નિમિષ વોરા
દત્તક
Voranimish1982@gmail.com
દત્તક
નિમિષ ભરત વોરા
અનવર આજે સકારણ ખુશ હતો. તેની પાસે ખુશ થવાના ઘણા કારણો પણ હતા. આજે તે પુરા ૩ વર્ષ પછી અમ્મા સાથે ઇન્ડિયા આવ્યો હતો. ફ્લાઈટ અમદાવાદ ઉતરી કે તરત તેની કેબ તૈયાર હતી દાહોદ પોતાના વતન તરફ જવા બદલ. આમતો અમદાવાદ માં પણ તેને ઘણા મિત્રો ને મળવું હતું પરંતુ અત્યારે તેને દાહોદ ની “આનંદ વિહાર” સોસાયટી જ રમતી હતી. તેનું ચાલે તો પ્લેન ને ત્યાજ સીધું લઇ જાત. તેનામાં આજે ખુબ ઉત્સાહ દેખાતો હતો, અમ્મા પણ ખુબ ખુશ હતા અને એ બંને ને જોઇને આયેશા પણ ખુશ હતી. અનવર અને અમ્મા સીધા અમદાવાદ ઉતરવાના હોવાથી આયેશા પણ બંગલોર થી અમદાવાદ આવી ગઈ હતી. તેને પણ તાલાવેલી હતી.
અમદાવાદ-દાહોદ ના જાણીતા રસ્તા ને જોઈ અનવર ખુબ ખુશ હતો અને તેની આંખ સામેથી પુરા ૧૬ વર્ષ વહી રહ્યા હતા.
દાહોદ ની એક સાંકડી ગલી નો છોકરો આજે પ્રતિષ્ઠિત આઈ.ટી કંપની માં નિષ્ણાત તરીકે જોબ કરતો હતો. અને કેવી હતી તે અનોખી સફર. એક તબક્કે તો ભણવાનું મુકીજ દીધેલું ને....
અનવર-અબ્બા-અમ્મા ૩ જાણા નું નાનું કુટુંબ. અમ્મા અબ્બા બંને ૪ ચોપડી પાસ અને માર્કેટ માં બકાલું વેંચવાનું તેમનું કામ. પણ તેઓ અભ્યાસ નું મહત્વ બરાબર સમજે, તેથીજ નજીક ની સરકારી શાળા માં અનવર ધોરણ ૬ માં ભણતો હતો. તે પણ ખુબ તેજસ્વી હતો અને હમેશા પહેલો અથવા બીજો નંબર લઈને અમ્મા અબ્બા ને ખુશ કરતો. અબ્બા નું સપનું હતું કે તેને ભણાવી ને મોટો સાહેબ બનાવવો. એટલેજ બને ત્યાં સુધી તે અનવર ને પોતાની બકાલા વેંચવાની સાંકડી જગ્યા થી દુર જ રાખતા. કોઈ ખાસ બચત ના થતી,ઘરમાં કોઈ ઈલેકટ્રોનિક ગેજેટ્સ કે સારું ફર્નીચર ન હતું છતાં સાંજે જયારે ૩ જણા જમ્યા બાદ ખાટલે અલક મલક ની વાતો કરવા બેસે ત્યારે તેઓ દુનિયાની કોઈ જાહોજલાલી ના મોહતાજ નહોતા, પણ એક દિવસ આ નાના કુટુંબ નો પાયો જ ધરાશાયી થયો જયારે અનવર ના અબ્બા નું ટૂંકી માંદગી બાદ અવસાન થયું.
આ કપરી પરિસ્થિતિમાં બધા સગા વ્હાલા શોક વ્યક્ત કરી ને જતા રહ્યા પણ પરિસ્થિતિ ક્રૂરતા થી સામે ઉભી હતી. અમ્મા એકલી કામ કરે અને અનવર ના ભણવાનો ખર્ચો ઉઠાવે એ હવે શક્ય નથી એ અનવર સમજી ગયો હતો અને એટલેજ અમ્મા કહે તેના પહેલાજ તેને એક દિવસ અમ્મા ને કહ્યું કે, “ હવે આપણે બંને બકાલું વહેચીશું અમ્મા, મારે હવે ભણવા માં મન નહિ લાગે”. તે ઘર ની આર્થિક પરિસ્થિતિ થી વાકેફ હતો. અમ્મા કશું ના બોલી શકી ફક્ત તેના ગળે વીટડાઈ પડી.
કુદરત ના કરેલા ઘા નો એકજ માત્ર ઈલાજ હોય છે અને તે છે સમય. અનવર ના અબ્બા અને તેના સપના નું મૃત્યુ થયે ૬ મહિના વીતી ચુક્યા હતા, ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી જતી હતી, અનવર ની ઝડપી હિસાબ કરવાની અને તેના અમ્માની ફટાફટ તોલવાની આદત ને કારણે કસ્ટમર્સ નો ઘણો ટાઇમ બચતો જેથી તેમને ઘણા રેગ્યુલર ગ્રાહકો મળ્યા હતા.
તેમાંના એક સજ્જન ખુબ ઓછા બોલા એવા હિમાંશુ ભાઈ. તેને ખુબ ગમે જયારે અનવર હિસાબ કરે. એકવાર તેનાથી ના રહેવાયું અને પુછીજ લીધું, “કઈ સ્કુલ માં જાય છે,બેટા?” અનવર કશું બોલી શક્યો નહિ, અમ્મા એ આખી વાત જણાવી અને કહ્યું “સાહેબ આ માર્કેટ જ હવે તેનું નસીબ છે.”
એક પ્રાઇવેટ શાળા ના પ્રાથમિક શિક્ષક તરીકે હિમાંશુભાઈ કઈ તવંગર વ્યક્તિ ન હતા, તેમને પણ બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરવો પડતો છતાં એક પણ પળના વિલંબ વિના કહ્યું, “બહેન, હું પોતે એક નાનો શિક્ષક છું, મારી કમાણી એટલી નથી કે હું આજીવન તેને ભણાવી શકું, પરંતુ શક્ય હોય ત્યાં સુધી હું તેનો શિક્ષણનો બધો ખર્ચો ઉપાડી શકું અને જો બાબા ની ઈચ્છા હશે તો આગળનો પણ કોઈ રસ્તો નીકળી જશે, જો તમારી મંજુરી હોય તો હું તેના “શિક્ષણ” ને દત્તક લેવા માંગું છું.” હિમાંશુ ભાઈ ને સાઈબાબા પર પરમ શ્રદ્ધા હતી.
અમ્મા કશું બોલી ના શકી તેની સામે સાક્ષાત મસીહા ઉભા હતા. અમ્માની આંખ ના તે સમય ના હર્ષ ના આંસુ આજ સુધી અનવર વિસર્યો નથી. શરમાળ અનવર તરત ઉભો થઇ હિમાંશુભાઈ ને પગે પડવા ગયો પણ હિમાંશુભાઈ તેને ભેટી પડ્યા.
તે ટર્નીગ પોઈન્ટ પછી અનવર ની ગાડી સડસડાટ દોડી, હિમાંશુભાઈ એ ન કેવળ તેના શિક્ષણ નો ખર્ચો ઉઠાવ્યો પણ તેને દરરોજ સાંજે ૨ કલાક પર્સનલ કોચિંગ પણ આપ્યું. હવે અનવર “હિમપ્રભા” નામના ઘર નોજ દીકરો હતો. પ્રભા બહેન પણ અનવરને દીકરા જેટલોજ લાડ કરે. અનવરે હવે અભ્યાસ માં કોઈ કચાસ બાકી રાખી નહિ. શાળા, પુસ્તકો અને કોચિંગ કલાસીસ નો ખર્ચો તોતિંગ થવા લાગ્યો સારા શિક્ષણ માટે ભારતમાં મોટી કીમત ચૂકવવી પડે છે. પણ હિમાંશુભાઈ નમતું જોખ્યા વિના નાણા જોડવા સકારાત્મક પ્રયત્નો કરતા રહ્યા, અને આ બાજુ અમ્મા પણ વધુ મહેનત કરી અને અનવરના કોલેજ માટેના રૂપિયા જમા કરવા લાગી. હિમાંશુ ભાઈ પણ તેનો ઉચ્ચ અભ્યાસ ના બગડે માટે પ્રયત્નો કરતા થયા. અંતે ૧૨ સાયન્સ નું રીઝલ્ટ આવ્યું.... અનવર ને ૮૫% આવ્યા.
સારા કર્મો અને મહેનત નું ફળ ભલે મોડું મળે પણ મળે ચોક્કસ. મેરીટ માં આવવાથી અનવર ને અમદાવાદની પ્રખ્યાત સરકારી કોલેજ માંજ આઈ.ટી. બ્રાન્ચમાં એડ્મીસન મળી ગયું, અને તે કોલેજની હોસ્ટેલમાં રહેવાની જગ્યા મળી ગઈ, સવાર થી બપોર કોલેજ માં ગાળી અનવરે સાંજની પાર્ટ ટાઇમ જોબ પણ ગોતી લીધી, ક્યારેક અમ્મા ને ફોન કરવો એ ભૂલે પણ ગુરુજી અને મા ને અઠવાડિયે તે અચૂક ફોન કરી ને ખબર અંતર પૂછે.
