નેકલેસ
~ હિરેન કવાડ ~
અર્પણ
૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.
પ્રસ્તાવના
નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.
પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.
તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.
પ્રકરણ – ૪
‘મીરા? ઓ મીરા બેટા?’, રફીક ચાચાનો અવાજ સાંભળીને મીરા જબકીને જાગી ગઇ.
‘હા બોલો ચાચા, ઉંઘ આવી ગઇ’તી.’,
‘તારી તબીયત તો બરાબર છે ને?’
‘હા ચાચા.’,
‘પાક્કુ?’
‘ચાચા એક સવાલ પૂછું?’
‘પૂછ પૂછ.’,
‘જે લોકો આપણને છોડીને જતા રહે એ આપણને પ્રેમ કરતા હોય?’
‘બચ્ચી, પ્યાર કરને વાલે લોગ કભી છોડકે ના જાવે. છોડકે જાવે વો પ્યાર નહિ હોવે.’, ચાચાએ થોડુ ગંભીર થઇને કહ્યુ. મીરા કંઇ બોલી શકી.
‘વહાં દેખ.’ રોડ પર લગભગ પચ્ચીસેક કુતરાઓ હતા. એને કોઇ વ્યક્તિ દુધ પીવરાવી રહી હતી.
‘લાગ્યુ કે આજના કાર્યક્રમ માટે કામ લાગી શકે તને.’
‘થેંક્સ ચાચા. પ્યાર બાંટ રહે હૈ વો.’, મીરાએ કહ્યુ સિગ્નલ પરથી કાર ચાલતી થઇ. ત્યારે જ રફીક ચાચાએ FM નું વોલ્યુમ વધાર્યુ.
‘મેક યોર લાઇફ એડવેન્ચર. ૨ દિવસનો ટ્રેકિંગ કેમ્પ, વિતાવો તમારા બે દિવસ પ્રકૃતિના ખોળે. આજે જ જોડાવ પોળો એડવેન્ચર ટ્રેક. માત્ર જુજ એન્ટ્રીઓ જ બાકી. તો કોલ કરો…’, રેડીઓ પર એડવર્ટાઇઝ આવી. તરત જ મીરાને કંઇક યાદ આવ્યુ.
જ્યારે તમારાથી કોઇ દૂર જતુ હોય છે ત્યારે આવુ જ થતુ હોય છે. એની એક એક વાત તમે તમારી આસપાસની વસ્તુઓ સાથે જોડી દેતા હોવ છુ. મીરા એ સુંદર પળોને યાદમાં રમમાણ કરવા લાગી.
***
શીયાળાની વહેલી સવારે મીરા આજે નવ વાગે ઉઠી ગઇ હતી. નાહીને બહાર આવીને એણે એના પાણીથી નીતરતા વાળ જાટક્યા. વાળમાંથી લેમન ફ્રેશ શેમ્પુની સુગંધ આવી રહી હતી. એણે બ્લેક ચુસ્ત પર લેગીઝ, પર્પલ મોતીકામથી ભરેલુ સ્લીવલેસ ટોપ પહેર્યુ. કાચમાં જોતા જોતા એણે કાનમાં નાની મોતી વાળી બુટી પહેરી, નાકમાં નાની નથણી પરોવી અનેનમણા કપાળ વચ્ચે નાની કાળી બીંદી ચોડી. વાળ ખુલ્લા રાખ્યા. ચહેરાની સજાવટ પૂરી થયા બાદ એણે ગરદન પર સુગંધી બોડી લોશન લગાવ્યુ, એ સુગંધી બોડી લોશન એણે એના હાથ પર પણ લગાવ્યુ. હોઠ પર હેપ્પી લીપ્સ પીંક ક્રીમ લગાવી. પછી ફુલ સાઇઝના અરિસા સામે ઉભી રહીને ડાબ-જમણી બાજુ ફરીને પોતાના પર નજર નાખી.
‘પરફેક્ટ’, એણે પોતાને જ કહ્યુ.
