Aah munnar... Vaah munnar books and stories free download online pdf in Gujarati

આહ મુન્નાર...વાહ મુન્નાર

Name:Parul H. Khakhar

Email:

‘આહ… મુન્નાર વાહ… મુન્નાર’

આમ તો સમગ્ર કેરળ 'દેવભૂમિ' કહેવાય છે, પરંતુ ઇડ્ડુકી જિલ્લાનું હિલ સ્ટેશન એવું મુન્નાર તો 'દેવના શિર પરનો મુગટ' કહી શકાય એટલું મનોરમ્ય છે. શૈશવથી આજ સુધી મેં અનેક પ્રવાસો કર્યા હશે, પણ આ મુન્નારના પ્રવાસની છાપ મારી અંદર હજીય તાજી છે. ‘મુન્નાર’ એ તમિલ અને મલયાલમ ભાષાના બે શબ્દ ‘મુન’ અને ‘આરુ’ પરથી ઊતરી આવ્યો છે. જેનો અનુક્રમે અર્થ થાય છે ‘ત્રણ’ અને ‘નદી’. આ સ્થળ ત્રણ નદીના સંગમ પર આવેલ હોવાથી મુન્નાર કહેવાયું. અપાર પ્રાકૃતિક સૌંદર્ય અને મનોરમ્ય વાતાવરણ હોવા છતાં ૧૯૯૦ સુધી આ સ્થળ સુષુપ્ત અવસ્થામાં હતું. રાજ્ય સરકારે કેરળને ‘ગોડ્સ ઑન કન્ટ્ર્રી’ તરીકે પ્રસિદ્ધિ અપાવી અને પર્યટન માટેની સુવિધાઓ વિકસાવી. ધીમે ધીમે તેની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગી અને લોકો કેરળને માણવા આવવા લાગ્યાં. હું પણ મારા પરિવાર સાથે કેરળને માણવા નીકળી પડી. આમ તો પેકેજટૂરમાં ગયાં હોવાથી મનગમતી રીતે ફરી ન શકાય, પરંતુ નિર્ધારિત ટાઇમટેબલ મુજબ મજા તો માણી જ શકાય ને! આમ પણ મજા કોઈ ટાઇમટેબલની મોહતાજ નથી.

નવેમ્બરના પહેલા દિવસે વહેલી સવારે ફ્રેશ થઈને અમે થેક્કડ્ડીથી મુન્નાર જવાં નીકળ્યાં. આમ તો બન્ને સ્થળ વચ્ચેનું અંતર માત્ર ૧૦૦ કિલોમીટર જ છે, પરંતુ પર્વતીય રસ્તાઓમાં બસ ધીમી ચાલે અને આપણે ય વળી ક્યાં ઉતાવળ હતી! મુખ્ય રસ્તે ચડતાં જ એમ થયુ કે આહા... સફર આવી અદભુત છે તો તો મંઝિલ કેવી હશે? બસમાં કોઇ ટોળટપ્પાં કરતાં હતાં, કોઈ મૂવી જોતાં હતાં, કોઇ મ્યુઝિક સાંભળતાં હતાં, પણ આપણા રામ તો આંખો ફાડી ફાડીને બારી બહારનાં દૃશ્યોને નજરમાં કેદ કરી રહ્યાં હતાં. રોડની બન્ને તરફ જાણે કોઈએ ગાલીચા પાથર્યા હોય તેમ લીલા બેકગ્રાઉન્ડમાં જાંબલી અને પીળા ફૂલોની રંગછટા વેરાયેલી હતી. આંખ મટકું મારવાનુ ભૂલી જાય એ હદે નજારો ખીલ્યો હતો અને હું મનમાં ગણગણી રહી હતી 'સુહાના સફર ઔર યે મૌસમ હસીં, હમેં ડર હૈ હમ ખો ન જાયે કહીં'. આ એક એવી સફર હતી કે જે અંદર પણ શરુ થઇ રહી હતી.આ ગીતનાં શબ્દો એ માત્ર શબ્દો કે સંગીત ન રહેતાં આખા ગીતને જાણે જીવી રહી હતી.

જ્યાં જ્યાં નજર પડે ત્યાં ઊંચાં ઊંચાં પર્વતો અને એનાં ઢોળાવ પર વવાયેલા ચાના બગીચાઓ! આહા... દિલ બાગ બાગ થવા લાગ્યું. ખૂબ ચોકસાઈથી વવાયેલા ચાનાં છોડ એક અનોખી દૃશ્યાવલિ ઊભી કરી રહ્યાં હતાં. રસ્તામાં વચ્ચે વચ્ચે આવતાં ઝરણાંઓ પણ સુધાપાન કરાવતાં જાય, ગગનમાં ઉમટી આવતા વાદળો અવનવી રંગોળી રચાવતાં જાય અને લીલી પૃષ્ઠભૂમિમાં ઊભું થતું આ આખું ચિત્ર મનમોહક આભા આપતું જાય. એમ થતું હતું જાણે આમ જ આખી જિંદગી આ સફર ચાલ્યા જ કરે...!

રસ્તામાં એકાદ વિરામ પર ફ્રેશ થવાં ઊતર્યા. અહીંયાં ખૂબ કાગડાં જોવા મળી ગયાં. આમ તો ચકલી અને કાગડાં દેખાતા બંધ થવા લાગ્યાં છે ત્યારે એકસાથે આટલા બધાં કાગડાંને જોઈને રાજીપો થયો અને કેરળને સલામ કરવાનું મન થયું કે ચાલો તમારી હરિયાળીએ લુપ્ત થતાં પક્ષીઓને સાચવ્યાં છે. ચા-કોફીની ચૂસ્કી લઈ ફરી મંઝિલની દિશામાં આગળ વધ્યા. લીલાછમ્મ પર્વતોને કાનમાં કહી દેવાયું... 'તેરે સંગ સિમ્પલ સી કોફી ભી કીક દેતી હૈ'. આ કુદરતી સૌંદર્યનો નશો પણ અજીબ હોય છે. આમ જ અમે એ કીકના નશામાં આગળ વધતાં રહ્યાં. મુન્નારથી નજીક પહોંચવા આવ્યાં ત્યારે એક નાનકડો ધોધ જોવા મળ્યો, પ્રવાસીઓ તો ઘેલાં ઘેલાં થતાં ઊતરી પડ્યાં. લોખંડની જાળી બાંધેલ જગ્યા પર ઊભા રહી ફોટો પડાવ્યાં. મકાઈનાં ડોડાં, પાઇનેપલ, કાચીકેરી વગેરેની મજા માણતાં હતાં ત્યાં જ એક રીક્ષા આવીને ઊભી રહી તેમાં રોસ્ટેડ કાજુ-બદામનાં પેકેટ મળતાં હતાં. બધાંએ ખૂબ ખરીદી કરી, પણ હું તો થાળીમાં સુખડીનાં ચક્તાં પાડ્યાં હોય એવાં ચાનાં બગીચા જોવામાં જ ગુલતાન! અમારી ટૂરનાં મેનેજરે માહિતી આપી કે અહીંયાં ‘નીલકુરીંજી’ નામનું એક ફૂલ ખીલે છે. દર બાર વર્ષે તેના છોડ ઊગે, તેનાં પર જાંબૂડીયા-ભૂરા ઢગલાબંધ ફૂલો ખીલે. બધાં છોડ એકસાથે મૃત્યુ પામે. જમીનમાં તેનાં બીજ સચવાઈ રહે. ફરી બાર વર્ષે તે ખીલે. છેલ્લે ૨૦૦૬ માં ખીલ્યાં હતાં.અમે એ ફૂલને નહી જોઇ શકીએ એ વાતનો ખેદ થયો.

