Prem - Shayari - Kavita books and stories free download online pdf in Gujarati

પ્રેમ - શાયરી – કવિતા

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : પ્રેમ - શાયરી – કવિતા

શબ્દો : 2058

સજેસ્ટેડ શ્રેણી : કવિતા

પ્રેમ - શાયરી – કવિતા

કવિતા

1.

તારા નાજુક ગાલ પર તારી લટોનું ફરફરવું....
ને મારાં હૈયાનું તારી તરફ લપસવું....

પ્રેમ એ વળી કઈ બલા છે મનનું મનમાં લળવું....
મળી જાયે તો જગ જીત્યા લાખેરું કંઈ રળવું....

નિત્યક્રમ બની જ ગયો છે સતત તારી તરફનું ઢળવું..
તારી નજર પડે ને થાયે રહેમ જો થાય મારું તને ગમવું..

2.

ચાલ્યા કરે ચરણ બસ એક જ દિશામાં તને એક નજર જોયા પછી
મનનું મીઠું ઝરણ લાગે અન્ય સર્વ ફિક્કું તને એક નજર જોયા પછી

અરીસે છું ઊભો ને શોધે ખુદને નયન તને એક નજર જોયા પછી
સઘળી દિશાઓ જાયે દોડીને એક જ તરફ તને એક નજર જોયા પછી

સારુ થયું હોત જરૂર જો ન મળ્યા હોત આપણાં નયન કદી
બંધ હો કે ખુલ્લા ભલે શોધે તને નયન તને એક નજર જોયા પછી

3.

બંધ પાંપણે ખુલ્લાં સ્વપ્નાઓ ગગન ઉપર વિશાળ છે..
હૃદય અવસર લાગણી અપાર ભાવનાઓ અંતરાળ છે...

તને ચાહવાની સતત ચાહનું મારી અનુકંપાનું આળ છે....
કેમ સમજાવું ચાહતનાં માર્ગે પ્રીતિની સંગે લાગણીઓની નાળ છે...

હેત પામવા ચાલ્યો મનવા ફૂલોની ભરમાર છે
સુંગધનો ખેલ ઘડી બે ઘડી રસ્તો નર્યો કાંટાળ છે

4.

જાન જોડવાના સોનેરી સોણલાં જોયાં છે જ્યારથી
જમાડવા આતુર ભાતભાતના ભાણાં લઈને ફરું છું

આવનારો સમય તુજ સંગ પ્રેમથી વીતશે એમ માની
તને ભરપૂર દઉં પ્રેમનાં હું ટાણાં લઈને ફરુ છું

5.

ચોરે ને ચૌટે ચાલે તારી મારી વાત,
કારણ શમણાં તો અશ્રુની જાત.

ન કહેશો કોઈ એને પ્રેમ તણો કલ્પાંત,
કારણ રૂદનની છે જુદી જ ભાત.

પ્રેમ વિરહમાં રઝળે હૃદયની નાત,
હૃદયને સૂતર તાંતણે તું કાંત.

6.

દફન કરો જો લાલસા વૈરાગ ઊગી નીકળે
ભલી કરો કામના કે ભૈરવ રાગ સ્વરે નીકળે

અતીચ્છા છે વરવું રૂપ ઈચ્છાઓનાં વિકારનું
કરો ઈશ્વર તણી મહેચ્છા દ્વેષ કે રાગ સમૂળ નીકળે

રાચવું એક જ અભીપ્સાએ ન અવમૂલ્યન થાયે કદી
અલ્પ પ્રમાણ હોય છતાં મનનો જરારોગ નીકળે

7.

ક્ષણ તો શું આખુ જીવન તને મોહતાજ હું રાજી જ છું
નાનકડી ભલે હો પણ હો શરૂઆત હું રાજી જ છું...

આંસુઓની કિંમત આંકવી છે મુશ્કેલ ન વહાવ અમસ્તા
તારા દર્દનો સઘળો ભાર લઈ લઉં મુજ મસ્તક હું રાજી જ છું

હું નથી કહેતો કે બસ ખુશ્બો જ પથરાવી જોઈએ મુજ જીવનમાં
તારું આપેલ પણ જો સૂકું હો ગુલાબનું ફૂલ હું રાજી જ છું

8.

સરનામુ ભૂલ્યાનો મારો વ્હેમ આજ હેતનાં દ્વારે ઝૂલે
તું સ્મિત કરી ભૂલ્યો ભટક્યો પ્રેમે મને કે'ને પછી કૈં નવું તું બોલે

લાગણીની આ રમત છે ભારે હેતાળ હૈયે પ્રેમ ભર્યો હાથ મારો ઝાલે
પૂર્ણ અનુરાગ અપાર હેત લાગણી વને તું રોમરોમે ડોલે...

ને તોય સૌંદર્યા આટલું થાયે છતાં કેમ નવ તું કાંઈ બોલે...
મારો નેડો તુજ સંગ ને એટલે કરુ સાક્ષી ઓલો ભોળો ભમભમ ભોલે...

9.

પ્રેમ છે અવિચલ અને તોય જો ૠણાનુબંધનો ક્રમ
કર્યુ છે જે તેં સતત મારી સાથે એ વળી છળ જેવું શું છે ?

જીવન જ્યારે જીવાઈ જાય ત્યારે જ છે સમજાતું..
રોજબરોજ જે જાતે જ પીધું એ વળી હળાહળ જેવું શું છે ?

10.

આતુર નયન વ્યાકુળ મન હૃદયે પ્રતિક્ષા એક આગમનની...
વિલક્ષણ એવી એક ક્ષણ માંહ્યલાના તુજ ગમનની...

ઊઘડ્યાં પર્ણો અનેક ખુશ્બો હૃદય બાગમાં તુજ પ્રેમ કુસુમની
મારું ચાહવું બને મનમૂંઝવણ અને વાત માત્ર કવનની ???

11.

અઘરૂ લાગે જો જીવન તો જીવવા પ્રયત્ન કર...
વિપરીત એવી કોઈ ક્ષણોમાં મરજીવો તું બન....

અવળા સવળી ની રમતમાં જીતનો યત્ન કર...
ઊલટું થશે સઘળું સૂલટું ને હરખાશે તુજ મન....

હું પ્રશ્ન જો છું તો તું ઉત્તર મારો બન
લાગણીનો પ્રેમભર્યો પ્રત્યુત્તર તું બન

12.

ખોવાણી છે જાત તારી રાહનાં સ્વાર્થમાં....
મળે બાતમી જો સ્હેજ સરીખી ન'રે હૈયુ હાથમાં...

સૂચનાઓ બધી સામટી ઉમટે આવી સાથમાં...
જાહરાતનો દોર છે નાજુક ન લઈશ આમ બાથમાં..

13.

વન બને ઉપવન જ્યારે સ્મરણ મહીં તું ઊભરે...
રૂદન સંગ મીઠી અગન જેભ સ્મરણ મહીં તું ઊભરે

સ્વપ્નની જો વાત હો તો આંખ બંધ કરી જોયાં કરું..
નીંદર પણ અગન બને જો સ્મરણ મહીં તું ઊભરે...

14.

સુખ નામે એક સગપણનું શમણું..
ઉછર્યુ દુઃખને ઘેર...
વિરહ તારો બને રાત અંધારી...
શમણાં નામે શહેર....

15.

ભાવ તુજ મનના મારે કેમ કરીને કળવા,
ને જન્માંતરના નાળા હવે કેમ કરીને ભરવા ?

લાગણીની વાતમાં હૈયા કેમ કરીને રળવા,
સંવેદનો ઝાંઝવાનાં રણમાં કેમ કરીને ભરવા ?

16.

તેજ રફ્તાર જિંદગીની હતી શું માનશો...?
તેજ કટારી ધાર હતી જિંદગીની શું માનશો...?

તેજ તિમિરે અજવાશ જિંદગી શું માનશો...?
તેજ રોશની બારેમાસ જિંદગી શું માનશો ...?

તેજ બસ તેજ ખૂબ તેજ હતી...
તેજ જીવવાનું બળ જિંદગી એ શું માનશો ...?

17.

ખાનગી તુજ આગમન છુપું કેમ રાખવું..
ગાલે ઉઘડતું યૌવન છુપું કેમ રાખવું ?

ચાહતની આવી ઉંમર આંગણે આવી ઊભી
પ્રેમ પિપાસે હવે વળગણ ન કેમ રાખવું ?

તું આવીને એક દિવસ ઓચિંતો જો આવી ઊભે
હૃદયની વાતને વહી જતા આંસુ રોકી કેમ રાખવું.

18.

સરવાળો જ બસ સરવાળો થાય..
લાગણીઓનો રસભર માળો થાય...

તણખલાં ચાલ આજ ભેગાં કરીએ..
હૃદયને મનભાવન હેતનો માળો થાય...

19.

આંસુનાં ઉપવનની વચાળે..
શમણાંઓનો મહેલ છે એક....

કરી તપસ્યા પ્રેમ પગથારે...
ઈરાદો રાખ્યો'તો હંમેશ નેક....

વરસાદ પડ્યો મુશળધારે...
ને તોય પહોંચ્યા હૃદયે છેક...

ઊભા રહ્યાં અમે સાથ સથવારે...
પરોવ્યાં'તા નયન પછી એકમેક...

20.

લાગણી નું નિતરવું શી રીતે ચીતરવું હવે...
કાગળ જ્યાં હાથ લાગે તસ્વીર ઉભરે ત્યાં તારી....

સ્હેજ હળવેથી સ્પર્શવા જ્યાં ચહું એને અને...
આંખે અશ્રુ બનીને ટપકે ટપ યાદ બાજે આંખે છારી....

તું નથી નો અહેસાસ કેમ કરી સ્વીકારવો મારે...
સ્મરણ તું... મન રમણ તું ... ને આખ્ખો'દિ તારી મનસવારી

કે નક્કી કરી લીધું છે હવે પૂરવા નવા રંગ આ જીવનમાં..
આછા ઘેરાં રંગોની રંગપૂરણી પણ થઈ તુજને જ આભારી...

21.

બસ થયો આપણ ૠણાનુબંધ પુરો...
ને પૂરો થયો હિસાબ...

જમા મારું યાદ રાખજે..
ન હૈયે લગાડીશ કોઈ ઉધાર...

છે પ્રાર્થના બસ એટલી..
પામુ ફરી ફરી અવતાર...

બનું બસ તારો જ હું પ્યાર...
બનું બસ તારો જ હું પ્યાર...!!!

22.

પગદંડી આપણ પંથ બને એવુંય બને..
રાહ આપણ રાહબર બને એવુંય બને...

ચાલતા જતા મળશે ઘણાં ફાંટાઓ
એક કેડી આગળ જઈ રસ્તો બને એવુંય બને...

23.
ખૂટતું હોય તે આજે જમા તું ગણી લે
ગઈકાલનો હિસાબ તું આજે કરી લે

થયું છે અમી ઝરણું આજ હૃદય મારું
ઘડી બે ઘડી એમાં નિવાસ તો કરી લે ?

24.

માર્ગ ચાહે હો પથરાળો કે પછી
કોઈ બિછાવે કંટક મધ્યે... ન ડર મનવા...

એક કેડી લઈ જશે પેલે પાર તુજને..
બસ રાખ ભરોસો ઈશપર સજનવા....

25.

થડ જો બને તું મારો હું વેલ નમણી થાઉં
વીંટળાવા ના વિચારે મનમાં જ શરમાઉં

તું બને આદ્યસ્તંભ મુજ અસ્તિત્વનો
તુજ સંગ પ્રેમે ઉછરતા નિશદિન હું હરખાઉં....

26.

ગરમ આલિંગન ગુલમહોરી બપોર...
જ્વલન હૃદય ને ઘગઘગતું સ્પંદન..

ઉષ્ણ તુજ યાદ અને દાહ મુજ એકાંત
વૈશાખી બપોર ને લાગણીઓનાં વન....

27.

પ્રેમવું ને ઝૂરવું એક જ ક્રમમાં નિત્ય બળવું....
પ્રેમ ભીની કોઈ ક્ષણમાં સ્હેજ સ્હેજ સળગવું...
ગરમ શ્વાસ નો સંગ જો થાયે અંતરથી ધબકવું.....
તુજ વિરહની કારમી વેદના અંતરનું ધગધગવું...
પ્રેમ સફર હો કે પછી હો અફાટ રણ દીસે સર્વ એકસરખું...
દૂરથી જુઓ લાગે ઝગમગતું અનુભવે નીકળે ધગધગતું...

28.

હૃદયની વાતો ને ઠાલી રે માનવી
છાંયો કહી કહી ને અગન આપે...

આતમનો તાપ જરી ટાઠો કરેને
પછી આતપ ને અંતર અંગારે...

29.

દોડી દોડી ને થાક લાગે તો
કોઈનો ખભો શોધતો મેણસ...

કોઈ ઊંચી મંઝિલો આંબવા
એજ ખભા પછી તોડતો માણસ...

30.

હૈયે જેને વસ્યો હોય ખાલીપો એ વરસાદને શું જાણે ?
હૈયે ન હો જરી હામ જેને એ જીવતો જાણો બસ કાણે...

છાંટ- વાંછટ જેને સ્હેજે સ્પર્શી નથી એને જરી પૂછો
વરસાદની મૌસમ જેને આકાશે ન આવે એ મુશળધાર શું માણે ???

31.

ધોધમારની આશ મારી ન કર ભલે...
તારી નજરની એક વાંછટ તો આપ ...

હેલી ભલે તું ન ગજવે કદી ને ન વરસે..
બસ સ્હેજ પ્રેમ ભીની છાંટ તો આપ....

32.

શબ્દ શબ્દને છળે ત્યારે જ ફર્ક પડે
સંબંધ સંબધને નડે ત્યારે જ ફર્ક પડે

ન હરખ સો તને ન હો કોઈ શક
વેદના છ્યારે જડે ત્યારે જ ફર્ક પડે

હા જાણ બહાર જ્યારે તું ડગે કે પછી
લાગણીને જો છળે ત્યારે જ ફર્ક પડે

33.

તારી યાદનાં પગલાં કેમ કરીને ભૂંસવા હવે...
હૃદયે જીવવાના સારને કેમ કરીને ચૂંથવા હવે...

તું નથી નો અહેસાસ છે અસહ્ય ન વેઠાય કદી...
નસોમાં ધબકતા શ્વાસને કેમ કરીને લૂંટવા હવે....
કેવી હશે મુહોબ્બતની દુનિયા બસ પ્રશ્ન જ રહ્યો બંધ પુસ્તકે
વણ ઉકેલ્યો ને તોય ઝાકઝમાળ એવો મુત્સદ્દી તામઝામ મળ્યો...

34.

આકાંક્ષા તુજ સહવાસની જાગી ગઈ
ને બસ એક પંક્તિ એમ જ રચાઈ ગઈ...

કેમ કરીને સાચવવી એ ક્ષણોને મારે
જ્યાં ગુપ્તતા જ આજ જાહેરમાં ચર્ચાઇ ગઈ...

એક નાનું શું તૃણ છું સ્નેહ થી ઉછેરજો
વાંછના હતી ને તે તુજ નજરથી સીંચાઈ ગઈ...

35.

લઈને આવ્યો હતો કૈં કેટલાંયે અભરખાં તુજ દ્વારે અને
હા ના ની ચોખવટ ન કરી અને મીઠી મૂંઝવણ હૈયે વળગાડી ગઈ....

કે ક્યાં સુધી મારે આમ અબોલ રહી જોયાં કરવું
મૌનમાં બોલવાની અદમ્ય ઈચ્છા તું જગાડી ગઈ...

36.

અવાજ કોઈ કાને પડતા નથી હવે...
કે કહી દો અંધારાને પાછા વળી જાય...

રવ, કલરવ કે અન્ય કંઈ પડઘાતું નથી...
કહી દો લાગણીને ન ઠેબે ચડી જાય....

ધ્વનિ કહું કે કહું અવાજ મુજ આતમનો..
છે ચિંતા કે ઉરમાં ને ઉરમાં જ એ ન સડી જાય

37.

છે લાગણી ની જ બધી ભાંજગડ
છોડોને હવે નહીં મળે એની કોઈ ગડ....

આપી દીધું છે સર્વ સઘળું એક જ ઈશને..
શોધી શકે તો હવે તું જ શોધી લે કોઈ સગડ..

38.

તું બને જો પહેલો એવો વરસાદી છાંટો...
હું માટીને મ્હેંક થાઉં...
સાજન સાજન મેહૂલો આવ્યો... ખૂબ મજાનો..
એવાં ગીતડાં ગાઉં....

39.

જીવીને જાણેલું એક એવું સત્ય છે
કે સત્ય એ પ્રેમને મળેલું તથ્ય છે

તારી જ માળા સતત જપતો રહું છું
તુજ સિવાય સર્વ સઘળું બસ વર્જ્ય છે

શાયરી

સ્વપ્ન બગીચે બની તિતલી તુજમાં હું ફર્યા કરું
તુજ પ્રતિક્ષા આતુર નયને બસ તુજમાં હું મર્યા કરું

લેવડ દેવડ પૂરી જો થાય કેમ કરી આગળ વધવું...
ભવભવનું જમા સરવૈયું પ્રેમમાં કેમ કરી ઉવેખવું

શબ્દોની સરવાણી ને તોય મોન રહેવાનું છે
સમજે સૌ મનમાં ને મનમાં ન કંઈએ કહેવાનું છે

ઊભો રહું છું રોજ આવી કિનારે દરિયાનાં તુજ સહવાસ માટે...
ધસમસતી આવી મોજાં સમ આમ મને પ્રેમે પલાળ્યા ન કર...

સ્મિત ને વળી ક્યાંથી લાવવા ઉપરછલ્લાં રે ચળકાટ ?
તારા વિના ક્યાંથી હોયે જીવન મધ્યે ઝળહળાટ ??

વાગતા સૂરનો જો તાર તૂટે
હૃદય હાંફે જ્યારે શ્વાસ વછૂટે

પ્રેમની વાત મારે કેમ સમજાવવી તને ?
હું થી બસ આપણ સુધીનો પ્રવાસ છું.

નફ્ફટાઈની હદ અમે એમ કંઈ ઓળંગી
જાત વડે ખુદ પોતાની જાત જ ફલાંગી..

છે મરમની વાત આ સમજાય જો ઝીણું ઝીણું
અનુરાગની વાતમાં ભીતર કોરાય તીણું તીણું...

દરિયા સાથે નીકળે દરિયો ને તું આતમ ઉજાસ રેલાવ
સૂકું તો સૂકું ભલે મૃગજળ ભર્યું તું રણ હવે તો લાવ

પવન ને કહો ન વહે અહીંયા જગા ન રોકે
વચ્ચે ઘડી ઘડી આવીને અમારો પ્રેમ ન ટોકે...

તારો મારા જીવનમાં હોવાનો અર્થ એટલે આપણું સંયોગ-ટાણું
કેમ કરીને સમજાવવું જગત ને - લખાયેલ આ ૠણ સંબંધ - ભાણું ?

કોઈકની આંખોની નૂર છું ને ક્યારેક થાઉં પૂર છું
વાત બસ એટલી જ છે કે પ્રેમમાં ચકચૂર છું

તારુ હૃદય મેં મારુ આપી લીધું
એમ પ્રેમનું ત્રાજવું સરભર કીધું

હોય તારા હસ્તાક્ષર જો હૃદયે મારા...
અશ્રુની મજાલ છે કે નયનદ્વારે આવે ???

મઘમઘ પ્રસરતા શ્વાસ અમે સૂંઘ્યા
ને પ્રિયતમને અમે પ્રેમે એમ પૂજ્યા...

આવતા જતા તારો અનુભવ એ મારા માટે લ્હાવો
કારણ તેં જ તો કહ્યું હતું કે પ્રેમને અવસરમાં વાવો

આખરે તો ખુદનું કરેલ ખુદ જ સહીએ છીએ
અને દેખાડવાને બસ મોઘમમાં રહીએ છીએ

મારા છે તેઓ જ બસ આમ છેતરી જાયે છે
કહી પોતાનો બતાવી લાગણી વેતરી જાય છે..

ક્યાંક કોઈકને જરીક હું સાથ રાખું છું
વાત અંદરની બસ અંદર જ રાખું છું

જીવન રાહે ચાલતા ચાલતા રોજબરોજની એક જ કથા..
પ્રેમ કરો ને એના પ્રપંચે હૃદયને શું વેઠવી પડશે વ્યથા ?

જિંદગી જીવવાને કંઈ કેટલાંય વાના ઓછા પડે છે..
જીવતર નામે એક આયખું ને દિવસો ટૂંકા પડે છે..

દૂરથી જ સમાઈ જાયે તું આંખમાં....
ને આવે જ્યાં નજીક સરકે તું ગાલમાં..

હું ય તારી નજરોનાં બાણથી થયો ઘાયલ..
ખબર ક્યાં હતી કે બધું કારોબાર નર્યો હોય છે..?

સતત નવા રંગો છાંટી રંગફેલાવે આ જિંદગી..
ક્યારેક ભીંજવે તો ક્યારેક રાખે કોરાકટ્ટ આ જિંદગી.

આ તે કેવું સગપણ આપણું ને આછે કેવો નાતો...
ન મળ્યા તો નાત બહાર થાયે એવી માણસની જાતો...

જગત મારું બસ તુજ આસપાસ શ્વસે છે
તું જ મારા શ્વાસો બની મુજમાં વસે છે...

ચાલને હવે પડતી મૂક બધી માથાકૂટને...
જમા કરેલ લાગણીનાં હવે ખિસ્સા ફંફોસને...

અભરખા પહેરીને કૈંક એમ હું ચાલું છું
સાથમાં તને રાખી મધદરિયે હું મ્હાલું છું....

તોફાનોની પરવાહ હવે શી કરવી મારે..,
જ્યાં આઠે પ્રહર બસ હલેસાં જ મારું છું...

ઈચ્છાઓની વાત હવે તને મારે કેમ કરવી
અને જાત સાથેની જિદ્દને કેમ કરને વરવી...

પ્રેમમાં બસ રહ્યો એક જ વિવાદ...
ન લાવ્યા કર વચ્ચે વ્યવહારી લવાદ...

આવશે મોકો તો હદની પેલે પાર પણ જાશું...
પણ હા પ્રેમમાં તો બસ અનહદ અનહદ જાશું...

વાત બહુ છાની છે ને પાછી એમાંય રાત છે...
પ્રેમ તારો પાણીનાં વહાવ સમ ને પાણીની મને ઘાત છે...

વડીલ અને સ્નેહી માનું તે સૌને હું નમતો છું..
સાચું કહેજો તમનેય હું મનમાં તો ગમતો છું....

બે ઘડી જરા જો હો ફુરસદ તને...
સૂકી ધરાને જરી પાણી પાઈ જો..

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED