Samay ni Kimat Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Samay ni Kimat

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : સમયની કિંમત

શબ્દો : 1017
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

સમયની કિંમત

આપણે અત્યારનાં ઝડપીયુગમાં એટલાં તો અટવાઈ ગયાં છીએ કે દરેક વસ્તુ દરેક કાર્ય તેનાં સમય પર એક ટાઈમ ટેબલની જેમ જ કરવું એવો આગ્રહ રાખીએ છીએ અને એવા ટાઈમ ટેબલીયા જીવનમાં ઘણીવાર સમય સૂચકતા નથી વાપરી શકતા, એવી સમય સૂચકતા કે જેનો વસવસો આપણને જિંદગીભર યાદ રહી જાય,
નાની નાની વાર્તાઓ દ્વારા અહીં મારો પણ સતત પ્રયાસ એવો જ રહે છે કે આજનાં કહેવાતા એવા ઝડપી યુગમાં સમયની સંબંધની કિંમત સમજાવી શકાય.

અહીં કંઈકેવું સમજાવવાનો પ્રયત્ન કરવા માંગુ છું કે ઘણીવાર આપણે લાલચમાં આવી જઈને આપણી પાસે જે છે તે ગુમાવી દેતા હોઈએ છીએ માત્ર એક એવાં ભ્રમમાં કે હજુ તો આના કરતાંય ઘણું સારું આપણને મળી રહેશે. પણ ખરેખર એવું વિચારતાં એવાં આપણે શું ખરેખર ફાયદામાં રહીએ છીએ ખરાં ? કે પછી ધીમે ધીમે ફાયદાનાં ભ્રમમાં બધું જ ગુમાવી દઈએ છીએ એટલે સુધી કે હાથ રહેલ વસ્તુ પણ વાપરી શકવાનાં રહેતાં નથી. હાથમાં રહેલ સમય પણ ક્યારે વીતી જાય છે આપણને લોભની પાછળ દોડતાં દોડતાં ખ્યાલ સુધ્ધાં રહેતો નથી અને આપણે પણ સમય કરતાં પાછળ રહી જઈએ છીએ આવો સમજીએ કે આવું કેવી રીતે થાય છે આ વાર્તા મારી વાતને વધુ સ્પષ્ટ કરે છે.

એક હતા સાધુ મહાત્મા. દૂર જંગલમાં મઢૂલી બાંધીને રહે. આજુ બાજુના ગામમાં એમની ભારે મોટી નામના. શરીરે વાઘનું ચામડું વીંટાળે. લોકો એમના આશીર્વાદ લેવા પડાપડી કરે. કોઈ કહેતું એમની ઉંમર દોઢસો વર્ષની છે. અમારા દાદાના દાદાએ એમને આવા જ જોયેલા. મહાત્માજી ભારે પવિત્ર. લોકોને ઉપદેશ આપે. લોકો તેમની વાત ધ્યાનથી સાંભળે. સુખદુ:ખમાં કેમ રહેવું તે જાણી આનંદ પામતા ઘેર જાય. આ મહાત્માજીનાં દર્શને એક પંદર વર્ષનો બ્રાહ્મણનો છોકરો આવે. તેનું નામ વેણીશંકર. વેણીશંકરના મા-બાપ મરી ખૂટેલાં. ઘેર એકલો. તેને મહાત્માજીની સેવા કરવાનું મન થયું.


એક દિવસ તેણે બાબાજીને કહ્યું : બાબાજી, મને તમારો ચેલો બનાવશો?’ મહાત્માજીએ ભોળા યુવાન સામે જોયું. ‘બેટા, તું હજી કુમળી વયનો છે. તારે હજુ સંસાર જોવો જોઈએ. લગ્ન કરવાં જોઈએ, પાછલી ઉંમરમાં સાધુ બનજે !’ પણ વેણીશંકરે તો સેવા કરવાની હઠ લીધી. મહાત્માજીએ છોકરા વિશે લોકોને પૂછપરછ કરી. વેણીશંકર એકલો જ હતો. મહાત્માજીએ એને ચેલા તરીકે સ્વીકાર્યો. વેણીશંકર ઘેર તાળું મારી મહાત્માજીની સેવામાં લાગી ગયો. રોજ મઢૂલીને વાળીઝૂડી સાફ કરે, પાણી ભરી લાવે, જંગલમાંથી ફળ-ફૂલ વીણી લાવે. ગુરુજી રોજ એક કલાક તેને ઉપદેશ આપે.

