કિનારે આવેલી સાંજ Nimish Bharat Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • નિયતી - 1

  આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એક...

 • પ્રેમ સમાધિ - પ્રકરણ-87

  પ્રેમ સમાધિ પ્રકરણ-87 કાવ્યા કલરવનાં પ્રેમભીનાં સ્પર્શથી આકર...

 • બચપન કા પ્યાર...

  ગીરજાને સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. એની મમ્મીએ એને બહુ મસ્ત...

 • કાળું ગુલાબ

  કાળું ગુલાબ​​મંગલપુર માં રાજા ઉદયસેનનું રાજ હતું. રાજા ઉદયસે...

 • બે ઘૂંટ પ્રેમના - 17

  " મારું મન તો ફુલ ગુજરાતી થાળી ઓર્ડર કરવાનું થાય છે...આ સમોસ...

શ્રેણી
શેયર કરો

કિનારે આવેલી સાંજ

Nimish Vora

voranimish1982@gmail.com

કિનારે આવેલી સાંજ.

'મુંબઈ, કેટલું મોટું શહેર.. અહિં ક્યારેય કોઈ સ્વજન કે મિત્રો બસ અમસ્તા રસ્તે ચાલતાં મળી જતાં હશે ? જેમ અમારાં જૂનાગઢમાં હાલતા ચાલતાં મળી આવે ? આ દરિયો કેટલો સુંદર છે પણ કોઈને તેની સુંદરતા જોવાની નવરાશ છે ખરી ? આખો દિવસ દોડીને થાકી જનાર વ્યક્તિ અહિં પણ બસ દોડવા જ આવે છે, આ સુંદર સૂર્યાસ્ત જોવા કેમ કોઈ રોકાતું નથી, કાશ મારી સાથે આ ક્ષણ જીવવા કોઇ મિત્ર હાજર હોત...' આવા કેટલાય સંવાદો રાશી પોતાની સાથે મનમાં કરી રહી હતી. તેને આદત પડી ગઇ હતી સ્વ સાથે સંવાદ કરવાની...

"રાશી ?" ચોપાટી કિનારે બેસી એકીટશે દરિયાને તાકી રહેલી રાશીને મયંકે હિંમત કરી આખરે પૂછી જ લીધું. તે રાશી જ છે કે નહીં તે વિશે તેને સંશય હતો.

ધીમેથી ડોક ફરી અને બેતાલામાંથી એજ આંખો મયંક પર પડી જેનો તે વર્ષોથી ચાહક હતો. હા ચહેરા પર ઉમર વર્તાવા લાગી હતી, વાળ પર શરુ થયેલી સફેદી પણ હવે ઉંમરની ચાડી ખાતી હતી, પણ હતી તો એજ, એજ માંજરી આંખો... હવે તેને જવાબની જરુર ન હતી, તેને હવે ચિંતા હતી તો એક જ કે રાશી તેને ઓળખી શકે છે કે નહીં..

આંખો ઝીણી કરી તરત સામેથી અવાજ રણક્યો "મયંક ?"

"ઓહ થેન્ક ગોડ તે ઓળખી લીધો, મને લાગ્યું આટલા વર્ષો બાદ મળ્યા તો તું સાવ ભૂલી જ ગઇ હોઈશ, લુક એટ યુ.. કેટલી બદલાઇ ગઇ છે યાર.." મયંક ઉત્સાહમાં આવી ગયો

"અરે તું ક્યાં ખાસ બદલાયો છે કે તને ઓળખવો મુશ્કેલ પડે ? ચાલીસીમાં પણ તું હજુ એટલો જ ફીટ લાગે છે, હા માથા પરના વાળ ઓછા થયા છે બટ ધેટ ઓલ્સો સ્યૂટસ યુ.. સરપ્રાઈઝ તો હું છું કે તું મને ઓળખી ગયો."

કંઇક બોલવું હતું મયંકને પણ હંમેશની જેમ રાશી સામે કંઇક બીજું જ બોલાયું, "તું તો સાવ બદલાઇ ગઇ છે, અને અમારા મુંબઇમાં કેમ ? એન્ડ વ્હેર ઇઝ આરવ ?"

અચાનક રાશીની મુખમુદ્રા પલટાઈ ગઇ,"પ્લીઝ મયંક, નામ ના લેતો આરવનું, હું ઓફીસ કામે અહિં આવી છું."

મયંક ગંભીરતા પામી ગયો, કશું પણ બોલ્યા વિના મયંક ઉર્વશીની પાસે બેસી ગયો જોકે થોડું અંતર રાખ્યું તેણે, તે જાણતો હતો કે જો એ જૂની ઉર્વશી હજુ ક્યાંક જીવંત હશે તો કશુ પૂછયા વિના પણ હમણાં પોતાનું દિલ ખોલશે, અને તેનું તારણ સાચું પડયું.

બાજુમાં ફરી એજ અવાજ રણક્યો "આરવ... જેટલો મોહક તેનો ચહેરો એટલું જ મલિન તેનું મન, તે ફક્ત મારી સુંદરતાનો ચાહક હતો, આમ તો તેને ચાહક પણ ના કહેવાય તેને ફક્ત હવસખોર કહી શકાય, મને મારા પર ખૂબ ગુસ્સો આવે છે કે મારી ઝીંદગીના એક મહત્વના નિર્ણયમાં મેં મોટી થાપ ખાધી.. ફક્ત અને ફક્ત દેખાવ અને સ્ટેટ્સને આધારે મેં તેની પ્રપોઝલ સ્વીકારી.. તે મેરેજ બાદ ફક્ત મારા શરીર સાથે રમતો ક્યારેય મારા મનની લાગણીઓને સમજ્યો જ નહીં. ભૂખ્યા વરૂની જેમ રોજ શરીર ચુંથે, અરે ગર્ભાવસ્થા દરમ્યાન પણ ડોક્ટરની મનાઈ છતાં તેણે બળજબરી કરી... અને તેમાંજ અમારું બાળક જન્મ પહેલાં જ... ત્યારબાદ મને થાઇરોઇડ થયો અને તેથી જ અત્યારે તને દેખાઈ રહી છું તેવું સ્થૂળ શરીર થયું.. તેનાં ઘર બહાર રહેવાના કલાકો વધતા ગયા, હું પણ તેનું મોઢું ક્યાં જોવા માંગતી હતી ? ઘર બહાર શું ચાલી રહ્યું છે તે બધુ મારી જાણમાં હતું પણ હું પુરુષના સાથ વિનાની દુનિયાથી ડરતી હતી, પણ એક દિવસ હદ થઈ જ્યારે તે પોતાની સેક્રેટરીને ઘરે લાવ્યો, એ રાત્રે તેણે મને અમારા બેડરૂમમાંથી બહાર જવાનું કહ્યુ અને હું તેને એક તમાચો ચોડી તેનાં જીવનમાંથી જ નીકળી ગઇ.. જોકે સારું જ થયું... મારા બાળકના હત્યારા સાથે એક જ છત નીચે રહેવાથી દરરોજ મારો શ્વાસ ઘૂંટાતો રહેતો .." વર્ષો સંગ્રહી રાખેલા આંસુ આજે બેફામ વહી રહ્યા.

અચાનક આવેલી હિંમતથી મયંકે નજીક સરકી રાશીને ખભે હાથ મુક્યો પણ રાશી તો તેને ખભે ઢળી જ પડી. કેટલા વર્ષે રાશીને કોઈ સાંભળી શકે તેવો મિત્ર મળ્યો હતો. આ સ્થિતિમાં કશું બોલવું કે ચુપ રહેવું તેવી અજીબ અવઢવ મયંક અનુભવવા લાગ્યો પણ રાશીના આંસુ સહન ના થતાં તે બોલ્યો " સામે દરિયાને મળવા તત્પર આથમતા સૂરજને જુએ છે રાશી ? એ હું છું.. હું આજેય તને એટલી જ ચાહું છું."

"પણ તેં કદી કહ્યું કેમ નહીં કે તું મને.." એક જ ઝાટકે ખભેથી અલગ થઈ રાશીએ કહ્યું પણ આગળ કશું બોલે એ પહેલા જ મયંક્નો હાથ તેના હોઠ પર આવી ગયો.

"આજે મને જ બોલવા દે પ્લીઝ.. વર્ષો બાદ શરમાળપણું છોડવું છે, મારે પણ બોલ્ડ બનવું છે.. યાદ છે આપણું કોલેજનું ગ્રુપ કેટલું મસ્ત હતું અને મને તો કૉલેજના પહેલા દિવસથી જ તું ગમી ગયેલી પણ હું હમેશ ગભરાતો કે તું ના પાડીશ તો ? અને તેથી જ તારી મિત્રતા પણ ખોઈ બેસવાના ડરથી ક્યારેય મારા હ્રદયની વાત બહાર ના કાઢી શક્યો.. પણ કોલેજના છેલ્લા દિવસે મારી પાસે કોઈ જ ઓપ્શન ના હતો, હું કેમ્પસમાં સિલેક્ટ થઈ ગયો હોવાથી મારામાં એક અજીબ કોન્ફિડન્સ પણ આવી ગયેલો અને એટલે જ તને પ્રપોઝ કરવા હું તે દિવસે ગુલાબ સાથે આવેલો અને તેથી જ થોડુ લેટ થયું, ગ્રુપની કાયમી જગ્યાએ આવ્યો ત્યાં આરવને ઘુંટણ પર જોયો અને તને ચકચકિત રિંગ સ્વીકારતા જોઇ. બસ એ રિંગ સામે મારૂં ગુલાબ જાણે થીજી ગયુ..

હું છેલ્લે દિવસે કોઈને પણ કહ્યા વિના ઘરે ચાલ્યો ગયો અને ટ્રેનિંગ બાદ આપવામાં આવેલા ઓપ્શનસમાં ગુજરાતની જગ્યાએ મુંબઈની ઓફીસ સિલેક્ટ કરી કાયમ માટે મુંબઇ શિફ્ટ થઈ ગયો.. પરિવાર બનાવવાની ક્યારેય ઇચ્છા ના થઈ. યાદ છે આપણે એકવાર ચોરવાડ દરિયાકિનારે ગયા હતાં જયાં તે કહ્યું હતું કે તને દરિયાકિનારા પરની સાંજ ખુબ પસંદ છે ? ભીની રેતી પર પગરખાં વિના ચાલવાનું, એકીટશે ડૂબતા સૂરજને તાકતા રહેવું પસંદ છે ? તે જ્યારથી એ કહેલું ત્યારથી મને પણ દરિયાકિનારાની સાંજ પસંદ આવી ગયેલી અને એટલે જ રોજ સાંજે હું અહિ આવું છું, અને ચોરવાડનાં દરિયાકિનારે વિતાવેલી એ સાંજ અને એ બહાને તને સ્મરણમાં લાવું છું.. બોલ, હવે ઝીંદગીની બચેલી સાંજ મારી સાથે આ દરિયાકિનારે વિતાવીશ રાશી ?" એકધારું બોલ્યા બાદ ઉચાટ હ્રદયે પોતાની હથેળી રાશી તરફ ફેલાવી બેસી રહ્યો.

એક પળનો પણ વિલંબ કર્યા વિના રાશીએ પોતાનો હાથ મયંક્ને સોંપી દીધો અને ફરી તેના પહોળા ખભા પર માથું ઢાળી તે હસ્તમિલાપ તરફ જોતાં આંખોના આંસુને રોક્યા વિના બોલી રહી," મયંક, આરવના મારા જીવનમાં આવ્યા બાદ મને ખુદ મારા શોખ કે ગમા-અણગમા ભુલાઈ ગયા હતાં જ્યારે તે મારી સાથેની માત્ર એક સાંજની યાદમાં પોતાના અમુલ્ય વર્ષો વિતાવી દીધા, મને ખ્યાલ નથી કે હું તારા અતૂટ પ્રેમને લાયક છું કે નહીં પણ હવે તને કોઈપણ રીતે દુઃખી કરવા માંગતી નથી.."

બંનેની નજર સામે ક્ષિતિજ પર સ્થિર થઇ કે જયાં સૂરજ દરિયાને પામી ચુક્યો હતો.

નિમિષ વોરા.