પ્રેમ - શાયરી - કવિતા - 2 Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - શાયરી - કવિતા - 2

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : પ્રેમ - શાયરી – કવિતા- 2

શબ્દો : 2041

સજેસ્ટેડ શ્રેણી : કવિતા

પ્રેમ - શાયરી – કવિતા- 2

1.

બે ઘડી જરા જો હો ફુરસદ તને...

સૂકી ધરાને જરી પાણી પાઈ જો..

હૃદયની વાતો રહી છે હંમેશ ન્યારી...

પ્રેમ વિના પડે છે અંતર ખાઈ જો...


2.

ભાગ કહેતાં પડે ભાગલાં ને ચાલ વહેંચાઈ જઈએ

તું ન રહે તારો ન હું રહું મારી પરસ્પર સમાઈ જઈએ

ફાળો નથી કોઈ કમ એમાં ઈશ્વરનોય પણ કે મેળવ્યાં

માની પાડ એ ઘડીનો ચાલ સમય બની વહી જઈએ

જીવન દરિયે જો જઈશું તો તોફાનોય સામાં મળશે

એકબીજાનો લઈ સહારો જીવન સાગર તરી જઈએ

આતુરતા બસ એજ ક્ષણોની છે કે જીવનસફર સંગે હો

બની સુગંધ જેમ પવનમાં જીવન મહીં મ્હેંકી જઈએ


3.

સંબધો આટલાં નાજુક હશે ન્હોતી ખબર....

કે ભાર પડતાં બટકણાં થશે ન્હોતી ખબર....

સંવેદનો થયાં બધાં વાંઝિયા અને છતાં-

આંસુ પીને પણ ઉછરતાં હશે ન્હોતી ખબર...

અવાજ તારો સાંભળી થતાં હતાં ઘાયલ જે-

લાગણીભર્યા કાન પણ બ્હેરાઈ જશે ન્હોતી ખબર..


4.

ભીડ જેવું હોય છે ક્યારેક તો એકાંતમાં

હર્ષની કેડી ભળે છે કોઈ દિન સંતાપમાં

તું કહે કે નિરાંતે આપણ મળશું કદી

હું કહું છું આજ કેવળ આજ છે બસ હાથમાં


5.

ખરેજ આ જિંદગી છે એક રમત

ખૂબ જ અન્યાયી અને ક્રુર છે આ જગત


જે દરેકને સૂઝાડે અવનવી કરામત

તે જ બધાં છે સાચા બગભગત


6.

એક વારતા સાવ નોખી ને નોખાં છે એનાં મિજાજ

હોય ક્યારેક એમાં ધાંધલ ધમાલ ને જુદો હો ઉધમાત

રિસાવાની કરે હેરાફેરી ને લાગણીઓની હો ધમાચકડી

ધીંગામસ્તી એને હાથવગાં ને તોયે દેખાયે નર્યો એ શાંત

જોવો જો હોય એને તો મથુરા ન ચાલે ખૂંદવું પડે વૃંદાવન ગામ

ગોપીઓની આંખમાં જોવું પડે ને રમવું સંગે ગોવાળોની જમાત

પ્રેમ એનો ધર્મ કર્યો છે ને વાંસળી રાખી છે એણે હાથ

મોરપિચ્છ માથે ધર્યુને ઘેલી કરી છે ગોકુળની નાત

7.


પ્રેમની તે વાંત
સખી
કેમની રે કરવી
વાંસળીએ ફૂંક
રાધા
તુજ વિણ
કેમ હવે ભરવી ?


8.

આજનાં વરસાદી માહોલમાં...
ભીંજુ ભીંજુ થઈ રહેલ એક તૃણ....
બસ સ્તબ્ધ થઈને અનુભવી રહ્યું પવનને...
ક્યાં ઉડાડીને લઈ જઈશ મને...???
જરીક ધીરો જો તું પડ...
તો કિંકર્તવ્યમૂઢની ક્ષણો ને...
રહે સ્હેજ આરામ...
અને મારી ઓથે રહેલ કીડીની ન્યાતમાં..
ન વ્યાપે સન્નાટો...
ને પવન બસ એકદમ જ...
દિગ્મૂઢ....!!!


9.

શ્રધ્ધા ને
હોય જો
ઓળખવી તો...
બસ એકવાર
મારે આંગણે
તું રામ થઈને આવ...
વિશ્વાસથી સંઘરી રાખેલાં...
રોજ નવા તોડી તોડી
ખૂબ ભાવથી ચાખેલાં...
એઠાં તો એઠાં...
પણ તને
મીઠાં બોર
જમાડીશ હું..!!!

10.

કરેલાં વાયદાઓ નો ભાર
ખૂબ મીઠો હોય છે છતાં
જાહેરમાં
લાગણી વાવવાની
થાય ત્યારે...
તું આવી જાય
હકડેઠઠ પ્રેમ ભરીને આંખમાં...
ને શરમનો માર્યો હું
એને સીંચી પણ શકતો નથી....
તું પવનવેગે આવીને
મને બાઝી જ પડે છે...
અને મર્યાદાનો માર્યો હું
તને સ્પર્શી પણ શકતો નથી...
સમાજની વેદના ની
વરવી વાસ્તવિકતા..
લાચાર એવો હું
તને વર્ણવી શકતો પણ નથી...
જીવી તો નથી જ શકતો
તારા વગર..
ને તારા વગર
મરી પણ શકતો નથી

11.

વાંઝણી આ વેદનાઓ
ક્યારેય કંઈ જ નથી ઉપજાવી શકી
ન તારી યાદની મીઠાશ
ન તારી ગેરહાજરીનો શૂન્યાવકાશ
એને તો બસ તરફડવું જ ગમે છે
મારી એકાંતની ક્ષણોમાં
નર્યો ખાલીપો જ બસ
અને એ ખાલીપામાં
હું જોઈ શકું છું
મારી લાગણીને પારદર્શિતાથી
તારા નહીં હોવાની જિંદગી જાણે એને
કોઠે પડી ગઈ છે
ચહેરો બસ દંભ કર્યા કરે છે
વેદનામય રહેવાનો
હા... કદાચ આ જ સત્ય હશે
કારણ બધે મ્હોરાં પહેરીને ચાલતા એવાં 'સ્વ'ને
આજ ન જાણે કેમ
પણ સત્ય સ્વીકારવાનું મન થઈ આવ્યું છે
ન હૃદય કહ્યામાં છે
ન સમય
બસ હવે આ બદનક્ષીનાં ભારતળે જીવવું
એનાં કરતાં તો
સત્ય સારું
કદાચ એનો કડવાટ અને એનું અસ્તિત્વ
મારી વેદનાને શમાવી શકે..!!!

12.

હસતાં હસતાં
જ્યારે આંખે એક ટીપું બાઝી જાય છે ને
સાવ ખૂણામાં
ત્યારે ત્યારે તારો હસતો ચહેરો
મારી આંખ સામે આવી ચડે છે
ઝીણી થતી તારી મરક મરક આંખ
અને ડાબા ગાલમાં પડતું તારું નાનું શું ખંજન
ફરીફરીને સામે આવતો એ ચહેરો
વણબોલેલાં શબ્દોનું
એ અડાબીડ વન
અને એમાં
હું ક્યાંય નજરે નથી ચડતો મને
કંઈ કેટલીયે વાર પાછું વાળવા ચાહું છું મનને
અને
આંખો થઈ જાય છે સ્તબ્ધ
જીવનની વરવી વાસ્તવિકતાએ
કે
આપણે હવે આપણે મટીને
બસ 'હું' માંજ અટવાઈ ગયાં છીએ
સદીઓથી...!!!

13.

એ મોરલા..
તને ને મને
વળગણ સઘળું
એકસરીખું છે...
માથે ચડવા
તું ખેરવે પિચ્છ
અને
હૃદયે વસવા
હું ય ખરું રોજ..
બનીને લાગણી...!!!

14.

કાના
તને વ્હાલી વાંસળી
ને વ્હાલુ તને
માથે મુકુટ મોરપિચ્છ
વાસળીનાં સૂરે
મારી
લાગણી રેલાય
ને
પિચ્છ સમ ખેરાય
મારો જીવ...!!!

15.

થયો અહેસાસ
મુજ અસ્તિત્વનો આજ
ને થયું
સ્પંદન વિશ્વાસનું
આ તે કેવું
નવાંકુરણ સ્નેહનું...
ભાસે હૃદયે
ઘૂઘવાટ સમ
કલશોર મધુરો પ્રેમનો
ને વાગે નગારા
ધ્રિબાંગ ધ્રિબાંગ
હૃદય ધબકાર
ન ઝાલ્યો જાય
જ્યાં આવ્યું તારું નામ
મુજ હોઠે આજ..!!!

16.

શ્વાસ તાજી હવાનો
કરી ગયો પુલકિત કંઈક એમ
કે તારા નામનો દરિયો
શ્વસાયો અંતરમાં
અને ધીરે રહીને
ચૂઈ ગયો
આંખનાં એક ખૂણામાં
ફર્ક તારા વિનાની સવારનો
આમ જુઓ તો કંઈ જ નથી
પણ હા
જુઓ જો એકવાર મારી આંખેથી સખી
સૂર્યકિરણની આગળ વાદળ છવાઈ જાય
અને ધૂંધળો પ્રકાશ
ભાસે પ્રકૃતિમાં રળિયામણો ભારે
અને તેમ છતાંયે
સૂર્યને બસ એક જ વસવસો
ધરા સુધી ન પહોંચી શક્યાનો
મારોય કંઈક એવોજ હાલ છે તારા વગર
તું જ મારી સવાર
અને તું જ મારું અજવાળું
હું બનું તારો ઈષ્ટ
અને તું મારી આરાધના
અને છતાં
વાદળો સૂર્યને ધૂંધળો ભલે કરે
એ અજવાળાંને ધરા સુધી આવતાં
ક્યાં રોકી શક્યા છે કોઈ'દિ
એમ જ મારો પ્રેમ પણ
વહ્યાં જ કરશે તારી જ તરફ આજીવન
અને તને મારાં પ્રેમનું તેજ
મળ્યાં જ કરશે અવિરત...!!!

17.

નજર સમક્ષ તને જોઈને
ધમણની જેમ ધબકારા લેવાં લાગતું મારું હૃદય
આજે તારી હાજરીનો
સોગ મનાવે છે
કંઈક એ રીતે
જાણે -
આંખે ઓઢ્યાં હો કાળા ચશ્મા
અને એય પણ
અમાસની અંધારી રાતમાં
નજરે ચડતું નથી કંઈપણ હવે
હા...
મધદરિયે તરતું જહાજ જેમ
શોધે નાની શી ઝબૂકતી દીવાદાંડીને
એમ જ આ નજરને બસ
તારા આગમનની ઝલકની જ
પ્રતિક્ષા છે બસ...!!!

18.

ઘડી ઘડી યાદ આવે
બા તારા શબદ્
એ મૂઈઈઈ....
ઓલું ચાટલું લાવ તો...
ઓસરીમાં બેસી
માથું ઓળવું તારું...
લીમડાંની કડવી સુગંધ
અને મીઠાં પવનની એ લહેર...
ખાટલામાં હૂક્કાનું ગુડ-ગુડ
અને બાપુનાં કડક ખોંખારા
સઘળુંય બસ પળવારમાં તાદ્રશ થાય છે
ચાર બંધ દિવાલનાં
મોટાં આ મહેલમાં
સરખાવવા ચાહું બંન્ને સમય
નથી હાથ લાગતું કંઈ
બસ એક જ સમાનતા છે
તારું ચાટલું...
અને મારાં દિવાનખંડનો મોટો અરીસો
દેખાડે છે બસ એક જ વાત...
સત્ય....
અને એ સત્યમાં
આ અરીસેથી ચાટલા સુધીની સફર
હું ખેડી લઉં છું હોં બા..!!!

19.

મેસેજની
આપ - લે
અને બંધાતા જતાં
નવા સંબંધો
બદલાતાં સમીકરણો
અને તોય
ખોટું છતાં મોટું એવું
ઓઢી લીધેલું
પ્રોફાઈલનું સ્ટેટસ
આ દોડ ને
ન તો કોઈ
દિશા છે
ન મંઝિલનું કોઈ નિશાન
અને તોય
ઘેટાંની જેમ
વધતો અને
બોમ્બેનાં ટ્રાફિક
કરતાંય વધુ
ધસમસતો એવો
આપણાં સૌનો
ગાડરિયો પ્રવાહ...!!!

20.

આજે સાફસફાઈ
કરતાં કરતાં
મળી આવ્યો છે
એક પત્ર..
ડૂચો બનેલો.....
આ એ જ તો પત્ર છે
જે મેં તને
લખ્યો હતો
કોઈ કાળે
પત્રમાંથી કાગળનાં ડૂચા જેવો
બની ગયેલ આપણ સંબંધ
આજે
હું કચરાપેટીમાં નાંખુ છું...
ક્યાંક આ
કાગળને ફરી
રિસાઈકલ થવા મળે
તો શક્ય છે કે
આપણાં આ સંબંધને
નવેસરથી લખાવાનો
મોકોય પણ મળે..!!!

21.

શબ્દો તારા કળજે કોરાયાં
હતાં જે વેદનાસભર...
માતૃતુલ્ય વાતસલ્ય તારું
ઘવાયું અધવચ સફર...
હતું એવું શું કબૂલમંજૂર ઈશ્વરને ?
ન સાંખી શકાયું સ્હેજ રતીભર ?
બરોબર નથી આ ન્યાય એનો
પસ્તાશે જીવનભર...
યશોદા તારો નેહ જાણે છે આખું જગ
ને તોય કાનો સંચર્યો આજે
માંડી મથુરાની સફર ?
તારવા અનેક આયખાં
રાધાની કરી વિરહડગર
રે કાના તને કેમનો
કે'વો મારે જગદીશ્વર ?

22.

રોજિંદા ઘટના ક્રમમાં
તારું મારી સાથે હોવું
બની ગયું છે
યંત્રવત
મનેય જાણે આ બધું જ
કોઠે પડી ગયું હોય એમ
મારું હરફ પણ ન ઉચ્ચારવું
ફરિયાદો રહે યથાવત
અને દોડાદોડીનાં
આ જીવનમાં
ધીમે ધીમે મનુષ્યમાંથી
યંત્ર બનવાની ગતિ આપણી
અને સાથે સાથે
યંત્રવત બનતી જતી લાગણીઓ
દોડ કઈ તરફની છે
તે કળવું છે મુશ્કેલ
કારણ સ્પંદનોને હવે
યાંત્રિકતાનો કાટ લાગવા લાગ્યો છે...!!!

23.

તારા વિરહનો ચિતાર
ભલા
હું તે તને
કેવી રીતે આપુ સખી
વર્ષોથી
સૂકા પડેલા ચાસ જેવો હું
અને હૃદયે
આવે જ્યાં તારું નામ
મીઠી શી નદી પ્રેમની
ખળખળ વહેવા લાગે છે...
ને તોય
તારા વિનાનો 'હું' એટલે
સાવ સૂકો ભઠ એવો
ઓલા ખેતરનો જ
પાડેલો ચાસ જાણે..!!

24.

આમ તો મળવાનો
વાયદો
ન ક્યારેય
ખોટો પડ્યો
છે મારો
પણ હતી ક્યાં ખબર
પડછાયો જ જ્યાં નડ્યો
મુજને મારો ?


25.

આજે ગુલામ છું હું સ્વતંત્રતા નો
કારણ
લાગી હતી હંમેશ પ્યારી
પોતાનાંથીય વિશેષ
સ્વતંત્રતા અન્યની
અને એથી જ...
મારાં તે અન્યની સ્વતંત્રતા ઈચ્છતાં
તરફડું છું
હચમચી ઊઠું છું
કારણ -
તું મારો છ જે તેમ જાણવા છતાં
સંબંધોને સ્વતંત્ર રહેવા દેવા ખાતર
તે જ માનવું અસહ્ય બન્યું છે
દિવાલ બની સંબંધની...!!!