લગભગ ૧.૩૦ વાગ્યે મુન્નાર પહોંચ્યા. જરાય ગરમી કે તડકાનું નામોનિશાન જોવા ન મળે, ચારે બાજુ ફક્ત ઠંડકભરી તાજગીનો અનુભવ થયા કરે! અમને મળેલી હોટેલ સારી હતી. કોર્નરની રૂમ મળી હતી એટલે પાછળનું આખું દૃશ્ય એક સુંદર ચિત્રની જેમ આંખ સામે આવી જતું હતું. બાલ્કનીમાં ઊભા રહો એટલે પાછળ વહેતી નદી, કિનારા પરનાં વૃક્ષો, ઢાળ પરનાં ચાનાં બગીચા, છૂટીછવાઈ ઝૂંપડીઓ અને નજીકમાંથી નીકળતો ધૂમાડો - આ બધું જાણે સ્વર્ગની ઝાંખી કરાવતું હતું. એ ધૂમાડો જોઈ એક પંક્તિ યાદ આવી ગઈ

'નદીકિનારે ધૂંઆ ઊઠે મૈં જાનું કુછ હોય,

જિસ કારન મૈં જોગન બની કહીં વો હી ન જલતા હોય.'

જમવાનો સમય થતાં જ સરસ ગુજરાતી ભોજન જમ્યાં, પેકેજ ટૂરમાં જમવા બાબતે કોઈ ચિંતા નહીં! એ લોકો સહેરાનાં રણમાં પણ દાળઢોકળી ખવરાવે! જમીને આરામ કર્યો. સાંજે બજારમાં ચક્કર મારવા નીકળ્યાં. આ સાવ નાનું સેન્ટર હોવા છતાં સી.ટી. બસની તથા શેરિંગ રીક્ષાની પ્રશંસનીય વ્યવસ્થા છે, ભાવમાં જરાય લૂંટણબાજી નહીં. સલામ કરવાનું મન થઈ આવે. મુખ્ય બજારમાં નાનકડું દેવળ છે. શાંત અને સૌમ્ય ઈસુને જોઈને કોઈપણ ધર્મનાં માણસને વંદન કરવાનું મન થઈ આવે. અહીં આખી બજારમાં અનેક પ્રકારની દુકાનો છે. મુખ્યત્વે ચા, કોફી, તેજાના, સુખડનો સાબૂ, સૂકોમેવો વગેરે મળે છે. હોમમેડ ચોકલેટ્સનો ખજાનો મળી જાય. અમે ચા-કોફીની ખરીદી કરી.

આખા કેરળમાં કોઈ કામ વગર મોબાઇલ ફોનને મચડતાં ન દેખાયાં. મોટા ભાગનાં લોકોનાં હાથમાં સાદા ફોન જ જોવા મળે, સ્માર્ટ ફોન પણ નહીં. સ્ત્રીઓ અને પુરુષોનાં વાન તથાં વાળ બન્ને કાળાભમ્મર. કામકાજી સ્ત્રીઓ સિવાય સ્ત્રીઓ બહુ ઓછી જોવા મળે. આ લોકોનાં પહેરવેશ પણ સાવ સાદાં. પુરુષો શર્ટ અને લૂંગી અથવા પેન્ટ, સ્ત્રીઓ મોટેભાગે સાડી અને છોકરીઓ પંજાબી ડ્રેસ પહેરે.સ્ત્રીઓનાં વાળમાં મોગરાનાં ફૂલની વેણી અચૂક જોવા મળે. કપાળમાં ચાંદલો આ સ્ત્રીઓને બહુ શોભે. ઘણાં ખરા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે. અનેક જગ્યાએ 'ચે ગુઆરા'નાં ફોટોવાળા ઝંડા જોવા મળ્યાં. ક્યાંક ક્યાંક છોકરાઓનાં ટી-શર્ટ પર પણ એ ફોટો દેખાયા કરે. મને નવાઈ લાગતા મેં પૂછ્યું ત્યારે પતિદેવે કહ્યું કે આ લોકો સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત છે. બસ, આવી બધી નાની નાની નોંધ લેતાં લેતાં હોટેલ પર પાછા આવ્યાં. રાત્રે જમીને બેઠાં હતાં ત્યારે એક ગ્રુપનાં પુરુષોએ લૂંગી ડાન્સ કર્યો, અમે પત્તા રમ્યાં અને સૂઈ ગયાં. મારી અર્ધજાગ્રત ચેતનામાં જાંબલી અને પીળા ફૂલોની ચાદર પથરાઈ હતી અને હું હળવે હળવે તેનાં પર ચાલતી ચાલતી નિદ્રાદેવીને શરણે જઈ રહી હતી.

