Kurbani Kathao Bhag 2 books and stories free download online pdf in Gujarati

Kurbani Kathao Bhag 2

કુરબાનીની કથાઓ

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.વિવાહ

૨.માથાનું દાન

૩.રાણીજીના વિલાસ

૪.પ્રભુની ભેટ

૫.વીર બંદો

વિવાહ

રાતનો બીજો પહોર જામતો ગયો તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલીખોલીને નગરની રમણીઓ ઘૂમટાનાં ઝીણાં બાકોરામાંથી વર-કન્યાને જોઈ રહી છે. અષાઢના નવમા દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રીએ ધીરું ધીરું આકાશ ગરજે છે, ને ધરતી ઉપર ધીરીધીરી શરણાઈ બોલે છે. એ કોણ પરણે છે ?

એક ક્ષત્રિય રાજા પરણે છેઃ મારવાડનો એક મંડળેશ્વરઃ મેડતાનો તરુણ રાજા. શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહિ તો બીજે ક્યાં વાગે ?

ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળાં ઘેરાય છે. માયરામાં મણિજડિત ઝુમ્મરો લટકે છે, દીવાઓ જાણે એ મણિઓની અંદર પોતાનાં હજારો પ્રતિબિમ્બો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝળહળતા એ લગ્નમંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યો ? દરવાજે આ રણભેરી કોણે બજાવી ? આ ગઢના નગારા પર ડાંડી કેમ પડી ? જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા ? તલવાર ખેંચીને ક્ષત્રિયો વરકન્યાની આસપાસ કાં વિંટાઈ વળ્યા ? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું ?

ના, એ તો મારવાડરાજનો દૂત આવ્યો છે. વરરાજાના હાથમાં એક લોહીછાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છેઃ ‘‘દૂશ્મનો મારવાડમાં આવીને ઊભા છે, મરધરપતિ રામસિંહ રણે ચઢી ચૂક્યા છે. જોધાણનાથે કહાવ્યું છે કે માંડળિકો ! હથિયાર લઈને હાજર થજો. બોલો રાણા રામસિંહનો જય !’’

મેડતાનો રાજા માયરામાં ઊભોઊભો ગરજી ઊઠ્યો કે ‘‘જય, રાણા રામસિંહનો જય !’’ એની ભ્રૂકુટિ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાનાં બિન્દુ જામ્યાં. પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ છલછલ થાય છે. એનું અંગ થરથર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાંસી એક નજર નાખવા જાય ત્યાં દૂત બૂમ પાડી ઊઠ્યો કે ‘‘રાજપૂત, સાવધાન ! હવે સમય નથી.’’ એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કંપી ઊઠ્યોઃ દીવાની જ્યોતો જાણે થંભી ગઈ.

‘‘અશ્વ લાવો, રે કોઈ દોડો ! અશ્વ લાવો.’’ રાજાએ સાદ કર્યો. ચાર નેત્રો મળી ન શક્યાં. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી આંસુ ઊઠ્યાં. તે આંખોને ખૂણે આવીને જ પાછાં વળી ગયાં. હણહણતો અશ્વ આવી પહોંચ્યો. એનો એ લગ્નમુગટ, એ ની એ ગુલાલભરી અંગરખી, હાથમાં એ નો એ મંગળ મીંઢોળઃ ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણિમાળમાં પોતાનાં મોં નિહાળતા રહ્યાં, પુરોહિતનો મંત્રોચ્ચાર અરધે આવીને ભાંગી ગયો, અને શરણાઈના સૂરો શરણાઈના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે ?

કન્યાને અંતઃપુરમાં લાવીને માએ રડતાંરડતાં કહ્યુંઃ ‘‘અભાગણી દીકરી ! પાનેતર ઉતારી નાખ. મીંઢોળ છોડી નાખ. ગયેલો ઘોડેસ્વર હવે ક્યાંથી પાછો આવે ?’’

કુમારી કહેઃ ‘‘પાનેતર ઉતારવાનું કહેશો નહિ, માડી ! ને બાંધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશે હું હમણાં મેડતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહિ, મા ! રાજપૂત પાછો આવ્યા વિના રહેશે નહિ. અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું.’’

પુરોહિતે આવીને આશિર્વાદ દીધો. દુર્વાનાં પવિત્ર તરણાં સાથે બંધાવ્યાં. નગરની નારીઓનાં મંગળ ગીત સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહેલીને દાસદાસીઓ નીકળ્યાં.

માતા બચ્ચી ભરીને કહે છે કે, ‘‘બેટા ! આવજે હો !’’

એની આંખમાં આંસુ સમાયાં નહિં.

બાપુ માથે હાથ મેલીને બોલ્યાઃ ‘‘દીકરી ! આવજે હો !’’ એણે મોં ફેરવી લીધું.

છાનીમાની એણે આંખો લૂછી. ઘૂઘરિયાળી વેલ્ય ધૂળના ગોટા ઉડાડતી પાદર વટાવી ગઈ. નદીને પેલે પાર ઊતરી ગઈ. સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. માબાપ જોઈ રહ્યાં. ઓ જાય ! ઓ દેખાય ! ઓ આકાશમાં મળી જાય ! ઓ શરણાઈનો સૂર સંભળાય !

અધરાત થઈ અને મેડતાપુરના દરવાજા પાસે મશાલનોનો પ્રકાશ ઝળહળી ઊઠ્યોઃ શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી.

નગર દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સહુનાં અંગ ઉપર સફેદ વસ્ત્રો છે.

પ્રજાજનો બૂમ પાડી ઊઠ્યાઃ ‘‘શરણાઈ બંધ કરો.’’

શરણાઈ બંધ પડી. દાસદાસીઓ પૂછ્યુંઃ ‘‘શી હકીકત છે ?’’ નગરજનો બોલી ઊઠ્યાઃ ‘‘મેડતના રાજા આજે યુદ્ધમાં મરાયા.

આંહીં એની ચિતા ખડકાય છે. એને અગ્નિદાહ દેવાશે.’’ કાન માંડીને

રાજકુમારીએ વાત સાંભળી. આંસુનું એકે ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહિ. વેલડીનો પડદો ખોલીને કુમારીએ હાકલ મારીઃ ‘‘ખબરદાર ! શરણાઈ બંધ કરશો મા ! આજે અધૂરાં લગ્ન પૂરાં કરશું. છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું. આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ, ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું. બજાવો શરણાઈ, મીઠામીઠા સૂરની બધીયે રાગરાગણીઓ બજાવી લો.’’

ચંદનની ચિતા ઉપર મેડતારાજનું મૂર્દુ સૂતું છે. માથા પર એ નો એ લગ્નમુગટ, ગળામાં એની એ વરમાળાઃ કાંડા ઉપર એનો એ મીંઢોળઃ વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝબકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટવી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોટા મલકી રહ્યો છે ? વેલ્યમાંથી રાજકુમારી નીચે ઊતર્યાં. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશીકા આગળ બેઠાં. સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. પુરોહિતે સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો.

નગરની નારીઓનાં વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે, પુરોહિત ‘ધન્ય ધન્ય’ પુકારે છે. ચારણો વીરાંગનાનો જયજયકાર બોલાવે છે, અને ભડભડાટ કરતી ચિતા સળગી ઊઠે છે. જય હો એ ક્ષત્રિય યુગલનો !

માથાનું દાન

કોશલ દેશના મહારાજની તોલે તો કોઈ ન આવે. દુઃખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતાઃ એવાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં.

કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે. દેવાલયોમાં ઘંટારવ બજે છે, લોકોનાં ટોળે ટોળાં ગીતો ગાય છેઃ ‘જય કોશલપતિ !’ સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાનાં આંગણાંમાં દીપમાળ પ્રગટાવી છે. કાશીરાજ પૂછે છેઃ ‘‘આ બધી શી ધામધૂમ છે ?’’

પ્રધાન કહે કે, ‘‘કોશલના ધણીનો આજે જન્મદિવસ છે.’’

‘‘મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે ?’’

‘‘મહારાજ ! પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહિ પણ જગત આખાના હ્ય્દય ઉપર રાજ કરે છે. એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે.’’

‘‘એ...એ...મ !’’ કાશીરાજે દાંત ભીંસ્યા. ઈર્ષાથી એનું હ્ય્દય સળગી ઊઠ્યું.

ચૂપચાપ એક વાર કાશીની સેનાએ કોશલ ઉપર છાપો માર્યો. સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા.

સેના વિનાનો એ નાનો રાજા કોશલેશ્વર બીજું શું કરે ? ખડગ ધરીને રણે ચડ્યો, હાર્યો, લજ્જા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા.

‘કોશલનું આખું રાજ મેં કબજે કર્યું છે. એની રિદ્ધિસિદ્ધિ મારી પ્રજા

ભોગવશે. એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ’ એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયાની વાટ જોતો રહ્યો.

પ્રજાએ હાહાકાર કરી મૂક્યો. ઘેરઘેર તે દિવસે શોક પળાયો. રાજાની ઈર્ષાનો ભડકો વધુ ભીષણ બન્યો. દેશેદેશમાં એણે પડો વજડાવ્યો કે ‘‘કોશલરાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું.’’ દેશેદેશમાં ‘ધિક્કાર ! ધિક્કાર !’ થઈ રહ્યું.

જંગલમાં એક ભિખારી ભટકતો હતો. એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યુંઃ ‘‘હે વનવાસી ! કોશલ દેશનો રસ્તો કયો ?’’

ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યુંઃ ‘‘હાય રે અભાગી દેશ ! ભાઈ ! એવું તે શું દુઃખ પડ્યું છે કે તું બીજા સુખી મુલકો છોડીને દુઃખી કોશલ દેશમાં જાય છે ?’’

મુસાફર બોલ્યોઃ ‘‘હું ખાનદાન વણિક છું. ભરદરિયે મારાં બારે વહાણ ડૂબી ગયાં છે. મારે માથે કરજનું કલંક છે. મન ઘણું યે થાય છે આપઘાત કરવાનું. પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય ! હે વનવાસી ! એટલા માટે હું કોશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ. એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ. કમાઈને કરજ ચૂકવીશ.’’

એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું. તુરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં.

એ બોલ્યાઃ ‘‘હે મુસાફર ! તારો મનોરથ પૂરો થશે. મારી સાથે ચાલીશ ?’’

બન્ને જણ ચાલ્યા. કાશીનગરમાં પહોંચ્યા. રાજસભામાં દાખલ થયા. એ જટાધારી ભિખારીના મો ઉપર કોઈ રાજકાંતિ ઝલકતી હતી. કાશીરાજની આંખો એ કંગાળ ચહેરા ઉપર ચોંટી. એણે પૂછ્યુંઃ ‘‘કોણ છો ? શા પ્રયોજને અહીં આવેલ છો ?’’

ભિખારી કહેઃ ‘‘હે રાજન ! સુખસમાચાર દેવા આવ્યો છું.’’

‘‘શું ?’’

‘‘કોશલરાજનું માથું લાવનારને આપ શું દેશો ?’’

‘‘ક્યાં છે ? ક્યાં છે ? લાવ જલદી, સવા મણ સોનું આપું, અઢી મણ સોનું આપું, ક્યાં છે એ માથું ?’’

‘‘રાજાજી ! અઢી મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો.’’

રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા-શો આંખો ફાડી રહ્યો. ‘‘નથી ઓળખતા, કાશીરાજ ? એટલામાં શું ભૂલી ગયા ? ઝીણી નજરે નિહાળી લો, આ કોશલરાજનું જ મોઢું કે બીજા કોઈનું ?’’

‘‘કોશલના સ્વામી ! હું આ શું જોઉં છું ? આ તે સત્ય છે કે સ્વપ્ન ?’’

‘‘સ્વપ્ન નહિ, રાજા ! સત્ય જ જુઓ છો. ચાલો, જલદી ખડક ચલાવો. આ વણિકની આબરુ લૂંટાય છે !’’

ઘડીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા. પછી એણે મોં મલકાવી કહ્યુંઃ ‘‘વાહ વાહ, કોશલપતિ ! મારું આટઆટલું માનખંડન કર્યું ને હજુયે શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ જુક્તિ જમાવી છે કે ! ના ના, હવે તો આપની એ બાજી હું ધૂળ મેળવીશ. આજના નવીન રણસંગ્રામમાં તો હું જ આપને હરાવીશ.’’

એટલું કહી એ જર્જરિત ભિખારીનાં મસ્તક પર કાશીરાજે મુગટ પહેરાવ્યો, અને પોતાની બાજુએ સિંહાસને બેસાર્યા, ને પછી ઊભા થઈ, સન્મુખ જઈ, અંજલિ જોડી કહ્યુંઃ ‘‘હે કોશલરાજ ! રાજ તો પાછું આપું છું, પણ વધારામાં મારું હ્ય્દય પણ ભેટ ધરું છું, બદલામાં તમારું માથું લઉં છું, પણ ખડગની ધાર પર નહિ, મારા હૈયાની ધાર પર.’’

રાણીજીના વિલાસ

કાશીમાં મહારાણી કરુણા એકસો સહિયરોની સાથે નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલાછલ કરતાં વહે છે. અને માહ મહિનાનો શીતળ પવન સૂ સૂ કરતો વાય છે.

નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કોઈ માનવી નથી. પાસે કેટલાક ગરીબ લોકોનાં ઝૂંપડાં છે. રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે માટે સહુ ઝૂંપડાંવાસીઓ બહાર નીકળી જાઓ. એ કારણે ઝૂંપડાં નિર્જન પડ્યાં છે.

ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે. પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે. છલછલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી કોઈ એક નટી જેવી દીસે છે - જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા ને માણેક ઝળહળ થઈ રહેલ છે.

રમણીઓ નહાય છે. અંતઃપુરના બંદીખાનેથી છૂટેલી એકસો સખીઓ આજે શરમનાં બંધન શી રીતે માને ? એકસો કંઠના કલકલ ધ્વનિ, હાસ્યના ખડખડાટ, સુકોમળ હાથના છબછબ અવાજ અને મીઠા વાર્તાલાપઃ નદી જાણે એ બસો હાથની થપાટો ખાઈને પાગલ બની. આકાશમાં જાણે શોર મચ્યો.

નહાઈને મહારાણી કાંઠે આવ્યાં. બૂમ પાડીને બોલ્યાંઃ ‘‘એલી ! કોઈ દેવતા સળગાવશો ? હું ટાઢે થરથરું છું.’’

સો સખીઓ છૂટી અને ઝાડની ડાળીઓ ઝાલીને તાણવા લાગી પણ એ સુકોમળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત ક્યાંથી હોય ? રાણીએ બૂમ મારીઃ ‘‘અલી ! જુઓ, આ સામે ઘાસનાં ઝૂંપડાં રહ્યાં. એમાંથી એક ઝૂંપડાને દીવાસળી લગાવો. એના તાપમાં હું હાથપગનાં તળિયા તપાવી લઈશ.’’

માલતી નામની દાસી કરુણ કંઠે બોલીઃ ‘‘રાણીમા ! આવી તે મશ્કરી હોય ! એ ઝૂંપડીમાં કોઈ સાધુસંન્યાસી રહેતા હશે કોઈ ગરીબ પરદેશી રહેતાં હશે, એ બિચારાંના એક નાના ઘરને પણ સળગાવી દેશો ?’’

‘‘અહો, મોટાં દયાવંતાં બા ?’’ રાણીજી બોલ્યાંઃ ‘‘છોકરીઓ ! કાઢો અહીંથી આ દયાળુની દીકરીને અને સળગાવી દો એ ઝૂંપડું. ટાઢમાં મારા પ્રાણ નીકળી જાય છે.’’

દાસીઓએ ઝૂંપડાને દીવાસળી લગાવી. પવનના સુસવાટાની અંદર જ્વાલા ભભૂકી, પાતાળ ફોડીને નીકળેલ અંગારમય નાગણીઓ જેવી એ મદોન્મત સ્ત્રીઓ ગાનગર્જન કરતી કરતી માતેલી બની ગઈ.

પ્રભાતનાં પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા. ઝાડ ઉપર કાગડા ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા. એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે દા લાગ્યો. જોતજોતામાં તો બધાં ઝૂંપડાં બળીને ભસ્મ થયાં.

અરુણરંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવતાં રાણીજી, રમતાં ને ખેલતાં, સખીઓની સાથે પાછાં વળ્યાં.

રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા. પોતાનાં ઝૂંપડાંને રાણીજીની ટાઢ ઉડાડવા માટે આગ લાગી ગઈ એટલે ગૃહહીન બનેલાં ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો રાજાજીએ વાત સાંભળી. એની

મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ. તત્કાળ પોતે અંતઃપુરમાં પધાર્યા.

‘‘રાણીજી ! અભાગણી પ્રજાનાં ઘરબાર બાળી ખાખ કર્યાં તે કયા રાજધર્મ અનુસાર ?’’ રાજાજીએ પ્રશ્ન કર્યો.

રિસાઈને રાણી બોલ્યાઃ ‘‘કયા હિસાબે એ ગંદાં ઝૂપડાંને તમે ઘરબાર કહો છો ? એ પચીસ ઝૂંપડાંનું કેટલું મૂલ્ય ? રાજરાણીના એક પ્રહરના અમનચમનમાં કેટલું દ્રવ્ય ખરચાય છે, રાજાજી ?’’

રાજાની આંખોમાં જ્વાલા સળગી. રાણીને એણે કહ્યુંઃ ‘‘જ્યાં સુધી આ રાજવી ઝરૂખામાં બિરાજ્યાં છો ત્યાં સુધી નહિ સમજાય કે કંગાલોનાં ઝૂંપડાં બળી જાય તો કંગાલોને દુઃખ પડે. ચાલો, હું તમને એ વાત બરાબર સમજાવું.’’

રાજાજીએ દાસીને બોલાવી આદેશ દીધોઃ ‘‘રાણીના રત્નાલંકારો કાઢી નાખો, એના અંગ ઉપરની સુવાળી ઓઢણી ઉતારી લો.’’

અલંકારો ઊતર્યાં. રેશમી ઓઢણી ઊતરી.

‘‘હવે કોઈ ભિખારી નારીનાં વસ્ત્રો લાવી રાણીને પહેરાવો.’’ રાજાએ હુકમ કર્યો.

દાસીએ આજ્ઞાનુસાર કર્યું. રાજાજી રાણીનો હાથ ઝાલીને રાજમાર્ગ પર લઈ ગયા. ભર મેદની વચ્ચે રાજાએ કહ્યું કે, ‘‘કાશીનાં અભિમાની મહારાણી ! નગરને બારણે બારણે ભીખ માગતાં માગતાં ભટકજો. એ ભસ્મીભૂત ઝૂંપડાં ફરી વાર ન બાંધાવી આપો ત્યાં સુધી પાછાં ફરશો મા. વરસ દિવસની મુદત આપું છું. એક વરસ વીત્યે ભરસભામાં આવી, માથું નમાવી, પ્રજાને કહેજો કે થોડીએક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ !’’

રાજાજીને આંખોમાં આંસુ છલકાયાં, રાણીજી એ ભિખારિણીને વેશે ચાલી નીકળ્યાં. તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શક્યા નહિ.

પ્રભુની ભેટ

આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં.

કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં.

કોઈ આવીને કહેશેઃ ‘‘બાબા ! એકાદ મંત્ર સંભળાવીને મારું દરદ નિવારોને !’’

કોઈ સ્ત્રીઓ આવીને વિનવશે કે ‘‘મહારાજ ! પાયે પડું, એક દીકરો અવતરે એવું વરદાન દોને !’’

કોઈ વૈષ્ણવજન આવીને આજીજી કરશે કે ‘‘ભક્તરાજ ! પ્રભુનાં સાક્ષાત્‌ દર્શન કરાવો ને !’’

કોઈ નાસ્તિક આવીને ધમકાવશે કે ‘‘ઓ ભક્તશિરોમણિ, દુનિયાને ઠગો નહિ. પ્રભુ પ્રભુ કૂટી મરો છો, તે એક વાર પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત તો કરો કે પ્રભુ છે !’’

સહુની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ કહેતાઃ ‘‘રામ ! રામ !’’

મોડી રાત થાય ને માણસોનાં ટોળાં વિખરાય ત્યારે ભક્તરાજ એ નિર્જન ઝૂંપડીમાં એકલા બેસી ઈશ્વરનું આરાધન કરતા. એની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી. ગદ્‌ગદ્‌ સ્વરે એ પ્રભુને કહેતા કે ‘‘હે રામ ! મેં તો જાણ્યું કે તેં દયા કરી મને કંગાલ યવનને ઘેર જન્મ આપ્યો, કે જેથી મારી આગળ કોઈયે નહિ આવે મને કોઈયે નહિ બોલાવે, સંસાર ધિક્કાર દઈને મને એકલો છોડશે, ને સહુનો તરછોડેલો હું તારી પાસે આવીને શાંત કીર્તન કર્યા કરીશ, તું ને હું બેઉ છાનામાના મળશું. પણ રે હરિ ! આવી કપટબાજી શા માટે આદરી ? મને શા અપરાધે છેતર્યો ? તું જ, હે નિષ્ઠુર માયાવી ! તું જ આ ટોળેટોળાંને છાનોમાનો મારી ઝૂંપડી દેખાડી રહ્યો છે. મને સતાવવા મારે આંગણે માણસોને બોલાવીને તું ક્યાં ભાગી જાય છે. હે ધુતારા ?’’

આમ રુદન કરતાં કરતાં આખી રાત વીતી જતી.

નગરીના બ્રાહ્મણોની અંદર મોટો કોલાહલ ઊઠ્યો. બ્રાહ્મણો બોલ્યા કે, ‘‘ત્રાહિ ! ત્રાહિ ! એક મુસલમાન ધુતારાના મોંમાં હરિનું પવિત્ર નામ ! એ ખળતા પગની રજ લઈને લોકો ભ્રષ્ટ થાય છે ! અરેરે ! હડહડતો કળિયુગ આવી પહોંચ્યો. પૃથ્વી હવે પાપનો ભાર ક્યાં સુધી ખમી રહેશે !’’

બીજો બ્રાહ્મણ બોલ્યોઃ ‘‘ધરતી માતાને ઉગારવી હોય તો ઈલાજ કરો, જલદી ઈલાજ કરો, નહિ તો ધરતી રસાતાળ જશે.’’

બ્રાહ્મણોએ ઈલાજ આદર્યો. એક હલકી સ્ત્રીને બોલાવી, એના હાથમાં રૂપિયાની ઢગલી કરીને કહ્યું કે, ‘‘એ ભગતડાનો ભરબજારે ભવાડો કરજે.’’ સ્ત્રી બોલી કે ‘‘આજે જ પતાવી દઉં.’’

પોતાની શાળ ઉપર પાણકોરું વણીને ભક્તરાજ એ દિવસે બજારમાં વેચવા નીકળ્યો. ચારેય બાજુથી બ્રાહ્મણો આવીને ગોઠવાઈ ગયા હતા. અચાનક પેલી બાઈ દોડી આવી. ચોધારાં આંસુ પાડતી પાડતી એ કબીરને વળગી પડી, ડૂસકાં ખાતી ખાતી બોલવા લાગી કે, ‘‘રોયા ભગતડા ! મને અબળાને આવી રીતે રખડાવવી હતી કે ! શું જોઈને તે દિવસ વચન આપી ગયો હતો ? વિના વાંકે મને રખડતી મૂકીને પછી સાધુનો વેશ સજ્યો ! હાય રે ! મારા પેટમાં ઓરવા એક મૂઠી અનાજ પણ ન મળે. મારાં અંગ ઢાંકવા એક ફાટેલ લૂગડું યે નથી રહ્યું, ત્યારે આવા ધુતારાની જગતમાં પૂજા થાય છે.’’

ભક્તરાજ લગારે ચમક્યા નહિ, જરા યે લજ્જા પામ્યા નહિ. એનું પવિત્ર મુખારવિંદ તો મલકાતું જ રહ્યું.

પલવારમાં તો બ્રાહ્મણોએ કકળાટ કરી મૂક્યોઃ ‘‘ધિક્કાર છે. ધુતારા ! ધર્મને નામે આવાં ધતિંગ ! ઘરની બાયડી ભડભડતે પેટે ભીખ માગી

રહી છે, અને તું લોકોને પ્રભુને નામે ઠગીને અમનચમન ઉડાવી રહ્યો છે ! ફિટકાર છે તને, ફિટકાર છે તારા અંધ સેવકોને !’’

મલકાતે મુખે કબીરજી બોલ્યાઃ ‘‘હે નારી ! સાચોસાચ મારો અપરાધ થયો છે. મારે આંગણે અન્નજળ હોય ત્યાં સુધી હું તને ભૂખી નહિ રહેવા દઉં, મને માફ કર, ચાલો ઘેર !’’

લોકોના ધિક્કાર સાંભળતાં સાંભળતાં સાધુવર એ સ્ત્રીનો હાથ પકડીને ચાલ્યા. બજારમાં કોઈ હસે છે, કોઈ ગાળો દે છે, કાંકરા ફેંકે છે, તો યે ભક્તરાજ હસતા જ રહ્યા. એની આંખોમાં કોઈ નવીન નૂર ઝળકતું હતું. શેરીએ શેરીએ સ્ત્રી-પુરુષો ટોળે વળ્યાં. પગલે પગલે શબ્દો સંભળાયા કે ‘‘જોયો આ સાધુડો ? જગતને ખૂબ છેતર્યું !’’

ઝૂંપડીએ જઈને કબીરજીએ બાઈને મીઠે શબ્દે આદર કરી બેસાડી. એની આગળ જમવાનું ધરીને સાધુવર હાથ જોડી બોલ્યાઃ ‘‘બહેન ! ગભરાઈશ નહિ. શરમાઈશ નહિ. મારા વહાલા હરિએ જ આજ તને આ ગરીબને ઘેર ભેટ કરી મોકલી છે.’’ સાધુવર એમ કહીને એ નારીને નમ્યા.

એ અધમ નારીનું હ્ય્દય પલકવારમાં પલટી ગયું. જૂઠાં આંસુ ચાલ્યાં ગયાં, સાચાં આંસુની ધરા છૂટી. એ બોલીઃ ‘‘મને ક્ષમા કરો ! પૈસાના લોભમાં પડીને મેં મહાપાપ કરી નાખ્યું, મહારાજ ! હું આપઘાત કરી મરીશ.’’

‘‘ના રે ના, બહેન ! મારે તો આજ લીલા લહેર થઈ. હરીએ મારો ઠપકો બરાબર સાંભળ્યો. લોકો હવે મને સુખે બેસવા દેશે. આપણે બંને આંહીં હરિનાં કીર્તનો ગાશું. તું ગભરાતી નહીં.’’

ભક્તરાજે જોતજોતામાં તો એ અધમ જીવાત્માને ઊંચે લઈ લીધો. દેશભરમાં વાત વિસ્તરી કે કબીરિયો તો એક પાખંડી દુરાચારી છે.

કબીરજી એ વાતો સાંભળીને માથું નીચે નમાવે છે ને બોલે છેઃ ‘‘વાહ પ્રભુ ! હું સહુથી નીચે, બરાબર તારાં ચરણ આગળ.’’

રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે, ‘‘ભક્તરાજ ! પધારો, તમને રાજાજી યાદ કરે છે.’’

ભક્ત માથું ધુણાવીને બોલ્યા કે, ‘‘નહિ રે બાબા ! રાજદરબારમાં મારું સ્થાન ન હોય.’’

‘‘રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે, મહારાજ !’’

‘‘બહુ સારું ! ચાલો, હું આવું છું.’’

પેલી બહેનને સાથે લઈને કબીર રાજસભામાં આવ્યા. સભામાં કોઈ હસે છે, કોઈ આંખના ઈશારા કરે છે, કોઈ માથું નીચે ઢાળે છે.

રાજા વિચારે છે કે, અરેરે ! આ જોગટો બેશરમ બનીને બાયડીને કાં સાથે ફેરવે ?

રાજાની આજ્ઞાથી પહેરેગીરે ભક્તને સભાની બહાર હાંકી મૂક્યા. હસીને ભક્ત ચાલ્યા ગયા.

રસ્તામાં એ સંત ઉપર લોકોએ બહુ વીતકો વિતાડ્યાં. પેલી બાઈ રડી, ભક્તને ચરણે નમીને બોલીઃ ‘‘હે સાધુ ! મને દૂર કરો. હું પાપણી છું. તમારે માથે મેં દુઃખના દાભ ઉગાડ્યા.’’

સાધુ હસીને કહેઃ ‘‘ના રે, માતા ! તું તો મારા રામની દીધેલી ભેટ છે. તને હું કેમ છોડું ?’’

વીર બંદો

પંચ સિંધુઓને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઊઠ્યાઃ ‘‘જય ગુરુ, જય ગુરુ !’’

નગરે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ પર એ ઘોષણાનો પડઘો પડ્યો. જોતજોતામાં તો એકાએક શીખ જાગી ઊઠ્યો. માથા લાંબા કેશ સમારીને એણે વેણી બાંધી, કમર પર કિરપાણ લટકાવ્યાં, વહાલાં સ્વજનોની માયા-મમતા ઉતારી, અને વૈરીજનોનો, વિપત્તિનો, મોતનો ડર વીસાર્યો. હજારો કંઠમાંથી ભભૂકતી જયઘોષણાએ દસેય દિશાઓને ધણધણાવી દીધી. શીખ કોમના બચ્ચાઓ પોતાની નવજાગૃતિના સૂર્ય સામે અનિમેષ નયને નિહાળી રહ્યા.

‘અલખ નિરંજન ! અલખ નિરંજન ! અલખ નિરંજન !’

‘અલખ નિરંજન’નો એ બુલંદ લલકાર ઊઠે છે. દુનિયા સાથેની સ્નેહગાંઠનાં બંધનો તૂટે છે, ભય બધા ભાંગી પડે છે, હજારો છાતીઓ સાથે અફળાઈને ખુશખુશાલ કિરપાણો ઝનઝન ઝંકાર કરે છે. પંજાબ આખો ગાજી ઊઠ્યો છેઃ ‘અલખ નિરંજન ! અલખ નિરંજન !’

એ એક એવો દિવસ આવ્યો છે કે જ્યારે લાખમલાખ આત્માઓ રુકાવટને ગણકારતા નથી, કોઈનું કરજ શિરે રાખતાં નથી, જીવન અને મૃત્યુ જ્યારે માનવી-ચરણોનાં ચાકરો બની જાય છે ચિત્ત જ્યારે ચિંતાવિહીન બને છે : એવો એક દિવસ આજે પંચ-સિંધુને કિનારે આવી પહોંચ્યો છે.

દિલ્હીના શાહી મહેલની સુખશય્યામાં તે વખતે બાદશાહી આંખ મળતી નથી. જરીક ઢળતાં પોપચાં ઝબકી ઝબકીને ઊઘડી જાય છે. બાદશાહ તાજ્જૂબ બની રહ્યો છે. આ ઘોર મધરાત્રીએ એ કોના કંઠ ગગનઘુમ્મટને ગજાવે છે ? આ કોની મશાલો આકાશના લલાટ પર આગ લગાડી રહી છે ? આ કોના દળકટક દિલ્હી નગર પર કદમ લેતાં આવે છે ? પંચસિંધુના કિનારા પર શું આ શીખ દેશભક્તોનાં રુધિર ચડ્યાં છે ?

માળામાંથી પાંખો પસારીને નીકળતાં પક્ષીઓની માફક વીર હૈયાં આજે લાખો છાતીઓ ચીરીને જાણે પાંખો ફફડાવતાં નીકળી પડ્યાં છે. પંચ- સિંધુને તીરે આજે નેતાઓ બેટાઓના લલાટ પર પોતાની ટચલી આંગળીનાં લોહી કાઢી તિલક કરે છે.

તે દિવસના ઘોર રણમાં મુગલો ને શીખો વચ્ચે મરણનાં આલિંગન ભિડાવ્યાં. એકબીજાએ સામસામી ગરદનો પકડી, અંગેઅંગનાં આંકડા ભીડ્યા. ગરુડ-સાપનાં જાણે જીવલેણ જુદ્ધ મંડાયાં. ગંભીર મેઘનાદે શીખબચ્ચો પુકારે છે કે ‘જય ગુરુ ! જય ગુરુ !’ રક્તતરસ્યો મદોન્મત્ત મુગલ ‘દીન ! દીન ! દીન !’ના લલકાર કરે છે.

ગુરુદાસપુરના ગઢ ઉપર શીખ સરદાર બંદો મુગલોના હાથમાં પડ્યો. તુરક સેના અને દિલ્હી ઉપાડી ગઈ. સાતસો શીખો પણ એની સાથે ચાલી નીકળ્યા.

મોખરે મુગલ સેના ચાલે છે, અને એના માર્ગમાં ડમરી ઊડીને આકાશને ઢાંકે છે. મુગલોનાં ભાલાં ઉપર કતલ થયેલા શીખોનાં મસ્તકો લટકે છે. પાછળ સાતસો શીખો આવે છે, અને એના પગની સાંકળો ખણખણાટ કરતી જાય છે. દિલ્હી નગરીના માર્ગ ઉપર માણસો માતાં નથી. ઊંચી ઊંચી અટારીઓની બારીઓ ઉઘાડીને રમણીઓ જોઈ રહી છે. એ સાતસો બેડીબંધ શૂરવીરોના સાતસો કંઠમાંથી પ્રચંડ ગર્જના છૂટે છે : ‘અલખ નિરંજન ! અલઘ નિરંજન ! અલખ નિરંજન !’

સાતસો બંદીવાનોને ખબર પડી કે આવતી સવારથી કતલ શરૂ થશે. ‘હું પહેલો જઈશ.’ ‘ના, હું પહેલી ગરદન ઝુકાવીશ.’ એ ચડસાચડસીથી શીખ કારાગાર ગુંજી ઊઠ્યું. પ્રત્યેક દિવસના પ્રભાતે સો સો બંદીવાનોનાં માથાં રેંસવા લાગ્યાં. ‘જયગુરુ !’ એ ઉચ્ચાર કરતી કરતી સો સો ગરદનો જાલિમની સમશેર નીચે નમતી ગઈ. સાત દિવસમાં તો શીખ બંદીવાન ખાલી થયું, બાકી રહ્યો એકલો વીર બંદો.

પ્રભાત થયું. સભામાં વીર બંદો સાંકળોમાં બંધાયેલો ઊભો છે. એના મોં ઉપર લગારેય વેદનાની નિશાની નથી. ત્યાં કાજીએ સાત વરસના એક સુંદર બાળકને હાજર કર્યો, બંદાના હાથમાં એ બાળકને સોંપીને કાજી બોલ્યાઃ ‘‘બંદા ! બે ઘડી બાદ તો તારે છેલ્લી મુસાફરીએ ચાલી નીકળવાનું છે. પણ મુગલોને હજુ યે તારું પરાક્રમ જોવાની ઉમેદ રહી ગઈ છે. તો લે, આ બહાદુર ! આ બાળકનું માથું તારે પોતાને હાથે જ ઉડાવી દે.’’

બંદાનું પરાક્રમ શું એ બાળકના શરીર ઉપર અજમાવવાનું હતું ? એ બાળક કોણ હતો ?

એ કિશોર બાળક બંદાનો સાત વરસનો એકનો એક પુત્ર હતોઃ બંદાના પ્રાણનો પણ પ્રાણ હતો.

બંદાએ મોંમાંથી એક સખુન પણ ઉચ્ચાર્યો નહિ. પોતાના બાળકને બંદાએ ખેંચીને પોતાની છાતી સાથે ચાંપી લીધો. જમણો પંજો એ બાળકના માથા પર ધરી રાખ્યો, એના રાતા હોઠ ઉપર ચૂમી કરી, ધીરે ધીરે કમ્મરમાંથી કિરપાણ ખેંચ્યું. બાળકની સામે જોઈને બાપે એના કાનમાં કહ્યુંઃ ‘‘બોલો બેટા ! બોલોઃ જય ગુરુ ! બીતો તો નથી ને ?’’

‘‘જય ગુરુ !’’ બાળકે પડઘો પાડ્યો. એ નાનકડા મોં ઉપર મોતની આકાંક્ષા ઝળહળી ઊઠી એના કિશોર કંઠમાંથી ધ્વનિ નીકળ્યો કે ‘‘બીક શાની, બાપુ ? જય ગુરુ ! જય !’’ એટલું બોલીને બાળક બાપના મોં સામે નિહાળી રહ્યો.

ડાભી ભુજા બંદાએ બાળકની ગરદનને વીંટાળી દીધી, ને જમણા હાથની કિરપાણ એ નાનકડી સુકોમળ છાતીમાં હુલાવી દીધી. ‘‘જય ગુરુ !’’ બોલીને બાળક ધરતી પર ઢળી પડ્યો.

સભા સ્તબ્ધ બની. ઘાતકોએ આવીને બંદાના શરીરમાંથી ધગેલી સાણસી વતી માંસના લોચેલોચા ખેંચી કાઢ્યા.

વીર નર શાંત રહીને મર્યો. અરેરાટીનો એક શબ્દ પણ એણે ઉચ્ચાર્યો નહિ. પ્રેક્ષકોએ આંખો મીંચી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED