જુલે વર્ન- ફાધર ઓફ સાયન્સ ફીક્સન Nimish Bharat Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

જુલે વર્ન- ફાધર ઓફ સાયન્સ ફીક્સન

મિત્રો, આજે મારે મારા ફેવરીટ લેખક અને સાહસિક કથાઓના “બાદશાહ” એવા જુલે વર્નની એક નાનકડી મુલાકાત તમારી સાથે કરાવવી છે. હા, નાનકડી મુલાકાત એટલા માટે કે નવલકથા લેખક, કવિ અને નાટ્ય લેખક તેવા જુલે વર્નને શબ્દોમાં ૧૦૦% મૂલવવો મારા ગજા બહારની વાત છે.

મોટેભાગે જુલે વર્નને વાચકો સાહસિક કથા લેખક તરીકે જ ઓળખે છે, અને કેમ ના ઓળખે? જો તમે તેની એક પણ સાહસિક કથા વાંચો તો તરત જ ઉઠીને તે જ દિવસે તેનો આખો સેટ ઘરે લઇ આવો એવું રીતસરનું વ્યસન તમને લગાડી આપે. અને હા, ગુજરાતીમાં વાંચતા વાચકો માટે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ, શ્રી હરીશ નાયક, શ્રી દોલતભાઈ બી. નાયક, શ્રી જીગર શાહ, શ્રીમતી સાધના નાયક દેસાઈ જેવા લેખકો એ જુલે વર્નની કથાઓને ખુબ સુંદર રીતે અને મૂળ કથાતત્વ નાશ ના પામે તે રીતે રસાળ શૈલીમાં અનુવાદ કરેલ છે. અને હા પ્રકાશક આર. આર. શેઠને પણ ઘણા ધન્યવાદ આપવા ઘટે. મિત્રો, વિચારો ગુજરાતીમાં પણ તેની સિરીઝની લગભગ ઘણી બુક્સની પાંચ કે તેથી વધુ આવૃતિઓ બહાર પડી છે તો વાચકોમાં તેનું ઘેલું કેવું લાગ્યું હશે? અરે, ‘સાગરસમ્રાટ’ની તો ગુજરાતીમાં ૧૫ આવૃતિઓ બહાર પડી ગઈ છે. તેની બુક્સના નામ તો તમે ગુગલ પરથી આરામથી મેળવી શકશો પણ આજે વાત કરીએ ફક્ત જુલે વર્નની.

નાન્ટેસ, ફ્રાંસ, દરિયાઈ જીવો અને પોર્ટના શહેરમાં ૮ ફેબ્રુઆરી ૧૮૨૮માં જન્મેલા આ લેખકનું વાચકો એ આપેલું નીક નેમ જાણો છો? “ફાધર ઓફ સાઈન્સ ફિક્શન”. હા, તે સાચા અર્થમાં એક પિતામહ હતા વિજ્ઞાનના. હા, ફિક્શનના ના કહીએ તો ચાલે. કેમકે છેક ૧૮૬૩ થી ૧૯૦૫ સુધીના સમયગાળા દરમિયાન તેમણે કરલી કલ્પનાઓ જેવી કે સબમરીન, સ્પેસ શટલ જેવા તો કેટલાય મશીનો આજે હકીકત બની આપણી સામે પ્રસ્તુત છે. તો એ સમયે જે ફિક્શન હતું તે આજે હકીકત છે.

વર્નના પિતા એક એડવોકેટ હતા અને ૧૯મી સદીનું ફ્રાંસ અત્યારના એટલે કે ૨૧સદીના ઇન્ડિયા જેવું હશે તેવું માનીએ કેમકે તેમના પિતાની ઈચ્છા વર્નને પણ એડવોકેટ બનાવવાની હતી. પિતાની મરજી મુજબ ૧૮૪૭માં તેઓ કાયદાનું જ્ઞાન લેવા પેરીસ શિફ્ટ તો થયા. પણ વર્નભાઈને તો યુવાનીમાં જ લીટરેચર અને થીયેટરનો ચસ્કો લાગી ગયો હતો. ૧૮૫૬માં એમીન્સની મુલાકાત દરમિયાન તેમની મુલાકાત એક આર્મી ઓફિસરની વિધવા દીકરી મેડમ મોરેલ સાથે થઇ જે તેમને પસંદ આવી જતાં તેઓ ત્યાંજ વસી ગયા. અને એટલું જ નહિ વસવું તો પૂરું વસવું એ વિચારી તેમણે પત્નીના ભાઈનો શેર માર્કેટનો બીઝનેસ જોઈન કરી લીધો (એ કોણ બોલ્યું... આંગળી દેતાં પોચો પકડ્યો?). તેણે થોડો સમય સ્ટોક માર્કેટ બ્રોકર તરીકેની જોબ કરી છતાં પોતાના બીઝી સમયે તે સપનું જોવા લાગ્યા કશુંક એવું લખવાનું કે જે વિજ્ઞાનના નિયમો સાથે એડવેન્ચર ફિક્શન પણ હોય. તેમના દિમાગમાં એક વાર્તા ચાલતી જ હતી અને તેજ સમયે તેની મુલાકાત એક પ્રકાશક તેવા મી. હેઝેલ સાથે થઇ જેમણે ૧૮૬૩માં પહેલી નોવેલ “FIVE WEEKS IN A BALOON” પ્રકાશિત કરી જે થોડા જ સમયમાં બેસ્ટ સેલર બની. અને બસ, તેમને તો આટલું જ જોઈતું હતું. થોડા જ સમયમાં નોકરી છોડી તેઓ ફુલ ટાઇમ રાઈટર બન્યા. અને સતત ૪૦ વર્ષ સુધી તેમની આ લેખનયાત્રા અવિરત રહી. પછીથી તો વર્ન અને હેઝેલ સારા મિત્રો થયા.

અહી એક રસપ્રદ વાત આવે છે, વર્ને ૧૮૬૫માં લખેલી નોવેલ ‘THE EARTH TO THE MOON’ અને તેની સિકવલ ‘ROUND THE MOON (૧૮૭૦)’ માં એવી એક પરિકલ્પના કરી હતી કે એક મહાકાય કેપ્સ્યુલમાં ત્રણ યુવાનો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ભેદીને યાનને ચંદ્ર પર લઇ જાય છે (ધ્યાન રહે મિત્રો કે નીલ આર્મસ્ટ્રોંગ સાથેનું એપોલો-૧૧ યાન ૨૦ જુન ૧૯૬૯માં ચંદ્ર પણ પહોચ્યું હતું, પૂરી એક સદી બાદ). અરે, વર્ને એ સમયે એસ્ટ્રોનોટસને અનુભવાતું વજનરહિતપણું તો આલેખ્યું જ હતું પણ સાથે જ તેમણે પોતાના મહાકાય જહાજનું લોન્ચિંગ લોકેશન ફ્લોરીડા રાખ્યું હતું, કે જ્યાંથી આજે પણ NASAના લગભગ બધાજ યાનો અંતરીક્ષ તરફ પ્રયાણ કરે છે. અરે, તેઓની પૃથ્વી પરની રીટર્ન ટીકીટ પણ સેમ ટુ સેમ એપોલો યાનની જેમ જ હતી, પેરાશુટથી દરિયામાં જમ્પલાવવું.

૧૮૬૨ થી ૧૮૮૬નો સમયગાળો તેમના માટે તેમજ તેમના ચાહકો માટેનો શ્રેષ્ઠ સમય કહી શકાય કેમકે આજ સમયગાળામાં તેમણે ખુબ સુંદર સર્જન કર્યું. સાથે તેમણે U.S.A. માં ન્યુયોર્ક અને નાયગ્રાની ટૂંકી મુલાકાત લીધી. તેનો મુખ્ય શોખ લખવું અને ફરવું, અને એટલે જ તેમણે આ દરમિયાન પોતાની માટે મોંઘી ‘યોટ્સ’ ખરીદી અને તેમાં જ યુરોપિયન દેશોની સહેલગાહ કરી. પ્રેક્ટીકલ જોકમાં નિષ્ણાંત એવા વર્ન સ્વભાવે ખુબ શરમાળ હતા તેથી જ તેમનો તેમને વધુ સમય યોટ્સમાં ફાળવવો ગમતો અને તે પોતાનું સર્જન પણ અહી યોટ્સમાં કરતા. તેમની ‘20000 LEAGUES UNDER THE SEA’ તો મોટાભાગે યોટ માં જ લખાઈ હતી. આજ સમયગાળા દરમિયાન તેમણે પોતાની ફેમસ નોવેલ્સનું નાટ્યરૂપાંતર પણ કર્યું અને વૈશ્વિક ખ્યાતી પ્રાપ્ત કરી.

૧૮૮૬ થી તેમનું મરણ થયું ત્યારસુધીનો સમયગાળો એટલે કે ૧૯૦૫ સુધીનો સમય તેમની માટે થોડો કપરો રહ્યો. અરે, વિજ્ઞાનની વિચારધારા ધરાવતો વર્ન હવે ખુદ ટેકનોલોજીના ગેરફાયદાઓ વિષે વાત કરતો થયો હતો. જે તેમની ટોપ્સી-ટર્વી, ફ્લોટિંગ આઈલેન્ડ, ફોર ધ ફ્લેગ, માસ્ટર ઓફ વર્લ્ડ જેવી વાર્તાઓથી ખ્યાલ આવે છે(જો કે ગ્લોબલ વોર્મિંગ જોતા વિજ્ઞાનની પરિકલ્પનાઓની જેમ અહી પણ એ સાચો પડ્યો તેવું કહેવું અતિશયોક્તિ નથી). આજ સમયગાળામાં તેમના અંગત જીવનમાં પણ તોફાન શરુ થઇ ચુક્યું હતું. તેમનો બળવાખોર પુત્ર સાથેનો સંઘર્ષ, આર્થિક સંકળામણને કારણે વેંચવી પડેલી યોટ્સ, તેમની માતા અને પ્રકાશક તેમજ મેન્ટોર હેઝેલનું ઉપરાઉપરી અવસાન આ બધાયે તેને અંદરથી હચમચાવી મુક્યો હતો. આટલું ઓછું હોય તેમ તેમના માનસિક રીતે બીમાર ભત્રીજા એ તેમની પર ગોળી ચલાવી હુમલો કર્યો જે ગોળી સદનસીબે તેમના પગમાં લાગતાં જીવ તો બચી ગયો પરંતુ તેમને હવે પછીના બધાય વર્ષો માટે અપંગ બનાવતી ગઈ, માત્ર શારીરિક અપંગ જ નહિ, માનસિક પણ.. હા, આ બનાવ પછી તેઓ ડીપ્રેસનમાં ચાલ્યા ગયા હતા. શુક્રવાર ૨૪ માર્ચ ૧૯૦૫ એટલે એ દિવસ કે જયારે વિજ્ઞાનના પિતામહનું અવસાન થયું. જયારે તેમનું અવસાન થયું ત્યારે એક આખો કબાટ ભરીને અધુરી નોવેલ્સ તેઓ એમની પાછળ મૂકી ગયા હતા.

તેમના મૃત્યુ બાદ તેમના પુત્રએ તેમની ઘણી અધુરી નોવેલ્સ પૂરી કરી જેનું પબ્લીકેશન છેક ૧૯૧૯ સુધી એટલેકે વર્નના મૃત્યુના ૧૪ વર્ષ પછી સુધી પણ થતું રહ્યું. પરંતુ સ્વાભાવિક રીતે તેમાં તેમનો પોતાનો ટચ ના હોતાં વાંચકોને એટલી પસંદ પડી નહિ. જોકે, અમુક વિવેચકો એ આ બુક્સને એટલે વખોડી કાઢી કારણકે તેમના મુજબ વર્નની ઓરીજીનલ સ્ક્રીપ્ટ સાથે બહુ બધા ચેડાં કરી અને પબ્લીશ કરવામાં આવી હતી, અને પાછા અમુક વિવેચકોએ તેને વર્નના પુત્રની આગવી સ્ટાઈલ ગણાવી વખાણી પણ ખરી.

મિત્રો, હવે બોલો પેરિસના એફિલ ટાવર પર જેમના નામની એક રેસ્ટોરન્ટ વર્ષોથી ચાલે છે, જેઓ છેક ૧૯૭૯થી ‘અગાથા ક્રિસ્ટી’ પછીના દુનિયાના સહુથી વધુ અનુવાદિત લેખક(યસ, વિલિયમ સેક્સ્પીઅર આમના પછી ત્રીજા ક્રમાંકે આવે છે) છે, નાન્તેસમાં જેમના નામનું મ્યુઝીયમ છે, ૧૯૬૧માં ચન્દ્ર પર શોધાયેલા એક ખાડાને જેમનું નામ આપવામાં આવ્યું છે અને જેમની વાર્તાઓનું રેકોર્ડ બ્રેક ૩૦૦ મુવીઝ, ટીવી શોઝ કે નાટકો ભજવાઈ ચુક્યા છે અને હજુ પણ બની રહ્યા છે તેવા લેખકને વાંચવા ઉતાવળા થયા કે નહિ? જો, હા તો વહેલી તકે જ વસાવી લો તેમની બુક્સ, આગળ કહ્યું તેમ વાંચવા જેવી લગભગ બધી જ બુક્સનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયેલું જ છે અને હા જો ઈંગ્લીશમાં વાંચવી હોય તો આપણી માતૃભારતી પર જ વર્નની ઘણી બુક્સ મળી રહેશે. તો ગુરુ હો જાઓ શુરુ....