26.

લાગ્યું હતું એકદમ જ
એ શિલ્પ જાણીતું
વિચારે ચડ્યું મન..
ઉઠ્યાં પ્રશ્નો અનેક...
એ શિલ્પને હું ક્યારે મળી હતી ?
કોનું હતું એ શિલ્પ ?
કોણે રચ્યું હતું ?
શું કહેતું હતું ?
આ બધાં પડઘાંઓની વચ્ચે જ
અચાનક જ
ઊઠી એક તીણી ચીસ...
અને રૂદન ધ્રુસકાં ભર્યું"
હું તારો જ છું
એ કલ્પ પ્રદેશમાં હતો હું તારા થકી જ...
કારણ -
જીવવાની સમજણ હતી તારા થકી..
તું મને કદાચ ન ઓળખી શકી
પણ
પણ ખરેખર હું એ જ તો છું
જેણે મને -
ના... ના...
મેં જેને પ્રેમ કર્યો હતો અનરાધાર...
અને પાછી તું જ વિચારે છે ?
અરે! તેં જ તો મને પત્થરનું રૂપ આપ્યું છે "
પછી -
નિરંતર સન્નાટો
અને બધું થીજાયેલું જ....!!!

27.

ખરે જ હંમેશની રમતોથી
થાકીને હારતો જતો
અને ક્યારેક વળી
ફસડાતાં - ફસડાતાં
પણ
નિરાશાભર્યા ઉદ્દગારો ઉવાચતો એવો હું
એકવાર...
એવો તે કલ્પપ્રદેશમાં જઈ ચડ્યો
કે પછી -
ત્યાંથી પાછાં ફરવાનું અશક્ય બનતાં
આજે હું
બીજા સાથે
દોડવા મથું છું..
થોડાં - ઘણાં
મીઠાં પૂંછડી પટપટાવતાં ઉપાલંભો કરી
અને તેથી જ -
એ જ ઉપાલંભ
ક્યારેક મોંઘો પડી જાય છે
એક 'કાળ' બની ચાબુકરૂપે...!!!

28.

એ જ મારી સર્વાંગી ઈચ્છા
કે
રચું હું ય મોટો ઈતિહાસ
જેમાં
ન હોય યુધ્ધ
ન હોય સંધિઓ
અને છતાંય પણ કહેવાય તો તે ઈતિહાસ જ
જેમાં
માત્ર ખુશીઓ જ
જેને મેં નિહાળી
કદાચ નિહાળું છું અને
નિહાળીશ અવિરતપણે
પરંતુ
આજ ખુશીઓનાં ઈતિહાસો રચવા માટે
ભૂતળ પર થતાં ફેરફારોની જેમ
દુઃખ, ભૂકંપ અનુભવીને
લોકોને પણ
હૃદય વલોવવાં પડતા હશે શું ?

29.

વાંચ્યું હતું કોઈકાળે
મારાં જ વડીલની નોંધે એકવાર"
સ્પર્શમાં સમર્થન છે,
લાગણી છે,
આત્મીયતા - હૂંફ છે
કદાચ કોઈનો આપણી સાથે હોવાનો આભાસ પણ ખરો"
પરંતુ,
આજ સ્પર્શ
કાળઝાળે દઝાડી જાય છે
એક તણખો બની
હતાં બધાં જ સાથમાં
ન્હોતો માત્ર સ્પર્શ હૂંફ ભર્યો
સ્પર્શો ઘણાં હતાં
જેમાં
સંબંધો, દેખાડાઓ અને હતી માત્ર લોલુપતા..
અને તેથી જ
આજ બધું છોડીને
જવાનું મન થાય છે
એ મૂંગા પ્રાણી તરફ
જેની પાસે બધું જ છે
હાથ - પગ - આંખ - નાક - કાન - શ્વાસ પણ ખરાં
પણ
એજ શ્વાસનાં ધબકાર સમાં સ્પર્શ થવું છે મારે...!!!

30.

એક પ્રશ્ન
પ્રશ્નો થકીની જિંદગી
ઘણીવાર પ્રશ્નો વગર જીવતાં જીવતાં
ઊભાં થતાં અનેક પ્રશ્નો
શું નહીં હોય કોઈ પ્રશ્ન હવે ?
શાથી આવા પ્રશ્નોની હારમાળા
આ બધાં પ્રશ્નોની વચ્ચે જીવવા કરતાં
મુશ્કેલીઓ સહેલી નથી શું ?
અંતે તો
જીવન પણ એક પ્રશ્ન જ...
કેવું જીવ્યાં ? - જેવું જીવ્યાં.
કેટલું જીવ્યાં ? - જેટલું જીવ્યાં
શાથી જીવ્યાં ? - બસ જીવ્યાં
અને બસ....
અંત આવ્યો પ્રશ્નનો
જીવન પૂરું થતાં સાથે જ...!!!

31.

ઓહ આ સુખ ?
સુખની દુનિયામાં હવે રહેવું નથી...
તું છે તો છે
નહીંતો ભ્રમથી જીવવું નથી
આજ લગી ઠુકરાવ્યાં મેં
ઘણાં પ્રસ્તાવોને -
તું સમજે તો સમજ
મારે સમજી ડાહ્યાં થવું નથી
મજા હતી તેમાં
જે મેં તને કીધું
ન્હોતું કે'વું
નીરખવા તને પળેપળ તડપતો હતો..
તારું ગમવું જ મારાં માટે ગમવું હતું
પણ -
અરે...
આ ગમવાનું જ તારા માટે અણગમતું બની ગયું ?

32.

થાકી જવાય છે
આ દંભ તણાં મ્હોરાંનાં ભારથી
જે મ્હોરું
હંમેશ હસતું રાખતું હતું મુજને
ન દેખાય ક્યારેય
ઓછાયાં ચિંતા કે દુઃખ તણાં તેમાં
હા -
દુન્યવી દુઃખ હરહંમેશ નજરે ચડ્યું છે
પણ તેમ છતાંય
તેમાં દીવા બળતાં ઈર્ષ્યા તણાં આંખોએ
અને ક્યારેક વળી
મધ ટપકતું તેની જ જીહવા થકી
પરંતુ
આ મહોરામાં
અચાનક જ
પડી એક તિરાડ
ડોકાયું તેમાંથી 'સત્ય'
લબકારાં રૂપે
પ્રજ્વળી જ્વાળાઓ અનેક સંતોષની
અને આજ જ્વાળાઓથી
એ મ્હોરું
થાકતું - દુભાતું - હારતું જતું
અને પોતાનાં જ ભસ્મીભૂત થવા વિશે
હરહંમેશ
બદનક્ષીનાં દાવા કરતું ફરે છે..
પોતાને જ બચાવવા...!!!

33.

સ્મરણની કૃતઘ્નતા
અને કૃતજ્ઞ એવો હું
અને તેથી જ કદાચ
કૃતજ્ઞ બનતો સમય
કદાચ આ બધાં જ કારણોસર
જાહેરમાં -
અને કદાચ
આંતરિક રીતે પણ ખરું
હૃદય કૃતજ્ઞતા અનુભવે છે
જે કદાચ બધાંની વચ્ચે
એ જ કૃતજ્ઞતાનાં ભાર તળે
હું પોતે પણ
મારાં જ હૃદય પ્રત્યે
ધીમે ધીમે કૃતઘ્ન થતો જાઉં છું...!!!

34.

સજ્જનતા દેખાડવાને હોય છે
બધાં સ્વજનો
કે જેમાંથી 'સ્વ'નું લુપ્ત થવું
થઈ ગયું છે સામાન્ય
સ્થળ - કાળ અને સંજોગોનાં ચહેરાઓમાં'
સ્વ' નો ચહેરો
છુપાતો ચાલ્યો જાય છે
અને નથી ડોકાવા દેતો
ક્યારેય કોઈ 'જન' ને તેમાંથી
પરિણામ -
અન્ય જન સાથેનું
શૂન્ય બનવું
એ જ રહી ગયો છે પર્યાય ....!!!

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888