Tara vinani dhadhti saanj - 1 books and stories free download online pdf in Gujarati

તારા વિનાની ઢળતી સાંજ-૧

મનસ્વી ડોબરીયા

manasvidobariya@gmail.com

લેખકનો પરીચય

હું એકવીસ વર્ષની લેખિકા છું. અત્યારે બી.એસ.સી કરું છું અને મન થાય ત્યારે થોડી ઘણી શબ્દો સાથે વાતો કરી લઉં છું. આથી વિશેષ તમે મને મારી કલમથી ઓળખશો તો વધુ ગમશે. આભાર.

પ્રસ્તાવના

આ એક સાચુકલા પ્રેમી પઁખીડા ના ધગધગતા આંસુ છે. અને જયારે સાચા લોકો શબ્દો સાથે જીવતા થાય ત્યારે તેની કોઈ જ પ્રસ્તાવના ના હોય. માફ કરશો.

પ્રકરણ-૧

એ સવારે આમ તો કંઈ નવું નહોતું બન્યું પરન્તુ એ છતાંય સવાર સવારમાં રોડ પર વળેલું ટોળું જોઈને મનમાં કૂતુહલ જાગ્યું અને મેં મારી પલ્સર કોલેજ તરફ વળાવવાની જગ્યાએ એ સીધા રસ્તા પર જ દોડાવી દીધી. એ દિવસે શનિવાર હતો એટલે કોલેજ સવારની હતી. હજું માંડ મોસૂંઝણુ થવું થવું થઈ રહ્યું હતું એટલે ટોળું એટલું ખાસ જોઈ શકાતું નહોતું પરન્તુ મારી ડાફોળિયા વૃત્તિ ત્યારે કામ કરી ગઈ. મેં ત્યાં પહોંચીને વધુ જાણવા પ્રયત્ન કર્યો પરન્તુ મનને શાંતિ થાય એવો જવાબ મળ્યો નહીં એટલે મેં પલ્સર એક સાઈડ મૂકીને ટોળાંની અંદર નજર કરી. કોઈ છોકરી રસ્તા પર પડેલી હતી એટલું હું જોઈ શક્યો. મારાથી કૂતુહલવશ પૂછી જવાયું,

"શું થયું છે..??"

"લાગે છે રાતે વધારે પડતી જ પીધી છે એટલે ઘરે પહોંચવાના પણ હોશ નથી રહ્યાં.."

"ઓહ..!" મેં એ છોકરીનો ચેહરો જોવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ સરખું દેખાયું નહીં એટલે હું વધુ કંઈ જાણ્યા વગર ચાલતો થયો કારણકે આ એરીયામાં આ રીતે ટોળાઓ વળતા જ રહેતા એમાં મને કંઈ જ નવું નહોતું લાગતું પણ ત્યાંજ પાછળથી કોઈ બોલ્યું,

"ભાનમાં નથી તો પણ એક જ શબ્દ બોલે જાય છે 'નબીર'.." મારા કાનની સંવેદનાએ મારા પગ અટકાવી દીધા. હું પાછળ ફર્યો અને એ ટોળાં ને ચીરીને ખુદ અંદર સુધી પહોંચી ગયો. મારી આંખ સામે મેં જે દ્રશ્ય જોયું એ જોઈને ક્ષણવાર હું માની જ ના શક્યો કે હું જે અનાધાર વિખરાયેલ પડેલા શરીરને જોઈ રહ્યો છું, આ આખું ટોળું જેને જોઈ રહ્યું છે, જેના કારણે અહીં આટલી ભીડ લાગેલી છે એ શરીર ખુશુનું છે, મારી ખુશુનું.. મારી નબીરીનું. હું એક ફફડાટી સાથે તેના તરફ ધસી ગયો,

"નબીરી.. નબીરી ઉઠ.. ખુશુ.. ઉઠ..શું થયું તને..?? કેમ અહીં આમ સુતી છો..?? નબીરી.. ખુશુ.. ઉઠ પ્લીઝ નબીરી.." હું તેજ ધડકતાં હૈયે એના ગાલ પર થપથપાવા લાગ્યો.

"ભાઈ તું ઓળખે છે આ છોકરીને..?" ટોળાંમાંથી અવાજ આવ્યો.

"હા આ મારી ફ્રેન્ડ છે નબીરી.. ઉઠ નબીરી.. આ ઘર નથી ખુશુ.. રસ્તા પર સુતી છે તું.." હું શું બોલી રહ્યો હતો અને શું કરી રહ્યો હતો એ ખુદ મને જ ભાન નહોતું. આમ રસ્તા પર અચાનક વળેલાં ટોળામાં શું થયું છે એ જાણવા માટે જો તમે જાઓ અને જોઈને એ ખબર પડે કે એ ટોળું જેના કારણે વળ્યું છે એ તમારો ધબકાર છે તમારા શ્વાસોનો ભાગીદાર છે તો એ પળે પછી તમે શું કરશો એ તમારી પણ કલ્પના બહારની વસ્તુ છે. તેનો દિલધડક, માસૂમ, રમતિયાળ ચહેરો મને આમ રસ્તા વચ્ચે જોવા મળી જશે એ મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું. તેણે પહેરેલો પિન્ક શર્ટ અને બ્લુ ડેનીમ મને ખુબ જ ગમતા. એ જયારે પણ આ કપડાં પહેરતી હું એટલી હદે એને જોયા કરતો કે મને એ પછીની પળોને જીવવાનો કોઈ મોહ જ ના રેહતો. એ દિવસે લગભગ આઠ મહિના પછી એ જ કપડામાં એ મને એવી રીતે મળી હતી કે હું મારી એ પળને જીવવાનું મૂકીને એની આવનારી પળને જીવાડવામાં મથ્યો હતો. મનમાં હઝારો સવાલો ઝગડતા હતા પણ એ બધાને એકબાજુએ મૂકીને મેં તેના પર ટોળાના લોકોએ લાવી આપેલ પાણીની છાંટ નાખી. તે સળવળી પણ એની આંખો નાં ખુલી શકી. તેના હોઠ ફફડયાં,

"નબીર.." મારી આંખમાં આંસુ ઝળહળી ઉઠ્યા. મારુ નામ આ રીતે એના મોંમાંથી સાંભળીને હું ગદગદીત થઈ ગયો. હવે ટોળું વિખરાવા લાગ્યું હતું. મેં એક વ્યક્તિ પાસે મદદ માંગીને ખુશુને મારી પલ્સર પર બેસાડી. એક છોકરીએ તેના મોં પર બાંધેલો દુપટ્ટો છોડીને મને આપી દીધો. મેં તેનાથી નબીરીને મારી કમર સાથે ઝકડીને બાંધી. તેનું આખું શરીર મારી પીઠ પર ઢોળાયેલું હતું. મેં મારી બાઇક ચાલુ કરી અને મારા રૂમ તરફ દોડાવી મૂકી. થોડી થોડી વારે ખુશુના મોંમાંથી નીકળતા "નબીર.. નબીર.." ના ઉચ્ચારો મારી પીઠ ને ગરમાવો આપી રહ્યા હતાં. હું પોતે જ અવાક હતો કે એ શા માટે મને આ રીતે ઉચ્ચારી રહી હતી. આટ આટલા મહિના પછી એણે મારી આંખોને તૃપ્ત કરી હતી, એ પણ આવી હાલતમાં.. એમાં પણ એના મોં માં મારુ નામ હતું એ વાતને હું પોતે જ સમજી નહોતો શકતો. આખરે એ હવે નબીરની નબીરી ક્યાં રહી જ હતી. હવે એ માત્ર ખુશુ હતી જે મારા દિલ પર પાંચ વર્ષ રાજ કરી ચુકી હતી. કરી ચુકી હતી મતલબ..? શું તે હવે મારા માટે કંઇજ નહોતી..? તો પછી એને આમ અચાનક જોઈને મારી ધડકનો કેમ બેકાબૂ હતી..? તેને આમ રસ્તા પર પડેલી જોઈને મને કેમ મારા જીવનો ટુકડો પડયો હોય એટલું દર્દ થઈ રહ્યું હતું..? એના મોં માંથી નીકળી રહેલા નબીર નબીર ના તરન્ગો શા માટે મારા તન-મન ને તરબતર કરી રહ્યા હતા..? અત્યારે પણ હું આટલી વહેલી સવારે મારી ઊંઘને મૂકીને મારો પ્રેક્ટિકલ ભરવા આવ્યો હતો.. એક પળમાં એ બધુ જ મૂકીને હું ફરીવાર રૂમ પર કેમ જઈ રહ્યો હતો..? તેના ઘરનું એડ્રેસ મને ખબર જ હતી જો ટોળાના લોકોને કીધું હોત તો પણ તેને પહોંચાડી જ દેત તો પછી હું આ રીતે..- મારા મનમાં જોરદાર વન્ટોળ ફૂંકાયો. મારો સેલફોન પણ એ સાથે જ રણકી ઉઠ્યો. કદાચ શિવનો કોલ હશે વિચારીને મેં મનને શાંત કર્યું અને તેને રીસીવ કરવાનું ટાળ્યું. નબીરી વારેઘડીએ ડાબી બાજુએ નમી જતી હતી હું મારા ડાબા હાથથી ગાડી ચલાવતા ચલાવતા તેને સરખી કરતો જતો હતો. આ રીતે બાઇક ચલાવવી ઘણી જ મુશ્કેલ હતી. મેં મહાપ્રયાસે બેલેન્સ રાખ્યું હતું. જો કે મારી રૂમ એટલી દૂર નહોતી એટલે મેં મારા આત્મવિશ્વાસને થોડો થપથપાવીને સરખો કર્યો. પરન્તુ મારા વિચારો કોઈ હિસાબે ખુશુનો પીછો છોડવા ત્યાર નહોતા. ખુશુએ પીધી કેમ હશે..? અને અહીં આમ આવી હાલતમાં.. કંઇક તેની સાથે કંઈ અજુગતું તો..- ના, ના.. હું આવું વિચારી જ કઈ રીતે શકું કંઈ જ નથી થયું તેની સાથે. કંઈક ચિંતામાં હશે અને પિવાઈ ગઈ હશે.. પણ એવી તો શું ચિંતા હશે.. એતો વારે વારે મારુ નામ લઈ રહી છે.. મારી ચિંતા હશે..? ના પણ મારી શું ચિંતા હોઈ શકે..? વીર ની કોઈ પ્રોબ્લેમ હશે..? તો મારી મદદની જરૂર હશે..? હા એ કદાચ હોઈ શકે કે એની પ્રોબ્લેમ હોય અને મારી મદદ ની જરૂર પડે પણ..-

