નિષ્ટિ - ૨૧ - વેડ મી.... Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૨૧ - વેડ મી....

નિષ્ટિ

૨૧. વેડ....મી..

‘હોર્નનો અવાજ નિરંતર ચાલુ જ રહ્યો.. મિષ્ટી અત્યંત ગુસ્સે થઇ નિશીથ જોડે કાર થંભાવી ધડાકાભેર ડોર ખોલી હોર્ન વગાડી રહેલા ડ્રાઈવરને ઝઘડવા કારમાંથી રીતસર કૂદી પડી..... પણ આ શું?...

મિષ્ટી બેડ પરથી ગબડી પડી હતી... બહારગામ ગયેલા એના મમ્મી પપ્પા પરત આવી ગયા હતા અને તે ડોરબેલ વગાડી રહ્યા હતા... હતોત્સાહ થયેલી મિષ્ટીએ ફર્શ પરથી ઊભા થતી વખતે ઘડિયાળ તરફ નજર કરી તો સવારના સાડા પાંચ વાગ્યા હતા.

‘ઓહ..... અર્લી મોર્નિંગ ડ્રીમ? ભગવાન કરે એ સાચું પડે........ ટચ વૂડ....’ ડોરબેલ હજુ રણકી રહી હતી. મિષ્ટી દોડીને બારણા તરફ પહોચી અને ફટાફટ બારણું ઉઘાડ્યું...

‘થેન્ક ગોડ... દ્વાર ઉઘડ્યા તો ખરા..... કેટલી વાર લગાડી??’

‘ઓહ.. ડેડી... તમને ખબર તો છે મારી ઊંઘ કેટલી જાલિમ છે.... એક તો તમે મારી ઊંઘમાં ખલેલ પાડી અને પાછું આવું બોલો છો? જાઓ હું તમારી જોડે વાત નથી કરતી...’

‘સોરી.... સોરી... માય બાર્બી ડોલ..’ કહી મિષ્ટીના પપ્પાએ કાન પકડ્યા..

મિષ્ટીએ પણ મજાક છોડી મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કર્યા..

‘હવે હું ઊંઘી જાઉં છું.. મારા રોજના સમયે ઊઠાડી દેજો’ કહી મિષ્ટીએ બેડરૂમ તરફ પ્રયાણ કર્યું..

સમય થતાં રાબેતા મુજબ મિષ્ટી ઓફીસ પહોંચી ગઈ. આજે એ બહુ જ ખુશ હતી... પણ ખુશીનું કારણ એક સ્વપ્ન માત્ર છે એ ખ્યાલ આવતાં એ વળી પાછી નર્વસ થઇ જતી. કામમાં મન નહોતું ચોટતું આજે. વારંવાર એક ખ્યાલ આવતો કે જે સપનું હતું એની જગ્યાએ હકીકત હોત તો કેટલું સારું? અને જો એ સપનું જ હતું તો એ વિક્ષેપ વગર નિરંતર ચાલ્યા કર્યું હોત તો? ........ પણ આપણા જો અને તો પ્રમાણે જ જિંદગી ચાલતી હોત તો બીજું જોઇતું જ શું હતું?

ત્રિનાદે કશું કર્યું હશે કે નહિ? લાવ પૂછી જોઉં... સદા ખિલખીલાટ હસતી રહેતી મિષ્ટી ઉદાસ લાગી રહી હતી... એની ઉદાસીમાં પણ એ અત્યંત સુંદર દેખાઈ રહી હતી. ત્રિનાદ પાસે ગઈ તો ત્રિનાદ મોબાઈલ ફોન પર બીઝી હતો. વાત પરથી નેહા જોડે વાત ચાલી રહી હોય એવું લાગી રહ્યું હતું...

‘હેલો ત્રિનાદ’

‘હાય નેહા... હાઉ આર યુ?’

‘ફાઈન.... તુમ બતાઓ...’

‘મૈ ભી ઠીક હું..’

‘આજ કલ દિખ નહિ રહે હો!!’

‘બાહર ગયા થા”

‘ઓ..હો..... બહોત ઘૂમ રહે હો.. મજે હૈ તુમ્હારે તો..’

‘નસીબ હૈ...’

‘કર લો... કર લો... મજે કર લો..’

‘મજે કરને કે લિયે હી તો જિંદગી હૈ’

‘આજ કલ ફોન ભી નહિ કરતે હો.’

‘જરૂરી હૈ ક્યા રોજ ફોન કરના?’ ત્રિનાદ થોડો અકળાયો...

‘તુમ તો નારાજ હો ગયે’

‘નહિ નહિ... મૈ કહાં નારાજ હૂં?... મૈ તો એકદમ ખુશ હૂં.. નારાજ હોને કા ઠેકા તો તુમને હી લે રખા હૈ ના?’ ત્રિનાદ કટાક્ષમાં બોલ્યો...

‘મુજ પે ઇતના ગુસ્સા? બહોત બીઝી હો ક્યાં?’

‘બીઝી? તુમ તો સિર્ફ નામ સે નેહા હો... મૈ ભી તો નેહા હૂં.... હાલાત સે!!!!?’

‘તૂમ નેહા હો? ક્યા બક રહે હો????? કુછ ભી???????’

‘હાઁ... ઠીક સૂના તુમને... ને..... હા..... નેશનલ હાઈ વે જૈસા હાલ હૈ મેરા.... નેશનલ હાઈવે કભી ખાલી દેખા હૈ? હમેશાં બીઝી રહેતા હૈ..... મેરી ભી વહી હાલત હૈ... કભી ફૂરસત નહિ મિલતી... તુમ્હારે જૈસા થોડા હૈ જબ જી ચાહ ફોન ઘૂમા દિયા?’

નેહાએ નારાજ થઈને ફોન કટ કરી નાખ્યો..

મિષ્ટીને લાગ્યું કે ત્રિનાદનું પોતાનું વહાણ ભંગાણના આરે છે એવા સમયે એની જોડે કોઈ વાત કરવી ઠીક નહિ રહે.. એ પોતાની સીટ પર જઈને ગોઠવાઈ ગઈ. માંડ થોડી વાર બેઠી હશે ત્યાં ઇન્ટરકોમ પર નિશીથનો ફોન આવ્યો... તેણે મિષ્ટીને તેની કેબીનમાં બોલાવી. મિષ્ટી આજે નિશીથનો સામનો કરવાનું ટાળવા માગતી હતી અને એ એને સામેથી બોલાવી રહ્યો હતો. મિષ્ટીએ કમને ઊભી થઈને નિશીથની કેબીન તરફ કદમ માંડયા. નિશીથ ક્લાયન્ટને ફોન કરવા મથી રહ્યો હતો. પણ ક્લાયન્ટ ફોન નહોતો ઊપડતો.

‘ઓહ.... ડાયલિંગ...... ડાયલિંગ...... ડાયલિંગ......’

મિષ્ટી પોતાની ધૂનમાં હતી.. એણે સાંભળ્યું.. ‘ડાર્લિંગ.... ડાર્લિંગ.... ડાર્લિંગ....’

એને લાગ્યું કે એનું કામ સહસા આસન બની રહ્યું છે...... નિશીથની સામેની ચેરમાં ગોઠવાતા એ બોલી..

‘ઓહ... નિષ્ટિ... વેડ મી....!!!!!’

‘વેડ મી? વ્હોટ આર યુ ટેલીંગ? આર યુ મેડ?’

મિષ્ટીને લાગ્યું કે મિસઅન્ડસ્ટેન્ડિંગ અને નર્વસનેસને લીધે એ થોડું વધુ પડતું બોલી ગઈ. પણ એ પૂરી તૈયારી સાથે આવી હતી. તેણે તરત સ્વસ્થતા કેળવી લીધી અને કહ્યું...

‘ઓહ નીષ્ટિ? તું પણ શું ગમે તે ધરી લીધી છે? કે પછી તારા મનની વાત તો બહાર નથી આવી રહી ને? મેં તને આવો નહોતો ધાર્યો... બબૂચક’ મિષ્ટીને લાગ્યું કે તેણે જબરો વળતો હૂમલો કર્યો છે.

‘વાહ.... વાહ... પોતે આડું અવળું બોલે છે અને મારા પર આળ ચઢાવે છે?’

‘હું કઈ આડું અવળું બોલી જ નથી...’ મિષ્ટી નાકનું ટેરવું ચઢાવીને બોલી

‘તો શું બોલી હતી તું? યાદ કર તો જરા???’

‘હું તો બરાબર જ બોલવા જતી હતી... પણ તે જ વચ્ચેથી મને અટકાવીને મનગમતો અર્થ સારવી લીધો...’

ઓહ... એમ વાત છે? તો શું કહેવા માગતી હતી તું? વેડ મી.. વ્હોટ?’

‘હું કહેવા જતી હતી કે .. વેડમી લાવી છું ટીફીનમાં આજે..... પૂરણ પોળી..... તું ખાઈશને?? મારી સાથે??? હં હં હં?’ મિષ્ટી આંખ ઉલાળીને પૂછી રહી... પોતે બાફી માયું છે એ ખ્યાલ આવતાં એણે સમયસૂચકતા વાપરીને બાજી સંભાળી લીધી હતી.. અઠવાડિક ક્રમાનુસાર આજે એ ટીફીનમાં પૂરણ પોળી લાવી હતી અને એને ખબર હતી કે નિશીથને પૂરણ પોળી ખૂબ જ ભાવતી...

‘વેડમી??? પૂરણપોળી???? શ્યોર..... આજે તું મારું ટીફીન ખાઈ લેજે... તને એક પણ પૂરણપોળી નહિ મળે...’

‘ઓ.કે.. ઓ..કે.. બાબા..’ મિષ્ટી માટે અત્યારે પૂરણપોળી ખાવા કરતાં પોતે જે ભાંગરો વાટ્યો હતો એમાંથી સાંગોપાંગ બહાર નીકળી આવવાની વાત વધુ અગત્યની હતી.

‘અરે વેડીંગની વાત પરથી યાદ આવ્યું... વેડીંગ માટે તારું શું પ્લાનિંગ છે?’

‘પ્લાનિંગ? હજુ તો મારું એન્ગેજમેન્ટ પણ નથી થયું!!!!!!!’ જેની જોડે લગ્ન કરવા માંગે છે તેની જોડે લગ્ન વિષેની વાત ઉખેડાતાં મિષ્ટીને સારું લાગ્યું....

‘એમ નહિ.... તું કેવી રીતે લગ્ન કરવા માગે છે?’

‘કંઈ વિચાર્યું નથી... પણ કેમ આવો પ્રશ્ન તારા મનમાં ક્યાંથી ઉદભવ્યો?’

‘એમ જ નથી ઉદભવ્યો. આપણા સમાજની આ એક બહુ ગંભીર સમસ્યા છે.’

‘સમસ્યા? કેવી સમસ્યા?’

‘તને ખ્યાલ હશે કે આજકાલ લગ્ન પ્રસંગોમાં પહેલાંની સરખામણીએ ખૂબ ધામધૂમ કરવામાં આવે છે. મા બાપ પણ ખબર નહિ કેમ...સંતાનોના લગ્નમાં જીવનભર કમાયેલી મૂડી એક દિવસમાં ફૂંકી મારે છે’

‘અરે એમને પણ ઉમંગ તો હોય ને પોતાના સંતાનોના લગ્નનો?

‘ઉમંગ??? આને ઉમંગ કહેવાય? એક બીજાની દેખા દેખીમાં કરવામાં આવતા ધૂમાડાને કઈ દિશાએથી તું ઉમંગ કહે છે?’

‘એ તો તું એ ઉંમરનો થઈશ એટલે તને પણ આપોઆપ સમજાશે’

‘શું ધૂળ સમજવાનું આમાં? નરી બરબાદી છે પરસેવાની કમાણીની.... મા-બાપ સમજુ હોય તો એવા કિસ્સામાં સંતાનોની જીદ આગળ નમતું જોખવું પડે... બાકી મોટાભાગના કિસ્સામાં ગજા બહારના ખર્ચા થતા જ હોય છે’

‘પણ તને વાંધો ક્યાં છે?’

‘વાંધો એક નહિ સાડી સત્તર વાર છે... શું કહ્યું...... સાંભળ્યું???? પૂરી સાડી સત્તર વાર..”

‘પણ શું વાંધો છે એ તો કહે?

‘તને ઉદાહરણ સાથે કહું છું..... ગયા મહીને દિલ્હીમાં રહેતા અમારા એક સંબંધીની દીકરીના મેરેજ હતા’

‘હા... મને યાદ છે તું રજા લઈને દિલ્હી લગ્નમાં ગયો હત એ જ ને?

‘હા એ જ...’

‘તો શું છે એનું?’

‘હા તો સાંભળ..... અમારા એ સંબંધી વર્ષોથી દિલ્હી રહે છે. આવકની દ્રષ્ટીએ જોઈએ તો મિડલ મિડલ ક્લાસમાં મૂકી શકાય.. એમની એકની એક દીકરી કે જેનું ગયા મહીને ત્યાંના લોકલ ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા પરિવારના નબીરા જોડે મેરેજ થયું થયું. અંકલની કે આન્ટીની તો ઈચ્છા નહોતી પણ એક માત્ર પુત્રીની જીદ આગળ નમતું જોખવું પડેલું. તેમણે પુત્રીએ જેમ કહ્યું તેમ લગ્નમાં રીતસર પૈસાનો ધૂમાડો કરેલો. એમની દીકરીએ આર્થિક સ્થિતિનો ખ્યાલ રાખ્યા વગર જે જે જીદ કરી એ બધી જીદ આગળ એમણે નમતું જોખેલું. લગ્ન સ્થળ માટે પણ દિલ્હીની મોંઘીદાટ હોટલ પસંદ કરી હતી. હદ તો એ છે કે એમના વેવાઈએ એમના આમંત્રિતોને પણ સીધું લગ્નસ્થળનું આમંત્રણ આપેલું એટલે ભોજનનો ખર્ચ બારોબાર નીકળી જાય. લગ્ન સમયે કપડાં લતાંથી માંડીને કાર સુધીની માંગણીઓ કરેલી જે બધી નાછૂટકે સ્વીકારવી પડેલી. જાનના આગમન થી લઈને કન્યા વિદાય સુધી એટલી ધમાલ મચાવી મૂકેલી કે કોઈપણની ધીરજની અગ્નિ પરીક્ષા થઇ જાય. આ બધા ખર્ચાઓને પહોચી વળવા માટે મારા અંકલને સારી એવી રકમ ઉધાર લેવી પડેલી જેની વ્યવસ્થા એમણે એમની દુકાન ગીરવે મૂકીને કરી હતી. અને આટલો ખર્ચો કર્યા પછી જો હરખતા હૈયે સાસરે વળાવેલી દીકરી એક મહિનાની અંદર પિયર પરત ફરે તો શું થાય?’

‘ઓહ નો... શું વાત કરે છે?’

‘તદ્દન સાચી વાત છે... એ છોકરી સાસરે ગઈ અને બીજા ત્રીજા દિવસથી જ અલગ અલગ મુદ્દે કકળાટ શરુ થઇ ગયો હતો... ક્યારેક કરિયાવર ઓછું પડવાના મુદ્દે તો ક્યારેક ઘરની રોજ બરોજની રીત રસમોની અલગતા બાબતે’

‘તો એ છોકરીનો વર કશું નહોતો કરતો?’

‘એ વળી શું કરી લેવાનો હતો? એણે તો લગ્નને માંડ અઠવાડિયું વીત્યું હશેને છોકરી જોડે મારપીટ શરુ કરી દીધેલી.’

‘ઓહ... નો..... હી ઈઝ અ કાઈન્ડ ઓફ ડેવિલ’

‘યેસ... એકઝેટલી.... હું પણ એ જ કહેવા માગું છું.... અને એટલા માટે જ લગ્ન પ્રસંગે જોયા વિચાર્યા વગર કરવામાં આવતા ખર્ચાનો હું વિરોધ કરું છું.. અલબત અલગ અલગ થીમ ઉપર યોજવામાં આવતા લગ્ન પ્રસંગોને લીધે એક આખી મેરેજ ઇન્ડસ્ટ્રી ઊભરી રહી છે જેના થકી અનેક બેરોજગારોને વ્યવસાય પ્રાપ્ત થાય છે એટલે આવી જાહોજલાલીથી ઉજવવામાં આવતા લગ્ન પ્રસંગોનો હું આંધળો વિરોધ નથી કરતો પણ આંધળુકીયું કરીને મર્યાદા લાંઘીને કરવામાં આવતા ખર્ચા તદ્દન અનિચ્છનીય અને અવ્યવહારુ છે.’

‘તદ્દન સાચી વાત છે તારી... તો તારો શું મત છે આ બાબતમાં? ખરેખર શું કરવું જોઈએ?

‘હું દ્રઢપણે માનું છું કે આવા સંજોગોમાં લગ્ન સાદાઈથી યોજવા જોઈએ અને લગ્નની ત્રીજી કે પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ગ્રાન્ડ રીસેપ્શન યોજવું જોઈએ...’

‘ઘણો જ સરસ આઈડિયા છે તારો..... મને ખૂબ જ ગમ્યો....પણ મુસીબત તો એટલા વર્ષ પછી પણ આવી શકે ને નિષ્ટિ’

‘હા.... આવી તો શકે.... ચોક્કસ આવી શકે... પણ ત્યાં સુધી તો માણસ મુસીબતોથી ટેવાઈ ગયો હોય ને!!!!!!!...’

‘હા એ સાચુ.... ચલ હું તને વચન આપું છું કે હું મારા લગ્ન વખતે તારા આ યુનિક આઈડીયાને અનુસરીશ.... પણ તારો તારા લગ્ન માટે શું વિચાર છે?’

‘મારી વાત છોડ ને..... ફરી કોઈ વાર..’

‘ઓ..કે.. બાય ધ વે, તે મને શા માટે બોલાવેલી? વેડીંગ પ્લાન માટે?’

‘અરે સારું થયું તે યાદ કરાવ્યું.... આપણે જે ડાયમંડ જ્યુલર્સનો એડ કોન્ટ્રાક્ટ ફાઈનલ કરેલો.. એ કંપનીના મિ. મહાજનને હું ક્યારનોય ફોન ટ્રાય કરું છું પણ એમનો કોન્ટેક્ટ થતો નથી. એમને આપણે જે કન્સેપ્ટસ મોકલેલા એના પર એમનો કોઈ ફીડબેક નથી આવ્યો. આ મહિનાના અંત સુધીમાં એડ તૈયાર થઇ જાય એવું મારું પ્લાનિંગ છે. તું એમને ફોન પર ટ્રાય કર્યા કરજે અને જો કોન્ટેક્ટ ના થાય તો એમની ઓફિસે રૂબરૂ જઈ આવીને ડિસકસ કરી લેજે.’

‘કેમ..? તું નહિ આવે સાથે?’

‘ના... મારે બે દિવસ પછી સુરત જવાનું છે. સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સનું ગેટ ટુ ગેધર રાખેલ છે. ખૂબ મોટું આયોજન છે અને મને ખાસ આમંત્રણ છે’

‘હું પણ આવું તારી સાથે સુરત?’ મિષ્ટી ઠાવકું મ્હો કરી નાનું બાળક જીદ કરતું હોય એવા હાવભાવ સહ બોલી. મિષ્ટી આમેય ખૂબ જ ક્યૂટ હતી પણ આવી ચેષ્ટાઓ કરે ત્યારે એની ક્યૂટનેસમાં ઘાતાંકીય પ્રમાણમાં વધારો થઇ જતો. ક્યૂટનેસની પરાકાષ્ટાએ પહોચેલી મિષ્ટીના ગાલ પર હળવેથી ટપલી મારીને નિશીથે કહ્યું..

‘આમ તો હું તને જ લઇ જવા માગતો હતો.... પણ ત્રિનાદ પણ એ ગ્રુપમાં સામેલ છે અને એની આવવાની ખૂબ ઈચ્છા છે.. અમદાવાદથી મારો ખાસ દોસ્ત રાજેશ પણ આવવાનો છે’

‘તું બધાને બધે લઇ જાય છે.... એક મને જ ક્યાય નથી લઇ જતો..’ ત્રિનાદનું નામ પડતાં મિષ્ટી કન્વીન્સ થઇ ગઈ પણ એણે બનાવટી ગુસ્સો કરવાનું ચાલુ રાખ્યું...

‘બેટર લક નેક્સ્ટ ટાઈમ’ નિશીથે વળી પાછી મિષ્ટીને છંછેડી..

‘ઠીક છે.... ઠીક છે..... હું પણ જોઈ લઈશ તને.... આટલો વખત જવા દઉં છું... જી લે અપની જિંદગી...’

‘થેન્ક યુ મેડમ’

ક્રમશ:.......