અંધશ્રદ્ધાના અંધકાર માં Dr.Shivangi Mandviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધશ્રદ્ધાના અંધકાર માં

અંધશ્રદ્ધાના અંધકારમાં ......


અંધશ્રદ્ધા માં ગળાડુબ થયેલા તમામ શ્રધ્ધાર્થીઓને સમર્પિત....


બસ, જો આ કામ પાર ઉતારી જાય ને પછી રૂપિયાનો વરસાદ થશે! પણ આ કામ સફળ થતું જ નથી , એ બાપુ પાસે એવી શક્તિ છે અને એક ખાસ પ્રકાર નું તેલ છે અને તેને એક ચમત્કારિત પથ્થર પર રેડે અને મંત્રોચાર કરે એટલે રૂપિયા ના ઢગલા થાય છે . આવું કઈ થતું હશે કઈ દુનિયા માં જીવો છો તમે? અરે સાચું કહું છું આવું મેં મારી નજરે જોયું છે.

આવા તો કેટલાય નતનવીન કિસ્સાઓ શાંતાબહેનના મોઢે સાંભળવા મળતા.કોઈ પણ માણસ સાંભળે તો એમાં વિશ્વાસ ના કરે એવા હજારો કિસ્સા ,પણ શાંતાબહેનને અતુટ વિશ્વાસ હતો કે આવું એક દિવસ બનશે . હવે તમે લોકો જ કહો કે રૂપિયાનો વરસાદ થાય? જયારે એને પૂછવામાં આવે કે એ બાપુ પાસે એવી શક્તિ છે તો પોતે કેમ કરોડપતિ ! અરે ,કરોડપતિ શું કામ રૂપિયા ના ઢગલા થતા હોઈ તો પછી અબજોપતિ કેમ નથી થઇ જતા? તો જવાબ શું મળે ખબર છે? કદાચ તમને અપેક્ષિત નહિ હોઈ એવા ભયંકર દયા જનક જવાબ મળે , એ બાપુ પોતાનું કામ નથી કરી શકતા એને આ શક્તિ ફક્ત બીજા નો ઉદ્ધાર કરવા માટે જ મળી છે . હવે પોતાનામાં જે શક્તિ હોઈ એ પોતાને જ કામ ના આવે એવું કેમ માની લેવું? અને પહેલા પ્રશ્ન એજ થાય કે શું આવું બનતું હશે? આવી વાત ઉપર ૨૧મી સદી નો માણસ વિશ્વાસ કરી શકે? જયારે આવી ઘટના ઓ સામે આવે ત્યારે વિચાર આવે કે સમય આવા લોકોને સાથે ચલાવતો નથી કે પછી આવા લોકો સમય સાથે ચાલવા તૈયાર થતા નથી? કોને ખબર હવે...

તમને થતું હશે કે શાંતા બહેન કોક અંતરયાળ ગામડામાં રહેતા હશે , જ્યાં કોઈ પણ પ્રકાર ની સુવીધા નહિ હોઈ.

પણ આ આધેડ ઉમરના શાંતા બહેન ભારતની આર્થિક રાજધાની એવા મુંબઈ શહેરમાં પોતાના પુરા પરિવાર સાથે રહેતા હતા બે દીકરા અને એક દીકરી તથા પોતાના પતિ . જોકે પતિ છેલા બે વર્ષ થયા અંધશ્રદ્ધાને વશ થઈને રખડતું ભટકતું જીવન જીવે છે. કારણકે સુરેશ ભાઈ (શાંતાબહેન ના પતિ) ને કોકે કઈક કરી નાખેલું છે .અને તે વળગણ ને કાઢવા તે તંત્રીક બાપુ સાથે આમતેમ ભટકે છે. અને તે બાપુનું ઘર આ લોકો ઉપર ચાલ્યા કરે છે .

સુરેશભાઈ એટલે એક સમયનું મુંબઈના નામચીન વેપારીઓ માંનું એકનામ! પણ હવે એ નામની કોઈ ઈજ્જત રહી નથી.

સુરેશભાઈ લગ્ન પછી મુંબઈમાં સ્થાયી થયેલા શાંતા બહેન સાથે અને એ પછી તે એક દુકાનમાં નોકરી કરતા અને ગુજરાન ચલાવતા . સાથે શાંતાબહેનના ભાઈ કમલેશ પણ તેમની સાથે રહેતા. અને મુંબઈ ની જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાં અપડાઉન કરી બને સાળો-બનેવી દરરોજ કામધંધે જતા, બોરીવલી થી અંધેરી . બસ આવી રીતે જીવનની ગાડી ચાલતી .

કહેવાય છે ને જીવનમાં દરેકનો દશકો આવે છે અને અચાનક જ લક્ષ્મી આંગણે વધાવો આપે છે તેવી જ રીતે સુરેશભાઈ અને કમલેશ ને પણ એક ધંધો હાથમાં આવી ગયો અને એક નાનું એવું કારખાનું સ્થાપ્યું . અને એની પાછળ રાત દિવસ કામ કરીને આ કારખાના ને સફળ બનાવ્યું .અને બજાર માં ઓળખાણો વધારી . આ કારખાનું એવું તે ધમધોકાર ચાલ્યું કે આ ફક્ત એક વર્ષમાં કારખાનાનો વિસ્તાર વધાર્યો અને બીજા બે કારખાના સ્થાપ્યા. ધીરે ધીરે એક મધ્યમવર્ગીય માણસ લાખોમાં રમતો થઈ ગયો. એટલું કામ ,એટલા બીલ, એટલા કારીગર , અને રૂપિયાનો જાણે વરસાદ . પણ એક રૂપિયાનો’ય હિસાબ નહિ , કારીગરો ના કોઈ પગાર ફિક્ષ નહિ જેને જેટલા પૈસા જયારે જોતા હોઈ એટલા આપી દેવાના ,જેને જેમ ફાવે તેમ વાપરે . ગાંડાની જેમ કમાવું અને ગાંડાની જેમ વાપરવું .છોકરાવ આવી ને કહે કે પપ્પા થોડા પૈસા જોઈએ તો એમ નહિ પૂછવાનું કે કેટલા જોઈએ અને શું કરવા? પણ ખીચ્ચામાં હાથ નાખે અને જેટલા આવે એટલા આપી દેવાના. આમ છોકરાવ દરરોજ ના હજાર પંદરસો જે મન ફાવે તેટલા ઉડાડી દે. જયારે કોઈ કહે કે છોકરાવ ને આટલા બધા વાપરવા ના અપાય ત્યારે જવાબ મળે કે કમાયીએ છીએ કોના માટે ? છોકરાવ ને એની ઝીંદગી જીવવા દેવી જોઈએ. આ સાચું પણ છોકરાવની ઝીંદગી અત્યારે કોઈ જોવે તો એને એમ થાય કે શું આ એજ માણસ છે જે દરરોજના હાજર પંદરસો રૂપિયા પાણી ની જેમ ઉડાડી દેતા .

સુરેશભાઈ અને શાંતાબહેન જાણે દાનવીર કર્ણના અવતાર હોઈ એમ એટલું દાન કરતા કે જેની કોઈ સીમા ના હતી, એકેય સાધુબાવા તેના ઘરે થી ખાલી હાથે ના જાય, એને જે માંગે એ મળે . કોઈનું દુઃખ સાંભળ્યું નથી કે એને રૂપિયા ધર્યા નથી એવું પણ વિચારવાનું પણ નહિ કે આ માણસ કેટલા અંશે સાચું બોલે છે. લોકો આવા મગજ વગરના દાનવીરો ને જ લુટે છે .એ લોકો નું ભોળપણ અંતે તે લોકો ને જ નડે છે . ના કોઈ આવક ના હિસાબ કે ના કોઈ જાવક ના હિસાબ બસ મોજ કરો અને કરાવો. આમ ક્યાં સુધી ચાલે ? કોઈ કહે કે આ નવો ધંધો ચાલુ કરવો છે ,આટલા રૂપિયા જોઈએ, તો કોઈ પણ પ્રકાર ની પુછતાછ કર્યા વગર આપી દેવાના અથવા પછી કોક પાસેથી પોતાની ઓળખાણ વાપરી ને દેવડાવી દેવાના. અને પાછી હૈયા ધારણા’ય આપવાની કે જો આ માણસ પૈસા પાછા દેવા ના આવે તો મારી પાસેથી લય જજે બસ !

આ જાહોજલાલી માં રાચતા ધીમે ધીમે પોતાનો ધંધો વિસ્તરતા ગયા. થોડા વર્ષો વીત્યા, મુંબઈ માં રોટલો છે ઓટલો નથી એવા મેણાઓને ખોટા સાબિત કરવા એને નવા વિસ્તરતા મુંબઈ ના એક પરા સમાન વસઈ માં મિલકત લીધી કેટલીય જમીનો લીધી કારખાના ફેરવ્યા અને ઘર બદલ્યા. અને નવી ગાડીઓ વસાવી અને સંતાનો ને નવી સ્કૂલ માં અધવચ્ચે થી એડમીશન અપાવા ડોનેશનો ભર્યા પણ દરેક માણસના ઓચિંતા દસકા આવે છે એમ ઓચિંતા જાય પણ છે અમુક લોકો જ અણધારી આવેલી લક્ષ્મી ને પચાવી શકે છે માણસ જયારે આગળ વધતો હોઈ અને સફળતા ના શિખરો સર કરતો હોઈ ત્યારે તેને ક્યાં અટકવું એ પણ ખબર હોવી જોઈએ કે શિખરો પર ચડાણ કરતા જો એકવાર પગ લપસ્યો એટલે માણસ ઊંડી ખાઈમાં જ ખાબકે છે. વગર વિચાર્યે ખોટા રોકાણો થતા તો થઈ ગયા પણ આવા હિસાબ વગરના ધંધા ક્યાં સુધી ટકે? અને એમાં જે લોકો ને મદદ કરી હતી તે લોકો એ દગો આપ્યો અને બીજી બાજુએ મંદીએ એવી તો ભાથ ભીડી કે કામધંધા ઠપ થયા, એક પછી એક કારીગરો ને છુટા કરવા પડ્યા પણ પૈસા વાપરવામાં એક વાર હાથ છૂટો થઈ ગયો પછી અચાનક કેમ બંધાઈ? મોજશોખની આદત પડતા એક ક્ષણ પણ નથી લાગતી પણ એને છોડતા વર્ષો લાગે એટલે છેલ્લે પૈસા વ્યાજે ઉપાડ્યા ધંધા પાછા ખુલશે એટલે તરત જ એ ભરાય જશે, પણ ધંધા એમ ખુલે?

અને જોતુ તું અને વૈધે કીધું એવું થયું કે કેમ જલ્દી પાછા પૈસા કમાવાય ? કોક તાંત્રિક બાપુ સાથે સુરેશભાઈ અને શાંતા બહેન નો પનારો પડ્યો અને નવી લીધેલી જગ્યાઓ માં કઈક વાંધો છે ,અને કોકે કઈક કરી નાખેલું છે , કોક ની મેલી નજર છે તમારી ઉપર તમે જગ્યા બદલાવી નાખો .

હા, બાપુ તમે સાચું જ કહો છો કઈક આ જગ્યામાં લોચા હોવા જોઈએ ,જ્યારથી અહી આવ્યા ત્યારથી માઠી બેઠી છે ,ધંધાની પથારી ફરી ગઈ છે અને ઘરમાં પણ શાંતિ નથી ,શાંતાબહેને કીધું . અને તાંત્રિકને રગ પકડાઈ ગઈ કે ચાલો આ શિકાર જાળમાં ફસાઈ એમ છે અને ઢોંગ ધતિંગ ચાલુ થયા . બાપુએ અમુક પરચા પણ દીધા અને અંતે શિકાર ફસાય જ ગયો. એટલો બધો વિશ્વાસ બેસી ગયો શાંતા બહેન અને શુરેશભાઈ ને કે બાપુ કહે એ પથ્થર ની લકીર!

રાતો રાત બધા પથારા ઉપાડયા અને પાછા વસઈ થી બોરીવલ્લી ગયા. વસઈના કારખાના બંધ કર્યા અને ફરીથી જૂની જગ્યા મેળવવા લાખો રૂપિયા આપવા ફરીથી રૂપિયા વ્યાજે લીધા અને પોતાની મોંઘીદાટ ગાડીઓ વેચી નાખી અને ફરીથી લોકલમાં ફેરા ચાલુ થયા. અને પેલા તાંત્રિક ને વશ થયા અને એ તાંત્રિક બાપુ ના ઈશારે નાચવા લાગ્યા . આ બાપુ જાણે તેમના માટે ભગવાન ! બાપુ ને હવન કરવા અને મેલું કાઢવાના મો માગ્યા પૈસા મળ્યા ,પણ હવને હવને મેલું વધતું જાય અને ઓલી જમીન ખરાબ થતી જાય , મેલું હોઈ તો નીકળે ને ! પણ કેહવાય છે ને કે છેતરાવા લોકો તૈયાર બેઠા છે આ દુનિયા માં બસ કોક છેતરવા વાળો જોઈએ છે. દુનિયા જુકતી હૈ ,બસ જુકાને વાલા ચાહીયે! અને બાપુ પોતાના ખીચ્ચા ભરતા ગયા અને સુરેશભાઈ ના ખીચ્ચા ખાલી થતા ગયા . વસઈ ની મિલકત ને વેચવા મૂકી પણ વેચાતી નથી હવે આવડી મોટી મીલકત વેહ્ચતા વાર તો લાગે ને ? પણ માણસ ને બધુ જલ્દી કરી લેવું હોઈ છે અને ગમે એ રીતે પૈસા કમાવા હોઈ છે તેથી કોઈ પણ વિચાર કર્યા વગર પોતે કોઈ આવા ઠગ લોકોને આશ્રિત થાય છે .

ધીમે ધીમે જે આબરૂ હતી બજારમાં એના પર પણ પાણી ફરી વળ્યું. વ્યાજના એવા તો વ્યાજ ચક્ર ફર્યા કે, જે માણસ લાખોમાં રમતો એ આજે હજાર રૂપિયા માટે વણખાં મારવા લાગ્યો . હવે એ માણસ ને એક પણ પૈસો કોઈ ઉધાર આપવા માટે તૈયારના થતું . ઉઘરાણી ના ફોન આવવા લાગ્યા. હાર્યો જુગારી બમણું રમે! એમ ફરીથી આ દંપતીએ બાપુ નું દ્વાર ખખડાવ્યું. અને હવે બાપુ એ કીધું કે તમે મારા ભેગા રહો આપણે ઘણી એવી જૂની પુરાની વસ્તુ ઓ છે એ ગોતી ને એના સોદા પતાવાના જેમાં ઘણા રૂપિયા મળે એમ છે; અને આ કરતા કરતા તમારું મેલું પણ કાઢી નાખસુ અને તમારી મિલકત પણ વેહ્ચાય જશે અને ફરીથી તમારા દિવસો પહેલા જેવા થઈ જશે. આવી તો કેવી અંધશ્રદ્ધાની શ્રદ્ધા કે પોતાનું ઘરબાર છોડી ને બસ એક ખોટા માણસ પર વિશ્વાસ કરીને રખડતું ભટકતું જીવન જીવવા માણસ તૈયાર થઇ જાય છે . તમે મને જેટલા રૂપિયા આપશો ને એના હું ત્રણ ગણા કરીને દઈશ, બસ એ તીથી આવી જાય કે ઓલું ચમ્ત્કારિત તેલ અને પથ્થર કામ કરે. પણ એના માટે તમારે મારી સાથે રેહવું પડશે બોલો મંજુર છે? હજી તો સુરેશભાઈ જવાબ આપે એ પેહલા શાંતા બહેન બોલી ઉઠ્યા હા બાપુ બધું મંજૂર છે બસ તમે અમારુ કામ પાર પાડો. હવે અમે થાકી ગયા છીએ પેહલા જેવા દિવસો પાછા આવી જાય. બસ, એજ જોઈ મારે! તમે કહેશો એ કરશું બસ .

બે વર્ષ થયા સુરેશભાઈ મુંબઈ છોડી ને મેલું કાઢવા અને પૈસાના ઢગલા કરવાની ખોટી આશામાં અવાવરું જગ્યાઓને ખૂંદે છે. એવું તો કેવું વશીકરણ કર્યું હશે તાંત્રિક બાપુએ કે આ માણસ પોતાના કુટુંબ સાથે બધા સંબંધો તોડવા તૈયાર થયો ગયો પણ એ તાંત્રિક બાપુને નહિ. મેલું કાઢવાની ખેચતાણ માં પોતે એવો તે મેલો થઈ ગયો કે આજે કોઈ એને જોવે તો ઓળખે પણ નહિ કે આ પેલા સુરેશ ભાઈ છે ! નહિ નાવાંના ઠેકાણા કે નહિ કપડાના બસ પૈસા કમાવાની લાલચમાં આ માણસ ખુદ મેલો ઘેલો થઈ બસ આમતેમ રખડતો રહ્યો , બાપુ ના કોઈ કામ સફળ ના થયા અને તો પણ સુરેશભાઈને એ વિચાર ના આવ્યો કે આ માણસ મારો ઉપયોગ જ કરે છે .હવે સુરેશભાઈ ને ‘ઇસકી ટોપી ઉસકે શર’ કરતા ફાવી ગયું હતું અને આમ કરીને તેઓ તંત્રીકના ઘર ભરતા . જુઠું બોલવું, ખોટું કરવું એવું બધું એના માટે હવે સામાન્ય થઈ ગયું હતું.

બીજી બાજુ અહીં મુંબઈમાં જે છોકરાવ દિવસ ના હજાર પંદરસો ઉડાડતા એ બીજા ના કારખાનામાં કામ કરવા જવા માંડ્યા. શાંતાબહેન સોનાના ઘરેણા વેચી વેચી ને તાંત્રિકને રૂપિયા ધરતા બે ગણા અને ત્રણ ગણા કરવા માટે. શું લાગે છે તમને ,શું આ લોકો ને રૂપિયા ના ઢગલા આવનારા દિવસો માં થશે અને ફરીથી શું પહેલા જેવા દિવસો આવશે?

બહુ સમજાવ્યા સગાસંબંધીઓ કે આવા ધંધા મુકીને ફરીથી સારા ધંધે ચડી જાવ અને પોતાનાં બંધ થયેલા કારખાનાને શરુ કરવાના પ્રયત્નો કરો ચોક્કસ પેહલા જેવા દિવસો ફરીથી તમે જોશો અને ગયેલી આબરૂ પણ ધીમે ધીમે પછી આવી જશે પણ જેની આડે બીજા એ દેખાડેલા ખોટા સપનાઓના પડદા પડ્યા હોઈ એ માણસ આ વાત ક્યાંથી માને? આજે આ માણસએ ભૂલી ગયો કે પહેલા જયારે સારું થયું હતું એ ફક્ત મારી દિવસ રાત ની આકરી મહેનત ના પ્રતાપે ! કોને ખબર કે આ માણસ ક્યાં સુધી આમ ને આમ ભટકતો રહશે વિના મહેનતે પૈસા કમાવાની લાલચ માં ?

હદ તો ત્યારે આવી ગઈ કે જયારે, શાંતા બહેનની દીકરી એ શાંતા બહેન ને કહી દીધું કે હવે તારી પાસે કશું નથી વધ્યું મારી માં ખાલી અમે ત્રણ છોકરાવ વધ્યા છીએ અમને વેહ્ચીને પૈસા ધર આ બાપુ ને! કેવી વિધિ ની અને મતી ની વિચિત્રતા ! પહેલા રૂપિયા ઉડાડવામાં અને હવે રૂપિયા કમાવામાં સુરેશભાઈ ના સંતાનોનું ભૂતકાળ, અને વર્તમાન બને બગડ્યું છે. (કદાચ ભવિષ્ય શું હશે એની કલ્પના હું અહી કરી શકું છું.)ના વ્યવસ્થિત શિક્ષણ મળ્યું કે ના સારા સંસ્કારો ! શિક્ષણ અને સંસ્કાર વગરનું જીવન કેવું હશે એની તમે કલ્પના કરી શકશો?

ક્યાં ત્રણ વર્ષ પહેલાની જિંદગી અને ક્યાં આજની જિંદગી .

ફક્ત એક અંધવિશ્વાસ ને કારણે પાંચ જિંદગીઓ બરબાદ થઈ ગઈ, કદાચ જયારે કામધંધા બંધ થયા હતા ત્યારે ખોટા જોવડાવવા માં પડ્યા વગર , કોઈ તાંત્રિકને રવાડે ચડ્યા વગર જો ફરી થી ગાડી પાટે લાવવાના પ્રયત્નો કર્યા હોત તો આજ કહાની જુદી હોત. તો અહી એક નિષ્ફળ માણસની નહિ પણ એક શૂન્ય માંથી સર્જન કરનાર ની કહાની લખાણી હોત . શૂન્ય માંથી સર્જન તો થઇ જાય છે પણ એને સાચવવું બહુ અઘરું જ હોઈ છે . કારણ કે એક વખત રૂપિયા ને વશ થયેલો માણસ રૂપિયા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે અને આસાની થી કોઈ ના પણ શીકાર બની જાય છે અને આમ એ તાંત્રિકોની તો રોજી રોટી રળી જાય છે એની સાથે ઘણા લોકો લોકોનું જીવન નર્ક સમાન બની જાય છે .

આ ખાલી એક ઘરની કહાની નથી. આ કહાની ઘર ઘરની છે કારણ કે અંધશ્રદ્ધા એ આપણા સમાજ નું બહુ મોટું દુષણ છે. આપણા સમાજ માં અગણિત અંધશ્રદ્ધાઓ છે અને આ અંધશ્રદ્ધાના ઓટલાઓ એટલી જગ્યા એ છે કે એનો ઉકેલ હવે ગોતવો જ રહ્યો ,નહિ તો કેટલાય લોકો આ નર્કમાં ગરકાવ થઈ જશે. હવે આ સુરેશભાઈનું શું થશે એ ખબર નથી. કારણકે ત્રણ ત્રણ વર્ષો વીત્યા છતાં એ આ જાળમાંથી નીકળી શક્યા નથી કદાચ એ પોતે પણ નીકળવા માંગતા નથી. અને રખડતું ભટકતું જીવન જીવે છે.... હવે આ કહાની નો અંત શું હશે કોને ખબર પણ એક હસતું રમતું ઘર પોતાને હાથેજ બરબાદ કરી નાખ્યું . સરસ્વતી વગરની લક્ષ્મી નકામી હોઈ છે એવું સાબિત થયું અને જયારે આપણે digital india ની વાતો કરતા હોઈ , અને મંગળ પર પોહચી ગયા હોઈ , જયારે આખા વિશ્વ સાથે માત્ર એક આંગણીના ટચ થી વાતું કરી સકતા હોઈ , ત્યારે આપણા સમાજ ના કોઈ એક ખૂણે અંધશ્રદ્ધામાં અટવાય ને માણસનું ધનોત પનોત નીકળી જાય છે. આજે દુનિયા એટલી બધી આગળ વધી ગઈ છે તો આ માણસો કેમ આગળ વધી શકતા નથી ? સદી ફરી ગઈ છે પણ સમસ્યાઓ તેની તે જ છે.

ફક્ત એકવાર વિચાર તો કરજો કે, શું આવું શક્ય છે? જયારે કોઈ માણસ કોઈ પરચા કે ચમત્કારની વાતો કરે .

શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેર કેટલો?

દિવસ ને રાત જેટલો .