Dost Mane Maf Karis Ne - 12 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

Dost Mane Maf Karis Ne - 12

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૨

અરૂપ શું બોલે ?

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૨. અરૂપ શું બોલે ?

“રહી છે વાત અધૂરી

શબ્દ, અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી...”

એક એક પગલામાં પહાડ જેવડો ભાર ઉંચકતી ઈતિનો સિમલાનો દરેક દિવસ એક આખા યુગનો ઓથાર લઈને વીતતો હતો. આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો. આજે સિમલાનો છેલ્લો દિવસ હતો. નીકળવાનું તો બપોરે હતું. પરંતુ ઈતિ તો સવારથી જ સામાન પેક કરીને ઘડિયાળ સામે બેસી ગઈ હતી. પણ એમ કંઈ સામે બેસવાથી ઘડિયાળના કાંટા ઈતિથી ડરીને જલદીથી થોડાં ભાગવાના હતાં? ઈતિનું ચિત્ત આજે અરૂપની કોઈ પણ વાતમાં ચોંટે તેમ નહોતું. તેની અધીરતા,વ્યાકુળતા સમજી ચૂકેલ અરૂપે તેને બીજી વાતોમાં વાળવાના નિષ્ફળ પ્રયાસ કરી જોયા. અંતે હારીને, રૂમમાં ટી.વી.ચાલુ કરી તે બેસી ગયો હતો. ઈતિની વ્યાકુળતા તેનાથી સહન નહોતી થતી. અને હવે ન જાણે કેમ અરૂપના મનમાં પણ એક અજ્ઞાત ડર, એક છાનો ભય ઉગ્યો હતો. કયો ડર ? કેવો ભય ? તેની જાણ સમય સિવાય કદાચ કોઈને નહોતી. ખુદ અરૂપને પણ નહીં.

પોતે બેસી રહે તો ઘડિયાળના કાંટા પણ કયાંક ચાલવાનું બંધ કરીને થંભી જાય તો ? ઘવાયેલી સિંહણની વ્યગ્રતાથી ઈતિ હોટેલના કમ્પાઉન્ડમાં... લોન પર નિરર્થક આંટા મારતી હતી. આંખો સામે સરસ મજાનો બગીચો હતો. અગણિત ફૂલો ઈતિને આવકારવા ઝૂમી રહ્યાં હતાં. પણ એ આવકારનો પડઘો ઈતિના મનમાં કોઈ રીતે પડતો નહોતો. હકીકતે ઈતિ સિમલામાં હતી જ કયાં ? તે તો અનિકેત સાથે આટલા વરસોનો હિસાબ-કિતાબ સમજવામાં પડી હતી.

અનિકેતે કોઈ ગોરી છોકરી સાથે લગ્ન કરી લીધા હશે. તેમ ઈતિ અને તેના ઘરના બધાએ સ્વીકારી લીધું હતું. અને હવે તો તેને ત્યાં બાળકો પણ હશે. અનિના બાળકોની કલ્પના માત્રથી ઈતિ રોમાંચિત થઈ ઉઠી. પોતાને બાળક નથી તો શું થયું ? અનિના સંતાનો તેનાં જ કહેવાયને ? અરે, અનિને કહીને તે એકાદને પોતાની સાથે રાખી પણ લેશે. પણ અનિની ગોરી પત્ની માને ખરી ? ઈતિ તો જાણે અનિકેતના સંતાનને ઉંચકીને બગીચામાં ઘૂમી રહી હતી. તેને પકડવાં દોડી રહી હતી. પરંતુ અનિકેતના બાળકો એમ થોડાં પકડાય ? તે પણ અનિની જેમ મસ્તીખોર જ હોવાનાને ? શું નામ હશે તેમના? કોઈ અમેરિકન નામ જ હશે. પોતે અનિને બરાબર ખખડાવશે... લગ્ન ભલે કર્યા... પણ ઈતિને સાવ આમ ભૂલી જવાની ? રિસાવાનો તેને પૂરો હક્ક છે. અને આ વખતે તો જલદી માનવું જ નથી ને ! જોકે ના, ના, હવે બહું ઝગડાય નહીં. અનિની પત્નીને કદાચ ન પણ ગમે.

અરૂપને પણ જોને અનિની વાતો કયાં ગમે છે ?

અચાનક વીજળીનો ચમકાર..! તે ચોંકી ઉઠી. “અરૂપને અનિકેત નથી ગમતો !“ અત્યાર સુધી કયારેય ન આવેલ આ વિચાર સાવ જ અચાનક આ ક્ષણે ઈતિના મનોઆકાશમાં વીજળીના ચમકારાની માફક જ ચમકી ઉઠયો. પણ શા માટે ? અરૂપને અનિકેત કેમ નથી ગમતો ? અરૂપ તો કયારેય અનિને મળ્યો પણ નથી છતાં...

ઈતિના મનમાં અનેકરંગી વિચારોના તરંગો ઉછળી રહ્યાં. મન કયાંય સ્થિર નહોતું થતું. આશંકા, ડર, ગભરામણ... ભયના અનેક પક્ષીઓ અંતરમાં ફફડાટ મચાવી રહ્યાં હતાં.

ત્યાં અચાનક લોનમાં ઉડતું એક પતંગ્િાયુ આવીને ઈતિના ખભ્ભા પર હળવેથી બેસી ગયું. જાણે ઈતિને આશ્વાસન આપતું ન હોય..! ઈતિની આંખો બંધ થઈ.

આવા જ અનેક પતંગ્િાયા તે દિવસે સ્કૂલમાંથી પિકનીક પર બગીચામાં ગયેલ ત્યારે...

નવ વરસની ઈતિ પતંગ્િાયાની પાછળ અને અનિકેત ઈતિની પાછળ તેને પકડવા દોડી રહ્યો હતો. બે હાથમાં પતંગ્િાયાને નાજુકાઈથી પકડી ઈતિ સ્કૂલમાં શીખડાવેલું ગીત ગણગણતી હતી કે પતંગિયાને પૂછતી હતી...

“ પતંગિયા ઉભે તો પૂછું એક વાત, તારી પાંખે કોણે પૂરી ભાત ? ”

અનિ દૂરથી જ બૂમ મારતો.’ ઈતિ, છોડી દે બિચારાને...’

ઈતિ હાથ ઉંચો કરી તેને ખુલ્લા આસમાનમાં તરવા માટે છૂટું મૂકી દેતી. અને પોતે પણ તેની પાછળ ભાગતી હતી.

નવ વરસના ઈતિ અને અનિકેત બંને તે દિવસે સ્કૂલ તરફથી પિકનીકમાં ગયા હતા. બંનેને વાપરવા માટે ઘેરથી દસ રૂપિયા મળ્યાં હતાં. બધા બાળકો તે પૈસામાંથી કશુંક ખરીદીને ખાતાં પીતા હતાં.

અનિકેતની નજર ત્યાં ઉભેલી એક લારી પર પડી હતી. લારીમાં બુટ્ટી, બંગડી અને નેકલેસ વિગેરે વેચાતા હતા. નાનકડાં અનિકેતને બ્લુ રંગના મણકાનો એક ચળકતો હાર બહું ગમી ગયો હતો. તેણે ઈતિને પૂછયું,

’ ઈતિ, આ બ્લુ હાર કેવો સરસ, ચમકતો છે નહીં ? ‘

’ હા, બહું સરસ છે. ‘

કશું સમજયા વિના ઈતિ બોલી હતી.

‘ આ કેટલાનો છે ? ‘ થોડું ડરતા નવ વરસના અનિકેતે પૂછયું હતું. જીવનની કદાચ પહેલી ખરીદી..! લારીવાળો કયાંક વધારે પૈસા કહેશે તો ?

લારીવાળાએ જવાબ આપ્યો,

’ દસ રૂપિયા.‘

અનિકેત ખુશ થઈ ગયો હતો. કોઈ રાજા મહારાજાની અદાથી તેણે ફટ દઈને દસ રૂપિયા આપી દીધા અને હાર ઈતિને આપ્યો હતો. ગોળ મણકાનો તે હાર ઈતિએ ઘણાં સમય સુધી ગળામાં પહેરી રાખ્યો હતો. ઈતિના દસ રૂપિયામાથી બંનેએ શેરડીનો રસ પીધો હતો.

અભાનપણે જ ઈતિના હોઠ આ ક્ષણે પણ ફરકયા. એ ઠંડક... એ મીઠાશ આજ સુધી અંદર મોજુદ હતી ?

રસ પીતાં પીતાં અનિના હોઠ પર રસની સફેદ છારી બાઝી હતી.

‘ અનિ, તને રસની મૂછ ઉગી. કહેતી ઈતિ હસતી હતી.

અનિએ ઈતિના રૂમાલથી જ મોઢું લૂછ્‌યું હતું.

ઈતિ “ ગંદો... ગંદો... “ કહેતાં દોડી ગઈ હતી... દોડી ગઈ હતી. અને અનિકેતથી પકડાઈ નહોતી.

પરંતુ એક દિવસ અનાયાસે અરૂપથી પકડાઈ ગઈ હતી.

‘ ઈતિ, ચાલ, નીકળવાનો સમય થવા આવ્યો છે.‘

ઈતિ બાઘાની માફક જ જોઈ રહી. પકડવા તો અનિકેત આવી રહ્યો હતો. અને પકડી પાડી હતી... અરૂપે? ઈતિનો હાથ પોતાના ગળામાં ફરી રહ્યો. ચળકતાં હારને બદલે ત્યાં હીરાનું મંગળસૂત્ર ઝળહળી રહ્યું હતું.

મુંબઈ સુધીનો રસ્તો અનિકેત અને અરૂપની સંતાકૂકડીમાં જ વીત્યો. એક ક્ષણ પણ તે એકલી કયાં રહી શકી હતી? ચિંતાના, ભયના, ઘેરી આશંકાના અદીઠ વાદળો ઈતિના મનોઆકાશમાં સતત ઘેરાતા રહ્યાં હતાં. તેને હટાવવાના પ્રયત્નોમાં ઈતિ આજે હારી હતી. તે વાદળોને વીંધીને અજવાસના કોઈ કિરણ સુધી પહોંચી શકાશે ?

પંદર વરસ જેવા પંદર દિવસોને ફગાવી અંતે ઈતિ ઘરના બારણા પાસે આવી પહોંચી. ઈતિના આવવાની અધીરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ પંખીઓએ કલબલાટ કરી મૂકયો. ફૂલોએ પોતાની ખુશ્બુ વાયરા સંગે ઈતિને મોક્લી તેનું અભિવાદન કર્યું. આસોપાલવ અને ગુલમહોરની ડાળીઓ ઈતિને આવકારવા થોડી ઝૂકી રહી. પરંતુ ઈતિને તો કશું દેખાયું જ નહીં. બધાની અવગણના કરી અધીરતાથી... વિહવળતાથી, ટેક્ષીમાંથી ઊંતરી, અરૂપની રાહ જોયા સિવાય ઈતિએ દોડીને ઘરનું તાળુ ખોલ્યું. આ પંદર દિવસ જે ઘૂટન વેઠી હતી... તે હવે અસહ્ય બની હતી. ગાંડાની માફક તે ફોન તરફ દોડી... ત્યાં પગમાં કોઈ કવર આવ્યું. તેણે કવર ઉંચક્યું તો ખરૂં.પણ તેની પર નજર નાખવા જેટલી ધીરજ કયાં બચી હતી ? તેની ધ્રુજતી આંગળીઓ ફોનના નંબર દબાવતી રહી.

ફોન સતત એન્ગેજ આવતો હતો. ઈતિની અધીરતા પરાકાષ્ઠાએ પહોંચી હતી. કયારેય સંતુલન ન ગુમાવતી શાંત ઈતિને આ ક્ષણે ફોનનો છૂટો ઘા કરવાનું મન થઈ આવ્યું અને કદાચ ઘા થઈ જ જાત ત્યાં...

ત્યાં અચાનક તેનું ધ્યાન હાથમાંના કવર પર પડયું. અને નજર અક્ષરો પર... એક થરથરાટ...

’આ... આ... તો અનિકેતના અક્ષર..! બંધ આંખોએ પણ તે ઓળખી શકે..! ધ્રુજતા હાથે અધીરતાથી કવર ફાડવા જતાં અંદરનો કાગળ પણ થોડો ફાટયો. ઈતિની બહાવરી નજર કાગળના લખાણ પર સરકી રહી.

ઈતિ,

‘ જીવનમાં કયારેય તને કાગળ લખીશ એવી કલ્પના પણ કયાં કરી હતી ? આ પળે મને પણ આર્શ્વર્‌ય થાય છે... હું... ઈતિને કાગળ લખું છું ? કાગળ લખવો પડે એટલા દૂર છીએ આપણે...?

આટલા વરસોમાં કાગળ લખવાની જરૂર નથી લાગી... તું દૂર કયાં હતી મારાથી ? રોજ સવારે ખીજાઈને તું મને ઉઠાડતી જ રહી છે ને ? મારી કઈ ક્ષણ તારા વિનાની હતી ? છે ?

છતાં... છતાં...

આજે પણ ન લખત. પરંતુ હવે કાળદેવતા ઉપરનો વિશ્વાસ કદાચ ખોઈ ચૂકયો છું. કદાચ ન મળાય તો ? સમય એટલો સાથ પણ ન આપે તો ? જોકે આવી શંકાનો કોઈ અર્થ નથી જ. તું આવીશ જ... એ હું જાણુ છું. બસ... એ પળની પ્રતીક્ષામાં બારણા સામે મીટ માંડી રહ્યો છું. તું આવે એ ક્ષણને મારી કીકીઓમાં કેદ કરીને પછી જ આંખ મીંચવી છે. ઈતિ, તું પુનર્જન્મમાં માને છે ? આ ક્ષણે બધી શંકાઓ, તર્ક, વિતર્કો ફગાવી દઈને પૂર્ણ શ્રધ્ધાથી હું કહું છું કે હા, ઈતિ, હું પુનર્જન્મમાં માનું છું. અને તેથી જ..મારી કીકીઓમાં કેદ થયેલ એ ક્ષણને ફરીથી જયારે પણ આંખ ખૂલે ત્યારે...

ઈતિ, એકવાર તને અલવિદા કહ્યા સિવાય જવાનું મને ગમશે નહીં. એક છેલ્લી વાર તને જોઈ લેવાની... મન ભરીને નીરખી લેવાની આ કઈ તડપન... કઈ વ્યાકુળતા પ્રાણમાં જાગી છે ? છેલ્લી ક્ષણોમાં આ લોભ કેમ છૂટતો નથી ?

તારા સમાચાર તો મને હમેશ મળતા રહ્યા છે. તું ખુશ છે..અરૂપ તને ખૂબ સાચવે છે..તારી મમ્મી પાસેથી એવું બધું સાંભળીને ખુશ થતો રહું છું. છતાં..ઈતિ, એકવાર તારા મોઢેથી તારી ખુશીની વાતો સાંભળી... તેમાં તરબોળ થવું છે... ભીંજાવું છે...

આ દિવસોમાં... દરેક ક્ષણે મારા ચિત્તમાં કયું દ્રશ્ય સતત રમી રહ્યું છે કહું ?તને યાદ છે ? આપણે નાના હતા અને તેં એકવાર વ્રત રાખેલ... પહેલીવાર સાડી પહેરી હતી. શણગાર સજયા હતા... અને સાડી સાચવતી તું ધીમા પગલા ભરતી હતી.! મંદિરમાં નાનકડા બે હાથ જોડી ઊંભેલ દુલ્હન ઈતિ મારી કીકીઓમાં હમેશ માટે કેદ થઈ ગઈ છે. તારી આંખો તો એ ક્ષણે બંધ હતી. પરંતુ કશું સમજયા વિના ખુલ્લી આંખે હું તારી સામે અપલક નજરે...

આજે... આ ક્ષણે પણ મને તો એ જ નાનકડી ઈતિ દેખાય છે. આંખો બંધ કરૂં અને હું તારી ઝાંખીથી ઝળાહળા...

અરૂપની ઓળખાણ મને અહીં અમેરિકામાં થઈ હતી. તારી કેટકેટલી વાતો હું તેને કરતો. તે મારો મિત્ર બની ગયો હતો. અને એટલે જ તો તે ત્યાં આવતો હતો ત્યારે તને ખાસ મળવાનું કહ્યું હતું. હું અરૂપને તારી કેટલી વાતો કરતો. એ તો અરૂપે તને કહ્યું જ હશે. તું અરૂપને મારી વાત કરે છે કે નહીં ? તારા પતિદેવ પાસે આખો દિવસ મારી વાતો કરીને બોર નથી કરતી ને ?

અરૂપને તારૂં એડરેસ આપી તેની સાથે તારા માટે દુલ્હનના ડરેસમાં ઢીંગલી મોકલી હતી. તને ગમી હતી કે નહીં ? એ તો તેં કોઈ દિવસ કહ્યું જ નહીં.! અરૂપનો પણ પછી કોઈ જવાબ આવ્યો જ નહીં... અહીંની મારી વાતો અરૂપે તને કહી જ હશે.

અને અરૂપના ગયા પછી એક એક્સીડન્ટ થતાં ચાર મહિના હું હોસ્પીટલમાં... જીવનમરણ વચ્ચે ઝઝૂમતો રહ્યો. ઈતિ, યાદ છે ? નાનો હતો ત્યારે મને એકવાર થોડો તાવ આવેલ અને તું મને પોતા મૂકતી, મારી પાસે બેસી પ્રાર્થના ગાતી. દવા પીવડાવવા માટે કેટલું ખીજાતી...! અને આજે આટલો માંદો છું ત્યારે..? અને ઈતિ તને ખબર છે..? એ અકસ્માતમાં મમ્મી, પપ્પા... બંને..!! ઈતિ, તારો અનિ... એકલો... સાવ એકલો..! જો કે મારી પળેપળમાં તું હતી... અને છતાં... છતાં હું તને ઝંખતો રહ્યો.

જયારે તને ફોન કરવાની ભાન આવી અને ફોન કર્યો ત્યારે સમાચાર મળ્યા કે તારા લગ્ન થઈ ગયા છે. અરૂપ સાથે... મારા જ મિત્ર સાથે. જેની પાસે હું તારા વખાણ કર્યા કરતો. તારા લગ્ન થાય અને હું ખુશ ન થાઉં એ તો કેમ બને? યાદ છે હું તને કહેતો...

’છોકરીઓએ સાસરે જવું પડે..જો, તારે જવું પડયુંને ? સાસરૂં એટલે શું ? એવો પ્રશ્ન હવે નહીં પૂછે ને ? તને દુલ્હનના સ્વરૂપમાં જોવાની ઈચ્છા હતી પણ...

અરૂપનો સંપર્ક સાધવાની બે ચાર વાર કોશિશ કરી... પણ..! ખેર..! પછી મન મનાવ્યુ..તું તારી દુનિયામાં ખુશ છે... તારી મમ્મી પાસેથી તારા સમાચાર મળતા રહેતા... તને લગ્નના અભિનન્દન આપવા ફોન કરેલ પણ અરૂપે કહેલ કે તું બહારગામ ગઈ છે..તેથી વાત ન થઈ શકી..અને પછી કયારેય તને ફોન કર્યો નહીં... તું ખુશ હતી... છે... એટલું મારે મારે પૂરતું જ હોય ને ?

અને હું પણ એક જુદી દુનિયામાં ખોવાઈ ગયો. તારી યાદ મારા અસ્તિત્વની અંદર ઓગળી ગઈ હતી. અને હું ઓગળી ગયો હતો..નાનાં નાનાં અનાથ ભૂલકાઓની દુનિયામાં... કયાં... કયારે... કેમ... એ બધું લખવાની આ ક્ષણે તાકાત નથી. જોકે હવે તારી મમ્મીને બધી જાણ છે. તને મન થાય તો તેની પાસેથી જાણી શકીશ..

આ ક્ષણે તો એટલી જ ખબર છે. હવે મારી પાસે બહું ઓછો સમય બચ્યો છે. કેમ શું થયું... એ બધી વાતો અહીં આવીશ ત્યારે તને જાણ થવાની જ છે. અત્યારે એટલું બધું લખવાની તાકાત નથી. પરંતુ જિંદગીના કદાચ છેલ્લા દસ બાર દિવસ મારી પાસે બચ્યા છે. વતનના એ જ ઘરમાં અંતિમ શ્વાસ લેવાની અદમ્ય ઝંખના મને અહીં ખેંચી લાવી છે. આ ઓરડાની દીવાલોમાં તારી હાજરીની સુગંધ હજુ ઓસરી નથી. અહીંની દીવાલોમાંથી આપણું આખ્ખું શૈશવ ટહુકે છે. અહીં હું તને પ્રત્યક્ષ અનુભવી શકુ છું. રોજ તારી સાથે વાતો કરતો રહું છું. છતાં માનવનું મન લાલચુ ..લોભી છે. મોહ છૂટતો નથી. એકવાર...અંતિમ વાર તને પ્રત્યક્ષ જોવાની ઝંખના છૂટતી નથી. અરૂપ સાથે પણ મનભરીને ઝગડો કરવો છે. મને ભૂલી ગયો એની ફરિયાદ કરવી છે. તારા પતિ સાથે ઝગડો કરાય ને ?

ખેર..! બસ... એકવાર... છેલ્લીવાર તને...

મમ્મીને કહ્યું છે. તેણે તને ફોન કર્યો છે. અને મને જાણ છે. હવે કોઈ પળે અચાનક તું આવી ચડીશ. આવીશને ? એવો પ્રશ્ન અસ્થાને છે. કેમકે હું જાણું છું..તું આવીશ. એક પળના પણ વિલંબ વિના આવીશ. પણ કદાચ તું આવ અને હું ત્યારે બોલી શકું તેમ ન હોઉં..તો ? હવે નિયતિ પર ભરોસો નથી રહ્યો. તેથી અંતિમ વાર મન ભરીને તારી સાથે વાત કરી રહ્યો છું. ઈતિ, સાચ્ચે જ મેં કયારેય અરૂપના ભાગ્યની ઈર્ષ્યા નથી કરી... નહીં કરૂં. પરંતુ આ અંતિમ ક્ષણે ખોટું કેમ બોલું ? ઈતિ, આ ક્ષણે તો મને તેની ઈર્ષ્યા આવે જ છે..પહેલી ને છેલ્લી વાર. મને માફ કરી દેજે. ઈતિ,

અરૂપ સાથે પણ ઘણી વાતો કરવી છે. તારી સાથે તો ફરી એક્વાર લડવું છે, ઝગડવું છે... રિસાવું છે, મનાવું છે..મારી આંખોને... મારા પ્રાણને તારી પ્રતીક્ષા છે. કાલે આંખો બંધ કરી ત્યાં તું મારી સમક્ષ હાજર. આપણે બંને દરિયાના પાણીમાં ઉભા હતા અને હું આગળ જતો હતો. તું પાણીમાં આગળ ન જવા મને વીનવતી હતી કે શું ? પરંતુ મારે તારો હાથ છોડીને જવાનું હતું. અંતિમ સફર પર તો એકલા જ જવાનું હોય ને ? સ્વપ્ન હતું કે સત્ય ?

ઈતિ, મને અંતિમ અલવિદા કરવા કયારે આવે છે ? મને ખીજાઈશ નહીંને ? ના, ના, મન ભરીને ગુસ્સે થજે... તારા ગુસ્સાની પ્રતીક્ષા મને ટકી રહેવાનું બળ આપે છે. ઈતિ... મોડું નહીં કરે ને ? નહીં કરે ને ? ના. મને વિશ્વાસ છે..મારો સાદ આવે ને તું મોડી ન જ પડે...’

અનિકેત...

ઈતિના હાથમાંથી પત્ર કયારે નીચે સરકી ગયો તેની જાણ ઈતિને થઈ નહીં. આંખોમાં બારે મેઘ ખાંગા થયા હતા... તેના હાથમાંથી નીચે પડેલ પત્ર અરૂપે ઉપાડયો. અરૂપની આંખો પત્રના અક્ષરો પર એકીશ્વાસે ફરી રહી. ત્યાં ફોન રણકયો..સામેથી કોઈ કશું બોલે તે પહેલાં જ... ઈતિએ ફોન ઉપર તરાપ મારી અને બોલી ઉઠી.

’હા, મમ્મી, હું આવું છું...આ ક્ષણે જ નીકળુ છું. મમ્મી...’

ડૂસકાઓની વચ્ચે ઈતિનો અવાજ તૂટતો જતો હતો.

’ના, બેટા, હવે તું તારે નિરાંતે આવીશ તો પણ ચાલશે. બહું મોડું કરી નાખ્યું તે... ઈતિ, બહું મોડું... અનિકેત હવે આ દુનિયામાં...’

સામે છેડેથી ધૂ્રજતો અવાજ ઈતિના કાનમાં પડઘાઈ રહ્યો...

‘ અને બેટા, અરૂપને બધી વાત કરી તો હતી... છતાં...

છેલ્લી મિનિટ સુધી અનિકેતની આંખો દરવાજા પર...’

નીતાબહેન આગળ કેટલું યે બોલતાં રહ્યાં. ઈતિ અવાચક... બસ.. બસ... નથી સાંભળવું... કશું જ નથી જાણવું...

ઈતિના હાથમાંથી રીસીવર છટકી ગયું...

મૂઢ ઈતિની આંખો અરૂપને તાકી રહી. તેમાં ઉઠતા અગણિત અનુત્તર પ્રશ્નો...!

અરૂપના હાથમાં રહેલ પત્ર ધુ્રજી રહ્યો હતો કે અરૂપ આખો ધુ્રજી ઉઠયો હતો ?

ઈતિની આંખો જવાબ માગતી હોય તેમ અરૂપ સામે ત્રાટક કરતી રહી.

પણ...

અરૂપ શું બોલે ?