Featured Books
શ્રેણી
શેયર કરો

DMH-16 બળાત્કાર-હત્યાનો ભોગ બનેલી યુવતી પાછી ફરી

ડરના મના હૈ

Darna Mana Hai-16 બળાત્કાર-હત્યાનો ભોગ બનેલી યુવતી પાછી ફરી અને…

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

ડિ’સોઝા ચાલીની રોનકઃ

મહાનગર મુંબઈના પરાં માહિમમાં કેનોસા પ્રાઈમરી નામના સ્થળ નજીક આવેલી ડિ’સોઝા ચાલીની આ વાત છે. વર્ષ હતું ૧૯૬૦નું. નામ પ્રમાણે જ અહીં ખ્રિસ્તી ધર્મના લોકોની વસતિ વધુ હતી. જોકે, અહીં હિન્દુ લોકો પણ રહેતા હતા. ૦.૮૨ એકરમાં ફેલાયેલી ડિ’સોઝા ચાલીમાં કુલ ૧૦૮ ખોલી હતી. મુંબઈમાં આમ તો એ જમાનામાં પણ અગણિત ચાલો હતી, પરંતુ છેક અંગ્રેજોના જમાનામાં બનેલી ડિ’સોઝા ચાલી તેના બ્રિટિશ સ્ટાઇલના સુંદર બાંધકામ માટે અને સુવ્યવસ્થા માટે જાણીતી હતી. ૧૮૯૦ની આસ-પાસ બંધાયેલી આ ચાલીમાં મંદિર અને બગીચા જેવી સગવડો પણ હતી. મુંબઈની ગીચ અને ગંદી-ગોબરી ચાલીઓની મુલાકાત લેવાનો મોકો મળ્યો હોય એવા લોકો જ સમજી શકે કે, આ એવી સગવડો હતી જેની કલ્પના પણ મોટાભાગની ચાલીઓમાં કરી ન શકાય. જોની ડિ’સોઝા નામના અંગ્રેજ કમાન્ડરની યાદમાં બનાવવામાં આવેલી આ ચાલીમાં એક કૂવો હતો જેનું પાણી ચાલીના લોકો રસોઈમાં અને નહાવા-ધોવામાં વાપરતા. કૂવાની ફરતે કોઈ રક્ષણાત્મક દીવાલ નહોતી.

રક્તરંજિત થયેલો એ કૂવોઃ

એક સવારે ચાલીની મહિલાઓ કૂવા પર પાણી ભરવા ગઈ ત્યારે તેમની નજર કૂવાની અંદર પડતા જ તેઓ ડરની મારી ચિત્કારી ઊઠી. કૂવામાં એક પુરુષની લાશ તરી રહી હતી!

પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ લાશને બહાર કઢાવી ત્યારે જાણ થઈ કે એ લાશ ચાલીની નજીકના વિસ્તારમાં જ રહેતા વસંત સાઠેની હતી. વસંત સાઠે ગુંડો હતો. એના જેવા અનેક માથાભારે તત્વો માહિમ વિસ્તારમાં લોકોની હેરાનગતિ કરતા રહેતા. વસંત સાથેના મુખ્ય ત્રણ સાગરિત હતાઃ સહદેવ આપ્ટે, વિજયરાજ રાણે અને કુશાભાઉ. વેપારીઓ પાસેથી જબરદસ્તી હપ્તા ઉઘરાવવું, ગાલી-ગલોચ અને મારપીટ કરવું, આવતી જતી છોકરીઓની છેડતી કરવું એ આ ગુંડા ગેંગનું રોજનું કામ હતું. ડિ’સોઝા ચાલીના રહેવાસીઓ વસંત સાઠે અને એના સાગરિતોની દાદાગિરીથી ત્રસ્ત હતા, પણ તેઓ માથાભારે હોવાથી કોઈ એ લોકોની વિરુદ્ધ અવાજ ઉઠાવતું નહોતું.

વસંત સાઠેની લાશ મળતા એક અસામાજિક તત્વ ઓછું થયું, એ વિચારે ડિ’સોઝા ચાલીના રહિશો ખુશ થવા જોઈએ, પણ એને બદલે ડિ’સોઝા ચાલીમાં દહેશત છવાઈ ગઈ. કારણ? કારણ બહુ ગંભીર હતું. એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં એ કૂવામાંથી મળેલી એ બીજી લાશ હતી. સાત દિવસ અગાઉ રેણુકા પેઠે નામની યુવતીની લાશ એ જ કૂવામાંથી મળી આવી હતી. વસંત સાઠેની લાશ મળી ત્યારે તેના મોઢામાં સાવરણીનો ટુકડો ઠૂંસેલો મળી આવ્યો હતો. રેણુકાની લાશના મોઢામાં પણ બિલકુલ એ જ રીતે સાવરણીનો ટુકડો ઠૂંસેલો મળી આવ્યો હતો. આ એ જ રેણુકા હતી જે પોતાના બોયફ્રેન્ડ સાથે ઘર છોડીને ભાગી ગઈ હોવાનું લોકો તેની લાશ મળેલી ત્યાં સુધી માનતા હતા.

રેણુકાનું રહસ્યઃ

સમગ્ર ઘટનાક્રમથી રૂબરૂ થવા માટે સહેજ દૂરના ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. ડિ’સોઝા ચાલીની એક ખોલીમાં વસતા એક ગરીબ દંપતિનું એકનું એક સંતાન હતી રેણુકા પેઠે. બધી રીતે ડાહી અને વ્યવહારુ દીકરી હતી એ. માતા-પિતા અશક્ત અને વૃદ્ધ હોવાથી પરિવારના ભરણપોષણની જવાબદારી તેના પર જ હતી. પરેલની એક કાપડ મીલમાં નોકરી કરીને તે ગમે એમ કરીને પરિવારનું ગાડું ગબડાવ્યે જતી હતી. પોતાના લગ્ન થઈ જશે તો માતા-પિતાનું શું થશે એ વિચારે તે પોતાના લગ્ન પાછળ ઠેલ્યા કરતી. કોઈ તેના લગ્નની વાત છેડતું ત્યારે રેણુકા મજાકમાં કહેતી, ‘હું તો મારા બોયફ્રેન્ડ સાથે ભાગીને જ લગ્ન કરવાની છું.’

રેણુકાને નોકરી પરથી ઘરે આવતાં ક્યારેક મોડું થઈ જતું, પણ અશક્ત માતાએ દાદર ઊતરીને કૂવા પર જઈ પાણી ન ભરવું પડે એ માટે તે રાતે ગમે તેટલું મોડું થાય તો પણ ઘરનું પાણી પોતે જ ભરતી. માતાને પાણી ભરવાનો શ્રમ કરવાની સખત મનાઈ તેણે ફરમાવી હતી. આવી આ સમજુ અને મહેનતુ રેણુકાના નસીબમાં કંઈક એવું ભયાનક બનવાનું હતું જેની તેણે કદી સ્વપ્નેય કલ્પના નહોતી કરી.

એ ભયાનક રાતઃ

એક દિવસ રેણુકાને નોકરી પરથી આવતાં ખાસ્સું મોડું થઈ ગયું. તે ઘરે આવી ત્યાં સુધીમાં તેના માતા-પિતા ઊંઘી ગયા હતા. આખી ડિ’સોઝા ચાલી પણ પોઢી ગઈ હતી. સવારે પાણી ભરવામાં ઘણો સમય વેડફાય એમ હોવાથી રેણુકાએ મધરાત થઈ ગઈ હોવા છતાં ત્યારે જ પાણી ભરી લેવાનું નક્કી કર્યું. તે કૂવામાંથી પાણી ખેંચી રહી હતી ત્યારે તેના બદનસીબે ચાલીમાં રખડતા ચાર ગુંડાઓની નજરે તે ચઢી ગઈ. એ વસંત સાઠેની ગુંડા ગેંગ હતી. અડધી રાતે એકલીઅટૂલી યુવતીને જોઈને ચારેયના મનમાં હવસનો કીડો સળવળ્યો. તેમણે રેણુકાનો રસ્તો રોક્યો. ગુંડાઓના ઈરાદા પારખી જવામાં રેણુકાને વાર ન લાગી પણ તે મદદ માટે પોકાર કરે એ પહેલાં તેના મોંમાં સાવરણીનો એક મોટ્ટો ટૂકડો ખોસી દેવામાં આવ્યો.

ચારેય રેણુકાને ધસડીને ચાલીના અંધારિયા ખૂણામાં લઈ ગયા અને પછી તેમણે તેના પર વારાફરતી બળાત્કાર કર્યો. મોંમાં સાવરણીનો ટુકડો ખોસાયેલો હોવાથી રેણુકા સહેજ પણ બૂમાબૂમ ન કરી શકી. તે બસ તરફડતી રહી. પોતાની લાજ બચાવવા માટે હવાતિયાં મારતી રહી. પોતાને છોડી દેવા તે આંખોથી આજીજી કરતી રહી, પણ પેલા નરાધમોને તેના પર દયા ન આવી. વાસનામાં અંધ બનીને એમણે રેણુકાને ક્રૂરતાપૂર્વક પીંખી નાંખી.

બળાત્કાર ગુજાર્યા બાદ ચારેયને ભાન થયું કે રેણુકા જો પોલીસમાં ફરિયાદ કરશે તો સામૂહિક બળાત્કારના ગુનામાં તેમણે કમસેકમ આજીવન કેદ ભોગવવાની આવશે. એટલે સજાથી બચવા માટે તેમણે રેણુકાનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું. બળાત્કારના આઘાત અને પીડાની લીધે બેભાન થઈ ગયેલી રેણુકાને ઊઠાવીને તેમણે પેલા કૂવામાં નાંખી દીધી અને પછી તેઓ ત્યાંથી સરકી ગયા. બેહોશાવસ્થામાં જ રેણુકાનો ક્ષત-વિક્ષત દેહ અંધારિયા કૂવાના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.

મળસ્કે રેણુકાની માતા જાગી ત્યારે ઘરમાં દીકરી ન દેખાતા તે રઘવાઈ થઈ ગઈ. વહેલી સવારમાં જ ચાલીમાં હો-હા મચી ગઈ. રેણુકાને શોધવા માટે તેની ચાલીના માણસોએ આસપાસનો વિસ્તાર ધમરોળી નાખ્યો, પણ તે ન મળી ત્યારે લોકોમાં ગણગણાટ થવા માંડ્યો કે નક્કી તે કોઈ પુરુષ સાથે ઘર છોડીને ભાગી ગઈ હોવી જોઈએ. આમ પણ રેણુકા મજાકમાં પોતાના બોયફ્રેન્ડ સાથે ઘર છોડીને ભાગી જવાની વાત કરતી હતી એટલે પડોશીઓએ એ ધારણાને હકીકત માની લીધી. ડિ’સોઝા ચાલીના અમુક લોકોને રેણુકાનું પગલું નિર્લજ્જ લાગ્યું તો અમુક લોકો તેના જેવી શાંત અને સરળ યુવતી આવું કદમ ઊઠાવે એ માની જ નહોતા શકતા. જોકે, રેણુકાના ગુમ થવા પાછળનું રહસ્ય ઝાઝો સમય ગોપિત નહોતું રહેવાનું. રેણુકાના માતા-પિતાએ પણ રેણુકાના ભાગી જવાની કડવી હકીકત કમને સ્વીકારી લીધી.

રેણુકા ગુમ થયાના અડતાલીસ કલાક બાદ તેનો મૃતદેહ કૂવાના પાણીની સપાટી પર આવી ગયો ત્યારે ડિ’સોઝા ચાલીમાં સન્નાટો છવાઈ ગયો. લોકો આઘાતમાં સરી પડ્યા. રેણુકાના માતા-પિતાના કલ્પાંતનો તો પાર નહોતો. રેણુકાનું શરીર ફૂલી ગયેલું હતું, ચામડી સફેદ પડી ગઈ હતી અને તેના મોંમાં સાવરણીનો મોટો ટુકડો ઠૂંસાયેલો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સાબિત થયું કે, રેણુકા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

દહેશતગ્રસ્ત થયેલી ડિ’સોઝા ચાલીઃ

રેણુકાની લાશની જે સ્થિતિ હતી બરાબર એવી જ હાલતમાં એક અઠવાડિયા બાદ વસંત સાઠેની લાશ મળી આવી એટલે ડિ’સોઝા ચાલીમાં જાતજાતની વાતો થવા લાગી. મોટાભાગના લોકો માનતા હતા કે રેણુકા પોતાના મોતનો બદલો લેવા પ્રેતરૂપે પાછી ફરી હતી અને તેના ભૂતે જ વસંત સાઠેની હત્યા કરી હતી. જોકે પોલીસ આવી બાબત પર વિશ્વાસ કરી શકે એમ નહોતું. વસંત સાથેના મોંમાં સાવરણીનો ટુકડો ઠૂંસાયેલો ન હોત તો પોલીસે એમ જ માની લીધું હોત કે વસંત સાઠે દારૂના નશામાં કૂવામાં પડી ગયો હશે.

રેણુકાના રિવેન્જભૂખ્યા ભૂતની થિયરી ખારીજ કરીને પોલીસે બંને હત્યાઓની તપાસ કરવા માંડી. તેમનું માનવું હતું કે, આ કોઈ સિરિયલ કિલરનું કામ હોઈ શકે.

એક જ પેટર્નમાં થયેલી સિલસિલાબંધ હત્યાઓઃ

પોલીસ ભલે રેણુકાના ભૂતની શક્યતા નકારીને બેઠી હતી પણ રેણુકાના બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા વસંત સાઠેના ત્રણ સાથીઓ સમજી ગયા હતા કે વસંતનું ખૂન રેણુકાના આત્માએ જ કર્યું હતું. ત્રણેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ. તેઓ સતત દહેશતમાં જીવવા લાગ્યા. પણ તેમની માનસિક યાતના લાંબી ન ચાલી કેમ કે, આગામી બે જ અઠવાડિયામાં એ ત્રણે ગુંડા માર્યા જવાના હતા.

ગણતરીના દિવસોમાં સહદેવ આપ્ટે અને વિજયરાજ રાણેની લાશ વારાફરતી ડિ’સોઝા ચાલીના કૂવામાંથી મળી આવી. બંનેના મોંમાં સાવરણીના ટુકડા ઠૂંસાયેલા હતા. હવે તો ડિ’સોઝા ચાલીના લોકોને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે, રેણુકા જ તેના હત્યારાઓને એક પછી એક કરીને મોતને ઘાટ ઊતારી રહી હતી. ભૂત-પ્રેતના અસ્તિત્વમાં ન માનનારી પોલીસ પણ હવે સ્તબ્ધ હતી. હત્યાઓ અટકાવવા શું પગલાં લેવા એ એમને સમજાતું નહોતું.

રેણુકાની હત્યારી ચાંડાળ ચોકડી પૈકીનો ચોથો ખૂણો હતો કુશાભાઉ. તે હજુ જીવતો હતો અને લોકો જે પ્રકારની વાતો કરતા હતા એ પ્રમાણે જો એ ચારેએ જ ભેગા મળીને રેણુકાની હત્યા કરી હોય તો હવે મરવાનો વારો કુશાભાઉનો હતો. તેની પૂછપરછ કરી, સાચી માહિતી કઢાવી, તેને કસ્ટડીમાં ધકેલી તેનો જીવ બચાવી શકાય એમ હતું, એટલે પોલીસ કુશાભાઉને ઘરે પહોંચી, પણ એ ઘરે હાજર નહોતો. પોલીસે એના ઘરે જાપ્તો રાખ્યો પણ એ રાતે પણ એના ઘરે પાછો ન ફર્યો.

બીજા દિવસની સવાર ડિ’સોઝા ચાલીમાં મોતનો પેગામ લઈને ઊગી. કુશાભાઉની લાશ મળી. એ જ કૂવો અને એવો જ મોંમાં ઠૂંસાયેલો સાવરણીનો ટુકડો!

ડિ’સોઝા ચાલીમાં દેખાતું રેણુકાનું પ્રેતઃ

પોતાના હત્યારાઓને યમસદન પહોંચાડ્યા બાદ રેણુકાનું ભૂત ડિ’સોઝા ચાલી છોડીને જતું રહેશે એવી ધારણા કરવામાં આવી, પણ એમ ન થયું. તે ન ગઈ. તેનો આત્મા ચાલીમાં જ ભટકતો રહ્યો. તે જ્યાં મરી હતી એ કૂવા પાસે જ તેના પ્રેતને ભટકતા ચાલીના અનેક લોકોએ મધરાત પછી જોયું હતું. તેનું પ્રેત કોઈને હેરાન કરતું નહોતું. તે બસ એ કૂવાની આસપાસ ભટકતું રહેતું. જોકે, આ હકીકત પણ ખૂબ ડરામણી કહેવાય. આપણા ઘરની આસપાસ જ કોઈ ભૂત દેખાતું હોય તો? રેણુકાનું પ્રેત સતત દેખા દેતા ચાલીના અનેક લોકો મકાન ખાલી કરીને અન્યત્ર સ્થળાંતર કરી ગયા.

રેણુકાના આત્માને શાતા વળે અને એ દેખાતો બંધ થાય એ માટે ડિ’સોઝા ચાલીના રહેવાસીઓએ ધાર્મિક વિધિઓ કરાવી જોઈ. હિન્દુ ઉપરાંત ખ્રિસ્તી વિધિઓ કરાવવાનું પણ કારગત ના નીવડ્યું. જાણે કે રેણુકા એ સ્થળ છોડીને જવા માગતી જ નહોતી.

જોકે અમુક વર્ષો બાદ આપોઆપ જ રેણુકાનું પ્રેત દેખાતું બંધ થઈ ગયું હતું. રેણુકા હત્યાકાંડના સાક્ષી બનેલા ડિ’સોઝા ચાલીના રહેવાસીઓ આજે પણ ‘માનો યા ના માનો’ પ્રકારના એ ઘટનાક્રમને યાદ કરતા રહે છે.