૪ વર્ષ ક્યાં વીત્યા એ ખબરજ ના રહી, અનવરને કેમ્પસ ઈન્ટરવ્યુમાંજ બેંગ્લોર ની પ્રતિષ્ઠિત આઈ.ટી. કંપનીની ઓફર મળી ગઈ. તેણે તે ખુશ ખબર સૌથી પહેલા હિમાંશુભાઈ ને ફોન પર આપ્યા અને તેઓ તો ખુશીના માર્યા રીતસર ઉછળવા લાગ્યા અને મીઠાઈ લઇ જલ્દી દાહોદ પહોંચવા કહ્યું. બસ, આ તેની દાહોદ ની છેલ્લી મુલાકાત.
બેંગ્લોર ના શરૂઆત ના ૨ વર્ષ ખુબજ વ્યસ્ત ગયા, ઈચ્છા હોવા છતાં તે ક્યારેક જ ગુરુજી થી વાત કરી શકતો, પણ જયારે વાત થાય ત્યારે આખો દિવસ તેનો ખુશનુમા જાય, પોઝીટીવીટી થી છલોછલ વ્યક્તિ એટલે હિમાંશુભાઈ, એટલે જયારે તે ઉદાસ હોય, સલાહ જોઈતી હોય કે નજીક માં પ્રોજેક્ટ માં સફળતા ના દેખાતી હોય તે દિવસે તે અચૂક ગુરુજી થી વાત કરે અને ફરી લડવાની એનર્જી મેળવી લે. એકવાર ખુબ આગ્રહ કરીને અમ્મા સાથે ગુરુજી અને મા ને બેંગ્લોર બોલાવ્યા અને બધાયને બેંગ્લોર, રામેશ્વરમ,ઊટી જેવા સ્થળો નો પ્રવાસ કરાવ્યો. હવે અમ્મા તો બેંગ્લોર જ રહેવાની હતી પણ તેમણે હિમાંશુભાઈ ને ખુબ સમજાવવાની કોશિશ કરી કે તે હવે રીટાયર્ડ છે તો તે લોકો પણ બેંગ્લોર જ રોકાઈ જાય, પણ તે હિમાંશુ ભાઈ ને માન્ય ન હતું,તે કહે, “અમારે અમારું ગુજરાત ભલું”
આ ૨ વર્ષ દરમિયાન તેની મુલાકાત તેનીજ કંપની ના એચ.આર. ડીપાર્ટમેન્ટ માં કામ કરતી આયેશા સાથે થઇ, એ મુલાકાત મૈત્રી અને મૈત્રી માંથી પ્રેમસંબંધ માં પરિણમી જેની બંને ફેમીલી એ મંજુરી આપી.
અનવર ને કંપની તરફથી યુ.એસ.એ. નો પ્રોજેક્ટ હેન્ડલ કરવાની જવાબદારી સોંપવામાં આવી જેમાં તેણે ૩ વર્ષ ફરજીયાત કાઢવા પડે તેમ હતા, તેથી તેણે રેક્વેસ્ટ કરી અમ્મા ના પણ વિસા કઢાવ્યા. આયેશા ને ૩ વર્ષ બાદ નિકાહ નું વચન આપી તે યુ.એસ.એ. ગયો.
અહીંથી પણ તે મહીને એકાદ વાર તો હિમાંશુભાઈ નો કોન્ટેકટ કરીજ લેતો, પરંતુ છેલ્લા એક વર્ષ થી પ્રોજેક્ટ પતાવવાની વ્યસ્તતા માં તેની વાત લગભગ બંધ જેવી થઈગઈ હતી. છેલ્લે જયારે ફોન કર્યોતો ત્યારે પણ પ્રભામા એ ફોન ઉપાડેલો અને ગુરુજી થી વાત થઇ શકી નહોતી.