‘મમ્મી, હું કોલેજ જાવ છું.’, કહીને પોતાના સ્કુટરની ચાવી વાળુ મીરા લખેલુ કી-ચેઇન ફેરવતી ફેરવતી બહાર નીકળી ગઇ. એણે કાનમાં ઇયરફોન્સ ફીટ કર્યા અને પોતાના આઇફોનમાં એડેલના રોમેન્ટીક સોંગ શરૂ કર્યા.
***
દેવકી, દેવર્ષ, મીરા અને મીતે આજે નાની પીકનીક ગોઠવી હતી. દેવકી અને દેવર્ષ વચ્ચે અઢી વર્ષ જુનો રીલેશન હતો અને મીરા અને મીત વચ્ચે ઓલમોસ્ટ અઢી વર્ષ વર્ષ જુની ફ્રેન્ડશીપ. દેવકી વેસ્ટર્નમાં આવી હતી દેવર્ષ અને મીતે પણ જીન્સ ટીશર્ટ જ પહેર્યા હતા. પ્લાન હતો પોળોના જંગલોમાં રખડવાનો. મીત અને મીરાની ઘણી ચોઇસ કોમન હતી, કુદરત સાથે રખડવુ બન્નેને ખુબ જ ગમતુ. એટલે જ પોળોના જંગલો પીકનીક પ્લેસ તરીકે સીલેક્ટ થયા હતા. દેવકી અને દેવર્ષને એકાંત મળી જાય અને મીરા અને મીત જંગલોમાં રખડે એવુ નક્કિ થયુ હતુ.
ચારેયે મળીને એક મસ્ત દિવસ પસાર કરવા માંગતા હતા. બસ કોઇ શાંત દિવસ, જ્યાં શબ્દો ઓછા હોય, અનુભૂતીઓ વધારે હોય. લાગણીઓ વધારે હોય. જ્યાં વૃક્ષો વચ્ચે ખુલ્લા શ્વાસ લઇ શકાય, જ્યાં કોલાહલ ન હોય પણ, પંખીઓના કલરવનો હોય, જ્યાં અમદાવાદ વચ્ચેથી સીમેન્ટના પાળાથી બંધાયેલી સાબરમતી ભલે ના હોય, પરંતુ ખળખળ વહેતુ મુક્ત ઝરણુ હોય, જેને કોઇનુ બંધન ના હોય, એ માત્ર વહ્યા કરતુ હોય અને એનુ પાણી વધારે ને વધારે નીર્મળ બનાવી રહ્યુ હોય.
પોળોના જંગલમાં એવુ જ એક ઝરણુ મીત અને મીરાએ શોધ્યુ હતુ. બન્ને બાજુ બાજુ માંજ બેસ્યા હતા, બન્નેના પગ ઠંડા ખળખળ વહેતા પાણીમાં હતા. બન્ને એકબીજાના હાથને નિર્મળ જળમાં હિલોળા લેવરાવતા હતા. બન્ને એટલા નજીક બેસેલ હતા કે કોઇને પણ લાગે કે આ બન્ને ગર્લ ફ્રેન્ડ બોયફ્રેન્ડ હશે, કોલેજમાં બધાને એમ લાગતુ પણ ખરૂ. બટ આ ક્યો રીલેશન હતો એ તો આ બન્નેને પણ નહોતી ખબર. મીતે ઠંડા પાણીના છાંટા મીરાના ચહેરા પર ઉછાળ્યા. શીયાળો એવો જામ્યો હતો કે સાડા દસ વાગે પણ સુર્ય હજુ મોં બતાવવા નહોતો આવ્યો અને એમાં પણ જંગલ. પાણી નો ડાઉટ થીજાવી નાખે એવુ ઠંડુ તો હતુ જ.
ઠંડા પાણીના છાંટા મીરાના ચહેરા પર આવતા એ થરથરી ગઇ, એના ચહેરા પર શૈતાની સ્માઇલ આવી. એણે એક ખોબો ભર્યો અને મીતની ગરદન પર રેડી દીધો. મીતનો શર્ટ ભીનો થઇ ગયો અને એ ઠંડુ હીમ જેવુ પાણી, હીમ વરસાવતી ઠંડીમાં, બાપ રે.
‘ઉભી રે તુ.’, કહીને મીત ઉભો થવા ગયો એ પહેલા મીરા ઝરણાના કીનારે જાળવી જાળવીને ઝડપથી ચાલવા લાગી. મીત એની પાછળ જ દોડ્યો. ભલે એના એના હાથમાં પાણી નહોતુ. બટ ઠંડા પાણીમાંથી ડુબાવીને બહાર કાઢેલા થીજી ગયેલા હાથતો હતા જ. વિચાર તો કરો, જ્યારે એ ઠંડા હાથ કોઇકની નરમ અને ગરમ, સુગંધ પ્રસરાવતી ગરદન પર ધીમેથી સ્પર્શે ત્યારે બન્નેની કેવી હાલત થતી હશે?
‘મીત પ્લીઝ, ઠંડુ લાગે છે.’, મીરા દોડતી દોડતી બોલી રહી હતી.
‘આજે તો તને ના જ છોડુ. મેં તો તને જસ્ટ છાંટા જ ઉડાડ્યા હતા.’, મીતે પાછળ જતા જતા કહ્યુ. જમીન પથરાળી હતી, એટલે બન્ને સંભાળી સંભાળીને પગ મુકી રહ્યા હતા, પરંતુ બન્નેમાં દોડ પકડ રમવાની ખુબ તાલાવેલી હતી. મીરા આગળને આગળ દોડી જઇ રહી હતી અને મોકો મળે ત્યારે ઝરણામાંથી પાણીનો ખોબો ભરીને પાછળ આવી રહેલા મીત પર ઉડાડતી. જેવા પાણીના છાંટા આવતા એવો મીત એની સ્પીડ વધારી દેતો. બન્ને થોડુક દોડ્યા ત્યાં તો ઝરણુ દૂર જંગલમાં જઇ રહ્યુ હતુ, અને કાંઠાથી થોડે દુર પોળોના જૈન મંદિરો હતા. મીરા દોડતી દોડતી એ તરફ ગઇ, બટ પહોંચતા પહેલા જ એનો એક પગ પથ્થર પરથી લપસ્યો અને એ ગબડી પડી. એના મોંમાંથી ચીસ નીકળી ગઇ.
મીત જે ઝડપે દોડી રહ્યો હતો એની ડબલ સ્પીડથી દોડીને મીરા પાસે પહોંચી ગયો. મીરાના પગમાં મોંચ આવી ગઇ હતી. મીતે મીરાનો પગ તપાસ્યો, કોઇ લોહી તો નહોતુ જ નીકળ્યુ.
‘થોડુ ધ્યાન નથી રખાતુ?’, મીરાને દુખતુ જોઇને મીતથી થોડો ઉંચો અવાજ નીકળી ગયો.
‘ઉપ્પ્પ્પ્સ યાર બહુ દુખે છે.’, મીરા ઉંકારા કરતી બોલતી રહી.
‘ચલ ઉભી થવાની ટ્રાય કર, મંદિર પાસે ચાલ્યા જઇએ.’, મીતે મીરાને ઉભી કરી. બટ એના પગમાં ખુબ દુખી રહ્યુ હતુ.
‘જસ્ટ ઉભી રહી જા એક મીનીટ.’, મીત બોલ્યો, અને એણે વળીને મીરાને પોતાની મજબૂત ભુજાઓથી ઉચકી લીધી. મીત મીરા સામે હસતો હસતો જોતો રહ્યો અને મીરા દુખતા ચહેરે મીત સામે જોઇને હસતી રહી. મીતે ઐતીહાસીક જૈન મંદિરોના એક પગથીયે મીરાને સુવડાવી દીધી.
‘બોલ હવે ક્યાં દૂખે છે?’, મીતે પૂછ્યુ.
‘અહિં.’, મીરાએ પોતાનો હાથ પગની દૂખતી જગ્યા પર લઇ જઇને કહ્યુ.
મીતે એ જગ્યા પર થોડુ દબાવ્યુ, મીરાના મોંમાંથી ઉંહકારો નીકળી ગ્યો.
‘અરે યાર, તારો પગ મવડાઇ ગ્યો છે.’, મીત બોલ્યો.
