Doast Mane Maf Karis Ne - Part-4 books and stories free download online pdf in Gujarati

Doast Mane Maf Karis Ne - Part-4

દોસ્ત, મને માફ કરીશ ને ?

.....પ્રકરણ.4

(મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..)

લેખક : નીલમ દોશી

Email : §

4. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..

“ આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી,
એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે.”

‘ એકવાર ના પાડીને કે તારે ઉઠવાનું નથી. ‘

બાર વરસની ઇતિ સત્તાવાહી અવાજથી અનિકેતને ધમકાવી રહી હતી.

અનિકેતને ચાર દિવસથી તાવ આવતો હતો. સૂઇ સૂઇને સ્વાભાવિક રીતે જ તે કંટાળી ગયો હતો. અને હવે તેને બહાર રમવા જવાની ઇચ્છા થતી હતી. પણ આ ઇતિ જોને......તેના કડક ચોકી પહેરામાંથી છટકવું કયાં આસાન હતું ? સ્કૂલમાં કોઇ ફંકશનને કારણે આઠ દિવસની રજા હતી. અને રજામાં આમ સૂઇ રહેવું કયા કિશોરને ગમે ? તેની મમ્મી સુલભાબહેન થોડા દિવસ માટે બહારગામ ગયા હતા. ઘરમાં બાપ દીકરો એકલા હતા...અને ત્યાં આ તાવ...! તેના પપ્પા મૂંઝાઇ ગયા હતા. જોકે ઇતિનું કુટુંબ બાજુમાં હતું તેથી ખાસ ચિંતા નહોતી. ઇતિની મમ્મી આંટાફેરા કર્યા કરતી. જમવાનું તો આમ પણ વરસોથી એક્બીજાની ગેરહાજરીમાં એક્બીજાને ત્યાં જ ગોઠવાતું. તેથી એવો કોઇ પ્રશ્ન નહોતો.

આજે તાવ વધારે હોવાથી ઇતિને તેની મમ્મીએ અનિકેતને કપાળે પોતા મૂકવા બેસાડેલી. અને ઇતિ પૂરી જવાબદારીથી પોતાની ડયુટી બજાવતી હતી માતૃત્વનો ઝરો બાર વરસની ઇતિમાં ફૂટી નીકળ્યો હતો. અનિકેતને દવા આપવાનો સમય થયો છે કે કેમ તે જોવા પોતા મૂકતી ઇતિ પાંચ પાંચ મિનિટે દીવાલ ઉપરની ઘડિયાળમાં જોતી રહેતી હતી. જરાયે મોડું ન થવું જોઇએ. આજે તેનું ધ્યાન કોઇ વાતોમાં…કોઇ મસ્તીમાં નહોતું. આજે તો તે અનિકેતની ચોકીદાર હતી. તેણે અનિકેતનું ધ્યાન રાખવાનું હતું. એ કંઇ ઓછી જવાબદારી હતી ? અને અનિકેત તો કંઇ સમજતો જ નહોતો. તાવ હોય તો સૂતુ રહેવું જ જોઇએ ને ? અને સમયસર દવા તો પીવી જ પડે ને ? અનિકેત તેની ઉપર કૃત્રિમ ગુસ્સો કર્યા કરતો હતો. પણ ઇતિ કંઇ એવી પરવા કરે તેમ કયાં હતી ? અનિકેત ગમે તેટલા નખરા ભલેને કરે..પણ ઇતિ પાસે તેનું થોડું ચાલવાનું હતું ?

બોલબોલ કરતા અનિકેતના મોં પર હાથ મૂકી ઇતિ દાદીમાની જેમ તેને ધમકાવી નાખતી.

‘મોં બંધ....! ડોકટરે બહું બોલવાની ના પાડી છે. તારે આરામ કરવાનો છે . ‘

’હા, તને તો ખીજાવાની મજા પડી ગઇ! એકવાર સાજો થવા દે ને..પછી જો...’

