કોણે કોણે પ્રેમમાં ન પડવું Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોણે કોણે પ્રેમમાં ન પડવું

Name:Parul Khakhar

Email:parul.khakhar@gmail.com

'કબીરા ખડા બજાર મે લિયે લુકાઠી હાથ,

જો ઘર બારે અપના ચલે હમારે સાથ.'

કહેવાય છે કે ઘર બાળીને તીરથ ન કરાય પરંતુ ખરુ પૂછો તો ઘર બાળ્યા વગર તીરથ થતું જ નથી. જીવ જ્યાં સુધી ઘરમાં અટવાયેલો હોય ત્યાં સુધી પ્રવાસ તો કદાચ અનેકવખત થઇ શકે પણ તીર્થયાત્રા તો ન જ થાય.આ પંક્તિમાં કબીર સાહેબ હાથમાં લાકડી લઇને ભરબજારે ઊભા છે, લાકડી ઠપકારીને જાહેરજનતાને આગાહ કરતા કહે છે મેં મારું ઘર બાળ્યુ છે માત્ર લાકડી લઇને નીકળી પડ્યો છું જે પોતાનું ઘર બાળવા તૈયાર હોય તે મારી સાથે આવો. જેણે ઘર સાચવવું હોય તે ઘરમાં બેસી રહો. ઘરનો મોહ જશે તો જ યાત્રા થઇ શકશે.

મિત્રો, તત્વજ્ઞાનની અઘરીઅઘરી વાતો સમજાવતી આ પંક્તિ મને તો પ્રેમીપંખીડાઓ માટે પણ એકદમ બંધબેસતી લાગે છે.કબીરજી જાણે કે પ્રેમપંથના સેનાપતિ હોય તેમ લાકડી પછાડીને કહે છે જેણે જાત બચાવવી હોય તે ઘરમાં બેસી રહો, જાન કુરબાન કરવી હોય તે મારી સાથે ચાલો કારણકે પ્રેમપંથની પાવક જ્વાળામાં બધું જ ભસ્મ કરી દેવાનું હોય છે. જ્યારે સ્વયંની આહૂતિ અપાય છે ત્યારે જ પ્રેમદેવતા પ્રસન્ન થાય છે.તો વાત મારે એ કરવી છે કે આવા પડવામાં સહેલા પણ ઉઠવામાં અઘરા એવા 'પ્રેમ'માં કોણેકોણે ન પડવું? આમ તો જે કોઇ્પણ ક્ષેત્રમાં ઝંપલાવવા તત્પર થયેલા હોય તેને ' Does and Donts 'નું લીસ્ટ ન પકડાવાય પણ આમા તો એવુ છે ને...કે બે પક્ષ સંડોવાયેલા હોવાથી આપણી ફરજ બને છે કે એમને ચેતવી દેવા. બાકી પછી તો બન્નેના નસીબ બીજું શું?

સૌથી પહેલા તો જેને પોતાની જાત અતિશય વ્હાલી હોય તેમણે પ્રેમમાં પડવાની મુર્ખામી કરવી નહી કારણકે જે માણસ પોતાના જ પ્રેમમાં હોય છે તે બીજા કોઇને ચાહી શકતો જ નથી. એને મન તો પોતે જ સુંદર, પોતે જ અનોખો, પોતે જ અનન્ય અને લાખોમાં એક છે એવી માન્યતા હોય છે તેને કારણે અન્યની ખૂબીઓ તેમના ધ્યાનમાં આવતી જ નથી અને એ જ કારણથી આવા લોકો અન્યને સ્વીકારી શકતા નથી. પોતાની જાતને પૂજતા લોકોએ મહેરબાની કરીને પ્રેમમાં પડવાની ચેષ્ટા કરવી જ નહી.

બીજું જેનો અહમ્ પોતાની જાત કરતા યે મોટો હોય એવા લોકો પ્રેમમાં ન પડે એમાં જ ડહાપણ છે.પ્રેમ ગલી અતિ સાંકરી જીનમે દો ન સમાય...હવે આવી સાંકડી શેરીમાં બે વ્યક્તિત્વો પણ એકબીજામાં ઓગળ્યા પછી જ પ્રવેશી શકતા હોય તેમાં, એક તો ભાઇ પોતે અને બીજો એનો મોટોમસ ઈગો અને ત્રીજી એની પ્રિયતમા...આમ ત્રણ જણની ટોળકી કેમ સમાય બોલો !પ્રેમમાં તો ઝુકી જવાનું હોય, સમર્પણ કરવાનુ હોય, એકબીજાની રાહમાં લાલ જાજમ બની પથરાઇ જવાનું હોય, એકબીજાની હા એ હા અને ના એ ના કરવાની હોય, એકબીજાનું ગમતું કરવાનું હોય છે. એમાં આવા અહંકારી માણસોનો ગજ કેમ વાગે કહો !માટે હે સુજ્ઞ વાચકો...જેને પોતાનો ઇગો વહાલો હોય તેણે બીજા કોઇના જીવનમાં પ્રવેશવાની ભૂલ કરવી નહી.

એ ઉપરાંત બહુ કોમળ કોમળ માણસોએ પ્રેમમાં પડવું નહી કારણકે આમાં તો ડગલે ને પગલે ઘાયલ થવાના તાયફા આવે છે. આગ કા દરિયા હૈ ઔર ડૂ...બ કે જાના હૈ. પ્રેમ શબ્દ સાથે જ 'પડવું' ક્રિયાપદ કંઇ અમસ્તું નહી જોડાયું હોય ! આમા પડવું-આખડવું-ઘાયલ થવું સહજ છે.ઘૂટણ છોલાયા વગર પ્રેમ થવો અશક્ય છે.પ્રેમ કંઇ મખમલી ગાદી તકિયાની બેઠક નથી એ તો તાજી બ્લેડની ધાર જેવો વિઘાતક છે..લગ જાયે તો ખૂન નિકલ આતા હૈ સમજે? સહેજ ચૂક્યા ને લોહીઝાણ થયા જ સમજો ! આથી...સુંવાળા, પોચટ, વેદિયા,ચોખલિયા,બહુ બુદ્ધિશાળીની તબિયતને પ્રેમ માફક આવે તેવી ચીજ નથી. બહુ વિચારશીલ,મનનશીલ,ચિંતનશીલ લોકો એ આ જોખમને ગળે લગાડતા પહેલા કરોડો વખત વિચાર કરી લેવો. અહીંયા તો ઊંધેકાંધ પડવાનું હોય છે અને વાગ્યા પછી ફરિયાદ પણ સાલ્લી કોને કરવી? સામેવાળી પાર્ટી પણ પાટાપીંડીમાં વ્યસ્ત હોય છે. પ્રેમ એ ગુડીગુડી ચીકની ચમેલીઓ કે ચોકલેટી મોગરાઓ માટે નથી. પ્રેમ તો ધતુરાની આછી તૂરી કડવી ગંધવળા મિજાજ ધરાવતા લોકોનો ઇજારો છે. જેની ઉર્મિઓ વારેવારે નંદવાઇ જાય છે, જેમના હૈયાઓ વાતવાતમાં દૂભાઇ જાય છે, જેમના વિચારો સમીરલહેરીથી પણ ડહોળાઇ જાય છે એવા લોકો માટે પ્રેમની મૌસમ જાનલેવા સાબિત થઇ શકે છે.ફૂલની જાજમ પર ચાલવા ટેવાયેલા, માખણમીસીરીના બુકડા ભરનારાઓ અને ચાંદીની ચમચીથી ગળથૂથી પીનારા લોકો ...આપને નમ્ર નિવેદન છે કે આપ રહેવા દો કારણકે પ્રેમ એ બહુ ડેન્જર ગેમ છે.

સહેજ માથુ દુખે અને સ્ટોપેકનું સેવન કરનારાઓ,ખીચડી ખાધા પછી યે અજમાની ફાકડી ભરનારાઓ,તડકામાંથી આવીને ઠંડા આઇડ્રોપ્સ નાંખનારાઓ, કાર શીખતા પહેલા 'જીવન વીમા પોલીસી' લેનારાઓ ક્યારેય આ પ્રેમની બીમારીનો ભોગ ન બને તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.પ્રેમ તો જંગલીબૂટી છે યારો...એ તો જે પથરા પચાવી શકે એના માટે રામબાણ ઇલાજ છે બાકી રુવેરુવે ફૂટી નીકળે અને આ રીએક્શન માટે પછી કોઇ દવા પણ અસર નથી કરતી.

પ્યાર મે સિર્ફ ઘાટા હી ઘાટા હૈ બોસ્સ..કમાણીના નામે મીંડુ અને ઉધારીના પાર નહી. 'આજે રોકડા અને કાલે ઉધાર'નો મંત્ર જે ગળામાં પહેરીને ફરતા હોય તેણે પ્રેમનું તાવિજ ક્યારેય બાંધવું નહી.પ્રેમ તો ટોટલ નુકશાનનો સોદો છે. વેપારમાં દેવાળા ફૂંકનારો કદાચ પ્રેમમાં બાદશાહ બની જાય પરંતુ સફળ બીઝનેસમેન કે જેની આંગળીના ટેરવે 'ક્યા ખોયા ક્યા પાયા'ના હિસાબો રમતા હોય તે પ્રેમના ધંધામા ચોક્કસ માર ખાઇ જાય છે.

