Featured Books
શ્રેણી
શેયર કરો

Darna Mana Hai-11 અધૂરા પ્રેમનો ભૂતિયા બદલોઃ બોરલે રેક્ટરી

ડરના મના હૈ

Article 11

ભવ્ય પણ ભૂતિયું મકાનઃ બોરલે રેક્ટરી

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

૧૬ ઓક્ટોબર, ૧૯૩૦ના રોજ ઇંગ્લેન્ડના એસેક્સ પરગણાના બોરલે ગામના એક જૂના મકાનમાં નવા ભાડૂત દાખલ થયા. લિયોનેલ ફોયસ્ટર પોતાની પત્ની મેરિયન અને બાર વરસની દત્તક દીકરી એડિલેઇડને લઈને ‘બોરલે રેક્ટરી’ નામે ઓળખાતા એ મકાનમાં રહેવા આવ્યા તેના થોડાક જ દિવસોમાં તેમને એ ઘરમાં વિચિત્ર અનુભવો થવા લાગ્યા. લિયોનેલ તો દિવસ દરમિયાન કામને લીધે ઘરની બહાર રહેતો અને એડિલેઇડ પણ શાળાએ જતી રહેતી એટલે ઘરમાં એકલી રહેતી મેરિયનને જેની કોઈ સ્પષ્ટતા આપી ન શકાય એવા અનુભવો થવા લાગ્યા. ઘરનાં બારી-બારણાં આપોઆપ જ ઉઘાડ-બંધ થવા લાગતાં. સુશોભન માટે દીવાલ પર ટીંગાડેલાં તૈલચિત્રો વારંવાર નીચે પડી જતાં અને રસોડામાં સાચવીને મૂકેલા કાચનાં વાસણો આપોઆપ જ ફર્શ પર પડીને ચૂરચૂર થઈ જતાં. બારીઓ ન ભટકાય એ માટે મેરિયન બારીઓ વાસી દેતી તો ઘરની બહારથી પથ્થરો હવામાં ઊડીને આવતા અને બારીના કાચ તોડી નાખતા. પડોશનાં બાળકો મસ્તી કરતાં હશે એમ માની મેરિયન ઘરની બહાર તપાસ કરવા જતી તો ઘરની બહાર કોઈ પણ વ્યક્તિ દેખાતી નહીં. મેરિયને પોતાના પતિ સાથે આ બાબતમાં વાત કરી તો લિયોનેલે આવા બનાવોને અકસ્માતમાં ખપાવી વાત ટાળી દીધી. આમ પણ મેરિયનને થયેલા અનુભવો પર ઝટ વિશ્વાસ મૂકી શકાય એમ નહોતો.

મેરિયન પર થયેલા ભેદી હુમલાઃ

એક દિવસ નાનકડી એડિલેઇડ ઘરના ઓટલા પર ઊભી હતી ત્યારે કોઈકે તેને પાછળથી જોરથી ધક્કો મારીને ઓટલા પરથી નીચે ગબડાવી દીધી. આ ‘કોઈક’ કોણ હતું એ કોઈને દેખાતું નહોતું. બીજા એક દિવસે એડિલેઇડને કોઈકે સ્ટોરરૂમમાં લૉક કરી દીધી. અંદર-બહાર બંને બાજુથી સ્ટોપર ખુલ્લી હોવા છતાં કેમે કરીને દરવાજો ખોલી શકાતો નહોતો. છેવટે મજૂર બોલાવીને દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવી ત્યારે તે ડરની મારી ધ્રૂજી રહી હતી. એક બપોરે ઘરકામ પતાવીને મેરિયન પોતાના પલંગ પર સૂતી હતી ત્યારે કોઈક અદૃશ્ય શક્તિએ તેને આખેઆખી ઉપાડીને નીચે ફલોર પર ફેંકી દીધી. આ હુમલાથી તે ભયંકર હદે ડરી ગઈ. ઘરમાં કોઈ અગોચર શક્તિનો વાસ હોવાની વાત હવે તેના મનમાં દૃઢ થઈ ગઈ હતી. પતિને વિશ્વાસમાં લઈ તેણે ભૂતપ્રેતને ભગાડનાર એક જાણકારને ઘરે બોલાવ્યો, જેણે જરૂરી વિધિ કરીને ઘરને પિશાચમુક્ત જાહેર કરી દીધું. તેમ છતાં ઘરમાં ભૂતિયા ઘટનાઓ બનતી અટકી નહીં. થોડા દિવસો બાદ મેરિયન બીજા કોઈ વધુ પહોંચેલા ભૂવાને ઝાડફૂંક કરવા ઘરમાં લઈ આવી અને તેની પાસે વધુ સારી વિધિઓ કરાવડાવી, પરંતુ તેનું પરિણામ પણ શૂન્ય જ રહ્યું. મકાનમાં રહેલા પ્રેતાત્માની સતામણી ચાલુ જ રહી. સતત ભયના ઓથાર નીચે જીવવા કરતા ફોયસ્ટર ફેમિલીએ મકાન જ છોડી દેવાનું વધારે મુનાસિબ માન્યું.