"નબીર.." ખુશુના મોં માંથી ફરીવાર એ જ ઉચ્ચારો નીકળ્યા. ખબર નહીં કેમ પણ આજે આ રીતે એના પાસેથી મારુ નામ સાંભળી ને એને બાથમાં લઇ લેવાની ઈચ્છા થતી હતી. થોડીવારમાં જ હું મારા એપાર્ટમેન્ટમાં હતો. મેં હળવેક થી દુપટ્ટો છોડયો અને એક હાથે તેને ટેકો આપીને ખુબ જ સાવચેતીથી બાઇક પરથી નીચે ઉતરી ગયો. મેં તેને મારા હાથોમાં ઊંચકી લીધી અને લિફ્ટ તરફ ચાલવા લાગ્યો. સદ્ભાગ્યે લિફ્ટ નીચે જ હતી. પાંચ નમ્બર દબાવીને હું લિફ્ટમાં ઉભો રહી ગયો. મારી નજર ખુશુના ચહેરા પર જ અટકેલી હતી. એના ગુલાબી ચમકતા ગાલ પર કેટકેટલીય વાર મારા હોઠો અટક્યા હતા. એનું નમણું નાક અને મોટી મોટી કાતિલ આંખો હંમેશા મને ઠન્ડો પાડી દેતી. હું એના સિવાય કંઈ વિચારી જ નહોતો શકતો. લિફ્ટ ઉભી રહી હું બહાર નીકળ્યો અને મેં તેને ધીરે રહીને નીચે ઉતરીને મારા ખભાના ટેકે ઉભી રાખી દીધી. એક હાથે તેને પકડી રાખીને બીજા હાથે મેં મારા પેન્ટના ખિસ્સામાંથી ચાવી કાઢી અને રૂમનો દરવાજો ખોલ્યો. ફરીવાર તેને મારા હાથોમાં ઊંચકીને હું અંદર મારા બેડરૂમમાં ગયો અને તેને બેડ પર સરખી સુવડાવીને મોટા રૂમનો દરવાજો બઁધ કરવા માટે બહાર આવ્યો. મારી સામેના ઘરમાં રહેતા દાદા આ બધુજ જોઈ રહ્યા હતા એમણે મને એ રીતે જોયો જાણે હું કોઈનું અપહરણ કરીને અહીં લઇ આવ્યો હોઉં. જો કે એમાં એમનો પણ કંઈ વાંક નહોતો હું એ મકાનમાં મારા એક ફ્રેન્ડની સાથે રેહતો હતો અને એ ફ્રેન્ડ છેલ્લા બે દિવસથી તેના ગામ ગયો હતો એટલે હું એકલો જ હતો અને આ રીતે ક્યારેય મેં કોઈ છોકરીને અમારા રૂમ પર માત્ર વિઝીટ માટે પણ નહોતી બોલાવી અને આજે એની ગેરહાજરીમાં હું ખુશુને પીધેલી હાલતમાં અહીં લઈ આવ્યો હતો આથી આ બધુ ખુબ જ ગોટાળાજનક બની રહ્યું હતું મેં વધુ કંઈ જ વિચાર્યા વગર રૂમનો દરવાજો બઁધ કરી દીધો.

■ ★ ■

બે કલાક વીતી ચુક્યા હતાં. હું ઉપરા ઉપરી પાંચ કપ કોફી ગટગટાવી ગયો હતો. ખુશુ હજુ પણ એમ જ બેડ પર સુતી હતી હું તેની સામે આરામ ખુરશીમાં તેના વિચારો ફરમાવી રહ્યો હતો. છેલ્લા આઠ મહિનાથી જે ચહેરો નહોતો જોયો તેને આજે હું ખુબ જ નજીકથી પી રહ્યો હતો. મને અવનવા કેટલાય વિચારો એકસામટાં આવી ચુક્યા હતા પરન્તુ એ વિચારોને આરામ આપનાર ખુદ ઘણી ઊંડી ઊંઘમાં પોઢેલી હતી. કેમ આવી છો હવે આટલા મહિનાઓ પછી નબીરી.. હું તારા વિના જીવતા શીખવા લાગ્યો ત્યારે તું મને નીચે પાડવા માટે આવી છો ખુશુ.. ખબર છે તને કેટલો રડયો હતો હું એ રાતે જયારે તે મને કોલ કરીને કહેલું,

"નબીર.. હવે હું તારી નબીરી નથી રહી, મારી સગાઇ થઈ ચુકી છે વીર સાથે.."

શિવ મારા એક એક આંસુનો સાક્ષી છે ખુશુ.. એ આખી રાત હું નાના બાળક ની પેઠે રડયો હતો અને એ છતાંય જાણે સવારે તારા નામનો રંગ વધુ મજબૂત બન્યો હોય એમ હું પડી ભાંગ્યો હતો. મારે જીવવું જ નહોતું નબીરી.. તારા વગર જીવીને હું શું કરત..? સવારે ઊઠું તો પણ હું શું કામ ઉઠી રહ્યો છું..? એ સવાલ મને ખાઈ જતો આખરે કોઈ કારણ જ તો નહોતું ઉઠવા માટેનું.. એક જ સવાલ મને હજુ પણ કોરી ખાય છે નબીરી કે તે મને કેમ પહેલા ના કહ્યું.. પુરા એકવીસ દિવસ પછી કોલ કરીને તે મને કહેલું કે તારી સગાઈ થઈ ચુકી છે.. કેમ નબીરી કેમ..? કાલ સુધી તારા શ્વાસ મારા માટે ચાલતા હતા અને આજે આમ અચાનક તું રસ્તો બદલી નાખે હું ક્યાં જઈને, કોને જઈને કહું નબીરી.. એકવાર પણ ના વિચાર્યું જયારે નબીર ને ખબર પડશે શું હાલત થશે એની..? આખી રાત તારા સમણાં જોતાં નબીરનું તો સવાર થતા બધુજ લૂંટાઈ ગયું હતું નબીરી.. એ આખો એક મહિનો મેં જીવતી લાશની જેમ કાઢ્યો હતો. કોઈ કંઈ પણ કહે તો નાની નાની વાતો માં રડી નાખતો. મારી હાલત પાણી ઝરતાં માટલાં કરતા પણ વધુ ખરાબ થઇ ચુકી હતી નબીરી.. આખોદિવસ એક ની એક જગ્યાએ એમ જ બેસી રેહતો. ક્યારેક સુઈ જતો તો ઊઠવાની પણ ખબર ના પડતી. ક્યારેક આખી રાત જાગીને કેટલું પી લેતો કોઈ અંદાજો જ ના લગાવી શકતો.. તારા મેસેજની સાથે પડતો દિવસ અને તારી સાથે વાત કરીને પડતી રાતોનો રંગ હું ભૂલી જ નહોતો શકતો. તું જ તો ધબકતી હતી મારા શ્વાસો માં. એ પછી મને શિવે ફરી જીવન્ત બનાવ્યો નબીરી.. એ પછી મને આ પ્રેમ નામના શબ્દમાં કોઈ વિશ્વાસ જ નહોતો રહ્યો. કોઈ પણ છોકરી મારી નજીક આવવાનો પ્રયત્ન કરતી ખબર નહીં મને સહેજ પણ રસ જ નહોતો રહ્યો તેની સાથે વાત કરવામાં કે પછી તેની સામે જોવામાં. પણ પછી હું એ રીતે જીવતા પણ કઁટાળ્યો અને બધા ની સાથે એટલી વીજળીની ગતિએ જીવવા લાગ્યો કે એ વ્યક્તિ બીજી પળે જ મારી જિંદગીમાં ના હોય તો પણ મને કંઈ જ ફર્ક ના પડે. નબીરી ક્યારેય નહોતું વિચાર્યું કે હું તારા સિવાય કોઈ છોકરીને મારી જિંદગીમાં આવવા દઈશ. પણ આજે જો તારા પછી સાત છોકરીઓને બદલીને બેઠો છું. નથી ગમતું ખુશુ મને આ રીતે જીવવું.. પણ જીવવું પડે છે શું કરું તારા ગયાં પછી હું એટલો તો કેરલેસ થઈ ગયો છું એટલો બધો તોછડો થઈ ગયો છું કે કોઈ છોકરી મારી સાથે એક મહિનાથી વધુ નથી ટકી શકતી. દરેક છોકરીનું સન્માન કરતો નબીર ક્યારે એમનું અપમાન કરતો થઈ ગયો ખબર જ નાં પડી નબીરી.. નહોતી ખબર મને કે તારું નાં હોવાપણું મને આટલી હદે બદલી નાખશે.

