એક હતી અમૃતા Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી અમૃતા

Name:Parul Khakhar

Email:parul.khakhar@gmail.com

એક દિવસ પુસ્તકમેળામાં ફરતાં ફરતાં એક પુસ્તક હાથમાં આવી ગયું જે ઘણા સમયથી વાંચવાની ઈચ્છા હતી પણ બજારમાં અપ્રાપ્ય હતું.નામ હતું 'રેવન્યુ સ્ટેમ્પ' . પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમની આત્મકથા જે 'રસીદી ટીકીટ' નામથી અનુવાદિત થઇ છે.ઘરે આવીને વાંચવા બેઠી, ધાર્યુ હતું કે આ બૂક તો એક બેઠકે જ વાંચી નાંખીશ પણ ન વાંચી શકાયું , આ કંઇ નવલકથા થોડી હતી કે વાંચી લઉં? એક જીવતાજાગતા માણસની હયાતિનો દસ્તાવેજ હતો, વક્ત તો લગતા હી હૈ ના! કહેવાય છે કે 'આત્મકથા એટલે વિનમ્રતા અને સ્વપ્રશસ્તિ વચ્ચે સમતુલા જાળવીને ભુતકાળના બાઝેલા થરને ઉખેડીને સ્વ-રુપનો સાક્ષાત્કાર કરવો અને પ્રગટ કરવો.’ અમૃતાજીએ આ કામ સુપેરે પાર પાડ્યુ છે. પોતાની આત્મકથા લખવાનો વિચાર જ્યારે મિત્ર ખુશવંતસિંગને કહ્યો ત્યારે જવાબ મળ્યો કે તારી આત્મકથામાં હોય, હોય ને શું હોય? એકાદ બે પ્રસંગો? એ માટે તો રેવન્યુ સ્ટેમ્પની પાછળની બાજુ પણ બસ થઇ પડે!આ સાંભળીને અમૃતાજીને આત્મકથાનું ટાઇટલ મળી ગયું 'રેવન્યુ સ્ટેમ્પ'.

૩૧ ઓગસ્ટ ૧૯૧૯માં પંજાબના ગુજરાનવાલા ગામમાં અમૃતાજીનો જન્મ થયો.પિતા કરતારસિંઘ વૈરાગી જીવ હતા,કવિ હોવા ઉપરાંત સંસ્કૃત, વ્રજભાષા અને તત્વજ્ઞાનના અભ્યાસુ પણ ખરા.માતા-પિતા બન્ને શિક્ષક હતા. એકવખત સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના વખતે ઇશ્વર પાસે માંગ્યું કે અમારા પ્રિય શિક્ષકને એક દીકરી ભેટ આપો. અને જાણે ઇશ્વરે એ નિર્દોષ બાળાઓની વાત માની લીધી હોય એમ એક જ વર્ષમાં માતા રાજબીબીને ખોળે અમૃતાજીનો જન્મ થયો.પિતા 'પિયુષ'ના ઉપનામથી કવિતા લખતા તેથી દીકરીનું નામ રાખ્યુ 'અમૃતા'.અમૃતાજીને બાળપણથી જ પિતા તરફથી રદીફ-કાફિયાની સમજણ અને અક્ષરની અદબ વારસામાં મળી હતી.અમૃતાજી એક જગ્યાએ લખે છે કે હું જન્મી ત્યારથી મોતના પડછાયા અમારા ઘરની દિવાલો પર ઉતરી આવ્યા હતાં. માત્ર ત્રણ વર્ષના હતા ત્યાં જ અમૃતાજીનો નાનો ભાઇ ઈશ્વરને વ્હાલો થઇ ગયો.અમૃતાજીની માત્ર ૧૧ વર્ષની ઉંમરે માતા રાજબીબી અનંતની યાત્રાએ ચાલ્યા ગયા.પિતાનો જીવ વૈરાગ્ય તરફ ખેંચાતો હતો પરંતુ દીકરીની જવાબદારીને કારણે અનિચ્છાએ સંસારમાં રહ્યા. અમૃતાજીને નાનપણથી એ સવાલ મુંઝવતો કે પિતાને હું સ્વીકાર્ય છું કે અસ્વીકાર્ય ? આ જ મથામણને કારણે તે પિતાને વ્હાલા થવાની કોશીશમાં કવિતા લખવા લાગ્યા.પિતાનું પ્રોત્સાહન મળતું ગયું અને માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ બહાર પડ્યો.અને જે પિતાએ હાથમાં કલમ પકડાવી હતી તે પણ ચાલ્યા ગયા.

