સ્વીકાર થી સુખ Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વીકાર થી સુખ

સ્વીકારથી સુખ

સુખ એક એવો શબ્દ છે જેને દરેક વ્યક્તિ ઝંખે છે. દુનિયાના બધા લોકો સુખી થવા ઈચ્છે છે. સુખ જ સ્વર્ગ છે. સુખી થવું સૌને ગમે તે સ્વાભાવિક છે. સુખી થવું દરેકનો જન્મસિદ્ધ હક પણ છે. સુખી થવા માટે સુખ આપવું પણ જરૂરી છે. કારણકે સુખની વહેચણી એ જ આપણી સંસ્કૃતિ છે. આ સુખ શું છે? જેની પાસે ઘણી બધી ભૌતિક વસ્તુ ખરીદવાની શક્તિ છે તે સુખી? કે પછી સામાન્ય આવક માં ગુજરાન ચલાવી સંતાન સાથે સમય ફાળવે તે સુખી? આ તો વ્યક્તિ એ વ્યક્તિ એ અલગ જ જવાબ મળવાના. માટે જ એમ કહી શકાય કે તન, મન, ધન નું સમતોલપણું જેની પાસે હોય તે સુખી. પણ સુખ મેળવવું શી રીતે? એ કોઈ ચીજ વસ્તુ તો છે નહિ કે બજારમાં જઈને ખરીદી લઈએ. માટે જ આજકાલ સુખ કેવી રીતે મેળવવું, સુખી થવા શું કરવું તે અંગેના પુસ્તકોનું વેચાણ સૌથી વધુ થતું હશે. એ જ રીતે ધાર્મિક ચેનલો પણ આ અંગે ના જ પ્રવચનો આપી TRP વધારી રહ્યા છે. તેમ છતાં કોઈને સુખ શાંતિ હોય એવું જણાતું નથી. જાણે કે આ તૃષ્ણા ખૂટતી જ નથી. કેમ એવું? એવો સહજ જ પ્રશ્ન થાય અને મારું મન જવાબ આપે છે એ કઈંક આવો છે.

સમયને પહોચી વળવા કે તેની આગળ નીકળી જવાની લ્હાયમાં સૌ દોડી રહ્યા છે છતાં કોઈ પાસે ‘સમય’ નથી. આજકાલ જાણે કે પતાવટનો જમાનો હોય એવું લાગે. સવારે સુરજ સાથે જાગ્યા ત્યારથી કામકાજમાં દોડ્યા પછી રાતે ટી.વી. માં સર્ફિંગ કે સોશ્યલ સાઈટ પર શેરીંગ –ચેટીંગ કરતા કરતા આથમી જાઓ. એમાં પણ નિંદ્રા રાણી ઝટ આવે નહિ. એકાદ કલાક આમતેમ આળોટ્યા પછી માંડ આંખને આરામ મળે. ત્યાં તો સવાર. આ જ ઘરેડમાં મનગમતું કરતા રહેવાની જીદ પૂરી કર્યા પછી પણ ‘સુખ’ નથી. ઘણી કમાણી હોવા છતાં હજી પણ કઈંક ખૂટે છે એમ જ જણાય. એ જ રીતે સંતાન ભણવામાં હોશિયાર છે પણ તેમ છતાં સ્પોર્ટ્સ માં અન્ય કરતા થોડું પાછળ છે. પોતે સુંદર તો છે પણ ફિલ્મી એક્ટ્રેસ જેટલા કમનીય અને આકર્ષક નથી. આમ દરેક બાબતે અધુરપ રહે છે કારણ સંતોષ નથી કારણ કે જે પોતાની પાસે છે તેનો ‘સ્વીકાર’ નથી. માટે સુખી નથી. મતલબ સ્વીકારથી સંતોષ અને સંતોષ થી સુખ પ્રાપ્ત કરી શકાય.

સ્વીકાર-સ્વીકૃતિ. જેની માટે જોઈએ હર પલ હકારાત્મકતા. એ પછી કૌટુંબિક સંબંધો હોય કે પછી શારીરિક-માનસિક બીમારી કે પછી આર્થિક અગવડતા. જીવનમાં સંબંધના તાણાવાણામાં ગૂંથાયેલા આપણે સૌ સૌથી વધુ દુઃખી આપણા અંગત સ્વજનોથી જ થતા હોઈએ છીએ. તે સંજોગોમાં અંગત સંબંધીઓ એટલેકે માતા-પિતા કે પતિ કે પત્ની કે મિત્ર જેવા ઘણા મહત્વના પાત્રો આપણાથી કેટલા વિરુદ્ધ વિચારના કે પ્રકૃતિના છે તે નહિ પણ બંનેમાં કેટલી સામ્યતા છે તેનો જ વિચાર કરી તે રીતે અનુકુળ થવાથી સંબંધો સુમેળભર્યા બની સુમધુર બની રહે. એ જ રીતે ભાભી –નણંદ, દેરાણી-જેઠાણી કે સાસુ –વહુ ના સંબંધો માં ખટરાગ અણગમો સતત હોય છે કારણકે કોઈ અન્ય ના વ્યક્તિત્વ નો સ્વીકાર થઇ શકતો નથી. તેની ખુશી પણ મહત્વની હોય એ સમજણ નો અભાવ હોય અથવા તો પોતાનું વર્ચસ્વ જ રાખવાની વૃતિ હોય. નકારાત્મક વિચારો ખોટા અભિપ્રાય બાંધવાની ટેવ પાડે છે. જેના કારણે જ સંબંધોમાં અણબનાવ, ખટરાગ,ઝગડા, કંકાસ વધી જઈ સમાજમાં છૂટાછેડા, હિંસા,હત્યા આત્મહત્યા ના બનાવો વધી રહ્યા છે. આજથી બે ત્રણ પેઢી અગાઉ એકબીજાને જોયા કે વાતચીત કર્યા વગર લગ્ન ગોઠવાતા. તેમ છતાં પોતાની સમજણશક્તિ અને સહનશક્તિના સથવારે દંપતિ આજીવન ખુશીથી પોતાનું લગ્ન જીવન માણતા. જયારે હાલ સતત સાથે રહ્યા પછી થતા લગ્ન પણ ૨- ૫ વર્ષમાં જ તુટવા માંડે છે. કારણકે એકબીજાના સ્વભાવ કે અવગુણોની સ્વીકૃતિનો અભાવ છે.

આર્થિક અગવડતા હોય તો વધુ મહેનત અને બુદ્ધિપૂર્વક કાર્ય કરી પ્રમાણિકતા રાખી કાર્ય કરતા રહેવાથી ચોક્કસ મુશ્કેલી દુર થાય. જે માટે સમય નું આયોજન કરી ઘરના સભ્યો પણ ઘેરબેઠા કોઈ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરી મદદ કરી શકે. જેથી થોડા સમય અ જ આર્થિક મુશ્કેલી દુર થતા નાની નાની ઇચ્છાઓ પૂરી કરવા સક્ષમ બની શકાય. પોતાની આવક અનુસાર ખર્ચ કરવાથી પણ બચત કરી લાંબા ગાળે ફાયદો મેળવી આર્થિક સંકડામણ દુર કરી શકાય.

‘મારું તે સારું’ એમ સ્વીકારી સંવેદનશીલ રહી વિચારશીલ બની વિવેકબુદ્ધિથી નિર્ણયો લેવાથી જીવન માણીએ તો સુખ જ સુખ છે. આ બાબતે આલ્બર્ટ એલીસનું કથન યાદ આવી જાય. તેઓના મતાનુસાર કોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને વિચલિત નથી કરતી પણ આપણે વિચલિત એટલા માટે થઈએ છીએ કે આપણને વિચલીત કરી શકે તેમ આપણે વિચારીએ છીએ. સંબંધની જેમ જ જન્મજાત શારીરિક કે માનસિક ઉણપ તેમજ ઓચિંતી આવી પડેલી માંદગીનો સ્વીકાર કરી લેવાથી તેનો સામનો સરળ બની જાય.બાળપણથી જ શારીરિક ઉણપ ધરાવતા રવીન્દ્ર જૈન, લુઇસ બ્રેઇલ, હેલન કેલર, ઉમંગ મારું, જય છાનીયારા જેવા અનેક લોકોએ ‘સ્વીકાર’ થી જ પોતાની ઉણપને ઓળંગી ને દુનિયામાં પ્રેરણાદાયી બની સુખ કઈ રીતે મેળવી શકાય તે દર્શાવ્યું છે. યુવરાજસિંહ કે મનીષા કોઈરાલા જેવા અનેક વ્યક્તિઓએ અણધારી માંદગીને સ્વીકારીને તેના દુઃખમાં હારવાને બદલે દુઃખને જ હરાવી જીંદગી જીતી ગયા. વાસ્તવિકતાનો સ્વીકાર ઝડપથી થાય તો સુખ પણ તાત્કાલિક અને વધારે મળે. મન થી હાર્યા તે હારે માટે જ વાસ્તવિકતાનું અનુસંધાન કરતા શીખવું જરૂરી છે. આવેલ પડકારમાં શાંતચિતે વિચારી ને તેમાંથી બહાર કઈ રીતે નીકળી શકાશે તે જાણી લઇ તે મુજબ નિર્ણયો લેવાથી સુખી થવાય જ.

જિંદગી પ્રત્યે તમારો રૂઆબ કઈંક આવો હોવો જોઈએ કે ‘તું એમ ન સમજીશ કે હું રોઈ લઈશ, એ જિંદગી! હું તને પણ જોઈ લઈશ.” આધિ,વ્યાધિ,ઉપાધિ નો સ્વીકાર કરી તેનો બુદ્ધીભાવથી સામનો કરી તેમાંથી નીકળવાનો પ્રયત્ન કરતા રહેવાની જીન્દાદીલી કેળવવી જ રહી. જે માટે બીજા પ્રત્યે પ્રેમ અને બીજાના પ્રેમનો આદર-સ્વીકાર કરવો જોઈએ. આ સંદર્ભે રવિન્દ્રનાથ ટાગોરની સ્વીકૃતિ ભાવના યાદ આવે. તેઓના મૃત્યુ સમયે પંડિત જવાહરલાલ નહેરુએ કહેલ, “ હું એમની બધી જ ખુબસુરત વસ્તુઓને અને જિંદગીને પ્રેમ કરવાની પ્રકૃતિને પ્રેમ કરતો હતો”. આવું બનવા જીવનમાં પોતાની જાતને સમજવી, મન સાથે સંવાદ કરો. સ્વ ને ચાહો. કેફી દ્રવ્યો, સિગારેટ કે નુકશાનકર્તા ખાણીપીણી ને ત્યાગો. જાતને ચાહશો તો અન્યને ચાહી શકશો. આપણામાંના મોટાભાગના લોકો વાતવાતમાં અન્યોનો દોષ કાઢી ટિકા નિંદા કરતા રહે છે. પરંતુ જરૂર જણાય તે પ્રમાણે સ્વભાવને થોડો બદલવાની કોશિષ કરવી જોઈએ. જવાબદારી સ્વીકારી કાર્ય કરતા રહી જીવનમાં સારું નરસું જે બને તેની સંપૂર્ણ જવાબદારી આપણી પોતાની જ છે, એમ માનવું. મન સાથે સંવાદ કરી તટસ્થતાપૂર્વક પોતાની ભૂલનો પણ સ્વીકાર કરવાથી બીજી વખત તેવી ભૂલ થશે નહિ. ટુંકમાં, અન્ય સાથે સતત સરખામણી કરવી, અન્યની નિંદા કરવી અને અન્યની સતત ફરિયાદ કરવી – આ ત્રણ બાબત છોડવાથી સુખી થઇ શકાય. આ જીંદગી હર હાલ માં જીવવાની તો છે જ તો શા માટે દુખડા રોઈને જીવવી! સ્મિત સાથે દરેક મુશ્કેલીને સ્વીકારીને તેમાંથી બહાર આવવાનું એમાં જ મજા છે. દરેક પરિસ્થિતિનો સહજ સ્વીકારનો સ્વભાવ રાખવાથી માનસિક સ્થિરતા વધશે અને જીવન સુખમય બનશે.

પારુલ દેસાઈ

9429502180