યુથ વર્લ્ડ અંક-૫ Youth World દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુથ વર્લ્ડ અંક-૫

અંક -૫

ઓલનાઇન ગુજરાતી મેગેઝિન

Fb.com/YouthWorldOnline


અનુક્રમણિકા:

૧ ‘મારી ડાયરીનું એક પન્નું...’-જીજ્ઞા પટેલ

૨ ધ્રુજવતો બંગલો-ભાવીશા ગોકાણી

૩ રોબરી- પ્રવિણ પીઠડીયા

૪ લવ ટ્રાયએંગલ- સુલતાન સિંઘ

૫ મેચ્યોરિટીનું પ્રમાણપત્ર એટલે દંભ- પૂજન જાની

૬ વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ

૭ India’s ‘Ratan’: A Legacy-કંદર્પ પટેલ

૮ ભલે પધાર્યા- બિનીતા સી કંથારિયા

૯ મોસ્ટ વેલકમ- જિજ્ઞેશ વાઘેલા


૧.

મારી ડાયરીનું એક પન્નું...

જીજ્ઞા પટેલ

‘ડાયરીનું કામ કેમેરારોલ જેવું છે. જેમાં યાદોને શબ્દદેહ મળે છે. બે લીટીની વચ્ચે કેટલાક પ્રસંગો સચવાઈ જતા હોઈ છે. અહીં એવી જ એક ડાયરીના પન્ના એક પછી એક લાઈવ મોમેન્ટસની સહેલ કરાવશે.’

‘રેલ્વે સ્ટેશન પર વિતાવેલી કલાક...’

જીંદગી એક સફર હે સુહાના.....ગીત રેડિયો મિર્ચી પર વાગી રહ્યું હતું. ગીતની સાથે અનુસંધાન સાધીને હું વિચારવા લાગી.

આપણે એક સફરના મુસાફિર જ છીએ. જન્મથી માંડીને અંતિમ-યાત્રા સુધીની આપણી એક મુસાફરી છે. એક અંત હીન યાત્રાના મુસાફિર. મારે આજે એક ડેસ્ટીનેસન પર જવાનું હતું. એટલા માટે હું રેલ્વે-સ્ટેશન પર બેઠી હતી. ટ્રેનની રાહ જોઇને બેઠી હતી.

એટલામાં વિહ્શલ વાગી અને એ વિહ્શલના આદેશથી ધીમે..ધીમે..ધીમે.. પોતાને ‘નિયત’ કરી આપેલા પાટાને ચીપકીને ટ્રેન ગતિમાન થવાના અથાગ પ્રયત્ન કરવા લાગી. તેના દરેક અંગો પોતાનાથી બને એટલું બળ લગાવીને દોડવા માંગતા હતા. કસાઈને મજબુત બનેલા વ્હીલ પણ બધો જ ભાર સહન કરીને કોઈ પણ ભોગે દોડવા તૈયાર હતા. અંતે બધા જ સ્પેરપાર્ટસના સહિયારા પ્રયત્નથી ટ્રેન ગતિમાન થઇ. ધીમે ધીમે ચાલવા લાગી અને ચલતા ચાલતા એક સમય એવો આવ્યો કે એ દોડવા લાગી.

કેટલાક સમયસર પોહચી ગયેલા મુસાફરો ટ્રેનમાં બેસી ગયા હતા અને કેટલાક મોળા પડેલા ટ્રેનમાં ચડવા માટે ‘લાગ’ શોધી રહ્યા હતા. એમને જોઇને મેં વિચાર્યું કર્યું કે.. “ સમયનું પોતાનું એક અલગ જ વ્યક્તિત્વ છે. તે ક્યારેય આપણા વશમાં ના થઇ શકે બલ્કે આપણે તેના વશમાં હોઈએ છે. જે સમયને નથી ઓળખી શકતું એ ક્યાંકને ક્યાંક પોતાને જ ઓળખવામાં થાપ ખાય છે.”

ખેર, ટ્રેન જતી રહી. પ્લેટફોર્મ પર હવે ગણ્યાગાંઠ્યા લોકો જ હતા. સામે થોડે દુર એક લીમડાના ઝાડ નીચે ટૂંટિયું વાળીને શરીરના નામે એક ‘પોટલું’ પડ્યું હતું. વસ્ત્રો જર્જરિત થઈને મસોતા કરતા પણ મેલા બની ગયા હતા. જેને જીવનનું કોઈ લક્ષ્ય નહોતું કે ના કોઈ બહાનું. જેની પાસે રડવાનું કોઈ કારણ જ નહોતું, એટલે જ તો એ દિલ ખોલીને હસ્યા કરતો હતો. દિલમાં એક કરુણાભાવે જન્મ લીધો. તેની હાલત પર તરસ આવતી હતી. મને લાગ્યું એ કેટલી યાતના વેઠતો હશે. પણ આ શું? એ તો બેફીકર બનીને મોટે-મોટેથી ગીત ગાવા લાગ્યો...

“ચાહે કોઈ મુજે જંગલી કહે...કેહને દો જી કેહતા રહે....હમ પ્યાર કે તુફાનો મેં ગીરે હૈ.....હમ પ્યાર કરેંગે......”

એ સાથે-સાથે નાચતો પણ હતો. બાજુમાં બેસેલા કૂતરાની સાથે મશ્કરી કરતો હતો. ખરેખર તો એ દુનિયાદારી ની પરવાહ કર્યા વગર ખુલી છાતીએ ફરતો હતો. એ વાત અલગ છે કે એ સમાજની ‘સમજદાર’ લોકોની વ્યાખ્યામાં ફીટ ના બેઠો.

હું હજુ એ બંદા વિષે વિચારતી હતી. ત્યાં અચાનક એક માસુમ..મૃદુ..મીઠો અવાજ કને અથડાયો.... “ચા...ગરમ ચા....” મને અવાજમાં ‘મજબૂરી’ અને ખુમારી એમ બંને સંભળાયા...મેં અવાજની દિશાનું અનુશરણ કર્યું.

પાંચ-સાત વર્ષનો એક છોકરો હાથમાં કીટલી અને કપ લઈને મારી તરફ આવ્યો. “ બેન, સાત રૂપિયામાં એક કપ”...ગરમ ચા..લઇ લ્યો.” એની નિર્દોષ આંખોમાં મને સાત રૂપિયાની ભૂખ નહિ પણ સાત રૂપિયામાં સપના જોયા. શું ખબર કે એ સાત રૂપિયા તેને દિલ્હીના દરબારમાં લઇ જઈ શકે. તેની ચાલમાં આત્મવિશ્વાસ હતો. કાળી મજુરી કરીને બાળપણને ગુમાવ્યાનો અફસોસ ઊંડે-ઊંડે પણ નહોતો દેખાતો. બલ્કે, એ પોતાના કામને ચાહતો હોઈ તેવું લાગતું હતું. છેલ્લા બે વર્ષથી છીડી દીધેલી ચા ને આજે તો ચાખવી જ રહી. મેં તેની સામે જોયું એટલામાં એ મારી આંખો વાંચીને એક કપ ભરી મારી સામે ધરી દીધો. કોઈ જ શબ્દો નહિ કે કોઈ વાર્તાલાપ નહિ...મેં દસની નોટ આગળ ધરી જેને લીધા પેહલા જ મને ત્રણ રૂપિયા પરત કર્યા. મેં ચા ની ચૂસકી ભરતા- ભરતા તેની સામે એક સ્મિત વેર્યું. મને હાથથી અંગુઠાનો સંકેત આપીને એ બીજા ગ્રાહકને રીજવવા લાગ્યો.

એટલામાં જ એક સુપર ફાસ્ટ ટ્રેન કોઈનું મોઢું રાખ્યા વગર ત્યાંથી પવન વેગે પસાર થઇ ગઈ. એક ક્ષણ માટે તો મને ભૂકંપ જેવો આંચકો અનુભવાયો. થોડે દુર હાથમાં ગ્રીન સિગ્નલ લઈને પાછો ફરતો ગાર્ડ તેની ઓફીશમાં નિરાંતથી હવે બેસી શકશે..કેમ કે તે લીલી જંડી બતાવીને હવે પૂર્ણપણે નિશ્ચિંત હતો. આપણી લાઈફમાં પણ જો આવો ગાર્ડ મળી જાય તો કેટલું બેહતરીન બની જાય. રસ્તો ભટકવાની કોઈ ચિંતા જ નહિ. બસ એક પછી એક સિગ્નલ ફોલો કરતા જાઓ અને સલામત રીતે મંજિલ સુધી પોહચી જાવ. પરંતુ એવું નથી થતું. સિગ્નલ તો આપણને પામ મળતા હોઈ છે પણ આગળના સ્ટેશન પર પોહ્ચીને ખબર પડે કે રસ્તો ભટકી ગયા. સાલું, ત્યારે સમજાય કે પેલું સિગ્નલ ફોલો ના કર્યું એટલે આમ બન્યું....લાઈફમાં સ્ટેસન પેહલા અને સિગ્નલ બાદમાં સમજાય છે. આટલો જ ફર્ક છે. મેં ઘડિયાળમાં જોયું. બસ હવે મારી ટ્રેન આવવાનો સમય થઇ ગયો છે.

ઉપર કાળી પટ્ટી ટ્રેનનો અરાઈવલ ટાઇમ બતાવી રહી હતી. સાથે-સાથે મધુર અવાજ સાથે પણ ઘોષણા થવા લાગી ...ક્રીપિયા ધ્યાન દીજિયે...ફાસ્ટ પેસેન્જર ટ્રેન...સૌરાષ્ટ એક્સ્પ્રેસ્સ..અપને નિયત સમય પર આ ચુકી હૈ.... ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી. બધા પોતપોતાનો સરસામાન લઈને પ્રસ્થાન લઇ ચુક્યા હતા.

એક ભાઈ તેની ધર્મપત્ની સાથે ઝઘડી રહ્યા હતા.. “ બેગ પણ મારે ઉચકવાની અને છોકરો પણ મારે તેડીને ફરવાનું..અને ઉપરથી તને સાચવવાની..હે ભગવાન મારા તો શનિવાર ના ફળ્યા”. તેની પત્ની કઈ પણ સાંભળ્યા વગર ભીડમાં ઘુશીને..ઢાકામુક્કી કરીને સંસોરવી નીકળી ગઈ. આખી સીટ પર કબજો જમાવીને અંગ્રેજની અદામાં બોલી.. “આ કામ તમારાથી થાત?” પેલો ભાઈ ચુપ થઇ ગયો.

લોકો ધક્કામુક્કી કરીને ચડી રહ્યા હતા. કેટલાક પુરુષો સ્ત્રીઓને ઘસાઈને, અથડાઈને જતા હતા પણ સ્ત્રીઓ અત્યારે લડવાના મૂળમાં નહોતી..એને જગ્યા મેળવવાની ફિકર હતી. એક કોલેજીયન છોકરો તેની ઉમરની જ એક સુંદરીને ઈમ્પ્રેસ્સ કરવાની કોશિશ માં હતો..એટલા માટે પૂરી તાકાત લગાવી..ટોળાને ચીરીને આગળ થઇ ગયો અને પછી પેલીના હાથમાંથી બેગ લઈને પોતાની બાજુમાં મૂકી દીધી.

બધા ટ્રેનમાં બેસી ગયા હતા..સિવાય એક વૃદ્ધ બા... તેનું કરચલીયુક્ત શરીર કોઈ વજન ઉચકી શકે તેમ નહોતું. મહામેહનતે એક એક ડગલું ભરી શકાતું હતું. ટ્રેનમાં ચડવા માટે તેને કોઈના સહારાની જરૂર હતી. એ તેમના અસબાબને અને પોતાના અસ્તિત્વ બંનેને ઢસડી રહ્યા હતા. એવામાં વિહ્શલ વાગી. ટ્રેન ઉપાડવાની તૈયારીમાં હતી. બા એ ઉતાવળ કરવાની વ્યર્થ કોશિશ કરી. તેમના પગ અને શરીર બગાવત પર ઉતરી આવ્યા હોઈ તેવું લાગી રહ્યું હતું. ટ્રેન ધીમે-ધીમે ચાલવાનું શરુ કરવા લાગી. બા એ જવાનું માંડી વાળવાનો વિચાર કરી જોયો..પણ એ વિચારને અમલમાં મુકે એ પેહલા એક મુસાફિર તેની પાસે આવીને ઉભો રહ્યો. એક હાથમાં બેગ ઊંચકી લીધી અને બીજા હાથથી બાવડું પકડીને ટ્રેનમાં ચડાવી દીધા.. બધું ક્ષણાર્ધમાં બની ગયું. ટ્રેન ગતિમાં આવી ચુકી હતી. એ મુસાફિર અને બા બન્ને જગ્યા સોધીને બેસી ગયા. પેલા બા એ કહ્યું “ બેટા, તારા લીધે આજે હું મારા દીકરાને મળી શકીશ”

એમાં શું બા હું પણ તમારી દીકરી જ છું ને..!! અને ટ્રેન અમને લઈને ચાલી નીકળી....


૨.

ધ્રુજવતો બંગલો

ભાવીશા ગોકાણી

ભાગ :- 5

“ચલો બેટા, આપણી જામનગર જવાની બસ આવી ચુકી છે.તારો સામાન લઇ લે આપણે બસમા બેસી વાતો કરીએ.” રાખીબહેને કહ્યુ.

“હા રાખીઆન્ટી,ચલો.” આટલુ બોલતા તો રાખીબહેન અને દિવ્યા બન્ને ખડખડાટ હસી પડી.અને સોનાક્ષી કે જે વીગ પહેરી અને રાખીબહેન બનીને આવી હતી તેણે પોતાની વીગ દૂર કરી નાખી.બન્ને હસતી હોય છે ત્યાં જ બાકીના મિત્રો આવી જાય છે.

“કેમ રાખી આન્ટી જવુ છે ને જામનગર?” મયુરે મજાક કરતા કહ્યુ.

“હા બેટા,ચલો બસ આપણી જ રાહ જોતી હોય તેમ લાગે છે.” સોનાક્ષીએ હસતા હસતા કહ્યુ.

“પણ આ બધુ સારી પહેરી છે તે તારે ચેન્જ નહી કરવી?કે પછી રાખીબહેનના રોલમા પુરેપુરી સમાઇ ચુકી છે તુ સોનુ?” વૃંદાએ કહ્યુ.

“અરે હવે અત્યારે ક્યાં ચેન્જ કરું?બરોડા હોટેલ પહોચીને ચેન્જ કરીશ હું.હવે ચલો બસમા બેસો જલ્દી નહી તો અહી કોઇ જાન-પહેચાન વાળુ આવી જશે તો પ્રોબ્લેમ થઇ જશે.” સમીરે કહ્યુ.

“હા ચાલો ચાલો,ફટાફટ બેસો.બસ ઉપડવાનો સમય થઇ રહ્યો છે.” વિનયે કહ્યુ અને બધા સાથે બસમા બેસી ગયા.

“સોનુ રીઅલી બહુ ગજબની ડ્રામેબાજ છે તુ.મારા મમ્મી બહુ હોંશીયાર છે.તે કોઇની વાતમા આમ આસાનીથી ફસાઇ જાય તેવા નથી પણ તારી એક્ટીંગ તો ખરેખર કમાલ છે.માની ગઇ હો તને હું.” દિવ્યાએ કહ્યુ.

“અરે યાર,મે તને કહ્યુ હતુ ને કે તારા મમ્મી ખુદ તને મુકવા આવશે,અને મે તારી પાસેથી સાંભળ્યુ હતુ કે આન્ટી તારી પાસે આવા સોશિયલ કામો કરાવતા રહે છે તો આ આઇડીયા માર્યો.” સોનાક્ષીએ કહ્યુ.

“હે ગાઇઝ,તમે બધા કેમ ચુપચાપ છો?કાંઇ બોલતા નથી?” વૃંદાએ કહ્યુ.

“નહી બસ બરોડા પહોંચી હોટેલમા રહેવાનુ છે તો ઓનલાઇન બુકીંગ કરતા હતા અમે.બે રૂમ બુક કરાવ્યા છે હોટેલ શનસાઇન પેલેસમા.બહુ મસ્ત હોટેલ છે.આપણે ત્યાં મજા આવશે.કાલે સવારે આપણે હોટેલ પહોંચી જશુ અને હોટેલ જઇ ફ્રેશ થઇ થોડુ હરી ફરી અને પછી આપણે તે બંગલે જવા નીકળશું.બરોબર ને?” મયુરે કહ્યુ.

“યા પરફેક્ટ.સારુ થયુ તે હોટેલ બુક કરાવી લીધી.પછી ત્યાં પહોંચી આપણે ક્યાં હેરાન થવું?” સોનાક્ષીએ કહ્યુ.

“હેય ફ્રેન્ડસ,હવે બધા આરામ કરવાનુ વિચારો.વાતો કરવા માટે આપણી પાસે એક વીક છે.” સમીરે સુજાવ આપ્યો.

“યા રાઇટ, મને પણ ઊંઘ આવે છે” સોનાક્ષીએ કહ્યુ.

બસ સ્લીપીંગ હતી તો એક શીટમા મયુર અને વિનય બીજી શીટમા વૃંદા અને સોનાક્ષી અને સિંગલ શીટમા સમીર અને બીજી સિંગલ શીટમા દિવ્યા આ રીતે બધા સુવાની તૈયારી કરવા લાગ્યા.

મધરાતે ઓચિંતી જ દિવ્યા સફાળી જાગી ગઇ અને તેને અચાનક ખુબ જ પસીનો વળવા લાગ્યો.આજુબાજુ જોયુ તો કોઇ હતુ નહી.બધા આરામથી સુતા હતા.તે મનોમન વિચારવા લાગી કે બસમા તો કોઇ જાગતુ નથી તો મને એમ કેમ ફીલ થયુ કે કોઇ મને પકડીને મારુ ગળુ દબાવી રહ્યુ હોય?તે બહુ ડરવા લાગી.તેણે તરત જ સોનુ અને વૃંદાને જગાડી બધી વાત કરી.

“અરે દિવ્યા તુ શું કામ ડરે છે?કોઇ સપનુ આવ્યુ હશે તને.હવે તુ સુઇ જા.એક તો બસમા ઊંઘ આવતી નથી અને હજુ ઊંઘ આવી ત્યાં તે જગાડી દીધી મને.જસ્ટ ચીલ બેબી.” વૃંદાએ કહ્યુ.

“હું ત્યાં શીટ પર એકલી નહી સુવા જઉ.મને પણ અહી સુવા દે તમારી સાથે.મને ત્યાં એકલીને બીક લાગે છે.” દિવ્યાએ કહ્યુ.

“ઠીક છે દિવ્યા.એક કામ કર તું અહી આવતી રે સુવા માટે.હું ત્યાં સુઇ જાઉ છું અને મનમાંથી ખોટા વિચાર કાઢીને આરામ કર.ડોન્ટ વરી એટ ઓલ.” સોનાક્ષીએ કહ્યુ.

સોનાક્ષી અને દિવ્યાએ જગ્યા ચેન્જ કરી લીધી અને દિવ્યા ડરતા મને સુવાની કોશિષ કરવા લાગી.

થોડી વાર પછી ઓચિંતુ જ સોનાક્ષીની સાડીનો છેડો કોઇકે ખેચ્યો હોય તેમ લાગ્યુ અને તે પણ સફાળી જાગી ગઇ.તેણે આજુબાજુ જોઇ લીધુ પણ કોઇ દેખાયુ નહી એટલે મનનો વહેમ સમજી તે સુઇ ગઇ.

અચાનક જ કોઇકે સોનાક્ષીનો હાથ પકડી લીધો અને સોનાક્ષી ચોંકી ગઇ તે હજુ કાંઇ બોલવા જાય ત્યાં તેના મોઢા પર સમીરે હાથ રાખી દીધો અને બોલ્યો જાનુ હું છું તારો સમીર.” સમીરે કહ્યુ.

“બદમાશ મારો જીવ અધ્ધર કરી દીધો.શું કામ મસ્તી કરે છે મારી સાથે અને દિવ્યા સાથે?” સોનાક્ષી બોલી.

“તારી સાથે તો સમજાયુ પણ દિવ્યા સાથે મે શું કર્યુ?જરા સમજાવ મને.” સમીરે કહ્યુ.

દિવ્યાએ સમીરને બધી વાત કરી પણ સમીરે કહ્યુ , “મે કાંઇ દિવ્યા સાથે મસ્તી કરી નથી.હું તો બસ તારી સાથે મસ્તી કરવાના મુડમા છું,દિવ્યા સાથે નહી તેમ કહી સોનાક્ષીને બાહોમા લેવા જતો હતો ત્યાં સોનાક્ષીએ તેને ધક્કો માર્યો.

“બદમાશ બસમા છીએ આપણે,જરા તો શરમ કર.કોઇ જાગી ગયુ અને જોઇ જશે તો પ્રોબ્લેમ થશે.તને પણ અત્યારે મધરાતે આવા ચેન ચાળા સુજે છે.જરાક તો સમય અને સ્થળનો વિચાર કર.” સોનાક્ષીએ મજાકમા કહ્યુ.

“જાનુ સમય અને સ્થળ બન્ને આપણી ફેવરમા જ છે.મૌકા ભી હે ઔર દસ્તુર ભી હૈ,તો ક્યુ ના ઇસ મૌકે કા ફાયદા ઉઠાયા જાયે?એકાંત છે તો તેનો લાભ તો ઉઠાવવો જ જોઇએ ને? અને અત્યારે કોઇ જાગશે નહી.એકવાર હગ તો કરવા દે આટલોતો મને હક છે ને?.કાંઇ તને ખાઇ નહી જાંઉ.” સમીરે કહ્યુ.

“તુ પણ બહુ તોફાની છો હો.” હસતા હસતા સોનાક્ષી સમીરને ભેટી પડી અને સમીરે તેને આલીંગનમા લઇ લીધી.અને સમીરે સોનાક્ષીને ગાલ પર હળવુ ચુંબન કર્યુ અને તેને પોતાના બાહુપાસમા જકડી લીધી.થોડી વાર પછી બન્નેને સમયનો એહસાસ થતા સમીર સોનાક્ષીને ગુડ નાઇટ વીશ કરી તેની જગ્યાએ જતો રહ્યો અને સોનાક્ષીએ તેને ફ્લાઇંગ કીસ આપી ગુડ નાઇટ વીશ કરી એ પણ સુઇ ગઇ.”

૩.

રોબરી—૫

પ્રવિણ પીઠડીયા

( આગળ આપણે વાંચ્યુઃ- બેંક વાન નો ડ્રાઇવર રતન હાઇવેની નજીક ઉગી નીકળેલી ઝાડીમાંથી બેહોશ અવસ્થામાં મળી આવે છે. તેને તાત્કાલીક હોસ્પિલાઇઝ્ડ કરી ઇન્સ. રોહીત શેખડા વીકી અને ધીરજની શોધખોળના ચક્રો ગતિમાન કરે છે...હવે આગળઃ-)

શેખડાએ એક સ્વચ્છ, સુઘડ કમરામાં પ્રવેશ કર્યો. કમરાની વચ્ચો-વચ રતન જૈન એક પલંગ ઉપર સુતો હતો. તેના મોં અને નાકમાં કઇંક નળીઓ ખોસેલી હતી અને પલંગની આજુ-બાજુ ગોઠવાયેલા ટીવી મોનીટરો અંદર તેના શરીરની આંતરીક સ્થિતિ ધબકતી હતી. શેખડાએ એક સ્ટૂલ નજીક ખેંચ્યુ અને રતનની એકદમ નજીક જઇને બેઠો...રતન જૈનની બોઝીલ આંખો અધખુલ્લી હતી.

“ રતન...મારો અવાજ સંભળાય છે તને...?” શેખડાએ તેના ચહેરા ઉપર ઝુકતા પુછયું.

“ હેં....હા....પણ તમે કોણ...?” એકદમ ધીમા અવાજે તે બોલ્યો.

“ હું ઇન્સ. શેખડા...તારી આ હાલત કેમ કરતા થઇ..? વાનમાં હતી એ રકમ કોણ લઇ ગયું..?”

“ હેં....વાનની રકમ...મતલબ...?” રતન જૈન નાકમાં પરોવેલી નળીઓ સહીત અધૂકડો બેઠો થઇ ગયો. શેખડાના પ્રશ્નથી તેને ભારે આહ્યાત લાગ્યો હોય એવુ તેના ચહેરા ઉપરથી ફલીત થતું હતુ.

“ રીલેક્ષ મેન...આમ આશ્ચર્ય-ચકિત થવાથી કોઇ ફાયદો નહીં થાય..મને ખાતરી છે કે બેંકનાં રૂપિયા તમે ત્રણેયે ભેગા મળીને ગાયબ કર્યા છે..! માટે સરળતા એજ રહેશે કે તું કબુલાત કરી લે...શક્ય છે કે તેનાથી તને થોડી ઓછી સજા થાય..” શેખડા ભારે ઠંડકભર્યા અવાજે બોલ્યો.

“ મેં લૂંટ નથી કરી સાહેબ...મને તો અત્યારે તમે કહો છો ત્યારે માલુમ થયુ કે બેંકના રૂપિયા કોઇ લઇ ગયુ છે. મારી આવી હાલત કેમ થઇ એ પણ હું નથી જાણતો. તમે મારી સાથે હતા એ ગાર્ડ વીકી અને ધીરજને કેમ નથી પુંછતા. તે જરૂર જાણતા હશે..” ગભરાહટ ભર્યા શ્વરે રતન બોલ્યો. શેખડા ધ્યાનથી રતનના ચહેરાને તાકી રહ્યો હતો. તે જે બોલ્યો એ મતલબનાં જ ભાવો તેના ચહેરા ઉપર આવતા હતા...મતલબ કે તે થોડુ તો સાચુ બોલી રહ્યો હતો, અથવાતો તે ઉંચા ગજાનો કલાકાર હતો.

“ તેમને પણ પુંછીશજ....પહેલા તું જણાવ કે તું બેહોશ કેવી રીતે થયો...?”

“ મને કંઇ ખબર નથી સાહેબ...હું વાન ચલાવતો હતો. સોલા સર્કલના એ.ટી.એમ. માં પૈસા જમાં કરી અમે મેમનગર જઇ રહ્યા હતા. વચ્ચે એક જગ્યાએ મેં વાનને થોભાવી હતી. હાઇવે ઉપર એક નાનકડી હોટેલ આવે છે ત્યાંથી લગભગ દરરોજ અમે થરમોસમાં ચા ભરાવીએ છીએ. તે દિવસે પણ ચા ભરાવી અમે આગળ વધ્યા હતા. આ રુટીન ક્રમ હતો અને તેમા કંઇ અજૂગતુ નહોતું..”

“ મતલબ કે તમે દરરોજ ત્યાંથી ચા લેતા હતા..?”

“ હાં સાહેબ...વધુ સમય ખોટી ન થાય તે માટે અમે ચા ને થરમોસમાં ભરાવી પછી ચાલુ ગાડીએજ ચા પીતા હતા. ત્યારે પણ એમજ કર્યુ હતું. ધીરજે થરમોસ માંથી ચા ભરીને મને અને વીકીને આપી હતી અને મેં ચા પીધી હતી...” રતન અટક્યો. તેની આંખો પહોળી થઇ અને પછી સંકોચાઇ. અચાનક કઇંક યાદ આવ્યુ તેને. “ સાહેબ...ચા પીધા પછી થોડીવારે મને એવુ લાગ્યુ કે મને ચક્કર આવી રહ્યા છે. પહેલા બહુ ધ્યાનમાં ન લીધુ પણ જ્યારે એકાએક વધુ ચક્કર આવવા લાગ્યા અને આંખો સમક્ષ ધુંધળાશ છવાણી ત્યારે ન છુટકે મેં વાનને હાઇવેની સાઇડમાં લીધી..પછી શું થયુ એ મને ખબર નથી. કદાચ હું બેહોશ થઇ ગયો હોઇશ...”

“ હંમમ...અને ધીરજ અને વીકીનું શું થયુ...?”

“ એ મને કેવી રીતે ખબર હોય...? હું તો બેહોશ હતોને..!”

“ ઓ.કે.,,આ સિવાય બીજુ કંઇ કહેવુ છે તારે...? કારણકે આ લૂંટનો મામલો છે અને એ પણ છ-કરોડ જેટલી મોટી રકમની લૂંટનો. ગનીમત એ છે કે જો તું કંઇ જાણતો હોય તો આ સમય તારી પાસે છે પછી કહેતો નહી...પાછળથી વધુ તકલીફ થશે...”

“ નહી...બીજુ હં કંઇ નથી જાણતો.”

“ ઓ.કે...તો આરામ કર. હું ફરી આવું ત્યાં સુધી...” કહીને શેખડા સ્ટૂલ ઉપરથી ઉભો થયો અને કમરાની બહાર નીકળ્યો. બરાબર એ જ સમયે તેનો મોબાઇલ રણક્યો. ફોન કોન્સ્ટેબલ જબ્બારનો હતો. શેખડા તેને હાઇવે ઉપરજ મુકીને આવ્યો હતો. તેણે જબ્બારને વાનની આજુ-બાજુની એકાદ કીલોમીટર સુધી તપાસ કરવાનો હુકમ આપ્યો હતો.

“ બોલ જબ્બાર...કોઇ પ્રગતી...?”

“ જી સર...પેલા બન્ને ગાર્ડની મ્રુત અવસ્થામાં બોડી મળી છે. વાન જ્યાં ઉભી હતી તેનાથી પાંચસો મીટર દુર એક અવાવરુ ગોડાઉનની દીવાલ પાસે એ બન્ને ની બોડી પડી છે..”

“ તું ત્યાંજ રહે હું હમણા આવુ છું...” ભારે અચરજ અનુભવતો શેખડા હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો અને જીપમાં ગોઠવાયો...તેને અંદાજ આવી ગયો હતો કે આ લૂંટનો કેસ તે ધારે છે એટલો સરળ નથી..અને હવે તો લૂંટ વીથ મર્ડરનો કેસ બનતો હતો....આ કેસ સોલ્વ કરવા તેણે ઘણો પરસેવો પાડવો પડશે.

( ક્રમશઃ )

૪.

-: નૉવેલ :-

લવ ટ્રાયએંગલ

સુલતાન સિંઘ

પ્રકરણ – ૫

તમે ક્યારેય જાગતી આંખે સપના જોયા છે ખરા? અને હા એ પણ પોતાની આંખો સામે જીવાતા? વિચાર તો કરી જુઓ, વર્તમાન જીવનમાં સપનાનો સાક્ષાત્કાર પણ કહી શકો તમે એને. એ દિવસ મારી સાથે કંઈક એવુજ બન્યું હતું.

“તું અહીં શું કરે છે?” એણે ઘરમાં પ્રવેશ કરતા જ પૂછી લીધું. એનો પ્રશ્ન ખરેખર એટલો મૂંઝવણ ભર્યો હતો કે મારાથી તરત ઊભા પણ થઇ જવાયું. ખરેખરતો આ સવાલ મારે એને કરવો જોતો હતો પણ મારા પેલા એણે પૂછ્યો... મારી જ માસીના ઘરમાં આવી અને કોઈ મને પૂછે, ખરેખર ત્યારે હું પોતે પણ એજ વિચારમાં પટકાયો કે હું સાચે જ અહીં શા માટે આવ્યો હતો? પણ મેં એ વિષે આજ સુધી વિચાર્યું ના હતું આપણે સામાન્ય જીવનમાં પણ ઘેરથી નીકળી વખતે ક્યાંય જવાના કારણો વિચારતાં જ નથી.

મધ્યમ દેખાવ, ચળકતી ભૂરી આંખો, ખભા સુધી ખુલ્લા બેબીકટ હવામાં ઉછળતા વાળ, બ્લુ ટીશર્ટ અને બ્લેક ટ્રાઉઝર, અને જાણે આંખોમાં આંજેલી કાજળ એને દુનિયાથી નજરથી બચાવી લેવાની પ્રતીતિ કરાવતી હતી. આજ પણ મારી એટલી જ નજીક એ ઊભી હતી જેટલી પેલા દિવસે અથડાયા પછી ઊભી હતી. અને હું આજે પણ એજ હાલમાં શાંત ઊભો હતો કદાચ શું કહેવું એ મને સમજાતું ના હતું અથવા હું એ બધું સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

“જીનલ, એ એની માસીના ઘેર આવ્યો છે” મિત્રાએ પાછળના રૂમથી બહાર નીકળતા કહ્યું અને મારી તરફ જોઈ રહી જાણે મને પૂછતી હતી કે કાં ભાઈ આજે જબાને તાળા કાં લાગ્યા છે. મિત્રા હસમુખ અને શાંત સ્વભાવની હતી, મારા માસીની સૌથી નાની દીકરી અને મારી બહેન હાલ એ બરાબર મારી અને જીનલની સામે ઊભી હતી.

“એની માસીના ઘરે! તો પણ મિત્રા એ અહીં શું કરે છે?” એ બોલી “તને ખબર છે આ એજ છે જેના વિષે મે તને વાત કરી હતી.”

“હા જીનલ માસી, મારી મમ્મી અને એની માસી.” મિત્રા મારી સામે જોઈ અને મલકાઈ “જુઓ ભાઈ આ જીનલ આપણી સોસાયટીમાં નવી રેવા આવી છે અને મારી સ્કુલમાં પણ. એટલે કદાચ એ તમને નથી ઓળખતી”

“ઓહ નો પ્રોબ્લેમ.” હું બબડ્યો આજે મિત્રાએ પાછળથી આવીને મને બચાવી લીધો હતો બાકી મારી પાસે એને આપવા કદાચ જવાબ ના હતા. એણે આ જાણ્યા પછી મને સોરી પણ કહ્યું હતું પણ એનો કોઈ અર્થ ના હતો હવે.

“તમે લોકો પેલા મળી ચૂક્યા છો એમ?” મિત્રા પેલા મારી અને પછી એની તરફ નજર ગુમાવતા બોલી.

“હા તારી બહેનપણી પેલા તને કહી ચૂકી હશે ને અમે કેવી રીતે મળ્યા હતા” મેં કહ્યું અને હું જીનલ સામે જોઈ રહ્યો. એ મનોમન હસ્તી હતી કદાચ એ મારા કહેવાનો ભાવાર્થ સમજી રહી હતી.

“હા બસ રસ્તામાં...” એ અટકી અને હું શાંત ઉભોજ રહ્યો. મારે શું બોલવું જોઈએ એ મને સમજાતું ના હતું. શું મારે એને એમ કહેવું જોઈએ કે મારી સપનાની દુનિયામાં ખોવાઈને મેં એને સાઈકલ વડે ટક્કર મારી હતી પણ, જેમ એણે કહ્યું મિત્રાને કે પેલા દિવસે એટલે એણે કદાચ બધી વાતો કરી જ હશે. સામાન્ય રીતે છોકરીઓ એક બીજાની વાતો કહ્યા વગર રહી નથી સકતી.

“આ લોકો હમણાં થોડાક દિવસ પહેલા અહીં રહેવા આવ્યા છે ભાઈ”

“૧૬ દિવસ પહેલા જ” હું બબડ્યો.

“હા, એક્જેક્ટલી બરાબર એટલા જ” એણે મારો બડબડાટ સાંભળ્યો હોય એમ એ બોલી. હું હજુય એને જોઈ રહ્યો હતો એના બદલતાં ભાવ મને જરાક સમજાતા ના હતા. આ એજ વ્યક્તિ હતી જે કાલે મને જેમ તેમ સંભળાવી ગઈ હતી. અને આજે પણ એણે જ મને કહેલું કે “તું અહીં શું કરે છે?” આતો ઠીક મિત્રા આવી બાકી મારી આવી બનવાની હતી.

“ફ્રેન્ડ્સ...” એણે થોડીક વાર મિત્રા સાથે વાત કરી અને મારી સામે હાથ લંબાવ્યો. મિત્રા ત્રાંસી નજરે બધું જોઈ રહી હતી. મારે આવી પરિસ્થિતિમાં એને શું જવાબ અપાવો એ મને સમજાયું નહિ તેમ છતાં મેં હાથ મિલાવ્યો. કદાચ મારા લંબાયેલા હાથ પછી શબ્દોની કોઈ ખાસ જરૂર એને જણાઈ નહિ હોય.

એ દિવસે એના સાથે મિલાવેલા હાથની યાદોમાં હું ખોવાયેલો રહ્યો હતો. સાંજના આછા અંધારામાં મને વાતાવરણ ખુલ્લું અને સોનેરી લાગતું હતું. અમારા અને એના ઘરની પછીત લગભગ ખુબજ નજીક હતી એકાદ મકાન માંડ હતું વચ્ચે આમ તો એ અમારા ઘરની બિલકુલ પાછળ ના રોડ પર હતી પણ બધાના ઘરની છત એક સમાન સ્તરે હતી. ખુલ્લા વાતાવરણમાં ગીતો સાંભળવા અને ખુલ્લા વાતાવરણનો આનંદ માણવા હું હમેશાં ઉપર આવતો હતો પણ આજે એનો સ્પર્શ એ આનંદ બેવડાતો હતો. વારંવાર મને એ ચહેરો નજર સમક્ષ ઉભરી આવતો દેખાતો હતો. એજ રૂપસોંદર્ય એનામાં હતું જેને હું મનોમન પામવા ઈચ્છતો હતો, એટલો જ આહલાદક અહેસાસ મને અનુભવતો હતો.

એનું અસ્તિત્વ જાણે ધીમી ગતિએ મને પોતાનામાં વિલીન કરી રહ્યું હતું. હું મોડા સુધી આથમતા સુરજને જોયા અને મારા મમ્મી-પપ્પાને યાદ કર્યા કરતો. આ મકાન અમારું હતું પણ એમાં માત્ર મારા દૂરના ભાઈ-ભાભી અને હું રહેતા હતા. એમના ત્યાજ મારે રહેવાનું હતું. ચારે તરફ અંધારી ચાદર ઘેરાઈ રહી હતી સૂરજ અડધો ડૂબેલો અને વિશાળ દેખાતો હતો. મને એ સુંદરતા નરી આંખે જોવી ખુબજ ગમતી પશ્ચિમમાં એ પેલી જીનલની છતની છેલ્લી દીવાલ પાછળ જ ડૂબી જતો હતો જ્યાં ઊતરવાની સીડી હતી કદાચ એ પણ સીડી ઉતરી જતો હોય. થોડીક વાર પછી મને એ વિશાળ સોનેરી પટમાં એક કાળો ઓળો મારી તરફ સરકતો દેખાયો પણ એનો ચહેરો સોનેરી પ્રકાશના કારણે જોઈ શકવો મુશ્કેલ લાગતો હતો.

“તમે અહીં રહો છો?” કેટલો મધુર અવાજ હતો સાંભળતા ની સાથે જ મને એ આછા ચહેરાની ઓળખ થઇ ગઈ હતી. એનો અવાજ જાણે સીધા કાનના પડદે અથડાઈને દિલના અંદર ઉતરી જતો હતો.

“હા, બસ આજ છે મારું ઘર...” મેં જવાબ આપ્યો કદાચ હું કંઈક બીજું કહેવા ઈચ્છતો હતો પણ,

“અને આ મારું” એણે ડૂબતા સુરજના સોનેરી પ્રકાશથી લથપથ ભાગ તરફ ઈશારો કર્યો.

“સરસ, મને આ આથમતા સુરજના સોનેરી કિરણોને અનુભવવાનો અનેરો આનંદ મળે છે એટલે હું રોજ અહીં ઊભો રહી આ દ્રશ્ય નિહાળું છું.” મેં આ ‘રોજ’ શબ્દ શા માટે વાપર્યા એ મને આજ સુધી સમજાયું નથી. કદાચ દિલમાં કોઈક એવી લાગણી ત્યારે જન્મી હોય કે આ રોજ શબ્દને કારણે ક્યારેક એ મને મળવા જરૂર આવશે.

“મને પણ ગમે છે, એટલે જ તો આવી”

“સરસ... મને લાગ્યું કોઈ ખાસ કામ હશે” એ મારા કરતા ઉંમરમાં પાંચેક વર્ષ નાની હશે તેમ છતાં હું એને આટલું ખચકાઈ ને શા માટે બોલતો હતો એજ મને સમજાતું નાં હતું. એ હાલના સોનેરી પ્રકાશમાં આહલાદક લાગી રહી હતી એના ચહેરા પર આછો પ્રકાશ હતો પાછળ સૂરજનો સોનેરી પ્રકાશ બંનેના કારણે એનો ચહેરો નહિ પણ માત્ર આકાર સ્પષ્ટ નજરે પડતો હતો અને એજ કલા કૃતિને હું બસ ટીકીને જોઈ રહ્યો હતો. કદાચ એ સમયે મને સંજોગો અને સ્થાન બંનેનું ભાન નહિ જ હોય.

“મારે તમને કંઈક કહેવું છે.” એણે અચાનક મને એકદમ ધીમે સુરે કહ્યું અને મારી સામે જોઈ રહી કદાચ હું શું જવાબ આપું એની રાહ જોતી હોય એમ એ ઊભી રહી.

“કહો...” મેં સામાન્ય પણે જ જવાબ આપ્યો. અને ફરી વાર એ સોનેરી ચહેરાને જોઈ રહ્યો એ ભાવ, એ આંખો એ નજર અને એ વખતે થયેલો અહેસાસ જાણે મને ઘણું બધું કહી રહ્યો હતો પણ એમાં શબ્દો ના હતા માત્ર અહેસાસ હતા.

[ વધુ આવતા અંકે....]

સુલતાન સિંહ

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

તમારો પ્રતિભાવ જરૂર આપજો...


૫.

મેચ્યોરિટીનું પ્રમાણપત્ર એટલે દંભ

પૂજન જાની

'મેચ્યોર' બનવું છે? આવા ક્યાંય હોલ્ડિંગ જોયા છે?(જોયા હોય તો કહેજો મને જરૂર છે) નાના બાળકનો તોફાન ક્યાર સુધી ગમે? જ્યાં સુધી તે 7 - 8 વર્ષ સુધીનું હોય ત્યાં સુધી બસ પછી સતત એવા શબ્દો સાંભળવા મળે કે હવે મોટા થઈ ગયા, કાંઈ શીખો હવે અને હદ તો ત્યારે થાય જયારે એમ કહે ડાહ્યા થાવ.
ડાહ્યા અને પાકાંનું લેબલ લગાવવા માટે બધા જ લોકો ઉગતી યુવાની અને આથમતા બચપન પર મારો ચલાવા બને તેટલા શસ્ત્રો લઈ નીકળી પડે છે અને પેલું નાનકડું બાળક જે કોઈની સામે ન ગમતી વસ્તુ અને બાબતોને રિજેક્ટ કરી નાખતું એ હવે પ્લાસ્ટિકનું સ્માઈલ ચોંટાડી હસી હસીને 'વેલકમ' કરે છે અને યુવાનીના થનગનાટ, ઉત્સાહ અને સાહસનું 'એક્સીટ' થઈ જાય છે.
દંભ એટલે જે વસ્તુ છે નહીં તેને દેખાડવાનો પ્રયત્નો કરવો તેને બિલોરી કાચની જેમ મોટી કરી તેનો દેખાડો કરવો. ક્યારેક મોઢાના આકાર બગાડી આમ તેમ ફરવું. જેનામાં કંઈક ખોટ છે તેને બતાવવા કરતા તેને એક આવરણમાં પેક કરી રાખવાથી આ દુનિયા સમક્ષ એ વસ્તુ ન મુકવી એ પણ દેખાડો જ થયો ને પરંતુ જે વ્યક્તિ કોઈ વસ્તુની ઉંડાણ અને તેની ઉંચાઈ પ્રાપ્ત કરી લીધી છે તે વ્યક્તિ હંમેશા મોજીલો, ખુશ અને હસતો ચહેરો રાખી ફરશે તે કદી પ્લાસ્ટિકનું 'સ્માઈલ' રાખી ફરશે નહીં એક પ્રચલિત કહેવત છે ને ખાલી ચણો વાગે ઘણો કંઈક એવું જ સમજી શકાય
આજે સમય સાથે બદલાતી યુવાનો પેઢી સ્વીકાર કરવો એ એક સમસ્યા બની રહ્યો છે. એક એવી અદ્રશ્ય ખાઈ બની રહી છે જેમાં જાણે અજાણે આપણે તેમાં ફસાઈ રહ્યા છીએ અને તેનો 'ગેપ' મને કમને વધારી જાતને દુઃખી કરી દઈએ છીયે અને પછી ક્યાંક આ દેખાડો શરૂ થઈ જાય છે.

નવું વર્ષ તો આવી જૂનું થઈ ચાલ્યું જશે અને આપણે ફરી નવું વર્ષનું આગમન કરીશું. આ વર્ષે કાંઈક નવું કરી જુના સીમાડા તોડી દઈએ અને પછી નવા વર્ષમાં પ્રવેશ લઈએ તો ખરેખર કાંઈ જીવ્યા એવું કહેવાય નહીં તો આપણા અને પ્રાણીઓ વચ્ચે શું ફરક? તે કદાચ જીદગી પસાર કરી લેશે અને માત્ર નવી પેઢીને જન્મ આપી ચાલ્યા પણ જશે. આપણે પણ ક્યાંક આવો દંભ નથી કરતાને?
નવી પેઢીનો ઉછેર કરવાની કલા માનવી પાસે જ છે જ્યારે બીજા જીવો માત્ર તેને પગભર બનાવી છોડી દેશે આગળની જીદગીમાં શું કરવુએ સ્વઅનુભવ પરથી શીખવું એવી કાઈ સિસ્ટમ હોય છે જયારે આપણે શું કરી દીધું? બધી વસ્તુ હાથમાં આપી, જે માંગ્યુએ આપ્યું અને 'વેલ' 'ડિસન્ટ' જનરેશન બનાવી જે સારું બોલી ચાલી અને જમી શકશે પણ જ્યાં વાત 'સેફટી ઝોન' છોડી સાહસની આવી ત્યાં ગાડી અટકી પડી. ઉડવા તો શીખવ્યું પણ એટલી દોઢ ડહાપણ કરી કે કહી દીધું કે આટલું ઉડવું બસ આ જ અલ્ટીમેટ છે એનાથી આગળ કહી નહીં......
આ નર્યા દંભથી બાજ અને સમડી જેવી શક્તિ ધરાવતો માનવી ચકલાં જેમ એક ડાળથી બીજી ડાળ ઉડે છે અને ત્યાંથી દેખાતી દુનિયા એને અદ્દભુત લાગે છે. આગળ કાંઈ છે એ ભુલાઈ જાય અથવા દેખાતું નથી. બાજ બનીને મુક્ત ગગનમાં ચકરાવા લેવાનો અનુભવ કરવો એ સ્વપ્ન જ ગણવું.
આપણો હજુ એક દંભ પ્રેમના નામે થાય પણ બહુ ફેલાયેલો છે. હવે તો એવી શાયરીઓ નવી પેઢીએ શરૂ કરી છે કે જેમાં એમ જ કહી દેવાય છે સાચો પ્રેમ તો મળી જ ન શકે લ્યો... મેરજ તો મરજી વગર જ કરી દેવાના? આ કાંઈ શાકભાજી ખરીદવા જેવી વાત છે કે જઈને સારી જોઈ ભાવ તાલ કરી લઈ આવીએ. લગભગ દરેક જગ્યાએ એક ફોર્માલિટી માટે મેરેજ થતા હોય એવું લાગે છે જેમાં લગ્ન પહેલા બને તરફથી માત્ર આડંબર બતાવી દેવાય છે અને પછી વાસી જિંદગી જીવી શહીદીનો ઢોગ બતાવી દેવાય છે.
બેશક મેરેજની ઉંમર સમાજ નક્કી કરે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં પણ પ્રેમ અને સેક્સની ઉંમર તો કોઈ નક્કી ન કરી શકે. જો કરવા ગયા તો કેટલી અવ્યવસ્થા સર્જાય છે એ આપણે અનુભવ કરીયે છીએ પણ કોઈ બોલે નહીં ને આપણે બોલીએ તો આપણે ખરાબ અને ચારિત્ર્ય હીન કહેવાઈને એટલે જેમ છે એમ રહેવા દ્યો આપણે ક્યાં કાંઈ ખોટ છે?
આ જમાનો એ છે જ્યાં તમારા ઘરના લાડલો લાડલી તમારી સામે જ કોઈ વિજાતીયથી અમુક બાબતો 'સેર' કરે છે જે માં બાપ જોડે નથી કરતા. આ પેઢીને તમે નાત જાતના સીમાડામાં કેમ બાંધી શકવાના? અને બાંધી લઈ જો તમે તમારી જાતને કઈ વિશેષ સમજતા હો તો તમે મહા મૂર્ખ છો..
ખૂબ સરસ કહ્યું છે કે સંસ્કૃતિ વહેતી નદી જેવી છે જે સમય,સ્થળ અને તટ બદલાતા અલગ નામથી ઓળખાઈ જાય છે કદાચ એટલે જ નદીને આપણે માતા કહીયે છીએ કેમ કે એ સતત વહી પોતાનું જળ સતત નિર્મળ રાખે છે. તળાવનું બંધિયાર પાણી કયારેક તો દુર્ગંધ ઉત્તપન્ન કરે એ નક્કી જ છે. તો શું આપણે સમય સાથે આપણી સંસ્કૃતિ ન બદલાવી શકીયે? ક્યાંક જક્કી વલણ છોડી સંતાનને સમજવાથી સુખી પણ એ જ થશેને, અને એનું સુખ જ માં બાપની જ ઇચ્છ ન હોઈ શકે?
ઘણાની એવી દલીલ હોય છે કે આજની યુવા પેઢી પશ્ચિમની સંસ્કૃતિનું આધળુ અનુકરણ કરી બધું ખોઈ રહી છે પણ એ બાબત વિચારી છે કે આ અનુકરણ કેમ કરે છે? જવાબ મોટે ભાગે ના જ હશે એ પણ નક્કી છે. વડીલો પશ્ચિમ જગતને બગડેલું ગણે છે પણ એ નથી જોતા એ જ બગડેલાની દુનિયામાં જવા માટે આપણા જ સંતાન વલખા મારે છે. વિઝાની લાઈનમાં આપણે ઉભું રહેવું પડે છે એ બગડેલાઓને નહીં. ત્યાંની સ્વતંત્ર દુનિયા આપણે પચતી નથી એટલે બચાવમાં કહી દેવું પડે છે. આ એ જ દુનિયા છે જેને દુનિયાને ખરા અર્થમાં 21મી સદીમાં પહોચાડયા છે.
હા એ જ બગડેલા નકામા યુવાનો આવ્યાને તમને માઇક્રોસોફ્ટ,એપલ અને ગૂગલ આપી દીધા (આવા તો અનેક ઉદાહરણ છે), એનો ઉપયોગ એટલી હદ સુધી કરીયે છીયે એના વગર જીવન અશક્ય થઈ ગયું છે અને આ બધી જ વસ્તુનો ઉપયોગ માત્ર યુવા પેઢી પૂરતો સીમિત તો નથી. બધા જ લોકો શોખ માટે તો સ્ટેટ્સ માટે બધી જ વસ્તુ વાપરી તો લે છે..
ખરેખરી મેચ્યોરિટી એટલે જેવા છો તેવા દેખાવ જો જલદીથી કોઈ પર 'રીએક્ટ' થતા હો તો થઈ જવું તો મોઢા પર કહી દેવાની આદત હોય તો પણ કહી દેવું ખોટી બાબતો છુપાવવા માટે આવરણ હટી જાય ત્યારે બેઈજ્જત થવું પડે છે એ યાદ રાખવું
પ્રીતની સંઘે કમુર્તામાં સાથે પ્રેમને લાગે વળગે?

૬.

વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ

વોર્મહોલ

થિઅરી ઓફ જનરલ રીલેટીવીટી. આ થિઅરીએ આઇન્સ્ટાઇનને ફેમસ બનાવી દીધો. પાછલા અંકમાં આપણે આ થિઅરી વિશે જાણ્યુ. પરંતુ જેમ જેમ આઇન્સ્ટાઇન આ થિઅરીના સમીકરણો પર વિચારતો થયો એમ એમ નવા રહસ્યો ખુલતા જ ગયા. ૧૯૩૦માં આઇન્સ્ટાઇન અને એના કલીગ નેથન રોઝને જનરલ રિલેટીવીટીના ઇક્વેશન્સ પરથી એક બ્રીજનું નિર્માણ કર્યુ.

જનરલ રીલેટીવીટી પ્રમાણે આપણે જાણીએ છીએ. સ્પેસ અને ટાઇમ બેન્ડ થઇ શકે છે એટલે કે વળી શકે છે. બ્લેક હોલ એ એક મેસીવ ડેડ સ્પોટ છે જ્યાંથી લાઇટ પણ બહાર નીકળી શકતી નથી. બસ આ બધા કન્સેપ્ટના ઇક્વેશન્સ પર કામ કરતા કરતા એક નવી વસ્તુ એમણે જાણી. જેને એણે નામ આપ્યુ આઇન્સ્ટાઇન રોઝન બ્રીજ.

આ એક એવો બ્રીજ હતો જે સ્પેસ અને ટાઇમના બે અલગ અલગ ભાગને જોડે. એટલે કે એમ કહી શકાય કે પૃથ્વી થી મંગળ સુધી અથવા લાખો પ્રકાશ વર્ષ દૂર રહેલ ગેલેક્સીના કોઇ સ્થળ વચ્ચે એવો બ્રીજ બન્ને જેનુ અંતર ખરેખરના અંતર કરતા ઓછુ હોય. ખુબ સાદુ ઉદાહરણ લઇએ તો એક પર્વતની આ તરફ ગામ છે અને બીજી તરફ એક ગામ છે અત્યારે લોકો પર્વત ચડીને ૧૦ કિ.મીનું અંતર કાપીને સામેના ગામ જાય છે. હવે જો પર્વતની વચ્ચેથી ટનલ બનાવવામાં આવે તો એ અંતર ૨ કિ.મીનું થઇ જાય. ધારો કે એક કાગળ છે એના એક છેડેથી બીજા છેડે તમારે જવુ છે તો તમારે કાગળની લંબાઇ જેટલુ અંતર કાપવુ પડશે. બટ હવે એ કાગળને એવી રીતે વાળો કે બન્ને છેડાને જોડી શકો. હવે બન્ને છેડા વચ્ચે કાણુ પાડો. હવે એક કાણાથી બીજા કાણામાં જાવ એટલે અંતર કપાઇ જશે? અંતર સાવ નહિવત થઇ ગયુ? બસ આઇન્સ્ટાઇન રોઝન બ્રીજનું પણ આવુ જ છે. જનરલ રિલેટીવીટી પ્રમાણે સ્પેસ ટાઇમ બેન્ડ થઇ શકે છે. તો વોર્મહોલની રચના થઇ શકે.

બસ રોઝન બ્રીજ એટલે આવી જ ટનલ. જે એક સ્પેસ ટાઇમ પોઇંટ થી બ્રહ્માંડના બીજા સ્પેસ ટાઇમ પોઇંટ પર ઓછા અંતરે જોડી દે. જેને લોકોએ નામ આપ્યુ વોર્મ હોલ.

આઇન્સ્ટાઇનના કહેવા પ્રમાણે વોર્મહોલ સમયની કોઇક ક્ષણમાં બનાવી શકાય. જે વધારે લાંબા સમય સુધી ના ટકી રહે. એ ક્ષણ માટે જ બને અને તરત નાશ પામે છે જો એમાંથી કોઇ પસાર થાય અને વોર્મહોલ બંધ થઇ જાય તો એ ઓબ્જેક્ટ ક્રશ થઇ જાય. આઇન્સ્ટાઇનના પ્રમાણે વોર્મહોલ ખુબ જ ક્ષણીક હતો એટલે એમાંથી પસાર થવુ અશક્ય હતુ. પરંતુ કોઇ રીતે જો વોર્મહોલને ખુલ્લો રાખી શકાય તો લાંબુ અંતર ખુબ ટુંકુ થઇ જાય.

વોર્મહોલ હજુ બનાવી તો નથી શકાયો અથવા ક્યાંય જોવા તો નથી મળ્યો પણ જો વોર્મહોલની થિઅરી સાચી પડે તો ઘણી શક્યતાઓ છે. માત્ર દૂર સુધી ટ્રાવેલ કરવુ જ નહિં. તમે ટાઇમ ટ્રાવેલ પણ કરી શકો. એની પાછળ ટાઇમ ડાયલેશન ઇફ્ફેક્ટ પણ કામ કરે છે. (આપણે આગળની થિઅરીમાં જોયુ. જ્યાં વધારે ગ્રેવીટેશનલ પુલ ત્યાં બીજી જગ્યા કરતા સમય ધીમો જ્યાં ગ્રેવીટી ઓછી હોય.)

પરંતુ ભૂતકાળમાં ટાઇમ ટ્રાવેલ એ કેટલાક વિરોધાભાસ ઉભા કરે છે. ધારો કે તમે ભૂતકાળમાં પહોંચી ગયા અને તમે તમારા દાદાનું ખૂન કરી નાખ્યુ, એટલે તમારા પપ્પાનો જન્મ થશે જ નહિં અને તમારા પપ્પાનો જન્મ નહિં થાય એટલે તમારૂ અસ્તિત્વ પણ નહિ રહે એટલે તમે ભૂતકાળમાં ટ્રાવેલ કરી જ નહિં શકો. આવા વિરોધાભાસને કારણે જ ભૂતકાળમાં ટાઇમ ટ્રાવેલ અશક્ય માનવામાં આવે છે.

તો જો વિજ્ઞાનીઓ ભવિષ્યમાં વોર્મહોલ બનાવી શકશે અને એને ટ્રાવેલીંગ ટાઇમ સુધી ટકાવી શકશે તો બ્રહ્માંડના એક ખુણેથી બીજા ખુણે જવુ સપના નહિં રહે. બાય દ વે હાલમાં નાસા અને બીજા વિજ્ઞાનીઓએ વોર્પ ડ્રાઇવનો વિચાર આપ્યો છે. એટલે સ્પેસક્રાફ્ટ લાઇટની સ્પીડથી ટ્રાવેલ કરી શકે એવા યંત્રો અત્યારની ટેકનોલોજીથી બની રહ્યા છે. તો આગળ ઇન્ટરસ્ટેલર ટ્રાવેલની ઘણી શક્યતાઓ છે. પૃથ્વીની બહાર પણ એક સુંદર વિશ્વ રહ્યુ છે. પરંતુ માણસનો સ્વભાવ એ સર્વાઇવ કરવુ છે. પૃથ્વી પર એક સમય એવો આવશે જ કે આ પૃથ્વી માતાને છોડીને નવુ ઘર શોધવુ પડશે. અને આપણે શોધી પણ લઇશું. કારણ કે સર્વાઇવલ એ કોઇ પણ જીવ સ્વભાવ છે.


૭.

India’s ‘Ratan’: A Legacy

કંદર્પ પટેલ

“સ્લમડોગ મિલિયોનેર એ ઓસ્કાર વિજેતા ફિલ્મ છે. કેટલાયે લોકો એવું માને છે કે ભારતનું ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું છે. શું તમે સહમત છો?”

“તે ફિલ્મ ભારતની સચ્ચાઈની આધાશીશી છે. તે ભારતનું પ્રતિબિંબ છે. આપણે દરેક રિયાલીટીને સ્વીકાર ન કરીને તેનાથી શરમ અનુભવવાનું કારણ શુંછે? જો અંદરથી કોઈક અવાજ આપતું હોય તો તે સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહિ કે તેનાથી દુર ભાગવાનો અને આક્ષેપો મુકવાનો. શુંઆપણે કરીએ છીએ? નહિ. એ ખરેખર છે જેના બદલવાની જરૂર છે.” – રતન ટાટા

પેઢીઓથી ચાલતા આવતા તપને ન્યાય આપીને એ જ તાપમાં ઉકળીને, ઠોકર સામે બાથ ભીડીને, પ્રતિકૂળતા સાથે પ્રેમ કરીને, સાહસની અંતિમ પરાકાષ્ઠા સુધીનુંકાળજું ધરાવતી વ્યક્તિ એટલે રતન ટાટા. આ ‘રત્ન’ ભારતનું ઘરેણું છે, બિઝનેસનું હબ છે, ઔદ્યોગિક ક્રાંતિની જલતી મશાલ છે. આ ‘સીધો ને સટ’ જવાબ આરત્નસ્વરૂપ વ્યક્તિ રતન ટાટાનું છે.

‘રત્ન’ જન્મ :

‘ટાટા સન્સ’ ના ચેરમેન અને જાણીતા ભારતીય બિઝનેસ ટાયકૂન રતન નવલ ટાટાનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ થયો હતો. જન્મ જ વૈભવસંપન્ન પરિવારમાંથયો હતો. મુંબઈની કેમ્પિયન સ્કુલમાં માધ્યમિક શિક્ષણ અને કેથેડ્રલ & જ્હોન કેનન સ્કૂલમાંથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું. બેચલર ઓફ સ્ટ્રકચરલએન્જીનિયરીંગની મદદ પદવી કોર્નેલ યુનિવર્સિટીમાંથી ઈ.સ.૧૯૬૨માં મેળવી. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટ પ્રોગ્રામની સ્નાતકની પદવી મેળવી. બસ,આટલો જ ટૂંકો અને ટચ ઇન્ટ્રો. મહત્વનું છે એમની ‘બિઝ’સોફી. લેટ્સ ઓપન ધ ડોર ઓફ ‘ટાટા’- ધ લેજન્ડ.

‘રત્ન’-મોતી :

રતન ટાટાના કેટલાક સુવર્ણ સમાન વિચારો એ તેમની જીભ અને કાર્યદક્ષતા પર રમે છે. જે ખરેખર વ્યક્તિને નિરાશાની ગર્તામાંથી ઊંચકીને ઉત્સાહનો પ્રેરણા સુરફૂંકવા સક્ષમ છે.

 હિંમત : તમે મારા કપાળ પર બંદૂક મુકશો અને ટ્રિગર ખેંચશો અથવા તો બંદૂક પછી લઇ લેશો..! હું એવો માણસ છું કે, કોઈ પણ પરિસ્થિતિમાં હું મારું માથુંફેરવીશ નહિ.

 સફળ વ્યક્તિ : હું દરેક સફળ વ્યક્તિને આવકારું છું. પરંતુ જો સફળતા, નિષ્ઠુર બનીને મેળવી હોય અને સમાજનો ભોગ લઈને મળી હોય તેમને જોઇને હુંખુશ થઈશ પરંતુ સન્માન ક્યારેય નહિ આપું.

 લીડરશીપ : નંબર ૧ પ્લેયર બનવું સહેલું છે, પરંતુ તે નંબર પર ટકી રહેવું અત્યંત મુશ્કેલ છે. હંમેશા તે નંબરને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અને પ્રતિકૂળતાસામે લડવું પડે છે.

 ઉચ્ચ ધ્યેય, ઉચ્ચ વિચાર : ભારતને તેના સ્થાન પરથી ઉપર સુધી લઇ જવા માટે અને વિકસિત દેશોની હરોળમાં મુકવા માટે ઉચ્ચતમ ધ્યેય નિર્ધારિત કરીનેતેને વળગી રહેવું પડે છે. તેના કેન્દ્રમાં દેશ હોવો જોઈએ.

 રિસ્ક : સાહસ કરવું એ બિઝનેસની પ્રાથમિક જરૂરિયાત છે. જે તેનાથી દૂર ભાગતા રહીશું અને હિંમતથી સાહસ ખેડીશું નહિ તો સફળતા દૂર-દૂર સુધી દેખાશેનહિ. જેટલું વધુ રિસ્ક, તેટલી મોટી સફળતા.

 શોધ : કોઈપણ શોધના અવરોધ માત્ર મન સુધી જ સીમિત હોય છે.

 ગ્રાહક : તે રીતે તમારી પ્રોડક્ટ અને તમારો સંબંધ જેટલો ગ્રાહક પર હશે તેટલો જ રિસ્પોન્સ તમને ગ્રાહક આપશે.

 પ્રશ્નોત્તરી : હંમેશા પ્રશ્નો ન કરે તેના પર અને જે પ્રશ્નો પૂછવાનો મોકો ન આપે, એ બંનેને સજા મળવી જોઈએ. દરેક વાત-વિચારને તરત જ સ્વીકાર્ય નહિબનાવો. સ્વતંત્ર મન વડે વિચારો, મંથન કરો. આ દરેક સિનીયર મેનેજરને બોધ-પાઠ છે, જયારે તેઓ યંગ મેનેજરને કહે છે, “લૂક યંગ મેન, ડોન્ટ ક્વેશ્ચન મી...!”

 સફળતા : હું ક્યારેય પોતાને સૌથી વધુ સફળ કે નિષ્ફળ નથી માનતો. હું પોતાને માધ્યમ સફળ માનું છું કારણ કે, સમય હંમેશા બદલાયા કરે છે.

 બદલાવ : સમય સાથેનો બદલાવ ઝડપી, જરૂરી અને ઈફેક્ટીવ બન્યો છે. દરેક વ્યક્તિ બદલાવથી દરવી હોય છે. પરંતુ, તેમાંથી શીખવાનું છે, બદલવાનું છેઅને દુનિયા સાથે અપડેટ રહેવાનું છે.

બિઝનેસ ‘રત્ન’ :

૧૯૯૧માં રતન ટાટા ‘ટાટા ગ્રુપ’ના ચેરમેન પદે નિયુક્ત થયા. ત્યાર પછી તેઓ ‘ઇન્ડસ્ટ્રીયલ બ્લંડર’ લઇ આવ્યા. ભારતના લોકો એ કંપનીઓમાં કામ કરીને પોતાનીરોજી-રોતી કમાતા થયા. એ દરેક કંપનીઓને ઉંચાઈઓ સુધી લઇ જવામાં તેમનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. ૧૯૯૧-૨૦૧૨ સુધી તેઓ ચેરમેન પદ પર રહ્યા.સ્વદેશી કંપનીઓને મજબુત કરવાની સાથે-સાથે વિદેશી કંપનીઓને ટેક ઓવર કરવાનું શરુ કર્યું અને ખરીદી લીધી. એ ઘટનાક્રમ કાળક્રમે આવો કંઇક રહ્યો.

 ૧૯૯૮ : ‘ટાટા ઇન્ડિકા’ – ફર્સ્ટ પેસેન્જર કાર આ વર્ષે લોન્ચ થઇ. માત્ર બે જ વર્ષમાં આ કાર ઇન્ડિયાની નંબર ૧ કાર બની.

 ૨૦૦૦ : ‘ટાટા ટી’


૮.

વેકેશન

પરીક્ષા પતી; વેકેશનની માણી લ્યો મજા

વહેલા શરૂ થતા ટ્યુશનોથી મળે સજા.

વેકેશનમાં શું કામ કરો છો ઘરમાં વાસ ?

રજાઓમાં આનંદ માણવા ઉપડો પ્રવાસ

વેકેશનમાં કોમ્પ્યુટર અંગ્રેજી જ શિખાય ?

અન્ય ક્ષેત્રોના જ્ઞાન વિષે કેમ ન જણાય ?

વેકેશન ક્યારે પડે તેની રાહ જોવાય

વેકેશન જલ્દી પતે તેવું કદી ન ઇચ્છાય

શાળા કોલેજમાં છો તો જ મળશે વેકેશન

નોકરી પછી ન મળે રજાઓના ઓકેઝન

જિજ્ઞેશ વાઘેલા (મો. ૯૦૩૩૫૮૦૧૩૨)

૯.

‘નથી પસદ થોડુ વધારે...’

નથી પસદ થોડુ વધારે...

નથી પસદ કોઇ ની દરેક વાત મા મને એક સમજાવત ...

નથી પસદ એક ને એક વાત સભળાવવાની

એવી કોઇ આદત ..નથી પસદ કોઇ નો મારા પ્રત્યે નો થોડો ઇર્શાળુ વ્યવ્હાર

નથી પસદ કોઇ ના હાથો નો એ વધારે પડતો બન્ધન ભર્યો સ્પર્શ ..

નથી પસદ કોઇ ના સાર્રથક્તા વગર ના વધારે પડતા શબ્દો .. પસદછે મને થોડુ

એક્દમ થોડુ ...

થોડો સ્નેહ્ભર્યો વર્તાવ ..

થોડો પ્રેમાળ સ્વભાવ

થોડી મને સમજવાની કોશિશ ..

અને ના કહ્યા વગર પણ સમજી શકુ !

એવી મને ચાહવાની તારી એ અદભુત આદત ...

- બિનીતા સી કંથારિયા


અમને સંપર્ક કરો

જો તમે પણ ગેસ્ટ કોલમમાં લખવા માંગતા હો અથવા મેગેઝિન વિશેની વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. જો તમને અમારા મેગેઝિનનો કન્ટેન્ટ ગમ્યો હોય તો રેવ્યુ અને રેટીંગ આપવાનું ભૂલતા નહિ. પ્લીઝ શેર એન્ડ સ્પ્રેડ વર્ડ.

Facebook Pages

Fb.com/YouthWorldOnline

Fb.com/GujjuWorld.net

Website

Email Address