યુથ વર્લ્ડ : અંક 2 ભાગ 2 Youth World દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુથ વર્લ્ડ : અંક 2 ભાગ 2

અંક – ૨

ભાગ – ૨

ઓલનાઇન ગુજરાતી મેગેઝિન

Fb.com/YouthWorldOnline


આજનું મોતી

જો તમે બીન જરૂરી વસ્તુઓ ખરીદશો તો ટુંક જ સમયમાં એવી સ્થિતી આવશે કે તમારે જરૂરી અને ગમતી વસ્તુઓ વેચવી પડશે.


યુથ વર્લ્ડ વિશે

યુથવર્લ્ડની શરૂઆત ફેસબુક પેજ સ્વરૂપે થઇ હતી. પરંતુ જેમ જેમ વાંચકોનો સારો પ્રતિસાદ મળતો ગયો એમ એમ યુથ વર્લ્ડે વધારેને વધારે સારૂ પીરસવાનો પ્રયત્ન કર્યો. ફેસબુક પેજથી યુથવવર્લ્ડ GujjuWorld.net વેબસાઇટ પર આવ્યુ.

યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ માહિતી પૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું મીશન છે.


અનુક્રમણિકા

૧. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ

૨. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ

૩. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ

૪. ભલે પધાર્યા – શ્રદ્ધા વ્યાસ

૫. નવી દ્રષ્ટિએ – પૂજન જાની

૬. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ


૧. બુક રીવ્યુ – જિજ્ઞા પટેલ

અશ્રુઘર – રાવજી પટેલ

નામ:- અશ્રુઘર

લેખક:- રાવજી પટેલ

કિંમત:- 100rs.

શ્રેણી:- નવલકથા

રાવજી પટેલને વાંચવાનો એક લાહવો છે. નાનીશી ઉંમરમાં પોતાના વિચારોને કાગળ પર કંડારીને ચીર વિદાય થયેલા રાવજી પટેલ નવલકથાની સાથે કાવ્ય સર્જક પણ હતા. તેમની ઘણી કૃતિમાં શ્રેષ્ઠ ગણાતી કૃતિ એટલે ‘અશ્રુઘર’.

આ નવલકથાના પાત્રો તદન જીવંત છે. કાવ્ય નાયક સત્ય ક્ષયરોગથી પીડાય છે. હોસ્પીટલમાં સારવાર હેઠળ રોકાયેલ સત્યને એક પરણિત યુવતી લલીતા સાથે પ્રેમ થઇ જાય છે. લલીતા તેના પતિની દેખભાળમાં ત્યાં જ રોકાયેલી હોઈ છે. તેમનો પતિ મૃત્યુ પામે છે. તે પણ સત્ય તરફ આકર્ષાય છે. પરંતુ એ ક્ષણીક મિલનનો અંત આવે છે. ગામડે આવીને સત્યના સૂર્યા સાથે લગ્ન નક્કી થાય છે. સંજોગાવસાત ફરી લલીતા અને સત્યનું મિલન થાય છે. બંનેનું મિલન અશક્ય છે. સત્ય લલિતાને નહિ પામી શકે તે હકીકતથી પીડાય છે. ક્ષયનો ઉથલો તેને આ દુનિયામાંથી દુર કરી દે છે. સત્ય લલિતાને પામવાની ચાહમાં મૃત્યુને પામે છે.

રૂવાંડા ખાડા થઇ જાય તેવી આ કરુણાંતિકા વિવિધતા ભરેલી છે. રમતિયાળ લેખન શૈલી, સેન્સ ઓફ હ્યુમર અને નગ્ન હકીકતોનો શુભગ સમન્વય છે. અસરકારક પાત્રો આંખની સામે જ બની રહેલ બનાવની ઘટમાળ રચે છે. લાગણી, વિસ્મય, પ્રેમ, નફરત, ઉસ્કેરાટ, વેદના, પ્રસન્નતા, પ્રેમ, દયા, નીચતા- હીનતાથી ભરપુર રસ અને કસ વાળી નવલકથા જેની દુનિયામાં પ્રવેશ કરો તો એ દુનિયા તમારી આંખો સામે થી હટશે જ નહિ. ટેઝેડી, કોમેડી, લવશીપ, ફ્રેન્ડશીપ, લસ્ટ નું કોમ્બીનેસ્ન. જરૂરથી વાંચો.

~ જિજ્ઞા પટેલ


૨. કાવ્ય કુંજ – અર્ચના ભટ્ટ પટેલ

પત્ર

આજની અછાંદસ્ત રચના.... અત્યારે વ્હૉટ્સ એપ અને એવાં કંઈ કેટલાંય સૉશિયલ નેટવર્કિંગનાં યુગમાં પત્રો વિસરાતાં ચાલ્યાં છે, પરંતુ આજથી લગભગ પચ્ચીસેક વર્ષપહેલાં પત્રોનું જ ચલણ હતું, નાનાં મોટાં, સારાં નરસાં એવાં દરેક સમાચારની આપલે પત્રો દ્વારા જ થતી, પરંતુ કેટલાંક પત્રો પોતાનાં ઘરથી દૂર રહેતાં સ્વજનોનાં ક્ષેમ કુશળ માટે લખાતાં, અને એ વખતે એમાં મીઠાં અને પોતીકાંઓને આપણી ચિંતા ન થાય એવાં જૂઠ્ઠાણાં પણ આચરવામાં આવતાં... એવી જ એક હકીકત - કે પત્ર મૂળે શું છે તેનો ચિતાર આપતી કવિતા....

પત્ર

પત્ર શું ?
સતત
અનુકૂળતા - પ્રતિકળળતાઓ
તો રહેવાની જ
આસપાસે છતાં -
તેની જાણ કરતો એ પત્ર.
તારાં
મારી સાથે કે નજદીક હોવાની
અનુભૂતિ આપતો
એ પત્ર.
વડીલોનાં
સાથ-સહકાર, ગમા-અણગમાં,
કે પછી,
અપેક્ષાની
ચાડી ખાતો
એ પત્ર.
ને છતાંય,
શું જીવ્યાં,
કે પછી શું જીવીએ છીએ
અને શું વધી છે શેષ-
એ ચુપાવી રાખતો એ પત્ર.
કારણ -
એક જ તો વાત છે
કે -
જેનાં માટે, છેનાં થકી જીવ્યાં સતત
તેને ચિંતામુક્ત કરવાં
જે કંઈ લખતાં આપણે
એ જ તો છે પત્ર...!!!

- અર્ચના ભટ્ટ પટેલ


૩. પ્રેમ પ્યાલો – સુલતાન સિંઘ

લવ ટ્રાએંગલ – પ્રકરણ - ૨

સ્થળ :- હોટેલ માઉન્ટન હિલ [ રૂમ નં. ૧૧ ]

કુદરતના પેટાળ અને પર્વતની પથ્થર દ્વારા ગૂંથાયેલી ગુફા વડે ઘેરાયેલો રૂમ જાણે પર્વત ચીરીને બખોલમાં વહી જતા હોય એવો અનુભવ અને નઝીકથી વહેતું ઝરણું પણ શુષ્કતામાં ભીનાશ ભેળવતું હતું. ખુબજ કાળજીપૂર્વક અને હેતુસભર રીતે આ રૂમની બનાવટ ઉડીને આંખે ચોટે એવી ભવ્ય હતી. આમ જોતા સામાન્ય વ્યક્તિનેતો આ પ્રકારનો રૂમ મળવો પણ જાણે ભાગ્યની વાત ગણી શકાય એટલો અહલાદક અને આનંદ આપનારો હતો. શાંત વાતાવરણમાં પાછળના છેવાડે બનાવેલી ખડકી માંથી પાણીની બુંદોની ટાઢક રૂમમાં પથરાય એ પ્રકારે એની વ્યવસ્થા કરવામાં આવી હતી. એજ ખડકીની જોડાજોડ બેઠકરૂમ જેવી વ્યવસ્થા પણ હતી. વાતાવરણ મનને બહેકાવી મુકે એવું માદક સ્પંદન હતું કદાચ અહી બેસીને કુદરતના ખોળામાં બેસવાનો અનુભવ પણ માણી શકાય. આ બનાવટ અને આબુ પર્વતના વાતાવરણના કારણે હવામાં હળવાશ અને વાતાવરણમાં ભીનાશ વ્યાપ્ત હતી.

આ રૂમની મોહમાયામાં ખોવાઈને મારું મન જાણે કેટલાય રાગ રેલાવા થનગની રહ્યું હતું ત્યાજ સામે છેડે કિંગફિશરના બે કેન અને બે કાચના ગ્લાસ સાથે વિમલ મારી નજીક આવીને બેઠો. એની આંખોમાં મૂંઝવણ હતી અને કદાચ કેટલાય સવાલોના ઝંઝાવાત, પણ અત્યારે એ શાવ શાંત હતો. એણે અતિથી સત્કાર માટે મને બીયર માટેની સંગત આપી અને મારી સામેના સોફા પર બેસી અને બંને ગ્લાસમાં એ રેડવા લાગ્યો. એણે એક ગ્લાસ મારી તરફ સરકાવતા પોતાની વાત શરુ કરી “મને સમસ્યા માનસિક છે અથવા નઈ એની મને ખબર નથી પણ હા, મારે હવે અહીંથી પાછા નથી ફરવું. ના તો હું મહેસાણા જવા માંગું છું કે ના પાછો જયપુર...” એ અટક્યો એની વાત હજુ કદાચ અધુરી હતી એણે એક ઘૂંટડો લગાવ્યો અને મારા ચહેરા પરની મૂંઝવણ કળી જતા એ ફરી બોલ્યો “મને બીયર ચડતી નથી એનાથી હવે હું ટેવાઈ ગયેલો છું પણ મારી વાત વિચિત્ર છે, પણ હું માંડીને વાત કરીશ તો બધું સમજાશે.”

“હા બિલકુલ મુદ્દાની વાત કરો” મેં ઘડીક વિચારતા એની વાતનો સ્વીકાર કર્યો અને મારી તરફ સરકાવેલા ગ્લાસમાંથી એક ઘૂંટડો માર્યો. હું આમ ખાસ કરીને આવા નશા કરતો નથી પણ એનો અથીતી સત્કાર અને ક્યારેક મારી મરજી મુજબ પી લેવાની આદતના કારણે મેં એવું કર્યું. એની આંખોમાં આથમતા સુરજ અને ઉગતા ચંદ્રની શીતળતા વ્યાપ્ત થઇ રહી હતી. જેમ ઘનઘોર વાદળો પાછળથી ચંદ્ર ડોકિયા કરે એમ એની કીકીઓ પાછળ વેદના ડોકિયા કરતી હતી.

“મારી સમસ્યા કદાચ અણધાર્યો પ્રેમ છે.” એણે વધુ એક ઘૂંટ લગાવી જવાબ આપ્યો અને એ ચુપચાપ મારી સામે જોઈ રહ્યો.

“પ્રેમ અને સમસ્યા...” કદાચ એના આ સવાલનો જવાબ આપવા મારે પાંચ એક વિસ્કીના ગ્લાસ ઘટઘટાવી જવા પડે એવું મને લાગ્યું. એનો સવાલ જ કઈક એવો વિચિત્ર હતો મને ગુસ્સોય આવ્યો પણ એની આંખોમાં ઉછળતીતી ઝંઝાવાત મને શાંત પાડી ગઈ. હું ફરી બોલ્યો “પ્રેમ સમસ્યા નથી હોતી, પ્રેમ કદાપી સમસ્યા હોઈજ ના શકે. પ્રેમ એજ સત્ય અને પ્રેમ એજ સમાધાન પણ છે.”

“તમે અધ્યાત્મિક વાત કરો છો.” એ હજુય ગ્લાસ હાથમાં લઇ કદાચ રાહ જોતો હતો મારા જવાબની અથવા બીજો ઘૂંટ ઘટઘટાવી જવાની.

“ના હું સત્ય વાત કરું છું.” મેં શાંત રહીનેજ જવાબ આપ્યો મારે એને બીજું શું કહેવું એનો મને ખ્યાલાજ ના આવી શક્યો.

એણે સામેના ટેબલ પરથી બીયરના કેન વડે બીજો ગ્લાસ પણ ભર્યો “પ્રેમ મારી સમસ્યા છે અને એના કારણેજ હું ત્રણ દિવસથી અહી ભાગી આવ્યો છું.” એણે કહ્યું અને ફરીવાર ચુપકીદી સાધી પણ મારા મનમાં એનો જવાબ વારંવાર ગુંજ્યો. કોઈ વ્યક્તિ ભાગીને ફાઈવસ્ટાર હોટેલમાં કઈ રીતે રહી શકે એજ વિચારમાં હું ફરી વાર હોટલની ભવ્યતામાં ખોવાઈ ગયો.

મારી ચુપકીદી જોઇને એણે ફરી વાર પોતાની વાત શરૂ કરી “તમને ખબર છે મારા પપ્પા યુ.એસ.એ. છે ને માં પણ, પ્રેમ સિવાય એ લોકો મને બધુજ આપે છે એ પણ સુટકેશ ભરીને ખર્ચીના શકાય એટલો બધો પ્રેમ આ ભવ્યતા એની સાક્ષી પૂરે છે.” એ રૂમની ભવ્યતા તરફ જોઈ અટક્યો એની આંખોમાં ભેકાર સુન્નતા હતી. એનો ચહેરો નિસ્તેજ હતો એની ધન દોલત જાણે એને કોરી ખાવા દોડતી હોય એવુજ એનો ચહેરો દર્શાવતો હતો. હું હજુય એની આગળની વાત જાણવા તત્પર હતો પણ હું એમને એમ બેસી રહ્યો આ સમયે એને કઈ કહેવું મને યોગ્ય ના લાગ્યુ. કદાચ આવા સંજોગોમાં એ યોગ્ય ગણાય પણ નહિ.

“પ્રેમના ત્રિકોણીયા સાગરમાં અર્ધડૂબેલો અથવા ડુબી જવાના આરે ઉભેલો વ્યક્તિ પોતાની સમસ્યા કહે તો એને કેવા પ્રકારની સમસ્યા કહી શકાય, માનસિક કે પ્રેમની ?” એના શબ્દોમાં એક પડકાર હતો અને સાથો સાથ સવાલોના ઉઠતા વહેણ પણ. ફરી એક વાર પેલો સનસેટ પોઈન્ટના આભમાં આછો ઝળહળતો ચહેરો મારી આંખો સામે મંડાયો. હસ્યો અને શૂન્યાવકાશમાં વિલીન થઇ ગયો.

મને કઈજ સમજાતું ના હતું એની વાણી અને વચન બંને દીશાહીન હતા એ વિશાળ રણમાં ભટકેલા મુસાફર જેવો ભાસતો હતો. મેં ફરી એક ઘૂંટ લગાવતા પૂછી લીધું ‘”તમે મને આખી વાત માંડીને કરશો તો મને સમજી શકવામાં સરળતા રહેશે.”

“ક્યાંથી શરુ કરું ?”

“સમસ્યાથી”

“એજ તો કહું છું”

“પ્રેમનો ત્રિકોણ... મને સમજાવશો ?”

“હા... ત્રણ વ્યક્તિ વચ્ચેનો પ્રેમ”

“તમે બંનેને પ્રેમ કરો છો ?”

“કદાચ...” એ ઊંડા વિચારોમાં પછડાઈ ગયો કદાચ ભૂતકાળની શેરીઓમાં એ સવાલોના જવાબ શોધવા નીકળી પડ્યો હોય એમ એ મુંઝાતો હતો “મને ખબર નથી, હું સમજી કે નક્કી કરીજ નથી શકતો”

એણે બહારની વરસતી ચાંદની તરફ નઝર કરી અને લાંબો નિસાસો નાખ્યો ત્યારે ઘડિયાળમાં અગિયાર વાગી ચુક્યા હતા સમયનો કાંટો એની વાત સાથે સરતો જઈ રહ્યો હતો. મારા મનમાં સવાલો હતા પણ એની સમસ્યા એ જાતે કહે એજ મને વધુ ઉચિત લાગ્યું. “આજ સમસ્યા છે એ બંને છોકરી” મેં પૂછી લીધું.

“હા... કદાચ...” એ અટક્યો એના શબ્દોમાં જાણે કેટલાય લાંબા અનુભવોના ખડકલા ખડકાતા હતા પણ એ ચુપ હતો. “એક જેને મેં દિલથી ચાહી અને બીજીએ મને, પણ એ મારા ખાસ મિત્રની બહેન છે.” એણે ઉભા થઈને બાલ્કનીમાં જવા પગ ઉપાડ્યા. અને સામે દેખાતા ઝરણા અને ખુલા આભના મોહક દ્રશ્યને ચકોરની જેમ તકી રહ્યો.

“તને કઈ ગમે છે પણ...” હું અટક્યો મારે પૂછવું હતું કે કેમ એ તારા મીત્રની બહેન છે એનો અર્થ એવો નથી કે તું એને અથવા એ તને ચાહી ના શકે. પણ એના ચહેરા પર છવાયેલી ગંભીરતા જાણે મારા હોઠ સીવી નાખતી હતી. દુનિયા અનેક રંગી છે જયારે તમે કોઈકના પ્રેમમાં પડો ત્યારે કોણ તમને ચાહતું હોય એની તમે પરવા નથી કરતા પણ, જયારે તમારી ચાહત કાચની બોટલના જેમ પડી ભાંગે ત્યારે તમે ધીક્કારેલા વ્યક્તિને અપનાવવું અસહનીય બની જાય છે.

“મારી પાસે એનો જવાબ નથી...” એ હજુય ખુલા આભમાં નઝર ફેરવતો હતો “પણ કદાચ તમે એનો જવાબ આપી શકો” એણે મારી તરફ આશાભરી નઝરે જોયું. જેમ ડૂબતો વ્યક્તિ કિનારે ઉભેલાને પોતાને બચાવી લેવા વિનવે એવીજ ભાવના એની આંખોમાં વર્તાઈ રહી હતી.

“મારી પાસે ?” હું અચાનક બબડ્યો. ખરેખર મને નથી સમજાતું કોઈકની સમસ્યાનો જવાબ મારી પાસે કેવી રીતે હોય. હા મારા અનુભવોના આધારે આખી વાત જાણ્યા બાદ હું સલાહ સુચન જરૂર આપી શકું પણ જવાબ...

“હા, બસ તમેજ...” એ ફરી વાક્યને અધૂરું છોડીનેજ જાણે ચુપ થઇ ગયો એ બાલ્કની છોડી ફરી મારી સામેના સોફા પર ગોઠવાયો.

“હું પ્રયત્ન કરી શકું. પણ, તમે મને આખી વાત ખોલીને કરો તો”

“હા જરૂર પણ, આજે રોકાઈ જવું પડશે”

“ભલે, તમે કહો” મેં એના ખભે હાથ મુકતા એને આશ્વાશન આપ્યું.

અત્યારે રાતના અગિયારને ચાલીસ થઇ ચુક્યા હતા ચંદ્ર પણ ખડકીમાંથી ડોકિયા કરીને બંને જણને ઘૂરકી રહ્યો હતો. વાતાવરણની ભીનાશ રાતમાં જાણે જીવંતતા પુરણ કરતી હતી. આજે દિલની વાતો અને દિલનો બોઝ વિમલ કદાચ વહેચી લેવા માંગતો હતો. વહેતી રાતની ગતિ વિમલને પોતાની વાત કહેવા માટે ઉશ્કેરતી હતી ત્યા બીજી તરફ એની વાતમાં હું મારે કાલે નીકળવાની વાત તો જાણે ભૂલી જ ચુક્યો હતો. હવે એના હાવભાવ થોડાક સ્વસ્થ લગતા હતા એનું મુખ પણ હવે સામાન્ય થઇ ચુક્યું હતું. ત્રીજા ગ્લાસને હોઠે લગાવીને છેવટે એણે પોતાની વાતની શરૂઆત કરી.

[ ક્રમશઃ ..... ]

લેખક :- સુલતાન સિંહ

મોબાઈલ :- ૯૯૦૪૧૮૫૦૦૭ [ વોટ્સએપ ]

મેઈલ :-

૪. ભલે પધાર્યા – શ્રધ્ધા વ્યાસ

પરચુરણ

દરરોજ જેવી જ એક બીજી સવાર આવી ગઈ હતી. મારા જીવન માં, જેમાં કંઈ ખાસ અલગ થવાનું નથી, એ હું જાણતી હતી. આથી જ સવારથી ઉઠ્તાવેત જ મારા રૂટીન કામમાં હું પરોવાઈ ગઈ હતી, 10 વાગે ઓફિસે પહોચવાનું હતું અને એ પેલા થોડી ભાભીને મદદ કરવાની હતી ઘરની સાફ સફાઈમાં. હું થોડા કંટાળા સાથે, થોડી ઊંઘમાં, અને થોડા મારા વિચારોમાં ખોવાયેલી હતી ,હું ભાભીની મદદ કરતી હતી અને એ “અતિથી તુમ કબ જાઓગે”ના પરેશ રાવલ ની જેમ મારા કામ માં વાંધા-વચકા કાઢતા હતા, મેં થોડા કંટાળાથી વાત ચલાવી અને કહ્યુ, "શું ફેર પડે છે ભાભી?"

“કાલે સવારે તને પારકા ઘરે મોકલવાની છે પછી એ લોકો બોલશે તો??” ભાભી એ તો બોલ હવા માં ઉડાડ્યો હવે બેટિંગ કરવાનો મારો વારો હતો મેં કહ્યું,“
હું થોડી ત્યાં કચરા પોતા કરવા જવાની છું.”“
તો એ લોકો તને show-case માં બેસાડશે?, ઘરના કામ કરતા તો આવડવું જ જોઈએ તું કલેકટર હો એન્જીનીયર હો કે લેખક હો આ તો તારે કરવું જ પડે, હજુ બહારના કામો તો થઇ જાય પણ રસોઈ બનાવતા તો આવડવી જ જોઈએ.”
મને થયું માંડ એક કામ શીખી હતી અને હવે ભાભી એવું કે છે કે એ કરતા નહિ આવડેતોચાલશે…
સત્યાનાશ થઇ ગયો મારી મહેનત નો…
ભાભીને મેં કહ્યું કે હું જ બધું કામ કરીશ તો મારો husband શું કરશે??? હું ભાભી ની આંખમાં જોયા વગર જ બોલતી હતી મને ખબર હતી કે હું એમને હેરાન જ કરી રહી છું….!!પણ એમને તો આગળ ચલાવ્યું કે”છોકરાઓ કામ ન કરે એટલે આ બધું તારે કરવું જ પડશે”

મને તો હજુ નથી સમજાતું કે જો છોકરીઓ નોકરી કરી શકે તો છોકરાઓ ઘરના કામ કેમ નહિ?.. કેમકે છોકરાઓને આ વાત શીખવાડવામાં જ નથી આવી, હમેશા છોકરાઓ મહદઅંશે છોકરીઓ પર આશ્રિત રહ્યા છે. અને છતાં પણ women should follow a man??! મારા દાદી એક શિક્ષક હતા, અને મારા જન્મ વખતે એ ત્યાં હાજર ન હતા,(મારા દાદી ખુબ ખુશ થયેલા મારા જન્મ વખતે) આથી જ તેમના સ્ટાફ ના લોકો એ પૂછેલું કે "તમારી પૌત્રી દેખાવ માં સુંદર નહિ હોઈ તો?" અને મારા દાદી એ કહેલું "એ દેખાવડ નહિ હોઈ તો હું એને ખુબ ભણાવીશ એટલે એ દેખાવડી થઇ જશે" આ બાબત પર મને કોઈ શંકા નથી કે મારા દાદી દીર્ઘદર્ષ્ટા હશે જ અને દરેક સ્ત્રી હોઈ જ છે, તેમણે અંદર રહેલી સુંદરતાની વાત કરેલી જે આપણે ત્યાં ખાસ કોઈ જોતું નથી, અહી તો છોકરી નીચી હોઈ તો કહશે કે "બેટા તારે હિલ્સ પહેરવી જોઈએ" છોકરી કાળી હોઈ તો "થોડું મેકઅપ નું ટચિંગ આપતી જા", થોડા ઘણા ડાઘાઓ કે ખીલ ચહેરા પર હશે તો ,"શું આજ કાલ ગમે એ ખાય છે, થોબડું જો કેવું બગડી ગયું છે..ધ્યાન રાખ થોડું"જાડી હોઈ તો કહેશે કે પાતળી થા અને પાતળી હશે તો કહેશે કે જાડી થા, અરે આ કઈ માટીનું રમકડું છે તો જેમ વાળો એમ વળશે?? એ પણ એક માણસ જ છે. સારું છે... આજના જમાનામાં છોકરીઓને પણ પોતાની પસંદગી કહેવાનો અધિકાર મળે છે, આમ છતાં બાહ્ય રીતે સુંદર ના હોઈ એ છોકરીઓ સાર્વત્રિક રીતે અમુક વાતો સંભાળતી હોઈ છે જેમકે "આ ડીમ્પલને જો કેવી ડાહી છે, અને દેખાવમાં પણ ખુબ સુંદર, થોડું તો એના જેવી બની જા તો તને પણ સારો છોકરો અને ઘર મળી જાય," અરે પણ, શું કામ કોઈ બીજા જેવું બનવું? જો આવી બાબતોથી લગ્નમાં ફેર પડતો હોઈ તો હું કહીશ કે છોકરાઓને લગ્ન માટે ઉમર લાયક હોય ત્યારે નહિ પણ ખરેખર તે લગ્ન લાયક હોઈ ત્યારે જ પરણાવવા જોઈએ.

મને એ જ નથી સમજાતું કે આપણા સમાજમાં છોકરા અને છોકરીઓ એવું વર્ગીકરણ શું કામ? ચાલો માન્યું કે women should follow a man પણ એ ક્યાં men ને ફોલો કરે? એ કે જેણે લગ્ન કરતા પહેલા 15-20 શરતોનું લાંબુ લીસ્ટ બનાવી દીધું હોઈ, અને જો તું આમ કરીશ તો જ હું લગ્ન કરીશ એ માણસને? એ પિતા જેને પોતાની દીકરી પર ક્યારેય એક ટકાનો પણ ભરોશો ન રાખ્યો હોઈ? એ ભાઈ કે જેણે એની બહેનને હમેશા પોતાના થી ઉતરતી કે ઓછી બુદ્ધિ વાળી આંકી હોઈ? પણ ના women should follow a man કેમકે આપણો દેશ પુરુષ પ્રધાન દેશ છે, અહી રાતના 12 વાગે એકલી છોકરી ન નીકળી શકે, અહી છોકરીઓ પર બળાત્કાર થાઇ તો વાંક એ ખરાબ નજરનો નહિ પણ એ છોકરીના કપડા નો હોઈ છે,અહી છોકરીઓ પોતાને ગમે એ રીતે ખુલી ને ઉઠી બેસી નથી શકતી,અહીની છોકરી જો કોઈ છોકરાને સામે થી લગ્ન માટે પ્રપોઝ કરશે તો એ વાત માટે એનું ચરિત્ર જોખમાઈ જશે, જો એ આખો દિવસ સોશિયલ મીડિયા વાપરતી હશે તો પાકું એનું કોઈ સાથે કૈક ચાલી જ રહ્યું છે, અહી જે દુકાનદાર પાસેથી છોકરી સેનેટરી નેપકીન લેવા જાઇ એ દુકાનદાર સાથે ઘડીભર નજર નથી મેળવી શકતી, અહીના ઘણા મંદિરોમાં છોકરીઓ ને આવવાની મનાઈ ફરવામાં આવે છે. અહી બેટી પઢાઓ, અને બેટી બચાઓ જેવા અભિયાન ચલાવવા પડે છે. પણ એ ભ્રુણ હત્યામાં બચી ગયેલી છોકરી પણ આજીવન સાંભળતી હોઈ છે "અમારે તું જોઈતી જ ના હતી"

world's daughter day ના દિવસે મને મારા એક FB ફ્રેન્ડ નો મેસેજ આવેલો, જેનું કહેવું હતું કે તે પોતે છોકરીઓની ખુબ રીસ્પેક્ટ કરે છે, હું એને ખાસ ઓળખતી ન હતી એટલે મેં વધુ કઈ કીધું નહિ, પણ હા મારા મનમાં એક વાત ચોક્કસ આવી કે એ લોકો શું અમારી રીસ્પેક્ટ કરવાના જેને પોતાના માટે કોઈ રીસ્પેક્ટ ન હોઈ, અરે હું તો લઉં પણ નહિ એવા લોકોની રીસ્પેક્ટ કેમકે પોતે ખુબ મહાન છે એવું સાબિત કરવા જ આવા ઢોંગ કરતા હોઈ છે,બહાર છોકરીઓ પર પોતાનો પ્રભાવ પાડવા બોલાયેલા શબ્દો નું પોતાના ઘરમાં જ શત-પ્રતિશત પણ આચરણ કરે તો પણ ઘણું. બાકી આજે સ્ત્રી પુરુષ સમાન છે એ વાત માં કઈ માલ નહિ, કેમકે સ્ત્રી પુરુષ કરતા ઘણી આગળ છે, બસ એને જે શીખવામાં આવે છે એમાં થોડા ફેરફારો ની આવશ્યાકતો રહેલી છે.

અને છેલ્લે:
દરરોજ ઓફિસે આવતી વખતે મારી સાથે બસમાં એક છોકરો હોઈ છે, અમારે બંનેને એક જ સ્ટોપ પર ઉતરવાનું હોઈ અને આગળ એક જ રસ્તા પર જવાનું હોઈ છે. આથી જ સ્ટોપ આવે એ પહેલા જ હું દરવાજે ઉભી રહી જાઉં છું અને એની પહેલા જ ઉતરીને આગળ ચાલવા માંડું છું. શું કામ..? I should not follow a man.

Email id:vyasshraddha45@gmail.com


૫. નવી દ્રષ્ટિએ – પૂજન જાની

તમારા માટે શું?

તમારા માટે શું છે?

સત્ય યુગની વાત છે ભગાવાન બ્રહ્મા પાસે એક વખત તેમના ત્રણ સંતાન એટલે કે દેવ, દાનવ અને મનુષ્ય પહોચ્યા અને જ્ઞાનની યાચના કરવા લાગ્યા ત્યારે બ્રહ્મા એક શબ્દ આપે છે 'દ'.

ત્રણેય જણા એકી સાથે પુછ્યું "આ શું પ્રજાપતિ?" તેઓ મંદ મંદ હસ્યા ત્યારે દેવોએ પ્રજાપતિને કહ્યું કે "હા સમજ્યા 'દ' એટલે 'દામ્યત' અર્થાત 'દમન કરવું'" આગળ દેવોએ સમજાવતા કહ્યું કે અમારી પાસે બધું છે ધન, વૈભવ અને કીર્તિ એટલે અમારે આ મોહ માયામાં અમારી ઈંદ્રિયો અને મન પર કાબુ મેળવવું રહ્યું. પ્રજાપતિએ હકારમાં માથું ધુણાવ્યું અને દેવો વિદાય થયા.

હવે માનવ પણ પોતાનો જવાબ શોધી આવે છે અને કહે છે "અમે માનવો લોભી છીયે એટલે 'દ' એટલે 'દત્ત' અર્થાત 'દાન' અમારે અમારી વૃત્તિ સુધારી વધુને વધુને દાનનો મહિમા સમજવો રહયો" આ જવાબથી પ્રજાપતિ સંતુષ્ટ થયા અને માનવને વિદાય થવાની આજ્ઞા કરી. માનવ પણ વિદાય થયા હવે દાનવનો વારો હતો તે પણ આગળ આવ્યો અને બોલ્યા "અમે દાનવો ક્રુર છીયે એટલે અમને 'દયધ્વ્મ' એટલે કે 'દયા રાખવી' બીજા તરફ"

આ ઉત્તરથી પણ પ્રજાપતિ ખુશ થયા અને દાનવોએ પણ રજા લીધી અને પ્રજાપતિની દાઢી મંદ મંદ ફરકવા લાગી.

-ઉપનિષદની વાતોમાંથી (મારા શબ્દોમાં)

..... ..... ......

ઉપનિષદએ આપણે ત્રણ અલગ અલગ ઉદાહરણ આપી આખી વાતમાં જીવનનો સાર આપી દીધો છે. એક રીતે જોઈએ તો માનવની વૃતિ જ દેવ અને દાનવ છે જેમાં આપણે અંદર જોવાની જરૂર છે. આપણો ઈલાજ આપણી પાસે જ છે. આપણી નબળાઈ બીજી વ્યક્તિ તો એ પરિણામ સ્વરૂપે બહાર આવે ત્યારે તેને જોઈ અને જજ કરે છે પણ આપણે તો આપણી નબળાઈ તો પહેલેથી ખબર હોય છે એ બાબત ઘણાને ખબર પડી જાય અને ઘણાને ખબર નથી પડતી

નબળાઈ કહો કે દુર્ગુણએ ખબર પડવી એ એટલી મહત્વની નથી સફળતા માટે જરૂરી છે તેને સ્વ સ્વીકારી કોઈ જાતનાં બહાના રચ્યા વગર તેના પર કામ કરવું મોટી વાત છે જે આગળ જતાં આપણી જય જયકાર કરાવે છે. આપણા વહાણનું સુકાન આપણા હાથે ભીરું એ વાત યાદ રાખવા જેવી છે હો કોણ ડુબાડશે એ તો પછીની વાત છે પહેલા તરતા તો શીખવું પડશે.

~ પૂજન જાની


૬. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ

વારાહ મિહિર

પૈતામહ-વસિષ્ઠ-રૌમક-પૌલિશ અને સૌર એ પાંચ સિદ્ધાંતોને ‘પંચસૈદ્ધાંતિક’ કહેવાય છે. તેમનો 'સૂર્યસિદ્ધાંત' સૌથી ઉત્તમ છે. આ ‘પંચસૈદ્ધાંતિક’માં વરાહમિહિરે સૌ પ્રથમ વખત સાબિતી આપી કે, અયનાંશનું મૂલ્ય ૫૦.૩૨ સેકંડ જેટલું હોય છે. જે આજે પણ ખૂબ જ સચોટ અને ચોક્કસ છે. ''સ્પષ્ટતર: સાવિત્ર'' આ વચન આ વિધાનને સ્પષ્ટ કરે છે. ભારતીય પરંપરામાં અતિ પ્રાચીન ગ્રંથ એવા ઋગ્વેદમાં જ્યોતિષશાસ્ત્રના નિર્દેશો મળે છે.

બાયો-મિરર :

વરાહમિહિર (ઇ.સ પૂર્વે ૫૦૫–૫૮૭), ઉજ્જૈનના ભારતીય ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, અને જ્યોતિષી હતા. તેઓ અવંતિ વિસ્તારમાં જન્મ્યાં હતા, જે અત્યારના માળવા તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યદાસ, જેઓ પણ જાણીતા ખગોળશાસ્ત્રી, હતા. તેમના પોતાના અનુસાર, તેઓએ કાપિત્થક ખાતે શિક્ષણ મેળવ્યું હતું. તેઓ માળવાના વિક્રમાદિત્યના દરબારના નવ રત્નોમાંના એક ગણાતા હતા. કાપિત્થકમાં વરાહમિહિર દ્વારા સંકલિત ગણિતશાસ્ત્રનું ગુરુકુળ લગભગ ૭૦૦ વર્ષો સુધી અદ્વિતીય રહ્યું. સમય માપક યંત્ર, રાજધાની દિલ્લીમાં લોહસ્તંભ અને ઈરાનના રાજા નૌશેરવા નાં આમંત્રણ પર વેધશાળાનું સ્થાપન તે વરાહમિહિરના કાર્યોની ઝલક આપે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગણિત અને વિજ્ઞાનને લોકો સુધી જોડવાનું હતું. જે ઋગ્વેદના સમયથી પરંપરા ચાલી આવી છે.