ઘરનું વાતાવરણ રુઢિચુસ્ત હોવાથી આ ઉંમરે અમૃતાજીને બહારના કોઇ જ મિત્રો ન હતા, આખુ ઘર પુસ્તકોથી ભરેલું હોવાથી પુસ્તકો જ મિત્રો બન્યા.અનેક મનાઇઓ, ધાર્મિક બંધનો, રિવાજોથી અકળાયેલા અમૃતાજીનો રોષ એમની કલમમાંથી ટપકવા લાગ્યો. એ કહે છે કે સંતોષ અને ધૈર્યથી જીંદગીના ખોટા મૂલ્યો સાથે કરેલી સુલેહ જેવી સમાધિ કરતા રખડવાની બેચેનીનો શાપ મને વધુ વ્હાલો છે.મધ્યમવર્ગી કુટુંબમાં ઉછરેલા અમૃતાજી નાનપણથી જ સત્ય અને મૂલ્યો માટે લડતા.હીંદુ-મુસ્લીમ માટે ઘરમા અલગ વાસણો રહેતા એ વાતનો એમણે સજ્જડ વિરોધ કરેલો, રોજ રાત્રે થતી ફરજીયત પ્રાર્થનાનો પણ એ વિરોધ કરતા. આવી અનેક બાબતો માટે તે ઘરના સભ્યોનો રોષ વહોરી બેસતા પરંતુ સત્યનો અને પોતાની માન્યતાનો સાથ ક્યારેય ન છોડતા.

જીંદગીના પહેલા અને અગત્યના પડાવ વિશે વાત કરતા અમૃતાજી લખે છે કે માત્ર ચાર વર્ષની વયે થયેલી સગાઇ સોળમા વર્ષે લગ્નમાં પરિણમી. બધું ઠીક ચાલી રહ્યું હતુ. આ લગ્નજીવન દરમ્યાન એક પુત્ર અને એક પુત્રી પણ જનમ્યા. થયુ એવું કે નાનપણથી સપનામા એક ચહેરો આવતો હતો જેને અમૃતાજીએ રાજન નામ આપ્યુ હતું.૨૦ વર્ષની ઉંમરે રાજન જાણે સાહિરના વેશમાં નજર સામે આવી ગયો.અને અમૃતાજી સાહિરના પ્રેમમાં પડી ગયા. પોતે પરણિત છે એ જાણવા છતા મન ખેંચાતું ગયું. જીવનમાં, મનમાં, પરિવારમાં,સંસારમાં, સમાજમાં. બધુ તંગ થઇ ગયું.પતિ સાથે રહીને અન્ય પુરુષને પ્રેમ કરતા રહેવું અમૃતાજી જેવા સત્યના ઉપાસકને ક્યારેય ન પરવડે , તેમને લાગ્યું કે પોતે પતિ પ્રીતમસિંગને તેનો હક નથી આપી શકતા, તેના હિસ્સાનો પ્રેમ નથી આપી શકતા. તે વિચારતા કે હું તેની દેવાદાર છું, એમની છાયા મે ચોરી લીધી છે જે પાછી આપવી જરુરી છે.