‘ઉભી રહે હું દેવર્ષને કોલ કરૂ છુ. આપડે લોકો અમદાવાદ નીકળી જઇએ.’, મીતે પોતાનો ફોન કાઢતા કહ્યુ.
‘રેવાદે, અહિં કવરેજ નહિ આવે.’, મીરા તણાવના એક્સપ્રેશન્સ સાથે બોલી. ત્યાંજ એક ગાઇડ બે ત્રણ ટુરીસ્ટને લઇને ત્યાંથી નીકળ્યો.
‘એક્સમ્યુઝમી, ભાઇ.’, મીતે તરત જ સાદ પાડ્યો.
‘બોલો.’, થોડોક વૃધ્ધ અને ગામડાનો વ્યક્તિ તરત ત્યાં આવી ગયો.
‘અરે પથ્થર પરથી લપસી ગઇ તો, પગમાં મોંચ આવી ગઇ છે.’, મીત ઝડપથી બોલી ગયો.
‘લે, પગ મવડાઇ જ્યો સ, લાવ ત્યારે હમણા ચડાય દવ.’, એ એની ગામડાની ભાષામાં બોલ્યો અને મીરા પાસે બેસી ગ્યો.
‘જો બેન, દૂખસે, પણ હમણા હારૂ થય જાસે. હવે બોલો ક્યાં દૂખે સ?’, ગાઇડ ફરી બોલ્યો. મીરાએ દૂખતી જગ્યા બતાવી. મીત મીરાનો હાથ પકડીને પાસે બેસી ગયો. ગાઇડે પગ હળવેથી પહેલા હલાવ્યો. મીરાને ઘણુ દૂખ્યુ. ગાઇડે મીત સામે ઇશારો કર્યો, મીતે મીરાના બન્ને હાથ પકડી રાખ્યા અને મીરાનુ માથુ પોતાના ખોળામાં લઇ લીધુ.
‘ઉઇઇઇઇ માં…, જેવો ગાઇડે મીરાના પગને ઝાટકો માર્યો ત્યાં મીરાના મોં માથી લીટરલી ચીસ પડી ગઇ. ત્યાંજ ફરી. ‘મમ્મીઇઇઇઇઇઇઇઇઇઇઇ’, ફરી બીજો જાટકો.
‘લાવો તમારો દુપટ્ટો.’, ગાઇડે મીરાએ પહેરેલો દુપટ્ટો માંગ્યો.
‘એ સોકરા, ઝા, હામેણથી લાકડાની પટ્ટીયુ લેતો આય.’, ગાઇડને મીતે વાંસના જાડ પાસે મોકલ્યો. જ્યાં વાસના ફાડીયા કરેલા પડ્યા હતા. મીત તરત જ દોડીને ત્યાંથી વાંસની પટ્ટીઓ લઇ આવ્યો. ગાઇડે દુપટ્ટો વીટવ્યો અને પછી વાંસની ચાર પટ્ટી મુકી, ફરી ઉપર દુપટ્ટો વીટવ્યો.
‘આ ટીકડી પી લેજો, એટલે કળ ઉતરી જાહે, અને પગ સીધો રાખીને ચાલજો.’, કહીને એણે પોતાના ખીસ્સામાંથી એક મેડીસીન કાઢીને મીરાના હાથમાં આપી.
‘પાણી.’, મીરાથી ઉંહકારા સાથે બોલાઇ ગયુ. તરત જ સાથેના બે ટુરીસ્ટમાંના એકે પોતાની બોટલ મીરા સામે ધરી દીધી. મીરા દવા ખાઇ ગઇ.
‘ચાલો ત્યારે.’, કહીને પેલો ગાઇડ ચાલતો થયો.
‘અરે તમને કંઇ આપવાનુ?’, મીત ખચકાઇને બોલ્યો.
‘અરે અમને આપવાવાળો તો ઉપર બેઠો સે, તુ હું આપવાનો?’, જતા જતા ગાઇડ બોલ્યો. મીતને બોલ્યા પર પછતાવો થ્યો.
મીતે ફરી મીરાનું માથુ પોતાના ખોળામાં લીધુ. એણે મીરાના માથા પર હાથ ફેરવ્યો. મીરાનુ માથુ થોડી જ વારમાં ગરમ થઇ ગયુ હતુ.
‘દુખે છે બકુ?’, મીતે ખુબ જ નરમાઇથી પૂછ્યુ.
‘હા થોડુ થોડુ.’, મીરાએ મીત સામે જોઇને કહ્યુ.
‘હમણા મટી જશે માય બેબી.’, મીતે કાલા અવાજમાં મીરાના ચહેરા પર હાથ ફેરવતા કહ્યુ. મીરા મીત સામે જોઇને હસવા લાગી. મીતને મીરાની સ્માઇલ સિવાય શું જોઇતુ હતુ. મીરાને બેઠુ થવુ હતુ, મીતે મીરાને બેઠા થવામાં મદદ કરી. મીરા મીતની બાજુમાં બેઠી થઇ. સામે ઘોર જગંલ અને વહેતુ ઝરણુ, પાછળ ૧૦૦૦ વર્ષ જુના મંદિરનુ ગર્ભગૃહ અને પ્રવેશદ્વાર વચ્ચે બેસેલા મીત અને મીરા.
મીત મીરાની આંખમાં જોઇ રહ્યો.
‘શામાટે મારી આટલી કેર કરે છે યાર?’, મીરાએ મીતની આંખોમાં આંખો નાખીને પૂછ્યુ.
‘જવાબ આપવો જરૂરી છે? કારણ કે શબ્દો બધુ બગાડશે.’, મીતે એટલી જ ગંભીરતાથી સ્મિત સાથે જવાબ આપ્યો. મીત ફરી એનો હાથ મીરાના ચહેરા પર લઇ ગયો.
‘યુ લુક બ્યુટીફુલ ટુડે.’, મીત બોલ્યો. મીત એનો હાથ સરકાવતો, મીરાના ગળા પાસે એના વાળ વચ્ચે લઇ ગયો.
‘થેંક્સ માય ડીઅર. બટ તને નથી લાગતુ શબ્દો જરૂરી છે, કોઇ વસ્તુનુ સર્જન કરવા માટે, ચણતર કરવા માટે કાચો માલ તો જોઇએ.’, મીરા બોલી.
‘મારાથી ખોખલી બીલ્ડીંગોનુ સર્જન નહિ થાય.’, મીતે એજ સ્મિત સાથે કહ્યુ.
‘એઝ યુ વીશ ડીઅર, બટ મારી આટલી કેર ના કર.’, મીરા બોલી.
‘બટ કેમ? કેર હું કરૂ છુ. હવે મારે શું કરવુ એ પણ તુ કહીશ?’, મીતે થોડુ હળવાશથી, હસતા હસતા કહ્યુ. મીરા પણ હળવુ હસી, બટ તરત જ થોડી ગંભીર થઇ ગઇ.
‘ના, ડાર્લીંગ, મને એવો ડર છે કે તુ જેટલી મારી કેર કરીશ, એટલો તુ વધારે પીડાઇશ, ભગવાન કરે એવુ કંઇ ના થાય.’, મીરા થોડી ઇમોશનલ થઇ, એની આંખોએ ઠંડા વાતાવરણમાં ભીનાશ પકડી લીધી. મીતે મીરાને પોતાની બાહોંમાં જકડી લીધી.
‘હેય ડોન્ટ… થોડી પણ રડી છો ને તો પગ ઉપર જોરથી મારીશ. અને આવુ બોલવાની જરૂર નથી તારે.’, મીતે મીરાને જકડીને થોડુ વઢતા કહ્યુ.
‘સોરી યાર.’, મીરા બોલી.
‘ફરી? એકવાર કહ્યુ ને.’, મીતે ફરી થોડા ઉંચા અને ફની અવાજે કહ્યુ. મીરા હળવુ હસી.
મીરા અને મીતની નજર ફરી મળી. એ બન્ને ફરી એકબીજાની આંખોમાં જોતા રહ્યા. મીત પોતાનો ચહેરો ધીમે ધીમે મીરાના હોઠ તરફ લઇ જઇ રહ્યો હતો. મીરા પણ જાણે સંમોહીત થઇ ગઇ હોય એમ મીતના હોઠોની રાહ જોઇ રહી હતી. મીતના હોઠો મીરાના કમળની પાંખડી જેવા ગુલાબી હોઠોથી એક આંગળ દુર હતા, ત્યારે જ મીરાએ વચ્ચે આંગળી મુકી દીધી.