ખુબ જ પ્રેમ કરતો હતો હું તને નબીરી ખુબ જ પ્રેમ.. તારા વિનાની જિંદગીની કલ્પના સુધ્ધાં નહોતી કરી. લોકો મારા પ્રેમની મજાક ઉડાડતાં પણ મેં ક્યારેય એ તરફ નજર નહોતી કરી નબીરી તું પણ જાણે છે જો તું કહે તો મારુ દિલ કાઢીને તારા કદમોમાં મૂકી દઉં એટલી હદે ચાહી હતી મેં તને. તારા માટે ઘરવાળાઓનો માર અને બારમાં ધોરણનું રિઝલ્ટ બધુજ તો નેવે મૂકી દીધૂ હતું નબીરી.. ખબર હતી મને તારા ઘરે પ્રોબ્લેમ થઈ છે એ લોકો તને મને નાં મળવા માટે બાંધી દે છે. લગ્નની વાતો ચલાવે છે પણ આપણે સાથે મળીને કંઇક એનું સોલ્યુશન વિચારત જ ને ખુશુ.. શા માટે તું એકલી જ કૂદી પડી એ અગ્નિમાં..? એકવાર તો કીધું હોત કે મારી સગાઈ થવાની છે હું એ હાથ જ કાપી નાખત જે હથેળીમાં તારું નામ જ નથી.

"નબીર.." ખુશુના શબ્દોએ મારા વિચારોને તોડી નાંખ્યાં. છેલ્લા ત્રણ કલાકમાં લગભગ પચીસથી પણ વધુ વખત તેણે મારા નામનો ઉચ્ચાર કર્યો હતો. તેની આંખોએ હળવેકથી મારી ખુશીને ઢંઢોળી. હું પળનોય વિલમ્બ કર્યા વગર ઉભો થઈ ને તેની પાસે આવ્યો. તે હજુ પણ મારા નામની માળા જ જપે જતી હતી,

"હું ક્યાં છું..? નબીર.. નબીર.." એણે આંખો ખોલી. હું તેનો હાથ પકડીને તેની બાજુમાં બેસી ગયો. તે મને જોઈને સફાળી જ બેઠી થઈ ગઈ.

શા માટે ખુશુ રસ્તા વચ્ચે પડી હતી..? એવું તો શું બન્યું હતું..? શા માટે તેણે પાંચ વર્ષની રિલેશનશિપ મૂકીને સગાઈ કરી હતી..? સગાઈ તો કરી પણ શા માટે એકવીસ દિવસ પછી નબીરને જાણ કરી હતી..? એવું તો શું થયું હતું કે આજે આઠ મહિના પછી બેભાન અવસ્થામાં પણ ખુશુ નબીરના નામની માલા જપે જતી હતી..? જાણો વધુ ક્રમશઃ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED