પ્રેમસિદ્ધ અધિકાર Dr.Shivangi Mandviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમસિદ્ધ અધિકાર

હવે મારી સાંજ અને સવાર આ કાન્હાના ભજનથી જ થતી,

મન મોહના…. કાન્હા સુનોના… તુમ બિન કોન સચ…

સામે ના ઘરમાં રહેવા આવેલુ કુટુંબમાની કોઈ એક સ્ત્રી આ ભજન એટલી લાગણીથી ગાતી કે હું એ લાગણીના પુરમાં તણાય જતો અને એ ઘરમાંથી આવતી અગરબતીની સુગંધ મારા ઘરને પણ સુગંધિત કરીને જતી. તેમજ એ ઘરમાંથી આવતી આરતીની આભા મારા ઘરને પણ રોશન કરતી હતી. એ અવાજ મને હંમેશા તેના ઘર તરફ ખેંચતો. મારામાં બે ઘરના ઉંબરા ઓળંગવાની હિંમત હજુ ભેગી થઈ નહોતી એટલે હું મારા બારણે જ અટકી જતો. મારી સવાર હવે દરોજ વહેલી ઉગવા લાગી હતી અને સાંજ સમયસર પડતી હતી, હવે હું દિવસ અને રાતનો ફેર સમજવા લાગ્યો હતો, અને કામને ઓફીસમાં મૂકીને જ આવતો, બસ અઠવાડિયામાં જ મારામાં આવા ધરખમ ફેરફાર આવી ગયા હતા. હું ઝરણામાં હવે તણાવા લાગ્યો હતો. હું એ સ્ત્રીના અવાજમાં ઝરણાને સાંભળવા મથતો અને તે છોકરમાં મને મારો "સૌમ્ય" દેખાતો. આવો જ હોત, પણ થોડોક તોફાની વધારે! હા, થોડોક જિદ્દી પણ મારા જેવો જ!

ઝરણાંએ જોયેલા સપના હવે મારી આંખે આવી બેઠા હતા. મારમાં હવે ઘરની ઝંખના જાગી હતી, મારા પુરુષ હૃદયમાં હવે મમતા જાગી હતી, જે સપનાઓ ઝરણાની આંખે જીવાયેલા હતા એ વહેતા વહેતા મારા અંતર સુધી પહોંચ્યા હતા, પણ હવે અંતર વધી ગયું હતું.

જો, આવું જ હશે ઘર ! નાનું પણ નાજૂકડું! બે બેડરૂમ, હોલ, કિચન એક પૂજા રૂમ, ડાઇનિંગ એરિયા, બાલકની… સાગર આપણે ફ્લેટ માં રહેસૂ કે ટેનામેન્ટમાં?

સાગર સાંભળને…

સાંભળું છું ઝરણાં બોલ ને…

હા, જો એન્ટ્રન્સ ડોર પર તોરણ લગાડસુ અને ડોર ની વચ્ચે ગણપતિ અને આજુબાજુ કંકુથી લાભ શુભ લખસું, અને બને બાજુ ટોડલીયા…

ટોડલીયા ? આ જમાનામા ટોડલીયા ?

જમાના સાથે સંસ્કાર અને સંસ્કૃતિ ન બદલે સાગર.

પણ …

જો સાગર, આપણા ઘરને થોડોક મોર્ડન તો થોડોક એન્ટિક લૂક પણ આપવો જ જોઈએ.. તારા મમ્મી પપ્પા આવે તો તેને પણ આપણું ઘર આપણું લાગવું જોઈએ… શહેરમાં રહીને ગામડાની હવા કેમ આપવી એ આપણા હાથની વાત છે.

સમજાય ગયું મેડમ… તું આટલું સહજ કેમ વિચારી શકે છે?

એ પછી સમજાવીશ…. અત્યારે તું મારી વાતો સંભાળ, એન્ટરન્સની સામેની દીવાલ પર આપણા બંનેની મોટી ફોટો ફ્રેમ હશે અને બાજુમાં માટીમાં પાડેલી આપણાં બંનેની ફૂટ પ્રિન્ટ, જે આપણે ઘરમાં સૌ પ્રથમ પ્રવેશતા પહેલા પાડશું અને પછી મઢાવીને રાખસુ…

હમમમ….

હોલની દિવાલનો રંગ ક્રીમ અને એક દીવાલ પર tv અને સાઉન્ડ સિસ્ટમ, એ દીવાલ પર ડિઝાઇન કૈક,હોલમાં ક્રીમ અને બ્લુ કલરના સોફા… અને એક ખુણા માં ફૂલદાની, અને બીજા ખુણામાં પ્લાસ્ટરોફપેરિસમાં આપણા બનાવેલા હેન્ડ કાષ્ટ... વચ્ચે ટીપાઈ અને…

બસ હવે હોલ માંથી બેડરૂમ માં આવીએ? મેં ઝરણાને ઈશારો કરતા કહ્યું..

ઝરણાં શરમાઈને મારાથી દૂર ખસી ગઈ…

હા, બેડરૂમમા કિંગ સાઈઝ લો બેડ અને એની સામે જ ડ્રેસિંગ ટેબલ અને બાજુમાં ફર્નીશ કરાવેલો કબાટ અને …

હજુ એ બોલવા જાઈ એ પહેલાં મેં એને મારી નજીક ખેંચી લીધી.

અને…..!?

હવે આપણે બાલકનીમાં જઈએ,ઝરણાએ થોડુંક શરમાળ સ્મિત કરતા કહેલું..

હા, ચાલ ને ઉઠાવી ને લઇ જાવ.

ના સાહેબ, ચાલો હાથ પકડીને જઈએ… ઝરણાએ મારો હાથ પકડ્યો અને આંખ મીંચી દીધી. એ ક્ષણને જીવતી હતી. મેં એના હાથ ઉપર ચુંબન કર્યું અને હળવેકથી એનું માથું મારા ખભ્ભા પર ઢળી ગયું.

બાલકની કેવી હશે?

હમમમ!?… જો, ગાર્ડન ફેસિંગ હશે, થોડાક સુગંધિત ફૂલોના રોપા અને એને જે કુંડામાં વાવસુ એ આપણે જાતે રંગીશું. અને બાલકનીને મનિવેલથી સજાવીસ, બહુ ગમે ને તને?

હમમમ પછી..

એક હીંચકો.. જ્યાં દરોજ સાંજની ચા સાથે પીસુ… આવી રીતે જ બેસી ને

ઘરનું નામ શુ રાખીશું ?

ઘર નહીં, આપણા ઘરનું નામ.. ઘર એ ત્યાં સુધી મકાન જ રહે છે જ્યાં સુધી એ આપણું નથી થતું. મારે મકાન નહીં, એક જીવતું જાગતું ઘર જોઈએ..

સોરી બાબા આપણા ઘરનું નામ બસ!

સ્વર્ગ!

સ્વર્ગ?

હા, લોકો બ્રહ્માડમાં સૌથી સુંદર જગ્યા સ્વર્ગને માને છે. અને આપણા ઘર કરતા સ્વર્ગ વધારે સુંદર હોઈ જ ન શકે.

હવા સાથે ઉડતા એના વાળ મારા ગાલ પર પીંછાની જેમ સ્પર્શતા હતા એનો રોમાંચ હું આજે પણ અનુભવી શકું છું. મેં આજુબાજુ મારા ઘરમાં નજર દોડાવી અનાયાસે દીવાલોના રંગ બિલકુલ ઈવા જ હતા જેવું ઝરણાએ કીધા હતા, કમી હતી તો ફક્ત સજાવટ ની! બાલ્કનીમાં પણ ગાર્ડન ફેસિંગ જ હતી પણ હીંચકા વગરની! મેં એજ ક્ષણે નક્કી કરી લીધું કે સજાવટ તો હું નહીં કરી શકું કારણકે પુરુષ અને ઘર સજાવટ! પુરુષ ફક્ત ચાર દીવાલ બનાવી શકે પણ એ દીવાલોમાં પ્રાણ ફૂંકવાનું કામ તો ફક્ત સ્ત્રીઓ કરી શકે . ખેર, મેં હીંચકો લેવાનું નક્કી કર્યું. અને તેજ દિવસે મારી બાલ્કનીમાં એક હીંચકો મુકાયો.

બસ થોડીક ક્ષણોના મિલને મને બદલાવી નાખ્યો હતો, આ અજનબી સૌમ્ય અને એ સ્ત્રીનો અવાજ મારામાંથી સાચા સાગરને ઉલેચતા હતા, સાગરના તળિયે પડેલા છીપલાંમાંથી મોતીને વીણતાં હતા. કોરા પડેલા સાગરમાં હવે લાગણીના મોજા આવવા લાગ્યા હતા. એ ઘરમાંથી આવતા સૌમ્યના અવાજો મને મારા બાળપણમાં પાછા ખેંચી જતા હતા. એક દિવસ હું સાંજે 6 વાગે ઓફિસથી ઘરે આવી ગયો હતો, મેં મારી ગાડી પાર્કિંગમાં પાર્ક કરી અને હું લિફ્ટ તરફ આગળ વધ્યો. લિફ્ટ તરફ જતા ડાબી બાજુએ એક ગાર્ડન હતું, ફ્લેટ લેતી વખતે મને મારા બિલ્ડરે કહ્યું તો હતું, પરંતુ આજ સુધી મારુ ધ્યાન એ ગાર્ડન તરફ ક્યારેય ગયું નહોતું, હું સવારે લિફ્ટમાંથી ઉતરીને આજુબાજુ જોયા વિના પાર્કિંગમાં જઇને ગાડી ચાલુ કરીને નીકળી જતો અને મોડી રાતે આવી ને પાર્કિંગમાંથી લિફ્ટ માં. પણ આજકાલ હું સાંજે ઘરે આવવા લાગ્યો હતો અને મેં એ ગાર્ડનને જોયું હતું પરંતુ ફક્ત બહારથી જ અંદર જવાનો વિચાર સુધ્ધા આવ્યો નહોતો, કદાચ હું હજી મારી અંદર પણ એટલો પ્રવેશી શક્યો નહોતો એટલે. પણ એ દિવસે અચાનક મારી નજર હીંચકા ખાતા સૌમ્ય પર પડી. બસ બે ત્રણ બાળકો જ હતા ગાર્ડનમાં. સૌમ્ય ભારે મહેનત કરી રહ્યો હતો પણ એને એકલા હીંચકા ખાતા આવડતું નહોતું, જ્યારે હીંચકો આગળ આવતો ત્યારે એ પાછળ જુકતો અને હીંચકો પાછળ જતો ત્યારે એ આગળ જુકતો અને પગ તો હલાવતો જ નહીં. એ હજી જિંદગીના હિલોળે હીંચકયો નહોતો એટલે એ હીંચકા સાથે તાલ મિલાવી શકતો નહોતો, આ તાલ મિલાવવા માટે. હું અચાનક તેની પાછળ ગયો અને હળવેકથી હીંચકો હલાવ્યો, હીંચકો આગળ જતાં જ તે ખીલખીલી ઉઠ્યો અને પાછળ વળીને મારી સામે જોયું અને સૌમ્ય સ્મિત આપ્યું એને આપેલા સ્મિતથી મારા મોઢા પર પણ થોડુંક સ્મિત ઉભરાઈ આવ્યું, અને મેં થોડો વધુ હીંચકો નાખ્યો.

થોડી વાર રહીને તેને હીંચકમાંથી ઉતરવાનો ઈશારો કર્યો અને મેં હીંચકો રોક્યો.

મજા આવી ગઈ…તમે દરરોજ આવશોને અંકલ?

મેં હંકારમાં માથું હલાવ્યું અને તે દોડતો ત્યાંથી ચાલ્યો ગયો. હું બસ એને જોતો રહ્યો. હું ત્યાં નજીક રહેલા બાંકડા પર એમજ બેસી ગયો, મેં બુટ અને મોજા બંને કાઢી નાખ્યા અને ખુલ્લા પગને જમીન પર મુક્યા અને આંખ બંધ કરી. આસપાસની દુનિયાથી અલિપ્ત હું મારામાં ઝરણાને શોધતો હતો, ઝરણાની ઝંખના મને હોવી જંપવા દેતી નહોતી . મારા મનમાં અનેક સવાલો એ દોટ મૂકી. એક પછી એક…

શુ કરતી હશે?

લગ્ન કરી લીધા હશે? એ ખુશ હશે? પરિવાર હશે?

શુ હજુ મારી રાહ જોતી હશે?

ફરીથી મળવાનો મોકો મળશે?

એ ક્યાં હશે?

એક વાર મળવું છે મારે! બસ, એકવાર. માફી માંગવી છે મારે, શુ માફ કરશે? હું યાદ હોઈશ એને? એ મને યાદ કરતી હશે?

બધા સવાલોની વચ્ચે એક અનોખી ખુશ્બુ મારી પાસેથી પાસ થઇ ગઈ, મારી આંખ તરત ખુલી ગઈ, લાગ્યું કે ઝરણાં ક્યાંક આસપાસ જ છે. હા, આટલા વર્ષો પછી પણ હું તેની ખુશ્બુને ઓળખી શકું છું. મેં આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો પણ આજુબાજુ તે ક્યાંય નહોતી, મારી અંદર પ્રગટેલી આશા જ્યોત પ્રગટતા પહેલા જ ઓલવાઈ ગઈ.

હવે ગાર્ડનમાં કોઈ નહોતું, છોકરાઓને ઘરેથી બુલાવા આવી ગયા હતા, સૌમ્ય પણ જતો રહ્યો હતો બસ હું એકલો જ ગાર્ડનમાં બેઠો હતો. એકલતા મારી આદત હતી છતાં હવે એ મને કાંટાની જેમ લાગતી હતી. હું ઉભો થઈને ગાર્ડનની બહાર લિફ્ટ તરફ ગયો, ત્યાં સામે મને પાંચ -છ સ્ત્રીઓ દેખાઈ, એ લોકો મને ઓળખાતી હતી પણ હું નહીં ! એ લોકો મારી બિલ્ડિંગમાં જ રહેતા પણ કોણ કોણ ઘરે થઈ છે ને મને કંઈપણ ખયાલ નહોતો. સાચું કહું તો આ બે -ત્રણ વર્ષમાં સમાજ થઈ સાવ લુપ્ત થઈ ગયો હતો અને એમ કહું કે એન્ટી સોઈસલ તો પણ કાઈ ખોટું નથી.

તમે સરિતા ને?

ઘૂમટો વાળીને ઉભેલી સ્ત્રીઓમાંથી એક એ પૂછ્યું . પાછળ વાળીને ઉભેલી એક સ્ત્રીએ હંકારમાં જવાબ આપ્યો. એ અવાજ મારા કાનો એ સાંભળેલો હતો . મને એ અવાજને ઓળખતા જરા પણ વાર ન લાગી. એજ અવાજ હતો જેને હું અઠવાડિયાથી સવાર સાંજ સાંભળતો. એ લોકો વાતો કરી રહ્યા હતા તેમાં મને બહુ રસ નહોતો આમ પણ પાંચ છ સ્ત્રીઓ ભેગી મળીને વાતો કરતી હોય એમા કઇ સાંભળવાની કોશિશ કરવી એ મુર્ખામી ભર્યું કામ છે. સ્ત્રીઓની વાતો ફક્ત સ્ત્રીઓ જ સમજી શકે, સ્ત્રીને સમજવા જાવ તો એ અટપટી જ લાગે પણ એને સ્વીકારી લો તો એના જેવુ સરળ કઇ નથી. મારે એ એક અવાજનો ચહેરો જોવો હતો તેથી હું તે ઘૂમટા ની નજીક ગયો પણ કહેવાય ને કે જિંદગીમાં ક્યારે શુ થવાનું છે એ પહેલેથી જ નક્કી છે, એને જેમ લખ્યું હશે એમ જ બનશે એટલે હું જેવો ત્યાં પહોંચું એ પહેલાં તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ અને હું બસ એને જતા જોઈ રહ્યો. પણ મને સરિતામાં ઝરણાં જ દેખાતી હતી,તેને આછા પીળા રંગનું લેરિયું પહેરેલું હતું, પાછળ ખુલા રહેલા વાળ બ્લાઉસમાંથી દેખાતી બેકને ઢાંકતા હતા. એની ચાલમાં ઝરણાનો જ ઝણકાર હતો . એજ રુવાબ ! ટટાર થઈને માથું સહેજ ઉંચુ રાખી ને એક હાથમાં ખુલેલો લટકતો દુપટો, અહીં દુપટા ની જગ્યાએ સાડીનો પાલવ હતો બસ બીજો કાઈ ફેર નહોતો, એજ ઉંચાઈ અને એજ થોડા વટ અને થોડી નરમાઇશથી પડતા પગલાં અને સાથે થોડા આગળપાછળ હલતાં

હાથ અને લચકતી કમર! ચાલતા સમયે જ્યારે એક પગ ઉપાડે ત્યારે પગમાં પહેરેલા ઝાંઝરનો અવાજ! અને સાથે આવતો પગ નો થપ થપ અવાજ! હું કઈ સમજુ એ પહેલાં એ મારી નજરથી અદ્રશ્ય થઇ ગઇ અને હું ત્યાં જ નિસ્તબ્ધ ઉભો રહી ગયો.

બસ એક જ વિચારે ઝરણાં કે સરિતા!

***