’પછીની વાત પછી.... મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. ચાલ,ચૂપચાપ દવા પી લે.’

અને ચમચીમાં દવા કાઢી ઇતિ ધીમેથી અનિકેતના મોંમાં દવા ખોસી દેતી. અનિકેત ગમે તેટલું કટાણું મોઢું ભલે કરે..પણ તેને ખબર હતી કે દવા તો પીવી જ પડશે. આ ઇતિ કંઇ તેને છોડે તેમ છે નહીં. તેની પાસે પોતાનું કંઇ ચાલવાનું નથી. અનિકેતે ગુસ્સામાં દવા તો પીધી પણ પોતાના ભીના હાથ ઇતિના ફ્રોકમાં લૂછવાનું ભૂલ્યો નહીં. કૃત્રિમ રોષથી ઇતિ કહે,

‘ચાલ, હવે ચૂપચાપ સૂઇ જવાનું છે.’

‘તું મારી ઉપર બહું દાદાગીરી કરે છે.’ મમ્મી આવશે એટલે બધું કહી દેવાનો છું.’

‘ કહેવું હોય તે કહી દેજે. ચાલ, હવે અત્યારે સૂઇ જા. ‘ આંટીને ઓળખતી ઇતિ પૂરેપૂરી રાજાપાઠમાં હતી.

‘ તું કહે ત્યારે મારે સૂઇ જવાનું ? હું નહીં ચલાવી લઉં..જા..’

‘ બધું ચલાવવું પડે. માંદો કેમ પડયો ?’

’તે કંઇ ગુનો કર્યો છે ? તું તો મને થોડીવાર પણ ઉભો નથી થવા દેતી.’

’ પણ તો પછી જલદી સાજા ન થવાય ને? ચાલ, તું તો બહું ડાહ્યો છે ને ? ’

ઇતિના અવાજમાં થોડી નરમાશ આવી.

‘ના, મારે કંઇ ડાહ્યા નથી થવું. એકવાર મને સાજો થવા દે ને પછી જો..હું પણ તને કેવો હેરાન કરું છું.’

’ પછીની વાત પછી..અત્યારે અંકલે અને મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. એટલે હું કહું એમ તારે કરવાનું...’

’ ચાલ હવે બહુ વાતો થઇ. ચૂપચાપ સૂઇ જા. ‘

ઇતિએ ફરી રોફ છાંટયો.

‘તું કહે ત્યારે મારે સૂવાનું..તું કહે ત્યારે મારે દવા પીવાની..તું કહે એ જ મારે ખાવાનું. બધુ તું કહે તેમ કરવાનું. ઇતિ, તું કહે છે તેમ બધું હું કરું જ છું ને ? દવા કેવી કડવી છે તો પણ પી લઉં છું ને ? પણ તું તો મને થોડીવાર પણ ઉભો નથી થવા દેતી...’

અનિકેતની વાત તો સાચી છે. પણ પોતે શું કરે ? ઇતિને દયા આવી ગઇ. તેણે ત્યાં પડેલી એક સ્ટૉરીબુક હાથમાં લઇ નાના બાળકને ફોસલાવતી હોય તેમ ધીમેથી કહ્યું,

’ અનિ, ચાલ, આમાંથી કઇ વાર્તા વાંચુ ? તું આંખ બંધ કરીને સાંભળ..’

’ના, વાર્તા નહીં...આપણે રોજ સ્કૂલમાં ગાઇએ છીએ..તે પ્રાર્થના ગા. મને એ બહું ગમે છે.’

’તું આંખો બંધ કરીને સૂઇ જા તો હું પ્રાર્થના ગાઉં. બસ ? ’

કહ્યાગરા છોકરાની માફક અનિકેતે આંખો બંધ કરી દીધી. અને ઇતિના હાથ અનાયાસે અનિકેતના વાળમાં ફરતા ગયા...અને ગળામાંથી સ્વરો ગૂંજી ઉઠયા.

” મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે..

શુભ થાઓ આ સકલ વિશ્વનું,

એવી ભાવના નિત્ય રહે...એવી ભાવના નિત્ય રહે...”

ઇતિના મોં પર એક દિવ્ય આભા છવાઇ રહી. અને એક પછી એક પ્રાર્થના સરતી રહી..

“ એક જ દે ચિનગારી..મહાનલ..એક જ દે ચિનગારી.. “ કે પછી

“ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા..”

વચ્ચે વચ્ચે અનિકેત આંખ ખોલી છાનોમાનો ઇતિને જોઇ લેતો. ઇતિ કંઇ બોલ્યા સિવાય અનિકેતની આંખો પર હાથ મૂકી દે...અને પ્રાર્થના આગળ સરતી રહે.

ઇતિના ગળામાંથી આ ક્ષણે પણ એ સ્વરો વરસો બાદ આપમેળે ગૂંજી ઉઠયા.. એકાદ ક્ષણ તે ચોંકી ગઇ. પણ એ સમાધિમાંથી બહાર આવવું તેને ગમ્યું નહીં. તેની આંખો ફરીથી બંધ થઇ.

એક કિશોર અને કિશોરી કયા ભાવવિશ્વની સફરમાં ખોવાયેલ હતા તેની જાણ તેમને પોતાને પણ કયાં હતી ?

કાળદેવતા આ કિશોર કિશોરીના નિર્વ્યાજ સ્નેહઝરણામાં એકાદ ક્ષણ ડૂબકી મારી.. મૌન આશીર્વાદ વરસાવતા હળવેથી ત્યાંથી ખસી રહ્યા. આ પવિત્ર,દિવ્ય વાતાવરણમાંથી ખસવાની ઇચ્છા તો તેમને યે નહોતી થતી. પણ....

અનિકેતના પપ્પા સાંજે ઓફિસેથી આવીને કહેતા, ‘ઇતિ બેટા, હવે તું થાકી ગઇ હઇશ. લાવ, થોડીવાર હું પોતા મૂકુ. પણ ઇતિ અનિકેત પાસેથી ખસવાનું નામ કેમ લે ? અનિકેતને તે પૂરેપૂરો ઓળખેને..! દવા પીવાનો કેવો ચોર છે..તેની જાણ અંકલને થોડી હોય ? અને અનિકેત માટે ઇતિ કોઇનો વિશ્વાસ કરી કેમ શકે ?

અનિકેતે તો તુરત કહ્યું, ‘હા, ઇતિ, તું જા..હવે તો પપ્પા છે ને ? તે મને દવા આપી દેશે. ‘ ઇતિ કરતાં પપ્પાને પટાવવા સહેલાં હતા તે અનિકેત જાણતો હતો. પણ જવાબમાં ઇતિએ અનિકેતને હોઠ પર આંગળી મૂકી ચૂપ કરીને અંકલને કહ્યું,

’ ના, અંકલ..તમે તમારે છાપુ વાંચો. પોતા હું મૂકુ છું. તેને દવા પીવાનો સમય થશે પછી દવા પીવડાવીને જ જઇશ. તમારી પાસે તો અનિ નખરા કરશે. ‘

અને અંકલને પણ ઇતિની વાત સાચી લાગી. અને તેમણે હાથમાં પેપર લીધું અને ઇતિએ અનિકેતની સામે વિજયી અદાથી જોયું. અનિકેતે કશું બોલ્યા સિવાય ચાદર માથા સુધી ખેંચી લીધી. કદાચ તેમાં જ પોતાની સલામતી છે તે સમજતાં તેને વાર નહોતી લાગી.