આમ દિવસો વીતી ગયા, વર્ષો પણ વીત્યાં. એક દિવસ ગુરુજીને થયું કે, હવે વેણીશંકરને પાછો મોકલવો જોઈએ. તેમણે વેણીશંકરને પાસે બોલાવી કહ્યું : ‘બેટા, હવે તારે તારા ગામ જવું જોઈએ.’ ગુરુજીની વાત સાંભળી તેને પોતાનું ગામ…તેનું ઘર સાંભર્યું. ઘેર જઈને ખાવું શું? તેને યાદ આવી ગયું કે ખરચી માટે ગુરુજીને વાત કરું. લોકો કહે છે કે ગુરુજી પાસે પારસમણિ છે. જે લોઢાને અડતાં જ સોનું બનાવી દે છે. જો પારસમણિ મળી જાય તો જિંદગીની નિંરાત થઈ જાય!તેણે ધીરે રહીને વાત ઉપાડી : ‘ગુરુજી, મારી એક વિનંતી છે!’ ગુરુજી કહે, ‘બોલ…’


મને પારસમણિ આપો તો મારા સંસારનું ગાડું ચાલ્યું જાય.’ ગુરુજી થોડીવાર વિચારમાં પડી ગયા. પછી ધીરેથી કહે, ‘વેણી, જો તને બે દિવસ માટે પારસમણિ આપું છું. આજ માટે અને કાલ માટે. કાલ સાંજે હું પાછો લેવા તારા ઘેર આવીશ.’

વેણીશંકરને થયું કે, બે દિવસ તો ઘણા છે. અરે એક કલાક પણ મળે તોય બહુ કહેવાય! કેટલું લોઢું સોનામાં ફેરવી શકાય!’ તેણે હાથ જોડી ગુરુજીને કહ્યું : ‘ભલે, આપ કાલે સાંજે મારે ત્યાં પધારજો.’ ગુરુજીએ ઝોળીમાંથી પારસમણિ કાઢયો. તેની સામે ઘીનો દીવો પેટાવ્યો. ધૂપ-દીપ કરી થોડા મંત્રો ભણ્યા. સદગુરુને આ વિધિ કરતા જોઈ વેણીશંકર હાથ જોડી બેસી રહ્યો. થોડી વારમાં પારસમણિમાં દીવા જેવું તેજ પ્રગટ્યું. ગુરુજીએ તેને એક ડબીમાં રૂ સાથે મૂકી ડબી બંધ કરી આપી. ‘જો…આ ત્રણ દિવસે નકામો બની જશે. જે કરવું હોય તે કાલ સાંજ સુધીમાં કરજે. હું કાલ સાંજે આવી પાછો લઈ જઈશ.


વેણીશંકર પ્રણામ કરી વિદાય થયો. એનું ગામ જરા દૂર હતું. કંઈ વાહન હતું નહીં, તેથી ચાલતો ઘેર ગયો. પણ થાકી ગયો. બપોર પછી ઘેર પહોંચ્યો. ઘરને વાડીઝૂડી સાફ કર્યું. પછી તેણે વિચાર કર્યો કે, કયા લોખંડને પારસમણિ અડાડવો! ઘરમાં ઝાઝું લોખંડ નથી એટલે બજારમાં જઈ લોખંડનાં મણીકં લઈ આવું! દસેક મણીકાંને પારસમણિ અડાડીશું એટલે જિંદગીનું દળદર મટી જશે. એને થાકના લીધે ઊંઘ આવતી હતી, એટલે થયું કે લાવને જરા ઊંઘ ખેંચી લઉં, હજુ તો કાલનો આખો દિવસ બાકી છે.


જેવો સૂતો કે ઘસઘસાટ ઊંઘી ગયો. આંખ ખુલી તો સૂરજ આથમવા ગયો હતો. એણે ઝટપટ કપડાં પહેર્યાં. ઊપડ્યો બજારમાં. પણ નસીબ બે ડગલાં આગળ હતું. કોઈ તહેવારના લીધે ગામની બજારો બંધ હતી.


કંઈ વાંધો નહીં, કાલે બજારમાં આવીશ.’ આમ નક્કી કરી ઘેર ગયો. રસોઈ બનાવી જમ્યો, પછી ઊંઘી ગયો. બીજો દિવસ થયો. સવારમાં નાહી-ધોઈ પૂજામાં બેઠો. મોડેથી રસોઈ કરી. પછી બજારમાં નીકળ્યો. વેપારીને ત્યાં મણીકાંની તપાસ કરી. મણીક એટલે મણ. (વીસ કિલો જેટલું જૂનું કાટલું) એક જ દુકાને એને દસ મણનાં કાટલાં થોડાં મળે?’ બહુ બહુ તો બે કાટલાં હોય!એક દુકાનદારે તેને પૂછ્યું : ‘કેમ મહારાજ, દસ મણીકાં તમારે શું કામ જોઈએ છે?’‘
મારે મણીકાં પૂજવાં છે !’ વેણીશંકરે મજાકમાં જવાબ આપ્યો.‘
તમને પૈસા ચૂકવીએ છીએ…..પછી શી પંચાત?’


દુકાનદાર કહે, ‘આ તો સહજ પૂછું છું! કહો તો બધી દુકાનેથી મણીકાં ભેળાં કરી પછી લારીમાં મૂકી મજૂર જોડે તમારે ઘેર મોકલું!’ ‘હા, તો પછી એમ કરો…ઘેર મોકલી આપો. હું ઘેર જ છું. તમારા ભરોસે કામ છોડું છું.’
‘તમતમારે બેફિકર રહો, જાવ.’ દુકાનદાર બોલ્યો. વેણીશંકર ગયો. એટલે દુકાનદાર પણ આડો પડ્યો. ગાદી પર બેસનાર પણ આળસુ હોય છે. સમય વહેવા લાગ્યો. સાંજ પડી ગઈ. વેણીશંકર હાંફળો-ફાંફળો દુકાનદાર પાસે આવ્યો. ‘અરે…મહારાજ હમણાં એકઠાં કરું. બીજી દુકાનેથી મંગાવતાં કેટલી વાર?’ સૂરજ આથમી જશે એ બીકે વેણીશકરે તાકીદ કરી. મજૂર બધી દુકાને ફરી વળ્યો. દસ મણીકાં એકઠાં થયાં. તેણે લારીમાં મૂકી ઘેર લાવ્યાં.

વેણીશંકર ઉતાવળો ઉતાવળો ઘેર પહોંચ્યો. પણ સમય વીતી ગયો હતો. સૂરજદાદા એમનું રતુંમડું મોં ધરતીની ગોદમાં છુપાવી ગયા. વેણીશંકરે ઝટપટ ઘીનો દીવો પેટાવ્યો. પારસમણિ કાઢી એક મણીકાંને અડાડી જોયો…પણ તે તો લોખંડનું લોખંડ રહ્યું. વેણીશંકરે કપાળ કૂટ્યું. એવામાં પેલા ગુરુજી આવી પહોંચ્યા. ‘વેણીશંકર સમય વીતી ગયો. પારસમણિ?’ વેણીશંકર ગુરુજીને પગે લાગ્યો. બધી હકીકત રડતાં રડતાં કહી સંભળાવી.ગુરુજી કહે, ‘મૂરખ, તારા નસીબ આડેથી પાંદડું ન ખસ્યું. આજનું કામ કાલ પર ન કરાય! તને બે દિવસ મળ્યા હતા. ફટ ભૂંડા! પારસમણિને ઘરની ચીજો…. લોખંડના કડાં, સાંકળ, ખીલા, ખીલીઓ, કોશ, પાવડો….જે મળે તેને અડાડ્યો હોત તો! પણ તું લોભમાં તણાયો. બધું જ ગુમાવ્યું. તારા લોભને થોભ નથી. વળી આજનું કામ અત્યારે જ કરવાની ત્રેવડ નથી. માટે તારાં કરમ ભોગવ. હવે પારસમણિ તો ફરીથી સિદ્ધ નહીં થાય. પણ આ લે સોનાની કંઠી… તેમાંથી આજીવિકા ચલાવજે!’ મહાત્માજી પારસમણિ લઈને વિદાય થયા.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888