Dost Mane Maf Karis Ne - 15 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dost Mane Maf Karis Ne - 15

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૫

અરૂપનું એકરારનામુ...

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૫. અરૂપનું એકરારનામુ...

“ માર્ગ વચ્ચે જ અડાબીડ બનીને ઉભા છે

આંસુઓ એવા અકોણા છે કે ખસતા જ નથી. “

સર્પ જેવો સમય પોતાનો રોલ ભજવી વહી ગયો હતો. પરંતુ તેના લિસોટા રહી ગયા હતાં. પાણીમાં કોઈનું પ્રતિબિંબ ઝિલાય છે. વાયરો પોતાની સાથે કોઈની સૌરભ વહેતો રહે છે. પરંતુ સમય તો કોઈ સંવેદન વિના પોતાની છાપ છોડી ચૂપચાપ સરકી જાય છે. સમયની ક્ષણો તો ખરી ગઈ હતી. પરંતુ તેની ભીનાશ અરૂપની પાંપણૉમાં અને વેરાની ઈતિની આંખોમાં છોડતી ગઈ હતી. વામન ક્ષણની વિરાટ અસરોમાંથી મુકત થવાનું આસાન કયારે હોય છે ? પછી એ અસર સુખની હોય કે દુઃખની હોય, આનંદની હોય કે વિષાદની હોય... માનવી એમાં અટવાતો રહે છે. ફરી બીજી કોઈ ક્ષણ આવીને મુક્તિ ન અપાવે ત્યાં સુધી ખાલી શીશીમાં તડકો ભરવાની આ રમત... આ ચકરાવો ચાલુ રહે છે.

અરૂપની આંખોથી હમણાં નિદ્રાદેવી રૂઠયાં હતાં. અને અર્ધતન્દ્રામાં અરૂપના મનમાં આવા વિચારોની વણઝાર અવિરત ચાલુ રહેતી. આમાંથી કેમ છૂટકારો પામવો એ વિચારમાં અરૂપ ખુલ્લી આંખે બારીની બહાર તાકી રહેતો. સામે દેખાતા તારલાઓમાંથી જાણે કોઈ જવાબ મળવાનો હોય તેમ જોઈ રહેતો. આજે અરૂપની નજર કાચની મોટી બારીમાંથી દેખાતા વાદળો પર સ્થિર થઈ હતી. કાળા ડિબાંગ વાદળો કોઈ રખડું... સ્વચ્છંદ છોકરીની માફક આકાશમાં આમતેમ રખડતાં હતાં. વાતાવરણમાં અસહ્ય બાફ... ઉકળાટ હતાં. રૂમમાં તો એ.સી. ચાલુ હતુ તેથી ઠંડક હતી. અરૂપને થયું બહારની મોસમને તો જીરવી શકાય કે અનુકૂળ બનાવી શકાય તેવી સગવડ વિજ્ઞાને કરી આપી છે. પરંતુ મનની મોસમને અનુકૂળ કેમ બનાવવી ? મનની મોસમમાં આવેલ તોફાનને કેમ હેન્ડલ કરવું, જીરવવું ? એનો ઉપાય વિજ્ઞાન પાસે કયાં છે ? અરૂપની નજર બાજુમાં સૂતેલી ઈતિ પર પડી. ઈતિની આંખો બંધ હતી. કોઈ અજંપો અનુભવી શકવા પણ ઈતિ કયાં સમર્થ રહી હતી ?

કોઈ સંબંધ નવો નવો બંધાય ત્યારે ઘણીવાર એની ભીનાશ અંદરથી ન સ્પર્શે એવું બની શકે... પરંતુ જઇશારે સંબંધો તૂટે ત્યારે એની તીક્ષ્ણ કરચો અંતરમાં ચૂભ્યા સિવાય રહી શકતી નથી. અને મનને ઉધઈની માફક અન્દરથી કોરતી રહે છે, તો કયારેક સમગ્ર અસ્તિત્વને લોહીલૂહાણ કરતી રહે છે. અમુક સંબંધોનું તૂટવું એટલે શું ? એ તો રામબાણ વાગ્યા હોય તે જ જાણે. જીવનના અમુક સત્યોનો મર્મ સ્વાનુભવ વિના પમાતો નથી હોતો. અંતરકયારીમાં કોઈ સુગંધિત સંબંધનો સોનચંપો ખીલ્યો હોય અને અચાનક કોઈ પોતાની... સાવ જ પોતાની વ્યક્તિ જ તેને જડમૂળમાંથી કાપી નાખે ત્યારે એ વેદના જીરવવી આસાન નથી હોતી. માનવીનું મન અત્યંત સંકુલ છે. એકવાર જો કોઈ ભૂલ ભૂલામણીમાં ફસાયું તો પછી એનો કયાંય આરો કે ઓવારો મળતો નથી. પોતાના માનવી પાસેથી મળતી પીડા, વિશ્વાસઘાતની પીડા માનવીને પાગલ બનાવી દે કાં તો ફિલસૂફ બનાવી દે.

ઈતિ પાગલ કે ફિલસૂફ ન બની. તે બની ફકત જડ... ભાવશૂન્ય બની રહી. કશો વિચાર કરવાની, સમજવાની ક્ષમતા તે ખોઈ બેઠી. પાગલ બન્યા પહેલાની કે પછીની સ્થિતિ હતી આ ?

વાદળોના વરસવાની પ્રતીક્ષામાં સમય વહેતો રહ્યો.

કામવાળા બેન... તારાબેન સાથે ઈતિને માયા બંધાઈ હતી. તારાબેન પણ ઈતિની આ હાલતથી ગભરાઈને પોતાની રીતે તેને બોલાવવાના પ્રયત્નો કરતા રહેતા. બહેનને અચાનક આ શું થઈ ગયું તે તેને સમજાતું નહોતું. તેમને ઈતિ માટે મમતા હતી. આદર હતો. ઈતિ તેનો કેટલો ખ્યાલ રાખતી હતી. તેની જરૂરિયાતના સમયે ઈતિએ તેને કયારેય ના પાડી નથી. ઉદાર ઈતિ તારાબહેનને વગર માગ્યે જ તેમના બાળકો માટે કે તેમના માટે પગાર ઉપરાંત પણ અનેક વસ્તુઓ આપતી રહેતી. તારાબહેન સાથે તેણે કદી કામવાળા જેવો વહેવાર નહોતો રાખ્યો.

ઈતિની હાલત જોઈ તારાબહેનની આંખો ભીની બની. તેણે પોતાની રીતે અનેક માનતાઓ માની હતી. સાહેબનો તેને ખાસ પરિચય નહોતો થયો. પરંતુ હવે સાહેબ ઓફિસે પણ નથી જતા અને બહેનનું કેટલું ધ્યાન રાખે છે તે જોઈ સાહેબ માટે પણ તેને આદર જનમ્યો હતો. નહીંતર આમ કામકાજ છોડીને કયો પુરૂષ પત્નીની આવી સેવા કરે ? પોતે તો કદી આવું જોવા નહોતા પામ્યા. એમના સમાજના પત્નીની આવક પર જીવતાં... પત્નીને ઝૂડતા રહેતા, અને એક વસ્તુની જેમ ઉપયોગ કરતાં દારૂડિયા પુરૂષોનું તેમને આર્શ્વર્‌ય નહોતું થતું. ઈતિબહેન તો આવો દેવ જેવો પુરૂષ પામ્યા છે. નશીબદાર તો ખરા જ ને ? પણ બહેનને શું થયું છે તે તેની સમજની બહારની વાત હતી. એક દિવસ તેણે થોડી હિમત કરી અરૂપને કહ્યું,

’ સાહેબ, મને ખબર છે તમે લોકો આવું બધું ન માનો. પણ...’

’ પણ શું તારાબહેન ? ‘

’ સાહેબ, મને લાગે છે કે બહેનનો પગ કોઈની છાયામાં આવી ગયો લાગે છે. અથવા કંઈ નડતર જેવું હોય... એ વિના સાજા સારા બહેન સાવ આમ મૂંગામંતર થોડા થઈ જાય ? સાહેબ, અમારા જાણીતા એક બહેન છે. જેને માતાજી હાજરાહજૂર છે. અને આવા કેટલાયને તેણે સાજા કર્યા છે. સાહેબ, એકવાર આપણે બહેનને તેની પાસે લઈ જીએ તો ? તે દાણા આપશે અને જે હશે તે સાચે સાચું કહી દેશે. ‘

ઈતિની આ હાલતના કારણની ખબર તારાબહેનને નહોતી પરંતુ અરૂપ કારણોથી કયાં અજાણ હતો ? શું કહે તે તારાબહેનને ?

છતાં તારાબહેનની લાગણી તેને સ્પર્શી ગઈ.

’ તારાબહેન, તમે એક કામ કરી શકો ? ‘

તારાબહેન અરૂપ સામે જોઈ રહ્યા.

’ તારાબહેન, ઈતિને તો આપણે ત્યાં લઈ જી શકીએ તેમ નથી. પરંતુ તમે તેને બધી વાત કરી જુઓ... તે કોઈ રસ્તો બતાવશે તો આપણે તે મુજબ જરૂર કરીશું. ‘

’ ઠીક છે સાહેબ હું વાત કરી જોઈશ. ‘

કંઈક મૂંઝાતા તારાબહેન બોલ્યા અને નીચે ગયા...

અરૂપ ઈતિ પાસે જાતજાતની વાતો કર્યા કરતો. ઈતિ સાંભળે છે કે કેમ તેની પરવા કર્યા સિવાય... કયારેક... કોઈ વાત તેને સ્પર્શી જઇશે અને તેને હોંકારો મળશે... કોઈ પ્રતિસાદ મળશે... ભલે ને પછી તે ગમે તેવો નેગેટીવ હોય... એ પછી જોઈ લેવાશે. બસ એકવાર ઈતિની ચેતના પાછી આવે એકવાર ઈતિ તેનો એકરાર સાંભળી લે... સમજી લે પછી તેને જે સજા કરવી હોય તે કરે... તે વિના અરૂપને ચેન પડે તેમ નહોતું. કોઈનું ચેન જાણયે અજાણયે છીનવી લેનારને કયારેક વહેલુ કે મોડું બેચેન બન્યે જ છૂટકો થાય ને ?

અરૂપને એક જ આશ્વાસન હતું કે ઈતિ પોતાની કોઈ પણ વાતનો વિરોધ કર્યા સિવાય તે જેમ કહે તેમ ભલે યાંત્રિકતાથી, પણ કરતી રહેતી.

એક સવારે ચા પી લીધા બાદ ઈતિ રોજની માફક હીંચકે બેઠી હતી. અરૂપ પણ આવીને તેની પાસે બેઠો.

‘ ઈતિ, તને ખબર છે ? મારી ઓળખાણ અમેરિકામાં અનિકેત સાથે અચાનક જ થઈ હતી. અને તેમાં યે નિમિત્ત તો તું જ હતી. તારા અનિકેત પાસે ઈતિની વાત સિવાય બીજું શું હોય ?

તે દિવસે રવિવાર હતો. અમે પાંચ છ મિત્રો મીશીગન લેઈકમાં બોટીંગ માટે ગયેલ. અનિકેત મારા મિત્ર સંકેતનો મિત્ર હતો. અને સંકેત તેને પોતાની સાથે લાવ્યો હતો. અમારી એ પહેલી મુલાકાત. ત્યાં બોટમાં બધા પોતપોતાની ગર્લફ્રેન્ડની વાતો કરતા હતા. અનિકેત મૌન હતો.તેના ચહેરા પર એક ચમક હતી. બીજા બધા કહે આ શાંત, ઘરકૂકડા છોકરાને વળી ગર્લફ્રેંડ જ ન હોય તે બિચારો શું વાત કરે ? દોસ્તોની આ મજાક સામે પણ અનિકેત મૌન જ રહ્યો અને કબૂલ કર્યું કે તેને કોઈ ગર્લફ્રેન્ડ નહોતી. પરંતુ તેના ચહેરા પરની ચમક હું પારખી ગયો હતો. છોકરીની વાત નીકળતા જ તેની આંખોમાં ઉઘડેલ ઉજાસમાં મને કોઈનું વણદીઠું પ્રતિબિંબ દેખાયું હતું.ન જાણે કેમ પણ હું તેની પાસેથી વાત કઢાવવા આતુર બની ગયો. મેં તેનો પરિચય વધાર્યો. દોસ્તી કેળવી. વિશ્વાસ હાંસિલ કર્યો. અને અંતે તેને બોલતો કર્યો.

શરૂઆતમાં મને હતું કે કદાચ કોઈ છોકરીની બે ચાર વાતો હશે.સાંભળવાની, મસ્તી કરવાની મજા આવશે. તેને હેરાન કરીશું અને બે ઘડી મોજ માણીશું.

પણ ના... ત્યાં બે ચાર વાતો નહીં... અનિકેતનું સમગ્ર અસ્તિત્વ... આખું જીવન હતું. તેની દરેક ક્ષણમાં તું સચવાયેલ હતી. ઈતિ, માત્ર તું. એક છોકરો આટલી હદે કોઈને ચાહી શકે એ મારે માટે નર્યું આર્શ્ચય હતું. અમે બધા તો અત્યાર સુધી...’

અરૂપ પાણી પીવા બે ઘડી થોભ્યો. તેણે ઈતિ સામે નજર નાખી. પણ ત્યાં કોઈ ભાવ દેખાયા નહીં. પણ આજે અરૂપને કહ્યા સિવાય છૂટકો નહોતો. કયાંક આ વલોપાતના વમળમાં તે જ...

અનિકેતની વાત આવતાં કદાચ ઈતિ તરફથી એકાદ શબ્દ... એકાદ પ્રશ્ન આવશે એવી પાંગળી શંકા... અર્થહીન આશા અરૂપના મનમાં ઉગી આવી. ડૂબતો માણસ તરણુ પણ ઝાલે એવી એ ઠગારી આશા પણ આ ક્ષણે તેને આશ્વાસન આપતી હતી. પણ...

એકાદ મિનિટના મૌન પછી ઈતિ તરફથી કોઈ પ્રશ્ન... કોઈ હોંકારો ન આવતા તેણે આગળ વાત ચાલુ રાખી.

‘ ઈતિ, અનિકેતની વાતોમાં તારૂં પ્રતિબિંબ ઉભરતું ગયું. એ ઈતિમય બનીને કહેતો રહ્યો.અને હું ઈતિમય બનીને સાંભળતો રહ્યો.તમારા શૈશવની એક એક ક્ષણ તેની અંદર કેટલી હદે જીવંત હતી... ઈતિ, તું મને તારા શૈશવની વાતો કરતી અને હું અકળાતો... શા માટે ? મને બધી જાણ હતી જ. અને મારે તેનાથી દૂર જવું હતું, છૂટવું હતું. મારો અહમ ઘવાતો અને હું તને રોકતો. તું રોકાઈ જતી. તારો ઉત્સાહ રોકાઈ જતો. પણ...! બસ એ પણની પેલે પારનું સત્ય હું કયારેય સમજી ન શકયો.

‘ ઈતિ, અનિકેતની વાતો હું કલાકો સુધી થાકયા, કંટાળ્યા વિના સાંભળતો રહેતો. અનિની એ સાથીદારમાં... તારામાં અભાનપણે હું ખોવાતો રહ્યો. અનિકેતની વાતોમાંથી ઉભરતા તારા પ્રતિબિંબને હું મારા મનમાં અંકિત કરતો રહ્યો. તારી છબી અનાયાસે મારી અંદર ઉતરતી રહી. શ્રીમંતનું લાડકું, હઠીલું બાળક જેમ કોઈ વસ્તુ માટે જીદ કરે તેમ મારા મનમાં એક જીદ પ્રગટી હતી. ઈતિને હવે હું મારી જ બનાવીને જંપીશ. હવે એ મારે જ જોઈએ. અનિકેત પાસેથી હું ઈતિને છીનવીને જ રહીશ. એવો નિર્ણય મેં મૂરખે કર્યો હતો. કેવા ભ્રમમમાં હતો હું...! ’

બોલતાં બોલતાં અરૂપનું ગળુ ભરાઈ આવ્યું. છલકતી આંખે અરૂપ બોલતો રહ્યો. તેની એક એક વાતમાં આજે દિલની પૂરી સચ્ચાઈ હતી. ઈતિ સાંભળે કે નહીં... સમજે કે નહીં... આજે તે ઠલવાઈ જઇશે. પૂરેપૂરો ઠલવાઈ જઇશે. ઈતિને જે માનવું હોય તે માને... પણ હવે અંતરના આગળિયા ભીડેલા રાખવા અશકય હતા.

‘ ઈતિ, તું અહીં જે વાતો કરતી તે બધી વાતો મેં અનિકેત પાસેથી સાંભળી હતી. વારંવાર સાંભળી હતી. અને એ એક એક વાતે મારા મનની બાળહઠ વધુને વધુ ઘેરી બનતી જતી હતી. તેની અનિકેતને કયાં જાણ હતી ? તે તો તદન નિખાલસતાથી એક સાચા મિત્ર આગળ પોતાનું હૈયુ ખોલી રહ્યો હતો. જેના પ્રત્યેક અણુમાં ઈતિ, અને ફકત ઈતિ જ હતી. અંદરથી હું એના પ્રેમની ઈર્ષ્યા કરતો. સખત ઈર્ષ્યા કરતો... અને બહારથી તેના સાચા મિત્ર હોવાનો દંભ કરતો રહેતો. કેવી મોટી ભૂલ હું કરતો હતો તેનું મને કયાં ભાન હતું ?

અનિકેત દેશમાં પાછો ફરે તે પહેલાં તને મળી, તને પામી લેવાની. તીવ્ર ઝંખનામાં... હરિફાઈમાં જીદે ભરાયેલ બાળકની જેમ જ હું યુ.એસ. છોડી ભારત પાછો આવ્યો. અનિકેતે મને ઢીંગલી આપી હતી. તને આપવા માટે. અને તારૂં સરનામું આપ્યું હતું. મેં તેને મારી કોઈ વાત તને કરવાની ના પાડી હતી. કે ” આપણે ઈતિને સરપ્રાઈઝ આપીશું. આ ભેટની પણ કોઈ વાત કરીશ નહીં. એને અચાનક આ મળશે ત્યારે એ કેવી ખુશ થઈ જઇશે.! અને તને શું કહેશે એ માણવાની ઈંતેજારી કર દોસ્ત...”

ભોળા અનિકેતને મારા મનના કપટની કલ્પના સુધ્ધાં કયાંથી હોય ? તેણે તો મારી દરેક વાતો બિલકુલ સરળતા, સહજતાથી પૂરા વિશ્વાસથી માની લીધી હતી. તારી જેમ જ. આંખો બંધ કરીને તેણે એક મિત્ર પર વિશ્વાસ રાખ્યો હતો. ઈતિ, બિલકુલ તારી જેમ જ. હું કોઈના વિશ્વાસને લાયક નથી... ઈતિ, કોઈના વિશ્વાસને તોડવાનું મહાપાપ મેં કર્યું છે.

ઈતિ, ઈતિ, આજે મને સમજાય છે. કે હું કેવડો મૉટો ગુનેગાર છું. કુદરતે જોડેલ બે દિલને છૂટા પાડવાનું પાપ હરખાતે હૈયે... અને પૂરી સભાનતાથી હું કરી રહ્યો હતો. નાના બાળકની જેમ હું કોઈની ગમતી વસ્તુ ઝૂંટવી લેવાની જીદે ભરાયો હતો. ઈતિ, હું સાચું કહું છું... હું ખરાબ નહોતો... કયારેય આવો નહોતો... ખબર નહીં કયા ઓથાર હેઠળ હું આ પાપ આચરી બેઠો...

તને મેળવવાની એક ઘેલછામાં હું સારાસારનું ભાન કે વિવેકબુધ્ધિ ખોઈ બેઠો હતો. મારી અંદર એક શેતાન જાગ્યો હતો. અને હું કોઈનો પ્રેમ, વિશ્વાસ ભૂંસી નાખવા કટિબધ્ધ બન્યો હતો... મને કોઈ ભાન નહોતું રહ્યું. યેનકેન પ્રકારે અનિકેત પાસેથી તને ઝૂંટીને મારે મેળવી લેવી એ એકમાત્ર મારૂં ધ્યેય બની ગયું હતું.

“ ઈદૃીિઅંરૈહખ્ત ૈજ કટ્ઠૈિ ૈહ ર્ઙ્મદૃી ટ્ઠહઙ્ઘ ુટ્ઠિ. “ બસ એ વાકય જાણે મારે માટે બ્રહ્યજ્ઞાન બની ગયું હતું. હું મરણિયો બની ગયો હતો. અને એક મરણિયો માનવી જે કરે તે બધું જ મેં કર્યું. પૂરી સભાનતાથી, એક ક્રુરતાથી કર્યું. હું હરખાતો હતો,અનિકેત આગળ મનોમન ગર્વ કરતો રહ્યો...

‘ કાં, દોસ્ત, તારી ઈતિ કયાં ? જો એ તો હવે મારી... સંપૂર્ણપણે મારી બની ગઈ છે. ‘

હું અનિકેતની હાંસી કરતો હતો... પરંતુ હકીકતે કુદરત મારી હાંસી કરતી હતી એ મને મૂરખને કોણ સમજાવે ?

કેવો દંભી હતો હું. કેવા ભ્રમમાં રાચતો હતો ! અમુક સંબધોને કાળ પણ છિનવી શકતો નથી એ સત્ય તો મને આજે સમજાય છે. ત્યારે તો હું મારી હોંશિયારીથી મનોમન ફૂલાતો હતો, હરખાતો હતો.

ઈતિ, સાચું કહું ? તારી વાતોમાં આવતું અનિકેતનું નામ હું કયારેય સહન નહોતો કરી શકતો. કદાચ એક અજ્જ્ઞાત ડર... મારી અંદર રહેલ ગીલ્ટી ભાવ, કંઈક ખોટું કર્યું છે. એ ગુનાની ભાવના મને અંદરથી જંપવા નહોતી દેતી. બીજા કોઈને જાણ હોય કે ન હોય પરંતુ મને તો જાણ હતી જ ને? માનવી દુનિયા આખીથી ભાગી શકે પરંતુ પોતાનાથી કેમ ભાગી શકે ? તારી અંદરના અનિકેતનું નામો નિશાન મિટાવી દેવા પૂરી તાકાતથી હું ઝઝૂમી રહ્યો હતો.

હું તને ગમે તે ખુલાસાઓ આપીને મૌન કરી દેતો. અને તું તારી સરળતાથી મારા પર પૂર્ણ વિશ્વાસ મૂકીને મારી દરેક વાતનો સ્વીકાર કરી રહેતી. મારો પુરૂષ તરીકેનો અહમ સંતોષાતો. સ્ત્રીના પ્રેમને, સમર્પણને સમજી શકવાની શક્તિ કેટલા પુરૂષોમાં હોય છે ? મારામાં પણ નહોતી જ. પ્રેમ એટલે સ્ત્રી માટે પૂરૂં જીવન અને પુરૂષ માટે એક ઘટના માત્ર. નાની કે મોટી. પણ તેને માટે એ સર્વસ્વ નથી બની રહેતો.

મારા મનમાં સતત એક અજંપો જરૂર રહેતો. પણ એ અજંપો નેગેટીવ બનીને બહાર આવતો. તું મૌન થઈ જતી અને હું ખુશ થતો. હાશ ! હવે તું અનિકેતની વાતો નહીં કર્યા કરે. હવે તું અનિકેતને ભૂલી જઇશ.!

માનવી કેટકેટલા ભ્રમમો સાથે જીવતો હોય છે.! મીઠા તોયે ભ્રમમ માત્ર જ ને ?

ઈતિ, હું મૂરખ, પ્રેમ એટલે શું ? એ સમજી ન શકયો. હું બહું ખરાબ છું ઈતિ, બહું ખરાબ...’

એકીશ્વાસે હાંફતા... ત્રૂટક અવાજે બોલતા અરૂપની બંને આંખોમાંથી ગંગા જમના વહી રહી હતી. એના એક એક શબ્દમાં સચ્ચાઈનો, પશ્વાતાપનો, એહસાસનો રણકો હતો. અને છતાં મૂઢ બનેલી ઈતિને ઝકઝોરવા તે સમર્થ ન જ બની શકયો. ઈતિના હ્ય્દય આગળ લોખંડી કમાડ વસાઈ ગયા હતા. જે ભેદીને કોઈ સંવેદના અંદર જી શકતી નહોતી.

અરૂપ ઈચ્છતો હતો. અનિકેતની વાત સાંભળી ઈતિ રડે... ખૂબ રડે... પોતાને ખરૂં ખોટું ખૂબ સંભળાવે... ગમે તે રીતે ઈતિ ઠલવાય.

પરંતુ ઈતિના મૌનના ખડકને અરૂપની આંખોના ખારા જળ ન તોડી ન શકયા. કે ન અંદર સ્પર્શી શકયા. એ કાળમીંઢ ખડકને તોડીને કોઈ લીલી કૂંપળ ફૂટી ન શકી. કાળની એક જોરદાર થપાટે ઈતિના દિલના દરવાજા એવા તો સજ્જડ વાસી દીધા હતા કે હવે અરૂપ માટે તે ખોલવા અઘરા, અશકય થઈ પડયા હતા.

જીવનના રંગમંચ પર ઈતિને ભાગે હવે આ કયો રોલ ભજવવાનો આવ્યો હતો ?