‘ડાર્લીંગ આઇ નીડ વર્ડ્સ.’, મીરાએ મીતની આંખોમાં જોઇને કહ્યુ.
‘આઇ ડોન્ટ બીલીવ ઇન વર્ડસ ડાર્લીંગ, યુ નો.’, મીતે એજ ગંભિરતાથી કહ્યુ અને પોતાનો ચહેરો પાછો ખેંચ્યો. બન્ને બાજુમાં હોવા છતા ઘણા દૂર ચાલ્યા ગયા હોય એવુ થોડીક ક્ષણો સુધી લાગ્યુ.
‘હવે તો મારાથી જંગલ નહિ ફરાય. નહિ?’, મીરાએ મૌન તોડતા હસતા હસતા કહ્યુ.
‘લે કેમ નહિ ફરાય? ચલ ખંધેલો થઇ જા મારા પર.’, મીતે પણ હસતા હસતા કહ્યુ. ખરેખર દુનિયાની સૌથી મોટી દવા સ્મિત જ છે. એક નાનકડુ સ્મિત લગભગ બધી પ્રોબ્લેમ્સ દૂર કરી દેતુ હોય છે, ઘણાને એમ લાગતુ હોય છે, સ્મિત કરવુ તો કેટલુ સહેલુ હોય છે, બટ ધણી વખણ સ્મિત કરવા માટે પણ ખુબ હિમ્મત જોઇએ.
મીતે તો સાચે જ મીરાને પીઠ પર બેસારી લીધી. મીરા પણ હસતી હસતી મીતની પીઠ પર બેસી ગઇ. ખબર નહિ આ સંબંધને નામ શું આપવુ? ફ્રેન્ડશીપ કે પછી બીજુ કંઇક? બટ આ કંઇક અલગ જ હતુ. એને લવનુ નામ આપવુ પણ હિનતા સિવાય બીજુ કશું ન ગણાય. એ લોકો એ જગ્યાએ જ ગયા જ્યાં બન્ને બેસેલા હતા, ઝરણા પાસે. બપોર જેવુ થઇ ગયુ હતુ એટલે મીત કારમાં પડેલ થેપલા અને અથાણુ લઇ આવ્યો.
આસપાસ થોડા પવનને કારણે વૃક્ષોના સુકા પર્ણો ટકરાવાને કારણે ખરેરાટ ભર્યો અવાજ આવતો હતો, નીચે ખળળળળ ઝરણાનુ મધુર અને શાંત સંગીત જે કાનોને સાંભળવુ ગમે, પોળોમાં પ્રાણીઓતો બહુ ઓછા અને પક્ષીઓ પણ, પરંતુ અમુક પક્ષીઓનો મીઠો અવાજ પણ આવતો હતો. ઝરણાને કારણે ભીના થઇ ગયેલા પથ્થર સામે પડ્યા હતા. ભલે ઠંડી હતી પણ છતા સુર્ય એના પર પીળો પ્રકાશ પાડે ત્યારે કોઇ પણને એને સ્પર્શી લેવાનુ મન તો થઇ જ જાય. પૂરેપૂરુ વાતાવરણ ખુબ સુંદર, આહલાદક અને વિશ્રામ આપનારૂ હતુ.
મીતે ગોળકેરીના અથાણામાં થેપલાના એક ટુકડાને બોળીને મીરાના મોંમાં મુક્યો. બન્ને એકબીજાની સામે સ્મિત કરતા રહ્યા. મીરાએ પણ થેપલાનો એક ટુકડો લીધો અને અથાણામાં બોળીને મીતના મોંમાં મુક્યો. આવા દિવસો ઇશ્વર બહુ ઓછા લોકોને બતાવતો હોય છે, અથવા અમુક લોકો આવા દિવસો કોઇ પણ પરિસ્થિતીમાં શોધી લેતા હોય છે. બાકી એક છોકરીનો પગ મચકોડાઇ ગયો હોય, એની સાથે કોઇક છોકરો હોય, બન્ને વચ્ચે કોઇ સંબંધ ન હોય એ છતા બન્નેએ એકબીજાના હાથોમાં હાથ પરોવ્યા હોય, એકબીજાના હાથે બન્ને એકબીજાને શીયાળામાં થેપલા અને ગોળકેરીનુ અથાણુ ખવરાવી રહ્યા હોય, એ પણ કોઇ સુંદર નાના નીર્મળ પાણી લઇને જતા ઝરણાની સામે કોઇ જંગલની વચો વચ. આવી અદભુત ક્ષણો બહુ ઓછા લોકોને મળતી હોય છે.
‘મીત આપડે ક્યાં જવાનુ છે?’, મીરાએ થેપલાનો ટુકડો કાપતા પૂછ્યુ.
‘હોનેસ્ટલી કહુ તો મને પણ ખબર નથી.’, મીતે મીરાના હાથનો કોળીયો ખાધો.
‘તો આ બધુ શામાટે? જ્યારે કોઇ ડેસ્ટીનેશન જ નક્કિ નથી.’, મીરાએ મીતના બીજા હાથ પર હાથ મુક્યો.
‘જો, આ પાણી છે એને ખબર છે કે એને ક્યાં જવાનુ છે? એ એનુ કામ કરે છે, વહેવાનુ. હવે જો એ એમ વિચારે કે મને ખબર જ નથી કે મારે ક્યાં જવાનુ છે? અને જો થોભી જાય તો આવુ સુંદર ઝરણુ આપડે જોઇ શક્યા હોત? પાણીને નથી ખબર ડાર્લીંગ કે એના વહેવાના કારણે કેટલા કેટલા લોકોને શાંતી મળી રહી છે.’
‘મીત તુ દર વખતે આવી ફીલોસોફી કહીને મને કન્વીન્સ કરી લે છે.’, મીરાએ ખુબ નિખાલસતાથી કહ્યુ.
‘મીરા, હું કોઇ ફીલોસોફી નથી કહેતો, હું જસ્ટ એ રીતે વાત કરૂ છુ જે રીતે હું આ દુનિયાને જોવ છુ. તુ જ કે જો આ પાણી એમ વિચારીને થોભી જશે તો આવુ સુંદર ઝરણુ શક્ય છે? કેટલાય પ્રાણીઓની તરસ નહિ છીપાય, કેટલાય વૃક્ષોના થડીયા સુકા રહી જશે. આપડુ કામ બસ સમયના પ્રવાહમાં વહેવાનુ છે? તુ શામાટે ડેસ્ટીનેશનનું ટેન્શન લે છે? દરેક મોમેન્ટમાં વહી જા ને.’
‘મીત વહેવા માટે પાણીને પણ કાંઠાઓના બંધનની જરૂર પડે, તારે તો કોઇ કાંઠે નથી બંધાવુ.’ સાંભળીને મીત એક ક્ષણ ચુપ થઇ ગયો. પછી મીતે મીરાના બીજા હાથને સ્પર્શ કર્યો.
‘મીરા તુ જેની વાત કરે છે એને નદી કહેવાય, ઝરણાને કાંઠા ન હોય, એ તો કોઇ ઉદગમમાંથી નીકળી પડે, ગમે ત્યાં વહેતુ થઇ જાય અને પછી પાછળ એનો રસ્તો બનતો જાય. મીરા હું સંબંધને નામ એટલા માટે નથી આપતો કે મારે મારી જાતને સંકુચિતતા ના દોરડાથી બાંધી નથી દેવી.’
‘મીત, લોકો આવા સંબંધને એમ સ્વિકારતા નથી. સાથે રહેવા માટે સંબંધના નામની જરૂર પડે જ.’, મીરાએ થેપલાનો ટુંકડો અથાણામાં બોળ્યો.
‘તો કદાચ હું સંબંધો માટે નથી બન્યો.’, મીતે આટલી સીરીયસ વાત હોવા છતા ખુબ જ સહજતાથી મીરાએ મીતના મોંમાં મુકેલ થેપલુ ખાધુ.
‘એક વાત કહુ મીરા, લીવ એવરીથીંગ એન્ડ જસ્ટ લીવ ધીઝ મોમેન્ટ.’, મીતે થેપલાનો છેલ્લો ટુકડો મીરાના મોંમાં મુક્યો.
‘કઇ રીતે પણ? ઇટ્સ ટફ ફોર મી.’, બન્નેએ વહેતા પાણીમાં હાથ ધોયા અને ડબ્બો પેક કર્યો.
‘જે રીતે આ પાણી આપણા હાથનો કચરો લઇને ચાલ્યુ ગયુ એ રીતે, એને જરાંય રંજ નથી કે એને પરવાહ નથી. એને ખબર છે હુ દરેક પળ નવીન છુ. હું નિર્મળ છુ.’
મીતે મીરાના બન્ને હાથ પકડ્યા, મીરા મીતના ખોળામાં નમી ગઇ.
‘તુ માત્ર જો, આ સુંદર રંગહિન પાણીને, આંખો બંધ કરીને સાંભળ આ રંગહિન પાણી પણ કેટલુ સુંદર સંગીત પેદા કરી રહ્યુ છે.’, મીતે પોતાનો હાથ મીરાની આંખો પર ફેરવીને મીરાની આંખો બંધ કરી દીધી. મીરા ખુબ જ શાંત થઇને આસપાસના દરેક સંગીતમય અવાજને સાંભળતી રહી અને મીત મીરાના શાંતમય ચહેરાને જોતો રહ્યો. મીત માટે તો આ શાંત ચહેરો જ બધા ભાવોના દરિયા સમાન હતો. પછી એણે પણ પોતાની આંખો બંધ કરી લીધી. કેટલીય પળો સુધી બન્ને આમ જ શાંત રહ્યા, કુદરતને પીતા રહ્યા. બન્ને સ્થાન ભુલી ગયા અને એક અદભુત રમણીય સફરે ચાલ્યા ગયા. કુદરતની સફરે. જ્યારે મીતે આંખો ખોલી ત્યારે મીરા હજુ આંખો બંધ કરીને માણી રહી હતી. મીત મીરાના વાળમાં હાથ ફેરવતો રહ્યો.
એવુ નહોતુ કે મીતને મીરાની ગરદન પર લગાવેલ બોડી લોશનની માદક સુગંધ ખેચતી નહોતી, પરંતુ બંધનોથી ન બંધાવા માંગતો મીત, મીરાની એક નક્કિ કરેલી સીમાથી બંધાઇ ગયો હતો. અને જ્યાં સુધી આપણુ શરીર છે ત્યાં સુધી આપણે પણ કોઇકને કોઇક વસ્તુ સાથે બંધાયેલા રહેશુ જ. આ શરીર રહેતા બંધનોથી મુક્ત રહેવુ શક્ય નથી.
‘ઓય્ય, લવર્સ. ટ્રેકીંગ માટે નથી જવુ?’, દેવકીનો પાછળથી અવાજ આવ્યો એટલે તરત જ મીરા બેઠી થઇ ગઇ.
‘અમે લવર્સ બવર્સ નથી હો, જસ્ટ બેસ્ટ ફ્રેન્ડ છીએ.’, મીરા સ્મિત સાથે બોલી. મીત એકટીસે કોઇ ભાવ વિના મીરાના ચહેરાને તાકતો રહ્યો.
‘ફ્રેન્ડ્સ છીએ.’, આ બે શબ્દ એના કાનમાં વહેતા પાણીના અવાજ સાથે પડઘાતા રહ્યા.
*
શું મીરા ફ્રેન્ડશીપથી આગળ વધશે? શું થશે જ્યારે મીત, મીરા અને વિશાલ ત્રણેય એકસાથે ભેગા થશે? શું મીત એના પ્રેમને કોઇ સંબંધનું નામ આપશે? જાણવા માટે વાંચવાનું ભૂલતા નહિં પ્રકરણ – ૫ આવતા શુક્રવારે.
લેખક વિશે
હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.
એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.
આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.
Facebook :
Google Plus :
Twitter :