અંક – ૪
ઓલનાઇન ગુજરાતી મેગેઝિન
Fb.com/YouthWorldOnline
આજનું મોતી
સંઘરવાની વૃત્તિ આપણો જ બોજ વધારે છે. જે ત્યાગે છે તે હળવો ફૂલ બની જાય છે ને તેનું ચિત્ત પ્રસન્નતાથી છલકાઈ જાય છે.
અનુક્રમણિકા
૧. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પીઠડીયા
૨. અમૃતજલ – પિયુષ કાજાવદરા.
૩. સક્સેસ સ્ટોરી – સંકલન ભાવિષા ગોકાણી.
૪. કુદરતનો ઓટલો – મેહુલ સોની
૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ
૬. અવરોધ – ભાવિક મેરજા
૭. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ
૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી
૯. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ
૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની
૧૧. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ
૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ
૧૩. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ
૧. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પીઠડીયા
રોબરી - પ્રકરણ – ૪
( આગળ આપણે વાંચ્યુઃ- એચ.સી.એફ. બેંકની કેશ લઇ જતી વાન હાઇવે ઉપર નધણીયાત હાલતમાં મળી આવે છે અને તેમાં જે કેશ રકમ હતી એની લૂંટ થઇ ચૂકી હોય છે...એ લૂંટનો સૌ-પ્રથમ શક વાન સાથે હતા તે ગાર્ડ ઉપર આવે છે....ઇન્સ. શેખડા તેની તપાસ કરે છે....હવે આગળ વાંચો...)
“ સર...સર....અહી આવો જલ્દી....” વાનની આજુ-બાજુ સર્ચ કરી રહેલો એક કોન્સ્ટેબલ અચાનક બુમ પાડી શેખડાને તેની નજીક બોલાવે છે. તે વાનથી થોડે દુર હાઇવેની બાજુમાં પડતી એક ગંદા પાણીની નીક પાસે ઉગી નીકળેલી ઝાડીમાં તપાસ કરી રહ્યો હતો કે અચાનક બુમ પાડી ઉઠયો હતો.
“ શું છે જબ્બાર.....? “ શેખડા ત્યાં પહોંચે છે.
“ સર...ઝાડીમાં કઇંક છે. કદાચ કોઇની બોડી હોય એવું લાગે છે...”
“ જોવા દે તો....” કહીને શેખડા જાતે ઝાડીમાં ઉતરે છે. જબ્બારની વાત સાચી હતી. કમર સુધી ઉંચા ઉગી નીકળેલા ઘાસમાં કોઇનું શરીર તેને દેખાય હતું.
“ જબ્બાર....આને બહાર કાઢવાની વ્યવસ્થા કર. જૂઓ તે જીવે છે કે નહી..?” શેખડાએ જબ્બારને કહ્યું. તેણે જોયુ હતુ કે ઝાડીમાં પડેલા માણસના શરીર ઉપર વર્દી પહેરેલી હતી. તેનો મતલબ એ હતો કે જરુર તે વાનની સાથે બેંકથી નીકળેલા ત્રણ વ્યક્તિઓ માંથી એક હતો. પી.એસ.આઇ. વાજા અને જબ્બારે ભારે જહેમતથી એ બોડીને બહાર કાઢી હાઇવેના કીનારે, વાન પાસે લઇ આવ્યા અને નીચે જમીન ઉપર બોડીને સુવરાવી.
“ સાહેબ...ધીમો-ધીમો શ્વાસ ચાલતો હોય એવુ લાગે છે...” વાજા બોલ્યો. “ હું એમ્બ્યુલન્સ મંગાવી લઉ...” કહીને તેણે ફોન લગાવ્યો. એ દરમ્યાન શેખડા ધ્યાનથી એ ગાર્ડના શરીરને નીરખી રહ્યો હતો. પ્રથમ નજરે જ માલુમ પડતુ હતુ કે કોઇ ગંભીર ઘાવ તેનાં શરીરે થયા નહોતા. તે નીચો બેઠો અને તેના ખીસ્સા તપાસ્યા. ખીસ્સા એકદમ ખાલી હતા...એ સમય દરમ્યાન મારં-માર કરતી ૧૦૮ ત્યાં આવી પહોંચી હતી. તાત્કાલીક ત્યાં જ એ ગાર્ડને પ્રાથમીક સારવાર અપાઇ અને પછી તેને હોસ્પિટલમાં લઇ જવા ૧૦૮ ઉપડી ગઇ. ગનીમત હતુ કે હજુ એ વ્યક્તિના શ્વાસો-શ્વાસ ચાલુ હતા. જો તે બચી જાય તો ચોક્કસ આ લૂંટ કેસમાં કોઇ રોશની પડી શકે તેમ હતી.
એ સીવાય ત્યાંથી બીજુ કંઇ શંકાસ્પદ મળ્યુ નહી એટલે વાનનો કબજો લઇ પોલીસ-સ્ટેશને રવાના કરવામાં આવી.
“ રોહીત...મને તો આ કારસ્તાન વીકી અને ધીરજનું જ લાગે છે. તેણે જ વાનમાં લૂંટ કરી હશે અને પછી ડ્રાઇવર રતનને બેહોશ કરી ઝાડીમાં ફેંકતા ગયા હશે...” મેનેજર રાજન શેટ્ટીએ તેના મિત્ર ઇન્સ. રોહીત શેખડાની નજીક જઇને કહ્યું. તે ક્યારનો અહીં ચાલતી ગતી-વીધી નીહાળી રહ્યો હતો.
“ હું પણ એ જ વિચારું છુ રાજન....પણ સાચી હકીકત તો એ રતન ભાનમાં આવે પછી જ જાણવા મળશે કે તેની સાથે શું બન્યુ હતુ...? અને લૂંટ કોણે કરી...? જો ને...અહીથી બીજો કોઇ ક્લ્યૂ પણ મળ્યો નથી. જો કે શહેરના તમામ રસ્તાઓ ઉપર મેં ઘનીષ્ટ નાકાબંધી કરવાનું ફરમાન જારી કરી દીધુ છે એટલે કંઇક તો હાથ લાગશે જ...જો આ લૂંટમાં વીકી અને ધીરજ શામેલ હશે તો તેઓ માર હાથમાંથી છટકી નહી શકે એટલો ભરોસો હું તને આપી શકું.....” શેખડાએ રાજનના ખભે હાથ મુકતા કહ્યું.
“ પણ મારા છ-કરોડનું શું.....?” રાજન આદ્ર સ્વરે બોલ્યો. તેને ફીકર થતી હતી.
“ થોડી ધીરજ રાખ....તારી રકમ પાછી મળી જશે તેની ગેરેંટી હું લઉ છું બસ....!! મારા ઇલાકામાં, મારા જ નાક નીચેથી છ-કરોડ જેટલી માતબાર રકમ આમ ધોળા દહાડે ચોરી જનારને એટલી આસાનીથી તો હું નહી જ છટકવા દઉ તેની ખાતરી રાખજે.....” શેખડા બોલ્યો અને જીપમાં ગોઠવાયો. જીપ સીધી સીટી હોસ્પિટલના પ્રાંગણમાં આવીને ઉભી રહી જ્યાં પેલા ડ્રાઇવર રતન જૈનને સારવાર હેઠળ રખાયો હતો.
ડોકટરોની ખાસ્સી બે કલાકની જહેમત બાદ રતનને થોડું-ઘણું ભાન આવ્યુ હતુ. ડોકટરોનું કહેવુ હતુ કે રતનને ભારે માત્રામાં ઘેનની દવા પીવડાવી બેહોશ કરાયો હતો. ઇન્સ.શેખડા માટે આ માહીતી કંઇ નવી નહોતી. મોટોભાગના કેસમાં અપરાધીઓ કંઇક આવીજ મોડસ એપરન્ડીસ અપનાવતા હોય છે....આખરે રતન જૈનને જ્યાં રખાયો હતો એ વોર્ડ તરફ શેખડા ચાલ્યો. ( ક્રમશઃ )
૨. અમૃતજલ – પિયુષ કાજાવદર
લગભગ ૪૫ વર્ષ પહેલા અમેરિકા ના એક શિક્ષક એવા ચાલ્સ ફિને આ ક્યારેય પૂરી ના થાય એવી લાંબી લાગતી કવિતા લખી હતી. જે જગતભર માં ખુબ વંચાય છે અને આજે પણ ઈન્ટરનેટ પર ફરતી જોવા મળે છે.
મૂરખ ના બનશો મારાથી.
મૂરખ ન બનતા મેં પહેરેલા ચહેરાથી.
હું મહોરાં પહેરું છું. હજારો મહોરાં!
મહોરાં જે ઉતારતા મને બીક લાગે છે.
અને એમાં નો એક પણ મારો ચહેરો નથી!
ઢોંગ કરવો, એ તો મારા ડાબા હાથ નો ખેલ છે!
પણ મૂરખ ના બનતા ભગવાન ને ખાતર!
હું એવી છાપ જરૂર ને પાડું છું કે હું સલામત છું
અને મારી સાથે બધું ચકાચક થઇ રહ્યું છે,
અંદર બહાર મોજેમોજ ચાલે છે.
કોન્ફીડન્સ મારી જાત છે,
‘કૂલ’ દેખાવું મારા માટે રમત વાત છે.
એટલે હું સાગર પેટાળ જેવો શાંત છું,
પરીસ્થિતિ માર કાબુ માં છે,
અને મારે કોઈ ની જરૂર નથી,
એવું દેખાડી શકું છું.
પણ મારી વાત માનશો નહિ!
સપાટી પરથી ભલે હું બેફિકર લાગું,
સપાટી એ મારું મહોરું છે.
નિત્ય બદલવું અને અડીખમ.
પણ એની નીચે મજબૂતાઈ નથી,
એની નીચે છે, મુજવણ, ડર અને એકલતા!
પણ હું એ છુપાવી દઉં છું,
મને પસંદ નથી કે કોઈ એ જાણી જાય.
હું બહાવરો થઇ જાવ કે મારી નબળાઈ ઓ ઉઘાડી પડી જશે!
એટલે ઝપાટાબંધ હું એક માસ્ક બનાવી,
એની પાછળ છૂપાઈ જાવ છું.
અને એ સફાઈદાર આવરણ મને દેખાડો કરવામાં મદદ કરે છે.
અને જે નજર મને પારખી જાય, એની સામે કવચ બને છે.
પણ ખરેખર તો એ જ નજર મારું નિર્વાણ છે, મારી આશા છે.
હું જાણું છું કે એ દ્રષ્ટિ પાછળ
મારી સ્વીકૃતિ કરો, મારા માટે પ્રેમ હશે,
તો એ જ એકમાત્ર બાબત છે.
જે અને મારાથી મુક્તિ અપાવશે !
એટલે કે મેં જાતે જ ચણેલી જેલ ની દીવાલો માંથી,
બહુ પીડા વેઠીને મેં બનાવેલી અડોશોમાંથી.
એ નજર જ એકમાત્ર બાબત છે,
જે મારી જાતને હું ખુદ નથી આપી શકતો,
એવો ભરોસો આપશે-
કે હું પણ કંઇક છું, થોડોક લાયક છું, કશું કરવાને.
પણ હું તમને આ કહેતો નથી, મને ડર લાગે છે.
મને ગભરાહટ છે કે તમારી નજર પાછળ મારો સ્વીકાર નહિ હોય.
અને એના પછી પ્રેમ પણ નહિ.
મને સંકોચ છે કે તમે મને ઉતરતો માની લેશો.
તમે મારા પર હસશો.
અને એ હાસ્ય મને ચીરી નાખશે,
ખુબ ઊંડે ઊંડે થી હું કશું જ નથી એ હું જાણું છું.
અને મને બીક છે કે તમેય એ જાણશો પછી મને તરછોડી દેશો !
એટલે હું રમત રમું છું. મારી અનિવાર્ય એવી ઢોંગ કરવાની રમત.
જેમાં બહાર છે આત્મવિશ્વાસ ની ઓળખ.
અને અંદર છે થરથરતું બાળક !
એટલે જિંદગી બને છે ચળકતા પણ ખાલીખમ મહોરોઓની પરેડ.
એમ તો હું તમારી સાથે મસ્તીથી ઘણી વાતો કરું છું.
એ બધું તમને કહું છું, જેમાં આમ તો કશું જ કહેવાનું હોતું નથી.
અને એ નથી કહેતો, જેમાં બધું કહેવા જેવું હોય છે.
એ કે મારી અંદર શું રડી રહ્યું છે.
એટલે જયારે હું મારા રોજીંદા કામકાજ માં વ્યસ્ત હોઉં
ત્યારે હું જે બોલતો હોઉં, તેનાથી ભરમાતા નહી !
પણ પ્લીઝ, ધ્યાનથી એ સાંભળવા નો પ્રયત્ન કરજો,
જે હું કહેતો નથી!
એ જે કહેવાની ત્રેવડ મારા માં હોય એવું હું ઈચ્છું.
મારું અસ્તિત્વ ટકાવવા જે કહેવું મારા માટે જરૂરી પણ છે.
પણ જે હું કહી શકતો નથી.
મને છુપાવવું ગમતું નથી.
મને તકલાદી બનાવટી ખેલ ખેલવા ગમતા નથી.
હું સાચો, વિચારવાયુ વિનાનો બનવા માંગું છું.
હું હું બનવા માગું છું, જેન્યુન અને સ્પોટેનિયસ.
પણ તમારે મને મદદ કરવી પડશે.
તમારે મારો હાથ પકડવો પડશે.
ભલે ને, એવું કરવું એ મને છેલ્લો વિકલ્પ લાગતો હોય.
તમે જ લુછી જ શકશો મારા આંશુઓ.
અને મુર્દા બનેલા શ્વશો તથ ખાલીપો ભરેલી નજર,
તમે જ કરી શકશો મને સજીવન.
જયારે તમે હેતાળ, મૃદુ અને પ્રોત્સાહક હો છો.
જયારે તમે એટલે મારી વાત સમજવાનો પ્રયત્ન કર્યો છે,
કારણ કે તમે ખરેખર મારી કાળજી લેતા હો છો.
મારા હ્રદય ને ફૂટે છે પાંખો !
બહુ કોમળ અને બહુ નાની.
