ફિલ્મ રિવ્યુ: ભૂલ ભુલૈયા 2 - ‘સિક્વલ નથી આ ભૂલ છે’ Mayur Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફિલ્મ રિવ્યુ: ભૂલ ભુલૈયા 2 - ‘સિક્વલ નથી આ ભૂલ છે’

‘ભૂલ ભુલૈયા 2’માં એક યથાયોગ્ય ડાયલોગ છે જે આ ફિલ્મને શરૂઆતથી અંત સુધી લાગુ પડે છે. એક સીનમાં કાર્તિક આર્યન ભૂતને કહે છે, “યૂ આર ફૂલ ઑફ ક્લિશેઝ!” (તમે એ જ જૂના-પુરાણા ગતકડાંઓથી ભરપૂર છો!) બિલકુલ સહી કહા, કાર્તિક બાબુ. યે ફિલ્મ વહી પુરાને, ઘીસેપીટે ફોર્મુલાઓંસે ભરી પડી હૈ. પ્રેક્ષકોને ડરાવવા માટે સર્જાતી એ જ જૂનીપુરાણી પ્રયુક્તિઓ, હાસ્ય પેદા કરવા માટે મૂર્ખાઈની બધી હદો પાર કરતું કલાકારોનું મોટું ટોળું (એક પાત્ર બીજા પાત્રને તમાચો મારે એમાં કઈ રીતે કોમેડી થઈ જાય, એ મને આજ સુધી સમજાયું નથી. કાંઈ ન મળે ત્યારે આવી ફાલતુંગીરી ઘૂસાડી દેવાની બોલીવુડની ફિલ્મોમાં જૂની પ્રથા છે. આપણી પ્રજા પાછી એવા બુદ્ધિ વગરના સીનમાં દાંતેય કાઢે, બોલો) અને ફિલ્મનિર્માણની એ જ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી શૈલી કે જેમાં કશું ન નવીન કે અસાધારણ નથી.

૨૦૦૭માં આવેલ ‘ભૂલ ભુલૈયા’ એક ક્લાસ મૂવી હતી. વારંવાર જુઓ તોય ગમતી રહે એ કક્ષાની. ‘ભૂલ ભુલૈયા 2’ મૂળ ફિલ્મની જૂતી બરાબર પણ નથી. ખાટલે મોટી ખોડ તો એ કે આ સિક્વલને મૂળ ફિલ્મ સાથે કોઈ કરતાં કોઈ જ સંબંધ નથી. વાર્તાના તાણાવાણા ક્યાંય ભેગા થતા નથી. એક રાજપાલ યાદવના પાત્ર ‘છોટે પંડિત’ સિવાય બીજું કોઈ કેરેક્ટર રિપિટ નથી થયું. ‘મંજુલિકા’ નામ સિવાય બીજી કોઈ સમાનતા નથી, એટલે આને સિક્વલ તો કહેવાય જ નહીં. (જોકે, આ ફિલ્મને ‘સ્ટેન્ડઅલોન સિક્વલ’ તરીકે જ પ્રોજેક્ટ કરવામાં આવી છે એટલે આ મુદ્દે તો એમને માફ કરી શકાય, પણ સાવ જ એવરેજ ફિલ્મ બનાવી હોવાની સજા તો બનતી હૈ.)

એક ગામ છે જેમાં દોઢ-બે હજાર લોકો વસે છે, પણ સમ ખાવા પૂરતી એક્કેયમાં અક્કલનો છાંટો નથી. બધાં ગાંડીઘેલી હરકતો કરતા રહે છે. ગામમાં એક હવેલી છે, ને હવેલી હોય એટલે બટ ઓબ્વિયસ ભૂત તો હોવાનું જ. (આખરે હિન્દી ફિલ્મોમાં હવેલીઓના બાંધકામ જ ભૂતડાઓ માટે થતાં હોય છેને.) તો આવી આ ભૂતિયા હવેલીને મંજુલિકા-મુક્ત કરવા માટે એક જુવાનિયો, બનાવટી તાંત્રિક નામે કાર્તિક એન્ટ્રી મારે છે અને…

…અને પછી એ જ બધું થાય છે જે આપણે સૌ કરોડો વાર જોઈ ચૂક્યા છીએ.

અભિનયમાં તબ્બુ સારી છે(ક્યારે નથી હોતી?), પણ એણે પણ એવું કંઈ લંડન-પેરિસ ઓવારી જવાય એવું કામ નથી કર્યું. એની અન્ય ફિલ્મોની તોલે એનું આ ફિલ્મનું પરફોર્મન્સ તો ન જ મૂકી શકાય. ‘ભૂલ ભુલૈયા’માં વિદ્યા બાલને જે જાદૂ સર્જેલો એની સામે તો તબ્બુ પાની કમ ચાય જ લાગે. ડિટ્ટો કાર્તિકભાઈ આર્યન. બહુ મીઠડો છોકરો છે, કોઈને પણ ગમી જાય એવો. (હું એનો ફૅન નથી, છતાં સિનેપડદે એ ગમતીલો લાગે ખરો) શું એની સ્માઇલ! શું એનો સ્વૅગ! પણ, મૂળ ફિલ્મમાં અક્ષય કુમારે જે ચાર્મ દેખાડેલો એવો ચાર્મ કાર્તિક નથી લાવી શકતો. (બંને ફિલ્મો વચ્ચે સરખામણી કર્યા વિના રહેવાતું નથી કેમ કે ‘ભૂલ ભુલૈયા’ અનહદ ગમેલી) હિન્દી ફિલ્મોમાં મોટાભાગની હિરોઇનો જે કર્યે રાખે છે એ જ કિયારા અડવાણીએ પણ અહીં કર્યું છે. (દેખાવમાં અત્યંત સુંદર એવી કિયુ મને હેમા માલિની જેવી લાગે છે, તમને લાગે કે?) બાકીના કલાકારો — રાજપાલ યાદવ, સંજય મિશ્રા, અશ્વિની કલસેકર, અમર ઉપાધ્યાય, મિલિન્દ ગુણાજી, રાજેશ શર્મા, ગોવિંદ નામદેવ — દર્શકોને પ્રભાવિત કરવાનો, હસાવવાનો પ્રયાસ તો સતત કરે છે, પરંતુ તેમાંથી કોઈ-કોઈ ક્યારેક-ક્યારેક જ સફળ થયા છે.

સંગીત ઘોર નિરાશાજનક છે. એ લોકો જ ગાય ને એ લોકને જ યાદ રહે એવા ગીતો છે. જોકે, મૂળ ફિલ્મના અપ્રતિમ ગીત ‘મેરે ઢોલના...’નું મેલ વર્ઝન સરસ બનાવાયું છે, સરસ રીતે ગવાયું છે, અને એના પર કાર્તિકે ડાન્સ પણ મસ્ત કર્યો છે. સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર, કોસ્ચ્યુમ્સ, મેકઅપ જેવા મૂવીના અન્ય પાસાઓ બસ ચાલેબલ જ છે. VFX અમુક અંશે સારું છે. તબ્બુના ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે લેવાયેલી જહેમત સાફસાફ જોઈ શકાય છે. અનીઝભાઈનું ડિરેક્શન વધુ પડતું જ ‘બઝમી’દાર છે; પ્રિયદર્શનનો જાદુઈ સ્પર્શ અહીં પૂરી રીતે મિસિંગ છે. ‘ઈસ સે અચ્છા તો યે હોતા કિ મેં બિગ બોસ મેં ચલા જાતા, કમ સે કમ વહાં બેઇજ્જત હોને કે પૈસે તો મિલતે’ અને ‘ડોનાલ્ડ ટ્રમ્પ કે ટ્વીટ ઔર ચૂડૈલ કે પૈર હમેશા ઉલ્ટે હોતે હૈ’ જેવા અમુક ડાયલોગ્સ હસાવે છે ખરા, પણ બાકી બધું ફ્લૅટ જ જાય છે. સ્ક્રિપ્ટમાં કંઈ કરતાં કંઈ જ ભલીવાર નથી. મૂળ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો એના રહસ્ય સાથે સંકળાયેલ સાયકોલોજિકલ ઇફેક્ટ. (ઘણા બેવકૂફો તો આજેય માને છે કે 'ભૂલ ભુલૈયા'માં વિદ્યાડીને ભૂત વળગેલું હતું) આવા મજેદાર અને યુનિક સ્ટોરી પોઇન્ટનો આ ફિલ્મમાં સદંતર છેદ ઉડાવી દેવામાં આવ્યો છે અને સીધું સાદું ભૂતડું બતાવી દેવામાં આવ્યું છે. આવી તોતિંગ સફળ અને હરદિલ અઝીઝ ફિલ્મનો બીજો ભાગ બનાવવો તો કેટલી જવાબદારીભર્યું કામ બને, એના બદલે અહીં તો જાણે મહેનત કરવાની કોઈ દાનત જ નહીં. જો કોઈને ક્લાઇમેક્સમાં આવતો રહસ્યમય વળાંક બહુ ગમ્યો હોય તો જાણી લો કે એય ઓરિજનલ નથી. 2015માં રિલીઝ થયેલી બિપાશા બાસુ અભિનીત હોરર ફિલ્મ ‘અલોન’માં પણ આ જ ક્લાઇમેક્સ-ટ્વિસ્ટ હતો. (એય બકવાસ જ છે, હં કે) એ ‘અલોન’ પાછી 2007માં રિલીઝ થયેલી એ જ નામની થાઈલેન્ડની ફિલ્મની રિમેક હતી. ને એ થાઈ મૂવી પાછી અમેરિકન ટીવી સિરીઝ ‘ટેલ્સ ફ્રોમ ધ ક્રિપ્ટ’ના એક એપિસોડ પર આધારિત હતી. ઓ, બાપા!

નવાઈ મને એ વાતની લાગે છે કે આવડી આ એવરેજ ફિલ્મને લોકોએ અમથેઅમથા ચાર ને સાડા ચાર સ્ટાર્સ આપીને માથે બેસાડી છે. હોરર-કોમેડી જોનરની આ ફિલ્મ હોરર અને કોમેડી બંને ક્ષેત્રે અધકચરી લાગે છે. ‘ભૂલ ભુલૈયા’ સામે તો આના ચણાય ન આવે. ભલે બોક્સ ઓફિસ પર ગમે એટલી કમાણી કરે, ‘ભૂલ ભુલૈયા 2’એ મૂળ ફિલ્મની એસેન્સ/ચાર્મનું મર્ડર કર્યું છે, એટલું તો પાક્કું. ‘રામને નામે પથરા તરે’ એ ન્યાયે આ નબળી ફિલ્મ મૂળ ફિલ્મની બ્રાન્ડ વેલ્યુને આધારે તરી જવાની. (‘કેજીએફ ટુ’નેય અધધધ ઓપનિંગ એની મૂળ ફિલ્મની બ્રાન્ડ વેલ્યુને લીધે જ મળેલુંને!)

ન જોવાય તોય કોઈ અફસોસ કરવા જેવું નથી. આના કરતાં તો ‘ભૂલ ભુલૈયા’ ફરી એક વાર જોઈ લેજો. આ કાચીપાકી ‘ભૂલ ભુલૈયા 2’ને મારા તરફથી 5 માંથી 2.5 સ્ટાર્સ.