બસ, આજે અમ્મા,આયેશા સાથે તે પોતાના માં બાપ થી પણ વિશેષ ગુરુજીને ને પોતાના નિકાહનું આમંત્રણ આપવા આવ્યો હતો. જે એકદમ સરપ્રાઈઝ વિઝીટ હતી, કેબ એકદમ “હીમપ્રભા” ના જાંપે ઉભી રહી. અત્યાર સુધી કેબ ડ્રાઈવર ને ૧૦ વાર સ્પીડ વધારવાનું કહી ચુકેલો અનવર પોતાનું બીજું ઘર આવતા ઉતરી ના શક્યો, તેની સામેથી તે ઘર, તે ચોક માં વિતાવેલી ક્ષણો પસાર થઇ રહી હતી.
“ચલ હવે મળાવ, છેક અહી આવી ગયા તો ઉતરતો નથી” આયેશા એ તેની તંદ્રા તોડી.
તે ફટાફટ ઉતર્યો, અમ્મા એ પહેલાજ ડોરબેલ દબાવી હતી, ત્રણે ખુબ ઉતાવળ માં હતા સરપ્રાઈઝ આપવા અને એકબીજાને મળવા. પ્રભાબહેને દરવાજો ખોલતાજ અનવર તેમને વળગી પડ્યો, પ્રભાબહેન ખરેખર હેબતાઈ ગયા કેમકે તેમણે દરવાજા બહાર અનવર હશે એવું તો ધાર્યું જ ન હતું. તે ખુબજ ખુશ થયા અને હર્ષ ના આંસુ ટપકી પડ્યા એમની આંખો માંથી. અમ્મા, અને અનવર ની હાલત પણ કૈક એવીજ હતી. પ્રભામા ખુબ સુકાયેલા અને નિસ્તેજ લગતા હતા. અનવર તેના ગુરુજી ને મળવા ઉતાવળો હતો. તેણે તરત ગુરુજી વિષે પૂછ્યું તો પ્રભાબહેને બેડરૂમ તરફ ઈશારો કર્યો. તે દોડતો ત્યાં ગયો અને અંદર પ્રવેશ કરતાજ તેના પગ થંભી ગયા. એકદમ નિષ્પ્રાણ જેવા લગતા હિમાંશુભાઈ પલંગ પર અર્ધ બીડેલી આંખે પડ્યા હતા.
“માસી, શું થયું છે ગુરુજી ને? એ કેમ આમ સુતા છે? કેમ કઈ બોલતા નથી? આ બધું ક્યારે થયું? અમને કેમ જાણ ના કરી?” અનવરે માસી પર રીતસર ની સવાલો ની જડી વરસાવી.
પ્રભાબહેન ધ્રુસ્કે ધ્રુસ્કે રડી ઉઠ્યા. થોડી કડ વળતા કહ્યું, “બેટા આજથી લગભગ ૧૩ મહિના પહેલા તેમને પેરેલીસીસ નો સીવીઅર અટેક આવ્યો, તેમના ૯૦% અંગ કામ કરતા બંધ થયા છે. અમેં અમારી બધી મૂડી ખર્ચી, સ્વજનો દોડ્યા પણ તેમને રિકવરી આવતી જ નથી. અને તમને લોકો ને ત્યાં બેઠા હેરાન કરવાનો શું મતલબ?”
બધાય સ્તબ્ધ થઇ ગયા, અમ્મા તો પ્રભા બહેન ને સાંત્વના આપતા ખુદ રડી ઉઠ્યા, અનવર ને ગુસ્સો હતો કે આટલું બન્યા પછી પણ મા એ તેને જાણ ના કરી, પરંતુ તે આ ખુદ્દાર કપલ ને બરાબર જાણતો હતો એટલે વધુ દલીલ કરવાનો કોઈ અર્થ ન હતો.
તે હળવેક થી મા પાસે ગયો, અને કહ્યું, “ગુરુજી એ આજથી ૧૬ વર્ષ પહેલા મને, મારા શિક્ષણ ને “દત્તક” લીધો હતો, આજે હું તેમના સ્વાસ્થ્ય ને “દત્તક” લઉં છું. આપણે તેમની ઇન્ડીયાના સારામાં સારા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવશું, જરૂર પડે તો યુ.એસ. માં ટ્રીટમેન્ટ કરાવશું પણ હવે તમને લોકો ને અમારી સાથેજ રહેવાનું છે એ ફાઈનલ છે.” એટલું કહી તે પ્રભા બહેન પાસે થી ઉઠી અને પોતાના ગુરુ એવા હિમાંશુભાઈ ના પગ પાસે બેસી રહ્યો. ગુરુ અને શિષ્ય બંને ના આંખ ના પોપચા માં ભીનાશ હતી. આયેશા આ ગુરુ-શિષ્ય કે બાપ-બેટા ની જોડી ને અહોભાવ પૂર્વક જોતી રહી...