બોરલે રેક્ટરીનો ઈતિહાસ:

બોરલે રેક્ટરીમાં ફોયસ્ટર ફેમિલીને થયેલા એ ડરામણા અનુભવો કોઈ નવાઈની વાત નહોતી, કેમ કે જ્યારથી એ મકાન બનાવવામાં આવ્યું હતું છેક ત્યારથી જ તેમાં ભૂતપ્રેતનો વાસ હતો. સન ૧૮૬૨માં બોરલે ગામમાં બારમી સદીમાં બંધાયેલા ચર્ચની બાજુમાં આ રેક્ટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. (ચર્ચના ધાર્મિક કાર્યો કરતા રેક્ટર કે પાસ્ટર માટે ચર્ચની નજીક, ચર્ચના ખર્ચે બનાવવામાં આવે એ મકાનને રેક્ટરી કહેવાય.) ચર્ચના રેવરન્ડ હેન્રી ડોસને તેનું નિર્માણ કરાવ્યું હતું. વિક્ટોરિયન શૈલીમાં બંધાયેલા આ વિશાળ મકાનમાં હેન્રી તેની પત્ની અને ચૌદ બાળકો સાથે રહેતો હતો. મકાનમાં રહેવાનું શરૂ કર્યાને તરત જ ડોસન કુટુંબને અગોચર અનુભવો થવા લાગ્યા હતા. ઘરમાં ક્યાંય બેલ ન હોવા છતાં બેલ રણકવાનો અવાજ સંભળાતો, કાચના વાસણો આપોઆપ જ શેલ્ફ પરથી નીચે પડીને ચૂરચૂર થઈ જતાં, દાદર પર કોઈ અદૃશ્ય વ્યક્તિનાં પગલાં ધડબડાડી બોલાવતાં અને બંધ દરવાજા પર વારંવાર ટકોરા થતા. એક સાંજે હેન્રીની બે દીકરીઓ મકાનની પાછળના ભાગે ઘાસમાં બેઠી બેઠી વાતો કરી રહી હતી. અચાનક તેમણે એક અજાણી સ્ત્રીને કમ્પાઉન્ડની દીવાલ પાસે ઊભેલી જોઈ. સાંજનો સમય હોવાથી અંધારું ઘેરાવા લાગ્યું હતું, એટલે તેઓ પેલી સ્ત્રીનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકી નહોતી, પરંતુ એના કપડાં પરથી તેઓ સમજી ગઈ હતી કે એ અજાણી સ્ત્રી કોઈ નન (ખ્રિસ્તી સાધ્વી) હતી. બંને બહેનોએ એને બોલાવી પણ સામેથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. બંને બહેનો ઊભી થઈ તેની તરફ આગળ વધી ત્યાં જ એ રહસ્યમય સ્ત્રી જાણે કે હવામાં ઓગળી ગઈ હોય એમ અદૃશ્ય થઈ ગઈ. નજરોનજર પ્રેતાત્માનો સાક્ષાત્કાર જોઈ બંને બહેનો ડરને લીધે બીમાર પડી ગઈ. થોડા દિવસો બાદ હેન્રી ડોસને રાતના સમયે એક ઘોડાગાડીને પોતાના ઘરની નજીકથી પસાર થતી જોઈ. આમ તો આ એક સામાન્ય ઘટના લાગે, પરંતુ કોઈ પણ માણસના હાંજા ગગડાવી દે એવી બાબત એ હતી કે, એ ઘોડાગાડીનો જે ચાલક હતો તેને માથું જ નહોતું! માથા વગરના ઘોડાગાડીચાલકને પ્રત્યક્ષ જોયા બાદ જ હેન્રીએ પોતાના મકાનની અંદર અને આસપાસ ભૂતપ્રેત હોવાની વાત સ્વીકારી બાકી તો ત્યાં સુધી એ પોતાની પત્ની અને બાળકોની ઘરમાં ભૂત થતું હોવાની વાતને તેમના મનનો વહેમ ગણીને ઉડાડી મૂકતો હતો. જોકે ચર્ચની પડોશમાં રહેતા હોવાથી ઈશ્વર હંમેશાં તેમની રક્ષા કરશે એમ માની ડોસન કુટુંબે એ જ મકાનમાં રહેવાનું ચાલુ રાખ્યું. દરમિયાન કેટલાક પડોશીઓએ પણ પેલા મસ્તકવિહોણા ઘોડાગાડીચાલક અને પેલી નનને જોયાં.

સન ૧૮૯૨માં હેન્રી ડોસનના મૃત્યુ બાદ તેના મોટા દીકરા હેરી ડોસને પોતાના પરિવારનો કાર્યભાર સંભાળ્યો. વર્ષોનાં વહાણાં વીતતાં ગયાં અને એક પછી એક કરી હેન્રી ડોસનનાં તમામ સંતાન લગ્ન કરીને અલગ અલગ જગ્યાએ સ્થાયી થઈ ગયાં. એકમાત્ર હેરી ડોસન અને તેનાં પત્ની-બાળકો જ બોરલે રેક્ટરીમાં રહી ગયાં. સન ૧૯૨૮માં હેરી ડોસનના અવસાન બાદ તેના પરિવારજનો આ મકાન છોડી ગયા. ત્યાર પછી પેલું ફોયસ્ટર ફેમિલી અહીં રહેવા આવ્યું હતું. ઘરમાં થતી ભૂતાવળથી ડરીને તેઓ ઘર છોડી ગયા પછી નવા રેવરન્ડ એરિક સ્મિથ તેની પત્ની સાથે અહીં રહેવા આવ્યા.

સ્મિથ દંપતિને થયેલા ભૂતિયા અનુભવોઃ

નવા ઘરની સાફસફાઈ દરમિયાન મિસિસ સ્મિથને ઘરના સ્ટોર રૂમના એક ખૂણામાં પડેલા કબાટમાંથી એક એવી વસ્તુ મળી આવી જેને જોઈને તેના શરીરમાંથી ડરનું એક લખલખું પસાર થઈ ગયું. કથ્થઈ રંગના એક ખોખામાંથી તેને એક માનવ ખોપરી મળી આવી હતી. એરિકે એ ખોપરીનો વિધિપૂર્વક નિકાલ કરી દીધો. જોકે એનાથી ઘરમાં સંભળાતા ‘ફૂટ સ્ટેપ્સ’ કે દરવાજા પર થતા ટકોરા બંધ થયા નહીં. એક રાતે સ્મિથ દંપતીને પેલી ભૂતિયા ઘોડાગાડી પણ જોવા મળી. તેમણે તાત્કાલિક ‘ધ ડેઈલી મિરર’ અખબારનો સંપર્ક સાધ્યો અને વિનંતી કરી કે તેમના ઘરમાં થતી ભૂતિયા પ્રવૃત્તિઓનું કારણ શોધવામાં તેમની મદદ કરવામાં આવે. ૧૦ જૂન, ૧૯૨૯ના રોજ અખબાર દ્વારા હેરી પ્રાઇસ નામના એક પેરાનોર્મલ નિષ્ણાતને બોરલે રેક્ટરી મોકલવામાં આવ્યો. હેરી પ્રાઇસ ભૂત-પ્રેત જેવી અગોચર શક્તિઓ વિશે સંશોધન કરવામાં પંકાયેલો હતો. બોરલે રેક્ટરીમાં ઘણા દિવસો રહી, ભૂતપ્રેતની હાજરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવી હેરીએ જે અહેવાલ તૈયાર કર્યો એ ‘ધ ડેઈલી મિરર’માં છપાતા સનસનાટી મચી ગઈ. આમ જનતાને પહેલી જ વાર બોરલે રેક્ટરીમાં થતી ભૂતાવળ વિશે જાણવા મળ્યું. હેરી પ્રાઇસને જબરી લોકપ્રિયતા મળી. પાછળથી તેણે બોરલે રેક્ટરીમાં પોતાને થયેલા ખોફનાક અનુભવો વિશે ‘ધ હોન્ટિંગ ઓફ બોરલે રેક્ટરી’ નામનું પુસ્તક પણ લખ્યું, જે ભારે સફળ નીવડ્યું.