બીજે દિવસે વહેલા ઊઠી ધુમ્મ્સભરી સવારે મોર્નિંગવૉક લેવા નીકળી પડ્યાં. હિલ સ્ટેશનની સવારો બહુ માદક હોય છે, એનાં નશામાં ચૂર ન થાઓ તો જ નવાઈ! આખા દિવસમાં ન દેખાયા હોય તેવાં દ્શ્યો વહેલી સવારે જોવા મળી જાય. કુદરત જાણે ઝાકળમાં નાહીને સૂર્યની પ્રતીક્ષામાં બેઠેલી દુલ્હન જેવી તાજીતાજી લાગે. આસપાસ કોઈ અવાજ નહીં, કોઈ પ્રદૂષણ નહીં. માત્ર કુદરત, આપણે અને પક્ષીઓ... કેવો સુભગ સંગમ! રોડની કિનારીએ ઊગેલાં જંગલી પુષ્પો જાણે હળવેકથી ઇશારા કરતા લાગે કે 'આવતા જતાં જરા નજર તો નાખતા જજો, બીજું તો કંઈ નહીં, પરંતુ કેમ છો કહેતા જજો.' બસ... આમ જ મસ્તીભર્યા વાતાવરણમાં હોટેલ પર પાછા ફર્યા... પણ હજુ ઘણું જોવાનું બાકી હતું – બહારથી અને અંદરથી...

ખૈર, ફટાફટ તૈયાર થઈ 'વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી' જવા નીકળી પડ્યાં. અમુક નિયત સ્થળ સુધી જ આપણું વાહન જઈ શકે પછી તો 'કેરાલા ટુરિઝમ'ની મિનિ બસનો જ ઉપયોગ કરવાનો રહે છે. સુવ્યવસ્થિત લાઈનમાં ઊભા રહીને આગળ વધતાં રહ્યાં. ટિકિટ લઈને આગળ વધ્યાં ત્યાં તો સઘન ચેકિંગ શરૂ થયું. પર્સ સિવાયનો કોઈ સામાન લઈ જવા ન દે. પર્સનો પણ ખૂણેખૂણો ચેક કરવામાં આવે. નાની અમસ્તી ચોકલેટ પણ સાથે નહીં લઈ જવાની. કેરળને સ્વચ્છ રાખવાનું અભિયાન ખરેખર અભિનંદનીય છે. સુંદર વળાંકો પરથી પસાર થતાં થતાં ઉપર પહોંચ્યા. ત્યાં એક નાનક્ડી ફોટો ગેલેરી છે જેમાં કેરાલાનાં મુખ્ય પશુ-પક્ષીઓની તસવીરો તથા સુંદર માહિતી આપવામાં આવી છે, પરંતુ પેકેજ ટૂરનાં મુસાફરોને એ બધું વાંચવાનો સમય મળે નહીં. ફોટાનાં પણ ફોટા પાડીને આગળ વધ્યાં.

હવે ઉપર ચાલીને જવાનું હતું. ત્યાં ફરી ચેકપોસ્ટ આવી. લોકોએ સંતાડી રાખેલી ખાવાપીવાની વસ્તુઓ પણ કઢાવવામાં આવી. હવે આગળ એક તરફ ઢોળાવવાળા રસ્તાઓ અને એક તરફ સપાટ પથ્થરો હતાં. અમને કહેવામાં આવ્યું કે આસપાસ નજર કરતાં રહેજો ક્યાંક પશુઓ જોવા મળી જાય, પરંતુ એ બાબતમાં નિરાશા જ મળી. એકાદ બે ‘નીલગીરી થાર’ જોવા મળી બસ... બીજું કશું નહીં. એ દેખાવમાં ગધેડો, ઘોડો અને બકરીનું મિશ્રણ હોય એવું લાગે. આ પ્રાણી પણ હવે કેરળમાંથી લુપ્ત થઈ રહ્યું છે. મને લાગે છે કે રોજનાં આટલા બધાં પ્રવાસીઓની ભીડને કારણે કદાચ આ વિસ્તારમાં પ્રાણીઓ નહીં ફરકતા હોય. જેને જોવા માટે આ જગ્યાને વિકસાવવામાં આવી એ જ ચાલ્યા જાય તેવી પરિસ્થિતિ કેવી દયનીય કહેવાય!

સૌ પોતાના ગ્રુપમાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં અચાનક પતિદેવને તુક્કો સૂઝ્યો! એ કહે તમે લોકો સીધા રસ્તે જાઓ હું શોર્ટકટમાં સીધો ઉપર આવું છું. મેં સમજાવ્યું કે આવી અજાણી જગ્યા પર જોખમ ન લેવાય. પણ માને તો શાના! આખરે તો ટ્રેકિંગનો જીવ ને! એ તો ચડવા લાગ્યા ફટાફટ... અમે અડધે ન પહોંચ્યા ત્યાં તો એ છેક સુધી પહોંચી ગયા. ત્યાં તો નીચે રહેલા ગાર્ડનું ધ્યાન ગયું. એ તો સીટીઓ મારતો મારતો પાછળ ગયો અને પતિદેવને નીચે ઉતાર્યા. કહે કે 'નિયમ એટલે નિયમ'. બધાં આમ પોતાની રીતે ચડવા લાગે તો તો અકસ્માતનું જોખમ વધી જાય. અમારાથી તમને આ રીતે ઉપર ન જવા દેવાય. ફરી સલામ કરવાનું મન થઈ આવે કે પ્રવાસીઓની જિંદગી એમને મન કેટલી કિંમતી છે! નોકરી માત્ર કરવા ખાતર નથી કરતાં આ લોકો.

બાળકો ખિસ્સામાં સંતાડી રાખેલ ચોકલેટ્સ ખાવા લાગ્યાં, પણ હા... રેપર્સ પોતાના ખિસ્સામાં નાખી દીધાં મને એ બાળકોને પણ સલામ કરવાનું મન થઈ આવ્યું. હા... યાર બાળક છે. મનને થોડા કાબૂમાં રાખી શકવાના? પણ સ્વચ્છતાનું મહત્ત્વ સમજે એટલે ભયો ભયો. ખૈર... ચેરિટી હોય કે સ્વચ્છતા શરૂઆત પોતાનાથી જ કરવાની રહે. અને આ બધું આવા જાહેર સ્થળો એ જ જોવા મળે બાકી વાતોનાં વડા કરવામાં ક્યાં કોઈ ટેક્સ લાગે છે! ઉપર ખાસ કંઈ જોવા ન મળ્યુ પણ ધક્કો નકામો પણ ન ગયો ઉપરથી દેખાતાં મનોહર દૃશ્યો ક્યાં જોવાં મળત! નજીકમાં એક નાનકડું ઝરણું હતું એનું ખરા અર્થમાં મિનરલ વોટર ખોબે ખોબે પીને સંતૃપ્ત થયાં અને નીચે આવવા નીકળ્યાં.

ચેકપોસ્ટ પાસે એક નાનકડી રેસ્ટોરન્ટ છે, જેમાં ચા-કોફી-આઇસક્રીમ મળે છે. પેકેટનાં નાસ્તાનું અહીંયાં સાવ ઓછું ચલણ છે. કદાચ એટલે જ અહીંયાં પ્લાસ્ટિક રખડતું જોવા નથી મળતું. બજારમાં પણ બધી વસ્તુઓ કાગળનાં પેકિંગમાં જ મળે.' પ્લાસ્ટિક ફ્રી કેરળ' ખરા અર્થમાં સાર્થક થતું લાગે. સુંદર દૃશ્યો જોતાંજોતાં નીચે ઊતર્યાં. અહીંયાં ગાજરનાં પૂળાંઓ અને મકાઈ મન લોભાવતા હતાં પણ આપણા રામ તો પાઇનેપલ અને કાચી કેરીનાં જ ભોગી! હજુ તો ૧૧.૩૦ થઈ હતી. જમવાને વાર હતી એટલે ચાનું મ્યુઝિયમ જોવાં ગયાં. ત્યાં ચા વિશેની અઢળક માહિતી અને ચા બનાવવાની પ્રક્રિયા જોવા મળી.

