Featured Books
શ્રેણી
શેયર કરો

Darna Mana Hai-13 એડિનબર્ગનો ભૂતિયો કિલ્લો

ડરના મના હૈ

Darna Mana Hai-13 એડિનબર્ગનો ભૂતિયો કિલ્લો

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

ભેંકાર અંધકારમાં ભીની દીવાલને પીઠ અડાડીને ઊભેલી રેબેકાનાં હૃદયની ધડકનો તેજ હતી. વાસી, ભેજવાળી હવાની ગંધ તેને બેચેન બનાવી રહી હતી. કંઈક અગોચર, કંઈક અવિશ્વસનીય બનાવની સાક્ષી બનવા તે આતુર હતી. વાતાવરણમાં થતો સહેજ પણ ફેરફાર પામી લેવાનું ચૂકી ન જવાય એ માટે તે ભારે સચેત હતી. અંધારામાં કંઈ જ દેખાતું ન હોવા છતાં તે આંખો ફાડીને ઊભી હતી. કદાચ, ક્યાંક કંઈક દેખાય જાય..!

અચાનક તેને ઓરડીનાં એક ખૂણામાં કંઈક હલચલ જણાઈ. આંખો ઝીણી કરીને ધ્યાન આપતા તેણે મહેસૂસ કર્યું કે ત્યાં કોઈક શ્વાસ લઈ રહ્યું હતું. તેના હૃદયના ધબકારાની ગતિ તેજ થઈ. બે-પાંચ પળમાં જ શ્વાસોશ્વાસની ગતિ વધી, અવાજ વધુ મોટો અને સ્પષ્ટ થયો. રેબેકાનું શરીર પરસેવે રેબઝેબ થવા માંડ્યું. કાન પર લગાવેલા માઈક્રોફોનમાં તે હળવેકથી બોલી, ‘સર, મને કોઈકના શ્વાસોશ્વાસ એક ખૂણામાં સંભળાય છે.’

‘કેમેરા રેડી રાખ, રેબેકા.’ સામે છેડેથી કોઈ પુરુષનો અવાજ આવ્યો. રેબેકાની પકડ તેના હાથમાં રહેલા ડિજીટલ કેમેરા પર વધુ મજબૂત થઈ. શ્વાસોશ્વાસની ગતિ હવે ખરેખર ઝડપી બની રહી હતી. રેબેકાનાં પગ ડરનાં લીધે ધ્રૂજવા લાગ્યા. કદાચ પેલા શ્વાસોશ્વાસ રેબેકાની નજીક આવી રહ્યા હતા.

‘રેબેકા, કશું દેખાય છે તને?’ માઈક્રોફોનમાં અવાજ આવ્યો એટલે રેબેકાએ જવાબ આપ્યો, ‘અહીં કંઈક… કંઈક છે, સર!’

‘ફોટો પાડ! જલદી!’ માઈક્રોફોનમાંથી આદેશાત્મક અવાજ આવ્યો અને રેબેકા એ કેમેરાની ચાંપ દબાવી દીધી.

ક્લિક!

તેની બીજી જ પળે ઓરડીનો દરવાજો ‘ધડ’ કરતા ખૂલ્યો અને બે-ત્રણ પુરુષો અંદર ધસી આવ્યા. ઓરડીમાં અજવાળું રેલાયું અને રેબેકાએ પેલા પુરુષોને એક ખૂણા તરફ આંગળી ચીંધી. ત્યાં, એ ખૂણામાં, કંઈ જ નહોતું! પેલા શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા હતા. રેબેકા અને એના સાથી પુરુષો ફાટી આંખે, ધડકતા હૃદયે, ધ્રૂજતા શરીરે એ ખૂણા તરફ તાકી રહ્યા.

* * *

સ્કોટલૅન્ડ દેશના એડિનબર્ગ શહેરમાં એક તરફ દરિયા અને બીજી તરફ હરિયાળી ટેકરીઓ વચ્ચે એક કિલ્લો આવેલો છે. નિષ્ક્રિય જ્વાળામુખી પર્વતની ટોચે ઊભેલો એ કિલ્લો ‘એડિનબર્ગના કિલ્લા’ને નામે વિશ્વવિખ્યાત છે. છેક બારમી સદીમાં બંધાયેલા એ કિલ્લાના પરિસરમાં સદીઓ સુધી નાના-મોટા બાંધકામ થતા રહ્યા હતા એટલે વર્તમાનમાં તો એ કિલ્લો ખાસ્સા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. કિલ્લાની મજબૂત દીવાલો વચ્ચે શાહી મહેલ, રાષ્ટ્રીય સ્મારકો અને મ્યુઝિયમ તથા એક ચર્ચ પણ બનેલું છે. કિલ્લામાં એક અન્ડરગ્રાઉન્ડ જેલ પણ છે અને નજીકમાં જ ખાસ સૈનિકો માટે જ બનાવવામાં આવેલું એક કબ્રસ્તાન પણ ખરું. સન ૧૬૦૩ સુધી આ કિલ્લો રાજવી ઘરાનાનું રહેઠાણ હતો અને ત્યાર બાદ તેનો ઉપયોગ લશ્કરીમથક તરીકે કરવામાં આવતો હતો. ફ્રાંસ સાથે ચાલેલા સાત વર્ષ લાંબા યુદ્ધ સહિત અનેક યુદ્ધો અને વિગ્રહોનો સાક્ષી બનેલો આ કિલ્લો ઈતિહાસની તવારીખમાં કંઈ કેટલાયે રહસ્યો ધરબીને બેઠો છે. ભવ્ય ભૂતકાળ ધરાવતા આ ઐતિહાસિક કિલ્લાનો વિશ્વવિખ્યાત ટાઈમ મેગેઝિને દુનિયાનાં ટોચનાં ૧૦ સૌથી વધુ ભૂતિયા સ્થળોમાં સમાવેશ કર્યો છે.

એડિનબર્ગના કિલ્લામાં થતી ભૂતાવળઃ

એડિનબર્ગના કિલ્લામાં એક કરતાં અનેક ભૂતાવળ સદીઓથી થતી આવી છે. સન ૧૫૩૭માં લેડી ગ્લેમીસ નામની સ્ત્રી પર ડાકણ હોવાનો આરોપ લગાડી આ કિલ્લામાં જ કેસ ચલાવવામાં આવ્યો હતો. તેણીને નવજાત બાળકોનું ભક્ષણ કરી જવાના ગુનામાં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને કિલ્લાના પ્રાંગણમાં જ જાહેર જનતાની હાજરીમાં તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. કિલ્લાનાં જે હોલમાં લેડી ગ્લેમીસ ઉપર કેસ ચલાવવામાં આવ્યો હતો એ જ હોલમાં તેનું પ્રેત અવારનવાર દેખાતું રહ્યું છે.

લેડી ગ્લેમીસ ઉપરાંત મસ્તકવિહોણા એક ડ્રમર (શાહી તબલાવાદક)નું પ્રેત પણ કિલ્લાના અમુક ચોક્કસ ભાગમાં દેખાતું રહ્યું છે. ઘણીવાર તે ડ્રમર દેખાતો નથી પણ તેના ડ્રમનો સંગીતમય અવાજ સંભળાય છે. પાઈપર નામે ઓળખાતા એક શાહી બેન્ડવાળા પુરુષનું પ્રેત પણ કિલ્લાની પરસાળોમાં ભટકતું જોવા મળ્યું છે. જાણે કે કોઈ શાહી સમારંભની તૈયારી કરતો હોય એમ તે ખૂબ જ ગંભીરતાપૂર્વક વાજિંત્ર વગાડતો ચાલ્યો જતો દેખાય છે. એક કાળા કદાવર કૂતરાનું પ્રેત પણ કિલ્લાની બહાર આવેલા કબ્રસ્તાનમાં જમીન સૂંઘતું ફરતું દેખાતું રહે છે. એ કૂતરાનો માલિક કોણ હતો એ કદી જાણી શકાયું નથી, પરંતુ કહેવાય છે કે એ કોઈ સ્કોટીશ સિપાઈ હતો જેને એ કિલ્લાના પરિસરમાં બનેલા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. કૂતરાનું પ્રેત તેના માલિકની કબર શોધવા માટે જ જમીન સૂંઘતું ફરતું રહે છે, એવી વાયકા છે.

આ ઉપરાંત પણ વણઓળખાયેલા અનેક પ્રેત સદીઓથી એડિનબર્ગ કિલ્લામાં ભટકતાં જણાયા છે. તેમાંનાં મોટાભાગના યુદ્ધકેદીઓ હતા કે જેમને દેહાંતદંડની સજા આપવામાં આવી હતી. કિલ્લાની નીચે ભુલભુલામણી જેવી જેલ બનાવવામાં આવી છે જેમાં ૧૨૦ જેટલી અંધારી ઓરડીઓ છે. યુદ્ધ દરમિયાન પકડાયેલા દુશ્મન દેશના સિપાઈઓને આ અન્ડરગ્રાઉન્ડ જેલમાં કેદ કરવામાં આવતા હતા. તેમાનાં ઘણા ઉપર શારીરિક જુલમો કરવામાં આવતા. કેટલાકને કાયદેસર મોતની સજા સંભળાવવામાં આવતી તો કેટલાક અસહ્ય ટોર્ચર સહન ન થતાં અંધારી કોટડીઓમાં જ દમ તોડી દેતા. ગણી ન શકાય એટલી મોતની સાક્ષી બનેલી એ જેલની દીવાલો એટલે જ ભૂતાવળી બની ગઈ. કિલ્લામાં થતાં મોટા ભાગનાં ભૂતપ્રેત એ અંધારિયા ભોંયરામાં જ દેખા દેતા રહ્યા છે.

ભૂતિયા કિલ્લા વિશેનું રસપ્રદ સંશોધનઃ

દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં આવેલ શહેર હર્ટ ફોર્ડ શાયરની યુનિવર્સિટીના મનોચિકિત્સક ડૉ. રિચર્ડ વાઈઝમેનને એડિનબર્ગના કિલ્લામાં થતી ભૂતાવળો વિશે સાંભળીને એ ભૂતિયા કિલ્લા વિશે સંશોધન કરવાનું મન થયું. એડિનબર્ગ ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનાં એક ભાગરૂપે તેમણે આ કાર્ય કરવાનું બીડું ઝડપ્યું. વર્ષ ર૦૦૧માં ૬ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમિયાન એમના દ્વારા એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો. અગોચર શક્તિઓને સાબિતિ મેળવવા માટે વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરવામાં આવેલું એ દુનિયાનું સૌથી મોટું સંશોધન હતું.

આ પ્રોજેક્ટ માટે યુરોપની મુલાકાતે આવેલા અલગ અલગ દેશોના ર૪૦ સ્વયંસેવકો પસંદ કરવામાં આવ્યા હતા. તેઓને મળીને એડિનબર્ગના કિલ્લા વિશેનું તેમનું જ્ઞાન તપાસવામાં આવ્યું અને જેઓ કિલ્લા વિશે ઝાઝી માહિતી નહોતા ધરાવતા તેમને જ પસંદ કરવામાં આવ્યા હતા. કિલ્લાના ભોંયરામાં કઈ કોટડી કે ઓરડીમાં અને કયા હોલમાં ભૂતાવળ થતી એના વિશે કોઈ પણ સ્વયંસેવકને કંઈ પણ કહેવામાં આવ્યું નહોતું કે જેથી તેમનો તટસ્થ અભિપ્રાય મળી શકે.

સંશોધનનો નિચોડઃ

૧૦ દિવસના અભ્યાસ કાર્યક્રમ માટે ૧૦-૧૦ની કુલ ર૪ ટીમ બનાવવામાં આવી હતી. બધી જ ટીમોને થર્મલ ઈમેજર, જીઓ-મેગ્નેટીક સેન્સર, તાપમાનમાપક, નાઈટવિઝન કેમેરા જેવા અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી અને પછી રાતનાં સમયે કિલ્લાનાં અલગ અલગ હિસ્સામાં તેમને લઈ જવામાં આવ્યા. સંશોધન પ્રોજેક્ટના પત્યા બાદ ચોંકાવનારા પરિણામો મળ્યા. અડધાથી વધુ સ્વયંસેવકોને ભૂતિયા અનુભવો થયા હતા. અગાઉ ભૂતિયા પ્રવૃત્તિઓ થતી હતી એ તમામ જગ્યાઓ અને કોટડીઓમાં જેનો ખુલાસો ન આપી શકાય એવા અનુભવો સ્વયંસેવકોને થયા, જેમ કે તાપમાનમાં અચાનક ઘટાડો થવો, પડછાયા દેખાવા અને કોઈક અદૃશ્ય શક્તિ તેમને તાકી રહી હોવાની વિચિત્ર લાગણી થવી. એક સ્વયંસેવકના ઘૂંટણથી લઈને પગની પાની સુધીની ચામડી રહસ્યમય ઢબે દાઝી ગઈ હતી તો એક મહિલા સ્વયંસેવકે પોતાની ગરદન પર કોઈક અદૃશ્ય હાથનો ઠંડો સ્પર્શ મહેસૂસ કર્યો હતો! દસથી વધુ સ્વયંસેવકોના વસ્ત્રો ખેંચાયાની ઘટના બની હતી. સૌથી વધુ ભૂતાવળ થતી હોવાનું કહેવાતું હતું એવી એક કોટડીમાં પેલી રેબેકા નામની યુવતીને પૂરી દેવામાં આવી હતી. તેણે જે ફોટો પાડ્યો હતો તેમાં એક સફેદ ધુમ્મસીયું ધાબું દેખાયું હતું. આવા જ ધાબાં કેમેરામાં અંકિત કરી લેવામાં બીજા ત્રણ સ્વયંસેવકોને પણ સફળતા મળી હતી.

વાયકાઓ, અફવાઓ અને અંધશ્રદ્ધાથી ન દોરવાઈ જતાં ડૉ. વાઈઝમેને શક્ય એટલા વધુ વૈજ્ઞાનિક પરિણામો મેળવવાની કોશિશ કરી હતી. તેમણે જે ફાઈનલ રિપોર્ટ બનાવ્યો તેમાં લખ્યું, ‘તાપમાનમાં અચાનક થયેલા ઘટાડાને સહજ ગણીને ટાળી શકાય. વસ્ત્રો ખેંચાવા કે ચામડી પર કોઈકનાં અદૃશ્ય હાથનો સ્પર્શ થવા જેવા અનુભવોને પણ ભ્રમણામાં ખપાવી શકાય, પરંતુ કોઈ પણ દેખીતા કારણ વગર ચામડી દાઝી જાય એ ઘટનાનો શો ખુલાસો આપી શકાય? ચાર જેટલા ફોટોગ્રાફ્સ (કે જે કિલ્લામાં અલગ અલગ જગ્યાએ લેવામાં આવ્યા હતાં)માં દેખાતા ધુમ્મસિયા સફેદ ધાબાંને કેમ નજરઅંદાજ કરી શકાય. ફોટોગ્રાફ્સના વિશેષ પૃથક્કરણ બાદ પણ કોઈ કહી શકતું નથી કે એ ધાબાં શું છે? આ પ્રોજેક્ટનો હેતુ સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો કે અગોચર શક્તિઓનાં અસ્તિત્વને સાબિત કરવાનો હરગિઝ નથી, પરંતુ એડિનબર્ગના એ કિલ્લામાં ચોક્ક્સ જ કંઈક એવું છે જે આપણી સમજશક્તિથી પર છે. કંઈક એવું જેનો વિજ્ઞાન પાસે કોઈ જવાબ નથી.’

ભૂતિયા કિલ્લામાં ભ્રમણઃ

ફ્રેન હોલિન્રેક નામની મહિલા વર્ષોથી આ કિલ્લામાં ભૂતિયા ટૂરનું આયોજન કરે છે. તેણીને કદી કોઈ પ્રેત દેખાયા નથી, પરંતુ તેના પ્રવાસીઓ પૈકી ઘણાં છે જેમણે કિલ્લામાં ભૂતાવળ જોવાનાં દાવા કર્યા છે. લગભગ દર થોડા દિવસે અહીં ભૂત જોયાના દાવા પ્રવાસીઓ દ્વારા થતાં રહે છે, એટલે એડિનબર્ગનો આ વિશાળ, ઐતિહાસિક, ભવ્ય અને ભૂતાવળો કિલ્લો સદીઓથી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યો છે અને આકર્ષતો રહેશે.