વર્કો-વરાહ :

જ્યોતિષ શાસ્ત્રીય સાહિત્યના વરાહમિહિરે ત્રણ વિભાગો જણાવ્યા છે : (૧) સિદ્ધાંત, (૨) સંહિતા અને (૩) હોરા. વરાહમિહિર પહેલાંના ગ્રંથોમાં જેમ કે 'વૃદ્ધગર્ગ સંહિતા' આદિમાં સિદ્ધાંત-સંહિતા અને હોરા વિભાગો મિશ્ર રૂપે જોવા મળે છે. તે વરાહના સમય પહેલાં વ્યવસ્થિત થવા લાગ્યા હશે, જેને પં. વરાહમિહિરે પૂર્ણ રીતે વ્યવસ્થિત કરી ત્રણ સ્કંધોનું વિભાગીકરણ જગત સમક્ષ મૂક્યું છે. ''ત્રુટીથી લઇ પ્રલયકાળ સુધીની કાલગણના, સૌર, સાવન આદિ કાલમાનના ભેદ ગ્રહોની બે પ્રકારની ગતિ-મધ્યમ અને સ્પષ્ટ-નું ગણિત તથા ત્રિપ્રશ્નાધિકારના પ્રશ્નો અને તેના ઉત્તરો, પૃથ્વી, નક્ષત્રો, ગ્રહો ઈત્યાદિ સ્થિતિનું વર્ણન અને મન્ત્રાદિનું વર્ણન જેમાં હોય તેવા ગણિતના ગ્રંથને સિદ્ધાંત ગ્રંથ કહે છે. ભારતમાં 'સૂર્યસિદ્ધાંત'ની સારી પ્રતિષ્ઠા છે. સૂર્યસિદ્ધાંતનો કર્તા કોણ? રચનાકાળ કયો? રચનાસ્થળ કયું? - આ પ્રશ્નોના જવાબ ઈતિહાસમાંથી મળતા નથી; પરંતુ ભારતીય ખગોળશાસ્ત્રમાં જે કાંઇ મોટા ફેરફારો અને આવિષ્કારો થયા છે, તેની પૂરેપૂરી સ્પષ્ટતા 'સૂર્યસિદ્ધાંત' કરી જાય છે.

 • ત્રિકોણમિતિય સૂત્રો :
 • વરાહમિહિરે નીચેના ગણિતીય ત્રિકોણમિતિના સૂત્રો આપ્યા.

  વરાહમિહિર સમર્થ જ્યોતિષી, ખગોળવેત્તા અને બહુમુખી પ્રતિભા ધરાવતા અનેક શાસ્ત્રોના પારંગત વિદ્વાન હતા. જ્યોતિષ વિજ્ઞાાનના ત્રણેય સ્કંધોમાં એમણે બહુમૂલ્ય રચનાઓ આપી છે. જેમાંની કેટલીક 'પંચસિદ્ધાંતિકા', 'વિવાહપટલ', 'બૃહજ્જાતક', 'લઘુજાતક', 'બૃહદ્યોગયાત્રા' અને 'બૃહત્સંહિતા' ગણી શકાય. આ બધા જ ગ્રંથો લોકપ્રિય અને મહત્ત્વના છે.

  વિજ્ઞાનના ઇતિહાસમાં વરાહમિહિર સૌ પ્રથમ એવી વ્યક્તિ હતા કે જેમને સાબિતી આપી હતી કે, બ્રહ્માંડમાં કોઈ એવી શક્તિ છે જે દરેક ચીજવસ્તુને જમીન સાથે જકડી રાખે છે. આજે એ જ શક્તિને ગુરુત્વાકર્ષણ કહે છે. ઉપરાંત, તેમને એક ભૂલ પણ કરી હતી. તેઓ એવું માનતા હતા કે પૃથ્વી ગતિમાન નથી. ખગોળ જેવા શુષ્ક વિષયમાં પણ તેમને પ્રાણ ફૂંક્યો હતો. તેમને સંસ્કૃત વ્યાકરણમાં દક્ષતા અને છંદ પર અધિકારના કારણે તેમણે પોતાને જ એક અનોખી શૈલીમાં વ્યક્ત કર્યા હતા. વરાહમિહિરે શૂન્ય અને અન્ય બીજગણિતીય ગુણોને વ્યાખ્યાયિત કર્યા. તેમનું પ્રકાશશાસ્ત્રમાં પણ યોગદાન છે. કણોના પરિવર્તન – અપરિવર્તન વિષે સાબિતીઓ આપી છે તેમજ પ્રક્રીર્ણન વિષે પણ માહિતી આપી છે.

  પોતાના પુસ્તક વિષે વરાહમિહિર કહે છે,

  “જ્યોતિષ વિદ્યા એક અગાધ સાગર છે જેણે દરેક લોકો પાર નથી કરી શકતા. મારી પુસ્તક એક સુરક્ષિત નાવ છે, જે તેને વાંચશે તેને તે પાર લઈ જશે.”

  ~ કંદર્પ પટેલ


  અમને સંપર્ક કરો

  જો તમે પણ ગેસ્ટ કોલમમાં લખવા માંગતા હો તો અમને અમારા ફેસબુક પેજ કે ઇમેઇલ એડ્રેસ પર સંપર્ક કરો. મેગેઝિન વિશેની વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. જો તમને અમારા મેગેઝિનનો કન્ટેન્ટ ગમ્યો હોય તો રેવ્યુ અને રેટીંગ આપવાનું ભૂલતા નહિ. પ્લીઝ શેર એન્ડ સ્પ્રેડ વર્ડ.

  Facebook Pages

  Fb.com/YouthWorldOnline

  Fb.com/GujjuWorld.net

  Website

  Email Address