ચા વિશે ઘણી માહિતી મળી કે ચા એ છોડ નથી પણ વૃક્ષ છે. જે ૨૫ ફૂટ ઊંચાં ઊગી શકે પરંતુ પાન તોડવા માટે સરળ પડે એટલી જ ઊંચાઈ રાખીને તેને કાપતા રહેવા પડે છે. ચાનાં છોડને એક વખત વાવ્યાં પછી વર્ષો સુધી ફરીથી વાવવા ન પડે. ચા ત્રણ પ્રકારની હોય છે સફેદ,લીલી અને કાળી. ટોચનાં કૂણાં પાનમાંથી બનતી સફેદ ચા ક્વોલિટીમાં બેસ્ટ અને મોંઘી હોય છે. જ્યારે મધ્યમ પાનમાંથી બનતી લીલી ચા ગુણવત્તા અને ભાવ બન્નેમાં મધ્યમ હોય છે, જ્યારે સૌથી નીચેનાં પાકા પાનમાંથી બનતી કાળી ચા ગુણવત્તા અને ભાવમાં નબળી હોય છે. ઉપરનાં કૂણા પાન હાથેથી તોડવામાં આવે છે અને પાકા પાન મશીનથી કટ થાય છે. ચૂંટેલા પાનને ફેકટરીમાં લઈ જવાય છે ત્યાં મોટા જાળીદાર ચારણામાં છૂટાં પાડવામાં આવે છે. ત્યાર બાદ તેની નીચેથી હવા પસાર કરીને પાનને સૂકવવામાં આવે છે ત્યારબાદ ચાર તબક્કામાં કટિંગ થાય, પછી ૪૦ મિનિટ સુધી ૧૪૦ ડિગ્રી ગરમી આપી સાવ સૂકવી દેવાય છે. તેથી તે દાણા સ્વરૂપે બહાર આવે છે. પછી એને સાઇઝ પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે અને ત્યાંથી પેકિંગમાં જાય છે. કાળી ચામાં પણ છ પ્રકાર હોય છે એમાં મોટો દાણો હોય છે તે સ્વાદ અને સુગંધમાં શ્રેષ્ઠ ગણાય, પણ ડાર્ક કલર ન આવે. જેમ જેમ દાણો નાનો થતો જાય તેમ તેમ કલર ડાર્ક આવે, પણ સુગંધ ઓછી થતી જાય. સૌથી નબળી ડસ્ટ આવે. સાવ ભૂકી હોય.

આ બધું જોવામાં સમય ક્યાં પસાર થયો ખબર જ ન પડી. બધી માહિતી મેળવીને બે કલાકે મ્યુઝિયમની બહાર નીક્ળ્યાં ત્યાં ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો.શરીર તો કોરું રહ્યું પણ મન જાણે એ ઝરમરિયાં ઝીલવા ક્યાંક અધવચ્ચે જ રોકાઇ ગયું. બસમાં બેસી હોટેલ પર આવ્યા. જમીને તરત 'આરામ હરામ હૈ' કરીને નીકળી પડ્યાં. હવે એક તળાવ પર જવાનું હતું. જે મટ્ટુપેટ્ટી ડેમનાં પાણીથી ભરાયેલ છે. ખૂબ સુંદર જગ્યા છે. અહીંયાં બધા સ્પીડ બોટની મજા લેવા આવે છે. લાંબી લાંબી લાઇનો લગાવીને લોકો રાહ જોતા ઊભાં રહે છે અમે પણ ટિકિટ લીધી. વારો આવતા જ લાઇફ જેકેટ પહેરાવી ને અમને બોટમાં બેસાડ્યાં. એક બોટમાં ચારથી વધુ માણસો ન બેસી શકે. પાંચમો ડ્રાઇવર. બોટમાં બેસતાં જ એ તો છૂ...ઉ...ઉ...ઉ...મ... કરતી ઉપડી. ખરેખર સ્પીડની મજા અનોખી જ હોય છે. હું તો આંખોથી આસપાસના સૌંદર્યને પી રહી હતી.વૃક્ષો, વાદળો અને પર્વતોની વચ્ચે આ તળાવ જાણે કોઈ સ્વપ્નલોક જેવું લાગતું હતું. ભૂત-ભવિષ્ય-વર્તમાન સ્થિર થઈ ગયાં હતાં. ચાલતાં હતાં તો માત્ર શ્વાસ અને બોટ! કોઈ નમણી નારની ચાલની જેમ જ બોટનો ડ્રાઇવર એને લટકાં-ઝટકાં આપી રહ્યો હતો. એનાં દરેક વળાંકે મોઢામાંથી 'હા...યે' નીકળી જતું હતું. લગભગ વીસ મિનિટ ચાલેલી આ રોમાંચક રાઇડનો અનુભવ લઈને બહાર આવ્યા. બધાંની જીભ પર એક જ વાક્ય હતું 'પૈસા વસૂલ છે બોસ્સ'.

બહાર આવીને ચા પીધી. અહીંયાં ચામાં મસાલાનું એસંસ નાંખ્યું હતું. દસ કપ ચામાં બે ટીપાં એસંસ નાખો એટલે ધમધમાટ! જોકે મને ન ભાવી. મારે તો પાઇનેપલ અને કાચી કેરી ઝિંદાબાદ. હા...હા...હા. ધીમેધીમે વાદળાં બંધાઈ રહ્યાં હતાં. ફટાફટ બસમાં બેસી ગયાં, પણ સાંકડા રસ્તા અને ટ્રાફિક જામ! બધાંને આગળ જવું હતું , ઉતાવળ હતી, વરસાદ માથા પર જ હતો, પરંતુ એક પણ ડ્રાઇવર શિસ્ત ન છોડે, કોઈએ વચ્ચેથી ઘૂસવાની કોશિશ ન કરી. મને ફરી એક વખત સલામ કરવાનું મન થઈ ગયું! આપણે કેવી નાનીનાની બાબતોમાં મૂલ્યો અને નીતિમત્તાને નેવે મૂકી દેતા હોઈએ છીએ! જાણે મનનું સાંભળીએ જ નહીં.

ખૈર... ધીમે ધીમે રસ્તો કાઢતાં કાઢતાં આગળ વધ્યાં. હવે પછી 'ઇકો પોઇન્ટ' જવાનું હતું.આ જગ્યા એટલે એક નદીકિનારો. આ કિનારા પર ઊભા રહી બૂમ પાડો એટલે સામેથી પડઘો પડે. આમ જુઓ તો આપણે બધાં અંદર એક 'ઇકો ઇફેક્ટ' લઈને જ બેઠાં છીએ ને? જ્યાં મન મળે ત્યાં આપણી ભાવનાનો પડઘો જરૂર પડે. આપણને સંભળાય તો ને! કેવાં બધીર થયાં આપણે! આંખ,કાન અને મગજ સજાગ હોય તો ડગલે ને પગલે તત્ત્વજ્ઞાન મળી આવે છે.

આ જગ્યા ઠીક હતી. બહુ મજા ન આવી. બજાર ખાસ્સી મોટી છે. ખરીદીમાં તો મને રસ જ નહીં એટલે આંટા-ફેરા ને આશીર્વાદ. જોકે નદીનો સામો કિનારો બહુ સુંદર દેખાતો હતો. બોટની વ્યવ્યસ્થા હોત તો જરૂર ત્યાં ગયા હોત. બધાં બસ તરફ ચાલવા લાગ્યાં ત્યાં જ જોરદાર વરસાદ તૂટી પડ્યો. દોડીને બસમાં બેઠાં. હજુ તો સાંજના પાંચ જ વાગ્યા હતાં, પરંતુ આકાશ કાળુંડિબાંગ થયું હતું. ચારે તરફ ધુમ્મસ, વાદળ ,વરસાદ અને ઉપરથી અંધારું ઘોર! રમેશ પારેખની રચના યાદ આવવા લાગી.

'આકળ વીકળ આંખ કાન વરસાદ ભીંજવે,

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.'