અને આમ અનેક કશ્મકશ પછી પતિ-પત્ની બન્ને એક મૈત્રીભર્યો ફેંસલો કરે છે છુટા પડવાનો.સાથે રહેવું અને છુટા પડવું બન્ને દુઃખદ હતા પણ બીજો વિકલ્પ ઓછો દુઃખદ હોવાથી એ પસંદ કરવામાં આવ્યો.કોઇ જ ફરિયાદ વગર બન્ને એ પોતપોતાના ભાગનું દર્દ વહેંચી લીધું.સમાજથી મોઢુ છૂપાવ્યા વગર આ નિર્ણય લીધો.આ દર્દને ચહેરાના એક તલ કે મસાની માફક અસ્તિત્વના એક ભાગ તરીકે સ્વીકારી લીધું.છુટા પડ્યા પછી પ્રીતમસીંઘને એકલતાનો સાપ ડસી ગયો.એ માણસે કોઇ જ ફરિયાદ કે કકળાટ વગર આંસુઓ સહન કર્યા. અમૃતાજી કહે છે કે અલગ થવાનો અર્થ એ ન હતો કે 'સલામ ભી ના પહુંચે' બન્ને એકબીજાની મુશ્કેલીમાં સહભાગી થતા રહ્યા. નાનામોટા કાયદાકીય કે આર્થિક વ્યવહારોમાં બન્ને એકબીજાની સાથે જ રહ્યા.આજીવન અજબ સંવેદનાનો સંબંધ કાયમી રહ્યો.

જીવનનો બીજો પડાવ એટલે સાહિરનું મળવું.સાહિર એટલે સપનાનો એ રાજકુમાર જેને બાળપણથી જ ઝંખ્યો હતો.જે લોકો માટે ઘરના વાસણો સુદ્ધા અલગ રાખવામાં આવતા હતા એવા વિધર્મી પુરુષનાં પ્રેમમાં એક પરણિત સ્ત્રી પડી ગઇ હતી.સાહિર લુધિયાનવી એટલે એક સંવેદનશીલ શાયર . સાહિર અને અમૃતાજી ખૂબ અંગત મિત્રો બની ગયા. અમૃતાજી સાહિરને ચાહતા રહ્યા, એની ચાહત માટે લગ્નસંબંધ પણ તોડી બેઠા.અમૃતાજીએ સાહિર માટે જે સંદેશાઓ લખ્યા છે તે 'સુનેહડે' નામના કાવ્યસંગ્રહમાં પ્રકાશિત થયા છે. આ પુસ્તક અકાદમીના એવોર્ડ માટે પસંદગી પામ્યું ત્યારે અમૃતાજી વિચારે છે કે જેના માટે લખ્યું એણે જ ન વાંચ્યું, હવે આખી દુનિયા વાંચે તો પણ શું ? એ પુસ્તક વિશે વાત કરવા અને ઇન્ટર્વ્યુ લેવા પત્રકારો આવ્યા અને કહ્યું કે કંઇક લખતા હો એવો પોઝ જોઇએ છે ત્યારે અમૃતાજી એ અજાણતા જ એક કોરા કાગળ પર માત્ર 'સાહિર' 'સાહિર' લખ્યે રાખ્યું અને આખો કાગળ ભરાઇ ગયો.અમૃતાજી કહે છે મારી અને સાહિરની દોસ્તીમાં ક્યારેય શબ્દો ઝખ્મી નથી થયા, આ ખામોશીનો હસીન સંબંધ હતો.સાહિર સાથેની દોસ્તીના દિવસો અમૃતાજીએ બહુ જતનથી આલેખ્યા છે.એક વખત મુશાયરામાં લોકો સાહિરના ઓટૉગ્રાફ લઇ રહ્યા હતા, બધા ચાલ્યા ગયા પછી અમૃતાજીએ પોતાની હથેળી લંબાવી દીધી કોરા કાગળની જેમ અને ત્યારે સાહિરે એ હથેળી પર પોતાનું નામ લખીને કહ્યુ કે આ કોરા ચેક પર મારા હસ્તાક્ષર છે, જે રકમ ઇચ્છે તે ભરીને જ્યારે ઇચ્છે ત્યારે કેશ કરાવી લેજે.સાહિરને અડધી પીધેલ સીગારેટ છોડી દેવાની ટેવ હતી.અમૃતાજીએ સાહિરની યાદમાં એમની અડધી સીગારેટના સાચવી રાખેલા ટૂકડાઓ ફરી પીધા છે અને એ ધુમાડામાં સાહિરની આકૃતિને જોવાની કોશીશ કરી છે.એમના જેવું બાળક મેળવવા ગર્ભાવસ્થા દરમ્યાન સતત સાહિરનું ચિંતન કરતા રહ્યાં.બાળક નવરોઝ સાચ્ચે જ સાહિરની શક્લ સુરત લઇને જનમ્યો ત્યારે અમૃતાજીને લાગે છે હું જ ઈશ્વર છું, મે જ મારી મનગમતી સૃષ્ટિની રચના કરી છે.જો કે લોકો એ અનેક પ્રકારની સાચીખોટી વાતો કરી પણ અમૃતાજીએ હીંમતથી જવાબો આપ્યા છે.બીજા તો ઠીક એક નજીકના મિત્ર સુદ્ધા આ સવાલ પૂછી લે છે ત્યારે જવાબ આપે છે કે આ કલ્પનાનું સત્ય છે હકીકતનું સત્ય નથી.પુત્ર નવરોઝ જ્યારે પૂછે છે કે મા, હું સાહિર અંકલનો દીકરો છું? ત્યારે જવાબ આપે છે કે ના નથી, પણ જો તું સાહિરનો દીકરો હોત તો હું તને જરુર જણાવત.આવું હાડોહાડ સત્ય જીવ્યા હતા અમૃતાજી !

અમૃતાજીએ સાહિર માટે ચિક્કાર લખ્યું, જાણતા અજાણતા અનેક કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓમાં સાહિર પ્રત્યેની લાગણી વ્યક્ત થતી રહી.'રસીદી ટીકીટ' પોતે જ અમૃતાજીના પ્રેમનો દસ્તાવેજ છે, પરંતુ બે માંથી કોઇએ એકબીજા સાથે આ પુસ્તક વિશે ક્યારેય એક શબ્દ ઉચ્ચાર્યો નથી.અમૃતાજી કહે છે અમારી દાસ્તાનની શરુઆત પણ ખામોશ હતી અને અંત પણ ખામોશ જ રહ્યો.આ માત્ર કોરા કાગળની દાસ્તાન છે. અને આ લાગણીને એક નક્કર સ્વરુપ આપીને સંબંધોને નામ આપવા માટે અમૃતાજીએ પોતાના ઘરનો ઉંબર છોડી અને સાહિરના દરવાજા પર દસ્તક દેવા નીકળ્યા ત્યારે તેમને ખબર પડી કે એ ઘરમાં તો કોઇ બીજાનો પ્રવેશ થઇ ચુક્યો છે.સાહિરને નવી મુહબ્બત મળી ગઇ હતી,સુધા મલ્હોત્રા નામની ગાયીકા સાહિરના જીવનનો હિસ્સો બની ચૂકી હતી. અમૃતાજીને એક ભયંકર આઘાત લાગ્યો. એક ઘેરી ઉદાસીએ એમને ભાંગી નાંખ્યા, એકલતાએ દિલો-દિમાગ પર ભરડો લીધો, જાણે બધું ગૂમાવી બેઠા હોય એવો ખાલીપો છવાઇ ગયો.મરવાનો વિચાર પણ આવી ગયો પણ જીવી ગયાં. આ માનસિક આઘાતને કારણે ડીપ્રેશનમાં સરી પડ્યા, સાઇકીઆટ્રીસ્ટની સારવાર હેઠળ રહી સાજા થવા લાગ્યા. આ ગાળામાં તેમણે 'કાળા ગુલાબ' જેવી કવિતાઓ લખી છે.

મિત્રો, આ દુનિયામાં કશું જ કાયમ નથી રહેતું પેલું વાક્ય હંમેશા યાદ રાખવું કે 'યે દિન ભી ચલા જાયેગા'.અમૃતાજીના જીવનના એ કાળા દિવસો પણ ગયા. અમૃતાજીનું મન જ એમને કહેતું રહ્યું કે અમૃતા...લૂક એ બીટ હાયર! જીંદગીથી હારી ન જા...બધી હાર બધી પરેશાનીથી ઉપર જો જ્યાં તારી કવિતા, તારી રચનાઓ, તારી વાર્તાઓ,તારી નવલકથાઓ છે.અને ખરેખર અમૃતાજીએ હાર સ્વીકારવાને બદલે ફરી લડવાનું પસંદ કર્યું.એક ફિનિક્સ પક્ષી જેમ પોતાની જ રાખમાંથી બેઠું થાય તેમ ફરી એક નવી અમૃતા પોતાની જ રાખમાંથી બેઠી થઈ.પોતાના બાળકો માટે, પોતાની કલમ માટે, સત્યની લડાઇ માટે, મૂલ્યોની રક્ષા માટે જીવવા લાગ્યા અને લખવા લાગ્યા.વર્ષો પછી જ્યારે સાહિરના મૃત્યુના સમાચાર સંભળ્યા ત્યારે અમૃતાજીને એક ઘટના યાદ આવી. દિલ્હીમાં પ્રથમ 'એશિયન રાઇટર્સ કોન્ફરન્સ' યોજાઇ હતી . બધા લેખકોને એમના નામના 'બેઝ' મળ્યા હાતા જે પોતપોતાના કોટ પર લગાવવાના હતા, સાહિરે પોતાના કોટ પર અમૃતાજીનો અને અમૃતાજીના કોટ પર પોતાનો 'બેઝ' લગાવી દીધો.કોઇએ ધ્યાન દોર્યુ ત્યારે હસીને કહે, દેવાવાળાએ ખોટો બેઝ આપ્યો હતો અમે સાચો જ લગાડ્યો છે.જ્યારે સાહિર ન રહ્યા ત્યારે અમૃતાજી વિચારે છે કે મૃત્યુએ પોતાનો નિર્ણય એ બેઝને જોઇને લીધો હશે જે મારા નામનો હતો કારણકે હૃદયની રોગી તો હું છું.

ભારત- પાકિસ્તાનના વિભાજન વખતે અમૃતાજી લાહોર છોડી ભારતમાં આવી ગયા.અનેક પ્રકારની આર્થિક, સામાજીક, માનસિક મુશ્કેલીઓનો સામનો કર્યો.એ કહે છે લાહોરમાં જ્યારે રોજ રાત્રે આસપાસના ઘરોમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી,નિર્દોષ લોકોની ચીસો સંભળાવા લાગી ત્યારે લાહોર છોડવનો નિર્ણય લેવો પડ્યો. આ ચીસો, જે દિવસે કર્ફ્યુને કારણે દબાઇ જતી હતી પણ વર્તમાનપત્રોમાં સંભળાતી હતી.થોડા દિવસ દહેરાદૂનમાં રહ્યા પરંતુ ત્યાં પણ એ જ હાલત જોઇને દિલ્હી આવ્યા.ત્યાં જોયુ કે અનેક બેઘર લોકો વીરાન ચહેરાઓ લઇને એ જમીનને જોતા હતા જ્યાં એમને આશ્રીત કહેવામાં આવ્તા હતા. પોતાના જ વતનમાં બેવતન થયેલા લોકો અને લાચાર સ્ત્રીના ચિત્કારો અમૃતાજીને બેચૈન કરી મુકતા.આ લોહીયાળ દિવસોના ચિતાર આપતી અનેક કવિતાઓ અને વાર્તાઓ લખી.આ દિવસોમાં વારિસ શાહ એ 'હીર'ની વ્યથાને વાચા આપતી લાંબી કવિતા લખી હતી જે પંજાબના ઘરેઘરે ગવાતી હતી તે અમૃતાજીના હાથમાં આવી અને અમૃતાજીએ વારિસ શાહને સંબોધીને એક કવિતા લખી કે'તમે પંજાબની એક દીકરી રોઇ ત્યારે એક લાંબી વાર્તા લખી હતી, આજે તો લાખો દીકરીઓ રડે છે તમે કબરમાંથી બહાર આવો અને આ દીકરીઓ માટે લખો.' આ આખી કવિતા લોકોમાં ખૂબ જ પ્રિય થઇ,લોકો રડતા રડતા આ નજ્મ ગાતા હતા. ત્યારે એક અજીબ સમય હતો કે એક તરફ લોકો આ નજ્મને ગળે લગાડીને ફરતા હતા ત્યારે અમુક વર્તમાનપત્રોએ અમૃતાજી ને ગાળો આપી કે તમે આ કવિતા એક મુસલમાન વારિસ શાહને સંબોધીને શા માટે લખી? શીખ લોકો કહે કે ગુરુ નાનકને સંબોધીને લખવી જોઇએ ને? કમ્યુનિસ્ટ કહે લેનિનને સંબેધીને લખવી જોઇએ ને?ખૈર...કવિતા ક્યારેય કોઇના બંધનમાં ન હોય.અમૃતાજીની કલમ ભાગલાનાં સમયમાં આંસુની શાહીથી ચાલતી રહી.'તવારીખ', 'મજદૂર' જેવી લાંબી નજ્મો લખી. 'પીંજર' નામની નવલકથા લખી જે પાછળથી હિન્દી ફિલ્મમાં સ્વરુપે લોકો સુધી પહોંચી.

૧૯૫૬ ના સમય દરમ્યાન એકલા ઝઝૂમતા અમૃતાજીને ખારા રણમાં મીઠી વિરડી સમાન એક સાથી મળ્યા ઈમરોઝ. જે અમૃતાજી કરતા સાડા છ વર્ષ નાના હતા.ઈમરોઝ એક જન્મજાત કલાકાર હતા.ચિત્રકામ એમનો મુખ્ય શોખ પરંતુ અનેક પ્રકારની કળાઓમાં કૌશલ્ય ધરાવતા હતા.અમૃતાજીનો સાહિર માટેનો પ્રેમ જાણતા હોવા છતા તેમને ચાહતા રહ્યા બન્ને સાથે રહેવા લાગ્યા.બન્ને એકબીજાને એમની ખામીઓ અને ખૂબીઓ સહિત સ્વીકારે છે. અમૃતાજી પોતાના દર્દોની ટોપલી ઈમરોઝને સોંપી દીધી અને આધ્યાત્મિક રચનાઓ લખવા લાગ્યા.૪૫ વર્ષની વયે કોઇ પુરુષ સાથે નામ વગરના સંબંધે રહેવું આજના જમાનામાં પણ પડકારભર્યુ ગણાય છે તો એ સમયે શું શું થયુ હશે?તેમ છતા પ્રેમને ખાતર ઉંમર, નાત,જાત,સમાજ, રિવાજને ઠોકરે ચડાવીને બન્ને સાથે રહ્યા. ઈમરોઝ માટે અમૃતાજી લખે છે કે તે મારી પંદરમી ઓગષ્ટ છે જેણે મારા અસ્તિત્વને અને મનની અવસ્થાને સ્વતંત્રતા આપી છે.ઈમરોઝ મારો એવો સાથી છે કે જે ભાઇ, પતિ,પિતા,મિત્ર જેવા નામથી પર હોવા છતા સાવ નજીક છે અને સાવ પોતાનો છે.અમૃતાજીએ દેશમાં અને વિદેશમાં અનેક પ્રવાસો કર્યા છે. તેવી જ રીતે ઈમરોઝ પણ અમુક વખત માટે અમૃતાજીથી દૂર વ્યાવસાયિક કામે જાય છે તે દરમ્યાન બન્ને એ એકબીજાને બહુ જ સુંદર પત્રો લખ્યા છે જે 'કિસી તારીખ કો' નામે પુસ્તક સ્વરુપે પ્રકાશિત થયા છે. આ પુસ્તકમાં ઇમરોઝ લખે છે જે જે સુંદર કે શક્તિશાળી નામ મને ગમી જાય તે અમૃતા માટે વાપરવા ગમે છે અને એવા અનેક શબ્દોથી સંબોધન કરીને એમને પત્રો લખ્યા છે.ઈમરોઝ અને અમૃતાજી ચાલીશ વર્ષ સુધી સાથે રહ્યા. ઇમરોઝે એમની બીમારીમાં એમની ચાકરી કરી અને એમના મરણ સુધી એમનો સાથ નિભાવ્યો.

અમૃતાજીની વાર્તાઓ પરથી ફિલ્મો બની, એમને પદ્મવિભુષણનો ખિતાબ મળ્યો,યુનિવર્સીટીની ડી.લીટ. ની પદવી મળી, સાહિત્ય અકાદમીના અનેક પુરસ્કારો મળ્યા. એમણે લખેલા ૭૫ પુસ્તકોમાંથી અનેકના વિદેશી ભાષામાં અનુવાદો થયા.સિનિયરોએ અને ભાષાપ્રેમીઓએ એમની કલમને ફુલડે વધાવી છે, એમને ચિક્કાર પ્રેમ આપ્યો છે.પરંતુ અફસોસની વાત એ છે કે તેમના સમકાલિનોએ અમૃતાજીને જીવનભર માત્ર કડવાશ જ આપી છે.ડીક્શનરીના ખરાબમા ખરાબ શબ્દો તેમના માટે વાપર્યા છે.તેમની પ્રસિદ્ધીને બદનામીમાં ખપાવવાની હર મુમકિન કોશીશો કરી. તેમની દરેક કૃતિને મારી મચડીને વિકૃત સાબિત કરી.. તેમની જાહેર અને અંગત જીવનની બાબતોને નકારાત્મકતાથી રજુ કરી.પરંતુ શબ્દની એ ઝળહળતી મશાલને કોઇ જીવનપર્યંત ઠારી ન શક્યું.

પંજાબની માટીમાં જન્મેલી આ અમૃતા ખરા અર્થમાં અમર બની ગઇ.૮૬ વર્ષની વયે તારીખ ૩૧ સપ્ટેમ્બર ૨૦૦૫ ના રોજ અમૃતાજી અનંતની સફરે ચાલી નીકળ્યા.એમની સત્ય માટેની જીદ, એમનો મૂલ્યો માટેનો આગ્રહ આજે પણ અમર છે, લોકોને પ્રેરણા આપે છે. તેમણે વર્ણવેલી પીડાઓ, વ્યથાઓની કહાનીઓ આજે પણ લોકો આદર અને પ્રેમથી યાદ કરે છે.જીવનના અનેક સારા ખરાબ અનુભવોમાંથી પસાર થતાં થતાં એમણે જે સર્જન કર્યુ છે તે હંમેશા યાદ રહેશે.અમૃતાજી મર્ત્ય શરીર છોડીને ગયા અને પંજાબી કવિતાનું એક સોનેરી પન્નું હંમેશા માટે શબ્દસ્થ થયું. ભલે એ આજે હયાત નથી પણ એમના લાખો ચાહકોને હૃદયસ્થ છે.

---પારુલ ખખ્ખર