Dost Mane Maf Karis Ne - 10 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Dost Mane Maf Karis Ne - 10

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૦

અણધાર્યું પ્લાનીંગ... સિમલા... .

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦. અણધાર્યું પ્લાનીંગ... સિમલા...

“ના ઉઘાડે છોગ નહીતર આમ અજવાળુ ફરે,

કોઈએ કયારેક છાની જયોત પ્રગટાવી હશે...”

‘અનિ, એક મિનિટ તો શાંતિ રાખ... ખોલુ છું.’ ઉપરાઉપરી બેલનો અવાજ સંભળાતા ઈતિ અભાનપણે ઉભી થઈ... અને નિન્દ્રામાં ચાલતા માણસની જેમ દરવાજા સુધી પહોંચીને દરવાજો ખોલ્યો. અનિકેતની આ આદત કયારેય નહીં જાય. ભારે અથરો... ધડાધડ બેલ માર્યા જ કરે,એક મિનિટ તેનાથી રાહ ન જોઈ શકાય. પોતે કેટલીવાર આ માટે તેની પર ગુસ્સે થઈ છે. પણ તેને અસર થાય તો ને ?

દરવાજો ખોલતા ઈતિ જોઈ રહી. અનિકેત આજે બદલાઈ ગયેલ કેમ લાગે છે ?

’એય ઈતિરાણી, કયાં છો? આમ બાઘાની માફક જોઈ શું રહી છે ? હવે મને અંદર આવવા દેવાનો છે કે નહીં ? ‘

શબ્દો તો કાને અથડાયા... પણ હજુ તેનો અર્થ કયાં સમજાતો હતો ? આ બધું શું છે ? અનિકેત વળી તેને ઈતિરાણી કહેતો કયારથી થઈ ગયો ? અને અનિકેત બહાર કયાં ગયો હતો ? હમણાં સુધી તો તે અહીં જ... પોતાની સાથે જ તો હતો... અને આમ સાવ બદલાઈ ગયેલ કેમ લાગે છે ?

દરવાજા પાસે ઉભી ઉભી ઈતિ વિચારી રહી. ત્યાં...

‘ અરે, ઈતિ, હું છું ... અરૂપ... તારો અરૂપ... કોઈ ભૂત બૂત નથી. તું તો જાણે કોઈ અજાણી વ્યક્તિને જોતી હોય તેમ જુએ છે. કોઈ સપનું નથી જોયું ને ? અને હવે મને અંદર આવવા દેવાનો છે કે પછી મારે બહાર જ તપ કરવાનું છે ?

અરૂપના અવાજે ઈતિ વર્તમાનની ક્ષણોમાં ઝબકી ઉઠી. તેણે આંખો ચોળી.

આ... આ તો અરૂપ હતો. અનિકેત નહીં. તો પછી અનિ... અનિકેત કયાં ?ઈતિની બહાવરી આંખો ચકળવકળ ચારે તરફ ઘૂમી વળી. ત્યાં આસપાસ કોઈ દેખાયું નહીં.

એટલે અત્યાર સુધી શું તે અતીતની ગલીઓમાં ઘૂમતી હતી ? આ થોડા કલાકમાં તેણે આટલા વરસો ફરી એકવાર જીવી લીધા હતા ?

આ ક્ષણ સુધી અનિકેત પોતાની અંદર આટલી હદે...? અને પોતાને જાણ સુધ્ધાં નહોતી ?

અનિકેત... એક વિસરાઈ ગયેલું નામ... એક વીતી ગયેલી વાત માની આટલા વરસો પોતાની જાતને છેતરી રહી હતી ? કે પછી પોતે જ અંધકારમાં અટવાયેલ હતી ?

‘ઈતિરાણી, કયાં... કઈ દુનિયામાં ખોવાઈ ગયા છો ? અરૂપે તેને ખભ્ભો પકડી હચમચાવી નાખી. ‘ શું છે ઈતિ ?

ઈતિ થોડી દૂર ખસી. અરૂપ અંદર આવ્યો.

ઈતિ કશો જવાબ આપે તે પહેલા જ...

‘ઈતિ, ચાલ જલદી તૈયારી કર... ઘણું કામ છે ?‘

મૌન ઈતિએ પ્રશ્નાર્થભરી નજરે અરૂપ સામે જોયું.

’અરે, બાબા, તું તો હું જાણે કોઈ અજનબી હોઉં એમ મારી સામે જુએ છે. એની વે... ઈતિ, આપણે કાલે સવારે સિમલા જીએ છીએ... જો આ પ્લેનની બે ટિકિટ... બધુ બૂકીંગ પણ થઈ ગયું છે. ઓકે ? ખુશ ? આમ પણ ઘણાં સમયથી આપણે કયાંય જી શકયા નથી ને. ચાલ ,જલદી સામાન પેક કર... અને હા, બહું ભૂખ લાગી છે. જલદી કંઈક સરસ ખાવાનું ફટાફટ... અને પછી તૈયારી. કાલે સવારે પાંચ વાગ્યાની ફલાઈટ છે.’

અરૂપ એકી શ્વાસે જાણે અહેવાલ આપતો હોય તેમ બોલી ગયો.

અને ઈતિને સફાળા ભાન આવ્યું.

’ના, અરૂપ, કાલે તો મારે...’

ઈતિ વાકય પૂરૂં કરે તે પહેલા જ... ’શું છે કાલે ? અરે, કાલની વાત કાલે... અત્યારે તો પેટમાં ગલૂડિયા બોલે છે. પહેલા પેટપૂજાનો પ્રબંધ થવો જોઈએ હોં.’

’ અરૂપ, આજે મમ્મીનો ફોન આવેલ...’

’ સારૂં સારૂં... ચાલ, વાત થઈ ગઈ ને ? હવે જરા જલદી... પ્લીઝ...’

’ના, એમ નહીં, ત્યાં અનિકેત આવ્યો છે... વરસો પછી એના કોઈ સમાચાર મળ્યા છે. મેં તને અનિકેતની વાત તો કરી હતી ને ? તે આવેલ છે અને મને મમ્મીએ બોલાવેલ છે. મને લાગે છે...’

એકીશ્વાસે ઈતિ બોલી ઉઠી.

પરંતુ તે વાત પૂરી કરે તે પહેલાં અરૂપ વચ્ચે જ ઉતાવળથી બોલ્યો

’અનિકેત... કોણ અનિકેત ? ઓહ... યસ... યસ યાદ આવ્યું. પેલો તમારો પડોશી હતો તે ? એની વે... સિમલાથી આવીને નિરાંતે જી આવજે. બસ ? અત્યારે હવે તેની લપ કાઢીને પ્લીઝ... મને બોર નહીં કરતી... આમ પણ આજે હું સખત થાકયો છું. કાલે સવારે વહેલું જવાનું છે... હજુ તો પેકીંગ પણ બધું બાકી છે. ‘

‘ પણ અરૂપ આમ અચાનક સિમલાનો પ્રોગ્રામ ? આપણે તો એવી કોઈ વાત પણ કયાં થઈ હતી ?’

’અરે, એ જ તો સરપ્રાઈઝ છે ને ? કેટલી મહેનતે માંડમાંડ ટિકિટ મેળવી છે. ખબર છે ? હવે આડીઅવળી વાતો કરીને ફરવાનો બધો મુડ ન બગાડતી.’

’પણ અરૂપ, મારે પહેલા અનિકેત પાસે જવું છે. મમ્મી કશુંક કહેતી હતી... પણ ફોન કપાઈ ગયો. અને જોને ફરીથી લાગતો પણ નથી. તારા મોબાઈલમાંથી કરી જોને. કોઈ પ્રોબ્લેમ તો નથી ને ? મને ચિંતા થાય છે. ‘

‘ ઓકે... ઓકે... હું વાત કરી લઉં છું. ત્યાં સુધીમાં તું જમવાની તૈયારી કર. મોડું થાય છે. ‘ ઉપર ચડતા ચડતા અરૂપે કહ્યું. ઈતિ પરાણે રસોડામાં પહોંચી પણ મન તો...

અરૂપે લાખ વાર કહેવા છતાં ઈતિએ રસોઈ કરવા માટે મહારાજ રાખ્યો નહોતો. પછી પોતે આખો દિવસ શું કરે ? અને તારાબહેન તો આખો દિવસ ઘરમાં મદદ કરવા માટે હતા જ. પરંતુ બે દિવસ માટે તે બહારગામ ગયા હતા. તે હોત તો આજે તે જ રસોઈ બનાવી નાખત. આ ક્ષણે તેને રસોઈ કરવાની જરાયે ઈચ્છા નહોતી થતી. પણ કોઈ ઉપાય નહોતો. તેણે પરાણે રસોઈ શરૂ કરી. પણ જીવ તો અનિકેતમાં જ અટવાયેલો રહ્યો.

“ કોઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને ? આટલા વરસે અનિકેત કયાંથી... કયારે આવ્યો ? આટલા વરસો કયાં હતો ? એકલો આવ્યો હશે કે તેની ગોરી પત્ની પણ સાથે હશે... ? “

અનિકેતે લગ્ન કરી લીધા હશે અને કોઈ કારણસર કહી શકયો નથી તેથી જ આટલા વરસો પોતાનો અત્તોપત્તો લાગવા નથી દીધો. એમ માનતી ઈતિએ અનિકેતને કરવા અનેક ફરિયાદો વિચારી લીધી.

“ અનિકેતનો તો તે બરાબર વારો કાઢશે. સમજે છે શું તેના મનમાં ? અરે, તેની પત્નીને પણ તે તો હક્કથી કહેશે. કે અનિકેતને આટલા વરસો કયાં છૂપાવી રખ્યો હતો ? અનિકેતની દરેક વાત... દરેક વસ્તુ કે દરેક વ્યક્તિ ઉપર પોતાનો પણ હક્ક તો ખરો જ ને ? એ મનભરીને અનિકેત સાથે લડશે... ઝગડશે... અનિકેત તેને મનાવશે... અને પછી જ પોતે તેની બધી વાતો સાંભળશે... .વાત છે અનિ મળે એટલી વાર. આટલા વરસે હવે ઈતિ યાદ આવી ? “

ઈતિનું મન રોષથી ... અભિમાનથી છલકી રહ્યું. જાણે ગર્વભંગ થયેલી એક માનૂની... ! તેના રોમરોમમાં એક અધીરતા... જાગી હતી. શાક બળવાની વાસ પણ તેને કયાં આવી ?

તે તો ફરી એકવાર તે દિવસોમાં પહોંચી ચૂકી હતી.

પોતે ત્યારે હજુ રસોઈ બનાવતા શીખતી હતી. અનિકેતની બહેન ઈશા અમેરિકાથી આવી હતી. અને તે દિવસે સાંજે અનિકેતના આખા કુટુંબને જમવાનું કહ્યું હતું. ઈતિ મમ્મીને કીચનમાં મદદ કરાવતી હતી. તે રસોડામાં પરોઠા વણતી હતી અને અનિકેત આવ્યો હતો. ઈતિને પરોઠા બનાવતી તેણે જોઈ.

‘આંટી, આજે મને જમવામાંથી બાકાત રાખજો હોં. હું તો બહાર જમીને જ આવીશ.‘

ગંભીરતાથી અનિકેત બોલ્યો.

‘ કેમ ? ‘

અનિકેત આમ કેમ કહે છે તે નીતાબહેનને સમજાયું નહીં...

‘ કયાંય બહાર જવાનું છે ? ‘

‘આંટી, જવાનું તો નથી. પરંતુ લાગે છે કે આજે જવું પડશે.’

’ બેટા, કંઈક સમજાય તેમ સરખું બોલને... આમ ગોળગોળ શું બોલે છે ?’

‘ના, ના, આંટી... ખાસ કશું નહીં. આ તો ઈતિને રસોડામાં જોઈને મને થયું કે મારે આજે અહીં જમવાનો અખતરો કરવો કે નહીં ? કે પછી બહાર જમી લેવું વધારે સારૂં રહેશે ? એ વિચારતો હતો. આમ તો અખતરો કરી લઉં. પણ આંટી, આ તો હમણાં પાછી કોલેજમાં પરીક્ષાઓ પણ આવે છે ને તેથી માંદા પડવું પોસાય તેમ નથી. ‘

કોઈ ગંભીર વાત કરતો હોય તેમ અનિકેતે કહ્યું.

અને ઈતિ ચિલ્લાઈ...

’ અનિ...’

નીતાબહેન હવે સમજયા અને ખડખડાટ હસી પડયા.

જોકે મોઢેથી તો એમ જ બોલ્યા,

’ એય અનિ, મારી દીકરીની મસ્તી નહીં હોં. એ સરસ રસોઈ બનાવે છે. એકવાર ખાઈશ તો આંગળા ચાટતો રહી જીશ. શું સમજયો ? ‘

’ ના, મમ્મી, એને તો બહાર જ જમવા જવા દે... કોઈ જરૂર નથી તેને અહીં જમવાની. ‘

ઈતિ કૃત્રિમ ગુસ્સાથી બોલી ઉઠી.

’ ઓહ, તને ખરાબ લાગી ગયું. સોરી ઈતિ, ઓકે ચાલ, હું પણ અહીં જ જમીશ. તને ખરાબ લાગે તે મને ન ગમે. એના કરતાં માંદા પડવાનું હું વધું પસંદ કરૂં. એકાદ બે ડાયજીન કે એવું કશું લઈ લઈશ. બસ ? એમાં શું મોટી વાત છે ?

નીતાબહેન હસતાં હસતાં બંનેની વાતો સાંભળી રહ્યા. નાનપણથી ઘરના બધા ઈતિ, અનિકેતની મસ્તી જોતાં જ આવ્યા હતાં.

અનિકેત ગેસની નજીક આવીને ઈતિની મમ્મી પાસે ઉભો રહી ગયો. અને હસવા લાગ્યો.

’ આંટી, બચાવી લેજો હોં. ‘

‘ એમ કંઈ મમ્મી પાસે ઘૂસી જવાથી તું બચી નહીં જાય હોં. ‘

‘ મને ખબર જ છે. તારાથી બચવું કંઈ સહેલું નથી. ‘

અનિકેત મોટેથી હસી રહ્યો.

અનિ, આમાં હસવા જેવું શું છે ? ‘

’ ના, ના, કશું નહીં. હું તો જોતો હતો કે તારા હાથમાં આ વેલણ કેવું વિચિત્ર લાગે છે ? જોવું છે અરીસામાં ? ‘

’ હું કંઈ પહેલીવાર રસોઈ નથી કરતી... શું સમજયો ? ‘

’ અરે બાપ રે... એટલે આની પહેલાં પણ તેં કોઈ ઉપર અખતરો કરી લીધો છે એમ ? એ અખતરાનો ભોગ કોણ બન્યું હતું ? અરે... હા... યાદ આવ્યું... તે દિવસે આંટી પેટમાં દુઃખવાની ફરિયાદ કરતાં હતા... .યસ... તે દિવસે જ તેં એ ભવ્ય અખતરો કર્યો હશે... બરાબરને ? આંટી, સાચી વાતને ? તે દિવસે તમે પેટમાં દુઃખવાની વાત કરતા હતાં ને ? ‘

તમારા બેના ઝગડામાં મને સંડોવવાની જરૂર નથી.

હવે અનિકેત જોશથી હસી પડયો.

‘જો ઈતિ, આંટી પણ તારાથી કેવા ગભરાય છે બિચારા ! સાચી વાત કહી શકતા નથી.

’ તમે બંને તમારો ઝગડો પૂરો કરી લો ત્યાં સુધીમાં હું તારે ઘેરથી બધાને બોલાવી લાવું.’

કહી નીતાબહેન હસતાં હસતાં કીચનની બહાર ગયા.

ઈતિએ હાથમાં પકડેલું વેલણ અનિકેત તરફ ઉગામ્યું.

‘ અરે વાહ..! તું તો ઝાંસીની રાણી જેવી લાગે છે ? હું કલ્પના કરૂ છું કે રાણી લક્ષ્મીબાઈના હાથમાં તલવારને બદલે આમ વેલણ હોય તો કેવું લાગે ? ‘

’અનિ... હવે સાચ્ચે જ તું મારા હાથનો માર ખાઈશ હોં. ‘

’ એક મિનિટ, મને વિચાર કરી લેવા દે... કે તારા હાથના આ આડાવળા નકશા ખાવા કે પછી માર ખાવો બેમાંથી શું વધારે સારૂં પડશે ? ‘

‘ હા... હા... તું તારે બહાર જ જમી લેજે. જોઉં છું કેટલા દિવસો બહાર જમે છે ? ‘

કેટલા દિવસો એટલે ? જાણે કેમ મારે હમેશા તારા હાથનું જ ખાવાનું હોય ? ‘

’ તો કોના હાથનું ખાવાનું છે ?

અચાનક ઈતિ મૌન... .અનિકેત મૌન.

વાત કયાંથી કયાં આવી ગઈ હતી ?

મોઢામાંથી આ કેવા શબ્દો નીકળી ગયા હતા ? અનિકેત રોજ થોડો તેના હાથનું ખાવાનો છે ? ઈતિ આગળ વિચારી ન શકી.

’ અનિ, શું વિચારે છે ? ‘

’ અરે હું તો વિચારતો હતો કે આ તારી રોટલીનો નકશો કયા દેશનો છે ? તે સમજાતું નથી. ‘

અનિકેતે વાત ઉડાડતાં કહ્યું.

‘ આમ પણ હમણાં કોઈ અખતરાનો ખતરો લેવો પોસાય તેમ નથી. તને પણ ખબર છે કે હમણાં પરીક્ષાઓ આવે છે તેથી માંદા પડવું પણ ચાલે તેમ નથી. નહીતર વળી હિમત કરી નાખત. ’

‘ અનિ ‘

ગુસ્સે થઈને ઈતિ હાથમાં વેલણ પકડી અનિકેત તરફ દોડી.

અનિકેત આગળ અને હાથમાં વેલણ પકડી ઈતિ તેની પાછળ... આજે તો તે અનિકેતને નહીં જ છોડે... હમણાં તે બહુ ચગ્યો છે.

ઈતિ હાથમાં વેલણ ઉગામી રહી.

ત્યાં અરૂપ નીચે આવ્યો,’ અરે, ઈતિ કયાં ખોવાઈ ગઈ છો ? અને આમ હાથમાં વેલણ ઉગામી શું કરી રહી છે ? કોઈને મારવાના મૂડમાં તો નથી ને ? અને આ શાક તો જો બળી ગયું કે શું ? ’

ઈતિએ એકાદ ક્ષણ શાક સામે અને હાથમાં રહેલ વેલણ સામે જોયું... પોતે કયાં હતી ?

ઈતિની આંખમાં વર્તમાનની ક્ષણો ઉતરી આવી.

તેણે જલદી ગેસ બંધ કર્યો. અને અરૂપે ઘેર ફોન કર્યો કે નહીં તે જાણવા માટે હજુ તેને પૂછે તે પહેલા જ તેની આંખનો પ્રશ્ન વાંચી અરૂપે કહ્યું.

’આજે મોબાઈલમાં પણ નેટવર્ક બીઝી જ આવે છે. તેથી વાત થઈ શકી નથી. કશો વાંધો નહીં. પછી ફરીથી પ્રયત્ન કરીશું. ચાલ, હવે થાળી પીરસ... ’

શું બોલવું તે ઈતિને સમજાતું નહોતું.

‘અરે, આટલી અગત્યની વાત છે ને અરૂપ પણ ખરો છે... આટલા વરસો બાદ અનિકેતનો કોઈ મેસેજ આવ્યો છે. અને અરૂપ કશું સમજતો કેમ નથી ? વાત પણ નિરાંતે સાંભળતો નથી.

પણ હજુ આગળ વિચારે કે બોલે તે પહેલાં અરૂપે પ્રેમથી તેનો હાથ પકડી તેને પોતાની સાથે જમવા બેસાડી દીધી.

ઈતિના મનમાં દોરડાના પરિઘમાં ફરતી પેલી બકરીની યાદ ફરી એકવાર...

‘ ઈતિ, તું ચિંતા ન કર... આમ પણ અત્યારે ખૂબ મોડું થઈ ગયું છે. આટલી રાત્રે કોઈને ઉઠાડવા યોગ્ય ન ગણાય. કાલે સવારે રસ્તામાંથી વાત કરી લઈશું. માત્ર પંદર દિવસનો જ તો સવાલ છે ને ? આવીને તું તારે નિરાંતે અનિકેતને મળવા જજે. હું પણ આવીશ તારી સાથે તારા અનિકેતને મળવા... .બસ ?

ચાલ, હવે જલદી કર... કેટલું કામ છે...! ‘

ઈતિ શું બોલે ?

યંત્રવત જમાયું... સામાન પેક થયો... કામ તો બધું થયું. કયારે ? કેમ ? સમજાયું નહીં.

આજે પહેલીવાર અરૂપે ઈતિને સામાન પેક કરાવવામાં મદદ કરાવી હતી. તે સતત એક કે બીજી વાત કરતો રહ્યો. ઈતિ સમજયા વિના સાંભળી રહી. શબ્દો તો કાને પડતાં હતાં. પરંતુ અર્થ ખોવાઈ ગયાં હતાં.

બહાર આકાશમાં વાદળો ઘેરાયાં હતાં. નાનકડું બાળક તોફાન કરી લે પછી કોઈના ડરથી સલામતી માટે માતાના પાલવની પાછળ છૂપાઈ જાય તેમ ચન્દ્ર વાદળોના આંચલમાં છૂપાઈ ગયો હતો. ઈતિ આખી રાત ચન્દ્ર અને વાદળોની સંતાકૂકડી જોતી રહી. આંખમાં ઉંઘનું એકે તણખલું આવવાનું નામ નહોતું લેતું. મન કયાંય દૂર દૂર કોઈ જાણીતાં છતાં અજાણ્‌યા પ્રદેશની સફરે... બંધન તનને હોઈ શકે. મનને તો સ્થળ કાળના બંધનો સુધ્ધાં કદી કયાં નડી શકયા છે ? આજે વરસો પછી પહેલીવાર ઈતિ આટલી હદે અસ્વસ્થ બની હતી. અરૂપની દરેક વાત પૂરી શ્રધ્ધાથી, સહજતાથી સ્વીકારી લેતી ઈતિ આજે કશું કેમ સ્વીકારી શકતી નહોતી ?

આ કયો અજંપો પ્રાણને ઘેરી વળ્યો હતો ? આ કઈ છટપટાહટ અંતરમાં જાગી હતી ? દીવાલ પરની ઘડિયાળ ટીક ટીક અવાજ વડે રાત્રિની નીરવતાનો ભંગ કરતી રહી.

અને બીજે દિવસે સવારે સિમલા જવા માટે પ્લેનમાં બેસતી વખતે અચાનક અરૂપને યાદ આવ્યું.

પોતે મોબાઈલ સાથે લેતા તો ભૂલી ગયો હતો... !