આળસ મરડીને બેઠું થઈ જાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED