શિયાળાની સાંજ એટલે યાદોની સાંજ , એકદમ સ્વચ્છ આકાશ અને ધીમો ધીમો ઠંડો પવન , એક બાલ્કનીમાં હાથ માં રહેલી બુક અને કોફીના કપ માંથી નીકળતી વરાળો વચ્ચે દેખાતા ધૂંધળા ચહેરા. ઘણા દિવસ પછી મને આ ક્ષણ મળી હતી , જીવન બનાવવાના ચક્કરમાં હું જીવન જીવવાનું ભૂલી ગયો હતો કોલેજ છૂટ્યા ને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા હતા ને મારો 'હું' પણ ત્રણ વર્ષનો જ હતો. સ્વભાવ જેવું તો કશું રહ્યું જ નહોતું બસ હતો તો ફક્ત અભાવ. બધું વસાવ્યા પછી પણ ઘર ખાલી ખાલી લાગતું હતું , કોલેજના મિત્રો બધા સેટલ થઇ ગયા હતા પણ સફળ માત્ર હું જ થયો હોય એવું મને લાગતું હતું. એ બધા ઘર બનાવીને બેઠા હતા તો હું મકાન ચણી ને. MBA પૂરું કર્યા પછી મારે નોકરી નહોતી કરવી , નોકરી તો બધા કરે પણ મારે કઇક અલગ કરવું હતું , બિઝનેસ ની દુનિયામાં કંઈક આગવુ નામ કમાવું હતું અને પોતાના પગે જ ઉભું થવું હતું. નોકરી નહીં કર તો કોઈ છોકરી કેમ દેશે જેવા વાક્યો પણ ઘણીવાર સાંભળી ચુક્યો હતો અને આ બોલવા વાળાને મનોમન જવાબ પણ દઈ દીધો હતો કે છોકરી ગોતવાની મારે જરૂર નથી હું ઓલરેડી નસીબદાર છું મારી પાસે મારી હમસફર છે જ , જે મને કોઈ પણ સંજોગોમાં સાચવશે. પણ એને તો….
એક વર્ષ સતત મથ્યા પછી , દિવસ રાત એક કર્યા પછી અને બધીજ લાગણીઓ અને સંબંધોને નેવે મુક્યાં પછી મને મારો મુકામ મળ્યો હતો અને આ મુકામે વિસામો ખાવા મારા સીવાય કોઈ નહોતું.કદાચ મેં જ વડલાની ઘેઘુર છાયા છોડીને આસોપાલવના ઉંચા છાંયાને અપનાવ્યો હતો. પણ તે દિવસે અચાનક તેનો ચહેરો સ્મરણમાં આવ્યો.હું તેને ક્યારેય યાદ નહીં કરું એવું મનોમન નક્કી કર્યા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નહોતું , એને યાદ કરવાનું તો દૂર પણ એનું નામ પણ દિલો દિમાગમાંથી ભૂંસી નાખ્યું હતું. હવે તેના પ્રત્યે ન તો નફરત બચી હતી કે ન તો પ્રેમ , શુ એટલો ગાઢ સંબંધ એક જ જાટકે તૂટી શકે! શુ એ એટલી બધી થાકી ગઈ હશે? કંટાળી ગઈ હશે મારાથી? શુ થયું હશે? કોઈ વાત કે વિવાદ વગર બસ કહી ને જતી રહી. મુકો , હવે 2 વર્ષ પછી હું એને શુ કામ યાદ કરું છું? એમ કહી હું હાથમાં રહેલી બૂકના પાના ફેરવવા લાગ્યો એક પછી એક પાનાંની પ્રત્યેક લીટી એ મને વધારે ને વધારે યાદ આવવા લાગી મેં આઠ દસ પાનાં એમ જ ગુસ્સામાં ફેરવી નાખ્યા , અને વચ્ચે એક ઘડી વળેલો એક કાગળ મળ્યો , એટલો ઘડી વળેલો હતો કે કોઈએ ગુસ્સામાં પહેલા ડૂચો વાળ્યો હોઈ ને પછી સીધો કરી ઘડી વાળી ને મુક્યો હોઈ. એ ઘડીઓ , કરચલીઓ કાગળમાં હતી કે અમારા સંબંધમાં એ સમજવામાં મને ઘણો સમય લાગ્યો હતો , એનો જ્યારે પત્ર મળ્યો ત્યારે ગુસ્સામાં બસ વાળીને મૂકી દીધો ન તો કઈ વિચાર્યું કે ન તો કઈ સમજાયું. એક પછી એક વળ ખોલિને મેં કાગળને સીધો કર્યો , મને એ ક્યાંક આસપાસ જ હોઈ એવું મહેસુસ થયું , 2 વર્ષ પછી આ ખુશ્બૂ મને હવામાં મહેસુસ થઇ હતી , કેમ આજે આટલી યાદ આવે છે તું? તું પણ શું મને યાદ કરતી હશે? કાગળ પર હળવો હાથ ફેરવ્યો જાણે હું ઝરણાને સ્પર્શ કરતો હોવ એવું લાગતું હતું. ઝરણાં! એક આહ નીકળી ગઈ મારાથી.. તેનો પ્રત્યક્ષ ચહેરો મારી સામે આવ્યો, એવો જ જેવો મેં બે વર્ષ પહેલાં જોયો હતો , કાજલ વગરની કોરી અને માછલી આકારની આંખો, ઝાંખી પાંપણો અને વણાંક આપેલો જાડો આઈબ્રો , થોડોક પવન આવતા આંખ આડે આવી જતા એના વાળ, થોડાક ભરાવદાર ગાલો અને હળવું મલકે ત્યારે પડતા જીણા ખંજનો.... અને એની સાદગી, એના પર જ હું ફિદા હતો. એ હમેંશા કહેતી સાગર તું એટલો બધો વીશાળ ન થતો કે બધા ઝરણાં અને નદીઓને તારામાં સમાવી લે. તું ફક્ત મારો સાગર જ રહેજે , જેમાં ફક્ત એક જ ઝરણાં સમાય શકે.
સાગર ,
હું થાકી ગઈ છું , તું કામમાં એટલો મશગુલ છે કે તને મારા માટે સમય જ નથી , પૈસા પાછળ એટલો ન ભાગ કે પ્રેમ ને તું પાછળ છોડી દે. હું સમજુ છું તને પણ તું કદાચ મને નથી સમજી શક્યો , મારે તારી જાહોજલાલી નહીં પણ તું જોઈએ ! આપણી પાસે મોંઘીદાટ કાર નહીં હોય તો ચાલશે , આપણે હાથ પકડી ને ચાલતા જઈશું. સેટલ થઈ ને પછી પરણવાની જીદ છોડી દે , જે હશે તેમા ચલાવી લઈશું . હું તને તારા લક્ષથી ભટકવાનું નથી કહેતી પણ મંજિલ સુધી પહોંચવા મારો હાથ જાલી લે. બને સાથે હસું તો રસ્તો ઝડપથી કપાશે. તું મને ફક્ત તારી પાસે નહીં તારી સાથે રાખ. આ બધું તું નથી માનવાનો હું ઓળખું છું તને એટલે આજે તને છોડીને જાવ છુ , તારા અને તારા શહેરથી દુર.
તને તારી મંજિલ મુબારક ! જોજે મુકામે પહોંચીને ફરીથી નવા સરનામા શોધવા ન પડે.
ગુસ્સે ન થા. મળવાનું નહીં કહું છેલ્લા 4 મહિનાથી નથી મળ્યા અને મારે મળવું પણ નથી, આપણી મુલાકાતો પર મારે આખરી મુલાકાતની મહોર નથી મારવી એટલે. ક્યારેક મળસુ જિંદગીના નવા મોડ પર કદાચ નવા સંબંધ સાથે.
હું રાહ જોઇસ
Best of luck , wish u all the success to u.
Bye.
જોજે મુકામે પહોંચી ને નવા સરનામાં ન શોધવા પડે એ વાકય મારાના મન માં પડઘાઈ રહ્યું હતું.
એક વાર તો મને મનાવ્યો હોત. કદાચ હું માની જાત! ના , ન જ માનત! મારા ઉપર કઇક કરવાનું ભૂત સવાર હતું , હું તને કેટલુંય સંભળાવત કદાચ. તું મને નખશિખ ઓળખતી હતી! એટલે મનાવવા કરતા છોડવું એ તને વધારે યોગ્ય લાગ્યું હશે. મારો અવાજ સહેજ ગળગળો થઇ ગયો. અને એક દળદડતો દડો આવીને મારા પગ સાથે ભટકાયો . મેં તરત જ નીચે જોયું અને પછી દરવાજા તરફ નજર કરી. કામવાળી દરવાજો અધખુલો છોડીને ગઈ હતી તો એક છોકરાથી રમત રમતમાં દડો મારા ઘરમાં આવી ગયો હતો. મારા ઘરમાં કામવાળી અને મારા સિવાય દરવાજા અંદર પ્રવેશનાર પહેલો દડો હતો. બધા સાથે પ્રોફેશનલ સંબંધો હતા પણ ઘર સુધીના નહીં અને પરિવારના સંબંધીઓ પણ કોઈ શહેરમાં રહેતા નહોતા બધા ગામડે હું વર્ષમાં એકાદ દિવસ આટો મારી આવતો. મેં દડો હાથમાં લીધો અને હું બહાર ગયો જોયું તો કોઈ નહોતું. મારી નજર સામેના ફ્લેટના અધખુલ્લા દરવાજા પાછળ ધ્રુજતા બે પગ પર ગઇ. મેં દરવાજો સહેજ આડો કર્યો પાછળથી પારકા પણા ની બીકથી થીજી ગયેલી આંખો દેખાય છતાં અને થોડું કાલુઘેલું સ્મિત અને પોતાના દડા ને માંગતા બે હાથ મારી તરફ ફેલાયા , મેં દડો તેના હાથમાં મૂકી દીધો અને પછી અનાયાસે મારો હાથ તેના માથા પર ફર્યો અને તે ખીલખીલી ઉઠ્યો આંખોની બીક કદાચ પોતાના પણામાં ફેરવાય ગઈ , તેને હળવેકથી કાલીઘેલી ભાષામાં મને થેન્ક્સ કહ્યું અને નીચે બેસવા ઈશારો કર્યો ,હું નીચે બેઠો અને મારા ગાલ પર તેને વહાલ ભર્યું ચુંબન કર્યું. હવે હું પણ ખીલી ઉઠ્યો. ઝરણાના ગયા પછી કોઈએ મને પહેલો સ્પર્શ કર્યો હતો. અંદરથી અવાજ આવ્યો , "સૌમ્ય , બેટા ક્યાં છો , અંદર આવ જોઈએ સૌમ્ય". ફરીથી તે એક ઈશારો કરી દરવાજો બંધ કરી અંદર ચાલ્યો ગયો. અને હું પણ મારા ઘરમાં ચાલ્યો ગયો. "સૌમ્ય" મનોમન મેં તેનું નામ લીધું અને કહ્યું નામ એવાં ગુણ. એકવાર ઝરણાં એ પૂછ્યું હતું , આપણે આપણા બાળકોનું નામ શું રાખશું , ત્યારે મેં કહ્યું હતું , જો છોકરા નું સૌમ્ય અને છોકરી નું સુનૈના. ઝરણાં સાથેની એ ક્ષણમાં ફરીથી ગરકાવ થઈ ગયો.કદાચ એ આખરી મુલાકાત હતી આમારી!
અમારા બંનેના ઘરથી થોડે દુર આવેલા તળાવ પાસે બનેલા ફૂલવાડી ગાર્ડનમાં અમે બંને બેઠા હતા , વરસાદની મોસમ હતી અને અને કલાક પહેલા જ ઝરમર ઝરમર વરસાદ પડેલો એટલે નીચે પથરાયેલા ઘાસ પર હજુ પણ પાણીના ટીપા બાજેલા હતા, માટીની સુગંધ આવી રહી હતી જે ઝરણાને બહુ ગમતી , આજુબાજુમાં રહેલા વૃક્ષો ના એકદમ તાજા બની ગયા હતા , સર્વત્ર લીલોતરી છવાઈ ગઈ હતી. આવું બધું જોવાનો મને તો ક્યાં સમય હતો , ઝરણાં બધું વર્ણન કરતી હતી અને હું ફક્ત સાંભળતો હતો , કદાચ ઝરણાની નજરે દુનિયા ને જોતો હતો! એ મારો એક હાથ પોતાના હાથમાં લઈને બેઠી હતી.લગભગ અમે 3 મહીંના પછી મળ્યા હતા. મારા ખોળામાં લેપટોપ હતું અને જમણો હાથ કી બોર્ડ ઉપર તો ડાબો હાથ ઝરણાના જમણા હાથમાં!
કેટલી વાર હવે સાગર! એ થોડુંક રિસાઈને એ બોલી.
બસ ડિયર 5 મિનિટ. મેં એનો હાથ પંપાળતા કહ્યું.
સાગર છેલ્લી અડધી કલાકથી તું 5 મિનિટ 5 મિનિટ કરે છે. તું બેસ અહીં એકલો , હું જાવ છું. ઝરણાંએ મારો હાથ છોડાવતા કહ્યું.
મેં એનો હાથ છૂટવા ન દીધો અને લેપટોપની સાઈડમાં મૂકીને એને મારી નજીક ખેંચી અને એક હગ કર્યું.
કેટલી રાહ જોવડાવી? ક્યાર ની આવી છું. હગ તો ઠીક સામે જોવામાંથી પણ જાય છે સાહેબ!
મેં મારી બાથ વધુ ભીડી , ગુસ્તાકી કે લિયે ખેદ હૈ..
સાગર..
શહ… થોડી વાર આમ જ રે..
પણ સાગર આપણે રૂમમાં નથી ગાર્ડનમાં છીએ
તો શું થયું?
કોક જોઈ જશે તો.
જોવા દે.
લગભગ 5 મિનિટ પછી મેં ઝરણાંને છોડી અને તેની સામે એકીટશે જોઈ રહ્યો આજે તેને મારા ફેવરિટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. બ્લુ ! અને મેં આપેલા ડાઈમન્ડમાં ઇયરરિંગ! હું આગળ વધુ એ પહેલાં જ ઝરણાંએ મને અટકાવ્યો અને મારા ખભ્ભા પર માથું ઢાળી દીધું.
એક વાત પૂછું? ઝરણાં એ કહ્યું
હમ્મ
આપણે આપણા બાળકોનું નામ શું રાખશું?
હે?
મેં તેની સામે જોયું એ સહેજ શરમાઈ ગઈ અને નજર નીચી કરી લીધી.
સૌમ્ય અને સુનૈના! કેમ આવું પૂછ્યું.
બસ એ તો ભાભીને છોકરી આવી ને તો અમે બધા નામ વિચારતા હતા તો મને થયું કે આપણે…ઝરણાં અટકી ગઈ. હું સહેજ મલકાયો.
હજુ એક વાત પૂછું?
પૂછ ને..
આપણે લગન ક્યારે કરશુ?
તને ખબર છે ઝરણાં.. દર વખતે એક ને એક સવાલ પૂછીને.
જાણું છું પણ જો આપણે મારા ઘરે જલ્દી વાત ન કરી ને તો…
તો શું એ લોકો તને બીજે પરણાવી દેશે.. જો મારાથી સારો અને સુખી અને કમાઉ છોકરો હોઈ ને તો તું તમતમારે રાજી ખુશીથી…
બસ સાગર તું કહેવા શુ માંગે છે? ઝરણાં મારાંથી આઘી ખસી ગઈ.
જે તું સાંભળે છે એ જ.
તારી સાથે વાત કરવી જ બેકાર છે.
તો શું કામ કરે છે ?
અમે બંને એકબીજાથી મોઢું ફેરવીને બેસી ગયા. ઝરણાએ મારા ખોળામાં લેપટોપ મૂક્યું અને તે ચાલી ગઈ.હું બસ ત્યાં ને ત્યાં બેઠો રહ્યો. થોડીવારમાં હું જે પ્રોજેક્ટમાં કામ કરતો હતો તે પ્રોજેક્ટ મેનેજરનો ફોન આવ્યો અને ફરીથી હું વ્યસ્ત થઈ ગયો. આ વ્યસ્તતામાં હું વારંવાર વ્યક્ત થવાનું ભૂલી જતો હતો. અને જ્યારે સંબંધોમાં સંવાદ ઘટે છે ત્યારે સંબંધોમાં તણાવ વધે છે એવું જ કંઈક અમારી વચ્ચે પણ બન્યું હતું હું બે દિવસ સતત કામમાં રહ્યો મેં ઝરણાને એક પણ મેસેજ કે કોલ નહોતો કર્યો , એ કદાચ મારી રાહ જોતી હશે , કે હું તેને મનાવું પણ આખો દિવસ અને અડધી રાત કામ કર્યા પછી મને મારું પણ કશું ભાન ન રહેતું , એવું નહોતું કે હું તેને ભૂલી ગયો હતો પણ ક્યારેક આપણે ચાહતા હોવા છતાં સંબંધ માટે સમય કાઢી શકતા નથી અને સમય જતાં પછી એ સંબંધ જ આપણી વચ્ચેથી નીકળી જાય છે. એવું જ કંઈક મારી સાથે પણ બન્યું . હું સંબંધ ને સમય ન આપી શક્યો ને સમય એ મારી પાસેથી સમય જતા સંબંધ છીનવી લીધો.
હું ઝરણામાં વહેતો જતો હતો ત્યાં જ મારા કાનમાં એક અવાજ સંભળાયો ,
મન મોહના... કાન્હા સુનોના.. તુમ બિન કૌન સચ
કાન્હા જપુ તુમ્હી કો દિન રૈના
છોડ કે અપને કાશી... મથુરા આકે બસો મોરે નૈન તુમ બિન કોન સચ....