Doast Mane Maf Karis Ne - Part-2 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Doast Mane Maf Karis Ne - Part-2

દોસ્ત, મને માફ કરીશ ને ?

.....પ્રકરણ.2

(સાસરું એટલે ?)

લેખક : નીલમ દોશી

Email :

“ ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસોનું

મનને છે કેવું ઘેલું આ જર્જરિત આ જણસનું ? “

“અરૂપ” આ નામ ઇતિના જીવનમાં અચાનક કયારે પ્રવેશી ગયું તેની પૂરી સમજ ઇતિને આજ સુધી નથી પડી. પરંતુ આ ક્ષણે તો એવો કોઇ વિચાર સુધ્ધાં મનમાં સ્થિર થઇ શકે તેમ નથી. આ ક્ષણે તો પ્રતીક્ષા છે ફકત ફોનના રણકવાની. ઇતિની આશાભરી નજર ફોન પર ત્રાટક કરતી રહી. પરંતુ એ ત્રાટકની જાણે કોઇ અસર ન થઇ હોય તેમ કપાઇ ગયેલ ફોન ફરીથી લાગ્યો જ નહીં કે સામે છેડેથી પણ રણકયો નહીં. જોકે મનના તાર તો સતત રણઝણી રહ્યાં હતાં. પોતાની હાજરીનો અણસાર સુધ્ધાં ન આવે તેમ મનના ખૂણે લપાઇને વરસોથી ચૂપચાપ બેસેલી એક આખી સૃષ્ટિ જાણે અચાનક આળસ મરડીને બેઠી થઇ અને કલબલ કરી રહી.

‘અનિ, તને કેટલી વાર કહ્યું.. ? મારા ચોટલાની મસ્તી નહીં હોં. છોડ હવે..મને ખેંચાય છે. ‘

આ કોણ તેના વાળ ખેંચતું હતું ? એક ક્ષણમાં ઇતિનો હાથ અનાયાસે પોતાના વાળમાં ફર્યો. ના..ના.. ત્યાં હવે લાંબા બે ચોટલા કયાં રહ્યા હતા ? અને વાળ ખેંચવાવાળુ પણ સમયની કઇ ગુફામાં અદ્રશ્ય થઇ ગયું હતું તેની જાણ સુધ્ધાં કયાં થવા પામી હતી ?

અને છતાંયે નજર સમક્ષ તો......

‘ અનિ મારો ચોટલો છે. કંઇ દોરી નથી. મને ખેંચાય છે. તું રોજ ખેંચી ખેંચીને મારા કેટલા વાળ તોડી નાખે છે. ખબર છે ? ‘

અનિકેતના હાથમાંથી ચોટલા છોડાવવાનો પ્રયત્ન કરતાં ઇતિ બોલી..

પણ એમ કંઇ અનિકેત થોડો છોડે ? ઇતિની મસ્તી કરવાનો એક પણ મોકો ગુમાવવો અનિકેતને ન જ પોષાય.

’ઓહ..! તારો ચોટલો છે ? મને તો એમ કે....... ‘

અનિકેત વાકય પૂરું કરે તે પહેલાં મમ્મીને રસોડામાંથી બહાર આવતી જોઇને અનિકેતના શબ્દો અધૂરા જ રહી ગયા. કેમકે મમ્મી તો હમેશા ઇતિનો જ પક્ષ લેવાની. તેની જાણ તેને હતી જ. અને ઇતિ પણ એ કયાં નહોતી જાણતી ? તેણે જીભડો કાઢયો...અને….

‘ લે બોલ હવે..બહું બોલબોલ કરતો હતોને ? આન્ટી આવ્યા એટલે બોલતી બંધ થઇ ગઇને ! ‘

પરંતુ આંટી બંનેને કયાં નહોતાં ઓળખતાં ? બહાર આવતા જ તેણે ઇતિને અનિકેત સામે જીભ કાઢતા અને અનિકેતને ઇતિના વાળ ખેંચતા જોઇ લીધા હતા. કશું બોલ્યા સિવાય તે મોટેથી હસી પડયાં. તેમને હસતાં જોઇ ઇતિ, અનિકેત થોડા શાંત રહી શકે ? અને હાસ્યનું એક ઘેઘૂર પૂર ફરી વળ્યું. ત્રણેના મીઠા હાસ્યથી ઓરડાની દીવાલો પણ પુલકિત પુલકિત....! આ નિર્મળ સ્નેહના સાક્ષી થવાનું સદભાગ્ય બંને ઘરની દીવાલોને અનેક વાર મળતું રહેતું. એ નિર્બન્ધ હાસ્યમાં તરબોળ થતી દીવાલોને જાણે ઇંટે ઇંટે ટહુકા ફૂટતા.

સુલભાબહેનને ઇતિ ખૂબ વહાલી હતી. જોકે ઇતિ હતી પણ એવી જ. સૌ કોઇને પરાણે વહાલી લાગે તેવી. અને આ તો બેઉ છોકરાઓના રોજના ધમાલ મસ્તી હતા.અનિકેતની મમ્મીને આવેલ જોઇ ઇતિએ તુરત ફરિયાદ કરી.’ આંટી, અનિકેતને કહોને. એ રોજ મારા વાળ ખેંચે છે..’

’અનિ..છોડ મારી દીકરીના વાળ. રોજ બિચારીને હેરાન કરે છે.’

‘બિચારી..!’

અનિકેત ચાળા પાડતો બોલ્યો. ‘ તેણે મને કેટલું પાણી ઉડાડયું છે ? જો આ મારું શર્ટ આખું ભીનું થઇ ગયું. અને હવે તને જોઇને ચાગલી થઇને ફરિયાદ કરે છે. તારી ચમચી છે તે મને ખબર છે..’

‘ આંટી....જાણી જોઇને થોડું પાણી ઉડાડયું હતું. એ તો ભૂલથી.....’

’ અને મારાથી પણ ભૂલથી જ ચોટલા ખેંચાઇ ગયા હતાં. જો, આમ કેવા ભૂલથી ખેંચાઇ જાય છે. ‘

અનિકેતે ફરી એકવાર ઇતિના વાળ ખેંચવાની તક ઝડપી લીધી.

અનિકેત અને ઇતિની ધમાલ મસ્તીથી બંને ઘર ગૂંજતાં રહેતાં. લડતાં..ઝગડતાં અનિકેત..ઇતિને એકબીજા વિના જરાયે ચાલતું નહોતું એ વાત બંનેના ઘરના જાણતાં હતાં. અને તેથી કયારેય બંનેના ઝગડામાં વચ્ચે પડતા નહીં. કેમકે ઝગડયા પછી પાંચ મિનિટમાં બંને સાથે ખિલખિલાટ હસતાં જ હોય. કેવા છલકતા અને મલકતા દિવસો હતા ?

બંધ આંખે ઇતિના ચહેરા પર આજે પણ એ મલકાટ ઝગમગી ઉઠયો.

ફરી દ્રશ્ય બદલાયું.

એક દિવસ ઇતિ ન જાણે કઇ વાત પર અનિકેત પર ગુસ્સે થતી હતી.

અને અનિકેત સફાઇ આપતો હતો.

’ કાલે તું મને મારીને ભાગી ગઇ હતી. તેનું શું ? ‘

’ દાખલા પછી શીખડાવીશ. એમ તેં કેમ કહ્યું હતું ? ‘

’ એ તો મારી મરજી. મારે બધું તારી મરજી મુજબ જ કરવું એવું થોડું છે ? ’

’ હા, એવું જ છે. તારે મારી મરજી મુજબ જ કરવાનું. ‘

’કેમ , કંઇ તારી દાદાગીરી ચાલે છે ? ‘

’હા, ચાલે છે. જા સાત વાર ચાલે છે..તારી ઉપર તો મારી દાદાગીરી ચાલવાની જ...’

‘ચાલ, આપણે એક શરત કરીએ...હું કહું એમ તારે કરવાનું...અને તું કહે એમ મારે કરવાનું . બરાબર ?’

’હમેશા ? ‘

ઇતિએ નિર્દોષતાથી પૂછયું.

’ હા, હમેશા ..’

’ અને કયારેક હું એમ ન કરું તો ?’

અનિકેતને ગુસ્સે કરવા ઇતિએ પૂછયું.

’ તો પણ હું તો ઇતિ કહેશે એમ જ કરીશ..બસ ? ‘

’ સ્યોર ? ‘

’ સ્યોર..પાક્કું. ‘

ઇતિનો હાથ આ ક્ષણે પણ અનાયાસે લંબાયો. પરંતુ પ્રોમીસ આપવાવાળો હાથ ત્યાં કયાં હતો ?

એ હાથ સમય અને સંજોગોના વમળમાં કયાંક તણાઇ ગયો હતો. પોતાને પણ એની જાણ કયાં થઇ શકી હતી ? પોતે આટલી બેપરવા તો કયારેય નહોતી....

અનિકેત વિના ઇતિ આટલા વરસો....!

એક પળ જેના વિના ચાલતુ નહોતું...એના વિના આટલા વરસો ચાલી ગયા ?

એક નાનકડી વાત પણ પોતે અનિકેતને પૂછયા સિવાય કયારેય કરી હતી ? ઇતિની બધી જવાબદારી અનિકેતની હતી. ઇતિ તો કયારેય કંઇ વિચારતી જ નહીં. બિન્દાસ..! બસ...અનિકેત કહે તે આંખ મીંચીને કરવાનું..સ્વીકારવાનું. અને આવડો મૉટો નિર્ણય...તેણે એકલીએ લઇ લીધો હતો ? એક ઋણાનુબંધ આમ અડધેથી છૂટી ગયો હતો...અને કોઇ અન્ય ઋણાનુબંધ અચાનક જોડાઇ ગયો હતો ? એ સિવાય આવું બની જ કેમ શકે ?

ઋણાનુબંધ..! મન મનાવવાનું કોઇ સબળ કારણ કે બીજું કશું ?

પોતાની એક એક ક્ષણના સાથીદારથી આમ અચાનક જીવનભર છૂટી પડી ગઇ ? કયારે ? કેમ ? આટલા વરસે જાણ થઇ ? કે પછી અંતરના કોઇ ખૂણામાં સતત જલતા રહેલ આ ધૂપની સુવાસથી તે જાણ્યા છતાં અજાણ બની રહી હતી ?

આજે એક ફોન.... અનિકેત નામનો એક ઉચ્ચાર...અને તે કયા તાણાવાણામાં અટવાઇ ગઇ છે ? અતીતના કયા જાળાઓમાં ગૂંથાઇ રહી છે ?

ઇતિએ જોશથી માથું ધૂણાવ્યું. જાણે મનમાંથી બધા વિચારો એક ઝાટકે ખંખેરી નાખવા માગતી ન હોય !

પણ...પણ એમ માથું ધૂણાવવાથી વિચારો ખંખેરી શકાતા હોત તો માણસ સહેલાઇથી સુખી થઇ શકત. પણ માનવી તો અટવાતો રહે છે.. મનની ભૂલભૂલામણીમાં. અને ઘણી વાર એ ભૂલભૂલામણી છે તેવી નથી જાણ થતી કે નથી જીવનભર તેમાંથી બહાર નીકળી શકાતું.

ઇતિ પણ કયાં નીકળી શકી હતી ? તેને તો પોતે ભૂલભૂલામણીમાં ફરતી હતી કે કેમ તેની જાણ પણ કયાં થવા પામી હતી ?

અતીતના ચલચિત્રની શરૂ થયેલ પટ્ટી ફરતી રહી. એક પછી એક દ્રશ્યોની વણથંભી વણઝાર...! દિવાળીના દિવસો હતાં. ગુજરાતી પાડોશમાં વરસો સુધી રહેવાથી અનિકેતનું ઘર પણ લગભગ ગુજરાતી જેવું જ બની ગયું હતું. અનિકેતની મોટી બહેન ઇશાએ સરસ મજાની રંગોળી બંને ઘરમાં કરી હતી. ઇતિ અને અનિકેત તેમાં મોડી રાત સુધી મદદ કરી રહ્યાં હતાં.

અચાનક અનિકેતે પોતાના રંગવાળા હાથ ઇતિના સ્કર્ટમાં લૂછયાં અને ઇતિ વિફરી હતી. તેણે ઇશા દીદીને ફરિયાદ કરી

’દીદી, આ અનિને કહી દો મારા નવા કપડાંમાં રંગવાળા હાથ લૂછીને બગાડી નાખ્યા. ‘

’દીદી, લૂછયા નથી ભૂલથી જરા હાથ અડી ગયો છે. ‘

’સાવ ખોટ્ટો..જો, હવે મારા હાથ પણ ભૂલથી તારા શર્ટને અડી જાય તો મને કહેતો નહીં. ‘

અને થોડીવારમાં જ ઇતિના હાથ અનિકેતના શર્ટને “ભૂલ”થી અડી ગયા સિવાય કેમ રહી શકે ?

અને પછી શરૂ થઇ બંનેની દોડાદોડી. ઇતિ અને અનિકેત, બંનેના મમ્મી,પપ્પા ત્યાં બહાર ખુરશી નાખીને બેઠાં હતાં. વાતો કરતાં કરતાં બધાને સ્નેહથી નીરખી રહ્યાં હતાં ઇશા અનિકેતથી ઘણી મોટી હતી. નાના ભાઇ માટે સ્વાભાવિક રીતે જ તેને અપાર સ્નેહ હતો. અને ઇતિ પણ તેને ઓછી વહાલી નહોતી.

લડતાં ઝગડતાં ઇતિ, અનિકેત થોડી વાર પછી સાથે મળીને માટીના કોડિયામાં તેલ પૂરી રહ્યાં હતાં. એક પછી એક દીવા પ્રગટતા જતાં હતાં. અનિકેત અને ઇતિ હરખાતાં હતાં. હારબંધ પ્રગટતા કોડિયાનો ઉજાસ વાતાવરણને અજવાળી રહ્યો હતો. સૌના દિલમાં આનંદ છલકતો હતો. નાનકડા દીવડાની રોશની આગળ રંગબેરંગી લાઇટોનો ઝગમગાટ ફિક્કો લાગતો હતો. હાથમાં ફૂલઝર લઇને બંને જોશથી હલાવી રહ્યા હતાં. ઇતિ પતંગિયાની માફક આમતેમ દોડી રહી હતી. અચાનક તેનો પગ એક સળગતાં ફટાકડાને જરા અડી ગયો હતો. અને તેની ચીસ નીકળી ગઇ હતી. અનિકેત બધી ધમાલ,મસ્તી છોડીને ઇતિ પાસે પહોંચી ગયો હતો.

’ઇતિ, બહું બળે છે ? ‘

દાઝી તો ઇતિ હતી. પરંતુ તેની વેદના અનિકેતના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

‘ ના રે, બહું નથી..’

બહાદુર બની ઇતિએ જવાબ આપ્યો. અને તે એક તરફ બેસી ગઇ. અનિકેત પણ તેની પાસે બેસી ગયો. સુલભાબહેન દવા લઇ આવ્યા અને ઇતિના પગે લગાડી દીધી. અનિકેતનું મોઢુ દયામણું બની ગયું હતું.તેની આંખો છલકાઇ આવી હતી. તેને થયું કે મારે લીધે ઇતિ દોડતી હતી અને તેથી જ દાઝી ગઇ.

‘ અનિ તો સાવ છોકરી જેવો છે. હું દાઝી તો ય કયાં જરાય રડી છું ?

‘ હું દાઝયો હોત તો હું પણ ન રડું. ‘

’ તો પછી નથી દાઝયો તો ય કેમ રડે છે ? ‘

પરંતુ નાનકડા અનિકેત પાસે એનો જવાબ કયાં હતો ? એવી કોઇ સમજણ પણ કયાં હતી ? મનમાં જે ઊગતું હતું તે અનાયાસે શબ્દોરૂપે બહાર આવતું હતું. એનો અર્થ શોધવાની જરૂર કયાં હતી ? અને કોઇ અર્થ હતો પણ નહીં. જે હતી તે ફકત નિર્ભેળ લાગણી.

અનિકેતને મીઠાઇ બહું ભાવે જયારે ઇતિને જરાય ન ભાવે. તેને તો ખાટું અને તીખું જ પસંદ આવે. અનિકેત દિવાળીની મીઠાઇ ઝાપટે ત્યારે ઇતિ ચોરાફળી અને મઠિયા પર મારો ચલાવે.

‘ જો આ ઘૂઘરા એકવાર ચાખી તો જો..કેવા સરસ લાગે ‘

’તારા ઘૂઘરા તું ખા..હું તો મારા મઠિયા જ ખાઇશ. મઠિયા એકવાર ખાઇ જો તો ખબર પડે. ‘અને પછી ધીમેથી ઇતિએ ઉમેર્યું.

’ આમ તો જોકે તને મઠિયા નથી ભાવતા એ સારું જ છે. નહીંતર મારા ભાગમાં આવત જ નહીં.

હું કંઇ તારી જેમ આખો દિવસ ખાધા કરું એવો નથી.’

’એ તો મને ખબર છે. આ મીઠાઇ આખો વખત કોણ દાબ્યા કરે છે ? ‘

અને ઇતિ ખડખડાટ હસી પડી.

અને તે હાસ્યમાં અનિકેત બધું ભૂલી ગયો. અને ઇતિ સામે જોઇ રહ્યો.

કેવા સરસ મજાના દિવસો હતાં.

દિવાળી તો અહીં પણ આવતી. અરૂપ દિવાળી ઉપર જાતજાતની અનેક લાઇટીંગ્સ લાવતો અને તેમનો બંગલો રોશનીથી ઝળહળી ઉઠતો. છતાં ઇતિથી માટીના કોડિયા કદી ભૂલાતા નહીં. અરૂપ તેને જૂનવાણી કહેતો છતાં થોડાં કોડિયામાં તે દીવા જરૂર પ્રગટાવતી અને દીવાના એ ઉજાસમાં અનિકેત થોડી ક્ષણો અનાયાસે ચમકી રહેતો. અનેક જાતના ફટાકડાં ધડાધડ ફૂટતાં. અરૂપને મોટા અવાજવાળા ફટાકડા પસંદ હતાં. ઇતિને અવાજ જરાય ન ગમે પણ...! તેને તો નાનકડી ફૂલઝડી કે જમીનચક્રી કે ફુવારામાંથી નીકળતો પ્રકાશનો ધોધ હમેશા આકર્ષતો. પણ એ તો નાના છોકરાના ફટાકડાં હતાં. અને ઇતિ હવે નાનકડી છોકરી થોડી હતી ? હવે તે મોટી થઇ હતી. સમજદાર થઇ હતી. તેના લગ્ન થઇ ગયા હતાં અને તે સાસરે આવી હતી. સાસરે સાસુ નહોતા તો શું થયું ? અરૂપ તો હતો ને ? અરૂપને ગમે તે જ કરવું એ જાણે ઇતિનો સ્વભાવ બની ગયો હતો. ઇતિએ ઉંડો શ્વાસ લીધો. મોગરાની સુવાસ પવનની લહેરખી પર સવાર થઇને ઇતિના અંતરને મહેકાવી ગઇ.

સાસુ અને સાસરું શબ્દની સાથે જ એક દ્રશ્ય ઇતિના મનમાં દોડી આવ્યું.

ઇતિ અને અનિકેત એક જ સ્કૂલમાં ભણતાં હતાં અને રીસેસમાં બંને સ્વાભાવિક રીતે જ સાથે નાસ્તો કરતાં.

તે દિવસે સ્કૂલમાં અનિકેતના નાસ્તાના ડબ્બામાંથી સેવ મમરા ખાતા ખાતા ઇતિ પૂછતી હતી.

‘તને તો સેવ મમરા નથી ભાવતા. તો કેમ લાવ્યો છે ? ‘

’ તને બહુ ભાવે છે ને એટલે..’

અને તું આ ચીક્કી કેમ લાવી ? તને કયાં ભાવે છે ? ‘

’તને ભાવે છે એટલે..’ ખડખડાટ હસતા હસતા ઇતિએ જવાબ આપ્યો હતો.

’ અને અનિ , આજે સાંજે તારે મને દાખલા શીખડાવવાના છે એ યાદ છે ને ? ‘

‘ના, રે , આજે સાંજે તો અમે બધા છોકરાઓ ક્રિકેટ રમવાના છીએ..દાખલા કાલે..’

’ એ કંઇ હું ન જાણું. આજે તારે મને દાખલા કરાવવાના છે બસ..તને એક વાર કહી દીધું. ‘

’ લો, કહી દીધું. જાણે મહારાણી સાહેબાનો હુકમ ! ‘

’હા, હુકમ તો હું હમેશા તારી ઉપર ચલાવવાની

શું સમજયો ? ‘

’ હમેશા ? ‘

’હા..હા..હમેશા.. ‘ બેધ્યાન ઇતિ બોલી.

’ જા..જા..તારા લગ્ન થશે એટલે તું તો સાસરે જવાની..છોકરીઓને સાસરે જવાનું હોય છે. ‘

અનિકેતે તેનું જ્ઞાન પ્રદર્શિત કરતાં કહ્યું.

’ પણ હું તો સાસરે જ નહીં જાઉં. ‘

’ બધી છોકરીઓ એમ જ બોલે. ઇશાદીદી પણ એમ જ બોલતાં હતાં. પરંતુ તેના હમણાં લગ્ન થશે એટલે એ પણ સાસરે જશે.’

અનિકેતની બહેનની સગાઇ થઇ ગઇ હતી અને હવે લગ્ન આવતાં હતાં તેથી અનિકેતને એટલી પાક્કી જાણ હતી કે છોકરીઓએ સાસરે જવાનું હોય. તેનું જનરલ નોલેજ આજે ઇતિને ઇમ્પ્રેસ કરવામાં કામમાં આવ્યું.

નાનકડી ઇતિ થોડી ગંભીર બની ગઇ.

’ હેં અનિ, બધી છોકરીઓએ સાસરે જવું પડે ? ‘

’હા.. છોકરીઓએ જવું પડે..’

’ છોકરાઓએ કેમ ન જવું પડે ? ‘

’છોકરાઓ સાસરે ન જાય..ખાલી છોકરીઓ જાય..’

’પણ એવું કેમ ?’

’ એ તો મને પણ ખબર નથી..’ મમ્મીને પૂછી જોઇશું.

’મારી મમ્મી પણ મને ઘણીવાર કહેતી હોય છે, ‘ સાસરે જઇશને એટલે ખબર પડશે. હેં અનિ, સાસરું કેવું હોય ? ‘

’મને કેમ ખબર પડે ? મેં થોડું સાસરું જોયું છે ? ‘

’મમ્મી કે’તી તી કે બધી છોકરીઓ મોટી થાય એટલે સાસરે જાય.અને સાસરે કંઇ મમ્મી ન હોય.. પણ અનિ, મને તો મમ્મી વિના ન ગમે..મારે યે સાસરે જવું પડશે..? રડમસ ઇતિ બોલી.

‘ હા, એ વાત સાચી. મમ્મી વિના તો કોઇને ન ગમે.આપણે મમ્મીને પૂછીશું..તું સાસરે ન જાય તો ન ચાલે ? ‘

‘ અને મમ્મી કહેતી હતી કે સાસરે મરજી પડે તેમ ન કરાય...ત્યાં સાસુ હોય...અને સાસુ કહે તેમ કરવું પડે..

“ના, ના, સાસુ નહીં અરૂપ કહે તેમ” સાસરે સાસુ તો ન હોય તેવું પણ બને. પોતાને કયાં હતા ? પણ..સાસરે અરૂપ જરૂર હોય..એ કહે તેમ કરવાનું હોય. તેને ગમે તે પહેરવાનું..તેને ગમે તેવી અને તેટલી જ વાતો કરવાની.. એ ખુશ થાય તો ખુશ થવાનું. એ દુ:ખી હોય ત્યારે દુ:ખી થવાનું. એને સાસરું કહેવાય..! ‘

ઇતિ કેટલી સમજદાર થઇ ગઇ હતી. !

વર્તમાન અને અતીતના તાણાવાણા સાથે ગૂંથાતા હતા કે શું ? પોતે આ ક્ષણે કયાં હતી ? બંને વચ્ચે ફંગોળાતી હતી ?