પણ પાંખો!
તમારામાં એ શક્તિ છે, એનો સ્પર્શ લાગણીભીનો છે.
તમે મારા માં પ્રાણ ફૂંકી શકો છો.
હું એ જણાવવા માગું છું.
એ કે તમે મારા માટે કેટલા મહત્વના છો.
તમે પણ સર્જક બની શકો, પ્રભુ પ્રત્યે પ્રમાણિક એવા સર્જનહાર.
જો તમે ચાહો તો,
મારા માં છુપાયેલા વ્યક્તિત્વના,
તમે જ ભલા તોડી શકશો એ દીવાલ,
જેની પાછળ હું ધ્રુજું છું.
તમે ઉતારી શકશો મારા મહોરાં
તમે જ મને મુક્ત કરી શકશો મારા ભય ના પડછાયા માંથી.
મારી એકાંત કેદ માંથી.
જો તમે ચાહો તો પ્લીઝ.
મારી બાજુ માંથી પસાર ના થઈ જતા.
એ તમારા માટે સહેલું નહિ હોય.
નકામા હોવાનો કાયમી અહેસાસ પાક્કી ભીંતો ચણી દે છે.
તમે જેમ મારી નજીક આવવાની કોશિશ કરશો,
એમ હું કદાચ પ્રતિભાવ માં પ્રતિકાર કરું.
એ અતાક્રિક હશે, પણ ભલે બધી કિતાબો માણસજાત વિષે ગમે તે કહે,
ઘણી વાર હું ગળે ના ઉતરે એમ વર્તુ છું.
હું જેને માટે વલખા મારું છું, તેની સામે જ લડું પણ છું.
પણ મને કહેવા માં આવ્યું છે કે
પ્રેમ ભીંતો કરતા વધુ મજબુત હોય છે.
અને એમાં મારી આશા લટકેલી હોય છે.
પ્લીઝ પેલી ભીંતો તોડો.
તમારા માયાળુ હાથો થઈ.
એ ભૂલકા માટે જે બહુ સવેન્દ્લશીલ છે.
હું કોણ છું?
તમને અચરજ થતું હશે.
હું એ છું જેને તમે બહુ સારી રીતે જાણો છો.
હું એ પ્રત્યેક પુરુષ છું, જેને તમે મળો છો!
હું એ પ્રત્યેક સ્ત્રી છું, જેને તમે મળો છો !
સમાપ્ત.
૩. સક્સેસ સ્ટોરી – સંકલન ભાવિષા ગોકાણી
આજે હુ તમને નારી શક્તિનો પરિચય દર્શાવતી,અગાધ પ્રદર્શન કરતી ડો.સુષ્મા ચૌધરી વિષે વાત કરવા માંગુ છુ. ડો. સુષ્મા ચૌધરીનો જન્મ હરિયાણા રાજ્યના રોહ્તક ગામમાં ૨૨ મે ૧૯૭૫ ના રોજ ક્રિષ્ના કુમાર અને મિસિસ બિમલા દેવીના ઘરે થયો હતો.તેમના પિતાજી ક્રિષ્ના કુમાર એક ખ્યાતનામ ક્રિમિનલ વકિલ અને જાણીતા રાજનેતા અને સમાજ સેવક હતા જે અત્યારે હયાત નથી.તેની માતા એક ગ્રુહિણી છે.
ડો.સુષ્મા ચૌધરી પોતાની છ બહેનો અને એક ભાઇમાં સૌથી મોટા છે.તેની બધી બહેનો તથા ભાઇ ખુબ ઉચ્ચ શિક્ષણ પામેલા અને જુદા જુદા ક્ષેત્રોમાં કાર્યરત છે.તેઓ ડેંન્ટલ વિભાગમાં એમ.ડી. થયેલા છે.અને તેમના પતિ ડૉ. વિપીન પણ એન્થેશિયામાં એમ.ડી થયેલા છે.અને હોડલ જેવા શહેરમાં સિનિયર મેડીકલ ઓફિસર તરિકે કાર્યરત છે.ડૉ. સુષ્મા પણ હોડલ શહેરમાં સરકારી દવાખાનામાં કાર્યરત છે.બન્ને પતિ-પત્ની છેલ્લા ૧૫ વર્ષથી હોડલ જેવા નાના સેન્ટર પર સેવા આપી રહ્યા છે. તેઓને બે સંતાનો છે.૧૬ વર્ષની આક્રુતી અને ૮ વર્ષનો પુત્ર અનિકેત.મોરના ઇંડા ચીતરવા ન પડે તેમ તેની ૧૬ વર્ષની પુત્રી આક્રુતી રાષ્ટ્રીય લેવલની ગાયિકા છે.અને સાવરીયા મ્યુઝિક અને કેસેટ્સ નામની સંગિત કંપની દ્વારા તેના મ્યુઝિક આલ્બમ બહાર પાડવામાં આવે છે.અને તે ૧૬ જેટલી જુદી જુદી ભાષાઓમા ગાઇ શકે છે.અને ડી.ડી. 1 ચેનલ પર તેને સિરિઝ પુરી કરી છે. ડો.સુષ્મા ચૌધરીએ 2015માં મિસિસ ઇન્ડિયા ગ્લોબલનો ખિતાબ મેળવ્યો છે.મિસિસ ઇન્ડિયા ગ્લોબલ પ્રતિયોગિતા વિશે તેઓ જણાવે છે કે આ પ્રતિયોગિતા દિલ્લીમાં 27મી સ્પ્ટેમ્બરે 2015 ના રોજ આયોજિત કરવામાં આવી હતી.જેમાં તેઓ પ્રથમ 30માં પસંદ કરવામાં આવ્યા હતા.જયાંથી તેઓને મુંબઇના દરિયાકાંઠે રહેલી જુહુ હોટેલમાં બોલાવવામાં આવ્યા.જ્યાં તેઓના ગ્રુમિગ કલાસ લેવામાં આવ્યા.અને તેઓને કોસમોલોજીની તાલીમ પણ આપવામાં આવી અને કેટવોકની પણ તાલીમ આપવામાં આવી.જયાં તેઓએ દિવસ રાત મહેનત કરીને પ્રેકટિસ કરી 5મી નવેમ્બરે રામી હોટેલમાં ગ્રાનંડ ફિનાલેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જયાં ડો.સુષ્માને આઇકોનિક આઇનો સ્પેશલ ખિતાબ તેઓ જીતી ગયા.તેઓને કલાસિકલ સંગીત સાંભળવાનો, એકટિંગ, કુકિગ અને કસરતનો ખુબ જ શોખ છે.45 વર્ષની પુખ્ત વયે પણ તેઓ ખુબ જ કાર્યરત છે.બે સંતાનોની માતા અને સરકારી ડોકટર હોવા છતાંય તેઓ દિલ્હીમાં શ્રી સાંઇ એનજીઓ સાથે જોડાયેલા છે અને “બેટી બચાઓ અને બેટી પઢાઓ”, “દીકરી બચાઓ” માટે કાર્યરત છે.પ્લસ પોલિઓ અભિયાન સાથે પણ જોડાયેલ છે અને અત્યારે તે તક્ષીલ બુધ્ધદેવ સાથે પ્રકૃતિ બચાવ માટે પણ કાર્યરત છે. તે પોતાના વ્યસ્ત શિડયુલમાંથી પારિવારિક જવાબદારી નિભાવીને શનિ અને રવિવારે સામાજિક કાર્ય માટે સમય કાઢી લે છે.તે પોતાની જાતે જ આગળ વધેલ મહિલા છે અને અશક્ય વસ્તુને શક્ય બનાવવા માંગે છે.તેઓના જીવનનો મંત્ર છે કે આપણે સ્ત્રીઓ ધારે તે કરી શકીએ છીએ અને આપણામાં અગાધ શક્તિઓ પડેલી છે.તે પોતાની સફળતાનો શ્રેય પોતાના પતિ ડો.વિપીનભાઇને આપે છે.તેમના સહકાર વિના તે કાંઇ પણ કરી શકે તેમ નથી. તેનુ સપનુ છે કે તે જરૂરિયાતમંદ લોકો માટે કાર્ય કરવા માંગે છે અને મોડેલિંગ અને એકટિંગ કરવા માંગે છે.જેની શરૂઆત તે કરી રહ્યા છે અને એક હોરર ફિલ્મ “વાહામ”માં કામ કરવા જઇ રહ્યા છે.જે એન.જી.ઓ.સાથે તે સંકળાયેલા છે તે વૃધ્ધાશ્રમ માટે કાર્યરત છે.તેના માટે તેનો પરિવાર સૌથી પહેલા છે અને તેના પર પુરતુ ધ્યાન આપે છે.તેનુ ઉદાહરણ તેની દીકરી આકૃતિ છે જે નાની વયે ખુબ જ સફળ ગાયિકા છે અને સામાન્ય ગાયકને સ્વપ્નમાંના પણ ના હોય તેમ 16 અલગ અલગ ભાષાઓમાં ગાઇ શકે છે.
૪. કુદરતનો ઓટલો – મેહુલ સોની
સફરજન ઝાડ પરથી નીચે પડ્યું અને ન્યુટને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધ્યો. પરંતુ ન્યુટને ગુરુત્વાકર્ષણ બળના નિયમની શોધ કરી એના પહેલાથી, અનાદી કાળથી સફરજન તો ઉપરથી નીચે જ પડે છે. અને આ નિયમ કોનો? ન્યુટનનો? વિજ્ઞાનનો? ના, આ નિયમ ન્યુટનનો નથી. આ નિયમ વિજ્ઞાનનો પણ નથી પણ આ નિયમ પ્રકૃતિનો છે. વિજ્ઞાને તો માત્ર તેને એકદમ નજીકથી સમજ્યો છે અને દુનિયાને પૂરવાર કરી બતાવ્યો છે. વિજ્ઞાનનાં નિયમો એટલે કે અમુક સત્યો જે વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત થયા અને દુનિયા સમક્ષ સાબિતી સાથે રજુ પણ કર્યા.
સામાન્ય રીતે એવી સમજણ જોવા મળે છે કે વિજ્ઞાન એટલે આધ્યાત્મથી વિરુદ્ધ. પણ એવું નથી. જે તત્વને આધ્યાત્મ ઈશ્વર કહે છે તેને જ વિજ્ઞાન પ્રકૃતિ કહે છે. વિજ્ઞાન હમેશા પ્રકૃતિને વધુ ને વધુ નજીકથી સમજવાનો પ્રયત્ન માત્ર કરે છે. આધ્યત્મ એક ઈશ્વર નામની પરિકલ્પના લઈને ચાલે છે. જયારે વિજ્ઞાન સાબિતી સિવાય કઈ સ્વીકારતું નથી પણ હા, વિજ્ઞાન એ તો ચોક્કસ માને જ છે કે એક ચેતન તત્વ છે જે સમસ્ત બ્રહ્માંડનું સંચાલન અને નિયમન કરે છે. આ ચેતન તત્વને જ તે પ્રકૃતિ કહે છે.
આટલી લાંબી પ્રસ્તાવના લખવાનું કારણ જ એ કે આપણી એક સમજ બંધાય કે પ્રકૃતિ એક ચેતન તત્વ છે.બ્રહ્માંડનો એક એક કણ એના નિયમોને આધીન છે. એ પ્રકૃતિ જ છે કે જેણે આ સમસ્ત બ્રહ્માંડનું સર્જન કર્યું છે. સંસારમાં એકકોષી સજીવોથી લઈને મનુષ્યો, અરે નિર્જીવ વસ્તુઓના ગુણધર્મો પણ પ્રકૃતિ એ જ બક્ષેલા છે.
મેં અગાઉ જણાવ્યું એમ પ્રકૃતિ એક ચેતન તત્વ છે. દરેક સજીવ નિર્જીવ પદાર્થની જેમ આપણે પણ એની સાથે જોડાયેલા જ છીએ, અને હજી વધુ સારી રીતે જોડાઈ શકીએ છીએ. આપણો પ્રકૃતિ સાથે વ્યક્તિગત સંબંધ વિકસી શકે છે. આપણે સાદ પડીએ તો પ્રકૃતિ પડઘો પાડે જ છે. પણ અફસોસ કે આપણે તેની સાથે તાદાત્મ્ય નથી સાધી શક્યતા, એની જોડે આપણી જાતને લીંક અપ નથી કરી શકતા.. હા મિત્રો, પ્રકૃતિને રીતસર ફિલ કરી શકાય છે, સાંભળી શકાય છે, વાતો કરી શકાય છે. પ્રકૃતિ દરેકની જરૂરિયાત જાણે છે અને એટલે જ ફૂલો ખીલે છે, પંખીઓ કલરવ કરે છે, વરસાદ આવે છે, કૂંપળ ફૂંટે છે, ધોધ પડે છે, મેઘધનુષ્ય રચાય છે, ઠંડો પવન વાય છે, ઝાડનો છાંયડો મળે છે... આ બધી પ્રકૃતિની દેન છે. પ્રકૃતિએ આપણી આસપાસ અદભુત અને મનોરમ્ય સૃષ્ટિનું સર્જન કર્યું છે. પ્રકૃતિએ જ સુખ, દુખ,આનંદ, આશ્ચર્ય જેવા મનોભાવો આપણને બક્ષ્યા છે. પણ મનુષ્યના મનની ગતિ પ્રકૃતિથી એકદમ વિપરીત થતી જાય છે. અને તેથી જ આપણા જીવનમાંથી આનંદ નામનું તત્વ દૂર થતું જાય છે. મનુષ્યો સિવાયના દરેક પ્રાણીઓ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને જીવે છે. દરેક ઋતુમાં થતા વાતાવરણના બદલાવ મુજબ પ્રકૃતિ આપણને અનાજ,પાણી, કઠોળ અને ફળ આપે છે. જેમ કે ઉંનાળામાં થતા પરસેવાના કારણે આપણે આપણા શરીરમાંથી પાણી અને ખનીજતત્વો ગૂમાવી દઈએ છીએ. આ જ ઋતુમાં તરબૂચ, સક્કરટેટી જેવા ફળો પાકે છે કે જે આપણે ગૂમાંવેલું પાણી અને ખનીજતત્વો પ્રદાન કરે છે. તરબૂચ અને સક્કરટેટી ખાવાથી આપણે આપણા શરીરમાં એક કુદરતી ઠંડકનો અનુભવ કરીએ છીએ. પણ આપણે તો ઉનાળામાં ગરમીમાંથી રાહત મેળવવા કોકોકોલા જેવા ઠંડા પીણા પીતા થઇ ગયા. ઠંડા પીણામાં રહેલા તત્વો આપણા શરીરમાં રહેલા પાણીના અણુઓ સાથે રસાયણિક પ્રક્રિયા કરે છે જેથી આપણા શરીરમાંથી ઉલટાનું પાણી ઓછું થાય છે. વધુમાં તેમાં રહેલા ઝેરી તત્વોના નિકાલ માટે આપણું બોડી એની જાતે જ વધુ પરસેવાનો સ્ત્રાવ કરવા લાગે છે. આ તો એક ઉદાહરણ માત્ર છે. ધ્યાન રાખીને આપણા રોજબરોજના જીવનનું અવલોકન કરીએ તો એવું ઘણી મળી આવે કે જે પ્રકૃતિથી વિરુદ્ધ છે. અને તેથી જ આપણે કલરવને બરાબર સાંભળી નથી શકતા, વરસાદ પણ આવતો નથી, ઠંડો પવન પણ વાતો નથી, કૂંપળો પણ ફૂટતી નથી, ઝાડનો છાંયડો પણ હવે તો જોવા નથી મળતો અને બધું જ હોવા છતાં કોઈ આનંદ પણ નથી આવતો. યેસ મિત્રો મારે એ જ કહેવું છે કે જીવનમાંથી આ આનંદ ગયો ક્યાં? અને કેમ ગયો? શું એ પાછો મળે? અને મળે તો કેવી રીતે મળે.....
બસ મિત્રો આવા જ પ્રશ્નો અને જવાબો સાથે ફરી મળીશું.
૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ
ગરમ ગરમ ગરમીની શરૂઆત હોય, ખેતરેથી પાકની લળણી થતી હોય, ચૈત્ર મહિનાનો ગરમી અને તોય કડવા લીમડાનાં મોરની મીઠી સુગંધ વાળો ઠંડો પવન વાતો હોય, એવામાં કોઈ નવી પરણેતરનાં મનમાં પોતાનાં પતિ માટે પ્રેમની જે ટશરો ફૂટે, તેનું ગાન કેવું હોય ? પોતાનાં પતિને ભમરો સમજી પોતે કૂમળા ફૂલ જેવી લાગણીએથી શ્વસી લેવાની વાત આ ગઝલમાં બખૂબી વ્યક્ત થાય છે.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગાગા
આજ હૈયે હામ લૈને હું જ શ્વસી જોઉં તો ?
એમ તારા પ્રેમ પાશે હું ઉલ્લસી જોઉં તો ?
તુજ સુધી પ્હોંચવાનો છે અડગ નિર્ણય અને
વદન પર આવી શરમ હું જો ધસમસી જોઉં તો ?
ભ્રમર સમું ગાન તારું ખૂબ ગમતીલું છે ને,
ફૂલ જેવું હું જરા જો સ્હેજ જ રસી જોઉં તો ?
મંજર રસ્તાનો સરળ થૈ ને રહેશે આવે તું
આજ તારી ચાહત સખી હું કસી જોઉં તો ?
શ્વાસની જો વાત હો તો ચાલ મારી સંગે તું
આજ તારા શ્વાસમાં હું આમજ વસી જોઉં તો ?
સંગ તારો છે મજાનો રાહ પણ છે સુંદર ને
હાથ ઝાલી પ્રેમમાં થોડું શ્વસી જોઉં તો ?
- અર્ચના ભટ્ટ પટેલ
૬. હડપ્પા અને મોહે-જો-દડો ની આજ ની
વ્યવસ્થા સાથે તુલના– ભાવિક મેરજા
હડપ્પા અને મોહે-જો-દડો આ બે નામ થી લગભગ તો કોઈક વ્યક્તિ જ અજાણ હશે.
ઇતિહાસકારો નું માનવું છે કે લગભગ ઈ.પૂ.2400 થી 1900 ની વચ્ચે હડપ્પા અને મોહે-જો-દડો નો ઉદ્દભવ થયો હતો.હડપ્પા અમે મોહે-જો-દડો બન્ને ગામડા કમ નગર હોય એવું તેની નગર રચના,સમાજ અને સંસ્કૃતિ પર થી સ્પષ્ટ સાબિત થાય છે.
આ બંને નગરો સિંધુ ખીણ ની સંસ્કૃતિ ના નગરો કહેવામાં આવે છે યા તો એની અદ્દભુત નગર રચના અને સંસ્કૃતિ ને કારણે તેને 'સિંધુ સભ્યતા'પણ કહેવાય છે અને આ શબ્દ નો સૌ પ્રથમ વાર ઉલ્લેખ પ્રસિદ્ધ વિદ્વાન જ્હોન માર્શલ એ કર્યો હતો.
જોવા જઈએ તો આ સિંધુ ખીણ ની સંસ્કૃતિના આ બે નગરોની નગર રચના,ત્યાંની સંસ્કૃતિ અને વ્યવસ્થા નો આજે પણ ઘણો બધો ઉપબોધ મળી શકે તેમ છે.
જયારે હડપ્પા અને મોહે-જો-દડો નું ઉત્તખનન કરવામાં આવ્યું ત્યારે ચોકાવતી ઘણી બધી નવાઈ પમાડે તેવી વાત નજર માં આવી હતી અને તેમાની મુખ્ય બે વાત ખુબજ અચરજ પમાડે તેવી હતી.
(1)હડપ્પા અને મોહે-જો-દડો ના રસ્તા,
(2)હડપ્પા અને મોહે-જો-દડો ની ગટર વ્યવષથા
પ્રાપ્ત ફોટા અને મળેલી માહિતી અનુસાર જાણવા મળે છે કે હડપ્પા અને મોહે-જો-દડો ના રસ્તા એક-બીજા ને કાટખૂણે મળતા હતા.તેમજ દરેક રસ્તા ની પહોળાઈ 9.75 મીટરની આસપાસ હતી અને થોડા થોડા અંતર એ થાંભલા પણ ખોડેલા હોય તેવા નિશાન મળેલા છે જે સ્ટ્રીટ લાઈટ હોવાનું દર્શાવે છે.આ રસ્તા મોટા હોવા પાછળ નું કારણ ઇતિહાસકારો નું કહેવું છે કે ભવિષ્ય ની ચિંતા ને લઈ ને આટલા પહોળા અને આવી રીતે બનાવવમાં આવ્યા હતા.જે આજે જોવા મળતા રસ્તા અને રસ્તાની વ્યવસ્થા થી ઘણા બધા સારા પ્રકારના હતા.
બીજી નવાઈ પમાડે એવી વાત હડપ્પા અને મોહે-જો-દડો ની ગટર વ્યવષથા.
દરેક ઘરમાંથી એક નાની નહેર મારફત ઘરનું તમામ દુષિત પાણી બહાર કાઢવામાં આવતું હતું.અહીં એ પ્રશ્ન તો કદાચ ઉપસ્થિત થાય જ કે ત્યારે તો કોઈ એવી મોટર કે કાંઈ એવા સાધનો ની શોધ થઇ ન હતી તો પછી નાની નહેર માંથી નિકાલ કેવી રીતે કરવામાં આવતો હશે?
પુરા નગરની રચના જ એક ઢોળાવ પર કરવામાં આવેલી હતી.અને પાણી ના નિયમ પ્રમાણે પાણી ઉંચા ઢોળાવ પરથી નીચા ઢોળાવ તરફ આપો આપ વહી જાય છે તેમ એ ઘર માંથી બહાર નીકળી ને પછી ત્યાં મોટી નહેર મારફત નગરની બહાર ઠલવાય જતું હતું.
અને આ ઢાળ રાખવાનો બીજો એક મોટો ફાયદો એ પણ હતો કે ચોમાસા માં ગમે તેવો વરસાદ પડે તો પણ નગરમાં ક્યાંય પણ પાણી ભરાયા વગર માત્ર એક કલાક માં રસ્તા પર ક્યાંય પાણી નું ટીપું પણ જોવા મળતું ન હતું.
આ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આજ ના લોકો કરતા એ લોકો જનરલ અવેરનેસ માં ઘણા બધા આગળ પડતા હતા જે આ ગટર વ્યવસ્થા અને રસ્તા ની રચના પરથી જોઈ શકાય છે કેમ કે આજે આટલી બધી ટેકનોલોજી અને આટલા બધાં સાધનો હોવા છતાં મોટા આ બે જ પ્રશ્નો છે (1)ટ્રાફિક સમસ્યા અને (2)પાણી નિકાલ. અને આ બન્ને સમસ્યા નો હલ આ બન્ને નગરો પાસે થી કદાચ મળી શકે તેમ છે.
હવે બીજી વાત કે કહેવાય છે કે સિંધુ સંસ્કૃતિ ના લોકો પોતાના પેશન પ્રમાણે નું જ કાર્ય કરતા હતા જે દર્શાવે છે કે હડપ્પા ના લોકો ની બુદ્ધિ ક્ષમતા કદાચ આજ ના વર્ગ કરતા આ બાબતે ચડિયાતી છે.હજુ એક વાત એ કે આ સંસ્કૃતિ માં અંધશ્રદ્ધા ને કોઈ સ્થાન ન હતું મતલબ હડપ્પા નો સમાજ એક સાત્વિક સમાજ હતો. જે આજ ના આ સાધુ બાબા પાસે જતા સમાજ કરતા ઘણો બધો ચડિયાતો સમાજ હતો.
અને સાહિત્ય કળા નો ઉદ્દભવ પણ આ હડપ્પા ની હરોળ ની સંસ્કૃતિ ના લોકો આર્યો એ જ કરેલો હોય તેવું માનવામાં આવે છે.યજુર્વેદ,સામવેદ,અથર્વ વેદ અને ઋગ્વેદ આ ચારેય વેદ એ આર્યો લોકો ની દેન છે અને સંશોધનકારકો નું માનવું છે કે આ ચારેય વેદ નું એક વૈજ્ઞાનિક કારણ એ છે કે આર્યો સમાજના લોકો પ્રકૃતિ નું મહત્વં ખુબ સારી રીતે જાણતાં હતા તેથી પ્રકૃતિ નું મહત્વ જળવાય રહે અને પ્રકૃતિ ની સમતુલા જળવાઈ રહે એ કારણ થી આ ચાર વેદો ને ધર્મ સાથે જોડ્યા છે.
છેવટે તો એટલું જ કે કદાચ જૂની સંસ્કૃતિ ના લોકો એ નવી સંસ્કૃતિ(આજ ની સંસ્કૃતિ)ના લોકો કરતા એક બીજા ને સમજવામાં અને એક બીજા પ્રત્યે ની જવાબદારી પ્રત્યે સભાન હતા..
-ભાવિક મેરજા
૭. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ
અંગ્રેજી ભાષા વિષેના તથ્યો
આપણે ત્યાં એક કહેવત છે કે જયારે કોઈ એક અસત્યને ઘણીબધી વખત ફરીફરીને બોલવામાં આવે ત્યારે તે અસત્ય આપણને સત્ય લાગવા લાગે છે, પરંતુ ખરી વાત એ છે કે તે સત્ય નથી બની જતું કારણ કે અસત્ય તો અસત્ય જ રહે છે પછી ભલે તેને ગમે એટલા શૃંગાર કરવામાં આવે પરંતુ તેને નગ્ન થતા વાર નથી લાગતી. આવા જ કેટલાક અર્ધસત્ય અને અસત્ય તથ્યો અંગ્રેજી ભાષા વિષે આપણે ત્યાં બોલવામાં આવે છે જેમ કે અંગ્રેજી એક આંતરરાષ્ટ્રીય ભાષા છે, અંગ્રેજી સૌથી સમૃદ્ધ ભાષા છે, અંગ્રેજી વિના જ્ઞાન-વિજ્ઞાનનો અભ્યાસ શક્ય નથી, અંગ્રેજીના અભ્યાસ વગર દેશનો વિકાસ શક્ય નથી વગેરે વગેરે. આજે આ બધા અર્ધસત્ય કે અસત્ય તથ્યોનું ખંડન કરવું અત્યંત આવશ્યક બની ગયું છે. યાદ રાખજો મિત્રો મારો વિરોધ અંગ્રેજી ભાષા પ્રત્યે નહિ પરંતુ તેની સાથે જોડાયેલી અર્ધસત્ય કે અસત્ય બાબતો પ્રત્યે છે.
અંગ્રેજી ભાષા વિશેનું સૌથી મોટું અસત્ય એ છે કે તે એક આંતરરાષ્ટ્રીય ભાષા છે. આજે આ દુનિયામાં બસોથી પણ વધારે દેશ અસ્તિત્વ ધરાવે છે જેમાંથી ગણતરીના માત્ર ૧૦ થી ૧૨ દેશોમાં જ અંગ્રેજી બોલવા, લખવા કે વાંચવામાં આવે છે. આ દેશોમાં ઇંગ્લેન્ડ સહીત તેના ગુલામ રહેલા દેશોનો સમાવેશ થાય છે જેમકે અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, વેસ્ટ-ઇન્ડીઝ, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે વગેરે. બાકીના દેશો પોત-પોતાની માતૃભાષાનો બોલવા, લખવા કે વાંચવામાં પ્રયોગ કરે છે જેમકે ચીનમાં ચાઇનીઝ અને મેન્ડરીયન ભાષાનો, જાપાનમાં જાપાની ભાષાનો, રશિયામાં રશિયન ભાષાનો, સ્પેનમાં સ્પેનીશ અને ફ્રાન્સમાં ફ્રેંચ ભાષાનો પ્રયોગ થાય છે.
આશ્ચર્યની વાત તો એ છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેનું સ્થાન અમેરિકામાં છે ત્યાં પણ કામકાજ અંગ્રેજીમાં નથી થતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વ્યવહારની ભાષા તરીકે ફ્રેન્ચને ગ્રહણ કરવામાં આવેલી છે. આ અંગ્રેજોના ધર્મગ્રંથ બાઈબલની ભાષા અંગ્રેજી નહતી અને ઈશુ ખ્રિસ્ત પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ નહતા કરતા. બાઈબલની ભાષા અને ઇશુ ખ્રિસ્તની ભાષા અરમેક હતી. આ અરમેક ભાષાની લિપી આપણે ત્યાંની બંગાળી લિપી જેવી હતી. કાળક્રમે અરમેક ભાષા લુપ્ત થઇ ગઈ.
અગર જનસંખ્યાની દ્રષ્ટિ એ જોવા જઈએ તો દુનિયામાં ચાઇનીઝ ભાષાનો પ્રયોગ કરનારાઓની સંખ્યા અત્યારે સૌથી વધારે છે એ હિસાબે ચાઇનીઝને આપણે આંતરરાષ્ટ્રીય ભાષા જાહેર કરી શકીએ. બીજા નંબરે આવે છે આપણી રાષ્ટ્રભાષા એટલે કે હિન્દી. ચાઇનીઝ પછી જનસંખ્યાની દ્રષ્ટિએ હિન્દી ભાષાનો પ્રયોગ કરનારાઓની સંખ્યા સૌથી વધારે છે. અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરનારાઓની સંખ્યા તો ગણતરીના માત્ર 3 થી ૪ ટકા જ છે તો પછી એ કેવી રીતે આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ.?
અંગ્રેજી ભાષા વિષે બીજું એક અસત્ય એ ફેલાવવામાં આવેલું છે કે એ ખુબ જ સમૃદ્ધ ભાષા છે. કોઈ પણ ભાષાની સમૃદ્ધિ તેના મૂળ શબ્દોની સંખ્યાના આધાર પરથી આલેખી શકાય છે. અંગ્રેજી ભાષામાં તેના મૂળ શબ્દોની સંખ્યા ફક્ત ૧૨૦૦૦ જ છે બાકીના શબ્દો બીજી ભાષાઓમાંથી ચોરી કે ઉઠાંતરી કરાયેલા શબ્દો છે. અંગ્રેજી કરતા તો આપણા ભારતદેશની કેટલીક ભાષાઓ વધુ સમૃદ્ધ છે જેમકે ગુજરાતી ભાષાના મૂળ શબ્દોની સંખ્યા ૪૦,૦૦૦ છે, મરાઠી ભાષાના મૂળ શબ્દોની સંખ્યા ૪૮,૦૦૦ છે અને હિન્દી ભાષાના મૂળ શબ્દોની સંખ્યા તો ૭૦,૦૦૦ છે. અંગ્રેજી ભાષામાં બાકીના બધા શબ્દો લેટીન, ફ્રેંચ, ગ્રીક તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની ભાષાઓમાંથી ઉઠાંતરી કરવામાં આવેલા છે. તમે પણ યાદ કરી શકો છો, કોઈ અંગ્રેજી ભાષાનું પુસ્તક વાંચતા-વાંચતા ધ્યાનમાં આવ્યું હશે કે આ શબ્દ મૂળ લેટીન ભાષાનો છે લેટિનમાં જેનો અર્થ ફલાણું-ફલાણું થાય છે.!
અંગ્રેજી ભાષાના શબ્દોની ગરીબી એ વાત પરથી આંકી શકાય કે તેમાં કાકા, મામા, માસા, ફુઆ બધા માટે એક જ શબ્દ છે અને એ છે UNCLE. કાકી, મામી, માસી, ફઇ બધા માટે એક જ શબ્દ છે અને એ છે AUNTY. બહેન માટે SISTER શબ્દ અને ભાભી માટે SISTER IN LAW, ભાઈ માટે BROTHER શબ્દ અને દિયર કે જેઠ માટે BROTHER IN LAW આવી બેકાર, લાચાર અને પંગુ ભાષા છે અંગ્રેજી કારણકે તેમાં શબ્દોની સમૃદ્ધિ જ નથી તો પછી ભાષાને કઈ રીતે સમૃદ્ધ ગણી શકાય.?
સૌથી સારી ભાષા એને માનવામાં આવે છે કે જેના નિયમ કદી બદલાયા ન હોય, હંમેશા એક જેવા જ રહ્યા હોય. જેમકે સંસ્કૃત, તેના નિયમ સૃષ્ટિની રચનાથી અત્યાર સુધી દુનિયાની દરેક જગ્યાએ એકસમાન રહેલા છે. અંગ્રેજી સૌથી રદ્દી ભાષા છે કારણકે તેના નિયમ પહેલાથી આજ સુધી ક્યારેય એક સરખા રહ્યા નથી. તદુપરાંત દુનિયામાં બે અલગ-અલગ જગ્યાએ બોલાતી, વંચાતી કે લખાતી અંગ્રેજી ભાષામાં જમીન-આસમાનનો ફર્ક હોઈ શકે કારણકે તેના નિયમોમાં અસમાનતા રહેલી છે. ઉદાહરણ તરીકે અંગ્રેજી ભાષામાં આજથી બસો વર્ષ પહેલા THIS ને TIS એવી રીતે લખવામાં આવતું. બસો પચાસ વર્ષ પહેલા NICE શબ્દનો અર્થ ‘મુર્ખ’ થતો હતો. હવે તેનો અર્થ ‘સરસ’ એવો થાય છે. અંગ્રેજી ભાષામાં શબ્દોનું ઉચ્ચારણ પણ કદીય એકસરખું નથી હોતું જેમકે ઓસ્ટ્રેલીયાના લોકો TODAYને ‘TODIE’ એવી રીતે બોલે છે તો બ્રિટનના લોકો તેને ‘TODAY’ એવી રીતે બોલે છે. અમેરિકન અંગ્રેજીમાં જ્યાં ‘Z’ નો વધારે ઉપયોગ થાય છે ત્યાં બ્રિટનની અંગ્રેજીમાં ‘S’ નો વધારે ઉપયોગ થતો હોય છે. કારણકે અંગ્રેજી ભાષાના નિયમો કદી એકસરખા રહ્યા નથી માટે બંને દેશોએ પોતપોતાની અંગ્રેજી અપનાવી લીધી છે.
અંગ્રેજી વિના જ્ઞાન-વિજ્ઞાનનો અભ્યાસ શક્ય નથી. આ તથ્યને ખોટું સાબિત કરતા દુનિયાના બે દેશો છે એક તો છે ફ્રાંસ અને બીજો જાપાન. આ બંને દેશોમાં શરૂઆતથી લઈને ઉચ્ચ કક્ષાની શિક્ષા તેમની માતૃભાષામાં જ આપવામાં આવે છે. જેમકે જાપાનમાં ઈજનેરી, મેડીકલ કે કાયદાની શિક્ષા જાપાની ભાષામાં જ આપવામાં આવે છે અને એવી રીતે ફ્રાન્સમાં પણ ઉચ્ચ શિક્ષા ફ્રેન્ચમાં જ આપવામાં આવે છે.
જાણો છો આપણા દેશમાં નોબલ પારિતોષિક વિજેતાઓ શા માટે ઉત્પન્ન નથી થતાં.? એનું કારણ એ છે કે આપણે અંગ્રેજી માધ્યમમાં ઉચ્ચ શિક્ષા મેળવીએ છીએ. નોબેલ પારિતોષિક મેળવવા માટે કશુંક સર્જનાત્મક કાર્ય કરવું પડે અને એવું સર્જનાત્મક કાર્ય વિદેશી ભાષામાં કરવું કદી શક્ય નથી. કોઈપણ મૌલિક કામ હમેશા વ્યક્તિની માતૃભાષામાં જ શક્ય બની શકે છે અંગ્રેજી ભાષામાં આપણે ફક્ત ગોખણપટ્ટી કરી શકીએ, મૌલિક કામ કે નવસર્જન કરી શકતા નથી અને એટલા માટે જ આજે ભારતમાં નોબલ પારિતોષિક વિજેતા થતા નથી. આઝાદી પહેલા બે ભારતીય લોકોને નોબલ પારિતોષિક મળેલા જેમાં રવીન્દ્રનાથ ટાગોર અને જગદીશચંદ્ર બોઝનો સમાવેશ થાય છે. આ બંનેએ પોતાની કૃતિઓ પોતાની માતૃભાષા બંગાળીમાં રચી હતી. આપણા દેશથી નાના, આપણા શહેરો જેટલું ક્ષેત્રફળ ધરાવતા દેશોમાં દર વર્ષે નોબેલ પારિતોષિક વિજેતા ઉત્પન્ન થાય છે કારણકે તે લોકો પોતાની માતૃભાષામાં કાર્ય કરતા હોય છે.
અંગ્રેજીના અભ્યાસ વગર દેશનો વિકાસ શક્ય નથી. અંગ્રેજી ભાષાના પ્રયોગ વગર પણ દેશનો વિકાસ શક્ય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ જાપાન દેશ છે. જાપાનના વિકાસ પાછળનું સૌથી મહત્વનું પરિબળ એ જ છે કે ત્યાંના લોકો પોતાની માતૃભાષાને સૌથી વધારે પ્રેમ કરે છે અને એટલો જ પ્રેમ તે લોકો પોતાના દેશને પણ કરે છે. સાચી વાત એ છે કે જે લોકો પોતાની માતૃભાષાને પ્રેમ નથી કરતા એ લોકો પોતાના દેશને પણ પ્રેમ નથી કરતા હોતા, ફક્ત ખોટો દેખાડો કરતા હોય છે.
દુનિયામાં ૭૦ એવા દેશો હતા જે ભારતની પહેલા અને પછી અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા. ભારતને બાદ કરતા બાકીના બધા દેશોમાં એક બાબત સામાન્ય હતી કે આઝાદ થતાંની સાથે જ તેઓએ પોતાની માતૃભાષાને સરકારી સ્તરની ભાષા ઘોષિત કરી દીધેલી. ખુબ અફસોસની વાત છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહી કહેવાતા ભારત દેશમાં આઝાદીના ૬૯ વર્ષ બાદ આજે પણ સરકારી સ્તરની ભાષા અંગ્રેજી જ છે.
(સ્વર્ગસ્થ રાજીવ દિક્ષિતના વ્યાખ્યાનોમાંથી સાભાર...)
૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી
ધૃજવતો બંગલો – પ્રકરણ - ૪
શનિવારે સવારે દિવ્યા કોલેજે ગઇ હતી.પાછળથી તેના ઘરે એક ફોન આવ્યો, “હેલ્લો માધવી બહેન બોલે છે?.’’
‘’હા, હું માધવી જ બોલુ છું,તમે કોણ?’’ ’’માધવી બહેન હું વૃધ્ધાશ્રમ જામનગરથી બોલુ છું. તમે તમારી દિકરીનો આર્ટીકલ મોકલાવ્યો હતો તે ખૂબ જ સરસ છે.તેના અંતર્ગત મારે થોડું કામ છે.’’ “ઓહ, તમે વૃધ્ધાશ્રમથી બોલો છો.સરસ બોલો શું કામ છે?’’
“હું અહી આવી છું રાજકોટ, તો સાંજે તમને મળવા માંગુ છું તમે મળી શકશો?’’ “શ્યોર, બોલો ક્યા મળવાનું છે? એમ કરોને ઘરે જ આવી જાવ ને?’’ “ઓહ નો નો મારે થોડા કામ છે.ઇફ પોસીબલ પ્લીઝ તમે તમારી કોલોનીથી બહાર આવેલા મોલમાં આવી જશો સાંજે સાડા ચારે વાગ્યે?’’
“ઓ.કે. નો પ્રોબલેમ હું જરુરથી પહોચી જઇશ.’’
દિવ્યાના મમ્મી માધવીબહેન એક સોશીયલ વર્કર હતા.અને લેડીસ ચેમ્બર્સના પ્રમુખ હતા.તેઓ દિવ્યાને પણ સોશીયલ વર્ક માટે પ્રેરતા પરંતુ દિવ્યાને આવા બધા કામમાં કંટાળો આવતો હતો, છતાય ઘણી વાર મમ્મી માટે થોડુ કાર્ય કરવું પડતુ. આવો જ એક આર્ટીક્લ વૃધ્ધાશ્રમ માટે બનાવવો પડયો હતો. વૃધ્ધાશ્રમના કાર્ય અને સારા પાસા વિશે આર્ટીકલ દિવ્યા પાસે બનાવડાવી માઘવીબહેને મોકલાવ્યો હતો. તેના સંદર્ભે જ ફોન આવ્યો હતો. માધવીબહેન ખૂબ જ ખુશ હતા. તેની દિકરીએ લખેલા આર્ટીકલને સિલેક્ટ કર્યો હતો. તે સાડા ચાર વાગ્યે નક્કી કરેલા સ્થળે પહોંચી ગયા. રાખીબહેન તેની રાહ જોઇ રહ્યા હતા, “આવો,આવો માધવીબહેન’’ “હા રાખીબહેન તમને અહી જોઇને ખૂબ જ ખુશી થઇ.કેમ છો તમે? તમે ઘરે ન આવ્યા અને મને અહી બોલાવી એ ન ચાલે.આવો અમારા ઘરે ત્યાં જમવાનુ રાખજો અને ત્યાર બાદ આરામ કરી આપણે વાતો કરીશું.’’ માધવીબહેને કહ્યુ.
“હું તો મજામા છું અને રહી વાત તમારા ઘરની તો આજે તો મારે બીજા ઘણા કામ છે તો પછી ક્યારેક વાત.હું ચોક્કસ તમારા ઘરે આવીશ ને જમવાનો પ્રોગ્રામ પણ રાખીશ.બીજુ કહુ તો તમારી દિવ્યાનુ લખાણ ખૂબ જ પરફેક્ટ છે.જો તમારી ઇચ્છા હોય તો દિવ્યાને અમે અમારા વૃધ્ધાશ્રમમાં લઇ જવા માંગીએ છીએ તે થોડા દિવસ ત્યાં રહે તો અમે અમારું કાર્ય અને ત્યાંનુ વાતાવરણ જોઇ લે તેના વિશે સરસ લખી દે તો અમે ટ્રસ્ટી મંડળ અને ફાળા માટે તેનો ઉપયોગ કરી શકીએ.’’ “અરે વાહ તેમા પુછવાની જરૂર જ નથી બહેન,તમારા જેવી સારું કાર્ય કરતી સંસ્થાને અમે કાંઇ ઉપયોગી બની શકીએ એ અમારા માટે ગૌરવની વાત છે. શ્યોર દિવ્યા તમારી સાથે આવશે.”
“થેન્ક્સ અ લોટ માધવીબહેન.મને તમારા આટલા ઝડપી નીર્ણયની અપેક્ષા ન હતી.છતા પણ એક વખત તમારે દિવ્યાને પુછવુ હોય તો પુછી લો અને તેની પણ મરજી જાણી લો.તેની સાથે ચર્ચા વિચારણા બાદ મને કોલ કરજો.” રાખીબહેને પોતાનુ કાર્ડ આપતા કહ્યુ. “ઓ.કે. હું ઘરે જઇ તેની સાથે ચર્ચા કરી લઉ છું પણ એક વાત તો નક્કી જ છે કે તે આવશે જ તમારી સાથે. હું તેને સમજાવીશ અને હા તમારે ક્યારે નીકળવનુ છે?” માધવીબહેને પુછ્યુ.
“આજે શનિવાર છે,અમે કાલે રાત્રે નીકળવાના છીએ.જો દિવ્યા આવવા માટે રાજી હોય તો તમે મને કોલ કરજો એટલે હું તમને અમે ક્યારે અને કઇ બસમા જવાના છીએ તે તમને કહીશ.” રાખીબહેને કહ્યુ. “ઓ.કે. બહેન હું તમને ફોન કરુ છું.અને અહી રોકાવાના હોવ તો આજે રાત્રે ડિનર મારા ઘરે કરવાનુ રાખો.મને અને મારા પરિવારને તમારી સાથે બહુ આનંદ આવશે.” માધવીબહેને કહ્યુ. “તમારા આમંત્રણને હું માન આપુ છું પણ મારે હજુ થોડુ કામ છે અને અહી મારી બહેન પણ રહે છે તો તેને મળવા ત્યાં પણ જવાનુ છે અને ત્યાં જ મારુ રોકાણ ફિક્સ છે.ચલો હું નીકળુ હવે.તમારા ફોનની રાહ જોઇશ.” રાખીબહેન બોલ્યા. “ઓ.કે. રાખીબહેન હું ઘરે પહોંચી દિવ્યા સાથે વાત કરી તમને કોલ કરુ છું.” માધવીબહેન બોલ્યા અને પછી બન્ને પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. માધવીબહેને રાખીબહેનને દિવ્યાને સાથે મોકલવાની હા તો કહી દીધી પણ તેમને ખબર જ હતી કે દિવ્યાને આ વાત જરા પણ નહી ગમે અને તેને જામનગર વૃધ્ધાશ્રમમા જવા માટે મનાવવી બહુ મુશ્કેલ છે.તેને કેમ મનાવવી તે વિચારે તે ઘરે પહોચ્યા. ઘરે જઇ દિવ્યાને બોલાવી.તેણે દિવ્યાને બધી વાત કરી અને જામનગર વૃધ્ધાશ્રમમાં એક વીક રોકાવાના નામથી જ દિવ્યા ભડકી ઉઠી અને કહ્યુ, “મમ્મી તને તો ખબર જ છે કે મારે કોલેજ ચાલુ છે અને ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને તને ખબર જ છે કે મને આ બધુ ગમતુ નથી છતા પણ તું કેમ મને આ સોશિયલ કામ માટે કહે છે?”
“બેટા મે રાખીબહેનને પ્રોમિસ આપી દીધુ છે કે તુ જામનગર તેમની સાથે એક વીક માટે જઇશ અને વૃધ્ધાશ્રમમાં રહીને ત્યાંના લોકો સાથે રહી તેની દિનચર્યા અને તેમના રોજબરોજના કાર્યો વિષે લખાણ કરીશ અને હવે જો તુ ના કહે તો મારી શું ઇજ્જત રહેશે તેમની સામે?” માધવીબહેને કહ્યુ. “પણ મમ્મી,તું પણ કેમ સમજતી નથી? મારી પણ કાંઇક લાઇફ હોય ને?” દિવ્યાએ દલીલ કરતા જવાબ આપ્યો. “બેટા,ધીસ ઇઝ લાસ્ટ ટાઇમ.પછી ક્યારેય હું તને પુછ્યા વિના કોઇ સાથે પ્લાન ફિક્સ નહી કરુ પણ આ વખતે મારી ખાતર તું માની જા.ખોટી જીદ ન કર પ્લીઝ.” માધવીબહેને વિનંતી કરતા કહ્યુ. “ઠીક છે મમ્મી તુ કહે છે તો હું માની જાઉ છું પણ આ છેલ્લી વખત ઓ.કે.?” દિવ્યાએ મોઢુ બગાડતા કહ્યુ. “થેન્ક્સ બેટા થેન્ક્સ અ લોટ.હું હમણા જ રાખીબહેનને ફોન કરી કહી દઉ છું તુ તારે જરૂરિયાત મુજબ સામાન પેક કરવાનુ શરૂ કરી દેજે.” માધવીબહેન જતા જતા આનંદમા આવતા બોલ્યા અને રાખીબહેનને ફોન કરવા જતા રહ્યા. આ બાજુ દિવ્યા તેની બેગ પેક કરવા લાગે છે અને જરૂરી બધી વસ્તુઓ યાદ કરીને ભેગી કરવા લાગે છે. “હેલ્લો રાખીબહેન,માધવી બોલુ છું. એક ગુડ ન્યુઝ છે કે દિવ્યા તમારી સાથે આવવા માટે માની ગઇ છે. આવતી કાલનો તમારો પ્લાન શું છે તે મને કહો એટલે તે મુજબ હું દિવ્યાને ત્યાં મુકવા આવી જઉ.” માધવીબહેન બોલ્યા.
“વાહ, સરસ વાત કરી તમે તો માધવીબહેન, કાલે અમે રાત્રે ૧૦ વાગ્યે શ્રીનાથ ટ્રાવેલ્સમા નીકળવાના છીએ તો તમે ૧૦ વાગ્યા પહેલા દિવ્યાને ત્યાં મોકલી દેજો. હું ત્યાં જ હોઇશ.” રાખીબહેને કહ્યુ. “ઓ.કે. પાકુ બહેન, હું ખુદ તેને મુકવા આવીશ.તમને પણ એ બહાને મળી લઇશ.” માધવીબહેને કહ્યુ. “ઠીક છે બહેન તો કાલે આપણે ૯.૩૦ વાગ્યે ટ્રાવેલ્સ ઓફિસે મળીએ.” રાખીબહેને કહ્યુ અને પછી ફોન કટ કરી દીધો. બીજે દિવસે સવારે બધા મિત્રોએ ફોન પર વાત કરી નક્કી કર્યા મુજબ રાત્રે મળવાનુ ડીસાઇડ કરી લીધુ અને જરૂરી તમામ વસ્તુઓ પણ ભુલ્યા વિના સાથે લઇ લેવાનું નક્કી કરી લીધુ. રાત્રે ૯.૦૦ વાગ્યે જ મયુર સમીર વિનય સોનાક્ષી અને વૃંદા બધા ટ્રાવેલ્સ ઓફિસ આવી ગયા.
સોનાક્ષીએ દિવ્યાને વોટ્સ અપમા મેસેજ કરી અપડેટ મેળવી લીધા કે તે રસ્તામા જ છે અને હમણા બસ ૧૦ થી ૧૫ મિનિટમા પહોંચી જશે. “આવો આવો માધવીબહેન,નમસ્તે દિવ્યા બેટા. કેમ છે તને?” રાખીબહેન બોલ્યા.
“આઇ એમ ફાઇન આન્ટી.” દિવ્યાએ જસ્ટ ફોર્માલીટી ખાતર જવાબ આપી દીધો. “માધવીબહેન તમારો આભાર કે તમે તમારી દીકરીને અમારી સાથે મોકલી રહ્યા છો.તમે તેની બીલકુલ ચિંતા ન કરજો.તે મારી જ દીકરી છે તેમ માની હું તેને મારી સાથે રાખીશ.” રાખીબહેને કહ્યુ. “મને તમારા પર વિશ્વાસ છે એટલે જ તમારી સાથે મોકલી રહી છું.” માધવીબહેન બોલ્યા. “ખુબ સરસ.તમારે નીકળવુ હોય તો નીકળો.બસ ૩૦ મિનિટ લેટ છે તો રાહ જોવી પડશે ત્યાં સુધીમા હું અને દિવ્યા બન્ને એકબીજા સાથે વાતો કરી એકબીજાને જાણવાનો પ્રયત્ન કરીશું” રાખીબહેને કહ્યુ. “આ આઇડિયા સારો છે રાખીબહેન.ચલો બેટા હું નીકળું છું.ટેઇક કેર ઓફ યોર સેલ્ફ.બાય બેટા.” માધવીબહેને દિવ્યા અને રાખીબહેનને ગુડ બાય વીશ કર્યુ અને તેઓ નીકળી ગયા.....
માધવીબહેન તો દિવ્યાને મુકીને જતા રહ્યા. શુ બધા વડોદરા પહોંચી શકશે?
(ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર)
brgokani@gmail.com
૯. બુક રીવ્યુ – જિજ્ઞા પટેલ
સાયન્સનું સમંદર
આજના ટેકનોલોજીના યુગમાં વાંચન જયારે હાથના ટેરવાઓ પર થઇ ગયું છે જેને વખોડી શકાય તેવું બિલકુલ નથી પણ જે મજા બે હાથની વચ્ચે પુસ્તક પકડીને વાંચવામાં આવે છે એ મજાની તોલે બીજું કઈ ના આવે.
પુસ્તકના પાનામાં રહેલી લેખકના વિચારોની ભીનાશની મહેક જો એક વાર સુંઘી જૈયે તો વારેવારે એનો નશો કરવાની આદત પડી જાય. ચાલો આજે એવા જ એક પુસ્તકની વાત કરું.
નામ :- સાયન્સનું સમંદર
લેખક:- જય વસાવડા
કિંમત:- 20૦
પ્રકાશન:- નવભારત સાહિત્ય મંદિર
આમ તો સાયન્સ મને બહુ અઘરો વિષય લાગતો. એટલે લાયબ્રેરીમાં નવલકથા વાંચવાનું વધુ પસંદ આવે પણ જય વસાવડા સાહેબનું નામ દેખાતા જ મેં તરત એ પુસ્તક હાથમાં લઇ લીધું. કેમકે ‘ગુજરાત સમાચાર’માં આવતી તેમની કોલમના ચાહક કોણ નહિ હોઈ! તેમના લેખ વાંચવા માટે તો લોકો અધીરા થતા હોઈ છે. જેમાં મારો પણ સમાવેશ છે.
હવે, વાત કરીએ પુસ્તકની. તો ખુબજ ઇન્ટરેસ્ટીંગ અને નોલેજેબલ પુસ્તક છે. ‘સાયન્સ સમંદર’ એક એવો સમંદર છે જેની સહેલ કરતા- કરતા તમે આસાનીથી સાયન્સના ફોર્મ્યુલા શીખી જાવ. તેઓ સાયન્સને એક ભારે ભરખમ સબ્જેક્ટ નહિ પણ એક જીવનશૈલી તરીકે દર્શાવે છે. સાયન્સની મહાન થીયરીને ગોખવાને બદલે તેને હસતા-રમતા કઈ રીતે શીખવી તેના નુસ્ખાઓ છે.
પુસ્તકમાં કુલ ૪૫ જેટલા નાના-નાના ચેપ્ટર છે. જેમાં હ્યુમરની સાથે જ્ઞાનનું ગ્રેટ કોમ્બીનેસન કરેલું છે. કેટલીક ખોટી સાયન્સ થીયરીને સાચી રીતે સમજવાની તારહો આપેલી છે. એકવીસમી સદીમાં જયારે જ્ઞાન જ સર્વસ્વ છે ત્યારે ‘સાચું જ્ઞાન’ પ્રાપ્ત થાય તેવું આ પુસ્તક છે. જેમાં કોઈ ઈમેજીનેસન કે કોઈ ફેન્ટસી નથી બસ ટોટલી વાસ્તવિકતા અને નોલેજ જ છે.
વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની ગીતા સમાન છે. માતા-પિતાઓ માટે તેમના સંતાનોને માર્ગદર્શિકા રૂપ છે. નાના-મોટા સૌ કોઈને ઉપયોગી થાય તેવું આ પુસ્તક પેટ પકડીને હસાવે તેવું છે. ખરેખર નવાઈ લાગે તેવી વાત છે કે સાયન્સનું પુસ્તક વાંચીને હસવું આવે. પણ, હા, એ ૧૦૦% સાચી વાત છે. જ્ઞાન-વિજ્ઞાનનો મસ્તીસભર ખજાનો એટલે ‘સાયન્સ સમુંદર’.
~ જિજ્ઞા પટેલ
૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની
અપેક્ષાના અજવાળે અંધકાર
ભારતની યુવા પેઢીને મોદીજી પર ખાસ્સી અપેક્ષા છે
વિશ્વને ભારત તરફથી બહુ અપેક્ષા છે કેમ કે યુવા દેશ છે ભારત
વિરાટ કોહલીની સારી ઇનિંગની અપેક્ષા
રણબીર કપૂર પાસે હવે એક હિટ મુવીની આશા
અહીંથી શરૂ કરીને
આજે મમ્મીએ મારુ ભાવતું બનાવ્યું હશે
પપ્પા આજે વધારાના રૂપિયા આપશે જ
આજે મારો ફ્રેન્ડ મારુ આ કામ કરી આપશે જ
આ બધી રોજિંદા જીવનની ઘટના છે જે ઘટમાળમાંથી આપણે રોજ પસાર થઈ જઈએ છીએ અને આપણા ઈમોશન તેની સાથે કનેક્ટ કરી મુસાફરીમાં કોઈને કોઈની રાહ જોતા રહી જઇયે છીએ.અસહ્ય આશા રાખીને એવા અદ્રશ્ય વૃક્ષ માટેનાં બીજ રોપીએ છીએ કે જેના ફ્રુટ ફ્રીમાં આપણા ખોળે આવી ચડે છે.
આશા અને અપેક્ષા બંને શબ્દો ખાસ તફાવત નથી હા એક છે કે આશા જુના જમાનાની છોકરીનું નામ છે જયારે અપેક્ષા નવા જમાનાની છોકરીનું નામ બસ આટલું જ .મૂળ વાત પર આવીએ તો અપેક્ષા તો જીવનમાં રહેવાની જ છે કેમ કે ઈશ્વરએ આપણે એક હ્દય આપ્યું છે જે અનેક વ્યક્તિ માટે ધબકતું હોય છે જેનાં ધબકારા આપણે અનુભવી શકીયે છીયે અને અન્ય માટે આ ધબકતું હ્દય ઘણી વખત દુઃખની દુકાન ખોલી આપે છે.
આપણે અપેક્ષા રાખતા ક્યારે થઈએ છીયે? જ્યારે આપણે એ વ્યક્તિને આપણા જીવનમાં જગ્યા આપીએ કેટલાંય લોકો આપણે ઓળખતા હોઈએ જેની ફિકર કરતા હોઈએ જેના માટે કૈંક લાગણી આપણા મનનાં અરીસા એ વ્યક્તિ પ્રતિબિંબ પામતી હોય.
જેમ દરેક વસ્તુ અસ્તિત્વમાં પાછળ અમુક ચોક્કસ કારણો હોય છે તેમ અપેક્ષા ઉપન્ન થવાના પણ કેટલાક પેરામિટર હોય છે એના આધારે આપણે આ વૃક્ષના બીજ રોપ્યા હોય છે.જેમાં નંબર ૧.જ્યારે આપણે એ વ્યક્તિને આપણા જીવનના કોઈ એક ખૂણા એક નાનકડી જગ્યા આપીએ છીયે. ૨. કેટલાંય લોકો આપણે ઓળખતા હોઈએ જેની ફિકર કરતા હોઈએ ૩. જેના માટે કૈંક લાગણી આપણા મનનાં અરીસા પ્રતિબિંબ પામતી હોય.
૪.જેની હાજરી અને ગેરહાજરી આપણાં માટે એકદમ મહત્વની બની રહેતી હોય. ૫.જેની જોડે વાત ચિત્ત કરવામાં કોઈ જાતનો વિચાર ન કરવો પડતો હોય. આ પંચ તત્વો મળે ત્યારે અપેક્ષા નામનું પ્રાણી જન્મ લેતું હોય છે. જે પેરામીટર ઓછું વધુ હોય એમ આ અપેક્ષાનો આકાર ઓછો વધુ થતો હોય છે.
ડિજિટલ ઇન્ડિયાના યુગમાં થોડી સોશિયલ મીડિયામાં ભાષામાં કઈએ તો 200 - 500 જેટલા કોન્ટેટ નંબર હોવા છતાં આપણે પર્સનલ ચેટ કેટલા જોડે કરીયે છીએ?.કેટલા લોકોના ડીપી અને સ્ટેટ્સ આપણે જોઈએ છીએ?.ક્યારે નોટ કર્યું છે. આપણે દેખીતે રીતે દસમાં ભાગના લોકો જોડે વાત કરતા હોઈએ છીએ.એમની જોડે પોતાની શ્રેષ્ઠ લાગણી અથવા ખરાબ લાગણી શેર કરી દેતા હોઈએ છીએ એટલે તો આ લોકોનું આપણા જીવનમાં કઈક સચોટ સ્થાન હોવાનું જ જેમાં મોટે ભાગે મમ્મી, પાપા ભાઈ, બહેન, ગર્લ ફ્રેન્ડ, બોય ફ્રેન્ડ કે સારા મિત્ર કોઈ પણ હોઈ શકે જેને માટે કૈક આપણે અલગ જ લાગણી હોય. જેઓ બાકી દુનિયાથી આપણાં માટે 'એક કદમ' આગળ હોય છે.સામાન્ય રીતે અપેક્ષા પણ આવા જ વ્યક્તિઓ જોડે જ રહી જતી હોય છે જે પરસ્પર હોય છે.
લાગણી હોય ત્યાં અપેક્ષા રહેવાની અને અપેક્ષા છે ત્યાં દુઃખ પણ આવવું એ પણ સ્વાભાવિક ઘટના છે સામે વાળો વ્યક્તિ આપણી અપેક્ષા મુજબ ન વર્તે,આપણી વાત ન સાંભળે આપણી હાજરીની અવગણના કરે ત્યારે મન અને હ્દય ઝણઝણી ઉઠે છે. ત્યારે દુઃખ ક્યાંક આકાર લઈ લેતું હોય છે.આપણી વસ્તુ ન સમજે તો દુઃખ ક્યાંક આપણે સમય ન આપે તો દુઃખ ખરું ને? આમ જ થતું રહે તો એવું કહેવું ઘટે કે નજીકની વ્યક્તિ જ દુઃખ આપતી હોય છે જાણે કે અજાણે.
નેટ દ્વારા પણ આપણી કુમળી લાગણીઓ છીન્ન ભિન્ન થઈ જતી હોય છે. સેલ્ફીનું એક મસ્ત ભૂત આજે જુવનિયા સહિત બધા પર સવાર છે ત્યારે કોઈ નવી જગ્યાએ જવાનું થાય, કોઈ નવી વ્યક્તિને મળવાનું થાય,કોઈ અચિવમેન્ટ હાંસિલ કર્યું હોય એટલે સીધું ફેસબૂક પર અપલોડ અને પછી લાઈકસની રેસ ચાલું. ફેસબૂક પર મૂકતો લગભગ દરેક ફોટો fake smile વાળો હોય છે. બધાના એક્સપ્રેસન કંઈક અલગ થઈ જતા હોય છે અને આપણી ટાઈમલાઈન પર તે પ્રગટ થાય ત્યારે આપણે પણ આપણાં પાર્ટનર જોડે આવી જ અપેક્ષા રાખીયે છીએ અને પુરી ન થતા એક ચક્કર ચાલું.
લાગણી હોય ત્યાં અપેક્ષા રહેવાની અને અપેક્ષા છે ત્યાં દુઃખ પણ આવવું એ પણ સ્વાભાવિક ઘટના છે સામે વાળો વ્યક્તિ આપણી અપેક્ષા મુજબ ન વર્તે તો દુઃખ આપણી વસ્તુ ન સમજે તો દુઃખ ક્યાંક આપણે સમય ન આપે તો દુઃખ ખરું ને? આમ જ થતું રહે તો એવું કહેવું ઘટે કે નજીકની વ્યક્તિ જ દુઃખ આપતી હોય છે જાણે કે અજાણે. ફેસબૂક પર મૂકતાં fake smile વાળા ફોટો પણ આજે દુઃખી કરતા હોય છે ત્યાં આપણે એવું લાગે યાર આ તો કેટલું ઈંજોય કરે છે અને આપણે આપણાં પાર્ટનર તરફથી આવું તો નથી મળતું.
તો શું કરવું એ યક્ષ પ્રશ્ન છે જેનો જવાબ પણ નથી હા કોઈ કવિ એમ કહી ગયા છે 'કોઈનો પ્રેમ ઓછો નથી હોતો આપણી અપેક્ષા જ વધુ હોય છે' તો બે દિવસ પહેલા મિત્ર પાસેથી એવી વાત સાંભળી કે "જીવનમાં કોઈ જોડે અપેક્ષા ન રાખવી કોઈની ઉપેક્ષા ન કરવી અને કોઈની પ્રતીક્ષા ન કરવી"
આવી વાતો સાંભળવી ગમે છે પણ ક્યાંક ને ક્યાંક અપેક્ષાનો બોજો આપણે દાબી દે છે માર્ક લાવવાની અપેક્ષા તો કોઈના like મેળવવાની અપેક્ષા પણ બહુ વધી છે કંઈક ગિફ્ટ મેળવવાની અપેક્ષા આ બધી અપેક્ષા રાખવી માનવી સ્વભાવ બની ગયો તો શું કરવું
પ્રીતની સંગે આટલી અપેક્ષા રાખવા છતાં કોઈ 'અપેક્ષા' કેમ નથી મળતી?.
૧૧. પ્રેમ પ્યાલો – સુલતાન
લવ ટ્રાએંગલ – પ્રકરણ ૪
મને એ વખતે એવો કોઈ ખ્યાલ આવીજ ના શક્યો કે આમ પણ જીવનના પ્રવાહ અચાનક બદલાઈ જતા હશે. સામાન્ય રીતે મારે એ વિચારવું પણ નાં હતું, અને હું વિચારું પણ શા માટે? આજ પેલા પણ મેં એના સિવાય ઘણી બધી છોકરીઓ જોઈ હતી. એમ છતાંય સામાન્ય છોકરીની એ નજર મારા પર અસામાન્ય અસરો સર્જી રહી હતી. દિવસથી રાતનો આખાય દિનનો સમય એના વિચારમાં ખોવાઈ ને મને આહલાદક લાગતો, કદાચ એ પણ આવુ જ કંઈક ઇચ્છતી હોય એમ મારા મનસપટ પર છવાયેલી રહેતી હતી. કુદરતની કરામત અને માણસાઈની મિલાવટ બંનેના મિશ્રણનું પ્રતીક અને ભાવનાનો બહાવ એટલે જ પ્રેમ એવું મને અનુભવાયુ. એ પળ જાણે મારા જીવનનો યાદગાર વળાંક બની ગઈ હોય એવું જ લાગ્યું. આમ, એકાએક, અચાનક અને પળવારમાં શું થયું એ તો જાણે સ્વીકારવા માં પણ ના આવી શકે એવી જ રીતે બની રહ્યું હતું. મારી સ્થિતિનો કચાશ કાઢવા મને ગણો સમય લાગી ગયો તેમ છતાં સમજવા કરતા સ્મરણ માં થતો વધારો મેં અનુભવ્યો એજ ચહેરો... આંખો અને હાવભાવ મારા વિચારમાં જીવંત બની જતા હતા જાણે ત્યાજ શરૂઆત હોય અને અંત પણ.
પ્રેમ કદાચ આવી વિચિત્ર અને ગાંડી લાગણીઓનો ઉભરતો પરપોટો છે. જ્યારે તમે કોઈકને જોયા કરો, એકાંતમાં એકલા એકલા હસ્યા કરો, હર પળ ક્યાંક ખોવાયેલા રહો, દુનિયા આખી પણ દુશ્મન લાગવા લાગે, એનો સાથ સુખ આપનારો લાગે એના ચહેરામાંજ ઈશ્વરીય તત્વ દેખાય, દરેક વાત દિલ ખોલીને એને કહેવાનું મન થાય, દરેક પળ સાથે રહેવાનું અને દિલની દુનિયામાં પ્રેમના રંગે રંગાઇ એનેય સાથે ડુબાડી દેવાનું મન થાય... હા કંઈક આવીજ હાલત હશે, એ દિવસે.
લગભગ ત્રણેક દિવસ આમ જ વીતી ચૂક્યા હતા મારે રોજ આમ જ એને વિચાર્યા કરવું પડે અને એ નજર સમક્ષ આવે નહિ. કહેવાય છે જે વસ્તુની તમે ઈચ્છા કરો એ તમારાથી દૂર થઈ જતી હોય છે એનું કારણ, એના પ્રત્યેની તમારી બેશબરી જવાબદાર હોય છે. કારણ કે આજ પેલા મને એના આવવા કે જવાનો કદી વિચાર આવતો જ ના હતો. એ હજુ આ સોસાયટી માં નવી હતી લગભગ પાંચેક દિવસ પહેલાજ એણે પુષ્પકુંજમાં આગમન કરેલું. એનો ઘર નંબર ૨૪B હતો અને મારો ૧૨A આજ પણ મને યાદ છે જેનો સરવાળો ૩૬ થતો હતો એજ કદાચ અમારા વિસ્ફોટક સંબંધોની સાબિતી આપતો આંકડો હતો.
હું રોજ એ જ્યાં અથડાઈ હતી ત્યાજ રોકાતો, એને વિચારતો, હસતો અને પછી નીકળી જતો હતો. ખરેખર એ દિવસોમાં હું ખુબજ બદલાઈ ચુક્યો હતો. મારે છેવટે આ વાત મારા એક ફ્રેન્ડ સાથે શેર કરવી પડી અને દરેક મિત્રોની જેમ એણે મને જે કહ્યું એ સામાન્ય બાબત લાગે એવી હતી “વિમલ... ભાઈ તું તો ગયો... તારા દિલમાં મહોબતે ના જેમ વયોલીનના સુર પ્રગટ્યો છે જેમ બને એમ એને પૂછી લે.”
ખરેખર મેં ઘણા મુવીમાં જોયું હતું કે પ્રથમ નજરે પ્રેમ થઇ જાય પણ, કદીય મને એ વાત જરાય માન્યતામાં આવી સકતી જ ના હતી. અને હા જ્યારે મને આ બધું અનુભવ્યું ત્યારે પણ આ વાત મને માની લેવી યોગ્ય તો ના જ લાગી. એને જોવાનું મન થવું એટલે પ્રેમ એ વસ્તુ હજુય મને અધૂરી લાગતી હતી. કદાચ એ મને ગમવા લાગી હતી પણ કેમ...? એનો જવાબ મારી પાસે ના હતો કદાચ ત્યારે... પણ હજુય વાસ્તવિક્તા તો બસ એટલી જ કે મારે એ જાણવું હતું કે કેમ એ મને ગમે છે. શા માટે મારા દિલમાં એના માટે આવા વિચારો ઊપજી રહ્યા છે અને શા માટે હું સતત એની કલ્પનામાં ખોવાયેલો રહું છું.
લગભગ પંદર દિવસ આવીજ વિચિત્ર ઉલઝનોમાં વીતી ચૂક્યા અને હું ખોવાયેલોજ રહ્યો હતો. મનમાં એક બેચેની હતી દિલના ઊંડાણમાં કેટલીક હિલોળે ચડેલી અને આંખોના ઊંડાણમાં એક આકાર જે મને એની યાદ આપાવતો એને ફરી ફરી એ મારી સામે છતો કરી દેતો હતો. હું પાછલા દિવસોથી ખુબજ બદલાઈ ગયો હતો પણ એને કઈ પણ પૂછી શકવાની મારામાં હિમ્મત ના હતી. આજે પ્રથમ વખત મને જાણે એકલાપણાની લાગણી સતાવવા લાગી હતી અને દિલના ઊંડાણમાં મચેલી હલચલ મારા પર હાવી થઇ રહી હતી. અને સાચું કહો તો એ દિવસોમાં જો મેં પેન અને પુસ્તકો ઉપાડ્યા હોત તો મારી લાગણીઓ ને લખવા આખું પુસ્તકાલય પણ ખૂટી પડ્યું હોત.
કદાચ મારે આ સમયે કોઈકની જરૂર હતી જેને હું મારા દિલના સવાલો કરી શકું. મારા મનની મૂંઝવણ કહી શકું. આજ પ્રથમ વખત મારો એકાંત મને કોરી ખાવા દોડતો હતો, જે વર્ષોથી મારી સાથે જ હતો. લગભગ ત્યારે મારી ઉમર સત્તરેક વર્ષની હતી લેખકની ભાષામાં કહું તો હું યુવાની ના ઉંબરે હતો સામે વિશાળ બંને હાથમાં પણ ના સમાવી શકાય એવું ખુલ્લું આકાશ હતું. કદાચ આ દુનિયા અને માત્ર હું બસ અમે બંને કદાચ એકલા હતા અથવા હું એકલો... કહેવાય છે દરેક ના જીવનમાં એનો પરિવાર મુખ્ય આધાર હોય છે પણ મારા કિસ્સામાં એ મને તદ્દન વિરોધાભાસી લાગતું હતું.
મારી પાસે પૈસા હતા અને પરિવાર પણ હતો, બસ કમી હતી મને સમજનાર વ્યક્તિની, મારો હાથ પકડી સાથે ચાલનારની, મને મુશ્કેલીમાં એમ કહેનાર ની “કે તું ચિંતા ના કર હું સાથે છું”, મારા માટે ખભો ઢાળનારની, મારા લાગણીના ઉભરાને શાંત પાડનારની, હળવું આલિંગન આપનારની અને ખાસ કરી મને દિલથી ચાહનાર અને સમજનાર ની, હા મારી પાસે અઢળક રૂપિયા હતા અને બધા પાસે હોય એવો પરિવાર પણ તેમ છતાંય કંઈક હમેશાં ખૂટતું એમાં. મારી ભાવના ની કદર કરનાર, મારા સપનાને સમજનાર, મને હૂંફ અને પ્રેમ આપનારની કમી ખૂંચતી હતી મને... આ વહેતી લાગણી અને ભાવનાઓના ઉઠતા વંટોળમાં હું કદાચ એકલો હતો એટલા માટે નઈ કે મારા પ્રેમની વાત કરું. એટલા માટે કે મને સહારાની જરૂર હતી મારા દિલમાં ઉઠતા સવાલો પૂછવા હતા, કે આવું કેમ...?
“તમે કદાચ હજુય મુદ્દાની વાત પર આવ્યા નથી...?” મેં લાંબો સમય એને સાંભળ્યા પછી પૂછી લીધું એ એની વાતો અને એની ભૂતકાળની દુનિયામાં ડૂબેલો હતો. કદાચ લોકો કેમ પ્રેમમાં આ રીતે ખોવાઈ જતા હશે મને એ સમજાતુજ નાં હતું પણ હા અનુભવની દ્રષ્ટી મને એ ચિત્રપટની જેમ દેખી શકાયું હતું. જ્યારે સન સેટ પોઇન્ટ પર આકાશના ખુલ્લા પટ માં દેખાતો એ ચહેરો મને કદાચ પોતાની તરફ ખેંચતો હતો. ‘હા કદાચ એજ આકર્ષણ... હા એજ...’
“ ઓહ સોરી ચાલો... હું પ્રથમ મુલાકાત થી વાત શરુ કરું.” એણે મને ફરી વાર કહ્યું અને એ જાણે તૈયારી કરતો હોય એમ ફરીવાર ગ્લાસ ભર્યો. એણે આ કદાચ ત્રીજો ગ્લાસ ભરીને હોઠે લગાડ્યો હતો.
[ ક્રમશઃ ....]
સુલતાન સિંહ
+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭
raosultansingh@gmail.com
૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ
બ્લેક હોલ
શ્વાર્ઝશીલ્ડ નામના વૈજ્ઞાનિકને ખબર પડી કે એસ્કેપ વેલોસીટી(એટલી ગતી કે કોઇ પણ વસ્તુથી દૂર જવા જરૂરી હોય) એ વસ્તુના દળ અને ત્રિજ્યા પર આધારીત હોય છે. દા.ત પૃથ્વીની એસ્કેપ વેલોસીટી ૧૧.૨ કિ.મી પ્રતિ સેકન્ડની છે એટલે કે જો રોકેટને પૃથ્વીની બહાર નીકળવુ હોય તો આટલી સ્પીડ મિનિમન મેળવવી પડે. એવી જ રીતે ચંદ્રની એસ્કેપ વેલોસીટી ૨.૪ કિ.મી પ્રતી સેકન્ડની છે. કારણકે ચંદ્ર પૃથ્વીના ચોથા ભાગ જેટલો છે. જેનુ દળ પૃથ્વીના દળના ૧%થી થોડુ વધારે છે. પરંતુ જો કુદરત કોઇ વસ્તુનુ દળ ખુબ જ સુક્ષ્મ કરી શકે. દળ હોય પણ સુક્ષ્મ કમ્પ્રેસ્ડ. તો એસ્કેપ વેલોસીટી લાઇટની સ્પીડ સુધી પહોંચી શકે. એ પોઇંટ પર ન તો કોઇ લાઇટ એ વસ્તુમાંથી બહાર આવી શકે ના કોઇ રેડીએશન. અણુઓ એકબીજાને પોતાના વજન પર જ ટકાવી ના શકે. એ સ્થિતીમાં ઓબ્જેક્ટ એવી સ્થિતીમાં એ ઓબ્જેક્ટ ગાયબ થઇ જાય પરંતુ ગુરુત્વાકર્ષણ તો રહે જ. જે કામ કરતુ હોય. અને જે સ્પેસટાઇમને ડિસ્ટોર્ટ કરે.
આઇન્સ્ટાઇનની જનરલ રીલેટીવીટી આવુ જ કંઇક અનુમાન લગાવી રહી હતી. આ ઓબ્જેક્ટ જેમાંથી લાઇટ પણ બહાર નીકળી નહોતી શકતી એને નામ આપવામાં આવ્યુ બ્લેક હોલ.
પહેલીવાત તમે બ્લેક હોલના ઘણા ફોટાઓ જોયા હશે. ઘણી ફિલ્મોમાં પણ બ્લેક હોલ બતાવવામાં આવ્યા હશે. પરંતુ એ બધુ જ ખોટુ છે. બ્લેક હોલ કદી જોઇ જ શકાય નહિં. સીધી વાત છે તમે એ જ વસ્તુને જોઇ શકો જેના પર પ્રકાશ પરાવર્તીત થઇને તમારી આંખો સુધી પહોંચે. બ્લેહોલમાં જે પણ વસ્તુ જાય એ ક્યારેય બહાર નથી આવી શકતી. ઇવન પ્રકાશ પણ બહાર નથી આવી શકતો. જે સપાટી પછી કંઇ વસ્તુ બહાર નથી આવી શકતી એને કહે છે. ઇવેન્ટ હોરાઇઝોન. જો બ્લેકહોલમાંથી પ્રકાશ પણ બહાર ન આવી શકતો હોય તો તમે એને જોઇ કઇ રીતે શકો. પરંતુ વૈજ્ઞાનિકો અને કલાકારોએ ઇક્વેશન્સના આધારે બ્લેકહોલના ચિત્રો બનાવ્યા છે.
ઘણા એમ માને છે કે બ્લેકહોલ જેવો કોઇ ઓબ્જેક્ટ નથી હોતો અને ઘણા વૈજ્ઞાનિકોએ ઓબ્ઝર્વેશન્સ પણ કર્યા છે કે આપણી આકાશગંગાના મધ્યમાં એક મેસીવ બ્લેકહોલ છે. ૧૦ વર્ષના તારાઓના સ્થળના અનુમાનના આધારે એ લોકોએ આવુ તારણ કાઢ્યુ જે ખાસ્સુ ગળે ઉતરે એવુ છે.
બ્લેકહોલ એક મેસીવ ઓબ્જેક્ટ છે. એ મેસીવ હોવાથી એની ગ્રેવીટી વધારે જ હોવાની એટલે એની આસપાસની દરેક વસ્તુને એ પોતાના તરફ ખેંચીને ગળી જાય છે. જે વસ્તુ ઇવેન્ટ હોરાઇઝોનને પાર કરી ગઇ. એ ક્યારેય બહાર નથી આવી શકતી. ઇવેન્ટ હોરાઇઝોન પછી વિજ્ઞાનના કોઇ સુત્રો કામ નથી કરતા. એટલે ઇવેન્ટ હોરાઇઝોન પછી બ્લેકહોલમાં શું થાય છે એ આજ સુધી કોઇ નક્કિ નથી કરી શક્યુ. ફીલોસોફી અને થીઅરીઓ તો ઘણી છે. કે જો તને બ્લેકહોલમાં પડ્યા હોવ તો તમે સખત ગ્રેવીટેશનલ પુલનો અનુભવ કરશે. જેમ જેમ તમે અંદર જતા જશો એમ એમ તમારા પગ અને તમારૂ માથુ ખેંચાતુ જશે. ધીરે ધીરે તમારા વચ્ચેથી બે ભાગ થઇ જશે. તમારા તો રામ રમી ગયા. પછી પણ આપણા બે ટુંકડાની સેમ હાલત થશે. એ ટુંકડાઓ એટલી હદ સુધી કમ્પ્રેસ થશે કે દેખાય જ નહિં અને એક પોઇંટ પર આવીને અટકી જશે જેને કહે છે સીન્ગ્યુલારીટી. સીન્ગ્યુલારીટી એ એવો પોઇંટ છે જ્યાં કોઇ જ એટોમ નથી. કદાચ ત્યાં કંઇજ નથી. (કદાચ આ શક્ય પણ નથી.)
બ્લેકહોલના આધારે તો કેટલીય થિઅરીઓ બની. બ્લેકહોલ પર સૌથી વધારે કામ સ્ટીફન હોકીંગ્સે કર્યુ. જેણે હોકીન્સ રેડીયેશન નો કન્સેપ્ટ આપ્યો. જે છે તો ખુબ ગહન. થોડા શબ્દોમાં સમજાવી પણ ન શકાય પરંતુ એના આધારે જે એક વસ્તુ બની શકે એ કહુ તો બ્લેકહોલનું બાષ્પિભવન (ઇવાપોરેશન) પણ થઇ શકે. એટલે બ્લેકહોલ મરી પણ શકે છે.
ગયા વખતે આપણે જનરલ રિલેટીવીટી વિશે જાણ્યુ તો તમે જેમ જેમ બ્લેકહોલની નજીક જાવ એમ એમ તમારો સમય ધીમો પડવા માંડે. કારણ કે મેસીવ ઓબ્જેક્ટ સ્પેસ ટાઇમને ડિસ્ટોર્ટ કરે. આઇન્સ્ટાઇને એ સમયમાં ગ્રેવિટેશનલ વેવ્સને પ્રિડીક્ટ કર્યા હતા. લાઇટને સ્પીડો જો બીજી કોઇ વસ્તુ ટ્રાવેલ કરી શકે તો એ માત્ર એક જ વસ્તુ હોઇ શકે જે છે ગ્રેવીટી. જેમ થિઅરી કહે છે એમ સ્પેસ ટાઇમ એક ફેબ્રીક છે. જે વળી શકે છે. હવે જ્યારે કોઇ મેસીવ ઓબ્જેક્ટ બીજા મેસીવ ઓબ્જેક્ટની આસપાસ પ્રદક્ષિણા કરતો હોય ત્યારે સ્પેસ ટાઇમ ફેબ્રીકમાં વલયો ઉભા થાય છે. જેમ તમે પાણીમાં પથ્થર ફેંકો એટલે તરંગો ઉભા થાય એમ જ સ્પેસમાં પણ આવા તંરગો ઉભા થાય એ તરંગો એટલે ગ્રેવીટેશનલ વેવ્ઝ. જેની સાબિતી થોડા સમય પહેલા જ થઇ.
જો બે બ્લેકહોલ એકબીજાને ઓર્બીટ કરતા હોય તો એક ટાઇમ એવો આવશે કે જ્યારે બન્ને બ્લેકહોલ એકબીજા સાથે ટકરાશે. અને એકબીજામાં ભળી જશે. આ સમયે સ્પેસટાઇમમાં મોટા મોટા મોજા ઉભા થશે. જે મોજા એટલે ગ્રેવીટેશનલ વેવ્ઝ. હમણા જે ગ્રેવીટેશનલ વેવ્ઝની શોધ થઇ એ કરોડો પ્રકાશવર્ષ દૂર થયેલા કોલીઝનનું પરિણામ હતા. હવે તો ગ્રેવીટેશનલ વેવ્ઝ શોધાઇ ગયા છે. અત્યારે પ્રકાશના કિરણો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝથી કોમ્યુનીકેશન થાય છે. પરંતુ એવુ પણ બની શકે કે બે ગ્રહ પર રહેલા વ્યક્તિ ગ્રેવીટેશનલ વેવ્સના લીધે વાતો કરતા હોય. પરંતુ પ્રોબ્લેમ એક જ જગ્યાએ છે. ગ્રેવીટેશન વેવ્સની વચ્ચે જે પણ આવે એને એ સ્ટ્રેચ કરી નાખે. એટલે એ મોજાની વચ્ચે તમે આવો તો જેમ બ્લેકહોલમાં તમે ઉપરથી નીચે ખેંચાઓ એમ વેવ્સની વચ્ચે આવો તો પણ થાય. એટલે જે પણ વસ્તુ ગ્રેવીટેશનલ વેવ્સની વચ્ચે આવે એ સ્ટ્રેચ થઇ જાય.
છે ને બધુ ફેસીનેટીંગ. આવી તો બ્લેકહોલની કેટલીય અજાણી વાતો છે જે નવાઇ પમાડે. હું જ્યારે જ્યારે આ બધુ વાંચુ કે જોઉ છુ ત્યારે આશ્ચર્ય ચકિત થઇ જાઉ છુ મને એમ જ થાય આવુ પણ હોઇ શકે. પરંતુ હા આવુ પણ છે જે સત્ય છે. ફરી આવતા અંકે કંઇક નવુ લઇને આવીશ.
૧૩. વિશ્વ ચરીત્ર – કંદર્પ પટેલ
ચાર્લ્સ ડાર્વિન
પરંપરાગત માન્યતાઓ ફગાવીને જ્ઞાનનો નવો રસ્તો ચીંધનારાં વૈજ્ઞાનિક સંશોધનોમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉત્ક્રાંતિવાદની ૧૫૦મી અને (૧૨ ફેબ્રુઆરીના રોજ) ડાર્વિનની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે કર્તા અને કૃતિ બન્નેનું સ્મરણ.
‘ચાર્લ્સ ડાર્વિન એટલે લાંબી દાઢીવાળો માણસ, જેણે એવું શોધી કાઢ્યું હતું કે માણસના પૂર્વજ વાનર હતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફીટેસ્ટ’ તરીકે જાણીતો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એટલો મહત્ત્વનો છે કે તેમાંથી ટૂંકનોંધ પૂછાઇ શકે.’
આટલી યાદગીરી સ્કૂલમાં પહેલી અને છેલ્લી વાર ઉત્ક્રાંતિ વિશે ભણી લીધા પછી મોટા ભાગના લોકોના મનમાં હોય છે. વઘુ રસ કે ઇતર વાચનનો શોખ ધરાવતા લોકોને ગાલાપાગોસ ટાપુ, તો કોઇને ડાર્વિનના પુસ્તકનું નામ ‘ઓરિજિન ઑફ સ્પીસીઝ’ યાદ રહી ગયું હોય. પણ ડાર્વિનના જીવન અને તેની કામગીરીની વાર્તારસ ધરાવતી વિગતો પાઠ્યપુસ્તકમાં સ્થાન પામતી નથી.
ઘણા મહાન સંશોધકોની જેમ ચાર્લ્સ ડાર્વિન ભણવામાં સામાન્ય હતો. પણ તેના ધનાઢ્ય પિતા રોબર્ટ ડાર્વિનને અભરખો હતો કે છોકરો ડોક્ટર બને. તેમણે ચાર્લ્સને મેડિકલ કોલેજમાં મોકલ્યો, પણ ઠંડા કલેજે પશુપંખીઓના શિકાર કરતા ચાર્લ્સને માણસના શરીરની ચીરફાડ ફાવી નહીં. પરિવાર સુખી હોવાથી જીવનનિર્વાહનો સવાલ ન હતો. પણ જુવાનજોધ છોકરાએ કંઈક તો કરવું ને! એમ વિચારીને પપ્પાએ ચાર્લ્સ ડાર્વિનને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં ધર્મશાસ્ત્ર ભણવા મોકલ્યો. એ કોર્સની ડીગ્રી મળી જાય તો ડાર્વિન બાકાયદા પાદરી બની શકે. એમાં પણ ડાર્વિનનું ચિત્ત ચોંટ્યું નહીં. એટલે ૧૮૩૧માં સર્વેક્ષણ માટે દુનિયાની સફરે જતા બ્રિટિશ જહાજ ‘એચએમએસ બીગલ’માં પ્રકૃતિના અભ્યાસી તરીકે ડાર્વિન પણ જોડાઇ ગયો. એ વખતે તેની ઊંમર માંડ ૨૨ વર્ષની હતી.
‘બીગલ’ જહાજની ૫૭ મહિનાની મુસાફરી દરમિયાન ડાર્વિનમાં રહેલા પ્રકૃતિશાસ્ત્રીને મોકળું મેદાન મળી ગયું. તેણે અનેક વિષયો પર મન મૂકીને નોંધો કરી. નમૂના એકઠા કર્યા. પાંચ વર્ષથી થોડા ઓછા સમયગાળામાં તેણે ૧,૫૨૯ નમૂના આલ્કોહોલ ભરેલી બોટલમાં અને ૩,૯૦૭ નમૂના સૂકવીને ભેગા કર્યા હતા. લેખનમાં ૭૭૦ પાનાંની ડાયરી ઉપરાંત પ્રાણીશાસ્ત્ર વિશે ૩૬૮ પાનાંની અને ભૂસ્તરશાસ્ત્ર વિશે ૧,૩૮૩ પાનાંની નોંધ તૈયાર થઇ હતી. આ આંકડા ગોખવા માટે નહીં, પણ ડાર્વિનના અભ્યાસની વ્યાપકતાનો ખ્યાલ આપવા માટે મુક્યા છે.
‘બીગલ’ના સમગ્ર પ્રવાસમાં ગાલાપાગોસ ટાપુ સૌથી જાણીતું સ્ટેશન બની રહ્યો. પાંચેક વર્ષની જ્ઞાનયાત્રામાં ગાલાપાગોસ પર ડાર્વિનને માંડ પાંચ અઠવાડિયા માટે રોકાવાનું થયું, પણ માનવવસ્તી વગરના એ ટાપુ પર ડાર્વિનને જાણે ઉત્ક્રાંતિનું જીવતુંજાગતું સંગ્રહસ્થાન મળી ગયું. ત્યાંના એક કાચબાને નમૂના લેખે જહાજમાં સાથે લઇ લેવામાં આવ્યો.
ઉત્ક્રાંતિવાદનો વિચાર ડાર્વિનના મનમાં તેજલિસોટાની માફક નહીં, પણ ધીમે ધીમે તેજ વધારતા દીવાની જેમ ઉદ્ભવ્યો. એ જમાનામાં જે કંઈ છે તેનું સઘળું શ્રેય ભગવાનને આપવામાં આવતું હતું. પણ કેટલાક અભ્યાસીઓ બઘું ભગવાનભરોસે છોડવાને બદલે વિજ્ઞાનના રસ્તે આગળ વધી રહ્યા હતા. એવા એક વિદ્વાન ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ લાઇલે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે પૃથ્વીની સપાટી આસમાની ફેરફારોથી એક ધડાકે નહીં, પણ કુદરતી પરિબળોથી ક્રમે ક્રમે બદલાઇને વર્તમાન સ્થિતિમાં આવી હશે. બીગલની મુસાફરી દરમિયાન ડાર્વિનને લાઇલના પુસ્તકના અભ્યાસ પરથી સૂઝ્યું કે ક્રમિક પરિવર્તનનો સિદ્ધાંત ફક્ત જમીનસપાટીને જ નહીં, જીવસૃષ્ટિને પણ લાગુ પાડવો જોઈએ.
ઉતરતી કોટિના સજીવોમાંથી ક્રમિક વિકાસ દ્વારા ચડિયાતી કોટીના સજીવો પેદા થયા હશે, એવું માનનારા એ વખતે બીજા લોકો પણ હતા. તેમના મતે સજીવોનો વિકાસ એટલે કોઇ પણ ખાંચાંખૂંચી કે ભૂલ વગર સીધી લીટીમાં થયેલી પ્રગતિ. ડાર્વિને પોતાનાં નિરીક્ષણો પરથી ફાંટાબાજ વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલે કે એક સજીવમાંથી અનેક ફાંટા પડે અને એ દરેક ફાંટામાંથી પણ બીજા સંખ્યાબંધ ફાંટા પડે. એ રીતે સૃષ્ટિ આગળ ચાલે. પોતાની દલીલ સમજાવવા માટે ડાર્વિને વૃક્ષ જેવી સીધીસાદી આકૃતિ દોરી બતાવી, જે ૪૯૧ પાનાંના પુસ્તક ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’માં મુકાયેલું એકમાત્ર ચિત્ર બની રહી.
યાત્રાનાં બે વર્ષ પછી ૧૯૩૮માં ડાર્વિનના મનમાં ‘સર્વાઇવલ ઓફ ધ ફીટેસ્ટ’ તરીકે ઓળખાયેલો વિચાર સ્પષ્ટ બન્યો. પશુઓની સંકર જાતો તૈયાર કરનારા ઉત્તમ લક્ષણ ધરાવતાં પશુઓ પસંદ કરે એવી રીતે નહીં, પણ તેનાથી સાવ જુદી જ રીતે કુદરત પ્રતિકૂળ લક્ષણો ધરાવતાં સજીવોને ખતમ કરી નાખે છે. એટલું જ નહીં, એક જ જાતિના બે સભ્યો જુદા જુદા વાતાવરણમાં રહે તો લાંબા ગાળે તેમાંથી બે સાવ જુદી જ જાતિ પેદા થાય છે, જેમનો મેળાપ અને તેમાંથી સંતતિનું સર્જન શક્ય બનતું નથી.
ડાર્વિનની થીયરી એ સમયે પ્રચલિત સિદ્ધાંતો કરતાં એટલી જુદી અને ક્રાંતિકારી હતી કે તેને એકદમ પ્રકાશિત કરવાને બદલે ડાર્વિને રાહ જોવાનું પસંદ કર્યું. રાહ પણ કેટલી? એક-બે-પાંચ નહીં, પૂરાં વીસેક વર્ષ! દરમિયાન એક એવો અકસ્માત બન્યો કે આલ્ફ્રેડ રસેલ વૉલેસ નામનો સંશોધક બિલકુલ પોતાની રીતે ડાર્વિન જેવાં જ તારણો પર પહોંચ્યો. વિશ્વપ્રવાસ અને ત્યાર પછી થયેલી ચર્ચાને કારણે ડાર્વિનનું નામ સંશોધનજગતમાં જાણીતું બની ચૂક્યું હતું. એટલે વૉલેસે આદરભાવથી પોતાની થીયરી ડાર્વિનને જોવા માટે મોકલી. એ જોઈને ડાર્વિનના આશ્ચર્યનો પાર ન રહ્યો. વૉલેસે પણ ઉત્ક્રાંતિની વાત ડાર્વિનની જ ઢબે આલેખી હતી.
ડાર્વિને આખરે બે દાયકાથી ઘરમાં પડી રહેલાં લખાણો કાઢ્યાં અને ૧૮૫૯માં પુસ્તક પ્રકાશિત કર્યું. તેનું આખું નામ હતું ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ બાય મીન્સ ઑફ નેચરલ સિલેક્શન ઓર ધ પ્રીઝર્વેશન ઑફ ફેવર્ડ રેસ ઇન ધ સ્ટ્રગલ ઑફ લાઇફ.’ (કુદરતી પસંદગી થકી વિવિધ જાતિઓનો ઉદ્ભવ અથવા જીવતરના સંઘર્ષમાં કુદરતી તરફેણ ધરાવતી જાતિઓનું રક્ષણ). ડાર્વિન પોતાનાથી પહેલાં સંશોધન કરી ચૂક્યા છે એ જાણતા વૉલેસે મોટું મન રાખીને પોતાની થીયરી પાછી ખેંચી લીધી. ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’ પછી પ્રકાશિત પુસ્તક ‘ધ ડીસેન્ટ ઓફ મેન એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ’ માં ડાર્વિને પહેલી વાર વાનરને મનુષ્યના પૂર્વજ તરીકે રજૂ કર્યો.
ઉત્ક્રાંતિવાદ અને વાનરને પૂર્વજ તરીકે રજૂ કરતાં ડાર્વિનનાં સંશોધનોથી ધર્મસંસ્થા ખળભળી ઉઠી. રૂઢિચુસ્તોએ ભારે વિરોધ કર્યો. કોપરનિકસે પૃથ્વીકેન્દ્રી સૃષ્ટિને બદલે સૂર્યકેન્દ્રી ગ્રહમાળાનો વિચાર રજૂ કર્યો, ત્યારે તેને આકરી કિંમત ચૂકવવી પડી હતી. ડાર્વિનને એવી તકલીફ ઓછી પડી, પણ નાદુરસ્ત તબિયતને કારણે તે ‘બીગલ’ના પ્રવાસ પછી કદી બીજી સંશોધનયાત્રા ન કરી શક્યા. ૧૮૮૨માં ૭૩ વર્ષની વયે તેમનું મૃત્યુ થયા પછી લેડી એલિઝાબેથ હોપ નામનાં એક ધર્મપ્રચારકે દાવો કર્યો કે ‘મરણપથારીએ ડાર્વિને ઉત્ક્રાંતિના સિદ્ધાંતને તજી દીધો હતો.’ પરંતુ ડાર્વિનની દીકરીએ વેળાસર સ્પષ્ટતા કરી કે હું છેવટ સુધી તેમની સાથે હતી અને એમણે પોતાના વૈજ્ઞાનિક વિચારો બાબતે કદી પીછેહઠ કરી નથી.’
જિનેટીક્સ, મોલિક્યુલર બાયોલોજી અને એમ્બ્રિઓલોજી જેવાં ક્ષેત્રો વિકસતાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ માટે હવે પીછેહઠનો પ્રશ્ન જ રહેતો નથી. ‘સર્વાઇવલ ઑફ ધ ફીટેસ્ટ’નો સિદ્ધાંત પોતે ગમે તેટલો કુપ્રચાર ખમી શકે એટલો ‘ફીટ’ છે.
(ડાર્વિન અને તેની કામગીરીમાં વઘુ રસ ધરાવતા વાચકો www.darwin-online.org.uk પરથી ડાર્વિનની તમામ કૃતિઓ અને સંબંધિત દુર્લભ સામગ્રી મૂળ સ્વરૂપે વિના મૂલ્યે જોઈ શકે છે.)
patel.kandarp555@gmail.com
www.kparticleworld.wordpress.com
અમને સંપર્ક કરો
જો તમે પણ ગેસ્ટ કોલમમાં લખવા માંગતા હો અથવા મેગેઝિન વિશેની વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. જો તમને અમારા મેગેઝિનનો કન્ટેન્ટ ગમ્યો હોય તો રેવ્યુ અને રેટીંગ આપવાનું ભૂલતા નહિ. પ્લીઝ શેર એન્ડ સ્પ્રેડ વર્ડ.
Facebook Pages
Fb.com/YouthWorldOnline
Fb.com/GujjuWorld.net
Website
Email Address