Speechless Words CH.10 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH.10

|| 10 ||

પ્રકરણ 9 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા બંને પોતાના ઓપ્શનલ સબજેક્ટ તરીકે પી. ટી. રાખે છે. ત્યારબાદ આદિત્યને A ડિવિઝન ક્લાસ ફાળવવામાં આવ્યો, જ્યારે દિયાને સી ડિવિઝન ફાળવવામાં આવ્યો. પ્રકરણના અંતમાં આપણે જોયું કે સ્કૂલમાં રામાનુજન ગણિત પરીક્ષાનું આયોજન થયું હતું. આ પરીક્ષામાં પ્રતિક અને તેની મનપસંદ છોકરી આરતીએ પણ ભાગ લીધો હતો. આરતી પ્રતિકને એક પ્રશ્ન પૂછવાના બહાને પેપરમાં વાત કરે છે. પ્રકરણના અંતમાં બંનેની ફ્રેન્ડશિપ થાય છે અને હવે વાત આગળ વધે છે. પ્રશ્ન એ છે કે આદિત્ય અને દિયાની ફ્રેન્ડશિપ ક્યારે થશે ? હેત્વી વાર્તામાં ક્યારે આવશે ? કેવા હશે આદિત્ય અને હેત્વીના સ્કૂલના દિવસો ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

ધીમે ધીમે સમય પસાર થયો અને મારી જિંદગીમાં દુ:ખના દિવસો શરૂ થયા. મારા પિતાની નોકરી જતી રહી. મારા પિતાને ત્રણ મહિનાના બ્રેક પર ઘરે રહેવાનુ જણાવવામાં આવ્યું. અમારા ઘરની બધી જ આવક મારા પિતા પર આધારિત હતી. મારા દસમાં ધોરણની ફી મારા પિતાએ મારા પિતાના પિતરાઇ ભાઈ એટલે કે મારા અદા પાસેથી ઉછીના પૈસા લઈને મને અને મારા ભાઈને ભણાવવાની ફરજ પડી. ક્યારેક મમ્મી પપ્પા જમતા પણ નહીં અમને બંને રાત્રે જમતા પણ નહીં. મને આજે પણ યાદ છે એ દિવસો જે મારી જિંદગીમાં મેં વિતાવ્યા છે. એક દિવસ મારાથી ના રહેવાયું અને મેં મારા પિતા સાથે આ વિશે વાત કરી.

“પપ્પા, મારે તમને એક વાત કરવી છે.“, એક વ્યાવહારિક વાત કરવાની શરૂઆત કરતાં મેં પપ્પાને વાત કરવા માટે રજૂઆત કરી.

“હા, બોલને બેટા“, મારા પિતા ક્યારેય મારી વાત સાંભળવાનું ટાળતા નહીં.

“પપ્પા, તમે આમ ઉછીના પૈસા લઈને મને ભણવો છો તે થોડુક નથી ગમતું. રહેવા દો ને આના કરતાં તો હું ના ભણું એ વધુ સારું રહેશે.“, મેં મારા પિતાને થોડા ભાવુક દિલથી કહ્યું.

“બેટા, બસ ત્રણ મહિનાની વાત છે. તું બસ મન લગાવીને ભણ. તારા માટેના બધા જ ભવિષ્યના વિચાર મેં કરી રાખ્યા છે. બસ તારે જો સારા ટકા આવશે તો તારે જ્યાં સરકારી કોલેજમાં એડમિશન લેવું છે, તેમાં એકદમ નિશુલ્ક એડમિશન મળી જશે. હવે તારે શું કરવું તે તારે નક્કી કરવાનું છે બેટા.“, મારા પિતાએ મને પોતાની દિલની વાત સમજાવતા કહ્યું.

હું દરેક માતા – પિતાને પણ આ વિનંતી કરું છું કે ક્યારેય પણ તમારા બાળકો તમને કશું કહી રહ્યા છે તો તેમની વાતને ટાળવાની જગ્યાએ એમને વાત કરવા પ્રોત્સાહિત કરો. દરેક બાળકને પોતાની વાત કરવાની અને પોતાના કુટુંબ વિશે વાત કરવાની પૂરેપુરી સ્વતંત્રતા હોવી જોઈએ. જે કોઈ કુટુંબ મધ્યમવર્ગીય કુટુંબ છે. તેઓ પોતાના બાળકને ખાસ વાત કરો કે તમે કેવી રીતે તેમની ભણવાની ફી ભરો છો ? તમારું ઘર કેવી રીતે ચાલે છે ? ઘરની માસિક આવક કેટલી છે ? તમારા કુટુંબની સુરક્ષા અને કલ્યાણ માટે તમારા ભવિષ્યના પ્લાન્સ શું છે ? આ બધુ જ તમારા બાળક સાથે તમારે વાતચીતમાં કહેવું જોઈએ. જેવી રીતે પ્રેમ હું તારી સાથે દરેક વાત શેર કરું છું અને આજે પણ એટલે જ શેર કરી રહ્યો છું. દરેક બાળકને પોતાના ઘરની પરિસ્થિતિની ખબર હોવી જોઈએ. સોરી લવ સ્ટોરીમાં થોડુક મોટીવેશનલ વાત થઈ ગઈ પણ આ વાત જરૂરી હતી. હવે, તમને આગળ વાત કરું તો, ત્રણ મહિના પૂરા થયા અને મારા પિતાની નોકરી ફરી શરૂ થઈ. આ સાથે જ ભગવાને મારી સામે જોયું હોય એમ મારી પ્રેમ કથાનું પહેલું પ્રકરણ અને આરતી અને પ્રતિકની પ્રેમકથાનું છેલ્લું પ્રકરણ શરૂ થયું. દસમાં ધોરણની પહેલી સાપ્તાહિક પરીક્ષા એટલે કે વીક્લી ટેસ્ટ શરૂ થઈ.

સાપ્તાહિક પરીક્ષા સામાન્ય રીતે વર્ષ દરમિયાન પાંચ કે છ લેવાતી હોય છે. ત્યારબાદ યુનિટ ટેસ્ટ આવે અને છેલ્લે છ પ્રિલિમિનરી પરીક્ષા. ટૂંકમાં કહું ને તો દસમાં ધોરણનું આખું વર્ષ નકરી પરીક્ષાઓ જ આપવાની હોય છે. બસ, આવી જ રીતે પ્રથમ સાપ્તાહિક પરીક્ષા પૂરી થઈ અને રિઝલ્ટ આવ્યું. અમારી સ્કૂલમાં બંને સ્કૂલના ટોપર્સના નામ પણ જાહેર થતાં અને બંને સ્કૂલ પ્રમાણે અલગ અલગ ટોપર્સના નામનું લિસ્ટ પણ નોટિસબોર્ડ પર લગાવવામાં આવતું. જેના લીધે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ જોવા મળતું. આજે રિઝલ્ટ આવ્યું હતું. દરેક વિધ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈને ખુશ હતા. મારો સ્કૂલના ટોપ 10 વિધ્યાર્થીઓમાં દસમો નંબર આવ્યો હતો. આથી પહેલી વાર ટોપ 10 માં આવવાની ખુશી કઈંક અલગ જ હતી. મારી આ સફળતાથી કોઈ હતું જે કદાચ ખુશ ન હતું.

“ પાંચ પોઈન્ટ, ખાલી પાંચ પોઈન્ટથી આગળ નીકળી ગ્યો આ આદિત્ય મારાથી બાકી હું પણ તમારા બધા સાથે ટોપ 10 માં હોત. “, પોતાના રિઝલ્ટમાં રહેલા ટોપ ટેન વિધ્યાર્થીઓના નામ જોતાં જોતાં ગુસ્સો કરીને દિયાએ પોતાના ગ્રુપના મિત્રોને કહ્યું.

“ ચીલ યાર દિયા, તું આમ પણ ટોપ પર જ કહેવાય ને ? આદિત્યનો ટોપ ટેનમાં રેન્ક પહેલી જ વાર આવ્યો છે અને તારો તો દર વખતે આવે જ છે. તું ઓલરેડી ઓવરઓલ રિઝલ્ટમાં આદિત્યથી ઘણી બધી આગળ છે. સો ડોન્ટ વરી યાર. “, ઈશાએ દિયાને માનવતા કહ્યું.

( પાંચ – સાત મિનિટ પછી )

“ મારે આ આદિત્યને જોવો છે. કોણ છે આ આદિત્ય ? જ્યારથી રિઝલ્ટ આવ્યું છે, મને આદિત્ય જ મગજમાં ફરે છે. (બે સેકંડના અલ્પવિરામ બાદ) મને બતાવજો હો આ આદિત્યને મારે ખાસ મળવું છે “, દિયાએ પોતાના ગ્રુપની બધી છોકરીઓને કહ્યું.

“ અરે યાર ! તું છોડને આ આદિત્ય વાતને, આમ પણ તારે આજે તો સ્વિમિંગની ઇવેન્ટ છે તો સારું એ કે તું તેના પર વધુ ધ્યાન આપ. હવે, તો આ નવી સ્કૂલ છે તારા માટે તો તારું નામ કરવાનો આ પહેલો મોકો છે. સો બી પ્રીપેર્ડ ફોર કોમ્પિટિશન. “, આરતીએ દિયાને કહ્યું.

“ હા, યાર અને સાંજે મારા ઘરે મને તેડવા ના આવતી પુલ પર મમ્મી – પપ્પા અને માધવની સાથે જ હું આવીશ. માધવ પણ મેલ ચેમ્પિયનશીપ પાર્ટિસિપેટેડ છે. “, દિયાએ આરતીને સાંજે યોજાયેલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પોતાના આવવા અંગેના કાર્યક્રમની સમજૂતી આપતા કહ્યું.

“ હા, ઓકે સારું ચાલ બાય. બાય ઈશા. “, આરતીએ બધાને બાય કહ્યું અને ત્યારબાદ બધા સ્કૂલેથી ઘરે આવવા પોત પોતાની સાઇકલ અથવા વેન સાથે છુટ્ટા પડ્યા.

*****

શનિવારની સાંજે બરાબર પાંચ વાગ્યે રાજકોટના વિશ્વ વિખ્યાત સરદાર પટેલ સ્નાનાગાર સ્વિમિંગ પુલ ખાતે ઝોન લેવલની મેન એન્ડ વિમેન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં અંડર 16 માં આવતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. દિયા આ ભાગ લીધેલ ખેલાડીઓમાંથી એક હતી. દિયાની આ કોમ્પિટિશન જોવા આજે આરતી, ઈશા અને કાવ્યા ત્રણેય આવ્યા હતા. બસ, આ વાત અમારા ગ્રુપમાં રહેલ ‘મહા રોમિયો’ આઈટમ કહી શકાય એવા પ્રતિકને ખટકી. આ સમયે મારી પાસે અને ક્લાસમાંથી કોઈપણની પાસે પર્સનલ મોબાઈલ ફોન ન હતા. આથી આ માહિતી મળતા પ્રતિકે મારા ઘરે ફોન કર્યો. જનરલી મમ્મીનો ફોન ગેમ્સ રમવાના કારણે મારી પાસે જ રહેતો. આ મોબાઇલમાં ક્રિકેટ, કેરમ જેવી કલરફૂલ ગેમ્સ આવતી.

‘હસ્તી રહે તું હસ્તી રહે હયા કી લાલી ખિલતી રહે... સાથીયા..’ ની ઇન્સ્ટ્રુમેન્ટલ રીંગટોન મારા મમ્મીના નોકિયાના 1600 ફોનમાં વાગી અને સ્મશાનમાંથી મડદું ઊભું થાય એમ બેડમાંથી ઊભા થઈને મેં બીજી વખત રિંગ વાગે એ પહેલા જ ફોન રિસીવ કર્યો.

“ હા, બોલ ભાઈ પત્કા, શું થયું ? “, મેં ફોન ઊપડતાં વેત જ મારી લાક્ષણિક અદામાં પ્રતિકને આંખો ચોળતા ચોળતા અને બગાસા ખાતા ખાતા પ્રતિકને પૂછ્યું.

“ એલા આજે સ્વિમિંગ કોમ્પિટિશન છે. ફોન નો મૂકતો પેલા પૂરી વાત હાંભળ. સ્વિમિંગ કોમ્પિટિશન છે આજે આપણે નીલકંઠની હામે ક્યો પુલ આયવો ? “, પ્રતિકે આરતીને જોવા માટે અધીરા થઈને મને ફોન કરીને ફૂલ 180 ની સ્પીડમાં મને પૂછ્યું.

“ હા, ઇ સરદાર પટેલ સ્વિમિંગ પુલ એલા... હવે જો મારે થોડીક વાર લાગશે. તું તૈયાર થઈને મારા ઘરે આવીજા, તું આવીશ ત્યાં સુધીમાં તો હું તૈયાર થઈ જઈશ. નીલકંઠ મારા ઘરેથી સાવ નજીક જ છે. ફટાફટ પહોંચી જઈશું. આવ હાલ ફટાફટ નહિતર તારી આરતી વઇ જાશે. હા.. હા.. હા.. હા. “, પ્રતિકને સ્વિમિંગ પુલે આવવાની હા કહીને હું હસવા લાગ્યો.

“ તું છે ને હસવાનું બંધ કર. હું લવ કરું છું આરતીને એટલે એને જોવા જાવ છું. યાર તારી જેમ નથી બિન બુલાએ બારાતી “, પ્રતિકે મને હસવાનું બંધ કરવાનું ગુસ્સે થઈને કહ્યું.

“ એવું છે ને તો મારે આવવું જ નથી જ જઇ આવ તારી રીતે. મારે આમ પણ કોઈ છોકરી કે કોઈ છોકરો આ કોમ્પિટિશનમાં જાણીતો નથી. આથી હું ના આવું તો ચાલશે ને ! “, મેં પ્રતિકને ગુસ્સે થઈને તેને ખીજવવા માટે કહ્યું.

“ હશે આદિ ભાઈ તમે મોટા અમે નાના બસ ? હાલને મારો ભાઈ મારી હારે. “, પ્રતિકે મને માનવતા ધીમેથી કહ્યું.

“ ઓકે સારું હું આવું ખરા પણ જો મારે મારા મમ્મી કે પપ્પાનો ફોન આવશે તો જતો રહીશ. કારણ કે લગભગ મારે મારા કાકાના ઘરે સાંજે જવાનું છે તો ફોન આવી શકે એટલે હું મમ્મીનો ફોન સાથે લઈને જ આવીશ. “, મેં પ્રતિકના આમંત્રણને માન આપીને સહમત દર્શાવ્યો.

થોડા સમય બાદ સાંજે હું અને પ્રતિક સાથે અમારા બંને મિત્રો રાહુલ અને અભિષેક બધા સાથે સ્વિમિંગ કોમ્પિટિશન જોવા નીકળ્યા. અભિષેક એટલો બધો હરખ પદૂડો કે સાથે ઉતરાયણમાં વગાડવામાં આવતું પપુડું પણ લઈને આવ્યો હતો સ્પેશ્યલી ગર્લ્સને ચીયર અપ કરવા માટે. બે સાઇકલમાં ડબલ સવારી જેમાં એક સાઈકલમાં હું અને પ્રતિક અને બીજી સાઈકલમાં રાહુલ અને અભિષેક. અમે હીરોની ચેન ઉતરી જાય એવી સાઇકલ સાથે ધડાંગ ઢમ કરતાં સ્વિમિંગ પૂલ પહોંચ્યા. અમારા સદભાગ્યે અને જોવા આવેલા લોકોના દુર્ભાગ્યે હજી અતિથિ વિશેષ શ્રી લોકોનું અભિવાદન ચાલતું હતું. પ્રતિકે તો પહેલા આરતી, ઈશા અને કાવ્યાને જ શોધ્યા. નામ પ્રતિકને માત્ર આરતીનું જ આવડતું હતું. આરતી, ઈશા અને કાવ્યા ગર્લ્સના વિભાગમાં બેઠા હતા. અમારું ધ્યાન તો નહોતું પણ પ્રતિકનું ધ્યાન ત્યાં ગયું. પ્રતિકે અમને બધાને આરતી અને તેના ફ્રેન્ડ્સને બતાવ્યા. આમ પણ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હંમેશા આપણને અતિથિ વિશેષ લોકોના પ્રવચન સાંભળવામાં કોઈ જ રસ નથી હતો. આપણને તો બસ કોઈની રાહ જોવાની મજા આવતી હોય છે અને જ્યારે તે આવે ત્યારે ગાંડાની જેમ તેને ટગર ટગર જોયા કરવાની ત્યાં સુધી કે સામેવાળા વ્યક્તિને શરમ આવે કે યાર આણે તો બહુ કરી. તમને હસવું આવે છે પણ આ જ રિયાલીટી છે.

“ આરતી, ઓઈ આરતી અને એ લોકો જો સામેની બાજુ છે. “, પ્રતિકે આરતીને જોઈ જતાં અમને ત્રણેયને જોર જોરથી કહ્યું. અમારું પણ ધ્યાન ગયું ત્રણેય પર અને એમનું અમારા પર.

પ્રતિકની ઇશારાબાજી શરૂ થઈ. ભલે, બીચારી આરતીના મનમાં તો પ્રતિક પ્રત્યે કશું જ નહીં હોય છતાં ગમે એમ તોય પુરુષ હ્રદય રહ્યું ને સારી છોકરી જોવે અને એક બે વાર વાત કરે એટલે લાગણીઓના આવેશમાં તો આવવાનો જ હતો. અમે ત્રણેય હું, રાહુલ અને અભિષેક તો વાતો કરી રહ્યા હતા. હા, અભિષેક ક્યારેક ત્રાંસી નજર કરીને ઈશા સામે જોઈ લેતો હતો. કોને ખબર ગમતી હશે ? આ ઉંમર 16 વર્ષની એવી હોય છે ને કે આપણે ખુદ ના સમજી શકીએ કે આપણાં દ્વારા શું થઈ રહ્યું છે ? આવું જ અભિષેકનું કામ હતું. ભૂરા અને પાતળા વાળ, થોડો ઘોઘરો અવાજ, મીડિયમ હાઇટ અને ભૂરી આંખો સાથે બ્લેક ફ્રેમ વાળા હેરી પોટર ટાઈપના ચશ્મા પહેરેલો છોકરો જો બહુ ઊંચું જોઈને ચશ્માની વચ્ચેની ડાંડલી સરખી કરતો દેખાય તો સમજી લેવું કે આ અમારો અભિષેક છે. અમે ત્રણેય વાતોમાં ગાળા ડૂબ હતા. દિયાની ચેમ્પિયનશિપ શરૂ થવાને બસ પાંચ મિનિટની જ વાર હતી. મેં હજી સુધી દિયાને જોઈ નહોતી અને ના તો દિયાએ મને. દૂરથી બેઠેલી આરતીએ પ્રતિકને મારા વિશે પૂછ્યું અને પ્રતિકે અમારા ત્રણેય વાતો કરી રહ્યા હતા તે તરફ ઈશારો કર્યો. આરતી કનફ્યૂઝનમાં મુકાઇ જેમ અત્યારે તમે બધા છો. અમારા ત્રણમાંથી આદિત્ય કોણ? બસ, થોડીવાર તેણે અમારા તરફ જોઈને મોઢું ફેરવી નાખ્યું અને થોડી જ વારમાં કોમ્પિટિશન શરૂ થવાની હતી ત્યાં મારા ઘરેથી ફોન આવ્યો.

‘હસ્તી રહે તું હસ્તી રહે હયા કી લાલી ખિલતી રહે... સાથીયા..’ ની ઇન્સ્ટ્રુમેન્ટલ રીંગટોન મારા મમ્મીના નોકિયાના 1600 ફોનમાં વાગી અને તરત જ મારા બ્લૂ જીન્સ પેન્ટના ડાબા ખિસ્સામાં વાઇબ્રેટ થઈને ધણ ધણતા ફોનને બહાર કાઢી લીલા ફોનના બટનને અંગૂઠાથી દબાવીને ડાબા કાને રાખ્યો.

હવે કોણે મને ઘરેથી ફોન કર્યો હશે ? શું મારા પિતા મને ઘરે બોલાવી રહ્યા છે ? શું તેઓ મારા પર ગુસ્સે થશે ? હા, એ વાત સાચી કે મારા સ્વિમિંગ પૂલેથી નીકળવાની સાથે જ સ્વિમિંગ કોમ્પિટિશન શરૂ થશે. દિયા પાંચમા નંબર પરથી ડાઇવ કરવાની છે. રાહુલ, પ્રતિક અને અભિષેકનું ધ્યાન પણ પેવેલિયનમાંથી તેના પર જ હતું. આરતીનું ધ્યાન ક્યારેક દિયા પર તો ક્યારેક પ્રતિક અને તેના ફ્રેન્ડ્સ તરફ. આરતીને તો એમ જ હતું કે પહેલથી જ રાહુલ અને તેની સાથે બે મિત્રો જ આવ્યા છે. આથી તેણે મારૂ નામ એટલે કે આદિત્ય એટલે રાહુલ સમજી લીધો. રાહુલને જ્યારે જ્યારે તે જોતી હતી તેણે લાગતું હતું કે તે હું છું ‘આદિત્ય’. મારા વિશે આરતીએ પ્રતિકને પૂછવાનું કારણ દિયા જ હતી. કારણ કે દિયાને મને મળવું હતું આથી તેણે આ કામ આરતીને સોંપ્યું હતું. હવે, ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ અને કન્ફ્યુશન પર કન્ફ્યુશન શરૂ થયા સ્પીચલેસ વર્ડ્સમાં પણ તમે હવે વિચારો કે જ્યારે દિયા રાહુલને આદિત્ય સમજી બેસી જશે ત્યારે શું થશે? તો ભાઈ મને કઈ જ ખબર નથી. જે કઈ છે તે આવતા ચેપ્ટરમાં જોવા મળશે.