શ્રી ને શ્રદ્ધાંજલિ Mayur Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી ને શ્રદ્ધાંજલિ

શ્રી ને શ્રદ્ધાંજલિ

મયુર પટેલ

ઝિંદગી ઔર મૌત ઉપરવાલે કે હાથ મેં હૈ. હમ સબ તો રંગમંચ કી કથપૂતલિયાં હૈ, જિનકી ડોર ઉપરવાલે કી ઉંગલીયોં મેં બંધી હૈ. કબ, કૌન, કૈસે ઉઠેગા, યે કોઈ નહીં બતા સકતા હૈ…

‘આનંદ’ ફિલ્મનો મશહૂર ડાયલોગ બીજા કોઈ નહીં ને પ્રાણપ્યારી શ્રીદેવી માટે જ લખવો પડશે એવી કલ્પનાય નહોતી કરી કદી. આ કંઈ મરવાની ઉંમર હતી? મરવાની ઉંમરે પહોંચેલા એવા તો કેટલાય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એ બધાંને છોડીને ઉપરવાળાએ કેમ શ્રીને જ ઉપાડી લીધી? કદાચ એનેય રૂપ અને ટેલેન્ટનું આવું કાતિલ કોમ્બિનેશન બીજે ક્યાંય નહીં મળ્યું હોય… મળે પણ ક્યાંથી, શ્રી એકમેવ જ હતી. ન ભૂતો, ન ભવિષ્યતિ…

૨૫ ફેબ્રુઆરીની સવારે મુંબઈ જવા નીકળ્યો. કેટલાય દિવસોનો પેન્ડિંગ પ્લાન છેવટે અમલમાં મૂકાયો એટલે ખુશ હતો. રોજિંદા ક્રમ મુજબ રેલવે સ્ટેશન પહોંચીને જ વૉટ્સએપ ચેક કર્યું કે વીજળી ત્રાટકી. દિલ્હી રહેતા કઝીનનો મેસેજઃ શ્રીદેવી પાસીસ વે…

મનમાં ફાળ પડી. માન્યામાં ન આવ્યું એટલે તરત બીજા મેસેજ ચેક કર્યા. ઘણાએ એ જ મનહૂસ મેસેજ શેર કર્યો હતો. જીવ ગળે આવી ગયો. ને તોય વિશ્વાસ તો ન જ બેઠો. સાવ સાજી-નરવી શ્રીને વળી શું થાય? કેટલી ફીટ હતી એ, પછી? એય પાછો હાર્ટ-એટેક? ગયા વીકમાં સોશિયલ મીડિયા પર હોલીવુડના સિલ્વેસ્ટર સ્ટેલોનના મોતની ફેક ખબર પણ વાયરલ થયેલી એટલે શ્રીના ન્યૂઝ પણ ફેક જ હશે એમ માની ગૂગલ પર ચેક કર્યું, અને…

હૃદય બેસી ગયું. સ્તબ્ધ. નિઃશબ્દ. ક્ષુબ્ધ. દિમાગ કામ કરતું બંધ થઈ ગયું. મુંબઈ જવાનો ઉત્સાહ મરી પરવાર્યો. ટ્રેન આવવાને પાંચ જ મિનિટ બાકી હતી ને મનમાં દ્વંદ્વ જામ્યું. જાઉં કે ન જાઉં..? જે કામ માટે જાઉં છું એમાં મન નહીં લાગે હવે… થયું કે બધું કેન્સલ કરીને ઘરે જતો રહું, પણ પછી વિચાર આવ્યો કે આમેય ઘરે જઈને ન્યૂઝ ચેનલ પર શ્રીના અકાળ અવસાનના સમાચારો જોઈને દુઃખી જ થવાનું છે, એના કરતાં જઈ જ આવું.

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો વણલખ્યો નિયમ યાદ આવ્યોઃ ધ શૉ મસ્ટ ગો ઓન. ફિલ્મજગત આ એક સૂત્રને તાંતણે જ ચાલતું આવ્યું છે. જેમની નૃત્યકલા થકી શ્રી અને માધુરી બોલિવુડ સામ્રાજ્ઞી બની એવાં મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું પોતાનું સંતાન અચાનક ગુજરી ગયેલું અને તેઓ એ જ દિવસે શૂટિંગ પર ગયા હતાં, કારણ કે ન જાય તો પ્રોડ્યુસરને લાખો રૂપિયાનું નુકશાન જાય એમ હતું. આને કહેવાય પ્રોફેશનાલિઝમ..! ‘ધ શૉ મસ્ટ ગો ઓન’ સૂત્રને ખાતર અંગત લાગણીઓ કોરાણે મૂકાઈ હોય એવા બોલિવુડ ઉપરાંત હોલિવુડમાંય અનેક ઉદાહરણો છે. રૂડાં-રૂપાળા લાગતા નટ-નટીઓએ બિમારીની હાલતમાંય મેકઅપના મહોરાં પહેરીને શૂટિંગ કર્યા હોય એવા તો અઢળક ઉદાહરણો છે. એમ જ કંઈ ફિલ્મસ્ટાર નથી બની જવાતું.

તો ‘ધ શૉ મસ્ટ ગો ઓન’ને ધ્યાનમાં રાખીને જ હું મુંબઈ ગયો. એક કામ હતું ઘણા વખતેથી ટલ્લે ચડતું ‘પદ્માવત’ જોવાનું ને બીજું એટલું અંગત છે કે અહીં લખી ના શકાય. બંને કામ પતાવ્યા તો ખરાં, પણ એ દરમિયાન પણ નેપથ્યમાં શ્રીની છબિઓ સતત ઝળકતી રહી. એટલે સુધી કે ફિલ્મી પડદે દિપિકાને બદલે શ્રી જ દેખાતી હતી. પદ્માવતની વચ્ચે વચ્ચે શ્રીની ફિલ્મોના સીન દેખાતા હતાં.

રાતે પાછા ફરતી વખતે મોબાઇલ ખોલ્યો. શ્રીને લગતા મેસેજ જાણીજોઈને નહોતા વાંચ્યા ત્યાં સુધી કેમકે વાંચ્યા હોત તો જેમતેમ કાબૂ કરેલો બંધ તૂટીને… ફેસબૂક, વૉટ્સએપ, ગૂગલ… બધે શ્રી જ છવાયેલી હતી. શ્રદ્ધાંજલિ સંદેશા… એ જે લગ્નમાં ભાગ લેવા દુબઈ ગઈ હતી ત્યાંના ફોટા ને વીડિયો… એની ફિલ્મોના ક્લિપિંગ્સ… સઘળું જોઈને આંખ ભરાઈ આવી. રીતસર રડી પડાયું. ભરચક ટ્રેનમાં આટલાબધાં લોકોની વચ્ચે કોઈપણ છોછ વિના હું બેઝિઝક રડ્યો. લોકો જોઈ રહ્યા મને. કોઈએ પૂછવાનું સાહસ ના કર્યું. કદાચ ધારી લીધું હશે કે કોઈ સ્વજન… હા, એ સ્વજન જ હતી. સ્વજનથીય અદકેરી, વહાલી, ખાસ…

હિન્દી ફિલ્મોની હીરોઇન કેવી હોય એનો એકમાત્ર ઉત્તર હતો- શ્રીદેવી જેવી. એ સંપૂર્ણ હતી. એટલી સંપૂર્ણ કે એના ચુલબુલા અંદાજની નકલ કરી કરીને કંઈ કેટલીય ઉર્મિલાઓ, શિલ્પાઓ, કરિશ્માઓ સ્ટાર બની ગઈ. રામગોપાલ વર્માએ ઉર્મિલાને સ્ટારડમ અપાવ્યું, પણ એમ કરવામાં કારણભૂત હતી રામુની શ્રી-ભક્તિ. રામુ અનેકવાર આ હકીકત કબૂલ કરી ચૂક્યા છે. એમની આત્મકથામાંય આ લખ્યું છે, ને શ્રીને તો એક આખું પ્રકરણ ફાળવ્યું છે. ધ્યાનથી જોશો તો કરિના, પ્રિયંકાના અભિનયમાંય શ્રીની લેગસી જ દેખાશે. પ્રિયંકાએ ‘અગ્નિપથ’ ને અસીન થોટ્ટુમકલે ‘ગજની’માં શું કર્યું હતું..? શ્રીદેવીની નકલ જ. ને એ નકલ પણ અક્કલપૂર્વક કરેલી એટલે બંને એ રોલ્સમાં ભરપૂર ખીલેલી. ઇન્ડસ્ટ્રીમાં આવતાંવેંત શ્રીની ડુપ્લિકેટ ગણાયેલી દિવ્યા ભારતી તો શ્રી જેવી દેખાતી હોવાનો ગર્વ લેતી. કુદરતની બલિહારી જ જુઓ કે રૂડીરૂપાળી, ઢીંગલી જેવી દિવ્યા, રૂપ અને અભિનયના કાતિલ કોમ્બિનેશન થકી રાતોરાત સ્ટાર બની જનાર દિવ્યા પણ ૧૯૯૩માં અકાળ અકસ્માતે મોતને ભેટી હતી અને આખું ભારત શોકમગ્ન થઈ ગયું હતું. (હું દૃઢપણે માનું છું કે દિવ્યા જીવી હોત તો માધુરી જે સ્થાને પહોંચી એ સ્થાને એ ન પહોંચી શકી હોત. માત્ર બે-અઢી વર્ષની કરિઅરમાં હરદિલ અઝીઝ બની બેઠેલી દિવ્યા જ શ્રી પછી નંબરવન બની હોત. એની પાસે ફિલ્મોય એવી માતબર હતી. દિવ્યાની ડિયર સહેલી રવિના ટંડનને સ્ટાર બનાવનાર સુપરહિટ ‘મોહરા’માં પણ દિવ્યા હતી, અને શ્રીએ જેમાં ધાંયધાંય ફૂલ-ઓન-એટિટ્યુડ અભિનય કર્યો હતો એ ‘લાડલા’માં પણ મૂળ તો દિવ્યા જ હતી.) સંયોગ કહો કે કુદરતની રહસ્યલીલા પણ દિવ્યાનો બર્થ-ડે ૨૫ ફેબ્રુઆરી હતો અને શ્રી પણ એ જ તારીખની આસપાસ હવામાં વીલિન થઈ ગઈ…

કેટકેટલી અપેક્ષા હતી શ્રી પાસેથી. હજુ તો એ સિનેપ્રેમીઓને ધરખમ અભિનય-ભેંટ આપી શકે એમ હતી. એના કમબેક બાદ આવેલી ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ અને ‘મોમ’ બંનેમાં એની એક્ટિંગના નવીન પરિમાણ જોવા મળ્યા હતા. ગયા વર્ષે ‘મોમ’ના રિવ્યૂ સાથે જ લાંબુ ‘શ્રીદેવી પુરાણ’ લખેલું, એય સોશિયલ મીડિયા પર બહુ પસંદ કરાયેલું. એના વિશે હજુ વધુ લખવું હતું. એની આત્મકથા… એ શક્ય ન બને તો એના જીવનના સંસ્મરણો કે પછી કંઈ નહીં તો એના ફિલ્મી સફર વિશે એક પુસ્તક કરવાની ઈચ્છા હતી. એને એક વાર મળવાની ઈચ્છા હતી. વર્ષોથી કેબીસીમાં જવાની કોશિશો કરી રહ્યો છું. એમાં નંબર લાગે તો કેટલા રૂપિયા જીતાય એ તો પછીની વાત, પણ બચ્ચનબાબુ થકી શ્રીને ‘આઇ લવ યૂ’નો પૈગામ મોકલવાની તમન્ના હતી. અફસોસ, બધું અધૂરું રહી ગયું…

પણ ના… શ્રી છે હજુ. આસપાસ જ ક્યાંક. એની બિંદિયા, એની સિફોનની સાડીઓ, કોન્ટેક્ટ લેન્સ પહેરેલી એની ભૂરી ભૂરી આંખો, એના ડાન્સ મૂવ્ઝ, એની નટખટ-નખરાળી અદાઓ… સઘળું આસપાસ ભમતું અનુભવાય છે. એની અનેક અનેક ફિલ્મો થકી, એના ધરખમ અભિનય થકી એ સદૈવ જીવિત રહેશે. એ કરોડો ફેન્સના દિલોમાં. કેમકે લેજેન્ડ્સ મરતા નથી. લેજેન્ડ્સ અમર થઈ જાય છે. લેજેન્ડ્સ અમર થઈ જાય છે…

***