સમજણને આવી પાંખ Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજણને આવી પાંખ

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : સમજણને આવી પાંખ

શબ્દો : 1098

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

સમજણને આવી પાંખ


અરુંધતી આજે ક્યારની વિહવળ થઈને આંટા મારતી હતી, સાંજ ઢળી ચૂકી હતી અને ધીરે ધીરે કરીને રાત્રિનાં દસ વાગવા આવ્યા હતા, અત્યાર સુધી ઈવનિંગ ક્લાસીસ માંથી પાછા આવવામાં કાજલને ક્યારેય પણ મોડું ન્હોતું થયું, અને આખા વિશાળકાય મહેલમાં કોઈ એવું પણ ન્હોતું કે જેને અરુંધતી બહાર દોડાવી શકે અને કાજલની ભાળ મેળવી શકે. અને અનિકેત ? અનિકેત ને તો સમય જ ક્યાં હતો પોતાની બિઝનેસ ટ્રીપ અને મિટિંગ્સ માંથી કે ઘર તરફ નજર કરે અને અરુંધતી અને પોતાનાં બાળકોને થોડો સમય આપે... પણ અરુંધતીને અત્યારે આ બધું વિચારવાનો સમય ક્યાં હતો ? ચિંતા તો એને કાજલનાં ઘરે પાછા ન ફર્યા ની હતી. દિવસે દિવસે કાજલનું વર્તન પણ સ્વતંત્રતા માંથી સ્વચ્છંદતા તરફ જઈ રહ્યુ હતુ તેને લઈને પણ અરુંધતીનાં મનમાં અનેકો પ્રશ્ન એક પછી એક જાણે પોલીસસ્ટેશનમાં કોઈકને પ્રશ્નોત્તરી ચાલી રહી હોય એમ તેનાં જ પોતાનાં માંહ્યલા સાથે ઉદ્દભવી રહ્યા હતાં. કાજલને ઉપરા ઉપરી કેટલાં ફોન કરી જોયાં પણ એનો ફોન સતત સ્વીચ ઓફ જ આવતો હતો. એની સઘળી બહેનપણીઓ અને જે એકાદ બે ભાઈબંધોનાં નંબર અરુંધતી પાસે હતા તેને એ ફોન કરી ચુકી હતી, પરંતુ કોઈ એને સાંજે ચાર વાગ્યે ક્લાસ છૂટ્યા પછી કે કોઈ બપોરે બાર વાગ્યે કોલેજ છૂટ્યા પછી મળ્યું જ ન્હોતું. હવે અરુંધતી જાય તો પણ ક્યાં જાય અને કોની મદદ માંગે, ઘરે બેસીને રાહ જોવા સિવાય પણ એની પાસે કોઈ રસ્તો જ ક્યાં હતો. એક દિકરો છે કે જે એની સાથે ઓછો અને પોતાનાં પુસ્તકો અને કુદરત સાથે વધુ સમય વિતાવે છે, એને પોતાનાં અલગારી પણા સિવાય કોઈ બીજી તમા જ ક્યાં છે?


અરંધતી કોઈપણ રીતે પોતાનાં ઘરનાં દરેક મેમ્બર્સને દોષ આપવા સિવાય બીજું કંઈ જ કરી શકવા અસમર્થતા અનુભવતી હતી, જાણે ઈશ્વરને કહી ન રહી હોય કે હે ઈશ્વર આ શું? ભર્યું ભાદર્યું ઘર હોવા છતાંય આટ આટલા ઉધામા અને આટ આટલી ચિંતાઓ જ કેમ તેં મારાં ખોળામાં નાંખી ? શું શાંતિથી જીવી શકવાનો મને અધિકાર જ નથી ? મારાં જીવનમાં શું તેં હાંશની ઘડીનું નિર્માણ જ નથી કર્યું ? ધીમે ધીમે રાત વધતી ચાલી હતી, અને અરુંધતી ના મનમાં પણ રાત વધવાની સાથે સાથે વિચારો વધુ ને વધુ ઘેરો રંગ પકડતાં જતાં હતાં.


એટલામાં જ એક રીંગ વાગી, કંઈ કેટલીયે શંકા કુશંકા સાથે અરુંધતીએ ફોનનું રિસીવર ઊંચક્યું ત્યાંજ સામે છેડેથી અવાજ આવ્યો, મિસ કાજલ પંડ્યા નાં ઘરેથી બોલો છો ? અરુધંતી હજુ તો હા... કેમ શું થયું મારી કાજલને એમ પૂછે એ પહેલાં જ સામે છેડેથી જવાબ આવ્યો, આપની દિકરીની જો કોઈ બદનામી ન ઈચ્છતા હો તો એને કોલેજનાં મિત્રોની સંગત તપાસી લેશો, આને મારી સલાહ ગણો તો સલાહ અને કોઈ હિતેચ્છુની આગોતરી ચેતવણી સમજો તો એમ અને આટલું બોલીને ફોન ત્યાં જ કપાઈ જાય છે, અરુંધતીનો અવાજ જાણે કે એનાં ગળામાં જ સમાઈ જાય છે, એક માતાનાં હૈયાની વેદના એ કોને જઈને કહે? અને કાજલની કઈ સંગત કેવી હશે તે આમ સાવ નનામો ફોન આજે છેક ઘરનાં નંબર પર આવ્યો એની ચિંતામાં તેને કપાળે પરસેવો બાઝી આવે છે, હવે આ કાજલ એકવાર ઘરે આવેને એટલે વાત છે એની એને સૌથી પહેલાં તો શાંતિથી બેસીને આજે થયેલા મોડાં વિશે પૂછીશ અને પછી એ ક્યાંક કોઈ ગેર રસ્તે તોનથી ને તેની હળવેથી પૂછપરછ કરીને જાણવા પ્રયત્ન કરીશ એમ એ પોતાનાં જ મનને સમજાવે છે, અને આમ વિચારતા વિચારતા તેને ક્યારે ઊંઘ આવી જાય છે તેને ખ્યાલ પણ નથી આવતો.


અરુંધતી અચાનક જ બારણાંનાં લૉકનાં બહારથી ખૂલવાનાં ખટ ખટ અવાજથી જાગી જાય છે, અને ઊભી થઈને લાઈટ કરીને જોવા જાય છે ત્યાં આ શું ? કાજલ નશામાં ધૂત થઈને લથડિયાં ખાતી ખાતી બારણામાંથી અંદર આવે છે, અને હાય! મોમ, એમ કહીને એના ખભા પર જ ઢળી પડે છે, અરુધંતી હવે શું કરે, કાજલ તો કંઈ પણ સાંભળવાનાં હોશહવાશમાં જ ક્યાં છે, તે એને કંઈ કહી શકાય ? એ કાજલને પકડીને એના રુમ સુધી લઈ જાય છે અને સરખી રીતે સૂવાડે છે, અને હવે એને પોતાને દિકરી સાથે કેટલી સખ્તાઈ અને કેટલી સમજણપૂર્વક વરતવું પડશે તેનાં વિચારોમાં ખોવાઈ જાય છે.

**********************
************************************************************
સવારે અરુંધતી ક્યારની ઊઠીને પરવારી ગઈ છે અને દિકરીની બગડતી બાજી કેવી રીતે સુધારવી અને એ પણ દિકરીનું હૈયું ઘવાય નહીં એ રીતે એ વિચારતી વિચારતી એ કાજલ માટે કોફી બનાવે છે અને કાજલનાં રૂમમાં જાય છે, કાજલને તે ઊઠાડે છે પણ ક્યાંથી રૂઆત કરવી તે તેને સમજાતું જ નથી, કાજલ પણ પોતાને ગઈકાલે શું બન્યું હશે કે બની ગયું તેનાથી લગભગ અજાણ હોય તેમ છોભીલી પડી ને અરુંધતીને સૌથી પહેલાં જ મમ્મી, નારાજ છે ? એમ પૂછે છે અને ત્યાં જ અરુંધતી પણ મૌન તોડતાં કહે છે કે બેટા, મા ક્યારેય સંતાનોથી નારાજ હોય તોય ક્યાં નારાજ થઈ શકે છે, અત્યારે જો તારાથી નારાજ થઈશ તો પછી તને પાછી મેળવી જ નહીં શકું, બેટા... કદાચ તને માઠું લાગશે, પણ એક મા તરીકે મારી ફરજ છે અને કહું છું, કે દુનિયાની કોઈ સાહ્યબી કે ઠાઠ કાયમી નથી હોતાં, આ રંગીન દુનિયા માત્ર થોડાં દિવસો માટે જ હોય છે, અને જો રંગમાં એકવાર રંગાવાની આદત પડી ગઈને તો ખૂબ આગળ નિકળ્યા પછી એવું થશે કે પાછું ફરવું હશે ને તોય ફરી નહીં શકાય, મિત્રો પણ સાથ નહીં આપે, કારણ સાચાં મિત્રો તો એ છે કે જે તને આવી લેટનાઈટ પાર્ટીઝ અને નશાની દુનિયાથી દૂર લઈ જાય, જે તને એની તરફ ખેંચે છે એ તો સઘળાં તાળીમિત્રો છે, મિત્રો અને તાળીમિત્રો વચ્ચેનો ભેદ તું ન સમજી શકે એટલી નાનીય હવે નથી રહી દીકરા. અરુંધતી સાથે સાથે એમ કહે છે કે મિત્રો હોય, સર્કલ હોય, બહાર હરવુંફરવું પણ આ જ ઉંમરમાં હોય ને કારણ કૉલેજકાળ એ આપણો એવો સૉનેરી સમય છે કે જેટલી મજા કરી તે જીવનભર યાદ રહેશે અને તમને કાયમ તરોતાજા રાખશે, પણ સાથે સાથે બેટા એ ક્યારેય ન ભૂલીશ કે આ જ ઉંમરનો એવો વળાંક છે કે અત્યારે જો કોઈ ચૂક થઈ કે કચાશ રહી ગઈ તો જીવનભર એ ભૂલ નહીં તમને શાંતિથી જીવવા દે કે નહીં એમાંથી છૂટવા દે. કાજલ પણ એક ધ્યાને એની મા એને જે કંઈ કહી રહી હતી તે સાંભળી રહી હતી, એને તો એ જ નહોતું સમજાતું કે એવી તો એની કઈ ભૂલ થઈ ગઈ કે મમ્મી એને આટલી બધી શિખામણો આપી રહી છે ? પણ એ દલીલ કરવાનું ટાળે છે અને મનોમન એવું નક્કી કરે છે કે હવે કોઈપણ ભોગે પણ તે પોતાની જિંદગીને રમત નહીં જ બનવા દે, અને અરુંધતીને વચન આપે છે કે કોઈ જ મોડું નથી થયું, બસ જરાક અમથી મિત્રોની વાતમાં આવી ગઈ હતી અને પાર્ટીમાં ગઈ અને કોઈકે મારાં શરબતમાં જ નશો મેળવી દીધો હતો પરંતુ હવે તે આવી કોઈ જ પાર્ટીઝમાં નહીં જાય કે જ્યાં એના ભાવિ જીવનને નુકશાનકર્તા સાબિત થાય, સાથે સાથે મનોમન પણ તે નક્કી કરે છે કે હવે એવું કોઈ જ વ્યક્તિ તેનાં જીવનમાં નહીં પ્રવેશવા દે જે તેનાં જીવનમાં નુકશાન સર્જી શકે. મનોમન તે પોતાનાં ઈશ્વરનો પણ આભાર માને છે કે દુનિયાની શ્રેષ્ઠ માતા ઈશ્વરે તેને આપી છે જે એને સંપૂર્ણ સમજે છે અને સાચા રસ્તે જવા માટે બિલકુલ સાચી અને સચોટ શિખામણ આપે છે.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888