યુથ વર્લ્ડ અંક - ૩ Youth World દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુથ વર્લ્ડ અંક - ૩

અંક – ૩

ઓલનાઇન ગુજરાતી મેગેઝિન

Fb.com/YouthWorldOnline

આજનું મોતી

એક ના એક સુખથી પણ માણસ કંટાળી જાય છે. પરિવર્તન વિનાનું જીવન મૃત્યુ સમાન છે. પરિવર્તન એટલે જ જીવન અને જેમાં પરિવર્તન શક્ય નથી એ જ મૃત્યુ.

અનુક્રમણિકા

૧. કુદરતનો ઓટલો – મેહુલ સોની

૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા

૩. અમૃતજલ – પિયુષ કાજાવદરા

૪. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ

૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ

૬. અવરોધ – ભાવિક મેરજા

૭. ભલે પધાર્યા – પ્રવિણા મ્હાયાવંશી

૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી

૯. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ

૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની

૧૧. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ

૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ

૧૩. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ


૧. કુદરતનો ઓટલો – મેહુલ સોની

હ્યુમનોલોજી : પરફેક્ટ સાયન્સ + એપ્લાઇડ ફિઝીક્સ

આપણી આજુબાજુનું વિશ્વ અનેકાનેક ડાઈવર્સીટી ધરાવે છે. જો દરિયાકાંઠે ઊભા રહીને ઓબ્ઝર્વેશન કરીએ તો પાણી, પાણીમાં ઊછળતાં મોજાં, ફીણ, ઘુઘવાટને લીધે ડેસિબલમાં ઉદ્ભવતો અવાજ, બ્રિઝી કમ્પોઝીશન ઓફ ગેસિસ, કલાઉડ, આઇરોનિક સૂર્ય, નેવી બ્લુ આકાશ, પ્રકાશ, ડિફરન્ટ હાર્ડનેસ ધરાવતી રેતી અને પથ્થરો, લાઈવ ક્રીચર અને દરિયાકાંઠે ઊભેલો અવલોકનકાર..! તેના મનમાં રહેલા વિચારો અને એનો આનંદ. વિશ્વના કોઈ અન્ય સ્થળે પણ આટલી જ વેરાઇટી અને અસરોમાં કુદરત તમને દેખાશે. તે જ સમયે માનવમનમાં રહેલી આતુરતા પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે. પરિણામે આપણે આ તમામે તમામ પ્રથમ દર્શને અલગ ભાસતી ઘટનાઓને એકસૂત્રે જોડીને એક જ મૂળ રૂપનાં અલગ અલગ પાસાં તરીકે સમજી શકીએ છીએ. જેમ કે મિકૅનિક્સ અને થરમૉ-ડાયનૅમિક્સ. કણ એટલે અત્યંત સૂક્ષ્મ અણુથી માંડીને પૃથ્વી કે સૂર્ય પણ ગણી શકાય. ક્યાં રેફરન્સના આધારે ડિફાઇન થઈ રહી છે, તેના પર એ આધાર રાખે છે. માનવજાતની આ ક્ષમતા એને એ ઊંચાઈ પર લઈ ગઈ કે આજે આપણે જાણીએ છીએ કે દ્રવ્ય અને ઊર્જા એ એક જ મૂળભૂત વસ્તુનાં બે અલગ અલગ પાસાં છે, જેમની વચ્ચેનો સંબંધ આઇન્સ્ટાઈનનું પ્રખ્યાત સમીકરણ (ઊર્જા = દળ અને પ્રકાશની ગતિના ગુણાકારનો વર્ગ) વડે સ્થાપિત છે. આ સિવાય પણ બીજી પ્રથમ નજરે ભિન્ન લાગતી ઘટનાઓના તાર ફિઝિક્સે જોડ્યા છે. જેમ કે ઇલેક્ટ્રીસિટી અને મેગ્નેટિઝમ (બંનેના સંયુક્ત અભ્યાસને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહે છે). તેમ જ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને કવોન્ટમ મિકેનિકસ. સમગ્ર બ્રહ્માંડને અને એમાં બનતી ઘટનાને કોઈ એક મૂળ રૂપના અલગ અલગ પાસાં તરીકે જોવાં એ જ ફિઝિક્સનું મિશન છે.

ન્યુટનના ગ્રેવિટેશન અને સ્પિડ સંબંધી લો'ઝ વ્યક્તિના વ્યક્તિત્વ, વિચાર અને વર્તન સાથે બખૂબી કો-રિલેટ થાય છે. જેમ શરીરના બંધારણ માટે જનીનદ્રવ્ય મૂળભૂત છે તેમ ક્લાસિકલ સાયન્સ માટે ન્યૂટનના નિયમો જરૂરી છે.

ગતિના નિયમો:

પહેલો નિયમ: સ્થિર સ્થિતિમાં રહેલી વસ્તુ સ્થિર બની રહેશે જયારે ગતિમાં રહેલી વસ્તુ પર કોઈ એક્સ્ટર્નલ ફોર્સ આપવામાં નહિ આવે ત્યાં સુધી તે એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતી રહેશે.

ડોબો, ટોપો અને ગગો જેવા 'હુલામણા' નામથી ઓળખાતા ૨૫ વર્ષની અંદરની રેંજના જુવાનીયાઓ માટે ન્યૂટનનો પ્રથમ કારણભૂત નિયમ છે. પથ્થરની જેમ સ્ટેટિક કન્ડિશનમાં ઢસડાઈને જીવતા હ્યુમનને જ્યાં સુધી ધક્કો મારવામાં ન આવે ત્યાં સુધી તે પોતાની જગ્યા છોડતો નથી. વિચારશક્તિ ક્ષીણ થયેલી હોય તે પોતાની પ્રકૃતિ છોડતા નથી. તેમને કશુંક કહેવામાં આવશે ત્યારે જ તે પોતાની સ્થિતિ બદલશે. તેમનું માઈન્ડ કોરી પાટી હોય છે જેમાં બીજા એક્સ્ટર્નલ ફોર્સથી લખાણ કરવું પડે છે.

બીજો નિયમ: કોઈ પણ વસ્તુ પર લગાવેલ ફોર્સ તેની વેલોસિટીમાં થતા ચેન્જના રેટ જેટલું હોય છે.

નિયમ દર્શાવે છે કે, વસ્તુને મોશનમાં રાખવા માટે કોઈ એક પકારનો ફોર્સ જરૂરી છે. તેમ વ્યક્તિ સતત મલ્ટિપલ વર્કલિસ્ટ સાથે પૂરી એફિસિએન્સિ સાથે કામ કરી શકે માટે તેના પર અમુક ચોક્કસ પ્રકારનો ફોર્સ લાગવો જરૂરી છે. જે સેલ્ફ મોટીવેશનથી જ આવી શકે. જેમ કે, જુવાનીના પવનને રોકવા માટે મન નામનાં ઘરને બુદ્ધિના દરવાજા હોવા જરૂરી છે. વહેતી નદીને કાંઠા વડે રેઝિસ્ટન્સ ફોર્સ લાગે છે, તેથી જ તે લિનીઅર મોશનમાં ચાલ્યા કરે છે. કોઈ પણ ટોપિક પર જેટલું વધુ મનોમંથન (સ્વ:) કરવામાં આવે તેમ તેમાંથી ફ્રુટફૂલ આઉટપુટ મળે છે. જેટલું વધુ શરીર કસાય તેટલું જ વધુ મજબૂત બને છે. જે ડાળી પર વધુ ઝડપી ફળ પાક્યું હોય તે જ પહેલું નીચે પડે છે.

ત્રીજો નિયમ: દરેક ક્રિયાની સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે.

દરેક વિચારને હંમેશા બે ફાંટા હોય છે. હંમેશા લાઈફના દરેક ડેસ્ટીનેશન પોઈન્ટ પર ઉભા રહેતી વખતે બે જ રસ્તા હોય છે. ઉપરાંત, તે બંને રસ્તાઓ વિરુદ્ધ દિશામાં જ હોય છે. બંને રસ્તાનું મૂલ્ય તો સરખું જ. વળી, બંને રસ્તે એક સમાન પ્રકારની વિચારસરણી ધરાવતા લોકો જ હોય. એ બંનેમાંથી વે-સિલેકશન હંમેશા વ્યક્તિની થોટ-પ્રોસેસ પર આધારિત છે. તેના આધારે દરેકના મતે પાછો પોતાનો રસ્તો સાચો જ છે. બસ, માત્ર પરિણામ અલગ છે. વિચાર કોઈ પણ હોય, પરંતુ તેના પર વિમર્શ તો બંને બાજુએથી એકસમાન જ હોય. સિક્કો એક જ છે, બસ હેડ્ઝ અને ટેઈલ્સમાંથી કયું પસંદ કરવું તે આપણા હાથમાં છે. બંનેમાંથી જે પણ આવ્યું હોય, રમવાનું તો બંને એ જ છે ને ! જેમ સફળતા અને નિષ્ફળતાના ચોકઠાંની ફ્રેમ બનાવીને આપણે પોતાના રીજીડ થોટ્સમાં રાચીએ છીએ. છતાં, પરફોર્મન્સ તો બંને પરિસ્થિતિમાં આપવાનું જ છે.

વિજ્ઞાન એ માત્ર પુસ્તકથી અટકી જતું નથી. એ કોઈ ને કોઈ પરિવેશે 'લાઈવ લાઈફ' સાથે તન્મયતાથી જોડાયેલું છે. દરેક થિયરીને કોઈક સ્ટ્રોંગ પ્રૂફ છે, તેનું સિમ્પલીફિકેશન છે, ઈમ્પ્લીમેન્ટેશન છે. અલ્ટીમેટ,જે ક્ષણે પ્રેમને ગાણિતિક સૂત્રોમાં બાંધવામાં સફળતા મેળવીશું તે ક્ષણે આપણે પ્રેમ સમજી તો શકીશું જ. દુ:ખ, આનંદ, ઉન્માદ વગેરે જેવી માનવીય લાગણીઓ ફિઝીકલી નહિ તો રિલેટીવલી ન્યુટોનિયન ફિઝીક્સ સાથે જોડાયેલ છે જ. કો-રિલેટ કરતા જણાય છે કે જે પ્રક્રિયા સમગ્ર બ્રહ્માંડમાં આકાર લે છે તેવી રીતે જ તે અલગ સ્વરૂપે હ્યુમન સાથે કનેક્ટ થતી રહે છે. ઘણી વખત વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખનારાઓ પર એવો આરોપ મુકાય છે કે તેઓ કુદરતની સુંદરતાને માણવાને બદલે તેનું વૈજ્ઞાનિક પિષ્ટપેષણ કરીને સમગ્ર ચિત્રને ડલ કરી નાખે છે. જે જરા પણ સત્યતાની દીવાલો જોડે રિજીડ કનેક્શન નથી. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ ફૂલની સુંદરતા નીરખીને આનંદ પામે છે ત્યારે એ સુંદરતા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખનારાઓને પણ પ્રાપ્ય છે જ. બસ, એ બંને વિચારસરણી વચ્ચે વે ઓફ થિન્કિંગ અને સાયન્ટીફીક આઉટલૂકનો જ ફર્ક છે.

: પ્રાકૃત :

When you're young, you look at television and think, there's a conspiracy. The networks have conspired to dumb us down. But when you get a little older, you realize that's not true. The networks are in business to give people exactly what they want. – Steve Jobs

૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવીણ પિઠડીયા

રોબરી - પ્રકરણ-૩

(એચ.એફ.સી.બેંકની કેશ લઇ જતી વાન અચાનક ગુમ થઇ જાય છે. એ વાનમાં છ કરોડની રોકડ રકમ હતી. ઇન્સ. શેખડા તેનું ઇન્વેસ્ટીગેશન કરે છે....હવે આગળ વાંચો...)

છ-કરોડ જેટલી માતબાર રકમ વાનમાં હતી એ સાંભળીને શેખડાને પ્રથમ જે ખ્યાલ આવ્યો એ લૂંટનો હતો. જરૂર બ્રીક્સ સીક્યુરીટીઝના કર્મચારીઓએ ભેગા મળીને વાન લૂંટી લીધી હશે અને પછી પલાયન થઇ ગયા હશે એવો વિચાર તેના મનમાં આવ્યો. તેણે તરત એકશન લેવાનું શરૂ કર્યુ. સૌ પ્રથમ તો બ્રીક્સ સીક્યુરીટીઝની ઓફીસે ફોન કરી તેના મેનેજરને વાનની સાથે ગયા હતા એ કર્મચારીઓની ડીટેલ લઇને બેંકે બોલાવ્યો....બીજુ કામ તેણે એ સીક્યુરીટી ઓફીસરોના ફોનનું કરંટ લોકેશન જાણવા ફોન સર્વીસ પ્રોવાઇડર કંપનીમાં મેસેજ મુકયો.

“ શું નામ હતા એ લોકોના....?” શેખડાએ રાજન શેટ્ટીને વાનમાં ગયેલા કર્મચારીઓના નામ પુછયા. રોહીત શેખડાએ બીજી પણ એક વ્યવસ્થા તુરંત ગોઠવી હતી.....સોલા હાઇવેથી મેમનગર સુધીના રસ્તે દોડતી એક પી.સી.આર. વાનને મેસેજ કર્યો કે જો એ ઇલાકા(વિસ્તાર)માં બ્રીક્સ સીક્યુરીટીઝ લખેલી ડાર્ક બ્લ્યુ રંગની વાન નજરે ચડે તો તુરંત તેને અટકાવી ડીટેઇન કરવામાં આવે.

“ જી....વાનના ડ્રાઇવરનું નામ રતન છે અને તેની સાથે હતા એ ગનમેનમાંથી એકનું નામ વીકી ચૌબે અને બીજાનું નામ ધીરજ ચેટર્જી છે....” રાજને જણાવ્યુ. શેખડાએ મનોમન એ નામ ગણગણ્યા....રતન...વીકી ચૌબે....ધીરજ ચેટર્જી....

“ આ રતનની અટક શું છે....?”

“ જી....રતન જૈન....” રાજન બોલ્યો.

“ જૈન...ચૌબે...ચેટર્જી....ઓ.કે...” શેખડાએ કંઇક વિચાર્યુ. એ સમય દરમ્યાન બ્રીક્સનો મેનેજર મનોજ પાંડે ત્યાં આવી પહોંચ્યો હતો. શેખડાએ તેની પાસેથી તેના બંને ગનમેનની વીગતો લીધી.

“ પાંડે...જો આ કાંડમાં તારા માણસો શામેલ નીકળ્યા તો તું તારી ઓફીસને તાળા મારવાની તૌયારી રાખજે....” શેખડાએ મનોજ પાંડેને કહયુ. મનોજ પાંડે ત્રીસીમાં પ્રવેશેલો યુવાન આદમી હતો. તેને આ બનાવની ગંભીરતા સમજાતી હતી એટલે તેણે પોતે પણ પોતાની રીતે ચક્રો ગતીમાન કર્યા હતા.

લગભગ કલાક પછી એ વાનના સગડ મળ્યા...શેખડાએ જે પી.સી.આર.વાનને ફોન કર્યો હતો તે પી.સી.આર.માં ફરજ બજાવતા પી.એસ.આઇ.વાજાનો ફોન શેખડા ઉપર આવ્યો હતો. સોલા હાઇવે ઉપર તેમને બ્રીક્સની ડાર્ક બ્લ્યુ કલરની બંધ બોડીની વાન નધણીયાત હાલતમાં મળી આવી હતી. પી.એસ.આઇ.વાજાએ બા-કાયદા તેનો કબજો લીધો હતો.

સમાચાર સાંભળતા જ ઇન્સ.રોહિત શેખડા રાજન શેટ્ટીને સાથે લઇને જીપમાં ગોઠવાયો અને મારતી જીપે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. પી.એસ.આઇ.વાજાએ શેખડાને આવતા જોઇ સલામ ઠોકી અને તેને કઇ હાલતમાં વાન મળી આવી હતી એ જણાવ્યુ...અમદાવાદનો સોલા હાઇવે આમતો ટ્રાફીકથી ધમધમતો વિસ્તાર છે પરંતુ હાઇવે હોવાના કારણે રોડની આજુબાજુનો વિસ્તાર હજુ જોઇએ તેટલો વિકસ્યો નહોતો. ઘણોખરો વિસ્તાર હજુપણ ખાલીખમ હતો. કયાંક-કયાંક કોઇ જગ્યાએ અંદરના ભાગે ફેકટરીઓ ચાલુ થઇ હતી....એવી જ એક નિર્જન જગ્યામાં ડાર્ક નેવી બ્લ્યુ રંગે રંગાયેલી એક વાન ખડી હતી અને વાનના બંને પડખે બ્રીક્સ સીક્યુરીટીઝ લખેલું સ્પષ્ટ વંચાતુ હતુ. શેખડાએ સૌ પ્રથમ તો વાન અને તેના આસ-પાસના વિસ્તારનું ઝીંણવટથી નીરીક્ષણ કર્યુ. પ્રથમ દ્રષ્ટીએ જ લાગતુ હતુ કે વાનને ઇરાદાપુર્વક રોડની કિનારીએથી નીચે ઉતારી બાજુના સર્વીસ રોડ જેવા કાચા રસ્તે ઉભી રખાઇ હતી. શેખડા વાનની ડ્રાઇવીંગ સીટ તરફ ગયો...વાનના બારણાંનું હેન્ડલ પકડી ધીરેથી ખોલ્યુ અને થોડો નીચો નમી ડ્રાઇવર કેબીનમાં નજર નાંખી...કયાંય કોઇ ઝપા-ઝપીના કે હાથાપાઇ થઇ હોય એવા ચીન્હો દેખાતા નહોતા. તેનો મતલબ સ્પષ્ટ રીતે એ થતો હતો કે વાનના ડ્રાઇવર રતન જૈન અને તેની સાથે આવેલા બંને ગનમેન વીકી અને ધીરજે સાથે મળીને જ બેંકના પૈસા લૂંટયા હશે....જો કે પૈસા લૂંટાયા છે કે નહી તેની ખાતરી શેખડાએ કરવાની બાકી હતી એટલે ડ્રાઇવર કેબીનમાંથી બહાર નીકળી તે વાનના પાછળના ભાગે આવ્યો.

વાનનો પાછળનો દરવાજો બે ફાટકવાળો હતો....મતલબ એ દરવાજો અડધો-અડધો બંને તરફ ખૂલતો હતો. તે દરવાજો અત્યારે બંધ હતો અને તેને લગાવેલા આગળીયામાં તાળુ મારેલુ હતુ.

“ વાજા...આ તાળુ તોડાવો....” શેખડાએ કહયુ એટલે પી.એસ.આઇ.વાજા તેની પી.સી.આર.વાનમાંથી લોંખડની લાંબી રોડ લઇ આવ્યો અને તેને તાળામાં ભરાવી ઝટકો માર્યો....એક,બે અને ત્રીજા ઝટકે તાળાનો નકુચો ટુટ્યો. શેખડાએ ઝડપથી વાનનો આગળીયો ખોલ્યો અને અંદર નજર નાંખી....

વાનની પાછળના બંધ બોક્સની ફર્શ ઉપર કાળા રંગની પેટીઓ દેખાતી હતી....કુલ્લે છ મોટી સાઇઝની પેટીઓ હતી અને તે તમામ પેટીઓના ઢાંકણા ખુલ્લા હતા. તેમાં જે રોકડ રકમ ભરી હતી એ અત્યારે નદારદ હતી. શેખડાની શંકા સાચી પડી હતી. કોઇકે એચ.એફ.સી.બેંકના છ-કરોડ રૂપીયાની લૂંટ કરી હતી....અને એ કોઇક રતન, વીકી અને ધીરજ જ હશે એમાં શંકાને કોઇ સ્થાન નહોતું.


૩. અમૃતજલ – પિયુષ કાજાવદરા

સત્યકથા

"મહાન માણસ ની કોઈ વ્યાખ્યા નથી હોતી,

તે ખુદ પોતાના માં જ એક વ્યાખ્યા હોય છે."


અહીં હું કાઈ બીજું જ કહેવા માટે આવ્યો છું અને એ છે 'સંસાર' અને 'સત્સંગ'.


સંસાર હંમેશા એક પત્ની જે પતિ નો પ્રેમ, બાળકો નો વાત્સલ્ય ભર્યો પ્રેમ અને માં બાપ નો હુંફાળો પ્રેમ આપતો હોય છે અને જો આ બધા પ્રેમ માં આપણે પારંગત થઇ જઈએ તો મારું માનવું એમ છે કે ત્યાં લગભગ સત્સંગ ની જરૂર નથી પડતી. પહેલે થી જ માણસ અલગ તારી આવી છે.

અને

સત્સંગ એક એવું માધ્યમ છે કે જ્યાં માણસ પહેલે થી જ વિચારી રાખે છે કે ૪૦ ના થઇ ગયા એટલે હવે તો સત્સંગ જરૂરી છે.આપણી ઉમર હવે ભગવાન ને ભજવાની થઇ ગઈ છે તો મારું માનવું એમ છે કે પહેલા તમે ક્યાં હતા? કે અચાનક જ તમારા માં સત્સંગ નો ઉભરો ચડી આવ્યો છે? જે કાલ સુધી ફેશન માં રચ્યા પચ્યા રહેતા આજે એ જ લોકો તેના ૨૧ વર્ષ ના દીકરા કે દીકરી પાસે થી ભક્તિ કે સત્સંગ ની આશા રાખી જ કઈ રીતે શકે? અને આમ પણ એક હાથ થી તાળી પડવી અશક્ય છે. એટલે જ તો પરાણ ની ભક્તિ અને 'પરાણ' ની 'શક્તિ' ક્યારેય કામ માં આવતી નથી.


આજે અહી હું આજે એક અલગ જ વાત લઇ ને આવ્યો છું જે લગભગ તમારા જાણ ની બહાર જ હશે. મહાન વક્તા અને લેખક એવા જ્ય વસાવડા ના લેખ ના અમુક અંશો પણ આમાં જોડાયેલા છે. વાત એવી જ મજેદાર હશે કારણ કે જ્ય વસાવડા નું નામ પડે ત્યાં કાઈ નવું જ જાણવા મળતું હોઈ છે.

એક મહાત્મા ના જીવન નો 'કિસ્સો' અને 'હિસ્સો' જેણે પોતાના જ જીવન માં ઘણા સંઘર્ષો કર્યા તો પણ કપાળ પર ડફોળ અને ગાંડા નો જ ટેગ લાગ્યો પણ તે કોઈ દિવસ ઘાંઘા ના થયા કે ના તો પોતાની જિંદગી થી નાસીપાસ થયા, અને આજે તે ત્યાં બિરાજમાન છે જ્યાં લગભગ હાલ કોઈ ના પહોચી શકે પણ 'અભિમાન' અને 'અંહકાર' નામ ના આ બે શબ્દો ને એમણે પોતાના થી એટલા જ દુર રાખ્યા જેટલા દુર જવાની બાળપણ ને રાખે છે. પોતાના સુધી પહોચવા જ ના દે, અને આજે પણ નાના બાળક ની જેમ માસુમ અને દિલદાર જ રહ્યા છે.


તો સાંભળો એક સિદ્ધ મહાપુરુષ ની મોટીવેશન આપતી એક સત્ય કથા.


વર્ષો પહેલા ની સાચેસાચી વાત. ભાવનગર જીલ્લા નો એક વિદ્યાર્થી. એકદમ સીધો સાદો સ્વભાવ. ના કોઈ ની સાથે માથાકૂટ કે પછી ના કોઈ ની જેમ ગામ ના ચોરે બેસી ને ગામ ની પંચાત. પોતાની જ ધૂન માં અને પોતાની જ દુનિયા માં રચ્યા પચ્યા રહેવાનું વધુ પસંદ. મેટ્રિક ની પરિક્ષા માથા પર હતી. સુજતુ કાઈ ના હતું. તેને બીજા બધા ની જેમ ગોખણ પટ્ટી વાળું કામ પસંદ ના હતું અને એવો કોઈ ક્લાસ ના હતો કે જે તેને ત્યાં પૂરી રાખે. ક્લાસ રૂમ એની દુનિયા માટે જેટલો નાનો હતો એટલી જ એમની દુનિયા હતી.

પરિક્ષા માથા પર હતી ગોખણ પટ્ટી કરવા કરતા સમજી ને પરિક્ષા આપવાનું નક્કી થયું. પરિક્ષા તો હોંશભેર આપવા માં આવી પણ મન માં પુરતો સંતોષ ના હતો, અને ત્યાં જ પરિણામ ની તારીખ આવી ગઈ. સીધો જ બોમ્બ માથા પર ફૂટ્યો. ના-પાસ! અને એ જમાના માં નાપાસ એટલે દુનિયા રખડું નું સર્ટીફીકેટ ફાડે. ડફોળ નો ટેગ લગાવે પણ આ છોકરો કોઈ અલગ જ માટી નો બનેલો હતો દુનિયા ની કોઈ પરવા જ ના હતી મગજ માં. દુનિયા ના મેણા-ટોણા સાંભળી ને નાસીપાસ થવું તેની જિંદગી ની ચોપડી ના એક પણ પાના પર ના હતું.

ફરી એક વાર મહેનત કરી ને પરિક્ષા આપવાનું નક્કી કર્યું. આ વખતે મહેનત પુરતી હતી પહેલા કરતા વધુ પણ પરિણામ? પરિણામ તો ત્યાં જ અટકેલું હતું. ફિર સે ધડામ! નાપાસ! આ વખતે પણ નાસીપાસ થવાને બદલે પોતાની અંદર જ ચેક કર્યું. મહેનત તો બરાબર જ હતી તો પરિણામ પોતાના પક્ષ માં કેમ ના આવ્યું? ખામી ક્યાં રઈ ગઈ? સેલ્ફ એનાલિસિસ ના બેઝ પર તેને ખ્યાલ આવ્યો. મારા હાથ માં તો માત્ર કર્મ જ છે ફળ ની આશા હું કઈ રીતે રાખી શકું? હું ગમે એટલી મહેનત કરું જો પરિણામ ફેઈલ જ આવશે તો મારી બધી મહેનત તો નિર્થક જ નીવડશે. અહી એવું કોઈ મશીન તો છે નહી જે આ ગામ ના લોકો ને બતાવે કે મારી મહેનત તો પુરતી જ હતી પણ ફળ ના રૂપે મને નિષ્ફળતા જ મળી છે. મગજ માં વિચાર વહેતો થયો કે જેટલી મહેનત જરૂરી છે એટલું નસીબ પણ જરૂરી જ છે પરિણામ બદલવામાં.

કારણ સામે જ હતું. પહેલી ટ્રાઈ માં મહેનત ના હતી અને બીજી ટ્રાઈ માં મહેનત હોવા છતા નિષ્ફળતા જ મળી હતી એટલે મહેનત નો તો કોઈ સવાલ જ ના હતો.. સવાલ હતો માત્ર નસીબ નો જે અત્યારે એમના પક્ષ માં ના હતું. ફરી વાર વિચાર કર્યો અને પરિક્ષા આપી. આ વખતે તો માત્ર નસીબ ચેક કરવાનું હતું મહેનત તો પહેલા કરતા વધારે જ હતી.

અગેઇન સેમ રીઝલ્ટ ફેઈલ! પણ જો હૈયા માં હિમ્મત અને હોઠ પર રામ હોય તો નિષ્ફળતા સામે લડવાની તાકાત પણ બમણી થઇ જાય.મહેનત તો હતી જ પણ નસીબ ના હતું અને એ જગાડવા માટે ભગવાન ને પ્રાથના કરી પણ ભગવાને તો એમના નસીબ ની ફાઈલ ને જાણે કઠણ બાંધી ને મૂકી ના દીધી હોઈ અને અત્યારે તો એ ફાઈલ ખોલવાના બિલકુલ મૂડ માં ના હોય એવું લાગી રહ્યું હતું.


હવે આ સમયે શું કરવું? જયારે નસીબ નો જ સાથ નથી? ગતિશીલ મગજ માં તરત જ વિચાર આવ્યો. મારા હાથ માં કર્મ છે તો અત્યારે હું માત્ર એ જ કરીશ અને સાથે પર્તીક્ષા કરવા સિવાય મારી પાસે કોઈ ઉપાય પણ નથી, એટલે હવે તો માત્ર પ્રતીક્ષા જ કરવાની રહી. એમને હવે સમજાય જ ગયું હતું કે મહેનત કરીએ તો પછી પાછી ધીરજ રાખતા પણ શીખવું જ પડે. આજની જે મહેનત છે એનું પરિણામ આજે જ મળે એવું જરૂરી તો નથી અને કદાચ ભગવાને આપણા માટે કાઈ અલગ જ વિચારી રાખ્યું હોય એવું પણ બને. મહેનત ક્યારેય નિષ્ફળ જતી જ નથી એનું પરિણામ આજ નહી તો કાલે મળે જ છે. હવે સમય હતો હિમ્મત હરવા ને બદલે જીવન ની પીચ પર ટકી રહેવાનો એક બોલ પર વિકેટ જાય તો બીજા બોલ પર સિક્સ પણ લાગી શકે અને હારેલી બાજી જીતી પણ શકાય, એટલે જ તો પુરુષાર્થ સાથે પ્રાથના કરી પ્રતીક્ષા જરૂર કરી શકાય, અને એનાથી જ તો પ્રતીક્ષા કરવાની હિમ્મત મળે છે એં એમનું માનવું હતું, અને જો પછી પણ સફળતા ના મળે તો ભાંગવું તો બિલકુલ નહી. વિશ્વાસ ને અડગતા ના શિખરે બેસાડી દેવો ત્યારે જ જિંદગી બદલાય બાકી તો હારી ને બેઠેલા ઓની મોટી હરોળ છે.


હવે આ બધું થઇ ગયા પછી? સફળતા માટે ની મહેનત, પ્રાથના, અને બહુ બધી પ્રતીક્ષા પછી શું થાય? મેટ્રિક માં ૩ વખત ફેઈલ. આ જડ અને બુદ્ધી વગર ની એજ્યુકેશન સીસ્ટમ માંથી નાપાસ અને ડફોળ ના સર્ટિફિકેટ સાથે ધકેલી દેવા માં આવેલા એ વિદ્યાર્થી આગળ જતા શિક્ષક બને પછી લોક-શિક્ષક બને, કલાકાર અને કથાકાર બને, અને એવી ઉંચાઈના શિખરો પર પહોચે કે માત્ર વિદ્યાર્થી ઓ તો શું? શિક્ષકો, પ્રોફેસરો, વિવિધ ક્ષેત્રો ના તજજ્ઞો, મંત્રીઓ એમની પાસે વાંકા વળી ને બે હાથ જોડી ને આવે. એ પણ સલાહ લેવા માટે. માત્ર ગોખણ પટ્ટી ના કરી ને સમજેલું અને જાણેલું પરિણામ કેટલું ઊંચું મળે છે એ પહેલા સિદ્ધ અને પછી પ્રસિદ્ધ બની ને આ છોકરા એનું ઉદાહરણ પૂરું પાડ્યું.

તમે જાણો છો એ કોણ છે? એ યુવાન માત્ર ગુજરાત જ નહી પણ દેશ-દુનિયા ના પ્રિય એવા મહાત્મા, આત્મીય મોરારી બાપુ. આ પોતાની આખી જિંદગી બાપુ એ એક કાર્યક્રમ 'મારી નિષ્ફળતા માંથી હું શું શીખ્યો?' માં કહી હતી.

હવે તમે જ કહો ફક્ત પરિક્ષા ના પેપર સારા ના જાય, એટલા માત્ર થી સમાજ અને પરિવાર શું કહેશે એ શરમ અને ડર થી આત્મહત્યા કરવાની કે ભણવાનું મૂકી ને 'રણ-છોડ' બનવાનું નક્કી કરશો કે? પછી મોરારી બાપુ ની જેમ પોતાની જાત ને ઘસી ને બહેતર બનાવવાનું?


માર્ક્સ તો માત્ર ૨ આંકડા ના નમ્બર છે જે તમારું ભવિષ્ય નથી બતાવતા તે માત્ર આંકડા જ બતાવે છે અને જો એ જ તમારું ભવિષ્ય હોય તો આજે તમને ઘણા એવા રત્નો ના મળ્યા હોત જેમના પરિણામ માં મોટા અક્ષરો થી 'ફેઈલ' લખેલું આવતું.


૪. ફિલ્મી કિડા – રવિ રાજ્યગુરૂ

એક મુલાકાત ‘હાફ ટિકિટ’ ના નિર્માતા દિર્ગદર્શક સાથે

નમસ્કાર, યુથવર્લ્ડ મેગેઝિનની કૉલમ ‘ફિલ્મીકીડા’માં આપનું સ્વાગત છે. ગયા અઠવાડિયે ઓડિયો રેકોર્ડિંગ માટે રાજકોટ આવેલા નિર્માતા અશોકભાઇ સાકરીયા અને દિર્ગદર્શક આશીષભાઇ ભટ્ટ સાથે અમે તેમની આવનારી અર્બન ગુજરાતી ફિલ્મ ‘હાફ ટિકિટ – સ્ટોરી ઓફ લવ ટુ લગન’ વિશે વાતો કરી. પ્રસ્તુત છે અશોકભાઇ સાકરીયા અને આશીષભાઈ ભટ્ટની સાથે વિતાવેલી ક્ષણોની ખાટી મીઠી વાતો. હાલો ત્યારે...

  • અશોકભાઇ સૌ પ્રથમ તો અર્બન ગુજરાતી ફિલ્મો વધારે બની રહ્યા છે તેના વિશે શું કહેશો ?
  • અશોકભાઇ : અર્બનમાં બધા પોતપોતાના હિસાબે ફિલ્મો બનાવે છે. અર્બન એટલે માત્ર શહેરીકરણ હોય તેવી ફિલ્મોને અર્બન ફિલ્મ ના કહેવાય. સામાન્ય રીતે અર્બન જેવુ કઈ હોતું નથી પણ ટૂંકમાં અર્બન એટલે સ્ટોરી, મ્યુઝિક અને ટેક્નિકલી મજબૂત હોય એવી ફિલ્મોને અર્બન કહેવાય. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી ફિલ્મોને ટેક્નિકલી સુસજ્જ કરેલી હોય તો તેને પણ અર્બન ફિલ્મ જ કહેવાય છે.

  • હવે, અશોકભાઇ તમારી સ્ટોરી એક લવ સ્ટોરી છે અને સમન્યરીતે બધી જ લવસ્ટોરી કરતાં અલગ છે. તો આ પ્રકારની ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ?
  • અશોકભાઇ : અમારા પ્રોડકશનનું આ ચોથું ફિલ્મ છે. બધા ફિલ્મોમાં એક નવા વિચાર સાથે અમે આવીએ છીએ. આ ફિલ્મ આજના યુવાનોને જે વિષય પસંદ છે તે લવ સ્ટોરી છે, જે કોલેજ લાઈફને અનુરૂપ હોય. આજે રિયલ ટચ આવી ગયો છે. હવે પહેલા જેવુ નથી રહ્યું કે હીરો હેરોઇનના ઘરે કોઈ માનતું ના હોય તો બંને ભાગીને લગ્ન કરીલે અને ફિલ્મ પૂરું થઈ જાય. ભલે, અમારી ફિલ્મ ‘હાફટીકીટ’ યુવાનોને અનુરૂપ હોય છતાં આ ફિલ્મ બધા વર્ગના લોકો જોઈ શકશે જેમ કે નાના બાળકો, વૃદ્ધો, યુવાનો બધાને ફિલ્મ જોવી ગમશે.

  • આશીષભાઇ હવેનો પ્રશ્ન તમારા માટે છે કે ગુજરાતી ફિલ્મોમાં પણ હવે વુમન ડાયરેક્ટર આવી રહ્યા છે તો આશીષભાઇ એક ડાયરેક્ટર તરીકે તમારે વુમન ડાયરેક્ટર્સ માટે શું કહેવું છે ?
  • આશીષભાઇ : સર, આમાં વુમન કે મેલ ડાયરેક્ટર્સ જેવુ કઈ જ નથી. આ બધુ તો આપણે જ જુદું પાડેલું છે. બાકી જોવા જઈએ તો આપણામાં જે શક્તિ છે એ જ શક્તિ સ્ત્રીઓમાં રહેલી છે, એમ કહીએ તો પણ ચાલે કે સ્ત્રીઓમાં આપણાં કરતાં પણ વધુ શક્તિ રહેલી છે. ફરાહ ખાન છે અને ઝોયા અખ્તર પણ છે, આપણે જોઈ રહ્યા છીએ કે તેઓ કેટલી કમર્શિયલ ફિલ્મો આપી રહ્યા છે. વુમન છે એટલે તેઓ વુમન ઓરિએન્ટેડ ફિલ્મો જ આપે એવું નથી સારું સિનેમા આપે એ મહત્વનું છે.

  • સર, ગુજરાતી ફિલ્મોમાં પણ વિદેશના લોકેશન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. તો ફિલ્મોમાં લોકેશન્સ કેટલા જરૂરી છે. ગુજરાતમાં જ એવા લોકેશન્સ પર ફિલ્મો બની શકે છે તેના વિશે તમે શું કહેશો ?
  • અશોકભાઇ : મુખ્ય તો વિષય છે. ડાયલોગ પછી કોમેડી ફિલ્મો માટે પંચીસ મહત્વના છે અને લોકેશન તો સ્ક્રીપ્ટની ડિમાન્ડ પર આધારિત હોય છે જેમ કે કોલેજ લાઈફ પર ફિલ્મ હોય તો ત્યાં કોલેજ બતાવવાની હોય છે. મુખ્ય હાલના સમયમાં ડાયલોગ અને સબજેક્ટ મહત્વનો છે. વિષય અને સંવાદ લોકોને ગમે તેવો હોવો જરૂરી છે.

    આશીષભાઇ : હવે, ઇન્ટરનેટના લીધે લોકેશન્સ તો લોકોને જોવા મળે જ છે અને પ્લસમાં બૉલીવુડ અને હોલીવુડ ફિલ્મોમાં વિદેશી લોકેશન્સ હોય જ છે, દસ – પંદર વર્ષ પહેલા લોકેશન્સ ફિલ્મની એક નોવેલટી હતી પરંતુ હવે એવું રહ્યું નથી. તો વસ્તુ એ જ છે કે તમે ફિલ્મને કેવી ટ્રીટમેન્ટ આપો છો તે મહત્વનું છે. અમારી ફિલ્મ ‘હાફટીકીટ’ ફક્ત યંગસ્ટર્સ ઓરિએન્ટેડ જ નથી પરંતુ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ છે. નાના બાળકો અને વૃદ્ધોને પણ આ ફિલ્મને જોવાની મજા આવશે.

  • વર્તમાન સમયમાં બોલિવુડમાં જે રીતે આઈટમ સોંગ્સનું મહત્વ રહે છે તેમ ગુજરાતી ફિલ્મોમાં શું આઈટમ સોંગ્સ જરૂરી છે ખરી ?
  • અશોકભાઇ : ના, મારા મતે આઈટમ સોંગ આપણાં ગુજરાતની સંસ્કૃતિ નથી. આથી એવી કોઈ ખાસ જરૂર નથી.

    આશીષભાઇ : આઈટમ સોંગ ગુજરાતી ફિલ્મોમાં જરૂર નથી પડતી. હા, એવી વિષયવસ્તુ હોય તો અલગ વાત છે. જરૂરી નથી કે તમે પરાણે લોકોને આકર્ષવા આઈટમ સોંગ ફિલ્મમાં ગમે ત્યાં બેસાડી દો. લોકોને એટરેક્ટ કરીને મૂકી દેવા તેનો કોઈ અર્થ નથી. ‘હાફટીકીટ’ માટે હું ખાસ કહીશ કે જેટલી પણ અર્બન ફિલ્મો આવી છે તેમાં સંગીતનો ફાળો બહુ જ ઓછો રહ્યો છે, જ્યારે ‘હાફટિકિટ’માં મનોજભાઈ-વિમલભાઈએ આપેલા સંગીતનો બહુ જ મોટો ફાળો રહ્યો છે.

  • ઘણી બધી ફિલ્મો હીરોઈન પ્રધાન ફિલ્મો બની રહી છે, જેમ કે હાલમાં આવેલી ‘નિરજા’ ફિલ્મમાં સોનમ કપૂરના ખૂબ જ વખાણ થયા તો શું ગુજરાતી ફિલ્મોમાં એવી કોઈ રિયલ ઈનસિડેન્ટ પર આધારિત હિરોઈન પ્રધાન ફિલ્મો બની શકે જેમાં બધોજ ભાર હિરોઈન પર હોય ?
  • અશોકભાઇ : બિલકુલ બની શકે, જેમ મેં પહેલા વાત કરી એમ મેઈન સબજેક્ટ છે. વિષયમાં હિરોઈનનું મહત્વ આલેખાયું હશે. વાર્તા સારી સચોટ અને લોકો પર છાપ છોડે તેવી હશે તો ડેફીનેટલી હિરોઈન પ્રધાન ફિલ્મો ગુજરાતમાં પણ બનશે જ.

    આશીષભાઇ : અર્બન જે રીતે અશોકભાઇ થોડીવાર પહેલા બોલ્યા એમ એક માત્ર વિચારોની વાત છે ‘અર્બન’. બાકી સંજય લીલા ભણશાલીએ ‘રામલીલા’ ફિલ્મ બનાવ્યું તે અર્બન ના કહી શકાય. આમ છતાં લોકોને ગમ્યું છે અને લોકોએ વખાણ્યું છે. આ વસ્તું તમારા વિચારો અને તમારી ટ્રીટમેન્ટ પર છે. જો કોઈ સારો વુમન ઓરિએન્ટેડ સબજેક્ટ આવે અને ટ્રીટમેન્ટ જબરદસ્ત અપાયેલી હોય તો હંડ્રેડ પરસેન્ટ ફિલ્મ સક્સેસ જવાની જ છે. આઈ એમ શ્યોર કે એવા આર્ટિસ્ટ્સ એવા એક્ટર્સ અને એવી ટેકનિકલ ટીમ આપની પાસે છે જ અને ભવિષ્યમાં ‘બાહુબલી’ જેવી ટેક્નિકલી સજ્જ ફિલ્મો ‘ગુજરાતી’માં બનશે એવું હું માનું છું.

  • તમારી ફિલ્મ ‘હાફટીકીટ – ફ્રોમ લવ ટુ લગન’ ના કન્સેપ્ટ વિશે જણાવશો ? ટાઇટલ જ એટલું એટરેકટેડ છે કે ટાઇટલ વાંચીને જ ફિલ્મ જોવાની ઈચ્છા થઈ જાય તો આ ટાઇટલ પાછળનો હેતુ શું છે ?
  • અશોકભાઇ : ‘હાફટીકીટ’નો અર્થ અડધી ટિકિટ થાય. અમારી ફિલ્મમાં ‘હાફટીકીટ’ એક કેરેક્ટર છે. આ ‘હાફટીકીટ’ ને વટાવવાની વાત ફિલ્મમાં જોવા મળશે. અડધી ટિકિટને તમારે વટાવવી હોય તો તમારી પરિસ્થિતી કેવી થાય? (હસે છે) તો આ અડધી ટિકિટને કેવી રીતે વટાવવી એ વાત ફિલ્મમાં છે.

    આશીષભાઇ : ‘હાફટીકીટ’માં જે યંગસ્ટર્સ છે, તેઓ કેવી રીતે બે પરિવાર જે દુશ્મન હતા, તેને એક કરે છે તેની વાત છે. તેઓ પોતાના પ્રેમથી જગતને જીતે છે અને બે પરિવારને જીતી લે છે. બસ આનાથી વધારે સ્ટોરી વિશે કઈ ના કહી શકું (હસે છે) બાકી તમે ફિલ્મમાં જોશો જ કેવી છે ‘હાફટીકીટ’.

    ‘હાફટીકીટ’ ના નિર્માતા અશોકભાઇ સાકરીયા અને દિર્ગદર્શક આશીષભાઇ ભટ્ટના ઇન્ટરવ્યૂ પછી તો તરત જ ‘હાફટીકીટ’ જોવાનું મન થયા વગર રહેતું નથી. તેમની સાથે થયેલી વાત મુજબ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમા ઘરોમાં ધૂમ મચાવશે અને ખાસ ફિલ્મમાં અત્યંત આધુનિક ઢબે રચવામાં આવેલું ખ્યાતનામ ગુજરાતી સંગીતકાર બેલડી ‘મનોજ-વિમલ’ નું સંગીત અને તેની સાથે રાહુલ વેગડની કલમે લખાયેલા અને પામેલા જૈન, ઐશ્વર્યા મજમુદ્દાર અને (ગુજરાતનાં કુમાર શાનું એટલે કે) જય ચાવડા દ્વારા ગવાયેલા ગીતો યુવધનોના હૈયાઓને ડોલાવશે તેવી આશા સાથે ફિલ્મ ‘હાફટીકીટ – લવ ટુ લગન’ ની ટીમને યુથવર્લ્ડ મેગેઝીન તરફથી હાર્દિક શુભેચ્છા. આવતા વખતે ફરી કોઈ ફિલ્મીકીડા સાથે મુલાકાત કરીશું અને ત્યાં સુધી આવજો..

    રવિ એ. રાજ્યગુરૂ

    ઈ-મેઈલ :


    ૫. કાવ્યકુંજ – અર્ચન ભટ્ટ પટેલ

    જ્યારે આપણે કોઈનાં ગળાડૂબ પ્રેમમાં હોઈએ, ત્યારે દરેક જગ્યાએ, હર ક્ષણ - પ્રતિક્ષણ એનાં જ વિચારોમાં રત હોઈએ છીએ, એ કોઈક ગમતીલાની રાહ આપણે હર વખત જોતાં હોઈએ છીએ, અને એ રાહ જોવી કેવી મીઠી લાગે તેવી જ એક રજૂઆત અહીં એક પ્રિયતમા પોતાનાં મનનાં માણીગરની રાહ જોઈ રહી છે તેની મનોઉર્મઓ અહીં આ શબ્દચિત્રમાં વ્યક્ત થયા વિના રહેતી નથી.....

    હું તારી રાહ જોઉં છું
    મને તો ખબર જ છે કે
    આજે નહીં તો કાલે
    તું અહીં આવશે જ....
    પણ તેમ છતાંય
    મને તારી રાહ જોવાની ટેવ પડી ગઈ છે
    હું તારી રાહ જોઉં છું ને જ્યારે,
    ત્યારે જરાય બ્હાવરી નથી થતી
    પણ -
    તું આવશે ની રાહમાં ને રાહમાં
    સુખથી વ્યાકુળ થઈ જાઉં છું
    તું જ્યારે દૂર દૂર થી આવતો હશેને
    ત્યારે તને ખબર જ હશે કે
    હું તારી રાહ જોઉં છું
    પણ તને ખબર છે ?
    કેટલો બધો હોય છે સુખથી વ્યાકુળ થવાનો આનંદ ?
    કારણ-
    સાંજનો સમય
    જ્યારે ખીલેલાં ગુલાબની પાંદડીઓને
    પોતાનાં ખભે બેસાડીને
    દૂર દૂર લઈ જાય છે
    ત્યારે
    ક્ષણભર માટે મનેય પાંખો ફૂટે છે
    અને હું
    ઊડી શકું છું
    આપણાં આગવાં કલ્પવિશ્વમાં...!!!

    - અર્ચના ભટ્ટ પટેલ


    ૬. સાયન્સ એન્ડ સ્પેસ – ભાવિક મેરજા

    -મંગળ ગ્રહ... જોવા જઈએ તો મંગળ ગ્રહ ઘણા સમય થી રહસ્યમય રહ્યો છે અને ખરેખર આપણાં મનમાં પણ ક્યારેક એવો પ્રશ્ન તો ઉઠતો જ હોય છે કે શું ખરેખર મંગળ ગ્રહ પર જીવન સંભવ હશે?
    બીજા ઘણાં બધા ગ્રહો,ચમકતા તારા,ઉલ્કાઓ અને પૂછડીયા તારાને પણ આપણે ભારે વિસ્મયપૂર્વક જોતા હોઈએ છીએ અને તેની રચનાઓ ને જાણવાનો પ્રયત્ન કરતા હોય છીએ. અને આજકાલ તો ઘણા જ્યોતિષો મંગળ ગ્રહ થી લોકો ને અને ભોળી પ્રજા ને ડરાવવા પણ લાગ્યા છે પરંતુ વૈજ્ઞાનિકો માટે તો મંગળ ગ્રહ ખુબ રહસ્યમય અને આશાસ્પદ ગ્રહ છે. નાસા એ મંગળ ગ્રહ પર સંશોધન કરવા માટે ખાસ માર્સ મિશન મોકલ્યું હતું. નાસાની ખોજ પ્રમાણે લગભગ ચાર બીલીયન વર્ષ પૂર્વે સૂર્ય-પવનો ને કારણે મંગળ ગ્રહ પરનું વાતાવરણ નાશ પામ્યું હતું. આ ખોજ પરથી ખારું પાણી નીચેની તરફ વહેતુ હોવાનું જણાય છે. નાસાએ મોકલેલા માર્સ મિશન ની આ ફળશ્રુતિ છે તેવું સુપ્રસિદ્ધ અવકાશયાત્રી ક્રિસ હેડફિલ્ડ નું મંતવ્ય છે. આ આંતરરાષ્ટ્રીય દર 92 મિનિટે પૃથ્વીની આસપાસ ચક્કર લગાવે છે.
    ~
    અન્ય શ્રેષ્ઠ ખોજો...-
    અંતરિક્ષ વાસીઓને અંતરિક્ષમાં એક સૌ ખાલી એવું ક્ષેત્ર મળ્યુંતું જેને સુપરવોઇડ પણ કહે છે અને એવું કહેવાય છે કે તે અત્યાર સુધીમાં મળેલું સૌથી બિગેષ્ટ ઓબ્જેક્ટ કહેવાય છે,તે કોલ્ડ સ્પોર તરીકે પણ ઓળખાય છે અત્યારે તે સાવ ખાલી છે પરન્તુ તેમાં 10હજાર ગેલેક્ષી સમાવી શકાય તેટલું વિશાળ છે.-
    ધી કેપ્લર સ્પેસ ટેલોસ્કોપે પૃથ્વી જેવોજ એક ગ્રહ શોધી કાઢ્યો,તે હવે કેપ્લર તરીકે પણ ઓળખાય છે અને એવું કહેવાય છે કે તે પૃથ્વી થી 1400 પ્રકાશવર્ષ દૂર છે અને પૃથ્વીથી 60 ગણો પહોળો છે.-
    ત્યારબાદ બીજી શોધ કે જે નવાઈ પમાડે તેવી કે નાસા ના ન્યુ હોરીઝન spescraft એ શોધી કાઢ્યું કે પ્લુટો નામના ગ્રહ પર પણ પાણી ના કેટલાક તળાવો છે.આ જળાસયો લાલ રંગના બરફની જેમ છવાયેલા છે અને એવું પણ તારણ આવ્યું છે કે પ્લુટોનું આસપાસનું વાતાવરણ પણ પૃથ્વી જેવું ભૂરું છે.-
    આમ,તો અંતરિક્ષ ને આંબવાની રેસ 50ના દાયકાથી શરુ થઇ ગઈ હતી સૌથી પહેલા રશિયાએ સ્પુટનિક નામનું યાન અંતરિક્ષમાં મોકલીને વિશ્વને ચોંકાવી દીધું હતું.ત્યારબાદ અમેરિકાએ પોતાની સર્વોપરિતા સાબિત કરવા અંતિરક્ષયાન મોકલ્યું અને સાથે સાથે બે અંતરીક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ આલડ્રાન ને મોકલ્યા અને આજ કારણથી રશિયા અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધ થયું અને આજે વળી એક બીજાના સાથી છે.જેના કારણે જ આજે વિશ્વ ને નવા નવા સંશોધનો પ્રાપ્ત થઇ રહ્યા છે.-
    મંગલ પર રોવર નામનું એક વાહન ઉતારવામાં આવ્યું છે.આ વિહિકલ મંગળ પરના ઉબળખાબડ રસ્તાઓ પર ચાલી સકે છે.એના પર અનેક સેન્સર્સ લગાવવમાં આવ્યા છે તે મંગળ પરના હવામાન,તાપમાન,મંગળ ભૂમિમાં રહેલા તત્વોથી માંડીને પાણી વિશેની રસપ્રદ માહિતી અને તસવીરો પૃથ્વી પરના કંટ્રોલરૂમ ને મોકલે છે અને આ બધા સંશોધનને આધારે વૈજ્ઞાનિકો એવી ધારણા પર આવ્યા છે કે મંગલ ગ્રહ પર બેક્ટેરિયા જીવી સકે તેવી સિસ્ટમ તો કંઈક છેજ.
    બીજા ઘણા બધા અંટ્રીક્સયાત્રીઓનું માનવું છે કે મંગલ ગ્રહ પર ભલે જળાશયોના રૂપમાં પાણી નથી પરંતુ ભેજવાળી જમીનના પાતળા પડ માં થોડું તો પાણી છે અને તે સંશોધન ચેલેન્જર હશે! કારણ કે વિજ્ઞાન ના સીધા નિયમ મુજબ જ્યાં પાણી છે ત્યાં જીવન છે પછી ભલે તે ગમે તે સ્વરુપમાં હોય!
    હાલ તો મંગળ ગ્રહ પર કોઈ જીવન શક્ય નથી અથવા તો જો છે તો તેનો કોઈ પુરાવો આપણી પાસે નથી પરન્તુ હવેના મળતા પુરાવાને આધારે પાણીના અસ્તિત્વની આશાને કારણે મંગળ પરનું સંશોધન એક નવા જ તબક્કામાં પ્રવેશે છે.
    આ બ્રહ્માંડ માં આપણે તો સૌ સુક્ષમ કણ જેવા છીએ.આપણે યુનિવર્સનું કેન્દ્ર પણ નથી.બ્રહ્માંડમાં આપણાં જેવા અસંખ્ય ગ્રહો અને તારા છે.એ બધા આપણાં થી અત્યંત દૂર છે છતાં દૂર-દૂર ટમટમતા તારાઓની કે ગ્રહોની દુનિયા કેવી છે તે જાણવાની ઉત્સુક્તાનો અંત કદી આવવાંનો જ નથી.
    -
    ભાવિક મેરજા


    ૭. ભલે પધાર્યા – પ્રવિણા માહ્યાવંશી

    મજબુત ઇરાદો

    શું તમે તમારા લક્ષ્ય માટેનો,સંકલ્પ મજબૂત કરીને રાખ્યો છે ?

    આપણે કંઈક કરવાની ઠાની તો લઈએ છીએ,પણ જ્યાં મજબૂત ઇરાદો ના હોય ત્યાં આપણે ટકી શક્તા નથી. લક્ષ્ય પણ બનાવી લીધું, પણ મન જ ડગલે ને પગલે ડગમગી રહ્યું હોય,તો લક્ષ્ય સુધી પહોચવું અશક્ય બની જાય છે.અને આ ડગમગવાનું કારણ છે કે, આપણે આપણા લક્ષ્ય માટે, પોતાની જાત સાથે કમીટમેંટ નથી કર્યું. ધેટ્સ મીન્સ....આપણે આપણા ગોલ માટે સિરીયસ હજું થયા નથી.

    હેય યુથ, તો ચાલો....આવો વાંચીએ.....ઇરાદો મજબૂત કરતો પ્રેરણાદાયી વ્યક્તિઓની એક સફળ ગાથા.....

    યૂથ એટલે જુવાન જ નહી પણ તન અને મનથી એકદમ ફ્રેશ....પછી ભલે ને ઉંમર ૬૦ ની ઉપર કેમ ન હોય.......

    અરુણીમાં સિન્હા (Born 1988),રાષ્ટ્રીય સ્તર પર રમનાર વોલીબોલનાં ખેલાડી,૧૧ એપ્રિલ ૨૦૧૧ ની રાત્રે પદ્માવતી એક્સપ્રેસમાં લખનઉ થી દિલ્લી જઈ રહ્યાં હતાં. પોતાનાં માર્ગે જતી ટ્રેનમાં અધવચ્ચે જ કેટલાક લુંટારુઓએ, અરુણીમાંનાં ગળામાં પહેરેલી સોનાની ચેન ને છીનવી લેવાનો પ્રયત્ન કર્યો, પ્રયત્ન નિષ્ફળ જતા ચોરોએ મળીને ચાલતી ટ્રેનમાંથી અરુણીમાં ને બહાર નીચે ફેકી દીધી.

    નજીકનાં ટ્રેક પર બીજી આવતી ટ્રેન અરુણીમાં નાં ડાબા પગ ઉપરથી નીકળી ગઈ,જેમાં એમનું પૂરું શરીર લોહીથી લથપથ થઈ ગયું હતું. એમનો ઈલાજ ચાર મહિના સુધી દિલ્હીમાં આવેલા AIIMS માં ચાલ્યો,જે માં અરુણીમાંનો ડાબો પગ તો જતો જ રહ્યો હતો,પરંતુ જમણા પગમાં પણ લોખંડની સળી બેસાડવામાં આવી હતી.

    અરુણીમાં એક મધ્યમ પરિવારથી હતી, અરુણીમાં લોકોની નજરમાં એક લાચાર અને અસહાય દેખાતી હતી ,તથા કેટકેટલા આરોપોનો સામનો કરી રહી હતી,તે દિવસો દરમિયાન અરુણીમાં ડિપ્રેશનમાં પણ આવી ગયા હતાં.પણ અરુણીમાં હાર નહી માન્યા.

    અને જીવનનું લક્ષ્ય બનાવ્યું કે તેઓ હિમાલયની સૌથી ઉંચી પર્વત એવેરેસ્ટનાં શિખરને ફતેહ કરશે. આ ટ્રેનની ઘટના પહેલા અરુણીમાં ક્યારે પણ પર્વતારોહી માટે, નાં કોઈ પ્રકારની ટ્રેનીંગ,કે નાં પર્વતચઢાણ માટે વિચાર્યું હતું. આ લક્ષ્ય પોતાનાં પરિવારજનોને તથા બીજા લોકોને ખબર પડતા,બધાએ એમને પાગલ કહીને, વાત હસીને ઉડાવી દીધી.

    પરંતુ અરુણીમાં નો ઇરાદો એકદમ મજબૂત હતો. તેઓ ડગી જાય એમાંના ન હતાં, અરુણીમાં ને બધાને દેખાડવું હતું કે શું થયું, એ વિકલાંગ છે તો....,પોતાનાં જુસ્સાથી,મગજથી તો વિકલાંગ નથી ને ?

    હવે એમને કુત્રિમ પગ લગાડવામાં આવ્યો હતો, AIIMS માંથી રજા લેતા,પહેલું કામ ભારતની,એવરેસ્ટ પર્વત પર ચઢનાર પહેલી મહિલા પર્વતારોહી, “બછેન્દ્રી પાલ” ને મળ્યા,અને એમના નિગરાની હેઠળ અરુણીમાં એ ટ્રેનીંગ લેવાની શરૂઆત કરી.મુશ્કેલીઓ ઘણી આવી ,પણ મન ને જરા પણ વિચલિત ન કરતા, ટ્રેનીંગ પૂરી કરી.

    પ્રશિક્ષણ પૂરું કર્યા બાદ,અરુણીમાંએ એવેરેસ્ટની ચઢાઈ શરૂ કરી, 52 દિવસની કઠોર ચઢાઈ બાદ,૨૧ એપ્રિલ ૨૦૧૩ નાં દિવસે એવેરેસ્ટનાં શિખરે પહોંચનાર, વિશ્વની પહેલી વિકલાંગ મહિલા પર્વતરોહી બન્યાં.

    અરુણીમાંએ અહિયાં જ લક્ષ્ય પૂરું નથી કર્યું,વિશ્વના સાત મહાદ્વીપોના શિખરની ચોટીને ફતેહ કરવાનું લક્ષ્ય રાખ્યું. આમાંથી કેટલાક પર્વતોનાં શિખરો પર તિરંગો લહેરાવ્યા બાદ, પોતાની મંજિલને પામવા આગળ વધી રહ્યાં છે.

    અરુણીમાં કહે છે કે, “હું પણ બીજાની જેમ મારી કમજોરીને લઈને બેસી રહેતે,પણ મને લાચાર થઈને બેસી રહેવું ન હતું ,મેં મારી કમજોરીને જ હથિયાર બનાવી આગળ વધી,પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું. કમજોર હું પગથી હતી, પણ દિમાગ અને દિલથી નહી, મેં મારું લક્ષ્ય મારા દિલ અને દિમાગથી હાસિલ કરી બતાવ્યું.

    જીવનમાં મોટું કે નાનું, કોઈ પણ લક્ષ્ય હોય ,પણ એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મનમાં જોશ અને મજબૂત ઇરાદો જોઈએ. મુશ્કેલીઓ ઘણી આવશે. આપણાને ડગમગાવી દેવા સામે હજારો કારણો પણ આવશે. સમસ્યાથી ભાગવા કરતાં એમનો સામનો કરી આગળ વધવું, ત્યારે જ ખરી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

    એવું જ એક બીજું ઉદાહરણ લઈએ.

    ચીનનાં સૌથી ધનાઢય લોકોમાંથી એક નામ જૈક મા (Jack Ma – September 10 ’1964) નું પણ આવે છે. જેઓ અલીબાબા નામની કંપનીના સ્થાપક છે.

    જૈક મા,એક ગરીબ પરિવારથી હતાં. તેર વર્ષના હતાં ત્યારથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરી હતી ,આ અંગ્રેજી શીખવાનું કામ ચીન માં ખૂબ જ કમી લોકો કરતાં. અંગ્રેજી શીખવા માટે જૈક મા એ કોઈ ટ્રેનીંગ નથી લીધી, પરંતુ પોતે જ ટુરિસ્ટ ગાઈડ બનીને, ટુરિસ્ટોને ફેરવતા તેઓ અગ્રેજીમાં વાર્તાલાપ કરી અગ્રેજી શીખી ગયા હતાં. જૈક મા એ ટુરિસ્ટ ગાઈડનું કામ નવ વર્ષ સુધી કર્યું હતું.

    જૈક મા પાંચમાં ધોરણમાં બે વાર નાપાસ થયા હતાં ,જયારે ધોરણ આઠ સુધી ત્રણ વાર નાપાસ થયા હતાં. એક સમય એવો પણ આવ્યો હતો,જયારે KFC એ પણ જૈક મા ને નોકરી આપવા ઇનકાર કર્યો હતો.

    જૈક મા નું માનવું છે કે કોઈ પણ ભૂલો તમારા લીધે એક શાનદાર રેવેન્યું છે. ૨૦ ની ઉંમર સુધી એક સારા વિદ્યાર્થી બનો. એન્ટપ્રેન્યોર બનવા માટે તમને થોડે અનુભવ લેવો જરૂરી છે. ૨૫ ની ઉંમર સુધી પર્યાપ્ત ભૂલો કરવી જોઈએ. જૈક માં કહે છે કે વારંવાર પડો પણ હર વખતે ઊઠો. અસફળતાથી ક્યારે પણ ગભરાવું ન જોઈએ.

    મજબૂત ઇરાદાવાળા વ્યક્તિઓ :

  • ભણવામાં આગળ વધી પ્રગતિ સાધનારો ક્યારે પણ બહાના નથી દેખાડતો,જો ભણવુંજ હોય અને ઈરાદો પાક્કો હોય તો, કયા પણ કારણો હોય,એમાંથી બહાર નીકળી આગળ જરૂર જશે.
  • જેણે ધંધો જ કરવો હોય કે પછી જોબ,એ પણ ગરીબીના રોદણા કે પછી પૂરતી ડિગ્રીઓ નથી મેળવી એનો અફસોસ જતાવી રડવા નથી બેસી જતા ,એ હોશિયારીથી પોતાનો રસ્તો કાઢી જ લેશે.
  • જેણે પોતાનું લક્ષ્ય હાસિલ કરવું હશે એ પણ પોતે વિકલાંગ છે કે પછી બીમારીથી પીડિત છે, ભલે એ પુરુષ હોય કે મહિલા કે બાળક કે પછી વૃદ્ધ હોય ,એની અસમર્થતા લઈની બેસી નહી રહેશે,પણ આ જ કમજોરીને તાકાત બનાવી પોતાનું ધાર્યું મેળવી લેશે.
  • મજબૂત ઇરાદો કેવી રીતે બનાવીએ :

  • હોય જો આપણે આપણા કાર્યને કોઈપણ ભોગે સફળ બનાવા ઈચ્છતા,તો તે કાર્ય માટે જુસ્સેદાર બનવું પડશે,નિર્ણયો લેતા શીખવું પડશે.
  • મુશ્કેલીઓ નાની હોય કે મોટી,કોઈ પણ બાબતમાં આવવાની જ છે,તો ભાગવાને બદલે સમજદારીથી હલ કાઢવું પડશે.ઉંમરમાં નાના હોય કે મોટા,દરેક વ્યક્તિઓ પાસેથી કે કોઈ પણ માધ્યમથી સારી પ્રેરણા લેતા રહો.
  • હકારાત્મક વલણ રાખવું પડશે,કઈક નવું કરવાની ખેવના રાખવી પડશે.આદતો બદલવી પડશે ,સંજોગો પ્રમાણે પોતાનો વળાંક લેવા પડશે,અને કમ્ફર્ટ ઝોન થી બહાર નીકળવું પડશે.
  • છેલ્લે જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માગતાં હોય એ કાર્ય માટે પ્રેમ,અને આત્મવિશ્વાસ હોવું ખૂબ જ જરૂરી છે. પછી ભલે એ કાર્યમાં આપણે કેટલી વાર પણ અસફળ થઈએ,પણ પ્રયાસો લાગદાર કરતા રહેવાં પડશે.
  • I don’t want to be well known

    I want to be respected

    -Jack Ma


    ૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી

    ધૃજવતો બંગલો – પ્રકરણ - ૩

    તે દિવસે બધાએ નક્કી તો કરી જ લીધુ કે જવાનુ છે. પરંતુ બધાના મનમાં એક જ સવાલ હતો કે તેઓ મુર્ખામી તો નહી કરી રહ્યાને. બીજે દિવસે કોલેજ બ્રેકમાં બધા એકઠા થયા ત્યારે, “આજે રિસેષ પછીના લેકચર બંક કરી ફાઇનલ ડિસકશન કરી લઇએ” મયુરે કહ્યુ “બસ ગાઇસ હવે બહુ લેક્ચર બંક કર્યા. આમ રોજ રોજ લેકચર બંક કરવાથી નહિ ચાલે આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ. અભ્યાસ એ આપણી પ્રાથમિકતા છે અને આમ લેક્ચર બંક કરે રાખ્યા તો પતી ગયુ સમજો. વળી પછી ટ્રીપમા જવા માટે અઠવાડિયુ આખુ બંક જ કરવાનુ છે પહેલા મહેતા સરને આપણા પર શક જશે તો આપણો વારો નીકળી જશે. અધુરામા પુરૂ તેનો ટ્રસ્ટી મંડળમાં પણ સમાવેશ કરી લીધો છે.” દિવ્યાએ કહ્યુ. “તારી વાત તો સાચી છે પણ જો લેક્ચર બંક ન કરીએ તો ડિસકશન કઇ રીતે કરવુ” વિનયે કહ્યુ. “એક કામ કરીએ કાલે સાંજે આપણે કોલેજ બહાર કોઇ એક જગ્યાએ એકઠા થઇએ અને ત્યાં સુધીમાં બધા વિચારી લઇશુ.પછી નિરાંતે ચર્ચા કરીએ” દિવ્યાએ કહ્યુ. “ઓ.કે. ડન કાલે સાંજે આપણે બધા રેસકોર્સ ગ્રાઉન્ડ પર મળીએ” સોનાક્ષીએ કહ્યુ. “ચાલો અત્યારે લેકચરમાં જઇએ” સમીરે કહ્યુ. બીજે દિવસે બધાએ આજ્ઞાંકિત સ્ટુડન્ટની જેમ કોલેજ ભરી અને સાંજે પાંચ વાગ્યે બધા રેસકોર્સ ગ્રાઉન્ડમાં એકઠા થયા. આવતા સાથે જ મયુરે કહ્યુ, “આપણે બધાએ ત્યાં જવા માટે કોઇ ફુલપ્રુફ પ્લાન બનાવવો પડશે, નહી તો આપણું જવુ મુશ્કેલ છે.આપણા પેરેન્ટસ આપણને આ રીતે નહી જવા દે.”


    “સાંભળો ગાઇસ મે એક પ્લાન વિચારી લીધો છે કે ગર્લ્સ એન્ડ બોયસ હોસ્ટેલમાં આપણે કોલેજના નામનો એક લેટર મોકલાવીશુ કે કોલેજ તરફથી રિર્સચ કેમ્પમાં આપણે જવાનુ છે તો ત્યાંથી તો જવાની મંજુરી મળી જ જશે અને આપણે બેનેફીટ છે કે ગર્લ્સ હોસ્ટેલમાંથી વૃંદા અને સોનાક્ષી અને બોયસ હોસ્ટેલમાંથી મયુર અને વિનય સિવાય આપણી કોલેજમાં કોઇ આવતુ નથી તો કોઇને ખબર નહી પડે કે આ લોકો ખોટુ બહાનુ કરે છે.” સમીરે કહ્યુ. “ઓ.કે. ગ્રેટ આઇડિયા પણ જરા સમજી વિચારીને બધુ કરજે.હોસ્ટેલમા જો કોઇને જરા પણ શક જશે તો બહુ મોટો ઇસ્યુ ઉભો થશે.” સોનક્ષીએ કહ્યુ. “હોસ્ટેલ વાળાનુ તો સમજાયુ પણ મારા પેરેન્ટસ મને એમ એકલીને કયાંય જવા દેશે નહિ.તેઓને કેમ સમજાવીશુ તે જરા વિચારો” દિવ્યાએ કહ્યુ. “તારા પેરેન્ટસને સમજાવવાનો એક બેસ્ટ આઇડિયા છે મારી પાસે” સોનાક્ષીએ કહ્યુ. “એ એમ કાંઇ આસાનીથી નહિ માને તુ એને ઓળખતી નથી.તે બધી વાતની પુરતી તપાસ કરશે અને પછી તેને યોગ્ય લાગશે તો જ હા કહેશે નહી તો ના પાડી દેશે.” “યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ કે અમે શું કરીએ છીએ.તારા પપ્પા તને હા જ કહેશે.” સોનાક્ષીએ કહ્યુ. પછી બધાને ઇશારાથી પાસે બોલાવી વર્તુળ કરીને ધીરેથી બધાને સમજાવી દીધા. બધા સોનાક્ષીનો આઇડિયા સાંભળીને એકદમ ખુશ થઇ ગયા.શનિવારે દિવ્યાના ઘરે જવાનુ નક્કી કર્યુ.સમીરે તો કહ્યુ તે પોતાના માતા પિતાને સમજાવી લેશે. હોસ્ટેલ પર મોકલવાના લેટર આજે જ ટાઇપ કરી લેવાનુ નક્કી કર્યુ. મિટિંગ પુરી થઇ એટલે વિનય સીધો જ લેટર ટાઇપ કરવા સાઇબર કાફેમાં ગયો ત્યાંથી તેના મિત્રને અમદાવાદ મેઇલ કરી દીધો અને તે જ અમદાવાદથી હોસ્ટેલમાં લેટર મોકલાવે એવુ કહ્યુ એટલે ડાઇરેકટ કોલેજની હેડ ઓફિસ અમદાવાદ છે અને ત્યાંથી જ લેટર આવ્યો છે એવુ લાગે અને કોઇને કાંઇ શંકા ન જાય. વિનયે મેઇલ કરી દીધો એટલે એકદમ ખુશ થઇ ગયો.બીજે દિવસે કોલેજ બ્રેકમાં બધા એકઠા થયા ત્યારે શું શું વસ્તુઓ સાથે લઇ જવી પડશે તેનુ લિસ્ટ બનાવવા લાગ્યા.હોકાયંત્ર, ટોર્ચ, નવા સેલ, જંગલમાં પહેરવાના ખાસ જુતા, મચ્છરને હટાવવાનો સ્પ્રે, તંબુ, ખાસ અણીદાર ચપ્પુઓ, લાયસન્સ વાળી ગન , મિર્ચી સ્પ્રે!!!!!!!!!!!!!!!!!! “મિર્ચી સ્પ્રે ! કેમ સોનુ મિર્ચી સ્પ્રે લખાવ્યો?” સમીરે પુછ્યુ “કોઇ પ્રાણી ઓંચિતા હુમલો કરવા આવે તો મિર્ચી સ્પ્રે મારી દઇએ તો બચવુ સહેલુ પડે” સોનાક્ષીએ કહ્યુ. “ અરે વાહ સોનુ ક્યા બાત હે વેલ ડન” દિવ્યાએ કહ્યુ. “એ ગાઇસ આ લાયસન્સ વાળી ગનનુ શુ કરશું?” મયુરે પુછ્યુ. “ડોન્ટ વરી ફ્રેન્ડસ મારા અંકલ ફૉજમાં હતા તેની પાસે ઘણી ગન છે.હુ બે-ત્રણ ગનનો એરેન્જ કરી લઇશ” વિનયે કહ્યુ. “ઓ.કે.બધુ નક્કી થઇ ગયુ.બધી વસ્તુની વ્યવસ્થા કરી લઇશુ કોઇને કાંઇ બીજુ યાદ આવે તો કહેજો ચાલો બ્રેક પુરી થઇ ગઇ.” વૃન્દાએ કહ્યુ. બધા લેકચરમાં ગયા ત્યારે સોનાક્ષી સમીરની સામેની બેંચ પર બેઠેલી હતી ત્યાં સમીરે તેને એક ચીઠ્ઠી પાસ કરી.સોનાક્ષીએ ચીઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં સાંજે પાંચ વાગ્યે કાફે હાઉસમાં મળવાનુ લખ્યુ હતુ.સોનાક્ષીએ તેની સામે જોઇને આંખથી સંમતિ આપી દીધી. સાંજે પાંચ વાગ્યે સોનાક્ષી સમીરને મળવા કાફે હાઉસમાં પહોંચી ગઇ.દર વખતની જેમ સમીર તેની રાહ જોતો હતો.બંન્ને એકબીજાને મળવા ખુબ જ આતુર રહેતા હતા.બંન્ને કોલેજમાં તો સાથે અભ્યાસ કરતા હતા પરંતુ ત્યાં કોઇ દિવસ તેઓ એકલા મળતા ન હતા હમેશા તેઓના ગ્રુપ સાથે જ મળતા હતા.આવી રીતે કોઇક વાર બહાર મળતા હતા.બંન્નેને ખબર હતી કે તેઓના પ્રેમ સંબંધની ખબર પડશે તો બંન્નેને સાથે ભણવા પણ નહી દે અને સાથે એક શહેરમાં પણ નહી રહેવા દે. તેથી તેઓ સાવ છુપાઇ છુપાઇને મળતા હતા.સોનાક્ષી આવી એટલે સમીરે કોફીનો ઓર્ડર આપી દીધો અને પછી બોલ્યો, “પેલા કંજુસ ચંબુએ આપણને બહુ મોટો મોકો આપી દીધો છે. એકબીજા સાથે પુરા એક વીક સુધી રહેવાનો મોકો! આઇ એમ વેરી એકસાઇટેડ”

    “બટ સમીર મને ખુબ જ ડર લાગે છે.આપણે ત્યાં સાથે રહેશુ તો.................” અધુરૂ વાક્ય મુકીને સોનાક્ષીએ સમીર સામે જોયુ.

    “ઓહ માય ડીયર જાન.તને મારા પર હજુ વિશ્વાસ નથી?? હુ તને પ્રેમ કરુ છુ તારા આત્માને. હું અત્યારે તારા શરીરને પામવાનો વિચાર નથી કરતો તારા શરીરનો રોમાંચ તો હુ લગ્ન માટે રિઝર્વ રાખીશ ડોન્ટ વરી. મારે તો બસ તારી સાથે રહેવુ છે. તારી સાથે સમય પસાર કરવો છે. તુ મને બહુ ગમે છે. તારા પર મારો જ અધિકાર છે અને મારા સિવાય તારા અને તારા શરીર પર બીજા કોઇનો હક નથી.” “થેન્કસ અ લોટ જાનુ .તારા પર વિશ્વાસ છે મને,ધેટસ વાઇ આઇ લવ યુ અ લોટ.”

    “થેન્કસ એન્ડ આઇ લવ યુ ટુ. આપણે એક પુરા વીક સુધી સાથે રહેવાનુ છે તો હુ વધારેમાં વધારે સમય તારી સાથે વિતાવવા માંગુ છુ પરંતુ કોઇને શંકા ન પડે એ રીતે આપણે ટાઇમ સ્પેન્ડ કરવાનો છે. આપણા ગૃપમા પણ જો કોઇને આપણા સબંધ વિષે શક ગયો અને ભુલથી પણ આ વાત આપણા પરિવાર સુધી પહોંચશે તો આપણું તો આવી જ બનવાનુ છે અને આપણે બન્ને હંમેશા માટે દુર થઇ જ્શુ. “ડોન્ટ વરી,આપણા ફ્રેન્ડસ આપણને અને આપણા સબંધને સમજી શકે તેવા છે. મને તે બધા પર વિશ્વાસ છે કે તેઓ કોઇને પણ આ વાત ન જ કરે પરંતુ આપણે સાવધાની તો રાખવી જ પડશે. આપણા વિષે વધારે લોકોને ખબર ન પડે તે જ સારૂ છે.પરંતુ કેટલો સમય આમ છુપાઇ છુપાઇને મળશુ અને એકબીજાને પ્રેમ કરતા રહેશું? ક્યારેક તો આ બધી વાત આપણા પરિવાર સામે આવવાની જ છે ને?” સમીરે કહ્યુ. “તુ આવુ ન બોલ. મને તો પરિવારની વાત આવતા જ પગ ધ્રુજે છે. હું તો ક્યારેય મારા મમ્મી કે પાપાને આપણા વિષે વાત કરી શકુ તેમ નથી. એક જ ઉપાય છે કે આપણે કોઇને પણ ખબર ન પડે તેમ ઘર છોડીને ભાગી જવુ પડે બાકી બીજો કોઇ વિકલ્પ મને તો સુઝતો નથી. પણ આ બધી વાત અત્યારે જરૂરી નથી. પહેલા સ્ટડી કમ્પ્લીટ થાય અને કેરિયર સેટ થયા બાદ આ બધુ વિચારવાનુ છે.” સોનાક્ષીએ કહ્યુ. “સોનુ તુ કહે છે તેમ આ બધુ સહેલુ નથી, આપણે ભાગી જશુ તો તેઓ સામસામે લડીને એકબીજાના જીવના દુશ્મન બની જશે. તુ માને છે તેટલુ સહેલુ નથી.” સમીરે કહ્યુ. “લીવ ધેટ ટોપિક પ્લીઝ. જે થશે તે થશે પણ અત્યારથી આ બધુ ડીસ્કસ કરવાથી શું ફાયદો છે? કારણ વિના મગજ પર ટેન્શન લેવાનો શું ફાયદો? અત્યારે તો આપણે મળ્યા છીએ તો એકબીજા સાથે ટાઇમ સ્પેન્ડ કરીએ બાકી આગે આગે દેખા જાયેગા.” સોનાક્ષીએ આંખ મારતા સમીરને કહ્યુ.

    બંન્ને ઘણીવાર સુધી સાથે રહ્યા અને અંધારુ થતા છુટા પડયા.


    (ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર)

    brgokani@gmail.com




    ૯. બુક રીવ્યુ – જિજ્ઞા પટેલ

    અકૂપાર

    લેખક:- ધ્રુવ ભટ્ટ

    ‘અકૂપર’ એટલે એક અદભૂત નવલકથા. ‘ફાઉન્ટેન ઓફ જોય’ જેને શબ્દોમાં મુલવવી મારા માટે કપરું જ નહિ પણ બહુ કાઠું છે. લેખક ધ્રુવ ભટ્ટને કોણ નહિ જાણતું હોઈ? અલબત સાહિત્યની દુનિયામાં ઘુસેલા સૌ કોઈ તેના શાબ્દિક ચમત્કારના પરચાઓથી વાકેફ જ હશે. તેઓએ નવલકથા ક્ષેત્રમાં અજોડ ખેડાણ કર્યું છે. તેમની લેખન શૈલી એટલી ઈન્ટરેસ્ટીંગ છે કે આપણે અનાયાસે પણ બૂકથી જોડાયેલા રહીએ છે. તેમની નવલકથાના શીર્ષક જ એટલા લોભાવના હોઈ છે કે આપણને વાંચવા માટે મજબુર કરી નાખે.

    “ જે

    રચાઈ અગ્નીઓથી,

    ઉદ્ભવી આકાશમાં.

    જળમાંથી પ્રગટી

    અને

    વાયુઓ વડે સજીવન થઇ.

    જે હજીયે

    ધારણ કરી રહી છે

    આ ચારેયને.

    તે, તત્વરૂપ પૃથ્વીને અર્પણ...”

    પુસ્તક અર્પણ કર્યાના શબ્દો જ એટલા મોંઘા છે કે એ પુસ્તકને વાંચ્યાનું ઋણ વસુલ કરાવડાવે તેવા છે.

    ‘અકૂપર’ શબ્દના આમતો ઘણા અર્થ થાય છે. મહાભારતની કથા સાથે સંકળાયેલા આ શબ્દને લેખકે બહુ તાર્કિક રીતે મુક્યો છે. શીર્ષક પાછળનું સંપૂર્ણ કથાનક તેમાં વિગતવાર દર્શાવેલું છે. જેમાં એક અર્થમાં ‘અકૂપર’ એટલે ‘કાચબો’ એવું છે. નવલકથાનું મુખ્ય હાર્દ કાચબાની માફક ધીમી ગતિએ સમગ્ર ગીર વિસ્તારનું ખેડાણ કરવાનું છે. લેખક એક ચિત્રકાર તરીકે એક કોન્ટ્રાકટ મુજબ ગીર વિસ્તારના જુદા-જુદા ચિત્રોને તેમની પીંછીથી આકાર આપવાનું બીડું જડપે છે. ક્યારેય ના જોયેલા આ જંગલમાં ભયાનક-હિંસક પ્રાણીઓની વચ્ચે તેમણે કુલ 50 જેટલા ચિત્રો બનાવવાના હતા.

    લેખક તેમના આ કામને પાર પાડવા માટે ગીરની ગોદમાં પ્રવેશ કરે છે. પેહલે જ દિવસે સિંહ ભુટકે છે. રુવાડા ખાડા થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે રંગીલી-મસ્તાની-અલ્હડ-બહાદુર- સ્પષ્ટ વક્તા અને સિહણને ‘રમઝાના’ કહીને તેની સખી માફક ફરતી ‘સાંસાંતી’ નામની ગીર કન્યા તેને રમતા-રમતા સિહણ પાસેથી પસાર કરાવે છે. સાંસાંતી, આયમા, રવિભા, ગોપાલ, મુસ્તુફા, કિરણ, ધાનું, રતનબા.....આવું તો બહુ લાંબુ લીસ્ટ આ નવલકથાના પાત્રોનું છે. કેમકે એકે-એક ચિત્ર દોરવા પાછળની અલગ-અલગ કહાની છે અને એ કહાનીના પાત્રો પણ અલગ અલગ. લેખક આ બધા પાત્રોની વચ્ચે અત્યંત આત્મીયતા અનુભવે છે. ‘સૌરાષ્ટ’ ની મહેમાનગતિને એ બહુ લાંબા સમય સુધી માણે છે. ગીરની એકે-એક ટેકરી, જાળી, નદી, ગુફા, વનસ્પતિ, પ્રાણી, બોલી, વગેરેનો તલ સ્પર્શી અભ્યાસ આપણને વિચારતા કરી મુકે તેવો છે.

    ‘ગીર એટલે શું?’ એ આ નવલકથાને આત્મસાત કરી લઈએ તો સંપૂર્ણપણે સમજી જઈએ. ‘માલધારીઓ’ના આપણા ‘હાવજો’ ને બચાવવાના ઉમદા પ્રયાશો, ગીર પ્રત્યેની તેમની વફાદારી, અનન્ય પ્રેમ અને સમર્પણભાવ જોઈ મન પ્રસન્ન થઇ જાય. અમુક પ્રસંગો, સંવાદો આંખને ભીની કરી દે તેવા છે. સીધા દિલમાં જ ઉતરી જાય. અમુક બનાવો એકાંતમાં પણ ખીલખીલાટ હસાવે તેવા છે. લેખક પોતાને ‘હું’ કહે છે અને એ ‘હું’નો આપણને બહુ નજીકથી પરિચય થાય છે. લેખક પોતાની જાત સાથે જે સંવાદો કરે છે એ ફૂલ ઓફ ફિલોસોફી છે. ડાયરીમાં કાયમ માટે સચવાય તેવા વિચાર છે. પોતાને જે રીતે સમજાવે છે, સાથ આપે છે, નિર્ણય લેવામાં મદદ કરે છે એ માણસ અંદરનો માણસ આપણને આપણી અંદરના માણસને સમજવા માટે ઉદાહરણ રૂપ છે.

    નવલકથાનો મુખ્ય વિષય માનવજાતિ અને પ્રાણીઓના આત્મીય સંબંધો આધારિત છે. દરેક સજીવ સંવેદનશીલ હોઈ છે. સિંહ જેવો સિંહ પણ પ્રેમથી વશમાં થઇ જાય છે. પ્રાણી સાથે લાગણીની આપ-લે નું જીવંત ચિત્ર એટલે ‘અકૂપર’. લેખકે બનાવેલા એ દરેક ચિત્રો પણ સ્થળ-કાળની સ્પષ્ટ રેખા આપણી સામે રજુ કરે છે. અંતે લેખકનો પ્રવાસ પૂર્ણ થાય છે અને એ સંપૂર્ણ ગીરમય બની જાય છે.

    આ નવલકથાનું નાટકીય રૂપાંતર પણ થયેલું છે. જે કોઈએ આ નવલકથા નો આસ્વાદ નથી માણ્યો એ ક્યાંક કંઇક ચુકતા હશે એમ કેહવામાં કોઈ ભૂલ નથી. ખરેખર ધ્રુવ ભટ્ટને વાંચવા એ એક લાહવો છે.

    ~ જિજ્ઞા પટેલ

    ૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની

    સતત અપડેટ જરૂરી ? કે દેખાડો ?


    નાનકડું બાળક ખૂબ મોંઘા રમકડાંની માગણી કરે છે. પહેલી વાર આટલા વર્ષોની અંદર એના માં-બાપ એને ના પાડે છે પણ બાળ હઠ કોને કહેવી? થોડા દિવસોની માથાકૂટ પછી એક શરતે તેઓ રમકડું અપાવે છે કે આ સાલ હવે બીજા કોઈ રમકડાં નહીં અપવાય અને રમકડું આવી જાય છે બાળક ખુશ થઈ જાય છે આખી શેરીને તે બતાવે છે બધા જોડે રમે છે પણ થોડા દિવસો બાદ જ્યારે મિત્રો જોડે નવા રમકડા જોય છે ત્યારે તેનો મોહ ઉડી જાય છે અને રમકડું સાઈડમાં રહી જાય છે પણ પેલી શરતને લીધે તે નવા રમકડાંની વાત તો મૂકી નથી શકતું. (
    ફાધર વાલેસના લેખના અંશો) *****

    એક સાહિત્યકારે એક વખત પોતાની માટે કહ્યું હતું "
    મારી રાશિ કન્યા છે તે લોકો જીદ્દી અને લાગણીશીલ છે હું પણ એવો છું જે જોઇએ તે મેળવું એ જ પ્રગતિનું કારણ છે પણ મુશ્કેલી એ છે મળ્યા બાદ તેનું આકર્ષણ રહેતું નથી"
    આ વાત માત્ર કન્યા રાશિ પૂરતી લાગુ પડે તેમ નથી આ વાક્યમાં આખી જીંદગીનો સાર આવી ગયો કેમ કે अति परीचयात अवज्ञता
    નજીકથી દેખેલું મુવી હંમેશા બ્લર દેખાય એના clear જોવા માટે દૂરની ટિકિટ એ પણ જેટલી દૂર એટલી મોંઘી લેવી પડે જેમ નજીક પહોંચીએ તેમ તે સસ્તી બની જાય.
    નવો નવો પ્રેમ હોય ત્યારે એક રોમાંચ પેદા થતો હોય છે. એકબીજા વગર જીવાય નહીં એવી લાગણી પણ આવે છે દરેક આશિક કવિ બની જતો હોય છે. સોશિયલ નેટવર્ક પર આખો દિવસ ગુડ મોર્નિંગ થી ગુડ નાઈટ સુધી જોડે હોય અને પછી લગ્ન થાય એટલે થોડા સમય બાદ તું પહેલા જેવી નથી રહી અને સામેથી તું પણ બદલાઈ ગયો છે આવી ફરિયાદ આવે છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરી આગળ વધવામાં સુખ છે નહીં તો બંનેએ જોયેલા સપનાનું બાષ્પીભવન નક્કી
    દૂરના દેશો આથી જ કદાચ લિવ ઈનમાં માનતા થઈ ગયા. બંધનો જ તણાવ અને દુઃખની જનેતા છે જે લિવ ઈનમાં ભોગવવા નથી પડતા. આ શબ્દનો સ્વીકાર કરવા માટે સમાજની મેચ્યોરીટી મહત્વનો ભાગ ભજવે છ જે ભારતીય સમાજ જોડે હજુ નથી સમય લાગશે આ વસ્તુને હજુ.
    આ સિક્કાની બીજી બાજુ જોઈએ તો આ માનવ જાત જે માત્ર ગુફામાં છોકરા પેદા કરવાનું કામ કરતી તે માનવ જાત આજે મંગળ પર પણ પહોંચી ગઈ છે. સતત અપડેટથી ક્રિકેટ કેટલું બદલાયું છે એ પણ નોંધવું રહ્યું જ્યાં 250 રન થયા તોય જીતી જતા ત્યાં હવે એટલા રન તો 20 ઓવરમાં થતા હોય છે.
    આખી જિંદગીના અમુક વર્ષ બાદ એક ઘર કે કાર કે કોઈ અન્ય વસ્તુ જેના માટે આપણે આપણે બહુ ઢસરડા કર્યા હોય રાત દિવસ એક કર્યા હોય અને તે મળી જાય પછી એની પાર્ટી કરી લઈએ થોડો સમય બાદ માર્કેટ અપડેટ થયું નથી કે ઘર કારને અપડેટ કરવા દુઃખી થઈ જઇએ છીયે એક રીતે આસઁતોષ પ્રગતિનું કારણ છે પણ માત્ર લાય લાય કરવાથી પ્રગતિ નથી મળતી દુઃખ મળે છે.
    ક્યાં અટકવું ક્યાં અપડેટ કરવું એ માત્ર આપણા હાથમાં છે આપણી જરૂરિયાત અને આપણી ઈન્કમ પર તો સૌથી વધુ આધાર રાખે છે. લોલીપોપ બરોબર કામ કરતું હોય તો માર્શમેલો માટે ન જવું જોઈએ એ વાત ઉતારવા જેવી છે લગ્ન અને પ્રેમમાં સતત અપડેટ ન થવાય યાદ છે ને ટાઈગર વુડઝ? એ તો વાર જ કરાય પછી આપણાં નસીબ.
    Winning shot
    આ કોલમનું નામ પણ 'નવી દ્રષ્ટિએ' છે


    ૧૧. પ્રેમ પ્યાલો – સુલતાન

    લવ ટ્રાએંગલ – પ્રકરણ ૩

    લગભગ એ રવિવારનો દિવસ હશે જયારે સંધ્યા વેળા ઢળી ચુકી હતી આકાશ ભૂખરા આછા રતાશ પડતા રંગમાં રંગાવા લાગ્યું હતું. આભમાં સોનેરી કિરણો અને મોબાઈલ રીંગટોનમાં પ્રીતના સુર રેલાવતું સંગીત વાગતું હતું. મને એક પળ માટે સમજાયું પણ નઈ હોય એટલી ઝડપે બે આંખો મારા અંતરપટ પર છવાઈ ગઈ અને મારી નઝર મળી લગભગ ક્ષણિક સમય માત્ર માટે એણે મને અને મેં એને જોઈ હશે. હાલના અનુભવો મુજબ દર્શાવું તો આ જીવનની ચોપડીમાં પ્રેમના પ્રથમ પ્રકરણના અધૂરપની કદાચ નવા શિરેથી શરૂઆત ત્યારથીજ થયેલી. જે આખુય પુસ્તક માત્ર એના ઓળગોળજ રચાયું હતું જેની શરૂઆત આંખોમાંથી ઉપજતો પ્રેમ હતો અને સામાજિક વિકારોમાંથી ઉપજતી અવિશ્વાસની લાગણીજ એનો અંત.

    ઓહ, હા કલ્પનાની દુનિયા અને વાસ્તવિકતાની રજૂઆત લગભગ એક સરખી હોય છે. સાંભળનારને તો એવુજ લાગે જાણે આ ભાઈ ક્યાંક ખોવાઈ ચુક્યો છે એના ભૂતકાળના એ દિવસોમાં અને રજુ કરનાર હળપળ એજ આશા સેવતો બેઠો હોય કે સાંભળનારની આશા સાચી ઠરે.

    મેં એને પ્રથમ વખત એટલે ફક્ત એક ઝલક અને પલકાર માત્રની ક્ષણ પુરતીજ જોઈ. ગણતરી મુજબ કઉ તો પાંચ વર્ષ પહેલા ૨૦૦૧ની સાલમાં જોઈ હતી. મહેસાણા શહેર અને મોઢેરા ચોકડીથી સાતસો મીટર દુર અમદાવાદ હાઈવે પર આવેલી એ લાંબીલચક પુષ્પકુંજ સોસાયટી. હું પણ ત્યાજ રહેતો હતો અને એ પણ ત્યાજ રહેવા આવી હતી નજીકના ઘરમાં. એના વિષે મારે શું કહેવું એજ મને નથી સમજાતું પણ સમય સાથે વ્યક્તિના મૂલ્યાંકનની સ્થિતિ બદલાતી રહેતી હોય છે. સામાન્ય રૂપ, દેખાવ, પરિવાર અને દિલને એક પળ માટે ધડકતું રોકી દે એવું અહલાદક પ્રભાવશાળી વ્યક્તિત્વ. વધુ વખાણ કરવા મારી પાસે શબ્દો નથી મારા માટેતો શૃંગારના બધાજ શબ્દો એના અસ્તિત્વ માટેજ રચાયા હોય એવું લાગે છે. આવા વિચાર અને દિલમાં બદલાતા વિચારો સાથેજ દિલનું ડીપાર્ટમેન્ટ અવળે પાટે દોડવા લાગ્યું હતું.

    આગળનો દિવસ એટલે કે સોમવારની સવાર અને સ્કુલ જવાની ઉતાવળ એટલે ઝડપ પણ એટલીજ હોય જ. ઓહ હા વેલ કહેવાનું રહી ગયું ત્યારે હું પાસેની સ્કુલમાંજ ધોરણ ૧૨ કોમર્સમાં હતો. પણ પાછલા દિવસની જેમ એના વિચારો મારા મનમાં આમ તેમ ભટકતા અને દોડતા હતા અને જાણે દરેક સ્થાને મારી આંખો એજ ચહેરાને નિહાળતી હોય તેમ સ્થગિત થઇ જતી હતી. જીવનમાં એવા ઘણા પ્રસંગો આવતા હોય છે જે વ્યક્તિના માનસિક પટલ પર પોતાની ઊંડી છાપ છોડી જતા હોય છે કદાચ, આ મારા જીવનનો એજ પ્રસંગ હોય એવું મને લાગ્યું અને એક ચહેરો મારા વિચારોમાં સંપૂર્ણ પણે છવાઈ ગયો. આ ચહેરો એનો ના હતો પણ, એનો આભાસ એના રૂપ અને અહેસાસ કરતા જરાય નોખો પણ ના હતો. શા માટે ? મને આજ ચહેરો પાછલા એક વર્ષથી દેખાતો, અનુભવતો અને તડપાવતો પણ હતો ? મારું મન કેટલાય સવાલો કરતુ હતું પણ એના જવાબ ના હતા. આ એવી બીજી વિલક્ષણ ક્ષણ હતી જયારે કોઈ ચહેરો અને કોઈનું અસ્તિત્વ મારા પર હાવી થઇ રહ્યું હતું. જયારે અને જે પળથી મેં એને જોઈ હતી એ ચહેરો મારા દિલો દિમાગમાં વાગોળતો હતો પેલો પેલાથી તાડપાવતો ચહેરાનો અસ્પષ્ટ આકાર અને આ સ્પષ્ટ વિકાર બંને જાણે એકમેકમાં ભળીને દિલના ઊંડાણમાં ધડકી ઉઠતા હતા. એની લાગણીઓ મીઠી હતી પણ એ કડીઓ મને પરેશાન કરતી હતી આ બે વચ્ચેનો સબંધ મને હમેશા સતાવતો હતો. એનો જવાબ મારે શોધવો હતો અને કદાચ એ જવાબ આ ચહેરા પાછળનો અહેસાસ મને કરાવી શકે એવી એક આશા હતી. દિલનો ઉછળાટ મનને બેજાન કરી મુકે છે સાંભળેલું પણ ત્યારે કદાચ સમજાયું પણ હતું. છેલ્લા બારેક કલાકમાં આવેલો બદલાવ મારા માટે વિચિત્ર હતો પેલો આછો ચહેરો વારંવાર એના ચહેરા સાથે મળતો અનુભવાતો હતો એક સપના જેવુજ લાગતું હતું. ઘણીવાર ફિલ્મમાં જોઈએ કે સપનામાં દેખાતી છોકરી વાસ્તવિકતામાં મળી આવે બસ કઈક એવુજ પણ આ વાસ્તવિક જીવનમાં એ મને એટલુજ અશક્ય પણ લાગતુ હતું.

    “દેખાતું નથી આંધળો છે ?” અચાનક આવેલો એ કોયલના ટહુકા જેવો સ્પષ્ટ અવાજ મોટો થઇ જાણે મારી કલ્પનાની દુનિયામાં પડઘાયો અને મારી કલ્પના કડીઓ જાણે વિખેરાઈ ગઈ. સાઈકલની બ્રેકતો મારા હાથમાં હતી પણ આ અચાનક રચાતી વિચારોની મેટ્રો કદાચ વીના કંટ્રોલે દોડતી હતી. હમેશની જેમજ વર્તમાન સપના કરતા સદંતર વિરોધાભાસી દ્રશ્યો ઉપજાવનારોજ હોય છે. કઈક એવુજ મારી નઝર પડી ત્યાજ સ્થિર થઇ ગઈ હતી. હું જ્યાં ઉભો હતો ત્યાંથી બે હાથના અંતર માત્ર એટલે કે ફક્ત ઉભો ત્યાંથી લાંબા હાથ વડેજ હું એને સ્પર્શી શકું એટલીજ દુર એ ચહેરો હતો જેને ક્ષણેકભર પેલાજ મેં કલ્પના સૃષ્ટિમાં વાગોળાતો અનુભવ્યો હતો. મારા સ્મરણોમાં, યાદોમાં અને વિચારોમાં કાલથી અત્યાર સુધી માત્ર આજ ચહેરો એ વર્ષ પહેલાથી પડઘાતા આછા ચહેરમાં ભળતો અનુભવ્યો હતો.

    એ ચહેરો હજુય મારા એટલોજ નજીક હતો મારી નઝર ઉપરથી નીચે સુધી એના પર ફરી ચુકી હતી. એનો સફેદ અને આછો આસમાની ડ્રેસ સહેજ કાદવમાં ખરડાયેલો હતો જે જોતા મને એ સમજાયું હતું કે એ સાઇકલથીજ અથડાઈને પટકાઈ હશે અને એના કપડા બગડ્યા હશે. હું તેમ છતાં એના ચહેરા અને એની આંખોને જોઈ રહ્યો હતો એના ચહેરા પરનો ગુસ્સો મને લગભગ અનુભવાતો હતો તેમ છતાય એના ડ્રેસ પર પડેલા કીચડના દાગ કરતા એના ગુસ્સાનો તાગ કાઢવો મુશ્કેલ લાગતો હતો. મારી નઝર હજુય એના પર સ્થિર કેમ અને શા માટે હતી, એ હું આજ સુધી સમજી શક્યો નથી પણ એના ઊંચા નીચા થતા હોઠ અને એમાંથી નીકળતા શબ્દો મને એના સ્વરૂપ સામે ફિક્કા પડતા દેખાઈ રહ્યા હતા. હું જાણે બેજાન બુથની જેમ ત્યાં ઉભો હતો મારી આંખો એના પર સ્થિર હતી મન શૂન્ય અને દિલ ભેકાર સુન્ન્તામાં વીંટળાઈ વળ્યું હતું. શા માટે હું એના વાતકડા સાંભળતો હતો ? અને શા માટે એને જોયા કરતો હતો એજ મને સમજાતું ના હતું. એનો દેખાવ, રૂપ અને આકાર સામાન્ય હતા બસ એની આંખોની ગહેરાઈ સાતેય મહાસાગરને ડુબાવે એટલી રૂહાની અને આનંદદાયક હતી.

    “સાવ પાગલ જ છે...” કદાચ એ વધુ બોલવાની હતી પણ મારા ચહેરાના ભાવ જોઈ એ જડવત રોકાઈ હતી. એના આટલા શબ્દો મેં સાંભળ્યા હતા મારું મન એને સંભળાવી દેવાનું પણ મનોમન નક્કી કરી ચુક્યું હતું. હું બોલી જવાનોજ હતો પણ મારા શબ્દો મારો સાથ જાણે આપતાજ ના હતા. મારા હોઠ જાણે સિવાઈ ગયા હતા કદાચ હું કઈ બોલી શકું એ પહેલાજ એ ત્યાંથી નીકળી પણ ગઈ હતી. બે ટ્રક સાથે અડક્યા વગર નીકળી શકે એવી પહોળી શેરીમાં એ મારી હાડોહાડ પાસેથી પસાર થઇ ગઈ હતી. આજની પ્રથમ મુલાકાત ગણાય કે અકસ્માત એ મને હજુય સમજાતું ના હતું પણ એનો અવાજ, આંખોની ગહેરાઈ, ચહેરો બધુજ મને પેલા અસ્પષ્ટ ચહેરા સાથે તાલમેલ સાધતું જણાતું હતું. કદાચ કેટલાય વર્ષોથી હું એનીજ પ્રતીક્ષામાં હોઉં એવો વિચિત્ર અહેસાસ મને થઇ રહ્યો હતો એવું કેવી રીતે બની શકે એ હજુય મને સમજાતું ના હતું. આ કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટ ના હતીકે પુનઃજન્મનો પ્રેમ પાછો મળે તેમ છતાં મારું દિલ શા માટે એવા વિચિત્ર અનુભવોનો મને આભાસ કરાવતું હતું એ મારા માટે મૂંઝવણ બની ચુકી હતી.

    મેં સાંભળ્યું છે કે પ્રેમ આંધળો હોય છે પણ આ આજનો અકસ્માત પ્રેમનો તો ના જ હતો એતો મારી કલ્પના સૃષ્ટિનું આકસ્મિક અંત દર્શાવતું ચિત્ર હતું. પણ પ્રેમ સાચેજ વર્તમાન અને ભૂતકાળને ભુલાવનારો હોય અને ભવિષ્યના સપનામાં ખોવાઈ જનારો પણ... એ હાલજ મારી સામે આવી હતી વાસ્વીક્તામાં! પણ હું સપનામાં હતો અને નશામાં પણ... હા, એની આંખોના સાગરમાંથી ઝાપટે ઉછળતા મોઝાઓના અને એની રૂપમોહીનીના માયાજાળના નશામાં... પણ, શા માટે કોઈ ચહેરો દિલને આટલી હદે ગમી જતો હશે એજ હું હજુય સમજી શકતો ના હતો ત્યારે કદાચ... એ નઈ ? એણે મને ઘણું ખરું સંભળાવ્યું હશે એ મને પાછળથીજ સમજાયું. એના ફરકતા હોઠ, શબ્દોના સુર, બદલાતા હાવભાવ, આંખોની કાજળ, અને ભાવનાની ગહેરાઈ મને એ સમયે જાણે સમયના બંધનોના પર ધકેલી રહી હતી અને હું કદાચ... ધકેલાતો હતો... પણ...


    ૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ

    થિઅરી ઓફ જનરલ રીલેટીવીટી - આઇસ્ન્ટાઇન

    હાઇ ફ્રેન્ડ્સ. પૃથ્વીની આસપાસ ચંદ્ર ગતી કરે છે બરાબર? પૃથ્વી સુર્યની આસપાસ ગતી કરે છે એ બરાબર? અને એવા બીજા ઘણા અવકાશીય પદાર્થો અલગ અલગ વેગથી સ્પેસમાં ફરતા હોય છે. પરંતુ સવાલ એ છે કે એનુ કારણ શું?

    આ વાર્તા તો તમને યાદ જ હશે કે ન્યુટન એકવાર સફરજનના વૃક્ષ નીચે બેસેલા હતા. વૃક્ષ પરથી સફરજન પડ્યુ અને ન્યુટનને પ્રશ્ન થયો કે સફરજન નીચે જ શામાટે પડ્યુ? પછી ન્યુટને જે ગ્રેવીટીનો સિદ્ધાંત આપ્યો. એના પરથી જ એ તારણ આવ્યુ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ અને પૃથ્વી સુર્યની આસપાસ ગૂરૂત્વાકર્ષણના લીધે જ પ્રદક્ષિણા કરે છે. થિઅરી અદભૂત હતી. એણે કુદરત કઇ રીતે કામ કરે છે એનો ખયાલ આપ્યો. પહેલીવાર કોઇએ ગ્રહોની કાર્યરચનાઓ વિશે માહિતી આપી હતી. ન્યુટનના ગુરૂત્વાકર્ષણના ઇક્વેશન્સ એટલા સચોટ હતા કે નાસાએ એના આધારે ચંદ્ર પર માણસો પણ મોકલ્યા. ત્રણસો વર્ષ પહેલા કોઇ વ્યક્તિએ ગુરૂત્વાકર્ષણ વિશે થિઅરી આપી અને ૨૦મી સદીના શરૂઆત સુધી આપણે એના આધારે ઘણા ઉપકરણો બનાવ્યા. જે ખુબ જ પરફેક્ટ ચાલતા હતા. ન્યુટનના ગતીના નિયમો તો હજુ ઉપયોગમાં લેવાય છે અને એ સચોટ છે. પરંતુ હજુ સુધી કોઇને એ ખયાલ નહોતો કે ગ્રેવીટી કામ કઇ રીતે કરે છે. અડધુ તો બધુ અંદારામાં જ ચાલતુ હતુ.

    પરંતુ ૨૦મી સદીની શરૂઆતમાં આઇન્સ્ટાઇન લાઇટના બીહેવીઅર ઉપર રીસર્ચ કરી રહ્યા હતા. આઇન્સ્ટાઇને લાઇટ વિશેનું એક પેપર રીલીઝ કર્યુ જે દર્શાવતુ હતુ કે ન્યુટનનો ગ્રેવીટી વિષેનો વિચાર ખોટો છે. ૨૫૦ વર્ષ જુની ન્યુટોનીઅન ગ્રેવીટીનો છેદ આઇન્સ્ટાઇને એક પેપરમાં જ ઉડાવી દીધો હતો.

    ન્યુટનના કહેવા પ્રમાણે જો પૃથ્વી સુર્યની આસપાસ ગ્રેવીટીના આધારે ગતી કરતી હોય અને જો સુર્યનુ બાષ્પીભવન થઇ જાય, તો તરત જ જે પણ ગ્રહો સુર્યની આસપાસ છે એ અવકાશમાં વિખેરાઇ જશે. પરંતુ આઇસ્ટાઇનની થિઅરી પ્રમાણે પ્રકાશની ગતીથી વધારે કોઇની ગતી નથી, અત્યાર સુધી તો નથી જ. અને ગ્રેવીટીની ગતી પણ પ્રકાશથી વધારે તો નથી જ. સુર્ય પ્રકાશને પણ પૃથ્વી સુધી પહોંચતા ૮ મિનિટનો સમય લાગે છે તો આ કઇ રીતે શક્ય છે?

    પરંતુ પ્રશ્ન એ હતો કે જો સુર્ય ના રહે તો શું ગ્રહો અવકાશમાં વિખેરાઇ જાય. પોતાની ભ્રમણ કક્ષામાંથી બહાર નીકળી જાય? ત્યારે આઇન્સ્ટાઇન સ્વીસ પેટર્ન ઓફીસમાં કામ કરતા હતા. દસ વર્ષની માથાફોડ પછી એણે એક થિઅરી આપી. જે લોકોના સમજની બહાર હતી. થિઅરી આપ્યાના વર્ષો સુધી તો એની સાબીતી પણ નહોતી થઇ શકી.

    આઇન્સ્ટાઇને ત્રણ ડાયમેન્શનના સ્પેસની કલ્પના કરી અને એક ડાયમેન્શન ટાઇમ લીધુ. બન્નેને જોડ્યુ, જેને એણે નામ આપ્યુ ફેબ્રીક ઓફ સ્પેસ ટાઇમ. ધારી લો કે સ્પેસ એ ચુસ્ત અનંત સુધી ફેલાયેલી ચાદર છે. હવે જ્યારે તમે એ ચુસ્ત સપાટ ચાદરની વચ્ચે એક કોઇ વજન વાળી વસ્તુ મુકો તો જેટલા ભાગમાં એ વસ્તુ હશે ત્યાં ખાડા જેવુ થશે? હા. એક ઢોળાવ જેવુ બનશે? હા. હવે બે લગ્ગીઓ(અંટીઓ) કે કોઇ ગોળ ભારે પદાર્થ એ ચાદરના એક ખુણેથી વહેતો મુકો શું થશે? એ અંટી જે વચ્ચે પદાર્થ મુક્યો હતો એ તરફ ગતી કરશે.

    હવે આ આ ચાદરને તમે સ્પેસ કન્ઝીડર કરી લો. જે ભારે પદાર્થ ચાદર વચ્ચે મુક્યો હતો એને કોઇ પણ હેવી મેટર ઓબ્જેક્ટ સુર્ય કે પૃત્વી કે કોઇ બ્લેકહોલ(આની વાત પણ મોજ પાડે એવી છે પછી ક્યારેક) લઇ લો. હવે જેટલો વધારે મેસીવ ઓબ્જેક્ટ એટલુ વધારે સ્પેસ કર્વ વધારે, એટલી જ એ ઓબ્જેકટની ગ્રેવીટી વધારે. આ સ્પેસટાઇમ કર્વના લીધે જ બધા ગ્રહો અને ગ્રહોના ઉપગ્રહો એકબીજા ફરતે પ્રદક્ષિણા કરે છે.

    આ ખુબ જ સરળ સમજણ હતી. આ થિઅરીને સાબીત કરતા જ લોકોને વર્ષો વીતી ગયા. પહેલા એવી મનાતુ કે સુર્યના ગૂરૂત્વાકર્ષણને લીધે પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે, આ થિઅરી પરથી સાબીત થયુ કે સુર્ય પૃથ્વીની આસપાસ ગુરૂત્વાકર્ષણના લીધે નહિં પણ યુનિવર્સના સ્પેસ એન્ડ ટાઇમના કર્વ્ડ નેચરને લીધે ફરે છે. નીચેની ઇમેજ જુઓ જે આ થિઅરીનું બેઝીક વિઝ્યુઅલ રીપ્રેઝેન્ટેશન છે. જો તમે ઇમેજ ન જોઇ શકતા હો તો ગુગલમાં સર્ચ કરો. Space time curve.

    આ થિઅરી પછી તો આઇન્સ્ટાઇને ધડાધડી એક પછી એક નવી જાહેરાતો કરવાની શરૂઆત કરી. પ્રકાશ માત્ર સીધી રેખામાં ગતી નથી કરતો, એ વળી પણ શકે છે. એટલે કે આ છેડેથી તમે ટોર્ચ મારો તો એ વળાંક લઇને સામેના છેડે પહોંચી શકે છે. આ પેપર આપ્યા પછી એની સાબીતી કરવાની હતી. જેની કહાની ખુબ અદભૂત છે. એ સમયે કોઇ જ એવા આધુનીય યંત્રો નહોતા. પરંતુ આઇસ્ન્ટાઇનને એક મોકો મળવાનો હતો. આ જ મોકો હતો એના જીવનની સૌથી મહાન થિઅરીને સાબીત કરવાનો.

    આ થિઅરી પ્રમાણે જ્યારે પ્રકાશ કોઇ મેસીઝ ઓબ્જેક્ટની બાજુમાંથી પસાર થયા ત્યારે બેન્ડેડ સ્પેસના લીધે પ્રકાશ(લાઇટ) પણ બેન્ડ થાય છે. આ સાબીત કરવુ તો કરવુ કેવી રીતે. આઇન્સ્ટાઇને બુધ ગ્રહના શીફ્ટીંગ અને બુધના શીફ્ટીંગના આધારે જનરલ રીલેટીવીટીને સાબીત કરવાની કોશીષ કરી પરંતુ એટલી ચોક્કસાઇ નહોતી આવતી. ૧૮૦૧ જોહાન જ્યોર્જે નોટ કર્યુ કે ન્યુટોનીઅન ગ્રેવીટી એવુ અનુમાન કરતી હતી કે જ્યારે કોઇ તારાનો પ્રકાશ મેસીવ(દળદાર) ઓબ્જેક્ટની પાસેથી પસાર થાય ત્યારે એ વળાંક લે છે. ૧૯૧૫માં આઇન્સ્ટાઇને જોયુ કે એણે ૧૯૧૧માં કરેલા પ્રયોગો અડધા સાચા હતા. ફાઇનલી મે ૧૯૧૯માં એક સંપુર્ણ સુર્યગ્રહણ થવાનું હતુ આ એક પરફેક્ટ ટાઇમ હતો આ થિઅરીને સાબીત કરવાનો. સુર્યની બીજી તરફના તારાનો પ્રકાશ જો સુર્યગ્રહણ વખતે જોઇ શકાય તો એનો મતલબ એવો હતો કે પ્રકાશ વળાંક લેય છે. આ ઓબ્ઝર્વેશન માટે સોબ્રાલ, સીએરા ને બ્રાઝીલ માટે તૈયારી કરવામાં આવી. જો આઇન્સ્ટાઇન આ તક ના જડપત તો ફરી આવા સુર્ય ગ્રહણ માટે વર્ષો રાહ જોવી પડત, આ એની લાઇફની સૌથી મોટી થિઅરી હતી. ફાઇનલી એડીંગટને એ દિવસે ઓબ્ઝર્વેશન્સ લીધા. કેલ્ક્યુલેશન કર્યા અને એના પરિણામો ચોક્કસ હતા જે રીતે આઇન્સ્ટાઇનની થિઅરી પ્રીડીક્ટ કરતી હતી એટલી જ ચોક્કસાઇથી લાઇટ બેન્ડ થઇ હતી.

    આના પરથી ખરેખર એક ફીલોસોફીકલ વાક્ય આપી શકાય. રીઆલીટી ખરેખર છે જ નહિં, વર્ષો પહેલા શંકરાચાર્ય કહી ગયા છે જગત મિથ્યા. જે તારો સુર્યની પેલે પાર છે એ તમે જોઇ શકો એનાથી વધારે મુંજવનારૂ શું હોઇ શકે. આ છે કુદરત આ છે આપણુ યુનિવર્સ. એ દિવસે આઇન્સ્ટાઇલ અને એની થિઅરી લગભગ બધા ન્યુઝપેપરના ફ્રન્ટ પેજ પર હતા. આ થિઅરીએ આઇન્સ્ટાઇનને જગત વિખ્યાત બનાવી દીધો.

    છતા વર્ષો સુધી આ થિઅરીને અલગ અલગ રીતે સાબિત કરવા માટે ઓબ્ઝર્વેશન થતા રહ્યા. હવે છેલ્લે એક નાનકડી વાત ટાઇમ વિશે પણ કહેતો જાવ. આઇન્સ્ટાઇને ટાઇમને ફોર્થ ડાયમેન્શન કહ્યુ હતુ. એટલે જ એ કહે છે કર્વેચર ઓફ સ્પેસ એન્ડ ટાઇમ. જેવી રીતે મેસીવ ઓબ્જેક્ટ પાસે સ્પેસ કર્વ બને છે એવી જ રીતે મેસીવ ઓબ્જેક્ટ પાસે જતા ટાઇમ ધીમો પણ પડે છે. જેને કહે છે ટાઇમ ડાયલેશન ઇફેક્ટ.

    ટાઇમ ડાયલેશન સ્પેશીયલ રીલેટીવીટીંમાં આવે જ છે. પરંતુ મેસીવ ઓબ્જેક્ટ અને ગ્રેવીટીના લીધે ટાઇમ ડાયલેશન થાય એ વાત જ અલગ છે. એટલે જો તમે કોઇ બ્લેકહોલની આસપાસ ગતી કરતા હોવ તો ત્યાંનો સમય પૃથ્વીની સાપેક્ષે ખુબ જ ધીમો ચાલતો હશે. જેટલુ ગ્રેવીટેશન વધારે એટલુ ટાઇમ ડાયલેશન વધારે. ગ્રેવીટી એ એકમાત્ર એવો કન્સેપ્ટ છે જે એક ડાયમેન્શનથી બીજા ડાયમેન્શનને છેદી શકે છે.

    તો આ હતી અતિ ટુંકાણમાં થિઅરી ઓફ જનરલ રીલેટીવી. ખુબ જ કોમ્પ્લેક્સ છે. સમજવામાં પણ ખુબ જ મુશ્કેલ. પરંતુ એ વ્યક્તિને ધન્યવાદ કે જેણે આવું કંઇક વિચાર્યુ. સ્પેસ ટાઇમ ફેબ્રીક, ટાઇમ ડાયલેશન આપણે તો આ સમજવામાં પણ મુશ્કેલી પડે છે, એ માણસે તો આવુ ઇમેજીન કર્યુ. જેણે આખી દૂનિયા બદલી નાખી. આજે આ થિઅરીના આધારે જ બધા આધુનિક ઉપકરણો કામ કરે છે. એની જ દેન છે કે આપણે આજે મોબાઇલ વાપરી શકીએ છીએ. આ થિઅરીના આધારે એક હોલીવુડનું અદભૂત મુવી આવ્યુ હતુ. ઇન્ટરસ્ટેલાર. જેમાં રીઅલ સાયન્સને એણે ફિક્શનમાં જે રીતે વાપર્યુ છે, વાહ વાહ. મોકો મળે તો આ મુવી જોજો. પહેલીવારમાં સમજાશે પણ નહિં એ પણ કહી દવ. પણ જ્યારે સમજાશે ત્યારે રૂંવાંટા ઉભા થઇ જશે.

    બ્રહ્માંડ એ રહસ્યોથી ભરેલુ છે. ઇન્ટરસ્ટેલરનો જ એક અદભૂત ડાયલોગ છે. ‘પ્રેમ એ એકમાત્ર વસ્તુ છે જે સ્પેસ અને ટાઇમના ડાયમેશનને છેદીને આપણે અનૂભવી શકીએ છે. કદાચ લવ એક નવુ ડાયમેન્શન પણ હોઇ શકે. એક નવુ બ્રહ્માંડ પણ હોઇ શકે. ભલે આપણે એને સમજી નથી શકતા પરંતુ આપણે એને અનૂભવી શકીએ છીએ. એટલે જ ભલે સમજતા ન હોવા છતા આપણે એના પર વિશ્વાસ કરવો જોઇએ.’

    આઇન્સ્ટાઇન એની થિઅરી પાછળ પાગલ હતો, એને પ્રેમ હતો, એણે એના ઇમેજીનેશન અને પ્રેમ પર વિશ્વાસ કર્યો અને દૂનિયાને બદલી નાખી. તમને તમારા પ્રેમ પર વિશ્વાસ છે?


    ૧૩. વિશ્વ ચરીત્ર – કંદર્પ પટેલ

    નેપોલિયન બોનાપાર્ટ

    ધરતીને ધવરાવવી હોય તો મેઘલાએ ઠાલા છાંટા ન પાડવા પણ મન મૂકીને હેલીએ ચઢવું જોઈએ.

    ‘જિંદગી ટૂંકી છે અને લાઈફનો એજન્ડા લાં...બો છે. આવું કહીને નેપોલિયન એક પણ પ્રશ્નને લટકાવા દેતો નહીં. તડ ને ફડ, એક ઘા ને બે કટકા!

    1769માં ઈટાલીના કોર્સિકન પ્રદેશમાં ફ્રાંસની સરહદે એક વકીલ પિતાને ત્યાં નેપોલિયન જન્મ્યો. કોર્સિકન પ્રદેશ જે જન્મસ્થળ તરીકે નેપોલિયનની પ્યારી ભૂમી હતી તે ટાપુને ત્યાંના રાજાએ ફ્રાંસને વેચી દીધેલો. તે ટાપુને આઝાદ કરવા નેપોલિયનના પિતા કાર્લો મેરિયાએ બોનાપાર્ટ નિષ્ફળ ઝુંબેશ ઉપાડેલી. લડી લડીને ખુવાર થયેલા ત્યારે ઈટાલીના સૈનિકો અને જનતા થાકી ગયેલા અને ત્યારે જ બોનાપાર્ટનો ઉદય થયો. નેપોલિયનને ઢીલુપોચું ભણતર ખપતું નહોતું તેથી તેની ઈચ્છા પ્રમાણે તેને મિલિટરી સ્કૂલમાં ભણવાની સ્કોલરશિપ મેળવી.

    નેપોલિયને લગભગ બે દાયકા સુધી યુરોપમાં પોતાનો પ્રભાવ જમાવી રાખ્યો, જે સમય દરમ્યાન તેણે નેપોલિયોનિક વોર્સ તરીકે જાણીતા શ્રેણીબદ્ધ યુદ્ધોમાં ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૧૫માં તેનો આખરી પરાજય થયો તે પહેલા તેણે મોટાભાગના યુદ્ધોમાં વિજય મેળવીને લગભગ સમગ્ર યુરોપિય ખંડ પર આધિપત્ય જમાવ્યું હતું. ઇતિહાસના મહાન કમાન્ડરો પૈકીની એક તરીકે તેની ગણના થાય છે અને તેના શાસન અને નેતૃત્વનો અભ્યાસ આજે પણ વિશ્વભરની લશ્કરી શાળાઓમાં થાય છે. સાથે સાથે તેની ગણના યુરોપના ઇતિહાસમાંના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ રાજકીય નેતાઓમાં પણ થાય છે.

    બ્રિટિશ ઇતિહાસકાર એન્ડ્ર્યુ રોબર્ટ્સ નોંધે છે તેમ, તેણે યુરોપભરમાં મુલકી બાબતોમાં ઉદારમતવાદીના સિદ્ધાંતો પ્રચલિત કર્યા:

    The ideas that underpin our modern world—meritocracy, equality before the law, property rights, religious toleration, modern secular education, sound finances, and so on—were championed, consolidated, codified and geographically extended by Napoleon. To them he added a rational and efficient local administration, an end to rural banditry, the encouragement of science and the arts, the abolition of feudalism and the greatest codification of laws since the fall of the Roman Empire.

    નેપોલિયન માત્ર ઈટાલી અને ફ્રાંસનો જ શરૂમાં નેતા હતો. પણ તેણે પછી પંદર દેશોનો સંઘ બનાવીને તેની તમામ શક્તિ ઈગ્લેંડ સામે લડવામાં ખર્ચવા માડી. પેરિસના ચોકમાં એક વખત હોટએર-બલૂન છોડવાનું હતું. બલૂનમાં હવા ભરાઈ ગઈ. તે પછી કોણ જાણે આખું પ્રેક્ષકોનું ટોળું બલૂનને હવામાં છોડાય તેને જોવા રાહ જોતું ઊભું રહ્યું. કોઈ મોટો ઉમરાવ આવે તેની રાહ જોવાતી હતી. નેપોલિયન ત્યારે પંદર વર્ષનો હતો. તેની ધીરજ ન રહી. તેણે ટોળામાંથી દોડીને ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને બલૂનને બાધેલાં દોરડાને કાપી નાખ્યાં! બલૂન હવામાં ઊડ્યું અને લોકો તાળીઓના ગડગડાટ કરી નેપોલિયનને શાબાશી આપવા માંડ્યા. ભાયડો રે ભાયડો!

    સમયના તકાજા પ્રમાણે નેપોલિયને રિવોલ્યુશનરી રોયલ આર્મીની સરદારી લીધી. તેના દરેક સૈનિકને તે નામેથી બોલાવતો. બ્રેવ એઈટીન્થ (18ની વયના સૈનિકો) બ્રેવ ટેવન્ટી અને ટેરિબલ ટેવેન્ટી જેવાં નામ પાડેલાં. આવા પાનો ચઢાવનારા લેબલ લાગતા પોતાના દેશ માટે લડવાનું યુવાનોને મન થતું. જ્યાં જ્યાં સમસ્યા ઊભી થાય ત્યાં જાતે ઉકેલવા નેપોલિયન પહોંચી જતો. મહર્ષિ અરવિંદ કહેતા કે નેપોલિયન બોનાપાર્ટ એક વ્યક્તિ નહીં પણ એક ફોર્સ હતો. કેટલાક માનવ હ્યુમન નહીં પણ સુપર હ્યુમન હોય છે. કેટલાક ઉચ્ચ આત્માઓ જન્મ માટે જ વિહરતા હોય તેને કોઈ દેશની દયા આવે કે તેને તાન ચડાવવું હોય ત્યારે તે જન્મ લે છે.

    મહર્ષિ અરવિંદ કહેતા કે આ ભારત દેશને કે દુનિયામાં મહાન માનવોનો -આત્માઓને તોટો નથી. શેક્સપિયર મહાન હતા. જ્યોર્જ વોશિંગ્ટન મહાન હતા. પણ એ લોકોએ પોતાના બળને અવારનવાર દાબી રાખવું પડતું. પોતાની મરજી મુજબ કંઈ કરી શકતા નહીં. પોતાની પૂર્ણ પર્સનાલિટીને પોતાના ઉચ્ચ ઉદ્દેશ માટે કામે લગાડી શકાતી નહીં. ત્યારે આ બાજુ નેપોલિયન માઈટીએસ્ટ- વિભૂતિ હતો. તે કોઈથી દબાતો નહીં. તેનું નાક દબાવવા એક નહીં બાવીશ રાજકીય પક્ષોને બ્રિટને નાથવા પડેલા. નેપોલિયને જોયું કે પોતે અપનાવેલા દેશ ફ્રાંસને બળવાન બનાવવો હશે તો તેણે ઓફેન્સિવ- આક્રમક બનવું પડશે.

    નેપોલિયન લખાયેલા પુસ્તકમાં મેં આ બહાદુર વિશે વાંચ્યું: ‘નેપોલિયન! કેવો વીલપાવર, કેટલી હિંમત અને કેટલી કલ્પના શક્તિ! અદ્ભુત ચારિત્ર! ફ્રેંચ બાળકોને બચપણમાં આજે પણ નેપોલિયન ફ્રાંસ માટે જે જે લડાઈઓ લડેલો તેની કથા કહેવાય છે. આજે પણ ફ્રેંચની એજ્યુકેશન સિસ્ટમ નેપોલિયને આલેખેલા રસ્તા ઉપર ચાલે છે! નેપોલિયન માત્ર શારીરિક યોદ્ધો નહોતો. માનસિક શક્તિ પણ વાપરતો. તેણે એક સરસ સંદેશ આપેલો. જો તમારે આખા દેશ ઉપર કે કોઈ મોટી વાત ઉપર કમાન્ડ મેળવવો હોય તો સૌપ્રથમ તમારી જાત ઉપર કમાન્ડ મેળવો!’

    નેપોલિયનનો પત્ર ઝિયરીનાને :-

    પ્રિયા !

    હું ખૂબ જ ઉદાસ થઈને એવિગ્નાન પહોંચ્યો છું. ખાસ્સા લાંબા સમય સુધી મારે તારાથી દૂર રહેવું પડ્યું તેથી આ સફર મને કઠિન અને કષ્ટદાયક લાગી. હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ. તારા વાયદાની આવી આશા જ બસ, મારું દુ:ખ ઓછું કરી દે છે અને હું બધું જ સહન કરું છું.

    પેરિસ પહોંચતાં પહેલાં મને તારો એક પણ પત્ર નહિ મળે. હું શક્ય એટલો વહેલો ત્યાં પહોંચીને જોઈશ કે તારા કયા સમાચાર મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. એ ઊણપ મારો ઉત્સાહ વધારશે. કાલે સાંજે હું વિયંસ પહોંચી જઈશ. બસ ત્યારે, આવજે ! મને ન ભૂલીશ…. અને જે આજીવન તારો જ છે, એને પ્રેમ કરતી રહેજે…

    લિ. નેપોલિયન બોનાપાર્ટ


    અમને સંપર્ક કરો

    જો તમે પણ ગેસ્ટ કોલમમાં લખવા માંગતા હો અથવા મેગેઝિન વિશેની વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. જો તમને અમારા મેગેઝિનનો કન્ટેન્ટ ગમ્યો હોય તો રેવ્યુ અને રેટીંગ આપવાનું ભૂલતા નહિ. પ્લીઝ શેર એન્ડ સ્પ્રેડ વર્ડ.

    Facebook Pages

    Fb.com/YouthWorldOnline

    Fb.com/GujjuWorld.net

    Website

    Email Address