અને હાં એક અગત્યનો મુદ્દો કે જે લોકો ડરપોક છે તેમણે પ્રેમમાં પડવું જ નહી કારણકે કૃષ્ણથી લઇને ગબ્બર્સિંગ સુધીના બધા જ મહાનુભવો કહી ચૂક્યા છે કે જો ડર ગયા સમજો વો મર ગયા.પ્યાર કરનેવાલે કભી ડરતે નહી...જો ડરતે હૈ વો પ્યાર કરતે નહી. પ્રેમ એક મોટો ખતરો હોવાથી થોડામાં ઘણું સમજીને પ્રેમ નામનો અખતરો કરવો રહેવા દેજો.

ગણતરીબાજ માણસોએ પ્રેમ નામની ખતા કરવા જેવી નથી આ વાત જો થીયરી મુજબ ન સમજાઇ હોય તો ચાલો...થોડા સંવાદો દ્વારા સમજાવવાની કોશીશ કરી જોઉ.

*'તારી સાથે'લવરી' કરવામાં મારા કેટલા કલાકો બગડ્યા!'

(જે લોકો પ્રેમની ભીનીભીની મીઠીમધ જેવી વાતોને લવરીમાં ખપાવતા હોય અને એમનો સમય બગડતો હોય તેમને દૂરથી રામરામ કહી દેવા)

*'તારી સાથે આટલા વખતથી છું પણ મે શું મેળવ્યું'

(લે...તું કંઇ મેળવવા આવ્યો હતો? તો પહેલા કહી દેવાય ને! પ્રેમમાં તો આપવાનું હોય...લેવાનું ન હોય બકા..તું રહેવા દે આ તારુ કામ નથી)

*તારી સાથે મોડીરાત સુધી ચેટીંગ કરવાથી મારી આંખના નંબર વધી ગયા, ઉજાગરાને કારણે અપચો થઇ ગયો, ફોનની બેટરી વીક પડી ગઇ એન્ડ બ્લા..બ્લા..બ્લા..

(બેટા..તું લેસરથી નંબર ઉતરાવી લે, ફીઝીક્સ-કેમેસ્ટ્રી વાંચ, ૯ વાગ્યે દુધુ પી ને હાલા કરી જા, સ્માર્ટફોન તારા માટે નથી અને પ્રેમનું તો નામ જ ન લઇશ મમ્મી ખીજાશે)

*'આજકાલ તારા વિચારોમાં ખોવાયેલો રહું છું એને કારણે કશું કામ નથી થતું. આટલા સમયમાં તો બે પુસ્તકોના અનુવાદ થઇ ગયા હોત,ઓવરટાઇમ કરીને બોસ પાસેથી પ્રમોશન મેળવી લેવાયુ હોત,મકાનનો પ્રોજેક્ટ પૂરો થઇ ગયો હોત'

(ભાઇશ્રી, આપ આડા રસ્તે ચડી ગયા છો જલ્દીથી પાછા વળી જાઓ એ જ આપના અને સમાજના હિતમાં છે.પ્રેમ આપની તાસીરને માફક નહી આવે. આપ પુસ્તકોના અનુવાદો કરો, ગઝલસંગ્રહો છપાવો, મકાન ચણાવો, સમગ્ર વિશ્વને ખુશ રાખો બસ....પ્રેમમાં પડવાનું મોકુફ રાખો)

*'ખબર નહી કેમ પરંતુ આપણે પ્રેમમાં પડ્યા પછી હું વારંવાર બીમાર પડવા લાગ્યો છું, પહેલા તો આવુ ક્યારેય નથી થયુ !'

(માય સ્વીટહાર્ટ, તું બહુ શુદ્ધ અને સાત્વિક જીવ છે પ્રેમ તારી તબિયતને માફક આવે એવો પદાર્થ નથી.પ્રેમ બહુ વાયડો હોય છે તે બધાને પચતો નથી, જો કે જેને પચી જાય એના ગાલ અને હોઠ લાલ ટમેટા જેવા થઇ જાય છે એ અલગ વાત છે.પણ આપશ્રી સાત્વિક ફૂડ ફેસ્ટીવલમાં ફરીને સેહત સુધારો પ્રેમના ચાળે ચડવું આપના માટે યોગ્ય નથી.)

*'તે મને પૂછ્યા વગર જ મારા તરફથી ગીફ્ટમાં જે કુર્તી લીધી છે તેના બીલમાં ૧૦% ડીસ્કાઉન્ટ મળ્યુ છે તે બાદ કરીને બાકીના પૈસા તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરુ છુ ઓકે?'

(હાય...લા...તું એક કામ કર. ખિસ્સામાંથી મારુ આપેલું ૮૦૦ રુપિયાવાળુ પ્યોર લેધરનું વોલેટ કાઢ, એમાં એક ઢાંકણી ભરીને પાણી રેડ અને પછી એમાં ડૂબી મર...જા ડફોળ...)

*'સાંભળ, હું શું કહેતો'તો...લોંગડ્રાઇવની જીદ ન કર રીવરફ્રન્ટની પાળીએ બેસીએ ચાલ, એક તો પાંચ માણસના મોઢા જોવા મળે અને બીજું કે બાઇક પરથી પડશું-આખડશું તો નકામી ઉપાધી થશે.'

(લે બોલ....તંબુરા...પ્રેમમાં પડ્યા પછી હવે બીજે બધ્ધે બીન્દાસ્ત પડી જવાનું હોય કારણકે સૌથી વધુ જોખમ તો પ્રેમમાં પડવામાં જ છે, પણ આ તને પલ્લે નહી પડે. )

મિત્રો...મજાક બાજુ પર મુકીને કહું તો પ્રેમમાં કોઇ ગેઇન નથી હોતું હોય છે તો ફક્ત પેઇન હોય છે. આ પેઇનને આકંઠ પી શકનારા, પીને ઝૂમી લેનારા, પીધા પછી ય હોશમાં રહેનારા લોકો જ પ્રેમનો ઇતિહાસ લખી શકે છે.ઉદાસ રાતોમાં પ્રિયજનની યાદોના ડાકલાં વાગે ત્યારે જીવને રુંવેરુંવે સત ચડે..જાણે નસેનસ ધૂણે. કાચાપોચા તો આપઘાત જ કરી લે. ભલભલા છપ્પનની છાતીવાળાઓના પણ આવા માહોલમાં પાટિયા બેસી જાય.શિયાળવાઓની લારી અને કુતરાના કણસાટ પણ થીજી ગયા હોય એવી માઇનસ ડીગ્રી તાપમાન વાળી રાતોમાં એકમાત્ર પ્રિયજનની યાદનો ચિરાગ જલાવીને એના અજવાળે મટકું ય માર્યા વગર જાગતા રહે છે એ પરવાનાઓ જ પ્રેમની બાજીમાં બાજીગર કહેવય છે.પ્રેમ તો બેધારી તલવાર છે યારો..ના જીવવા દે, ના મરવા દે! જીવવાનું નક્કી કરો તો સતત મરવાની ફીલ અપાવે અને મરવાનું નક્કી કરો તો જીવવાની ચોકલેટ બતાવે !ખરેખર કહું છું જે નાજુક તબિયતના હોય તેમણે પ્રેમને દૂરથી જ નમસ્કાર કરી આગળ વધી જવું.

પ્રેમ એક કારી ઘાવ છે જે આજીવન દૂજ્યા કરે છે.જરાક લોહી જામે, જરક ભીંગડુ વળે ત્યાં જ સમય નામની કાતર ફરી વળે અને પેલો ઝખ્મ ફરી ઉઘાડો થઇ જાય. ફરી એ જ પીડા, ફરી એ જ કણસાટ, એ જ વલવલાટ અને એજ કળતર !માંડમાંડ દવા માફક આવી હોય અને ઘાવ રુઝાવાની તૈયારીમાં હોય ત્યાં એને ચપ્પુ લઇને ફરી ખોતરી કાઢે અને એ પીડામાંથી લુત્ફ ઉઠવે એવા દિવાનાઓ જ પ્રેમ કરી શકે છે. પ્રેમ કંઇ બધાને પલ્લે પડે એવી ચીજ નથી.માટે જ કહું છું હે મારા સુષ્ઠુ સુષ્ઠુ મિત્રો...આપ જો કાચા-પોચા-નાજુક-નરમ દિલના માલિક છો તો પ્રેમ નામની હોનારતને તમારા અભેદ કિલ્લાની નજીક આવવા ન દેશે. કારણકે આ સુનામી જો એકવાર ત્રાટકશે તો બધું જ ખેદાનમેદાન કરી મૂકશે.

પ્રેમ નામનું ગુલાબ માત્ર સુગંધ નહી આપે કાંટાને જીરવવાની તૈયારી હોય તો જ પ્રેમના રવાડે ચડવું.ગુલાબી ગુલાબી કોમળ પાનીઓ ધરાવનારાઓ માટે પ્રેમનો રસ્તો ક્યારેય સુલભ નથી કારણકે આ કંઇ 'કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની' રેડ કાર્પેટ નથી કે મલપતા મલપતા જાઓ એને ચમક્તી ટ્રોફી લઇને, લોકોની વાહવાહી લઇને પાછા આવો. પ્રેમ તો પથરીલા રસ્તાઓની હાડમારી સાથે આવે છે.એને હાડોહાડ કરી બતાવવો પડે છે,જીવી બતાવવો પડે છે. હારીને જીતી બતાવવો પડે છે ત્યારે પ્રેમની દેવી ગળામાં વરમાળા પહેરાવે છે .

---પારુલ ખખ્ખર