બે દિવસ પછી હોળી હતી. અનિકેતનો તાવ તો ઉતર્યો હતો. પરંતુ હજુ બહાર જવાય તેવી શક્તિ આવી નહોતી. અને ઇતિ જેવી ચોકીદાર બેઠી હોય ત્યારે તો જવાનો કોઇ સવાલ જ નહોતો. નહીંતર દર વરસે ધૂળેટીના દિવસે ઇતિ, અનિકેત હાથમાં પિચકારી અને કલર લઇને તૈયાર જ હોય. તેમનું આખું ટોળુ સાથે મળીને બહાર ઉપડયું જ હોય.

‘ ઇતિ, આજે હવે મને તાવ પણ નથી. અને કાલે તો સાવ સારું થઇ જશે પછી આપણે રંગ લઇને રમવા જશુંને ? ‘

’ એ અત્યારથી ન કહી શકાય. બે દિવસ પછી જોઇશું. ‘

ગંભીરતાથી ઇતિ બોલી.

‘ પણ હવે તો મને સારું છે. ‘

’એકવાર કહ્યુંને પછી જોઇશું. હું અને અંકલ ડોકટરને પૂછીને પછી કહેશું. ‘ મોટા માણસની જેમ ઇતિએ જવાબ આપ્યો.

અને ડોકટરને પૂછતાં તેમણે આરામની સલાહ આપી અને તે પણ ઇતિની હાજરીમાં...પછી અનિકેત હલી પણ કેમ શકે ?

ધૂળેટીને દિવસે સવારે અનિકેત નિરાશ થઇને સૂતો હતો. હજુ સાવ સારું નહોતું થયું. તેને થયું ઇતિ અને બધા રમતાં હશે અને તે એકલો અહીં આમ પડયો છે. તેને રડવું આવતું હતું. બહારથી આવતા હસવાના અવાજ તેને આમંત્રણ આપતાં હતાં. તે ધીમેથી ઉભો થયો. ઇતિને જે કહેવું હોય તે કહે. પોતે કંઇ ઇતિની દાદાગીરી ચલાવી લેવાનો નથી. બધું ઇતિ કહે એમ જ કરવું એવું થોડું છે ? પોતે રમવા ઉપડી ગઇ છે. અને મારે આમ પડયા રહેવાનું? પણ શું કરે તે ? બહાર પપ્પા બેઠાં હતાં અને પેલી ચિબાવલી પપ્પાને કહીને જ ગઇ હશે કે અનિકેતને બહાર નીકળવા દેશો નહીં. અને પપ્પા ઇતિ કહે તેમ કરવાના જ.

અનિકેતને બહું ગુસ્સો આવ્યો. તે ધીમેથી ઉભો થયો. બારીમાંથી બહાર જોઉં તો ખરો ઇતિ અને બધા કેવા રમે છે ! તે ધીમેથી ઉભો થયો. ત્યાં જ ઇતિ આવતી દેખાઇ. તે ઝડપથી પોતાની જગ્યાએ જઇને સૂઇ ગયો.

પણ ઇતિએ તેને જોઇ લીધો હતો.

અંદર આવીને તેણે પહેલું કામ આનિકેતને ધમકાવવાનું જ કર્યું.

’ ઉભા થવાની ના પાડી હતી ને ? કેમ ઉભો થયો હતો ? ‘

એ તો બે મિનિટ...ખાલી જોતો હતો. અને આમ પણ મારે પાણી પીવું હતું. ‘

’ પાણી અહીં રાખ્યું જ છે. બહાના ન કાઢ. બહાર જવું હતું એમ કહી દે ને..’

એ તો જાઉં પણ ખરો. તારી દાદાગીરી હવે હું ચલાવવાનો નથી.

’ બસ હવે..ચાલ, ચૂપચાપ સૂઇ જા. અનિ, તું તો ડાહ્યો છે ને ? ‘

ઇતિ થોડી નરમ પડી. અનિકેત રમવા નથી જઇ શકતો તેનું દુ:ખ તો તેને પણ થતું હતું. પણ શું થાય ?

‘ ઇતિ, તું તારે રમવા જા..હું નહીં નીકળું. બસ ? ‘

’ ના,મને તારા વિના રમવા જવું ન ગમે. ‘

’ તે તું આજે બિલકુલ રમવા નહીં જાય ? ‘

’ તને મજા ન હોય તો કેમ જાઉં ? ‘ સ્વાભાવિકતાથી ઇતિએ કહ્યું.

‘ ના, ના, ઇતિ , તું જા...મને ખબર છે તને પણ રંગથી રમવું કેટલું ગમે છે. ‘

હવે અનિકેતે ઉદારતા દર્શાવી. તે તો એમ જ માનતો હતો કે ઇતિ રમવા ગઇ જ હશે.

ત્યાં તો ઇતિએ હાથમાં અત્યાર સુધી છૂપાવી રાખેલ ગુલાલ અનિકેતને કપાળે ધીમેથી અડાડયો.

‘ લે તારે હોળી રમવું હતું ને ? ‘

’ એ ય આ તો ચીટીંગ કહેવાય હોં. મારી પાસે રંગ નથી એટલે તું એકલી મને આમ રંગી દે એ ન ચાલે. ‘

ચાલે..ચાલે બધું ચાલે..કોણે માંદા પડવાનું કહ્યું હતું ? ‘

પણ ત્યાં તો ચાલાક અનિકેતે ઇતિને ખબર ન પડે તેમ ધીમેથી ઇતિએ બાજુમાં મૂકેલ ગુલાલના પડીકામાંથી ગુલાલ હાથમાં લઇ લીધો હતો અને અચાનક ઇતિને આખી ભરી મૂકી.

‘ અનિ....મારું ફ્રોક...તારી પાસે ગુલાલ કયાંથી આવી ગયો ? ‘

ત્યાં બાજુમાં રાખેલ પડીકા ઉપર તેનું ધ્યાન ગયું. અને તે સમજી ગઇ.

અનિકેત મોટેથી હસી પડયો. કેવી રંગાઇ ગઇ ? મને રંગવા આવી હતી. લે લેતી જા...

અને પછી તો બંનેની મસ્તી થોડીવાર ચાલી. બંને ગુલાલથી આખા લાલ થઇ ગયા હતાં. ખિલખિલાટ હસવાનો અવાજ સાંભળી અનિકેતના પપ્પા પણ અંદર આવી ગયા. બંનેને ગુલાલના રંગે રંગાયેલ જોઇ તે પણ હસી પડયા. હવે ઇતિ અંકલને થોડી છોડે ? તેણે દોડીને અંકલને રંગથી ભરી દીધા. અનિકેત હસી પડયો.

‘ પપ્પા. ઇતિથી બચવું સહેલું નથી. ‘

’ આજે તો બચાય જ નહીં ને..’

‘ અનિ, એક મિનિટ, હું બારણું બંધ કરી આવું. નહીંતર બધા ઘરમાં આવીને તને હેરાન કરશે. અને બારણું બંધ કરવા જતાં જતાં ઇતિ લાગ જોઇ ફરી એકવાર અનિકેતને રંગવાનું ચૂકી નહીં.

ગુલાલના રંગની એ સુરખિ આ ક્ષણે પણ ઇતિના મોં પર છવાઇ હતી તેનાથી ઇતિ બેખબર જ રહી. પણ બંધ આંખે તે એકલી એકલી મોટેથી હસી પડી.

પણ આમાં બીજા કોઇ દ્રશ્યની ભેળસેળ કેમ થઇ જતી હતી ?

‘ ઇતિ, આ શું નાના છોકરાની જેમ મસ્તી માંડી છે ? છિ..મને આવું જરા ય ગમે નહીં. રંગથી આવા ગંદા થવું એ કંઇ આપણું કામ છે ? ‘

લગ્ન પછી પહેલી હોળીએ સવારે ઉઠતાંની સાથે જ મલકતી ઇતિએ અરૂપને ગુલાલવાળો હાથ હજુ તો અડાડયો જ હતો ત્યાં અરૂપનો રુક્ષ અવાજ સાંભળી તે અટકી ગઇ. છતાં ધીમેથી કહ્યું ખરું,

‘ અરૂપ, આજે તો હોળી છે તેથી મને થયું કે...’

વચ્ચેથી જ અરૂપે કહ્યું,’ હા, મને ખબર છે હોળી છે. પરંતુ હવે તું નાની નથી. હવે થોડી મેચ્યોર થતાં શીખ.’

અને ઇતિ મેચ્યોર થઇ ગઇ હતી. તે દિવસ પછી આજ સુધી એક પણ હોળી ઉપર રંગનું નામ સુધ્ધાં ઇતિએ નથી લીધું. ધૂળેટીને દિવસે તે બાલ્કનીમાંથી બહાર જોઇ રહેતી. પરંતુ અહીં આસપાસ ખાસ કોઇ વસ્તી નહોતી. કોઇ રડયું ખડયું કયારેક દેખાઇ જાય એટલું જ. જોકે કોઇ ન દેખાય તો પણ શું ? ઇતિને તો ધૂળેટીને દિવસે પેલા ધોળા ધોળા સસલાને પણ રંગથી ભરી મૂકવાનું મન થઇ જતું. તેનું ચાલે તો દોડી જતી ખિસકોલીને પણ તે રંગી નાખે અને ઉડતાં પંખીઓને પણ રંગથી નવડાવી દે. લીલા પોપટ ઉપર લાલ રંગ કેવો લાગે ? કાળી મેનાને તો સરસ મજાના મેઘધનુષી રંગથી શણગારી દે. ઇતિની કલ્પનાઓનો કોઇ અંત કયાં હતો ?

પણ ના, હવે તો તે સાસરે આવી હતી. મેચ્યોર થઇ ગઇ હતી. એવી બાલિશતા....નાદાની તો શૈશવમાં શોભે......

પરંતુ આ ક્ષણે તો તે દિવસની મસ્તીનો કેફ ઇતિને જરૂર ચડયો હતો. કે પછી તે કેફ કયારેય ઉતર્યો જ નહોતો. ફકત અંદર છૂપાઇ રહ્યો હતો? અને ઇતિને ખબર નહોતી પડી.?

ઇતિ એકલી એકલી હસી પડી. તેની નજર સમક્ષ આ પળે આખો ગુલાલવાળો થઇ ગયેલ અનિકેત દેખાતો હતો. અને ઇતિના ચહેરા ઉપર એ ગુલાલની સુરખિ.....

હોળીના બે દિવસ પછી અનિકેતની મમ્મી આવી ત્યાં સુધીમાં તેનો તાવ ઉતરી ગયો હતો. અને ઇતિ પોતાને કેવો હેરાન કરતી હતી, કેવી ખીજાતી હતી..તેની ફરિયાદ અનિકેત મમ્મીને કરતો હતો. અનિકેતની મમ્મીનો વહાલભર્યો હાથ બંને બાળકો પર ફરતો હતો.

ઇતિ તો ખડખડાટ હસતી હતી. અને અનિકેતની મમ્મી પોતાને માટે લાવેલ ફ્રોક પહેરીને તે કેવું લાગે છે તે અરીસામાં જોવામાં મશગૂલ હતી.

‘ બહું રૂપાળી લાગે છે..બસ હવે..’ અનિકેત ખડખડાટ હસતો હતો.

’મારી ઇતિ ગમે તે પહેરે...સરસ જ લાગે..’

અનિકેતની મમ્મીએ હમેશની જેમ પુત્રને બદલે ઇતિનું જ ઉપરાણું લીધું. અને ઇતિ વટથી અનિકેત સામે.....!

’ઇતિ, આ સાડી સાવ સાદી લાગે છે. સાવ મણિબેન જેવી તું આમાં દેખાય છે. સારી સાડી પહેરને..’

ઇતિના કાનમાં અરૂપના શબ્દો કયારે ઘૂસી ગયા ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED