મારા પછી Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા પછી

Name:Parul H. Khakhar

Email:parul.khakhar@gmail.com

‘કેસર-ચંદન ઘોળો મોંઘા શ્વાસ ચડ્યા છે ઘોડે,

રેશમદોરી ઘુઘરિયાળી હળવેહળવે છોડે.

અંજળ ખૂટ્યાં, અવસર ખૂટ્યાં, ખૂટી ગઇ સરવાણી,
તો ય ન જાણે અંદર બેઠું કોણ કિનારા જોડે !

મિત્રો..આજે વાત માંડવી છે મારી હયાતી પછીની એટલેકે ‘મારા પછી’ની…

સાથરે મૂકેલા દીવા પર ટકટકી લગાવેલી કમ સે કમ બે આંખો અવશ્ય તગતગી ઉઠશે… મારા પછી !
એ મધ્ધમ રોશનીમાં રેલાશે સાથે જોયેલા સપનાઓ…
એ તેજે ઓગળશે તીખાં-મીઠાં છણકાઓ…
એ અજવાળે ઝળહળશે કંઇ કેટલાયે સંવાદો..
અને એ ભાવુક આંખેથી ટપ્પ દઇને ખરી પડશે ‘પારુલ’ નામનું મોતી !
અને એક આખેઆખો દરિયો ઉલેચાઇ જશે.મારા પછી !

શસ્ત્રો જેને છેદી શકે છે, પાણી જેને ભીંજવી શકે છે, વાયુ જેને સૂકવી શકે છે, અગ્નિ જેને બાળી શકે છે એવું આ નાશવંત શરીર ‘પારુલ’ નામનું વસ્ત્ર છોડીને કોઇ નવીન વેશ ધારણ કરવા પ્રસ્થાન કરી જશે.જેનાથી ક્યારેય છાણની, ગૌમુત્રની વાસ સહન ન થતી એને છાણની પથારી પર ગૌમુત્રથી નવડાવવામાં આવશે,જે આજીવન અસુર્યસ્પર્શા રહી છે એને અનેક સ્ત્રીઓની હાજરીમાં અનાવૃત કરવામાં આવશે. એના ચહેરા પર ચંદનની આડ કરવામાં આવશે, સેંથીમાં સિંદુર અને હાથ પર અળતો લગાવવામાં આવશે. લાલચટ્ટાક ચુંદડી ઓઢીને ‘પારુ’બાઇ હરિવરને વરવા ચાલી નિકળશે.રુપેરી વરખ વાળી બગીમાં અનેક સ્ત્રીઓ-પુરુષોની આંખોને ભીંજવતી એક કોડીલી કન્યા સાસરે જશે અને એક આખો હર્યોભર્યો સંસાર ઉજ્જડ બનશે …મારા પછી!

સુહાગરાતે મહેંદીમાંથી પોતાનું નામ શોધતા….એ હાથ
મંગળસૂત્ર પહેરાવતા…એ હાથ

સેંથી પૂરતા…એ હાથ
પોતાની હથેળીની કોમળતામાં આ હથેળીની રુક્ષતાને ઓગાળી દેતા એ હાથ
ગાલ પર, વાળ પર, હોઠ પર સરકતા એ હાથ..

પીંડ કાપતી વખતે તો અવશ્ય ધ્રુજી જ જશે..મારા પછી !

બેડરૂમમાં હવે આમતેમ કાગળો નહી ઉડે
પલંગ પરનું ગાદલું કવયિત્રીના બેસવાથી એક ખૂણે દબાઇ ગયુ છે એ હવે ફરીથી ભરાવી લેવાશે..
બેડરૂમ હવે બેડરૂમ જ લાગશે..પુસ્તકાલય નહી..
ગુલમહોરને જોવા હવે બારીઓ ખુલશે નહી…
બોલપેન હવે કોઇના સ્પર્શ માટે તડપતી રહેશે… રીફીલો સુકાઇ જાશે….

કાગળોને ઉધઈ લાગશે…
વસ્ત્રોની જેમ ચીપકી રહેતા ચશ્મા નિમાણા થશે..
ચશ્મા તો અહિંયા જ રહી જશે પણ પેલી સતત વધતાં નંબરવાળી બે આંખો ઓલવાઇ જશે સ્મશાનમા..મારા પછી !

હવે કેસરી ગુલાબની કળીઓ તસ્વીરમાં કેદ થયા વગર જ ફુલ બનીને ખીલી જશે અને ખરી જશે…

હવે ‘બાઝીગર’ની રીંગટોન સંભળાતી બંધ થશે..

હવે લેપટોપ પર બાઝેલી ધુળ પણ આંખમાં ઝળઝળિયાં લાવી દેશે

હવે રામરક્ષાસ્તોત્રનાં ગાન બંધ થશે, હવે ગીતાના શ્લોકો સંભળાતા બંધ થશે, હવે વોઇસ રેકોર્ડર ડીલીટ કરાશે, હવે મોબાઇલનો ફ્રન્ટ કેમેરા વપરાયા વગરનો ઝાંખો થશે..

ભીના ટૉવેલ સુકવવાની કોઇ કચકચ નહી…જમીને આસન ઉપાડવાની કોઇ ઉતાવળ નહી…મચ્છરદાની સંકેલવા માટેના કોઇ વારા નહી ..ટી.વી.ના વોલ્યુમ માટે કોઇ બંધનો નહી…હવે બધું જ મનફાવતું કરી શકાશે અને તો ય…આમાંનું બધું જ યાદ રહેશે..મારા પછી

૧૨ દિવસ પછી હયાતીનાં દસ્તાવેજ જેવી ડાયરીઓ ખુલશે…
દટ્ટણ્પટ્ટણ થયેલી અનેક કવિતાઓનાં અસ્થિપીંજરો મળી આવશે, નહી કહેવાયેલી અનેક ફરિયાદોના પોટલાં ખુલશે..અનેક અધુરાં..અધકચરાં કલ્પનો ઠેરઠેર વિખરાયેલા મળી આવશે...’ફરાઝ’ની બેશુમાર શાયરીઓ પોક મુકશે…’બક્ષી’ના કાતિલ ક્વૉટ ખભા નીચે કરીને ચાલતા થશે..’ગુલમહોરનું મરશિયું’ છાતી કુટશે અને એક ‘ગુલાબી પન્નું’ દૂરથી આખરી સલામ આપશે…મારા પછી

કવયિત્રીનું વસીયતનામુ વંચાશે…
ખજાનો એના વારસદારોને સોંપતા પહેલા..પેલી બે આંખો મનભરીને વાંચશે એ શબ્દોને જે એણે ક્યારેય નથી વાંચ્યા.
આ એ સ્ત્રી !!! જે ચાર દિવાલ વચ્ચે લખતી લખતી ધૂમાડો થઇ ગઇ !!
અને એ આંખો ચૂમશે આ ગુલાબી અક્ષરોને…મારા પછી !

એ સ્મિત…જેનાં પર કોઇ ઓળઘોળ હતું…
એ કાયા જે મનભરીને નિહાળી હતી…સ્પર્શી હતી..ચાહી હતી.. એ છબીમાં કેદ થશે.
પહેલા ફુલોનાં પછી સુખડના હાર ચડાવાશે…અનેક અક્ષૌહિણી શબ્દોની સાધક એવી એક અકોણી છોકરી તસ્વીરગ્રસ્ત થશે.
ટેડીબીયરનાં કીચેઇન વાળો કબાટ ખુલશે..કેટલીયે મનગમતી..તનગમતી સાડીઓ હાહાકાર મચાવશે…
રંગબેરંગી દુપટ્ટાઓ આંખો પટપટાવશે…
લીપસ્ટીક…નેઇલકલર…બેંગલ્સનાં રંગો મન પર હાવી થશે

રંગબેરંગી બટરફ્લાઇ વાળને બદલે આકાશમાર્ગે ઉડવા લાગશે

કાજળને નજર લાગશે


અને અસ્થિની માટલી ગુલાબી કપડામાં વીંટાળી વહેલી તકે પધરાવી દેવામાં આવશે દ્વારકાની ગોમતીનાં જળમા…
અને એક મીરાં…એક રાધા…એક શબરી…એક અહલ્યા..રાખ બની વહી જશે ..ભળી જશે કૃષ્ણની ભૂમીમાં…મારા પછી !

પણ..આ હજારો સુર્યમાળાઓ ધરાવતું બ્રહ્માંડ કંઇ અટકશે નહી .
સવાર થશે, સાંજ થશે ,રાત થશે. ઉષા અને સંધ્યાના રંગો એવા જ મનમોહક હશે...ઘડીયાલ અવિરત ટકટક કરતી રહેશે..પાનખર અને વસંત આવતી રહેશે…સાહિત્ય રચાતું રહેશે ..ભૂલાતું રહેશે..સ્વાધ્યાય કેન્દ્રો ચાલતા રહેશે…ફેસબૂકમાં સ્ટેટસ અપડેટ થતા રહેશે…જન્મદિવસો, લગ્નદિવસો ઉજવાતા રહેશે…ભાગવત સપ્તાહ…ગીતા પારાયણ થતાં રહેશે…અને એક જીવ દેહમાંથી દેહાતીત થઇ જશે…મારા પછી!

હાં ફરક એટલો પડશે કો હવે’ ડી-ડ્રાઇવ’માં પડેલા ‘ Parul’s all‘ નામના જે ફોલ્ડરને હંમેશા અવગણ્યું હતું એ ફરીફરીને ખોલાશે…એના તમામ કાર્યક્રમોની સૂચી જોઇ ગર્વથી છાતી ફુલાવી શકાશે…એના તમામ વીડિયોને ‘યુ-ટ્યુબ’ પર ચીવટથી અપલોડ કરવામાં આવશે..એની ફોટો માટેની ઘેલછાને સંભારણાઓ તરીકે બિરદાવવામાં આવશે..એના અવાજમાં રેકોર્ડ થયેલી ગઝલોને વારંવાર સાંભળવામા અને વોટસએપ પર ફોરવર્ડ કરવામાં આવશે…એની ફાઇલમાંથી પ્રશંશકોના પત્રો વાંચીને આંખો ભીની થતી રહેશે..એનાં ઢગલો પુસ્તકોને ‘પુસ્તક પરબ’માં આપી દેવાની આખરી ઈચ્છા પુરી કરવામાં કાળજું કપાઇ જશે…કેટલાયે નામી-અનામી શોકસંદેશાઓથી ડ્રોઅર છલકાઇ જશે…મારા પછી !

અનેક સખીઓ છાતીફાટ રડશે…શ્રદ્ધાંજલી કાવ્યોથી મેગેઝીન ઉભરાઇ જશે…’તીર્થ’ના દરવાજે હવે પોસ્ટમેન આવતો બંધ થશે…કુરિયરમેન બોણી માંગવા નહી આવે…કોરા પરબિડિયા હવે શોકસંદેશા લખવામાં ઉપયોગી થશે…૧૪ કલાક ઓન રહેતું વાઇફાઇનું મોડેમ હવે અમુક સમયે જ ચાલુ થશે…ઇન્ટરનેટનો અનલિમિટેડ પ્લાન હવે લિમિટેડ કરી દેવામાં આવશે.

કોઇ કોમ્પ્યુટરનાં સ્ક્રીનસેવર પર ચમકી જશે એક નામ’પારુલ’

કોઇ તળાવની પાળે રાહ જોતી આંખોમાં વંચાશે એક નામ ‘પારુલ’

કોઇ મશીનની ઘરઘરાટીમાં સાંભળાશે એક નામ ‘પારુલ’

કોઇ રણની રેતીમાં આળખતું રહેશે એક નામ ‘પારુલ’

કોઇ મુશાયરાની વાહવાહીમાં શોધ્યા કરશે એક નામ ‘પારુલ’

‘ટ્રેશ’માંથી યે ડીલીટ થયેલા મેઇલમાં ડોકાતું રહેશે એક નામ ‘પારુલ’

જે નામને બેશુમાર ચાહ્યું હતું તેની પાછળ સ્વ. લગાડવામાં આવશે.બે-ચાર-છ પેઢી પછી એ નામ પણ ઓગળી જશે..છબી હાર સોતી ઉતારી લેવામાં આવશે..મંદીરના કોઇ ખૂણામાં ગોઠવી દેવામાં આવશે
પણ….
ક્યાંક, કોઇક ખૂણે એક ખુશ્બુ સચવાઇ રહેશે…

ક્યાંક એ અવાજનાં ક્લીપીંગ્સ સંભળાતા રહેશે..

ક્યાંક એ ખાટીમીઠી મસ્તીનાં ઓડકાર આવતા રહેશે..

ક્યાંક એના નામથી ગાયને ઘાસ નંખાતું રહેશે..

ક્યાંક કોઇ ગરીબને રોટલી અપાતી રહેશે..

કબુતરો એના હાથેથી ચણ ખાવા ટળવળતા રહેશે..

એ પતરંગો…એ કલકલિયો…એ શક્કરકોરો…એ કંસારો..એક ઝલક માટે મંડરાતા રહેશે કવયિત્રીના ફળિયામાં…ગુલમહોરની પીળી પાંદડીઓથી ફળિયું રંગાઇ જશે..પ્લેન્ટીફ્લાવરનાં ફુલો માદક ખુશ્બુ રેલાવતા ખર્યા કરશે..ગુલમહોરના થડમાં પાગરેલો વડલો જીણી આંખે કોઇને શોધ્યા કરશે મારા પછી!

અને…અને…અને..
શબ્દોનાં કામણ રહેશે…
એક મુઠ્ઠી ગુલાલ રહેશે..ગુલાબી ધમાલ રહેશે…

ધ્વસ્ત નગર રહેશે...પીડા..ડૂસ્કા..ડૂમાઓના ખજાના રહેશે..

સુખના બગાસાં રહેશે…ત્યક્તાઓની વેદના રહેશે..અહિંસાની વ્યાખ્યા પૂછતો ટાબરિયો રહેશે..’અગિયારમી દિશા’તરફનું પ્રયાણ રહેશે..’મુન્નાર પ્રવાસ’નો નિબંધ રહેશે. કચ્છ-કાશ્મીર –કેરાલાનાં આલ્બમો રહેશે..’લંચબોક્ષ’ના ફિલ્મરીવ્યુ રહેશે…’મિત્રાયણ’ નાની મિત્રગાથા રહેશે..’પુરુષ એટલે પથ્થરમાં પાગરેલી કૂંપળ’જેવા આર્ટીકલ રહેશે…’યે વુમનિયા’ ‘માય ચોઇસનીમથામણ અને ‘સાતમે પગલે’ જેવી સ્ત્રી વિષયક કથાઓ રહેશે…’પપ્પા’ માટે લખાયેલ ગીત રહેશે…દરિયો, તળાવ, રણ,વાવ,ગુલમહોર માટે લખાયેલ અઢળક સાહિત્ય રહેશે…‘
પીંક પેઇજ’ નામનો બ્લોગ રહેશે….
શાયરીઓ,ગઝલો,નઝ્મો શેર થતી રહેશે…
આર્ટીકલ બે-રોકટોક પોતાના નામે ચડાવી દેવાશે…

અને…એક નામ સુખડમાં કોતરાઇને અમર બની જાશે….મારા પછી.

—પારુલ ખખ્ખર