બોરલે રેક્ટરીનું રહસ્ય:

ઈતિહાસનાં પાનાં ઉવેખીને હેરી પ્રાઇસે બોરલે રેક્ટરી વિશે જે રહસ્ય શોધી કાઢ્યું હતું તે કંઈક આ પ્રમાણે હતું. બોરલે રેક્ટરી જે જગ્યાએ બન્યું હતું એ જમીન પર સન ૧૩૬૨માં એક ખ્રિસ્તી મઠ ઊભો હતો. મઠમાં રહેતા એક યુવાન સાધુને નજીકની કોનવૅન્ટમાં રહેતી એક નન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને ચોરીચોરી મળવા લાગ્યાં હતાં. ચર્ચના સંચાલકોને જ્યારે તેમના પ્રેમપ્રસંગની જાણ થઈ ત્યારે જાણે કે તોફાન મચી ગયું. ચર્ચના આદેશનું ઉલ્લંઘન કરનારા પ્રેમીઓને પાપી જાહેર કરી તેમને મોતની સજા સંભળાવવામાં આવી. સાધુને શિરચ્છેદની સજા આપી તેનું માથું વાઢી લેવામાં આવ્યું, જ્યારે નનને એ જ મઠની એક દીવાલમાં જીવતી ચણી દેવામાં આવી. બસ, ત્યારથી લઈને એ બંને અધૂરા પ્રેમીઓનાં પ્રેત એ મઠની આસપાસ ભટકતાં રહેતાં. મઠના પતન પછી સદીઓ બાદ ત્યાં બોરલે રેક્ટરીનું બાંધકામ કરવામાં આવ્યું. ભૂતિયા જમીન પર બનેલું હોવાથી જ એ મકાનમાં ભૂતાવળ થતી હતી. નનનો અતૃપ્ત આત્મા સદીઓ સુધી રેક્ટરીમાં અને તેની આસપાસના વિસ્તારમાં ભટકતો રહ્યો અને લોકોને ડરાવતો રહ્યો. રાતે દેખાતો પેલો મસ્તકવિહોણો ઘોડેસવાર બીજું કોઈ નહીં પણ શિરચ્છેદની સજા પામેલો યુવાન સાધુ હતો.

બોરલે રેક્ટરીનો અંત:

સન ૧૯૩૯માં આ મકાન કેપ્ટન ડબ્લ્યુ. એચ. ગ્રેગસનને વેચી દેવામાં આવ્યું. નવા ઘરમાં રહેવા આવ્યાના થોડા દિવસોમાં જ એક દુર્ઘટના ઘટી. કેપ્ટન ગ્રેગસનના હાથમાંથી એક સળગતો કેરોસીન લેમ્પ અકસ્માતે નીચે પડી ગયો અને ઘરમાં આગ લાગી ગઈ. જોતજોતામાં આગે ભયંકર સ્વરૂપ લઈ લીધું અને બોરલે રેક્ટરી એ આગમાં બળીને રાખ થઈ ગયું. પાંચ વર્ષ સુધી તે ખંડેરની હાલતમાં ઊભું રહ્યું અને છેવટે ૧૯૪૪માં તેનું નબળું પડેલું બાંધકામ આપોઆપ જ ધડાકાભેર તૂટી પડ્યું. સમયનો પ્રવાહ એક વખતના ભવ્ય અને ભૂતિયા મકાનને ભરખી ગયો અને ત્યાં થતી ભૂતાવળ પણ બોરલે રેક્ટરીના અંત સાથે હંમેશ માટે ખતમ થઈ ગઈ.