બધા પ્રવાસીઓ થાક્યાં હતાં એટલે સૂઈ ગયાં. મને ઊંઘ ન આવી. બારી બહાર નજર નાખી તો કશું દેખાતું ન હતું. અચાનક મારી નજર બારીનાં કાચ પર ગઈ. એક પીળું થયેલું પાન બારીનાં કાચ પર ચીટકી ગયું હતું. મને લાગ્યું ચાલો, કોઈ તો જાગે છે મારી સાથે! હું એ પાંદડાને મુગ્ધતાથી જોતી રહી. ખૂબ પવન હોવા છતાં એ હલ્યું નહીં. આટલો વરસાદ હોવા છતાં એ એ પોતાની જગ્યા પર સ્થિર રહ્યું. બસની છત પરથી પાણીનાં રેલાં ઉતરતાં હતાં તો પણ તે તો ન હલ્યું, ન ખર્યું,ન ઊડ્યું! હું તો એની સ્થિતપ્રજ્ઞતા પર વારી ગઈ! મને થયું કેવી અજાયબી છે ઈશ્વરની! શું આપણે પણ આમ જળકમળવત્ ન રહી શકીએ? સુખના વરસાદો અપણને ન ભીંજવી શકે, દુઃખનાં તોફાનો આપણને ન વિખેરી શકે એવી સ્થિતિ પર આપણે કેમ ન પહોંચી શકીએ? ખૈર... ભારેખમ વિચારો ખંખેરી કાનમાં ઇઅરપ્લગ ભરાવ્યા, પ્લેલિસ્ટ ચાલું કર્યું અને સંભળાતું રહ્યું 'બસ તેરી, બસ તેરી ધૂમધામ હૈ, બસ તેરી, બસ તેરી ધૂમ...' અંધારભર્યા સન્નાટાને ચીરતી બસ આગળ ચાલી રહી હતી અને હું એ સંગીતમય અંધકારનાં નશામાં ડૂબતી જતી હતી. દરેક દિવસની એક રાત હોય છે એમ દરેક સફરનો એક અંત પણ હોય છે એ ન્યાયે હોટેલ પર પરત આવ્યાં.

હજીયે પેલી ધૂમધામનો નશો યથાવત્ હતો. શરીર યંત્રવત્ જમતું હતું, સામાન પેક કરતું હતું, બીજા દિવસની સવારને વધાવવા એલાર્મ સેટ કરતું હતું, પણ મન તો એક જ વિચાર પર સેટ થયેલું હતું. રૂમની બન્ને દીવાલો પરની મોટી મોટી કાચની બારીઓ પર બાઝેલાં ધુમ્મસમાંથી યે પેલું પીળું પાન શોધતું હતું. કદાચ એ રાત હજારો રાત પછીની એક અવર્ણનીય રાત બની રહી. ક્યારે હું અને પેલું પાન એકાકાર થયાં, ક્યારે એ પાનની સ્થિતપ્રજ્ઞતા મારી ચંચળતાને અવગણી મારામાં કબ્જો જમાવી બેસી પડી એ મને પણ ખબર ન રહી અને ક્યારે એ પીળા પાનની સુવર્ણ આભા બીજા દિવસનો સૂરજ બનીને આવી ગઈ મને કંઈ સમજ નથી પડતી આજે પણ!

એ પીળા પાન સાથેની દોસ્તી આજનાં દિવસ સુધી અકબંધ રહી છે. હવે દરેક નવી સવારનો સૂરજ એ પાનની સોનાવરણી આભા લઈને આવી જાય છે. દરેક પાનમાં એ પાન દેખાયા કરે છે. જ્યાં જ્યાં જે જે તેજોમય છે એ બધું હવે જાણે પેલા પાનનો પર્યાય હોય એવું લાગ્યા કરે છે અને અનાયાસ વિભૂતિયોગ ખૂલવા માંડે છે મારી સામે. આંખને સજીવ નિર્જીવ વચ્ચે કોઈ ભેદ ન રહે તેવી જ કોઈ સ્થિતિએ લઈ જઈ રહ્યું હતું એક માત્ર પાંદડું! આ જ શું જાગૃતિ કહેવાતી હશે? ખબર નહીં! એ જે હોય તે….! કોઈ સ્થળનો પ્રવાસ કરે તો કોઈ અંદરનો. હે! પાન... હું આભારી છું કે તે એક નવા જ પ્રવાસનો આરંભ કરાવ્યો છે. આ સફર હવે ક્યારેય ન અટકે… અને કોઈ તો રહે સજાગ અંદરથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED